આત્મસિદ્ધિ શાસ્ત્ર – ભાવાર્થ સાથે

2

|| આત્મસિદ્ધિ શાસ્ત્ર – ભાવાર્થ સાથે  ||
જૈન તત્વનો  ગ્રંથસાગર: ચૌદ પૂર્વોનું સાતમું પૂર્વ છે, ‘આત્મપ્રવાદ’, જેનું સંક્ષિપ્ત સ્વરૂપ તે ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’. જેની રચના પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના અનંત શક્તિમાન આત્મસ્વરૂપનો સ્વયં અનુભવ કરીને આત્માર્થીને આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવવા અને આત્માની અનુભૂતિ કરાવવા માટે કરી છે, ખાસ કરીને આ વર્તમાનકાળમાં જ્યારે મોક્ષમાર્ગ લગભગ ભુલાઈ જ ગયો છે.
પરમકૃપાળુ દેવે આત્મદર્શનની અવસ્થામાં ૨૯ વર્ષની ઉંમરે ગુજરાતના નડિયાદ ગામે આસો વદ-૧ ને ગુુરુવાર સંવત ૧૯૫૨ ને તા. ૨૨-૧૦-૧૮૯૬ની રાતે, એક જ બેઠકમાં, દોઢેક કલાકમાં જ કરી છે. (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) વિભાવી આત્મા કર્મનો કર્તા છે. (૪) વિભાવી આત્મા કર્મનો ભોકતા છે. (૫)ભવ્ય આત્માનો મોક્ષ સંભવે છે. (૬) આત્માના મોક્ષનો ઉપાય છે. આત્માને લગતા આ છ પરમ આત્મ સત્યો એટલે કે ષટ્સ્થાનક અર્થાત્ છ સ્થાનક એટલે કે આત્માને લગતા છ મુદ્દાઓ કે છ પદ અર્થાત્ આત્માને લગતા છ વાક્યોની સાચી સમજ, આત્માના શુદ્ધસ્વરૂપને સમજવા માટે જરૂરી છે, અને એ છ પદની પૂર્ણ માન્યતાથી આત્માનું શુદ્ધસ્વરૂપ મેળવાય છે, આ છ પદ વિષે શિષ્યની શંકા અને સદગુરુ દ્વારા સમાધાન, સદગુરુ-શિષ્યના સંવાદરૂપે આપ્યું છે.
આત્મસિદ્ધિ શાસ્ત્રની શરૂઆત પહેલી ગાથામાં પ્રત્યક્ષ જ્ઞાની સદગુરુને વંદન કરવાથી થાય છે, તેમજ છેલ્લી ગાથામાં તેની સમાપ્તિ શ્રી અરિહંત તીર્થંકરો જેમણે સદેહે, પ્રત્યક્ષપણે અનંત આત્માઓને પોતે સિદ્ધ કરેલો મોક્ષમાર્ગ બતાવ્યો તેમને વંદન કરવાથી થાય છે.
જૈન ધર્મ એ શુદ્ધ આત્મધર્મ છે અર્થાત્ શુદ્ધ અધ્યાત્મ છે, તેથી તેમાં કહ્યું છે કે અનંતા- અનંત આત્માઓ સ્વયં પોતાને શુદ્ધ કરીને ઈશ્વર થયા છે, અને એવી જ રીતે અનંતા-અનંત આત્માઓ ઈશ્વર થશે, દરેક ભવ્ય આત્મા મોક્ષમાર્ગે ચાલીને ઈશ્વર થઈ શકે છે, ઈશ્વરત્વ કોઈનો ઈજારો નથી, દરેક આત્મા પોતે કરેલાં કર્મોના ફળ પોતે જ ભોગવે છે, આ વિશ્વ સ્વયમ ચલિત છે, એને કોઈ વ્યક્તિ વિશેષ એવો ઈશ્વર નથી ચલાવતો, પણ અન્ય ધર્મો ઈશ્વરને વિશ્વનો અને અન્ય જીવોનો નિયામક માને છે.
‘અધ્યાત્મ’ એટલે આત્માને કેન્દ્રમાં રાખીને એના કલ્યાણનો માર્ગ એ એનો મૂળ ઉદ્દેશ છે. દરેક ભવ્ય આત્માને મોક્ષમાર્ગ બતાવવો જેના પર ચાલીને દરેક ભવ્ય આત્મા ઈશ્વર થઈ શકે.
આત્મસિદ્ધિ શાસ્ત્રમાં- આત્માર્થી તથા મિથ્યાર્થી (મતાર્થી) એમ બેઉનાં લક્ષણો આપ્યા છે. આત્માર્થી- પોતાના આત્મકલ્યાણના જ અર્થવાળો જે  સદગુરુ અને સત્યધર્મને જ અનુસરે. મિથ્યાર્થી અર્થાત્ આત્માર્થથી વિરુદ્ધ મિથ્યા મતવાળો એટલે કે મતાર્થી, રાગ-દ્વેષને પોષે અને (અ.ક્રો.લા.ક.) અહંકાર, ક્રોધ, લાલચ અને કપટ જેવા ‘સંસાર વર્ધક’ ભાવોમાં રાચે પણ તેના પ્રતિપક્ષી ‘સંસાર ભંજક’ ભાવો એટલે ‘નક્ષસંસ’- નમ્રતા, ક્ષમા, સંતોષ અને સરળતાને ત્યજે. મિથ્યાર્થી- મુખ્ય ત્રણ પ્રકારના હોય છે, એક આસ્તિક, બીજો નાસ્તિક અને ત્રીજો આસ્તિક-નાસ્તિક. આસ્તિક મિથ્યાર્થીને ભ્રામિક કે અવળી આત્મકલ્યાણની માન્યતા હોય, તે સ્વયંચલિત વિશ્વવ્યવસ્થાને નહીં, પણ ઈશ્વરને વિશ્વનિયામક માને, તે અસદગુરુ અને અસત્ય ધર્મને સાચા માને અને એમનાથી જ આત્મકલ્યાણ થશે એમ સમજે, વ્રત- તપ વગેરે કરે પણ તે દેવ-દેવીઓને ખુશ કરી એમના તરફથી લાભ મેળવવા હોય, અને બીજો પ્રકાર- નાસ્તિક મિથ્યાર્થી, જેમને આત્મકલ્યાણની નહીં પણ માત્ર સંસાર કલ્યાણની જ પડી હોય, અને ત્રીજા- આસ્તિક-નાસ્તિક મિશ્ર પ્રકારનાઓને આત્મકલ્યાણ તેમજ સંસાર કલ્યાણ એમ બેઉની ઈચ્છા હોય.
‘જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષ:’ જ્ઞાન એટલે આત્મજ્ઞાન અને ક્રિયા એટલે ત્યાગ, વૈરાગ્ય, યમ નિયમ વગેરે, બંને મોક્ષ પ્રાપ્તિ માટે જરૂરી છે, અને બીજી રીતે મૂલવતાં જ્ઞાન ક્રિયા એટલે અરૂપી જ્ઞાનપણાની રાગરહિત જ્ઞાન ક્રિયાથી મોક્ષ.
—————————-
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત,
સમજાવ્યું તે પદ નમું – શ્રી સદગુરુ ભગવંત. ૧.
ભાવાર્થ-૧
આત્માનું મૂળ સ્વરૂપ અર્થાત્ આત્માનું શુદ્ધ સ્વરૂપ શું છે અને તે કેમ પામી શકાય, એની મને સમજ ન હોવાથી હું અનંત જન્મોથી દુ:ખ પામતો આવ્યો, પણ આપે મારા ઉપર અસીમ કૃપા કરીને મને આત્મા વિષેના છ પદો અર્થાત્ છ- પરમ સત્યો સમજાવ્યાં, કે જેના દ્વારા આત્માના મૂળ શુદ્ધ સ્વરૂપને મોક્ષમાર્ગે ચાલીને મેળવી શકાય છે, તેથી આપશ્રી સદગુરુ પદના અધિકારી ભગવંતને મારા અગણિત વંદન હો.
—————————–
વર્ત્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ,
વિચારવા આત્માર્થિને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨.
ભાવાર્થ-૨
આ વર્તમાન સમયમાં આત્માના મોક્ષનો માર્ગ લગભગ ભુલાઈ જ ગયો છે, તેથી આત્માર્થી પ્રથમ મોક્ષમાર્ગનો વિચાર કરતો થાય, કારણ કે મોક્ષ માર્ગનો વિચાર એ મોક્ષમાર્ગનો પાયો છે, મોક્ષમાર્ગનો યથાર્થ વિચાર અને તેની સમજ તથા મોક્ષ માર્ગે સત્ય પુરુષાર્થ આત્માને જરૂર મોક્ષ અપાવે, તેથી મોક્ષમાર્ગને વિચારવા અને તેને સરળતાથી સમજવા, તેના ગુપ્ત રહસ્યોને અહીં ખુલ્લા કરી બતાવ્યાં છે.
—————————–
કોઈ ક્રિયા-જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ,
માને મારગ મોક્ષનો, કરૂણા ઊપજે જોઈ. ૩.
ભાવાર્થ-૩
ક્રિયા જડ વ્યક્તિઓ તો આત્મજ્ઞાન રહિત માત્ર મન, વચન અને શરીર વગેરેની ક્રિયાઓને જ મોક્ષનો માર્ગ માને છે, તથા શુષ્ક જ્ઞાનીઓ માત્ર જ્ઞાનની પોકળ વાતો કરે, સંસારનો મોહ ન કરવો, અહંકાર ક્રોધ, લાલચ અને કપટ, ટૂંકમાં ‘અક્રોલાક’ અર્થાત્ અહંકાર, ક્રોધ, લાલચ અને કપટ કષાયો ન કરવા વગેરે કહે, પણ તેમના આચરણમાં આમાંનું કાંઈ જ ન હોય, આવા ક્રિયા જડ અને આવા શુષ્કજ્ઞાનીઓને જોઈને ઘણી જ કરૂણા ઊપજે છે.
—————————-
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ,
જ્ઞાનમાર્ગ નીષેધતા, તેહ ક્રિયાજડ આંઈ. ૪.
ભાવાર્થ-૪
સાચા આત્મજ્ઞાન માર્ગીને અર્થાત્ નિ ? ય મોક્ષમાર્ગીને- ત્યાગ, વૈરાગ્ય, સહેજે હોય, પણ જેઓ આત્મજ્ઞાનના લક્ષ વગર એકલી ત્યાગ, વૈરાગ્ય વગેરે જેવી બાહ્ય, અર્થાત્ અંતરની નહીં પણ માત્ર-મન, વચન અને શરીર વગેરેની ક્રિયાઓને જ મોક્ષનો માર્ગ માનીને કરતા રહે, તેમનું આત્મકલ્યાણ થતું નથી, આવા લોકોને અહીંયા ક્રિયાજડ કહ્યા છે, કારણ કે તેઓ સાચા આત્મજ્ઞાન માર્ગ પર ચાલતા નથી.
——————————
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ,
વર્ત્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાનિ તે આંહિ. ૫.
ભાવાર્થ-૫
પોતાના આત્માને સંસારના મોહમાં બાંધીરાખે અને છતાં કહે કે આત્માને કોઈ બંધન નથી, તેથી તેની મુક્તિ એટલે કે તેના મોક્ષ માટે કાંઈ કરતા કાંઈ પણ કરવાનું રહેતું જ નથી,આવી પોકળ જ્ઞાનની વાતો કરનાર મતાર્થી અર્થાત્ મિથ્યાર્થીને અહીંયા ત્યાગ, વૈરાગ્યરહિત, રાગ દ્વેષ સહિત અને સંસારના મોહમાં આંધળા થયેલા મિથ્યાજ્ઞાની એટલે કે શુષ્કજ્ઞાની કહ્યા છે.
—————————-
વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન,
તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬.
આત્મસિદ્ધિ ભાવાર્થ-૬.
ત્યાગ અને વૈરાગ્ય તો જ સફળ થાય અને પરિણામ લાવે, જો એની સાથે આત્મજ્ઞાન હોય, જેમ કે આત્મા તો પુણ્ય- પાપ કે રાગ-દ્વેષ રહિત નિર્દોષ જ્ઞાતા-દૃષ્ટા અર્થાત્ જાણનાર અને જોનાર તથા સંપૂર્ણ શુદ્ધ છે. મન, વચન અને શરીરથી જુદો છે-વેગેરેનું દૃઢ જ્ઞાન અર્થાત્ આત્મજ્ઞાન હોય, તેમ જ જો ત્યાગ અને વૈરાગ્ય આત્મજ્ઞાન પામવા માટે હોય, તો એવા ત્યાગ અને વૈૈરાગ્ય એ આત્મજ્ઞાન પામવા માટેનાં કારણો બને.
————————–
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન,
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭.
ભાવાર્થ-૭.
ત્યાગ અને વૈૈરાગ્ય જેના અંતરમાં વસ્યા ન હોય, તેને કદી પણ આત્મજ્ઞાન ન થાય, કારણ કે આત્મજ્ઞાન માર્ગીને ત્યાગ અને વૈરાગ્ય હોવા જરૂરી છે, તેમજ જો તે ફક્ત ત્યાગ અને વૈરાગ્ય કરીને તેમાં જ સંતોષ માનતો હોય, પણ તેને આત્મજ્ઞાન પામવાની કોઈ ઈચ્છા કે લક્ષ ન હોય તેમજ જો તે સત્ય પુુરુષાર્થ અર્થાત્ આરાધના પણ કરતો ન હોય, તો પણ તેને કદીએ આત્મજ્ઞાન નહીં થાય.
—————————–
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮.
ભાવાર્થ-૮
સાચી આત્માર્થી વ્યક્તિ તો ત્યાગ, વૈરાગ્ય અને આત્મજ્ઞાન, એ બધાનો સમન્વય કરે અને જ્યાં જ્યાં જે જે પ્રમાણે યોગ્ય છે, બરોબર ત્યાં ત્યાં તે તે પ્રમાણે જ સમજે અને બરોબર ત્યાં ત્યાં તે તે પ્રમાણે જ તેનું આચરણ અર્થાત્ વર્તન હોય, જેને ત્યાગ, વૈરાગ્ય અને આત્મજ્ઞાનની યથાર્થ સમજ અને તે પ્રમાણેનું યથાર્થ વર્તન હોય, તેજ ખરી આત્માર્થી વ્યક્તિ કહેવાય. (ક્રમશ:)
—————————
સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ,
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯.
ભાવાર્થ-૯
પોતાના કે બીજાના મિથ્યાજ્ઞાનના આધારે લીધેલા માર્ગનો દુરાગ્રહ કરવાનું, કે પક્ષ લેવાનું છોડીને,જો તે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા, સમર્પણ અને વિનયથી સદગુરુની નિશ્રામાં રહીને, તેમની આજ્ઞા પ્રમાણે ચાલે તો તે વ્યક્તિને પરમાર્થનો માર્ગ મળે, અર્થાત્ તેને મોક્ષનો માર્ગ મળે, તથા તેનું ધ્યાન અને લક્ષ પોતાના આત્મસ્વરૂપ તરફ જરૂર કેન્દ્રિત થાય.
——————————
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ,
અપૂર્વ વાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. ૧૦.
ભાવાર્થ-૧૦
જેમને આત્મજ્ઞાન છે અને બધા જ જીવો તરફ સમદૃષ્ટિ છે, અર્થાત્ સમભાવ છે, તથા સંંસારમાં રહેવાની કે નવા કર્મો બાંધવાની જરા પણ રુચિ, ઈચ્છા કે ભાવ નથી, પણ પૂર્વે બાંધેલા કર્મોને જેઓ સમતાથી ભોગવે છે, તથા પોતાના આત્માના અનુભવને આધારે જ જેમની વાણી અને સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન પણ છે, આ બધા જ શ્રી સદગુરુ ભગવંતોના ઉત્તમ લક્ષણો છે.
—————————-
પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર,
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર…૧૧
ભાવાર્થ-૧૧
પ્રત્યક્ષ સદગુરુના માર્ગદર્શનથી જ, અપ્રત્યક્ષ જિનેશ્વરોના આત્મકલ્યાણકારી વચનો સમજાશે, એવી શ્રદ્ધા જો થાય અને તે સદગુરુની નિશ્રામાં જાય, તો તેને જરૂર આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાની ઈચ્છા અને વિચાર ઉત્પન્ન થાય, જેના ફળસ્વરૂપે તે સદગુરુના પ્રત્યક્ષ માર્ગદર્શનથી, જિનેશ્વરોએ પ્રરૂપેલો અર્થાત જિનેશ્વરોએ સ્વયં પોતે સિદ્ધ કરી સ્થાપેલો આત્મકલ્યાણકારી મોક્ષ માર્ગ સાધી શકે.
—————————-
સદગુરુના ઉપદેશવણ, સમજાય ન જિનરૂપ,
સમજ્યા વણ ઉપકાર શો, સમજ્યે જીનસ્વરૂપ…૧૨
ભાવાર્થ-૧૨
સદગુરુના ઉપદેશ વિના જિનેશ્વર ભગવંતોનું શુદ્ધ સ્વરૂપ શું છે અને તે કયા માર્ગે આવું શુદ્ધ સ્વરૂપ પામ્યા? તે સમજાય નહીં, તેથી જિનેશ્વરોએ કરેલા ઉપકારનો કોઈ લાભ પણ થાય નહીં, પણ સદગુરુના ઉપદેશથી સમજાય કે આપણા આત્માનું શુદ્ધ સ્વરૂપ પણ જિનેશ્વર ભગવંતો જેવું જ છે અને તેમના સિદ્ધ કરેલા માર્ગે ચાલીને જો આપણે આપણા આત્મસ્વરૂપની ભક્તિ કરીએ, તો આપણે સ્વયં પણ જિનેશ્વર થઈ જઈએ.
—————————–
આત્મવાદી અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર,
પ્રત્યક્ષ સદગુરુ યોગનહિં, ત્યાં આધાર સુપાત્ર…૧૩
ભાવાર્થ-૧૩
આત્મકલ્યાણ માટે આત્મપ્રવાદ જેવા જૈન પૂર્વો તથા આગમી શાસ્ત્રો વગેરેમાં, સજીવ આત્મા અને અજીવ પુદગલ એમ બેઉનું યથાર્થ વર્ણન કરેલું છે અને એમાંનું આત્મકલ્યાણકારી માર્ગદર્શન સ્વયંથી ગ્રહણ ક્યાં સુધી કરવું? કે જ્યાં સુધી પ્રત્યક્ષ સદગુરુ નથી મળ્યા, ત્યાં સુધી જ કરવું, યાદ રહે કે સ્વયં મેળવેલું માર્ગદર્શન તો પૂર્વ જન્મની સંસ્કારી કે આ જન્મમાં સુપાત્રતા કેળવેલી વ્યક્તિને ફકત આધારરૂપ જ છે.
—————————–
અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ,
તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ…૧૪
ભાવાર્થ-૧૪
અથવા પ્રત્યક્ષ સદગુરુએ  જે જે શાસ્ત્રોનો અભ્યાસ અને સ્વાધ્યાય કરવાની આજ્ઞા આપી હોય, તથા તેમાં ઊંડા ઊતરીને તેમનું ચિંતન-મનન કરવાનું અને તેમના મર્મને સમજવાનું કહ્યું હોય, તો તે તે શાસ્ત્રો વગેરેનું, પોતાના મિથ્યાજ્ઞાન અને સ્વચ્છંદ વગેરેથી માનેલા મતનો દુરાગ્રહ છોડીને સ્વઆત્મકલ્યાણ માટે એવાં શાસ્ત્રો વગેરેનું નિત્ય વાંચન, ચિંતન, મનન અને અધ્યયન કરવું.
——————————–
રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ,
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ…૧૫
ભાવાર્થ-૧૫
પોતાના અહંકાર અર્થાત્ મિથ્યાભિમાન અને સ્વચ્છંદ અર્થાત્ મનસ્વીપણાંથી મિથ્યામાર્ગના દુરાગ્રહને છોડીને, જો તે સદગુરુએ બતાવેલા આત્માર્થ માર્ગે ચાલે, અર્થાત્ એ પ્રમાણે વર્તે, તો તે જરૂરથી મોક્ષ પામે, ભૂતકાળમાં અનંત આત્માઓ, હંમેશને માટે આ સંસારના મહા દુ:ખદાયક બંધનોથી છૂટીને મોક્ષ પામ્યા છે, એવું નિર્દોષ અર્થાત્ પરમ શુદ્ધ શ્રી વીતરાગ જિનેશ્વરો કહી ગયા છે.
—————————–
પ્રત્યક્ષ સદગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય,
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય…૧૬
ભાવાર્થ-૧૬
પ્રત્યક્ષ સદગુરુની નિશ્રામાં, અર્થાત્ એમના શરણે જઈને, એમની આજ્ઞા પ્રમાણેના વર્તનથી, તમારા અહંકારી અને સ્વચ્છંદી અર્થાત્ તમારા મનસ્વી વર્તનથી બચી જવાય છે, પણ જો તમે તમારી મરજી કે ડહાપણ પ્રમાણે, કે કોઈ અપાત્ર વ્યક્તિના માર્ગદર્શને તમારા અહંકારી અને સ્વચ્છંદી વર્તનથી બચવાનો પ્રયત્ન કરશો, તો તેવું વર્તન, ઘણું કરીને બમણું થઈ જશે.
—————————–
સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સદગુરુ લક્ષ,
સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ…૧૭
ભાવાર્થ-૧૭
પોતાનું અહંકારી અને સ્વચ્છંદી વર્તન અર્થાત્ મનસ્વી વર્તન તથા પોતાના મિથ્યા મત, માન્યતા કે અભિપ્રાયોનો દુરાગ્રહ, કે મતાગ્રહ છોડીને, સદગુરુની નિશ્રામાં રહી, એમના બતાવેલા આત્માર્થ માર્ગે ચાલવું, તેને પ્રત્યક્ષ કારણ ગણીને શ્રી વીતરાગ જિનેશ્વરોએ વ્યવહાર સમકિત કહ્યો છે, આ વ્યવહાર સમક્તિને કારણે જ નિશ્ચય સમકિત  અર્થાત્ સમ્યક્દર્શન થાય છે.
——————————-
માનાદિક શત્રૂ મહા, નિજ છંદે ન મરાય,
જાતા સદગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય…૧૮
ભાવાર્થ-૧૮
‘માન’, ‘ક્રોધ’, ‘લોભ’ અને ‘માયા’ અર્થાત્ ‘અહંકાર’, ‘ક્રોધ’, ‘લાલચ અને કપટ’, ટુંકામાં (‘અ.ક્રો.લા.ક.’) આ ચાર કષાય અર્થાત્ સંસારવર્ધક ભાવો, આપણા આત્માના મહાશત્રુઓ છે, એ મહાશત્રુઓનો પોતાના ડહાપણ કે સ્વચ્છંદથી નાશ ન થઈ શકે, પણ સદગુરુના શરણમાં અર્થાત્ એમની નિશ્રામાં જઈ અને એમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી, એ મહાશત્રુઓ અલ્પ પ્રયત્નથી નાશ પામે છે.
——————————
જે સદગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન,
ગુરૂ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન…૧૯
ભાવાર્થ-૧૯
સદગુરુના ઉપદેશને આત્મસાત કરી, જે શિષ્ય કેવળજ્ઞાન પામ્યો છે, પણ એમના સદગુરુ હજી કેવળજ્ઞાન પામ્યા નથી, અર્થાત્ કે હજી અકેવલી અવસ્થામાં છે, એ શિષ્ય પોતે કેવળજ્ઞાની ભગવંત થઈ ગયા પછી પણ પોતાના ઉપદેશમાં જરૂરથી કહે કે પૂર્વે તેમણે સદગુરુ પ્રત્યે અનન્ય વિનય કર્યો હતો જેના કારણે તેઓ કેવળજ્ઞાન પામ્યા.
———————————
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ,
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય…૨૦
ભાવાર્થ-૨૦
એવો વિનયનો એટલે કે આદરનો, આત્મઉપકારક અર્થાત્ આત્મકલ્યાણકારી માર્ગ, શ્રી વીતરાગ જિનેશ્વર ભગવંતોએ ભાખ્યો છે, અર્થાત્ કે શ્રી વીતરાગ જિનેશ્વર ભગવંતોએ કહ્યો છે, એવા વિનય માર્ગના આત્મઉપકારક મૂળ અર્થાત્ મુખ્ય સાચા ઉપદેશને તો કોઈ ભાગ્યશાળી વિરલ આરાધક આત્માર્થી જ બરોબર સમજી શકે છે. (ક્રમશ:)
————————–
અસદગુરુ  એ વિનયનો, લાભ લહે જો કાંઈ,
મહામોહિની કર્મથી, બુડે ભવજળ માંહિ…૨૧
ભાવાર્થ-૨૧
શિષ્યો કે અનુયાયીઓના વિનયનો ગેરલાભ કોઈ મોહવશ, મિથ્યાર્થી અસદગુરુ પોતાના સ્વાર્થ માટે લે, તો એવો મિથ્યાર્થી અસદગુરુ મહામોહનીય કર્મ બાંધે, આ મહામોહનીય કર્મ તો અસંખ્યાતો પ્રકારના બધા જ કર્મોનું મૂળ છે અને તે મહાભયંકર કર્મ છે, જેના ફળસ્વરૂપ એટલે કે જેના કારણે, એવા મિથ્યાર્થી અસદગુરુની કદીએ સંસારના મહાદુ:ખદાયક બંધનોથી મુક્તિ કે છૂટકારો ન થાય, અર્થાત્ તે કદીએ મોક્ષે ન જાય.
————————–
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર,
હોય મતાર્થિ જીવતે, અવળો લે નિર્ધાર…૨૨
ભાવાર્થ-૨૨
મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છાવાળા સદગુરુઓ કદી પણ પોતાના શિષ્યો કે અન્ય કોઈના પણ વિનયનો ગેરલાભ ન લે, તેમ જ મુમુક્ષુ વ્યક્તિઓ પણ અસદગુરુઓના સત્કારને મિથ્યા માને, પણ મતાર્થી અર્થાત્ મિથ્યાર્થી અસદગુરુઓ પોતાનો સત્કાર થાય, માન-પાન મળે એમ ઈચ્છે, તથા મિથ્યાર્થી વ્યક્તિઓ પણ સંસારિક લાભ મેળવવા, કે ભ્રામિક આત્મકલ્યાણ માટે આવા મિથ્યાર્થી અસદગુરુઓનો સત્કાર કરે અને તેમની વાહ-વાહ બોલાવે.
————————-
હોય મતાર્થિ તેહને, થાય ન આતમલક્ષ,
તેહ મતાર્થિ લક્ષણો અહીં કહ્યા નિર્પક્ષ…૨૩
ભાવાર્થ-૨૩
મતાર્થી અર્થાત્ મિથ્યાર્થી વ્યક્તિઓ, હંમેશાં સંસારભાવમાં જ રહેતી હોય, એવી મિથ્યાર્થી વ્યક્તિઓ આત્માર્થી વ્યક્તિઓથી વિપરીત હોય, તેથી તેમનું લક્ષ કદી પણ આત્મસ્વભાવ તરફ જતું નથી, આવી મિથ્યાર્થી વ્યક્તિઓ કેવી કેવી હોય, તે આત્માર્થીઓએ જાણવું બહુ જ જરૂરી છે, તેથી મિથ્યાર્થીઓના લક્ષણો, અહીં કોઈ પણ જાતના પક્ષપાત કે નિંદાના ઉદ્દેશ વિના કહ્યા છે.
————————-
મતાર્થિ લક્ષણ
(મિથ્યા મતાર્થીના લક્ષણ-અર્થાત્ ‘મિથ્યાર્થીના લક્ષણ’) (ગાથા- ૨૪થી ૩૩)
બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિં, તે માને ગુરૂ સત્ય,
અથવા નિજકુળધર્મના, તેગુરૂમાં જ મમત્વ…૨૪
ભાવાર્થ-૨૪
જેમણે શરીરથી આત્માનું જુદાપણું તો અનુભવ્યું નથી, પણ તેમને આત્મલક્ષ સુધ્ધાં થયું નથી, અરે સાચો આત્મધર્મ શું છે? તેની પણ ખબર નથી એવા બહારથી ત્યાગી દેખાતા સાધુ વેષધારી ઢોંગીઓને મિથ્યાર્થી વ્યક્તિઓ સદગુરુ માને તથા જ્ઞાનને કારણે નહીં, પણ કૂળને કારણે આત્મધર્મના ધ્યાન કે લક્ષ વગરના પોતાના કૂળધર્મના ગુરુ છે તેથી જ બસ મિથ્યાર્થી વ્યક્તિ તેમના તરફ મમત્વ રાખે અને તેમને પોતાના સદગુરુ માને.
—————————
જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ,
વર્ણન સમજે જિનનું, રોકિ રહે નિજબુદ્ધિ…૨૫
ભાવાર્થ-૨૫
શ્રી તિર્થંકર જિનેશ્વરોને તેમના પુણ્યના ઉદયથી મળેલું અત્યંત સુંદર શરીર, તથા અન્ય અસંખ્ય બાહ્ય સિદ્ધિઓ તથા તેઓ જ્યારે મુમુક્ષુઓને મોક્ષમાર્ગ સમજાવતા હોય, ત્યારે ઈન્દ્રોએ કરેલી અલૌકિક રચનાઓને જ મિથ્યાર્થી વ્યક્તિ જિનેશ્વરનું સાચું આત્મસ્વરૂપ સમજે છે અને તેને જ આત્મ ધર્મ માને છે, કારણ કે મિથ્યાર્થી પોતાની બુદ્ધિનો ઉપયોગ શ્રી જિનેશ્વરના શુદ્ધ ચૈતન્ય આત્મસ્વરૂપને સમજવા કરતો નથી.
—————————–
પ્રત્યક્ષ સદગુરુ યોગમાં, વર્ત્તે દ્રષ્ટિ વિમૂખ,
અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય…૨૬
ભાવાર્થ-૨૬
પ્રત્યક્ષ સદગુરુનો મેળ હોય, પણ ત્યાં જો પોતા માન-સત્કાર, આદર વગેરે થતા ન હોય, તો તે મિથ્યાર્થી વ્યક્તિ સદગુરુની નિશ્રામાં ન જાય, અર્થાત્ તેમના શરણમાં ન જાય, પણ જો અસદગુરુની નિશ્રામાં જવાથી પોતાના માન-સત્કાર, આદર થતા હોય, માલ-મલીદા તથા અન્ય સંસારિક લાભો મળતા હોય, તો તે મિથ્યાર્થી વ્યક્તિ, એવા મિથ્યાર્થી અસદગુરુની ચુસ્ત અનુયાયી થઈ જાય.
————————-
દેવાદી ગતિભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન,
માને નિજમત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન…૨૭
ભાવાર્થ-૨૭
જે શાસ્ત્રોમાં કે કથાઓમાં દેવ-દેવી વગેરે કે દેવલોક, સ્વર્ગલોક વગેરેનું કે તેમના પ્રકારો કે વિભાગો વગેરેનું વર્ણન કે વાતો હોય, તેને જ બસ મિથ્યાર્થી વ્યક્તિ-શ્રુતજ્ઞાન અર્થાત્ કે તેને જ સત્યધર્મનું એટલે કે તેને જ આત્મધર્મનું જ્ઞાન માને અને પોતે જે મત, પંથ, સંપ્રદાય કે વેષને માન્યતા આપી હોય, તો બસ એ મત, પંથ કે સંપ્રદાયની દૃઢ માન્યતા કે એ વેષ પહેરવાથી જ મોક્ષ થશે, એમ મિથ્યાર્થી વ્યક્તિ માને છે.
—————————
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન,
ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન…૨૮
ભાવાર્થ-૨૮
કર્મ સહિત આત્મામાં-નમ્રતા, ક્ષમા, સંતોષ, સરલતા, પ્રેમ, મૈત્રી વગેરે જેવી સ્વાભાવિક વૃત્તિઓ છે, તેને પ્રગટ કરવા અને અહંકાર, ક્રોધ, લાલચ, કપટ, રાગ, દ્વેષ વગેરે જેવી વિભાવિક વૃત્તિઓ છે તેને તોડવા માટે, વ્રત-તપ વગેરે છે, આ તથ્યને મિથ્યાર્થી જાણતો કે માનતો નથી, તેથી તે વ્રત, તપ વગેરે પોતાનો અભિમાન પોષવા, સાંસારિક લાભો અને માન મેળવવા વગેરે માટે જ કરે છે, તેથી વ્રત, તપ કર્યા છતાં તેને મોક્ષ માર્ગ મળતો નથી.
————————–
અથવા નિશ્ચય નયગ્રહે, માત્ર શબ્દની માંય,
લોપે સદ્વ્યવહારને, સાધન રહીત થાય…૨૯
ભાવાર્થ-૨૯
મિથ્યાર્થી વ્યક્તિ સત્ક્રિયારૂપ સાધનો છોડે છે, કારણ કે તે નિશ્ચય દૃષ્ટિના ભાવને નહીં, પણ તેના શબ્દોને પકડીને કહે કે આત્મા તો શુદ્ધ છે, તેથી તેના માટે કાંઈ જ કરવાનું નથી. સત્ક્રિયારૂપ સદ્વ્યવહારથી પુણ્ય કર્મોના બંધનમાં બંધાવું પડે, એમ કહી પુણ્યને છોડે, તેને ખબર નથી કે આત્મવિશુદ્ધિ માટે પુણ્ય અનુકૂળતા અપાવે છે, તથા મોક્ષ પુરુષાર્થથી મોક્ષ મળે છે, તે પહેલા પુણ્ય પણ છોડવું પડે છે, પણ તે તો પોતાની મેળે છૂટી જાય છે.
——————————
જ્ઞાનદશા પામે નહીં, સાધન દશા ન કાંઈ,
પામે તેનો સંગ જે, તે બુડે ભવમાંહિ…૩૦
ભાવાર્થ-૩૦
જે ‘આત્મજ્ઞાન’ માટે અર્થાત્ ‘સમ્યક્જ્ઞાન’ માટે કાંઈ પણ પુરુષાર્થ કરતો નથી, તથા આત્માર્થ માટે સતસંગ, અંતર વૈરાગ્ય વગેરે જેવા સત્સાધનો પણ કરતો નથી, એવી મિથ્યાર્થી વ્યક્તિની સંગત જે કોઈપણ કરે, તે પણ એ મિથ્યાર્થી વ્યક્તિ સાથે ભવસાગરમાં ડૂબે, અર્થાત્ તેની પણ જન્મ મરણના ફેરાઓથી કદી પણ મુક્તિ નહીં થાય, એટલે કે તેનો કદીએ મોક્ષ નહીં થાય.
————————-
એ પણ જીવમતાર્થમાં, નિજમાનાદી કાજ,
પામે નહીં પરમાર્થને, અન અધિકારીમાજ.૩૧.
ભાવાર્થ-૩૧
એ વ્યક્તિ પણ મતાર્થી અર્થાત મિથ્યાર્થી છે, જેને માન-પાન, આદર સત્કાર, પ્રતિષ્ઠા વગેરેનો મોહ છૂટ્યો નથી અને આવો માન, સત્કાર વગેરેનો મોહ છોડ્યા વગર કોઈ પણ વ્યક્તિને મુમુક્ષુતા અર્થાત્ મોક્ષ પામવાની યોગ્યતા નહીં આવે, તેથી આવી મિથ્યાર્થી વ્યક્તિ કદીપણ પરમાર્થ નહીં પામે, એટલે કે તે કદી પણ મોક્ષ નહીં પામે, કારણ કે તે વ્યક્તિમાં એવી કોઈપણ જાતની લાયકાત કે યોગ્યતા નથી.
—————————–
નહિં કષાય ઉપશાંતતા, નહિં અંતર વૈરાગ્ય,
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થિ દુર્ભાગ્ય.૩૨.
ભાવાર્થ-૩૨
જેના સંસાર વર્ધક ભાવો, અર્થાત્ જેના કષાયો એટલે કે ‘અ.ક્રો.લા.ક.’ અર્થાત્ અહંકાર (એટલે માન), ક્રોધ ,લાલચ ( અર્થાત્ લોભ) અને કપટ (એટલે માયા) વગેરે શાન્ત કે મંદ પડ્યા નથી, તેમજ તેના અંતરમાં વૈરાગ્ય, અર્થાત્ તેના અંતરમાં ભોગ વિલાસ પ્રત્યે ઉદાસીનતા અર્થાત્ મધ્યસ્થતા પણ નથી, તથા તેના સ્વભાવમાં સરળપણું પણ નથી, તેમ તેની અપક્ષપાત દૃષ્ટિ એટલે કે સમદૃષ્ટિ પણ નથી, એ વ્યક્તિ મિથ્યામતાર્થી છે, જે એનું મહાદુર્ભાગ્ય છે. (ક્રમશ:)
————————–
લક્ષણ કહ્યાં મતાર્થિના, મતાર્થ જાવા કાજ,
હવે કહું આત્માર્થિના, આત્મઅર્થ સુખસાજ. ૩૩.
ભાવાર્થ-૩૩
મતાર્થીનું અર્થાત્ મિથ્યાર્થીનું મિત્યાર્થીપણું દૂર કરવા, તેને આત્માર્થ તરફ જાગૃત કરવા, તે ક્યાં ક્યાં ભૂલ્યો છે તે બતાવવા તથા તેના આત્મકલ્યાણ અર્થે તેને આત્માર્થ માર્ગે વાળવા, તેના બધાં જ મુખ્ય કુલક્ષણો મેં કહ્યાં, હવે પરમ સુખકારી શુદ્ધ આત્માર્થીપણું પામવા અને આત્મકલ્યાણ સાધવા અને અંતે મોક્ષ પામવા માટે આત્માર્થીનાં બધાં જ મુખ્ય, મુખ્ય સુલક્ષણો હવે હું કહું છું.
—————————
આત્માર્થિ લક્ષણ
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરૂ હોય,
બાકી કુળ ગુરુ કલ્પના, આત્માર્થિ નહિં જોય.૩૪.
ભાવાર્થ-૩૪.
આત્માર્થી વ્યક્તિ તો ફક્ત આત્મજ્ઞાની મુનિ અર્થાત્ જેને આત્મજ્ઞાન છે, એવા સાધુનેજ પોતાના સદગુરુ માને, પછી એવા સદગુરુ પોતાના કુળ કે સંપ્રદાયના ગુરુ ન પણ હોય, પોતાના કુળ કે સંપ્રદાયના ગુરુ છે, તેથી કાંઈ આત્મજ્ઞાન રહિત, અધ્યાત્મ માર્ગની કાંઈ પણ ગતાગમ વગરના સંસારમાર્ગી કુળગુરુને આત્માર્થી વ્યક્તિ ક્યારે કે કદી પણ પોતાના સદગુરુ તરીકે નહીંજ માને.
—————————-
પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર,
ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫.
ભાવાર્થ-૩૫.
પુણ્યાનુબંધી પુણ્ય અર્થાત્ પુણ્યના ફળ ભોગવતી વખતે જો પુણ્ય બાંધ્યા હોય તો પ્રત્યક્ષ સદગુરુ મળે, જે સુપાત્ર વ્યક્તિને આત્મકલ્યાણના માર્ગે ચડાવે, તેથી આત્માર્થી વ્યક્તિને જ્યારે પ્રત્યક્ષ સદગુરુ મળે, ત્યારે તેમનો પરમ ઉપકાર માને, અને સ્વઆત્મકલ્યાણ અર્થે પોતાને સદગુરુ ના શરણ યોગ્ય બનાવે, તથા સદગુરુ પ્રત્યે મન, વચન અને કાયાની એકતાથી આજ્ઞાકિત્પણે વર્તેે.
—————————–
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ,
પ્રેરેતે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬.
ભાવાર્થ-૩૬.
આપણો આત્મા તો સિદ્ધ ભગવાન જેવો જ અવિનાશી, પૂર્ણ જ્ઞાની અને ચૈતન્યઘન છે, વગેરેનું યથાર્થ જ્ઞાન એટલે ‘સમ્યક્જ્ઞાન’ તથા આવા બધાં સ્વરૂપોમાં નિ:શંક શ્રદ્ધા અર્થાત્ ‘સમ્યક્દર્શન’ એટલે કે ‘સમકિત’  અને આ બેઉ જ સ્વરૂપોના જ્ઞાનમાં નિર્મોહભાવે ટકી રહેવાનો આત્મજ્ઞાનક્રિયારૂપ પુરુષાર્થ, અર્થાત્ ‘સમ્યક્ચારિત્ર’ આ ત્રણેની એકતાજ પરમાર્થ પંથ છે એટલે કે મોક્ષ માર્ગ છે, જે ત્રણે કાળે એકજ સરખો હોય છે, આવા વ્યવહારનેજ અનંત જ્ઞાનીઓએ સ્વીકાર્યો છે.
—————————–
એમ વિચારી અંતરે શોધે સદ્ગુરૂયોગ,
કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ. ૩૭
ભાવાર્થ-૩૭.
આત્માર્થી વ્યક્તિને ફક્ત મોક્ષનીજ અદ્મ્ય ઈચ્છા હોય છે અન તે જાણે છે કે મોક્ષના માર્ગને પામવા, પ્રત્યક્ષ સદગુરુ ના શરણે જવું અર્થાત્ તેમની નિશ્રામાં રહી એમની આજ્ઞા પ્રમાણે વર્તવું, તેથી તે સદગુરુ ને મેળવવા તથા એમના માર્ગદર્શન પર ચાલવા, પોતાને સુપાત્ર બનાવે છે, કારણ કે માત્ર સુપાત્ર વ્યક્તિના સદગુરુ ની નિશ્રાએ કરેલા પુરુષાર્થથીજ, કલ્યાણકારી આત્માર્થ સાધી શકાય છે.
————————
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થનિવાસ. ૩૮
ભાવાર્થ-૩૮.
આત્માર્થીવ્યક્તિના સંસાર-વર્ધક ભાવો અર્થાત્ કષાયો એટલે કે ‘અક્રોલાક’ અર્થાત્અહંકાર, ક્રોધ, લાલચ અને કપટ વગેરે મંદ કે પ્રશાન્ત હોય છે અને તેને ફક્ત મોક્ષની જ અદ્મ્ય ઈચ્છા હોય છે. તથા તેને જન્મ-મરણના ફેરાઓનું અત્યંત દુ:ખ હોય છે અને બધા જ જીવ, અર્થાત્બધા જ સજીવો ઉપર દયા હોય છે, તેથી તેના આત્માને પોતાના મૂળ પરમ શુદ્ધ આત્મસ્વરૂપ તરફનું લક્ષ થાય છે.
————————–
દશા ન એવી જ્યાંસુધી, જીવ લહે નહિ જોગ્ય,
મોક્ષ માર્ગ પામેનહીં, મટે ન અંતરરોગ.૩૯.
ભાવાર્થ-૩૯.
જ્યાં સુધી આત્માર્થીના ‘અહંકાર’, ‘ક્રોધ’, ‘લાલચ’ અને ‘કપટ’ અર્થાત્ ‘અક્રોલાક’ જેવા સંસારવર્ધક ભાવોની શાન્તતા, મોક્ષની અદ્મ્ય ઈચ્છા, સંસાર પર વૈરાગ્ય અને બધાજ સજીવો ઉપર દયા થાય નહીં, ત્યાં સુધી આત્માને આત્મકલ્યાણકારી સુપાત્રતા આવતી નથી, તેથી તેેને પોતાના મૂળ પરમ શુદ્ધ સ્વરૂપનું ક્યારે પણ ભાન કે લક્ષ પણ થતું જ નથી અને તેથીજ તેને કદિ કે ક્યારે પણ મોક્ષમાર્ગ પણ મળતો જ નથી.
—————————–
આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુહાય,
તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦.
ભાવાર્થ-૪૦.
જ્યારે આત્માર્થીના ‘અહંકાર’, ‘ક્રોધ’, ‘લાલચ’ અને ‘કપટ’ અર્થાત્ ‘અક્રોલાક’ની શાન્તતા થાય તથા મોક્ષની અદ્મ્ય ઈચ્છા, સંસાર પર વૈરાગ્ય અને બધા જ સજીવો પર દયા થાય, ત્યારે સદગુરુ નો ઉપદેશ પ્રિય લાગે અને તે ફળીભૂત થાય, તે ઉપદેશથી આત્માર્થીને પરમ સુખદાયક એવો આત્માનો મોક્ષ કેવી રીતે થાય, અર્થાત્ આત્માની મુક્તિ કેમ થાય તેના સુવિચારો પ્રગટે, તેથી તે આત્માનું ચિંતન-મનન કરતો થાય.
——————————-
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન,
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧.
ભાવાર્થ-૪૧.
જ્યારે આત્માર્થીને સંસારના બંધનોથી દુ:ખ થાય અને તેમાંથી છૂટીને મોક્ષ પામવાનો સુવિચાર થાય, ત્યારે તે આત્માનું ચિંતન-મનન કર અને મોક્ષમાર્ગે ચાલે, જેના ફળસ્વરૂપે તેને આત્મજ્ઞાન પ્રગટે અને આત્મજ્ઞાનના આધારે, મોહનો ક્ષય અર્થાત્ મોહનો સંપૂર્ણ નાશ કરીને સંસારના બધાજ મહાદુખદાયક બંધનોથી હંમેશને માટે છૂટી, તે જરૂર નિર્વાણ પામે, અર્થાત્ તે જરૂર મોક્ષ પામે.
—————————–
ઉપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય,
ગુરૂ શિષ્ય સંવાદથી, ભાખું ષટ્પદ આંહિ. ૪૨.
ભાવાર્થ-૪૨.
આત્માર્થીને મોક્ષ પામવાનો સુવિચાર ઉત્પન્ન થાય, તે આત્માનું ચિંતન કરતો થાય અને તેના મોક્ષમાર્ગ બરોબર સરળતાથી સમજાઈ જાય, તેથી તેનું આત્મકલ્યાણ થાય, એ ઉદ્દેશથી મોક્ષ પામવા માટે આત્માને લગતા છ-પદો કે વાક્યો એટલે છ-સ્થાનકો કે મુદ્દાઓ અર્થાત્ છ પરમ આત્મસત્યોની સમજ, હું અહીંયા, સદગુરુ અને શિષ્યની પ્રશ્ર્નોત્તરીરૂપે કહું છું.
—————————
( છ પદો અર્થાત્ ‘છ પરમ આત્મ સત્યો’-તે વિશે સદગુરુ નું માર્ગદર્શન) (ગાથા-૪૩ અને ૪૪)
આત્મા છે તે નિત્ય છે, છે કર્ત્તા નિજકર્મ,
છે ભોક્તા વળિ મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. ૪૩.
ભાવાર્થ-૪૩
પહેલું પરમ આત્મ સત્ય-‘આત્મા છે’, બીજું પરમ આત્મ સત્ય- ‘આત્મા નિત્ય છે’, અર્થાત્ અમર છે, ત્રીજું પરમ આત્મ સત્ય-‘વિભાવી આત્મા પોતે જ પોતાના કર્મોનો કરનાર છે’, ચોથું પરમ આત્મ સત્ય-‘વિભાવી આત્માએ પોતે કરેલા કર્મોનો પોતે ભોગવનાર છે’, પાંચમું પરમ આત્મ સત્ય-‘ભવ્ય આત્માનો મોક્ષ સંભવે છે’ અને છઠ્ઠું પરમ આત્મ સત્ય-‘આત્માના મોક્ષનો ઉપાય સત્ય આત્મ ધર્મ છે.’
—————————-
ષટ્ સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ તેહ,
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનિયે એહ. ૪૪.
ભાવાર્થ-૪૪.
મોક્ષમાર્ગને સમજવા, આત્મજ્ઞાનીઓએ આત્માને કેન્દ્રમાં રાખીને, તેને લગતા આ છ પરમ આત્મ સત્યો અર્થાત્ છ સ્થાનકો એટલે કે છ મુદ્દાઓને થોડા શબ્દોમાં કહ્યા છે, તેનો વિચાર કરવાથી, છ ધાર્મિક માન્યતાઓ કે છ આધ્યાત્મિક દર્શનો પણ તે જ જણાશે, આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાનો માર્ગ, અર્થાત્ મોક્ષ પામવાનો માર્ગ, આ છ પરમ આત્મ સત્યોની સંપૂર્ણ અને યથાર્થ શ્રદ્ધા દ્વારા જ શક્ય છે.
—————————
શંકા-શિષ્ય ઉવાચ.
(પહેલું પરમ આત્મ સત્ય- ‘આત્મા છે’-તે વિશે શિષ્યની શંકા) (ગાથા ૪૫થી ૪૮)
નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ,
બીજો પણ અનુભવ નહીં, તેથિ ન જીવસ્વરૂપ ૪૫.
ભાવાર્થ-૪૫.
આંખોથી આત્માનો કોઈ આકાર, રૂપ કે રંગ જોઈ નથી શકાતો. નાકથી આત્માની સુવાસ નથી લઈ શકાતી, કાનથી આત્માને સાંભળી નથી શકાતો, જીભથી આત્માને ચાખી નથી શકાતો અને આત્માનો સ્પર્શ પણ થઈ નથી શકતો, તેમ મનથી પણ આત્માનો કોઈ અનુભવ થતો નથી, એટલે કે પાંચે ઈન્દ્રિયો તથા છઠ્ઠા મનથી આત્મા જણાતો નથી, તેથી આત્માનું અસ્તિત્વ હું નથી માની શકતો.
—————————–
અથવા દેહજ આતમા, અથવા ઈન્દ્રિય, પ્રાણ,
મિથ્યા જૂદો માનવો, નહિં જૂદું એંધાણ. ૪૬.
ભાવાર્થ-૪૬.
અથવા શરીર જ આત્મા છે અને તેમ નહીં તો ઈન્દ્રિયો જ આત્મા છે અને તેમ પણ નહીં તો શ્ર્વાસોશ્ર્વાસ જ આત્મા છે અને તેમ પણ નહીં તો મન-એ જ આત્મા છે. એમના સિવાય બીજા કોઈને આત્મા માનવો એ તો તદ્દન ખોટું કહેવાય, અર્થાત્ પૂર્ણ મિથ્યા કહેવાય, કારણ કે ‘આત્મા છે, એ નિશ્ર્ચિત સ્વરૂપે એટલે કે ખાત્રીપૂર્વક માનવા માટે બીજી કોઈ જુદી ઓળખ કે નિશાની પણ નથી.
(ક્રમશ:)
વળિ જો આત્મા હોય તો, જણાય તે નહિં કેમ?
જણાય જો તે હોય તો, ઘટ પટ આદી જેમ. ૪૭.
ભાવાર્થ-૪૭.
અને માનો કે આત્માનું કોઈ અલગ અર્થાત્ સ્વતંત્ર અસ્તિત્વ હોય તો તે શા માટે આપણી પાંચ ઈન્દ્રિયો કે છઠ્ઠા મન દ્વારા જોવામાં જાણવામાં કે અનુભવવામાં આવતું નથી, જેમ શરીર અને એના ઉપર પહેરેલા વસ્ત્રો શરીરથી સ્પષ્ટ રીતે જુદા જણાય છે, તેમ જો આત્માનું શરીરથી કોઈ અલગ કે સ્વતંત્ર અસ્તિત્વ હોય તો તે જરૂરથી જુદું જણાઈ આવે.
——————————
માટે છે નહિં આતમા, મિથ્યા મોક્ષ ઉપાય,
એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮.
ભાવાર્થ-૪૮.
માટે આત્મા છે જ નહીં, એટલે કે આત્માનું હોવાપણું કે અસ્તિત્વ જ નથી, તો પછી આત્માના મોક્ષ માટે, અર્થાત્ આત્માને સંસારના બંધનોથી મુક્ત કરાવવાના ઉપાયો કરવાનું ક્યાં રહે છે, એટલે કે આત્માના મોક્ષનો ઉપાય મિથ્યા છે, અર્થાત્ વ્યર્થ છે, એવી મારા અંતરની શંકાના નિવારણનો સંપૂર્ણ સમાધાનકારક અને સાચો ઉપાય કોઈ હોય, તો તે મને જરૂર સમજાવવાની કૃપા કરો.
—————————-
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન,
પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯.
ભાવાર્થ-૪૯.
જન્મોજન્મથી તને શરીરનો જ પરિચય છે, આત્માનો નથી, તેથી શરીર જ તને આત્મા લાગે છે, પણ તે બંને જુદા છે, જે એમના જુદા જુદા લક્ષણોથી જણાશે, શરીર તો નાશવંત અજીવ પુદગલ  છે, તે જ્ઞાતા-દૃષ્ટા અર્થાત્ જાણનાર અને જોનાર નથી વગેરે, પણ આત્મા તો અવિનાશી અરૂપી ચૈતન્ય છે, તે જ્ઞાતા દૃષ્ટા છે, તેનું અસ્તિત્વ ઈન્દ્રિયોથી કે મનથી ન જણાય, પણ તે સ્વયં પોતાને તેમજ બીજા બધાને જોઈ અને જાણી શકે છે.
——————————-
ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન,
પણ તે બંને ભિન્ન છે, જેમ અસીને મ્યાન. પ૦.
ભાવાર્થ-૫૦.
જન્મોજન્મથી તને તારા શરીરનો જ પરિચય અને અનુભવ છે, પણ તને તારા પોતાના આત્માનો સાચો પરિચય નથી, તેથી શરીર જ તને આત્મા લાગે છે, પણ તે બંને એકબીજાથી ભિન્ન છે, અર્થાત્ તે બંને એકબીજાથી તદ્દન જુદા છે, જેમ મ્યાનમાં પડેલી તલવાર, મ્યાન સાથે એકરૂપ લાગવા છતાં એક નથી, પણ બંને અર્થાત્ તલવાર અને મ્યાન એકબીજાથી જુદી છે.
—————————-
જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ,
અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. ૫૧.
ભાવાર્થ-૫૧.
આપણે આંખથી જોઈએ છીએ, પણ આંખ જેના આધારે જુએ છે ને જાણે છે, એ તો આપણો આત્મા સ્વયં પોતે જ છે, ‘હું જોઉં છું’, ‘હું જાણું છું.’, વગેરે એવો અવિરોધ સ્પષ્ટ અનુભવ જે આપણને હંમેશા નિરંતરપણે રહ્યા જ કરે છે, એ ‘હું’ બીજો કોઈ નહીં પણ આપણો પોતાનો આત્મા જ છે, આપણો આત્મા કર્તા છે અને આપણી આંખ તો આપણા આત્મા આધારિત માત્ર માધ્યમ જ છે.
—————————-
છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન,
પાંચ ઇંદ્રિયના વિષયનું, પણ આત્માનેભાન. પર.
ભાવાર્થ-પર.
આપણા કાનને સાંભળવાનું, આપણી આંખોને જોવાનું, આપણી જીભને સ્વાદનું, આપણા નાકને સૂંઘવાનું અને આપણી ત્વચા અર્થાત્ સ્પર્શેન્દ્રિયને માત્ર સ્પર્શનું જ જ્ઞાન છે, તેથી આ વાત સિદ્ધ થાય છે કે પાંચેપાંચ ઈન્દ્રિયોને પોતપોતાના વિષયો પૂરતું જ જ્ઞાન છે અને તે જ્ઞાન પણ આપણા આત્માને આધારિત જ છે, તેથી પાંચે ઈન્દ્રિયોના બધા જ વિષયો અને કાર્યોનું આપણા આત્માને પૂર્ણ જ્ઞાન છે.
——————————–
દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રિય, પ્રાણ,
આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩.
ભાવાર્થ-૫૩.
આપણું શરીર અને એની પાંચે-પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન તથા શ્વાસોશ્વાસરૂપી પ્રાણ, આત્માને ક્યાંથી જાણી શકે, તે બધા પોતે તો અજીવ પુદગલો જ છે, તેથી તેઓ જે કાર્યો કરતા દેખાય છે, એ કાર્યો પોતાની નહીં, પણ આપણા આત્માની શક્તિ અને તેની હાજરીથી જ કરે છે, એ તથ્યને તું બરોબર જાણી, સમજી અને તે બધાનું યથાર્થ રૂપ શું છે, તે નક્કી કરી લે.
——————————
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય.
પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪.
ભાવાર્થ-૫૪.
બાળ, યુવા, વૃદ્ધ, જાગૃત, નિંદ્રા, સ્વપ્ન વગેેરે તો શરીરની નાશવંત, બદલાતી અવસ્થાઓ છે, તે બધી અવસ્થાઓમાં રહેવા અને બધી અવસ્થાઓને અનુભવવા છતાં પણ, આત્મા પોતે તો કદી બદલાતો નથી, તેથી તે જુદો જણાય છે, બધીજ અવસ્થાઓનું સતત પ્રત્યક્ષ જ્ઞાન, જેમ કે-‘હું બાળક છું’, ‘હું યુવાન છું’, ‘હું વૃધ્ધ છું’, ‘હું જાગું છું’, ‘હું સૂતો હતો’, ‘મેં સ્વપ્ન જોયું’ વગેરે, એજ તો આત્માની સાચી ઓળખ છે.
—————————-
ઘટ પટ આદી જાણ તું, તેથી તેને માન,
જાણનાર તે માન નહીં, કહિયે કેવું જ્ઞાન? પપ.
ભાવાર્થ-૫૫.
ઘટ, પટ આદિ એટલે શરીર તથા વસ્ત્રો વગેરેને તું જાણે છે, તેથી તું એમનું હોવાપણું માને છે, અર્થાત્ એ બધાના અસ્તિત્વને તું માને છે અને સ્વીકારે પણ છે, શરીર તથા વસ્ત્રો વગેરે જેને જણાય છે, તે જાણનારો શરીર નહીં, પણ આત્મા સ્વયં છે, એટલે કે આત્મા પોતે જ છે, છતાં પણ તું ચૈતન્ય આત્માનેજ માને નહીં તો એ તારું સૌથી મોટામાં મોટું અજ્ઞાન કહેવાય.
——————————
પરમબુદ્ધિ કૃષ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ,
દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. પ૬.
ભાવાર્થ-પ૬.
ક્યારેક પાતળી વ્યક્તિમાં ઘણી બુદ્ધિ અને પ્રતિભા જોવામાં આવે છે, તથા જાડી વ્યક્તિમાં થોડી બુદ્ધિ અને પ્રતિભા જોવામાં આવે છે, તેથી જો શરીરજ આત્મા હોય, તો હંમેશાં પાતળી વ્યક્તિમાં થોડી બુદ્ધિ અને પ્રતિભા અને જાડી વ્યક્તિમાં ઘણી બુદ્ધિ અને પ્રતિભા જોવામાં આવે, પણ હંમેશાં આવું હોતું નથી, તેથી એ સિદ્ધ થાય છે કે શરીરથી આત્મા જુદો છે.
——————————
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ,
એક પણું પામે નહીં, ત્રણે કાળ દ્વય ભાવ. પ૭.
ભાવાર્થ-૫૭.
પુદ્ગલના રૂપવાળો અચેતન અર્થાત્ અજીવ શરીર અને જ્ઞાનસ્વરૂપી ચૈતન્ય અર્થાત્ સજીવ આત્મા, એ બંને દેખીતી રીતેજ સ્વભાવે એકબીજાથી તદ્દન જુદા છે, અચેતન શરીરનો જોવા કે જાણવાનો સ્વભાવ નથી, પણ જ્ઞાનસ્વરૂપી ચૈતન્ય આત્મા સ્વભાવે હંમેશાં જોવા અને જાણવાનું કાર્ય કરે છે, તેથી ભૂત, વર્તમાન કે ભવિષ્ય એમ ત્રણે કાળે બંને કદી પણ બે મટીને એક નહીંજ થાય, આ એક પરમ સત્ય છે.
——————————–
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ,
શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. પ૮.
ભાવાર્થ-પ૮.
વિભાવી અર્થાત્ પરભાવી એટલે કે પોતાના મૂળ સ્વભાવથી વિપરીત એવી જે આત્માને પોતાના અસ્તિત્વની અર્થાત્ તેને પોતાના હોવાપણાની જે શંકા થાય છે, તે શંકા વિભાવી આત્મામાં રહેલો પોતાનોજ એક વક્ર અર્થાત્ અવળો જ્ઞાનગુણ કરી રહ્યો છે, તેના કારણે આત્મા સ્વયં પોતેજ પોતાની શંકા કરે છે, આજ તો છે મોટામાં મોટું આશ્ચર્ય, કે જેનું કોઈ પણ માપ ન નીકળી શકે એવું મોટું આશ્ચર્ય.
—————————-
શંકા-શિષ્ય ઉવાચ.
આત્માનાં અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર,
સંભવ તેનો થાય છે, અંતર કર્યે વિચાર. પ૯.
ભાવાર્થ-૫૯.
પ્રથમ પરમ સત્ય એટલે કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ, અર્થાત્ આત્માના અને શરીરના અલગ હોવાપણા વિષે આપે જે જે પ્રકારનાં પ્રમાણો અને પુરાવાઓ આપ્યા, એ બધાજ પુરાવાઓનો મેં અંતરથી ઊંડો વિચાર કર્યો, અર્થાત્ એમનું સર્વાંગી ઊંડું ચિન્તન-મનન કર્યું, તેથી એ બધાજ પુરાવાઓ અને પ્રમાણો મને નિશ્ચીતરૂપે પરમ સત્ય લાગ્યા અને એમની પૂર્ણ ખાતરી પણ થઈ.
——————————-
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ,
દેહ યોગથી ઊપજે, દેહ વિયોગે નાશ. ૬૦.
ભાવાર્થ-૬૦.
આત્માનું અસ્તિત્વ તો આપે સર્વાંગી રૂપે સિદ્ધ કરી બતાવ્યું, પણ મને બીજી શંકા થાય છે કે, આત્મા નિત્ય કે અમર અર્થાત્ અવિનાશી તો નથી જણાતો, જેમ દરેક વસ્તુની ઉત્પત્તિ સાથેજ એ વસ્તુનો નાશ પણ જોડાયેલો છે, એવી જ રીતે આત્મા સાથે પણ તેનો નાશ જોડાયેલો જ હોય, તેથી આત્મા પણ શરીરની ઉત્પત્તિ સાથે ઉત્પન્ન થાય છે અને શરીરના નાશ સાથે, આત્મા પણ નાશ પામે છે. (ક્રમશ:)
——————————–
અથવા વસ્તુ ક્ષણીક છે, ક્ષણે ક્ષણે પલટાય,
એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧.
ભાવાર્થ-૬૧.
અથવા જેમ દરેક વસ્તુ ક્ષણિક છે, કારણ કે દરેક વસ્તુ ક્ષણે-ક્ષણે પલટાય છે, અર્થાત્ કે તે સમયે-સમયે બદલાય છે, તેથી તે કદીપણ એક જ અવસ્થામાં નથી રહેતી. તેનું સતત પરિવર્તન થયા જ કરે છે, આવા અનુભવથી જોતાં તો, આત્મા પણ પરિવર્તનશીલ જ હોય અને તે પણ ક્ષણે-ક્ષણે એટલે કે તે સમયે સમયે બદલાતો રહે, તેથી તે કદીપણ નિત્ય અર્થાત્ અજન્મ-અમર તો નહીં જ હોઈ શકે.
—————————–
સમાધાન-સદગુરુ ઉવાચ.
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય,
ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ દૃશ્ય! ૬૨.
ભાવાર્થ-૬૨.
શરીર તો આત્મા સાથે માત્ર આત્માએ કરેલા કર્મોને કારણે, તેને વળગેલો અજીવ પરમાણુઓનો જથ્થો છે, અર્થાત્ પરમાણુઓનો બનેલો નાશવંત પુદગલ છે, જે જોઈ શકાય એવો છે, પણ તે પોતે તો અજીવ છે, તેથી શરીર પોતે તો કોઈને જોઈ કે જાણી ન શકે, તો પછી તે અરૂપી અવિનાશી એવા સજીવ, સચેતન આત્માની ઉત્પત્તિ અને એ આત્માનું નાશ ક્યાંથી જોઈ, જાણી કે અનુભવી શકે?
—————————–
જેના અનુભવ દૃશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન,
તે તેથી જુદા વિના થાય ન કેમેં ભાન. ૬૩.
ભાવાર્થ-૬૩.
આત્મા પ્રત્યક્ષપણે નિત્ય છે, અર્થાત્ તે પ્રત્યક્ષપણે અજન્મ-અમર છે, તેથી કોઈને પણ તેના જન્મ કે મરણનું જ્ઞાન ન હોય, સ્વયં આત્માને પણ પોતાના જન્મ કે મરણનું જ્ઞાન ન હોય, કારણ કે જો ‘હું’ જન્મ્યો કહે તો તેના જન્મ પહેલા પણ ‘હું’ હતો અને ‘હું’ મરી ગયો કહે તો તેમાં પણ મરી ગયા પછી ‘હું’ તો કાયમ રહ્યો, તેથી ‘હું’ એટલે કે આત્માનું જન્મ કે મરણ થયું કેમ કહેવાય?
—————————–
જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દૃશ્ય,
ઊપજે નહીં સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪.
ભાવાર્થ-૬૪.
સંસારમાં આપણે જે જે વસ્તુઓને કે પદાર્થોને ઉત્પન્ન થતા તથા નાશ પામતા જોઈએ છીએ, એ બધી જ વસ્તુઓ કે પદાર્થો એકબીજાના સંગઠનથી જ ઉત્પન્ન થાય છે અને વિઘટનથી નાશ પામે છે, એ બધાને આત્મા પોતે સંપૂર્ણ રીતે જાણે છે, પરંતુ આત્મા પોતે કોઈના પણ સંગઠનથી ઉત્પન્ન થતો નથી, તેથી તેનું નાશ પણ નથી, તે તો અજન્મ-અમર છે, તેથી તે પ્રત્યક્ષપણે હંમેશા અર્થાત્ સદાય નિત્યજ જણાય છે.
——————————–
જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય,
એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫.
ભાવાર્થ-૬૫.
અજીવ અર્થાત્ અચેતન, નાશવંત શરીરમાંથી, સજીવ અર્થાત્ સચેતન, અવિનાશી આત્માની ઉત્પત્તિ થાય અને સચેતન, અવિનાશી આત્મામાંથી, અચેતન નાશવંત શરીરની ઉત્પત્તિ થાય, એવો તર્કશૂન્ય અર્થાત્ જેમાં કોઈ પણ તર્ક ન હોય એવો અનુભવ કોઈ પણ કાળે, કોઈને પણ ક્યારે કે કદી થાય જ નહીં, આ એક શાશ્વત અને અનુભવસિદ્ધ અટલ પરમ સત્ય છે.
—————————–
કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય,
નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬.
ભાવાર્થ-૬૬.
જેની ઉત્પત્તિ અર્થાત્ જેનું નિર્માણ કોઈ બીજી વસ્તુમાંથી કે કોઈ પદાર્થમાંથી નીકળીને કે બીજા કોઈના આધાર, સંયોજન, સંગઠન કે સંબંધથી થાય નહીં, તેનો નાશ પણ કોઈ બીજા પદાર્થ કે વસ્તુમાં સમાઈ જવાથી કે તેમાં ભળી જવાથી, થાય જ નહીં, તેથી એ નિશ્ચીત થાય છે કે, આત્મા નિત્ય છે, એટલે કે આત્મા અજન્મ-અમર છે, અર્થાત્ તેનું જન્મ પણ નથી અને મરણ પણ નથી.
————————–
ક્રોધાદી તરતમ્યતા, સર્પાદિકની માંય,
પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭.
ભાવાર્થ-૬૭.
સાપ કે મગર વગેરેના તાજા જન્મેલા બચ્ચાઓનો આક્રમક સ્વભાવ, તથા કબૂતર, ચકલી વગેરેના તાજા જન્મેલા બચ્ચાઓનો સ્વબચાવમાં પણ અપ્રતિકારી સ્વભાવ, તેમ જ બાળકોમાં પણ કોઈ શાન્ત, કોઈ ચીડીઓ, કોઈ હસમુખ કોઈ રોતલ વગેરે હોય છે, આવા સ્વભાવોનું આ જન્મમાં તો શિક્ષણ લીધું નથી, તેથી તે પૂર્વ જન્મોના સંસ્કારો છે, જે આત્માની નિત્યતા અર્થાત્ અજન્મ-અમરતા સાબિત કરે છે.
—————————–
આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય,
બાળાદી વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮.
ભાવાર્થ-૬૮.
આત્મા પરમ દ્વવ્યરૂપે, અર્થાત તે મૂળ શુદ્ધ પદાર્થ કે વસ્તુરૂપે, તે પોતે કદી બદલાતો નથી, જો કે એની અવસ્થાઓ અને એના અનુભવો બદલાયા કરે છે, તેથી એણે બાલ્યાવસ્થામાં ‘હું’ બાળક છું, યુવાવસ્થામાં ‘હું’ યુવાન છું અને વૃદ્ધાવસ્થામાં ‘હું’ વૃદ્ધ છું વગેરે, એ પ્રમાણે અનુભવ્યું, પણ એ બધી જ બદલાતી અવસ્થાઓમાં ‘હું’ અર્થાત્ આત્મા પોતે તો જરાયે બદલાયો નહીં, પણ એનો એ જ રહ્યો.
————————–
અથવા જ્ઞાન ક્ષણીકનું, જે જાણી વદનાર,
વદનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. ૬૯.
ભાવાર્થ-૬૯.
દરેક સંયોજિત પદાર્થ તો પરમાણુઓનું સંગઠિત રૂપ છે, તેથી એ સંગઠિત રૂપ ક્ષણિક છે, અર્થાત્ અનિત્ય છે, જે દરેક ક્ષણે એટલે કે સમયે, સમયે, અસંગઠન અર્થાત્ વિઘટન પામીને બદલાતો રહે છે, એ બદલાતા બધા જ રૂપોને આત્મ સતતપણે જાણતો રહે છે, તે વિતેલા સમયના અનુભવો કહી શકે છે, કારણ કે આત્મા પોતે તો બદલાતો નથી, આવા પ્રત્યક્ષ અનુભવથી પણ, આત્મા નિત્ય છે, અર્થાત્ આત્મા અજન્મ-અમર છે એ તું માન્ય કર.
—————————
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ,
ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૭૦.
ભાવાર્થ-૭૦.
કોઈ પણ પરમ દ્રવ્ય, અર્થાત્ મૂળ વસ્તુ કે પરમાણુઓનો કદી કે ક્યારે પણ નાશ થતો નથી, માત્ર તેમની અવસ્થાઓ જ બદલાય છે, તેથી આત્મા જે એક અવિનાશી ચેતનરૂપ પરમ દ્રવ્ય છે, તેનો પણ કદી કે ક્યારે નાશ ન થાય અને છતાં જો માનો કે આત્માનો નાશ થાય છે, તો આત્મા નાશ પામીને કઈ ચીજમાં ભળી જાય છે, કે વિલીન થઈ જાય છે, એને તું સર્વાંગીરૂપે વિચારી જો.
——————————
શંકા-શિષ્ય ઉવાચ
કર્ત્તા જીવ ન કર્મનો, કર્મજ કર્ત્તા કર્મ;
અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧.
ભાવાર્થ-૭૧.
આત્મા પોતાની ઈચ્છા કે મરજીથી કર્મો બાંધતો હોય એમ જણાતું નથી, તેથી કર્મોના કર્તા તો કર્મો સ્વયં પોતે જ હોઈ શકે, અથવા કર્મોના આત્મા સાથે બંધાવાના સ્વભાવને કારણે સહજપણે, અર્થાત્ આપોઆપ કર્મો આત્મા સાથે સતત પણે પોતે જ બંધાયા કરશે, અથવા કર્મો બાંધવા એ જો આત્માનો ધર્મ અથાત્ ગુણ કે કર્તવ્ય હોય, તો તે કારણે આત્મા યંત્રવત્પણે કર્મોને સતત બાંધ્યા જ કરશે.
—————————-
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ;
અથવા ઈશ્વરપ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨.
ભાવાર્થ-૭૨.
પણ જો આત્મા અસંગ સ્વભાવી હોય, તો તે પોતાની ઈચ્છા કે મરજીથી કર્મો ન બાંધે, તો પછી કર્મોની પોતાની જ જુદી જુદી પ્રકૃતિઓ કર્મો બાંધવાનું કાર્ય કરતી હશે અને તેમ પણ નહીં તો પછી ઈશ્વરની પ્રેરણાથી આત્મા કર્મો બાંધે છે, તેથી એક વાત પૂર્ણ રીતે સ્પષ્ટ થાય છે કે, આત્મા કદી કે ક્યારે પણ સ્વયં પોતે પોતાની ઈચ્છા, ખુશી કે મરજીથી કર્મો બાંધતો જ નથી.
—————————-
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય;
કર્મતણું કર્ત્તાપણું, કાં નહીં, કાં નહીં જાય. ૭૩.
ભાવાર્થ-૭૩.
આત્મા સ્વયં પોતે તો કદી પણ કર્મો કરતો કે બાંધતો નથી, માટે તે બંધનરહિત છે. તેથી તેને કર્મોના બંધનોથી છોડાવવાનો એટલે કે તેની મુક્તિ કે તેના મોક્ષ માટેનો ઉપાય કરવાનો કોઈ પણ અર્થ જણાતો નથી અને છતાં જો તેને કર્મો કરવાના સ્વભાવવાળો માનો, તો તે પોતાનો સ્વભાવ કદી બદલે નહીં, તેથી તે કારણે પણ તેના મોક્ષ માટેનો ઉપાય કરવો નકામો છે.
——————————
સમાધાન-સદગુરુ ઉવાચ
હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ,
જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી મર્મ. ૭૪.
ભાવાર્થ-૭૪.
વિભાવમાં રહેતા આત્માની પ્રેરણાથી જ કર્મો થાય છે, તેથી આત્મા જ કર્મોનો કર્તા છે, અજીવ સૂક્ષ્મ પરમાણુના જથ્થા રૂપી કર્મોનો સ્વભાવ પ્રેરણા નથી, તેથી કર્મોના કર્તા કર્મો કેમ થઈ શકે? અજીવ કર્મો અને ચેતન સ્વરૂપ સજીવ આત્મા, એમ બેઉ અર્થાત્ કર્મો તથા આત્માના સ્વભાવધર્મના મર્મને તું વિચારી જો, તો તને આ તથ્ય એટલે કે સત્ય બરાબર સમજાઈ જશે, તેથી તારી શંકાનું સમાધાન પણ થશે.
જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ,
તેથી સહજ સ્વભાવ નહીં તેમ જ નહિં જીવધર્મ. ૭૫.
ભાવાર્થ-૭૫.
કર્મો કરવા કે ન કરવા એ આત્માની સત્તાની વાત છે, જો રાગ-દ્વેષ વગેરે જેવા વિભાવ ન કરે અને પોતાના મૂળ સ્વભાવમાં રહે તો કર્મો ન કરે, અર્થાત્ ન બાંધે, પણ જો તે વિભાવ અર્થાત્ પરભાવમાં રહે તો કર્મો બાંધે, તેથી એ સ્પષ્ટ થાય છે કે, કર્મો આપોઆપ નથી થતા, એટલે કે કર્મો પોતાની મેળે નથી બંધાતા, તેમ જ કર્મો કરવા કે બાંધવા એ આત્માનો મૂળ ધર્મ એટલે કર્તવ્ય કે સ્વભાવ પણ નથી.
——————————-
કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ?
અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ૭૬.
ભાવાર્થ-૭૬.
આત્મા જો કર્મોનો અકર્તા હોત, તો તને એવો અનુભવ કેમ ન થયો, જોકે અજ્ઞાનથી તેં હમણાં આગળ આત્માને કર્મોનો અકર્તા કહ્યો, પણ તને એવો અનુભવ તો નથી જ, કારણ કે તને આત્માના શુદ્ધ મૂળ સ્વરૂપનું હજી જ્ઞાન થયું નથી, પણ જો તારા રાગ-દ્વેષ મંદ પડે અર્થાત્ શાંત પડે તથા તું તારું મિથ્યાજ્ઞાન છોડે તો તને તારા આત્માના અકર્તા શુદ્ધ મૂળ સ્વરૂપનો જરૂર અનુભવ થાય.
—————————-
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ,
અથવા પ્રેરક તે ગણ્યે, ઈશ્વર દોષ પ્રભાવ. ૭૭.
ભાવાર્થ-૭૭.
બીજા આત્માઓના કર્મોનો કે દુનિયાનો કર્તા-હર્તા-ભર્તા એવો કોઈ ખાસ એટલે કે વ્યક્તિ વિશેષ ઈશ્વર, અર્થાત્ ભગવાન કે પરમાત્મા છે જ નહીં, કોઈ પણ આત્મા જ્યારે સર્વ કર્મોથી મુક્ત, દોષરહિત, શુદ્ધ સ્વભાવરૂપ થાય, ત્યારે તેને જ ઈશ્વર કહેવાય, એવા શુદ્ધ ઈશ્વરને બીજાના કર્મોનો પ્રેરક કે કર્તા માનવાની મૂર્ખતા કે તર્ક શૂન્યતા તો નિર્દોષ પરમ ઈશ્વરને મહાદોષી કહેવા બરોબર છે.
—————————-
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ,
વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ૭૮.
ભાવાર્થ-૭૮.
આત્મા જ્યારે પોતાના શુદ્ધ ચૈતન્ય, અર્થાત્ પોતાના જ્ઞાનમય સ્વભાવમાં સ્થિર હોય, એટલે કે આત્મા પોતાના જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ, વગેરે ગુણોમાં મગ્ન હોય ત્યારે તે પોતાના સ્વભાવનો જ કર્તા હોય, આવી સ્વભાવ દશાની સ્થિરતાને કારણે તેને કર્મબંધ ન થાય, પણ જો આત્મા આ બધાથી વિરુદ્ધ એવા વિભાવ અર્થાત્ પરભાવમાં રહે તો તે પોતાના જ કર્મોનો કર્તા થાય.
—————————–
શંકા-શિષ્ય ઉવાચ.
જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય,
શું સમજે જડ કર્મ કે, ફળપરિણામી હોય. ૭૯.
ભાવાર્થ-૭૯.
આત્માને શુભ કે અશુભ અર્થાત્ પુણ્ય કે પાપકર્મો વગેરેનો કર્તા એટલે કે કરનાર માનીએ, પણ તે કાંઈ આવા શુભ કે અશુભ વગેરે કર્મોનો ભોક્તા અર્થાત્ કર્મોનો ફળ ભોગવનાર ન જ હોઈ શકે, કારણ કે, જડ કર્મો અર્થાત્ દ્રવ્ય કર્મો તો અજીવ સરૂપી પરમાણુઓનો જથ્થો છે, તેથી તે અજીવ, સરૂપી પરમાણુઓનો જથ્થો, કેમ કરી સજીવ અરૂપી આત્માને પુણ્ય કે પાપ અર્થાત્ શુભ કે અશુભ વગેરે ફળ આપી શકે?
—————————–
ફળદાતા ઈશ્વર ગણ્યે, ભોક્તાપણું સધાય,
એમ કહ્યે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય.
ભાવાર્થ-૮૦.
ઈશ્વરને જો કર્મફળ આપનાર ગણો અર્થાત્ માન્ય કરો, તો જ આત્મા કર્મફળ ભોગવનાર સાબિત થાય, પણ તમે જ હમણાં આગળ કહ્યું કે ઈશ્વર તો સર્વ કર્મથી મુક્ત શુદ્ધ સ્વભાવરૂપ જ છે અને જો ઈશ્વર કર્મફળ આપવાનું હલકું કે તુચ્છ કામ કરે તો તે મહાદોષી કહેવાય, તેથી તેનું ઈશ્વરપણું જતું રહે, તેથી જો ઈશ્વર કર્મફળ નથી આપતો તો પછી કર્મફળ ભોગવવાનું રહેતું જ નથી.
—————————–
ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિં હોય,
પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહિં કોય. ૮૧.
ભાવાર્થ-૮૧.
ઈશ્વર અર્થાત્ પરમાત્મા કે ભગવાન જ જો સારા સુખદાયક કે ખરાબ દુ:ખદાયક વગેરે ફળ આપનાર તરીકે સિદ્ધ કે સાબિત ન થાય, તો જગત એટલે દુનિયા કે વિશ્વનો કોઈ નિયમ કે વ્યવસ્થા પણ રહેતા નથી, પછી શુભ, અર્થાત્ સારા કે અશુભ અર્થાત્ ખરાબ ફળ ભોગવવાના સ્થાનો, જેવા કે દેવલોક, સ્વર્ગલોક, નર્કલોક વગેરે પણ ક્યાંથી હોય? તેથી કર્મફળ ભોગવવાનું ક્યાં રહે?
——————————-
સમાધાન-સદગુરુ ઉવાચ.
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ,
જીવ વીર્યની સ્ફૂરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨.
ભાવાર્થ-૮૨.
રાગ અને દ્વેષ એટલે ભાવ કર્મો, એ ચેતનરૂપ આત્માના અશુદ્ધ ભાવો છે, તેથી ભાવ કર્મોને પણ અશુદ્ધ ચેતનરૂપ કહેવાય છે, મિથ્યાજ્ઞાનથી આત્મા જ્યારે રાગ-દ્વેષને પોતાના માનવાની કલ્પના કરે ત્યારે આત્માનું અવળું આત્મવીર્ય સ્ફૂરે, અર્થાત્ આત્માનો ઉંધો પુરુષાર્થ જાગે, તેથી આત્માના રાગ-દ્વેષરૂપ ભાવકર્મોનું નિમિત્ત પામીને કર્મ વર્ગના અજીવ સરૂપી પરમાણુઓનો જથ્થો અર્થાત્ દ્રવ્ય કર્મો આત્મ પ્રદેશમાં જોડાઈ જાય છે.
—————————-
ઝેર સુધા આજે નહીં, જીવ ખાય ફળ થાય,
એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩.
ભાવાર્થ-૮૩.
જેમ ઝેર કે અમૃત જાણતા નથી કે, તેમને જે ખાશે તે ખાનારનું શું પરિણામ થશે? છતાં તેમના ખાનારને, એનું પરિણામ અવશ્ય ભોગવવું જ પડે છે, તેવી જ રીતે શુભ, અશુભ કે શુભાશુભ અજીવ પરમાણુઓના જથ્થારૂપી કર્મો પણ, પોતે કાંઈ જાણતા નથી કે પોતાને કરનાર કે બાંધનાર આત્માનું શું થશે? છતાં આત્માએ પોતે કરેલા કર્મોના પરિણામો અર્થાત્ કરેલા કર્મોના ફળો પોતાને અવશ્ય ભોગવવા જ પડે છે.
—————————
એક રાંકને એક નૃપ, એ આદી જે ભેદ,
કારણ વિના ન કાર્ય તે, તેજ શુભાશુભ વેદ્ય. ૮૪.
ભાવાર્થ-૮૪.
આપણે સંસારમાં જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ સુખી છે, તો કોઈ વ્યક્તિ દુ:ખી છે, તેમ કોઈ વ્યક્તિ ધનવાન છે અને કોઈ વ્યક્તિ ગરીબ છે, આવા સુખ-દુ:ખના કે ઊંચ-નીચના કે બીજા ઘણી બધી જાતના જે ભેદભાવો દેખાય છે, એ બધા જ તે વ્યક્તિઓના પોતાના કરેલા શુભ, અશુભ કે શુભાશુભ કર્મોના ફળ છે, કેમ કે, કારણ વગર કોઈપણ કાર્ય થતું જ નથી, એજ ન્યાય સિદ્ધ અટલ પરમ સત્ય છે.
—————————–
ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર,
કર્મ સ્વભાવે પરિણામેં, થાય ભોગથી દૂર. ૮૫.
ભાવાર્થ-૮૫.
કર્મોના ફળદાતા એટલે કે કર્મોના ફળ આપનાર, એવા કોઈ વ્યક્તિ વિશેષ ઈશ્વર અર્થાત્ ભગવાન કે પરમાત્માની, એમાં જરાયે જરૂરત પડતી જ નથી, કારણ કે કર્મો તો પોતાના સ્વભાવ પ્રમાણે જ ફળ આપે છે, અર્થાત્ શુભ કર્મોના શુભ ફળ અને અશુભ કર્મોના અશુભ ફળ તથા શુભાશુભ કર્મોના શુભાશુભ મિશ્ર ફળ મળે છે. અને એ કર્મોને ભોગવવાથી, એ કર્મોનો નાશ થઈ એમનો અંત પણ આવે છે.
—————————–
તે તે ભોગ્ય વિશેષના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ.
ગહન વાત છે શિષ્ય આ, કહિ સંક્ષેપે સાવ. ૮૬.
ભાવાર્થ-૮૬.
આત્માએ કરેલા કર્મો પ્રમાણે એના ફળ ભોગવવા પડે છે, શુભ, અશુભ અને શુભાશુભ કર્મો ભોગવવાના ચાર પ્રકારના સ્થાનો છે, જેમ કે (સ્વર્ગ કે દેવલોક), (નર્કલોક), (મનુષ્યલોક) અને (તિર્યંચલોક-અર્થાત્ વનસ્પતિ, ફૂગ, શેવાળ, જંતુ, પશુ, પક્ષી કે પાણીમાં રહેતા બધા જ જીવો વગેરેનો બનેલો જીવલોક) બાંધેલા કર્મોના પ્રકારો પ્રમાણે જ હોય છે, એથી વધુ અપ્રયોજક જાણકારીમાં સમય ન બગાડતાં આ વાતને ટૂંકામાં કહી છે.
—————————
શંકા-શિષ્ય ઉવાચ.
કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિં મોક્ષ,
વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭.
ભાવાર્થ-૮૭.
વિભાવમાં રહેતો આત્મા, પોતાના કર્મોનો કરનાર અને ભોગવનાર છે, એ આપશ્રી સદગુરુની કૃપાથી મેં જાણ્યું અને હું માનતો થયો, પણ આત્માનો કદીએ જન્મ-મરણના ફેરાઓથી છુટકારો તો નથી જ, અર્થાત્ આત્માનો કદીએ મોક્ષ એટલે મુક્તિ તો નથી જણાતી, કારણ કે અનંત સમય વિત્યો છતાં હમણાં પણ આત્મા એના કર્મો કરવાના દોષી સ્વભાવથી છૂટ્યો તો નથી જ.
—————————-
શુભ કરે ફળ ભોગવે, દેવાદી ગતિમાંય,
અશુભ કરે નર્કાદિફળ, કર્મ રહીત ન ક્યાંય. ૮૮.
ભાવાર્થ-૮૮.
અધિક શુભ કર્મો કરીને દેવ કે સ્વર્ગ ગતિમાં જઈને, અધિક પુણ્યના અધિક સુફળ ભોગવે, શુભ કર્મો કરીને તે દેવ કે મનુષ્ય ગતિમાં જઈને, પુણ્યના સુફળ ભોગવે, શુભાશુભ મિશ્ર કર્મો કરીને તે મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જઈને પુણ્યમિશ્રિત પાપના મિશ્ર ફળ ભોગવે, અશુભ કર્મો કરીને તે નરક ગતિમાં જઈને પાપના દુ:ખદાયક ફળ ભોગવે અને ઘોર અશુભ કર્મો કરીને તે ઊંડા નરકમાં જઈને ઘોર પાપના મહા દુ:ખદાયક કુફળ ભોગવે, પણ આત્મા ક્યાંએ કર્મો રહિત તો જણાતો જ નથી. (ક્રમશ:)
——————————-
સમાધાન-સદગુરુ ઉવાચ.
જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ,
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯.
ભાવાર્થ-૮૯.
આત્માએ કરેલા શુભ, અશુભ કે શુભાશુભ કર્મોનું ફળ તેને મળે છે એ તેં જાણ્યું, તેવી જ રીતે હે બુદ્ધિમાન શિષ્ય, આત્મા જ્યારે આત્મજ્ઞાનરૂપી તપનો પુરુષાર્થ કરે, ત્યારે તે શુભ, અશુભ કે શુભાશુભ ભાવોથી નિવૃત્ત થાય છે અને તેનામાં સ્વપરિણામી શુદ્ધ ભાવ પ્રગટે છે, જે તેના શુભ, અશુભ કે શુભાશુભ ભાવે બાંધેલા બધા જ કર્મોનો નાશ કરીને તેના આત્માને અર્થાત્ પોતાને મોક્ષ અપાવે છે.
——————————–
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ,
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦.
ભાવાર્થ-૯૦.
શુભ, અશુભ કે શુભાશુભ કર્મો પ્રત્યેના મોહને કારણે આત્મા ઘણાં કર્મો બાંધતો રહ્યો તથા મોહભાવે કર્મોને ભોગવતાં પણ તે ઘણાં નવા કર્મો બાંધતો રહ્યો, તેથી આત્માનો કર્મો સહિત અનંત સમય વિત્યો, પણ જો આત્મા કર્મો તરફ નિર્મોહિ થાય અને પોતાના, માત્ર જોવા તથા જાણવાના ભાવમાં સ્થિર થાય, તો તેનું નવા કર્મો બાંધવાનું અટકે, તે ‘સમ્યક્દર્શન’, ‘સમ્યક્જ્ઞાન’ તથા ‘સમ્યક્ચારિત્ર’ પામે, અર્થાત્ તેને મોક્ષ સ્વભાવ ઉત્પન્ન થાય.
—————————–
દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ,
સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. ૯૧.
ભાવાર્થ-૯૧.
આત્મા જો પૂર્ણ અબંધ એવા વીતરાગભાવે પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિર થાય તો તેને શરીર વગેરેના સંયોગનો હંમેશને માટે વિયોગ થાય. પછી આત્માને કોઈ પણ નવું કર્મ બંધન પડતું કે થતું નથી અને જ્યારે તે તેના પૂર્વે બાંધેલા સર્વ કર્મોનો નાશ કરે ત્યારે તે સિદ્ધ થાય અને મોક્ષરૂપી શાશ્વત પદે અર્થાત્ પરમ અક્ષયપદે રહીને નિજાનંદના પરમ અનંત સુખ ભોગવે.
—————————–
શંકા-શિષ્ય ઉવાચ.
હોય કદાપી મોક્ષપદ, નહિં અવિરોધ ઉપાય,
કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૨.
ભાવાર્થ-૯૨.
માન્યું કે આત્માનો મોક્ષ છે, તો પણ તે પામવા અર્થાત્ મેળવવાનો કોઈ સ્પષ્ટ, સાચો, અચુક અને અવિરોધ ઉપાય મને નથી જણાતો, કારણ કે અનંત જન્મો અને અનંત કાળ, અર્થાત્ અનંત સમયના કર્મો, આ મનુષ્યના અતિઅલ્પ આયુષ્ય એટલે કે નાના એવા જીવન કાળમાં, કેમ અને કેવી રીતે, એ અસંખ્ય કર્મોનો નાશ થઈ શકે, અર્થાત્ તે કેમ ખપાવી શકાય? તે કૃપા કરી મને સમજાવો.
——————————
અથવા મત દર્શનઘણાં, કહે ઉપાય અનેક,
તેમા મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩.
ભાવાર્થ-૯૩.
અનેક ધર્મો અને અનેક દર્શનો છે, તે બધા જુદી જુદી રીતે મોક્ષનો માર્ગ અને તેનો ઉપાય બતાવે છે, કોઈ જ્ઞાનનો માર્ગ, કોઈ તપનો માર્ગ, કોઈ ભક્તિનો માર્ગ, તો કોઈ ક્રિયા-કાંડનો માર્ગ બતાવે છે અને કોઈ તો વળી બલી કે વધ જેવો હિંસાનો માર્ગ પણ બતાવે છે અને એ બધા જ પોતપોતાના માર્ગને જ યથાર્થ એટલે કે સાચો મોક્ષમાર્ગ માને છે, તેથી કયો માર્ગ સાચો છે એ નથી સમજાતું.
——————————
કયી જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ,
એનો નિશ્ચય  ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪.
ભાવાર્થ-૯૪.
બહુધા સંપ્રદાયો કે ધર્મપંથો, એમ માને છે કે એમના સંપ્રદાય કે ધર્મપંથમાં જન્મનારનો જ મોક્ષ છે અને અમુક પ્રકાર અને રંગના વસ્ત્રો જેવા કે સફેદ, પીળા, ભગવા કે નગ્ન અવસ્થા વગેરે, જે એમણે માન્ય કર્યા હોય તે પહેરનારનો જ મોક્ષ થાય, એના સિવાય બીજા કોઈનો મોક્ષ થાય નહીં, આવા વિરોધી ઉપાયો મૂંઝવણ ઊભી કરે છે, તેથી મોક્ષનો કોઈ અવિરોધ સાચો માર્ગ મને નથી જણાતો.
——————————
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય,
જીવાદી જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૫.
ભાવાર્થ-૯૫.
જો આવા એકબીજાથી વિરોધી ઉપાયો અને માર્ગો હોય, તો મને એમ લાગે છે કે, મોક્ષ મેળવવાનો કોઈ પણ એક નિશ્ર્ચિત સાચો પરિણામલક્ષી ઉપાય કે માર્ગ જાણી શકાય એમ નથી, તેથી જો મોક્ષનો કોઈ પણ અવિરોધ ઉપાય કે માર્ગજ જો મને ન મળે, તો પછી મોક્ષના ઉપાય માટે આત્માને લગતા પાંચ સ્થાનકો એટલે કે પાંચ પરમ સત્યોની આટલી બધી જાણકારી કે માહિતીનો શો ઉપકાર, અર્થાત્ શો લાભ થાય?
———————————
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ;
સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદભાગ્ય …૯૬
ભાવાર્થ-૯૬.
‘આત્મા છે’ – તે ‘નિત્ય અર્થાત અમર છે’ – વિભાવી આત્મા પોતે જ પોતાના કર્મોનો કરનાર છે’ તેથી તે ‘પોતે જ પોતાના કરેલા કર્મોનો ભોગવનાર પણ છે’ – તથા ‘બધાજ ભવ્ય આત્માઓનો મોક્ષ સંભવે છે’, આ પાંચ પરમ આત્મ સત્યોને આપે મારી ઉપર કૃપા કરીને મને વિસ્તારથી સમજાવ્યા તેથી તેમને લગતી મારી બધી જ શંકાઓનું શ્રદ્ધાપૂર્વક સમાધાન થયું; તેવી જ રીતે છઠ્ઠું પરમ આત્મસત્ય ‘મોક્ષનો ઉપાય છે.’ તે ઉપાય કૃપા કરીને મને સમજાવો, જેથી કરીને મારો ભાગ્યોદય થાય.
——————————–
સમાધાન – સદગુરુ  ઉવાચ.
પાંચે ઉત્તરની થઈ, આત્મા વિશે પ્રતીત,
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતિત એ રીત…૯૭
ભાવાર્થ-૯૭.
આત્મા વિશેના પાંચેપાંચ પરમ સત્યો અર્થાત્ આત્મા છે’ – ‘તે નિત્ય છે’ – ‘વિભાવી આત્મા પોતે જ પોતાના કર્મો કરનાર છે’, તેથી ’તે પોતે જ પોતાના કરેલા કર્મોનો ભોગવનાર પણ છે’, તથા ‘બધા જ ભવ્ય આત્માઓનો મોક્ષ સંભવે છે’, ને લગતી તારી બધી જ શંકાઓનું શ્રદ્ધાપૂર્વક સમાધાન થયું, તેવી જ રીતે છઠ્ઠું પરમ આત્મસત્ય ‘મોક્ષનો ઉપાય સત્ય આત્મધર્મ છે’, એ તને બતાવું, જે તને પહેલા બતાવેલા પાંચ પરમ આત્મસત્યોની જેમ જ શ્રદ્ધાપૂર્વક સહેલાઈથી સમજાઈ જશે.
—————————–
કર્મ-ભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ,
અંધકાર અજ્ઞાનસમ, નાશે જ્ઞાન પ્રકાશ…૯૮
ભાવાર્થ-૯૮.
આત્મા, શુભ, અશુભ કે શુભાશુભ કર્મોના પરિણામોને પોતાના મૂળ સ્વરૂપ માને, તેને યથાર્થ માને કે તેમાં રુચિ લે વગેરે તે કર્મભાવ છે, જે આત્માનું અજ્ઞાન અર્થાત્ મિથ્યાજ્ઞાન છે, પણ પોતાના શુદ્ધ સ્વભાવમાં રહેવું તે આત્માનું સત્યજ્ઞાનરૂપી મોક્ષભાવ છે, મિથ્યાજ્ઞાનનો સ્વભાવ તો અંધકાર જેવો છે, પણ સત્યઆત્મજ્ઞાન પ્રકાશ થતાં જ અર્થાત્ મોક્ષ સ્વભાવ ઉત્પન્ન થતાં જ, કર્મભાવરૂપી મિથ્યાજ્ઞાન નાશ પામે છે.
—————————-
જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષ-પંથ ભવઅંત…૯૯
ભાવાર્થ-૯૯.
આત્મા-રાગ કે દ્વેષ જેવા શુભ કે અશુભ ભાવ કરે, જે આત્માનો સ્વભાવ નથી, પણ એનો વિભાવ છે, અર્થાત્ એનું મિથ્યાત્વ છે, જેના કારણે પુણ્ય કે પાપ કર્મો બંધાય એજ બંધનો માર્ગ છે, પણ જો તે મિથ્યાત્વને દૂર કરે તથા યથાર્થ શ્રદ્ધાના બળથી પોતાના શુદ્ધ ભાવમાં અર્થાત્ આત્મસ્વભાવમાં રહે, તો બંધભાવ જે વિભાવ છે, તેની નાસ્તિ થાય, એ જ સાચો મોક્ષ માર્ગ, જેના પરિણામે આત્માનો મોક્ષ થાય.
——————————
રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ,
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ…૧૦૦
ભાવાર્થ-૧૦૦.
કર્મની મુખ્ય ગાંઠ એટલે કે રાગ, દ્વેષ અને ‘અજ્ઞાન’ અર્થાત્ ‘મિથ્યાજ્ઞાન’ એટલે કે આત્માના સાચા સ્વરૂપથી વિપરીત સ્વરૂપની માન્યતાનું એક સાથે મળવું, પણ જો આત્મા આ ત્રણેને છોડીને, સમભાવે પોતાના સાચા સ્વરૂપમાં રહેવાનો એટલે કે સમક્તિ પ્રાપ્તિનો પુરુષાર્થ અર્થાત્ આરાધના કરે અને ક્રમશ: ‘સમ્યકચારિત્ર’ અને ‘સમ્યક્તપ’ વડે તેના જૂનાં કર્મોની ગાંઠ છૂટી જાય અને નવા કર્મો ન બંધાય, આ જ તો છે મોક્ષનો સાચો માર્ગ. (ક્રમશ:)
—————————
આત્મા સત ચૈતન્યમય, સર્વાભાસ રહીત,
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત…૧૦૧
ભાવાર્થ-૧૦૧.
આત્મા સત્ છે, અર્થાત્ નિત્ય છે, તે ચૈતન્યમય છે, અર્થાત્ તે સંવેદન ગુણવાળો સજીવ છે, અને તેથી તે જ્ઞાનમય છે, અને આ બે લક્ષણોને કારણે આત્મા ભ્રમણાઓ રહીત છે, અર્થાત્ તે પૂર્ણ શુદ્ધ છે, ભવ્ય આત્મા મોક્ષ પામી શકે એવો છે, પોતાના તેમ જ બીજા બધા જ પદાર્થોના જુદા જુદા રૂપો અને અવસ્થાઓનું તેને યથાર્થ જ્ઞાન છે, તેના ‘કેવળ’ અર્થાત્ ‘ફક્ત’ શુદ્ધ આત્મસ્વરૂપના ચૈતન્ય આનંદનો નિરંતર જ્ઞાનાનુભવ એજ મોક્ષ અને જે માર્ગે એ અનુભવાય એજ મોક્ષનો માર્ગ.
—————————–
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ,
તેમાં મુખ્ય મોહિનિય હણાય તે કહું પાઠ…૧૦૨
ભાવાર્થ-૧૦૨.
અનંત પ્રકારના કર્મો છે, તે બધા જ કર્મો મુખ્ય આઠ વિભાગોમાં આવી જાય છે, તેમાં મોહનીય કર્મનો વિભાગ સૌથી મુખ્ય છે, કારણ કે તે આ અનંત પ્રકારના કર્મોનું મૂળ છે અને તે મોક્ષ માર્ગમાં મોટી ઉપાધિ અને અડચણ ઊભી કરે છે, તેથી જો તું મોહનીય કર્મનો નાશ કરે, તો પછી બાકી બીજા બધા જ કર્મો સહેલાઈથી નાશ પામે, તેથી મોહનીય કર્મનો નાશ કેમ કરવો તેનો યથાર્થ માર્ગ તને બતાવું.
——————————-
કર્મ મોહિનિય ભેદ બે, દર્શન ચારિત્ર નામ,
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ…૧૦૩
ભાવાર્થ-૧૦૩.
મોહનીય કર્મના બે પ્રકાર છે. (પહેલો છે ‘દર્શનમોહનીય કર્મ’ અને બીજો છે. ‘ચારિત્રમોહનીય કર્મ’) ‘દર્શનમોહનીય કર્મ’નો નાશ, આત્મબોધે એટલે કે આત્મજ્ઞાને આત્માના સત્ય સ્વરૂપમાં અચલ શ્રદ્ધા રાખવાથી અર્થાત્ ‘સમ્યક્દર્શન’થી થાય છે અને ‘ચારિત્રમોહનીય કર્મ’નો નાશ, રાગ-દ્વેષ રહિત, અર્થાત્ વીતરાગતાની સ્થિરતાએ, આત્મસ્વરૂપમાં જ્ઞાતાપણે ટકી રહેવાથી, અર્થાત્ ‘સમ્યક્ચારિત્ર’થી થાય છે.
—————————-
કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ,
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ? ૧૦૪
ભાવાર્થ-૧૦૪.
અહંકાર, ક્રોધ, લાલચ અને કપટ, ટૂંકામાં ‘અક્રોલાક’ એટલે કે કષાયો જે સંસાર વર્ધક ભાવો છે, જે કરવાથી કર્મો બંધાય, પણ એના પ્રતિપક્ષી સંસાર અવર્ધક ભાવો – નમ્રતા, ક્ષમા, સંતોષ અને સરળતા, ટૂંકામાં ‘નક્ષસંસ’ રાખવા કે કરવાથી કર્મો ન બંધાય, અહંકારનો નાશ નમ્રતાથી, ક્રોધનો નાશ ક્ષમાથી, લાલચનો નાશ સંતોષથી અને કપટનો નાશ સરળતાથી થાય છે. આવો પ્રત્યક્ષ અનુભવ સંદેહરહિત બધાને જ હોય છે.
—————————-
છોડી મતદર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ,
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ… ૧૦૫
ભાવાર્થ-૧૦૫.
આત્મા વિશેના ‘છ પરમ સત્યો’ અર્થાત્ ‘છ પદો’ કે ‘છ વાક્યો’ દ્વારા જે મોક્ષ માર્ગ બતાવ્યો છે, એ જ સાચો આત્મધર્મ અર્થાત્ જિનધર્મ છે, એના સિવાય બીજા કોઈ ધર્મ કે મત-દર્શનનો પક્ષ લેવાનું અને તેને આત્મધર્મનો વિકલ્પ માનવાનો મિથ્યાગ્રહ છોડીને, જો આ છ પરમ સત્યો દ્વારા બતાવેલા નિર્દોષ, સર્વોત્તમ આત્મધર્મની આરાધના એટલે મોક્ષમાર્ગનો સત્ય પુરુષાર્થ કરશે, તેને બહુ જ થોડા ભવ કરવા પડશે.
—————————-
ષટ્પદનાં ષટ્પ્રશ્ર્ન તેં, પૂછયાં કરી વિચાર.
તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર…૧૦૬
ભાવાર્થ-૧૦૬.
આત્મા વિશેના ‘છ પરમ સત્યો’, અર્થાત્ ‘છ વાક્યો’ એટલે કે ‘છ પદો’ને લગતી તારી શંકાઓના સમાધાન માટે તેં ઘણાં જ પ્રશ્ર્નો પૂછયાં, તેના જવાબમાં – ‘આત્માનું હોવાપણું’, ‘અમરપણું’, ‘કર્તાપણું’, ‘ભોક્તાપણું’ ‘તેનો મોક્ષ’ અને ‘મોક્ષનો ઉપાય’ની પૂર્ણ જાણકારી છે, તેથી આ ‘છ પરમ સત્યો’ની યથાર્થ સર્વાંગી માન્યતા એ જ ‘આત્મધર્મમાર્ગ’ કે ‘જિનમાર્ગ’, એજ ‘અનેકાન્ત વીતરાગમાર્ગ’, અને એજ ‘મોક્ષમાર્ગ’ છે, એમ તું નક્કી સમજ.
————————
જાતિ, વેષનો ભેદનહિ, કહ્યો માર્ગ જો હોય,
સાધે તે મુક્તી લહે, એમાં ભેદ ન કોય…૧૦૭
ભાવાર્થ-૧૦૭.
કોઈપણ જાતિ, સંપ્રદાય કે પંથમાં જન્મ હોય અને કોઈપણ જાત કે રંગના કપડાં કે વસ્ત્રો પહેરતો હોય છતાં પણ, એ વ્યક્તિ જો આ ‘છ પરમ આત્મ સત્યો’ દ્વારા બતાવેલ ‘આત્મધર્મ’ની પૂર્ણ શ્રદ્ધા અને સત્ય પુરુષાર્થથી સાધના કરશે, તો તે જરૂરથી મોક્ષ પામશે, પછી એમાં અમુક જાતિમાં જન્મ હોવો કે અમુક જાતના કે રંગના વસ્ત્રો કે કપડાં પહેરવા મોક્ષ પામવા માટે જરાપણ જરૂરી નથી, એ તું નક્કી સમજ.
————————–
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ અંતરદયા, તે કહિયે જિજ્ઞાસ…૧૦૮
ભાવાર્થ-૧૦૮.
જેના ‘અહંકાર’, ‘ક્રોધ’ ‘લાલચ’ અને ‘કપટ’, ટૂંકામાં ‘અક્રોલાક’ અર્થાત્ સંસાર વર્ધક ભાવો એટલે કે કષાયો શાંત કે મંદ પડ્યા છે, તથા જેને માત્ર મોક્ષની જ ઈચ્છા એટલે કે અભિલાષા છે, જેને જન્મ-મરણના ફેરાઓનું દુ:ખ છે, અર્થાત્ સંસાર પર વૈરાગ્ય છે અને તેમાં ફસાયેલા પોતાના આત્મા તથા બીજા બધા જ જીવો પ્રત્યે દયા છે, આવા બધા ગુણો જેમાં હોય તે મોક્ષ માર્ગની અદ્મ્ય ઈચ્છાવાળી સુપાત્ર વ્યક્તિ કહેવાય.
—————————–
તે જિજ્ઞાસુ જીવને, થાય સદગુરુ બોધ
તો સામે સમકીતને, વર્તે અંતર શોધ…૧૦૯
ભાવાર્થ-૧૦૯.
મોક્ષ માર્ગની અદ્મ્ય ઈચ્છાવાળી સુપાત્ર વ્યક્તિને જ્યારે સદગુરુ મળે, ત્યારે એમના તરફ પૂર્ણ શ્રદ્ધા અને વિનય રાખે, તેથી સદગુરુનો ઉપદેશ પરિણામ લાવે, જેથી તે વ્યક્તિને વ્યવહાર સમક્તિ થાય, અર્થાત્ આત્મા તરફનું સત્ય લક્ષ થાય અને તે અંતર આત્માને શુદ્ધ કરવામાં લાગી જાય, આ શુદ્ધિકરણ એ ‘સમ્યગ્દર્શન’ પ્રાપ્તિનું સાધન છે, આને ‘શુદ્ધસમક્તિ’ની અર્થાત્ ‘નિશ્ચયસમક્તિ’ની પૂર્વ ભૂમિકા કહેવાય.
—————————–
મતદર્શન આગ્રહ તજી, વર્તે સદગુરુલક્ષ,
લહે શુદ્ધ સમકીત તે, જેમાં ભેદ ન પક્ષ…૧૧૦
ભાવાર્થ-૧૧૦.
પોતાની ખોટી ધાર્મિક માન્યતા અને મિથ્યા અભિપ્રાયનો મિથ્યાગ્રહ અર્થાત્ મિથ્યા મતાગ્રહ છોડીને, જ્યારે તે પૂર્ણ, શ્રદ્ધાથી સદગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે છે, ત્યારે તેને શુદ્ધ આત્માના અનુભવરૂપ શુદ્ધ અર્થાત્ ‘નિશ્ચયસમક્તિ’ થાય છે, આવો આત્મસ્વરૂપી સ્વભાવનો સ્વાનુભવ જેને જેને પણ થાય, તે બધાને કોઈપણ ભેદભાવ કે ફેરફાર રહિત એક જ સરખો હોય છે.
—————————-
વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત,
વૃત્તિવહે નિજભાવમાં, પરમાર્થે સમકીત….૧૧૧
ભાવાર્થ-૧૧૧.
‘નિશ્ચયસમક્તિ’ વ્યક્તિ, નિવૃત્તિની ક્ષણોમાં આત્માનો જ ‘અનુભવ’ કરતી રહે, આ ‘ચારિત્ર’નો પર્યાય છે, તથા જ્યારે તે સાંસારિક પ્રવૃત્તિમાં હોય ત્યારે પણ તેનું ’લક્ષ’ આત્મા તરફ જ હોય, આ ‘જ્ઞાન’નો પર્યાય છે અને જ્યારે તે સૂતી હોય, ત્યારે પણ પોતે શરીર નહીં પણ આત્મા જ છે ની સતત ‘પ્રતીતિ’ અર્થાત્ વિશ્વાસ રહ્યા જ કરે, આ ‘દર્શન’નો પર્યાય છે, આવી વ્યક્તિની વૃત્તિ સદા સ્વઆત્મસ્વભાવમાં જ રહેવાની હોય, તેથી આવી વ્યક્તિને ‘નિશ્ચયસમક્તિ’ અર્થાત્ પરમાર્થે સમક્તિ છે કહેવાય.
—————————-
વર્ધમાન સમકીત થઈ, ટાળે મિથ્યાભાસ
ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદવાસ…૧૧૨
ભાવાર્થ-૧૧૨.
પહેલાં શરીર, મન વગેરેના સુખને સાચું સુખ માનવા જેવા બધા મિથ્યાભાસો છૂટી જાય છે, પછી જેમ જેમ આત્માનો અનુભવ વધુને વધુ સ્પષ્ટ અર્થાત્ નિર્મળ થતો જાય છે, તેમ તેમ બાકી રહેલી મોહનીય કર્મની પ્રકૃત્તિઓ છૂટતી જાય છે, રાગ-દ્વેષની મંદતા થતી રહે છે, આત્મસ્વરૂપમાં નિર્મોહ એટલે વીતરાગ ભાવને સ્થિર થતાં રોકનાર ‘ચારિત્ર મોહનીય’ કર્મની નિર્જરા થતી રહે છે, અને અંતે ક્ષય થાય ત્યારે આત્મસ્વરૂપમાં વીતરાગ ભાવ સ્થિર થાય છે, અર્થાત્ સહજ ‘સમ્યક્ચારિત્ર’નો ઉદય થાય છે.
——————————
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન,
કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ… ૧૧૩
ભાવાર્થ-૧૧૩.
જ્યાં કદી યે ક્યારે પણ ક્ષય, અર્થાત્ નાશ ન પામે એવું, ‘ફક્ત’ એટલે કે ‘કેવળ’ સ્વઆત્મસ્વભાવનુંજ, સતત, નિરંતર, અમર, અખંડ, અને સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન હોય, તથા જ્યાં આત્મા અને જ્ઞાન એકબીજામાં સમાઈને એકરૂપ થઈ જાય, જ્યાં જ્ઞાનના જ્ઞાનની અખંડિતતા હોય, ત્યાં શરીર હોવા છતાં પણ મોક્ષનો જ અનુભવ થાય છે, આવા નિરંતર, અમર, અખંડ અને સંપૂર્ણ પરમ શુદ્ધ જ્ઞાનને ‘કેવળજ્ઞાન’ કહેવાય.
—————————-
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય,
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય…૧૧૪
ભાવાર્થ-૧૧૪.
સ્વપ્નનું તો જ્યાં સુધી સૂતા હો ત્યાં સુધી જ હોય, જાગતાની સાથે જ, તે જ ક્ષણે તે પૂરું થઈ જાય છે, તેવી રીતે કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગતાની સાથે તે જ ક્ષણે તે પૂરું થઈ જાય છે, તેમ જન્મોજન્મથી વિભાવમાં રહેતા મિથ્યાજ્ઞાની આત્મા, પરવ્યક્તિ કે પરપદાર્થને પોતાના માનવાની ભ્રમણા કરે છે, પણ જ્યારે તેને આત્મજ્ઞાન થાય છે, ત્યારે તેની આ સ્વપ્ન સમાન બધી જ ભ્રમણાઓ પૂર્ણપણે તેજ ક્ષણે નાશ પામે છે. (ક્રમશ:)
——————————
છુટે દેહાધ્યાસ તો, નહિ કર્ત્તા તું કર્મ,
નહિં ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ…૧૧૫
ભાવાર્થ-૧૧૫.
તું પોતે શરીર નથી, એ તો પરદ્રવ્ય છે, તું તો આત્મા છે, એવો નિશ્ચય કરે તો ‘હું શરીર છું’ની તારી ખોટી માન્યતા છૂટે, તેથી ‘હું કરું’ એવો કર્તાભાવ પણ છૂટે, પછી તું કર્મોનો કર્તા નહીં પણ માત્ર જ્ઞાતા દૃષ્ટા અર્થાત્ જાણનાર અને જોનાર થઈ જાય, પરદ્રવ્ય શરીર પ્રત્યેનો મોહ અર્થાત્ પરભાવ છોડીને જો તું સ્વભાવમાં રહે, તો તારો ભોક્તાભાવ પણ છૂટે, પછી તું કર્મોનો ભોક્તા અર્થાત્ ભોગવનાર પણ નહીં રહે, એ જ છે ‘આત્મધર્મ’નું સત્ય રહસ્ય.
——————————
એજ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ,
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬.
ભાવાર્થ-૧૧૬.
તું પોતે પરદ્રવ્ય એવો નાશવંત પુદગલ રૂપ શરીર નથી, પણ તું સ્વયં તો એનાથી તદ્દન જુદો અવિનાશી ચૈતન્યરૂપ આત્મા છો, એવી સંપૂર્ણ યથાર્થ દૃઢ માન્યતાના તારા સ્વઆત્મધર્મથી જ તારો મોક્ષ છે, અને તારું શુદ્ધ સ્વઆત્મસ્વરૂપ એજ મોક્ષ છે, કારણ કે મોક્ષ એ કોઈ બહારથી પ્રાપ્ત થતી પદવી કે કોઈ વસ્તુ નથી, તું તો અનંદ ‘આત્મજ્ઞાન’ અનંત ‘આત્મદર્શન’ તથા સર્વ દુ:ખ રહિત એવો સંપૂર્ણ સુખરૂપ શુદ્ધ આત્મા છો.
——————————
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ;
બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ. ૧૧૭.
ભાવાર્થ-૧૧૭.
મૂળ સ્વરૂપે આત્મા ‘શુદ્ધ’ છે, તે ‘બુદ્ધ’ અર્થાત્ જ્ઞાન સ્વરૂપ છે, અને ‘ચૈતન્યઘન’ અર્થાત્ સંવેદન ગુણોનો સંપુટ છે, અને તેથી તે અનંત જ્ઞાનનો ભંડાર છે, તે સ્વયંને તેમ જ બીજા બધા પદાર્થોનો જાણી અને જોઈ શકે છે, તે સ્વયંમાં, સ્વયંથી, સ્વયં માટે, સ્વયંને પ્રકાશે છે, તે અનંત સુખનો સ્વામી છે, એથી વધુ કેટલું કહીએ, તું આત્માના આવા સ્વરૂપોનો વિચાર અને તે પામવાનો સત્ય પુરુષાર્થ કરે, તો જરૂર તું આત્માનું આવું મૂળ શુદ્ધ સ્વરૂપ પામી શકે.
—————————–
નિશ્ચય સર્વે જ્ઞાનિનો, આવી અત્ર શમાય,
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધીમાંય. ૧૧૮.
ભાવાર્થ-૧૧૮.
સર્વેજ્ઞાનીઓ અર્થાત્ ભૂતકાળમાં જે અનંત આત્મજ્ઞાનીઓ કહી ગયા, વર્તમાનમાં જે આત્મજ્ઞાનીઓ કહે છે, અને ભવિષ્યમાં થનારા અનંત આત્મજ્ઞાનીઓ જે કહેશે તે બધાઓનો આત્માનો મોક્ષ પમાડવાનો માર્ગ એકજ છે, અને આ બધું કહ્યું તેમાં આવી જાય છે, એનાથી જુદું, કે ઓછું વધુ બીજું કાંઈ જ નથી, આટલું કહીને શ્રી સદ્ગુરુદેવે મૌન ધારણ કર્યું, અને તેમને સહજ ભાવે વર્તતા આત્માના સ્વાનુભવમાં લીન અર્થાત્ મગ્ન થયા.
—————————-
શિષ્ય બોધબીજપ્રાપ્તિ
સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વભાન,
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯.
ભાવાર્થ-૧૧૯.
સદગુરુ ના ઉપદેશથી મને આત્મા વિશે અપૂર્વ ભાન થયું, અર્થાત્ અનંતકાળમાં પહેલા ક્યારે પણ નહોતું થયું એવું ‘આત્મજ્ઞાન’ થયું. હું પોતે  જ આત્મા છું અને મારું સત્ય સ્વરૂપ શું છે તેનો અનુભવ પણ થયો. હું ‘સમકિત’  પામ્યો, તેથી હું પોતે જ જ્ઞાતા-દ્રષ્ટા અર્થાત્ જાણવા અને જોવાના સ્વભાવવાળો આત્મા છું, એની મને પૂર્ણ ખાતરી થઈ, અત્યાર સુધી શરીર, મન, કે ઈન્દ્રિઓ વગેરેને આત્મા માનતો હતો, તે મિથ્યાજ્ઞાન દૂર થયું.
—————————
ભાસ્યું નિજ સ્વરૂપતે, શુદ્ધ ચેતના રૂપ,
અજર અમર અવિનાશિ ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦.
ભાવાર્થ-૧૨૦.
‘સમ્યક્દર્શન’ અર્થાત્ આત્માની અચલ સાચી શ્રદ્ધા થઈ અને ‘સમ્યક્જ્ઞાન’ અર્થાત્ આત્માનું અનુભવ સિદ્ધ સાચું જ્ઞાન થયું તેથી મને મારા આત્માનું મૂળ સ્વરૂપ, ‘શુદ્ધ ચૈતન્યરૂપ’ એટલે કે સંવેદન ગુણ યુક્ત, અનંત જ્ઞાનની અનુભવદશારૂપ, સ્વયંપ્રકાશિત, સર્વદુ:ખ રહિત એવું અખંડ અને આનંદ અને સંપૂર્ણ, અજર, અમર અને અવિનાશી લાગે છે, તથા હવે મારું સાચું સ્વરૂપ મને શરીર, મન કે ઈન્દ્રિયો વગેરેથી નિશ્ચીતરૂપે તદ્દન જુદું જ લાગે છે.
—————————-
કર્ત્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્ત્તે જ્યાંય,
વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્ત્તા ત્યાંય. ૧૨૧.
ભાવાર્થ-૧૨૧.
આત્મા જ્યારે પોતાના શુદ્ધ જ્ઞાન સ્વભાવમાં નથી રહેતો, ત્યારે તે હંમેશા વિભાવ અર્થાત્ મિથ્યાત્વમાં જ રહે છે, અને ત્યારે જ તે પોતાના શુભ, અશુભ કે શુભાશુભ મિશ્ર કર્મોનો કરનાર થાય છે, તથા એ કરેલા કર્મોનો ભોગવનાર પણ પોતે જ થાય છે, પણ જ્યારે આત્મા પોતાના મૂળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રહે છે, ત્યારે આત્મા અકર્તા, અભોક્તા થાય છે, અર્થાત્ કે તે કર્મોનો કરનાર કે ભોગવનાર નથી થતો.
——————————
અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતના રૂપ,
કર્ત્તા ભોક્તા તેહ નો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨.
ભાવાર્થ-૧૨૨.
મૂળ સ્વરૂપે આત્માનો જ્ઞાન સ્વભાવજ છે, પણ વિભાવમાં રહેવાથી અશુદ્ધ છે, પણ જો આત્મા સ્વરૂપમાં રહે તો તે શુદ્ધ થાય છે, તેથી તેના પરિણામ પણ શુદ્ધ ચેતનારૂપ અર્થાત્ સંવેદનગુણ-યુક્ત આત્મજ્ઞાનની અનુભવદશારૂપ થાય છે, ત્યારે આત્મા પોતાના અનંત જ્ઞાનનો અનુભવ કરતો હોય છે, તેથી આત્મા નિર્વિકલ્પ સ્વરૂપે અર્થાત્ નિશ્ચીત રૂપે, પોતાની શુદ્ધ ચેતનાનો એટલે કે પોતાના શુદ્ધ જ્ઞાનનો કર્તા અને ભોક્તા થાય છે.
—————————-
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. ૧૨૩.
ભાવાર્થ-૧૨૩.
શ્રી વીતરાગ જિનેશ્વરોએ આત્માના શુદ્ધ સ્વરૂપને મોક્ષ કહ્યો છે, અને એ શુદ્ધ સ્વરૂપને પામવાના માર્ગને અર્થાત્ કર્મોના સંપૂર્ણ બંધનોથી છૂટવાના પુરુષાર્થને મોક્ષમાર્ગ કહ્યો છે, અને તે છે-‘સમ્યક્દર્શન’ અર્થાત્ યથાર્થ આત્મશ્રદ્ધા, ‘સમ્યક્જ્ઞાન’ અર્થાત્ અનુભવસિદ્ધ આત્મજ્ઞાન અને ‘સમ્યક્ચારિત્ર’ અર્થાત્ વીતરાગતાએ નિર્મળ આત્મજ્ઞાનમાં ટકી રહેવાનો તપ અર્થાત્ આરાધના, શ્રી જિનેશ્વરોએ પ્રરૂપેલા આ સંપૂર્ણ મોક્ષમાર્ગને શ્રી સદગુરુ એ અહીં સંક્ષિપ્તરૂપે બતાવ્યો છે. (ક્રમશ:)
————————-
અહો! અહો! શ્રી સદગુરુ , કરૂણાસિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૪.
ભાવાર્થ-૧૨૪.
અહો! અહો! કરુણાના સિંધુ અર્થાત્ કરુણાના મહાસાગર જેવા શ્રી પરમ સદગુરુ , આપ પ્રભુએ મારા જેવા અબોધ, અજ્ઞાની ઉપર અસીમ કૃપા કરી છે, અને આપ પ્રભુએ આપના નિ:સ્વાર્થ ભાવે, શ્રી વીતરાગ જિનેશ્વરો દ્વારા સિદ્ધ થયેલો, સંપૂર્ણ મોક્ષમાર્ગ અર્થાત્ આ સંસારના બધા જ બંધનોથી છૂટવાનો માર્ગ મને બતાવ્યો, તેથી મારા જેવા અબોધ અજ્ઞાની ઉપર આપ પ્રભુએ અદભુત આશ્ચર્યકારક ઉપકાર કર્યો છે.
——————————
શું પ્રભુ ચરણકનેધરૂં, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વર્ત્તું ચરણાધીન. ૧૨૫.
ભાવાર્થ-૧૨૫.
આપ પ્રભુએ મને ‘હું આત્મા છું’નું ભાન કરાવ્યું અર્થાત્ મને મારો આત્મા અપાવ્યો, તે ઉપકારનો બદલો હું કદી પણ વાળી નથી શકવાનો, કારણ કે મને મળેલા મારા અણમોલ આત્માની સરખામણીમાં આખા જગતનું બીજું બધું જ તુચ્છ છે, છતાં આપની નિ:સ્વાર્થ ઈચ્છા છે કે હું મુક્તિ પામું, તેને પરિપૂર્ણ કરવા ગુરુદક્ષિણારૂપે અને તે પણ મારા જ હિત અર્થે હું મારા મન, વચન અને કાયાથી આપની આજ્ઞા પ્રમાણે જ વર્તીશ, કારણ કે આપના ચરણોમાં સ્વયંને ધરીને જ હું મારો આત્માર્થ સાધી શકીશ.
—————————–
આ દેહાદી આજથી, વર્ત્તો પ્રભુ આધીન,
દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬.
ભાવાર્થ-૧૨૬.
આપે મારા પર કરેલા પરમ ઉપકારનો બદલો હું ક્યારે પણ વાળી નહીં શકું, બસ આજથી જ હું મારા મન, વચન, અને કાયાના ત્રણે યોગની એકતાથી આપ પ્રભુના ચરણોમાં મારું સંપૂર્ણ સમર્પણ કરું છું, અને આપ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ વર્તન કરીશ, આપ પ્રભુના દાસના દાસનો પણ હું બધાથી નીચામાં નીચો એટલે કે દીનમાં પણ અધિક દીનદાસ છું, અર્થાત્ આપ પ્રભુના સેવકોના સેવકનો પણ હું સેવક છું.
——————————
ષટ્સ્થાનક સમજાવિને, ભિન્ન બતાવ્યો આપ,
મ્યાન થકી તરવારવત્ એ ઉપકાર અમાપ. ૧૨૭.
ભાવાર્થ-૧૨૭.
‘આત્મા છે’, એ નિશ્ચયથી ‘નિત્ય છે’, પણ વ્યવહારથી ‘અનિત્ય’ છે, એ વ્યવહારથી ‘કર્મોનો કર્તા છે.’ અને ‘ભોક્તા છે’, પણ ‘નિશ્ચયથી એ કર્મોનો કર્તા પણ નથી’ અને ‘ભોક્તા પણ નથી’, ‘મોક્ષ છે’, અને ‘મોક્ષનો ઉપાય સત્ સ્વઆત્મધર્મ છે’, આ ‘છ-પરમ આત્મસત્યો’ આપે મને સમજાવ્યા તથા શરીર કે મન વગેરે જેવા બધા જ પર દ્રવ્યો અને પર ભાવોથી આત્મા પૂર્ણપણે જુદો જ છે, એવું સિદ્ધ કરીને આપે મારા ઉપર અમાપ એટલે કે અગણિત પરમ ઉપકારો કર્યા છે.
————————–
ઉપસંહાર
* ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ નો સારાંશ
દર્શન ષટે શમાય છે, આ ષટ્ સ્થાનક માંહિ,
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮.
ભાવાર્થ-૧૨૮.
‘આત્મા છે’, તે ‘નિત્ય છે’, તે ‘વિભાવથી કર્મોનો કર્તા-ભોક્તા છે’, ભવ્ય આત્માનો મોક્ષ સંભવે છે’ અને ‘મોક્ષનો ઉપાય છે.’ ‘છ-પરમ આત્મા સત્યો’, તેમાંજ ‘છ-આત્મદર્શનો કે ધર્મો’ અર્થાત્ ‘આત્માના છ-સ્વભાવ કે સ્વરૂપો’ આવી જાય છે, એકાંતવાદી ધર્મો, જુદી જુદી રીતે અમુક અમુક આત્મ સત્યોને જ માને છે, એક માત્ર જૈન ધર્મ અનેકાંતવાદી છે, તેથી તે આ ‘છએછ-પરમ આત્મ સત્યો’ને તેમના યથાર્થ રૂપે માને છે, ઊંડા વિચારથી તને આ ‘છએ છ પરમ આત્મ સત્યો’ની, સર્વાંગી માન્યતા વિષે કોઈ શંકા રહેશે નહીં.
—————————–
આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ  વૈદ્ય સુજાણ,
ગુરૂ આજ્ઞાસમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯.
ભાવાર્થ-૧૨૯.
તમારા આત્માના સાચા મૂળ સ્વરૂપમાં તમને જ શંકા, પણ તેના મિથ્યા સ્વરૂપની તમને માન્યતા જેવો એકપણ મહારોગ નથી, આ મિથ્યાત્વના મહારોગને મટાડવા શ્રી સદગુરુ  જેવા બીજા કોઈ પણ આત્મજ્ઞાની વૈદ્ય નથી, એમની આજ્ઞા પાલન જેવું કાંઈ પણ પથ્ય અર્થાત્ હિતકારી નથી, અને તમે પોતે જ પરમ સુખ સ્વરૂપ, અવિનાશી આત્મા છોનો સુવિચાર, અને તમારા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાન જેવું બીજું કોઈ પણ ગુણકારી ઔષધ નથી.
—————————-
જો ઈચ્છો પરમાર્થતો, કરો સત્ય પુરૂષાર્થ,
ભવસ્થિતિ આદી નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦.
ભાવાર્થ-૧૩૦.
તમે જો મોક્ષ ઈચ્છતા હો, અર્થાત્ આ સંસારના મહાદુ:ખદાયક બંધનોથી તમારા આત્માની હંમેશને માટે મુક્તિ એટલે કે છુટકારો જોઈતો હોય, તો આડાઅવળા બહાના છોડીને મોક્ષ મેળવવા માટે યથાર્થ પુરુષાર્થ કરો, ભાગ્યમાં સમક્તિ પામવાનું અર્થાત્ થવાનું હશે ત્યારે પોતાની મેળે થશે, મોક્ષ મળવાનું હશે ત્યારે આપમેળે મળશે, જેવા બહાના કાઢીને, મોક્ષ માટેનો તમારો સત્ પુરુષાર્થ ન છોડો.
——————————
નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય,
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧.
ભાવાર્થ-૧૩૧.
આત્માનું નિશ્ચય સ્વરૂપ એટલે કે મૂળ સ્વરૂપ કર્મ રહિત અર્થાત્ પૂર્ણ શુદ્ધ છે વગેરે, પણ જ્યાં સુધી એવું સ્વરૂપ નથી પામ્યા ત્યાં સુધી નિશ્ચય સ્વરૂપી છો એવી ભ્રમણામાં રહીને સત્ય પુરુષાર્થ ન છોડો, નિશ્ચય અપેક્ષા આધારિત દૃષ્ટિનું જ્ઞાન જરૂરી છે, તેમ વ્યવહાર અપેક્ષા આધારિત દૃષ્ટિ પ્રમાણેનું આચરણ પણ જરૂરી છે, તેથી નિશ્ચય સ્વરૂપ પ્રાપ્ત કરવાનું લક્ષ રાખીને આત્મકલ્યાણકારી સત્ય પુરુષાર્થ કરવાથી આત્મા નિશ્ચય સ્વરૂપને અવશ્ય પામે છે.
——————————
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ,
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથ રહેલ. ૧૩૨.
ભાવાર્થ-૧૩૨.
‘નિશ્ચયનય’ અર્થાત્ નિશ્ચય અપેક્ષા આધારિત દૃષ્ટિ પ્રમાણે આત્મા કર્મોનો કર્તા કે ભોક્તા નથી વગેરે, અને ‘વ્યવહારનય’ અર્થાત્ વ્યવહાર અપેક્ષા આધારિત દૃષ્ટિ પ્રમાણે આત્મા કર્મોનો કર્તા અને ભોક્તા છે વગેરે, આમ બેઉ દૃષ્ટિઓ એકબીજાથી જુદી છે, છતાં એકબીજાની પૂરક છે, માટે જ અલગ અલગ પણે એટલે કે એકાંતે અપૂર્ણ છે, તેથી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં બંને, ‘વ્યવહારનય’ અને ‘નિશ્ચયનય’ સાથે સાથે રહેલા છે. (ક્રમશ:)
—————————
ગછ મતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર,
ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩.
ભાવાર્થ-૧૩૩.
વ્યવસ્થા માટે નહીં પણ પોતાના વર્ચસ્વ માટે, જુદા ગચ્છ એટલે કે ધાર્મિક સમુદાયો કે સંપ્રદાયો ઊભા કર્યા છે, અને તેમાં પોતાના ભ્રામિક મતો કે માન્યતાઓના આધારે, વસ્ત્રો, ક્રિયાઓ અને સિદ્ધાંતો વગેરેના ભેદ પાડ્યા છે, જે સદંતર ખોટું કહેવાય, જેમને આત્માના સત્ય સ્વરૂપની કોઈપણ જાતની ગતાગમ નથી, એવા મિથ્યાર્થી લોકોની તેમના મિથ્યાજ્ઞાન આધારિત આત્મસિદ્ધાંતની વાતોમાં કોઈપણ સાર કે સત્ય ન હોય.
—————————
આગળ જ્ઞાની થઈગયા, વર્તમાનમાં હોય,
થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિં કોય. ૧૩૪.
ભાવાર્થ-૧૩૪.
ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણે કાળના આત્મજ્ઞાનીઓનો મોક્ષમાર્ગ એક જ હોય છે, પછી તે ‘મતિશ્રુતજ્ઞાની’ હોય કે સંપૂર્ણ ‘કેવળજ્ઞાની’ હોય, એ બધા જ જ્ઞાનીઓ એક જ માર્ગે જ્ઞાન પામ્યા, એ આત્મોધારક રત્નત્રયી માર્ગ છે, અને તે છે શુદ્ધ આત્માની યથાર્થ શ્રદ્ધા અર્થાત્ ‘સમ્યક્દર્શન’ અને આત્માનુભવી જ્ઞાન અર્થાત્ ‘સમ્યક્જ્ઞાન’ અને નિર્મોહભાવે આત્મજ્ઞાનમાં ટકી રહેવાનો યથાર્થ પુરુષાર્થ અર્થાત્ ‘સમ્યક્ચારિત્ર’.
————————-
સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય,
સદગુરૂ  આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫.
ભાવાર્થ-૧૩૫.
સર્વ ભવ્ય આત્માઓમાં સિદ્ધ થવાની ક્ષમતા છે, તેથી જો તેઓ સદગુરૂની આજ્ઞા પ્રમાણે આત્માના સત્ય સ્વરૂપને સમજે, તેમાં શ્રદ્ધા રાખે અને તે પ્રમાણે આચરણ કરે, અથાર્ત્ ‘સમ્યક્જ્ઞાન’, ‘સમ્યક્દર્શન’ અને ‘સમ્યક્ચારિત્ર’ની આરાધના કરે, એટલે કે મોક્ષનો યથાર્થ ઉપાય કરે તો સદગુરૂની આજ્ઞાનું પાલન અને જિનેશ્વરના સ્વરૂપનું ધ્યાન, એ બંને નિમિત્તોથી આત્મામાં પડેલું સિદ્ધત્વ નિશ્ચીતરૂપે અર્થાત્ જરૂરથી પ્રગટ થાય.
—————————
ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત,
પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬.
ભાવાર્થ-૧૩૬.
અટલ નિયમ છે કે શ્રી સદગુરૂના નિમિત્ત વગર ‘ઉપ’+‘આદાન’ એટલે પોતા ‘પાસેથી’+‘લઈ શકાય’ એવી આત્માની પાત્રતા કાર્યરત થતી નથી, આત્મા વીતરાગ દશા પામે તેમાં, કોઈપણ ભવે મેળવેલો પરમ સદગુરૂનો ઉપદેશ અને મોહનિય કર્મોનો ક્ષય નિમિત્ત હોય છે, પણ મિથ્યાર્થી એેવી ભ્રમણામાં રહેતો હોય છે કે તે પોતે અનંત શક્તિશાળી શુદ્ધ આત્મા છે, તેથી તે પોતાની જ પાત્રતા નિમિત્તે સિદ્ધ થશે, અને સદગુરૂના નિમિત્તને ત્યજે, તેથી તે કદી પણ સિદ્ધત્વને નથી પામતો.
—————————–
મુખથી જ્ઞાન કથે અને, અંતર છુટ્યો ન મોહ,
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનિનો દ્રોહ. ૧૩૭.
ભાવાર્થ-૧૩૭.
મિથ્યાર્થી પોતે રાગ-દ્વેષ છોડ્યા વગર ઊંડી જ્ઞાનની વાતો કરે અને કહે કે બધા જ કર્મોનું મૂળ રાગ-દ્વેષ છે, પણ પોતે તો નામ, સત્કાર, સંપત્તિ વગેરેનો ખૂબ રાગ અર્થાત્ મોહ રાખે, ભોળા લોકોને પોકળજ્ઞાનની વાતોથી છેતરીને તેમની પાસેથી આવા લાભો મેળવે, બધા જ જ્ઞાનીઓની ઈર્ષ્યા અને દ્વેષ એટલે તિરસ્કાર કરે, આવા મિથ્યા વર્તનથી તો તે, પોતાના જ જ્ઞાન સ્વરૂપ આત્માનો પણ દ્રોહ અર્થાત્ એટલે તિરસ્કાર કરે છે.
—————————-
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,
હોય મુમુક્ષુ ઘટવિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮.
ભાવાર્થ-૧૩૮.
જે સાચો મુમુક્ષુ અર્થાત્ મોક્ષની અદ્મ્ય ઈચ્છાવાળો હોય, તેમાં આ સાત ગુણો જરૂરથી હોય, પહેલો ગુણ- ‘દયા’ અર્થાત્ સ્વદયા એટલે કે પોતાના બંદી આત્માની દયા તેમાં બીજા બધા જ જીવોની દયા પણ આવી જાય છે. બીજો ગુણ- ‘શાંતિ’, ત્રીજો ગુણ- ‘સમતા’, ચોથો ગુણ- ‘ક્ષમા’, પાંચમો ગુણ- ‘સત્ય’, છઠ્ઠો ગુણ- ‘ત્યાગ’ અને સાતમો ગુણ- ‘વૈરાગ્ય’, એમ આ સાતે સાત ગુણ જેના હૃદયમાં હંમેશાં જાગ્રત હોય, તે જ સાચો મુમુક્ષુ કહેવાય.
—————————–
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત,
તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે ભ્રાંત. ૧૩૯.
ભાવાર્થ-૧૩૯.
‘દર્શન મોહનીય’ અર્થાત્ આત્માના યથાર્થ સ્વરૂપમાં અશ્રદ્ધા અને ‘ચારિત્ર મોહનીય’ અર્થાત્ આત્મ સ્વભાવમાં અસ્થિરતા, આ બે મોહભાવોનો નાશ કરીને જેમણે ‘વીતરાગ દશા’ પ્રાપ્ત કરી છે, એવા પૂર્ણ આત્મજ્ઞાનીઓ અથવા જેમના શાંત પડેલા આ બેઉ ભાવો અલ્પ અંશે બાકી છે તથા તે ભાવોના નાશની પ્રક્રિયા સતત ચાલુ છે, એવા આત્મજ્ઞાનીઓની દશા જ સાચી આત્મજ્ઞાની દશા છે, બાકી બીજી બધી દશાઓ તો માત્ર ભ્રમણાઓ જ છે.
—————————–
સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન,
તે કહિયે જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦.
ભાવાર્થ-૧૪૦.
જેમની મોહદશા નાશ પામી હોય અથવા શાંત પડી હોય તેમને સંપૂર્ણ વિશ્વ  કે સંસાર એઠ જેવો નકામો લાગે અને સંસાર સુખ તેમને સ્વપ્ન જેવો કાલ્પનિક એટલે કે અવાસ્તવિક લાગે, આવી દશા જેમની હોય, તે જ સાચી આત્મજ્ઞાની દશા કહેવાય, આના સિવાયની બીજી દશાઓ તો ભ્રમણાઓ જ છે, પણ જેઓ એ ભ્રમણાઓને સાચી આત્મજ્ઞાની દશા માનીને કહે કે આ દશા જ સાચી આત્મજ્ઞાની દશા છે, તો તેમનું કથન ફક્ત પોકળ વાતોનું કહેવાય.
——————————
સ્થાનક પાંચ વિચારિને, વર્ત્તે જેહ,
પામે સ્થાનક પાંચમું, એમાં નહીં સંદેહ. ૧૪૧.
ભાવાર્થ-૧૪૧.
પાંચ સ્થાનકો કે મુદ્દાઓ અર્થાત્ આત્માને લગતા પાંચ પરમ આત્મ સત્યો- ‘આત્મા છે’, તે ‘નિત્ય છે’, તે કર્મોનો કર્તા છે’, ‘તે કર્મોનો ભોક્તા છે’, અને તેનો ‘મોક્ષ સંભવે છે’, આ પાંચ પરમ આત્મ સત્યોને યથાર્થ રૂપે સમજી વિચારીને પૂર્ણ શ્રદ્ધાથી, છઠ્ઠા પરમ આત્મ સત્ય એટલે કે આત્માના ‘મોક્ષનો ઉપાય’ પરમ આત્મ જ્ઞાની સદગુરૂની આશા પ્રમાણે આત્મ ધર્મના માર્ગે ચાલીને કરે, તો નિ:સંદેહ તેને મોક્ષ મળે, અર્થાત્ તે પાંચમા પરમ આત્મ સત્ય એટલે કે ‘મોક્ષ છે’ને સાર્થક કરે.
—————————–
દેહ છતાં જેની દશા, વર્ત્તે દેહાતીત,
તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણીત. ૧૪૨.
ભાવાર્થ-૧૪૨.
સદેહે એટલે કે પ્રત્યક્ષે રહીને જેમણે અનંત આત્માઓના આત્મકલ્યાણ અર્થે આત્મ-ધર્મની સ્થાપના કરી, સ્વાનુભવે સિદ્ધ કરેલો મોક્ષનો માર્ગ બતાવ્યો, ચારિત્ર મોહનીય કર્મોનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો અને સદેહે દેહાતિત દશા પ્રાપ્ત કરી, અર્થાત્ શરીર હોવા છતાં શરીરથી ભિન્ન એવી આત્મદશા પ્રાપ્ત કરી, એવા કેવળજ્ઞાની અરિંહત તિર્થંકર ભગવંતોને મારા અંત:કરણથી અગણિત વંદન હો.

આત્મસિદ્ધિ શાસ્ત્ર

3   4

|| અવનીના અમૃત સમી શ્રી આત્મસિદ્ધિનું સર્જન ||

આધ્યાત્મિક જગતમાં આપણા પુણ્યોદયે કેટલીક એવી ઘટનાઓ ઘટિત થતી હોય છે કે જે અધ્યાત્મમાર્ગે ચાલનારા માટે પરમ આશીર્વાદરૃપ બને છે. આવી જ એક ઘટના આસો વદ એકમ વિ.સં. ૧૯૫૨માં નડિયાદ મુકામે બની. પરમ તત્ત્વજ્ઞા શ્રીમદ્ રાજચંદ્રજીના પરમભક્ત શ્રી સોભાગભાઈના માધ્યમથી આપણને અવનિના અમૃતસમી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સંપ્રાપ્ત થયું. શ્રીમદ્ રાજચંદ્રજીએ ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક પાથેય પૂરું પાડીને આધ્યાત્મિક જગતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ મુનિશ્રી લલ્લુજી મહારાજ (પૂજ્ય લઘુરાજસ્વામી)ને ‘છ પદનો પત્ર’ લખ્યો હતો, જેમાં ‘આત્મા’ છે, ‘આત્મા નિત્ય છે’, ‘આત્મા કર્મનો કર્તા છે’ ‘આત્મા કર્મનો ભોક્તા છે’, ‘મોક્ષ છે’ અને ‘મોક્ષના ઉપાય છે’ – આ છ પદની સમજૂતી આપવામાં આવી છે. આ છ પદની સમજૂતી પદ્યસ્વરૃપે પ્રાપ્ત થાય તો તે ગેયરૃપ બને અને સરળતાથી યાદ રહે તેવી શ્રીમદજીના પરમ ભક્ત શ્રી સોભાગભાઈની વિનંતીનો સ્વીકાર કરી શ્રીમદ્ રાજચંદ્રજીએ નડિયાદ મુકામે અધ્યાત્મ અને સિદ્ધાંતનો સમન્વય કરી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન કર્યું. આ સમયે શ્રીમદ્જીના પરમ ભક્ત શ્રી અંબાલાલભાઈ હાથમાં ફાનસ લઈને ઊભા હતા. શ્રીમદ્જીએ એકી બેઠકે ૧૪૨ ગાથામાં ગુરુ-શિષ્ય સંવાદરૃપે અધ્યાત્મના પીયૂષસમી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી.

શ્રી આત્મસિદ્ધિમાં શરૃઆતમાં શુષ્કજ્ઞાાન અને ક્રિયાજડત્વમાંથી બચવાની વાત કરી. ત્યારબાદ મતાર્થીના લક્ષણો છોડીને આત્માર્થીના લક્ષણો ગ્રહણ કરવાની આજ્ઞા કરી.

”કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ
ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ”

શિષ્ય પહેલી શંકા વ્યક્ત કરે છે કે આત્મા દૃષ્ટિમાં આવતો નથી, તેનું કોઈ રૃપ દેખાતું નથી. માટે આત્મા નથી તો મોક્ષના ઉપાય કરવા ફોગટ છે. શિષ્યની શંકાનું સમાધાન કરતાં શ્રી સદ્ગુરૃ કહે છે કે દેહાધ્યાસથી તને આત્મા દેહ સમાન ભાસે છે પણ તે બન્નેના (જડ-ચેતન)ના લક્ષણો ભિન્ન છે. જેમ મ્યાન અને તલવાર એકરૃપ દેખાવા છતાં બંને જુદાં છે, તેમ આત્મા અને દેહ જુદાં છે. સર્વને બાધ કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૃપ છે. દેહ કે ઈન્દ્રિયો આત્માને જાણી શકતા નથી.

શિષ્ય બીજી શંકા કરે છે કે આત્મા અવિનાશી નથી. તે દેહયોગથી ઊપજે છે અને દેહવિયોગે નાશ પામે છે. આ શંકાનું સમાધાન કરતાં સદ્ગુરુ કહે છે કે દેહ તે સંયોગરૃપ, જડ અને રૃપી છે. આત્મા કોઈ સંયોગોથી ઉત્પન્ન થયો નથી અર્થાત્ અસંયોગી છે. જેની ઉત્પત્તિ કોઈ સંયોગોથી થઈ નથી તેનો નાશ પણ કોઈને વિશે ન થાય. સર્પાદિ પ્રાણીઓમાં ક્રોધાદિ પ્રકૃતિ જોવા મળે છે તે પૂર્વજન્મના સંસ્કાર છે.

ત્રીજી શંકા કરતાં શિષ્ય કહે છે કે જીવ કર્મનો કર્તા નથી. કર્મો અનાયાસે થયાં કરે છે. આત્મા અસંગ છે અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે. સદ્ગુરુ તેનું સમાધાન કરતાં કહે છે કે આત્માની પ્રેરણારૃપ પ્રવૃત્તિ ન હોય તો કર્મને કોણ ગ્રહણ કરે? આત્મા જો કર્મ કરતો નથી તો તે થતાં નથી. પરમાર્થથી આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૃપનું ભાન થાય ત્યારે થાય. આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના જ સ્વભાવનો કર્તા છે અને સ્વભાવમાં ન વર્તે ત્યારે કર્મભાવનો કર્તા છે.

ચોથી શંકા વ્યક્ત કરતાં શિષ્ય કહે છે કે જીવ કર્મનો ભોક્તા નથી. જડ એવા કર્મો શું સમજે કે ફળદાતા થાય? શંકાનું સમાધાન કરતાં સદ્ગુરુ કહે છે કે ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૃપ છે. ભાવકર્મને લીધે જીવવીર્ય સ્ફુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા ગ્રહણ કરે છે. ઝેર કે અમૃત લેવાથી તેનું ફળ પ્રાપ્ત થાય છે તેમ શુભાશુભ કર્મનું ફળ પણ પ્રાપ્ત થાય છે. રંક-રાજા આદિ જે ભેદ જોવા મળે છે તે બતાવે છે કે શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે.

પાંચમી શંકા વ્યક્ત કરતાં શિષ્ય કહે છે કે અનંતકાળ વીત્યો છતાં કર્મરૃપી દોષ વિદ્યમાન છે તેથી મોક્ષ નથી. શુભ કર્મનું ફળ દેવાદિ ગતિ અને અશુભ કર્મનું ફળ નરકાદિ ગતિ છે એટલે કર્મરહિત જીવ કોઈ સ્થળે હોય નહિ. સમાધાન કરતાં સદ્ગુરુ કહે છે કે શુભાશુભ કર્મ પ્રત્યે જીવની આસક્તિને લીધે કર્મસહિત અનંતકાળ વીત્યો, પણ તેના પ્રત્યે ઉદાસીન થવાથી શુભાશુભ ભાવ છેદાઈ જતાં મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે.

છઠ્ઠી શંકા કરતાં શિષ્ય કહે છે કે મોક્ષપદની પ્રાપ્તિના ઉપાય નથી. અનંતકાળના કર્મો કેવી રીતે છેદાય? સદ્ગુરુ સમાધાન કરતાં કહે છે કે પ્રકાશ થતાં જેમ અંધકાર નાશ પામે છે તેમ જ્ઞાાનપ્રકાશ થતાં અજ્ઞાાન પણ નાશ પામે છે. કર્મબંધના કારણોને છેદતાં મોક્ષમાર્ગ પ્રગટે છે અને ભવનો અંત આવે છે. રાગ, દ્વેષ અને અજ્ઞાાનથી નિવૃત્તિ થવી તે જ મોક્ષનો માર્ગ છે. ક્રોધાદિ ભાવોથી કર્મબંધ થાય છે અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે.

સદ્ગુરુ પાસેથી ઉત્તમ બોધ ગ્રહણ કર્યા બાદ શિષ્યના મુખમાંથી ‘અહો! અહો! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર’ શબ્દો સરી પડે છે. શિષ્ય સદ્ગુરુના ઉપકારને વેદે છે.

અંતે ઉપસંહારરૃપ ગાથાઓમાં જણાવે છે કે આત્મભ્રાંતિ જેવો કોઈ રોગ નથી, સદ્ગુરુની આજ્ઞાએ ચાલવા સમાન બીજું પથ્ય નથી. સદ્વિચાર ધ્યાન જેવું તેનું કોઈ ઔષધ નથી. જો પરમાર્થને ઈચ્છતા હો તો સાચો પુરુષાર્થ કરો. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્યાદિ જેવા ગુણો વિના મુમુક્ષપણું સંભવે નહિ.

શ્રી આત્મસિદ્ધિ રચનાસ્થળ-નડિયાદ એ રમણીય, પવિત્ર અને દર્શનીય સ્થળ છે. અધ્યાત્મ માર્ગના પથિકે આ સ્થળની મુલાકાત અવશ્ય લેવા જેવી છે.

|| આત્મસિદ્ધિ શાસ્ત્ર ||
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત,
સમજાવ્યું તે પદ નમું – શ્રી સદગુરુ ભગવંત. ૧.
વર્ત્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ,
વિચારવા આત્માર્થિને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨.
કોઈ ક્રિયા-જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ,
માને મારગ મોક્ષનો, કરૂણા ઊપજે જોઈ. ૩.
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદ ન કાંઈ,
જ્ઞાનમાર્ગ નીષેધતા, તેહ ક્રિયાજડ આંઈ. ૪.
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ,
વર્ત્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાનિ તે આંહિ. ૫.
વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન,
તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬.
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન,
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮.
સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ,
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ,
અપૂર્વ વાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. ૧૦.
પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર,
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર…૧૧
સદગુરુના ઉપદેશવણ, સમજાય ન જિનરૂપ,
સમજ્યા વણ ઉપકાર શો, સમજ્યે જીનસ્વરૂપ…૧૨
આત્મવાદી અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર,
પ્રત્યક્ષ સદગુરુ યોગનહિં, ત્યાં આધાર સુપાત્ર…૧૩
અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ,
તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ…૧૪
રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ,
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ…૧૫
પ્રત્યક્ષ સદગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય,
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય…૧૬
સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સદગુરુ લક્ષ,
સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ…૧૭
માનાદિક શત્રૂ મહા, નિજ છંદે ન મરાય,
જાતા સદગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય…૧૮
જે સદગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન,
ગુરૂ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન…૧૯
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ,
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય…૨૦
અસદગુરુ  એ વિનયનો, લાભ લહે જો કાંઈ,
મહામોહિની કર્મથી, બુડે ભવજળ માંહિ…૨૧
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર,
હોય મતાર્થિ જીવતે, અવળો લે નિર્ધાર…૨૨
હોય મતાર્થિ તેહને, થાય ન આતમલક્ષ,
તેહ મતાર્થિ લક્ષણો અહીં કહ્યા નિર્પક્ષ…૨૩
બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિં, તે માને ગુરૂ સત્ય,
અથવા નિજકુળધર્મના, તેગુરૂમાં જ મમત્વ…૨૪
જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ,
વર્ણન સમજે જિનનું, રોકિ રહે નિજબુદ્ધિ…૨૫
પ્રત્યક્ષ સદગુરુ યોગમાં, વર્ત્તે દ્રષ્ટિ વિમૂખ,
અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય…૨૬
દેવાદી ગતિભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન,
માને નિજમત વેષનો, આગ્રહ મુક્તિ નિદાન…૨૭
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન,
ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન…૨૮
અથવા નિશ્ચય નયગ્રહે, માત્ર શબ્દની માંય,
લોપે સદ્વ્યવહારને, સાધન રહીત થાય…૨૯
જ્ઞાનદશા પામે નહીં, સાધન દશા ન કાંઈ,
પામે તેનો સંગ જે, તે બુડે ભવમાંહિ…૩૦
એ પણ જીવમતાર્થમાં, નિજમાનાદી કાજ,
પામે નહીં પરમાર્થને, અન અધિકારીમાજ.૩૧.
નહિં કષાય ઉપશાંતતા, નહિં અંતર વૈરાગ્ય,
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થિ દુર્ભાગ્ય.૩૨.
લક્ષણ કહ્યાં મતાર્થિના, મતાર્થ જાવા કાજ,
હવે કહું આત્માર્થિના, આત્મઅર્થ સુખસાજ. ૩૩.
આત્માર્થિ લક્ષણ
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરૂ હોય,
બાકી કુળ ગુરુ કલ્પના, આત્માર્થિ નહિં જોય.૩૪.
પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર,
ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫.
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ,
પ્રેરેતે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬.
એમ વિચારી અંતરે શોધે સદ્ગુરૂયોગ,
કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ. ૩૭
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થનિવાસ. ૩૮
દશા ન એવી જ્યાંસુધી, જીવ લહે નહિ જોગ્ય,
મોક્ષ માર્ગ પામેનહીં, મટે ન અંતરરોગ.૩૯.
આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુહાય,
તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન,
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧.
ઉપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય,
ગુરૂ શિષ્ય સંવાદથી, ભાખું ષટ્પદ આંહિ. ૪૨.
આત્મા છે તે નિત્ય છે, છે કર્ત્તા નિજકર્મ,
છે ભોક્તા વળિ મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. ૪૩.
ષટ્ સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ તેહ,
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનિયે એહ. ૪૪.
નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ,
બીજો પણ અનુભવ નહીં, તેથિ ન જીવસ્વરૂપ ૪૫.
અથવા દેહજ આતમા, અથવા ઈન્દ્રિય, પ્રાણ,
મિથ્યા જૂદો માનવો, નહિં જૂદું એંધાણ. ૪૬.
વળિ જો આત્મા હોય તો, જણાય તે નહિં કેમ?
જણાય જો તે હોય તો, ઘટ પટ આદી જેમ. ૪૭.
માટે છે નહિં આતમા, મિથ્યા મોક્ષ ઉપાય,
એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮.
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન,
પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯.
ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન,
પણ તે બંને ભિન્ન છે, જેમ અસીને મ્યાન. પ૦.
જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ,
અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. ૫૧.
છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન,
પાંચ ઇંદ્રિયના વિષયનું, પણ આત્માનેભાન. પર.
દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રિય, પ્રાણ,
આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩.
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય.
પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪.
ઘટ પટ આદી જાણ તું, તેથી તેને માન,
જાણનાર તે માન નહીં, કહિયે કેવું જ્ઞાન? પપ.
પરમબુદ્ધિ કૃષ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ,
દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. પ૬.
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ,
એક પણું પામે નહીં, ત્રણે કાળ દ્વય ભાવ. પ૭.
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ,
શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. પ૮.
આત્માનાં અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર,
સંભવ તેનો થાય છે, અંતર કર્યે વિચાર. પ૯.
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ,
દેહ યોગથી ઊપજે, દેહ વિયોગે નાશ. ૬૦.
અથવા વસ્તુ ક્ષણીક છે, ક્ષણે ક્ષણે પલટાય,
એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧.
સમાધાન-સદગુરુ ઉવાચ.
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય,
ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ દૃશ્ય! ૬૨.
જેના અનુભવ દૃશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન,
તે તેથી જુદા વિના થાય ન કેમેં ભાન. ૬૩.
જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દૃશ્ય,
ઊપજે નહીં સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪.
જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય,
એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫.
કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય,
નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬.
ક્રોધાદી તરતમ્યતા, સર્પાદિકની માંય,
પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭.
આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય,
બાળાદી વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮.
અથવા જ્ઞાન ક્ષણીકનું, જે જાણી વદનાર,
વદનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. ૬૯.
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ,
ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૭૦.
કર્ત્તા જીવ ન કર્મનો, કર્મજ કર્ત્તા કર્મ;
અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧.
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ;
અથવા ઈશ્વરપ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨.
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય;
કર્મતણું કર્ત્તાપણું, કાં નહીં, કાં નહીં જાય. ૭૩.
હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ,
જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી મર્મ. ૭૪.
જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ,
તેથી સહજ સ્વભાવ નહીં તેમ જ નહિં જીવધર્મ. ૭૫.
કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ?
અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ૭૬.
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ,
અથવા પ્રેરક તે ગણ્યે, ઈશ્વર દોષ પ્રભાવ. ૭૭.
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ,
વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ૭૮.
જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય,
શું સમજે જડ કર્મ કે, ફળપરિણામી હોય. ૭૯.
ફળદાતા ઈશ્વર ગણ્યે, ભોક્તાપણું સધાય,
એમ કહ્યે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦
ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિં હોય,
પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહિં કોય. ૮૧.
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ,
જીવ વીર્યની સ્ફૂરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨.
ઝેર સુધા આજે નહીં, જીવ ખાય ફળ થાય,
એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩.
એક રાંકને એક નૃપ, એ આદી જે ભેદ,
કારણ વિના ન કાર્ય તે, તેજ શુભાશુભ વેદ્ય. ૮૪.
ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર,
કર્મ સ્વભાવે પરિણામેં, થાય ભોગથી દૂર. ૮૫.
તે તે ભોગ્ય વિશેષના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ.
ગહન વાત છે શિષ્ય આ, કહિ સંક્ષેપે સાવ. ૮૬.
શંકા-શિષ્ય ઉવાચ.
કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિં મોક્ષ,
વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭.
શુભ કરે ફળ ભોગવે, દેવાદી ગતિમાંય,
અશુભ કરે નર્કાદિફળ, કર્મ રહીત ન ક્યાંય. ૮૮.
જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ,
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯.
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ,
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦.
દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ,
સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. ૯૧.
હોય કદાપી મોક્ષપદ, નહિં અવિરોધ ઉપાય,
કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૨.
અથવા મત દર્શનઘણાં, કહે ઉપાય અનેક,
તેમા મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩.
કયી જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ,
એનો નિશ્ચય  ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪.
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય,
જીવાદી જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૫.
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ;
સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદભાગ્ય …૯૬
પાંચે ઉત્તરની થઈ, આત્મા વિશે પ્રતીત,
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતિત એ રીત…૯૭
કર્મ-ભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ,
અંધકાર અજ્ઞાનસમ, નાશે જ્ઞાન પ્રકાશ…૯૮
જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષ-પંથ ભવઅંત…૯૯
રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ,
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ…૧૦૦
આત્મા સત ચૈતન્યમય, સર્વાભાસ રહીત,
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત…૧૦૧
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ,
તેમાં મુખ્ય મોહિનિય હણાય તે કહું પાઠ…૧૦૨
કર્મ મોહિનિય ભેદ બે, દર્શન ચારિત્ર નામ,
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ…૧૦૩
કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ,
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ? ૧૦૪
છોડી મતદર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ,
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ… ૧૦૫
ષટ્પદનાં ષટ્પ્રશ્ર્ન તેં, પૂછયાં કરી વિચાર.
તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર…૧૦૬
જાતિ, વેષનો ભેદનહિ, કહ્યો માર્ગ જો હોય,
સાધે તે મુક્તી લહે, એમાં ભેદ ન કોય…૧૦૭
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ અંતરદયા, તે કહિયે જિજ્ઞાસ…૧૦૮
તે જિજ્ઞાસુ જીવને, થાય સદગુરુ બોધ
તો સામે સમકીતને, વર્તે અંતર શોધ…૧૦૯
મતદર્શન આગ્રહ તજી, વર્તે સદગુરુલક્ષ,
લહે શુદ્ધ સમકીત તે, જેમાં ભેદ ન પક્ષ…૧૧૦
વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત,
વૃત્તિવહે નિજભાવમાં, પરમાર્થે સમકીત….૧૧૧
વર્ધમાન સમકીત થઈ, ટાળે મિથ્યાભાસ
ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદવાસ…૧૧૨
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન,
કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ… ૧૧૩
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય,
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય…૧૧૪
છુટે દેહાધ્યાસ તો, નહિ કર્ત્તા તું કર્મ,
નહિં ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ…૧૧૫
એજ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ,
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬.
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ;
બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ. ૧૧૭.
નિશ્ચય સર્વે જ્ઞાનિનો, આવી અત્ર શમાય,
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધીમાંય. ૧૧૮.
સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વભાન,
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯.
ભાસ્યું નિજ સ્વરૂપતે, શુદ્ધ ચેતના રૂપ,
અજર અમર અવિનાશિ ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦.
કર્ત્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્ત્તે જ્યાંય,
વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્ત્તા ત્યાંય. ૧૨૧.
અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતના રૂપ,
કર્ત્તા ભોક્તા તેહ નો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨.
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. ૧૨૩.
અહો! અહો! શ્રી સદગુરુ , કરૂણાસિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૪.
શું પ્રભુ ચરણકનેધરૂં, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વર્ત્તું ચરણાધીન. ૧૨૫.
આ દેહાદી આજથી, વર્ત્તો પ્રભુ આધીન,
દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬.
ષટ્સ્થાનક સમજાવિને, ભિન્ન બતાવ્યો આપ,
મ્યાન થકી તરવારવત્ એ ઉપકાર અમાપ. ૧૨૭.
દર્શન ષટે શમાય છે, આ ષટ્ સ્થાનક માંહિ,
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮.
આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ  વૈદ્ય સુજાણ,
ગુરૂ આજ્ઞાસમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯.
જો ઈચ્છો પરમાર્થતો, કરો સત્ય પુરૂષાર્થ,
ભવસ્થિતિ આદી નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦.
નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય,
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧.
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ,
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથ રહેલ. ૧૩૨.
ગછ મતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર,
ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩.
આગળ જ્ઞાની થઈગયા, વર્તમાનમાં હોય,
થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિં કોય. ૧૩૪.
સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય,
સદગુરૂ  આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫.
ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત,
પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬.
મુખથી જ્ઞાન કથે અને, અંતર છુટ્યો ન મોહ,
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનિનો દ્રોહ. ૧૩૭.
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,
હોય મુમુક્ષુ ઘટવિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮.
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત,
તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે ભ્રાંત. ૧૩૯.
સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન,
તે કહિયે જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦.
સ્થાનક પાંચ વિચારિને, વર્ત્તે જેહ,
પામે સ્થાનક પાંચમું, એમાં નહીં સંદેહ. ૧૪૧.
દેહ છતાં જેની દશા, વર્ત્તે દેહાતીત,
તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણીત. ૧૪૨.