શ્રાવણ માસમાં ''શ્રવણધર્મ”

6

|| શ્રાવણ માસમાં ”શ્રવણધર્મ” ||

જેમણે તમારા હાથ પકડી ચાલતાં શિખવાડયું હતું ? લથડીને પડી જતાં હતા ત્યારે તમને જેમણે આંગડી પકડીને બચાવ્યા હતા ? તે માતા- પિતા આજે અશક્તિને કારણે લથડતા હોય અને તમો તેમનાથી દૂર તો નથી ભાગતાં ફરાતાં ને ?

”શ્રવણધર્મ” એટલે શ્રવણે જે ધર્મ બજાવ્યો હતો તેનો વિચાર આપણે કરવાનો છે. શ્રવણે જે રીતે માતા- પિતાની સેવા કરી હતી તેવે રીતે દરેક સંતાને માતાપિતાની સેવા કરવી જોઇએ. આજે શ્રવણ જેવા સંતાનોની ભારે અછત છે. અરે ! એમ જ કહો ને કે દુષ્કાળ પડયો છે.

પિતાજીની ઇચ્છા પરિપૂર્ણ કરવા પોતાનું જીવન બદલી દેનારા ભીષ્મ, રાજ્ય ગાદીનો ત્યાગ કરીને વનમાં જનારા રામ, કે કાવડ લઇને ફરનાર શ્રવણ… આદી પુત્રોથી આપણી સંસ્કૃતિ ઉજળી છે…

આજ કે ઇન્સાન કો ક્યાં હો ગયા ?
બરસો પુરાના પ્યાર કહાં પર ખો ગયા ?

જે વડીલોએ પોતાના સંતાનો માટે પોતાનું સ્વાસ્થ્ય પણ નીચોવી નાંખ્યું છે અને જે હવે લાચારી અને લથડતી તબિયતને કારણે પુત્રો પર નિર્ભર છે ત્યારે હવે પુત્રો માતા- પિતાને વચનો દ્વારા માથામાં એવા હથોડાનાં ઘણ ઝીંકે છે કે, તેમની આશા અને અરમાનોના ટુકડે ટુકડા થઇ જાય છે.

આજના વડીલોના ઉપકારોમાંથી છટકવા માટે કેટલા ટન આત્મવંચના જોઇએ ? એ વૃધ્ધ માતા- પિતાના નિસાસોને સહન કરવા કયા પર્વતની ચટ્ટાન જેવું દિલ જોઇએ ? સંગા મા- બાપ કે દાદા- દાદીને કોઇ અમીરોના દયાદાન પર ચાલતા વૃધ્ધાશ્રમોમાં નાખી આવવા માટે કેટલું જડ અને લાગણી વિનાનું હર્દય જોઇએ ? જેટલું જોઇએ એટલું પણ પણ તે સર્વે આજના યુવાનો પાસે છે અમે નક્કી લાગે છે.
આજે જીવનસંધ્યા, નિવાસ, તપોવન, રમાધામ, શાંતિસદન, દીકરાનું ઘર… આ કોઇ બંગલાના નામોની યાદી નથી. આ એ વૃધ્ધાશ્રમોનાં નામો છે જ્યાં આપણી કુટુંબ પરંપરાની કલંકિત દાસ્તાનો એક એક વૃદ્ધના હાયકારામાં સંઘરાઇ છે.

આંખમાં આંસુ અને હૈયામાં પ્રેમ ભરી રાખનાર મા- બાપની આવી દુર્દશા અને ધર્માદા ઉપર ચાલતા વૃધ્ધાશ્રમો એ શું ભારતની શાન છે ?
હા, અમુક મા- બાપના સ્વભાવો ઘણીવાર થોડાક પ્રમાણમાં ખરાબ હોય તે માની શકાય છે, પણ એ બોજ બનીને કુટુંબનોભાર બની જાય છે, એ હરગીજ માની શકાય તેમ નથી, નથી ને નથી જ.
જે માતા- પિતાઓ શરીર અને મનથી થાકી ગયા છે, એમને ભૂખ, લાચારી અને એકલવાયાપણામાં વૃધ્ધાશ્રમોમાં મરવા માટે છોડી દેવાય ત્યારે કસાઇખાને જતી ગભરુ ગાયની આંખો આપણી આંખો સામે તરવરી ઉઠે છે.

માતા-પિતા વૃધ્ધ થાય, એમના માટે ચાલવાનું અઘરું બને, એમનાં આંખે- દાંત સાથ ન આપતાં હોય, શરીર ક્ષીણ થયું હોય ને એવે સમયે પુત્રી કે પુત્ર જો માતા-પિતા ને ભૂલે તો ? જે દીકરીને વહાલનો સાગર લેખી હોય, જે દીકરાને પ્રેમનું આકાશ લેખ્યો હોય એ જ જો પોતાના માતા-પિતા તરફથી મોં ફેરવી લેતો ? જે શેર માટી માટે માતા- પિતા એ પથ્થર એટલા દેવ કર્યા હોય, કડક માનતાઓ રાખી હોય અને સંતાનપ્રાપ્તિ થતાં ઇશ્વરને લાખ લાખ પ્રણામ કર્યા હોય- એ માતા-પિતાની પછી કેવી મનઃસ્થિતિ થાય ? એવા પુત્ર-પુત્રીની પણ જ્યારે તે કોઇના માતા-પિતા થશે ત્યારે એમનાં સંતાનો તેમની પણ એવી જ અવમાનના કરવાનાં ને ? આખી ગૃહવ્યવસ્થા જ ઉલટી થઇ ને ? આજના ઘરડાંઘર, વૃદ્ધાશ્રમો, વૃદ્ધોની આત્મહત્યાઓ એ અવ્યવસ્થા ભણી ધકેલાઇ રહેલા સમાજને જ સંકેત કરી રહ્યાં છે. માતા-પિતાને ન ભૂલવા એ કંઇ કોઇ પરંપરાથી મળેલું ગુલામીખત નથી. બલ્કે આદર્શ સમાજવ્યવસ્થા છે.

એક દીકરી ઘર છોડે ત્યારે…. અને બીજું દીકરા તરછોડે ત્યારે પણ માએ તો જિંદગી ભર રડવાનું જ હોય છે. છોકરા નાના હોય અને જમે નહી એટલે મા રડે અને એ છોકરા મોટા થઇને જમાડે નહી ત્યારે મા રડે છે ! સંજોગો ની એ વિચિત્ર વિડંબણા છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્યું હોય એ દીકરો મોટો થઇને માને ચૂપ રહેવાનું કહે છે. હે ! સંતાનો થોડું વિચારો… કાંઇક બ્રેક મારો. માતા- પિતાની આંતરડી કાંઇક ઠરે એવું વર્તન કરો.

કોઇપણ માતા-પિતા પોતાના સંતાનો પાસેથી પાછલી વયે શું ઝંખતાં હોય છે ? બંગલા- ગાડી, નોકર- ચાકર સાહ્યબી ? ના. ના.. ઘરડાં મા-બાપની જરૃરીયાતો માત્રને માત્ર ભૌતિક નથી હોતી. હવે તો ભૂખ પણ માંડ એકાદ રોટલીનો કે એકાદ પ્યાલા દૂધ ના જેટલી જ લાગે છે. બે કોળીયા ખીચડી ના આહારથી જ એમને ઓડકાર આવી જતો હોય છે. પાછલી વયે તેમને તેમના પુત્રો- પુત્ર વધુઓ- તેમનાં સંતાનો તેમની સાથે શાંતિથી બેસે. બે વાત સાંભળે. અમારા અસ્તિત્વની એ ઉપેક્ષા ન કરે. અમારી સાથે સરળ અને નિખાલસ રહીને, અમારી વાત સાંભળે એ જ એમની અંતિમ ઇચ્છા- મનોરથ હોય છે. તેથી જ ેકવિએ માતા- પિતાની ઇચ્છાને આ રીતે શબ્દોમાં ગોઠવી છે કે,

હું વધુ કશું નથી માગતો તમારી પાસે,
માગું છું માત્ર એટલું જ-
થોડીક વાતો કરી મારી સાથે,
થોડો સમય આપો મને,
મારી પાસે બેસશો ?

ખરેખર, યુવાન મિત્રો જે ઘરડાં હોય ને એને જ ખબર પડે છે કે, ઘડપણએ કેવી અવસ્થા છે અને…
એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે, બુઢ્ઢા થવું શું ચીજ છે ?
આ વાત આપણને જવાનીના તોરમાં સમજાતી નથી. અને જ્યારે તમારી અવસ્થા થશે ત્યારે તમને એ વાત સમજાશે ? પણ પછી શું ? હાથમાંથી બાજી સરી ગયા પછી શું ? માટે સુજ્ઞા, વ્યક્તિ એને જ કહેવાય છે કે, સમયસર વાતને સમજી લે.

તમો જ્યારે નાના હતા ને ત્યારે તમને કોઇ તકલીફ ના પડે ને એટલે તમારા આ માતા- પિતાએ કેવી કેવી રીતે તમારી કાળજી લીધી છે એની તમને ખબર ?
રાતભર બાપે દબાવી ખાંસીને,
એ જ ચિંતા, છોકરાં જાગી જશે.

હે, સંતાનો થોડો વિચાર કરો ? જે માતા- પિતાએ કેટ કેટલી તમારી કાળજી લીધી છે તેનો વિચાર કરો અને તમોને જે તેમના પ્રત્યે એલર્જી થઇ ગઇ છે તેને ટાળી નાંખો અને આ પવિત્ર શ્રાવણ માસમાં ”શ્રવણધર્મ” ને અપનાવો.

એક કવિએ કહ્યું છે કે,
ભૂલો ભલે બીજું બધું,
માબાપને ભૂલશો નહિ,
અગણિત છે ઉપકાર એના,
એહ વિસરશો નહિ

પરંતુ આજના સંતાનોને આ વાત સમજાય છે ક્યાં ? જેમ અત્યારે ઘણા વૃધ્ધ માતા- પિતાની આંખમાના આસું જોવાની યુવાનો પાસે નજર નથી.
એક કવિએ કહ્યું છે કે,

છે બધા નજદીકના સંબંધ ભરતીને લીધે,
ઓટ આવી કે તરત આઘા કિનારા થઇ ગયા.

મહાભારતના યુધિષ્ઠિર જેવા જ સમર્થ મહાનાયક પિતામહ ભીષ્મ પિતા માટે થઇને રાજ્યનોને સંસાર સુખનો ત્યાગ કરીને દેવવ્રતમાંથી ભીષ્મ બની ગયા છે. તો ઘટોત્કચ પિતા ભીમ માટે જ જીવ્યો છે અને મૃત્યુ પામ્યો છે.

કૃષ્ણ હોય, રામ હોય, ભીષ્મ કે યુધિષ્ઠિર હોય, કે સહજાનંદ સ્વામી… એ સૌ કોઇએ ભારતીય પરંપરાની આજ સુધીની પેઢી માટે જે અમૂલ્ય સંપત્તિ પ્રદાન કરી છે તે માતા- પિતાના પ્રેમને સમજવાની, તેમને આરાધવાની છે.

ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમના માતા- પિતા ધર્મદેવ અને ભક્તિમાતાની કેટલી સેવા કરી છે ? તેઓ બંને જ્યારે બિમાર હતા ત્યારે તેમની પાસે બેસીને પોતે સ્વયં ધર્મગ્રંથોની પારાયણ કરી છે. માતા- પિતાને દિલાસો આપ્યો છે અને દિલથી સેવા કરી છે. તેમના જીવનમાંથી કાંઇક આપણે શીખવાનું છે અને સમજવાનું અને જીવનમાં ઉતારવાનું છે.
ભારતની ભૂમિ એટલી તો સમૃદ્ધ છે કે અહી ધરતીની સોડમ આપતું લોકસાહિત્ય પણ પાંગર્યું છે. આપણા એક લોકગીતમાં કહેવાયું છે.

મોટું તીરથ માવતરનું, ઇ જે જનમના ઝાડ,
ગુણ ભૂલ મા તું ગાંડિયા, જેણે નવ માસ ઉપાડયો ભાર. નવ માસ ઉપાડયો તે ભાર કઇ,
ચરણ ધોઇ જેના ચરણામૃત લઇએ.

આ ભારતની ભૂમિ ઉપર કેટ કેટલો મહિમા માતા- પિતાનો ગવાયો છે. એ ભૂમિના ઉપર આપણો જન્મ થયો છે. કાંઇક તેના સંસ્કારો તો આપણામાં આવવા જોઇએ ને ? આ પવિત્ર શ્રાવણમાસમાં ”શ્રવણધર્મ”ના પંથે પગલું તો ભરવું જ રહ્યું ને ?

શ્રાવણનો મહિમા અને મહત્વ

7

|| શ્રાવણનો મહિમા અને મહત્વ ||

ઉપનિષદમાં કથા છે કે એક દિવસ સનતકુમારો કૈલાશવાસી ભગવાન શિવ પાસે ગયાં અને પૂછવા લાગ્યાં કે પ્રભુ આમ તો બારે મહિનાનું કોઈ ને કોઈ મૂલ્ય છે પરંતુ આપને અધિક પ્રિય હોય તેવો માસ ક્યો છે? આ સાંભળી ભગવાન શિવ કહે હે સનત કુમાર બધાં જ માસમાં મને સૌથી વધુ પ્રિય એવો શ્રાવણ માસ છે. ત્યારે સનત કુમારો પૂછવા લાગ્યાં કે પ્રભુ આપને આ શ્રાવણ માસ પ્રિય શા માટે છે? અને શ્રાવણ માસ એ નામ કેવી રીતે પ્રસિધ્ધ થયું તે અમને કૃપા કરીને સમજાવો, ત્યારે ભગવાન શિવ કહે કે હે સનત કુમારો આ માસ મને પ્રિય છે તેનાં ઘણા બધાં કારણ છે. પ્રથમ કારણ એ છે કે બધાં જ નક્ષત્રોમાં મને શ્રવણ નક્ષત્ર અને પૂર્ણ ચંદ્રની રતિ એવી પૂર્ણિમા અતિ પ્રિય છે અને બારે માસમાંનો આ એક માસ એવો છે જેની પૂર્ણિમામાં શ્રવણ નક્ષત્ર આવે છે તેથી આ માસનું નામ શ્રાવણ પડ્યું છે.

બીજું કારણ એ છે કે બધાં જ માસમાંથી ફક્ત આ માસ એવો છે જેમાં માત્ર આપ શ્રવણ કરો અને આપને સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.

ત્રીજું કારણ એ છે કે આ માસમાં મારા આરાધ્ય અને પરમ બ્રહ્મ એવા ભગવાન વિષ્ણુએ પોતાની પૂર્ણ પુરુષોત્તમ રૂપ લીલાનો પ્રારંભ કર્યો હોઈ મને આ માસ અત્યંત પ્રિય છે.

ચોથું કારણ એ પણ છે કે આ માસ સંપૂર્ણ વ્રતરૂપ અને ધર્મરૂપ હોવાથી આ માસની તમામ તિથીઓનાં સ્વામીનું પદ ભગવાન વિષ્ણુએ અલગ અલગ દેવી દેવતાઓને સોંપ્યું છે જેના કારણે આ માસમાં ફક્ત મારું જ નહીં પરંતુ મારી સાથે સમસ્ત દેવી દેવતા અને મારા આરાધ્ય એવા ભગવાન શ્રી વિષ્ણુનાં પૂર્ણ અવતાર રૂપ એવા ભગવાન કૃષ્ણનું પણ પૂજન, સ્મરણ, વંદન અને નમન થાય છે તે મને બહુ ગમે છે.

શિવપુરાણમાં કહે છે કે સમુદ્રમંથન વખતે ભગવાન શિવે વિષપાન કરેલું હતું. આ વિષને કારણે ભગવાન શિવનો દેહ તપ્ત બની ગયો આથી આ તપનમાંથી ભગવાન શિવને મુક્ત કરાવવા માટે તેમના ભક્તોએ ભગવાન શિવને દૂધ અને જલ ચડાવ્યું જેથી ભગવાન શિવને શીતળતાની પ્રાપ્તિ થાય.

ભગવાન શિવનો મહિમા જેમ શ્રાવણમાં છે તેમ ભગવાન કૃષ્ણનો પણ મહિમા શ્રાવણ મહિનામાં અધિક છે તેનું મુખ્ય કારણ એ છે કે શ્રાવણ માસ એ ભગવાન કૃષ્ણનાં પૃથ્વી પરનાં પ્રાગટ્યનો સાક્ષી છે અર્થાત આ માસમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. શ્રી નારદ પુરાણમાં કહે છે કે ભગવાન કૃષ્ણએ પ્રગટ થવા માટે આ માસ પસંદ કર્યો છે તેનું કારણ એ છે કે ભગવાન કૃષ્ણને પ્રકૃતિ સાથે બહુ પ્રેમ છે અને શ્રાવણ માસ એ ઋતુચક્રનો એવો માસ છે જે સમયમાં સૂર્ય, મેઘ, વાયુ, વર્ષાએ માતા પૃથ્વી અને માતા પ્રકૃતિ પાસેથી લીધેલા જલરૂપી દાનને સહસ્ત્રગણા રસદાયક કરીને વર્ષારૂપી જલનું દાન પરત આપે છે. પ્રકૃતિ પર જલવર્ષા થતાં જ વન વનસ્પતિ અને જીવો પુલકિત થઈ રસતરબોળ અને આનંદિત થઈ જાય છે. પ્રકૃતિના આવા જ એક આનંદિત સમયે સંસારને અને સંસારની સમગ્ર સ્ત્રીઓ રૂપી માતાઓને પોતાના રસમાં આનંદપૂર્વક રસાલિત્ત કરવા માટે બાલકૃષ્ણ પણ પ્રગટ થયાં છે. પ્રભુના પ્રાગટ્યનો આ રસ ભક્તજનોને ભક્તિ રસમાં ડૂબવા માટે રસદાયક બનાવે છે કારણ કે ભક્તિ અને રસ બંને પ્રેમ તત્વ પર નિર્ભર રહેલા છે અને ભગવાન શ્રી કૃષ્ણ તો પોતે પણ પ્રેમના પર્યાય રૂપ છે. આથી જ સંતો કહે છે કે આ માસ દાન આપવા માટે અતિ પવિત્ર છે કારણ કે આ માસમાં જલ તત્વ રૂપે ફક્ત પ્રકૃતિ નથી વરસતી બલ્કે પ્રભુ કૃપા પણ વરસે છે જેના દ્વારા મનુષ્યોને સત્કર્મો સંચિત કરવાનો સમય પણ મળે છે.

શ્રાવણ માસમાં ગૌરી પૂજન, હરિયાળી એકાદશી, ગોપાષ્ટમી, નાગ પંચમી , શીતળા સાતમ, જન્માષ્ટમી, ગોપનવમી અર્થાત નંદોત્સવ વગેરે જેવા અનેક શુભ દિવસો અને શુભ ઘડીઓ આવે છે. આ તમામ શુભ દિવસોમાં આવતી વિભિન્ન તિથિઑ, અને આ તિથિઓથી આ માસની એકરૂપતામાં વધારો કરતાં જાય છે. જે વિશ્વકલ્યાણ અને મંગલદાયી જીવનને માટે પ્રાણ રૂપ બને છે, વળી આ સમયમાં પ્રકૃતિના કણ કણમાં આનંદ અને ઉત્સાહ છલકેલો હોઈ શ્રાવણ માસમાં થનારા પ્રત્યેક કાર્યમાં હરત્વ અને હરિત્વનાં દર્શન થાય છે જે જીવનને અને જીવનમાં ઉત્સાહ સંદેશ દેવાનું કાર્ય કરતો જાય છે.

આત્મા એટલે શું ? જૈનધર્મમાં મૃત્યુ !!

1

|| આત્મા એટલે શું ||

ધર્મ કહે છે.

આત્મા-(જીવ) છે
તે નિત્ય છે
તે કર્મનો કર્તા છે
તેથી તે કર્મનો ભોક્તા પણ છે
મોક્ષ છે
મોક્ષનો ઉપાય છે.

સામાન્ય બુધ્ધી વૈજ્ઞાનીક આધારો ઉપર વધારે ભાર મુકે છે તેથી ઘણા એમ માને છે કે “આપ મુઆ પીછે ડુબ ગઈ દુનિયા” અને કદાચ આજ કારણે પુનઃજન્મ અને મૃત્યુ પછી સ્વર્ગ મોક્ષ કે પર લોક અને મુક્તિની વાતો ને શંકાની નજરે હોતા હોય છે અને એવુ વિચારતો પણ હોય છે કે જે દેખાતુ નથી તે છે તે કેમ કરી માનવુ?

આ વિચાર કરનારાને ક્યારેય એવી કલ્પના નથી થતી કે તેના પ્ર પિતામહ કે પાંચમી પેઢીએ કોઇ દાદા હતા..કેમકે તેમનુ પોતાનુ અસ્તિત્વ એ તેમનો જવાબ છે. તેજ રીતે અરુપી આત્મા જોઇ નથી શકાતો તેથી તે નહીં માનવુ તે અજ્ઞાન છે.આત્મા છે અને તે કર્મો કરે છે અને તેથી તે કર્મો મુજબ ભવાંતરણ કરતો ૮૪ લાખ ભવોમાં ભટકે છે.

|| જૈનધર્મમાં મૃત્યુ ||

જૈન ધર્મ પ્રમાણે આત્મા એ અમર છે અને ક્યારેય મૃત્યુ પામતી નથી. જૈન સિદ્ધાંતો જેમાં વર્ણવેલ છે એવા તત્વઅર્થ સૂત્ર મુજબ, પુદગલનું કાર્ય જીવ માત્રને આનંદ, દુખ, જીવન અને મૃત્યુ આપવાનું છે.
આત્મા અમર છે. મૃત્યુ દેહનું છે આત્મા તો ક્ષણનાં ત્રીજા ભાગમાં નવો દેહ ધારણ કરે છે

રુદન જ્યારે સ્વનુકશાનનાં ગાન સ્વરુપે હોય તો તે કર્મબંધ કરે છે

જૈન લખાણો મુજબ મૃત્યુના ૧૭ વિવિધ પ્રકારો હોય છે.

* અવિકિ-મરણ
* અવધિ-મરણ
* અત્યાનતિકા-મરણ
* વાસહર્તા-મરણ
* વલણ-મરણ
* અન્તહસલ્યા-મરણ
* તધાવા-મરણ
* બાલ-મરણ અથવા અકામ મરણ
* પંડિત-મરણ અથવા સકામ મરણ
* બાલપંડિતા-મરણ
* ચાડમાસ્થા-મરણ
* કેવાલિ-મરણ
* વૈહયશ-મરણ
* ગુડધપ્રિસ્થા-મરણ
* ભક્તપ્રત્યક્ષ-મરણ
* ઇન્ગિન્તા-મરણ
* પડોપગમન-મરણ
|| અકામ મરણ અને સકામ મરણ ||

મૃત્યુના બધાં ૧૭ પ્રકારોમાં બે મહત્વના ગણાય છે

અકામ મરણ એ એ પ્રકારનું મૃત્યુ છે જેમાં જીવને જીવનનું બંધન છે અને મૃત્યુ પામવા માંગતું નથી પણ જીવન પૂર્ણ થતા મૃત્યુ પામે છે. એટલે કે, જીવ મદદ વગર મૃત્યુ પામે છે અને એ તેના હાથમાં નથી. જૈન ધર્મ પ્રમાણે આ વ્યક્તિ મોટાભાગે એ છે કે જે પુન:જન્મ, બીજી દુનિયા કે આત્માની મુક્તિના ખ્યાલો ધરાવતી નથી.

સકામ મરણ એ એવા પ્રકારનું મૃત્યુ છે જ્યાં વ્યક્તિ મૃત્યુથી ડરતી નથી નથી તે ઇચ્છાથી અને આરામથી સ્વિકારે છે. તેઓ જાણે છે કે મૃત્યુને ટાળી શકાતું નથી અને એ નૈસર્ગિક ક્રિયા છે. સકામ મરણ વધુમાં ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં સમાધિ મરણ, અનશન, સંથારો અને સાલલેખનાનો સમાવેશ થાય છે.

જૈન પ્રતિક ચિહ્ન

1

|| જૈન પ્રતિક ચિહ્ન ||

જૈન ધર્મમા વિવિધ પ્રતીકો છે, દરેક પ્રતીક એક ઊંડા અર્થ ધરાવે છે. ભગવાન મહાવીરના નિર્વાણનો ના ૨૫૦૦ વર્ષગાંઠ નિમિત્તે જ્યારે આ પ્રતીક જૈન ધર્મ તમામ સંપ્રદાયો દ્વારા અપનાવવામાં આવ્યું હતું.

પ્રતીક ની રૂપરેખા બ્રહ્માંડની (લોક) વ્યાખ્યા કરવામાં આવે છે. પ્રતીક ની નીચે ભાગ સાત નરકનુ (નરકી) પ્રતિનિધિત્વ કરે છે. બ્રહ્માંડ ની મધ્ય ભાગમા પૃથ્વી અને ગ્રહોનો ઉલેખ છે. પ્રતીક ના ઉપલા ભાગ દેવલોક છે. જૈન માને છેકે બ્રહ્માંડ ના તો કોઇઍ સર્જન કરી શકે છે ના તો તેનો નાશ કરી શકે છે, પણ તે તેના સ્વરૂપ બદલી શકે છે, તેના સિવાય, તે હંમેશા હતુ અને હંમેશા રહેશે.

પ્રતીકમા ઉંચો હાથ (હિંસા) બંદ કરવાનો સંકેત આપે છે, ચક્રની મધ્યમાં શબ્દ “અહિંસા” છે. અહિંસા આટલે જેમા હિંસા નથી. આ બે નિશાની વચ્ચે, આપણે ઍક મિનિટ રોકાઈને કાઇ પણ કાર્ય કરતા પેહલા બે વખત વિચારવાનુ કહે છે. આ પ્રતીક આપણી પ્રવૃત્તિ ની ચકાસણી કરવાનો સંકેત આપે છે અને ભૂલથી પણ શબ્દો, વિચારો, અથવા ક્રિયાઓ દ્વારા કોઈને નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે કહે છે. હાથમાં આ ચક્ર દર્શાવે છે કે આપણે અગર કાળજી નથી લેતા અને આ ચેતવણીની અવગણ કરીને હિંસક પ્રવૃત્તિઓ ચાલુ રાખિયે, તો પછી જેમ વ્હીલ ગોળ ગોળ જાય છે, ઍમ આપણે પણ જન્મ અને મરણ ના ચક્રમા ગોળ ગોળ જવુ પડે છે.

સ્વસ્તિક ની ચાર હાથ જન્મ અને મરણ ના ચક્ર દરમ્યાન, આપણે કોઈ પણ ચાર ભાવીમા જન્મ થઈ શકે છે, જેમ કે, દેવ, મનુષ્ય, પ્રાણી (પક્ષીઓ અને છોડ સહિત) અને રાક્ષક. આપણો હેતુ જન્મ અને મરણના ચક્રમા થી મુક્તી મેડવી મોક્ષ પામવાનો હોવો જોઈયે.

સ્વસ્તિક ઉપર ત્રણ બિંદુઓ જૈન ધર્મ ના ત્રણ ઝવેરાત રજૂ કરે છે, સામાયૅક દર્શન, સામાયૅક જ્ઞાન, સામાયૅક ચારીત્ર. આપણી પાસે આ ત્રણેઉ હોવા જોઈઍ, જેમ કે સાચુ જ્ઞાન, સાચો વિશ્વાસ, અને સાચુ વર્તન, તોજ અપડે મોક્ષ (મુક્તી) મેડવી શકીઍ છે.

સાચુ જ્ઞાન = શરીર અને આત્મા બેઉ અલગ છે, અને શરીર નહી, પણ આત્મા મોક્ષ મેડવી શકે છે.
સાચો વિશ્વાસ = સર્વ ગ્યાની જિનેશ્વર ની વાણી મા સાચો વિશ્વાર્સ હોવો .જોઈઍ
સાચુ વર્તન = આપણાં કાર્યો દુનિયાઈ જોડાણ અને તિરસ્કાર થી દૂર હોવા જોઈઍ

ટોચ ભાગ પર જૈન બ્રહ્માંડના પ્રતીક ની ઉપર અર્ધ ગોળ આકાર છે, આ અર્ધ ગોળ આકાર સિદ્દધા (મુક્ત આત્મા) નુ રહેઠાણ રજૂ કરે છે. તે સીદ્ધાશીલા તરીકે પણ ઓળખાય છે. તે મુક્ત આત્માઓ ના અંતિમ વિશ્રામી સ્થળ છે. અર્ધ ગોળ આકાર ઉપર બિંદુ સિદ્ધ રજૂ કરે છે. . આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, એક આત્માઍ બધા જોડાયેલ કર્મોનું નાશ કરવુ પડે છે. દરેક જીવઍ મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે ભારે પ્રયત્ન કરવા જોઈએ.

પૌષધોપવાસ વ્રત

1

|| પૌષધોપવાસ વ્રત ||

“ વિરતી એ મોક્ષનો શુદ્ધભાવ છે. તેના રસાસ્વાદ પાસે ઇન્દ્રો કે ચક્રવર્તીનાં સુખો પણ સાવલ તુચ્છ છે.
એવી આ સર્વવિરતિના કણિયાનો આંશિક રસાસ્વાદ ચખાડવા ભગવાને સંસારમાં અતિ વ્યસ્ત એવા રાજા-મહારાજાઓને પણ સરળ એવું આ પૌષધવ્રત બતાવેલ છે,
આ વ્રતથી શ્રાવકો ઘણા અંશે સાધુપણાની નજીક આવી થોકબંધ કર્મની નિર્જરાપૂર્વક પોતાનો મોક્ષ સુનિશ્ચિત કરી શકે છે.”

ત્રીજું શિક્ષાવ્રત – અગ્યારમે પૌષધોપવાસ વ્રત : પૌષધ એટલે શું ? તેના ભેદો કેટલા

જેનાથી ધર્મની પુષ્ટિ થાય તેને પૌષધ કહેવાય. આઠમ, ચૌદશ વગેરે પર્વતિથિએ પૌષધ કરવો જોઇએ. પૌષધ વ્રતના ચાર ભેદ છે અને તે દરેકના બે ભેદ છે.

૧. આહાર પૌષધ
આના દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. અમુક વિગઇનો ત્યાગ કરવો અથવા આયંબિલ કે એકાસણું કરવું તે દેશથી આહાર પૌષધ કહેવાય છે. અને રાત દિવસ બેયના મળીને આઠે પહોર ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો તે સર્વથી આહાર પૌષધ કહેવાય છે.

૨. શરીરસત્કાર પૌષધ
આના પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે અમુક પ્રકારના દેહપ્રસાધનના સાધનોનો ઉપયોગ ન કરવો, તે દેશથી, સ્નાન, માલિશ, પ્રસાધન તથા શણગાર વગેરેનો તદ્દન ત્યાગ કરવો તે સર્વથી શરીરસત્કાર પૌષધ છે.

૩. બ્રહ્મચર્ય પૌષધ
આના પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. દિવસે કે રાતે વિષય સેવન ન કરવું, તેની મર્યાદા બાંધવી તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ છે. અને દિવસ રાતના આઠેય પહોરનું
બ્રહ્મચર્ય પાળવું તે સર્વથી બ્રહ્મચર્ય પૌષધ છે.

૪.અવ્યાપાર પૌષધ
આના પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકાર છે. `અમુક વ્યાપાર હું નહિ કરું’ એમ ધારવું તે દેશથી અને દિવસ રાતનાં આઠેય પ હોર માટે સર્વ પ્રકારનો વ્યવસાય કે વ્યાપારનો ત્યાગ કરવો તે સર્વથી વ્યાપારનો પૌષધ કહેવાય છે. વર્તમાનમાં તો ચાર પ્રકારના પૌષધમાંથી ફક્ત આહાર પૌષધ જ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે થાય છે બાકીના ત્રણેય પ્રકારના પૌષધમાં તો સર્વથી જ ત્યાગ થાય છે.

દેશથી પૌષધ કરનાર સામાયિક કરે પણ ખરો અને ન પણ કરે. પરંતુ જો સર્વથી પૌષધ કરવાનો હોય તો સામાયિક અવશ્ય કરવું જોઇએ. સામાયિક લીધેલા પૌષધ જ ફળ આપે છે. આ ચારેય પ્રકારનો સર્વથી પૌષધ, ઉપાશ્રય, ચૈત્યગૃહ, પૌષધશાળા કે ઘરમાં કરવો. આ પૌષધ ગુરુની સમક્ષ કરવો જોઇએ. પૌષધ લેતી વખતે સર્વ પ્રકારનાં આભૂષણો ઉતારી નાખવા જોઇએ. પૌષધના સમય દરમિયાન જ્ઞાનાભ્યાસ કરવો, સ્વાધ્યાય કરવો, ધર્મગ્રંથનું વાંચન કરવું, જાપ જપવો અથવા શુભધ્યાન કરવું.

શ્રાવક પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં અને પૌષધસૂત્રમાં કહ્યું છે: કરેમિ ભંતે પોસહં આહારપોસહં દેસઓ સવ્વઓ । વગેરે ચાર ભેદથી પોસહ કહ્યો છે. પૌષધ શબ્દનો અર્થ નિયમ કરીએ તો જ તેનો અર્થ બરાબર બંધબેસતો થાય છે. આહારપોસહ વગેરે ચાર પ્રકારના દેશથી અને સર્વથી મળી આઠ ભાંગાના એક બે વગેરે સંયોગી ભાંગા ગણાતા એંશી ભાંગા થાય છે. તેમાં અત્યારે આહાર પૌષધ બે પ્રકારે કરવામાં આવે છે, કારણ કે નિર્દોષ આહાર લેવામાં સામાયિકની સાથે વિરોધ જોવામાં નથી આવતો. બીજું સાધુ અને ઉપધાન કરનાર શ્રાવકો પણ આહાર લે છે. બાકીના ત્રણ પૌષધ તો સર્વથી જ કરવા. અહીં કોઇ શંકા કરે કે નિર્દોષ શરીર સત્કાર અને વ્યાપાર કરવામાં શો દોષ છે? આનું સમાધાન આ પ્રમાણે છે. આ બન્ને ક્રિયા શરીર શોભા અને લોભના હેતુભૂત છે અને સામાયિકમાં આવી પ્રવૃત્તિઓના નિષેધ ફરમાવ્યા છે. શક્તિના અભાવે ધર્મક્રિયાનો ઉત્સાહ અને શક્તિ ટકાવી રાખવા માટે સાધુની જેમ પૌષધમં આહાર સ્વીકારવા યોગ્ય છે. આ સંબંધમાં શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે `દેશથી આહાર પૌષધ કર્યો હોય તો ગુરુની સમક્ષ પચ્ચક્ખાણ પારીને `આવસ્સહી’ કહીને ઉપાશ્રયની બહાર નીકળવું. ઇર્યાસમિતિ વડે ઘરે જઇ ઇરિયાવહી પડિIમી, ગમણા-ગમણે આલોવી ચૈત્યવંદન કરવું. પછી સંડાસા પ્રમાજી કટાસણા ઉપર બેસવું. પાત્રને પ્રમાર્જવા અને પછી ઉચિત્ત ભોજન પીરસાવવું. ભોજન પીરસાઇ ગયા બાદ પચ્ચક્ખાણ સંભારી વદન પ્રમાજી ભોજન લેવું. ભોજન સમયે સબડકા કે બચકારા કરવા નહિ. આરામથી રસપૂર્વક જમવું નહિ. છાંડવું નહિ. મન-વચન અને કાયાની ગુપ્તિથી સાધુની જેમ ભોજન લેવું. ભોજન બાદ પ્રાસુક જળથી મુખશુદ્ધિ કરવી અને નવકાર ગણીને ઉઠવું. પછી ચૈત્યવંદન કરી પચ્ચક્ખાણ ધારી અને ફરી પૌષધશાળામાં આવવું અને સ્વાધ્યાય – ધ્યાન વગેરે કરવું.

શ્રાદ્ધપ્રતિક્રમણની ચૂર્ણિમાં પણ આ પ્રમાણે કહ્યું છે, પણ આ સામાયિક અને પૌષધની એકતાની અપેક્ષાએ છે. કારણ કે મુહૂર્ત માત્રના સામાયિકમાં તો અશન કરવું સર્વથા નિષિદ્ધ છે. પૌષધને આશ્રીને શ્રી નિશીથભાષ્યમાં એમ પણ કહેલું છે કે “उदिट्टठकडंपि सो मुंजे” તેને ઉદ્દેશીને કરેલું હોય તે સામાયિક કર્યું હોય `છતાં પણ ખાય’ નિર્વિવાદ વૃત્તિએ સર્વ આહાર વગેરેનો ત્યાગ કરવો એ જ સર્વોત્તમ પૌષધ છે. શંખ નામના શ્રાવકે આવો સર્વોત્તમ પૌષધ કર્યો હતો.

|| અતિચારો ||

1. અપ્રતિલેખિત અથવા દુપ્રતિલેખિત શય્યાસંસ્તારક öશય્યા-મકાન, સંસ્તારક-પીઠ ફલકાદિ ઉપધિ, દૃષ્ટિથી બિલકુલ અથવા બરાબર ન જોવાં ત.
2. અપ્રમાર્જિત અથવા દુપ્રમાર્જિત શય્યાસંસ્તારક ö શય્યા વગેરે સર્વ ચરવળા-રજોહરણથી બિલકુલ અથવા બરાબર ન પૂંજવાં તે.
3. અપ્રતિલેખિત અથવા દુપ્રતિલેખિત ઉચ્ચારપ્રશ્રવણ ભૂમિ ö સ્થંડિલ-માત્રાની જગ્યા ઉપર પ્રમાણે ન જોવી તે.
4. અપ્રમાર્જિત અથવા દુપ્રમાર્જિત ઉચ્ચારપ્રશ્રવણ ભૂમિ ö સ્થંડિલ-માત્રાની જગ્યા ઉપર પ્રમાણે યોગ્ય રીતે ન પૂંજવી તે.
5. પૌષધ વિધિ વિપરીતતા ö પૌષધવિધિનું પાલન બરાબર ન કરવું, પૌષધ મોડો લેવો – વહેલો પાળવો ઈત્યાદિ.

|| પૌષધ વ્રતના અઢાર દોષો ||

1. પૌષધમાં વ્રતી સિવાયના બીજા શ્રાવકનું આણેલું પાણી પીવું.
2. પૌષધ નિમિત્ત સરસ આહાર લેવો.
3. પૌષધ કરવાના આગલા દિવસે ઉત્તરપારણામાં વિવિધ પ્રકારે સ્વદિષ્ટ પદાર્થોનો સંયોગ મેળવીને આહાર કરવો.
4. પૌષધમાં અથવા પૌષધ નિમિત્તે આગલા દિવસે દેહવિભૂષા કરવી.
5. પૌષધ નિમિત્તે વસ્ત્રાદિક ધોવાં કે ધોવરાવવાં.
6. પૌષધ નિમિત્તે આભૂષણ ઘડાવી પહેરવાં. સ્ત્રાળએ પણ સૌભાગ્યનાં ચિહ્ન સિવાય ઘરેણાં પહેરવાં.
7. પૌષધ નિમિત્તે વસ્ત્ર રંગાવીને પહેરવાં.
8. પૌષધમાં શરીર ઉપરનો મેલ ઉતારવો.
9. પૌષધમાં અકાળે શયન કરવું, નિદ્રા લેવી.
10. પૌષધમાં સારી કે નઠારી સ્ત્રાળ સંબંધી કથા કરવી.
11. પૌષધમાં આહારને સારોöનઠારો કહેવો.
12. પૌષધમાં સારી કે નઠારી રાજકથા કે યુદ્ધકથા કરવી.
13. પૌષધમાં દેશકથા કરવી.
14. પૌષધમાં પૂંજ્યા કે જોયા વિના લઘુનીતિ (મૂત્ર) વડીનીતિ (ઝાડો) પરઠવવાં.
15. પૌષધમાં બીજાની નિંદા કરવી.
16. પૌષધમાં માતા, પિતા, ભાઈ, સ્ત્રાળ વગેરે સંબંધીઓ સાથે વાર્તાલાપ કરવો.
17. પૌષધમાં ચોરની કથા કરવી.
18. પૌષધમાં સ્ત્રાળ-પુરુષનાં અંગોપાંગ નીરખીને જોવાં. આ અઢાર દોષો પૌષધમાં જરૂર ટાળવા પ્રયત્ન કરવો, તેમ જ તેમાંથી જેટલા દોષો ત્યજાય તેટલા ત્યજવા અને જે કોઈ દોષો લાગે તેને સારા જાણવા નહિ. પૌષધવ્રતના પાંચ અતિચારો પણ ટાળવા. વાસક્ષેપ પૂજા કરીને પૌષધ લેવાનું પ્રતિમાધર શ્રાવક માટે આવશ્યક છે. બીજાઓ પૂજા કર્યા વિના પણ તે લઈ શકે, તેથી સવારે પ્રતિક્રમણ સાથે વહેલો પૌષધ લેવો જોઈએ.

|| ધ્યેય ||

ધર્મના પોષને (પુષ્ટિને) ધ એટલે ધારણ કરે તે પૌષધ. શાસ્ત્રમાં સર્વ વિરતિનો અપરંપાર મહિમા ગાતાં જણાવ્યું છે કે ભાવ વિરતિધરની બે ઘડીની આરાધના પાસે ભાવ શ્રાવક (આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક કે પુણિયા શ્રાવક) ની આખી જિંદગીની આરાધનાની પણ તુલના ન કરી શકાય. તેનું કારણ શું ? વિરતિ એ મોક્ષનો શુદ્ધભાવ છે. તેના રસાસ્વાદ પાસે ઈદ્રો કે ચક્રવર્તીનાં સુખો પણ સાવ તુચ્છ છે. એવી આ સર્વ વિરતિના કણિયાનો આંશિક રસાસ્વાદ (સેમ્પલ) ચખાડવા ભગવાને સંસારમાં અતિ વ્યસ્ત એવા રાજા-મહારાજાઓને પણ સરળ એવું આ પૌષધવ્રત બતાવેલ છે, જે તમે દુનિયામાં દીવો લઈને ગોતવા જાવ તો પણ મળવું અશક્ય છે. આ વ્રતથી શ્રાવકો ઘણા અંશે સાધુપણાની નજીક આવી થોકબંધ કર્મની નિર્જરાપૂર્વક પુણ્યનો સંચય કરી પોતાનો મોક્ષ સુનિશ્ચિત કરી શકે છે.

 

હનુમાનજી ''વાંદરો'' નથી

1

|| હનુમાનજી ”વાંદરો” નથી ||

અધ્યાત્મરામાયણમાં ‘વાનર’ શબ્દ છે એનું આપણે કરી નાંખ્યું, ‘વાંદરો’. ‘वा नर’ એટલે કે ‘નર અથવા’ (અન્ય કોઈ). આ જાતિની વર્તણૂંક એટલી ચંચળ હોય છે કે આપણને એના નર હોવા અંગે શંકા જાય. ‘વાનર’ એટલે વાંદરો નહિ.

પૃથ્વી પર અનેક માનવ જાતિઓ વસવાટકરે છે, જેમાં વાનરની સાથે ‘સર્પ’, ‘નાગ’ વગેરે જાતિનો પણ સમાવેશ થાય છે. ઈંદ્રપ્રસ્થ વસાવવા માટે પાંડવોને ખાંડવવન બાળવાની જરુર જણાઈ ત્યારે ત્યાં નાગ જાતિની વસતી રહેતી હતી. અનેક વાર સૂચના આપવા છતાં નાગ લોકોએ વસાહત ખાલી ન કરી આપી ત્યારે કૃષ્ણે તમામ વન બાળીને નાગ જાતિનો સફાયો કર્યો છે. આપણે જાણીએ છીએ કે ત્યારથી નાગ લોકો પાંડવો પર વેર વાળવા તત્પર રહ્યા છે અને અભિમન્યુના દીકરા પરીક્ષિતને માર્યો ત્યારે તેઓનું વેર શાંત થયું છે.

ખરેખર તો હનુમાન બુદ્ધિમતામ વરિષ્ઠમ છે. આપણાં પૂર્વજ વાંદરા હતા એ કલ્પના બોગસ સાબિત થઈ છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ખોટો સાબિત થઈ ચૂક્યો છે. વળી અંગ્રેજોએ આપેલી વિકાસની કલ્પનાકે વિકાસ સીધી લીટીમાં ‘ફ્રોમ બોટમ ટુ ટોપ’ થાય છે એ વાત પણ બહુ મોટો ભ્રમ છે. આપણે પ્રથમ જંગલી હતા અને હવે સુધર્યા છીએ એવું નથી પરંતુ સૃષ્ટિની ગતિ ચક્રાકાર છે અર્થાત ક્યારેક સંસ્કૃતિનો સુવર્ણકાળ હોય છે તો ક્યારેક એનો અધ:પતિત કાળ પણ આવે છે.

આવું હોય ત્યારે સમસ્ત માનવ જાતિને વાંદરાની અનુગામી અને હનુમાનને વાંદરો ચીતરીને આપણે તેઓનો અક્ષમ્ય અપરાધ કરી રહ્યા છીએ. મને એ વાતનો આનંદ છે કે મારા ઘર પાસે ભીડભંજનમારુતિનું મંદિરછે જેમાં હનુમાનજી માનવચહેરાવાળા છે. હનુમાનજીને આપણે પવનપુત્ર કહીએ છીએ. તેઓ રુદ્ર અવતાર તરીકે પણ જાણીતા છે. કોઈ વાંદરો ગમે તેટલો વિકાસ કરી લે એ માણસ નથી બની શકતો.

વાયુપુત્ર જેવા દેવ બનવાનો તો સવાલ જ પેદા નથી થતો.

આ બાબતની સ્પષ્ટતા આપણા ધર્મગુરુઓ કરતા નથી તેથી અમેરિકા-ઈંગલેંડમાં ભણતા આપણા બાળકોને ખુબ તકલીફ પડેછે. ‘મંકી ગોડ’ કહીને હનુમાનજીનું તેમજ ‘એલીફંટ ગોડ’ કહીને ગણેશજીનું અપમાન કરીને વિધર્મીઓ ડગલે ને પગલે હિંદુઓની લાગણીઓ દુભાવી રહ્યા છે ત્યારે આ મુદ્દે બૌદ્ધિક સ્પષ્ટતા થઈ જાય એ ઘણું જરુરી છે. કોઈ ક્રાંતિકારી ધર્મગુરુએ હનુમાનજીની એવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ કે જેને જોઈને લાગે કે ‘આ હનુમાનજી ખરેખર ‘બુદ્ધિમતામ વરિષ્ઠમ’ છે. ’બુદ્ધિમતામ વરિષ્ઠમલંકા પર હુમલો કરવાનું નક્કી થઈ ચૂક્યું છે. છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલે છે. રહસ્યમયી યોજનાઓને આકાર આપવા બન્ને પક્ષો તલપાપડ થઈ રહ્યા છે. ત્યારે શત્રુપક્ષમાંથી કોઈ દૂત કે સૈનિક નહિ પણ ખુદ રાવણનો ભાઈ વિરોધી પક્ષને મળવા આવી રહ્યો છે. શા માટે? ટોચની ઉત્તેજના સર્જાઈ છે. એને રસ્તામાં જ મારી નાંખવો કે એ શું કરે છે એ જોવું?

વિભીષણ આવીને કહે છે કે પોતે રામના પક્ષમાં જોડાવા આવ્યો છે. છેલ્લી ઘડીએ કોણ એની વાત પર વિશ્વાસ કરે? અત્યાર સુધી રાવણના પક્ષે શા માટે રહ્યો? ભાઈનો પક્ષ છોડવામાં શું સ્વાર્થ છે એનો? શત્રુપક્ષની ગુપ્ત બાબતો જાણવા પણ એ આવી શક્યો હોઈ શકે! વિભીષણ દગો નહિ દેએની શું ખાતરી? એવું પણ બને કે ઉતાવળમાં આગંતુકને મારી નાંખવામાં આવે તો શત્રુપક્ષની નબળાઈઓ જાણવાની રહી જાય. શું કરવું? રામ નિશ્ચિંત હતા. કારણ બુદ્ધિમતામ વરિષ્ઠમ તેઓની સેવામાં હાજર હતા.

રામના પક્ષે અનેક મતો વિભીષણનાં આગમનથી ઉપસ્થિત થયા હતા. કોઈ એક ભૂલ થઈ કે ખેલ ખલાસ. ગણતરીઓ ખોટી પડે તો વિશ્વભરમાં જામેલી પ્રતિષ્ઠા પળભરમાં ખતમ થઈ જાય. રામે હનુમાનજીને યાદ કર્યા છે. “હનુમાન, આવ અને વિભીષણને જો. કહે,આપણે શું કરવું?” હનુમાનજી ફેસ રિડિંગમાં એક્સપર્ટ હતા. હૃદયના ભાવો ચહેરા પર તેમજ આંખોમાં દેખાયા વિના રહેતા નથી. કોઈ લાખ ચાલાકી કરે ચહેરાના ભાવોને છુપાવાની, એ ભલભલાંની આંખમાં ધૂળનાંખી શકે પરંતુ હનુમાનજી આગળ એની ચાલાકી ચાલી શકે નહિ, એવું રામ જાણતા હતા. પછીનો ઈતિહાસ આપણે જાણીએ છીએ. કોઈ કહે, કે “એમાંશું? હનુમાનજી લંકામાં ગયા હતા અને વિભીષણના ઘરે તુલસી ક્યારો તેમજ ધાર્મિક ચિહ્નો જોયા હતા.”

થોડું વિચારો: ભારત પાકીસ્તાન પરચડાઈ કરવાનું હોય ત્યારે પાકીસ્તાનનો કોઈ હિંદુ મંદિરનો પુજારી છેલ્લી ઘડીએ ભારતની મદદે આવે તો ભારતીય સેના અધિકારી એની વાત પર વિશ્વાસ કરી લે? તો પછી રાજાના ભાઈ પર વિશ્વાસનો તો કોઈ પ્રશ્ન જ નથી.એ જ રીતે વનવાસ પૂર્ણ થતાં રામ પોતાનાં આગમનનાં સમાચાર ભરતને આપવા હનુમાનને મોકલે છે. જેથી ભરતના ચહેરા પર ગમા-અણગમાનાં ભાવવાંચીને અયોધ્યા જવું કે પાછા ફરી જવું એ રામ નક્કી કરી શકે. રામ હનુમાનને બોલાવે ત્યારે, ‘હે પ્રાજ્ઞ’, ‘હે ધીર’, ‘હે વીર’, ‘હે રાજનીતિનિપુણ’ વગેરે સંબોધન કરે છે.

હનુમાન માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય, તત્વજ્ઞાન વગેરે શાસ્ત્રોના જ્ઞાતા તેમજ અગિયારમાં વ્યાકરણકાર હતા. વાલીને માર્યા બાદ સુગ્રીવને ગાદી મળે છે ત્યારે અંગદ રાજ્યનાભાગલા પાડવાનું નક્કી કરે છે ત્યારે હનુમાનની અક્કલ તેમજ મુત્સદ્દીગીરીથી અંગદ માની જાય છે એટલું જ નહિ પણ રાજ્યનો એકનિષ્ઠ સેવક બનીને જીવનપર્યંત કાર્ય કરે છે.

આ બાબતો હનુમાનજીને બુદ્ધિમતામ વરિષ્ઠમ સાબિત કરે છે. આપણે વાંદરાને વાંદરો રહેવા દઈએ અને હનુમાનજીને વિશ્વમાં સાચી પ્રતિષ્ઠા અપાવવા કટિબદ્ધ થઈએ.

સ્વજનો સ્મશાન સુધી જ સાથ આપશે…, ધર્મ તો ભવોભવ (મોક્ષ સુધી) પર્યંત સાથ આપશે

4

|| સ્વજનો સ્મશાન સુધી જ સાથ આપશે…, ધર્મ તો ભવોભવ (મોક્ષ સુધી) પર્યંત સાથ આપશે ||

અસંયમ-અનાચારની દુર્ગંધથી ખદબદતા જીવનને પણ સંયમની-સદાચારની સુવાસથી તર-બ-તર કરી દેવાની સરસ ક્ષમતા ધરાવતા પવિત્ર પર્વાધિરાજ પર્યુષણાનો આજે ચતુર્થ દિવસ છે. પર્યુષણાના જ નહિં, આરાધનાના પણ સારસ્વરૃપ ‘મિચ્છા મિ દુક્કડં’ મન્ત્રવાક્યના એકેક અક્ષર પર આધારિત આપણી ચિંતનયાત્રામાં આજે આવે છે ‘મિ.’ એના અર્થઘટન માટે મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર ટીકામાં લખે છે કે ”મિ ઈત્યેતદક્ષરં મેરાયાં – ચારિત્રમર્યાદાયાં સ્થિતો।હમિત્યેતદર્થાભિધાયકં ભવતિ.” ભાવાર્થ કે આ ‘મિ’નો અર્થ છે મર્યાદામાં રહેવું. અલબત્ત, એ ટીકાગ્રન્થ જૈન શ્રમણ-શ્રમણીભગવંતોની સામાચારીને અનુલક્ષી છે. તેથી ત્યાં ચારિત્રમર્યાદા અર્થ કરાયો છે. પરંતુ આપણે અહીં મર્યાદાને વ્યવહારજગતના અનેક સંદર્ભમાં વિચારીશું.

પૂર્વકાલમાં જ્યારે વિમાનની શોધ ન હતી થઈ અને રાજા-રજવાડાઓ ભૂમિમાર્ગે જ પરસ્પર આક્રમણ કરતા હતા ત્યારે દરેક ગામની ચોતરફ મજબૂત કિલ્લો કરાતો હતો. કિલ્લાની બહાર ચાહે તેટલી વિશાળ જગ્યા હોય અને ગામમાં ચાહે તેવી ગીચ જગ્યા હોય છતાં કોઈ કિલ્લાની મર્યાદાની બહાર મકાનો-નિવાસસ્થાનો રચાવતું નહિ. કારણ ? એ જ કે આક્રમણ સમયે કિલ્લાની અંદરના મકાનો સંપૂર્ણ સુરક્ષિત રહે અને કિલ્લાની મર્યાદાની બહારનાં મકાનો સાવ જ અસુરક્ષિત રહે. આ દર્શાવે છે કે મર્યાદાનું શું મહત્ત્વ છે. નદીનાં નીર જો બંધની મર્યાદામાં રહે તો સૃષ્ટિને અનેક રીતે આશીર્વાદરૃપ બને, અને એ જ નીર જો બંધની મર્યાદા તોડી-ફોડીને બેકાબૂ વહે તો મોટી હોનારતનું કારણ બની જઈને અભિશાપ રૃપ બને. અરે ! સીતાજી પણ જ્યાં સુધી લક્ષ્મણરેખાની અંદર હતા ત્યાં સુધી એમને ઊની આંચ આવી ન હતી. જ્યારે એ લક્ષ્મણરેખાની મર્યાદાની બહાર ગયા ત્યારે જ આપત્તિઓનો આરંભ થયો. ખબર છે આ જ સંદેશ સુણાવતી પેલી લઘુકથા ?

શિક્ષકે બાળકોને એક પડકારરૃપ પ્રશ્ન કર્યો કે ”એક પણ અક્ષર બોલ્યા વિના કે એક પણ અક્ષર લખ્યા વિના રામાયણનો સાર દર્શાવો.” બધા બાળકો સ્તબ્ધ થઈ ગયા કે બોલ્યા-લખ્યા વિના કાંઈ દર્શાવી શે શકાય ? આખર એક વિચક્ષણ બાળક આગળ થયો. એ ચોક લઈને બ્લેક બોર્ડ તરફ જતો હતો ત્યાં અન્ય બાળકોએ અક્ષર ન લખવાની શરત યાદ કરાવી. ચતુર વિદ્યાર્થીએ સસ્મિત ઉત્તર આપ્યો કે ”અક્ષર લખવાની ના છે, ચોકના ઉપયોગની ના નથી.” બાળકો કાંઈ સમજી ન શક્યા. પેલા ચતુર વિદ્યાર્થીએ માત્ર એક લીટી દોરીને શિક્ષક સામે વિજયી નજરે નિહાળ્યું. શિક્ષકે તરત ખુશી ખુશીથી બાળક ઉત્તીર્ણ થયાનું જાહેર કર્યું. પેલા બાળકે સમગ્ર વર્ગને રહ્સય સમજાવ્યું કે ”આ લીટી દોરીને મેં રામાયણનો સાર એ દર્શાવ્યો છે કે મર્યાદાની લક્ષ્મણરેખામાં રહેવામાં જ જીવનની સલામતી છે. એ રેખા તોડશો તો દુ:ખી દુ:ખી થઈ જશો ??”

મર્યાદા જો આટલી મહત્વપૂર્ણ બાબત છે તો આપણાં જીવનમાં એ વિવિધ સ્વરૃપે આત્મસાત્ થવી જ જોઈએ. મર્યાદાનાં કેટલાક અગત્યનાં સ્વરૃપો આ રીતના વિચારી શકાય :

(૧) સદાચાર મર્યાદા :- માનવ અને પશુ વચ્ચે માત્ર આકારનો જ તફાવત નથી હોતો, એથી ય વિશેષ તફાવત પ્રકારનો છે. પશુ એ પ્રકારમાં – એ કક્ષામાં આવે છે કે જ્યાં વિવેકનો શૂન્યાવકાશ હોય. એથી એ ગમે તેમ વર્તે તો એટલું અયોગ્ય ન લાગે. જ્યારે માનવી એ પ્રકારમાં – એ કક્ષામાં આવે છે કે જ્યાં પૂરેપૂરો વિવેક હોય. આજે ઘણી વાર એવું નિહાળાય છે કે વ્યક્તિ સંપત્તિના મદમાં છાકટી થઈને વર્તે, તો જુવાનીના જોશમાં બેફામ થઈને વર્તે. ક્યાંક ઈન્ટરનેટ પોર્નોગ્રાફીનો શોખ તો ક્યાંક અશ્લીલ નવલકથાઓનો શોખ, ક્યાંક ડ્રગ્સ અને ડ્રીંક્સનાં તાંડવ તો ક્યાંક જુગાર-આંકડા રમવાની આદત : આવી આવી તો કૈંક આદતો છે જે જીવનને સર્વત : અધોગતિના ખપ્પરમાં હોમી દે. સાવધાન ? વ્યક્તિ જો આ બધાથી ખરેખર બચવા ચાહતી હોય તો એને જીવનમાં સદાચારમર્યાદાની લક્ષ્મણરેખા આંકી દેવી જ જોઈએ કે આવી આવી બાબતોને મારાં જીવનમાં સ્થાન કદાપિ નહિ જ આપું. એક સંસ્કૃત પંક્તિ પણ આ જ પ્રેરણા આપે છે કે ”અકર્તવ્યં ન કર્તવ્યં, પ્રાણૈ : કણ્ઠગતૈરપિ.” મતલબ કે પ્રાણ કંઠે આવી જાય તો ય અકર્તવ્ય – દુરાચરણ ન જ કરવું…

(૨) સંસ્કારમર્યાદા :- લોકવ્યવહારમાં સામાન્યત : એવું નિહાળાય છે કે પિતાની સંપત્તિમાં વૃદ્ધિ કરે તે શ્રેષ્ઠ પુત્ર ગણાય, પિતૃદત્ત સંપત્તિને યથાવત્ જાળવી રાખે એ મધ્યમ પુત્ર ગણાય અને એ સંપત્તિને સાફ કરી નાંખે તે કનિષ્ઠ પુત્ર ગણાય. આ જ ગણિત જો સંસ્કારની બાબતમાં અપનાવી લેવાય તો કેવું સરસ ? વસ્તુત : સંપત્તિને જેટલી અગત્ય અપાય છે એટલી અગત્ય સંસ્કારોને અપાતી નથી. માટે એની રક્ષા-વૃદ્ધિ માટે ધ્યાન અપાતું નથી. બાકી સંસ્કાર તો એવી મૂડી છે જે જીવનને કાયમ માટે શણગારે-ઉજ્જવલ કરે. માતા-પિતાએ એનાં સિંચન માટે કેવા તત્પર રહેવું જોઈએ એ જાણવું છે ? તો વાંચો આ મસ્ત પ્રેરણા કથા :

નાના પુત્ર સાથે મેળો માણવા ગયેલ પિતાએ ટિકીટબારી પર પૂછ્યું : ”મેળાનાં દર્શન માટે ટિકીટના દર શું છે ?” નિયામકે ઉત્તર આપ્યો : ”દશ રૃ.નો દર છે. પણ છ વર્ષ સુધીના બાળકો માટે ટિકીટ લેવાની નથી. તમે દશ રૃ. આપો.” પિતાએ દશના બદલે વીશ રૃ. આપતા કહ્યું : ”મારા પુત્રની વય સાડા છ વર્ષ છે. માટે એની પણ ટિકીટ લેવી છે.” નિયામકે નિખાલસતાથી પૂછ્યું : ”ભાઈ ! મને ખુદને તમારા પુત્રની વય છ વર્ષની અંદરની લાગતી હતી. તમે ખુલાસો ન કર્યો હોત તો તમારા દશ રૃ. બચત. મને ક્યા જૂઠની ખબર પડવાની હતી ?” ભાઈએ હૃદયસ્પર્શી ઉત્તર આપ્યો : ”તમને ભલે ન ખબર પડત, પણ મારા આ પુત્રને તો મારા જૂઠની ખબર પડી જ જાત. એ જૂઠના – અપ્રામાણિકતાના સંસ્કારો મારી પાસેથી શીખે એ મને હરગિજ મંજૂર નથી…” સંસ્કારની મર્યાદા આવી હોવી જોઈએ…

(૩) સભ્યતામર્યાદા : ‘સભાયાં સાધુ : સ સભ્ય :’ આ સંસ્કૃત વ્યાખ્યા અનુસાર વિચારીએ તો સભા વચ્ચે ય શોભી શકે એવી પ્રવૃત્તિ તે છે સભ્યતા. શું સભા વચ્ચે વ્યક્તિ કોઈની સાથે ગાળાગાળી કરે – અપશબ્દ વર્ષા કરે – ભયંકર ગુસ્સો કરે – મારામારી કરે – ઉદ્દંડતાથી વર્તે યા અશ્લીલ ચેનચાળાદિ કરે તો એ શોભે ખરું ? જવાબ જો ના છે, તો સભ્યતાનાં સ્તરેય આ કે આવી આવી કોઈ ગલત પ્રવૃત્તિઓ ન જ શોભે. પોતાના વિચારભેદની અભિવ્યક્તિ યોગ્ય શબ્દો અને યોગ્ય પ્રવૃત્તિથી જરૃર થઈ શકે, પરંતુ એના માટે ઉપરોક્ત જેવી અસભ્યતાનો આશ્રય ન લેવાવો જોઈએ. સભ્યતાની મર્યાદા આ શિક્ષણ-આ બોધ આપે છે…

(૪) ધર્મમર્યાદા :- ધર્મની વ્યાખ્યા ‘યોગશાસ્ત્ર’માં આ કરાઈ છે કે ‘દુર્ગતિમાં પડતા જીવોને ધારે બચાવે તે ધર્મ.’ ધર્મ આ સુરક્ષા ત્યારે જ કરે કે જ્યારે આપણે ધર્મમર્યાદાની સુરક્ષા કરીએ. એક જૈન તરીકે કમસે કમ આપણે અભક્ષ્યત્યાગ-કંદમૂળત્યાગ-રાત્રિ ભોજન ત્યાગ- જિન પૂજા – જીવદયારૃપ ધર્મમર્યાદાનું પાલન તો અવશ્ય કરીએ. આપણે આ ધર્મમર્યાદાના સંદર્ભમાં એક સરસ વાક્ય સાથે આજની ચિંતનયાત્રા સમાપ્ત કરીશું કે ”પત્ની શેરી સુધી સાથે આવશે, સ્વજનો સ્મશાન સુધી સાથે આવશે, પણ ધર્મ તો ભવોભવ સાથે આવશે.”

માનવસંસ્કૃતિના ગૌરવ સમાન અષ્ટાપદ પર્વતની ખોજ

2

|| માનવસંસ્કૃતિના ગૌરવ સમાન અષ્ટાપદ પર્વતની ખોજ ! ||

અષ્ટાપદ :- જૈન ધર્મનાં અનુયાયી માટે ‘અષ્ટાપદ ’ સૌથી પવિત્ર સ્થળ ગણાય છે.

ભારતના અનેક પ્રાચીન ગ્રંથોમાં જેનું ખૂબ વિગતે વર્ણન મળે છે અને જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની જે નિર્વાણભૂમિ છે એવા હિમાલયમાં આવેલા અષ્ટાપદની ખોજ કરવા માટે સંશોધકો છેલ્લા એક દાયકાથી ભગીરથ પ્રયાસ કરતા હતા. કૈલાસની આસપાસના પર્વતો પરની પગપાળા યાત્રાથી માંડીને આકાશી સેટેલાઈટ દ્વારા એને શોધવાનો પ્રયત્ન ચાલતો હતો. અંતે કૈલાસ-અષ્ટાપદ ચીનના અત્યંત રમણીય એવા સીચુઆનના દક્ષિણ-પશ્ચિમમાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ.

આ સ્થાન ચીન-તિબેટની સીમાની નજીક અને કોકોનાર સરોવર પર આવેલું છે. ૧૯૩૦માં જોસેફ રોક નામના અંગ્રેજ સંશોધકે નોંધ્યું છે કે આ સ્થાન જોનારો હું વિશ્વનો સર્વપ્રથમ માનવી છું. એ લખે છે કે આ પૃથ્વી પર આનાથી બીજું કોઈ સુંદર ક્ષેત્ર નથી. અહીં આવેલી એક ગુફામાં પદ્ સંભવ દ્વારા એમ લખવામાં આવ્યું છે કે બધા બુદ્ધ આ પર્વત પર સમાહિત છે એટલે આ પર્વતના દર્શન માત્રથી સઘળાં પાપ દૂર થઈ જાય છે. બરાબર આવું જ વર્ણન જૈન સાહિત્યમાં અષ્ટાપદ વિશે પ્રાપ્ત થાય છે, જેમાં ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છેઃ

‘આત્મલબ્ધિ અને સ્વવીર્યબળથી અષ્ટાપદ પર્વત પર જઈને ભરત ચક્રવર્તી નિર્મિત ચૈત્યમાં બિરાજમાન ચોવીસ તીર્થંકરોની જે વંદના કરે, તે અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરશે.’

કૈલાસ પર્વત પર ચારે બાજુ સુંદર પર્વતમાળાઓ છે અને એની પરિક્રમા કરવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. એમ કહેવાય છે કે એની ત્રણવાર પરિક્રમા કરવાથી સઘળી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એની દક્ષિણ-પશ્ચિમમાં ‘દેઓચેંગ’ એટલે કે દેવસ્થાન છે, જેના પર ત્રણ મુખ્ય પર્વત અને ભગવાન ઋષભદેવના પુત્રએ બનાવેલો સિંહનિષિદ્યા પ્રાસાદ છે. એની પરિક્રમામાં આઠ સિવાન છે, એથી એને અષ્ટાપદ કહે છે. જ્યારે આકાશ ચોખ્ખું હોય, ત્યારે દૂરથી આ પર્વત પર આવેલી ગુફાઓ અને મંદિરો જોઈ શકાય છે. આ પર્વતની પવિત્રતા જાળવવા માટે એના પર આરોહણ કરવાની અનુમતિ નથી.

એક નોંધપાત્ર બાબત એ છે કે અહીંના સ્થાનિક લોકો કૈલાસ અને અષ્ટાપદને એક જ ભગવાનના ક્ષેત્ર માને છે. કૈલાસની પૂર્વમાં મુનિઓની નિર્વાણભૂમિ આવેલી છે, જેને ‘મુનિ વેલી’ કહેવામાં આવે છે. એનાથી થોડે દૂર ઝરણાં આવેલાં છે અને રંગબેરંગી ફૂલોથી વાતાવરણમાં સુગંધનો અનુભવ થાય છે. એમ કહે છે કે અહીં આવનારને જાણે પોતે કોઈ દિવ્યલોકમાં વિચરતો હોય તેવો અનુભવ થાય છે.
રાજસ્થાનના ધોમધખતા તાપમાં વર્ષો પૂર્વે અથાગ પરિશ્રમ કરીને રાજસ્થાનના ઇતિહાસનું સંશોધન કરનાર કર્નલ ટોડ નોંધે છે કે ચીનમાં ઋષભદેવને ‘આડીન’ના રૃપમાં પૂજવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે ચીનના આ ક્ષેત્રને ‘આડેન ક્ષેત્ર’ કહેવામાં આવે છે. ભારતમાં ભગવાન ઋષભદેવનેમાટે ભગવાન આદિનાથ શબ્દ પ્રયોજાય છે અને આ આદિ શબ્દ ‘ઓડિન’થી પ્રચલિત થયો હશે એમ માનવામાં આવે છે.

એક નવી વાતએ છે કે એક અંગ્રેજ સંશોધક જોસેફ રોકે ૧૯૩૦માં એના વર્ણનોમાં ‘રિષમ ગોનબા’નો ઉલ્લેખ કર્યો છે.
ઉચ્ચારણની દ્રષ્ટિએ વિચાર કરીએ તો ‘ઋષભ ગુફા’નું આ અપભ્રંશ છે. આ ક્ષેત્રની આસપાસ વિખ્યાત સંશોધિકા ડૉ. લત્તા બોથરાને અનેક આશ્ચર્યજનક મૂર્તિઓ જોવા મળી, જેમાં અંબિકા માતાની મૂર્તિ પણ જોવા મળી હતી. અષ્ટાપદના આ સંશોધન દરમિયાન ડૉ. લત્તા બોથરા અને ડૉ. પી.એસ. ઠક્કર પાસેથી અનેક નવી માહિતી ઉજાગર થઈ.

એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ કે ચીની-તુર્કસ્તાનના ખોતાન શહેરનો સંબંધ પ્રાચીનકાળથી ભારત સાથે હતો. એમાં વર્ણવવામાં આવેલા સાહિત્યમાં એવી નોંધ મળે છે ઓરમાન માતાના ષડ્યંત્રને કારણે સમ્રાટ અશોકનો પુત્ર કુણાલ અંધ થઈ ગયો અને એ તક્ષશિલા છોડીને ચાલી નીકળ્યો અને એણે અહીં ખોતાન નામનું શહેર વસાવ્યું. કુણાલ સાથે જે લોકો ગયા હતા એ બધા ત્યાં જ વસી ગયા.

જૈન સાહિત્યમાં એવું વર્ણન આવે છે કે કુણાલે ત્યાંથી આવીને પોતાના પુત્ર સંપ્રતિને માટે રાજ્ય પ્રાપ્ત કર્યું. એ સર્વ વિદિત છે કે કૃણાલ અને સંપ્રતિ એ જૈનધર્મના અનુયાયી હતા અને સંપ્રતિએ સમ્રાટ બન્યા પછી પોતાના તાબાનાં બધાં જ રાજ્યોમાં જૈન ધર્મનો પ્રસાર અને પ્રચાર કર્યો હતો. ખોતાનની પાસે આવેલા નિયાસે ક્ષેત્રમાંથી તોખારિયન લેખ પ્રાકૃત ભાષામાં મળે છે, જેને અત્યાર સુધી ઘણા લોકો બૌદ્ધ ધર્મનો લેખ માનતા હતા. માનવસંસ્કૃતિનો ઉદ્ભવ પૂર્વમાં થયો હતો એમ માનવામાં આવે છે. તિબેટ, ચીન, જાપાન, વિયેટનામ, થાઈલેન્ડ, કંબોડિયા, બર્મા તથા પૂર્વ ભારત એ સંસ્કૃતિનું મૂળ કેન્દ્ર હતાં. અહીંથી માનવ સભ્યતાનો વિકાસ થયો અને તે પશ્ચિમ તરફ ગયો. આજે ભારતમાં પણ પશ્ચિમી ભારત અને પૂર્વ ભારતની સંસ્કૃતિમાં પણ મૂળભૂત અંતર જોવા મળે છે. દેશનાં પૂર્વીય ક્ષેત્રો પ્રમાણમાં આજે પછાત છે, પણ એક સમયે એને સભ્યતાના ઉત્કૃષ્ટ પ્રતીક માનવામાં આવતાં હતાં, આથી જ આદિતીર્થંકર ઋષભદેવ જેમણે મનુષ્યજાતિમાં અસિ, મસિ અને કૃષિનો પ્રસાર કર્યો, તેઓ ભારતના પૂર્વના ક્ષેત્રના હોય તે સ્વાભાવિક છે.

જૈન શાસ્ત્રોમાં યક્ષ-યક્ષિણીઓનાં વર્ણન અત્યંત વિસ્તારથી મળે છે અને પ્રત્યેક તીર્થંકરના યક્ષ-યક્ષિણીઓનાં નામ તેમજ તેમનાં પ્રતીકોના વર્ણન મળે છે. એનો પ્રભાવ પૂર્વના દેશોમાં અને આપણને આશ્ચર્ય લાગે, પણ ચીનમાં ઘણો જોવા મળે છે. અહીં યક્ષ-યક્ષિણીઓની માન્યતા અત્યંત વ્યાપક છે. આખા ચીનમાં શાસન દેવીઓમાં અંબિકા અને પદ્માવતી દેવીની પૂજા પ્રચલિત છે. સંશોધક લતા બોથરાએ ચીનનો પણ વારંવાર પ્રવાસ કરેલ છે. શાસ્ત્રો અનુસાર આ યક્ષ-યક્ષિણીઓનો નિવાસ અને વ્યંતર જાતિના દેવી-દેવતાઓનો નિવાસ કૈલાસ-અષ્ટાપદના ક્ષેત્રમાં હોવો જોઈએ.

અષ્ટાપદની આ શોધ માત્ર જૈન સંસ્કૃતિ જ નહીં, પરંતુ માનવ સભ્યતા અને સંસ્કૃતિના આદિ સ્રોત સુધી લઈ જાય છે. એ આપણા ગૌરવ અને અસ્મિતાના પ્રતીક સમાન છે. વિદેશી સંશોધકો અને પુરાતત્ત્વવેત્તાઓએ એક મોટી ભૂલ જૈન ધર્મની મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિઓ માનવાની કરી છે. એમ.એ. સ્ટેન જેવા પ્રસિદ્ધ સંશોધક પણ જિન શબ્દને બૌદ્ધ પરિપ્રેક્ષ્યમાં જુએ છે. જ્યારે કેટલાક વિદેશી સંશોધકો કહે છે કે શાકાહારીઓ ઊંચા પર્વત ઉપર રહી શકે નહીં, માટે આવા ઊંચા પર્વત પર એમનું મંદિર ન હોય આવી હાસ્યાસ્પદ દલીલો પણ કરે છે.
આમ હવે અષ્ટાપદની પ્રાપ્તિ થતાં હવે સહુ કોઈ એ દિશામાં વિશેષ સંશોધન કરે અને એની પવિત્રતા જાળવી રાખવા માટે બહુજન સમાજ એની યાત્રાએ જાય, એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.