ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ – કટપૂતના અને ભગવાન શ્રી મહાવીરસ્વામી

2

|| ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ ||

|| કટપૂતના અને ભગવાન શ્રી મહાવીરસ્વામી ||

માઘ મહિનાની કડકડતી ઠંડીમાં પ્રભુ મહાવીર શાલશીર્ષ ગામના ઉદ્યાનમાં ધ્યાનસ્થ અવસ્થામાં હતા. સુસવાટાભર્યા ઠંડા પવનની લહરીઓને કારણે થીજી જાય એવી ઠંડી હતી. આ સમયે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામી એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુદ્રામા હતા. એમની ધ્યાનસ્થ દશા પણ એવી હતી કે બહારની ગમે તેટલી પ્રતિકૂળતા હોવા છતાં તેઓ સદૈવ અડોલ, અપ્રતિબદ્ધ અને આલંબનરહિત રહેતા હતા.

આ સમયે કટપૂતના નામની વ્યંતરીના મનમાં પૂર્વભવનું વેર સળવળી ઊઠયું. ભગવાન મહાવીર જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમા હતા, ત્યારે કટપૂતનાએ અણમાનીતી રાણી વિજયવતી હતી. એ પછી તો કેટલાય ભવોનું ભ્રમણ થયું, પરંતુ એ પૂર્વભવનો દ્વેષ ફરી જાગી ઊઠયો અને એનું હૃદય વેર લેવા માટે અતિ તત્પર બની ગયું.

વેર ક્યારેય સાચા-ખોટાનો વિચાર કરે નહીં. એ રીતે કટપૂતનાએ ભગવાન મહાવીરનો ધ્યાનભંગ કરાવવા માટે ઉપસર્ગ કર્યો. એના મનમાં તો બદલાની એવી ભાવના હતી કે આ યોગી મહાવીરના દેહને શિયાળાની કડકડતી ઠંડીમાં હિમ જેવું ઠંડુ પાણી રેડીને એમનું જીવન મુશ્કેલ કરી દઉં. એ ઠંડીથી ઠૂઠવાઇ જાય, તો જ વેરથી બળતાં મારા હૃદયને ટાઢક વળે.

વ્યંતરી કટપૂતનાએ તાપસીનું રૃપ ધારણ કરીને એની જટામાંથી મૂશળધાર વરસાદની માફક હિમની શીતળતાને ભૂલાવે એવું ઠંડુ પાણી ધ્યાનસ્થ યોગી મહાવીરના દેહ પર વરસાવવા લાગી. એક તો આસપાસ કારમી ઠંડી અને એમાં બરફ જેવું ઠંડુ પાણી. આમાં ઓછું હોય તેમ, એણે જોરદાર સૂસવાટાભર્યો પવન શરૃ કર્યો. કટપૂતના અટ્ટહાસ્ય કરતી જોવા લાગી કે હવે આ યોગીની દશા શું થાય છે?

એણે તો વિચાર્યું હતું કે આ ધ્યાનસ્થ યોગીનો ધ્યાનભંગ થશે અને કારમી ઠંડીમાં રેડાતાં ઠંડા પાણીથી બચવા માટે એ અહીંથી નાસીને ક્યાંક દૂર ભરાઇ જશે.

ભગવાનના જીવનમાં અનેક ઉપસર્ગો આવ્યા. શાલશીર્ષ ગામની બહાર ઉદ્યાનમાં આવેલો આ ઉપસર્ગ એ શીત ઉપસર્ગ હતો. ક્યાંક પ્રાણીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક માનવીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક દેવો, યક્ષ અને વ્યંતર-વ્યંતરીએ ઉપસર્ગ કર્યા.

કટપૂતનાનો આ ઉપસર્ગ એવો હતો કે કોઇપણ ઠંડીથી ઠૂઠવાઇને મૃત્યુ પામે, પરંતુ યોગી મહાવીરને કાયાનું કષ્ટ કઇ રીતે ધ્રૂજાવી શકે ? બહારની આપત્તિ ક્યાંથી અકળાવી શકે? ઉપસર્ગો કઇ રીતે એમને ધ્યાનથી વિચલિત કરી શકે? પહેલાં તો કટપૂતનાએ વિચાર્યું કે કદાચ થોડીવાર આ ઠંડી જલધારા સહન કરી શકશે, પરંતુ લાંબો સમય સહન થશે નહીં.

પરંતુ એની ધારણા ખોટી પડી. આખી રાત એણે હિમ જેવા ઠંડા જળની ધારા વરસાવી, પરંતુ યોગી મહાવીર તો સુમેરુ પર્વતની જેમ પરિષહ સહેવામાં નિશ્ચલ રહ્યા, બલ્કે આ શીતળ જળ છંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધો. કટપૂતના નિષ્ફળ ગઇ, નિરાશ થઇ અને એના મનમાં ધૂંધવાતો ક્રોધ ધીરે ધીરે ઘટવા લાગ્યો.

પૂર્વભવનું વેર ત્યજીને વિચારવા લાગી કે કેવી અદ્ભુત તિતિક્ષા અને અમાપ સમતા છે યોગી મહાવીરની! એ એમનાં ચરણમાં પડી અને પોતાના ઘોર અપરાધને માટે ક્ષમા માગી.

ક્ષમાસાગર ભગવાન મહાવીરની પ્રેમધારા સતત વરસતી રહી.

ગોચરી

સંસાર દુ :ખમય લાગે છે અને તેથી આપણે સતત દુ :ખોનો ક્ષય ઝંખીએ છીએ, પરંતુ દુ :ખનો નાશ કરવો એ તો ડાળીનો નાશ કરવા બરાબર છે, જ્યારે કર્મનો નાશ કરવો એ મૂળનો નાશ કરવા સમાન છે. દુ :ખના ક્ષયને બદલે કર્મનો ક્ષય ઈચ્છીએ, કારણ કે એ કર્મો જ દુ :ખ લાવે છે અને એ કર્મો જ કામ, ક્રોધ વગેરે પેદા કરે છે.

Leave a comment