કર્મબંધથી પ્રભુ પણ અલિપ્ત નથી

|| કર્મબંધથી પ્રભુ પણ અલિપ્ત નથી ||

“ગોપાલક પ્રભુ મહાવીરના કર્ણયુગલમાં તીક્ષ્ણ શૂળકર્ષણ એટલે કે શૂળ ભોંકવાનો ઉપસર્ગ કરે છે. પ્રભુને તીવ્ર અશાતા વેદનીય કર્મ આ પ્રમાણે ભોગવવું પડે છે”

જૈ ન દર્શન અંતર્ગત આત્મા, કર્મ તથા સંસાર પરિભ્રમણનો સંવાદ આપણે કરી રહ્યા છીએ. કર્મના સંયોગથી આત્માનું સંસાર પરિભ્રમણ ગતિમાન રહે છે અને જ્યારે આત્મા કર્મબંધથી મુક્ત થાય છે ત્યારે અનંત કાળ સુધી પોતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. હા! એ સત્ય છે કે વિજ્ઞાાને આત્મા, કર્મ આદિના અસ્તિત્વનો સ્વીકાર નથી કર્યો. વિજ્ઞાાન ભાવનાને ગૌણ કરે છે, પરંતુ સંભાવનાની ઉપેક્ષા નથી કરતું અને તેથી જ જૈન દર્શનના ગંભીર તત્ત્વજ્ઞાાન પર પણ સંવાદ કરવો જોઈએ. આવા અભિગમમાં જ વૈજ્ઞાાનિકતા છુપાયેલી છે એવું ખુલ્લા મનથી સ્વીકારવું જોઈએ.

આત્મા કર્મબંધનનાં કારણોથી પ્રભાવિત થઈ પ્રત્યેક સમયે કર્મબંધ કરે છે. તો પ્રત્યેક પૂર્વે ઉર્પાિજત કરેલા કર્મના શુભ અથવા અશુભ પરિણામ પણ ભોગવે છે અને જે તે કર્મની નિર્જરા કરે છે. પ્રશ્ન અવશ્ય થાય છે કે જો કર્મબંધનનું પરિણામ ભોગવવાનું જ હોય તો દાન, શીલ, તપ અને ભાવરૂપી ચાર પ્રકારના ધર્મ અને પ્રચંડ પુરુષાર્થ કરવા શું આવશ્યક છે? શા માટે શરીરને આવું કષ્ટ આપવું? આ અભિગમમાં કોઈ તર્ક છે ખરો? ઉત્તર એ છે કે, ઉપરોક્ત દાન, શિયળ આદિ ધર્મનું આલંબન, પૂર્વે સંચિત કરેલાંં કર્મોની નિર્જરાનો ક્ષય પણ કરે છે અને જે કર્મનું પરિણામ અવશ્ય ભોગવવાનું છે તેવા કર્મના ફળ પ્રાપ્તિના સમયે શુભ અનુબંધ થાય એવી ભૂમિકાનું સર્જન પણ કરે છે અને તેથી જ ઉપરોક્ત ધર્મ વ્યર્થ પુરુષાર્થ નથી જ.

પૂર્વ અધ્યાયોમાં વિદિત કર્યા પ્રમાણે કર્મબંધનનાં કારણોથી પ્રભાવિત થઈ આત્મા જે કર્મનું ઉપાર્જન કરે છે તેના બંધના ચાર પ્રકાર છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને રસબંધ.

પ્રકૃતિબંધ એટલે કયા પ્રકારના સ્વભાવવાળા કર્મનું ઉપાર્જન કરવામાં આવે છે. જ્ઞાાન અને જ્ઞાાનીની અશાતના દ્વારા આત્માના જ્ઞાાન ગુણને આવરણ કરતાં જ્ઞાાનાવરણીય કર્મનું ઉપાર્જન થશે. દાન ધર્મનો અપલાપ કરવાથી દાનાંતરાય કર્મનો બંધ થશે. આ બંધ કર્મની પ્રકૃતિ નિર્ધારિત કરે છે.

પ્રદેશબંધ એટલે કાર્યણ વર્ગણાના જે પુદ્ગલ આત્મા કર્મરૂપે પરિણમાવે છે તેનો જથ્થો, સમૂહ.

સ્થિતિબંધ એટલે આત્મા સાથે કર્મને રહેવાનું સમયમાન, કાળ. કોઈક કર્મ એવા પ્રકારનું હોય કે જે અલ્પકાળ માટે આત્મા સાથે સંલગ્ન રહે છે તો કોઈક કર્મ એવા પ્રકારનું છે જે દીર્ઘકાળ માટે આત્મા સાથે સંલગ્ન રહે છે. સ્થિતિબંધ આ સમયમાનને નિર્ધારિત કરે છે.

રસબંધ ઉપાર્જન કરવામાં આવેલ કર્મનું સામર્થ્ય, તીવ્રતા નિર્ધારિત કરે છે. પરિણામની અપેક્ષાએ રસબંધ પ્રમાણે કર્મની તીવ્રતા આત્માએ ભોગવવાની છે. આત્મા જ્યારે કર્મનો બંધ કરે છે ત્યારે ઉપરોક્ત ચારે પ્રકારના બંધ નિર્ધારિત થાય છે અને તે પ્રમાણે તે કર્મનું પરિણામ પ્રાપ્ત કરે છે, પરંતુ દાન, શિયળ, તપ, ભાવ આદિ ધર્મ અને પુરુષાર્થ ઉપરોક્ત સ્થિતિ અને રસબંધને પ્રભાવિત કરી તેની માત્રા અને સમયમાનને ક્ષીણ કરે છે અથવા ક્ષય કરે છે. જે કર્મનું પરિણામ આત્માએ પ્રાપ્ત કરવાનું હતું તેમાં અવશ્ય હાનિ, ક્ષતિ કરી શકે છે. આ પ્રમાણે દાનાદિ, ધર્મ અને પુરુષાર્થ ક્યારે પણ વ્યર્થ જતા નથી. એક વ્યક્તિને પોતે કરેલા અપરાધના પરિપ્રેક્ષ્યમાં દસ વર્ષનો તીવ્ર કારાવાસ ભોગવવાનો દંડ થાય છે. તે વ્યક્તિ કારાવાસમાં સભ્ય વર્તન કરે અને સદ્જીવન માટે પુરુષાર્થ કરે તો તેના કારાવાસની અવધિ અને પ્રકારમાં અવશ્ય હાનિ કરવામાં આવે છે. તે વ્યક્તિએ કરેલા સદ્વર્તનનું પરિણામ તેને અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી જે કર્મનું પરિણામ આત્માએ પચાસ વર્ષ સુધી નિકૃષ્ટપણે ભોગવવાનું હતું તે કર્મ દાન, શિયળ આદિ ધર્મ પુરુષાર્થના કારણે આત્માએ હવે વીસ વર્ષ સુધી મધ્યમ રૂપે અથવા સામાન્ય કક્ષાએ ભોગવવાનું રહેશે. આ દૃષ્ટાંત આપણને સમજાવે છે કે ધર્મ આદિ પુરુષાર્થને ગૌણ કરવાના નથી, પરંતુ તે કરવામાં વધુ પુરુષાર્થ કરવાનો છે. આ અભિગમથી કર્મબંધનના પરિણામ સ્વરૂપે પ્રાપ્ત થતા પરિણામ સમયે જાગૃત રહેવાથી અને ધર્મ આદિ પુરુષાર્થ કરવાથી અનુબંધ શુભ રહેશે. પ્રભુ મહાવીર તેથી જ ફરમાવે છે કે, “એક સમયનો પણ પ્રમાદ કરવો નહીં.”

આ પ્રમાણે દર્શાવવામાં આવતા જાગૃતિ, ઉપયોગ સંસારના પરિભ્રમણનો અંત અવશ્ય આવશે. જે કર્મનું પરિણામ અવશ્ય ભોગવવાનું છે તે કર્મને નિકાચિત કર્મ કહેવાય છે. આવા નિકાચિત કર્મના ક્ષય માટે પણ શ્રી જિન પ્રભુએ તપધર્મ દર્શાવ્યો છે, જે ઉપાર્જન કરેલા કર્મની સ્થિતિ અને રસબંધને પ્રભાવિત કરી અવશ્ય નિર્મૂળ કરશે અથવા તો અનુબંધ શુભ પ્રકારનો જ કરશે. તે સમય નિકાચિત કર્મનું પરિણામ પ્રકૃતિ અને પ્રદેશ બંધથી પ્રાપ્ત થશે અને તેના રસ તથા સ્થિતિમાં ઘટાડો થશે. બંધ અને અનુબંધના સમયે જાગૃત રહેવું જોઈએ અન્યથા શ્રી તીર્થંકર ભગવાનને પણ કર્મનું પરિણામ અવશ્ય ભોગવવાનું હોય તો આપણા જેવો સરાસર આત્મા કેવી રીતે અપવાદ હોઈ શકે? દૃષ્ટાંત દ્વારા સંવાદ કરીએ.

પૂર્વ અધ્યાયમાં ગોત્રકર્મનો સંવાદ દૃષ્ટાંત દ્વારા કર્યો હતો. તે પ્રમાણે સમ્યકત્વ પામ્યા પશ્ચાત્ત પ્રભુ મહાવીરનો આત્મા ત્રીજા ભવમાં તીર્થંકર શ્રી આદિનાથ ભગવંતના પૌત્ર મરીચિ રૂપે હતો. મરીચિ પોતાના કુળનો મદ, અભિમાન કરી નીચ ગોત્ર ઉપાર્જન કરે છે અને જેના પરિણામ સ્વરૂપ તત્પશ્ચાત્ત અનેક ભવમાં એવું કુળ પામે છે જ્યાં ભિક્ષા દ્વારા નિર્વાહ કરવાનો હોય છે. આ નીચ ગોત્ર કર્મનું વિશેષ રૂપે પરિણામ પ્રાપ્ત થયા છતાં શેષ રહેલું કર્મ પ્રભુ મહાવીરના અંતિમ ભવમાં ઉદયમાં આવે છે. પ્રભુએ દેવાનંદા માતાની કૃક્ષિમાં બ્યાસી દિવસ રહેવું પડે છે અને જ્યારે તે કર્મ શૂન્ય થાય છે ત્યાર પછી જ ક્ષત્રિયાણી, ઉચ્ચ ગોત્રીય માતા ત્રિશલાની કુક્ષિમાં પ્રભુના ગર્ભનું સ્થાપન થાય છે. આ પ્રમાણે ઉપાર્જન કરેલા નિકાચિત કર્મનું પરિણામ પ્રભુ મહાવીરના આત્માએ અંતિમ ભવમાં પણ ભોગવવું જ પડયું.

પ્રભુ મહાવીરનો આત્મા અઢારમા ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યો. જૈન ભૂગોળ પ્રમાણે લોકના મધ્યભાગમાં માનવલોક આવ્યો છે. જેને જૈન દર્શનની પરિભાષામાં તિર્ચ્છાલોક કહેવાય છે. આ માનવલોકની મધ્યમમાં જંબુદ્વીપ છે જેના દક્ષિણ વિભાગમાં છ ખંડવાળું ભરતક્ષેત્ર આવેલું છે. આ છ ખંડ અંતર્ગત ત્રણ ખંડનું આધિપત્ય જેમણે પ્રાપ્ત થાય છે તે વાસુદેવ કહેવાય છે. પ્રભુનો આત્મા, ત્રિપૃષ્ઠ વાસુદેવના આ ભવમાં તીવ્ર સાંસારિક સુખ ભોગવે છે. એક રાત્રિએ શય્યાપાલકને આજ્ઞાા કરે છે કે મને નિદ્રા આવે ત્યાં સુધી જ ગીત-સંગીત વહેતું રાખજો. ત્યાર પછી સંગીતને વિરામ આપજો, પરંતુ ગીત-સંગીતમાં મગ્ન બનેલો શય્યાપાલક આ આજ્ઞાા વિસરી જાય છે અને સંગીત વહેતું જ રાખે છે. નિદ્રાધીન થયેલા વાસુદેવનેે જ્યારે આ ખ્યાલ આવે છે ત્યારે તીવ્ર ક્રોધી બની શય્યાપાલકના કાનમાં ધગધગતા સીસાનો રસ રેડવાની સજા કરે છે. નિકૃષ્ટ કક્ષાના આ પાપકર્મનું પરિણામ પ્રભુ મહાવીરના અંતિમ ભવમાં ઉદયમાં આવે છે અને પશુપાલન કરતો ગોપાલક પ્રભુ મહાવીરના કર્ણયુગલમાં તીક્ષ્ણ શૂળકર્ષણ એટલે કે શૂળ ભોંકવાનો ઉપસર્ગ કરે છે. પ્રભુને તીવ્ર અશાતા વેદનીય કર્મ આ પ્રમાણે ભોગવવું પડે છે. આપ શ્રી તીર્થંકર ભગવાન પણ અપવાદરૂપ નથી.

નિકાચિત કર્મનું આ સત્ય આપણને ચોક્કસપણે હતોત્સાહ કરે છે, પણ ત્યાં જ મીઠાં મધુરાં આશ્વાસન પણ મળે છે. “ક્ષમા ધર્મ સહિત જો તપ કરવામાં આવે તો નિકાચિત કર્મનો પણ ક્ષય કરી શકાય છે.” નિકાચિત કર્મનાં આ બંને સત્યો સંપૂર્ણપણે વિરોધાભાસી છે. છતાં પ્રભુની મૃષાવાદ, અસત્ય રહિત આ સ્યાદવાદ વાણી આપણને બોધ ફરમાવે છે કે નિકાચિત કર્મની સ્થિતિ અને રસમાં ક્ષમા સહિતના તપ દ્વારા હાનિ કરી શકાય છે અથવા તે કર્મનો ક્ષય કરી શકાય છે અને પ્રકૃતિ તથા પ્રદેશબંધ દ્વારા તે કર્મ ભોગવાઈ જાય છે.

તત્ત્વજ્ઞાાનના આ સંવાદ સાથે સમજવાનું છે કે તન પર છવાતી અશુચિનું નિવારણ કરવાનો ઉપાય ઉપલબ્ધ હોય તો અશુદ્ધ થતા રહેવું અને પછી ઉપાય કરી શુદ્ધ થવું એવું સમજવામાં અને તે પ્રમાણે વર્તન કરવામાં શાણપણ નથી. અશુદ્ધિ થાય તેવું કરવું જ નહીં અને અશુદ્ધ થઈ જવાય તો તેના નિવારણ માટે ઉપાય કરવો એવું સમજવામાં વિવેક રહ્યો છે. આ પ્રમાણે જ કર્મબંધ થવો જ નહીં જોઈએ અને કર્મબંધ થઈ જાય તો તેના નિવારણ માટે તપ કરીને શુદ્ધ થવું એવું સમજવું અને અનુબંધ શુભ પ્રકારનો જ હોવો જોઈએ એવી વિવેક દૃષ્ટિ રાખવી એ આ અધ્યાયનો સંદેશ છે.