કલ્પસૂત્ર

4  3

|| કલ્પસૂત્ર ||

કલ્પસુત્ર એટલે શું ?

કલ્પસુત્ર એ જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ ગણાય છે, એ જૈનધર્મના આગમોનો સાર નથી, તેમ છતાં એ આગમગ્રંથ જેટલો મહિમા પામ્યો છે. પર્યુષણ પર્વ દરમિયાન સાધુ-ભગવંતો એનું વાચન કરતા હોય છે.

કલ્પસૂત્ર સ્વયં એક ગ્રંથ નથી, પરંતુ ગ્રંથનો એક ભાગ છે. આચાર્ય ભદ્રબાહુસ્વામીએ રચેલા દશ અધ્યયન ધરાવતા ‘દશાશ્રુતસ્કંધ’ નામના ગ્રંથનું આ આઠમું અધ્યન છે. આને ‘પજ્જોસણા કલ્પ’ અથવા તો ‘પર્યુષણા કલ્પ’ કહેવામાં આવે છે. સમયાંતરે એ ‘કલ્પસૂત્ર’ તરીકે પ્રસિદ્ધ થયું. એની રચના આજથી ૨૨૨૯ વર્ષ પૂર્વે થઇ.

પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્રના નવ વ્યાખ્યાન વાંચવામાં આવે છે. છેલ્લો આઠમો દિવસ એ સંવત્સરી મહાપર્વનો છે. એ દિવસે બારસાસૂત્રનું વાચન થાય છે.

કલ્પસૂત્રનું લખાણ બસો એકાણું કંડિકા છે અને તેનું માપ બારસો કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું છે. કલ્પસૂત્રના સળંગ વાંચનથી કોઇ વંચિત રહી ગયું હોય છેલ્લા દિવસે સમગ્ર બારસાસૂત્રના શ્લોકો વાંચવામાં આવે છે. અદાલતમાં ધર્મગ્રંથના નામે સોગંદ લેવામાં આવે છે. એ રીતે જૈનધર્મના ગ્રંથ કલ્પસૂત્રને નામે સોગંદ લેવામાં આવે છે.

|| કલ્પસૂત્ર ||

જૈનોનું મહાપર્વ પર્યુષણ કે જે તપ અને વ્રત પછી પ્રભુ મહાવીરના જન્મ બાદ સર્વત્ર આનંદ અને આનંદ લ્હેરાય છે. પર્યુષણના દિવસો દરમિયાન આવતો શુભ દિવસ ‘મહાવીર જન્મ’ આવતી કાલથી છેક સોમવાર, એમ પાંચ દિવસ સુધી ‘કલ્પસૂત્ર’નું વાંચન થાય છે. જેમાં મૂળ શ્વ્લોકોની સંખ્યા ૧૨૧૬ હોવાથી એ ‘બારસા’ના નામથી ઉલ્લેખાય છે. આ ‘કલ્પસૂત્ર’નું પ્રથમ વાંચન વડનગરમાં થયેલું જેના વિષે શ્રી વિનય વિજયજી મહારાજ રચિત સુબોધિકા નામે કલ્પસૂત્રની ટીકાનું ગુજરાતી ભાષાંતર કરેલા ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધ કરતા લખે છે કે જૈન ધર્મના ૪૫ આગમો કહેવાય છે તેમાં છેદ સૂત્રના ચોથા છેદસૂત્રનું નામ દશાશ્રુતસ્કંધ છે. આ સૂત્ર મહાન પ્રભાવક આચાર્ય ભદ્રબાહ સ્વામીએ રચેલું છે. એમણે ‘દશાશ્રુત સ્કંધ’ના ૮મા અઘ્યયન દ્વારા પર્યુષણા કલ્પની સાથે સ્થવિરાવલી અને સમાચારી જોડીને તેનું કલ્પસૂત્ર એવું બીજું નામ આપ્યું છે. પ્રાચીન કાલમાં આ સૂત્ર પર્યુષણની પ્રથમ રાત્રે સાઘુપર્ષદામાં સર્વ સાઘુઓ કાયોત્સર્ગમાં રહીને શ્રવણ કરતા હતા. પરંતુ જ્યારે આનંદપુરનો (વડનગર) રાજા ઘુ્રવસેનના પુત્રનો શોક દૂર કરવાના હેતુથી આ ‘કલ્પસૂત્ર’ જાહેરમાં વંચાયું. તે દિવસથી આજદિન સુધી કલ્પસૂત્ર દહેરાસરોના મુખ્ય હોલમાં જાહેર સભામાં વંચાય છે. જૈન ગ્રંથોમાં જણાવ્યા મુજબ ‘કલ્પસૂત્ર’નું શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે માત્ર રાત્રે જ શ્રવણ-વાંચન થતું હતું. નિશીથ ચૂર્ણી આદિમાં કહેલી વાત-‘વિધિપૂર્વક સાઘ્વીજી દિવસે શ્રવણના અધિકારી છે, પણ વાંચનનો અધિકાર તેમને નથી.’ પરંતુ વડનગરમાં જાહેર વાંચનથી આમ જનતાને તેનો લાભ લેવાનો મોકો મળ્યો. ‘કલ્પ’ શબ્દની વ્યાખ્યા આપતા ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે, ‘દાન, શીલ અને તપશ્ચર્યાની વૃદ્ધિ કરીને દોષોનો નિગ્રહ કરે તે કલ્પ’ દશાશ્રુતસ્કંધનું આ ૮મુ અઘ્યયન છે. જેનો અર્થ છે પઠન-પાઠનથી અંતરમાં ઉતારવું તે વાંચન, દોહન અને ચિંતન. એટલે જ કહેવાય છે કે ‘કલ્પસૂત્ર’નું શ્રદ્ધાપૂર્વક શ્રવણ અને આચરણ કરે એ ભવસાગર તરી જાય છે. અત્રે છબીમાં દર્શાવવામાં આવેલું કલ્પસૂત્ર વિક્રમ સં. ૧૫૨૫ આસો સુદ ૧૦ના રોજ સુવર્ણ અને ચાંદીના પ્રવાહીથી પ્રાકૃત ભાષામાં જૈન દેવનાગરીમાં લખવામાં આવ્યું હતું.

|| શોકમાંથી સમાધિ સર્જે તે કલ્પસૂત્ર ||

શ્વે. જૈનદર્શનનું મહાન શાસ્ત્ર. જેની પર્યુષણના આઠ દિવસ વાચના થાય. તેમાં સાધુની સમાચારી તથા મહાવીર સ્વામી વગેરે ચાર તીર્થંકરનાં જીવન ચરિત્રોનું કથન છે.

એકાગ્રપણે ૨૧ વાર કલ્પસૂત્ર સાંભળનાર વ્યક્તિ માત્ર સાત-આઠ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પર્વમાં તપશ્ચર્યા કરવાથી ખૂબ મોટો લાભ મળે છે. કલ્પસૂત્ર મહાનગ્રંથ જીવનને ધન્ય બનાવી દે છે.

પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ શ્રી ગૌતમ સ્વામી વગેરે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સમક્ષ સમવસરણમાં ‘દશા’ અધ્યયનરૂપ ઉપદેશ આપ્યો હતો. એનો સંગ્રહ ‘દશાશ્રુતસ્કંધ’ નામના આગમ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ આગમનું આઠમું અધ્યયન જ ‘શ્રીકલ્પસૂત્ર’ નામે પ્રસિદ્ધ છે.

શ્રીકલ્પસૂત્ર આ રીતે ખુદ મહાવીર સ્વામીની વાણીરૂપ છે. એનું ગ્રથન ગણધરોએ કરેલું અને ત્યારબાદ ૧૪ પૂર્વઘર શ્રી ભદ્રબાહુ-સ્વામી મહારાજે એને શબ્દરૂપ આપેલું. અનેક મહર્ષિઓએ આ આગમના ભાવો સમજાવવા માટે ટીકા ગ્રંથોની સંરચના કરેલી છે.

પર્યુષણા મહાપર્વના દિવસોમાં ભાદરવા સુદ ચોથનો દિવસ સૌથી મુખ્ય ગણાય છે. એ દિવસ પાંચમો દિવસ આવે એ રીતે એની પૂર્વના પાંચમા દિવસથી એટલે જ પર્યુષણા મહાપર્વના ચોથા દિવસથી કુલ નવ વ્યાખ્યાનો દ્વારા શ્રીકલ્પસૂત્રનું વાચન કરવાની વિધિ શાસ્ત્રો બતાવેલી છે.

શ્રી કલ્પસૂત્રનું વાચન મંગલ માટે છે. કારણ કે એમાં મંગલરૂપ તીથઁકરો, ગણધરો, સ્થવિર મહર્ષિઓના જીવન ચરિત્રોના વર્ણન આવે છે. એટલું જ નહીં જીવનને માંગલ્યરૂપ બનાવનાર સાધુ ધર્મના વિવિધ આચારો, ઉત્સર્ગો અને અપવાદોનું પણ વિશિષ્ટ વર્ણન આવે છે.

આજના દિવસે, પૂર્વ રાત્રિએ વિવિધ પ્રકારની ભક્તિ અને રાત્રિ-જાગરણ દ્વારા જગવવામાં આવેલ શ્રી કલ્પસૂત્રની પવિત્ર પોથીને હાથીની અંબાડી વગેરે સુયોગ્ય સાધનને પધરાવીને વાજતે-ગાજતે ઉપાશ્રયે લવાય છે. ગુરુ ભગવંતોનું માંગલિક મેળવી કલ્પસૂત્રનું વિધિવત્ વાસક્ષેપ તેમજ અષ્ટપ્રકારી દ્રવ્યોથી પૂજન થાય છે.

સેના-રૂપાનાં પુષ્પો તેમજ સાચા રત્નો ચડાવાય છે. ગ્રંથવાચનાર ગુરુ ભગવંતોનું શાસ્ત્રવિધિથી પૂજન કરાય છે અને ઉલ્લાસભેર ગ્રંથની પ્રતિ ગુરુ ભગવંતને અર્પણ કરાય છે. ત્યારબાદ સંઘને કલ્પસૂત્ર સંભળાવવાની વિનંતી કરાય છે.

આજના પ્રવચનમાં જૈન સાધુ-સાધ્વીએ પાળવાના ૧૦ વિશિષ્ટ આચારોનું વર્ણન કર્યા બાદ શ્રી કલ્પસૂત્રનો મહિમા વર્ણવવામાં આવે છે. ત્યારબાદ શ્રી કલ્પસૂત્રના વાચનના અધિકારી યોગવહન કરેલા અને ગુવૉજ્ઞા પ્રાપ્ત સાધુ ભગવંતો છે. સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા માત્ર શ્રવણના અધિકારી છે એવી એની વાચન-શ્રવણ મર્યાદા અંગેની શાસ્ત્રાજ્ઞા સમજાવાય છે.

ત્યારબાદ નાગકેતુની ઓમ તપના પ્રભાવને વર્ણવતી કથા કહી પરમાત્મા શ્રી મહાવીરદેવના ચ્યવન કલ્યાણકની વિગતો કહેવાય છે. એમાં ઇન્દ્રે કરેલી સ્તવના, મેઘકુમાર મુનિના પૂર્વભવ અને સાધુતામાં સ્થિરતાની વાતો રજુ થાય છે. બપોરના વ્યાખ્યાનમાં પ્રભુ મહાવીર સ્વામીના સમ્યકત્વ પ્રાપ્તિ બાદના ૨૭ જન્મોની વાતો બાદ અંતિમ જન્મમાં એમની માતાને આવેલા ૧૪ સ્વપ્ન પૈકી ચાર સ્વપ્નાઓનું વર્ણન કરવામાં આવે છે.

પ્રતિક્રમણ સૂત્ર (જૈન ધર્મ)

4

|| પ્રતિક્રમણ સૂત્ર || (જૈન ધર્મ)

પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું, પાપની આલોચના કરવી, અશુભ યોગમાંથી શુભયોગમાં આવવું અને વ્રતોમાં લાગેલ અતિચારોથી પાછા ફરીને આવવાની ક્રિયા. પ્રતિક્રમણ એ આવશ્યક સૂત્રના છ અધ્યાયમાંનો એક છે પણ લૌકિક બોલચાલની ભાષામાં આવશ્યક સૂત્રની ક્રિયાને જ પ્રતિક્રમણ તરીકે પણ ઓળખાય છે. જૈન ધર્મ પાળતાં દરેક જૈન સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ બધાં
રોજ બે વખત પ્રતિક્રમણ કરે તેવો નિયમ છે. એક પ્રતિક્રમણ સવારનું હોય છે જેને ‘રાઈ પ્રતિક્રમણ’ કહેવાય છે. સાંજનું પ્રતિક્રમણ ‘દેવસી પ્રતિક્રમણ કહેવાય છે. આ ઉપરાંત ખાસ દિવસોનાં પ્રતિક્રમણ પણ હોય છે. જેમકે, ચૌદસની તિથિએ કરવાનું પખ્ખી પ્રતિક્રમણ કહેવાય. ચાતુર્માસ શરૂ થાય ત્યારે, ચાતુર્માસ પુરૂ થાય ત્યારે, ફાગણ મહિનાની પહેલી ચૌદસ આ દિવસોના પ્રતિક્રમણને ચૌમાસી પ્રતિક્રમણ કહેવાય. તેમ જ સૌથી મહત્વનું પ્રતિક્રમણ તે પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવતું (ભાદ્રપદ મહિનાની ચોથી તિથિ) સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય છે. આમ કુલ પ્રતિક્રમણ પાંચ હોય છે.

અજિતશાંતિ સ્તવનની ૩૮મી ગાથામાં આમ છેઃ

“પક્ખિઅ–ચઉમ્માસિઅ,–સંવચ્છરિએ અવસ્સ ભણિયવ્વો, સોઅવ્વો સવ્વેહિં, ઉવસગ્ગ–નિવારણો એસો.”

* પ્રતિક્રમણનો મુખ્ય અર્થ પાપથી પાછા ફરવું- અને જાતને વિશુદ્ધ કરવી એ છે.

* પ્રતિક્રમણ એટલે પોતાના ભૂલ ભરેલા ભૂતકાળને ખમાવી ઉજળા ભાવિનું નિર્માણ કરવાની ચિંતન પ્રક્રિયા.

* પ્રતિક્રમણ એટલે ચારિત્રવંત અધિકારી પૂર્વજોની આજ્ઞાને સહર્ષ સ્વીકારી મન-હૃદય-ચિત્તને શુદ્ધ અને સ્થિર કરવાની પવિત્ર સંકલ્પ ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે પ્રાપ્ત કરેલા કે નહિ પ્રાપ્ત કરેલા વિશાળ જ્ઞાનને, વાસ્તવિક (પ્રેક્ટિકલ) ક્રિયા સ્વરૃપ આત્મભાવોને લેબોરેટરીમાં ટેસ્ટ અને સાબિત કરવાની વિશુદ્ધ ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે મનોમંથન અને મનોનંદન દ્વારા આત્મ સ્વરૃપમાં ઉંડા ઉતરી જવાની ધ્યાનક્રિયા.

* પ્રતિક્રમણ એટલે અનંતકાળથી દુઃખ દેતાં, દોષો-દુર્ગુણો, કર્મોને સંપૂર્ણ જડમૂળથી સાફ કરી દેવાની વિસ્ફોટ ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે સકલ જૈન શ્રીસંઘોમાં સંપ, શાંતિ, સમતામાં રાખવાના આશય સહ સમકિતિ દેવોને જાગૃત રાખવાની પ્રાણ ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે એક જગ્યાએ સ્થિર આસને ૪૮ મિનિટ સુધી બેસીને મંત્ર સ્વરૃપ અવશ્ય જ્ઞાન ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે પોતાના ભૂલ ભરેલા ભૂતકાળને ખમાવી ઉજળા ભાવિનું નિર્માણ કરવાની ચિંતન પ્રક્રિયા.

* પ્રતિક્રમણ એટલે વિશ્વના સર્વ જીવો સાથે મૈત્રી-આનંદ-પ્રેમ વ્યક્ત કરવાની શુભક્રિયા.

* પ્રતિક્રમણ એટલે હૃદયમાં શુદ્ધ-શુભભાવોમાં લીન બની જઈ. આત્મા સાથે અનુસંધાન કરવાની નેટક્રિયા.

* પ્રતિક્રમણ એટલે આપણા મહાજ્ઞાની ચારિત્રવંત પૂર્વજોની આજ્ઞાને સહર્ષ સ્વીકારી મન- હૃદય સ્થિર કરવાની ચિત્તની વિશુદ્ધ ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે જાણે અજાણે નાના કે મોટાં જાણતા કે નહિ જાણતાં થયેલા નહિં થયેલા સર્વ પાપોને વોસરાવાની, છોડી દેવાની, ફરી નહિ કરવાની સંકલ્પ ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે સચ સંસારભાવ-વિભાવ દશામાંથી મુક્ત થવાની આંતરિક ઈચ્છાના પરિણામરૃપ પ્રતિજ્ઞા ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે ધર્મ ક્રિયાઓ કે શુભ આચારો છતાં કરતાં પણ લાગેલા જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ- અને શક્તિમાં લાગેલા દોષો અતિચારો-વિરાધનાઓ કે આશાતનાઓએ મન-વચન-કાયાથી મિચ્છામિ દુક્કડમ્ નીપવિત્ર ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે માનસિક-દૈહિક અને આત્મિક જે શક્તિ, સંપત્તિ, સમૃદ્ધિ તથા ગુણ વૈભવને પ્રગટ કરાવવાની સંકલ્પ ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે પ્રાપ્ત કરેલા કે નહિ કરેલા વિશાળ જ્ઞાનને, પ્રેક્ટિકલ ક્રિયા સ્વરૃપ લેબોરેટરીમાં ટેસ્ટ અને આત્મભાવોને સાબિત કરવાની વાસ્તવિક ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે મનોમંથન-મનોભંજન અને મનોનંદન દ્વારા આત્મસ્વરૃપમાં ઉંડા ઉતરી જવાની ધ્યાન ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે અનંતકાળથી દુઃખ દેતા, હેરાન-પરેશાન કરતા, ધાર્યું નહિ કરવા દેતા સમસ્ત કર્મોને જડમૂળથી સાફ કરી દેવાની વિસ્ફોટ ક્રિયા.

* પ્રતિક્રમણ એટલે ૮૪ લાખ યોનિના જીવો સાથે ક્ષમાપના કરી, પોતાના અઢાર મહાપાપોને તિલાંજલી આપવાની તીવ્ર રૃચિ સ્વરૃપ અમૃત ક્રિયા.

* એકવાર પણ સાચું પ્રતિક્રમણ કરનારો, લાખો-કરોડો રૃપિયાનું દાન કરવા છતાં જે ફળ પ્રાપ્ત કરે તેના કરતાં લાખો ગણું ફળ તે મેળવે છે.

જ્ઞાન પંચમી – સૌભાગ્ય પંચમી – લાભ પાંચમ

2  1l

|| જ્ઞાન પંચમી – સૌભાગ્ય પંચમી – લાભ પાંચમ ||

જ્ઞાન પાંચમને લાભ પાંચમ અને સૌભાગ્ય પાંચમ પણ કહે છે.

જૈન શાસનમાં જ્ઞાનપંચમી આરાધના સમ્યક્ જ્ઞાન માટે કરવામાં આવે છે. જ્ઞાન મહત્ત્વનો ગુણ છે. જ્ઞાનથી જ વિવેક પ્રગટ થાય છે અને વિવેકથી સુંદર આચરણ વડે સ્વ અને પરનું હિત થાય છે.

આજના દિવસે સમગ્ર જૈન સંઘોમાં જ્ઞાનને વિશિષ્ટ રીતે સજાવવામાં આવે છે. નાનાં ભૂલકાઓથી માંડીને મોટાઓ પણ જ્ઞાનનાં દર્શન અને પૂજનનો લાભ લઈ સાચા જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવો સંકલ્પ કરે છે. જ્ઞાનપંચમીએ નાના-મોટા સહુ કોઈએ સંકલ્પ કરવો જોઈએ કે જીવનમાં સમ્યક્ જ્ઞાન અચૂક ભણીશું અને જ્ઞાનની, જ્ઞાનીની તથા જ્ઞાનનાં સાધનોની આશાતના કયારેય નહીં કરીએ.

જ્ઞાન પંચમીના દિવસે જૈન સંઘોમાં રહેલા જ્ઞાનભંડારમાં કબાટ સ્વરછ કરાય છે અને જીવજંતુ ન થઈ જાય તે માટે નિર્દોષ ઔષધિઓ મૂકીને પુસ્તકને સુરક્ષિત કરવામાં આવે છે. સાથોસાથ પુસ્તક, પેન, ઉચિત સ્થાનમાં અર્પણ કરવામાં આવશે.
લાભ પાંચમ એટલે માનવ-દિવાળી અને દેવ-દિવાળીનો સમંવ્ય, સંધિકાળ. માનવો દ્વારા ઉજવવાતી દિવાળીનો પૂર્ણકાળ અને દેવોની દિવાળીની શરુઆત લાભપાંચમથી થાય છે. આ દિવસ શુભ મનાય છે. દીપોત્સવી પર્વ એટલે અધર્મ, અસત્ય અને અત્યાચાર પર વિજય. દેવોની દિવાળીની પૂર્ણાહુતી કારતક સુદ પૂનમે થાય છે. પૌરાણિક કથા મુજબ મહાદેવે કાર્તિક પૂનમે ત્રિપુર રાક્ષસોનો અને તેમનાં ત્રણ રાજ્યોનો નાશ કર્યો હતો. તેથી દેવોએ દીપમાળા પ્રગટાવી આનંદોત્સવ મનાવ્યો હતો. આમ માનવ-દિવાળી અને દેવ-દિવાળીનો હેતુ તો એક જ છે. અત્યાચાર, અધર્મ અને અસત્ય પર વિજય.

કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવાલાભપાંચમ ઉત્તમ ગણાય છે. નૂતન વર્ષ, અક્ષયતૃતીયા, વિજયાદશમી, ધનતેરસ, લાભપાંચમ અને ધૂળેટી આ છ દિવસ કાયમી શુભ ગણાય છે તેથી આ દિવસોમા6 પંચાંગ જોવાની આવશ્યકતા નથી હોતી. લાભપાંચમને ‘સૌભાગ્ય પંચમી અથવા શ્રીપંચમી’ પણ કહે છે.

દીપોત્સવ અને લાભ પાંચમના તહેવારો એટલે જૈન અને હિંદુધર્મનો સંગમ પણ ગણાય છે. આ દિવસોની અધિષ્ઠાત્રી દેવી શારદા મનાય છે. દેવી શારદા એટલે લક્ષ્મી અને સરસ્વતી. વૈદિક ધર્મની ‘લાભ પાંચમ’ જૈન ધર્મની ‘જ્ઞાનપંચમી’ મનાય છે.

જૈનધર્મમાં જ્ઞાનદાનને શ્રેષ્ઠદાન ગણાય છે. જ્ઞાનના પ્રભાવથી ક્લેશ, વાસના, રાગદ્વેષ વગેરે નષ્ટ પામે છે. જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી તેથી આજે દેવી સરસ્વતીનું પણ પૂજન કરાય છે

|| શ્રી જ્ઞાનપંચમી ની કથા ||

પદ્મપુર નગરમાં અજીતસેન નામે રાજા રાજ્ય કરતો હતો તેને ચોસઠ કલામાં નિપુણ યશોમતી નામે રાણી તથા વરદત્ત નામે કુમાર હતો. તે કુમારને શુભમુહુર્તે વિદ્યાભ્યાસ કરવા માટે પંડિત પાસે મુક્યો.પંડિત પણ વરદત્તને રાજાનો પુત્ર હોવાથી ખુબ ખંતથી ભણાવવા લાગ્યા. પણ વરદત્તને જરા પણ જ્ઞાન ચડતું નહી એક અક્ષર પણ યાદ રહેતો નહી.યુવાવસ્થા પામતા તે વરદત્ત કુમારને કોઢ નો રોગ થવાથી તે દુઃખમાં દિવસો પસાર કરવા લાગ્યો.

તેજ નગરમાં સાત કોટી સુવર્ણનો માલિક સિહદાસ નામે શેઠ રહેતો હતો.તેને ગુણમંજરી નામે એક પુત્રી હતી.તે જન્મથી રોગી અને મૂંગી હતી અનેક ઉપચાર કરવા છતાં તેને કંઈજ ફરક પડતો નહોતો.તેથી તે દુઃખ ભોગવતી પરણવા યોગ્ય થઇ પણ કોઈ તેને પરણવા તૈયાર થતું નહી.તેથી માબાપ અને પરિવાર બહુ ચિંતિત હતા.

એકવાર ચાર જ્ઞાનના ધણી શ્રી વિજયસેનસૂરિજી તે નગરમાં પધાર્યા.તે વખતે પુત્ર તેમજ પરિવાર સાથે રાજા અને પુત્રી સાથે સિહદાસ શેઠ ગુરુને વંદન કરવા આવ્યા.નગરના લોકો પણ વંદન કરવા આવ્યા.સૌ વંદન કરી પોતાના સ્થાને બેઠા,તે વખતે આચાર્ય મહારાજે ધર્મ દેશના આપતા કહ્યું હે ભવ્ય પ્રાણીઓ ! નિર્વાણને ઈચ્છતા જીવોએ જ્ઞાનની આરાધનામાં ઉદ્યમ કરવો જોઈએ.જે જીવો જ્ઞાનની મનથી વિરાધના કરે છે તેઓ ભવાંતરમાં વિવેક રહિત શૂન્ય મનવાળા થાય છે. જેઓ જ્ઞાનની વચન થી વિરાધના કરે છે તેઓ મૂંગાપણું તેમજ મુખના રોગો પામે છે.તેમજ જયણાં વિના કાયાથી વિરાધના કરે છે તેઓ કૃષ્ટ-કોઢ આદિ રોગો પામે છે.

ગુરૂ મહારાજની દેશના સાંભળી સિહદાસ શેઠે પૂછ્યું હે પ્રભો ! આ મારી પુત્રી ગુણમંજરી કયા કર્મથી રોગી અને મૂંગી થઇ છે ?
ગુરૂ મહારાજે ગુણમંજરીનો પૂર્વભવ જણાવતા કહ્યું ખેટક નામના નગરમાં જિનદેવ નામે ધનવાન શેઠ રહેતો હતો,તેને સુંદરી નામે સ્ત્રીથી પાંચ પુત્રો અને ચાર પુત્રી થઇ.તેઓ ભણવા લાયક થયા ત્યારે શેઠે પાંચેય પુત્રોને ગુરૂ પાસે મુક્યા.તેઓ ભણવાને બદલે પરસ્પર રમત કરતાં અને ગુરૂ ઠપકો આપે અથવા શિક્ષા કરેતો,મા પાસે આવીને ગુરૂ અમને મારે છે ની ફરિયાદ કરતા.આથી માતા ગુરુને ઠપકો આપતી અને છોકરાના પુસ્તકો વગેરે બળી નાખતી.શેઠે આ વાત જાણીને કહ્યું છોકરાઓને અભણ રાખીને શુ કરીશું ? તેમને કન્યા કોણ આપશે ? વ્યાપાર કેવી રીતે કરશે ? આ સાંભળી શેઠાણી બોલ્યા તો તમેજ ભણાવો ને,કેમ નથી ભણાવતા ?

સમય વીતતાં પુત્રો મોટા થયા.અભણ હોવાને કારણે કોઈ તેમને કન્યા આપતું નથી.તેથી શેઠે કહ્યું કે તે જ પુત્રોને ભણવા દીધા નહીં ત્યારે તે શેઠનો વાંક કાઢવા લાગી કે પુત્રો પિતાને સ્વાધીન હોય છે તો તમે તેમને ભણાવ્યા કેમ નહી ? ઉલટો પોતાનો વાંક કાઢતી સ્ત્રી પર ગુસ્સે થઈને શેઠે કહ્યું હે પાપિણી ! પોતાનો દોષ છતાં તુ મારા સામે કેમ બોલે છે ? તે વખતે તે સ્ત્રી બોલી તારો બાપ પાપી.આથી ક્રોધે ભરાયેલા શેઠે તેણીને પથ્થરનો ઘા કર્યો તેથી તે સ્ત્રી મરણ પામી.ત્યાંથી મરણ પામીને તે સ્ત્રી તમારી પુત્રી ગુણ મંજરી થઇ.

ગુરુદેવનો ઉપદેશ સાંભળી ગુણમંજરીને જાતિસ્મરણ જ્ઞાન થયું,તેથી તેને ગુરુદેવના કહ્યા મુજબ પોતાનો પૂર્વભવ જોયો.અને કહ્યું ગુરુજી આપનું કહેવું સત્ય છે.ત્યાર પછી સિહદાસ શેઠે ગુરુદેવને પૂછ્યું કે મારી પુત્રી નીરોગી થાય એવો કોઈ ઉપાય જણાવો ત્યારે ગુરુએ કહ્યું કે જ્ઞાનપંચમી ની આરાધના કરવાથી તેના રોગો નાશ પામશે.અને તે સુખી થશે.ગુરુદેવના વચન સાંભળી ગુણમંજરીએ જ્ઞાનપંચમી ની આરાધના કરવાનું ગુરુદેવ પાસે સ્વીકાર્યું.અને તેને ત્યારપછી વિધિપૂર્વક પાલન કર્યું.

તે વખતે અજિતસેન રાજાએ પણ ગુરૂ મહારાજને પૂછ્યું હે ગુરુદેવ ! આ મારો પુત્ર વરદત્ત એક અક્ષર પણ ભણી શકતો નથી તથા કોઢના રોગથી પીડિત છે તેનું શુ કારણ હશે ?તે કૃપા કરી જણાવો,ત્યારે ગુરૂ મહારાજે કહ્યું હે રાજન ! તમારા પુત્રની આવી દશા શાથી થઇ તે માટે તેનો પૂર્વ ભવ સાંભળો :-

શ્રીપુર નગરમાં વાસુદેવ નામે શેઠ રહેતા હતા તેને વસુસાર અને વસુસાર નામે બે પુત્રો હતા.એકવાર બન્ને અશ્વ ક્રીડા કરવાને વન માં ગયા ત્યાં શ્રી મુનિસુંદર નામના સૂરિશ્વરને જોઈને તે બન્નેએ તેમને વંદન કર્યું.ગુરુએ તેમને ધર્મોપદેશ આપ્યો,તેમાં આ ઔદારિક શરીરની નશ્વરતા જણાવી,અને આવી નાશ પામનારી કાયાથી ધર્મ સાધી લેવોજ એક સાર છે.

ગુરુની દેશનાથી બોધ પામી બન્ને ભાઈઓએ માતાપિતાની આજ્ઞા લઇ ચરિત્ર ગ્રહણ કર્યું.તેમાં નાનોભાઈ વાસુદેવ બુદ્ધિશાળી હોવાથી ચારિત્રનું સુંદર રીતે પાલન કરતાં ઘણા સિદ્ધાંતોનો પારગામી થયો.યોગ્યતા જાણી ગુરુએ તેમને આચાર્ય પદ આપ્યું.વાસુદેવસૂરિ દરરોજ પાંચસો સાધુઓને વાચના આપતાં હતા.

એક વખત વસુદેવસૂરિ સુતા હતા તે વખત એક પછી એક સાધુઓ સંદેહ પુછવા આવ્યા તેમને તેનો અર્થ સમજાવ્યો પણ મનમાં કુવિકલ્પ આવ્યો.તેઓ એ વિચાર્યું કે મારો મોટોભાઈ ભણ્યો નથી. તેથી તે કૃતાર્થથી સુખી છે,તેને નિરાતે ઊંઘવાનું મળે છે,તે મુર્ખ હોવાથી તેને કોઈ કંઈ પૂછતું નથી.તે મરજી મુજબ ખાય છે અને ચિત્તની શાંતિ માં રહે છે.આવું વિચારી તેમને મનમાં નક્કી કર્યું કે હવેથી હું કોઈને ભણાવીશ નહી,નવું ભણીશ નહી અને પછી બાર વર્ષ સુધી મૌન રહ્યા.આ પ્રકારના રૌદ્રધ્યાનમાં પાપની આલોચના વગર મરીને તે વસુદેવસૂરિ તમારા પુત્ર થયા.મોટો ભાઈ વસુસાર મરીને સરોવરમાં હંસ થયો છે.કર્મની ગતિ વિચિત્ર છે.
ગુરુના મુખે પોતાના પૂર્વભવને જણાવનારા વચનો સાંભળી વરદત્તકુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું ક્ષણભર મૂર્છા પામીને સ્વસ્થ થઇ ને કુમારે ગુરુદેવનું વચન સત્ય હોવાનું કહ્યું.અને રોગોનો નાશ કરવાના અને શાંતિ મેળવાના ઉપાય માટે જણાવવા કહ્યું. ત્યારે દયાળુ ગુરૂ ભગવંતે કહ્યું કે તપના પ્રભાવથી રોગો નાશ પામશે અને સુખ શાંતિ થશે.પછી ગુરુદેવ વરદત્તકુમારને પણ જ્ઞાનપંચમીનું તપ કરવા કહ્યું. કુમારે જ્ઞાનપંચમી નું તપ ગુરૂ મહારાજ પાસે અંગીકાર કર્યું.ત્યાર પછી સૌ સ્વસ્થાને ગયા.
વિધિપૂર્વક જ્ઞાનપંચમીનું તપ કરતા વરદત્ત કુમારના સર્વ રોગો નાશ પામ્યા,શરીર સુંદર થયું.જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી તે સઘળી કળા શીખ્યો,તથા અનેક રાજકન્યાઓ પરણ્યો.રાજાએ વરદત્તકુમારને રાજ્ય સોપી દિક્ષા લીધી.વરદત્તકુમાર પણ લાંબો કાળ રાજ્યનું પાલન કરી છેવટે પુત્રને રાજગાદીએ બેસાડી દિક્ષા લીધી.

ગુણમંજરીના મહારોગો પણ તપના પ્રભાવથી ચાલ્યા ગયા,તેથી તે અતિ રૂપવતી થઇ અને ભારે ઠાઠમાઠથી તેના લગ્ન જીનચંદ્ર કુમાર સાથે થયા.તેને પણ તપનું આરાધન કરી લાંબોકાળ ગૃહસુખ ભોગવીને ચરિત્ર ગ્રહણ કર્યું. અંતે વરદ્ત્ત અને ગુણમંજરી ઉત્કૃષ્ઠ ચારિત્ર પાળી કાળ કરી બન્ને વૈજયંત નામના અનુત્તરવાસી વિમાનમાં દેવ થયા.ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી વરદત્તકુમારનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં અમરસેન રાજાને ત્યાં ગુણવતી રાણીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયો. તેમનું નામ શુરસેન પાડ્યું. શુરસેનકુમાર સર્વ કળા શીખી અનેક કન્યાઓ પરણ્યો. અને રાજાગાદીએ બેઠો.એકવાર સિમંધરસ્વામી એ દેશનામાં વરદત્ત કુમાર (શુરસેનનો પૂર્વભવ) નું જ્ઞાનપંચમી આરાધના વૃતાંત કહેતા જ્ઞાન પંચમીનું મહત્યમ સમજાવ્યું.તેથી શુરસેન રાજાએ અનેક લોકો સાથે દસહજાર વર્ષ સુધી રાજ ભોગવી ચારિત્ર ગ્રહણ કર્યું.એક હજાર વર્ષ ચારિત્ર પાળી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.

ગુણમંજરીનો આત્મા દેવલોકમાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં અમરસિહરાજાની અમરાવતી રાણીની કુક્ષિએ પુત્ર પણે ઉત્પન્ન થયો, તેનું નામ સુગ્રીવ પાડ્યું. વીસ વરસની ઉમરે રાજા બન્યા. સુગ્રીવરાજા ઘણી રાજકન્યાઓ પરણ્યા તેમને અનેક પુત્રો થયા. અંતે ચરિત્ર ગ્રહણ કરી. ભવ્ય જીવોને બોધ પમાડતા એક લાખ વર્ષનું ચરિત્ર પાળી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.

આ જ્ઞાન પંચમીને સૌભાગ્ય પંચમી અને લાભ પાંચમ પણ કહેવાય છે.

 

સમયચક્ર – કાળ ચક્ર – છ આરાના બોલ

A 1

|| સમયચક્ર – કાળ ચક્ર – છ આરાના બોલ ||

ચરમ તીર્થપતિ શ્રી ભગવાન મહાવીરે કેવળજ્ઞાન થયા પછી આત્મસ્વરૂપના દર્શન કરાવ્યા, સંસારના ભૌગોલીક દર્શન કરાવ્યા. પછી આગળ વધતા પ્રભુ શ્રી મહાવીરે સમય દર્શન પણ કરાવ્યું છે.

ભગવાન મહાવીર સમય ચક્રનું સ્વરૂપ દર્શાવતા કહે છે – સમયચક્ર બે ભાગ માં વહેચાયેલું છે

(1) અવસર્પિણી કાળ
(2) ઉત્સર્પિણી કાળ

આ બંને ભાગ બીજા છ-છ ભાગમાં વહેચાહેલા હોય છે. આમ આખું સમય ચક્ર 12 ભાગમાં વહેંચાયેલું છે. દરેક ભાગ એક આરા તરીકે ઓળખાય છે .

♣ અવસર્પિણી કાળ :- આ કાળ ઉતરતો કાળ તરીકે ઓળખાય છે. જેમાં કાળની અસર નીચે દરેક સારી વસ્તુનું પ્રમાણ ઘટતા ક્રમમાં હોય છે. આ કાળમાં પ્રથમ છ આરાનો સમાવેશ થાય છે.

ભગવાને દરેક આરાનું સ્વરૂપ પણ દર્શાવ્યું છે.

(1) સુષમ-સુષમ :-
આ આરો 4 ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 3 ગાઉ નું હોય છે અને આયુષ્ય 3 પલ્યોપમનું હોય છે. મનુષ્યના શરીરમાં 256 પાંસળીઓ હોય છે. મનુષ્યને ત્રણ દિવસે તુવેરના દાણા જેટલાં આહારની જરૂર પડે છે. આ સમયમાં જાત જાતના કલ્પવૃક્ષો હોય છે, જે મનુષ્યની અલગ-અલગ જરૂરીયાતો પૂરી કરે છે. આ કાળમાં જોડિયા બાળકો જન્મે છે, જેમાં એક નર અને બીજું માદા હોય છે. બંને સાથે લગ્ન કરે છે અને પછી ફરી જોડિયા બાળકો ને જન્મ આપે છે. આથી આ કાળ ‘યુગલીક કાળ’ તરીકે ઓળખાય છે. આ કાળમાં સંતતિ પાલન 49 દિવસનો હોય છે.

(2) સુષમ :-
આ આરો 3 ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 2 ગાઉ નું હોય છે અને આયુષ્ય 2 પલ્યોપમનું હોય છે. મનુષ્યના શરીરમાં 128 પાંસળીઓ હોય છે. મનુષ્યને બે દિવસે બોરના દાણા જેટલાં આહારની જરૂર પડે છે. આ સમય પણ યુગલીક કાળ છે. આ સમયમાં કલ્પવૃક્ષોની સંખ્યા અને શક્તિ પ્રથમ આરા કરતા ઓછી હોય છે.આ કાળમાં સંતતિ પાલન 64 દિવસનો હોય છે.

(3) સુષમ-દુષમ :-
આ આરો 2 ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 1 ગાઉ નું હોય છે અને આયુષ્ય 1 પલ્યોપમનું હોય છે. મનુષ્યના શરીરમાં 64 પાંસળીઓ હોય છે. મનુષ્યને 1દિવસમાં 1 આમળા જેટલાં આહારની જરૂર પડે છે. આ સમય પણ યુગલીક કાળ છે. આ સમયમાં કલ્પવૃક્ષોની સંખ્યા અને શક્તિ બીજા આરા કરતા ઓછી હોય છે.આ કાળમાં સંતતિ પાલન 79 દિવસનો હોય છે.

ત્રીજા આરાના અંત સમયમાં કલ્પવૃક્ષો ઈચ્છિત ફળ આપવાનું બંધ કરી દે છે. તથા યુગલીક જન્મ લેવાનું પણ બંધ થાય છે. તેથી મનુષ્યોને હવે સમાજનું નિર્માણ કરવું પડે છે. આ આરાના અંત સમયથી રાજનીતિ,સમાજનીતી, ખેતી, રસોઈ, વેપાર અને કળાની શરૂઆત થાય છે. હવે મનુષ્યને ધર્મની જરૂરીયાત ઉભી થાય છે. તેથી આ આરા ના અંત સમયમાં પ્રથમ તીર્થંકર પરમાત્મા જન્મ લે છે અને પોતાના કર્મો ખપાવી, કેવળજ્ઞાન પામી ધર્મની સ્થાપના કરે છે.

(4) દુષમ-સુષમ :-
આ આરો 1 ક્રોડા ક્રોડી સાગરોપમ(42,000 વર્ષ) નો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 500 ધનુષ્યનું હોય છે અને આયુષ્ય પૂર્વ ક્રોડ વર્ષનું હોય છે. મનુષ્યના શરીરમાં 32 પાંસળીઓ હોય છે. મનુષ્યનો આહાર અનિયત હોય છે. આ સમયમાં બીજા ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓ જન્મ લે છે અને ધર્મ સથાપના કરે છે. આ સમયમાં જ જુદા જુદા સમયે 63 સલાકા પુરૂષો જન્મ લે છે અને ધર્મની પ્રભાવના કરે છે. આ આરાના અંતની સાથે આ ક્ષેત્રમાંથી મોક્ષના દ્વાર બંધ થઇ જાય છે.

(5) દુષમ :-
આ આરો 21,000 વર્ષનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 7 હાથનું હોય છે અને આયુષ્ય 100વર્ષનું હોય છે. મનુષ્યના શરીરમાં 16 પાંસળીઓ હોય છે.અસિ(હથિયાર), મસી(વેપાર) અને કૃષિ(ખેતી)નો આ કાળ છે. ધર્મ અને સંસ્કારોનો ધીમે ધીમે નાશ થશે. 21,000 વર્ષ પુરા થતા પહેલા ધર્મનો સંપૂર્ણ નાશ થશે. પાચમા આરો વિસ્તૃત રીતે કેવો હશે અને તેનો અંત કેવો હશે તે અહી દર્શાવેલ છે – આપણે અત્યારે પાંચમા આરામાં જીવી રહ્યા છીએ.

પાંચમાં આરામાં પ્રગટ થનારા પાંત્રીસ બોલ :-
(1) શહેરો ગામડા જેવા થશે.
(2) ગામડા સ્મશાન જેવા થશે.
(3) સુખીજન નિર્લજ્જ બનશે.
(4) કુળવાન નારી વેશ્યા જેવી બનશે.
(5) સાધુઓ કષાયવંત થશે.
(6) રાજા યમદંડ જેવા થશે.
(7) કુટુંબીઓ દાસ સરીખા થશે.
(8) પ્રધાનો લાંચ સરીખા થશે.
(9) પુત્રો સ્વછંદાચારી થશે.
(10) શિષ્યો ગુરુની અવગણના કરશે,સામા થશે.
(11) દુર્જન પુરુષો સુખી થશે.
(12) સજજન પુરુષો દુ:ખી થશે.
(13) દેશ દુકાળ થી વ્યાપ્ત થશે.
(14) પૃથ્વી ખરાબ તત્વો,દુષ્ટ તત્વો થી આકુળ થશે.
(15) બ્રાહ્મણ અસ્વાધ્યાયી અર્થ લુબ્ધ બનશે.વિદ્યાનો વ્યાપાર થશે.
(16) સાધુઓ ગુરુની નિશ્રામાં નહિ રહે .
(17) સમકિત દ્રષ્ટિદેવ અને મનુષ્ય અલ્પ બળવાળા થશે.
(18) મનુષ્યને દેવ દર્શન નહિ થાય.
(19) ગોરસ રસહીન – કસ્તુરી આદિ વર્ણપ્રભાવ હીન થશે.
(20) વિદ્યા, મંત્રો તથા ઔષધો નો અલ્પ પ્રભાવ થશે.
(21) બળ,ધન,આયુષ્ય હીન થશે.
(22) માસ કલ્પ યોગ્ય ક્ષેત્ર નહિ રહે.
(23) શ્રાવકની અગિયાર પ્રતિમા નો વિચ્છેદ થશે.
(24) આચાર્યો શિષ્યોને ભણાવશે નહિ.
(25) શિષ્ય કલહ કજિયા કરનાર થશે.
(26) મુંડન કરાવનાર સાધુઓ થોડા હશે.(દીક્ષા લેશે,પણ પાલન કરનાર થોડાં હશે.)
(27) આચાર્યો પોતપોતાની અલગ સમાચારી પ્રગટાવશે
(28) મલેચ્છો(મોગલ) ના રાજ્ય બળવાન થશે.
(29) આર્યદેશ ના રાજાઓં અલ્પ બળવાળા થશે.
(30) મિથ્યા દ્રષ્ટિદેવ બળવાન થશે.
(31) જૂઠ, કપટ બહુ વધશે.
(32) સત્યાવાદીઓ નીષ્ફળ થશે.
(33) અનીતિ કરનાર ફાવશે.
(34) ધર્મ કરવામાં સંપૂર્ણ સફળતા નહિ મળે.
(34) ગમે તે જાતિ સાથે લગ્ન થશે.

♣ પાંચમાં આરાના અંતે…….
– આચાર્ય શ્રી દુપ્પસહસૂરિ અને સાધ્વી શ્રી ફાલ્ગુશ્રી.
– શ્રાવક શ્રી નાગીલ અને શ્રાવિકા શ્રી સત્યકી.
– રાજા શ્રી વિમલવાહન અને શાસ્ત્ર દશ વૈકાલિક સૂત્ર.
– પ્રધાન શ્રી સુમુખ
– અગ્નિનો વરસાદ થશે.

– ભગવાન શ્રી મહાવીરે કહ્યું છે કે પાચમ આરના અંતે છેલા સાધુ આચાર્ય શ્રી દુપ્પસહસૂરિ,છેલ્લો શ્રાવક શ્રી નાગીલ,છેલ્લી શ્રાવિકા શ્રી સત્યકી અને છેલ્લા સાધ્વી શ્રી ફાલ્ગુશ્રી હશે. આચાર્ય શ્રી દુપ્પસહસૂરિનો આત્મા સમ્યક્ત્વ ધરી હશે જે આ પાચમાં આરામાં જન્મ લેનારો એક માત્ર સમ્યક્ત્વ ધરી આત્મા હશે. આચાર્ય શ્રી દુપ્પસહસૂરિના કાળધર્મ પામ્યા પછી શ્રાવક શ્રી નાગીલ મૃત્યુ પામશે, તેના પછી સાધ્વી શ્રી ફાલ્ગુશ્રી કાળધર્મ પામશે અને છેલ્લે શ્રાવિકા શ્રી સત્યકીમૃત્યુ પામશે અને તેની સાથે આ શાસનનો અંત આવશે.

(6) દુષમ-દુષમ :-
આ આરો 21,000 વર્ષનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 2 હાથનું હોય છે અને આયુષ્ય 20વર્ષનું હોય છે. આ આરામાં લોકો દુઃખ અને દર્દથી ત્રાહિત હશે. સૂર્ય એટલી આગ ઓકશે કે દિવસે કોઈ બહાર નીકળી પણ નહિ શકશે. અસિ(હથિયાર), મસી(વેપાર) અને કૃષિ(ખેતી)નું અસ્તિત્વ જ નહી હોય. લોકો નદીઓના કોતરોમાં વસવાટ કરશે. રાત પડતા બહાર નીકળી માછલીઓ પકડી કિનારા પર સુકવી દેશે, જે બીજે દિવસે સૂર્યના તાપમાં શેકાઈ જશે અને રાત પડતા લોકો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. આ આરાના લોકો તીર્યંચ અને નારક ગામી હશે.

♣ ઉત્સર્પિણી કાળ :- આ કાળમાં બીજા છ આરાનો સમાવેશ થાય છે. આ કાળ અવસર્પિણી કાળનાં ઉલટા ક્રમ માં હોય છે. જેમાં કાળની અસર નીચે દરેક સારી વસ્તુનું પ્રમાણ ચઢતા ક્રમમાં હોય છે. આ કાળ ચઢતા કાળ તરીકે ઓળખાય છે.
ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરો અને અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો બંને સરખા હોય છે. આ આરાના અંત સમયમાં આકાશમાંથી સાત પ્રકારની વર્ષા થશે જેથી ધરતી ફરીથી રસાળ થશે અને ફરી લોકો ખેતી કરતા થશે. આમ ઉત્સર્પિણી કાળનો બીજો આરો અવસર્પિણી કાળના પાચમા આરા જેવો હશે. એજ પ્રમાણે ઉત્સર્પિણી કાળનો ત્રીજા આરો અવસર્પિણી કાળના ચોથા આરા સરખો હશે. ત્રીજા આરની શરૂઆત થયા પછી પ્રથમ તીર્થંકર પરમાત્મા જન્મ લેશે અને ધર્મની સથાપના કરી જગતના જીવો માટે મોક્ષના દ્વાર ખોલશે. ઉત્સર્પિણી કાળનો ચોથો આરો અવસર્પિણી કાળના ત્રીજા, ઉત્સર્પિણી કાળનો પાંચમો આરો અવસર્પિણી કાળના બીજા અને ઉત્સર્પિણી કાળનો છઠ્ઠો આરો અવસર્પિણી કાળના પ્રથમ આરા બરાબર હશે.

પ્રતિક્રમણ આત્માને શુદ્ધ કરે છે

3

|| પ્રતિક્રમણ આત્માને શુદ્ધ કરે છે ||

જૈન દર્શન અંતર્ગત કર્મબંધના પ્રભાવથી સંસાર પરિભ્રમણ કરતા આત્માને મુક્ત થવા માટે દર્શાવાયેલા ધર્મનાં વિવિધ અંગોનો સંવાદ આપણે અતીત અધ્યાયમાં કર્યો હતો. તો કર્મબંધ થવાનાં પ્રમુખ ચાર કારણો મિથ્યાત્વ, કષાય, અવિરતિ અને યોગ વિશે પણ દીર્ઘ વિચારણા કરી છે. સંસારની વૃદ્ધિ જેનાથી થાય તેને કષાય કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયના પ્રકાર છે. આ પ્રત્યેક કષાયના તીવ્રતા અને સમય અવધિને અનુલક્ષીને ચાર પેટા પ્રકાર છે. સંજવલન, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને અનંતાનુબંધી કષાય. આપણો આત્મા એ નિમિત્તવાસી છે. નિમિત્તથી પ્રભાવિત થઈ આત્મા જાણપણે અને અજાણપણે કર્મબંધ કરતો જ હોય છે અને તેથી જ તે પાપની પ્રવૃત્તિથી પરત થવા માટે અને તેનું પ્રાયશ્ચિત્ત કરવા માટે નિત્ય આવશ્યક ક્રિયા કરવાની છે, જેને જૈન દર્શને પ્રતિક્રમણ રૂપે પ્રસ્તુત કર્યું છે. પ્રભાતે અને સંધ્યાની વેળાએ કરાતી આ આવશ્યક ક્રિયા દ્વારા પાપ આદિ કર્મોથી આત્મા મુક્ત થતો જાય છે અને તે પ્રમાણે શુદ્ધ સ્વરૂપ પામે છે. આ આવશ્યક પ્રતિક્રમણ નહીં કરવામાં આવે તો કર્મબંધનના કારણરૂપ કષાય સંજવલન વિભાગમાં પરિવર્તિત થાય છે. તે કષાયની તીવ્રતા અને સમયમાન વૃદ્ધિ પામે છે.

આ સંજવલન કષાયથી મુક્ત થઈ શુદ્ધ થવા માટે પંદર દિવસે કરવામાં આવતું પાક્ષિક પ્રતિક્રમણ નહીં કરવામાં આવે તો સંજવલન કષાય પ્રત્યાખ્યાન કષાયરૂપે પરિવર્તિત થાય છે, જેની તીવ્રતા અને સમયમાન સંજવલન કષાયથી વધુ હોય છે. આ પ્રકારના પ્રત્યાખ્યાન કષાયની શુદ્ધિ માટે ચાર માસે કરવામાં આવતું ચાતુર્માસિક પ્રતિક્રમણ આવશ્યક છે. આ ચાતુર્માસિક પ્રતિક્રમણ પણ જો નહીં કરવામાં આવે તો ઉપરોક્ત પ્રત્યાખ્યાન કષાય વધુ તીવ્ર અને સમયમાન ધરાવતા અપ્રત્યાખ્યાન કષાયમાં પરિવર્તિત થાય છે. આ અપ્રત્યાખ્યાન કષાયની શુદ્ધિ માટે બારેમાસ કરવામાં આવતું સંવત્સરી, વાર્ષિક પ્રતિક્રમણ આવશ્યક બને છે અને જો આ સાંવત્સરિક પ્રતિક્રમણ નહીં કરવામાં આવે તો ઉપરોક્ત અપ્રત્યાખ્યાન વિભાગનો કષાય તીવ્રતમ અને ગાઢ એવા અનંતાનુબંધી કષાયમાં પરિવર્તિત થાય છે. આ પ્રતિક્રમણ નહીં કરવાથી વર્ષ અંતર્ગત જે કર્મબંધ કરવામાં આવ્યું છે તે તીવ્રતમ બનવાથી આત્માની શુદ્ધિ થતી નથી. નિત્ય કરાતા પ્રતિક્રમણ દ્વારા આત્મા કર્મબંધનથી મુક્ત થવાના પુરુષાર્થના પરિણામે મોક્ષ સન્મુખ બને છે. સંજવલન કષાયથી મોક્ષપ્રાપ્તિ દુર્લભ બને છે. પ્રત્યાખ્યાન કષાયથી સર્વવિરતિ, સંપૂર્ણ પ્રતિજ્ઞાા સ્વરૂપ સંયમ ચારિત્રમાર્ગથી વંચિત થવાય છે. અપ્રત્યાખ્યાન કષાયથી દેશ વિરતિ, આંશિક પ્રતિજ્ઞાા સ્વરૂપ ગૃહસ્થ ધર્મથી વંચિત થવાય છે અને અનંતાનુબંધી કષાયથી સાચી શ્રદ્ધારૂપ સમ્યકત્વથી વંચિત બની ગાઢ મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે, આત્માનું સંસાર પરિભ્રમણ ગતિમાન રહે છે. આ સંવાદ એ સત્ય પ્રસ્તુત કરે છે કે સંસાર પરિભ્રમણથી મુક્ત થઈ ચરમ અને પરમને પ્રાપ્ત કરવાનું ધ્યેય હોય તો ઉપરોક્ત સર્વે પ્રતિક્રમણ એ આવશ્યક ક્રિયા બની જાય છે. વર્ષમાં એક વખત કરવામાં આવતા સાંવત્સરિક, વાર્ષિક પ્રતિક્રમણ એ અચૂકપણે કરવાની ક્રિયા છે. આ સાંવત્સરિક પ્રતિક્રમણથી વંચિત રહેવાથી ધર્મ અને અધ્યાત્મના પરિપ્રેક્ષ્યમાં આત્માના મૂળ ગુણની તીવ્ર ક્ષતિ થાય છે. આ પ્રતિક્રમણ અંતર્ગત સર્વ પ્રકારનાં કષાય, પાપ આદિનું મન, વચન, કાયાથી પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. પ્રત્યેક આત્મા સાથે મૈત્રીભાવના સંવાદનું સર્જન કરી શત્રુભાવનું વિસર્જન કરવામાં આવે છે. સર્વે જીવો મારા મિત્રો છે. કોઈ પણ આત્મા પ્રત્યે મને દ્વેષભાવ નથી એવી મંગલકામના કરવામાં આવે છે. જૈન દર્શને પ્રસ્તુત કરેલો આ આદર્શ એ વિશ્વશાંતિનો મૂળાધાર છે. હૃદયના ઊંડાણથી અને મન, વચન, કાયાની ત્રિવિધ સંગતથી કરવામાં આવતું ક્ષમાનંુ દાન અને ક્ષમાનો સ્વીકાર વૈમનસ્ય ભાવને શૂન્ય કરે છે ને મૈત્રીભાવની પ્રતિષ્ઠા કરે છે. એક એવો શબ્દ આ મૈત્રીભાવને પ્રસ્તુત કરે છે જે જૈન દર્શનનો પરિચય બની ગયો છે. આ શબ્દ છે ‘મિચ્છામિ દુક્કડમ્.’ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ એવી ભાવના ભાવવામાં આવે છે. મૈત્રી અને ક્ષમાને પ્રસ્તુત કરતું પર્વ એટલે સંવત્સરી મહાપર્વ. જગતના પ્રત્યકે દેશ, રાષ્ટ્ર, ધર્મ, જાતિ, સમાજ આદિ જો આ મંત્રને હૃદયથી સ્વીકારી તેના અર્થ અને રહસ્યના મૂલ્યને સમજશે તો ચોમેર શાંતિ, સુખ અને આનંદ છવાશે. વિશ્વને જૈન દર્શનની મોંઘેરી ભેટ છે. આ સંવત્સરી મહાપર્વ અને પર્યુષણા પર્વને સમજએ.

સાંપ્રતકાળે જૈન ધર્મની પ્રમુખ ચાર શાખા છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી અને દિગમ્બર શાખા. શ્વેતામ્બર સંઘમાં મુખ્યપણે ભાદરવા સુદ ચોથના દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવામાં આવે છે, તો કોઈક શાખામાં ભાદરવા સુદ પાંચમના દિવસે સંવત્સરી મહાપર્વની સાધના કરવામાં આવે છે. દિગમ્બર શાખામાં દસ લક્ષણા પર્વની આરાધના ભાદરવા સુદ પાંચમથી ભાદરવા સુદ ચૌદશ સુધી કરવામાં આવે છે. શ્વેતામ્બર શાખામાં સંવત્સરી મહાપર્વની આરાધના, સાધના ઉત્કૃષ્ટ રૂપે થાય અને ચોમેર મૈત્રીભાવની પ્રતિષ્ઠા થાય તેના સર્જન માટે પૂર્વના સાત દિવસને સંલગ્ન કરી આઠ દિવસના પર્યુષણા પર્વ દર્શાવવામાં આવ્યા છે. ચોમેરથી પરત ફરી સ્વમાં વસવું એ પર્યુષણા પર્વનો આદર્શ છે. અનંતજ્ઞાાન, દર્શન, ચારિત્ર આદિ એ આત્માના ગુણ છે. આ ગુણની પ્રાપ્તિ માટેનું આ શ્રી પર્યુષણા પર્વ છે અને તેથી જ તે ગુણની પ્રાપ્તિ માટેના અનુષ્ઠાનમાં અવરોધરૂપ બનતી સંસારની સર્વે પ્રવૃત્તિઓ અને પાપ વ્યાપારનો ત્યાગ કરવાની આજ્ઞાા જ્ઞાાની ભગવંતોએ પ્રસ્તુત કરી છે. આત્માનો મૂળ ગુણ એ તેનો સ્વભાવ છે અને તેનાથી વિપરીત એવા દોષથી પરત ફરવાની ક્રિયાની આરાધના આ પર્યુષણા પર્વ અંતર્ગત કરવાની હોય છે.

આ પર્વ અંતર્ગત મુખ્યત્વે તો સંસારનાં પાપ વ્યાપારનો ત્યાગ કરી, સાધુ ધર્મના અભ્યાસ સ્વરૂપ પૌષધ વ્રતનો સ્વીકાર કરી, પૂજ્ય ગુરુની નિશ્રામાં જ વસવાનું હોય છે. જો તે શક્ય ન હોય તો શ્રી જિનપૂજા ઉત્કૃષ્ટ દ્રવ્યોથી કરવાની હોય છે. જૈન દર્શને પ્રસ્તુત કરેલ જીવદયા, અભયદાન દ્વારા જીવો પ્રત્યે અહિંસાભાવ પ્રસ્તુત કરવામાં આવે છે. પ્રાયશ્ચિત્ત કરવા માટે ત્રણ દિવસના ઉપવાસ દ્વારા અઠ્ઠમ તપ કરવામાં આવે છે અને તપ ધર્મનો આદર્શ પ્રસ્તુત કરવા આઠ, પંદર, ત્રીસ દિવસના ઉપવાસ પણ કરવામાં આવે છે. શ્રી જિનપૂજા, શ્રી જિનદર્શન, ગુરુ મહારાજની સુપાત્ર ભક્તિ, સમાન ધર્મ કરતાં સાર્ધિમક ભાઈ, બહેનો પ્રત્યે વાત્સલ્ય વરસાવતી સાર્ધિમક ભક્તિ આદિ અનુષ્ઠાન દ્વારા દાન, શિયલ, તપ અને ભાવ ધર્મની આરાધના કરવામાં આવે છે. પરસ્પર મૈત્રીભાવની પ્રતિષ્ઠા કરી ક્ષમાનો આદર્શ સ્થાપવામાં આવે છે. પરમ પાવન એવા શ્રી કલ્પસૂત્રન શ્રવણ ગુરુનિશ્રામાં કરવામાં આવે છે જે અંતર્ગત પ્રભુ મહાવીર, શ્રી પાર્શ્વનાથ, શ્રી નેમનાથ તથા શ્રી આદિનાથ ભગવાનનાં ચરિત્રોનાં ગીત ગવાય છે. જૈન તત્ત્વજ્ઞાાનને પ્રસ્તુત કરતો ગણધરવાદ તથા પ્રભુવીરની ભવ્ય પટ્ટપરંપરાનું પણ શ્રવણ કરવામાં આવે છે. સાંવત્સરી પર્વના દિવસે પરમ પાવન શ્રી બારસા સૂત્રનું શ્રવણ એ મનને ભાવન કરતી શ્રેષ્ઠ ક્રિયા છે. આઠ દિવસ પ્રભાત અને સંધ્યાના પ્રતિક્રમણ દ્વારા પાપશુદ્ધિ કરાય છે અને શિરમોર સમા વાર્ષિક, સાંવત્સરિક પ્રતિક્રમણ દ્વારા પ્રાયશ્ચિત્ત કરી મૈત્રીભાવને સ્થાપવામાં આવે છે. આવો રૂડો અને સુંદર છે શ્રી પર્યુષણા પર્વનો મહિમા.

 

સામાયિક સૂત્ર (જૈન ધર્મ)

2   1

|| સામાયિક સૂત્ર || (જૈન ધર્મ)

* સામાયિક એ જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રે કરવામાં આવતી ચોક્કસ આરાધના કે વ્રત છે. આ ક્રિયા દરમ્યાન ચોક્ક્સ સમય માટે એક સ્થળે સ્થિર બેસી સમતા ભાવમાં મનની એકાગ્રતા કેળવવા અને પાપની પ્રવૃત્તિ ઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામં આવે છે. આ આરાધનાનો ઓછામા ઓછો સમય બે ઘડી એટલેક્ ૪૮ મિનિટનો હોય છે. આ આરાધના વખતે પુરુષોદ્વરા ખાસ સાદા સફેદ વસ્ત્રો (ચોલપ્ટ્ટો અને પછેડી) પહેરવાનો આગ્રહ હોય છે. કોઈ પણ સંસારી વસ્ત્રો પહેરવાની મનાઈ હોય છે. આ વ્રત લેવા અને મૂકવા અમુક ખાસ સૂત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. સામાયિકની ૪૮ મિનિટ દરમ્યાન પાપ ન બંધાય તેવી ધાર્મિક વૃતિ જેમ કે સ્વાધ્યાય, વાંચન , પઠન , મંત્ર જાપ, ધાર્મિક અભ્યાસ જેવી ક્રિયાઓ કરવામાં આવે છે.

* સામાયિક વારંવાર કરવાથી ચિત્તમાં શાંતિ, સમાધિ, સમભાવ આવવા જ જોઈએ. જો તે ન આવે તો સમજવું કે- સંસાર પ્રત્યે પરિગ્રહ પ્રત્યેની આસક્તિ હજી ઘટી નથી. શુદ્ધ સામાયિક થતું નથી.

* સામાયિક બને ત્યાં સુધી મૌનપૂર્વક કરવું વધારે યોગ્ય છે. તેથી મન-વચન-કાય ગુપ્તિને ગોપવવા-પાળવાની તક મળે. (કદાચ બોલવું હોય તો તે પણ આત્મલક્ષી સ્તોત્ર, સૂત્ર બોલવા યાદ કરવા.)

* ૮૪ લાખ યોની ને ચાર ગતિમાં દેવ અને નરક ગતિના જીવો સામાયિક કરી શકતા નથી. તિર્યંચ ગતિના જીવો સમ્યગ્જ્ઞાન પામે તો કદાચ ભાવથી કરે અને મનુષ્ય ગતિના જીવોમાં જેણે ચારિત્ર-વિરતીનો અંતરાય બાંધ્યો હોય તેવા અથવા અધર્મી આત્મા કરી શકતા નથી. એટલે મહાભાગ્યવાન જ સામાયિક કરવા પ્રેરાય છે.

* આત્મા એક સરખો એક વિષયમાં પરિણામની સ્થિરતા બે ઘડી જ ટકાવી શકે તેવા આપ્તપુરુષોના વચનો હોવાથી સામાયિકનો કાળ બે ઘડી-૪૮ મિનિટનો સ્વીકારાયો છે.

* મલ્લિનાથ ભગવાને કેવળજ્ઞાન બાદ પ્રથમ દેશમાંના ‘સામાયિક’ની પ્રરૃપણા કરી હતી.

* સામાયિકનો પ્રારંભ વિરતિમય જીવનથી થાય. સામાયિકમાં આસનની સિદ્ધિ ‘યોગ’ ના આધારે કરાય છે અને સ્વાધ્યાય એ ધ્યાનની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે થાય છે.

* સામાયિકથી જીવનમાં આવતાં લાભ અલાભ, સુખ દુ:ખ, જીવન મરણ, નિંદા પ્રશંસા તેવી દરેક ઘટનાઓમાં સમતાભાવ રાખવો, મનુષ્યની સાધનાનું સર્વોચ્ચ શિખર છે. સામાયિક આત્માનો ખોરાક છે. સામાયિક કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધીમાંથી મુક્તિ મળે છે. સામાયિકથી સંકલ્પબળ, આત્મબળ, તથા મનોબળનો વિકાસ થાય છે. સામાયિક શુદ્ધ નિસ્વાર્થભાવથી કરશો તો આધ્યાત્મિક લાભ એટલે કર્મની નિર્ઝરા વિશેષ થશે.

|| સામાયિક નું ફળ ||

* એક માણસ રોજ લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજો માણસ રોજ સામાયિક કરે તો એ બેમાં સામાયિક કરનાર મોટું ફળ પામે છે.
લાખ ખાંડી = 20 લાખ મણ
20 લાખ મણ = 8 ક્રોડ શેર થાય,
8 ક્રોડ શેર = 320 ક્રોડ તોલા
1 તોલા નો જે ભાવ થાય તે 320 ક્રોડ સાથે ગુણવાથી જે રકમ થાય એટ્લા રૂપિયા થાય.
કહેવાનો આશય એ છે કે તેનું મૂલ્ય વિશ્વની કોઇપણ વસ્તુથી આંકિ શકાય તેમ નથિ.

* સમભાવે બે ઘડીનું સામાયિક કરનારો શ્રાવક, સામાયિકમાં આયુષ્ય બાંધે તો વૈમાનિક દેવલોકનું બાણું ક્રોડ, ઓગણસાઈઠ લાખ પચીસ હજાર નવસો ને પચીસ ઉપર ત્રણ અષ્ટ્માંશ (૯૨૫૯૨૫૯૨૫ ૩/૮) પલ્યોપમનું આયુષ્ય બાંધે.

* ક્રોડો ભવોસુધી તપ તપતાં જે કર્મ ક્ષય ન થાય તે કર્મોનો ક્ષય સામાયિકમાં સમતા ભાવથી આત્માને ભાવિત કરતાં અડધી ક્ષણમાં થઇ જાય છે.

* જે કોઇ જીવ મોક્ષે ગયા, જાય છે, કે જશે તે બધો સામાયિક નો પ્રભાવ છે.

* કોઇ અજ્ઞાનની જીવ ઘરમાં કે પોતાના જીવનમાં શાંતિ મેળવવા હોમ કરે, હાવન કરે, મંત્ર-તંત્ર-દોરા-ધાગાવાળાઓ પાસે જાય અને છેવટે તો પુણ્ય વગર તેઓ પણ કશું ના આપિ શકે.

* શ્રિજિનેશ્વર પરમાત્માએ બાતાવેલ સામાયિક કરવાથી તાત્કાલ જીવને શાંતિની અનુભુતિ થાય છે. તેના માટે મેડિટેશનની શિબિરમાં જવાની પણ કાંઇ જરૂર રહેતિ નથી. સમતા પુર્વક ના સામાયિકથી માત્ર શાંતી જ નહી પણ પરમપરાએ યાવત મોક્ષ પણ મલે છે.

* રોજ એક બે અથવા મહિનામાં અમુક સામાયિક કરવા એવી ટેકવાળાને સામાયિકમાં સ્વાધ્યાય, જાપ, ધ્યાન, અધ્યયન, વાંચન વગેરેનો સુંદર લાભ મળે છે. રોજ થોડું થોડું કરતા ઘણું ધર્મધન ભેગું થાય છે.

* કરૂણાસાગર અરિહંત પરમાત્માએ ફરમાવેલી સામાયિક ધર્મની આવી સાધના વિના આત્માપર લાગેલા અનેક જન્મોના અશુભકર્મોનો ક્ષય થાય નહિ અને કર્મોથી દબાઇ ગયેલા આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે મહાન ગુણો પ્રગટ થાય નહિ.

* જેટ્લીવાર સામાયિક કરીએ તેટલીવાર અશુભકર્મોનો ક્ષય થાય છે. દરેક શ્રીતીર્થંકર ભગવાન પણ રાજપાટ, વૈભવ છોડી કેવલજ્ઞાન અને મોક્ષ મેળવવા જિંદગીનું સામાયિક – દીક્ષા લે છે.

જૈન આગમસાહિત્ય

2

|| જૈન આગમસાહિત્ય ||

આગમ એટલે શું ? અને તે કેટલાં છે?
શ્રી તીર્થંકરદેવોએ અર્થરૂપે કહેલાં અને શ્રી ગણધર ભગવંતોએ સૂત્રરૂપે ગૂંથેલા વચનો તે આગમ આદિ કહેવાય છે. તે ૪૫ છે.

આગમો કેટલાં વર્ષો પહેલાં લખાયાં, કયાં લખાયા? અને તે કોણે લખ્યા?

ભગાવન શ્રી મહાવીરદેવ મોક્ષે ગયા પછી ૯૮૦ વર્ષે શ્રી દેવર્દ્ધિ ગણિ નામના આચાર્ય મહારાજે વલ્લભીપુરમાં લખાવ્યાં.

મૂળ વૈદિક શાસ્ત્રો જેમ વેદ કહેવાય છે, બૌદ્ધ શાસ્ત્રો જેમ પિટક કહેવાય છે તેમ જૈનશાસ્ત્રો શ્રુત, સૂત્ર કે આગમ કહેવાય છે. સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન, આગમ, આપ્તવચન, ઐતિહ્ય, આમ્નાય અને જિનવચન એ બધાયે આગમના પર્યાયવાચી શબ્દો છે.

આપ્તનું વચન તે આગમ. જૈન દૃષ્ટિએ રાગદ્વેષના વિજેતા, સર્વજ્ઞ, સર્વદર્શી જિન તીર્થંકર આપ્ત છે. તીર્થંકર કેવલ અર્થરૂપમાં ઉપદેશ આપે છે અને ગણધર તેને ગ્રંથબદ્ધ કે સૂત્રબદ્ધ કરે છે. જૈન આગમોની પ્રામાણિકતા માત્ર તે ગણધરકૃત હોવાને લીધે જ નથી. પણ તેના અર્થના પ્રરૂપક તીર્થંકરની વીતરાગતા અને સર્વાર્થસાક્ષાત્કારિત્વને લીધે છે. ગણધર તો માત્ર દ્વાદશાંગીની જ રચના કરે છે. અંગો સિવાયના આગમોની રચના સ્થવિર કરે છે.
પ્રાચીન કાળમાં સમસ્ત શ્રુતજ્ઞાન 14 પૂર્વોમાં સમાઈ જતું હતું. ભગવાન મહાવીરે પોતાના 11 ગણધરોને તેનો ઉપદેશ કરેલો. ધીમે ધીમે કાલદોષને લીધે આ પૂર્વ નષ્ટ થઈ ગયા. માત્ર એક ગણધર તેમને જાણનારો રહ્યો, અને છ પેઢીઓ સુધી આ જ્ઞાન ચાલુ રહ્યું.

ચૌદ પૂર્વોના નામ – ઉત્પાદ પૂર્વ, અગ્રાયણી, વીર્યપ્રવાદ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, સમયપ્રવાદ, પ્રત્યાખ્યાન પ્રવાદ, વિદ્યાનુપ્રવાદ, અવંધ્ય, પ્રાણવાય, ક્રિયાવિશાલ અને બિન્દુસાર.

આગમ – નાન્દીસૂત્રમાં આગમોની જે યાદી આપી છે તે બધાયે આગમો હાલ ઉપલબ્ધ નથી. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ ઉપલબ્ધ મૂળ આગમો સાથે કેટલીક નિર્યુક્તિઓને મેળવી 45 આગમ માને છે અને કોઈ 84 માને છે. સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરા બત્રીસને જ પ્રમાણભૂત માને છે. દિગંબર સમાજ માને છે કે બધાય આગમો લુપ્ત થઈ ગયાં છે. સાંપ્રત સમયમાં મળતાં આગમો 11 અંગ 12 ઉપાંગ, 6 મૂલસૂત્ર, 6 છેદસૂત્ર અને 10 પ્રકીર્ણ એમ 45 વિભાગોમાં વિભક્ત છે.

જૈન આગમોની ભાષા – જૈન આગમોની મૂળ ભાષા અર્ધમાગધી છે.

આગમવાચનાઓ – શ્રમણ મહાવીરના પરિનિર્વાણ પછી આગમ સંકલનાર્થે પાંચ વાંચનાઓ થઈ.

પ્રથમ વાંચના – વીર નિર્વાણની બીજી શતાબ્દી (ઈ. પૂ. 254) પાટલિપુત્રમાં આર્ય સ્થૂલિભદ્રની અધ્યક્ષતામાં થઈ.

બીજી વાચના – ઈ. પૂ. બીજી સદીના મધ્યમાં સમ્રાટ ખારવેલના શાસનકાળમાં ઉડીસાના કુમારી પર્વત પર થઈ.

તૃતીય વાચના – વીર નિર્વાણ 827થી 840 વચ્ચે મથુરામાં થઈ.

ચતુર્થ વાચના – વીર નિર્વાણ 827થી 840 વચ્ચે વલભી (સૌરાષ્ટ્ર)માં આચાર્ય નાગાર્જુનની અધ્યક્ષતામાં થઈ.

પાંચમી વાચના – ઈ. 454-456માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં વલભીમાં થઈ. એમાં આગમોને ગ્રંથસ્થ કરાયા.