પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ

AA

|| પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ ||

ક્રોધ-માન-માયા-લોભ વગેરે આંતરશત્રુઓને દૂર હટાવનાર – આત્માને નિર્મળ બનાવનાર અને આત્મા સાથે જોડતું પર્યુષણ પર્વ પર્વાધિરાજ તથા શિરોમણિ પર્વ છે.

આથી જ પર્યુષણને અનેક ઉપમાઓ આપી છે; જેમકે અમૃતની (ઔષધમાં શ્રેષ્ઠ), જેમ કે કલ્પવૃક્ષની (વૃક્ષમાં શ્રેષ્ઠ), જેમ કે ચંદ્રની (તારાઓમાં શ્રેષ્ઠ).

જેમ સુગંધ વગર ફૂલ કામનું નથી અને શીલ વિના નારી શોભતી નથી. તેમ પર્યુષણ પર્વની આરાધના વિના સાધુ કે શ્રાવકનું કુળ શોભતું નથી. આજે આપણે આવા ક્ષમાધર્મના વાહક એવા પર્વાધિરાજ પર્યુષણને મોતીથી વધાવીએ. કાળામેશ બનેલા મલિન આત્માને સાફસૂફ કરવાનો પર્યુષણ પર્વ એક મહાન અવસર છે. પર્યુષણ પર્વ પણ આપણને હાકલ કરે છે…” હે દાનવીરો, ત્યાગવીરો, ધર્મવીરો જાગો…”

આમ, પર્યુષણ પર્વ ખરેખર મહાન છે,પર્વ શિરોમણિ છે.

** પાંચ કર્તવ્યો

પર્યુષણ દરમિયાન પાંચ કર્તવ્યો કરવાનું શાસ્ત્ર-વિધાન છે. આ પાંચ કર્તવ્યો આ પ્રમાણે છે :

*અમારી પ્રવર્તન : કોઈને મારવું નહિ એટલે કે અહિંસા.
*સ્વામી વાત્સલ્ય : સમાન ધર્મ પાળનાર પ્રત્યે સ્નેહ વહાવવો, તેની સેવા કરવી.
*અઠ્ઠમ તપ : સળંગ ત્રણ દિવસના ઉપવાસ કરવા.
*ચૈત્ય-પરિપાટી : ચૈત્ય એટલે દેરાસર, દેરાસરે જઈને પ્રભુદર્શન કરવું.
*ક્ષમાપના : પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરીને ક્ષમા માગવી અને બીજાઓના દોષોને ઉદાર હૈયે ક્ષમા આપવી.
** પર્યુષણનું સર્વોચ્ચ શિખર ક્ષમાપના છે.

જૈનોમાં પ્રતિક્રમણ આવશ્યક કર્તવ્ય ગણાય છે. પ્રતિક્રમણ પાંચ પ્રકારનાં હોય છે.

દરરોજ સવારે ઊઠીને ‘રાઈ’ પ્રતિક્રમણ કરવામાં આવે છે, જેમાં નિદ્રા દરમિયાન અજાણતાંય પાપકૃત્ય થયું હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરાય છે. દરરોજ રાત્રે ‘દેવસિ’ પ્રતિક્રમણ કરીને દિવસ દરમિયાન થયેલાં પાપકૃત્યોનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે. આ ન થઈ શકે તો પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. એ પણ શક્ય ન હોય તો સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ-પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવે છે. ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું તો જગતનો દરેક ધર્મ કહે છે, કિન્તુ ક્ષમાપના માટે જ એક ખાસ દિવસનું આધ્યાત્મિક પર્વ ઊજવવાની પરંપરા માત્ર અને માત્ર જૈન ધર્મમાં જ છે. સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે જૈનો ‘મિચ્છામિ દુક્કડમ્’ કહે છે. તેનો અર્થ છે – મિથ્યા મે દુષ્કૃતમ્, અર્થાત્ મારાં તમામ દુષ્કૃત્યો મિથ્યા – ફોગટ થાવ, જગતના સર્વ જીવો સાથે મૈત્રી કરવાનું આ પર્વ છે. સંવત્સરી તો સાત્ત્વિક અને આત્મિક મૈત્રીનું પર્વ છે !

પર્યુષણની આરાધના પંચાચારથી શરૃ થાય છે અને તે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બનતી આઠમે દિવસે સંવત્સરીના પ્રતિક્રમણથી વિરમે છે. જૈન ધર્મ ઘણો સૂક્ષ્મ હોવાને કારણે અજૈનો તેને થયા- યથા ભાગ્યે જ સમજતા હોય છે. બહુજન સમાજ તો સામાન્ય રીતે એમ જ માનતો હોય છે. પર્યુષણ એટલે ઉપવાસનું પર્વ જે વધારે ઉપવાસ કરે તેની આરાધના મોટી ગણાય. વાસ્તવિકતામાં ઉપવાસ આરાધનાનું અંગ છે. પર્યુષણની આરાધનામાં ઉપવાસ આવે પણ ઉપવાસ એ કંઇ સમગ્ર પર્યુષણની આરાધના નથી.

પર્યુષણની આરાધના પાંચ પ્રકારે થાય છે. દર્શનાચાર, જ્ઞાાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જે તપાચાર છે તેમાં બાર પ્રકારના તપ કરવાનું વિધાન છે. એમાં છ તપ બાહ્ય છે, તો બીજા છ તપ અભ્યંતર છે. બાહ્ય તપ વાસ્તવિકતામાં અભ્યંતર તપમાં જવા માટે છે. આવા છ બાહ્ય તપમાં ઉપવાસ એ એક તપ છે. તેના ઉપરથી એ ખ્યાલ આવે કે પર્યુષણમાં ઉપવાસની આરાધના ઉપર જે ભાર મૂકાય છે તે વધારે પડતો છે અને અસ્થાને છે.

વાસ્તવિકતામાં પર્યુષણ એક અતિશુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે છે. પ્રતિક્રમણ જૈન ધર્મની પ્રમુખ આરાધના છે. સાધુ તો શું પણ સામાન્ય શ્રાવકેય રોજ બે પ્રતિક્રમણ કરતો હોય છે. સવારનું પ્રતિક્રમણ અને સાંજનું પ્રતિક્રમણ. જૈન ધર્મમાં પાંચ તિથિની વિશેષ આરાધના થાય છે. તેમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે. એમાંય ચૌદશનું પ્રતિક્રમણ મોટું ગણાય. વળી ચાતુર્માસની આરાધનામાં પહેલી ચૌદશ અને છેલ્લી ચૌદશના પ્રતિક્રમણો અતિ મહત્વના ગણાય. તેમાં સૂત્રો વધારે હોય, પાપની આલોચના હોય. તેમાં વિધિ વિધાન વધારે હોય જેથી પ્રતિક્રમમની ક્રિયા લાંબા સમય માટે ચાલે.

સમગ્ર હિંદુ ધર્મમાં ચાતુર્માસની આરાધનાની ઘણી મહત્તા હોય છે. તે રીતે જૈનોમાં પણ ચોમાસાની આરાધના વિશિષ્ટ હોય છે. ચાતુર્માસમાં પર્યુષણ આવે. તેમાં તો ઉત્કૃષ્ટ પ્રકારે આરાધના કરવાની હોય. છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ આવે તે કર્યા પછી પર્યુષણનું સમાપન થાય. આ વાત જ એ દર્શાવે છે કે સમગ્ર પર્યુષણની આરાધનાનું લક્ષ્ય સંવત્સરી પ્રતિક્રમણ હોય છે. આ પ્રતિક્રમણ વધારેમાં વધારે શુદ્ધિપૂર્વક કરવા માટે પર્યુષણની સમગ્ર આરાધનાનું આયોજન થયેલું હોય છે. આ પ્રતિક્રમણ જેટલું ભાવપૂર્વક વિશુદ્ધિથી થાય. તેટલી પર્યુષણની આરાધના વધારે સફળ થયેલી ગણાય.

આપણે એ વિચારવાનું છે કે જે પ્રતિક્રમણનું જૈન ધર્મમાં આટલું બધું મૂલ્ય છે. તેનું કારણ શું હશે ? સંસારમાં જે ધર્મો છે તેમાં જૈન ધર્મ બધાથી અલગ પડી જાય છે તે તેના વિશિષ્ટ દર્શનને કારણે જૈન ધર્મના મતે જીવે બહારથી કંઇ મેળવવાનું નથી. તેણે જે કંઇ સિદ્ધ કરવાનું છે તે તેની અંદર જ પડેલું છે. જીવે જે પોતાનું છે તેનો જ આવિર્ભાવ કરવાનો છે. તે માટે જીવે જે કંઇ પુરુષાર્થ કરવાનો છે તે પોતાના સ્વભાવમાં આવી જવા માટે કરવાનો છે. અનંત ઐશ્વર્યનો સ્વામી એવો આત્મા દુ:ખી થઇને સંસારની ભવાટવીમાં ભટક્યા કરે છે કારણ કે તે પોતાનો સ્વભાવ ભૂલીને વિભાવોમાં રાચે છે અને જીવે છે બાકી આત્મા સ્વભાવે આનંદમય છે અને સ્વયં પર્યાપ્ત છે. જો તેણે પોતાની નિજી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો તેણે સ્વભાવમાં પાછા ફરવાનું છે. પ્રતિક્રમણ વિભાવમાંથી સ્વભાવમાં આવવા માટે છે. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. જીવે જે અતિક્રમણ કર્યું છે તેમાંથી પાછા ફરવા માટે તેણે પ્રતિક્રમણ કરવાનું છે. તેથી જૈન ધર્મના અનુષ્ઠાનોમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે.

આપણને પ્રશ્ન થાય કે જીવને વિભાવોમાં રખડાવનાર કોણ છે ? જીવને વિભાવોમાં લઇ જનાર છે : મિથ્યાત્વ, કષાય, મન-વચન અને કાયાના યોગો, અવિરતી પ્રમાદને વશ થયેલો જીવ અતિક્રમણ કરીને વિભાવોમાં વર્તે છે. સ્વભાવમાં આવવા માટે જીવે જે આરાધના કરવાની છે તે મિથ્યાત્વમાંથી પાછા ફરવાની, કષાયોમાંથી પાછા ફરવાની, મન- વચન- કાયાનો યોગોને ટૂંકાવવાની- અલ્પ કરવાની અને સંયમમાં વર્તવાની પર્યુષણની સમગ્ર આરાધના સ્વભાવમાં આવવા માટેની છે. તેનું લક્ષ્ય ઉત્કૃષ્ટ પ્રતિક્રમણ હોય છે. બાકી પ્રતિક્રમણનો સામાન્ય અર્થ છે. પાપમાંથી પાછા ફરવું જે અલ્પાકિત છે. બાકી તેમાં મૂળ વાત છે. આત્માના સ્વભાવમાં આવવાની.

સ્વભાવમાં આવવા માટેની પ્રતિક્રમણની યાત્રા કરતી વખતે મનમાં કોઇ દોષ રહી ગયો હોય તો પ્રતિક્રમણ કુલષિત થઇ જાય માટે સંવત્સરી પ્રતિક્રમણ સર્વ જીવોને ખમાવીને શલ્પરહિત થઇને કરવાનું વિધાન છે. જૈન ધર્મે ત્રણ પ્રમુખ શલ્પ કહ્યાં છે : મિથ્યાત્વ માયા અને નિયાણ એટલે કે ધર્મને અલ્પ ફાયદા માટે વટાવવો. શુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે જીવે આ ત્રણેય શલ્પ રહિત થવું જરૃરી છે. જો પર્યુષણની આરાધના સારી રીતે થઇ હોય તો આ ત્રણેય શલ્યોનો ભાર ઘણો ઘટી ગયો હોય છે. સંવત્સરી પ્રતિક્રમણ પર્યુષણનો પ્રાણ છે. પ્રતિક્રમણના તત્વાર્થને સમજીને આપણે જો તે કરીએ તો આપણને તેનો અનર્ગળ આત્મિક લાભ થાય.

Leave a comment