પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ

AA

|| પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ ||

ક્રોધ-માન-માયા-લોભ વગેરે આંતરશત્રુઓને દૂર હટાવનાર – આત્માને નિર્મળ બનાવનાર અને આત્મા સાથે જોડતું પર્યુષણ પર્વ પર્વાધિરાજ તથા શિરોમણિ પર્વ છે.

આથી જ પર્યુષણને અનેક ઉપમાઓ આપી છે; જેમકે અમૃતની (ઔષધમાં શ્રેષ્ઠ), જેમ કે કલ્પવૃક્ષની (વૃક્ષમાં શ્રેષ્ઠ), જેમ કે ચંદ્રની (તારાઓમાં શ્રેષ્ઠ).

જેમ સુગંધ વગર ફૂલ કામનું નથી અને શીલ વિના નારી શોભતી નથી. તેમ પર્યુષણ પર્વની આરાધના વિના સાધુ કે શ્રાવકનું કુળ શોભતું નથી. આજે આપણે આવા ક્ષમાધર્મના વાહક એવા પર્વાધિરાજ પર્યુષણને મોતીથી વધાવીએ. કાળામેશ બનેલા મલિન આત્માને સાફસૂફ કરવાનો પર્યુષણ પર્વ એક મહાન અવસર છે. પર્યુષણ પર્વ પણ આપણને હાકલ કરે છે…” હે દાનવીરો, ત્યાગવીરો, ધર્મવીરો જાગો…”

આમ, પર્યુષણ પર્વ ખરેખર મહાન છે,પર્વ શિરોમણિ છે.

** પાંચ કર્તવ્યો

પર્યુષણ દરમિયાન પાંચ કર્તવ્યો કરવાનું શાસ્ત્ર-વિધાન છે. આ પાંચ કર્તવ્યો આ પ્રમાણે છે :

*અમારી પ્રવર્તન : કોઈને મારવું નહિ એટલે કે અહિંસા.
*સ્વામી વાત્સલ્ય : સમાન ધર્મ પાળનાર પ્રત્યે સ્નેહ વહાવવો, તેની સેવા કરવી.
*અઠ્ઠમ તપ : સળંગ ત્રણ દિવસના ઉપવાસ કરવા.
*ચૈત્ય-પરિપાટી : ચૈત્ય એટલે દેરાસર, દેરાસરે જઈને પ્રભુદર્શન કરવું.
*ક્ષમાપના : પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરીને ક્ષમા માગવી અને બીજાઓના દોષોને ઉદાર હૈયે ક્ષમા આપવી.
** પર્યુષણનું સર્વોચ્ચ શિખર ક્ષમાપના છે.

જૈનોમાં પ્રતિક્રમણ આવશ્યક કર્તવ્ય ગણાય છે. પ્રતિક્રમણ પાંચ પ્રકારનાં હોય છે.

દરરોજ સવારે ઊઠીને ‘રાઈ’ પ્રતિક્રમણ કરવામાં આવે છે, જેમાં નિદ્રા દરમિયાન અજાણતાંય પાપકૃત્ય થયું હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરાય છે. દરરોજ રાત્રે ‘દેવસિ’ પ્રતિક્રમણ કરીને દિવસ દરમિયાન થયેલાં પાપકૃત્યોનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે. આ ન થઈ શકે તો પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. એ પણ શક્ય ન હોય તો સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ-પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવે છે. ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું તો જગતનો દરેક ધર્મ કહે છે, કિન્તુ ક્ષમાપના માટે જ એક ખાસ દિવસનું આધ્યાત્મિક પર્વ ઊજવવાની પરંપરા માત્ર અને માત્ર જૈન ધર્મમાં જ છે. સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે જૈનો ‘મિચ્છામિ દુક્કડમ્’ કહે છે. તેનો અર્થ છે – મિથ્યા મે દુષ્કૃતમ્, અર્થાત્ મારાં તમામ દુષ્કૃત્યો મિથ્યા – ફોગટ થાવ, જગતના સર્વ જીવો સાથે મૈત્રી કરવાનું આ પર્વ છે. સંવત્સરી તો સાત્ત્વિક અને આત્મિક મૈત્રીનું પર્વ છે !

પર્યુષણની આરાધના પંચાચારથી શરૃ થાય છે અને તે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બનતી આઠમે દિવસે સંવત્સરીના પ્રતિક્રમણથી વિરમે છે. જૈન ધર્મ ઘણો સૂક્ષ્મ હોવાને કારણે અજૈનો તેને થયા- યથા ભાગ્યે જ સમજતા હોય છે. બહુજન સમાજ તો સામાન્ય રીતે એમ જ માનતો હોય છે. પર્યુષણ એટલે ઉપવાસનું પર્વ જે વધારે ઉપવાસ કરે તેની આરાધના મોટી ગણાય. વાસ્તવિકતામાં ઉપવાસ આરાધનાનું અંગ છે. પર્યુષણની આરાધનામાં ઉપવાસ આવે પણ ઉપવાસ એ કંઇ સમગ્ર પર્યુષણની આરાધના નથી.

પર્યુષણની આરાધના પાંચ પ્રકારે થાય છે. દર્શનાચાર, જ્ઞાાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જે તપાચાર છે તેમાં બાર પ્રકારના તપ કરવાનું વિધાન છે. એમાં છ તપ બાહ્ય છે, તો બીજા છ તપ અભ્યંતર છે. બાહ્ય તપ વાસ્તવિકતામાં અભ્યંતર તપમાં જવા માટે છે. આવા છ બાહ્ય તપમાં ઉપવાસ એ એક તપ છે. તેના ઉપરથી એ ખ્યાલ આવે કે પર્યુષણમાં ઉપવાસની આરાધના ઉપર જે ભાર મૂકાય છે તે વધારે પડતો છે અને અસ્થાને છે.

વાસ્તવિકતામાં પર્યુષણ એક અતિશુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે છે. પ્રતિક્રમણ જૈન ધર્મની પ્રમુખ આરાધના છે. સાધુ તો શું પણ સામાન્ય શ્રાવકેય રોજ બે પ્રતિક્રમણ કરતો હોય છે. સવારનું પ્રતિક્રમણ અને સાંજનું પ્રતિક્રમણ. જૈન ધર્મમાં પાંચ તિથિની વિશેષ આરાધના થાય છે. તેમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે. એમાંય ચૌદશનું પ્રતિક્રમણ મોટું ગણાય. વળી ચાતુર્માસની આરાધનામાં પહેલી ચૌદશ અને છેલ્લી ચૌદશના પ્રતિક્રમણો અતિ મહત્વના ગણાય. તેમાં સૂત્રો વધારે હોય, પાપની આલોચના હોય. તેમાં વિધિ વિધાન વધારે હોય જેથી પ્રતિક્રમમની ક્રિયા લાંબા સમય માટે ચાલે.

સમગ્ર હિંદુ ધર્મમાં ચાતુર્માસની આરાધનાની ઘણી મહત્તા હોય છે. તે રીતે જૈનોમાં પણ ચોમાસાની આરાધના વિશિષ્ટ હોય છે. ચાતુર્માસમાં પર્યુષણ આવે. તેમાં તો ઉત્કૃષ્ટ પ્રકારે આરાધના કરવાની હોય. છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ આવે તે કર્યા પછી પર્યુષણનું સમાપન થાય. આ વાત જ એ દર્શાવે છે કે સમગ્ર પર્યુષણની આરાધનાનું લક્ષ્ય સંવત્સરી પ્રતિક્રમણ હોય છે. આ પ્રતિક્રમણ વધારેમાં વધારે શુદ્ધિપૂર્વક કરવા માટે પર્યુષણની સમગ્ર આરાધનાનું આયોજન થયેલું હોય છે. આ પ્રતિક્રમણ જેટલું ભાવપૂર્વક વિશુદ્ધિથી થાય. તેટલી પર્યુષણની આરાધના વધારે સફળ થયેલી ગણાય.

આપણે એ વિચારવાનું છે કે જે પ્રતિક્રમણનું જૈન ધર્મમાં આટલું બધું મૂલ્ય છે. તેનું કારણ શું હશે ? સંસારમાં જે ધર્મો છે તેમાં જૈન ધર્મ બધાથી અલગ પડી જાય છે તે તેના વિશિષ્ટ દર્શનને કારણે જૈન ધર્મના મતે જીવે બહારથી કંઇ મેળવવાનું નથી. તેણે જે કંઇ સિદ્ધ કરવાનું છે તે તેની અંદર જ પડેલું છે. જીવે જે પોતાનું છે તેનો જ આવિર્ભાવ કરવાનો છે. તે માટે જીવે જે કંઇ પુરુષાર્થ કરવાનો છે તે પોતાના સ્વભાવમાં આવી જવા માટે કરવાનો છે. અનંત ઐશ્વર્યનો સ્વામી એવો આત્મા દુ:ખી થઇને સંસારની ભવાટવીમાં ભટક્યા કરે છે કારણ કે તે પોતાનો સ્વભાવ ભૂલીને વિભાવોમાં રાચે છે અને જીવે છે બાકી આત્મા સ્વભાવે આનંદમય છે અને સ્વયં પર્યાપ્ત છે. જો તેણે પોતાની નિજી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો તેણે સ્વભાવમાં પાછા ફરવાનું છે. પ્રતિક્રમણ વિભાવમાંથી સ્વભાવમાં આવવા માટે છે. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. જીવે જે અતિક્રમણ કર્યું છે તેમાંથી પાછા ફરવા માટે તેણે પ્રતિક્રમણ કરવાનું છે. તેથી જૈન ધર્મના અનુષ્ઠાનોમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે.

આપણને પ્રશ્ન થાય કે જીવને વિભાવોમાં રખડાવનાર કોણ છે ? જીવને વિભાવોમાં લઇ જનાર છે : મિથ્યાત્વ, કષાય, મન-વચન અને કાયાના યોગો, અવિરતી પ્રમાદને વશ થયેલો જીવ અતિક્રમણ કરીને વિભાવોમાં વર્તે છે. સ્વભાવમાં આવવા માટે જીવે જે આરાધના કરવાની છે તે મિથ્યાત્વમાંથી પાછા ફરવાની, કષાયોમાંથી પાછા ફરવાની, મન- વચન- કાયાનો યોગોને ટૂંકાવવાની- અલ્પ કરવાની અને સંયમમાં વર્તવાની પર્યુષણની સમગ્ર આરાધના સ્વભાવમાં આવવા માટેની છે. તેનું લક્ષ્ય ઉત્કૃષ્ટ પ્રતિક્રમણ હોય છે. બાકી પ્રતિક્રમણનો સામાન્ય અર્થ છે. પાપમાંથી પાછા ફરવું જે અલ્પાકિત છે. બાકી તેમાં મૂળ વાત છે. આત્માના સ્વભાવમાં આવવાની.

સ્વભાવમાં આવવા માટેની પ્રતિક્રમણની યાત્રા કરતી વખતે મનમાં કોઇ દોષ રહી ગયો હોય તો પ્રતિક્રમણ કુલષિત થઇ જાય માટે સંવત્સરી પ્રતિક્રમણ સર્વ જીવોને ખમાવીને શલ્પરહિત થઇને કરવાનું વિધાન છે. જૈન ધર્મે ત્રણ પ્રમુખ શલ્પ કહ્યાં છે : મિથ્યાત્વ માયા અને નિયાણ એટલે કે ધર્મને અલ્પ ફાયદા માટે વટાવવો. શુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે જીવે આ ત્રણેય શલ્પ રહિત થવું જરૃરી છે. જો પર્યુષણની આરાધના સારી રીતે થઇ હોય તો આ ત્રણેય શલ્યોનો ભાર ઘણો ઘટી ગયો હોય છે. સંવત્સરી પ્રતિક્રમણ પર્યુષણનો પ્રાણ છે. પ્રતિક્રમણના તત્વાર્થને સમજીને આપણે જો તે કરીએ તો આપણને તેનો અનર્ગળ આત્મિક લાભ થાય.

ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ – કટપૂતના અને ભગવાન શ્રી મહાવીરસ્વામી

2

|| ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ ||

|| કટપૂતના અને ભગવાન શ્રી મહાવીરસ્વામી ||

માઘ મહિનાની કડકડતી ઠંડીમાં પ્રભુ મહાવીર શાલશીર્ષ ગામના ઉદ્યાનમાં ધ્યાનસ્થ અવસ્થામાં હતા. સુસવાટાભર્યા ઠંડા પવનની લહરીઓને કારણે થીજી જાય એવી ઠંડી હતી. આ સમયે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામી એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુદ્રામા હતા. એમની ધ્યાનસ્થ દશા પણ એવી હતી કે બહારની ગમે તેટલી પ્રતિકૂળતા હોવા છતાં તેઓ સદૈવ અડોલ, અપ્રતિબદ્ધ અને આલંબનરહિત રહેતા હતા.

આ સમયે કટપૂતના નામની વ્યંતરીના મનમાં પૂર્વભવનું વેર સળવળી ઊઠયું. ભગવાન મહાવીર જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમા હતા, ત્યારે કટપૂતનાએ અણમાનીતી રાણી વિજયવતી હતી. એ પછી તો કેટલાય ભવોનું ભ્રમણ થયું, પરંતુ એ પૂર્વભવનો દ્વેષ ફરી જાગી ઊઠયો અને એનું હૃદય વેર લેવા માટે અતિ તત્પર બની ગયું.

વેર ક્યારેય સાચા-ખોટાનો વિચાર કરે નહીં. એ રીતે કટપૂતનાએ ભગવાન મહાવીરનો ધ્યાનભંગ કરાવવા માટે ઉપસર્ગ કર્યો. એના મનમાં તો બદલાની એવી ભાવના હતી કે આ યોગી મહાવીરના દેહને શિયાળાની કડકડતી ઠંડીમાં હિમ જેવું ઠંડુ પાણી રેડીને એમનું જીવન મુશ્કેલ કરી દઉં. એ ઠંડીથી ઠૂઠવાઇ જાય, તો જ વેરથી બળતાં મારા હૃદયને ટાઢક વળે.

વ્યંતરી કટપૂતનાએ તાપસીનું રૃપ ધારણ કરીને એની જટામાંથી મૂશળધાર વરસાદની માફક હિમની શીતળતાને ભૂલાવે એવું ઠંડુ પાણી ધ્યાનસ્થ યોગી મહાવીરના દેહ પર વરસાવવા લાગી. એક તો આસપાસ કારમી ઠંડી અને એમાં બરફ જેવું ઠંડુ પાણી. આમાં ઓછું હોય તેમ, એણે જોરદાર સૂસવાટાભર્યો પવન શરૃ કર્યો. કટપૂતના અટ્ટહાસ્ય કરતી જોવા લાગી કે હવે આ યોગીની દશા શું થાય છે?

એણે તો વિચાર્યું હતું કે આ ધ્યાનસ્થ યોગીનો ધ્યાનભંગ થશે અને કારમી ઠંડીમાં રેડાતાં ઠંડા પાણીથી બચવા માટે એ અહીંથી નાસીને ક્યાંક દૂર ભરાઇ જશે.

ભગવાનના જીવનમાં અનેક ઉપસર્ગો આવ્યા. શાલશીર્ષ ગામની બહાર ઉદ્યાનમાં આવેલો આ ઉપસર્ગ એ શીત ઉપસર્ગ હતો. ક્યાંક પ્રાણીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક માનવીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક દેવો, યક્ષ અને વ્યંતર-વ્યંતરીએ ઉપસર્ગ કર્યા.

કટપૂતનાનો આ ઉપસર્ગ એવો હતો કે કોઇપણ ઠંડીથી ઠૂઠવાઇને મૃત્યુ પામે, પરંતુ યોગી મહાવીરને કાયાનું કષ્ટ કઇ રીતે ધ્રૂજાવી શકે ? બહારની આપત્તિ ક્યાંથી અકળાવી શકે? ઉપસર્ગો કઇ રીતે એમને ધ્યાનથી વિચલિત કરી શકે? પહેલાં તો કટપૂતનાએ વિચાર્યું કે કદાચ થોડીવાર આ ઠંડી જલધારા સહન કરી શકશે, પરંતુ લાંબો સમય સહન થશે નહીં.

પરંતુ એની ધારણા ખોટી પડી. આખી રાત એણે હિમ જેવા ઠંડા જળની ધારા વરસાવી, પરંતુ યોગી મહાવીર તો સુમેરુ પર્વતની જેમ પરિષહ સહેવામાં નિશ્ચલ રહ્યા, બલ્કે આ શીતળ જળ છંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધો. કટપૂતના નિષ્ફળ ગઇ, નિરાશ થઇ અને એના મનમાં ધૂંધવાતો ક્રોધ ધીરે ધીરે ઘટવા લાગ્યો.

પૂર્વભવનું વેર ત્યજીને વિચારવા લાગી કે કેવી અદ્ભુત તિતિક્ષા અને અમાપ સમતા છે યોગી મહાવીરની! એ એમનાં ચરણમાં પડી અને પોતાના ઘોર અપરાધને માટે ક્ષમા માગી.

ક્ષમાસાગર ભગવાન મહાવીરની પ્રેમધારા સતત વરસતી રહી.

ગોચરી

સંસાર દુ :ખમય લાગે છે અને તેથી આપણે સતત દુ :ખોનો ક્ષય ઝંખીએ છીએ, પરંતુ દુ :ખનો નાશ કરવો એ તો ડાળીનો નાશ કરવા બરાબર છે, જ્યારે કર્મનો નાશ કરવો એ મૂળનો નાશ કરવા સમાન છે. દુ :ખના ક્ષયને બદલે કર્મનો ક્ષય ઈચ્છીએ, કારણ કે એ કર્મો જ દુ :ખ લાવે છે અને એ કર્મો જ કામ, ક્રોધ વગેરે પેદા કરે છે.

જૈન ધર્મ અને ભગવાન શ્રી મહાવીરસ્વામી

|| જૈન ધર્મ અને ભગવાન શ્રી મહાવીરસ્વામી  ||

*. ઇ.સ પૂર્વે સાતમી સદીનાં મધ્યકાળથી ઇ.સ પૂર્વેની છઠ્ઠી સદી સુધીનાં સમયમાં ઉદય
*. ધર્મનું કેન્દ્ર મગધ

જૈન ધર્મ :-

*. જૈન ધર્મનાં સાધુ વિતરાગ કહેવાતા-‘ રાગ દ્વેષથી પર ‘ અથવા ‘ ત્યાગી ‘ એટલે વિતરાગ
*. વિતરાગ(સાધુ) બન્યા હોય તેને ‘ જિન ‘ કહેવામાં આવતાં.
*. જિન એટલે ‘ ઇન્દ્રિયો પર વિજય મેળવનાર ‘.
*. જિનના અનુયાયીઓને ‘ જૈન ‘ કહેવામાં આવ્યાં.
*. જૈન શાસનરૂપી તીર્થ બાંધી આપનાર’ તીર્થકંર ‘ કહેવાયા.
*. આ ધર્મમાં 24 તીર્થકંરો થઇ ગયા.
*. જેનાં પ્રથમ તીર્થકંર ઋષભદેવ હતાં.
*. ચોવીસમાં અને છેલ્લાં મહાવીર સ્વામી
*. મહાવીર સ્વામીને જૈન ધર્મનાં સ્થાપક માનવામાં આવે છે, કેમકે આજનું જૈન શાસન તેમની પરંપરા અનુસાર ચાલે છે.

મહાવીર સ્વામી :-

*. જન્મ: ઇ.સ પૂર્વે 599માં ઉત્તર બિહારનાં વૈશાલી પાસે કુંડગ્રામમાં
*. પિતા: સિધ્ધાર્થ. જેઓ ક્ષત્રિયકુળના વડા હતાં.
*. માતા: ત્રિશલાદેવી
*. મુળનામ: વર્ધમાન
*. બાળપણથી જ તપ,સંયમ પ્રત્યે રૂચિ.
*. માતા-પિતાની આજ્ઞાને વસ થઇ ‘ યશોદા ‘ નામની રાજકુંવરી સાથે લગ્ન.
*. એક પુત્રીનો જન્મ જેનું નામ’ પ્રિયદર્શના ‘
*. 30 વર્ષની વયે સાધુ બન્યા.
*. બાર વર્ષ સુધી તપ કરી ઇન્દ્રિયોને જીતી,તેથી ‘ જિન ‘ કે ‘ મહાવીર ‘ કહેવાયા.
*. 72 વર્ષની વયે બિહારમાં હાલનાં રાજગીરી પાસે પાવાપુરી મુકામે ઇ.સ 527માં દિવાળીનાં દિવસે દેહત્યાગ કર્યો.

જૈન સિધ્ધાંતો :-

(1) પાંચ મહાવ્રત :-

*. ત્રેવીસમા તીર્થકંર પાશ્વનાથે- અહિંસા,સત્ય,અસ્તેય,અપરીગ્રહ જેવાં ચાર વ્રતો આપ્યાં.
*. પાંચમાં વર્તનો ઉમેરો મહાવીર સ્વામીએ કર્યો-જે બ્રહ્મચર્ય છે.

(2) ત્રિરત્ન સિધ્ધંત :-

*. જૈનનાં ત્રિરત્ન સિધ્ધાંત ‘ રત્નત્રયી ‘ નામે ઓળખાય છે.
*. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ય

(3) ત્રણ ગુણવ્રતો :-

*. દિગ્વ્રત, ઉપભોગવ્રત અને અનર્થદંડ

ધર્મ પરિષદો :-

*. પ્રથમ પરિષદ:

*. ઇ.સ પૂર્વે ચોથી સદીમાં મળી.
*. જે પાટલીપુત્રમાં આચાર્ય શીલભદ્રનાં અધ્યક્ષ સ્થાને મળ ી.
*. જેમાં જૈન ધર્મનાં બાર અંગોની રચના થઇ.

*. બીજી પરિષદ :-

*. ઇ.સ પૂર્વે પાંચમી સદીમાં વલ્લભીપુરમાં મળી.
*. જેમાં જૈન ધર્મમાં બે ફાંટા પડ્યા – શ્વેતાબંર અને દિગબંર
*. સમય જતાં દિગબંરના બે ફાંટા પડ્યા – વિશ્વપંથી અને તેરાપંથી

જૈન સાહિત્ય :-

*. મહાવીર સ્વામીનો ઉપદેશ ગ્રંથ સ્વરૂપે થયોતેને’ આગમ ‘ કહેવામાં આવે છે.અથવા ‘ ગણપિટક ‘ના નામથી પણ ઓળખાય છે.
*. જૈન સાહિત્યની રચના ‘ પ્રાકૃત ‘ (અર્ધમાગધી) ભાષામાં થઇ છે.
*. હેમચંદ્રાચાર્યનો ‘ સિધ્ધહેમશબ્દાનુશાસન ‘ ગ્રંથ મહત્વનો છે.

કલ્પસૂત્ર

4  3

|| કલ્પસૂત્ર ||

કલ્પસુત્ર એટલે શું ?

કલ્પસુત્ર એ જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ ગણાય છે, એ જૈનધર્મના આગમોનો સાર નથી, તેમ છતાં એ આગમગ્રંથ જેટલો મહિમા પામ્યો છે. પર્યુષણ પર્વ દરમિયાન સાધુ-ભગવંતો એનું વાચન કરતા હોય છે.

કલ્પસૂત્ર સ્વયં એક ગ્રંથ નથી, પરંતુ ગ્રંથનો એક ભાગ છે. આચાર્ય ભદ્રબાહુસ્વામીએ રચેલા દશ અધ્યયન ધરાવતા ‘દશાશ્રુતસ્કંધ’ નામના ગ્રંથનું આ આઠમું અધ્યન છે. આને ‘પજ્જોસણા કલ્પ’ અથવા તો ‘પર્યુષણા કલ્પ’ કહેવામાં આવે છે. સમયાંતરે એ ‘કલ્પસૂત્ર’ તરીકે પ્રસિદ્ધ થયું. એની રચના આજથી ૨૨૨૯ વર્ષ પૂર્વે થઇ.

પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્રના નવ વ્યાખ્યાન વાંચવામાં આવે છે. છેલ્લો આઠમો દિવસ એ સંવત્સરી મહાપર્વનો છે. એ દિવસે બારસાસૂત્રનું વાચન થાય છે.

કલ્પસૂત્રનું લખાણ બસો એકાણું કંડિકા છે અને તેનું માપ બારસો કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું છે. કલ્પસૂત્રના સળંગ વાંચનથી કોઇ વંચિત રહી ગયું હોય છેલ્લા દિવસે સમગ્ર બારસાસૂત્રના શ્લોકો વાંચવામાં આવે છે. અદાલતમાં ધર્મગ્રંથના નામે સોગંદ લેવામાં આવે છે. એ રીતે જૈનધર્મના ગ્રંથ કલ્પસૂત્રને નામે સોગંદ લેવામાં આવે છે.

|| કલ્પસૂત્ર ||

જૈનોનું મહાપર્વ પર્યુષણ કે જે તપ અને વ્રત પછી પ્રભુ મહાવીરના જન્મ બાદ સર્વત્ર આનંદ અને આનંદ લ્હેરાય છે. પર્યુષણના દિવસો દરમિયાન આવતો શુભ દિવસ ‘મહાવીર જન્મ’ આવતી કાલથી છેક સોમવાર, એમ પાંચ દિવસ સુધી ‘કલ્પસૂત્ર’નું વાંચન થાય છે. જેમાં મૂળ શ્વ્લોકોની સંખ્યા ૧૨૧૬ હોવાથી એ ‘બારસા’ના નામથી ઉલ્લેખાય છે. આ ‘કલ્પસૂત્ર’નું પ્રથમ વાંચન વડનગરમાં થયેલું જેના વિષે શ્રી વિનય વિજયજી મહારાજ રચિત સુબોધિકા નામે કલ્પસૂત્રની ટીકાનું ગુજરાતી ભાષાંતર કરેલા ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધ કરતા લખે છે કે જૈન ધર્મના ૪૫ આગમો કહેવાય છે તેમાં છેદ સૂત્રના ચોથા છેદસૂત્રનું નામ દશાશ્રુતસ્કંધ છે. આ સૂત્ર મહાન પ્રભાવક આચાર્ય ભદ્રબાહ સ્વામીએ રચેલું છે. એમણે ‘દશાશ્રુત સ્કંધ’ના ૮મા અઘ્યયન દ્વારા પર્યુષણા કલ્પની સાથે સ્થવિરાવલી અને સમાચારી જોડીને તેનું કલ્પસૂત્ર એવું બીજું નામ આપ્યું છે. પ્રાચીન કાલમાં આ સૂત્ર પર્યુષણની પ્રથમ રાત્રે સાઘુપર્ષદામાં સર્વ સાઘુઓ કાયોત્સર્ગમાં રહીને શ્રવણ કરતા હતા. પરંતુ જ્યારે આનંદપુરનો (વડનગર) રાજા ઘુ્રવસેનના પુત્રનો શોક દૂર કરવાના હેતુથી આ ‘કલ્પસૂત્ર’ જાહેરમાં વંચાયું. તે દિવસથી આજદિન સુધી કલ્પસૂત્ર દહેરાસરોના મુખ્ય હોલમાં જાહેર સભામાં વંચાય છે. જૈન ગ્રંથોમાં જણાવ્યા મુજબ ‘કલ્પસૂત્ર’નું શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે માત્ર રાત્રે જ શ્રવણ-વાંચન થતું હતું. નિશીથ ચૂર્ણી આદિમાં કહેલી વાત-‘વિધિપૂર્વક સાઘ્વીજી દિવસે શ્રવણના અધિકારી છે, પણ વાંચનનો અધિકાર તેમને નથી.’ પરંતુ વડનગરમાં જાહેર વાંચનથી આમ જનતાને તેનો લાભ લેવાનો મોકો મળ્યો. ‘કલ્પ’ શબ્દની વ્યાખ્યા આપતા ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે, ‘દાન, શીલ અને તપશ્ચર્યાની વૃદ્ધિ કરીને દોષોનો નિગ્રહ કરે તે કલ્પ’ દશાશ્રુતસ્કંધનું આ ૮મુ અઘ્યયન છે. જેનો અર્થ છે પઠન-પાઠનથી અંતરમાં ઉતારવું તે વાંચન, દોહન અને ચિંતન. એટલે જ કહેવાય છે કે ‘કલ્પસૂત્ર’નું શ્રદ્ધાપૂર્વક શ્રવણ અને આચરણ કરે એ ભવસાગર તરી જાય છે. અત્રે છબીમાં દર્શાવવામાં આવેલું કલ્પસૂત્ર વિક્રમ સં. ૧૫૨૫ આસો સુદ ૧૦ના રોજ સુવર્ણ અને ચાંદીના પ્રવાહીથી પ્રાકૃત ભાષામાં જૈન દેવનાગરીમાં લખવામાં આવ્યું હતું.

|| શોકમાંથી સમાધિ સર્જે તે કલ્પસૂત્ર ||

શ્વે. જૈનદર્શનનું મહાન શાસ્ત્ર. જેની પર્યુષણના આઠ દિવસ વાચના થાય. તેમાં સાધુની સમાચારી તથા મહાવીર સ્વામી વગેરે ચાર તીર્થંકરનાં જીવન ચરિત્રોનું કથન છે.

એકાગ્રપણે ૨૧ વાર કલ્પસૂત્ર સાંભળનાર વ્યક્તિ માત્ર સાત-આઠ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પર્વમાં તપશ્ચર્યા કરવાથી ખૂબ મોટો લાભ મળે છે. કલ્પસૂત્ર મહાનગ્રંથ જીવનને ધન્ય બનાવી દે છે.

પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ શ્રી ગૌતમ સ્વામી વગેરે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સમક્ષ સમવસરણમાં ‘દશા’ અધ્યયનરૂપ ઉપદેશ આપ્યો હતો. એનો સંગ્રહ ‘દશાશ્રુતસ્કંધ’ નામના આગમ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ આગમનું આઠમું અધ્યયન જ ‘શ્રીકલ્પસૂત્ર’ નામે પ્રસિદ્ધ છે.

શ્રીકલ્પસૂત્ર આ રીતે ખુદ મહાવીર સ્વામીની વાણીરૂપ છે. એનું ગ્રથન ગણધરોએ કરેલું અને ત્યારબાદ ૧૪ પૂર્વઘર શ્રી ભદ્રબાહુ-સ્વામી મહારાજે એને શબ્દરૂપ આપેલું. અનેક મહર્ષિઓએ આ આગમના ભાવો સમજાવવા માટે ટીકા ગ્રંથોની સંરચના કરેલી છે.

પર્યુષણા મહાપર્વના દિવસોમાં ભાદરવા સુદ ચોથનો દિવસ સૌથી મુખ્ય ગણાય છે. એ દિવસ પાંચમો દિવસ આવે એ રીતે એની પૂર્વના પાંચમા દિવસથી એટલે જ પર્યુષણા મહાપર્વના ચોથા દિવસથી કુલ નવ વ્યાખ્યાનો દ્વારા શ્રીકલ્પસૂત્રનું વાચન કરવાની વિધિ શાસ્ત્રો બતાવેલી છે.

શ્રી કલ્પસૂત્રનું વાચન મંગલ માટે છે. કારણ કે એમાં મંગલરૂપ તીથઁકરો, ગણધરો, સ્થવિર મહર્ષિઓના જીવન ચરિત્રોના વર્ણન આવે છે. એટલું જ નહીં જીવનને માંગલ્યરૂપ બનાવનાર સાધુ ધર્મના વિવિધ આચારો, ઉત્સર્ગો અને અપવાદોનું પણ વિશિષ્ટ વર્ણન આવે છે.

આજના દિવસે, પૂર્વ રાત્રિએ વિવિધ પ્રકારની ભક્તિ અને રાત્રિ-જાગરણ દ્વારા જગવવામાં આવેલ શ્રી કલ્પસૂત્રની પવિત્ર પોથીને હાથીની અંબાડી વગેરે સુયોગ્ય સાધનને પધરાવીને વાજતે-ગાજતે ઉપાશ્રયે લવાય છે. ગુરુ ભગવંતોનું માંગલિક મેળવી કલ્પસૂત્રનું વિધિવત્ વાસક્ષેપ તેમજ અષ્ટપ્રકારી દ્રવ્યોથી પૂજન થાય છે.

સેના-રૂપાનાં પુષ્પો તેમજ સાચા રત્નો ચડાવાય છે. ગ્રંથવાચનાર ગુરુ ભગવંતોનું શાસ્ત્રવિધિથી પૂજન કરાય છે અને ઉલ્લાસભેર ગ્રંથની પ્રતિ ગુરુ ભગવંતને અર્પણ કરાય છે. ત્યારબાદ સંઘને કલ્પસૂત્ર સંભળાવવાની વિનંતી કરાય છે.

આજના પ્રવચનમાં જૈન સાધુ-સાધ્વીએ પાળવાના ૧૦ વિશિષ્ટ આચારોનું વર્ણન કર્યા બાદ શ્રી કલ્પસૂત્રનો મહિમા વર્ણવવામાં આવે છે. ત્યારબાદ શ્રી કલ્પસૂત્રના વાચનના અધિકારી યોગવહન કરેલા અને ગુવૉજ્ઞા પ્રાપ્ત સાધુ ભગવંતો છે. સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા માત્ર શ્રવણના અધિકારી છે એવી એની વાચન-શ્રવણ મર્યાદા અંગેની શાસ્ત્રાજ્ઞા સમજાવાય છે.

ત્યારબાદ નાગકેતુની ઓમ તપના પ્રભાવને વર્ણવતી કથા કહી પરમાત્મા શ્રી મહાવીરદેવના ચ્યવન કલ્યાણકની વિગતો કહેવાય છે. એમાં ઇન્દ્રે કરેલી સ્તવના, મેઘકુમાર મુનિના પૂર્વભવ અને સાધુતામાં સ્થિરતાની વાતો રજુ થાય છે. બપોરના વ્યાખ્યાનમાં પ્રભુ મહાવીર સ્વામીના સમ્યકત્વ પ્રાપ્તિ બાદના ૨૭ જન્મોની વાતો બાદ અંતિમ જન્મમાં એમની માતાને આવેલા ૧૪ સ્વપ્ન પૈકી ચાર સ્વપ્નાઓનું વર્ણન કરવામાં આવે છે.

સર્વોત્તમ પૌષધ – શ્રેષ્ઠ શ્રી શંખ શ્રાવક

2

|| સર્વોત્તમ પૌષધ – શ્રેષ્ઠ શ્રી શંખ શ્રાવક ||

શ્રાવસ્તી નગરીમાં શંખ અને પુખલિ નામના બે શ્રાવકો રહેતા હતા. એક દિવસ તેઓ બંને શ્રી વીરભગવંતને વંદના કરી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે શંખે પુખિલને કહ્યું `તમે સારું ભોજન તૈયાર કરાવો. જમ્યા બાદ આપણે પાક્ષિક પૌષધ લઇશું.’

શંખ ઘરે આવ્યો. પુખલિને તેણે ભોજન કરવા માટે કહ્યું તો ખરું, પણ ઘેર પહોંચતાં તેને બીજો શુભ વિચાર આવ્યો. જમ્યા બાદ પૌષધ શા માટે લેવો. ભોજન વિના જ પૌષધ કરવો ઉત્તમ છે. કારણ એવા પૌષધનું ફળ મોટું બતાવાયું છે.

શંખે પોતાની પત્નીને પોતે ભોજન નહિ લે તેમ જણાવી દીધું પછી તે પૌષધશાળામાં ગયો. શરીર ઉપરના આભૂષણો ઉતારી શરીર-સત્કારનો ત્યાગ કર્યો અને પૌષધ લઇ દર્ભના સંથારા ઉપર શુભધ્યાન ધરવા લાગ્યો.

આ બાજુ પુખલિએ ભોજન તૈયાર કરાવ્યું ભોજન તૈયાર થઇ ગયા બાદ તે શંખને તેના ઘરે જમવા માટે તેડવા આવ્યો. પુખલિને આવતો જોઇ શંખની પત્ની ઉત્પલા તેનું સ્વાગત કરવા ઉભી થઇ અને સત્કારથી તેને ઘરમાં લઇ આવી. શંખ પૌષધશાળામાં છે એમ જાણી પુખલિ ત્યાં ગયો અને ઇર્યાયપથિકી પડિIમીને ભોજન માટે પધારવા નિમંત્રણ આપ્યું.

શંખે કહ્યું, `મારે એ ભોજનમાંથી કંઇ પણ કલ્પે નહિ તમારી ઇચ્છાથી તમને ઠીક લાગે તેમ તમે કરો. મારી સૂચનાથી તમારે કંઇ પણ વાનગી બનાવવાની નથી. શંખનો જવાબ સાંભળી પુખલિ પોતાના ઘરે પાછો ફરી ગયો. શંખે ધ્યાન ધરતા વિચાર્યું કે `સવારમાં શ્રી પ્રભુને વંદના કરી હું પૌષધ પારીશ.’ સવાર પડતાં શંખ શ્રી વીર પ્રભુ પાસે ગયો. પુખલિ પણ તે સમયે આવી પહોંચ્યો હતો. શંખને જોઇ તેણે ઠપકો આપ્યો કે, `ગઇકાલે તમે જે કર્યું તે ઠીક નથી કર્યું’ ભગવાને આ સાંભળી કહ્યું, પુખલિ! `તમે શંખની નિંદા ન કરો. ગઇકાલે રાત્રે તે સુદક્ષ જાગરિકાથી જાગેલો છે.’ ત્યારે શ્રી ગૌતમસ્વામીએ પ્રüા કર્યો, `ભગવંત! જાગરિકા કેટલા પ્રકારની છે?’ ભગવંતે કહ્યું જાગરિકા ત્રણ પ્રકારની છે. પહેલી બુદ્ધ જાગરિકા તે કેવળી ભગવંતોને હોય છે. બીજી અબુદ્ધ જાગરિકા, તે છદમસ્થ અણગારી (મુનિ)ને હોય છે. ત્રીજી સુદક્ષ જાગરિકા, તે શ્રમણોપાસક (શ્રાવક)ને હોય છે. આ ધર્મસંવાદ સાંભળી શંખે ભગવંતને ક્રોધાદિકનું ફળ પૂછ્યું. ભગવંતે કહ્યું, `ક્રોધ, માન વગેરે કષાયો આયુષ્ય કર્મ સિવાયના સાત કર્મની શિથિલ બંધનવાળી પ્રકૃતિઓને દૃઢ બંધનવાળી કરે છે.’ આ સાંભળી પુખલિ આદિ શ્રાવકોએ શંખને વારંવાર ખમાવ્યો. શંખ પૌષધ વગેરે વ્રતો પાળી સૌધર્મ દેવલોકના અરૂણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર લાખ પલ્યોપમનું આયુષ્ય ભોગવી મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જશે. પાંચમાં અંગમાં શ્રી જિનેશ્વર ભગવંતે પણ શંખ શ્રાવકનું ચાર પ્રકારવાળું ઉત્કૃષ્ટ પૌષધવ્રત વખાણ્યું છે. આથી પર્વના દિવસોએ આત્માના ઉલ્લાસથી આ વ્રતનું અવશ્ય પાલન કરવું.

"પૌષધ" પર્યુષણાનું પરમ કર્તવ્ય

|| “પૌષધ” પર્યુષણાનું પરમ કર્તવ્ય ||

“પુણ્યનું કરે પોષણ ને પાપનું કરે શોષણ“

પૌષધ આરાધનાર પુણ્યાત્મા ઉત્તમ આત્મભાવોનું અને પુણ્યનું પોષણ કરે છે, અશુભ આત્મભાવોનું અને પાપોનું શોષણ-વિદારણકરે છે તેમજ નરક – તિર્યંચ જેવી દુર્ગતિનું છેદન કરે છે

પર્વાધિરાજ પર્યુષણાનો માહોલ જૈનશાસનમાં અત્ર-તત્ર-સર્વત્ર છવાઈ ચૂક્યો છે. જિનાલયો પૂજન-દર્શન કરનાર ભાવિકોથી છલકાઈ રહ્યા છે, તો ઉપાશ્રયો ચિક્કાર ઉપસ્થિત શ્રોતાઓથી ઉભરાઈ રહ્યો છે. શું તપત્યાગ કે શું દયાદાન, શું સદ્‌ગુરુસેવા કે શું સાધર્મિકભક્તિઃ ધર્મના હર પ્રકારો આ પર્વમાં પૂરબહારમાં ખીલે છે. પર્યુષણાના પ્રારંભિક પ્રવચનગ્રન્થ ‘અષ્ટાહિ્‌નકા’ શાસ્ત્રગ્રન્થની ભાષામાં કહીએ તો, પૂજા-પચ્ચક્‌ખાણ-પ્રતિક્રમણ-પૌષધ અને પરોપકાર ઃ આ પાંચ ‘૫’અક્ષરથી શરૂ થતાં ધર્મની જાણે મોસમ જામી છે.

શાસ્ત્રો દર્શાવેલ આ પાંચ પૈકીના કોઈપણ એક ‘૫’ને, પર્યુષણાપર્વના દિવસોમાં આ ‘અમતૃતની અંજલિ’માં વર્ણવવાનો ઉપક્રમ છેલ્લા બે વર્ષથી આપણે અપનાવ્યો છે. એ જ શૃંખલામાં આજે ત્રીજી કડી ઊમેરીને આપણે ‘પૌષધ’ નામે મહત્વની ધર્મકરણી આસપાસ વિચારવિહાર કરીશું.
જૈનધર્મનો શુદ્ધ પારિભાષિક શબ્દ ગણાતાં આ ‘પૌષધ’ની સૌથી વઘુ બોલબાલા પર્યુષણાપર્વમાં નિહાળવા મળે છે. વર્ષમાં એક પણ પૌષધ ન કરનારાઓ આ પર્યુષણાપર્વમાં અનુકૂળતા મુજબ, એક-બે-ત્રણ યાવત્‌ આઠ આઠ રાત-દિવસના પૌષધ પણ કરતાં હોય છે. આ દિવસોમાં ‘પૌષધ’નું મહત્વ કેટલું છે ? એ જાણવા એક જ ઉદાહરણ પર્યાપ્ત રહેશે. ઈ.સ. ૨૦૦૭માં અમે મુંબઈના વસઈ જૈન સંઘમાં ચાતુર્માસ હતા. જ્યાં અન્ય તિથિએ એક પણ પૌષધ ન થતો તેવા એ સંઘમાં પર્યુષણામાં એવો માહોલ જામ્યો કે સંવત્સરીમહાપર્વદિને ૧૩૫ વ્યક્તિઓએ પૌષધ કર્યો અને તેમાં બહેનો કરતાં ભાઈઓ વઘુ સંખ્યામાં હતા. અરે ! સંઘના જે ટ્રસ્ટીઓએ જીવનમાં કદી ‘સામાયિક’ન હતું કર્યું એમણે પણ ત્યારે પૌષધ કર્યો.

શું છે આ પૌષધ ? જરા સમજીએ એનું સ્વરૂપ. ‘પૌષધ’ની સામાન્ય વ્યાખ્યાએ છે કે જેમાં સંસારી વ્યક્તિ સંપૂર્ણપણે શ્રમણ જેવું જીવન સ્વીકારીને બાર કલાક યા ચોવીશ કલાક તેનું પરિપૂર્ણ પાલન કરે તેને કહેવાય પૌષધ. જૈન ગૃહસ્થનાં જીવનનું આ સર્વોચ્ચ કક્ષાનું વ્રત ગણાય છે. વ્યક્તિએ પૌષધ દરમ્યાન અગ્નિ-સચિત જલ-વનસ્પતિ-વિજાતીય વ્યક્તિનો સ્પર્શ સુદ્ધાં ત્યજવાનો હોય છે, તો પંખો-એ.સી.-ફોન-ગાડી વગેરે તમામ સુવિધા ત્યાગવાની હોય છે. અરે ! એ સમય દરમ્યાન ઘર-બારનો પણ ત્યાગ કરવાનો હોય છે. આવો પૌષધ ઓછામાં ઓછો બાર કલાકનો અને વધીને ચોવીશ કલાકનો હયો છે. સાતત્ય જાળવીને ઉપરાઉપરી અનેક પૌષધ પણ કરાય છે. જેમ કે પર્યુષણાપર્વમાં ચોસઠ પ્રહરના અર્થાત્‌ સળંગ આઠ દિવસ-રાતના પૌષધનો મહિમા હોય છે, તો ઉપધાનપત નામે આરાધનામાં ત્રણ તબક્કામાં અખંડ સુડતાળીશ રાત-દિવસ, પાંત્રીશ રાત-દિવસ અને અટ્‌ઠાવીશ રાત-દિવસના પૌષધ કરવાનો શાસ્ત્રીય નિયમ હોય છે. જેને આ કાળમાં પણ હજારો જેને ભાઈ-બહેનો શ્રદ્ધાપૂર્વક-ભાવપૂર્વક અપનાવે છે.

શાસ્ત્રદ્રષ્ટિએ વિચારીએ તો પૌષધ ચાર પ્રકારનો છે. પહેલો છે આહાર પૌષધ. પૌષધ દરમ્યાન અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરવો કે અચિત (ઉકાળેલ) પાણીની અમૂક નિશ્ચિત સમયની છૂટ રાખીને અન્નનો સંપૂર્ણ કરવો અર્થાત્‌ ઉપવાસ કરવો તેને સર્વથી આહાર પૌષધ કહેવાય છે. અને પૌષધમાં આયંબિલ કે એકાસણાનું તપ કરવું તેને દેશથી આહાર પૌષધ કહેવાય છે. પૌષધમાં ઓછામાં ઓછું એકાસણાનું (માત્ર એક જ વારના ભોજનનું) તપ તો જોઈએ જ. એથી નીચેનું તપ ત્યાં ચાલે નહિ.. બીજે છે શરીર સત્કાર પૌષધ. પૌષધ દરમ્યાન શરીરની શોભા-વિભૂષા અને સ્નાનાદિનો સંપૂર્ણ ત્યાગ કરવો તેને કહેવાય છે શરીર સત્કાર પૌષધ. અરે ! પાવડર-મેકઅપ તો દૂર રહ્યા, આમાં તો હાથ-પગ-મુખ પણ પાણીથી સ્વચ્છ કરવાની મનાઈ છે.

જે કાળમાં વ્યક્તિઓ એક વાર નહિ, દિવસમાં બબ્બે ત્રણ ત્રણ વાર સ્નાન કરીને પાણીનો બગાડ કરે છે તે કાળમાં આવા નિયમો મજબૂત મનોબલ અને ત્યાગ-વૈરાગ્યની ભાવના સિવાય શક્ય નથી. ઉપરોક્ત બન્ને પ્રકારના પૌષધનો મુખ્ય હેતુ શરીરની આસક્તિ તૂટે અને વિરાધનાનો પરિહાર થાય તે છે.
ત્રીજો છે બ્રહ્મચર્ય પૌષધ. પૌષધ દરમ્યાન દરેક સ્ત્રી-પુરુણે મન-વચન-કાયાથી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. પૂર્વે જણાવ્યું તેમ આ નિયમ એટલો કડક હોય છે કે તેમાં વિજાતીય વ્યક્તિનો અજાણતાં ય સ્પર્શ ન થવો જોઈએઃ પછી ભલેને એ વિજાતીય વ્યક્તિ પોતાનું જ સંતાન હોય !! ભૂલમાં એનો સ્પર્શ થઈ જાય તો ય એનું પ્રાયશ્ચિત (પનીશમેન્ટ) લેવાનું આવે… ચોથો છે અવ્યાપાર પૌષધ. વ્યાપાર એટલે પ્રવૃત્તિ. પૌષધ દરમ્યાન કોઈ પણ સાંસારિક પ્રવૃત્તિ કરાય નહિ. અરે ! ઘરની-બજારની વાતો પણ કરા નહિ. માત્ર સ્વાઘ્યાય-જાપ-કાયોત્સર્ગ જેવી ધાર્મિક પ્રવૃત્તિ જ કરાય. આ ચારેય પ્રકારના પૌષધનું સંયુક્ત પાલન દિવસના બાર કલાક કરવું તે દિવસ પૌષધ કહેવાય, રાત્રે કરવું તે રાત્રિપૌષધ કહેવાય અને રાત-દિવસ કરવું તે અહોરાત્ર પૌષધ કહેવાય. અમારા ગુરુદેવ આચાર્યપ્રવર શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનાં સાન્નિઘ્યમાં ઈ.સ. ૨૦૦૫માં જૈનોના સર્વોચ્ય તીર્થ પાલિતાણામાં ભવ્ય સામૂહિક ચાતુર્માસ થયું હતું ત્યારે, એક ભાગ્યવાન ભાઈએ એક પણ દિવસનું અંતર પાડ્યા વિના સળંગ એકસોવીશ અહોરાત્ર પૌષધ કર્યા હતા !!

પૌષધ શા માટે કરવો જોઈએ ? એનું એકદમ સરલ કારણ પૂજ્ય આત્મારામજી મહારાજે સવાસો વર્ષ પૂર્વે વલ્લભીપુરમાં કરેલ રસપ્રદ પ્રરૂપણામાંથી મળી રહે છે, એમણે ત્યાં ચાર શ્રેષ્ઠ બાબતો દર્શાવીને કહ્યું હતું કે પ્રત્યેક જૈન ભાઈ-બહેને જીવનમાં ઓછામાં ઓછી એકવાર તો તે આત્મસાત્‌ કરવી જ જોઈએ. એમાંની એક વાત હતી ચોસઠ પ્રહરી પૌષધ. તેની ઉપયોગિતા દર્શાવતા તેઓએ જણાવ્યું હતું કે તેનાથી વ્યક્તિમાં વિરતિધર્મના સંસ્કારો પાંગરે અને ભાવિમાં ચારિત્રધર્મપાપ્તિની શક્યતા રહે. પૌષધનાં કારણે અનેક છે, કંિતુ તેમાં આ એક અતિ અગત્યનું કારણ છે. એટલે જ તો જૈન શ્રાવક-શ્રાવિકાનાં બાર વ્રતોમાં આ પૌષધવ્રતને સ્થાન આપવામાં આવ્યું છે.

દરેક વ્યાવહારિક કે ધાર્મિક પ્રવૃત્તિ કરતાં, ‘તેનું પરિણામ શું ? ફળ શું ?’ આ જાણવાની ઇચ્છા હર કોઇ વ્યક્તિને હોય છે. ખરું કહીએ તો આ જિજ્ઞાસા જ પ્રવૃત્તિનું પ્રેરક પરિબળ બની રહે છે. એટલે પ્રસ્તુતમાં, પૌષધનું ફળ શું ? તે પણ જાણવું જોઇએ. આ માટે જૈન શાસ્ત્રોમાં એક પ્રાચીન ગાથા આમ મળી રહે છે.
કહે છે…..

” પોસેઈ સહુભાવે, અસુહાણં ખવેઈ નત્થિ સંદેહો ત
છંદિઈ નરયતિરિગઈ, પોસહવિધિ અપ્પમત્તો અ.’’

મતલબ કે અપ્રમત્તભાવે પૌષધ આરાધનાર પુણ્યાત્મા ઉત્તમ આત્મભાવોનું અને પુણ્યનું પોષણ કરે છે, અશુભ આત્મભાવોનું અને પાપોનું શોષણ-વિદારણકરે છે તેમજ નરક-તિર્યંચ જેવી દુર્ગતિનું છેદન કરે છે. ગાથામાં દર્શાવેલ આ પરિણામો ઉપરાંત, જો તે આરાધક અત્યંત શુભ ભાવોમાં અરૂઢ થાય તો સર્વકર્મક્ષય પણ કરી શકે છે. આવાં ઉત્તમ ફળો – ઉત્તમ પરિણામો પૌષધવ્રતનાં છે.

ઉત્તમ પરિણામદાયક આ મહાન પૌષધવ્રતને આરાધક પુણ્યાત્મા કઈ હદના ઉત્તમ ભાવોથી આરાધે તે જાણવું છે ? તો વાંચો જૈન ઈતિહાસના તેજસ્વી તારલા મહાન રાજા ચન્દ્રાવતંસકની આ હૃદયસ્પર્શી કથાઃ

પરમ ધાર્મિક રાજા ચન્દ્રાવતંસકને પર્વતિથિએ પૌષધવ્રતનો નિયમ હતો. આ માટે તેમણે રાજમહેલના જ એક અલાયદા વિભાગમાં પૌષધશાળા રચાવી હતી. એક પર્વતિથિની વાત. પૌષધવ્રત સ્વીકારીને રાજા ત્યાં ધર્મસાધના કરતા હતા. તમામ આવશ્યક ધર્મક્રિયા પૂર્ણ થયા બાદ રાત્રિસમયે રાજાએ એક અભિગ્ર = ધારણાનિયમ આદરવાનું વિચાર્યું. રાત્રિ છવાઈ ચૂકી હતી. એથી બહારના ભાગે દાસીએ સૌમ્ય દીપજ્યોતિ પ્રગટાવી હતી.

રાજાએ સંકલ્પ કર્યો કે ‘જ્યાં સુધી આ દીપજ્યોતિ ઝળહળતી રહે ત્યાં સુધી મારે અખડપણે કાયોત્સર્ગ ઘ્યાનમાં લીન રહેવું.’ એમનાં મનમાં અંદાજ એ હતો કે નાનકડી આ દીપજ્યોતિ વઘુમાં વઘુ એક-દોઢ કલાક પ્રકાશિત રહેશે. પછી ઘી ખૂટતાં એ આપોઆપ બઝાઈ જશે.
પરંતુ ભવિતવ્યતાના યોગે બન્યું વિપરીત. પૌષધશાળામાં અંધારપટ ન છવાય અને સાધનાલીન રાજાને સહાયક થવાય આવી ભલી બુદ્ધિથી પેલી દાસી જાગતી રહી અને કલાકે કલાકે પેલી દીપશિખામાં ઘી પૂરતી રહી !! ઉત્તમ આરાધક રાજાએ દાસીને ઘી પૂરતી અટકાવવાનો એક ઈશારોમાત્ર ન કર્યો અને સ્વીકારેલ અભિગ્રહ મુજબ અખંડપણે એક જ સ્થાને ઊભા ઊભા કાયોત્સર્ગઘ્યાન જારી રાખ્યું. સંપૂર્ણ રાત્રિપર્યંત પેલી દાસીએ દીવડો પ્રજ્વલિત રાખ્યો, તો સંપૂર્ણ રાત્રિપર્યંત રાજવીએ કાયોત્સર્ગ ઘ્યાનનો દીવડો પ્રજ્વલિત રાખ્યો. ન કોઈ ખેદ-સંતાપ કે ન કોઈ નિયમમાં બાંધ-છોડ !!

આખરે પ્રભાત થયું. હવે દીવડાની આવશ્યકતા ન જાણતાં દાસીએ ઘી ન પૂર્યું. દીવડો સ્વયં બુઝાયો અને ત્યારે પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી રાજાએ ઘ્યાન પૂર્ણ કર્યું. રાજા બેસવા ગયા. કંિતુ સમગ્ર રાત્રિ એક જ અવસ્થામાં રહેવાનું કષ્ટ શરીર સહી ન શક્યું. રાજા ત્યાં જ પ્રાણમુક્ત થઈને સદ્‌ગતિએ સંચર્યા !! રાજા ભલે વિદાય થયા. પરંતુ એમની આ વિરલ આરાધનાકથા – યશોગાથા આજે પણ પૌષધ પારવાનાં સૂત્રમાં અમર છે. એ સૂત્રમાં ચન્દ્રાવતંસકરાજાનો ઉલ્લેખ કરીને લખાયું છે કે ઃ- ‘‘જેસિ પોસહપડિમા, અખંડિઆ જીવિઅંતે વિ.’’ મતલબ કે ચન્દ્રાવતંસક વગેરે તે પુણ્યાત્માઓને ધન્ય છે કે જેમણે પ્રાણાંતે પણ પૌષધ નિયમ અખંડ જાળવ્યો છે…

અંતે, એક ગુજરાતી કડી ટાંકીને પૌષધમહિમાના આ લેખનું આપણે સમાપન કરીશું કે ઃ-

‘‘આઠ પ્રહરનો પૌષધ લઈને, ઘ્યાન પ્રભુનું ધરીએત
મન-વચન-કાયા જો વશ કરીએ, તો શિવમંદિર લહીએ…’’

સર્વોત્તમ સામાયિક – શ્રેષ્ઠ શ્રી પુણિયો શ્રાવક

5   6

|| સર્વોત્તમ સામાયિક – શ્રેષ્ઠ શ્રી પુણિયો શ્રાવક ||

સામાયિક અને આદર્શ ભક્તિનું ઉદાહરણ એટલે પુણિયો શ્રાવક. આ એક એવો શ્રાવક હતો કે જેની ધર્મભાવના ખુદ ભગવાન મહાવીરે વખાણી હતી. હસતે મુખે ગરીબી સ્વીકારનાર પુણિયાએ પોતાની પૈતૃક મિલકતનું દાન કર્ય઼ું હતું અને જાતે રૂની પૂણીઓ બનાવીને મળતી બે આના જેટલી રકમમાં સંતોષભેર જીવતો હતો.

પુણિયા શ્રાવકમાં પ્રભુ તરફ ભક્તિ હતી. એ જ રીતે પ્રભુના શાસનના સાધર્મિકો તરફ અપાર સ્નેહ હતો. આથી રોજ એક સાધર્મિકને પોતાને ત્યાં નિમંત્રણ આપીને પતિ-પત્ની ભાવથી જમાડતા હતા. આ કારણે બંનેને એકાંતરે ઉપવાસ કરવો પડતો હતો. આવો બાર વ્રતધારી પુણિયો આત્મસમભાવમાં એકાકાર બનીને રોજ એક સામાયિક કરતો હતો. એક દિવસ સામાયિકમાં પુણિયા શ્રાવકનું ચિત્ત સ્થિર રહેતું નહોતું. આથી પુણિયાના અંતરમાં અજંપો જાગ્યો. આવું કેમ ? એણે એની પત્નીને પૂછયું કે આજે સામાયિકમાં મારૂં ચિત્ત સ્થિર રહેતું નથી, આવું કેમ થાય છે એનું કારણ મને સમજાતું નથી !

આત્મજાગૃત પુણિયાની વાતે એની પત્નીને વિચારતી કરી મૂકી. થોડી વારે યાદ આવતાં શ્રાવિકાએ કહ્યું, “હું પાછી આવતી હતી ત્યારે માર્ગમાં અડાણાં છાણાં પડયાં હતાં. એ સિવાય તો બીજું કશું અણહકનું ક્યારેય લાવી નથી.”

પુણિયા શ્રાવકના જાગૃત આત્માએ કહ્યું, “અરે ! રસ્તામાં પડેલાં છાણાં એ આપણાં ન કહેવાય. જેના પર કોઈનો અધિકાર ન હોય એના પર રાજનો અધિકાર કહેવાય. જાઓ, છાણાં જ્યાં હતાં ત્યાં પાછાં મૂકી આવો.”

પુણિયાની આત્મજાગૃતિ એટલી હતી કે એક નાનીશી ક્ષતિ પણ એના અંતરને વલોવી નાખતી હતી.

એક વાર મહારાજ શ્રેણિકે મૃત્યુ બાદ પોતાની કઈ ગતિ થશે એમ પૂછયું, ત્યારે ભગવાન મહાવીરે નરકગતિ થશે તેમ કહ્યું. પોતાન પરમ ભક્તને પણ પ્રભુ સાચી વાત કહેતા સહેજે અચકાતા નહીં. રાજા શ્રેણિકે આમાંથી ઊગરવાનો ઉપાય પૂછયો ત્યારે ભગવાને કહ્યું, “પુણિયા શ્રાવકની માત્ર એક જ સામાયિકનું પુણ્ય મળે તોય તારી નગરકગતિ ટળશે.” રાજા શ્રેણિક પુણિયા શ્રાવક પાસે એક સામાયિક ખરીદવા ગયા.

પુણિયાએ રાજાને કહ્યું કે ભગવાન મહાવીરે કહ્યું કે સાચા શ્રાવક પુણિયાની સામયિકનું મૂલ્ય આપવું અશક્ય છે. ઘણા મેરૂ પર્વત જેટલા ધનના ઢગલા કરવામાં આવે તો તેનાથી પણ વધારે પુણિયાની એક સામાયિકની દલાલી છે. એક આખીયે સામાયિકનું મૂલ્ય તો આનાથી અનેકગણું હોય. આમ પુણિયાનું જીવન સાચા શ્રાવકની આત્મલીન સામાયિકની મહત્ત્તાનું મહિમાગાન કરે છે.

આનો અર્થ એ કે પુણિયા શ્રાવકની સામાયિક અમૂલ્ય છે. એની કિંમત કોઈ આંકી શકે તેમ નથી. સમગ્ર રાજસમૃદ્ધિ પુણિયાની એક સામાયિક પણ ખરીદી શકે તેમ નથી. આથી તેઓ નિરાશ થયા, પરંતુ સાથોસાથ સાચા શ્રાવક પુણિયાની ધર્મભાવનાને મનોમન વંદન કરી રહ્યા. સાચી સામાયિકની વાત થતાં તરત જ પુણિયા શ્રાવકનું સ્મરણ થાય છે. વળી પુણિયાનું જીવન પણ સાચા શ્રાવકને શોભાવે તવું અપરિગ્રહી હતું. પ્રભુ મહાવીરના સ્વમુખે જેનાં વખાણ થયાં એ પુણિયા શ્રાવકને ધન્ય છે.

જૈન શ્રાવક

3   4

|| જૈન શ્રાવક ||

ભાવ શ્રાવક ના છ લક્ષણો…..

(1) કૃતકર્મા -: સદગુરુ ની પાસે ધર્મ સાંભળી, સમજીને પછી વ્રત વિગેરે સ્વીકાર કરી ને તેનું પાલન કરે.
(2) શીલવાન -: કાર્ય વિના કોઈના ત્યાં જાય નહિ,દેશાચાર-કુળાચાર પ્રમાણે વેશ રાખે,વિકાર યુક્ત વચન ન બોલે અને કોઈપણ કાર્ય ધીરજ થી કરે.
(3) ગુણવાન -: સ્વાધ્યાય,ધર્મક્રિયા તથા વિનય માં સદા ઉદ્યમવંત રહે.
(4) ઋજુ વ્યવહારી – : ધર્મના સંબંધમાં તથા વ્યવહારના સંબંધમાં વૈરવિરોધ ન જાગે તેવું વર્તન કરે,બીજાને છેતરવાની બુદ્ધિ ન રાખે.સદભાવ પૂર્વક મિત્રતા રાખે.
(5) ગુરૂ શુશ્રુષા -: ગુરૂ ની તન મન અને ધન થી સેવા કરે.
(6) પ્રવચન કુશળતા -: સૂત્ર,અર્થ,ઉત્સર્ગ,અપવાદ,ધર્માનુંષ્ઠાન અને વ્યવહાર માં જે કુશળ હોય તે ભાવ શ્રાવક ગણાય છે.

શ્રાવક ના છ કર્તવ્ય…………

(1) દેવપૂજા (2) ગુરૂ વૈયાવચ્ચ (3) સ્વાધ્યાય (4) સંયમ (5) તપ અને (6) દાન.

શ્રાવક ના બાર વ્રત……………..

(1) સ્થૂલ પ્રાણાતિપાદ વિરમણ વ્રત (2) સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત (3) સ્થૂલ અદાત્તાદાન વિરમણ વ્રત(4) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (5) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત (6) દિગ પરિમાણ વિરમણ વ્રત.(7) ભોગોપભોગ વિરમણ વ્રત (8) અનર્થ દંડ વિરમણ વ્રત (9) સામાયિક વ્રત (10) દેશાવગાસિક વ્રત.(11) પૌષધોપવાસ વ્રત અને (12) અતિથી સંવિભાગ.
શ્રાવક ના એકવીશ ગુણ………

(1) અશુદ્ર (2) રૂપવાન (3) શાંત (4) લોકપ્રિય (5) અંકુર (6) પાપભીરૂ (7) અશઠ (8) દાક્ષિણ્ય(9) લજ્જાળુ (10) દયાળુ (11) મધ્યસ્થ (12) ગુણાનુરાગી (13) સત્કથાખ્ય (14) સુપક્ષ યુક્ત(15) દીર્ધદર્શી (16) વિશેષજ્ઞ (17) વૃદ્ધા નું માર્ગી (18) વિનયી (19) કૃતજ્ઞ (20) પરહિતાર્થકારી(21) લબ્ધલક્ષ્ય.

શ્રાવક જીવન માં કરવા યોગ્ય કર્તવ્ય……..

(1) એક વાર સંઘ પૂજન કરવું.

(2) એક વાર શ્રી સિદ્ધચક્ર પૂજન,શાંતિ સ્નાત્ર,ભક્તામરપૂજન વગેરે મહાપૂજન કરાવવા.

(3) એક વાર નવ્વાણું યાત્રા, ઉપધાન તપ કરવા અને કરાવવા.

(4) નાના મોટા તપ નું ઉજમણું કરવું.

(5) શત્રુંજયગિરિ પર આદિશ્વર દાદા ને હાર ચઢાવવો,આંગી કરાવવાનો લાભ લેવો.

(6) પાલીતાણા માં ચાતુર્માસ ની આરાધના કરવી તેમજ કરાવવી.

(7) ગિરિરાજ અને કલ્પસૂત્ર ની સોના ચાંદીના ફૂલથી પૂજા કરવી.

(8) નૂતન વર્ષ ના પ્રારંભે પ્રભુ ના હાથમાં પૈસા,ચાંદી અથવા સુવર્ણ નું શ્રીફળ ચઢાવવું.

(9) આપણા ઘરમાં કોઈ આચાર્ય ભગવંત કે કોઈપણ મ.સા. પધારે તો સોના અથવા ચાંદી ના સિક્કા થી પૂજન કરવું.

(10) નવી જિનપ્રતિમા ભરાવવી,તેની પ્રતિષ્ઠા કરાવવી તથા ચક્ષુ, મુકુટ,હાર અને તિલક આદિ કરાવવા.

(11) તીર્થ સ્થાન માં આયંબીલ આદિની તિથી ભરાવવી.

(12) નવલાખ નવકાર મંત્ર નો જાપ કરવો.

(13) કલ્પસૂત્ર અથવા વીર પ્રભુનું પારણું એક વખત પોતાના ઘરમાં પધરાવવું.

(14) દિવાળીના દિવસે લાખ બુંદીનો લાડુ તથા લાખ ચોખાનો સાથિયો કરાવવો.

(15) સ્વામી વાત્સલ્ય, ચંદરવો ભરાવવો,તથા ૧૦૮ જવ નો સાથિયો કરાવવો.

(16) પ્રભુની પ્રતિમા ઉપર ત્રણ છત્ર કરાવવા,ગુપ્ત ભંડાર કરાવવો.

(17) દાદાના દરબાર માં સોનું ચઢાવવું.

(18) સંવત્સરી થી શરૂ કરીને બીજી સંવત્સરી સુધી દરરોજ દહેરાસર થી ઘરે જતાં ગરીબો વિગેરે ને દાન આપવું, જેને સંવત્સરી દાન કહેવાય છે.

શ્રાવક ના છત્રીશ કર્તવ્ય…………….

(1) તીર્થંકર પરમાત્મા ની આજ્ઞા ને માનવી.

(2) મિથ્યાત્વ નો ત્યાગ કરવો.

(3) સમ્યક્ત્વ ને ધારણ કરવું.

(4–9) સામાયિક,ચૌવિસત્થો,વંદન,પ્રતિક્રમણ,કાઉસગ્ગ, પચ્ચક્ખાણ આદિ છ આવશ્યક ક્રિયામાં ઉદ્યમશીલ રહેવું.

(10) આઠમ,ચૌદશ વિગેરે પર્વ તિથિઓમાં પૌષધ કરવો.

(11) સુપાત્ર માં દાન આપવું.

(12) બ્રહ્મચર્ય નું પાલન કરવું, સદાચાર રાખવો.

(13) બાહ્ય તથા અભ્યંતર તપ કરવો.

(14) મૈત્રી ભાવના વિગેરે શુદ્ધ ભાવ રાખવો.

(15) પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો.

(16) નમસ્કાર મંત્ર નું સ્મરણ કરવું.

(17) પરોપકાર કરવો.

(18) જયણાધર્મ નું પાલન કરવું.

(19) જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરવી.

(20) જિનેશ્વર પરમાત્માની પૂજા કરવી.

(21) ગુરૂની સ્તુતિ કરવી.

(22) સાધર્મિક ભક્તિ કરવી.

(23) વ્યવહાર શુદ્ધ રાખવો.

(24) રથ યાત્રા કાઢવી.

(25) તીર્થ યાત્રા કરવી.

(26) ક્ષમા – ઉપશમ ભાવ રાખવો.

(27) સત્યાસત્ય ની પરીક્ષા કરીને વિવેક નું પાલન કરવું.

(28) સંવર ની કમાણી કરવી.

(29) ભાષા સમિતિ નું પાલન કરવું તથા વચન ગુપ્તી નો ઉપયોગ રાખવો.

(30) છકાય જીવો પ્રતિ કરુણા ભાવ રાખવો.

(31) ધાર્મિક મનુષ્યો નો સંગ કરવો.

(32) ઇન્દ્રિયો નું દમન કરવું.

(33) ચરિત્ર ગ્રહણ કરવાની ભાવના રાખવી હંમેશાં સંયમ નું લક્ષ્ય રાખવું.

(34) સંઘ ની ઉપર બહુમાન રાખવું.

(35) ધાર્મિક પુસ્તક લખાવવું.

(36) તીર્થની પ્રભાવના કરવી.

શ્રી પર્યુષણ પર્વની કથા

1

|| શ્રી પર્યુષણ પર્વની કથા ||

શ્રી પર્યુષણ પર્વનું માહાત્યમ તેમજ વિધિ સમાચારી કોણે કહી ? કોણે પૂછી ? કોણે સાંભળી ? તે સંબંધી કહે છે કે,મગધદેશમાં નિરંતર મહોત્સવો થઇ રહ્યા છે, એવા ઘણાં જિનાલયો છે.વીતરાગ ધર્મ સેવનાર શ્રાવક જનો મહોત્સવો કરી રહ્યા છે. તેમજ ભોગસમી રાજગૃહી નગરીમાં બહોતેર કળાનો જાણનાર રાજનીતિમાં નિપુણ શ્રેણિકરાજા રાજ્ય કરે છે.તેની સત્યશીલ ગુણવતી અને જૈનધર્મને શોભાવનારી ચેલણા નામે રાણી છે.વૈભારગિરિ ઉપર અનેક દેવતાઓ યુક્ત ચોસઠ ઇન્દ્રો જયજયા રવ કરી રહ્યા છે,તથા દેવ દંદુભિના અવાજથી ચારે દિશાઓ ગુંજી રહી છે.આવી શોભાયુક્ત અષ્ટ મહાપ્રાતિહાર્ય સહિત શ્રી વીર જિનેશ્વરને સમ વસરેલા જોઇને વન પાલકે શ્રેણિક મહારાજાને કહ્યું કે,મહારાજ!વૈભાર પર્વતની ઉપર શ્રી વીર ભગવંત દેવરચિત સમોવસરણમાં બિરાજ્યા છે.વન પાલકનું કથન સાંભળી અત્યંત હર્ષમાં આવી શ્રેણિક રાજા આસન પરથી ઉભા થઈને જે દિશામાં પ્રભુ બિરાજ્યા છે તે દિશામાં સાત કદમ આગળ જઈ,પંચાંગ નમસ્કાર કરી પોતાના અંગે પહેરેલા ઘરેણાં મુકુટ છોડીને બાકીના વન પાલકને આપ્યા.પછી આનંદ ભેરી વગડાવી નગરવાસી સહિત રાજા સહપરિવાર શ્રી વીરપ્રભુને વાંદવા ગયો.

શ્રેણિકરાજા સમવસરણમાં પહોચી પાંચ પ્રકારના અભિગમ સાચવી ભગવાનને જમણી બાજુએથી ત્રણ પ્રદક્ષિણા દઈ સ્તુતિ કરી સ્વસ્થાને બેઠા.ભગવાનની દેશના બાદ અવસર પામી શ્રેણિકરાજા પુછવા લાગ્યા કે,હે ભગવન!પ્રથમ શ્રી પયુષણપર્વ ને વિષે શી શી કરણી કરવી ? અને તે કરવાથી શુ ફળ મળે ?

ભગવાને જણાવ્યું,હે મગધેશ! સાંભળ [૧] પયુષણપર્વ આવે ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ શ્રી વીતરાગના ચૈત્યો જુહારે [૨] સાધુની ભક્તિ કરે [૩] કલ્પસૂત્ર સાંભળે [૪] શ્રી વીતરાગની પૂજા-ભક્તિ કરે નિત્ય અંગરચના [5] ચતુર્વિધ સંઘમાં પ્રભાવના કરે [૬] સાધર્મિક વાત્સલ્ય કરે [૭] જીવોને અભયદાન આપવા અમારી પડહ વગડાવે.[૮] અઠ્ઠમ તપ કરે [૯] જ્ઞાનની પૂજા કરે [૧૦] પરસ્પર સંઘને ખમાવે અને [૧૧] સંવત્સરી પ્રતિક્રમણ કરે.આ અગિયાર કર્તવ્ય છે.

વિશેષમાં ભગવાને કહ્યું પજુષણ આવે ત્યારે સામાયિક,પૌષધવ્રત કરવા,બ્રહ્મચર્ય પાળવું,દાનદેવું તેમાં દયા મુખ્ય પાળવી. ઈત્યાદી કર્તવ્ય અલંકાર રૂપ છે.વળી ઘરનાં આરંભ સર્વે વર્જવા, ખાંડવું,દળવું,સચિત્તનો ત્યાગ કરવો,સાવદ્ય વેપાર ન કરવો.કલ્પસૂત્ર વાંચન કરનાર સાધુ મહાત્માઓની ગોચરીની વ્યવસ્થા કરવી,રાત્રી જાગરણ કરવું,આઠ દિવસ ઉભય ટંક ના પ્રતિક્રમણ કરવા,ગુરુની વસ્ત્રાદિક ભક્તિ કરવી, સાવદ્ય એટલે પાપના વચન મુખેથી ન બોલવા.પારણાના દિવસે સાંવ ત્સરિક દાન દેવું,દેવદ્રવ્ય તથા સાધારણના ભંડાર વધારવા,જ્ઞાન દ્રવ્યની વૃદ્ધિ કરવી, અનેક પ્રકારના વાજિંત્રો વગડાવવા, ઉત્તમ વસ્ત્રો પહેરવા,કલેશ,શોક,સંતાપનું નિવારણ કરવું,કંકુ વડે પાંચ આંગળીના થાપા દેવા અને ચંદનથી પૂર્ણ કળશની સ્થાપના કરવી.

અગિયાર કર્તવ્યમાં શ્રી પર્યુષણ પર્વને દિવસે જે વિધિ પૂર્વક ચૈત્યપરીપાટી કરે તે દેવલોકમાં ઇન્દ્ર જેવા સુખ પામે તથા મનુષ્ય લોકમાં શ્રેષ્ઠ પદવી પામે.સાધુ-સાધ્વીની ભક્તિ કરનારને વૈમાનિક દેવપણું પ્રાપ્ત થાય છે.કલ્પસૂત્ર સાંભળવાથી કલ્પવ્રુક્ષની જેમ સાંભળનારના મનો વાંછિત પૂર્ણ કરે છે.જે મુનિ સંપૂર્ણ કલ્પસૂત્ર વાંચે અને ભવ્યજન બહુમાન પૂર્વક આદર સહિત સાંભળે તે વૈમાનિક સુખો ભોગવીને મોક્ષપદ પામે છે.સર્વ પર્વોમાં પયુષણ પર્વ મોટું છે.તે પર્વમાં જે કલ્પસૂત્ર સાવધાન થઈને સાંભળે તે આત્મા આઠ ભવમાં મોક્ષ પામે છે.
નિરંતર શુદ્ધ સમકિતના સેવનથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાથી જેટલું પુણ્ય ઉપાર્જન થાય તેટલું પુણ્ય કલ્પસૂત્ર સાંભળવાથી ઉપાર્જન થાય,શ્રી જિનશાસનમાં પૂજા પ્રભાવના કરવામાં તત્પર રહેલા લોકો એકાગ્ર ચિત્તે શાસન પ્રભાવના કરે,પૂજા કરે,અને કલ્પસૂત્રનું એકવીસવાર શ્રવણ કરે તે પ્રાણી સંસારરૂપ સમુદ્રને તરી જાય છે.

ચોથા ધ્વારમાં પર્યુષણ આવે ત્યારે અરિહંત ભગવંતની પ્રતિમાઓને મહારિદ્ધિ સહિત રથમાં સ્થાપન કરી અષ્ટપ્રકારીપૂજા, સ્નાત્રાદિ આઠે દિવસે કરવા. જેવી રીતે ચાર નિકાયના દેવો,વિદ્યાધરો ત્રણે અઠ્ઠાઈને પાંચે કલ્યાણકો નો નંદીશ્વરદ્વિપમાં મહોત્સવ કરે છે.તેવી રીતે મનુષ્યો પણ મહોત્સવો કરે છે.પયુષણ પર્વમાં દોષ રહિત પણે શ્રી જિનરાજની પૂજા કરે તે પ્રાણી ત્રીજે અથવા સાતમે આઠમે મોક્ષને પામે.જેનાં પાપ વિષમ હોય તે પાપ દુર થાય.ખુબ સુખ સંપત્તિ પામે.તેનો આત્મા ત્રણે ભુવનમાં યશ, કીર્તિ થી દેદીપ્યમાન થાય.

પાંચમું અને છઠ્ઠું કર્તવ્ય સંઘ પ્રભાવના અને સ્વામી વાત્સલ્ય ના ત્રણ ભેદ છે.જઘન્ય(સામાન્ય ) મઘ્યમ અને ઉત્કૃષ્ટ.તેમાં પ્રત્યેક સાધર્મિક ને એકેક નવકારવાળી આપે તે સામાન્ય,ચાર પ્રકારના આહાર વડે જમાડે તે મઘ્યમ અને જમાડ્યા પછી વસ્ત્રાભરણ ની પહેરામણી કરે તે ઉત્કૃષ્ટ સ્વમીવાત્યાલ્ય જાણવું.ત્રીજા જિન શ્રી સંભવનાથ પ્રભુએ દઢભક્તિ પૂર્વક શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય કર્યું, તેથી તીર્થંકર લક્ષ્મી પામ્યા.

અમારિ ઉદ્ઘોષણા કરવા સંબંધી સાતમું કર્તવ્ય છે પયુષણના સર્વ દિવસોમાં અભયદાન દેવું.પાપનો ધંધો થતો અટકાવવો જેમકે તે દિવસો માં કતલખાના બંધ કરાવવા,અભયદાનનો પડહ વગડાવવો,આ રીતે જે અમારિ પળાવે તેનું આયુ દીર્ધતર થાય,શરીર શોભાય માન થાય, ઊંચ ગોત્ર બંધાય,બળ પરાક્રમ અને સંપદા(લક્ષ્મી) પામે અને નિરંતર તંદુરસ્ત રહે.તથા તે ભવ્ય જીવ ત્રીજે ભવે મોક્ષ પામે.

આઠમું કર્તવ્ય પર્યુષણ માં અઠ્ઠમતપ કરનાર ત્રણરત્નની શોભાને પામે,મન વચન અને કાયાના પાપ ધોઈ નાખે,તેના જન્મ અથવા ત્રણભવ પવિત્ર થાય,અથવા તે પુરુષ મોક્ષપદ પામે છે.માટે જે શ્રાવક કળીયુગમાં પયુષણ આવે ત્યારે ત્રણ ઉપ વાસ કરે,તેને ધન્ય છે.મુનિ મહારાજ છ માસી અથવા વરસ ના તપ કોટી વર્ષ પર્યંત કરે,તે મુનિ તપ ના ભાવથી ઘણાં વર્ષોના સંચિત કરેલા કર્મો ની નિર્જળા કરે,તેમ પયુષણ માં અઠ્ઠમતપ કરવાથી એટલા પાપોનો ક્ષય થાય. તેની ઉપર શ્રી નાગકેતુની કથા શ્રી કલ્પસુત્રથી જાણવી.

નવમું કર્તવ્ય જ્ઞાનની પૂજા કરવા પયુષણ માં પુસ્તક આગળ કસ્તુરી,કપુરાદિ,ચંદન,અગર,ધૂપ કરવા,ઘીનો દીપક કરવો, એ પ્રમાણે કલ્પ સૂત્રની પૂજા કરવી. તેથી સંસારજન્ય અજ્ઞાન નાશ પામે છે.તથા ક્રમેક્રમે ભવ્યજીવને કેવલજ્ઞાન ઉપજે છે.

સંવત્સરી પ્રતિક્રમણનું દસમું ધ્વાર પયુષણ પર્વમાં મન,વચન અને કાયાની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું.પડિક્કમણ પંચવિધ આચારની શુદ્ધિ નો હેતુ છે સાધુ તથા શ્રાવકે ગુરુની સાથે પ્રતિક્રમણ કરવું અથવા એકલાએ પણ કરવું.

સંવત્સરી ખામણાં વિષે અગિયારમું ધ્વાર,કલેશ થી જે પાપો બાંધ્યા હોય તે પયુષણમાં સુક્ષ્મ અને બાદલ બન્ને પ્રકારના જીવોની સાથે ખમા વવાથી નાશ પામે છે.જે પ્રાણી પૂર્વના વૈરભાવને મૈત્રી ભાવથી પયુષણમાં સર્વ જીવોની સાથે ખમાવે તે પ્રાણી દોષ રહિત થઇ મોક્ષના સુખ પામે.

પયુષણમાં જે દેવદ્રવ્ય,જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરે તે ભવીજીવ તીર્થંકર પદવી પ્રાપ્ત કરે છે તથા જે દેવદ્રવ્યની ઉપેક્ષા કરે, ભક્ષણ કરે તથા કોઈ આપતો હોય તેને અંતરાય કરે કે આપવાની ના કહે.તે જીવ બુદ્ધિહીન થાય,ઘણા પાપોથી લેપાય અને બીજા ભવ માં ધર્મ ન પામે અથવા નરક આયુષ્ય બાંધે.જે નર દેવદ્રવ્ય વડે પોતાના ધનની વૃદ્ધિ કરે તે ધન તેના કુળનો નાશ કરે,તેમજ તે નર મરી ને નરકગતીમાં જાય, માટે શ્રાવકે વ્યાપાર કરતાં દેવદ્રવ્યની રક્ષા કરવી.

આ રીતે પર્યુષણ પર્વની કરણીનું ફળ પ્રભુના મુખેથી સાંભળીને શ્રેણિક મહારાજા એ પૂછ્યું ,ભગવંત ! સર્વથી અધિક પયુષણ પર્વનો મહિમા કેવો છે ? ભગવંતે કહ્યું,રાજન ! પયુષણપર્વનો મહિમા પુરેપુરો કહેવાને હું પણ અસમર્થ છું.જેમ કોઈ મેઘની ધારાની સંખ્યા ગણી શકે નહિ, આકાશમાં રહેલા તારાની સંખ્યા ગણી શકે નહી.ગંગા નદીના કાંઠે રહેલા રેતીના કણીયા કે સમુદ્રમાં રહેલા પાણીના બિંદુની સંખ્યા કહી શકે નહિ.કદાચિત કોઈ ધીર પુરુષો પૂર્વોક્ત સર્વ પદાર્થોની સંખ્યાની ગણના કરી શકે પરંતુ આ પર્વ પયુષણ પર્વના મહત્યમની સંખ્યા કોઈના થી કહી શકાય નહિ.તેથી જ સર્વ પર્વોમાં અધિક મોટું પર્વ એ છે.જેમ ગુણોમાં વિનયગુણ મોટો,વ્રતમાં બ્રહ્મચર્ય, નિયમમાં સંતોષ,તપમાં સમતા,સર્વ તત્વમાં સમકિત,તેમ સર્વ પર્વમાં પયુષણપર્વ મોટું છે.જેમ મંત્રમાં પંચપરમેષ્ઠી,મહિમાવંત તીર્થમાં શ્રી શત્રુંજય,રત્નમાં ચિંતા મણી,રાજામાં ચક્રવર્તી,કેવળીમાં તીર્થંકર શ્રેષ્ઠ છે,તેમ પર્વમાં પયુષણપર્વ શ્રેષ્ઠ છે.જેમ સમ્યક્ત્વ દર્શનમાં ક્ષાયિક સમ્યક્ત્વ શ્રેષ્ઠ છે,

જ્ઞાનમાં કેવલજ્ઞાન,ધ્યાનમાં શુકલધ્યાન,રસાયણમાં અમૃત, શંખમાં દક્ષિણાવર્ત શંખ શ્રેષ્ઠ છે તેમ પર્વમાં પયુષણ પર્વ શ્રેષ્ઠ છે.આ રીતે પયુષણપર્વ જે ભવ્ય પ્રાણી ત્રિકરણ શુદ્ધિથી જે પ્રાણી આરાધે છે,તે પ્રાણી ઈહલોકમાં રિદ્ધિ,વૃદ્ધિ,સુખ,સૌભાગ્ય,બાહ્ય અને અભ્યંતર સંપદા અવશ્ય પામે છે.

પરલોકમાં ઇન્દ્રપણું પામે,અનુક્રમે તીર્થંકરપદને ભોગવી મુક્તિવધૂ પણ પામે.પયુષણપર્વનું આવું મહત્યમ સાંભળી શ્રેણિક રાજાએ પૂછ્યું કે,હે જિનેન્દ્ર !પૂર્વે એ પયુષણપર્વ કોણે સમ્યક પ્રકારે આરાધ્યું ? અને એથી તે કેવા ફળ પામ્યો ? ત્યારે ભગવંતે જણાવ્યું શુભ મતિથી વિધિ સહિત પયુષણપર્વ ના આરાધનથી ગજસિંહરાજા તીર્થંકર પામ્યા.

આ રીતે પર્યુષણ પર્વનું અપૂર્વ ફળ સાંભળી શ્રેણિકરાજા વિગેરે સર્વલોક અષ્ટાન્હિકાદિ મહોત્સવ સહિત પર્યુષણ પર્વ નું આરાધન કરવામાં ઉદ્યમવંત થયા.

જન્માષ્ટમી – શ્રાવણ વદ ૮

2

|| જન્માષ્ટમી – શ્રાવણ વદ ૮ ||

જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. આ પર્વ પ્રત્યેક વર્ષે એક જ વાર આવે છે, પણ લોકોને કેટલો આનંદ આપે છે! વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે. દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે. આ વખતે આકાશવાણી થાય છે. “તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે.” કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા.

એક પછી એક એમ દેવકીના બાળકોનો કંસે વિનાશ કર્યો. શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, શ્રી કૃષ્ણ જન્મ જયંતી, ભગવાન શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો.

ભગવાનનો પ્રાદુર્ભાવ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો. પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વસુદેવે જોયા. “મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવો.” અને વસુદેવ-દેવકીને બીજા વધુ ૧૧ વર્ષ અને ૫૨ (બાવન) દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. “यदा यदा हि धर्मस्य…” આ કોલ પાળવા શ્રી કૃષ્ણે દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં પરંતુ ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં!

શ્રી કૃષ્ણ એટલે કૌસ્તુભમણિ. સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે. ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.”

વસુદેવ યોગમાયાને લઈ પાછા મથુરામાં કારાગૃહમાં પ્રવેશ્યા. આ બાલિકા શ્રી વિષ્ણુની નાની બહેન મહામાયા જ હતી. બ્રહ્મ સંબંધ થતાં બેડી તૂટેલી. માયાનો સંસર્ગ થવાથી તેમના હાથમાં ફરીથી બેડીઓ આવી ગઈ. કારાગૃહના દ્વાર બંધ થઈ ગયા.

સો ટચના સોનાનો કદી આકાર થતો નથી. ચોખા વાવે તો ચોખા ન થાય. તે માટે તો ડાંગર જ વાવવી પડે. આવરણ સાથે બ્રહ્મ નિહાળે તેને મુક્તિ મળતી નથી. આ બધા પ્રસંગો તો અવતાર ધારણ કરવા પ્રભુની સ્વેચ્છા મુજબ જ બન્યાં હતા. દેવીએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળિયાઓ બન્યાં.

શ્રી કૃષ્ણ ભયાનક કાળમાં જન્મ્યાં હતા. તત્કાલીન સમાજમાં સત્તા અને સંપત્તિનું પાશવી નૃત્ય ચાલી રહ્યું હતું. રાક્ષસી પૂતના, રાક્ષસો શકરાસુર, તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, વ્યોમાસુર વગેરે ભગવાન શ્રી કૃષ્ણના અપૂર્વ બળ આગળ ટકી શકતા નથી.

વ્રજ ગોપીઓ પ્રત્યેના અલૌકિક પ્રેમનો અને રાસલીલાનો પ્રસંગ અદભુત છે. વ્રજના કણ કણમાં આ ઉત્સવ ઉજવાયો છે.

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા વળી તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે. જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.

દશાફલ વ્રત (શ્રાવણ વદ આઠમ) અન્ય વ્રત કરતાં જુદું જ છે. ભગવાનની સેવા-પૂજા, કથા-વાર્તા, આરતી વગેરે મધરાતે કરાય છે. ભગવાને અર્ધ્ય પણ મધરાતે અપાય છે. આ વ્રત કરનારને ખરાબ દશા આવતી નથી, માટે સૌએ આ વ્રત શ્રદ્ધા પૂર્વક કરવું જોઇએ. ઈશ્વરનું પ્રાગટ્ય કે પ્રાદુર્ભાવ એટલે મહોત્સવ. પ્રભુ કીર્તન, પ્રભુ સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ તથા પૂજન લોકોના પાપને તત્કાળ દૂર કરે છે.

નંદબાબાએ ગૌદાન અને ગુપ્ત દાન કરીને સૌને પ્રસન્ન કર્યા હતા. ધન-સંપત્તિને ધોવાની સારી પ્રક્રિયા દાન છે. અન્નદાન, વિદ્યાદાન વગેરે દાન દ્વારા ધન ધોવાય છે. આ દાન સુપાત્ર હોવું જરૂરી છે.

દેવતાઓ વિવિધ સ્વરૂપે દર્શને આવ્યા છે. સૌંદર્ય એ આંખનો ઉત્સવ છે. સંતોષ એ આનંદનો ઉત્સવ છે. ધ્યાન અને પ્રેમ એ અંતઃકરણનો ઉત્સવ છે.

ભગવાન સૌંદર્ય અને પરમાનંદ લૂંટાવી રહ્યા છે. શિવજી પણ પધાર્યા છે. હરિ-હરની નજર એક બને છે. શિવજી તો આનંદવિભોર બની તાંડવ નૃત્ય કરવા લાગે છે. બાલસ્વરૂપ નિહાળી સૌને પરમાનંદ થાય છે. પ્રભુએ બાળલીલામાં કોટિ કોટિ બ્રહ્માંદના દર્શન કરાવ્યા છે.

કંસ પૂતના રાક્ષસીને મોકલે છે. જે પવિત્ર નથી તે પૂતના. પૂતના એ મનનો દોષ છે. મનમાં રહેલી અવિદ્યા છે. પૂતના એ અહંકાર અને વિકાર છે. પવિત્રમાં પવિત્ર વૃત્તિને ઘસડી લઈ જાય તે પાપનું નામ પૂતના. સ્તનપાન કરાવવાના ધરી આવે છે. શ્રી કૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે.

પૂતના અજ્ઞાનતાનું પ્રતીક છે, વાસનાનું પ્રતીક છે. માણસની આંખમાં પૂતના રહેલી છે. પરસ્ત્રીનું સૌંદર્ય જોનારની આંખમાં પૂતનાનો વાસ છે. પૂતનાનું બાહ્ય સૌંદર્ય માયાનું સ્વરૂપ છે. તે કામચારિણી અને નિશાચારિણી હતી. પાપ પાપના રૂપમાં હોય ત્યારે ઓળખી શકાય છે, પરંતુ તે પુણ્યનો આંચળો ઓઢીને આવે છે તે ઓળખવું દુષ્કર છે.

શ્રી કૃષ્ણ જન્મનું રહસ્ય એ છે કે મથુરામાં જ્યારે શ્રી કૃષ્ણે મલ્લો સાથે યુદ્ધ કર્યું ત્યારે મલ્લોને મારી નાંખ્યાં હતા. સંસાર રૂપી અખાડામાં કામ-ક્રોધ રૂપી મહામલ્લો જીવને મારતાં આવ્યાં છે. કંસ વધની કથાનું રહસ્ય એ છે કે, સંસાર એક અખાડો છે, મલ્લ “ચાણુર” કામનું પ્રતીક છે અને “મુષ્ટિક” એ ક્રોધનું પ્રતીક છે. કામ અને ક્રોધ બે મહામલ્લો છે, જે અનાદિકાળથી જીવને મારતાં આવ્યાં છે. શ્રી કૃષ્ણે કંસ દ્વારા મોકલવામાં આવેલ “કુવલયાપીડ” હાથી એ અભિમાનનું પ્રતીક છે.

જે પૂર્ણ તૃપ્તિ આપે તે પ્રિય કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ એ બીજ છે. આ બીજનું જો જીવનમાં બીજારોપણ કરવામાં આવે તો ભાવમય સૃષ્ટિનું સર્જન થાય છે. ગોપીઓ કહે છે: અમારા સાચા પતિ તમે જ છો. અમને એવું જ્ઞાનામૃત આપો કે જેથી તમારો વિયોગ જ ન થાય. ગોપી એ હ્રદયનો શુદ્ધ ભાવ છે. ગોપીની પરિભાષા એ છે કે, “પરમાત્મા દર્શન કરતી વખતે સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાવ ભૂલે એ ગોપી!”

ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને દિવ્ય રસનું, અદ્વૈત રસનું પાન કરાવે છે. ગોપીઓને પ્રમાનંદન પ્રાપ્ત થાય છે. જીવ અને ઈશ્વર ઐક્ય સાધે છે. વ્રજાંગનાઓના મંડળમાં પ્રભુનું ખોવાઈ જાય છે.

જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજવાસીઓના પાપને હરનારું છે. આ તિથિનો મહિમા અનેરો, અનોખો અને અદ્વિતીય છે.

એક વખત બ્રહ્માદિ દેવોને થયું કે, કૃષ્ણ ગોપીઓ સાથે નાચે-કૂદે, રાસ લે એ ઠીક ન કહેવાય. આ નિષ્કામ લીલા મર્યાદા વિરુદ્ધ ગણાય. પ્રભુ પોતે પરસ્ત્રી સાથે નાચે-કૂદે તે યોગ્ય નથી. આવું બ્રહ્માજી વિચારી રહ્યા છે, ત્યાં તો તેમને જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ દેખાયા !

ગોપીઓના પ્રેમપરાગ પાસે પ્રભુ વેચાઈ ગયા છે. રાસમાં ગોપીઓના શરીર સાથેનું રમણ ન હતું. આ તો ગોપીઓના આધ્યાત્મિક સ્વરૂપનું મિલન હતું. આ આધ્યાત્મિક મિલન માટે પણ સૌએ જન્માષ્ટમીનું વ્રત કરવું આવશ્યક છે. રાસલીલામાં આત્માનું આત્મા સાથે રમણ છે. આ તો ભક્તિમાર્ગના ઉચ્ચ જીવાત્માઓ સાથે નટવરનું નૃત્ય છે.

રાસોત્સવ મહાન છે. ગોપીઓ (સ્ત્રી અને પુરુષો બંને) ભક્તિમાર્ગના સાધકો છે. ભગવાન શ્રી કૃષ્ણે રસબ્રહ્મની અનુભૂતિ કરાવીને પરમાનંદ રસના માધ્યમથી રસની લહાણ કરી છે. આ સર્વે ગોપીઓ નિષ્કામ ભક્તિમાર્ગની પ્રવાસીઓ છે.

ભગવાન શ્રી કૃષ્ણે શંખચૂડ, અરિષ્ટાસુર, કેશી દૈત્ય, વ્યોમાસુર વગેરેનો તેમજ કંસનો વધ કર્યો હતો. ત્યાર પછી પ્રભુ કારાગૃહમાં માતા-પિતાને મળવા જાય છે, પ્રણામ કરી તેમને મુક્ત કરે છે. કંસનો ઉદ્ધાર કરી તેનું રાજ્ય શ્રી કૃષ્ણે કંસના પિતા ઉગ્રસેનને અર્પણ કર્યું હતું.

ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ ચાલી હતી, અને પછી પ્રભુ મથુરા પધાર્યા હતા. કંસ વધ કરી શ્રી કૃષ્ણ જ્યારે દેવકીજીને તેમને પોતાના ખોળામાં બેસાડી હ્રદય પૂર્વક રૂદન કરે છે. પિતા વસુદેવનો વાત્સલ્ય પ્રેમ પણ અતૂટ છે, તેમની આંખો પણ અશ્રુભીની થાય છે.

વસુદેવજી કૃષ્ણ-બલદેવને આલિંગન આપી ગદગદ કંઠે કહે છે કે, આજે મારો જન્મ સાર્થક થયો છે, મારું જીવન સફળ થયું છે. આજે મને મારા બંને પુત્રો મળ્યા છે તેથી મારા આનંદની સીમા અસીમ છે.

જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તેમજ અન્ય ધર્મશીલ વર્ગ કરે છે. આ પાપનાશક વ્રતનો મહિમા ઘણો છે. આ દિવસે શ્રી કૃષ્ણલીલા અને ચરિત્રોનું શ્રવણ-પઠન કરવું, ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું. આ દિવસે ત્રણ પ્રકારની ભગવત્સેવા કરવાનું વ્રત લેવું. આ સેવા ત્રણ પ્રકારની છે – (૧) માનસી સેવા (૨) તનુજા સેવા અને (૩) વિત્તજા સેવા.

જન્માષ્ટમીના દિવસે મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવવું તેને “માનસી સેવા” કહે છે. તનુ એટલે દેહ. દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ “તનુજા સેવા”. વત્તિ એટલે ધન. ધનથી જે સેવા થાય તેનું નામ “વિત્તજા સેવા”. સેવા, ધર્મ અને ધર્મબળ એ સર્વ આધ્યાત્મિક બળોની બુનિયાદ છે.

જ્યારે શ્રી કૃષ્ણ અને વસુદેવ-દેવકીજીનું કારાગૃહમાં સુખદ મિલન થાય છે ત્યારે વાણીની ભાષા અટકી જાય છે અને આંસુની ભાષા શરૂ થાય છે. માતા-પિતા પુત્ર પાસે એવું માગે છે કે, અમને માયા સતાવે નહિ. અમને માયાજાળથી અલિપ્ત રાખજો. એમને દૈવી સંસ્કૃતિનો ભારતવર્ષમાં ફેલાવો કરવાની અભીપ્સા છે માટે એવું સામર્થ્ય માગે છે. એમને રાજ્યધૂરાને લીધે માયામાં ડૂબી જવું નથી. ઉન્નતિની આંધળી લિપ્સા નથી જોઇતી, એમને તો અમી થઈને વરસતા વાદળ જેવું જીવન આ વૃદ્ધાવસ્થામાં જોઇએ છીએ.

ભલે હો અલ્પ, કિન્તુ માનવી જેવું જીવન દેજે;
ઉરે હો જે ભાવ, એવું મનન દેજે…

કનૈયા ! મારે મોક્ષ નથી જોઇતો, નિષ્કામ ભક્તિ જોઇએ છે. માતા-પિતાને કૃષ્ણ દર્શનથી મોક્ષનો મોહ પણ ઊતરી ગયો છે. માટે એવી ભક્તિ માગે છે કે, “ઊતરી જાયે મોક્ષનાય પણ મોહ !” હે ગોપાલ ! ભક્તિ કેવળ કોરી નહિ, કર્મ સ્વરૂપે આપજે. મોહ એ માનસ રોગોનું મૂળ છે. ધર્મ એ અમૃત છે. આપત્તિમાં વિવિધ વ્રતો દ્વારા પ્રભુ-સ્મરણ કરવું એ અમૃત છે.

વ્રત કર્યા પછી સંપત્તિનો વિનોયોગ કીર્તિ દાનમાં નહિ પરંતુ ગુપ્ત દાનમાં કરવો એ ધર્મ છે. આચાર અને વિચારનો સુભગ સમન્વય કરી વ્રતધારીએ પોતાના વચનને વર્તન દ્વારા સમૃદ્ધ બનાવવું એ સાચું વ્રત છે. આપણું આજીવિકાનું સાધન શુદ્ધ હોવું જોઇએ અને તેના દ્વારા જીવાતું જીવન અને દાન-દક્ષિણા પણ શુદ્ધ હોવા જોઇએ.

ધર્મના માર્ગે જે દ્રવ્યોપાર્જન થાય છે, તે વ્રત-ઉત્સવમાં ખર્ચાય તે યોગ્ય વિનિમય કહેવાય.

આ ધન જીવનમાં સાધુતાને અને સદગુણોને નષ્ટ થવા દેવું જે સાચો વ્રતધારી છે, જે ત્યાગી છે, જે તપસ્વી છે, જે સંન્યાસી છે તેને ધનની જરૂર પડતી જ નથી. લક્ષ્મીજી તેમની પાછળ પાછળ દોડે છે. તેઓ સદકાર્ય માટે ધન જેમ-જેમ આપતા જાય છે, વાપરતાં જાય છે, તેમ-તેમ ધન આપનારા વધતાં જાય છે.

વ્રત-ઉપાસના એ પ્રાચીન પરંપરા છે, તે મૂર્ધન્ય સંસ્કૃતિ છે. સર્વ ધર્મનો નિચોડ વ્રત-ઉપાસનામાં નવનીત (માખણ) રૂપે આવી જાય છે. વિધિ વ્રતો જ્ઞાન અને ભક્તિની અભિવૃદ્ધિ કરે છે. વ્રતો સ્ત્રી-પુરુષો માટે પારા જેવા છે. પારો પચે નહિ તો આખા શરીરમાં ફૂટી નીકળે. વ્રત દરમિયાન આત્મધર્મ સાથે દેહધર્મ બજાવવો જોઇએ. શરીરને વસ્ત્ર ઢાંકે છે, તેમ આત્માને વાસના ઢાંકે છે. આ વાસનાનું આવરણ દૂર કરવાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે.

જન્માષ્ટમીનું વ્રત કરવાથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધિઓ યોગમાર્ગની નહિ, પણ ભક્તિમાર્ગની છે. અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ માટે જન્માષ્ટમીનું વ્રત એ અમોઘ સાધન છે. પ્રેમી અને પ્રેમાસ્પદે પ્રભુ પ્રત્યે આ દિવસે પ્રીતિની ગાંઠ બાંધવી જોઇએ. દેવકી-વસુદેવમાં વાત્સલ્યનું પરમ માધુર્ય પાછું આવે છે. અદ્વૈત બુદ્ધિ જાગૃત થાય છે અને માહાત્મ્ય જ્ઞાન ભૂલાઈ જાય છે.

ભગવાન સાથે સંબંધ બાંધી શકે છે તે ઉત્તમ સાધક કે ઉત્તમ વ્રતધારી છે. આ સંબંધના ચાર ભાગ છે: દાસ ભાવ, વાત્સલ્ય ભાવ, મિત્ર ભાવ અને પ્રિયા-પ્રિયતમનો સંબંધ. ક્યારેક કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણ જીવનને અનુકૂળ બની જાય છે, આ એમની અસીમ કરુણા છે, કૃપા છે.

‘વ્રત’ એ ભક્તિ માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં તોડવાનું છે, છોડવાનું છે અને ભક્તિમાર્ગમાં બાંધવાનું છે. યશોદાજી વાત્સલ્યના માધુર્યમાં કૃષ્ણ જન્મને લીધે બંધાઈ ગયા છે. આ શરણાગતિ અને આત્મનિવેદન છે. ભગવાન લૌકિક દોરડાથી બંધાતા નથી, એ તો પ્રેમરૂપી દોરડાથી જ બંધાય છે. જે વ્રતીના અંતઃકરણમાં બ્રહ્મવાદ અને ભક્તિ સ્થિર હોય, જીવન-જગતને ભગવાનની દેન માને તે પરમ ભગવદીય છે. વ્રત-ઉપાસના ચિત્તને એકાગ્ર બનાવનારી અને ચિંતારૂપી ચિતાનો નાશ કરનારી છે. જેને વ્રતમાં શ્રદ્ધા છે, તેનું મન સ્થિર રહે છે. વિશ્વાસ એ માનવ અંતઃકરણની મૂર્તિ છે. વ્રતીના વિશ્વાસની યાત્રા શ્રદ્ધા સુધી જવી જોઇએ. શ્રદ્ધા અને વિશ્વાસનો જો સુભગ સમન્વય થાય તો જ વ્રત પરિપૂર્ણ થાય છે. વ્રત-ઉપાસનામાં ચિત્તવૃત્તિ સ્થિર બને તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધાને સ્થિર રાખવા સંયમ જોઇએ, તપ જોઇએ. ભક્તિ એ વ્રતની સમૃદ્ધિ છે.

શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, બુધવાર, ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતી. શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરી, પુણ્યાત્માઓની રક્ષા કરવા, અસુરોનો ધ્વંસ કરી, ગાયો, બ્રાહ્મણો અને સંત-મહાત્માઓનું પાલન કરવા જન્મ ધારણ કર્યો હતો.

આ પરમ પવિત્ર દિવસે જન્માષ્તમીનો ઉત્સવ, રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં-કરતાં જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. અર્ચન-પૂજન, ભૂદેવો અને સંતોનું સન્માન, દાન-દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, અને સુખ-શાંતિ ભર્યું જીવન જીવી અંતે વૈકુંઠમાં વાસ મળે છે.

પૂર્વે યદુના વંશમાં શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. શ્રી શુકદેવજી કહે છે: “कृष्णस्तु भगवान स्वयं” – કૃષ્ણ પોતે જ ભગવાન છે. દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત ઉપવાસ કરવાથી પ્રસન્ન થાય છે. આ વ્રત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. આ વ્રતના પ્રભાતે તેઓ પુનઃ રાજવૈભવ પ્રાપ્ત કરી શક્યા હતા.