બટાકા ની વેફર અને સૂંઠ

A

|| બટાકા ની વેફર અને સૂંઠ ||

સવાલ :- બટાકા, કાંદા (ડુંગળી), બીટ, લસણ, ગાજર, સૂરણ જેવાં ભૂમિકંદ (કંદમૂળ) ખાવાનો નિષેધ કેમ કરેલ છે ?

જવાબ :- આપણો ધર્મ પરમાત્મા મહાવીરદેવ ના વિશિષ્ટ કેવલજ્ઞાન ની જ્યોતિ થી ઝળહળે છે. વિજ્ઞાન ની શોધો કરતાં પણ આગળ છે આપણાં ધર્મ ના શાસ્ત્રો.

જૈન ધર્મ નું જીવવિજ્ઞાન ઘણું વિશાળ છે. જૈન ધર્મ કહે છે કે બટાકા વગેરે ઉપર જણાવેલ કંદમૂળો અનંતકાય છે. અનંતકાય એટલે એક જ શરીર માં રહેલાં ઘણાં બધાં જીવો. માત્ર એક સોય ની ટોચ જેટલાં બટાકાં પર અનંતા જીવો રહેલાં છે. આવાં કંદમૂળો ખાવાં નો અર્થ આ બધાં જીવો નો નાશ. માત્ર જીભ ના સ્વાદ ખાતર અનંતા જીવો નો કચ્ચરઘાણ વાળવો જરાય ઉચિત નથી.

ખાવા માટે નહીં પણ જીવવા માટે ખાવાનું છે.

માત્ર જૈનો ના જ નહિં પણ બીજાં ધર્મો ના શાસ્ત્રો માં પણ કંદમૂળ ભક્ષણ ને ભયાનક પાપ તરીકે જણાવેલ છે.

હવે વૈજ્ઞાનિક રીતે પણ સમજીએ વિજ્ઞાન કહે છે કે જ્યાં અંધારૂં હોય ત્યાં પુષ્કળ જીવો હોય.

માળિયા પર, ભોંયરા માં, જમીન ની નીચે, બંધિયાર પાણીમાં નાના નાના અનેક જીવો હોય છે. જ્યાં સૂર્ય પ્રકાશ ન પહોંચે ત્યાં આવા અનંતા જીવો હોય છે. આપણે જાણીએ છીએ કે આ બધાં કંદમૂળો જમીન ની અંદર જ ઉગે છે, ભૂમિકંદ છે, તેથી સૂર્ય નો પ્રકાશ પહોંચતો નથી.

સવાલ :- મગફળી પણ જમીનની અંદર જ ઉગે છે, તો શિંગ કે શિંગતેલ કેમ ખાઈ શકાય ?

જવાબ :- મગફળી જમીન ની અંદર ઉગે છે, તે સાચી વાત છે. પણ મગફળી માં પુષ્કળ તેલ હોવાથી અનંતાજીવો પેદા થતાં જ નથી.

ઉલટાંનું જુદી જુદી દાળ બગડે નહીં તે માટે બહેનો તેને તેલ થી મોએ છે. તેલ ના કારણે જીવો ઉત્પન્ન થતાં નથી અને દાળ બગડતી નથી. તેલ જીવો ને ઉત્પન્ન થતાં અટકાવે છે. મગફળી માં તો કુદરતી રીતે તેલ છે. તેથી શિંગ અને શિંગતેલ વપરાય. લસણ માં તેલ નથી પણ લસણ નો રસ છે જે જીવો ને ઉત્પન્ન થતાં અટકાવી નથી શકતો. લસણ ને ના વાપરી શકાય.)

સવાલ :- આદુ ના વપરાય પણ સૂંઠ વપરાય એમ શા માટે ?

જવાબ :- આદુ, લીલી હળદર વગેરે પણ જમીનમાં જ ઉગે છે. કંદમૂળ = અનંતકાય ના લક્ષણો તેમાં પણ છે. છતાંય સૂકાઈ ને તૈયાર થયેલ સૂંઠ, હળદર વગેરે વપરાય છે,

પરમાત્મા કરૂણા ના ભંડાર છે. આપણાં આત્મા ની સાથે શરીર ની ચિંતા પણ કરી છે. ઉકાળેલું પાણી, રાત્રિભોજન ત્યાગ વગેરે માં જેમ આત્મા ની સાથે આપણા શરીરના આરોગ્ય ની વાત જોડાયેલી છે, તેમ સૂંઠ, હળદર ના ઉપયોગ માં પણ જોડાયેલી છે.

ઘરના રસોડા માં વપરાતાં અનેક જાતનાં મસાલા ઔષધિ સમાન છે. મરી, અજમો, સૂંઠ, પિપરામૂળ, હળદર વગેરે મસાલા અનેક રોગો ને થતાં અટકાવે છે, થયાં હોય તો મટાડનારી ઔષધિ છે.

કુદરતી રીતે સુકાયેલાં સૂંઠ, હળદર વગેરે માં પૂર્વે રહેલાં અનંતાજીવો પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં મરીને બીજાં ભવોમાં ગયાં હોવાથી હોતાં નથી તેથી જીવહિંસાનું પાપ નથી લાગતું.

જો આદુનું સુકાયેલું રૂપ સૂંઠ વાપરી શકાય તો બટાકા નું સુકાયેલું સ્વરૂપ વેફર પણ ખવાય ને ?

જૈન ધર્મ માં આનો સૂક્ષ્મ દ્રષ્ટી થી વિચાર કરી ને ના પાડવામાં આવેલ છે. કોઈ પણ જીવ ની હિંસા આપણે કરવી નહિં. સૂંઠ કુદરતી રીતે સુકાય છે જ્યારે બટાકાં કુદરતી રીતે નથી સુકાતાં.

કીડીઓ ને કોમળ પૂંજણી થી જયણાપૂર્વક સુપડીમાં લઈને બહાર કોઈ ઝાડ નીચે ઠંડકમાં સાચવીને મૂકો તો પણ હિંસા ગણાય. કારણકે કીડીઓ ત્યાં પોતાનું દર શોઘશે, પણ મળશે નહિ તેથી કદાચ મરી પણ જાય.

પાંચમા ઈરિયાવહી સૂત્રમાં “ ઠાણા ઓ ઠાણં શંકામીયા” પદથી આવી હિંસા ની ગણના કરી છે. તેના બદલે જો તે કીડીઓની આસપાસ કપૂર, બરાસ કે રખીયા નાખી હોત તો તે કીડીઓ પોતાના મેળે જ ત્યાં થી પોતાના દરમાં ચાલી જશે. આમ તેમની જયણા થશે.

** આપણને સૂંઠની આરોગ્ય માટે જરૂર છે, બટાકાની વેફર જરૂરી નથી.

** વળી સૂંઠ ની જરૂરી માત્રા કે પ્રમાણ ખૂબ જ નાનું છે, તેનાં ફાંકડા ન મારી શકાય, તે સ્વાદ માટે નથી ખવાતી. કુદરતી રીતે સુકાયેલ છે જ્યારે બટાકા જાતે જ સુકાઈ ને વેફર નથી બની જતાં.

** સૂંઠ થી પેટ નથી ભરાતું, અને આસક્તિ નથી થતી. જ્યારે બટાકા ની વેફર તો સ્વાદ માટે ખાવ છો માટે બટાકા ની વેફર ના ખવાય. અનાસક્તિ નામના ગુણ ની રક્ષા માટે પણ આ મનાઈ કરવા માં આવી છે.
તેથી સૂંઠ નો ઉપયોગ કરાય પણ બટાકા ની વેફર ન જ ખવાય. ભૂતકાળ માં ખાધી હોય તો ય જાગ્યા ત્યાર થી સવાર ગણી આજ થી જ કંદમૂળ ત્યાગ કરી સાચા શ્રાવક – શ્રાવિકા બનો.

રાત્રિભોજન

AAA

|| રાત્રિભોજન ||

શંકા : –

** ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર સ્વામી આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં થયાં.
થોમસ આલ્વા એડિસને ઈલેકટ્રીક બલ્બ ની શોધ કરી ૪ નવેમ્બર ૧૮૭૯ માં પેટન્ટ માટે અરજી કરી.
તો પહેલાં રાતનાં અંઘકાર માં ઓછાં પ્રકાશ માં જોઈ ન શકવા ના કારણે ભગવાને આવી આજ્ઞા કરી હશે ? હવે તો રાત્રે પણ સૂર્ય પ્રકાશ વગર જોઈ શકાય છે. તો રાત્રે કેમ ન ખવાય ?

સમાધાન : –

** પરમાત્મા મહાવીર દેવ ની આજ્ઞા છે

રાત્રિભોજન ન જ કરવું .
રાત્રિભોજન નર્ક નું પ્રવેશદ્વાર છે.

|| વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ ||

સૂર્ય નો ઉદય થતાં દિવસ ની શરૂઆત થાય છે. સૂર્યાસ્ત થતાં દિવસ પૂર્ણ થાય અને રાત્રિ નો સમય શરૂ થાય છે.જેવો સૂર્ય અસ્ત થાય કે તરતજ અનેક સૂક્ષ્મજીવો ની ઉત્પતિ થાય છે. એટલાં નાનાં કદનાં આ જીવો છે કે ઈલેકટ્રીક લાઈટ ના પ્રકાશ માં પણ નરી આંખે તો તમને ન જ દેખાય. કદાચ હાઈ પાવર માઈક્રોસ્કોપ માં જોઈ શકાય.
સૂર્ય નો પ્રકાશ આ ધરતી ઉપર ફેલાતાં સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ શકતા નથી. જે હોય છે તે પણ દૂર દૂર સંતાઈ જાય છે.

સાવ સામાન્ય ઉદાહરણ આપું તો મચ્છર કે જે સૂર્ય ની હાજરી માં નથી દેખાતાં તે સાંજ થતાંજ અચાનક જ ઉડતાં દેખાય છે. બીજું આ ઈલેકટ્રીક લાઈટ નો પ્રકાશ તો તેમને આકર્ષનારો છે. તે જોયુંજ હશે કે ઘર માં કે સ્ટ્રીટ લાઈટ ની આસપાસ તો પુષ્કળ પ્રમાણમાં ઉડતાં દેખાય છે. આમ આ તો વધુ ખતરનાક છે અને બિમારીઓ ને સામેથી આમંત્રણ આપનાર છે. આમ લાઈટ નો પ્રકાશ જીવો ને ઉત્પન્ન થતાં અટકાવી શકતો નથી કે હોય તેને દૂર પણ કરી શકતો નથી. અરે દૂર કરવાની વાત તો જવા દો ઢગલાબંધ જીવો ને પોતાની આસપાસ ભેગા કરી દે છે. તો રાત્રી માં લાઈટો ના અજવાળામાં પણ શી રીતે ખાઈ શકાય ?

બીજી વાત સૂર્ય નો પ્રકાશ ધરતી પર પડતાં ની સાથેજ ફુલો ની કળીઓ ખીલી ઉઠે છે. આજની દુનિયા ના કોઈજ આર્ટિફિશિયલ પ્રકાશ નું ઉદગમ સ્થાન ફુલો નથી ખીલવી શકતું. સૂર્ય પ્રકાશ અને કૃત્રિમ પ્રકાશનાં વેવ લેન્થ માં ખૂબજ ફરક છે. આમ સૂર્યના પ્રકાશ ની શક્તિ અને લાઈટ ની પ્રકાશ ની શક્તિ જુદા જુદા પ્રકાર ની છે, માટે સૂર્યના પ્રકાશમાં જ ખવાય પણ તેના કરતીમ પણ વધારે લાઈટ ના પ્રકાશ માં તો ન જ ખવાય.
પરમકૃપાળુ જગદગુરૂ તીર્થકર પરમાત્મા નાં વિશુધ્ધએવાં કેવળજ્ઞાન ને આપણાં અધુરાં જ્ઞાન ના તર્ક ના ત્રાજવે ના તોળાય. કેવળજ્ઞાની પરમાત્મા ની આજ્ઞા મુજબ જ જીવન જીવવું જોઈએ. રાત્રિભોજન નો સર્વથા ત્યાગ જ કરવો.

અહિંસા પરમો ધર્મ

 

2

|| અહિંસા પરમો ધર્મ ||

અહિંસા’ શબ્દનો સામાન્ય અર્થ છે “ હિંસા ન કરવી “એનો વ્યાપક અર્થ છે – કોઈપણ પ્રાણીને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું. મનમાં કોઈકનું અહિત ન વિચારવું, કોઈને કટુવાણી વગેરે દ્વારા પણ નુકસાન ન પહોંચાડવું તથા કર્મથી પણ કોઈપણ સ્થિતિમાં, કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી, તે અહિંસા છે. જૈન ધર્મમાં અહિંસાનું ખુબજ મહત્વ છે. અહિંસા પરમો ધર્મ: અહિંસા પરમ (સૌથી મોટો) ધર્મ કહેવાયેલ છે.

શ્રી મહાવીર સ્વામીનાં તત્કાલીન સમયમાં જીવ-અહિંસાનું પ્રમાણ વઘુ હતું. માનવ-હત્યા પશુઓની બલિ વિગેરે. ત્યારે તેમણે અહંિસાનો મંત્ર આપ્યો. નાની જીવાતોનું પણ રક્ષણ માટે રાત્રિ, ભોજનની મના કરી. ક્ષમા વીરસ્યભૂષણમ્‌ એવો સંદેશો આપ્યો.

જૈન-ધર્મ-સનાતન ધર્મ છે. શ્રી મહાવીર સ્વામીની વિચારધારા. આજે પણ એટલી જ તાજી અને વૈજ્ઞાનિક છે.

જૈન-સાઘુઓએ કેવળ આત્માની વાત નથી કરી. પણ સમસ્ત માનવ સમાજ માટે પ્રકૃતિનાં ગુઢ રહસ્યોનું ચિંતન કરી જગત સમક્ષ રજુ કર્યું છે. ખગોળવિજ્ઞાન, જ્યોતિષ-આરોગ્ય વિગેરે સદીઓ પહેલાં જગતને આપ્યાં છે. આજનું આઘુનિક વિજ્ઞાન હજુ તે કક્ષાએ પહોંચી શક્યું નથી.

શ્રી મહાવીર સ્વામીનાં તત્કાલીન સમયમાં જીવ-અહિંસાનું પ્રમાણ વઘુ હતું. માનવ-હત્યા પશુઓની બલિ વિગેરે. ત્યારે તેમણે અહિંસાનો મંત્ર આપ્યો. નાની જીવાતોનું પણ રક્ષણ માટે રાત્રિ, ભોજનની મના કરી. ક્ષમા વીરસ્યભૂષણમ્‌ એવો સંદેશો આપ્યો.

સનાતન ધર્મમાં કેટલેક સ્થળે પશુબલિનો પ્રયોગ થાય છે. છતાં જૈનધર્મના પ્રભાવ હેઠળ એમાં પણ ઘટાડો થયો છે.
જૈન ધર્મમાં દાનનું મહત્ત્વ છે અને આ અહિંસાનાં સંદર્ભમાં આઘુનિક હોસ્પિટલો તેમજ પાંજરાપોળનું નિર્માણ થયું છે. હિંદુઓ કરતાં જૈન-ધર્મમાં ગૌ-શાળાનું વઘુ પ્રાધાન્ય અપાયેલ છે.

આજે અહિંસાનો વ્યાપક-અર્થમાં પ્રચાર થવો જરૂરી છે. આપણાં મનમાં ઉદ્‌ભવતા દુષ્ટ મનોભાવો. એ તરંગ બને છે. તે પણ એક હિંસા છે.

હાલનાં ભોગવાદી સમયમાં વ્યક્તિ લક્ષ્મી પાછળ ગાંડો થયો છે અને આ ગાંડપણમાં અનેક વ્યક્તિઓની જાણે-અજાણે હિંસા થતી હોય છે.

આવાં મુખ્ય ઘટક રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, વહીવટીતંત્ર, પોલીસ તંત્ર. નાના-મોટા વેપારીઓ, આરોગ્યની સાથે ખિલાવર કરનાર ઉત્પાદકો, ખાદ્ય-સામગ્રીમાં ભેળસેળ કરનારાં વેપારીઓ એક જાતની માનવ-હત્યા કરતાં હોય છે. હંિસાને વ્યાપક-અર્થમાં લેવામાં આવે તો તે વ્યાપ ખૂબ વધી જાય છે.

ખોટી રીતે જમીનો પડાવી લેવી, ઓછું ભાડુ મકાન માલિકોને આપી અઢળક સંપત્તિ મેળવવી. જેઓનાં સહકારથી અઢળક સંપત્તિ મળતી હોય તેણે યોગ્ય વળતર ન આપવું તબીબી સેવામાં સામાન્ય જનતાની લાચારીમાં હજારો રૂપિયા ભેગાં કરવાં. આ બઘુ બુદ્ધિથી થતી હિંસા છે. હિંસાનો મોટો હિસ્સો ભ્રષ્ટાચારને પણ ઘણી શકાય.

અહિંસાનો વ્યાપક અર્થમાં મહાવીર સ્વામીની મૂળભૂત ભાવનાને નવાં દ્રષ્ટિકોણથી પ્રજા સમક્ષ મૂકી નવી ચેતનાનું નિર્માણ કરવાનું કાર્ય જૈનધર્મનાં સાઘુ-સમાજે તથા અન્ય ધર્મના સાઘુ-સંતોનાં સહકારથી આ દિશામાં અહિંસક, આંદોલન શરૂ કરવું જરૂરી છે.

ભ્રષ્ટાચાર, મોંઘવારી-માંથી ત્રાહિત પ્રજાને મુક્તિ મળશે. સમાજમાંથી અનિષ્ટ તત્ત્વો ખોટાં કામો નહી કરે – શ્રી મહાવીર સ્વામીની પુજાનું એક મહત્ત્વ લક્ષણ બની રહેશે.
આજે અનેક જૈન-આચાર્યો વર્તમાન સમયને સમજીને આ દિશામાં અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે. લગ્નનો વૈભવ કે રાત્રિ-ભોજન પણ બંધ કરાવ્યાં છે.

ગરીબ પ્રજા માટે આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ ઊભી કરી છે. આની જવાબદારી કેવળ જૈન-મુનિઓની નથી પણ સમસ્ત જૈન-બુદ્ધ-હિંદુ ધર્મનાં બધાં સાઘુ-સંતોની છે.

જૈન-સમાજ આ દિશામાં સક્રિય થશે તો સમસ્ત માનવ-સમાજનું કલ્યાણ અને સુખાકારી મળશે. અને ભગવાન મહાવીર સ્વામીની કૃપા અને શક્તિ મળશે. ત્યારે અહિંસા પરમો ધર્મમાં સમસ્ત આત્માનો સાક્ષાત્કાર થશે.

બધા જીવો પ્રત્યે સંયમપૂર્ણ વ્યવહાર અહિંસા છે.અહિંસાનો શબ્દાનુસારી અર્થ છે, હિંસા ન કરવી. આનો પારિભાષિક અર્થ વિધ્યાત્મક અને નિષેધાત્મક બંને છે. દ્વેષાત્મક પ્રવૃત્તિ ન કરવી, પ્રાણવધ ન કરવો અથવા પ્રવૃત્તિ માત્રનો વિરોધ ના કરવો એ નિષેધાત્મક અહિંસા છે. સત્પ્રવૃત્તિ, સ્વાધ્યાય, અધ્યાત્મસેવ, ઉપદેશ, જ્ઞાનચર્ચા આદિ આત્મહિતકારી વ્યવહાર વિધ્યાત્મક અહિંસા છે. સંયમી દ્વારા પણ અશક્ય કોટિનો પ્રાણવધ થઇ જાય છે, તે પણ નિષેધાત્મક અહિંસા હિંસા નથી. નિષેધાત્મક અહિંસામાં કેવળ્ હિંસા વર્જિત હોય છે, વિધ્યાત્મક અહિંસામાં સત્ક્રિયાત્મક સક્રિયતા હોય છે. આ સ્થૂળ દૃષ્ટિનો નિર્ણય છે. ઊંડાણમાં પહોચતા તથ્ય કૈક બીજું જ મળે છે. નિષેધ માં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ માં નિષેધ હોય જ છે. નિષેધાત્મક અહિંસામાં સત્પ્રવૃત્તિ અને સત્પ્રવૃત્યાત્મક અહિંસામાં હિંસાનો નિષેધ હોય છે. હિંસા ના કરવા વાળો જો આંતરિક પ્રવૃત્તિ ને જો શુદ્ધ ના કરે તો તે પણ અહિંસા નથી. એટલે નિષેધાત્મક અહિંસા માં સ ત્પ્રવૃતીની આશા રહે છે, તે બાહ્ય હોય કે આઁતરિક, સ્થૂળ હોય કે સૂક્ષ્મ. સત્પ્રવૃત્યાત્મક અહિંસામાં હિંસા નો નિષેધ હોવો આવશ્યક છે. આના વિના કોઈ પ્રવૃત્તિ સત્ કે અહિંસક ના થઇ શકે, આ નિશ્ચય દૃષ્ટિની વાત છે. વ્યવહારમાં નિષેધાત્મક અહિંસા ને નિષ્ક્રિય અહિંસા અને વિધ્યાત્મક અહિંસા ને સક્રિય અહિંસા કહેવાય છે.

જૈન ગ્રંથ આચારાંગસૂત્રમાં, જેનો સમય સંભવત: ત્રીજી ચોથી શતાબ્દી ઈ. પૂ. છે, અહિંસાનો ઉપદેશ આ પ્રકારે આપ્યો છે : ભૂત, ભાવી અને વર્તમાનના અર્હત આ જ કહે છે- કોઈ પણ જીવિત પ્રાણીને, કોઈ પણ જંતુને, કોઈ પણ વસ્તુ કે જેમાં આત્મા છે એને ના મારો, ના અનુચિત વ્યવહાર કરો, ન અપમાનિત કરો, ન કષ્ટ આપો અને ના હેરાન કરો.

પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, આ બધા અલગ જીવ છે. દરેક માં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ ધારક અલગ અલગ જીવ છે. ઉપર્યુકત સ્થાવર જીવો ઉપરાંત અન્ય ન્નસ (જંગમ) પ્રાણી છે કે જેમના માં હરવા ફરવા નું સામર્થ્ય છે. આ જ જીવોના ૬ વર્ગ છે. આના સિવાય દુનિયા માં કોઈ જીવ નથી. જગત માં કોઈ જીવ ન્નસ (જંગમ) છે અને કોઈ સ્થાવર. એક પર્યાય માં હોવું કે બીજા માં એ કર્મો ની વિચિત્રતા છે. પોતપોતાની કમાણી છે, જેનાથી જીવ ન્નસ (જંગમ) કે સ્થાવર હોય છે. એક જીવ જો એક જન્મ માં ન્નસ (જંગમ) હોય તો બીજા જન્મ માં સ્થાવર હોઈ શકે છે. ન્નસ (જંગમ) હોય કે સ્થાવર બધા જીવોને દુખ અપ્રિય હોય છે. આ સમજી ને મુમુક્ષ બધા જીવો પ્રતિ અહિંસા ભાવ રાખે.

બધા જીવવા માંગે છે, મારવા કોઇ નથી માંગતું. તેથી જ નિર્ગ્રંથ પ્રાણિવધ ની મનાઈ કરે છે. બધા પ્રાણીઓ ને પોતાની આયુ પ્રિય છે, સુખ અનુકુળ છે, દુખ પ્રતિકુળ છે. જે વ્યક્તિ લીલી વનસ્પતિ નું છેદન કરે છે તે પોતાના આત્મા ને દંડ દેવાવાળો છે. તે બીજા પ્રાણીઓ ની હત્યા કરીને પોતાના આત્માની જ હત્યા કરે છે.

આત્મા ની અશુદ્ધિ માત્ર હિંસા છે. આ બાબત નું સમર્થન કરતા આચાર્ય અમૃત્ચંદ્ર એ લખ્યું છે: અસત્ય વગેરે વિકાર આત્મપરિણતિ ને બગાડે એવું છે, તેથી તે બધી હિંસા છે. અસત્ય વગેરે જે દોષ બતાવ્યા છે તે કેવળ “શિષ્યાબોધાય” છે. સંક્ષેપ માં રાગદ્વેષનો અપ્રાદુર્ભાવ અહિંસા અને તેનો પ્રાદુર્ભાવ હિંસા છે. રાગદ્વેષરહિત પ્રવૃત્તિ થી અશક્ય કોટિનો પ્રાણવધ થઇ જાય તો પણ નૈશ્ચયિક હિંસા ગણાતી નથી. જે રાગદ્વેષની પ્રવૃત્તિ કરે છે તે પોતાના આત્માનો જ ઘાત કરે છે, પછી તે બીજા જીવો નો ઘાત કરે કે ના કરે. હિંસાનો વિરોધ ના કરવો તે પણ હિંસા છે અને હિંસા માં પરિણત થવું પણ હિંસા છે. તેથી જ જ્યાં રાગદ્વેષ ની પ્રવૃત્તિ છે ત્યાં નિરંતર પ્રાણવધ થાય છે.

ઉકાળેલું પાણી શા માટે પીવાનું ? ગરમ પાણી છે મહાઔષધ – શું તમારે વજન ઘટાડવુ છે ?

A

|| ઉકાળેલું પાણી શા માટે પીવાનું ? ||

શંકા :-

કાચાં પાણી ને ઉકાળવાથી તેમાં રહેલાં જીવો બળી ને મરી ન જાય ? તો ઉકાળેલું પાણી શા માટે પીવાનું ?

સમાધાન :-

** વિજ્ઞાનનો અભ્યાસ કહે છે કે પાણીના એક ટીપામાં 36450 હાલતા ચાલતા જીવો છે.

** આને જૈન ધર્મની પરિભાષામાં ત્રસ જીવો કહેવામાં આવે છે.

** આ ત્રસ જીવો બહારથી આવ્યા છે.આ ઉપરાંત પણ અનેક જીવો જે અતિ સુક્ષ્મ છે.આપણે કલ્પના પણ ના કરી શકીએ અબજોના અબજોની સંખ્યામાં અસંખ્યાતા જીવો એક પાણીના ટીપામાં રહેલા છે.જે વીતરાગ પરમાત્માનું સાશન જીવ વિચારમાં જણાવે છે કે પાણીને 3 ઉકાળા પૂર્વક ગરમ કરવાથી જીવ રહિત બને છે.

** કાચા પાણીમાં અસંખ્યતા જીવોના જન્મ મરણની સાયકલ ચાલ્યા જ કરે છે.

** પાણીને ઉકાળવાથી આ સાયકલ અટકી જાય છે.

** ચોમાસામાં આ સમય 9 કલાક (3 પ્રહર) શિયાળામાં 12 કલાક અને ઉનાળામાં 15 કલાક જટલો હોય છે.ત્યાર બાદ ઉકાળેલું પાણી પણ ફરીથી સચિત થઇ જાય છે.જીવોની જન્મ મરણની ઘટમાળ ચાલુ થઇ જાય છે.

** જીવોને અભયદાન : –

** આમ ઉકાળેલું પાણી પીવાથી અસંખ્યતા જીવોને અભયદાન આપવાનું શક્ય બને છે.

** ઉકાળેલું પાણી તદ્દન જીવરહિત હોય છે.તેથી કાચું પાણી મોઢામાં અને ઉકાળેલું પાણી ત્રણ નવકાર ગણીને બેસીને વાપરવામાં જે મનના પરિણામો છે તેમાં જબરદસ્ત ફરક અનુભવાય છે.

** જૈન માત્ર જયણાનું પાલન કરવામાં કદી પાછો ન પડે.જીવ માત્રની જયણા તો જૈન ધર્મ માટે “મા” સમાન છે.

** હા એક વાત જરૂર છે કે પાણીને ઉકાળવાથી તેમાં રહેલા જીવો બળીને મરી જાય છે, પણ સંખ્યાની સરખામણી કરો તો સમજાશે કે પાણીને ઉકાળવાથી જેટલા જીવો મરે છે તેના કરતા અસંખ્યાતગણા વધારે જીવોની જન્મ મરણની સાયકલ ચાલવાની હતી તે અટકતા તે બધાને અભયદાન મળે છે.

** જે જીવો મરે છે, તેમની પણ આલોચના આપણે પ્રતિક્રમણ કરતા કાઉસગ્ગ ધ્વારા લેવાની છે.

** આમ અસંખ્ય જીવોને અભયદાન પ્રદાન કરનાર પરમાત્માનું શાસન ખરેખર ખુબ જ ઉપકારી છે.

2

|| ગરમ પાણી છે મહાઔષધ ||

|| ગરમ પાણીના ખાસ ગુણો અને તેના ફાયદા ||

* શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછા 6 થી 8 ગ્લાસ પાણી પીવું અત્યંત જરૂરી છે. પરંતુ ઠંડા પાણીની સાથે દરરોજ 1થી 2 ગ્લાસ ગરમ પાણી પીવામાં આવે તો તે કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સમાં દવાનું કામ કરી શકે છે.

* જો તમે સ્કિનની સમસ્યાથી પરેશાન છો અથવા સ્કિનમાં ગ્લો લાવવા માટે જાત-જાતના સૌંદર્ય પ્રસાધનો વાપરીને થાકી ગયા હોવ તો દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરી દો. તમારી સ્કિનની તકલીફો દૂર થવા લાગશે અને તમારી સ્કિન ગ્લો કરશે.

* યુવતીઓને માસિક સ્ત્રાવ દરમિયાન પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી તરત રાહત થાય છે. માસિકસ્ત્રાવ દરમિયાન દુખાવામાં મસલ્સમાં ખેંચાણ થાય છે જેને ગરમ પાણી રિલેક્સ કરી દે છે.

* ગરમ પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નિકળી જાય છે. સવારે ખાલી પેટ અને રાત્રે ભોજન બાદ ગરમ પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે અને ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેતી નથી.

* ભૂખ વધારવામાં પણ એક ગ્લાસ પાણી બહુ ઉપયોગી છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબૂનો રસ, મરી પાઉડર અને મીઠું નાખીને પીવાથી પેટ ભારે થઈ જવાની સમસ્યા દૂર થઈ જાય છે.

* ખાલી પેટે ગરમ પાણી પીવાથી મૂત્ર સંબંધી રોગો દૂર થઈ જાય છે. સાથે હૃદયની બળતરા પણ દૂર થાય છે. વાતથી ઉત્પન્ન રોગોમાં ગરમ પાણી અમૃત સમાન ફાયદાકારક હોય છે.

* નિયમિત ગરમ પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ પણ ઝડપથી થાય છે. ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. પરસેવા વડે શરીરના તમામ ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે.

* ચંરક સંહિતા મુજબ તાવામાં તરસ લાગવાથી દર્દીએ ગરમ પાણી જ પીવું જોઈએ, તેનાથી તાવમાં બહુ લાભ થાય છે.

* જો શરીરના કોઈ ભાગમાં ગેસને કારણે દુખાવો થઈ રહ્યો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ શરીરમાંથી બહાર નીકળી જાય છે.

* વર્તમાન સમયમાં પેટના રોગીની સમસ્યા ઘણી વધી ગઈ છે. મોટાભાગની પેટ સંબંધી બીમારીઓ દૂષિત પાણીને કારણે થાય છે. જો પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવામાં આવે તો પેટની અનેક બીમારીઓથી બચી શકાય છે.

* ગરમ પાણી સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે, ગરમ પાણી પીવાથી શક્તિનું સંચાર થાય છે. આનાથી કફ અને શરદી સંબંધી રોગોમાં ક્ષીણ ઊર્જા ફરી પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે.

* દમ, હેડકી, વગેરે રોગોમાં, ખારાશ અને તળેલા ભોજન ખાધા બાદ ગરમ પાણી પીવાથી ઘણો લાભ થાય છે અને અનેક સમસ્યા દૂર થાય છે.

* સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબૂ મિક્ષ કરીને પીવાથી શરીરને વિટામિન સી મળે છે. સાથે જ ગરમ પાણી અને લીંબૂનું સંગમ શરીરના રોગપ્રતિકારક તંત્રને પણ મજબૂત બનાવે છે. સાથે જ પી.એચનું સ્તર બની રહે છે.

* દરરોજ એક ગ્લાસ ગરમ પાણી મગજના સેલ્સ માટે ટોનિકનું કામ કરે છે. આ માથાના સ્કેલ્પને હાઈડ્રેટ કરે છે જેથી સ્કેલ્પ ડ્રાય થવાની સમસ્યા ખતમ થઈ જાય છે.

* વજન ઘટાડવામાં પણ ગરમ પાણી બહુ મદદ કરે છે. જમ્યાના એક કલાક બાદ ગરમ પાણી પીવાથી મેટાબોલિઝ્મ વધે છે. જો ગરમ પાણીમાં થોડુક લીંબૂ અને મધના કેટલાક ટીપાં મિક્ષ કરી લેવામાં આવે તો શરીર સુડોળ બને છે.

* હમેશા જુવાન દેખાવાની ઈચ્છા રાખનારા લોકો માટે ગરમ પાણી એક ઉત્તમ ઔષધિ તરીકે કામ કરે છે. દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી અર્લી એજિંગ સાઈન્સ પરેશાન કરતાં નથી.

1

|| શું તમારે વજન ઘટાડવુ છે ?? તો રોજ પીવો ગરમ પાણી અને થઇ જાઓ સ્લિમ એન્ડ ટ્રીમ ||

પાણી આપણા શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. મનુષ્ય પાણી વગર જીવી ન શકે, પરંતુ નવાયું પાણી કે ગરમ પાણી પણ ફાયદાકારક છે. આ ગુણધર્મોની ખાણ છે. નવાયું પાણી પીવાથી જાડાપણું ઘટે છે.

જાડાપણાથી કંટાળેલા લોકો માટે નવાયું પાણી ખૂબ જ ફાયદાકારક છે. ભોજન કરવાના અડધા કલાક પછી એક ગ્લાસ પાણી સિપ (ઘૂંટ ભરીને) પીવાથી, શરીરનું વજન ઘટે છે. આ પાછળનો તર્ક એ છે કે નવાયું પાણી અથવા ગરમ પાણી શરીરના ઝરી પદાર્થોને બહાર કરે છે. આ પ્રક્રિયાથી શરીરની ગંદગીને સાફ કરવાની પ્રક્રિયા ઝડપી થાય છે અને કિડની દ્વારા ગંદગી બહાર નિકળે છે.

આ સિવાય થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત પણ દૂર થાય છે.ગરમ પાણીથી નહાવાથી થાક મટે છે. અને ત્વચા નિખરે છે.ગરમ પાણી વાપરતા વજન ઓછું થાય છે અને સાથે-સાથે રક્ત પરિભ્રમણ પણ સંતુલિત થાય છે. ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરી પીવાથી રોગ પ્રતિકાર વધે છે ,તેમજ વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે.કિડનીની યોગ્ય દેખરેખ માટે દિવસમાં 2 વાર સવારે -સાંજે નવાયું પાણી પીવું જોઇએ જેથી શરીર હાજર ગંદગી દૂર થાય અને શરીર સાફ રહે છે.

 

 

માંસાહાર

AAA jpg

|| માંસાહાર ||

* માંસાહાર કરનારાઓ ચેતે !

* માંસાહાર અને મચ્છી આહારથી થતા નુકસાનોને જાણો !

* માંસ ખાવાથી ક્ષય, કેન્સર, રક્તપિત્ત, ગંડમાલ, વાતપિત્ત, સંધિવા, પથરી વગેરે રોગો થાય છે.

* દરિયામાં ૧૦૦ કરોડ રતલ ડીડીટી અને અણુબોમ્બનો કચરો પડે છે એમાં રહેતી માછલીઓ ખાવાથી શું થાય એ વિચારી જૂઓ !

* માંસ ખાવાથી તાકાત વધતી નથી * ઘોડા, હાથી, હરણ વગેરે પ્રાણીઓ માંસ ખાતા નથી

માંસના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે :-

૧. જલચરનું માંસ : જલચર એટલે માછલાં, દેડકાં, કાચબા વગેરે જળમાં રહેનારા પ્રાણીઓ.

૨. સ્થલચરનું માંસ : સ્થલચર એટલે હરણ, ઘેટાં, બકરાં, ગાય, બળદ, પાડા, ભૂંડ, સસલાં, વગેરે ભૂમિ પર ફરનારાં પ્રાણીઓ.

૩. ખેચરનું માંસ. : ખેચર એટલે કૂકડા, કબૂતર, તેતર, ચકલાં વગેરે આકાશમાં ઉડનારાં પક્ષીઓ.
આ ત્રણે પ્રકારનાં પ્રાણીઓનાં માંસ-ભક્ષણમાં જીવની હત્યારૃપ મહાપાપ છે.

પ્રાણીઓનો વધ કર્યા સિવાય માંસ તૈયાર થતું નથી. વળી તેમાં પળે પળે અનેક મસૂર્મ્છિમ જીવો, અનંત (નિગોદના) એકેન્દ્રિય જીવો, સૂક્ષ્મ ત્રસ કીડાઓ ઉત્પન્ન થાય છે. એટલે માંસને સર્વથા અભક્ષ્ય ગણવામાં આવ્યું છે.

મનુષ્યે માંસાહાર છોડીને માત્ર વનસ્પતિનો આહાર શા માટે કરવો? તે અંગે મનનીય મુદ્દાઓ ઃ

૧. અન્ન, શાક, ફળ-ફૂલ રૃપ વનસ્પતિમાંથી શુદ્ધ, પુષ્ટિકારક, સુસ્વાદુ અને ઉપયોગી ખોરાક મળી શકે છે, તેથી મહાહિંસા દ્વારા જીવનને ભ્રષ્ટ કરનાર માંસનો ઉપયોગ કરવાની જરાપણ આવશ્યકતા નથી. અનાજ ઓછું પાકે છે તેથી માંસાહાર કરવો જોઈએ એ દલીલ વાહિયાત છે. જે શક્તિઓને પ્રાણીઓના શિકાર કરવામાં કે માછલાં પકડવામાં ખર્ચવામાં આવે છે તેનાથી અનેક રોગો થાય છે. તેના પ્રતિકારની દવાઓ, દવાખાનાંઓ ઊભાં કરવાં પડે છે. માટે માનવને નિરોગી અને સુખી રાખે તે માટે તે શક્તિ માંસ-મચ્છી પાછળ ન ખરચતાં અન્નની પાછળ ખરચાય તો સર્વેને ભરપૂર અન્ન મળી શકે. પ્રજા સુખી અને નિરોગી રહે.

૨. મનુષ્ય જાતિનું શરીર સ્વભાવથી જ માંસાહારને યોગ્ય નથી. માંસ સહેલાઈથી પચાવી શકાતું નથી. ઉલ્ટું લાખો લોકો કેન્સરના તથા બીજા અનેક ભયંકર રોગોના શિકાર બની ગયા.

૩. માંસએ શરીરનો મરેલ ભાગ છે. એટલે શરીરમાંથી છુટું પડતાં જ તે સડવા માંડે છે. અને તરત જ તેમાં તેના રંગના બારીક જંતુઓ ઉત્પન્ન થઈ જાય છે. તેમજ અનંત નિગોદના જીવો ઉત્પન્ન થાય છે.

કૃત્રિમ બનતી ચીજોથી સાવધાન બનો :-

* કેટલાક દગાખોર લોકો ઘીમાં ચરબીનો ભેગ કરે છે. વિલાયતી બિસ્કૂટ-ચોકલેટ-ચીંગમ વગેરેમાં માંસ-મચ્છી, ઇંડાનું મિશ્રણ થાય છે. આજે ઇંડાના રસવાળી, ગાય-બળદના માંસની પણ ચોકલેટ આવે છે. આપણે પતાસાં વગેરેને બદલે પ્રાણીના સિંહ-ઘોડો-હાથી-માછલી વિગેરેના આકારની પીપરમેંટની ગોળીઓ છોકરાંઓને વહેંચીએ છીએ. તે મોટામાં મોટી ભૂલ થાય છે, તેનાથી હિંસક સંસ્કાર પડે છે. નવી પેઢીનાં સંતાનોને માંસાહારી બનાવવાની તરકીબ છે. મેં વાઘ ખાધો, માછલી ખાધી વિગેરે બાળકો બોલે છે. માછલાં વગેરેના આકારની પીપરમેંટની ગોળીઓ, નાની ચોકલેટો, વિ. હાડકાના પાવડરમાંથી માંસ-ચરબીમાંથી પણ બનાવેલી હોય છે. માટે આ કાળે ખૂબજ સાવધાન રહેવાની જરૃર છે. નિશાળમાં અપાતા અભક્ષ્ય નાસ્તાથી બાળકોએ ચેતવા જેવું છે.

* મનુષ્યના લોહીના એક હજાર ભાગમાં ફાઈબ્રીન નામનું તત્ત્વ ત્રણ ભાગથી વધારે હોય તે ઈષ્ટ નથી. વનસ્પતિનો ખોરાક લેવાથી આ ફાઈબ્રીનનું તત્ત્વ પ્રમાણસર જળવાઈ રહી છે, જ્યારે માંસાહારનો ખોરાક લેવાથી ફાઈબ્રીનનું પ્રમાણ લોહીમાં વધી જાય છે અને તેથી ઘણા રોગો ઉત્પન્ન થાય છે.

* ડૉક્ટર પાર્ક ઃ પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય આહારનાં વિષયમાં સૂચિત કરે છે કે માંસમાં ઉષ્ણતા અને ઉત્સાહને ઉત્પન્ન કરનારું તત્ત્વ ૬ ટકા છે. જ્યારે ઘઉં, ચોખા અને શીંગોમાં થતા અનાજમાં ૪૫ થી ૮૦ ટકા છે.

માંસાહારથી થતાં નુકસાનો :-

(૧) માંસ દેખાવમાં અસ્વચ્છ, કમકમી ઉપજે એવું અને બદબોવાળું છે.

(૨) તે ઝાઝી મુદત રહી શકતું નથી, સડી જાય છે.

(૩) તે ખાવાથી નીતિમાં બગાડ થાય છે.

(૪) માણસ જે વનસ્પતિ ખોરાક ઉપર જીવનભર આરોગ્યવાળી સ્થિતિમાં જીવી શકે છે તેમ એકલા માંસના ખોરાક ઉપર કોઈ લાંબી મુદત સુધી જીવી શકતો નથી.

(૫) તે ખાવાથી કેન્સર, ક્ષય, ગંડમાલ, રક્તપિત્ત, વાતપિત્ત, સંધિવા અને પથરીનો રોગ થાય છે, એ આજના ડૉક્ટરો કહે છે. આથી પરદેશમાં ઘણો વર્ગ શાકાહાર તરફ વળતો જાય છે.

(૬) માંસમાં નાઈટ્રોજન જોઈએ તે કરતાં વધારે હોવાથી માણસ ફૂલી જાય છે. શરીરમાં વધારે ગરમી ઉત્પન્ન થતાં ક્રોધી-કામી-તામસી બને છે. જેથી નજીવી વાતમાં ખૂન સુધી પહોંચી જાય છે અને નાની બાળાઓ પર બળાત્કારના કિસ્સાઓ વધતા જાય છે.

(૭) માછલીનું માંસ ખાનારામાં એક જાતના પહોળા માથાવાળા પાટી કીરમ જોવામાં આવે છે. યુરોપના ઉત્તર રશિયા, નોર્વે, સ્વીડન અને આયર્લેન્ડમાં આ ટેપવોર્મ કીરમથી થતી વ્યાધિ જીવલેણ જોવામાં આવે છે.

જીવલેણ બનતો મત્સ્યાહાર :-

અબજો રતલ ડી.ડી.ટી. દરિયામાં ઠલવાયેલું છે અને દર વરસે તેમાં ૧૦ કરોડ રતલનો વધારો થતો રહ્યો છે.
આણવિક કચરા (ન્યુક્લીઅર વેસ્ટ) કરતાં પણ આ રાસાયણિક કચરો એટલો ખતરનાક છે કે એક ગ્રામનો દસ લાખમો ભાગ પણ માણસના પ્રાણ હરી લેવા પૂરતો છે.

કલકત્તાની હુગલી નદીમાં રોજ ૬ કરોડ ગેલન માનવ વસ્તીનો કચરો અને ૯ કરોડ ૭૦ લાખ ગેલન ઉદ્યોગોનો પ્રવાહી કચરો બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે. એથીય વધુ મુંબઈની શિવ અને વસઈની ખાડીઓનું પ્રદુષણ પ્રવૃત્તિ એટલી હદે આગળ વધી છે કે ઉત્તર અને દક્ષિણ ધુ્રવના વિસ્તારને બાદ કરતાં દરિયા, નદી કે સરોવરનો કોઈ સ્ત્રોત એવો નથી કે જે પ્રદુષણથી મુક્ત હોય, દુષક દ્રવ્યોનું પ્રમાણ વધવા સાથે તેની વિષમયતા પણ વધતી જાય છે. જે જીવસૃષ્ટિ માટે ખતરારૃપ છે. દરિયામાંથી પકડાતી માછલીનો આહાર મનુષ્યને માટે શાપરૃપ છે એમ સંશોધનકારો કહે છે.

(૮) ડુક્કર કે ભુંડનું માંસ ખાવાથી વાંકડીઆ કીરમ શરીરમાં ઉત્પન્ન થતાં માણસનું મરણ નીપજે છે.

(૯) ગાય-બેલના કલેજા તથા આંતરડા ઉપર જે સફેદ દાણા દેખાય છે તે એક પ્રકારના કીડા છે. તેવું માંસ શરીરમાં જઈને અનેક જંતુઓ ઉત્પન્ન કરી રોગિષ્ઠ બનાવે છે.

માંસથી થતાં ગેરફાયદાઓ :-

૧. માંસ માટે જીવોને મારવાની સલાહ આપનારા
** . કાપનારા.
**. મારનાર.
**. લેનાર.
**. દેનાર
**. રાંધનાર
**. પીરસનાર
**. ખાનાર, એ સર્વેને જીવના પ્રાણી-વધનું મહાપાપ લાગે છે, ને દુર્ગતિમાં નરકે જાય છે.

૨. શુક્ર અને લોહીથી ઉત્પન્ન થયેલા, વિષ્ટાના રસથી વધેલા એવા લોહી વડે ઠરી ગયેલા મળરૃપ માંસને કોણ બુદ્ધિમાન ભક્ષણ કરે ?

3. જેઓ માંસનું ભોજન કરે છે તેઓ અમૃતરસ છોડીને હલાહલ વિષ ખાય છે.

૪. જે માણસ પોતાના શરીરે એક ડાભનું તણખલું વાગવાથી પણ દુભાય છે, તે નિરપરાધી પ્રાણીઓને તીક્ષ્ણ હથિયારો વડે મારતાં કેમ કાંપતો નથી?

૫. નિર્દય માણસમાં ધર્મ હોય નહિ તેમ માંસ ભક્ષણ કરનારમાં દયા ક્યાંથી હોય?

૬. પાપના ભય વિના માનવભવ સુધી ઊંચે આવવું દુષ્કર છે. જ્યારે માંસ અધઃપતન કરી નીચે દુર્ગતિમાં લઈ જાય છે. પછી ત્યાંથી મનુષ્યભવ મેળવતાં કાળના કાળ નીકળી જાય છે.

૭. પરલોકના નરક-નિગોદના અનંત દુઃખને માટે બનનારી માંસ-ભોજનની પ્રવૃત્તિ કયો વિવેકી કરે?

૮. પ્રાણીવધનો ત્યાગી દયાધર્મનું આચરણ કરનાર જીવ ભવોભવ સુખી થાય છે. જ્યારે માંસાહારી અનેક જન્મો સુધી રીબાઈને દુઃખી બને છે.

૯. માંસ ભક્ષણના ત્યાગ વિના ઈંન્દ્રિયોનું દમન-દાનાદિ ધર્મ-તપાદિ સર્વ નિષ્ફળ છે.

૧૦. માંસાહારના મહાપાપથી નિરાધાર સ્થિતિ, ઈષ્ટનો વિયોગ, દુઃખ, દરિદ્રતા, દૌર્ભાગ્ય વગેરે અનેક દુઃખો પરાધીનપણે વેઠવાં પડે છે.

માંસનો ઉપયોગ શા માટે નહિ ?

(૧) માંસ મનુષ્યનો વાસ્તવિક ખોરાક નથી, સૃષ્ટિ વિરૃદ્ધ છે.
(૨) આરોગ્યને બાધક, અયોગ્ય, અપથ્યકર, અહિતકર અને આયુષ્યને બાધક છે.
(૩) માંસનું રૃપ આંખને પણ ગમે તેવું નથી.
(૪) દુર્ગંધ મારતું હોય છે.
(૫) અપવિત્ર ગણાય છે.
(૬) નિર્દયી કૃત્ય છે.
(૭) પ્રાણીને મારતી વખતે તેનું લોહી ઉકળી ઊઠે છે. તે ઝેર રૃપ બને છે. તેની ઉગ્ર અસર ખાનારને થાય છે.
(૮) માંસ ખાવું એ ધર્મ નહિ અધર્મ છે.
(૯) મનુષ્યનો આધાર વીર્યશક્તિ ઉપર રહેલો છે, માંસ ઉપર નહિ.
(૧૦) માંસ ખાવાથી તાકાત વધતી નથી. માંસ નહિ ખાનાર, હાથી, ઊંટ, જિરાફ, હરણ, ઘોડો, વાંદરું મુખ્ય સ્થાને છે.
(૧૧) અન્નફળ, દૂધ આદિ પદાર્થોથી શારીરિક તંદુરસ્તી ઘણી ઉત્તમ રહે છે, જ્યારે માંસથી તંદુરરસ્તીનો નાશ થાય છે.
(૧૨) જ્યોર્જ બર્નાર્ડ શોએ પાર્ટીમાં અભિપ્રાય કહ્યો કે ‘મારું પેટ કબ્રસ્તાન નથી’
(૧૩) કુદરતનો નિયમ છે કે મોટા નાનાનું (મનુષ્યો પશુ-પંખીઓનું) રક્ષણ કરે.
(૧૪) આ-લોકમાં કેન્સર જેવા ભયંકર વ્યાધિની અને પરલોકમાં ભયંકર નરકની ભેટ આપે છે.

માંસાહાર અંગે ડોક્ટરનો અભિપ્રાય :-

(૧) ડો. રોબર્ટ બેલ : સ્.ઘ. ‘કેન્સર સ્કર્જ એન્ડ હાઉ ટુ ડિસ્ટ્રોય ઈટ’ પુસ્તકમાં લખે છે કે બે કરોડ અને પચીસ લાખ માનવી અને એકલા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૦ હજાર માનવી કેન્સરથી મર્યા તેનું મુખ્ય કારણ માંસનું ભોજન છે. માટે માંસનો હું નિષેધ કરું છું.

(૨) ડૉ. બેઝ ચીનમાં મુસાફરી કરવા ગયા તે વખતે અનાજ ખાનાર ૪ મજૂરો પોતાને ઉપાડવા માટે રાખ્યા. વારાફરતી બે બે જણ ઉપાડતા હતા. ત્રણ દિવસ પછી માંસનો ખોરાક આપ્યો તો તે મજૂરો થાકી જતા જણાયા. કાર્યક્ષમ શક્તિ ઘટી ગઈ. તે પ્રત્યક્ષ થયું.

(૩) સર વોલ્ટર સ્કોટ ફરગ્યુસને લખ્યું છે કે ૬૫ વર્ષની ઉંમરે તેના વર્ગમાં ભાષણ આપતાં લકવો થઈ ગયો. તેમની સારવાર માટે તેમના મિત્ર રસાયણશાસ્ત્રી ડૉ. બ્લેકને બોલાવ્યા, તેમણે શાકાહારી થવાની ભલામણ કરી. તે શાકાહારી થયા તેથી તેમના અવયવો સારા થઈ ગયા. ૩૦ વર્ષ વધારે જીવન જીવ્યા. માંસાહાર શ્રાપરૃપ છે. જ્યારે શાકાહાર આશીર્વાદ રૃપ છે.

(4) ડૉ. હેગ કહે છે કે ખરેખર પાચનશક્તિના, કલેજાના અને પિત્ત વધવા તથા માથું દુઃખવાની સાથે બીજા દરદો લોહીમાં માંસાહારથી વૃદ્ધિ પામેલું યુરિક એસિડના કારણે છે.

(5) અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ડૉ. એ. વાચમૈન અને ડૉ. ડી.એસ. બર્નસ્ટીન લેન્સેંટ ૧૬૬૮, ભાગ ૧ તથા ૬૫૮ પૃષ્ઠ પર તેની પોતાની મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાાનિક શોધના પરિણામ વિશે લખે છે ઃ માંસભક્ષણથી હાડકાં કમજોર બને છે.

(6) માંસાહારી લોકોનો પેશાબ તેજાબ જેવો હોય છે. તેથી લોહી અને તેજાબના ક્ષારનું પ્રમાણ જાળવી રાખવા માટે હાડકામાંથી ક્ષાર અને તેજાબિક મીઠુ લોહીમાં ભળે છે અને ઊલટું શાકાહારી લોકોના પેશાબ ક્ષારવાળા હોય છે. એટલે તેના હાડકાનાં ક્ષાર લોહીમાં ન જતાં હાડકામાં જ રહી જાય છે. તેથી તે મજબૂત રહે છે. માણસનાં હાડકાંને કમજોર કરનાર માંસ છે.

(૭) રસાયણશાસ્ત્રી ડૉ. વિસંગાલ્ટ પોતાના ગ્રંથમાં લખે છે કે માંસમાં દર સો ભાગે ૩૬ ભાગ પૌષ્ટિક અંશ અને ૬૪ ભાગ પાણી હોય છે. જ્યારે અન્નમાં ૮૦ ટકાથી ૯૦ ટકા પૌષ્ટિક તત્ત્વ, તદુપરાંત વિદ્યુતઅગ્નિનું તત્ત્વ હોય છે. તે તત્ત્વ માણસના જીવન માટે અતિ અગત્યનું હોય છે. તેની હાડમાં વૃદ્ધિ અને પ્રબળતા થાય છે. આ તત્ત્વ વનસ્પતિમાં જેટલે અંશે છે તેટલે અંશે માંસમાં નથી.

|| માંસાહાર – શ્રી કબીર વચનામૃત માંથી ||

4kabirji

मांस मांस सब एक है, मुरगी हिरनी गाय ।
आंख देखि नर खात है, ते नर नरक हि जाय ॥
[ભાવાર્થ] – બધાં માંસ એકસરખાં છે. મરઘી, હરણી કે ગાય – બધાંનાં માંસ સરખાં છે એવું આંખોથી જોઇને પણ જે માણસ માંસ ખાય છે તે માણસ અવશ્ય નરક જાય છે.

[વક્તવ્ય] – બધાં પ્રાણીમાં એક સરખો આત્મા રહેલો છે. માણસ ગમે તે પ્રાણીનું માંસ ખાતો હોય, તે માંસાહારી વ્યક્તિ નરકમાં જાય છે એવું કબીરજી કહે છે; કારણ કે બધાં પ્રાણીને પોતાનો જીવ વહાલો હોય છે. તેની હિંસા કરીને માણસ જ્યારે માંસ ખાય છે, ત્યારે “જીવહિંસા” નું અઘોર પાપ કરે છે. ભલેને પછી તે મરઘી, હરણ, ગાય કે બીજાં કોઇ પ્રાણીનું માંસ ખાતો હોય, તે જીવહિંસાના પાપમાંથી મુક્ત નથી થતો અને નરકનો અધિકારી બને છે. કબીરજીનો કહેવાનો ભાવાર્થ એ છે કે, માંસાહાર ગમે તે પ્રકારનો હોય પણ તે કરવો યોગ્ય નથી, કારણ કે માંસાહાર માણસને “નરક-ગમન” કરાવે છે.

तिल भर मछली खायके, कोटि गउ के दान ।
कासी करवट ले मरै, तो भी नरक निदान ॥
[ભાવાર્થ] – ‘તલભર’ પણ માછલી ખાય અને પછી કરોડો ગાયનું દાન આપે તથા કાશીમાં કરવત લઇને પણ મરે છતાં તેને માટે નરક નિશ્ચિત છે.

[વક્તવ્ય] – માંસાહારનું પાપ કેવું ભયંકર છે તે અહીં કબીરજી તેની વિશિષ્ટ શૈલીમાં જણાવે છે કે, માત્ર તલ જેટલી માછલી (અર્થાત્‍ માંસાહાર) ખાય તો તે વ્યક્તિ પછી જો તેના તે પાપના પ્રાયશ્ચિતરૂપે કરોડ ગાયનું દાન કરે તો પણ તે નકામું જાય છે. તે જ રીતે એવું મનાય છે કે, કાશીમાં મરણ થવાથી માણસને મોક્ષ મળે છે; પણ આવી પાપી વ્યક્તિ તો કાશીમાં કરવત મૂકાવીને મૃત્યુ પામે તો પણ તેને આ ઉપાય પાપમાંથી બચાવી શક્તો નથી. અર્થાત્‍ માણસ ગમે તેટલા પ્રયત્ન કરે તેને માટે આ પાપમાંથી છૂટવા માટે કોઇ પ્રાયશ્ચિત નથી! અને આવી વ્યક્તિ માટે નરક એ નિશ્ચિત નિદાનરૂપ છે. આમ માત્ર તલ જેટલો અત્યલ્પ માંસાહાર પણ માણસને નરકમાં મોકલવા સક્ષમ છે. તો પછી આવા ખરાબ માંસાહારથી આપણે શા માટે નહિ બચીએ!!

बकरी पाती खात है, ताको काढी खाल,
जो बकरीको खात है, तिनका कौन हवाल ॥
[ભાવાર્થ] – હે નરજીવ! જે બકરી ‘પત્તી’ ખાય છે, તેની તે ‘ખાલ’ કાઢી નાંખી! અને જે ‘ખાસ’ બકરીને જ ખાય છે તેની દશા શું થશે!!

[વક્તવ્ય] – બકરી જેવું નિરુપદ્રવી પ્રાણી જે પાંદડાં વગેરે ખાઇને જ રહે છે, તેની માનવ તે ‘ખાલ’ ખેંચી કાઢી! અર્થાત્‍ તેના ગોસનો તે આહારમાં ઉપયોગ કર્યો તે કેટલું જધન્ય કૃત્ય કર્યું કહેવાશે! મૂંગાં પ્રાણીઓની બે-રહેમ કતલ કરે, તેનો અંજામ કેવો ભયંકર આવી શકે તેનો હે માનવ! તને જરા ખયાલ છે? બકરી જેવી જે માત્ર પાંદડાં ખાય છે તેની ‘ખાલ’ ઉખડી જાય છે તો પછી જે પ્રાણીને મારીને માંસ ખાય છે તેની સજા કુદરતના ન્યાયમાં કેટલી ભયાવહ હશે તેની કદી તેં કલ્પના કરી છે ખરી?

कहता हूं कहि जात हूं, कहा जु मान हमार ।
जाका गला तुम काटिहो, सो फिर काटि तुम्हार ॥
[ભાવાર્થ] – હે માનવ! હું તને કહું છું, કહી રહ્યો છું, તું અમારું કહ્યું માન! જેનું ગળું તું કાપે છે, તે પછીથી તારું ગળું કાપશે!!

[વક્તવ્ય] – કર્મનો સિદ્ધાંત અટલ છે. “જેવી જેની કરણી, તેવી પાર ઉતરણી” સારાં કર્મોનું ફળ સારું મળશે, ખરબ કર્મોનું ખરાબ. આથી તું જ્યારે તારા નિજી સ્વાર્થ માટે પારકાનું ગળું કાપે છે, ત્યારે તે કુકર્મોનું ઋણ તારે બીજે જન્મે પણ ચૂકવવું પડે છે, અર્થાત્‍ આ જન્મમાં તેં જેનું ગળું કાપ્યું તે આવતા જન્મમાં તારું ગળું કાપશે. કર્મના ફંદામાંથી કોઇ બચી શક્યું નથી. આથી તો કબીરજી આવા ‘કસાઇઓ’ જેવા ક્રૂર માનવીઓને ઉદ્દેશીને જાણે આ સાખીમાં કહે છે કે, “હે ક્રૂર માનવ! હું તને કહું છું, કહી રહ્યો છું, તે અમારું કહ્યું માન… અને નિર્દોષ પ્રાણીઓનાં ગળાં કાપવાનું બંધ કર!!”

खुश खानी है खीचडी, मांही पड्या टुक लौन ।
मांस पराया खायके, गला कटावै कोन ?
[ભાવાર્થ] – ખાવા માટે ખીચડી હોય અને તેમાં જરા નમક (મીઠું) નાંખ્યું હોય એવી સાદી ખીચડી ખાવામાં જ ઘણી મજા છે! પારકાનું માંસ ખાઇને ગળું કોણ કપાવે?

[વક્તવ્ય] – નિર્દોષ પ્રાણીની હત્યાથી પ્રાપ્ત થતું મસાદેદાર માંસ ખાવા કરતાં ‘મીઠા (નમક)’ નાંખેલી ખીચડી ખાવી સારી! કોઇની હત્યા કરીને ખાધેલું માંસ આપણને ભાવે જ કેવી રીતે? વળી જેની હત્યા કરી હોય તે કર્મના સિદ્ધાંત મુજબ આવતે જન્મે તારી હત્યા કરશે, ગળું કાપશે. તો શા માટે માંસ ખાઇને તું તારું જ ગળું કપાવનાની અત્યારથી તજવીજ કરે છે? અર્થાત્‍ કોઇને પણ જરાપણ કષ્ટ આપ્યા વિના પ્રાપ્ત ભોજન જ આપણને ખરી મજા આપી શકે છે. આમ પ્રામાણિકતાથી પ્રાપ્ત થયેલું અને કોઇને પણ કષ્ટ આપીને નહિ મેળવેલું અન્ન જ આપણે સારી રીતે “જીવન” માં પચાવી શકીએ છીએ!!!