શ્રી રત્નાકર આચાર્યનું જીવન ચરિત્ર અને રત્નાકર પચ્ચીસી

|| શ્રી રત્નાકર આચાર્યનું જીવન ચરિત્ર અને રત્નાકર પચ્ચીસી ||

“રતનનું કરતા જતન, થયું સંયમી ભાવોથી પતન
મળ્યા સુધન શ્રાવક રતન, પસ્તાવાથી કર્યું કર્મ કર્તન”

શ્રી રત્નાકરસૂરિ વિદ્વત્તાને વરેલા, પ્રખર વ્યાખ્યાતા, અત્યંતજ્ઞાની સંત હતા. એમનાં ઉત્કૃષ્ટ કોટિનાં ત્યાગ અને તપ હતાં. એમની વાણીમાં ઓજસ્ હતું.પ્રવચન આપતા ત્યારે એમની જીભપર જાણે સરસ્વતી બિરાજમાન હોય તેવો જનસમુદાય પર પ્રભાવ પડતો. એમની વાણીમાં એવી તાકાત હતી કે પથ્થર પણ પીગળીને પાણીપાણી થઈ જતા. એકદા વિચરણ કરતાં કરતાં તેઓ બહોળા શિષ્યપરિવાર સાથે ગુજરાતના રાયખંડ વડલી ગામમાં પધાર્યા. એમની જોશીલીવાણીનો પ્રવાહ લોકોના અંતરને સ્પર્શી જતો. કેટલાક વૈરાગ્ય પામી સંત બન્યા તો કેટલાક વ્રતધારી શ્રાવકો બન્યા. આ રીતે તેઓ સ્વ-પર કલ્યાણ કરી રહ્યા હતા.

**સુધન શ્રાવક ને સંતનું મિલન

ધંધુકાનો રહીશ, રૂનો મોટો વેપારી સુધન સી]નમાં રાયખંડ વડલી આવી ધમધોકાર વેપાર કરતો. એના હ્રદયમાં માવિત્રો તરફથી મળેલા ધર્મના સંસ્કારોને કારણે ધર્મભાવના તો હતી જ. તેમણે તપાસ કરી કે કોઈ સંતસતીજી અહીં બિરાજે છે? – તો ખબર પડી કે રત્નાકર સૂરિ પરિવાર સહિત બિરાજે છે. સુધન પ્રવચન સાંભળવા આવ્યો. સાંભળ્યા બાદ એને સંસાર પ્રત્યે વિરકિત જાગી. ખારા સંસારસાગર તરફ વહેતા જીવનપ્રવાહને પલટાવી દીધો. રાતદિવસ બજારમાં રખડનારો સુધન હવે કલાક બેકલાક પણ બજારમાં જતો ન હતો. દુન્યવી વહેવાર તરફ એને તિરસ્કાર છૂટયો હતો, હવે એને ધર્મનો વ્યવહાર વહાલો લાગ્યો હતો. સુધનના હૈયાની સિતાર ઉપર ધર્મનું સૂરીલું સંગીત વહેતું મૂકનાર બીજું કોઈ નહીં પણ એ તરુણયોગી, અધ્યાત્મયોગીરાજ શ્રીરત્નાકરસૂરિ જ હતા. એમની વાણીએ સુધન પર ગજબનું કામણ કર્યું. સુધનના જીવનનું આમૂલપરિવર્તન થઈ ગયું. સુધનને મન રત્નાકરસૂરિ માત્ર ગુરુદેવ નહિં, ભગવાન સમાન હતા. આચાર્યને મન સુધન ભક્ત કે શિષ્ય સમાન હતો. પરસ્પર બન્ને ધર્મસંબંધથી જોડાયેલા હતા, સુધન સતત ઉપાશ્રયમાં રહી ગુરુ પાસેથી જ્ઞાનધ્યાનનો લાભ મેળવતો અને ધર્મકરણીમાં સમય વિતાવતો.

**શ્રદ્ધાવંત શ્રાવકને આશ્ચર્ય

રત્નાકર સૂરિ પૂર્વજીવનમાં અબજોપતિ શ્રીમંતના પુત્ર હતા. તેઓ એક સોનાની વીંટી પહેરતા. તેમાં કેટલાંય સાચા રત્નો જડેલાં હતાં. સંસાર ત્યાગી સંયમી બનતી વખતે એ રત્નો પ્રત્યેની આસક્તિથી વીંટીમાંથી એ રત્નો કઢાવી, પોતાની સાથે એક સફેદ કપડાની પોટલી બનાવી, તેમાં રત્નો બાંધી દીધા. રજોહરણની અંદર એ પોટલીને ગુપ્તપણે રાખી લીધી. રજોહરણનું પડિલેહણ સ્વયં કરી લેતા. ધીમેધીમે જ્ઞાનમાં પ્રગતિ સાધી. અનેક યુવાનો એમના શિષ્ય થયા. શિષ્યોને પણ ક્યારેય રજોહરણનું પડિલેહણ કરવા ન દ્યે. શિષ્યો જ્યારે અન્ય ક્રિયાઓમાં વ્યસ્ત હોય, ત્યારે રત્નાકરસૂરિ પોટલી ખોલીને રત્નોને જોઈ લેતાં, આનંદ પામતા. આચાર્યના હાથમાં રત્નોની પોટલી જોઈ, સુધનની આંખો મીંચાઈ ગઈ. તેનાં મન તર્ક વિતર્કમાં ચડયું. મારા આવા બહુશ્રુત ગુરુદેવ જરૂર જાણતાં હોય કે, “પરિગ્રહ પાપનું મૂળ છે” હજારો શ્રોતાજનોને “પરિગ્રહ પરિમાણ વ્રત” આપનારા ગુરુદેવ રત્નોને પરિગ્રહ જાણ્યા છતાં કેમ પોતાની પાસે રાખતા હશે? અહો! આખો સંસાર છૂટયો અને આ રત્નો ન છૂટયા? સુધન આવા વિચારોમાં લીન હતો ત્યાં તો સૂરિજીએ પોટલી બાંધી રજોહરણમાં મૂકી દીધી. ગુરુદેવ પ્રત્યે અસીમ ભક્તિ, અખૂટ શ્રદ્ધાઃ બીજા કોઈ એમના વિષે બોલે તો પણ મૂંગો કરી દે. અતૂટ વિશ્વાસ, અચલ શ્રદ્ધાથી આચાર્યના ચરણોમાં જીવન સમર્પ્યું હતું. અન્ય કોઈએ કહ્યું હોય કે આચાર્યશ્રી રત્નો રાખે છે તો સુધન એ વાત ધરાર ન માનત. કદાચ સુધન એને મારવા પણ દોડત. પણ આ તો પોતે પ્રત્યક્ષ જોયું છે. ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનો પહાડ આજે તૂટી રહ્યો છે. સુધન સામાયિક કરવા બેઠો, પણ એ જ વિચારો સતત મનમાં ઘૂમરાયા કરે છે. મારા અનંત ઉપકારી, મહાન ઉપકારી ગુરુદેવને મારે શું કહેવું? એ ન મળ્યા હોત તો મારો ઉદ્ધાર કેમ થાત? ધર્મના અમૂલ્ય તત્વઓ કોણ સમજાવત? મારાથી ગુરુદેવને કાંઈ કહેવાય નહિ. અવર્ણવાદ બોલાય નહીં. એમની ક્ષતિ બતાવવા માટે હું બહુ ટૂંકો પડું છતાં આવા જ્ઞાની ગુરુવર્યના સંયમરત્ન પર પરિગ્રહની મમતાનો પડદો પડયો છે તેને કોઈપણ ઉપાયે દૂર તો કરવો જ પડશે. એથી હું તેમના ઉપકારનો બદલો વાળી શકીશ. પણ આચાર્યશ્રીને કહેવાય કેમ? અન્યસંતોને કહેવાથી તો શિષ્યોની ગુરુભક્તિમાં ખામી આવવાની સંભાવના છે. સમર્થ ગુરુને સન્માર્ગે લાવવા ઉપાય પણ સમર્થ જોઈએ. જેવો તેવો ઉપાય હોય તો અર્થનો અનર્થ થઈ જાય. ગુરુની ખામી જોવા છતાં ગુરુ પ્રત્યેના બહુમાનભાવમાં અંશમાત્ર ખામી ન આવવા દીધી. એના સ્થાને હું કે તમે હોઈએ તો? રોજના નિયમાનુસાર સુધન આવે, વંદન કરે, સુખશાતાની પૃચ્છા કરે, સામાયિક કરે. એને શ્રદ્ધા છે કે પ્રેમથી કાર્ય થશે,દ્વેષ કે તિરસ્કારથી નહિ. પ્રેમ પ્રેમને પ્રગટાવશે. રત્નાકરસૂરિને એવું જાણવા પણ ન દીધું કે સુધન મારા સંયમ પ્રત્યે કે સાધુતા પ્રત્યે શંકાશીલ છે. દિવસો પર દિવસો પસાર થતા જાય છે, સુધનને ઉપાય જડતો નથી. સીધેસીધું એમ કેમ કહેવાય કે આપ સાધુ થઇને રત્નો કેમ રાખો છો? શિષ્યોના ગુરુ પ્રત્યેના બહુમાનમાં ફરક પણ ન પડે અને મારા ગુરુ રત્નોનો મોહ છોડી દે એવો કંઇક ઉપાય શોધી કાઢું. સુધન વિચારે છે કે શાસ્ત્રની એવી કોઇ ગાથા મળી જાય, ગ્રન્થોમાંથી કોઇ એવો શ્લોક મળી જાય જેનો અર્થ કરાવવા ગુરુ પાસે જાઉં, એનો અર્થ કરાવતાં એ શબ્દો એમના હૃદયને સ્પર્શી જાય, પરિગ્રહ પ્રત્યે ધૃણા જન્મે અને પરિગ્રહને ફગાવી દે તો કામ થઇ જાય. (આવા શ્રાવક સાધુસાધ્વીના અમ્માપિયા કહેવાય.) એવો શ્લોક ક્યાંથી મળે? હજારો શ્લોક કંઠસ્થ કરનાર લોકોને એમના અર્થ ભાવાર્થ સમજાવનાર આચાર્યને એક શ્લોકમાં સમજાવવા એ સહેલ નથી, છતાં સુધનને શ્રદ્ધા છે કે જરૂર મને આ કાર્યમાં સફળતા મળશે.

**શાસ્ત્ર મહાસાગરમાંથી શ્લોકરત્ન સાંપડયું

સુધન હૈયાની હામથી, અંતરની ધગશથી, ગુરુ પ્રત્યેની શ્રદ્ધાથી શાસ્ત્રાે ઉથલાવી રહ્યો છે. કેટલા પુસ્તકો! કેટલાં ગ્રન્થોને જોયા, વાંચ્યા, ઘણા દિવસોની મથામણના અંતે શાસ્ત્રાેના મહાસાગરમાંથી ચાર ચરણવાળો શ્લોક જડયો. જેમાં ચારહજાર લીંટીના ભાવો ભર્યા હતા. “ઉપદેશમાળા” નામક ગ્રન્થનો એ શ્લોક લઈ સુધન ઉપાશ્રયે આવ્યો.ગુરુદેવને એ શ્લોક બતાવી તેનો અર્થ પૂછયો. સુધન આ શ્લોક લઈને આવ્યો ત્યારે પણ ગુરુદેવના અન્ય સર્વ શિષ્યો ત્યાં હાજર ન હતા. ગુરુદેવ રજોહરણનું પડિલેહણ કરતા હતા અને પોટલી ખોલીને રત્નો જોતા હતા. સુધનને જોઈ જરા ખચકાયા, `કેમ અત્યારે ? આ ગ્રન્થ શાનો છે ?’ ગુરુદેવ! આ “ઉપદેશમાળા” ગ્રન્થ છે. એમાંથી એક શ્લોકનો અર્થ બરાબર બેસતો નથી. આપને શાતા હોય તો મને એનો અર્થ સમજાવો!’

મોહનો નશો ઉતરનાર ગારુડીમંત્ર સમો શ્લોક

ઉપરોક્ત શ્લોક આચાર્યના હાથમાં આવતાં જ તેઓ કહે – `સાવ સહેલો શ્લોક છે, સુધન! તારા જેવા શ્રુતપ્રેમી શ્રાવકને આવા સરળ શ્લોકનો અર્થ ન બેઠો એ તો આýાર્ય ાળ ! શ્લોકનો અર્થ ધન એ એક, બે નહી પણ સેંકડો દોષોનું મૂળ અને સેંકડો દોષોને ખેંચી લાવનારી જાળ છે, તેથી પૂર્વના ઋષીઓએ એનો ત્યાગ કર્યો છે હે મુનિ! એ અનર્થકારી ધનને જો તું પાસે રાખતો હોય તો પછી ફોગટ શા માટે તપ કરે છે?’

કહેવાય! પરિગ્રહ રાખનાર સાધુને ઉદ્દેશીને આ શ્લોક કહેવાયો છે. એનો અર્થ આ પ્રમાણે છે. સાંભળ ! શ્લોકનો અર્થ ધન એ એક, બે નહી પણ સેંકડો દોષોનું મૂળ અને સેંકડો દોષોને ખેંચી લાવનારી જાળ છે, તેથી પૂર્વના ઋષીઓએ એનો ત્યાગ કર્યો છે હે મુનિ! એ અનર્થકારી ધનને જો તું પાસે રાખતો હોય તો પછી ફોગટ શા માટે તપ કરે છે?’

‘સુધન! આવો સીધો સાદો અર્થ આ શ્લોકનો છે – સમજાયો અર્થ?’ `ગુરુદેવ! આપે તો બરાબર જ અર્થ કર્યો, પરંતુ મને હજુ એ સમજાતો નથી.’ આચાર્ય કહે છે, `કાલે તને વધુ સારી રીતે સમજાવીશ’ હજારો ભક્તોના જટિલ પ્રüાાેનું સેકંડમાં સમાધાન કરનાર ગુરુ પોતાના અંગત ભક્તના મનનું સમાધાન ન કરી શકે તો થઇ રહ્યુંને? રોજ અર્થ સમજાવે, સુધન રોજ કહે `હજી અર્થ નથી સમજાતો.’ છ માસ વીત્યા, પણ ન સમજાયો. સમતામૂર્તિ ગુરુમહારાજને લેશમાત્ર ક્રોધ નથી આવતો કે કેટલીવાર એના એ શ્લોકનો અર્થ સમજાવું? ધન્ય ગુરુદેવ ! ધન્ય એમનો અનન્યભક્ત!

છેવટે ગુરુદેવની ઊંઘ હરામ થઇ! ભુખ ભાગી ગઇ! રાત્રે ઊંઘમાંથી ]બકીને જાગી જતા. છ છ મહિનાથી સુધનને એક સામાન્ય શ્લોકનો અર્થ મગજમાં બેસાડી શકાતો નથી એનો અમને ભારે ખેદ થાય છે. એમને પોતાની વિદ્વતા પર તરસ્કરા છૂટ્યો `િધIાર છે મારી વિદ્વતાને! હજારો લાખો લોકો મારી વિદ્વત્તાને વખાણે અને હું એક સામાન્ય શ્લોકનો અર્થ મારા અનન્ય ભક્તજનને ગળે ન ઉતારી શકું? આવી વિદ્વતા શું કામની?’

**જગત ઊંઘતું હતું-સૂરિજી જાગી ગયા

આખું નગર નિદ્રાધીન બન્યું છે, શિષ્યો પણ સ્વાધ્યાય કરીને સૂઈ ગયા છે. રાયખંડવડલીના એ ધર્મસ્થાનકમાં એક માત્ર આચાર્ય જાગે છે, નિદ્રાદેવી રૂઠ્યા છે, ઘણી રાતો એ શ્લોકના અર્થના ચિંતનમાં વિતાવી છે. છ મહિના પૂર્ણ થયા. આજે સાતમા માસની પ્રથમ મધરાત! આંખમાં આંસુ આવી ગયા! હું કેમ સમજાવી શકતો નથી? પેલી રત્નોની પોટલી યાદ આવી. `અહો! હું શું કરી રહ્યો છું? ન જોઇએ એ બહુમૂલા રત્નો?’ પ્રાતઃકાળે સુધન આવ્યો ત્યારે એ પોટલી ખોલી, રત્નો બહાર કાઢી પથ્થર વડે ચૂરો કરવા લાગ્યા, ફેંકવા લાગ્યા. સુધનની ભાવના ફળી, મહેનત કામયાબ નીવડી. શ્લોકના અર્થના બહાને ધારેલ કાર્ય પૂર્ણ થયું. સુધન શ્રાવક કહે, `ગુરુદેવ ! આ શું કરો છો? આવા કિંમતી રત્નોને ભાંગીને આમ ધૂળ ભેગાં કરાય?’ `સુધન! તારા શ્લોકનો અર્થ આજસુધી બેસાડી ન શક્યો તેનું કારણ આ રત્નો જ હતા. લાવ તારો શ્લોક!’ એ જ અર્થ ફરીવાર કર્યો. સુધન કહે હવે બરાબર અર્થ સમજાઇ ગયો. ધન સેંકડો અનર્થોનું મૂળ છે – ગુરુદેવ કૃતાર્થભાવે કહે છે `સુધન! તું મારો શિષ્ય નહિ, પણ મારી શિથિલતાને દૂર કરી સન્માર્ગે લાવનારો મારો સાચો ગુરુ છો!’

એ દિવસથી આચાર્ય જીવનની તમામ શિથિલતાઓને દૂર કરી,  પશ્ચયાતાપ કરવા લાગ્યા. `અહો! આજ સુધી હું સાધુ ન હતો, માત્ર બાહ્ય દેખાવ જ હતો. મારું શું થશે? `ઠગવા વિભુ! આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા!” બહારથી સાધુવેષ! અંદરમાં દંભ! અરે ! મેં લોકોને ઠગ્યા! અજ્ઞાનવશ મેં સમ્યજ્ઞાનદર્શનચારિત્રના રત્નો ગુમાવી આ કાચના ટુકડામાં મમત્વ રાખ્યું.’ રત્નાકરસૂરિએ પોતાના હૈયાની આ વેદના સ્તુતિરૂપે ઠાલવી. પચ્ચીશ શ્લોકો દ્વારા એમણે પાપનો પસ્તાવો કર્યો અને જગતને `રત્નાકર પચ્ચીશી’ ની ભેટ મળી ! આ મહાપુરુષની આંતરવેદના જગતને આશીર્વાદરૂપ બની! ઇતિહાસ કહે છે વિ.સં. 1384માં રત્નાકરસૂરિ કાળધર્મ પામ્યા, પણ એમની અમરકૃતિ આજે જૈનોના મોઢે ગવાઇ રહી છે. જેના દ્વારા અનેક લોકો પશ્ચાત્તાપની પાવનગંગામાં પાપ મેલને ધોઇને શુદ્ધ-વિશુદ્ધ બને છે!

|| રત્નાકર પચ્ચીસી ||

મંદિર છો, મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ!
ને ઈદ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ!
સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના,
ઘણું જીવ તું, ઘણું જીવ તું, ભંડાર જ્ઞાન કળા તણા.(1)

ત્રણ જગતના આધાર ને અવતાર હે કરુણાતણા,
વળી વૈદ્ય હે દુર્વાર આ, સંસારના દુખો તણા.
વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચરું;
જાણો છતાં પણ કહી અને, આ હૃદય હું ખાલી કરું.(2)

શું બાળકો મા બાપ પાસે બાળક્રીડા નવ કરે?
ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે?
તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી,
જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી.(3)

મેં દાન તો દીધું નહિ, ને શિયળ પણ પાળ્યું નહિ,
તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાવ્યો નહિ.
એ ચાર ભેદે ધર્મમાંથી, કાંઈ પણ પ્રભુ નવ કર્યુ,
મારું ભ્રમણ ભવસાગરે, નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું.(4)

હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડશ્યો મને.
ગળ્યો માનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવુ તને?
મન મારું માયા જાળમાં મોહન! મહા મુંઝાય છે;
ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે.(5)

મેં પરભવે કે આ ભવે, પણ હિત કાંઈ કર્યુ નહિ,
તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પામ્યો નહિ.
જન્મો અમારા જિનજી! ભવ પૂર્ણ કવાને થયા;
આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા.(6)

અમૃત ઝરે તુજ મુખ રૂપી, ચંદ્રથી તો પણ પ્રભુ,
ભીંજાય નહિ મુજ મન અરે રે! શું કરૂં હું તો વિભુ.
પથ્થર થકી પણ કઠણ મારૂં, મન ખરે કયાંથી દ્રવે ?
મરકટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે(7)

ભમતાં મહા ભવ સાગરે, પામ્યો પસાયે આપના,
જે જ્ઞાન-દર્શન ચરણ રૂપી, રત્નત્રય દુષ્કર ઘણાં.
તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ ! કહું છું ખરૂં
કોની કને કીરતાર આ, પોકાર હું જઈને કરૂં ? (8)

ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા,
ને ધર્મનો ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા.
વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું;
સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું…(9)

મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને,
ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને;
વળી ચિત્તને દોષિત કર્યુ, ચિંતી નઠારું પરતણું,
હે નાથ! મારૂં શું થશે? ચાલાક થઈ ચૂક્યો ઘણું…(10)

કરે કાળજાને કતલ પીડા, કામની બીહામણી,
એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી;
તે પણ પ્રકાશ્યું આજ લાવી, લાજ આપ તણી કને,
જાણો સહું તેથી કહું, કર માફ મારા વાંક ને…(11)

નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને,
કુશાસ્ત્રના વાક્યો વડે, હણી આગમોની વાણીને;
કુદેવની સંગત થકી, કર્મો નકામા આચર્યા,
મતિભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ કટકા મેં ગ્રહ્યા…(12)

આવેલ દૃષ્ટિ માર્ગમાં, મૂકી મહાવીર આપને,
મે મૂઢધીએ હૃદયમાં, ધ્યાયા મદનના ચાપને,
નેત્ર બાણો ને બાણો ને પયોધર, નાભિ ને સુંદર કટિ,
શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ.. (13)

મૃગ નયની સમ નારી તણા, મુખ ચંદ્ર નીરખવા વતી,
મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગાઢો અતિ;
તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી,
તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી.. (14)

સુંદર નથી આ શરીર કે, સમુદાય ગુણ તણો નથી,
ઉત્તમ વિલાસ કળા તણી, દેદિપ્યમાન પ્રભા નથી;
પ્રભુતા નથી તો પણ પ્રભુ, અભિમાનથી અક્કડ ફરું,
ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યા કરું . (15)

આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપ બુદ્ધિ નવ ઘટે,
આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ ઘટે.
ઔષધ વિષે કરૂં યત્ન પણ હું, ધર્મને તો નવ ગણું;
બની મોહમાં મસ્તાન હું, પાયાવિનાના ઘર ચણું … (16)

આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી,
મિથ્યાત્વીની કટુ વાણી મેં, ધરી કાન પીધી સ્વાદ થી.
રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ આપશ્રી તો પણ અરે,
દિવો લઈ કૂવે પડ્યો, ધિકકાર છે મુજને ખરે… (17)

મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી,
ને શ્રાવકો કે સાધુઓનો, ધર્મ પણ પાળ્યો નહિ,
પામ્યો પ્રભુ નર ભવ છતાં, રણમાં રળ્યા જે વું થયું,
ધોબી તણા કુત્તા સમું, આ જીવન સહુ એળે ગયું. (18)

હું કામધેનું ક્લપતરું ચિંતામણીના પ્યાર માં,
ખોટા છતાં ઝંખ્યો ઘણું, બની લુબ્ધ આ સંસારમાં.
જે પ્રગટ સુખ દેનાર તારો, ધર્મ તે સેવ્યો નહિ,
મુજ મૂર્ખ ભાવોને નહાળી, નાથ ! કર કરૂણા કંઈ … (19)

મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહિ,
આગમન ઈચ્છ્યું ધન તણું, પણ મૃત્યુને પીછયું નહિ;
નહિ ચિંતવ્યું મેં નર્કકારાગૃહ સમી છે નારીઓ,
મધુ બિંદુની આશા મહીં, ભય માત્ર હું ભૂલી ગયો . (20)

હું શુદ્ધ આચારો વડે, સાધુ હૃદયમાં નવ રહ્યો,
કરી કામ પર ઉપકારનાં, યશ પણ ઉપાર્જન નવ કર્યો;
વળી તીર્થના ઉધ્ધાર આદિ, કોઈ કાર્યો નવ કર્યા,
ફોગટ અરે ! આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા . (21)

ગુરૂવાણીમાં વૈરાગ્ય કેરો, રંગ લાગ્યો નહિ અને,
દુર્જન તણા વાક્યો મહિ, શાંતિ મળે ક્યાંથી મને ?
તરૂ કેમ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહિ જરી,
તૂટેલ તળિયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી? (22)

મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી
તો આવતા ભવમાં કહો, ક્યાંથી થશે કે નાથજી ?
ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ, નાથ ! હું હારી ગયો,
સ્વામી ત્રિશંકુ જેમ હું, આકાશમાં લટકી રહ્યો … (23)

અથવા નકામું આપ પાસે, નાથ શું બકવું ઘણું?
હે દેવતાના પૂજ્ય ! આ, ચારિત્ર મુજ પોતા તણું;
જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરૂ શું માત્ર આ,
જ્યાં ક્રોડનો હિસાબ નહિ, ત્યાં પાઈની તો વાત ક્યાં?.(24)

ત્હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ !
મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતા જડે હે વિભુ !
મુક્તિ મંગળ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી,
આપો સમ્યગ્ રત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી..(25)

 

શ્રાદ્ધ કોને કહે છે ? શ્રાદ્ધ એટલે શું ? તે શા માટે કરવામાં આવે છે ?

|| શ્રાદ્ધ કોને કહે છે ? ||

“જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ કે ગાય – કાગડાને ખવડાવીએ પણ યાદ રહે એ કદી ઉપર પહોંચતું નથી”

હિંદુ ધર્મના લોકોમાં શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાદ્ધ કહેવાય છે. વિક્રમ સંવત નાં ભાદરવા સુદ પુનમે થી આ પર્વની શરૂઆત થાય છે. જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધ નાં સોળ દિવસનાં સમુહને શ્રાદ્ધપક્ષ તેમજ પિતૃતર્પણનાં દિવસો કહેવાય છે.

હવે આ શ્રાદ્ધ શા માટે આ લોકોએ શરુ કર્યા ! બહુ બુદ્ધિશાળી પ્રજા ! એટલે આપણા ઈન્ડિયામાં આજથી અમુક વર્ષ ઉપર ગામડામાં દરેક ઘેર એક તો ખાટલો પડેલો હોય, મેલેરિયાથી એક-બે માણસો ખાટલે હોય જ. કયા મહિનામાં ? ત્યારે કહે, ભાદરવા મહિનામાં. એટલે આપણે ગામમાં જઈએ તો દરેક ઘરની બહાર એક એક ખાટલો પડ્યો હોય ને તેની મહીં સૂઈ રહ્યો હોય, પેલો ઓઢીને. તાવ હોય, મેલેરિયસ તાવ ને બધી અસરો હોય. એ ભાદરવા મહિનામાં મચ્છરાં બહુ થાય એટલે આટલો બધો મેલેરિયા ફેલાતો, તે મેલેરિયસ એટલે પિત્તનો તાવ કહેવાય. એ વાયુનો કે કફનો તાવ નહીં. પિત્તનો તાવ, તે એટલું બધું પિત્ત વધી જાય. ચોમાસાનો દિવસ અને પિત્તનો તાવ અને પાછાં પેલાં મચ્છરાં કૈડે. જેને પિત્ત વધારે હોય તેને કરડે. એટલે માણસોએ તે આ શોધખોળવાળાએ શોધખોળ કરેલી કે આ હિંદુસ્તાનમાં કંઈ રસ્તો કાઢો. નહીં તો આ લોકોની વસ્તી અડધી ઓછી થઈ જશે. અત્યારે તો આ મચ્છરાં ઓછાં થઈ ગયા છે, નહીં તો માણસ જીવતો ન હોય. એટલે આ પિત્તના તાવને શમાવવા માટે એવી શમનક્રિયા કરવા માટે શોધખોળ કરેલી કે આ લોકોને દૂધપાક અગર ખીર, દૂધ અને ખાંડ એવું ખાય તો પિત્ત શમે ને મેલેરિયાનું રાગે પડે. હવે આ લોકો ઘરનું દૂધ હોય તો ખીર – બીર બનાવે નહીં, દૂધપાક ખાય નહીં એવા આ લોક ! બહુ નોર્મલને ! એટલે શું થાય, તે તમે જાણો છો ? હવે આ દૂધપાક રોજ ખાય શી રીતે ?

હવે બાપને અક્ષરેય પહોંચતો નથી. પણ આ લોકોએ શોધખોળ કરેલી કે આ  હિંદુસ્તાનના લોકો ચાર આનાય ધર્મ કરે એવા નથી. એવા લોભિયા છે કે બે પૈસાય ધર્મ ના કરે, તો આમ ને આમ કાનપટ્ટી પકડાવેલી કે ‘તારા બાપનું સરાદ તો સરાય ?’ એવું બધાં કહેવા આવેને ! એટલે સરાદનું નામ આ રીતે શરુ કરેલું. એટલે લોકોએ પછી શરૂ કરેલું કે બાપનું સરાદ તો સરાવવું પડેને ! અને મારા જેવો અડિયલ હોય, તે ના સરાવતા હોય ત્યારે શું કહે ? ‘બાપનું સરાધેય સરાવવા લાગતો નથી.’ એટલે આજુબાજુ બધાં કચકચ કરે એટલે પછી સરાવી નાખે. તે પછી જમાડી દે.

તે પૂનમને દહાડેથી દૂધપાક જમવાનો મળે, તે પંદરેય દહાડા દૂધપાક જમવાનો મળે. કારણ કે આજે મારે ત્યાં, કાલે તમારે ત્યાં અને લોકને માફક આવી ગયું કે, ‘હશે, ત્યારે, વારાફરતી ખાવાનું છે ને ! છેતરાવાનું નહીં અને પછી વાસ નાખવાની કાગડાને.’ તે આ શોધખોળ કરેલી. તેનાથી પિત્ત બધું શમાઈ જાય. તે એટલા માટે આ લોકોએ આ વ્યવસ્થા શરુ કરી હતી. એટલે આપણા લોક તે ઘડીએ શું કહેતા હતા કે સોળ સરાદ પછી “”જો જીવતો રહ્યો, તો નવરાત્રિમાં આવ્યો ! ”

|| શ્રાદ્ધ  એટલે શું ?  તે શા માટે કરવામાં આવે છે ? ||

શ્રદ્ધાથી શબ્દ બન્યો છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા કાર્યને શ્રાદ્ધ કહે છે. સત્કાર્યો માટે, સત્પુરુષો માટે આદરની તથા કૃતજ્ઞતાની ભાવના રાખવી તેને શ્રાદ્ધ કહે છે. જેમણે આ૫ણને કોઈ લાભ ૫હોંચાડયો હોય તથા આ૫ણી ઉ૫ર ઉ૫કાર કર્યો હોય તેમના પ્રત્યે કૃતજ્ઞ બનવું તે શ્રદ્ધાળુ મનુષ્યનું કર્તવ્ય છે. આવી શ્રદ્ધા હિંદુ ધર્મની કરોડરજ્જુ છે. જો આ શ્રદ્ધાને દૂર કરી દેવામાં આવે તો હિંદુ ધર્મની સંપૂર્ણ મહત્તા નષ્ટ થઈ જશે અને તે સત્વ વગરનો બની જશે. શ્રદ્ધા હિંદુ ધર્મનું એક અનિવાર્ય અંગે છે. તેથી શ્રાદ્ધ કરવું તે હિંદુનું ધાર્મિક કૃત્ય છે.

માતા, પિતા અને ગુરુના સહયોગથી બાળકનો વિકાસ થાય છે. માણસ ઉ૫ર એ ત્રણેયનો બહુ મોટો ઉ૫કાર હોય છે. “માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને આચાર્ય દેવો ભવ- આ વાકયોમાં તેમને મનુષ્યના શરીરમાં રહેલા દેવ માનવાનું અને તેમના પ્રત્યે શ્રાદ્ધ રાખવાનું કહેવામાં આવ્યું છે. સ્મૃતિકારે માતાને બ્રહ્મા, પિતાને વિષ્ણુ અને આચાર્યને શિવની ઉ૫મા આપી છે. કૃતજ્ઞતાની આ ભાવના નિરંતર ટકી રહે તે માટે ગુરુજનોના ચરણસ્પર્શ તથા તેમનું અભિવાદન કરવું તેનો દૈનિક ધર્મ કૃત્યોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કૃતજ્ઞતાની આ ભાવનાને આજીવન ધારણ કરી રાખવી જરૂરી છે. જો આ ગુરુજનોનો સ્વર્ગવાસ થઈ જાય, તો ૫ણ મનુષ્યે તેમના પ્રત્યેની શ્રદ્ધા ટકાવી રાખવી જોઈએ. આ દૃષ્ટિએ મૃત્યુ ૫છી પિતૃ૫ક્ષમાં મૃત્યુની વાર્ષિક તિથિએ, ૫ર્વ તથા સમારોહ પ્રસંગે શ્રાદ્ધ કરવાનું વિધાન શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથોમાં જોવા મળે છે. દૈનિક સંધ્યાની સાથે તર્પણ જોડાયેલું છે. જળની એક અંજલિ ભરીને આ૫ણે સ્વર્ગસ્થ પિતૃદેવોના ચરણોમાં અર્પિત કરીએ છીએ. દરરોજ તેમના ચરણસ્પર્શ તથા અભિવાદનની ક્રિયા ૫ણ તેમના પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે જ કરવામાં આવે છે. જીવતા અને મૃત પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું આ ધર્મ કાર્ય માણસ કોઈ ને કોઈ રૂપે પૂરું કરે છે અને એક આત્મ સંતોષનો અનુભવ કરે છે.

|| શ્રાદ્ધ ||

ઘરડા માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે, પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીંદગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાના હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતા શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જોકે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)

માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે. કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુપડીમાં કોઈ’દી સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…? આલીશાન બંગલામાં પોષાય આલ્સેશીયન… એક માવડી નથી પોસાતી…!

એવાં દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી, પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.

હમણા જાણીતા શાયર દેવદાસ- ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોષીનું એક વાક્ય વાંચવા મળ્યું- ‘જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!” સંતો કહે છે, નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ!

અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.

એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે.

એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાંક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે.

એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે!’

મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું, પણ યાદ રહે ગાય- કાગડાને ખવડાવેલુ કદી ઉપર પહોંચતું નથી

એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મે મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછયું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ સાચુ શ્રાદ્ધ ગણાય!’

અરિહંત વંદનાવલી

|| અરિહંત વંદનાવલી ||

જે ચૌદ મહાસ્વપ્નો થકી, નિજ માતને હરખાવતા,
વળી ગર્ભમાંહિ જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા;
ને જન્મતા પહેલા જ ચોસઠ, ઇન્દ્ર જેને વંદતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

મહાયોગના સામ્રાજયમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા,
ને જન્મતાં ત્રણ લોકમાં, મહાસૂર્ય સમ પરકાશતા;
જે જન્મકલ્યાણ વડે, સહુ જીવને સુખ અર્પતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

છપ્પન દિગ્ કુમરી તણી, સેવા સુભાવે પામતા,
દેવેન્દ્ર કરસંપુટ મહીં, ધારી જગત હરખાવતા;
મેરુશિખર સિંહાસને જે નાથ જગના શોભતા;
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

કુસુમાંજલિથી સુરઅસુર જે, ભવ્ય જિનને પૂજતા,
ક્ષીરોદધિના ન્હવણ જલથી, દેવ જેને સિંચતા;
વળી દેવદુંદુભિ નાદ ગજવી, દેવતાઓ રીઝતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

મધમધ થતાં ગોશીર્ષ ચંદનથી વિલેપન પામતા,
દેવેન્દ્ર દૈવી પુષ્પની, માળા ગળે આરોપતા;
કુંડલ કડાં મણિમય ચમકતા, હાર મુકુટે શોભતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

ને શ્રેષ્ટ વેણુ મોરલી, વીણા મૃદંગતણા ધ્વનિ,
વાજિંત્ર તાલે નૃત્ય કરતી, કિન્નરીઓ સ્વર્ગની;
હર્ષ ભરી દેવાંગનાઓ, નમન કરતી લળી લળી,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જયનાદ કરતા દેવતાઓ, હર્ષના અતિરેકમાં,
પધરામણી કરતા, જનેતાના મહા પ્રાસાદમાં;
જે ઇન્દ્રપૂરિત વરસુધાને, ચૂસતા અંગુષ્ઠમાં,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

આહાર ને નિહાર જેના, છે અગોચર ચક્ષુથી,
પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના, અંગને સ્પર્શે નહિ;
સ્વર્ધેનુ દુગ્ધસમાં રુધિર ને, માંસ જેના તન મહીં,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

મંદાર પારિજાત સૌરભ, શ્વાસ ને ઉચ્છવાસમાં,
ને છત્ર ચામર જયપતાકા, સ્તંભ જવ કરપાદમાં;
પૂરા સહસ્ત્ર વિશેષ અષ્ટક, લક્ષણો જ્યાં શોભતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

દેવાંગનાઓ પાંચ આજ્ઞા, ઇન્દ્રની સન્માનતી,
પાંચે બની ધાત્રી દિલે, કૃતકૃત્યતા અનુભાવતી;
વળી બાળક્રીડા દેવગણના, કુંવરો સંગે થતી,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે બાલ્ય વયમાં પ્રૌઢ- જ્ઞાને, મુગ્ધ કરતા લોકને,
સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને;
ત્રણ લોકમાં વિસ્મય સમા, ગુણ રૂપ યૌવન યુક્ત જે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

મૈથુન-પરિષહથી રહિત જે, નંદતા નિજભાવમાં,
જે ભોગકર્મ નિવારવા, વિવાહ-કંકણ ધારતા;
ને બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

મૂર્છા નથી પામ્યા મનુજના, પાંચ ભેદે ભોગમાં,
ઉત્કૃષ્ટ જેની રાજ્ય-નીતિથી, પ્રજા સુખચેનમાં;
વળી શુદ્ધ અધ્યવસાયથી, જે લીન છે નિજભાવમાં,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે, સહજ વર વિરાગવંત,
ને દેવ લોકાંતિક ધણી, ભક્તિ થકી કરતા નમન;
જેને નમી કૃતાર્થ બનતા, ચારગતિના જીવગણ,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

આવો પધારો ઇષ્ટ વસ્તુ, પામવા નર-નારીઓ,
એ ધોષણાથી અપેતા, સાંવત્સરિક મહાદાનને;
ને છેદતા દારિદ્રય સૌનું, દાનના મહાકલ્પથી,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

દીક્ષા તણો અભિષેક જેનો, યોજતા ઇન્દ્રો મળી,
શિબિકા સ્વરૂપ વિમાનમાં, વિરાજતા ભગવંતશ્રી;
અશોક પુન્નગ તિલક ચંપા વૃક્ષ શોભિત વનમહીં,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

શ્રી વજ્રધર ઇન્દ્રે રચેલા, ભવ્ય આસન ઊપરે,
બેસી અલંકારો, ત્યજે, દીક્ષા સમય ભગવંત જે;
જે પંચમુષ્ટિલોચ કરતા, કેશ વિભુ નિજકર વડે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

લોકગ્રગત ભગવંત સર્વે, સિદ્ધને વંદન કરે,
સાવધ સઘળા પાપ-યોગોના કરે પચ્ચક્ખાણને;
જે જ્ઞાન-દર્શન ને મહા-ચરિત્ર રત્નત્રયી ગ્રહે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

નિર્મળ વિપુલમતિ મન:પર્યવ, જ્ઞાન સહ જે દીપતા,
વળી પંચસમિતિ ગુપ્તિત્રયની રયણમાળા ધારતા;
દશભેદથી જે શ્રમણ સુંદર, ધર્મનું પાલન કરે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

પુષ્કર કમલનાં પત્રની, ભાંતિ નહિ લેપાય જે,
ને જીવની માફક અપ્રતિહત, વરગતિએ વિચરે;
આકાશની જેમ નિરાલંબન, ગુણ થકી જે ઓપતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

ને અસ્ખલિત વાયુ સમુહની, જેમ જે નિર્બંધ છે,
સંગોપિતાંગોપાંગ જેના, ગુપ્ત ઈન્દ્રિય દેહ છે;
નિસ્સંગતા ય વિહંગ શી, જેના અમુલખ ગુણ છે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

ખડ્ગીતણા વરશૃંગ જેવા, ભાવથી એકાકી જે,
ભારંડપંખી સારીખા, ગુણવાન અપ્રમત્ત છે;
વ્રતભાર વહેવા વરવૃષભની, જેમ જેહ સમર્થ છે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

કુંજરસમા શૂરવીર જે છે, સિંહસમ નિર્ભય વળી,
ગંભીરતા સાગર સમી, જેના હ્રદયને છે વરી;
જેના સ્વભાવે સૌમ્યતા છે, પૂર્ણિમાના ચંદ્રની,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

આકાશ ભૂષણ સૂર્ય જેવા, દીપતા તપ-તેજથી,
વળી પૂરતા દિગંતને, કરુણા ઉપેક્ષા મૈત્રીથી;
હરખાવતા જ વિશ્વને, મુદિતાતણા સંદેશથી,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે શરદઋતુના જલ સમા, નિર્મળ મનોભાવો વડે,
ઉપકાર કાજ વિહાર કરતા, જે વિભિન્ન સ્થળો વિષે;
જેની સહનશક્તિ સમીપે, પૃથ્વી પણ ઝાંખી પડે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

બહુ પુણ્યનો જ્યાં ઉદય છે, એવા ભવિકના દ્વારને,
પાવન કરે ભગવંત નિજ તપ, છઠ્ઠ અઠ્ઠમ પારણે;
સ્વીકારતા આહાર બેંતાલીસ, દોષ વિહીન જે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

ઉપવાસ માસખમણ સમા, તપ આકરાં તપતા વિભુ,
વીરાસનાદિ આસને, સ્થિરતા ધરે જગના પ્રભુ;
બાવીશ પરિષહને સહંતા, ખૂબ જે અદભુત વિભુ,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

ને બાહ્ય અભ્યંતર બધા, પરિગ્રહ થકી જે મુક્ત છે,
પ્રતિમા વહન વળી શુક્લધ્યાને, જે સદાય નિમગ્ન છે;
જે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરતા, મોહમલ્લ વિદારીને,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે પૂર્ણ કેવળજ્ઞાન, લોકાલોકને અજવાળતું,
જેના મહાસામર્થ્ય કેરો, પાર કો’ નવ પામતું;
એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી, કર્મને છેદી કર્યું,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે રજત સોના ને અનુપમ, રત્નના ત્રણ ગઢમહીં,
સુવર્ણના નવ પદ્મમાં, પદકમલને સથાપના કરી;
ચારે દિશા મુખ ચાર ચાર, સિંહાસને જે શોભતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જ્યાં છત્ર સુંદર ઉજ્જવળા, શોભી રહ્યા શિર ઉપરે,
ને દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્વય વડે;
દ્વાદશ ગુણા વર દેવવૃક્ષ; અશોકથી ય પૂજાય છે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

મહાસૂર્ય સમ તેજસ્વી શોભે, ધર્મચક્ર સમીપમાં,
ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસારી દિગંતમાં;
ચોમેર જાનુ પ્રમાણ પુષ્પો, અર્ધ્ય જિનને અર્પતા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જ્યાં દેવદુંદુભિ ઘોષ ગજવે, ઘોષણા ત્રણ લોકમાં,
ત્રિભુવન તણા સ્વામીતણી, સૌએ સુણો શુભદેશના;
પ્રતિબોધ કરતા દેવ-માનવ ને વળી તિર્યંચને,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જ્યાં ભવ્ય જીવોના અવિકસિત, ખીલતાં પ્રજ્ઞાકમલ,
ભગવંતવાણી દિવ્યસ્પર્શે, દૂર થતાં મિથ્યા વમળ;
ને દેવ -દાનવ ભવ્ય માનવ, ઝંખતા જેનું શરણ,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે બીજ ભૂત ગણાય છે, ત્રણ પદ ચતુર્દશ પૂર્વના,
ઉપ્પનેઈ વા વિગમેઈ વા, ધુવેઈ વા મહાતત્વના;
એ દાન સુશ્રુતજ્ઞાનનું, દેનાર ત્રણ જગતનાથ જે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

એ ચૌદપૂર્વોના રચે છે, સૂત્ર સુંદર સાર્થ જે,
તે શિષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ જે;
ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે ધર્મ તીર્થંકર ચતુર્વિધ, સંધ સંસ્થાપન કરે,
મહાતીર્થ સમ એ સંધને, સુર અસુર સહુ વંદન કરે;
ને સર્વજીવો-ભૂત-પ્રાણી સત્વશું કરુણા ધરે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જેને નમે છે ઇન્દ્ર-વાસુદેવ ને બલભદ્ર સહુ,
જેના ચરણને ચક્રવર્તી, પૂજતાં ભાવે બહુ;
જેણે અનુત્તર વિમાનવાસી, દેવના સંશય હણ્યા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે છે પ્રકાશક સહુ પદાર્થો, જડ તથા ચૈતન્યતા,
વર શુક્લ લેશ્યા તેરમે, ગુણસ્થાનકે પરમાત્મા;
જે અંત આયુષ્યકર્મનો, કરતા પરમ ઉપકારથી,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

લોકાગ્રભાગે પહોંચવાને, યોગ્ય ક્ષેત્રી જે બને,
ને સિદ્ધના સુખ અર્પતી, અંતિમ તપસ્યા જે કરે;
જે ચૌદમા ગુણસ્થાનકે, સ્થિર પ્રાપ્ત શૈલેશીકરણ,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

હર્ષ ભરેલા દેવનિર્મિત , અંતિમે સમવસરણે,
જે શોભતા અરિહંત, પરમાત્મા જગતઘર આંગણે;
જે નામના સંસ્મરણથી, વિખરાય વાદળ દુ:ખના,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે કર્મનો સંયોગ, વળગેલો અનાદિ કાળથી,
તેથી થયા જે મુક્ત પૂરણ, સર્વથા સદભાવથી;
રમમાણં જે નિજરૂપમાં, ને સર્વજગતું હિત કરે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે નાથ ઐદારિક વળી, તૈજસ તથા કાર્મણ તનુ,
એ સર્વને છોડી અહીં, પામ્યા પરમપદ શાશ્વતું;
જે રાગદ્વેષ-જળે ભર્યા, સંસાર સાગરને તર્યા,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

શૈલેશી કરણે ભાગ ત્રીજે, શરીરના ઓછા કરી,
પ્રદેશ જીવના ધન કરી, વળી પૂર્વધ્યાન-પ્રયોગથી;
ધનુષ્યથી છુટેલ બાણ તણી, પરે શિવગતિ લહી,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

નિર્વિધ્ન સ્થિર ને અચલ અક્ષય, સિદ્ધગતિ એ નામનું,
છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી, નહિ પુન:ફરવાપણું;
એ સ્થાનને પામ્યા અનંતા, ને વળી જે પામશે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

આ સ્તોત્રને પ્રાકૃતગિરામાં, વર્ણવ્યું ભક્તિબળે,
અજ્ઞાત ને પ્રાચીન મહામના કો’ મુનીશ્વર બહુશ્રુતે;
પદ-પદ મહીં જેના મહા-સામર્થ્યનો મહિના મળે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે નમસ્કાર-સ્વાધ્યાયમાં, પ્રેક્ષી ર્હદય ગદગદ બન્યું,
“શ્રી ચંદ્ર” નાચ્યો ગ્રંથ લઈ, મહાભાગનું શરણું મલ્યું;
કીધી કરાવી અલ્પભક્તિ, હોંશનું તરણું ફળ્યું,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જેના ગુણોના સિંધુના બે, બિંદુ પણ જાણું નહિ,
પણ એક શ્રદ્ધા દિલમહીં કે નાથ સમકો’ છે નહિ;
જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજનિશ્ચય સહિ,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

જે નાથ છે ત્રણ ભવનના, કરુણા જગે જેની વહે,
જેના પ્રભાવે વિશ્વમાં, સદભાવની સરણી વહે;
આપે વચન “શ્રી ચંદ્ર” જગને, એજ નિશ્વય તારશે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…

ભક્તામર સ્તોત્ર

3

|| ભક્તામર સ્તોત્ર ||

પરમ પૂજ્ય આચાર્ય શ્રી માનતુંગસૂરિ મહારાજ સાહેબ………

ભક્તામર સ્ત્રોતના રચયિતા માનતુંગાચાર્ય :-

જૈન પરંપરામાં અતિ વિશ્રુત . તેમનો જન્મ વારાણસીમાં ‘ઘનિષ્ઠ’ શ્રેષ્ઠિને ત્યાં થયો હતો. તેમણે અજીતસુરીની પાસેથી શિક્ષા લીધી હતી. ગુરૂની પાસેથી કેટલીયે ચમત્કારીક વિદ્યાઓ તેમને પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ તેઓ આચાર્ય બન્યાં. પોતાના સમયના તેઓ પ્રભાવિક આચાર્ય થયા હતાં. ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતાં હતાં. તે વખતે ધર્માવલંબી પોતાના ધર્મનો ચમત્કાર બતાવી રહ્યાં હતાં. ત્યારે મહારાજા ભોજે શ્રીમાનતુંગાચાર્યને આગ્રહ કર્યો કે તમે મને ચમત્કાર બતાવો. આચાર્ય મૌન થઈ ગયાં. ત્યારે રાજાએ અડતાલીસ કડી/તાળાઓની એક શ્રૃંખલામાં તેમને બંધ કરી દિધા. માનતુંગાચાર્યએ તે વખતે આદિનાથ પ્રભુની સ્તુતિ પ્રારંભ કરી. જેમ જેમ ગાથા/શ્લોક બનાવીને તેઓ બોલતાં ગયાં તેમ તેમ એક એક કરીને તાળા તુટતાં ગયાં. બધાએ આને ખુબ જ આશ્ચર્ય માન્યું. ભક્તને અમર બનાવનારું આ આદિનાથ-સ્ત્રોતનું નામ ભક્તામર સ્ત્રોત પડ્યું. જે ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને તેનું ખુબ જ શ્રદ્ધાયુક્ત તેનું પઠન કરવામાં આવે છે.

જૈન પરંપરાના અત્યંત પ્રભાવી નવ સ્મરણોની સૂચિમાં આ સ્તોત્ર સાતમું આવે છે. શ્વેતામ્બર જૈન સંપ્રદાયની માન્યતા મુજબ આ મહાચમત્કારી સ્તોત્રની અતિચમત્કારિક ચાર ગાથાઓ અજ્ઞાતપણે કારણવશ લુપ્ત થતાં હાલમાં આ સ્તોત્રની ૪૪ ગાથાઓ વિદ્યમાન છે. સાધના વિધિ- ભક્તામર સ્ત્રોત વાંચવાનો સૌથી સારો સમય સામાન્ય રીતે સુર્યોદયનો છે. વર્ષ દરમિયાન સતત વાંચવાનું શરૂ કરવું હોય તો શ્રાવણ, ભાદરવો, કારતક અને પોષ કે મહા મહિનામાં શરૂ કરો. તિથિ પુર્ણા, નંદા અને જયા હોવી જોઈએ રિક્તા ન હોવી જોઈએ. તે દિવસે કોઈ ઉપવાસ યા વ્રત થાય તો ઉત્તમ ગણાય. આ સ્ત્રોત ખુબ જ પ્રભાવશાળી અને અપુર્વ આત્મ-પ્રસન્નતા આપનાર છે. આ સ્ત્રોતની ગાથાઓમાં ગુંફિત શબ્દોનું સંયોજન એટલું બધુ અદભુત છે કે તેના શબ્દોચ્ચાર વડે પ્રગટ થનાર ધ્વનિના પરમાણું વાતાવરણને આંદોલિત કરતાં ચારે તરફ ફેલાઈ જાય છે. અને અનેરી ઊર્જાઓને ઉત્પન્ન કરે છે. જો કે કેટલાયે ચમત્કારોથી ભરપુર હકીકતોની વાર્તાઓ આ સ્ત્રોતની આસપાસ રહેલ છે.

એક વાત તો નક્કી છે કે આ સ્ત્રોતમાં ભક્તામારની ગાથાઓમાં કંઈક એવું અનોખુ તત્વ અને રહસ્ય સંતાયેલ છે કે વર્ષો પસાર થવા છતાં પણ તેનો પ્રભાવ અવિચલ છે, જે સનાતન સત્ય છે. સંપુર્ણ આસ્થા, નિષ્ઠા અને સમર્પણના ભાવલોકમાં આ સ્ત્રોતનું ગાન જ્યારે કરવામાં આવે છે, ત્યારે અસીમ આનંદની અનુભુતિમાં અસ્તિત્વ ઝુમી ઉઠે છે અને નાચી ઉઠે છે.

આપ આ પણ જાણો ………..

* દરેક ગાથાની સાથે આવેલ ઋદ્ધિ-મંત્ર પ્રાચીન હસ્તપ્રત આધારિત છે. તેની સત્યતા વિશે જાણ હોવા છતાં પણ આનો પ્રયોગ મંત્રસિદ્ધ ગુરૂવર્યના આમાન્યાપુર્વક થાય તે ખુબ જ જરૂરી છે.
* ભક્તામાર સ્ત્રોતના પાઠ માટે શરીરની શુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, સ્થાનશુદ્ધિ અને ચૈતસિક સ્વસ્થતા સામાન્ય રીતે અપેક્ષિત છે.
* મહિલાઓએ આ સ્ત્રોત વાંચતી વખતે શુધ્ધતા અને અન્ય વિશેષ સાવધાની રાખવી જોઈએ.
* ઉપાસનાનો ઉત્સાહ પણ વિધિ-નિષેધોથી નિયંત્રિત રહે. ઉપાસના અશાતના સુધી ન જઈ પહોચે, આ વાતનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
* ભક્તામાર સ્ત્રોતનો પાઠ લયબદ્ધ-મધુર-મંજુલ તેમજ સમુહ સ્વરમાં સવારના સમયે જો કરવામાં આવે તો વધારે લાભદાયી રહે છે.

ભક્તામર સ્તોત્રનું નિત્ય આરાધન કરવાથી………..

* સર્વ પ્રકારના વિધ્નો દૂર થાય છે
* સૌભાગ્યની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે.
* ચોર-ડાકુ લુટારાઓનો ભય દૂર થાય છે.
* ધર્મમાં બુદ્ધિ સ્થિર થાય અને સમ્યકશ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે.
* માન અને કીર્તિની પ્રાપ્તિ થાય છે.
* મનોરથોની સિધ્ધિ થાય છે.
* મોક્ષની પ્રાપ્તિ થાય છે.

1

પરમ પૂજ્ય આચાર્ય શ્રી માનતુંગસૂરિ મહારાજ સાહેબ રચીત
શ્રી ભક્તામર સ્તોત્ર :- (ગાથા- 1 TO 44)

|| ભક્તામર સ્તોત્ર ||

ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણા-
મુદ્યોતકં દલિત પાપ તમો વિતાનમ્ ;
સમ્યક્ પ્રણમ્ય જિન પાદ યુગં-યુગાદા-
વાલમ્બનં ભવ જલે પતતાં જનાનામ્. ।। 1 ।।

યઃ સંસ્તુતઃ સકલ વાડ્મય તત્વ બોધા-
દુદભૂત બુદ્ધિ પટુભિઃ સુરલોક નાથૈઃ;
સ્તોત્રૈ ર્જગત્ત્રિતય ચિત્ત હરૈ રુદારૈઃ-
સ્તોષ્યે કિલાહ મપિ તં પ્રથમં જિનેન્દ્રમ્. ।। 2 ।।

બુદ્ધયા વિનાપિ વિબુધા ર્ચિત પાદ પીઠ !
સ્તોતું સમુદ્યત મતિ ર્વિગત ત્રપોડહમ્;
બાલં વિહાય જલ સંસ્થિત મિન્દુ બિમ્બ-
મન્યઃ ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્. ।। 3 ।।

વકતું ગુણાન્ ગુણ સમુદ્ર ! શશાંક-કાન્તાન્;
કસ્તે ક્ષમઃ સુર ગુરુ પ્રતિમોડપિ બુદ્ધયા ?;
કલ્પાન્ત કાલ પવનોદ્ધત નક્ર ચક્રં-
કો વા તરીતુ મલ મમ્બુ નિધિં ભુજાભ્યામ્ ? ।। 4 ।।

સોડહં તથાપિ તવ ભક્તિ વશાન્મુનીશ,
કર્તું સ્તવં વિગત શક્તિ રપિ પ્રવૃત્તઃ;
પ્રીત્યાત્મ વીર્ય મવિચાર્ય મૃગો મૃગેન્દ્રં-
નાભ્યેતિ કિં નિજ શિશોઃ પરિ પાલનાર્થમ્ ? ।। 5 ।।

અલ્પ- શ્રુતં શ્રુત-વતાં પરિહાસ-ધામ,
ત્વદ્ ભક્તિ-રેવ મુખરી-કુરુતે બલાન્મામ્ ;
યત્કોકિલ: કિલ મધૌ મધુરં વિરૌતિ-
તચ્ચારુ-ચૂત-કલિકા-નિકરૈક-હેતુ: ।। 6 ।।

ત્વતસંસ્તવેન ભવ સન્તતિ સન્નિબદ્ધં,
પાપં ક્ષણાત્ક્ષય મુપૈતિ શરીર ભાજામ્;
આક્રાન્તલોક મલિ નીલ મશેષ માશુ,
સૂર્યાંશુ ભિન્ન મિવ શાર્વર મન્ધકારમ્ ।। 7 ।।

મત્વેતિ નાથ ! તવ સંસ્તવનં મયેદ-
મારભ્યતે તનુ ધિયાપિ તવ પ્રભાવાત્ ;
ચેતો હરિષ્યતિ સતાં નલિની દલેષુ,
મુક્તાફલ દ્યુતિ મુપૈતિ નનૂદ બિંદુઃ ।। 8 ।।

આસ્તાં તવ સ્તવન મસ્ત સમસ્તદોષં,
ત્વત્સંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ;
દૂરે સહસ્ર કિરણઃ કુરુતે પ્રભૈવ,
પદ્માકરેષુ જલ જાનિ વિકાસ ભાંજિ ।। 9 ।।

નાત્યદભુતં ભુવન ભૂષણ ભૂતનાથ !,
ભૂતૈ ર્ગુણૈ ર્ભુવિ ભવન્ત મભિષ્ટુવન્તઃ ;
તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિં વા,
ભૂત્યાશ્રિતં ય ઈહ નાત્મ સમં કરોતિ. ।। 10 ।।

દષ્ટ્વા ભવન્ત મનિમેષ વિલોકનીયં,
નાન્યત્ર તોષ – મુપયાતિ જનસ્ય ચક્ષુઃ;
પીત્વા પયઃ શશિકર દ્યુતિ દુગ્ધ સિન્ધોઃ,
ક્ષારં જલં જલનિધેરશિતું ક ઈચ્છેત્ ?. ।। 11 ।।

યૈઃ શાન્ત રાગ રુચિભિઃ પરમાણુભિ સ્ત્વં,
નિર્માપિત સ્ત્રિભુવનૈક લલામ ભૂત !;
તાવન્ત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં,
યત્તે સમાન મપરં નહિ રૂપ મસ્તિ. ।। 12 ।।

વકત્રં કવ તે સૂર નરોરગ નેત્ર હારિ ?,
નિઃશેષ નિર્જિત જગત્ત્રિ તયોપમાનમ્;
બિંબં કલંક મલિનં કવ નિશાકરસ્ય ?,
યદ્રાસરે ભવતિ પાંડુ પલાશ કલ્પમ્. ।। 13 ।।

સમ્પૂર્ણ મંડલ શશાંક કલા કલાપ,
શુભ્રા ગુણા સ્ત્રિભુવનં તવ લંધયન્તિ ;
યે સંશ્રિતા સ્ત્રિજગદીશ્વર ! નાથ મેકં,
કસ્તાનિનવારયતિ સંચરતો યથેષ્ટમ્ ?. ।। 14 ।।

ચિત્રં કિમત્ર ! યદિ તે ત્રિદશાંગનાભિ-
નીતં મનાગપિ મનો ન વિકાર માર્ગમ્;
કલ્પાન્તકાલ મરુતા ચલિતા ચલેન,
કિં મંદરાદ્રિ શિખરં ચલિતં કદાચિત્. ।। 15 ।।

નિર્ધૂમવર્તિ રપ વજ્જિત તૈલ પુરઃ,
કૃત્સ્નં જગત્ત્રય મિંદ પ્રકટી કરોષિ;
ગમ્યો ન જાતુ મરુતાં ચલિતા ચલાનાં,
દીપોડપરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશઃ.।। 16 ।।

નાસ્તં કદાચિ દુપયાસિ ન રાહુ ગમ્ય:,
સ્પષ્ટી કરોષિ સહસા યુગપજ્ જગન્તિ;
નામ્ભો ધરો દર નિરુદ્ધ મહાપ્રભાવઃ,
સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીન્દ્ર ! લોકે.।। 17 ।।

નિત્યોદયં દલિત મોહ મહાન્ધકારં,
ગમ્યં ન રાહુ વદનસ્ય ન વારિદાનામ્;
વિભ્રાજતે તવ મુખાબ્જ મનલ્પકાન્તિ,
વિદ્યોતયજ જ્જગદ પૂર્વ શશાંક બિમ્બમ્. ।। 18 ।।

કિં શર્વરીષુ શશિનાડન્હિ વિવસ્વતા વા ?
યુષ્મન્મુખેન્દુ દલિતેષુ તમસ્સુ નાથ !;
નિષપન્ન શાલિ વન શાલિનિ જીવ લોકે,
કાર્યં કિયજ્જલ ધરૈ ર્જલ ભાર નમ્રૈઃ ?. ।। 19 ।।

જ્ઞાનં યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશં,
નૈવં તથા હરિ હરાદિષુ નાયકેષુ;
તેજઃ સ્ફૂરન્મણિષુ યાતિ યથા મહત્વં,
નૈવં તુ કાચ શકલે કિરણા-કુલેડપિ. ।। 20 ।।

મન્યે વરં હરિ હરાદય એવ ર્દષ્ટા,
ર્દષ્ટેષુ યેષુ હૃદયં ત્વયિ તોષ મેતિ;
કિં વીક્ષિતેન ભવતા ? ભુવિ યેન નાડન્યઃ,
કશ્વિન્મનો હરતિ નાથ ! ભવાન્તરેડપિ. ।। 21 ।।

સ્ત્રીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાન્,
નાન્યા સુતં ત્વદુપમં જનની પ્રસૂતા;
સર્વા દિશો દધતિ ભાનિ સહસ્ર રશ્મિં,
પ્રાચ્યેવ દિગ્જનયતિ સ્ફુરદંશુ જાલમ્. ।। 22 ।।

ત્વામા મનન્તિ મુનયઃ પરમં પુમાંસ-
માદિત્ય વર્ણ મમલં તમસઃ પરસ્તાત્;
ત્વામેવ સમ્ય ગુપલભ્ય જયન્તિ મૃત્યું,
નાન્યઃ શિવઃ શિવ પદસ્ય મુનીન્દ્ર ! પન્થા: ।। 23 ।।

ત્વામવ્યયં વિભુમચિન્તયમ સંખ્ય માદ્યં,
બ્રહ્માણ મીશ્વર મનન્ત મનંગ કેતુમ્;
યોગીશ્વરં વિદિત યોગ મનેક મેકં,
જ્ઞાન સ્વરૂપ મમલં પ્રવદન્તિ સન્ત:. ।। 24 ।।

બુદ્ધસ્ત્વમેવ વિબુધા ર્ચિત બુદ્ધિ બોધાત્,
ત્વં શંકરોડસિ ભુવન ત્રય શંકરત્વાત્;
ધાતાડસિ ધીર ! શિવ માર્ગ વિધે ર્વિધાનાત્,
વ્યકતં ત્વમેવ ભગવન્ પુરુષોત્તમોડસિ. ।। 25 ।।

તુભ્યં નમ સ્ત્રિભુવનાર્તિ હરાય નાથ !,
તુભ્યં નમઃ ક્ષિતિ તલા મલ ભૂષણાય;
તુભ્યં નમ સ્ત્રિજગતઃ પરમેશ્વરાય,
તુભ્યં નમો જિન ! ભવોદધિ શોષણાય. ।। 26 ।।

કો વિસ્મયોડત્ર ! યદિ નામગુણૈ રશેષૈ-
સ્ત્વં સંશ્રિતો નિરવકાશ તયા મુનીશ !;
દોષૈ રુપાત્ વિવિધા શ્રય જાત ગર્વૈઃ,
સ્વપ્નાન્તરેડપિ ન કદાચિદ પીક્ષિતોડસિ. ।। 27 ।।

ઉચ્ચૈ રશોક તરુ સંશ્રિત મુન્મયૂખ-
માભાતિરૂપ મમલં ભવતો નિતાન્તમ્;
સ્પષ્ટોલ્લસત્કિરણ મસ્ત તમો વિતાનં,
બિમ્બં રવે રિવ પયોધર પાર્શ્વ વર્તિ. ।। 28 ।।

સિંહાસને મણિ મયૂખ શિખા વિચિત્રે,
વિભ્રાજતે તવ વપુઃ કનકાવદાતમ્;
બિમ્બં વિયદ્રિલસદંશુ લતા વિતાનં,
તુંગોદયાદ્રિ શિરસીવ સહસ્ર રશ્મેઃ. ।। 29 ।।

કુન્દાવદાત ચલ ચામર ચારુ શોભં,
વિભ્રાજતે તવ વપુઃ કલધૌત કાન્તમ્;
ઉદ્યચ્છશાંક શુચિ નિર્ઝર વારિ ધાર –
મુચ્ચૈસ્તટં સુર ગિરે રિવ શાતN કૌમ્ભમ્. ।। 30 ।।

છત્ર ત્રયં તવ વિભાતિ શશાંક કાન્ત –
મુચ્ચૈઃ સ્થિતં સ્થગિત ભાનુ કર પ્રતાપમ્;
મુક્તાફલ પ્રકર જાલ વિવૃદ્ધ શોભં,
પ્રખ્યાપયત્ત્રિજગતઃ પરમેશ્વરત્વમ્. ।। 31 ।।

ઉન્નિદ્ર હેમ નવ પંકજ પુંજ કાન્તિ,
પર્યુલ્લસન્નખ મયૂખ શિખા ભિરામૌ;
પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્તઃ,
પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયન્તિ. ।। 32 ।।

ઈત્થં યથા તવ વિભૂતિ રભૂજ્જિનેન્દ્ર !
ધર્મો પદેશન વિધૌ ન તથા પરસ્ય:;
યાર્દક્ પ્રભા દિન કૃતઃપ્રહતાન્ધકારા,
તાર્દક્ કુતો ગ્રહ ગણસ્ય વિકાશિનોડપિ ?. ।। 33 ।।

શ્ર્વ્યોતન્મદાવિલ વિલોક કપોલ મૂલ,
મત્ત ભ્રમદ્ ભ્રમર નાદ વિવૃદ્ધ કોપમ;
ઐરાવતાભ મિભ મુદ્ધત માપતન્તં,
દૃષ્ટ્વા ભયં ભવતિ નો ભવદા શ્રિતાનામ્. ।। 34 ।।

ભિન્નેભ કુંમ્ભ ગલદુજ્જવલ શોણિતાક્ત,
મુક્તાફલ પ્રકર ભૂષિત ભુમિભાગઃ;
બદ્ધ ક્રમઃ ક્રમ ગતં હરિણા ધિપોડપિ,
નાક્રામતિ ક્રમયુગા ચલ સંશ્રિતં તે. ।। 35 ।।

કલ્પાન્ત કાલ પવનોદ્ધત વહિ્ન કલ્પં,
દાવાનલં જ્વલિત મુજ્જવલમુત્સ્ફુલિંગમ્;
વિશ્વં જિઘત્સુ મિવ સંમુખ માપતન્તં,
ત્વનામ કીર્તન જલં શમયત્ય શેષમ્. ।। 36 ।।

રક્તેક્ષણં સમદ કોકિલ કંઠ નીલં,
ક્રોધોદ્ધતં ફણિન મુત્ફણ માપતન્તમ્;
આક્રામતિ ક્રમ યુગેન નિરસ્ત શંક,
સ્ત્વન્નામ નાગ દમની હૃદિ યસ્ય પુંસઃ. ।। 37 ।।

વલ્ગત્તુરંગ ગજ ગર્જિત ભીમ નાદ-
માજૌ બલં બલવતા મપિ ભૂપતીનામ્;
ઉદ્યદિવાકર મયૂખ શિખા પવિદ્ધં,
ત્વત્કીર્તનાત્તમ ઈવાશુ ભિદા મુપૈતિ. ।। 38 ।।

કુન્તાગ્ર ભિન્ન ગજ શોણિત વારિ વાહ,
વેગાવતાર તરણાતુર યોધ ભીમે;
યુદ્ધે જયં વિજિત દુર્જય જેય પક્ષા-
સ્ત્વત્પાદ પંકજ વના શ્રયિણો લભન્તે. ।। 39 ।।

અમ્ભોનિધૌ ક્ષુભિતભીષણ નક્ર ચક્ર,
પાઠીન પીઠ ભયદોલ્બણ વાડવાગ્નૌ:;
રંગત્તરંગ શિખર સ્થિત યાન પાત્રા,
સ્ત્રાસં વિહાય ભવતઃ સ્મરણાદ્ વ્રજંન્તિ. ।। 40 ।।

ઉદભૂત ભીષણ જલોદર ભાર ભુગ્નાઃ,
શોચ્યાં દશામુપગતાશ્ર્વયુત-જીવિતાશાઃ;
ત્વત્પાદ પંકજ રજોડમૃત દિગ્ધ દેહા,
મર્ત્યા ભવન્તિ મકર ધ્વજ તુલ્ય રૂપાઃ. ।। 41 ।।

આપાદ કંઠમુરુ શૃંખલ વેષ્ટિતાંગા,
ગાંઢં બૃહન્નિગડ કોટિ નિઘૃષ્ટ જંઘાઃ;
ત્વન્નામ મન્ત્ર મનિશં મનુજાઃ સ્મરન્તઃ
સદ્યઃ સ્વયં વિગત બન્ધ ભયા ભવન્તિ. ।। 42 ।।

મત્ત દ્વિપેન્દ્ર મૃગરાજ દવાનલાહિ-,
સંગ્રામ વારિધિ મહોદર બન્ધનોત્થમ્;
તસ્યાશુ નાશ મુપયાતિ ભયં ભિયેવ,
યસ્તાવકં સ્તવ મિમં મતિમાન ધીતે. ।। 43 ।।

સ્તોત્ર સ્રજં તવ જિનેન્દ્ર ! ગુણૈ ર્નિબદ્ધાં,
ભક્ત્યા મયા રુચિર વર્ણ વિચિત્ર પુષ્પામ્;
ધત્તે જનો ય ઈહ કંઠ ગતા મજસ્રં,
તં માનતુંગ મવશા સમુપૈતિ લક્ષ્મીઃ. ।। 44 ।।

નવકારવાળીમાં માળામાં ૧૦૮ મણકા શા માટે ?

AAA

|| નવકારવાળીમાં માળામાં ૧૦૮ મણકા શા માટે ? ||

પ્રભુના નામસ્મરણ માટે માળા કરવામાં આવે છે. પ્રત્યેક ધર્મમાં માળા તો હોય જ છે.

રુદ્રાક્ષની માળા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સામાન્ય રીતે પંચમુખી રુદ્રાક્ષની માળાનો જાપ માટે ઉપયોગ કરવો જોઈએ.
નવકાર મંત્રની સાધનામાં સાધકોને આગળ વધવા માટે માળા કે જેને આપણે નવકારવાળી કહીએ છીએ એનું ભારે મહત્વ છે. નવકાર મંત્રની સાધના કરનારે રોજ અમુક પ્રકારનો જાપ કરવાનો હોય છે. એની સંખ્યા ૫૦૦થી ઓછી હોતી નથી. આટલા મોટા જાપની ગણના કરમાળાથી કરવાનું કામ કપરું છે અને એમાં ભૂલ થવાનો સંભવ પણ છે. તેથી એના માટે માળા-નવકારવાળીનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતના લગભગ બધા જ ધર્મોમાં પ્રભુસ્મરણ તથા મંત્રજાપ કરવા માટે માળાનો સ્વીકાર થયો છે. આથી એ વાતની તો અવશ્ય પ્રતીતિ થાય છે કે ઇષ્ટ-સ્મરણ કે મંત્રજાપ માટે માળા એક અત્યંત ઉપયોગી સાધન છે.

આ માળા-નવકારવાળી ૨૭ મણકાની, ૩૬ મણકાની અને ૧૦૮ મણકાની હોય છે. એમાં ૧૦૮ મણકાની માળા-નવકારવાળી સર્વ કાર્ય સિદ્ધ કરનારી મનાય છે. જૈન શાસ્ત્રકારોએ આ ૧૦૮ મણકાની માળા-નવકારવાળીને જ પસંદગી આપી છે.

માળા-નવકારવાળીમાં ૧૦૮ મણકા હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ માળા-નવકારવાળીમાં ૧૦૮ મણકા શા માટે ? એનો ઉત્તર જૈન શાસ્ત્રકારો આપે છે કે નવકાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. પંચ પરમેષ્ઠી ભગવંતોના મુખ્ય ગુણ ૧૦૮ છે; જેમાં શ્રી અરિહંત પરમાત્માના ૧૨ ગુણ, શ્રી સિદ્ધ પરમાત્માના ૮ ગુણ, શ્રી આચાર્ય ભગવંતના ૩૬ ગુણ, શ્રી ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણ અને શ્રી સાધુ ભગવંતના ૩૬ ગુણ, શ્રી ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણ અને શ્રી સાધુ ભગવંતના ૨૭ ગુણ મળીને કુલ ગુણોનો સરવાળો ૧૦૮ થાય છે. શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોના ૧૦૮ ગુણ હોવાથી આપણી માળા-નવકારવાળીમાં મણકા પણ ૧૦૮ રાખવામાં આવ્યા છે. આપણા પરમોપકારી એવા શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોના ૧૦૮ ગુણોને યાદ રાખવા નીચેનું ચૈત્યવંદન ખૂબ જ ઉપયોગી છે:

બાર ગુણ અરિહંત દેવ, પ્રણમી છે ભાવે
સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુ:ખ દોહગ જાવે
આચારજ ગુણ છત્રીસ, પચવીશ ઉવજ્ઝાય
સત્તાવીસ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય
અષ્ટોત્તર શત ગુણ મળી, એમ સમરો નવકાર
ધીરવિમલ પંડિત તણો, નય પ્રણમે નિત સાર

આમ પાંચ પરમેષ્ઠીના ગુણો ૧૦૮ છે અને એનો સરવાળો પણ ૯ થાય છે અને નવકાર મહામંત્રનાં પદ પણ ૯ છે. ૯નો અંક એ પૂર્ણ સંખ્યા છે એટલે આ પૂર્ણ સંખ્યાનો વિસ્તાર જ છે. વળી ૯નો આંકડો ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ પણ મહત્વનો છે :

૯ને ૧ વાર ૧૨થી ગુણીએ તો ૧૦૮ આવે છે.
૯ને ૨ વાર ૬થી ગુણીએ તો ૧૦૮ આવે છે.
૯ને ૩ વાર ૪થી ગુણીએ તો ૧૦૮ આવે છે.
૯ને ૪ વાર ૩થી ગુણીએ તો ૧૦૮ આવે છે.
૯ને ૬ વાર ૨થી ગુણીએ તો ૧૦૮ આવે છે.

આ ઉપરાંત ૧૦૮, ૮૧, ૭૨, ૬૩, ૫૪, ૪૫, ૩૬, ૨૭, ૧૮ વગેરે અંકનો સરવાળો ૯ જ આવે છે. આ જગમાં ૯ના અંકનો ભારે મહિમા જોવા મળે છે. નવકારનાં ૯ પદ છે. એ રીતે ગ્રહો ૯ છે. સમસ્ત સંસારને સમજવાનાં તત્વો ૯ છે, બ્રહ્મચર્યની વાડો ૯ છે. એવી જ રીતે ઠાણાંગ નામના આગમમાં આવતા ૯ના પ્રત્યેક અંક સાથે નવકાર મંત્ર ગૂઢ અને ગાઢ સંબંધ ધરાવે છે. આ ૯નો અંક શબ્દમાં ‘નવ’ લખાય છે. આ ‘નવ’ શબ્દને ઊલટાવીએ તો ‘વન’ શબ્દ થાય છે. વન એટલે જંગલ, ભયંકર અટવી કે જ્યાં કોઈ જાતની સલામતી નથી. જ્યાં સાતે પ્રકારના ભય વચ્ચે મરતાં-મરતાં જીવવું પડે છે. આ ભયંકર વનમાં કાળી ચીસો પાડતા જીવને આંગળી ઝાલીને બહાર કાઢવાની અનુપમ શક્તિ જેનામાં છે તે નવકાર મહામંત્રનાં પદ પણ ૯ છે, એ એની પરમ મંગલકારિતાનો સૂચક છે.

મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ ૧૦૮ના અંકનું ભારે મહત્વ છે. એ દૃષ્ટિએ પણ પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણોને ધ્યાનમાં રાખી માળા-નવકારવાળીમાં ૧૦૮ મણકા રાખવામાં આવ્યા હોવાનું ફલિત થાય છે. આપણું મન અતિ વિચિત્ર છે, મર્કટ સમું ચંચળ અને સ્વચ્છંદ છે. મન બાંધ્યું બંધાય એમ નથી, પણ એને પાળ્યું પળાય એમ છે. આપણા જ્ઞાની ભગવંતોએ મનની ચંચળતાને ધ્યાનમાં લઈ મનને પંચ પરમેષ્ઠીમાં જોડવા માટે ૧૦૮ મણકાની આ માળા નવકારવાળી આપણને ભેટ આપી છે એ આપણા સૌના માટે મોટા સૌભાગ્યની વાત છે.

આ માળા-નવકારવાળી ઘણા પ્રકારની આવે છે. એમાં શંખની, રત્ન્ની, સુવર્ણની, ચાંદીની, સ્ફટિકની, મણિની, પત્તાજીવની, રતાંજણિની, ચંદનની, રુદ્રાક્ષની અને સૂતરની મુખ્ય છે. એમાં સૂતરના દોરાની ગૂંથેલી માળા-નવકારવાળીને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. આ માળા-નવકારવાળીના બે છેડા બાંધતી વખતે ત્યાં ત્રણ મણકા બીજા મૂકવામાં આવે છે અથવા એક જુદી જાતનો મોટો મણકો મૂકવામાં આવે છે. એને ‘મેરુ’ કહેવાય છે. જાપ કરતી વખતે આ મેરુનું ઉલ્લંઘન કરવું નહીં એમ જૈન શાસ્ત્રકારોએ સ્પષ્ટ આદેશ આપ્યો છે. એટલે ત્યાં મંત્રજાપ કરવામાં આવતો નથી, પણ ત્યાંથી માળા-નવકારવાળીને ફેરવી લેવામાં આવે છે અને જાપનું કામ આગળ ચાલે છે.

આપણે જે માળા-નવકારવાળીના મણકે-મણકે અરિહંત, સિદ્ધ વગેરે ભગવંતોના મન દઈને જાપ કરતા હોઈએ ત્યારે આપણે આપણી દુનિયા, આપણો સંસાર ભૂલી જઈએ એ જરૂરી છે. આ જાપ દરમ્યાન આપણું મન સંપૂર્ણ પંચ પરમેષ્ઠીને સમર્પિત હોવું જોઈએ. બસ, આ જ વસ્તુને આપણે લક્ષમાં રાખીશું અને ચિત્તને જાપમાં એકાગ્ર બનાવીશું તો આપણી આ માળા-નવકારવાળી આપણા સૌ માટે અવશ્ય મુક્તિની વરમાળા બની રહેશે એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી.

જૈન માંગલિક અને શ્રી ઉવસગ્ગહરં સૂત્ર

|| જૈન માંગલિક ||

પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે દવાખાનામાં પગલા કરેલ અને માંગલિક ફરમાવેલ…..

અતિ પ્રભાવશાળી મંત્રગર્ભિત શાતાકારી આધી,વ્યાધી અને ઉપાધી નિવારક કર્મવિદારક ચમત્કારિક અતિવિશિષ્ટ પ્રાચીન જૈન માંગલિક સ્તોત્ર સ્મરણ – મંત્રોનું પઠન-પાઠન અને શ્રવણ કરવાથી શારીરિક – માનસિક, આધ્યાત્મિક, પારિવારિક અને વ્યાપારિક લાભો થતા હોય છે.

ચત્તારિ મંગલં – ચાર પ્રકારના માંગલિક આ પ્રમાણે છે
અરિહંતા મંગલં – અરિહંત દેવો માંગલિક છે
સિધ્ધા મંગલં – સિધ્ધ ભગવાનો માંગલિક છે
સાહૂ મંગલં – સાધુ સાધ્વી માંગલિક છે
કેવલિ પન્નતો ધમ્મો મંગલં – કેવળીનો પ્રરૂપેલો ધર્મ માંગલિક છે
ચત્તારી લોગુત્તમા – લોકમાં ચાર ઉત્તમ છે
અરિહંતા લોગુત્તમા – અરિહંત દેવો લોકમાં ઉત્તમ છે
સિધ્ધા લોગુત્તમા – સિધ્ધ ભગવાન લોકમાં ઉત્તમ છે
સાહૂ લોગુત્તમા – સાધુ સાધ્વીઓ લોકમાં ઉત્તમ છે
કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા – કેવળીનો પ્રરૂપેલો ધર્મ લોકમાં ઉત્તમ છે
ચત્તારી શરણં પવજ્જામિ – આ ચાર શરણને અંગીકાર કરું છું
અરિહંતે શરણં પવજ્જામિ – અરિહંતનું શરણ અંગીકાર કરું છું
સિધ્ધે શરણં પવજ્જામિ – સિધ્ધ ભગવંતોને શરણ અંગીકાર કરું છું
સાહૂ શરણં પવજ્જામિ – સાધુ સાધવીહજીઓનું શરણ અંગીકાર કરું છું
કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ – કેવળીનો પ્રરૂપેલ ધર્મ શરણ અંગીકાર કરું છું

એ ચાર મંગળ, ચાર ઉત્તમ, ચાર શરણા, કરે જેહ,
ભવ સાગરમાં તરશે તેહ, સકળ કર્મનો આણે અંત, મોક્ષ
તણાં સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે
જીવ તરીને મોક્ષે જાય, સંસાર માંહી શરણાં ચાર,
અવર ન શરણું કોઈ જે નરનારી આદરે, તેને અક્ષય
અવિચળ પદ હોય, અંગુઠે અમ્રુત વસે, લબ્ધ તણા ભંડાર,
ગુરુ ગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર
ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન
ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન

============================

1

   શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર
||  શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર નો જન્મ કેવી રીતે થયો ? ||
ઉવાસગ્ગરાહમ સ્તોત્ર ૨,૧૦૦ વર્ષ પહેલાં શ્રી ભદ્રાબાહુ સ્વામી દ્વારા સર્જન થયુ હતુ.  શ્રી ભદ્રાબાહુ સ્વામી ઍક શક્તિશાળી અને વિદ્વાન જૈન સાધુ હતા વારાહમિહિર, શ્રી ભદ્રાબાહુ સ્વામી ના ભાઈ હતા અને ઍ પણ ઍક  શક્તિશાળી અને વિદ્વાન જૈન સાધુ હતા. શ્રી ભદ્રાબાહુ સ્વામી આચાર્ય પદ મળે અને વધુ આદર મળે તે વારાહમિહિર સહન કરી સક્તા નહતા. આથી વારાહમિહિર જૈનો અને સમગ્ર  જૈન ધર્મ સાથે ગુસ્સે થઈ ગયા હતા.
વારાહમિહિર  માટે આવુ માનવમા આવે છે ક મૃત્યુ પછી “વ્યંતર દેવ” બની ગયા અને પૃથ્વીને પર જૈનો ઉપર પીડા આપવાનુ શરૂ કરી દીધુ. તેમના ભાઈ શ્રી ભદ્રાબાહુ સ્વામી તરફ તેમની ઈર્ષ્યા અને ક્રોધ, ઘણા જૈનો ને વિનાશ તરફ ધકેલી દીધા હતા.
આવા મુશ્કેલ સમયે લોકોને મદદ માટે શ્રી ભદ્રાબાહુ સ્વામી સંપર્ક કર્યો.  શ્રી ભદ્રાબાહુ સ્વામી ઍ ૨૩ મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ ને આદર આપવા અને ઉપ્સર્ગ્સ બનાવવા તેના મદદ લીધી અને ઉવાસાગરહમ સ્તોત્ર ની રચના કરી.  “ઉવાસાગરહમ” નો અર્થ અપસુવર્જ્સ નાશ કરનાર થાય છે.
જ્યારે પણ આ સ્તોત્ર સંપૂર્ણ એકાગ્રતા સાથે વચવા મા આવે છે ત્યારે અર્ધ દેવતાઓ ને પૃથ્વી પર આવુ પડે છે.  આ સ્તોત્ર તેના મૂળ સ્વરૂપમાં તે ખૂબ જ શક્તિશાળી હતો . ટૂંક સમયમાં લોકો આ સ્તોત્ર નો નાની વસ્તુઓ અને નાનો સામગ્રી ઈચ્છા માટે વધુ પડતો ઉપયોગ શરૂ કરી દીધો હતો.  એ દુરૂપયોગ  ના ડરથી સ્તોત્ર એક ગાથા નાબૂદ કરવામાં આવી હતી. આજે, ઍ સ્તોર્ત્ર ની એક કડી ઓછી છે, તેમ છતાં તે હજુ પણ ગૌરવ નુ સ્થળ ધરાવે છે અને બીજી કોઇ પણ પ્રાર્થના કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે.
ઉવાસગ્ગહરામ સ્તોત્ર, સંપૂર્ણ વિશ્વાસ સાથે પાઠ કરવા મા આવે તો અવરોધો અને મુશ્કેલીઓ દૂર કરે છે.   આ સ્તોત્ર ૨૩ મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ માટે પ્રાર્થના છે. ઉવાસગ્ગહરામ સ્તોત્ર જાપ માટે પૂર્વ કે ઉત્તર દિશામા સામે બેસી અને પદ્માઆસન બેઠક દરમિયાન આ સ્તોત્ર પાઠ કરવા જોઇએ.
|| શ્રી ઉવસગ્ગહરં સૂત્ર ||

ઉવસગ્ગહરં પાસં, પાસં વંદામિ, કમ્મધણ મુક્કં;
વિસહર વિસ નિન્નાસં, મંગલ-કલ્લાણ-આવાસં.
વિસહરફુલિંગ મંતં, કંઠે ધારેઈ જો સયા મણુઓ;
તસ્સ ગહ રોગ મારી, દુઠ્ઠ જરા જંતિ ઉવસામં.

ચિઠ્ઠઉ દૂરે મંતો, તુજ્ઝ પણામોવિ બહુફલો હોઈ;
નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુક્ખ દોહગ્ગં.
તુહ સમ્મ્તે લદ્ધે, ચિંતામણિ કપ્પપાય વબ્ભહિએ;
પાવંતિ અવિગ્ઘેણં, જીવા અયરામરં ઠાણં.
ઇઅ સંથુઓ મહાયસ! ભત્તિભર નિબ્ભરેણ હિયએણ;
તા દેવ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ- જિણચંદ.

ગાથાર્થ:

ઉપસર્ગો(વિઘ્નો) ને નિવારનારા, પાર્શ્વયક્ષ જેમની નિકટ છે એવા અથવા ભક્તોની સમિપ રહેનાર(ઘાતિ) કર્મના સમુદાયથી મુક્ત, સર્પવિષનાશક, મંગળ અને કલ્યાણના ધામરૂપ એવા શ્રી પાર્શ્વપ્રભુને હું વંદન કરું છું. વિસહર સ્ફુલિંગ નામના મંત્રને જે મનુષ્ય સદા કંઠે ધારણ કરે(નિરંતર જાપ કરે) તેનાં વિપરિત ગ્રહો, રોગો, મરકી, ભયંકર તાવ આદિ શાંત થઈ જાય છે. એ મંત્ર તો દુર રહો, પણ અમને કરવામાં આવેલ પ્રણામ પણ ધણા ફળને આપનારો છે. જેથી મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો પણ દુ:ખ અને દુર્દશા નથી પામતા.

ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ આધિક આપનું સમ્યક્ત્વ પ્રાપ્તથયે છતે જીવો સહેલાઇથી મોક્ષને પામે છે. એ રીતે હે મહાયશસ્વી! પાર્શ્વ જિનચંદ્ર! મેં તમારી સ્તુતિ ભક્તિ પૂર્ણ હ્રદયથી કરી, તો હે દેવ! મને ભવોભવ આપનું સમ્યક્ત્વ આપો.

ભાવાર્થ:

આ સ્તોત્રમાં શ્રી પાર્શ્વપ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. તથા પાર્શ્વપ્રભુના નામયુક્ત ‘વિસહર ફુલિંગ’ મંત્રનું અને તેમને કરાયેલા પ્રણામનું માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. તેમજ સમ્યક્ત્વ માંગવામાં આવ્યું છે. શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામિએ પોતાના ભાઈ વરાહમિહિરે કરેલા મરકીના ઉપદ્રવને શાંત કરવા આ સ્તોત્રની રચના કરી છે.

મિચ્છામી દુક્કડમ

3   

||મિચ્છામી દુક્કડમ||

|| શ્રી પર્યુષણ મહાપર્વનું હાર્દ – મિચ્છામી દુક્કડમ (ક્ષમાપના) ||

ધ = ધરા. મ = મનુષ્ય. ધરતી પરના મનુષ્યને ઊર્ધ્વગમન કરાવે તે ધર્મ. ધર્મેણ હીના પશુભિઃ સમાના । સામાન્ય માનવી ઓછામાં ઓછા આઠ વર્ષમાં આઠ દિવસ પણ ધર્મની આરાધના કરે તે હેતુથી મહાપુરુષોએ શ્રી પર્યુષણ મહાપર્વનું આયોજન કર્યું છે. આ દિવસોમાં અર્થ અને કામરૃપી પુરુષાર્થને તિલાંજલિ આપી માત્ર ધર્મની આરાધના હોય છે. પરિ = ચારેબાજુથી ઉષ = વસવું. ચારેબાજુથી આત્માની સમીપ રહેવાનો પ્રયત્ન કરવાનું પર્વ એટલે પર્યુષણ. એક અભ્યાસમાં પર્યુષણ પર્વને ‘દશ લક્ષણ પર્વ’ તરીકે ઉજવવામાં આવે છે. ક્ષમા વિનય, સરળતા, સંતોષ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય વગેરે ગુણો આપણો (આત્માનો) સ્વભાવ છે. વર્તમાનમાં એથી વિપરીત ગુણો (વિભાવભાવો)ને કારણે આપણો સ્વભાવ ભાવ ઢંકાઈ ગયો છે. પર્યુષણ મહાપર્વમાં આત્મિક ગુણો પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પર્યુષણ પર્વ દરમિયાન અમારી પ્રવર્તન, પરમાત્માની પૂજા-ભક્તિ, ચૈત્યવંદન, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન જેવાં કર્તવ્યો બજાવવાં આવશ્યક છે. આ પર્વ દરમિયાન આત્મવિશુદ્ધિ અર્થે સાધકો પોતપોતાની શક્તિ અનુસાર તપની આરાધના કરે છે. લોકોત્તર એવા પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવામાં આવ્યું છે તે યોગ્ય જ છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે ‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.’ આ મહાપર્વ દરમિયાન જીવનમાં સદ્ગુણોનો સરવાળો અને દુર્ગુણોની બાદબાકી કરવાનો ઉગ્ર પુરુષાર્થ કરવાનો છે.

શ્રાવણ સુદ બારસથી ભાદરવા સુદ ચોથ કુલ ૮ દિવસ ઉજવાતાં મહાપર્વનો અંતિમ દિન એટલે સંવત્સરી. (દિગંબર આમ્નાયમાં કુલ ૧૦ દિવસ આ પર્વ ઉજવાય છે.) સંવત્સરીના દિવસે વર્ષ દરમિયાન મન-વચન-કાયાથી કોઈપણ જીવને દુભવ્યા હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા માગવામાં આવે છે તથા ક્ષમા આપવામાં આવે છે. જૈન ભાઈ-બહેનો એકબીજાને મિચ્છામિ દુક્કડમ્ (મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ, મારા દુષ્કૃત્યોની માફી માગું છું) પાઠવે છે. જો કોઈ જીવ સાથે વેર બંધાયું હોય અને મોડામાં મોડું સંવત્સરીના દિવસે (એક આમ્નાય મુજબ છ મહિના) ક્ષમાયાચના કરવામાં ન આવે તો તે વેર અનંત સંસારનું કારણ બને છે.

”બેઉ કર જોડી નમી પડો, મૈત્રી તણા શુભ નાદમાં,
માગો અને આપો ક્ષમા, અંતરતણા એ સાદમાં”

ક્ષમાનો વિરોધી દુર્ગુણ ક્રોધ છે. ક્રોધોન્મૂલં અનર્થા ઃ । અર્થાત્ ક્રોધ એ અનર્થોનું મૂળ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કામ, ક્રોધ તથા લોભને નરકના દ્વાર કહ્યાં છે. ક્રોધ એ કષ્ટોનો સાગર છે અને ભયંકર જ્વાળામુખી છે કે જે માનવીનું સત્ત્વ બાળી નાખે છે. ક્રોધરૃપી નશો સર્વ પ્રકારે અનર્થ કરે છે. જૈનધર્મમાં ક્રોધને કષાય અંતર્ગત ગણેલ છે. ક્રોધને કારણે માનવી વર્ષોથી જાળવી રાખેલા સંબંધોને ક્ષણવારમાં નષ્ટ કરી દે છે તો વર્ષોથી જાળવેલી પ્રતિષ્ઠા પર પાણી ફેરવી દે છે, પરિવારની શાંતિને હણી નાખે છે, આરોગ્યનો નાશ કરી અનેક રોગોનો ભોગ બને છે અને પોતાના શત્રુગણને વધારી દે છે. વાલ્મિકીએ રામાયણમાં કહ્યું છે કે ક્રોધ એ પ્રાણઘાતક શત્રુ છે, તે ઉપરથી મિત્ર જેવો પણ અંદરથી ભયંકર વૈરી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ક્રોધથી માનવીનું કેવી રીતે પતન થાય છે તે દર્શાવતાં કહ્યું છે,

ક્રોધાદભવતિ સંમોહઃ સંમોહાત્ સ્મૃતિવિભ્રમઃ ।
સ્મૃતિભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ।।

માનવી પર ક્રોધ સવાર થાય ત્યારે તે સાર-અસારનો વિવેક ભૂલી જાય છે અને અયોગ્ય વર્તન કરવા લાગે છે. પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે જ્યારે ક્રોધ કરીએ ત્યારે શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે કે જેનાથી શરીરમાં અનેક રોગો ઉદ્ભવે છે. ક્રોધ કરવાથી અલ્સર, હાઈપર ટેન્શન, હાર્ટએટેક જેવા રોગોની શક્યતા વધી જાય છે. ઉપરાંત આત્મા પાપકર્મોથી લેપાય છે.

પર્યુષણ પર્વ તે ક્ષમાનું પર્વ છે. તૂટેલા દિલ ક્ષમાપનાથી જ જોડાઈ શકે છે. ”ક્ષમા છે વીરોનું ભૂષણ, કરે છે કર્મોનું શોષણ, ઉજવીએ સાચા પર્યુષણ.”

ભગવાન મહાવીર, ભગવાન પાશ્વૅનાથ, ગજસુકુમાર, સુકોશલ મુનિ, ભગવાન રામ, પાંડવો તથા ઈશુ ખ્રિસ્ત ક્ષમાના ઉત્તમ દૃષ્ટાંતો છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, ”ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. તેમ નવું વૈર વધારીશ નહિ, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાાનીઓ કરે છે.”ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે.

ક્ષમાપના એટલે વેરનાં વળામણાં, વેર-વિરોધનો બહિષ્કાર, કોઈપણ જીવ પ્રત્યે અંતરમાં રહેલા દ્વેષનો ત્યાગ, હૃદયરૃપી અરીસા ઉપર લાગેલા ક્રોધરૃપી પડદાનું અનાવરણ, વિશ્વવંદ્ય બનવા માટેનું પ્રથમ સોપાન. દુશ્મનને પણ દોસ્ત બનાવે તેનું નામ ક્ષમા. દિલની ઉદારતા તેનું નામ ક્ષમા.

ક્ષમાપના એ આત્માનો ઉજાસ છે તેનું નામ ક્ષમા. પ્રગતિની પગદંડી છે, સદ્ગુણોની સરિતા છે. મૈત્રીભાવનું ઝરણું છે, કરુણાભાવનું કલ્યાણકારી કાવ્ય છે અને ઉરનું અમૃત છે.

અપરાધીને પણ પ્રેમથી સાધી લે, તેનું નામ ક્ષમા. કોઈના અપરાધ અંતરમાં ન કરે જમા એનું નામ ક્ષમા.

પર્યુષણ પર્વ દરમિયાન સાચી ક્ષમાપના દ્વારા અંતરશુદ્ધિનો પ્રયાસ કરીએ તેવી અભ્યર્થના.

 

108 શ્રી પાર્શ્વનાથ ભગવાન તીર્થ દર્શન

8765432 A

|| 108 શ્રી પાર્શ્વનાથ ભગવાન તીર્થ દર્શન ||

૧. શ્રી નવસારી પાર્શ્વનાથ ભગવાન, નવસારી : નવસારીના છો નાથ પારસ નામ તુજ ચિંતામણી, વરતા જનો કામિત કૃપાથી આપની સોહામણી; સારક તમે સેવક તણા વારક વિભાવોના સદા, રીજો પ્રભુ મુજ ઉપરે જેથી વરું શિવસંપદા…..

૨. શ્રી ઉંમરવાડી પાર્શ્વનાથ ભગવાન, સુરત : હે ઉમ્રવાડી પાર્શ્વ ! ખાસ પ્રભાતમાં પ્રાર્થું તને, શુભ સત્ય ઉમ્રજનક વિભો મુજ આત્મ જન્મ દીયો મને; વાતો કરી હરખાઉં તારી સાથ બસ એ યાચના, જેથી હું પામુ સત્વ છાંડું તત્વથી સુખ કાચના…..

૩. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન, સુરત : હે પાર્શ્વ ! સહસ્ત્રફણા સુશોભિત આપ ખડ્ગાસન ધણી, મૂરતિ અજાયબ વિશ્વમાં પરચાપ્રદા પારસમણી; જે ભક્ત નીરખે તાસ જીવને સર્વદા નંદનવની, જિમ કમઠ પ્રતિ કરૂણા કરી તિમ આપજો સંજીવની….

૪. શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ ભગવાન, સુરત : હે પાર્શ્વ ! દુ:ખભંજન તમારું નામ સાર્થક જાણતો, તુજ ભક્તિથી સહુ દુ:ખ રહિત પળને હું પુણ્યે માણતો; તેથી પ્ર્ભાતેદોડી દોડી આવતો તુજ દર્શને, વાંદી વરું સુવિચાર સંધી આપના શુભ સ્પર્શને…..

૫. શ્રી સૂરજમંડણ પાર્શ્વનાથ ભગવાન, સુરત : હે સુરજમંડન પાર્શ્વનામ સુહંકરું તુજ સર્વને, તુજ દર્શયોગે માણતાં સૌ ભક્ત જીવન પર્વને; આનંદ ને કલ્યાણકારી સંપદાપ્રદ આપની, નિષ્ઠા ધરી મેં નાથ પીડા ટાળજે ભવતાપની….

૬. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ ભગવાન, રાંદેર : હે સર્વ વિઘ્ન વિદારનારા વિઘ્નહર પારસ પ્રભો, રાંદેર તીરથે રાજતા વરદાનના દાતા વિભો; ઝંખી રહી મુજ ચેતના અબ હાથ મારો ઝાલજો, ભવનાં ભયાનક વિઘ્ન ટાળી શિવસદનમાં પાળજો…..

૭. શ્રી કલ્હારા પાર્શ્વનાથ ભગવાન, ભરૂચ : કલ્યાણકર કલ્હારનામા પાર્શ્વને પ્રણમી પ્રગે, જે ભક્ત નિજ કારજ કરે તે હોય વિખ્યાતા જગે; એવો પ્રચંડ પ્રભાવ તારો પામવા મન થનગને, સદ્યોગ પુણ્ય પ્રયોગપ્રદ સિદ્ધિ પમાડોને મને….

૮. શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન, ગંધાર : અમૃત ભરેલી આપ અખીયા જોવતાં અખીયા ઠરી, મીટ્યા બધાયે દોષ મારા આંખ ગુણદ્ર્ષ્ટિ વરી; જન્મ ભયો મુજ સફળ આજે, આપ દર્શ પ્રયોગથી, રાત્રી વીતી ઉગી ઉષા ગંધારભૂષણ યોગથી….

૯. શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ ભગવાન, ડભોઈ : દર્ભાવતીના નાથ હે પ્રગટ પ્રભાવી તુ જ્યો, ભાવઠ બધી ભવની નિવારક તુમ થકી દિલ ઉમહ્યો; વણજાર સર્વ વિકારની નાઠી પ્રભાવે તાહરા, તીર્થાધિરાજ હું તુમ કને માંગુ દીયો સુખ માહરા…..

૧૦. શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાન, ડભોઈ : હે પાર્શ્વ લોઢણ પ્રભુ તમે છો સર્વ સમયે જાગતાં, વાંછિત સુખો મન ધારી ભવિ સૌ આપ ભક્તે લાગતા; સાચા સનેહે આપ કેરા સર્વ સંપદ પાવતા, તેથી પ્રભો ! શિવ હેત સેવક આપના ગુણ ગાવતા…..

૧૧. શ્રી વિમલ પાર્શ્વનાથ ભગવાન, છાણી : છે પાર્શ્વ નિર્મલકાર સાચુ વિમલ નામ તુમારડુ, છાયાપુરીના સ્વામ શુદ્ધિ હેત તુજ પાયે પડુ; ભૂલ્યો કદીયે ના ભૂલે જ્યું બાળ નિજ મા-બાપને, યાદો સતાવે તુમ તણી તિમ ના ભૂલું કદીયે તને…..

૧૨. શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન, ખંભાત : હે પાર્શ્વ ! તુજ દર્શન તણી ઈચ્છા થકી પણ ભક્તને, માસક્ષમણનું ફળ મળે જિન ! તુજ પ્રભાવે રક્તને; છો પુણ્યગુણ સ્તંભિતકરા સ્તંભન તમારું નામ છે, મુજ આત્મગુણ વિકસાવવા બસ એક તારું કામ છે….

૧૩. શ્રી કંસારી પાર્શ્વનાથ ભગવાન, ખંભાત : આત્મરિપુ અઘ કંસના વિઘ્નાપહારી આપથી, હે પાર્શ્વ કંસારી પ્રભો ! સાન્વર્થ અભિધોલ્લાપથી; ઘાતિ અઘાતિ સર્વ મુજ પાપો અનાદિના ટળે, હો ટેક તારી એક ઝટ જીવ આપને શિવમાં મળે……

૧૪. શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન, ખંભાત : ત્રિરત્નદાતા રત્નચિંતામણ અભિધા પાસનું, છે બિંબ અનુપમરૂપ હેતુ આત્મઘટ ઉજાસનું; મુજ નયનથી નિરખી તને હું નિર્વિકારી દશા ચહું, ખંભાત સ્વામ તને જુહારી પુણ્ય પ્રગતિ હું લહું……

૧૫. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન, ખંભાત : ખંભાતમાં ઉદિત થયો શુભ ચંદ્ર દોષ નિવારકો, શ્રીકાર પારસ સોમ ચિંતામણ અભિધા સારકો; પદ્માવતી પરચા પૂરે પ્રભુ આપ સેવક લોકને, મેં પણ જુહાર્યો સ્નેહથી મહેરે મને અવલોકને…..

૧૬. શ્રી ભુવન પાર્શ્વનાથ ભગવાન, ખંભાત : હે ભુવન પારસનાથ ત્રિભુવનમા ગવાતા છો તમે, સમરે સદા જે નામ તારું તાસ આપદ ઉપશમે; નવ ખંડ ધારક આપ યોગ અખંડ સુખકારક સદા, ત્રંબાવતીના નાથ રહેજો મુજ હ્રદયમાં સર્વદા…..

૧૭. શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન, ખેડા : ખેટકપુરે વાત્રક કિનારે તીરથ તારુ શોભતું, હે પાર્શ્વ ભીડભંજન પ્રભો ! ભક્તો તણું મન લોભતું; ભાંગે સદાયે ભીડ સઘળી નામ સાર્થક આપનું, ભવભીડહર મુજ હેત અબ ઝટ ખોલ શિવનું બારણું…..

૧૮. શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન, અમદાવાદ : શ્યામળ તમારું રૂપ પણ ઉજ્જવળ કરે સૌ દાસને, શ્યામળ તમારું નામ પણ પૂરણ કરે સૌ આશને; હે રાજનગરી પાર્શ્વ ! અબ પાવન કરો મુજ શ્વાસને, પૂજન કરું પૂરણ થવા હિયડે ધરી વિશ્વાસને…..

૧૯. શ્રી મુલેવા પાર્શ્વનાથ ભગવાન, અમદાવાદ : પરગટ પ્રભાવધરા પ્રભો વિનવું તને હું વળી વળી, મુજપે કરો કીરપા મુલેવા પાર્શ્વ જિનવર એટલી; છો કરણપંચક ગુણરૂપા હો કરણપંચક ગુણકરા, કર્ણાવતીના નાથ વંદન આપને કરું અઘહરા…..

૨૦. શ્રી હ્રિંકાર પાર્શ્વનાથ ભગવાન, અમદાવાદ : હ્રિંકારમાં ધરણેન્દ્ર પદ્માપૂજિત પાર્શ્વ મનોહરૂ, હ્રિંકારનામા નાથ બિંબ અનૂપ તુજ વિશ્વંભરૂ; છે શ્યામ કાંતિ આપની મહા મોહ વિષહર તું મણિ, જીવ જીવનકારક રાજનગરે સ્વામ તું સંજીવની……

૨૧. શ્રી સુખસાગર પાર્શ્વનાથ ભગવાન, અમદાવાદ : છો સુખતણા સાગર પ્રદાતા, નામ તુજ સુખસાગરૂ; સઘળાંય સુખ દેવા સહારો, બિંબ તુજ ઉજાગરૂ, સાર્થક તમારું નામ પારસ, પલક પણ વિસરાય ના; શોધ્યો જડે ના ખલકમાં, તો સમ સુખાકર છાય ના….

૨૨. શ્રી પદ્માવતી પાર્શ્વનાથ ભગવાન, નરોડા : પદ્માવતી પરચા પૂરે, અહોનિશ તુજ ભકતો પ્રતિ; તેથી જ પદ્માવતી અભિધા પાર્શ્વ તુજને નતિ તતિ, નગરી નરોડા ભૂષણ ભાવઠ ભાંગ મારી ભવ તણી; મુજ રાગદ્વેષના દંદ હરણી, કર કૃપા ચિંતામણી….

૨૩. શ્રી મુહરી પાર્શ્વનાથ ભગવાન, ટીંટોઈ : દુ:ખદુરિય ખંડણ પાસ મુહરી, ઈમ કહી થુણતા ગણી; હે પાર્શ્વ ગૌતમ સ્વામ ગુંથે નામ જગચિંતામણી, દર્શન તમારું દોહિલુ, ના મહેર મહોર વિના મળે, તુજ દર્શની લહેરે ભવિકની આપદા સઘળી ટળે……

૨૪. શ્રી પોસીના પાર્શ્વનાથ ભગવાન, નાના પોશીના : ફરકે ધ્વજા આગાહી કરતી, તુજ શિખર પર સર્વદા; આવી રહ્યો યાત્રિક થઈને, સ્થિર તે કેહતી મુદા, ચમકાર તુજ ચાતક નજરથી દેખાવા સ્ફુર આવતા; પોસીન પારસનાથ જોતા નજર હર્ષ ના માવતા…..
૨૫. શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ ભગવાન, મોટા પોશીના : પોસીન મોટા તીરથનાયક, નામ તુજ લલચામણું; વિઘ્નાપહારી સર્વ વિઘ્ન, વિદારવા તુજ આગણું, હે પાર્શ્વ ! એક જ વિઘ્ન અપહારી કરમનું આપજો; મુજને સ્વભાવદશા સુખંકર, નામ સાર્થકતા ભજો…

૨૬. શ્રી સ્ફુલ્લિંગ પાર્શ્વનાથ ભગવાન, વિજાપુર : ગ્રહરોગ મારી દોષનાશક, સર્વ દુ:ખહારક તમે; સ્ફુલિંગ પારસનાથ તારા, નામથી આપદ શમે, વિદ્યાપુરે વિખ્યાત તીરથધામ સ્વામ કૃપા કરો; આગ્રહ અને સંગ્રહ તણી, વૃત્તિ નિવારી ભવ હરો……..

૨૭. શ્રી નાગફણા પાર્શ્વનાથ ભગવાન, વિહાર : નાગેન્દ્ર નિજ સગ ફેણધારી, શિર ઉપર સેવા કરે; હે પાર્શ્વ નાગફણા કૃપાથી, આપ શિવમેવા વરે, ભેટે ભવિક ભાવે તને, તુજ તીર્થધામ વિહારમાં; પ્રણમી કહુ મુજ સપ્તભય, નાશક દીયો મુક્તિ રમા…..

૨૮. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન, વીસનગર : કલિકાળમાં પણ આણ તુજ, કલ્યાણપદ જાવા ભલી; કલ્યાણ પારસનાથ મૂરત, આપની પુણ્યે મળી, હે વિસનગરના નાથ તુજ શ્વેતાંગ જોતા દિલ ઠરે; દુર્ધ્યાન ટાળી હ્રદય ધારા, ધર્મની નિશ્વે વરે….

૨૯. શ્રી મનોરંજન પાર્શ્વનાથ ભગવાન, મહેસાણા : હે નાથ ! મૂરત આપની, ભયભંજણી મનરંજણી; અધ્યાતમ શિખર પામવા, આરોહણી ભવગંજણી, શુભ સેતતિપામી પસાયે, આપ નૃપ આશા ફળી; વંદુ મનોરંજન સુનામ્, આપ ચરણે લળી લળી….

૩૦. શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાન, સિદ્ધપુર : હે નાથ ! સિધ્દદશા તણા, સૌ સુખ દેવા આપણી; સુલતાન પારસનાથ મૂરત, આપણી સોહામણી, સુરત્રાણ પણ સુલતાની તુજ, શ્રધ્ધા થકી નિશ્ચે વર્યો; હે સિદ્ધપુર તીર્થેશ યોગે, આપના હું નિસ્તર્યો…..

૩૧. શ્રી ડોસલા પાર્શ્વનાથ ભગવાન, ધોતા-સકલાણા : સૌ પાપ ધોતા નાથ સકલાણા ભૂમિમાં શોભતા; છો સંપ્રતિ નિર્મિત પ્રભો સૌ ભકતના મન લોભતા, ઉજવળ દશાકર મુખ તમારૂં સ્મિતભર્યુ સુસ્તી હરે; હે ડોસલાભિધ પાર્શ્વ યોગે, આપના દિલડું ઠરે…..

૩૨. શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ ભગવાન, પાલનપુર : પાલ્હણપુરેશ જિનેશ છો જયકાર પ્રહલાદન પ્રભુ, આલ્હાદ પામ્યો નાથ નિરખી, આપની શોભા વિભુ, અક્ષત મુડા શત પંચ અહોનિશ, ભાવથી ભક્તો ધરે; અહો પાર્શ્વ પરચો આપનો, જાણી હ્રદય વિસ્મય વરે..

૩૩. શ્રી ભીલડીયા પાર્શ્વનાથ ભગવાન, ભીલડીયાજી : શ્રી તીર્થભીલડી નાથ પારસ, નામ ભીલડીયા મળ્યા; મહા પુણ્યનાં પરગટ પ્રભાવે, આંગણે સુરદ્રુમ ફળ્યા, નાની છંતા લ્હાણી કરે, મહા ભાગ્યની સહુ ભવ્યને; મૂરત મહોધ્યકાર ભાળી, આજ હૈયુ થનગને….

૩૪. શ્રી આનંદા પાર્શ્વનાથ ભગવાન, ઉંબરી : આનંદના દાતાર પામી, પાર્શ્વ આનંદા તને; હે ઉંબરી ભૂષણ પ્રતિ તો, વાત કરવા થનગને, ભક્તિ ભરેલું હિયડું મારું, નાથ જ્ઞાને નિહાળીને; કીરપા કરી ભવથી ઉગારો, હાથ મારો ઝાલીને…..

૩૫. શ્રી ચારૂપ પાર્શ્વનાથ ભગવાન, ચારૂપ : આષાઢી શ્રાવક ભાવથી, પડિમા ભરાવે આપની; ને પ્રાણ પૂરતો ભક્તિ કરતો, પીડ હરે ભવતાપની, તે નાથ ચિદ્રુપતા પ્રદાતા, પાર્શ્વ ચારૂપ વંદતા; ચિત્તે વરી ચમકાર યોગે, ભક્ત સહું આનંદતા…….

૩૬. શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : પંચાસરા પારસ પ્રણમતા, પુણ્યથી ધરી નેહને; ચાતક સમુ મુજ ચિત્ત ઝંખે આપ કીરપા મેહને, સહજાત્મ સુખને પામવા, અહોનિશ રહું તુજ ધ્યાનમાં, રાગે તમારા સંગ છોડ, ભવ તણો વરૂં શિવરમાં….

૩૭. શ્રી કોકા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : કોકાભિધયક પાર્શ્વ પૂજા, આપની ઉદયંકરી; પ્રહરે બીજે શંખેશ પારસ, યોગની સિદ્ધિ કરી, સંતાપ ટાળ્યો નાથ કોકા, શેઠને સમણે કહી; તિમહી નિવારો પાર્શ્વ મારા, પાપ સૌ દોષો દહી…..

૩૮. શ્રી કંકણ પાર્શ્વનાથ ભગવાન, પાટણ : વીંછુ તણા વિષને વિદારી, વિશ્વનાં વાંછિતકરા; હે વિચ્છુલાભિધ પાર્શ્વ છો, જીવના જીવન વિઘનો હરા, વિષયતણા વિષને નિવારી, નાથ નિર્વિષયી કરો; હે પાર્શ્વ કંકણ દાસના, વિશ્વાસને હ્રદયે ધરો…..

૩૯. શ્રી મહાદેવા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : મમતા પ્રભો મહાદેવ પારસ, આપની મનમાં વસી; જગમાં તું મોટો દેવ પામી, ચેતના મુજ ઉલ્લસી, હે પાર્શ્વ ! તારી ભક્તિ કરતાં, રંક પણ રાજા બને; હું પણ ચહું શિવસંપદા, સેવા કરી તારી કને…..

૪૦. શ્રી કંબોઈયા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : કંખે હ્રદય પ્રભુ માહરૂં, હે પાર્શ્વ ! તવ ચરણે ઝૂકી; બોધિ દીયો જેથી બને, ભવની સ્થિતિ મારી ટૂંકી, ઈશ્વર તને ભજતાં તજું, નશ્વર સુખો ભવત્રાસના, યાહોમ કરી કંબોઈયા, યોગે હણુ ભવ વાસના……

૪૧. શ્રી ધિંગડમલ્લ પાર્શ્વનાથ ભગવાન, પાટણ : ધિંગાણું કરતા મોહને, માર્યો તમે ક્ષણવારમાં, ગઢ તે જીત્યો શિવનો પ્રભો, પારસ તમારા પ્યારમાં, હું પણ બનીને મલ્લ ટાળું, મોહને નિશ્ચય કરી, હે પાર્શ્વ ધિંગડમલ્લ દ્યો, બળ એટલું સહેજે જરી….

૪૨. શ્રી વાડી પાર્શ્વનાથ ભગવાન, પાટણ : ચૌમુખ મંદિર ચિહું દિશે, શ્રી પાર્શ્વ વાડી શોભતા; સૌ ગુણ કુસુમની વાટિકા, ગુણ હેત મનને લોભતા, છો જન્મના વૈરી, ઝવેરીવાડ પાટણ મંડના, વામેય વાડી ! મુજ વિદારો, જનુમરણ વિડંબના……

૪૩. શ્રી નારંગા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : હે નાથ ! હસતું મુખ તમારું, નિરખતા મુજ પીડ હટે, છો સાથ અક્ષયપદ પ્રદાતા, તુજ થકી મુજ ભવ કટે, હે દેવ ! રાજ્ય વિશાળ તારું, શિવનગરનું આપજે, નારંગ પારસનાથ મુજને, નિજ હ્રદયમાં સ્થાપજે…..

૪૪. શ્રી ટાંકલા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : ચારુ તમારું રૂપ પારસ, ટાંકલા મુજને ગમે, રૂપી સ્વરૂપ તમારૂં જોતા, નિજ સ્વરૂપમાં મના રમે, તો ચરણકમળે પલપલે, હું દુ:ખ ને દોષો દળું, જીવન બનાવી તુજ ચરણયોગે તને શિવમાં મળું……

૪૫. શ્રી ચંપા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : વણકર પ્રતોલી મધ્યમાં શ્રીપત્તને સુરવૃક્ષશ્યા, ચંપક તણા સુમને પૂજાતા, પાર્શ્વ ચંપા મન વસ્યા, ચંપક શીતલ – પંચોપચારી, પૂજના પાતિક હરે, શ્રી પાર્શ્વ ચંપા વંદના કરતા બધા કારજ સરે…..

૪૬. શ્રી ગંભીરા પાર્શ્વનાથ ભગવાન, ગાંભુ : અરચા કરી રોજે રૂપૈયો, તવ પૂજારી પામતો, તો હુંફથી વટ ધારતો, ગંભીર રહી સુખ ભાળતો, નિજ ભક્તની ભીડ – ભંજના હૈ પાર્શ્વ ગંભીરા વિભો, વાંદી વદુ ગાંભીર્ય દો, મુજને જરી ગાંભુ પ્રભો…..

૪૭. શ્રી ભટેવા પાર્શ્વનાથ ભગવાન, ચાણસ્મા : ભાવે ભટેવો આજ ભેટ્યો, નગર ચાણસમાવનિ, લ્હાવો લીધો જીવન તણો, પુણ્યાઈ મુજ વાધી ઘણી, પદપહ્મ પ્રેમ – ભુવનભાનુ, દિક્ખ – શિક્ષાને વરી, પાર્શ્વેશ પેખ્યો ભવ કિનારો, સેવ તારી આદરી……

૪૮. શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન, કંબોઈ : મનમોહન મૂરત તમારી, નામ મનમોહન ધરા, કંબોઈ તીર્થપતિ પ્રભાવી, પાર્શ્વજિન ! દેજો વરા, ઉલટ ધરી વાંદ્યો તને, ઉલટું કરો મન માહરૂં, નમતો રહુ અવિરત તને, નિજ આત્મહિતને આદરૂં….

૪૯. શ્રી જોટીંગડા પાર્શ્વનાથ ભગવાન, મુંજપુર : હે મુંજપુર માલિક કરોને, દ્રષ્ટિ મુજ ઉપર અમી, ઝોટીંગ પારસનાથ ! જેથી જાય મુજ પાપો શમી, ધ્યાને ધરી તુજને પ્રભો ! બનવું હવે ઇંદ્રિયદમી, સૌ કર્મની કરૂં નિર્જરા, બસ આપના ચરણે રમી……

૫૦. શ્રી શંખલા પાર્શ્વનાથ ભગવાન, શંખલપુર : સૌ સૌખ્યની શુભ શૃંખલા, સરજાય જાસ પ્રભાવથી, તે પાર્શ્વ શંખલપુરપતિ, પ્રણમો પ્રગે સૌ ભાવથી, દીપક તણી જ્યોતી વિષે મુજ, સર્વ પાપ પ્રજાળતી, પરમા પ્રતાપી આપ મૂરત, દિવ્ય દ્રષ્ટિ આલતી……

૫૧. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શંખેશ્વર : પ્રણિધાનથી અઠ્ઠમ કરી, પ્રભુ નેમિવયણે શ્રી હરિ, પદ્મા થકી પામી તને ટાળ્યા વિઘન ને સૌ અરિ, નિજ શંખ ફુંકીને સુહાયા, મહીતલે ઈશ્વરપદે, તિમ પાર્શ્વ શંખેશ્વર મને પણ, સ્થાપજે ઝટ શિવપદે…..

૫૨. શ્રી ગાડલીયા પાર્શ્વનાથ ભગવાન, માંડલ : માંજે અવિરત મોહને વળી, આંખને આંજી રહી, ડગલું ભરે જે તો પ્રતિ, તસ ભાગ્યની સીમા નહિ, લગની વરે સૌ મૂરત યોગે, આપની શિવની સહી, માંડલપતિ હૈ પાર્શ્વ ગાડલીયા પધારો ઉર મહીં…..

૫૩. શ્રી શેરીસા પાર્શ્વનાથ ભગવાન, શેરીસા : શેરી બની તવ ન્હવણ નીર પૂરે ભરાણી સાંકડી, તબ તીર્થ ભોમ બની વિભાજી, શેરીષાભિધ ને કડી, એવો અજબ ઇતિહાસ તારો, સાંભળી મન ઉમહ્યું, શેરીષ પારસ ભેટી તુજને, આજ મેં સમકીત લહ્યું…..

૫૪. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન, ધોળકા : કલિકાળમાં કલિમલ નિવારક, કુંડશ્યા કીરતાર હૈ, કલિકુંડ પારસ ! આપ દર્શન દ્રષ્ટિ મુજ અહોનિશ ચહે, તારા દરસથી દિવસ જાવે, નિજવશી પ્રભુ સર્વદા, વિશ્વેશ ! ભેટી, ભાવથી પાયો, હું સમકીત સંપદા…..

૫૫. શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાન, ઘોઘા : દુર્જન થકી નવ અંગ થાતા લપનશ્રી સંયોજતી, સુરવચનથી ભક્તિ પ્રતાપી, મૂરત તો પાડિબોહતી, નવખંડયુત તુજ અંગ જોતા પાપ રોતા ભવ્યના, નવખંડ ઘોઘા પાર્શ્વ સેવા દે સુખો શિવ – દેવના…..

૫૬. શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન, અજાહરાતીર્થ : તુજ ન્હવણનીરે અજયનૃપનો કુષ્ટ રોગ દૂરે કર્યો, તત્કાળથી પારસ અજારા નામથી તુ અલંકર્યો, તો રક્તતનું પર રક્ત થઈ વિરક્તિ હું માણું સદા, ભવરોગહારિ નામ સાર્થક આપ દ્યો શિવસંપદા…..

૫૭. શ્રી દોકડીયા પાર્શ્વનાથ ભગવાન, પ્રભાસપાટણ : શ્રદ્ધેય ! નિષ્ઠા આપની અવિહડ હ્રદયમાં ધારતો, અહોનિશ પૂજારી આપનો નિજ જીવનચિંત નિવારતો, ચિંતાપૂરક તુજ ભક્તિ યોગે, પામતો નીત દોકડો, તીમહિ મને દ્યો પાર્શ્વ દોકડીયા કૃપાબળ ચોકડો…

૫૮. શ્રી ચોરવાડી પાર્શ્વનાથ ભગવાન, ચોરવાડ : દિલડુ ચાહે અવિરત નિવારક મોહતૃષ્ણા – તાપને, ચાતક મહે જ્યુ, મેઘ ત્યુ, પ્રભુ ચોરવાડી આપને, હે ચોરવાડનાં પાર્શ્વ કામુઆપ કીરપા એટલી, આત્મિક થવા દૈવત દીયો, જિમ પાપ મુજ જાવે ટળી….

૫૯. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ ભગવાન, માંગરોળ : હે નાથ ! મૂરત આપ વૈરી મ્લેચ્છ નૃપતિ ખંડતો, ત્યારે તમારો પ્રગટ પરચો ભવિકને આનંદતો, તત્કાળ તવ સહુ અંગુલિ નવ પલ્લવિતતા ધારતી, મંગલપૂરા હૈ પાર્શ્વ નવપલ્લવ કરૂં પ્રણતિ તતિ…..

૬૦. શ્રી બરેજા પાર્શ્વનાથ ભગવાન, બરેજબંદર : સાગરતલેથી પ્રગટ થઈને દાસની રક્ષા કરી, તીર્થ બરેજા સ્વામ પારસ મૂરત તો મહિમાગરી, તિમહી પ્રભો, ભાવસાગરે બુડતા ઉગારોને મને, આશા ધરી એક જ ઉભો સેવક તમારા આંગણે…..

૬૧. શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ ભગવાન, ભાણવડ : અમૃત ઝરે તુજ અંગથી તેથી અભિધા આપનું, અમૃતઝરા તુજને જપંતા સુખ મળે સોહામણું, હે ભાણવડ શુભ તીર્થ હ્રદયાંબુજ ધરી હ્રદયે તને, વંદન કરી વીતરાગતા પ્રાર્થું પ્રભો તારી કને….

૬૨. શ્રી સપ્તફણા પાર્શ્વનાથ ભગવાન, ભણસાલ : સપનું થયું સાકાર નૃપનું નાથ તુજને ધ્યાવતા, પૂજા કરી પ્રાર્થી તને શુભ સંતતિ ઝટ પાવતા, ભણશાલ ભાગ્ય વિકાશકારી પાર્શ્વ પરચ પૂરણા, હે સપ્તફણ પ્રણમું તને હો જીવજીવન સંભારણા…..

૬૩. શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવાન, જામનગર : ભાગ્યોદયથી બનવા હું આયો જામનગરી ચૈત્યમાં, ભાભાભિધાની પાર્શ્વ જોતાં મન ગમી સંયમરમાં, પાવન થયો પરમેષ્ઠી પદ દાયક નિહાળી આપને, સત્કારું સેવ કરી કહું મુજ હર અનાદિ સ્વાપને….

૬૪. શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ ભગવાન, ભદ્રેશ્વરજી : વિજ્યા વિજય વિજયંકરી અધ્યાતમ સુખની આપણી, માભોમ જગડુશ્રેષ્ઠીની ભદ્રેશ્વરી તીરથમણી, હે કપિલકેવલી પ્રાણ પ્રાપિત પાર્શ્વ ભદ્રેશ્વર કરો, મુજપે કૃપા અબ રાગ દ્વેષને મોહનાં પડલો હરો…..

૬૫. શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાન, સુથરી : કલ્લોલતા ધૃતઘટ વિષે તુજને નિહાળી હે પ્રભો! કલ્લોલ કરતો સંઘ સ્થાપે નામ તુજ સાર્થક વિભો! વામેય ધૃતકલ્લોલ ઘટના આપની અચરિજ કરી, હે સુંથરી તીરથપતિ પ્રણતિ સ્વીકારો શિવકરી….

૬૬. શ્રી ભયભંજન પાર્શ્વનાથ ભગવાન, ભિન્નમાલ : જબ મ્લેચ્છ પાપી ભૂપ આશાતન કરે તુજ ગર્વથી, ભય ભાંજતો જય આલતો તબ સંઘને તુ સર્વથી, ભીનમાલભૂષણ પાર્શ્વ ભયભંજન ભજુ અવધારીને, ભય સપ્ત ટાળી લુપ્ત કર મુજ પાપ ભય પ્રગટાવીને…

૬૭. શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાન, નાકોડાજી : મેવાનગરમાં નાથ મોહે ભક્તને તું અહનિશિ, હે પાર્શ્વનાકોડા પ્રભાવ તુમારડો છે દશદિશિ, તુજ ભક્તનો પણ દાસ ભૈરવદેવ પરચા આલતો, થઈ રક્ત પ્રણમું નાથ તુજને પલપલે સંભારતો……

૬૮. શ્રી લોદ્રવા પાર્શ્વનાથ ભગવાન, લોદ્રવાજી : લોદ્રવપુરેશ અમૂલ્ય પારસનાથ તુ સીમા ધણી, શ્રદ્ધેય ! માનુ મૂરત તુજ અણમોલ સુખની આપણી, મહામોહનું મારણ કરંતી કાય શ્યામલ જગમગે, લોકોત્તરી, સૌંદર્યધારી વ્યાપી મારા રગરગે…..

૬૯. શ્રી સંકટહરણ પાર્શ્વનાથ ભગવાન, જેસલમેર : હે પાર્શ્વ ! જેસલમેર તીર્થ સ્વામ શ્યામ તનુધરા, સંસાર ને સંકટહરા સૌભાગ્યને સંપદકરા, શંકા તજી શ્રદ્ધાં ધરી સેવું તને સંકટહરા, સાર્થક ધરાવો નામ કીજે કામ મુજ ભદ્રંકરા….

૭૦. શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ ભગવાન, જાલોર : સોવનગિરિનાં શિખર ઉપર આશ્વસેની રાજતો, શ્રી પાર્શ્વ કુંકુમરોલ નામા ભક્તની ભીડ ભાંજતો, કુંકુમતિલક શિવનારીનુ તવ દર્શ પામ્યો આજ હું, તુજ સ્પર્શને શિવ સૌખ્ય પામ્યો નાથ આજે હુંબહું…..

૭૧. શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ ભગવાન, નૂનગામ : આશા પૂરે નિજ ભક્તની અહોનિશ અણમોલા પ્રભુ, તેથી જ આશાપુરણ નામે સેવ કરતા સહુ વિભુ, હે નૂનતીરથ નાથ પારસ દ્રષ્ટિ કરજો મુજ ભણી, મુજ હ્રદયવાસી થઈ વિદારો વાસના મુજ ભવ તણી….

૭૨. શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાન, જીરાવલાજી : જ્યારે પ્રતિષ્ઠા જિનપની જિનમંદીરે કરતાં ભવિ, તવ મંત્ર મૌલિક સિદ્ધિ હેતે ભીંત પર લખતા સવી, એવો પ્રચંડ પ્રભાવ પરચો જાણી તુજ જીરાવલા, શિવ હેત સેવું હું તને અબ તોડ મુજ ભવ અર્ગલા…..

૭૩. શ્રી સિરોડીઆ પાર્શ્વનાથ ભગવાન, સિરોડી : હે પાર્શ્વ સિરોડીક ! પ્રતિષ્ઠા આપની સંયમ કરી, સુરિપ્રેમ યોગે લાગી માયા તુમ તણી અંતર ધરી, મંડન સિરોડી તીર્થના છો મોહ માર નિવારણા, વંદન કરી વિનવું તને દ્યો દર્શ શિવના બારણા…..

૭૪. શ્રી હમીરપુરા પાર્શ્વનાથ ભગવાન, મીરપુર : હે હમ્મીરપુરા પાર્શ્વ જગ રખવાલ જગદીશ્વર તમે, છો મીરપુર તીર્થપતિ કરીયે નતિ તતિઓ અમે, માલિક અનાદિ મોહ પીરને મુજ થકી નિવાર તુ, એ ઉચ્ચ ઉપકારો વડે તો નામ ઝટ સાર્થક થતું…..

૭૫. શ્રી પોસલી પાર્શ્વનાથ ભગવાન, પોસાલીયા : પુણ્યોદયી વિમલપ્રભા ધારક નિહાળી પાર્શ્વને, શ્રી પોસલીનામી તીર્થપોસાલીયા ઉજાસને, શ્યામાંગ ! હે વામાંગજાત ! સ્વીકાર માંગ તુ માહરી, ભવરોગ હારો નાથ હું ભાવે ભજુ પાયે પરી…..

૭૬. શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ ભગવાન, કાછોલી : ગુપ્તેન્દ્રિય કચ્છપ સમા હે પાર્શ્વ કચ્છુલિકા નમુ, ભવવાસના કચ્છુ નિવારક આપના ધ્યાને રમુ, અર્બુદગિરિ તલહટ્ટી કાછોરી તીરથ અજવાળતા, ઉપાસતા ફરસે હ્રદય વર જ્ઞાન ઝાકઝમાળતા…..

૭૭. શ્રી દાદા પાર્શ્વનાથ ભગવાન, બેડા : દાદા દયાળુ પાર્શ્વ માણી આજ તારા ઉંબરે, સદ્વાસ સુમન ગુલાબની હું ધન્યતા પામ્યો ખરે, જીવંતતા ધારક નિવારો નાથ શ્યામલ અંહને, કીરપા કરો મુજપે જરી ગુણ મ્હેકતું જીવન બને….

૭૮. શ્રી સેસલી પાર્શ્વનાથ ભગવાન, સેસલી : દોષો અશેષ નિવાર મારા રાખી તારા શરણમાં, લેવા અશેષ ગુણો હું આયો શેષલી તવ ચરણમાં, મીઠડી કિનારે મેં દીઠી મીઠડી તમરી મૂરતિ, સુસ્તી ટળી તુજથી વહી સંવેદના ને અભિરતિ…..

૭૯. શ્રી રાણકપુરા પાર્શ્વનાથ ભગવાન, રાણકપુરજી : જ્યાં સ્વપ્ન ધરણાશાતણું સાકાર થઈ શોભી રહ્યુ, ત્યા ધરણસેવિત પાર્શ્વજિન મંદિર હ્રદય લોભી રહ્યું, કમનીય કાળી કાય ધારી પાર્શ્વ હે રાણકપુરા, વંદન કરી શિવહેત સોપું આજ મુજ જીવનધુરા…..

૮૦. શ્રી સોગઠિયા પાર્શ્વનાથ ભગવાન, નાડલાઈ : પંચમગતિપ્રદ પંચફણનું છત્ર શિર ઉપર ધર્યું, હે પાર્શ્વ સોગઠીયા નિહાળી આપને દિલડું ઠર્યું, જેખલગિરિ હ્રદયે વસ્યા છો નાડલાઈ નાથજી, આત્મૈક સિદ્ધિ પામવા કાંક્ષા પ્રભો ! તુજને ભજી…..

૮૧. શ્રી વરકાણા પાર્શ્વનાથ ભગવાન, વરકાણા : જે બાવનાચંદન સમા શીતલ જિનાલય બાવને, બેસી કહે ભવથી ઉગરવા આવજો મારી કને, તે વરકનકપુરનાથ શ્રીવરકાણ પારસ પૂજતા, જગનાથ જોડી હાથ નમતાં પાપ પડલો ધ્રુજતા…..

૮૨. શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાન, પાલી : તુજ નામનું ઔષધ ધરી શ્રદ્ધાં સદા જપતી કરે, વૃદ્ધાં તણા સંકટ ટળે સંપદ મળે કારજ સરે, નવલક્ષ દ્ર્વ્ય લગાવી અનુપમ ચૈત્ય તવ નિરમાપતી, પાલીભૂષણ હે પાર્શ્વ નવલખ તો મૂરત મન ભાવતી…..

૮૩. શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન, કાપરડાજી : કામિત કરી પ્રગટી સ્વયંભૂ પાર્શ્વ મૂરત આપની, પરચાપૂરક છે નીલવર્ણ સુપર્ણસમ લલચામણી, રઢ લાગી તારી કર્મ બબ્બુલ કંટકો હરવા ઘણી, ડારો પ્રભુ મુજ દોષ ટાળો તીર્થ કાપરડા ધણી…….

૮૪. શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાન, મેડતારોડ : નિશિએ અધિષ્ઠાયક સદા થઈ અશ્વવાહી આવતા, તીર્થપ તમારા મંદિરે તવ દાસને હરખાવતા, પરચાપૂરક ફલવૃદ્ધિ પારસ મેડતા તીર્થપતિ, દેજો મને ફલવૃદ્ધિકારી ભક્તિ – શક્તિ – અભિરતિ……

૮૫. શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન, મેડતાસીટી : હે વિજયચિંતામણી પ્રભો છો નામથી કામણકરા, વિજયંકરા જાણી લીધા, મેં આપના શુભ આશરા, મેડતપુરે તુજ ભક્તિયોગે મોહ સામે જે લડે, આનંદઘન પારસ પ્રભાવે કર્મ તેના તરફડે….

૮૬. શ્રી મંડોવરા પાર્શ્વનાથ ભગવાન, મુંડવાતીર્થ : સપનું થયું સાકાર પામી દાસ તવ તુજમાં રમે, તારા પ્રતાપે ધાન જવ કંચનસ્વરૂપે પરિણમે, મંડન મરૂધરંના મહોદયકાર હે મંડોવરા, શ્રી પાર્શ્વ મુંડેવાઘણી હો મોહનાં મુંડનકરા….

૮૭. શ્રી કરેડા પાર્શ્વનાથ ભગવાન, ભોપાલસાગર : કરજો કૃપા કરહેટ પારસ જિમ કરી ઝાંઝણ પ્રતિ, લઈ સંઘ યાત્રા આવતો મન ભાવતી તુજશુ રતિ, તવ ચૈત્ય તીર્થોદ્વાર યોગે ઉદ્ધરે નિજ આતમા, હુ પણ કરૂં તવ ભક્તિ કર પાવન મને પરમાતમા….

૮૮. શ્રી વહી પાર્શ્વનાથ ભગવાન, વહીતીર્થ : સ્થાપ્યા પદે નિજ રાગદ્વેષનાં વ્યાઘ્રનો નિગ્રહ કરી, ભવભ્રમણ વારક આકૃત્તિ તવ શિલ્પની વિસ્મય કરી, અધ્યાત્મ ઉર્મિ, હ્રદય ઉભરી નિરખતા પારસ વહી, હે વહી તીર્થનાં સ્વામી સ્થાપો શીઘ્ર મુજને શિવમહિ…..

૮૯. શ્રી સમીના પાર્શ્વનાથ ભગવાન, સમીનાખેડા : હે પાર્શ્વ સમીના પૂર અમીના તુજ નયનથી વહી રહ્યાં, સંતાપ ટાળી શૈત્યદાયી આપના શરણા ગ્રહ્યાં, શ્રીતીર્થ સમીનાખેડધામી હેત દઈ હિતકારણા, શ્યામાંગ ! નવફણયુક્ત નમતાં નિત્ય સુખ રળીયામણા…..

૯૦. શ્રી ચંદા પાર્શ્વનાથ ભગવાન, ઉદયપુર : જે નિત્ય અવિરત પુનમ શશીની ચાંદની ફેલાવતી, સંતાપને સહુ તાપ ટાળી ભવિક મન મલકાવતી, આત્માતણો ઉદયંકરી પૂર હર્ષનાં ઉભરાવતી, તે પાર્શ્વ ચંદા મૂરત નમતાં હું વર્યો, ટાઢક અતિ……

૯૧. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન, નાગેશ્વરજી : છો નાગની નવ ફેણ ધારી, હાથ નવ ઉંચા વળી, નાગેશ્વરા, પારસ નમું હું, આપ ચરણો લળી લળી, મર્કટ સમું મન સ્થિર થયું, પ્રભુ મૂરત જોતાં આપની, મરકતમણીમય પુનીત મુદ્રા પીર હરો ભવતાપની….

૯૨. શ્રી રાવણ પાર્શ્વનાથ ભગવાન, અલવર : નિત જિન પૂજનની ટેક હેતે નેહથી તવા મૂરતનું, નિર્માણ કરતો રાય રાવણ અર્ચતો મણિમય તનું, તે રાવણા રળીયામણા પારસ મળ્યા બહુ પુણ્યથી, અલવરપતિ પૂજ્યો પ્રજાળો પાપ મારા મન્મથી…..

૯૩. શ્રી કલ્પ્દ્રુમ પાર્શ્વનાથ ભગવાન, મથુરા : હે પાર્શ્વ ! તારા નામથી પણ સંકટો સહેજે ટળે, કલ્પિત અને વણકલ્પી પણ શિવસંપદા સહુને મળે, છો કલ્પદ્રુમ સમા તમે અભિધાન સાર્થક તાહરૂ, મથુરાપતિ ટાળી અઢારે નાતરા દ્યો સુખ ખરૂં……

૯૪. શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ ભગવાન, કૂકડેશ્વર : નિજ પૂર્વ ભવ સંભારતો કુર્કુટ અને ઈશ્વરતણો, મૂરતિ ભરાવી ગાવતો નૃપ દત્ત ઉપકારો ઘણો, શ્રી દત્ત શિવદાતા બનો ઈમ પ્રાર્થતો પૂજન કરે, હે પાર્શ્વ ! કુકડેશ્વર ! ભવિ તવ દર્શને ભવજલ તરે……

૯૫. શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ ભગવાન, ઉન્હેલ : કામિતપૂરણ પારસથકી સહુ કામના પૂરણ થતી, ઉન્હેલતીર્થ સેવતા પુણ્યાઈ સહુવિધ ઉભરતી, અબ એક મારી કામના મુજ કામ ઝટપટ ટાળીયે, સ્વામી બનાવી દાસ મુજને નેક નજરે ભાળીયે…..

૯૬. શ્રી અવંતી પાર્શ્વનાથ ભગવાન, ઉજ્જૈન : ગજસિંહ – સંપ્રતિ – વીરવિક્રમ- માણિભદ્ર જિહાં થયા, ઉજ્જૈનની તે અવનિમાં પારસપ્રભુ શોભી રહ્યાં, નામે અવંતી સમરતા, સુકુમાળતા દિલડુ વરે, ભદ્રકપણે પ્રભુ ભેટતાં આતમતણા કારજ સરે…..

૯૭. શ્રી અલૌકિક પાર્શ્વનાથ ભગવાન, હાસામપુરા : મુદ્રા અલૌકિક નાથની તેથી અલૌકિક નામના, પારસ પૂજા પ્રત્યુષ કરતાં હોય સહુ હિત કામના, કંદર્પ- દર્પ સમા નિહાળ્યા નાગ – નાગણી લંછને, નિગ્રહ કરી તીર્થપ હવે સૌ દોષથી રક્ષો મને…..

૯૮. શ્રી મક્ષી પાર્શ્વનાથ ભગવાન, મક્ષીજી : જસ નામ મક્ષી તીર્થસ્વામી મોહનીંદ ભગાડતી, સૌ કામ હરતી શ્યામપડિમા આત્મારામ જગાડતી, નિર્મલ થયા મુજ નેણ નિરખી પાર્શ્વચંદન બાવના, સેવા થકી શીતલ થયુ મુજ હ્રદય અવિચલ ભાવના……

૯૯. શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ભગવાન, નગપુરા : શિવનાથ સરિતા ભોમથી દૂધધાર સંયુત પ્રગટતા, છો ચિત્તના ચમકારકારી દેખી ભવિજન હરખતા, નિર્માણ કરતો નૃપપ્રદેશી કેશી ઉપદેશે તને, હે નગપુરાનાં પાર્શ્વ સહુ ઉપસર્ગહર શિવ દ્યો મને…..

૧૦૦. શ્રી વારાણસી પાર્શ્વનાથ ભગવાન, બનારસ : સુરલોક પ્રાણતથી ચ્યવન વામા કુખેથી જનમીયા, વારાણસીમાં ત્રિશત સહ થઈ સંયમી જ્ઞાની થયા, ચિહુગતિ નિવારક ચાર કલ્યાણક ભૂમિને સ્પર્શતા, વારાણસી પ્રભુ પાર્શ્વ પ્રગતિકારી અહોનિશ પ્રણમતા….

૧૦૧. શ્રી સમેત શિખર પાર્શ્વનાથ ભગવાન, મધુવન : અણસણ કરી એક માસનું પ્રભુ શૈલ સમ્મેતે રહ્યાં, તેત્રીશા મુનિ સંઘાત સઘળા કર્મ ઈન્ધનને દહ્યાં, સિદ્ધિ વર્યા શ્રાવણ સુદી આઠમ દિને પારસ તમે, સમ્મેતશિખરાભિધ તીર્થપ તુજ ચરણ ચિત્તે રમે…..

૧૦૨. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન, સીરપુર : છો પ્રાણ ખરદૂષણ તણા ભાવે ભરાવ્યા આપને, અદ્ધર રહ્યાં આકાશમાં હે અંતરીક્ષ નમુ તને, મોહાંધતા નાશક ધરી આશા હું આયો આંગણે, હે પાર્શ્વ શિરપુરનાં તિમિર ટાળી પ્રકાશ દીયો મને…..

૧૦૩. શ્રી કેસરીયા પાર્શ્વનાથ ભગવાન, ભાંડકજી : છે કેશરી પડિમા તમારી પાર્શ્વ કેશરીયા પ્રભુ, ભદ્રાવતીના ભવ્ય ભાગ્યે આપ પ્રગટ્યા છો વિભુ, સાર્થક અભિધ છો સ્વપ્નદેવા સેવ ચાહુ આપની, વીતરાગતા આપો મને મુજ દોષ સઘળા અવગણી……

૧૦૪. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન, કુંભોજગિરિ : હે અમીત સુખદાતાર તારી અમી ભરેલી આંખડી, કરતી શીતલ મુજ નયનને જાણે કમળની પાંખડી, વાત્સલ્ય લહેરી અનુભવી તુજ યોગ પામી આજ મેં, હે પાર્શ્વ જગવલ્લભ હવે મુજ ચિત્તડું તુજમાં રમે…

૧૦૫. શ્રી ગિરૂઆ પાર્શ્વનાથ ભગવાન, અમલનેર : શ્રી પાર્શ્વ ગીરુવા કર્મવીરૂવા ટાળનારા આપ છો, ગીરૂવા બનાવી ભકતને શિવ સ્થાપનારા આપ છો, મુજ મોહ અમલ નિવારી અમૃતકાર સ્વામ સુહંકરા, નિર્મલ કરો મુજને અમલનેરી પ્રભો જગદીશ્વરા…..

૧૦૬. શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ ભગવાન, નેર : નિજ ભકતની કરતી કસોટી, રત્નનિર્મિત મૂરતિ, પણ ભક્તિ કરતાં આપની સ્ફૂર્તિ વરે સૌ અવિરતિ, તુ કલ્પવેલી પામતાં ચિંતા ટળી પામ્યો સુધી, હે નેરતીર્થપ પાર્શ્વ મનવાંછિત મળો મોક્ષાવધિ….

૧૦૭. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન, નાસિક: ચિંતા ટળી મુજ ચિત્તની પામી તને ચિંતામણી, હે પાર્શ્વ ! નીલવરણ તમારી મૂરત મન લોભામણી, નાસિક પુરેશ્વર નેહ કરતાં નેત્ર મુજ પાવન થયા, સીતાપૂજિત તુજ યોગ ચાહુ પુણ્યને ગુણ ઉપચયા…..

૧૦૮. શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન, મુંબઈ : મોહાંધતા નાશક પ્રભુ છો સ્વામ મોહમયીતણા, તારા પ્રતાપે મોહમયીના ભવિક સૌ સુખીયા ઘણા, હું પણ ધરી વિશ્વાસ તારે દ્વાર દોડી આવીયો, હે પાર્શ્વ ગોડી ! આત્મશુદ્ધિ હેત તુ મન ભાવીયો…..

પર્વાધિરાજ પર્યુષણ

12

|| પર્વાધિરાજ પર્યુષણ ||

પર્વાધિરાજ પર્યુષણનો મર્મ ભગવાન મહાવીરે મગધરાજ શ્રેણીકને સમજાવેલો
સ્વર્ગ તો કોઇએ જોયું નહોતું. પણ મગધદેશ જોનારને સ્વર્ગ જોયાનો આનંદ મળતો. દેવોની પાટનગરી અમરાપુરી તો કોઇએ જોઇ નહોતી પણ રાજગૃહી જોનારને અમરાપુરીનો અણસારો મળતો.
દેવોના રાજા ઇન્દ્રને ચર્મચક્ષુવાળા માનવીઓ નજરે નીરખી શકતા નહી, પણ મગધપતિ શ્રેણિક બિબિસારને નીરખતાં ઇંદ્રરાજની પ્રતિભા પરખાઇ જતી.

ઇંદ્રરાજની પટરાણી શચિદેવીનાં રૃપગુણ લઇને રાણી ચેલણાએ અવતાર ધર્યો હતો. અને મગધની રાજસભા એ દેવસભા જેવી અને સભાજનો દેવોની પ્રતિમૂર્તિ સમા લાગતા.

રાજગૃહી અનેક પર્વતશૃંગોની વચ્ચે વસેલી હતી. તે અપૂર્વ વનશ્રી ધરાવતી હતી. એક દિવસ વનમાં અપૂર્વ અચરજ થયું. જન્મજાત વેરવાળાં પ્રાણીઓ એકબીજાને પ્રેમ કરતાં હતા. ગાય વ્યાઘ્રબાળને ધવરાવતી હતી અને બિલાડી ઉંદરને પ્યાર કરતી હતી. સર્પ ને નકૂલ બંને ગાઢ મિત્ર થઇને ફરતા હતા.

વનપાલકને આ અચરજ થયું અને એ વનના ખંડમાં પ્રવેશ્યો ત્યાં તેને જાણવા મળ્યું કે વીતરાગ ભગવાન મહાવીર અહી સમોસર્યા છે. અને એમના ક્ષમા- પ્રેમભર્યા વ્યક્તિત્વનો આ પ્રભાવ છે. વનપાલક દોડયા અને રાજસભામાં જઇને મગધરાજને ખબર આપ્યા કે ભગવાન મહાવીરદેવ પધાર્યા છે. પ્રકૃતિ પોતે પોતાને ભૂલી ગઇ છે અને પ્રાણનું મહાપ્રાણમાં વિસર્જન થયું છે.
મગધરાજ તત્કાળ ઊભા થઇ ગયા અને બોલ્યા, ”ઓહ, આ વર્તમાન સાત ખોટના પુત્રના જન્મથી પણ અધિક છે. વધામણી લાવનારને સુવર્ણ અને હીરાના હારથી વધાવો અને આનંદભેરી બજાવી સમસ્ત પ્રજાજનને સાબદા કરો. અમે પણ પ્રભુ દર્શને સંચરીએ છીએ.” મહારાજ હાથીએ ચઢયા. ઢોલ-નગારા ગડગડયા અને રાજવી પ્રભુની પરિષદામાં આવ્યા પછી ધર્મવીરના નિયમ પ્રમાણે તેઓએ છત્ર છોડયું, ચામર ત્યજ્યાં, વાહન વર્જ્યાં, પાંચ રાજચિહ્ન અળગાં કર્યા અને પતાકા છોડીને પાંચ અભિગમ સાથે પ્રભુને વંદન કર્યા.

ગણધરોમાં પ્રથમ એવાં ગૌતમ સ્વામીને વંદન કર્યા. વંદન કરીને પોતે પ્રભુથી સાડા ત્રણ હાથ દૂર બેઠા. ભગવાન મહાવીર માલકૌંષ રાગમાં પોતાની વાણી વહાવતા હતા. તેઓ કહેતા હતા ઃ ”સંસારમાં લખ ચોરાસીમાં ફરતાં મનુષ્ય જન્મ મળવો મહાકઠણ છે. એમાંય મનુષ્યજન્મ મળીને સારમાણસાઇ મેળવવી દુર્લભ છે અને એથીય દુર્લભ અહિંસા સંયમને તપ- એમ પાયારૃપ ધર્મ મેળવવા દુર્લભ છે. એને સર્વથી દુર્લભ યોગ્ય જાણીને યોગ્ય આચરવું તે છે. આ મુનિ અને ગૃહસ્થ બંને માટે સમજવું.”

”માણસનું મન હરહંમેશ એક સમાન નથી. બધા દિવસ સરખા હોતા નથી. કોઇ દિવસ મોટા હોય છે. એવા દિવસો પર્વના છે. ચાલુ દિવસના મન એટલું ઉલ્લાસિત થતું નથી, જેટલું પર્વના દિવસોમાં થાય છે. વળી ગૃહસ્થના ચારે પહોર તો ધંધામાં જાય છે, પણ એમાંથી એક યા અડધો પ્રહાર પરમાર્થમાં જાય તો એ મહાન સાફલ્ય ગણાય અને એમ રોજ ન થઇ શકે તો પર્વના દિવસો આવે ત્યારે ગૃહસ્થે ખાસ ધર્મકાર્યમાં ચિત્ત પરોવવું. ગાયના ગળે કાષ્ટધ્વંસ બાંધી હોય, તો ય ફરતી ફરતી થોડાં તૃણ ખાઇ પેટ ભરી લે છે. એવું આમાં છે.

મગધરાજે આ વખતે પ્રશ્ન કર્યો, ”હે ભગવાન, પાપનું શોષણ થાય અને પુણ્યનું પોષણ થાય એવું પર્વોમાં મહાન પર્વ કર્યું છે ?”

ભગવાન બોલ્યા, ”હે રાજન્, મંત્રમાં નવકારમંત્ર જેમ મોટો છે, તીર્થમાં શત્રુંજય મોટો છે. દાનમાં અભયદાન મોટું છે, રત્નમાં ચિંતામણિ રત્ન મોટું છે. કેવળીમાં તીર્થંકર મોટાં છે. જ્ઞાાનમાં જેમ કેવળજ્ઞાાન મોટું છે. ધ્યાનમાં જેમ શુક્લધ્યાન મોટું છે. રસાયણમાં અમૃત મોટું છે. શંખમાં દક્ષિણાવર્ત મોટો છે. પર્વતમાં મેરુ મોટો છે. નદીમાં ગંગા મહાન છે, સરોવરમાં માનસરોવર મોટું છે, એમ દ્વિપને વિષે જંબુદ્વીપ ક્ષેત્રને વિષે ભરતક્ષેત્ર, દેશમાં સોરઠ, દિવસમાં દિવાળીનો દિવસ અને માસમાં ભાદરવો શ્રેષ્ઠ છે. એમ સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ મહાન છે. એક વાત કહું, જેમ તપ વિના મુનિ ન શોભે, શીલ વિના સ્ત્રી ન શોભે, શૌર્ય વિના શૂરો ન શોભે, વેદ વિના વિપ્ર ન શોભે, દયા વિના ધર્મ ન શોભે, તેમ ગૃહસ્થ અને મુનિનું કુલ પર્યુષણની આરાધના વિના ન શોભે.”
મગધરાજ કહે, ”પર્યુષણ પર્વ મુનિ માટે કયા પ્રકારનું છે ?”

ભગવાન કહે, ”સાધુઓ માટે પર્યુષણા દશ કલ્પમાનો એક કલ્પ છે. પર્યુષણાનો અર્થ વર્ષાવાસ. વર્ષા ઋતુ આવે એટલે સાધુએ એક સ્થળે રહેવું એનો યોગિક અર્થ એ છે કે આત્માની નજીક રહેવું અને આત્મની નજીક રહેવા માટે ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયોને તજવાં. નવકલ્પમાં સાધુઓ માટે

(૧) અચંલક કલ્પ ઓછાં ને જીર્ણ વસ્ત્ર પહેરવા.

(૨) ઉદેથશક કલ્પ પોતાના નિમિત્તે બતાવેલ આહાર ન લેવો.

(૩) શય્યાતર કલ્પ જેના ત્યાં ઉતર્યા હોય તેને ત્યાંના ખાનપાન કે વસ્ત્ર સાધુએ ન લેવા.

(૪) રાજપિંડ ન લેવો.

(૫) કૃતિકર્મ કલ્પ જે દિક્ષામાં વડો તેને વડો સ્વીકારવો.

(૬) ચારને બદલે પાંચ વ્રત (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) સ્વીકારવા

(૭) જ્યેષ્ઠકલ્પ- કાચી દીક્ષા નહી પાકી દીક્ષાથી લઘુગુરુને સ્વીકાર કરવો

(૮) રોજ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરવું.

(૯) માસ કલ્પ- ચોમાસામાં એક સ્થળે રહેવું. ચોમાસું રહેલા કલ્પવાળા સાધુએ પર્યુષણાના પાંચ દિવસ માટે કલ્પસૂત્ર વાંચવું. ”

મગધરાજ બોલ્યા, ”ગૃહસથોએ પર્યુષણા પર્વમાં શું કરવું ?”

ભગવાન મહાવીર બોલ્યા, ”ગૃહસ્થ ૧૧ કાર્ય કરે.

(૧) પૂજા

(૨) ચૈત્ય-પરિપાટી (મંદિરોના દર્શન)

(૩) સાધુ- સંતોની ભક્તિ

(૪) સંઘમાં પ્રભાવના

(૫) જ્ઞાાનની આરાધના

(૬) સાધર્મિક વાત્સલ્ય

(૭) કલ્પસૂત્ર શ્રવણ

(૮) તપશ્ચર્યા કરવી

(૯) જીવોને અભયદાન દેવું.

(૧૦) સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને

(૧૧) પરસ્પર ક્ષમાપના કરવી.”

મગધરાજ કહે, ”આ તો વિશિષ્ટ કાર્ય કહ્યાં, સામાન્ય દૈનિક આચાર કેવો રાખે ?”

ભગવાન કહે, ”એ દિવસોમાં યથાશક્તિ દાન આપે, બ્રહ્મચર્ય પાળે, સામાયિક, પ્રતિક્રમણને પૌષધ કરે. ઘરના સમારંભ ત્યજે, ખાંડવું દળવું છોડે, નાટકચેટક ન જુએ, ભૂમિ પર સૂએ, સચિત્ત વસ્તુનો ત્યાગ કરે, રાત્રિએ જાગરણ કરે, ભાવભજન કરે, મધ્યાહ્ને પૂજા આંગી કરે, પાપના વચન મુખથકી ન બોલે, કલશ, શોક, સંતાપ, કરે નહિ- કરાવે નહિ. ધર્મમહોત્સવમાં મન- કૂચક્ર મૂકી લક્ષ્મીનો સદ્ઉપયોગ કરે.’

મગધરાજ કહે, ”આઠ દિવસમાં શું સાંભળે ?”
ભગવાન કહે, ”પ્રથમના ત્રણ દિવસ કરવા યોગ્ય કર્તવ્ય વિષે સાંભળે પછીના પાંચ દિવસ કલ્પસૂત્ર સાંભળે. કલ્પસૂત્રનો મહિમા પ્રભુ પ્રતિમાંથી પણ વડો લેખાયો છે.”
મગધરાજ ઃ ”આ પર્વ તો મુખ્ય દિવસ સંવત્સરી એ દિવસનું મુખ્ય કાર્ય શું ?”

ભગવાન બોલ્યા, ”ક્ષમાપના પોતાનો જે દોષ ગુનો કોઇએ કર્યો હોય તેની સામે પગલે જઇને માફી આપવી ને પોતે જે દોષ કર્યા હોય તેની માફી માગવી. મનનો અહંકાર દૂર કરો. નમ્ર થવુ. ચિત્ત નિર્મળ કરવું અને પછી આ આખા વર્ષના અતિ ઉત્તમ દિવસને સાર્થક કરવો.”

આમ પર્યુષણ પર્વની આરાધનાના સમયે સહુ કોઇને પોતાના આત્માની ખોજ કરવાની જરૃર છે. આપણા મનમાં રહેલા મદ માન અને મોહને ભૂલીને લાખેણા આત્માને શોધીએ અને તે શોધવા માટેનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે ક્ષમાપના. વેરના અંધકારમાં, દ્વેષના દાવાનળમાં અને બદલાની બૂરી ભાવનામાં જીવતા જીવને માટે આજે આત્મીય પ્રેમને કાજે પ્રાયશ્ચિતનું પર્વ ઊગ્યું છે. દિવાળીના પર્વમાં જેમ નફા- તોટાનો હિસાબ કરીએ એ જ રીતે સંવત્સરીના વાર્ષિક પર્વમાં વર્ષભરના સારાંનરસાં કર્મોનું સરવૈયું કાઢીને સાચી ક્ષમા દ્વારા આપણા હૃદયમાં પરમાત્મભક્તિનો ઉજાશ પથરાવવાનો છે.

મહાવીર જન્મવાચન
પર્વાધિરાજ પર્યુષણનો પાંચમો દિવસ એટલે મહાવીર જન્મવાચનનો દિવસ. કેટલીક વ્યકિતઓ ભૂલથી એને ભગવાન મહાવીરનો જન્મદિવસ માને છે. હકીકતમાં ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની તેરસના દિવસે થયો હતો. વિ.સં. પૂર્વે ૫૪૩ની ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રીએ માતાની કૂખમ ાં કુલ નવ મહિના અને સાડા સાત દિવસ વીત્યા બાદ ત્રિશલા દેવીને પુત્ર જન્મ થયો હતો. આથી ભગવાન મહાવીરનો જન્મદિવસ ચૈત્ર મહિનામાં આવે છે જ્યારે પર્વાધિરાજ પર્યુષણના સમયે આવતો દિવસ તે કલ્પસૂત્રમાં મહાવીર સ્વામીના જન્મવાચનનો દિવસ છે.
આ દિવસે કુંડગ્રામના રાય સિદ્ધાર્થની પત્ની ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્નોનું વર્ણન કરવામાં આવે છે. હકીકતમાં દરેક તીર્થકરની માતાને ચૌદ સ્વપ્ન આવે છે. આ દિવસે ઉપાશ્રયમાં આ સ્વપ્નનો સ્વપ્નપાઠકોએ બતાવેલો અર્થ બતાવવાની સાથોસાથ એની બોલી બોલાવવામાં આવે છે અને આ દિવસે સુંદર વસ્ત્રો પરિધાન કરીને સાધર્મિક વાત્સલ્ય (ભોજન) સાથે મળીને એની ઊજવણી થાય છે.

ગણધરવાદ એટલે શું ?

પર્વાધિરાજ પર્યુષણના છઠ્ઠા દિવસે ગણધરવાદનું વાચન થાય છે. ગણધરવાદ એટલે અગિયાર મહાપંડિતોની મહાશંકાઓને દૂર કરતો વાર્તાલાપ.

વિક્રમ સંવત પૂ.૫૦૦ વર્ષે વૈશાખ સુદ દસમના દિવસે ભગવાન મહાવીરને ભારત વર્ષના અગિયાર મહાપંડિતો વાદ- વિવાદમાં પરાજિત કરવા માટે આવે છે. એ અગિયાર મહાપંડિતોના નામ આ પ્રમાણે છે. (૧) ઇન્દ્રભૂતિ ગૌતમ, (૨) અગ્નિભૂતિ, (૩) વાયુભૂતિ, (૪) વ્યક્ત, (૫) સુધર્મા, (૬) મણ્ડિત, (૭) મૌર્યપુત્ર, (૮) અકમ્પિત, (૯) અચલભ્રાતા, (૧૦) મેતાર્ય, (૧૧) પ્રભાસ.
આ પંડિતોને અનુક્રમે નીચેની બાબતો અંગે શંકા હતી.

(૧) આત્મા (૨) કર્મ (૩) શરીર એ જ જીવ (૪) પંચભૂત (૫) જન્માન્તર (૬) બંધ (૭) દેવ (૮) નારકી (૯) પુણ્ય (૧૦) પરલોક, (૧૧) મોક્ષ.

ગણધરવાદની વિશેષતા એ છે કે આ મહાપંડિતોની શંકા તેઓ રજૂ કરતા નથી, પરંતુ સ્વયં ભગવાન મહાવીર એમના મનની શંકા કહે છે અને પછી એનું સમાધાન આપે છે. સામાન્ય રીતે વાદવિવાદમાં ખંડન અને મંડન થાય છે. એક વ્યક્તિના મત સામે બીજી વ્યક્તિ એનો વિરોધ કરે છે, જ્યારે અહી ભગવાન મહાવીર સ્વયં પંડિતોની શંકા દર્શાવીને પોતે જ ઉત્તર આપે છે અને એ રીતે જૈન ધર્મનો સમન્વયાત્મક દ્રષ્ટિકોણ પ્રગટ થાય છે. વળી વેદશાસ્ત્રના પારંગત એવા પંડિતોને વેદમાં વર્ણવાયેલી બાબતોનું ભગવાન મહાવીર પોતાની તત્વદ્રષ્ટિએ અર્થઘટન કરીને સમજાવે છે.

આ ગણધરવાદમાં અગિયાર પંડિતો અને એમના શિષ્યો એમ કુલ ૪૨૧૧ પુણ્યાત્માઓ ભગવાન મહાવીરનો ઉપદેશ અને શિષ્યત્વ સ્વીકારે છે. એક અર્થમાં કહીએ તો જૈનદર્શનના ઘણા મહત્વના પાસાઓ ગણધરવાદમાં આવરી લેવાયા છે.

 

 

 

 

 

|| પર્વાધિરાજ પર્યુષણ ||

વર્તમાન જૈન તીર્થંકરોંના પ્રતીક

A

|| વર્તમાન જૈન તીર્થંકરોંના પ્રતીક ||

જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોંની મૂર્તિયોં પર મળી આવતાં ચિહ્ન, ચૈત્યવૃક્ષ, યક્ષ અને યક્ષિણીની ક્રમવાર સૂચી.

(1)ઋષભનાથ
ચિહ્ન- બૈલ, ચૈત્યવૃક્ષ- ન્યગ્રોધ, યક્ષ- ગોવદનલ, યક્ષિણી- ચક્રેશ્વરી.

(2)અજિતનાથ
ચિહ્ન- ગજ, ચૈત્યવૃક્ષ- સપ્તપર્ણ, યક્ષ- મહાયક્ષ, યક્ષિણી- રોહિણી.

(3)સંભવનાથ
ચિહ્ન- અશ્વ, ચૈત્યવૃક્ષ- શાલ, યક્ષ- ત્રિમુખ, યક્ષિણી- પ્રજ્ઞપ્તિ.

(4)અભિનંદનનાથ
ચિહ્ન- વાંદરો, ચૈત્યવૃક્ષ- સરળ, યક્ષ- યક્ષેશ્વર, યક્ષિણી- વ્રજશ્રૃંખલા.

(5)સુમતિનાથ
ચિહ્ન- ચકવા, ચૈત્યવૃક્ષ- પ્રિયંગુ, યક્ષ- તુમ્બુરવ, યક્ષિણી- વજ્રાંકુશા.

(6)પદ્યપ્રભુ
ચિહ્ન- કમળ, ચૈત્યવૃક્ષ- પ્રિયંગુ, યક્ષ- માતંગ, યક્ષિણી- અપ્રતિ ચક્રેશ્વરી.

(7)સુપાર્શ્વનાથ
ચિહ્ન- નંદ્યાવર્ત, ચૈત્યવૃક્ષ- શિરીષ, યક્ષ- વિજય, યક્ષિણી- પુરુષદત્તા.

(8)ચંદ્રપ્રભુ
ચિહ્ન- અર્દ્ધચંદ્ર, ચૈત્યવૃક્ષ- નાગવૃક્ષ, યક્ષ- અજિત, યક્ષિણી- મનોવેગા.

(9)પુષ્પદંત
ચિહ્ન- મકર, ચૈત્યવૃક્ષ- અક્ષ (બહેડ઼ા), યક્ષ- બ્રહ્મા, યક્ષિણી- કાલી.

(10)શીતલનાથ
ચિહ્ન- સ્વસ્તિક, ચૈત્યવૃક્ષ- ધૂલિ (માલિવૃક્ષ), યક્ષ- બ્રહ્મેશ્વર, યક્ષિણી- જ્વાલામાલિની.

(11)શ્રેયાંસનાથ
ચિહ્ન- ગેંડો, ચૈત્યવૃક્ષ- પલાશ, યક્ષ- કુમાર, યક્ષિણી- મહાકાલી.

(12)વાસુપૂજ્ય
ચિહ્ન- પાડો, ચૈત્યવૃક્ષ- તેંદૂ, યક્ષ- ષણમુખ, યક્ષિણી- ગૌરી.

(13)વિમલનાથ
ચિહ્ન- શૂકર, ચૈત્યવૃક્ષ- પાટલ, યક્ષ- પાતાળ, યક્ષિણી- ગાંધારી.

(14)અનંતનાથ
ચિહ્ન- સેહી, ચૈત્યવૃક્ષ- પીપળો, યક્ષ- કિન્નર, યક્ષિણી- વૈરોટી.

(15)ધર્મનાથ
ચિહ્ન- વજ્ર, ચૈત્યવૃક્ષ- દધિપર્ણ, યક્ષ- કિંપુરુષ, યક્ષિણી- સોલસા.

(16)શાંતિનાથ
ચિહ્ન- હરણ, નંદી, યક્ષ- ગરુઢ઼, યક્ષિણી- અનંતમતી.

(17)કુંથુનાથ
ચિહ્ન- છાગ, ચૈત્યવૃક્ષ- તિલક, યક્ષ- ગંધર્વ, યક્ષિણી- માનસી.

(18)અરહનાથ
ચિહ્ન- તગરકુસુમ (મત્સ્ય), ચૈત્યવૃક્ષ- આમ્ર, યક્ષ- કુબેર, યક્ષિણી- મહામાનસી.

(19)મલ્લિનાથ
ચિહ્ન- કળશ, ચૈત્યવૃક્ષ- કંકેલી (અશોક), યક્ષ- વરુણ, યક્ષિણી- જયા.

(20)મુનિંસુવ્રતનાથ
ચિહ્ન- કૂર્મ, ચૈત્યવૃક્ષ- ચંપક, યક્ષ- ભૃકુટિ, યક્ષિણી- વિજયા.

(21)નમિનાથ
ચિહ્ન- ઉત્પલ, ચૈત્યવૃક્ષ- બકુલ, યક્ષ- ગોમેધ, યક્ષિણી- અપરાજિતા.

(22)નેમિનાથ
ચિહ્ન- શંખ, ચૈત્યવૃક્ષ- મેષશ્રૃંગ, યક્ષ- પાર્શ્વ, યક્ષિણી- બહુરૂપિણી.

(23)પાર્શ્વનાથ
ચિહ્ન- સર્પ, ચૈત્યવૃક્ષ- ધવ, યક્ષ- માતંગ, યક્ષિણી- કુષ્માડી.

(24)મહાવીર
ચિહ્ન- સિંહ, ચૈત્યવૃક્ષ- શાલ, યક્ષ- ગુહ્મક, યક્ષિણી- પદ્મા સિદ્ધાયિની.

242322212019181716151413121110987654321