કવિતા – મા – માતા – બા – મમ્મી

2

|| કવિતા – મા – માતા – બા – મમ્મી ||

(૦૧) “મા”

આંખ જ્યારે ખોલી મેં, તો ખુદને તેના ખોળામા પામ્યો..
રડ્તો હતો હું જ્યારે જ્યારે, ત્યારે છાતીએ મને દાબીને તેણે અમ્રુતનો ઘુટડો પાયો..
ઘણાય હતા મને વ્હાલ કરનારા પણ, જ્યારે મેં ભિના કર્યા બધાને ત્યારે તેણે જ મારો હાથ જાલ્યો..
પા-પા પગલી માંડતા જોઈ રહેતા બધા મને, પણ પડ્યો હું કોઇક વખત તો તેણે જ મને ઊભો કર્યો..
એક દિવસ પોતાની આંગડીએથી મને વિખુટો કર્યો, જ્યારે પહેલીવાર મને નિશાળે મુક્યો..
રો’યો હતો હું ખુબ ત્યારે, પણ ખુશ હતો જ્યારે બહાર આવ્યો..
શું થયુ તેની ભાન ન પડી બહાર આવીને મને,
જ્યારે પોતાની ભિની આંખ પર તેણે હસતો ચહેરો રાખ્યો..
આમ ‘ને આમ દિવસો વિતવા લાગ્યા, મને રાજી રાખવામા તેણે કોઈ કચાસ ન રાખ્યો..
પુરા કરતી જા’તી તે મારા બધા સપનાઓને, જ્યારે મેં માંગણીઓનો પહાડ બનાવ્યો..
ખબર ન હતી મને કે પિડા શુ હોય, પોતાની વેદનાઓને તેણે ઊંહકાર ન આપ્યો..
સેવા કરવી છે હવે, મારે એની જિંદગીભર, એવો સપનામા મને જ્યારે એહ્સાસ જાગ્યો..
આંખ ખોલીને મેં જોયુ છેક ત્યારે, જ્યારે ખુદના ખોળામા તેનો શ્વાસ ભાગ્યો..
કોણ હતી એ જેણે દુખના વાદળોથી ઘેરાઈને, મને મુસિબતોથી આઘો રાખ્યો..
“મા” હતી મારી એ, જેને “ઓજલ” થઈની, “રામ”ને આ દુનિયામા દિપાવ્યો..
સેજપાલ શ્રીરામ પી.

(૦૨) બા લાગે વહાલી

બા લાગે વહાલી, મને તો બા લાગે વહાલી
વહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી
હિંચોળી ગીત મીઠાં ગાતી
દૂધ મીઠું પાતી, મને તો બા લાગે વહાલી

જે માગું તે સઘળું દેતી
બચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી

હસું રમું તો રાજી થાતી
રડું તો મૂંઝાતી, મને તો બા લાગે વહાલી

વાંક બધા યે માફ કરીને
મારા ગુણ ગાતી, મને તો બા લાગે વહાલી

-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

(૦૩) “બા”

ભીંજાઈને બહારથી ઘરે હું આવ્યો
છીંકાછીંક શરદી તાવ સાથ લાવ્યો
છાતી ગળે પત્નીએ બામ લગાવ્યો
આંખોમાં આંસુ ત્યાં તો ધસી આવ્યાં
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

મંદિરમાં જઈ આજ દર્શન કર્યાં મેં
ઘંટ વગાડ્યો,પૂજા-અર્ચના કરી મેં
પ્રસાદ લીધો,લઈને ઘરે હું આવ્યો
આંખોમાં આંસુ ત્યાં ભરાઈ આવ્યાં
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

બા,તારા પૌત્રના આજે લગ્ન કીધાં
તુજ વહૂને પોંખીને ઓવારણા લીધાં
પૂત્રવધુના ઘરે આજ પગલાં પડ્યાં
હૃદયનાં બંધ બેફામ સૌ તૂટી પડ્યાં
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

ઝરણાં,નદીઓ એમ જ વહેતાં રહેશે
સાગર ઊછળશે,વાદળો પણ છવાશે
એજ વાયુને એજ રોજિંદુ વાતાવરણ
પણ બા,તમે ક્યાં છો,તમે ક્યાં છો?
બા,તમે આજ બહુ જ યાદ આવ્યા.
બહુ યાદ આવ્યા,બહુ યાદ આવ્યા.

(૦૪) “મા”

આમ તો આકાશની ઉંચાઇ પણ
ઓછી લાગે
એની બાજુમાં
એમ
ચૂપકીદીથી
એ વધારતી રહે છે એની ઉંચાઇ
આકાશની જેમ જ અકળ રીતે ”
-હર્ષદેવ માધવ

આશિર્વાદ જનેતાના તો કદી નથી કરમાતા,
એક જ અક્ષર અજર અમર છે, એક જ મંત્ર છે ‘માં’.”
-વેણીભાઇ પુરોહીત

શાંતુ બા:

“ઝુકી રાખી ઢાંકી અરધા પરધા પાલવ થકી,

પીવાડી રહી ઉછંગે અનર્ગળ અમૃત ઝરા,

મને એ ચક્ષુમાં પ્રભુ, જગત તિર્થોનન મળ્યું ”

– વિકાસ બેલાણી

(૦૫) મા,હજી યાદ છે મને

મારી પાંપણોની ભીનાશ થઇ
ને મારા ગાલોને મીઠું ચુંબન દઇ
મારા ઓષ્ઠ પર હજારો સ્મિતનું ઝોલું થઇ વરસતી ‘તું’
હજી યાદ છે મને

કેદ છે હજીયે મારી આંખોમાં તારા વ્હાલનો એ દરિયો
જેમાં પીગળતી બધીજ ખારાશ મારી
ને તારા ખોળામાં ખૂંદેલું મલક આખાનું એ સુખ,
હજી યાદ છે મને

ક્યાંક પા પા પગલી ભરાવતી તું
ને અમસ્તું ‘પગલી’ એ ચૂકી જતાં
અંતરમાં ઉંડાણથી આવતો એ સાદ, ‘વાગ્યું તો નથી ને બેટા?’
હજી યાદ છે મને.

હસાવતી, રમાડતી ને છાતી સરસી ચાંપતી
હતી ન હતી એવી તું હકીકત થઇ છતાં
મારા શમણાઓને પરી બની ઘેરી વળતી ‘તું’
હજી યાદ છે મને.

ને આજ
અચાનક
એક શિશુના ગાલ પર કાળું ટપકું જોયું
ને એણે મારા શૈશવને પ્રશ્નરૂપે સ્પર્શ કર્યો, ‘હજી યાદ છે તને?’
હા

અવનિ પર અવતરેલી મારી પ્રથમ ગઝલ ‘માં’
હજી યાદ છે મને

– ડીમ્પલ આશાપુરી

(૦૬) માતા

માં ! મેં તારી એક પણ કવિતા નથી લખી.
કહે છે કે કવિ જન્મે છે –
તો તેં જ તો મને જન્મ આપ્યો છે.
પણ ત્યારે તને જાણ નહીં હોય કે હું કવિ થઇશ.
તારે તો મને માનવી બનાવવો હતો –
એક સુખી માનવી, હસતો માનવી,
અને એ માટે તેં કેટલા બધાં દુ:ખો સહ્યાં ?
કેટલા અશ્રુઓ સાર્યાં ?
ત્યારે તેં કશા બદલાની આશા નહોતી રાખી.
અને હું તને બદલો પણ શો આપું?
બદલો આપવા જેવું મારી પાસે છે પણ શું ?
કદાચ ઇશ્વર પાસે પણ કશું નથી.
હા, ઇશ્વર પાસે
તને આપવા માટે એક વસ્તુ છે,
તારા આત્માની શાંતિ,
ઇશ્વરે તને સ્ત્રી ઘડી હતી.
અને ઇશ્વરને જે પ્રાણ અત્યંત પ્યારો હોય છે,
એને જ એ સ્ત્રીનું રૂપ આપે છે.
તું ઇશ્વરને અત્યંત પ્યારી હતી,
એટલે એણે તને સ્ત્રીનો જન્મ આપ્યો,
તું ઇશ્વરને અત્યંત પ્યારી હતી,
એટલે જ એણે તને મૃત્યુ પણ આપ્યું.

તું અલ્લાહને પ્યારી થઇ ગઇ,
અલ્લાહે તને પોતાની પાસે બોલાવી લીધી.
પણ સ્ત્રી મરે છે, માતા મરતી નથી.
તું જીવે છે, જીવતી હતી એમ જ.
અને તું જીવતી હોવા છતાં તને મરેલી માનું ?
અરે, જેણે મારા હાલરડાં ગાયાં,
એના હું મરશિયા ગાઉં ?
છતાં યે ગાઉં-
પણ જે જન્મ આપે છે, એ મરી જ કેમ શકે?

હું કવિ થયો છું એટલે જાણું છું;
કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે;
ચિત્રકાર કલાકૃતિની નીચે પોતાનું નામ લખે છે;
પણ ઇશ્વર ?
ઇશ્વર જેવો કોઇ મહાન કલાકાર નથી –
એ માનવીને સર્જે છે,
પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો;
અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે,
પણ માતાય ઇશ્વરની મહાનતાનું પ્રતીક છે,
એ બાળકને એના પિતાનું નામ આપી દે છે.
માં ઉદરમાં નવ મહીના
એના બાળકનો ભાર વેઠે છે….
માત્ર એ નવ મહીનાનો બદલો આપવા ધારું તોય
મારા નેવું વરસ પણ કોઇ વિસાતમાં નથી.

છતાં મને શ્રધ્ધા છે –
તારા એક સો દસ વરસની વયે પણ
તેં તારા અંતરમાં
મારા નેવું વરસનોય ભાર વેઠ્યો હોત.
પણ હું નેવું વરસનો નથી.
તું એક સો દસ વરસની નથી;
તારા અને મારા સંબંધ વચ્ચે
સમયનું અસ્તિત્વ જ નથી –
અસ્તિત્વ છે માત્ર તારું
અને તારે લીધે મારું.
અને એ પણ માતા અને બાળક જેવું જ

માતા કદી મરતી નથી
અને બાળક કદી મોટો થતો નથી.
માં ! હજી હું કવિતા લખી શકું એટલો મોટો નથી થયો,
હજી હું પારણામાં પોઢેલો પુત્ર છું.
અને હું પારણામાં પોઢીને તારે માટે કવિતા લખું,
એને બદલે પારણાની દોરી ખેંચીને
તું જ મારે માટે હાલરડું ગા –
ઇશ્વર તારા આત્માને શાંતિ આપશે,
અને તારું હાલરડું મારા આત્માને શાંતિ આપશે.

– બરકતઅલી ગુલામહુસેન વીરાણી ‘બેફામ’

(૦૭) “મા“

એ તો એને ચાલતું નથી એટલે,
બાકી તો –
મા જાણે છે કે દેહથી અલગ કર્યા પછી
એ મોટો થવાનો છે અને દૂર જવાનો છે.
ખોળામાં પડ્યો પડ્યો એ પયપાન કરશે
કેડે ચડશે, આંગળી ઝાલીને ફરશે
માના હાથનો કોળિયો મોંમાં લેશે
-ને આંગળીને વ્હાલમાં બચકુંય ભરી લેશે !
પણ આ બધું તો
ધીમે ધીમે દૂર થવા માટે જ જાણે…
પછી તો એ ખોળામાંથી ઊતરી પડશે
કેડેથી કૂદી પડશે.
હોંસે હોંસે ખાતા શીખી જશે;

ખોળામાંથી ઉંબર ભારો આંગણામાં ને શેરીમાં
કેડેથી ઉતરી કેડીમાં, ને એમ દૂર દેશાવરમાં…
કાગળ લખશે રોજ પ્રથમ તો
પછી માસે બે માસે
ક્ષમાયાચના કરશે, કાન પકડશે, સોગન ખાશે
કહેશે : ભૂલ્યો નથી માં તને, પરંતુ ખૂબ કામમાં વ્યસ્ત
તારે ખોળે ફરી આવવું છે મા – લખશે
(જાણે છે કે અશક્ય છે એ, એ ના સાચું પડશે.)

છેવટ બીજા ગ્રહ પર જાણે હોય એટલો દૂર
-ને અંતર તો પાછું ના સ્થળનું કે નહીં સમયનું
પણ બે અંતર વચ્ચેનું-
મા જાણે છે કે આમ જ થવાનું છે.
એ તો એનું ચાલતું નથી એટલે
બાકી તો
એને દેહથી અળગો જ ન થવા દે…

– જયન્ત પાઠક

(૦૮) દીકરો દેશાવર… (બે અછાંદસ)

* 1. દ્રષ્ટીકોણ એક
સાત સમંદર પાર,
અજાણ્યા રસ્તાઓ પર ચાલતાં
તને
ક્યારેક લાગતી ઠોકર પર
કૂબાના કોઇક ખૂણે
બેઠેલી બા નું હ્રદય
“ખમ્મા મારા વીરા…”
બોલતું હશે…

તારી રાહ જોવા,
તારા ઓવારણા લેવા
તને ફરીથી તારી મનપસંદ
ખીર ખવડાવવા,
તને વહાલ કરવા,

તારા મુખેથી “બા” સાંભળવા
એની સદાય
મોતીયો ભરેલી આંખોમાંથી

તને મનોમન
જોયા કરતી હશે…
ખોયા કરતી હશે

રસ્તાને તારા પગલાં,
હવાને તારી સુગંધ,
અને
સૂરજને તારી કુશળતા
પૂછ્યાં કરતી હશે.

પિતા તો હ્રદય મજબૂત કરી લેશે,
પણ બા,
“બા”
તેના મનને
કેમ સમજાવશે?
કે દીકરો

ડોલરોમાં ગૂંથાયેલો છે,
કરીયરમાં અટવાયેલો છે
સંબંધોથી વધુ જળવાય છે
બિઝનસ,
કદાચ ક્યાંક ભેગાય થઈ જાય,

એનો સંસાર,
એની જરૂરતો,
એનું કુટુંબ
એની સિટીઝનશીપ
હવે અલગ છે,

અને એમાં
“બા” નું સ્થાન
ફક્ત દર મહીનાની
પહેલી તારીખે
મની ટ્રાન્સફર
પૂરતું જ છે…
એથી વધુ
કાંઇ નહીં,

તેની ડિક્શનરીમાં,
જરૂરતોમાં,
જિદગીમાં,
કદાચ “બા” નું સ્થાન
હવે….

* 2. દ્રષ્ટિકોણ બીજો

સાત સમંદર પાર
અજાણ્યા રસ્તાઓ પર
ચાલતા
જ્યારે ઠોકર લાગી જાય છે,
ત્યારે અચૂક ગૂંજે નાદ,
“ખમ્મા મારા વીરા…”

આટલા દૂર
દ્રષ્ટિથી ઓઝલ છતાં
હવાની લહેરખીઓ ‘માં’
તારો હાથ અનુભવાય,
સૂરજની દરેક કિરણે
તારી આંખોનું વહાલ,
વર્ષાની દરેક બૂંદે
તારી લાગણી ટપકે,

તને વહાલથી ભેંટવા,
ખોળે માથું મૂકવા,
પરીઓના દેશમાં વિહરવા,
તારા ઓવારણાં ઉજવવા,
તારા દુ:ખના આંસુને
સુખના કરવા,
તારી પાસે આવવું છે…

દીકરો ડોલરોમાં નહીં,
તારા હાથે મળતા
ડોલરના ફૂલમાં
ગૂંથાવા માંગે,

મારો સંસાર,
મારી જરૂરતો,
મારું કુટુંબ
તારા વગર કદી….
હોઇ શકે?

મની ટ્રાન્સફર
એ તો ફક્ત
તારા ચરણે ચડાવેલી
બે’ક પાંખડીઓ છે,

મારી ડિક્શનરીમાં,
જરૂરતોમાં,
જિદગીમાં,
કદાચ “બા” તારું સ્થાન
હવે….
હા, “બા”
હવે જ મને
ખરેખર સમજાય છે.

– જીગ્નેશ અધ્યારૂ

(૦૯) મા વિશે કાગવાણી

ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે;
માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ?

પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા;
માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ?

જમ જડાફા ખાય, મોતે નાળ્યું માંડીયું;
છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે;
છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

કીધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણાં લગી;
ન કર્યા દુ:ખડા નેણ, કેમ વીસરીએ કાગડા ?

આખર એક જતાં, કોડ્યું ન આખર કામના,
મોઢે બોલું ‘માં’, કોઠાને ટાઢક કાગડા !

મોઢે બોલું ‘માં’, સાચેય નાનક સાંભરે;
મોટપની મજા, મને કડવી લાગે કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા !

ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે;
મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને માં, મહેશ્વર જો પશુ થયાં;
પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા !

જનની કેરું જોર, રાઘવને રે’તું સદા;
માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

મોટાં કરીને માં, ખોળેથી ખસતાં કર્યાં;
ખોળે ખેલવવાં, કરને બાળક, કાગડા !

સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા !

જનની સામે જોઇ, કપૂત તુંકારા કરે;
જ્યાં જ્યાં જનમે હોય, કડવું જીવન કાગડા !

જે કર માડી ઝીલીઆ, જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય, એ કરથી છેવટ કાગડા !

દુલા ભાયા કાગનો જન્મ ભાવનગર જીલ્લાના મજાદર ગામે 25-11-1902 ના રોજ થયો હતો, આજે ‘કાગધામ’ તરીકે ઓળખાતા મજાદરમાં, ચારણ કુળમાં જન્મેલા

(૧૦) “બા”

તે અમને જન્મ આપી પૃથ્વીને સન્માનિત નથી કરી બા ?
આ ઉપવનો, વૃક્ષો, પુષ્પો, પંખીઓ તો
તારી ભાવનાનો વિસ્તાર છે !

લય અને સૂરની અંગુલી ગ્રહી સર્વદા લે જતી સ્વપ્ન લોકે
કેટલાં મધુર અને રમ્ય પરીકથાના દેશો

તારી આંતરસૂઝ ને જતનથી
અમારું જીવનવૃશ બન્યું લીલુંછમ

તારી વિધાપીઠમાં ઊછરેલ અમો નોખાં કૈંક..
તારી આંખોમાં ક્ષમાં ને કરુણાના અંજન આંજ્યાં’તા

તારા હાથમાં અભયદાન ને કર્મશીલતાના કવચ જડ્યા’તા
બા એક એવી ત્રશ્ર્તુ જેને કયારેય ન આવે પાનખર

હવાતણી લેરખીમાં આવે તારા વહાલસોયા સ્પર્શની માધુરી
યૌવન ગયું મિત્રો ખરી પડ્યા પણ ઓહ! તારો પ્રેમ..

તારા નિર્મળ સ્નેહનું અમીઝરણું નિત ખળખળ વ્હેતું રહ્યું.
માનશાસ્ત્રનું અમૂલ્ય ઔષધ ને કાવ્યનો અખૂટ ભંડાર

તું જ અમારા ભાઇભાંડુઓનું એકાક્ષરી મહાકાવ્ય ‘બા’ અમારી ‘બા’……

-મનોરમા ઠાર

(૧૧) યાદ તારી મા
અશ્રુ ભીની આંખ મારી, તરસ્યા કરે બસ તુજને જ માં,
શા માટે છે તું રીસાણી, વિચાર્યા કરું બસ એ જ મનમાં.

નથી રહી શક્તો તુજ વીણ, ક્ષણ ભર પણ એક દિવસમાં,
ન કરીશ અબોલા મુજસંગ, ખોવાયેલ હું બાળ તુજ મમત્વમાં.

નથી જોઇતી દુનિયા કેરી, સુખ સાહેબી આ જગતમાં,
મારું મન ઝંખે છે તુજને, ચાતક સમ બની, કણકણમાં.

લાવણ્ય કેરી તુજ છોળ કાજે, ભટકું ભ્રમર બની હું મલકમાં,
મળશે કદાચ મુજ શકને તું, આશ એક તે તનમનમાં.

સઘળું મેળવું શ્રમથી પણ, સાથ તારો ક્યાં મુજ નસીબમાં,
સાદ પાડું તુજ નામનો હું આજ, ગમગીન બની નીલ ગગનમાં,

દુનિયા કેરી અનંત યાતનાઓ, વેઠી ઉછેર્યો મુજને તે બાળપણમાં,
અફસોસ એ ઋણ ચૂકવવાનો, મોકો ન મળ્યો મુજને જીવનમાં.

વાદળ બની વરસી ગઇ તું પણ, ભીંજાઇ શક્યો ન અંગેઅંગમાં,
આંગળી પકડી ચાલતા શીખ્યો, ન બન્યો તુજ સહારો ઘડપણમાં.

યાદો છે સાથે ફક્ત આજ તારી, બાકી બધું વીત્યું અણસમજણમાં,
અમાસ કેરા ચાંદમાં નીરખું તુજને, મંત્રમુગ્ધ થઇ નીલ ગગનમાં.

કંઇપણ નથી વિશેષ ‘દેવ’, માં કરતા આ જટીલ જગતમાં,
ઇશ્વર પણ અવતર્યા તે તત્વ પામવા, રામકૃષ્ણ બની રધુકૂળ યાદવમાં.

– દેવાંગ જોષી

(૧૨) “મા“

દિલ ની ઘેહેરાઈ મા,
પ્રેમ ની પડ્છાઇ મા,
દુ:ખ ભર્યા સાગર મા,
સુખ રૂપી ઝરણુ બની આવી છે તુ.
સં્કટ ના સમય મા,
તક્લિફ ના દાયરા મા,
દર્દ ભર્યા જીવન રૂપી વાક્ય મા,
પુર્ણવિરામ બની આવી છે તુ.

સમાપ્ત થતા જીવન મા,
પિડા ન શરીર મા,
દુકાળ પિડિત નસો મા ,
જીવન આપતુ ધમધમતુ લોહિ બની આવી છે તુ.

અપાર છે તુ,
વિશાળ છે તુ,
મારુ સર્વસ્વ છે તુ,
મારિ ખુશિ ના તાળ ની ચાવી છે તુ,

ઢળતા દીવા ની આસ છે તુ,
મારા દિલ થી જોડાએલી હર એક ધડકન નુ અસ્તિત્વ છે તુ,
પેહેલા વર્સાદ ની ભીની માટી ની સુગં્ધ છે તુ,
ગુલાબ ના ફૂલ પર ઉમડતા ઝાકળ બિં્દુ જેવિ નાજુક છે તુ

ટૂં્ક મા કહુ તો મારિ મા છે તુ

-Shail Seth

(૧૩) “મા”

મા
હવે જો કોઇ
દેશથી આવે તો
મોકલાવજે,
પરોઢિયે ઊઠી
ઘંટીના મધુર તાલ પર
તુજ હસ્તથી
દળેલો મીઠો લોટ
ત્યાં સુધી બ્રેડના ડૂચા
ગળે ઉતારતો રહીશ હું
ને
તુજ હાથથી
કૂવે જઈ ધોએલાં
મારા લૂગડાનું પોટલું
મોકલાવજે
ત્યાં સુધી લોન્ડ્રીના
ધોએલાં કપડાં
મુજ શરીર પર
ટીંગાડતો રહીશ
ને
મા
મોકલાવજે
તારા ખોળાની
હૂંફ
ત્યાં સુધી હીટરના તાપમાં
બાળતો રહીશ
શરીર મારું
જો
મા
કોઈ આવે તો…
-અહમદ ‘ગુલ’

(૧૪) પ્રેમાળ માતા

હતી મારી માતા અતિશય પ્રેમાળ દિલની
હતી વળી શ્રદ્ઘાળુ, રટતી સદા નારાયણ હરિ.
મને ઉછેર્યો મમતાથી, સહી લીધી મારી પજવણી
ન પાડયો કદી ઘાંટો, ન મારી ટપલી પણ કદી.

હું ઉઠું નિદ્રામાંથી, લઇ ઉછંગે હેત કરતી,
મને મૂકે નિદ્રામાંહી ગાઇ,
“બહ્મ શ્રીનાથને ભજીએ શ્રી હરિ હરિ”

પોતાના તનની પીડા કઠણ મનથી તે જીરવતી
અને મનના સંતાપો અતિ શ્રદ્ઘાથી તે વિસરતી.

પ્રભુ હું ઇચ્છું કે મળે મને માતા એજ ફરી ફરી
પણ વિસારી એ ઇચ્છાને દેજે એને મોક્ષ તું શ્રી હરિ.

-વિજય શાહ

(૧૫) મા તુજ જીવનના અજવાળે

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
નવમાસની કેદ મહીં તેં પ્રેમે પોષણ કીધું
અસહ્ય વેદના જાતે વેઠી મુક્તિ દાન તેં દીધું
રાત દીન કે ટાઠ તાપ તેં ચોમાસું ના જોયું
જીવથી ઝાઝું જતન કરી મુજ જીવન તેં ધોયું
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
લાડકોડ ને તપાસા સાથે બાલમંદિર ચાલ્યા
રડતો મુકી અશ્રુ છુપાવી આશા લઇને આવ્યા
છે આ સૌ એક લાડકડાના ભાવિ તણા ભણકારા
આજનું બીજ તે કાલનું વૃક્ષ છે મારે કરવા ક્યારા
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
ધ્રુવ પ્રહલાદ શ્રવણની વાતો કેવી વાડ બનાવી
રામ લક્ષ્મણ હરીશ્ચંદ્રની વાતો કદી ના ભુલાવી
હીરા માણેકથી મોંઘું એવું ઘડતર ખાતર નાખી
મુજ જીવનના ક્યારાની તેં વાડી મોટી બનાવી
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
મધર્સ ડે ના શુભ પ્રભાતે પેમથી પાયે લાગું
અર્પું સર્વે તુજને ચરણે એવું સદાયે ચાહું
એક સંદેશો તુજ જીવનનો મનમાં કાયમ રાખુ
પ્રેમ ભક્તિને નિસ્વાર્થ સેવા દિલદરિયા સમ સાચું
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

-ડો. દિનેશ શાહ

(૧૬) મમતા

માયાવી સંસાર જગતમાં, સ્નેહ બધે છે ભાસે
એકએક તાંતણાને તાંણો મમતા સૌ માં લાગે.
….માયાવી સંસાર
સંસાર થકી આ સકળ જગતને પામવાને નીકળ્યા આજે
ઘડી-બેઘડી મનમાં લાગે સગાં સૌ છે આપણી સાથે
પણ આ માનવ જીવનમાં કાયાને વળગી રહી છે માયા
આજકાલ કરતાં વરસોથી અળગી ના મમતાની છાયા
….માયાવી સંસાર
અકળ જગતમાં જીવમાત્રને ક્યાંથી વળગી માયામમતા
ના કોઇ તેનાથી રહી શક્યા આ ભવમાં તેનાથી અળગા
મળેલ હૈયા હેત ભરેલ જીવનજીવી સદા વરસાવે સ્નેહ
પ્રદીપ બને તો મમતા છુટે ને જીવનમાં કોઇ કુનેહ.
….માયાવી સંસાર
લઘરવઘર આ જીવન પગથી સુખ સંસારની ભાસે
કેમ કરીને પ્રેમ મેળવવા જીવડાં મનથી વાંછે
ના વળગી રહેશે ન વળગશે એતો અંતે વિસરાઇ જાશે
મિથ્યા માયા,મમતા મિથ્યા,મિથ્યા જગત આ લાગે.
…માયાવી સંસાર

પ્રદીપ બ્રહ્મભટ્ટ

(17) મા ની છાયા

મળતી નથી મને હું શોધુ તારી મમતા,
નથી રહી હવે તારાવગર મારી ક્ષમતા.
મા તને નીરખી મને જશોદાની યાદઆવે,
માખણ ના ચોરું તોય ટપલાં મને તુ મારે.
પગલી ભરુ ત્યાં તું આંગળી જ પકડતી,
પડી જઉ ત્યાં તું લાડકોડ પણ કરતી.
જીવને જગતમાં પરમાત્માએ મોકલ્યો,
તારા થકી મા જીવે અવનીએ દેહ લીધો.
તારી નજરમાં ના કોઇ ભેદભાવ મેં જોયા,
સદા નિરંતર અમો પર પ્રેમના વાદળ તેં ઢોળ્યા.
મા નો પ્રેમ મેઘ જેવો છે,જે હંમેશા વરસે જ છે અને સંતાનોને ટાઠક આપે છે

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(18) મારા હૃદયના આકાશમા

સ્કુલેથી આવતાં જ્યારે થઈ જતી વાર,
સૌથી વધારે પાડતી હતી બુમો મારી મા,

મારી ભુલ પર જ્યારે પણ પિતાજી મને વઢતાં
ત્યારે મા કરતી હતી મારો બચાવ,

રમતાં રમતાં જ્યારે વાગી જતી ઠોકર
તે ઠોકર જોઈને મારી મા ગભરાતી હતી,

મને યાદ છે એક વખત માર્યો હતો મને
મારા કરતાં પણ વધારે દુ:ખ મા તને થયું હતું,

મા તે હંમેશા મારા માટે પ્રાર્થનાઓ કરી
મારી બધી જ મુશ્કેલીઓને પોતાને માથે લીધી,

આજે શોહરત પણ છે, દોલત પણ છે,
ઘણી બધી મારી પાસે મોહલત પણ છે,

પરંતુ દુ:ખ છે તે વાતનું મા
તેને જોવા માટે આ દુનિયામાં તુ નથી,

જો હોત તે મારા હાથમાં તો
રાખી લેતો કરીને ગડબડ ભગવાનના વિધાનમાં,

જેટલા પણ શબ્દો લખો તેટલા છે ઓછા
મા તારી શાનમાં,

હે મા આજે પણ તુ રહે છે
મારા હૃદયના આકાશમાં…

કુલવંત હેપ્પી

(19) ખુબ યાદ આવે છે તારી

પોષની ઠંડી રાતોમાં છાતીએ લગાડીને સુતી હતી જે,
પકડીને બંને ખભા જમીન પર ચાલતાં શિખવાડતી હતી જે,

જ્યારે ચાલતાં ચાલતાં પડી જતો, પડેલાને ઉભો કરતી હતી જે,

પોતાના ખોળામાં લઈને હીંચકો ખવડાવતી હતી જે,

રાત્રે સુવડાવવા માટે હાલરડાં ગાતી હતી જે,

આજે તે મા ખુબ જ યાદ આવે છે,

મુશ્કેલીમાં તેની ખોટ ખુબ જ સારે છે,

તેની વાત કરતાં જ આંખમાંથી આંસુ સરી પડી છે,

નથી તે આ દુનિયામાં આજે પણ હેપ્પીને લાગે છે,

આજે પણ ક્યાંકથી આપીને અવાજ તે મને બોલાવે છે…

(20) માઁ તને સલામ
કેટલી કોમળ કેટલી સુખદ અનુભૂતિ છે માઁ
દિલની કેટલી પાસે છે માઁ

નખશિખ સુધી મમતાની એક પ્રતિમા છે માઁ
હાલરડુ ગાઈને સૂવડાવે છે માઁ

વાગે મને તો રડે છે માઁ
એક અવાજમાં દોડીને આવે છે માઁ

બધા કામ કરવા તૈયાર રહે છે માઁ
થાકી ગઈ એવુ કદી બતાવતી નથી માઁ

સવારે જલ્દી ઉઠીને બધાને જગાડે છે માઁ
કોઈને કોઈ વાતનુ મોડું ન થાય તેનુ ધ્યાન રાખે છે માઁ

તબિયત સારી ન હોય તો થોડુ ઉંધી લે છે માઁ
સવારે પાછી કામમાં લાગી જાય છે માઁ

માઁ ની મહિમા કેટલી ન્યારી છે
માઁ તો દુનિયામાં સૌથી વ્હાલી છે

બાળકો માટે જીવે છે, બાળકો માટે સહન કરે છે
બાળક જેવુ પણ હોય, છતાં માઁ તો ફક્ત પ્રેમ જ કરે છે

કશી પણ આશા રાખ્યા વગર બસ આપતી રહે છે માઁ
એક બાળકને ઉછેરવા કેટલા કષ્ટો સહન કરે છે માઁ

અમે તો અમારુ નસીબ સમજીએ છીએ માઁ
જનમ્યા તુ જ કૂખેથી, તને સલામ કરીએ છે માઁ.

કલ્યાણી દેશમુખ

(21) “મા”

વરસાવે એ અમૃત અમી ,
મમતા ની એ મૂરત સમી ….
હિંમતથી મુશ્કેલી સહી ,
રહે અડગ પવૅત સમી ….
નથી પ્રજ્ઞાની એને કમી ,
જ્ઞાન – ગંગાની સરિતા સમી….
નથી કોઈને કદી ધુત્કારતી ,
દાખવે ક્ષમા ધરિણી સમી ….
કોઈ નહિ આ તો મારી ” મા “,
મારી એક સખી સમી ……
-Tejal Jatan shah

(22) “મા”

મા તારે આંગણિયે વાયું વહાણું
મા તારા પૂજનનું થયું ટાણું….
આકાશ ગંગાના જળ ભરી લાવું,
કિરણોના કંકુથી માને વધાવું,

ક્યા રાગે માડી આજે ગાઉં તારું ગાણું….
મા તારા પૂજનનું થયું ટાણું….

સાતે સમંદરના મોતીની માળા,
માડી તારાં પળપળ રૂપ નિરાળાં,

હું તો છું અબૂધ, તારી લીલા શું જાણું….
મા તારા પૂજનનું થયું ટાણું….

જીવતરની કેડિયુંને અજવાળાં દેજે,
અંતરના દીવડામાં ઝળહળ રેજે,

ધરતીનું રૂપ જાણે નયણે સમાણું….
મા તારા પૂજનનું થયું ટાણું….

-માધવ રામાનુજ

(23) “મા”

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
નથી એ હાથ હૂંફાળો નથી એ મેશનું ટીલું
મને એથી જ હર ડગલે હવે દુનિયાનો ડર લાગે

છે મારા નામ પર આજે રૂપાળાં કૈંક છોગાઓ
ન ‘બેટા’ કોઇ કહેનારું મને વસમી કસર લાગે.

જીવનના સર્વ સંઘર્ષોમાં સાંગોપાંગ નીકળતો
મને તારી દુવાઓની જ એ નક્કી અસર લાગે.

હજી મારી પીડા સાથે નિભાવ્યો તેં અજબ નાતો
હજી બોલી ઊઠું છું ‘ ઓય…મા’ ઠોકર અગર લાગે.

સદા અણનમ રહેલું આ ઝૂકે છે તારાં ચરણોમાં
મને ત્યારે હિમાલયથી યે ઉન્નત મારું સર લાગે.

– કિશોર બારોટ

(24) મા એટલે

મા એટલે…
..શબ્દ સંચાર નો પહેલો અક્ષર..
મા એટલે…
..પારણા થી પા પા પાગલી સુધી ની માવજત..

મા એટલે…
..આસુઓ ને હાસ્ય મા બદલી નાખતી પરી..

… પરંતુ…આજની કડવી વાસ્તવિકતા એ છે કે..

પહેલા તમે મા સાથે રહેતા..

અને આજે..

મા .. તમારી સાથે રહે છે…!!!

-વિઝન રાવલ , કાવ્ય ત્રિવેણી

(25) મા તે મા

મા તે મા ને બીજાં વગડાના વા
મા જેવી મા બીજી લેવા તો જા .

થકવી નાંખે એવો સંસાર છે આ

માના ખોળામાં પોરો થોડો ખા.

જ્યારે જ્યારે હૈયે વાગે છે ઘા

ત્યારે ત્યારે સાંભરતી કેવી મા!

છે સૌને મોટા થાવા બાબત હા

માતાને ભૂલી જાવા બાબત ના.

મોટો થઈને પણ હળવો હળવો થા

મા ગાતી’તી એ ગીતો તું પણ ગા.

-યશવંત ઠક્કર

(26) “મા”
નવ, નવ મહિના રહ્યો બાળ મા તારી ગોદમાં
કેટલી સુંદર,સુરક્ષિત,,સુંવાળી હતી એ ગોદ મા!

પીડાથી પિડાઈ હશે,આંખ માંથી આંસુ સરક્યા હશે મા!
કેટલો આરામથી! બેફીકર પોઢ્યો હતો એ ગોદમાં!

રડ્યો,ચાંપી છાંતીએ,મીઠા સ્તનો મોંમાં ધર્યા મા !
આંખ ખોલી જરા ડર્યો,રમવા લાગ્યો તને જોઈ મા!

કોને ખબર? કેટલાં દુઃખના દરિયા પીધા હશે તે મા !
ઉજાગર કરી કરી આંખ નબળી તારી બની હશે મા!

ઝંઝાવટો જાપટી,સુંવાળી પથારી પાથરી હશે મા!
મૌન ભાવે ભગીરથ કાર્ય કરી તું ગઈ મા !

આશિષ આપતી રહે “મા “કહી હાથ જોડી નમું મા!
જગત હાથ જોડે,ઈશ્વર હાથ જોડી તને નમે મા!

-વિશ્વદીપ બારડ

(૨૭) બીજા વનવગડા ના વા

શરણ વેઠીને , મરણ સુધીનું જેણે જીવતર દીધું આ,
અને કદીયે મુખથી ના ના નીકળી સદાયે હાં ની હાં,
આવ કહ્યું નહિં કોઈ કહેનારું, વહાલા વેરી સૌ કહે જા,
ત્યારે થાક્યા નો વિસામો, તું ક્યાં છે મારી માં…..ઓ મા……..
બીજા વનવગડા ના વા , તુ ક્યાં છે મારી મા,
ઓ ચાંદા મામા, તારી બહેની ને મારી જનની ના ,
ક્યાં છે વિસામા…… તુ ક્યાં છે મારી મા………

આ વિશાળ છે આકાશ, અને વસુંધરા ઘણી મોટી,
સ્થળ સ્થળ, જળ જળ, કણકણ માં, મારી આખ્યું માને જોતી,
બાળપણે પીવડાવ્યો એવો, એક પ્યાલો પાણી પા….તુ ક્યાં છે મારી મા………

જનમ્યા તે સર્જાયા મરવા, માત તાત ને ભ્રાત,
પણ મારી જેમ દુખીયારી ની, કદી મરશો ના કોઈ ની મા,
ફરી ઝુલાવી, હા લુ લુ હા….ઓ મારા લાલ,
ફરી ઝુલાવી ઘોડીયે એક હાલરડું તો ગા……

બીજા વનવગડા ના વા , તુ ક્યાં છે મારી મા,
ઓ ચાંદા મામા, તારી બહેની ને મારી જનની ના ,
ક્યાં છે વિસામા…… તુ ક્યાં છે મારી મા………

અવિનાશ વ્યાસ

(૨૮) મા,મમતા ને માયા

જન્મ સફળ થઇજાય, જ્યાં માની કૃપા મળીજાય
મમતાનો અણસાર મળે, ત્યાં સ્નેહ ઉભરાઇ જાય
માણી લેતા મોહ જગે,ભઇ માયાછે વળગી જાય
નાછુટે આકાયા જગથી,જ્યાં સઘળુ લુંટાઇ જાય
……. જન્મ સફળ થઇ જાય.
સંતાન થતાં માબાપના,શોધવો ના સંતાન પ્રેમ
મળીજાય માનવતાએ,જ્યાં સંસ્કાર સિંચન થાય
કુદરતનીએ અજબલીલા,કે માયામમતા લહેરાય
પાવન જગમાં જીવદીસે,જ્યાં પ્રભુ પ્રીતથઇજાય
……. જન્મ સફળ થઇ જાય.
માની લાગણી મળી જશે, સંતાન બની રહેવાય
મમતાનીપ્રીતના શોધવીપડે,ને દેહ ઉજ્વળથાય
સકળસૃષ્ટિમાં ન્યારી એવી,માયા જો વળગીજાય
જીવ જગતમાં દેહપામી,ઘડી ઘડી જન્મે ભટકાય
……. જન્મ સફળ થઇ જાય.

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૨૯) મારી “મા”

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,હું
સુતી હોઉં અને તાંરો હાથ માથે ફરતો હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

હું રોવું અને તારું મન રોતું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

હું રમતી હોઉં અને તું મને નીરખતી હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

ઘા મારો હોય અને દર્દ તને થયું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

હસતી હું હોઉં અને સુખ તને મળતું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

કોળીયો હું ખાંઉ અને પેટ તારું ભરાતું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે,,,

દૂર હું હોઉં તારાથી અને મારી છબી તારા માં જ હશે,,,,,

મારી માં , મારી માં , મારી માં …….

લી., રાધે-ક્રિશ્ના,,,,,,,

(૩૦) આંધળી માનો કાગળ

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે ;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા ;
રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી ;
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

-કવિશ્રી ઇન્દુલાલ ગાંધી

(૩૧) માતા વિના સૂનો સંસાર

કેમ કરી લજ્જા રહેશે, તાત? હું શેં ન મૂઈ મરતાં માત?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર?
જે બાળકની માતા ગઈ મરી, બાપ-સગાઈ સાથે ઊતરી,
જેમ આથમતા રવિનું તેજ, મા વિના તેવું પિતાનું હેજ.
સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિના જેમ તરફડે મચ્છ,
ટોળા-વછોહી જેમ મૃગલી, મા વિના તેમ પુત્રી એકલી.
લવણ વિના જેમ ફિકું અન્ન, ભાવ વિના જેહેવું ભોજન,
કીકી વિના જેવું લોચંન, મા વિના તાતનું તેવું મંન,
ઘડો ફૂટે રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી;
ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર.
-મહાકવિ શ્રી પ્રેમાનંદ (”કુંવરબાઈનું મામેરું”માંથી)

(૩૨) માતા

ગઝલ

યાદ આવે જ્યારે માતા આંખ પણ થમતી નથી
શોધતાં પણ માની મમતા જગમહીં મળતી નથી
હું કદી બિમાર પડતો તે સમય તું એકલી
રાત આખી જાગીને તું આહ પણ ભરતી નથી
મા નથી જેની જગતમાં તેને જઈ પૂછો જરા
શોધે છે નિજ માને દિકરો મા હવે જડતી નથી
મગફેરત તું માની કરજે છે દુઆ આ લાલની
કરગરું છું દિલની અંદર જીભ કંઈ કહેતી નથી
માના ચરણોમાં છે જન્નત વાત સાચી છે ‘હસન’
આમ કંઈ જન્નત મળે જે એટલી સસ્તી નથી

-હસન ગોરા ડાભેલી, બાટલી

(૩૩) મા ઉપરના હાયકુ

સુંઘે છે શીશ
મારું મા : સુભાગ્ય કે
નથી દેખતી !
*
માતાના સ્તને
અજાણ દુષ્કાળથી
બાલ કનૈયો
*
વઢકળી યે
લાગ મા કેવી વ્હાલી
વઘાર વેળા !
*
પારણે શિશુ,
શરદચંદ્ર : ગુંથે
ઝબલુ માતા
*
બેબી ના ફ્રોકે
પતંગિયુ : ઝુલતું
માની કીકીમાં
*
ખેંચતું માને
બંધ ઢીંગલીઘરે
રડે બાળક
*
“આયવો ભાઇ !”
વ્રૂધ્દ્રત્વ ખરી પડ્યું,
કોળ્યું કૈશોર્ય !
*
ઝીણાભાઈ રતનજી દેસાઈ ‘સ્નેહરશ્મિ’

(૩૪) દરિયો ડોલે રે માઝમ રાતનો

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે….ઝબકે જાણે સોણલે મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો, હે….માવડી જાણે વીરને હાલા ગાય રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

– ઝવેરચંદ મેઘાણી

(૩૫) “મા”

મારી નીંદરમાં વ્યાપ્યા અંધારાં
મા મારી પાંપણની બારસાખે ટાંગી દે
વારતામાં ટમટમતા તારા
આયખાના બંધબંધ ઓરડામાં
મા મને એકલું જાવાને લાગે બીક
આંગળી ઝાલીને તારાં હાલરડાં ચાલતાં’તાં
ત્યાં લગી લાગતું’તું ઠીક

મેળાની ભીડ મહીં ખોવાયા મા
હવે મારાં સૌ સપનાં નોંધારાં

લખભૂંસ છેકછાક એટલી કરી
કે નથી ઊકલતો એક મને અક્ષર
પાસે બેસાડી તું એકડો ઘૂંટાવે
એ આપ ફરી સોનાનો અવસર

ઝાઝેરું જાણવાની કેડીઓમાં
મા હવે અટવાઈ ઊભા વણઝારા

-સંદીપ ભાટિયા

(૩૬) “મા“નું નામ ખરે રૂપાળું

‘મા’નું નામ ખરે રૂપાળું.
મીઠું ને મનમોહક એ તો
છે દુનિયાનું પ્યારું … ‘મા’નું
મૃતને પણ છે જીવનદાયક,
વિષમાં અમૃત ન્યારું;
દુઃખદર્દનો છેક વિસામો,
અંધારે અજવાળું … ‘મા’નું

રણમાં છે એ મધુર વીરડી,
ભોજન ક્ષુધાર્ત સારું;
સ્વર્ગ તેમ મુક્તિથી મંગલ,
જીવનદાન અમારું … ‘મા’નું

કવિજન દેવ વળી પરમાત્મા
માને નિશદિન સારું;
કેમ કરીને કહી શકે કો
છે કેવું રઢિયાળું … ‘મા’નું

બોલાયે મુખમાંથી ત્યારે
તૂટે અંતર-તાળું;
‘મા’નુંયે મનડું મલકાયે
કેમ કહો ના વારુ ? … ‘મા’નું

‘મા’ની ફરજ છતાં છે ભારે,
સમજી લો તો સારું;
શરણાગતને પાળો રક્ષો
જીવન સુધરે મારું … ‘મા’નું

– શ્રી યોગેશ્વરજી

(૩૭) માં, હવે શું તને એકલું લાગે છે ?

માં,હવે શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?
વર્ષો સુધી ટીપે-ટીપે લાગણીઓ તું મને પિવડાવતી,
રોજ સવારે જોઈ મને તું ચહેરો કેવો મલકાવતી,

સ્કુલે જતા વહાલ ભરેલી ચુમ્મિઓ મને આપતી,
ઘરે પાછો ના આવું ત્યાં સુધી ઝાંપે પહેરો રાખતી,

ગુલાબજાબુંની ચાસણી જેવી મમતા તું વરસાવતી,
દોડા-દોડી કરાવું તો ગુસ્સાથી આંખો કેવી તું કાઢતી,

રોજ જ મારું મનગમતું ને ભાવતું ભોજન બનાવતી,
રોટલી ઉપર ઘી રેડી રેડી ને બહું તું મને ખવડાવતી,

ઉડવાનું તું બળ આપતી ને ઉડતા પણ શીખવાડતી,
ઢળી ગયેલા સૂરજ પછીની પરોઢ બનવા જણાવતી,

આજે…જ્યારે હું ઉડી ગયો છું,
પરોઢ બનવા નીકળી ગયો છું,

ત્યારે…માં,શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?

-દિગીશા શેઠ પારેખ,

(૩૮) મને મારી બા ગમે છે

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી્ શકું છું.
મમ્મી બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં મમ્મી કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે લાયંસ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ડિશ શીખવા ‘ cooking class’ માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડ્કયા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

– વિપિન પરીખ

(૩૯) માએ મનને ગજાવ્યાં

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે!
માએ અમને તેડાવ્યાં શબદચોકમાં રે!
લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે!

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે!

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે!

રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે!

મારે પીડાની મા કેવી હાજરાહજૂર!
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે!

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે!

– અશરફ ડબાવાલા

(૪૦) માવલડી

તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવે જી રે
બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળે જી રે

માનો તે ખોળો પ્રેમનું પારણું
સ્વર્ગનો લ્હાવો લૂંટાવે જી રે

જનનીનું હૈયું ધરણીનું ભરણું
નિત નિત વ્હાલે વધાવે જી રે

અમી વાદલડી વરસે નયનોથી
જીવનમાં તૃપ્તિ સીંચે જી રે

તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી
દિઠું ઋણી જગ સારું જી રે

મા ને ખોળે ઝૂલ્યા જાદવજી
વૈકુંઠના સુખ કેવા ભૂલ્યા જી રે

પૂજું મા તને ચરણ પખાળી
તુજ દર્શનમાં ભાળ્યા જગદમ્બા જી રે

રમેશ પટેલ ‘આકાશદીપ’

(૪૧) મમતા

મમ્મી,તારી મમતા,નિઃસ્વાર્થ પ્રેમ આગળ તો આ શબ્દો વામણા અને મારી કલમ બુઠ્ઠી!
મારી હર ક્ષણ ને તું કેટલાં આનંદ અને પ્રેમ થી સજાવતી રહી.
ક્યારેક પ્રેમ થી તો ક્યારેક તારા સ્નેહાળ ગુસ્સાથી સમજાવતી રહી.
તારા અમુલ્ય સંસ્કાર અને પ્રેમ ને તું હરપળ મારા માં સિંચતી રહી.
મારા પર ભુલથી પણ આવી જતી એક હળવી આંચ ને લઈ ને
તું ભગવાન થી યે રિસાતી રહી,ને સંજોગો થી લડતી રહી!
એક માં થી વધી ને તું ક્યારેક મારી દોસ્ત બની છે,
તો ક્યારેક મને જીવન નાં પાઠ શિખવવા એક કડવી શિક્ષિકા પણ બની છે.
મને શિખવેલ હર ઉપદેશ,સંસ્કાર નું પોતે જ આચરણ કરી ને મારી આચાર્ય બની છે તું.
હર પળ મને સાચો માર્ગ બતાવી મારી ગુરુ બની છે તું. ભગવાન કરતાં ય વધુ વિશ્વાસ તે મારી દરેક વાત માં મુક્યો છે.
રસોડામાં રસોઈ શિખવતા કે વાત વાત માં જ જાણે તે મને સંસાર ની પી.એચ.ડી શિખવી દીધી.
સહજ રીતે ન માનું એવી કેટલીયે વાતો તે મને તારા પ્રેમ નાં ઘુંટડે પિવડાવી.
અહીં,તારા થી હજારો માઈલ દૂર છું,છતાંય ક્યારેક ઉદાસ હોઉં ને ત્યાં જ તારો ફોન આવે”બેટા,તું મજામાં છું ને!! તને કેવી રીતે ખબર પડી જતી હશે મમ્મી.!?તું સાચ્ચે જ અનન્ય છે મમ્મી.

–ધ્વનિ જોશી

(૪૨) ચાલને મા આપણે ચાલીયે

ચાલને મા આપણે ચાલીયે
ચાલને મા આપણે ચાલીયે.
હળવા હળવા પડતા ફોરામા;
અડધા પડધા ભીન્જતા,
તપતી ધરતીની ઉઠતી ફોરમમાં
ને, જમીનના આ તારાઓમાં
રંગબેરંગી સુવાસ ભાળતા, ચાલને મા આપણે ચાલીયે.
વર્ષારાનીની ઝીણી ઝાંઝરીમાં,
મેધ-અશ્વોની હણહણાટી સાંભળતા,
વીજળીની ઝબુકતી રોશનીમાં; આ સૃષ્ટીના,
થોડા મિત્રોની પહેચાન તું સમજાવે,
થોડી ઓળખાણો હુ કરાવું;
વિકસતા સંબંધોના ઝુંડમાં ચાલને મા આપણે ચાલીયે.

આ કાળાશભર્યા રસ્તાઓમાં,
ને જંગલના છાંયડાની લીલાશમાં,
આ જીન્દગીને માણવા, જીરવવા,
ભુતકાળની વાર્તાઓ તું સુણાવે,
ભવિષ્યની શક્યતાઓ હું જણાવું,
વર્તમાનને જીવતાં જીવતાં ચાલને મા આપણે ચાલીયે.

Rachana Upadhyaya

(૪૩) માંની ગોદમાં

મમતા બધી લહેરાય છે જુઓ માંની ગોદમાં.
સ્વર્ગ પણ મ્હેકાય છે જુઓ માંની ગોદમાં
કરામત બધી સર્જાય છે જુઓ માંની ગોદમાં
પયંબરો બધા અંકાય છે જુઓ માંની ગોદમાં

ગાંડો હથીલો બાળ ને હમેશા અસ્તવ્યસ્ત
કેવો જઈ એ લપાય છે જુઓ માંની ગોદમાં

સંતો વલીને ભકતજન બન્યા એની હુંફથી
દાતાને શૂર પોંખાય છે જુઓ માંની ગોદમાં

કોણ અહીં અર્પી શકે નિર્મળતા એનાં પ્રેમની
સ્નેહ કળી ગુંથાય છે જુઓ માંની ગોદમાં

આંસુઓ નાં ફૂલ લઈને ફાતિહા હું પઢું
મારા ગુના ધોવાય છે જુઓ માંની ગોદમાં

કદમો તળે મા’ના જન્નત છૂપાઈ છે.વફા’
જિંદગી સહુ સચવાયછે જુઓ માંની ગોદમાં

– મોહમંદઅલી’વફા’

(૪૪) “મા”
નજર્યું ઠરે જ્યાં મારી
ઝાંખી માવલડી તારી
આ જિંદગી છે સારી
કૃપા માવલડી તારી

ખોળો મેં તારો ખુંદ્યો
જિવને પ્યાર માણ્યો
તારી યાદ છે સુહાની
માવલડી તું મઝાની

સ્વાર્થ તુને ના લગીરે
પરમાર્થની તું છબી રે
બસ હાથ તારો થામ્યો
જિવનને રાહ લાધ્યો

શ્રદ્ધા છે તુજમાં દિલથી
ડોલે કદી ના મુશ્કિલોથી
દિનરાત તારું સુમિરન
માવલડી તું ભગવન

-પ્રવિણા કડકિયા

(૪૫) “મા”

મારા ઉરે કોઇ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવાં નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું,ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું,
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઇ કરું પૂરાં.

– હરિશ્ચન્દ્ર ભટ્ટ

(૪૬) સૌ માત

મેલ સૌના કાપતી, નીર નિર્મળ રાખતી,
સરિતા આ કલકલતી, માતા ગણાતી થઇ.
ભાર બધા ઝીલતી, ઘાવો ઘણા છતાં,
સુંદર આ ધરા સદા, માતા મનાતી થઇ.

ચંદ્ર સંગ મ્હાલતી, વળી ઓસરી જતી,
શીતલ ને નમણી આ, ચાંદની ચળાતી થઇ.

વૃક્ષોની લાડકી ને સૌની યે માનીતી,
શાતા દેનારી આ, છાયા છવાતી ગઇ.

બાળુડાંના પ્યારમાં, અમ્રુત-ઝરા સમી,
છાતીના દૂધ થકી, જનની ભરાતી ગઇ.

તાપ, ખીણ, સંકટ ને હો નિરાશા બધી!
માત સૌના વ્હાલમાં, જિંદગી જિવાતી ગઇ.

-સુરેશ જાની

(૪૭) “મા”

આવો માને કરીએ પ્રણામ
મા તું ત્યાગનું પ્રમાણ
અંતરે તારે પ્રેમ નું ગાન
હરદમ દે આશિષનાં દાન
આવો માને કરીએ પ્રણામ
મા તેં ઘસી તારી આ કાયા
ન રાખ્યા સ્વાર્થ ને કદી માયા
બાળકોના સુખે વધે તારી શાન
આવો માને કરીએ પ્રણામ
મા તને શ્રીજીનો સહારો
શ્રીવલ્લભ ઝાલે હાથ તારો
મુખ કમળે અષ્ટાક્ષરનું ગાન
આવો માને કરીએ પ્રણામ
શ્રીજી સુણતું વિનતી ‘પમી’ની
માવડીની છે સેવામાં લગની
સુમિરન કરતાં છૂટે તેનાં પ્રાણ
આવો માને કરીએ પ્રણામ

-પ્રવિણા કડકિયા

(૪૮) “મા”
મા વિશ્વતણી જનેતા તુ, દેતી વર સહુ બાળગોપાળને;
કરૂં હું વન્દન વારંવાર મા, દીપો ભવસંગ સહુ જગતનાં.
હાર્યા-થાક્યા બાળ જ તારા, આવે તુજ દ્વારે મા કરો નહિ નિરાશ.
આસ્થા તુજ નામ તણી સાચી, ગુરુના સાચા પ્રેમી કૃપાપાત્ર.

રણમાં, વનમાં, કે જગતમાં, નથી તુજ વિણ કોઇ અવર;
પડતા, આખડતાને દેજે સહારો, મા કંટકતણાં પથ પર.
ભલે રૂઠે જગ વિશેષ, ના વિસારીશ તુ આ જીવનભર;
દીઠું મુખડું તારૂ મા અંબે, ના લાગે મુજ મન અન્ય ડગર પર.

મા તે મા બીજા વનના વા, એ સુણ્યું સાચું કરજે હે માત;
માયા સંસારની વીંટળાઇ વળી, તુજ વિણ કોણ ઉધ્ધારક માત.
આધિ, વ્યાધિ, ઉપાધિ, સહુ અર્પણ, મુજને નિવારજે ઓ માત;
કરી કસોટી ઘણાં જગ જનની, નથી તુજ વિણ કોઇ સ્વજન હે માત.

ભાંગ્યાની ભેરૂ, સાચો સહારો, નિર્મળ ચહેરો તારો;
વિસ્મૃતિ ના થાય કદીયે, મંગળ મૂરત, વદન સોહાયે.
છોરૂં કછોરૂં ભલે થઇ જાય, માવતર કમાવતર ના થાય કદીયે;
તારી ચરણરજ માથે ચઢાવી, તુજ ગુણ ગાઉ, નમન કરીને.

– બંસીધર પટેલ

(૪૯) મમતાની ગોદ
ઓ મા, ઓ મારી મા,

ગોદમાં તારી મુજને દે રમવા

બસ એટલું માંગું મારી મા,

ઓ મા, ઓ મારી મા….ઓ મા ….(ટેક)

તારા પ્રેમ ઝરણાનું નીર મેં તો ચાખ્યું,

તારા હેત-ભર્યા હાથોએ મુજ મસ્તક પંપાળ્યું,

હવે, તારી હેત-સરિતામાં મને તરવા દે,

ઓ મા, ઓ મારી મા,…. ઓ મા…(૧)

તારા ચરણસ્પર્શ કરી હું તો પાયે લાગું,

તારા પગ તળે રહ્યું મારૂ સુખ ને સ્વર્ગ !

હવે, તારા શરણે જીવન મારૂ વહેવા દે,

ઓ મા, ઓ મારી મા,…..ઓ મા…. (૨)

તારા હાસ્યમાં મારૂ હાસ્ય,

તારા નયને પ્રભુને નિહાળું,

હવે તો, ચંદ્રને ગોદમાં લેજે,

ઓ મા, ઓ મારી મા……ઓ મા…. (૩)

-ડો.ચંદ્રવદન મિસ્ત્રી

(૫૦) મમતાનો વીરડો રે
હે એવો મમતાનો વીરડો રે મારી માવડી.
હે વહે સદા આંખે અમીધાર રે માવલડી મારી.

હે એવા મધથી રે મીઠડાં તે તારા વેણલાં
હે હોઠે ઝરે હેત ભારોભાર રે માવલડી મારી.
મમતાનો વીરડો રે…

હે એવા પથરાં રે જેટલાં રે પૂજ્યા દેવને… રે માએ (2)
હે નવનવ મહિના કોઠે જીલ્યા વાર રે માવલડી મારી.
મમતાનો વીરડો રે…

હે એવા ભીને રે રહીને સૂકે સૂવડાવ્યા
હે કેમ ભૂલું હું મા તારા ઉપકાર રે માવલડી મારી.
મમતાનો વીરડો રે…

હે જનની જાણે જગદંબાનું રૂપ રે માવલડી મારી.
હે એવો મમતાનો વીરડો રે મારી માવડી.

-લોકગીત

(૫૧) મમતાના મોલ
અષાઢી મેઘ ગજાવે અંબર,માડીની મમતાના મેઘ અનરાધાર
જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર

નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડી, એના અંતરે સ્નેહની સુગંધ
સાંભળી કંઠે હાલરડાંના બોલ, ઊભરે ઉરે ઉમંગ નિર્બંધ

સાગર સરીખાં માનાં હેતડાં, જિંદગીએ ઝૂમે પૂરી નવરંગ
સંતાનો કાજે ઝીલ્યાં દુઃખડાં, માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ

ઉપવનમાં ખીલે જેમ રંગી વસંત,મુખે રેલાવે ભાવનાના રસરંગ
જાણે રમે ચાંદની છોડી ગગન, એવા માના છે શીતળ રૂપરંગ

માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ
માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ

કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ
માના અધરે રમતી મમતાએ, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ

સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી, તારી મમતાના મોલ અણમોલ
મા જશોદાને ખોળે ભૂલ્યો’તો શામળો, વૈકુંઠના વૈભવના તોલ

રમેશ પટેલ ‘આકાશદીપ’

(૫૨) જનની

જગની સઘળી શાતાની તું દાતા
જન્મદાતા વિધાતા તું માતા

પાવન તીર્થો સમાયાં તારા ચરણે

માણે શીશુ સ્વર્ગ તવ શરણે

ઈશ્વરની પ્રતિકૃતિ છે માની સૂરત

સર્વ સ્નેહથી વડી તારી મૂરત

સંતાન કાજે ત્રિવિધ તાપે તપતી

સમર્પણ તપસ્યાની તું મંગલ મૂર્તિ

ઝીલે આશીષ બાળ તારા સુભાગી

લાગે પાય ભાળી તારામાં અવિનાશી

-રમેશ પટેલ ‘આકાશદીપ’

(૫૩) મારી વ્હાલી બા

મારી વ્હાલી બા,
વંદન કરૂં છું તને, ઓ મારી વ્હાલી બા !
બીજરૂપે નવમાસ પેટમાં પોષણ કરી,
માનવ દેહ આપ્યો છે મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?….મારી….(૧)
વેદનાઓ અતી સહન કરી,
એક માનવદેહરૂપે જન્મ આપ્યો મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…મારી….(૨)
નાજુક હતો, ‘ને ચાલી ના શક્યો જ્યારે,
પ્રેમ્થી ગોદમાં લઈ,વ્હાલ ખુબ આપ્યો મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી….(૩)
મુખે નથી દાંતો કે નથી પ્રાચન શક્તિ એવી મારી,
તુજ દેહમાંથી વહેતી દુધની ધારાની કૃપા હતી મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી…(૪)
બચપણની કોમળતાના દિવસોમાં,
રમાડ્યો ‘ને વ્હાલ સાથે છાયા મળી મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી…(૫)
ગઈ યુવાની ‘ને મોટો થયો જ્યારે,
નિહાળ્યો હમેંશા પ્યારથી એક બાળરૂપે મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?… મારી….(૬)
આજે, જ્યારે, તું છે પરલોકમાં,
તારી જ મધૂર યાદમાં, મળે આશરો મુજને !
ઉપકાર એનો દર્શાવું કેમ તુજને ?…..મારી…(૭)

-ડો.ચંદ્રવદન મિસ્ત્રી

(૫૪) “બા”

બા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,
બા તુ પ્રેમ નો દરિયો,હુ ઝરણૂ માત્ર પ્રેમનુ,
બા તારી વાત મા છે પ્રેમ,તારી આખમા પ્રેમ,
તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ…!
બા તે વેદના સહી તુ લાવી મને આ સસાર મા,
મારા બચપન મા બા
તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,
તુ જાગી અને મને હાલા વાહલા કરી સુવડાવ્યો,
તુ ભુખી રહી અને મને કોળીયે કોળીયે જમાડ્યો,
તે ચાલતા ય મને ડગલે ને પગલે સીખવાડીયુ ,
તે મને સારા નરસાની રીતભાત મને સીખવાડી,
તુ મારી ઉદાસીમા ઉદાસ ને મારી ખુસીંમા ખુસતુ,
તારા બુઢાપા મા બા
તે આપી મને આ સસારમા ખુબ ખુસી અને આજ તારી એકલતા ની વાત આવી,
તે આખી જીદગી મને સાથ આપી ના તને કોઇ દિવસ મજબુરી ના વચ્ચે આવી,
બધા પાસે કામજ કામ,ના કોઇ સાથ બાને આપે,મને મારી ઓફિસ વચ્ચે આવી,
બા તારી સામે કે ના તારી વચ્ચે ના આવવા દહીસ કદીય હુ હવે ઓફિસ ઓફિસ,
તારા પ્રેમ નુ કરજ થાય અવડુયે મોટુ મોટુ કે,
મારા ચામડી ના જુતા બનાઉ તોઇ પડૅ ઑછુ,
બા તારા ચરણૉ મા સ્વર્ગ છે આ પુરા સસારનુ,
બા તારુ સ્થાન મારા માટૅ ભગવાન કરતાય મોટુ,

-ભરત સુચક

(૫૫) મા તે મા

મા તે મા ને બીજાં વગડાના વા
મા જેવી મા બીજી લેવા તો જા .
થકવી નાંખે એવો સંસાર છે આ
માના ખોળામાં પોરો થોડો ખા.

જ્યારે જ્યારે હૈયે વાગે છે ઘા
ત્યારે ત્યારે સાંભરતી કેવી મા!

છે સૌને મોટા થાવા બાબત હા
માતાને ભૂલી જાવા બાબત ના.

મોટો થઈને પણ હળવો હળવો થા
મા ગાતી’તી એ ગીતો તું પણ ગા.

-યશવંત ઠક્કર

(૫૬) “મા”

મા
શક્તી છે કણકણમાં, એનો વાસ અખીલ બ્રહ્માંડમાં;
સાકાર, નીરાકાર, સચરાચર વ્યાપેલી એ ઘરઘરમાં.
અણુ રુપે, પરમાણુ રુપે, સકલ જગતમાં, તલવીતલમાં;
સ્વરુપ, અરુપ, કુરુપ, સર્વે સર્જન છે ખુબ ન્યારુ ન્યારુ.
લાગણીના તંતુએ બાન્ધે, માયા તણા એ ખેલ ખુબ ન્યારા;
કુદરતના તત્વોમાં પણ ભાસે, રોમરોમ સર્વ પુલકીત થાયે.

– બંસીધર પટેલ

(૫૭) “માતૃત્વ’”

એક દિ કુદરત ને
આવ્યો હશે વિચાર.
સર્જું કાંઇક એવું,
હોય જેમાં ખુબીઓ અપાર..
મોહકતા દીધી સહુમાં કંઇક,
ખુટતું તોય લાગે વારંવાર.
સર્જું હું કંઈક એવું જે,
હોય સઘળા સર્જન નો સાર.

ઝરણા ની નિર્મળતા લીધી,
ને માંગી નદી ની સરળતા.
વૃક્ષો ની લીધી પરોપકારતા
ને માંગી દરિયા ની વિશાળતા
થોડી લીધી પહાડ ની કઠણાઈ,
ઝઝુમી ને રહેવા અડીખમ.
કુલો થી લીધી કોમળતા,
ને અર્પી સઘળી સુંદરતા..
અને
નામ દીધું એને..

”નારી”…

હજુંય કઈક લાગ્યું ખુટતું.!!
તો
મુકી એમાં મમતા…

ન કર્યું પછી એણે કાંઈ,
ખિલવાદીધો રંગ મમતાનો.
સઘળા ગુણો સમાયા એમાં,
ન મળ્યો કોઈ પર્યાય મમતાનો.

જીવથી ય વધુ જતન કરે એ,
આવવા ન દે એ કોઇ આંચ,
સંજોગ,પરિસ્થિતિ ની શું વિસાત.!
એ હરાવતી એમને સાચેસાચ..

છલકતો અઢળક પ્રેમ,
છે એનું અનન્ય અસ્તિત્વ,
દુનિયા નાં સહુ સંબંધમાં,
છે મુઠઠી ઉંચેરું ‘માતૃત્વ’.
-ધ્વનિ જોશી

છે વિશ્વ માટે, તું અમારી માઁ,
છે અમારે મન, તું જ વિશ્વ માઁ.

******
”મમતા નો અર્થ ક્યાં શબ્દકોષો માં મળે!,
તારો પ્રેમ ક્યાં શબ્દો માં સમાય છે.

(૫૮) “માતૃત્વ’

“માતૃ દેવો ભવઃ

જન્મ આપ્યો જેમણે અને લાવ્યા આપણને આ દુનીયામા
કેમ ભુલાય તેમને આપણાથી આજના દીને આ દુનીયામા
વેઠ્યુ હશે કેટલુક દુઃખ આપવાને આપણને આ જન્મ
ભગવાન પાસે પણ ફેલાવ્યો હશે છેડો તેણે આ દુનીયામા
લોહી પીવડાવી કર્યા છે મોટા તેમણે આપણને
ઋણ નહી ઉતારી શકીયે તેનુ ક્યારેય આ દુનીયામા
કર્યા હશે ઘણા ખેલ તેની સાથે આપણે
ભુલી બધુ બધી જીદો કરી છે પુરી આપણી આ દુનીયામા
ન ભુલતા તેમને ક્યારેય ઓ નિશિત
આંગળી પકડી શિખવ્યુ છે ચાલતા તેમણે આ દુનીયામા

“નીશીત જોશી”

(૫૯) Mother

My mother is like a tall fruit tree
Because she is strong,tall and big.
My mother is a like morning
Because she is like sun shine coming up.
My mother is like a mango
Because she is sweet and delicious.
My mother is like the thunder
Because she is sometimes angry with me.
My mother is like an armchair
Because she is cozy and warm.

-G’shyam Vaghasiya Surat,Gujarat,India.

(૬૦) A Poem For Mom …

You are the sunlight in my day,
You are the moon I see far away.
You are the tree I lean upon,
You are the one that makes troubles be gone.
You are the one who taught me life,
How not to fight, and what is right.
You are the words inside my song,
You are my love, my life, my mom.
You are the one who cares for me,
You are the eyes that help me see.
You are the one who knows me best,
When it’s time to have fun and time to rest.
You are the one who has helped me to dream,
You hear my heart and you hear my screams.
Afraid of life but looking for love,
I’m blessed for God sent you from above.
You are my friend, my heart, and my soul
You are the greatest friend I know.
You are the words inside my song,
You are my love, my life, my Mom.

કવિતા – પુત્ર – બેટા – દીકરો

3

|| કવિતા – પુત્ર – બેટા – દીકરો ||

(૧) પિતા તરફથી પુત્રને

તને સાઇકલ સાથે આપું છું વાદળ,
જજે એક દિવસ તું મારાથી આગળ.

હવે લખજે એને તું તારી જ રીતે,

તને જન્મ સાથે મળ્યો કોરો કાગળ.

ક્ષમા, નીતિ, શ્રદ્ધા, સમર્પણ અને સત્,

કદી ના ખુટાડીશ આત્માનાં અંજળ.

અદેખાઇ, ઘૃણા છે નબળા હરીફો,

રહે તું ગતિમય, તો રહે સઘળું પાછળ.

કદી વારસાની અપેક્ષા ન રાખીશ,

પરોઢે પરોઢે નવું હોય ઝાકળ.

કિરણકુમાર ચૌહાણ

(૨) દીકરાની ઝંખના

લીંપ્યુ ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયા-મે’ણાં માતા ! દોહ્યલાં.

દળણાં દળીને ઉભી રહી;
કુલેરનો માંગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

મહીડાં વલોવી ઉભી રહી;
માખણનો માગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

પાણી ભરીને ઉભી રહી;
છેડાનો ઝાલનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

રોટલા ઘડીને ઉભી રહી;
ચાનકીનો માંગનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

ધોયો ધફોયો મારો સાડલો ;
ખોળાનો ખૂંદનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

(એ પ્રમાણે પુત્ર મળતા ગાય છે…)

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દીધો, રન્નાદે !
અનિરુદ્ધ કુંવર મારો લાડકો.

– લોકગીત

(૩) તમે મારા દેવના દીધેલ છો

તમે મારા દેવના દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,

આવ્યા ત્યારે અમર થઈને રો’!

મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું ફૂલ,

મા’દેવજી પરસન થિયાં ત્યારે આવ્યાં તમે અણમૂલ,

તમે મારૂં નગદ નાણું છો, તમે મારૂં ફૂલ વસાણું છો,

આવ્યા ત્યારે અમર થઈને રો’!

મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું હાર,

પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે.

હડમાન જાઉં ઉતાવળીને જઈ ચડાવું તેલ,

હડમાનજી પરસન થિયાં ત્યારે ઘોડિયાં બાંધ્યા ઘેર. – તમે

(પછી નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે…)

ચીંચણ પાસે પાલડીને ત્યાં તમારી ફૈ,

પાન સોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રૈ. – તમે

ભાવનગરને વરતેજ વચ્ચે બાળુડાની ફૈ,

બાળુડો જ્યારે જલમીયો ત્યારે ઝબલા ટોપીમાં થી ગૈ,

બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરા માંથી રૈ, – તમે.

– ઝવેરચંદ મેઘાણી

(૪) દીકરો મારો લાડકવાયો

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

-કૈલાશ પંડિત

(૫) આંધળી માનો કાગળ અને દેખતા દિકરાનો જવાબ

|| આંધળી માનો કાગળ ||

અમ્રુત ભરેલું અંતર જેનું ,સાગર જેવડું સત,

પુનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,

ગગો એનો મુંબઇ કામે ,

ગીગુભાઇ નાગજી નામે .

લખ્ય કે માડીને પાંચ વરસમાં પહોંચી નથી એક પાઇ ,

કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઇ ,

સમાચાર સાંભળવા તારા ,

રોવું મારે કેટલા દહાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય ,

દન આખું જાય દાડિયું ખેંચવા, રાતે હોટલમાં ખાય ,

નિત નવા લુગડા પહેરે ,

પાણી જેમ પૈસા વેરે .

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી ખૂટનું માપ ,

દવાદારુનાં દોકડા આપણે લાવશું ક્યાંથી બાપ ?

કાયા તારી રાખજે રુડી ,

ગરીબની ઇ જ છે મૂડી .

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ ,

જારનો રોટલો મળે નહીં તે દી પીવું છું એકલી છાશ ,

તારે પકવાનનું ભાણું ,

મારે નિત જારનુ ખાણું .

દેખતી તે દી દળણા પાણી કરતી ઠામે ઠામ ,

આંખ વિનાની આંધળીને હવે કોઇ ના આપે કામ ,

તારે ગામ વીજળી દિવા ,

મારે અહીં અંધારા પીવા .

લિખિતંગ તારી આંધળી માનાં વાંચજે ઝાઝા જુહાર ,

એકે રહ્યું નથી અંગનું ઢાંકણ , ખુટી છે કોઠીએ જાર,

હવે નથી જીવવા આરો ,

આવ્યો ભીખ માંગવા વારો .

|| દેખતા દિકરાનો જવાબ ||

ફાટ્યા તુટ્યા જેને ગોદડી ગાભાં, આળોટવા ફુટપાથ ,

આંધળી માનો દેખતો દિકરો કરતો મનની વાત ,

વાંચી તારા દુખડા માડી , ભીની થઇ આંખડી મારી .

પાંચ વરસમાં પાઇ મળી નથી એમ તું નાખતી ધા ,

આવ્યો તે દિ થી હોટલને ગણી છે માડી વિનાની મા ,

બાંધી ફુટપાયરી જેણે રાખ્યો રંગ રાતનો એણે .

ભાણિયો તો માડી થાય ભેળો જે દી મીલો બધી હોય બંધ ,

એક જોડી મારાં લુગડામાં એને આવી અમીરીની ગંધ ,

ભાડે લાવી લુગડા મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા .

દવાદારુ અહીં આવે ના ઢુકડા એવી છે કારમી છે વેઠ ,

રાત ને દિવસ રળું તોય મારું ખાલી ને ખાલી પેટ ,

રાતે આવે નિંદર રુડી , મારી કને એટલી જ મૂડી!

જારને ઝાઝા જુહાર કહેજે , ઉડે અહીં મકઇનો લોટ ,

બેસવા પણ ઠેકાણું ના મળે ,કૂબામાં તારે શી ખોટ?

મુંબઇની મેડીયું મોટી ,પાયામાંથી સાવ છે ખોટી .

ભીંસ વધી ને ઠેલંઠેલા, છાસવારે પડે હડતાળ ,

શેરનાં કરતાં ગામડામાં મને દેખાય ઝાઝો માલ ,

નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે .

કાગળનું તારે કામ શું માડી? વાવડ સાચા જાણ ,

તારા અંધાપાની લાકડી થાવાનાં મેં લીધા પચખાણ ,

હવે નથી ગોઠતું માડી વાંચી તારી આપદા કાળી !

ઇંદુલાલ ગાંધી

કવિતા – પુત્રી – બેટી – દીકરી

5  4

|| કવિતા – પુત્રી – બેટી – દીકરી ||

(૦૧) આવ્યો અવસર આંગણિયે

આવ્યો અવસર આનંદનો આંગણિયે આજ,
રુડાં ગીતો ગુંજ્યાં ફળિયે આજ;
હરખ હરખ હરખાતું કુટુંબ કબીલું આજ,
લીલાં તોરલીયા હરખાય બારણે.
હૈયું રુએ બાપનું, ભરી બારણાને બાથ,
છુટી રહ્યો સાથ સઘળો આજ.
માતા વળી લૂછે આંસુ પાલવ પકડી,
આત્મીય હતી તે વળાવી આજ.
સહેલી બધી વીટળાઇ રહી એકબીજાને સાથ,
સખી તો થઇ પરાઇ આજ.
સખી સહેલીઓ ગુંજે રે સંભરણા અતીતનાં,
ને સખી જાય પરાયાને ઉજાળવા.
‘શ્યામ’વસમી આ વિદાયને ઉતારે શબ્દમાં,
ને દીકરી ચાલી સાસરે આજ.

-ઘનશ્યામ વઘાસીયા

(૦૨) દીકરી વિદાય પછી

આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું, હવે
લાગે સાવ સૂનાં સૂનાં, દીકરી વિદાય પછી.
સદાય હસતી આંખમાં ઘટના બની નવી,
આંસુ વહ્યાં ઊના ઊના, દીકરી વિદાય પછી.
હંમેશા હેતથી બોલાવતી,ને પ્રેમથી પુકારતી,
એ અવાજ પડઘાય ઓરડે, દીકરી વિદાય પછી.
આ બારણું, આ મંડપ ઊભા સાવ સૂનાં,
લટકે છે તોરણ આંસુનાં, દીકરી વિદાય પછી.
આસોપાલવના તોરણ અને ઉદાસ આ હવા
વૃક્ષો ઊભા બધાં છાનામાના, દીકરી વિદાય પછી.
ઊડી ગયું પંખી, કલરવ કરતું આંગણેથી,
લ્યો,ઘૂઘવે છે દરિયા લૂના, દીકરી વિદાય પછી.
આ પાદર આખુંય હિબકાં ભરે ને
હૈયડાં વલોવાય,’શ્યામ’નાં, દીકરી વિદાય પછી.

-ઘનશ્યામ વઘાસીયા

(૦૩) દીકરી ચાલી સાસરે

ખેલતું કૂદતું ફળિયું લઇને, દીકરી ચાલી સાસરે
આંગણું ઘરનું સૂનું કરીને, દીકરી ચાલી સાસરે
બારી-બારણા ય રડતાં મૂકી,દીકરી ચાલી સાસરે
છોડી ગુંજતાં ઘરનો સાથ રે,દીકરી ચાલી સાસરે
સખીઓ સાથે જનેતા ભળી,શ્રાવણ વરસે નયન,
માને મેલી પિતાને સાથ રે,દીકરી ચાલી સાસરે
આંખો બની દરિયો આજ, દીકરી ચાલી સાસરે
બાપને મૂકી ભાઇને આશરે, દીકરી ચાલી સાસરે
‘શ્યામ’ના આંસુ શેં સુકાય,દીકરી ચાલી સાસરે

-ઘનશ્યામ વઘાસીયા

(૦૪) દીકરી મારી

દીકરી તારા વીનાની સુકી મારા સંસારની વાડી !
ફુલો વીના સુની પડી વાડી યાદ કરજે દીકરી મારી
ઉર્મી તણો કો છોડ ઊગ્યો પણ અન્નજળ થયા પુરા
સ્નેહના ખાતરથી ખીલવી હતી ફુલ સમી દીકરી મારી
લેખ હશે ત્યારે તારી ચાહે દીકરી દોડી આવજે
પંચ્મ સુરે પાપાની યાદમાં ગીતો ગાશે દીકરી મારી
મારે માથે હેતાળ હાથ ફેરવી પુછે ખબર મારી
કોઇ જુવે ના તેમ છાની ખબર લેશે દીકરી મારી
ઉછળતી કુદતી ને હસતી ગાતે ખોળે રમતી મારા
શાંત ઝરણાંની જેમ દુર વહેતી રહેશે દીકરી મારી
જીવનની ઉર્મિઓને ખોળે ભરી દીકરી સાસરે જશે
હૈયામાં જીવનભર એક ખાલિપો ભરી જશે દીકરી મારી
સુખ અને દુખની આવન-જાવન નશીબના ખેલ
ના અડકે એકેય દુઃખ તને સુખી રહેજે દીકરી મારી

(નરેશ કે.ડૉડીયા)

(૦૫) કન્યાવિદાય… લેખ તારા લઈ ગયા રે લોલ

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં એ લોલ.
દાદા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ધેડી મારી, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.

કાકા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ભતરીજ, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.

લોકગીત

(૦૬) દીકરીની બે કવિતા

જીવનને મહેંકવા દો
કળીઓને બાગમાં ખીલવા દો,

પક્ષીઓના ગાનમાં ચહેકવા દો,

ઝરણા સાથે ખળખળ વહેવા દો,

ફૂલોના પમરાટમાં મઘમઘવા દો,

પારિજાતના સહારે લતાને પાંગરવા દો,

ગર્ભના અંધકારમાં પલતી દીકરીને

દિનનો ઉજાસ નિરખવા દો…

–જયદીપ

મા, જરા વિચાર કરી જો,

તું પણ કોઈની દીકરી જ છે ને ?

તને જનમવા જ ના મળ્યું હોત તો ?

મા,હું તારી સહેલી બનીશ,

સુખદુ:ખની સાથી બનીશ,

મારે ઢીંગલીઓથી રમવું છે,

મારે કેટલું બધું ભણવું છે,

મારા સપના ને મારા અરમાન,

તું નહી સમજે, તો કોણ સમજશે ?

***

પિતાજી ને ,

તમને હું શું કહું ?

દીકરી બની તેમાં મારો વાંક શો ?

છતાં પણ તમને વચન આપું છું :

હું ક્યારેય કોઈ જીદ નહીં કરું,

દીકરા કરતાયે સવાઈ બનીશ…
***

મારી જિજીવિષાએ તમને જગાડ્યા,

ગુસ્સે તો નથી થયાને?

પણ હું બીજું શું કરું ?

આ અંધકારમાં મને બીક લાગે છે,

દુ:સ્વપ્નો મને સતાવે છે,

મને સૂરજ જોવા નહી મળે?

શું મને જનમવા નહી મળે?

***

મને જનમવા તો દો

–જયદીપ

(૦૭) દાદા હો દીકરી

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ

વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ

પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ

સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ

ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ

દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ

માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ

અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ

વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ

વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

-લોકગીત

(૦૮) વિદાયવેળા પિતાની દિકરીને શીખ

પતિનું ઘર અએ દુનિયા આજથી તારી બની જાશે
હવે કન્યા મટી તું અએક સન્નારી બની જાશે
પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે
કુટુબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે
પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે
દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે
સલામી લે અમારી યાદ હૈયે સંઘરીને જા
દુઆઅઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા
-કુતૂબ આઝાદ

દીકરી

સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી.

હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી.

– જીગ્નેશ અધ્યારૂ

(૦૯) બહેન મારી

લાલ ને લીલી, વાદળી પીળી,
કેસરી વળી, જાંબલી વળી,

રંગબેરંગી ઓઢણી લઉં,
બહેન મારીને ઓઢવા દઉં!

સોનીએ ઘડ્યાં રૂપલે મઢ્યાં,
નાના નાના ઘૂઘરા ઝીણા,

એવી બે ઝાંઝરીઓ લઉં,
બહેન મારીને પહેરવા દઉં!

ચંપા બકુલ, બોરસલી ફૂલ,
માલતી ને મોગરાનાં ફૂલ,

બાગમાંથી હું લાવી દઉં,
બહેનને વેણી ગૂંથવા દઉં!

ઓઢણી તમે ઓઢજો બેની,
ઝાંઝર પગે પહેરજો બેની,

વેણી માથે ગૂંથજો રે….!
બાગમાં ઘૂમી હીંચકે હીંચી,

સાંજરે વહેલા આવજો રે,
ભાઇને સાથે લાવજો રે…..!

-સોમાભાઇ ભાવસાર

(૧૦) દીકરી વિદાય

દીકરી હું તને કરું આજ વિદાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…
ફૂલોથી તારી રાહ સજાવી,
આંસુ થકી આંખ છલકાય,
સુખ્ નો સૂરજ આંગણ મલકાય,
દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,
હરપળ એ ક્ષણ ને વિચારું,
આંસુ ને ખુશાલી તારા,હ્ર્દયે મેં આજ ખંડારી,
તારા સ્મિતથી આખું ઘર મલકાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

તારા જનમની એ શુભ વધામણી,
હરપળ એ ક્ષણને સંભારું,
પિતા નહીં, એક સાચા મિત્ર બની,
તારા નજૂક હાથને થામ્યો,
તારા નાજુક પગલાની આહટ,
આજ હજુ એ આહટ સંભળાય.
મારી લાડલી ઘર છોડી ને જાય…

સૂરજ ઉગશે,તારા ઊગશે,
ચાંદની ચંદા સાથ ચમકશે,
તારી ચુડી ,તારા પાયલ,
સાસરીયાના આંગનમાં છનકશે,
સુનું સુનું આ ઘર મારું,
તારી યાદો હરપળ આવે,
તું નથી આ ઘરમાં તોયે,
તારી હાજરી હરક્ષણ વર્તાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

– વિશ્વદીપ બારડ

(૧૧) દીકરી

દીકરી નથી સાપનો ભારો.
દીકરી તો છે ફુલ નો ક્યારો.
દીકરી થકી છે અજવાળુ.
દીકરી વીના સગળ કાણુ.
મા-બાપને કશુંક થાય ,
દીકરીનું દિલ વલોવાઈ જાય,
મા, દીકરી, બહેની,
ઍના પ્રેમમાં ના આવે કદી કમી,
દીકરી પ્યારનું અક્ષય પાત્ર,
ત્યાગ, સમર્પણનું સમસ્ત શાસ્ત્ર.
સ્વાર્થ નું સગપણ ઍવું , ઍ તો તડ પડે કે તૂટે,
દીકરી તો સ્નેહની સરવાણી, નિત્ય નિરંતર ફૂટે.
દીકરીના પગલે લાગે બધું મનોહર,
દીકરી વિનાનું ગર જાણે વાગ્યા વિનાનું જાજર,
દિકરો-તારે ની બુઢાપામાં પાળે ઍ નાહકનો ભ્રમ,
દીકરી જ ઠારે, આંસુ સારે, ભવ તારે ઍ સૃષ્ટિનો ક્રમ.
દીકરી અવતરતાં મોઢુ ફેરવે માં-બાપ,
ક્યા ભાવે છુટશે કરીને ઍવા પાપ.
દીકરી (દુહીતા) નૅ ના દુભવશો,
વિધાતા વેરી કરશો,
દીકરી જશે જે ઘરથી ત્યાં ફરી વળશે અંધારુ,
દીકરી વિનાનું જાણેકે, મીઠુંજળ પણ ખારૂ.
દીકરી જતાં લાગશે સૂનું,
જગત આખું ભાસશે જૂનુ.
આવી દીકરીની વિદાય,
મા-બાપથી કેમ સહેવાય.
દીકરી જતાં સાસરે,
મા-બાપ ભગવાનના આશરે

Prakash Rathod

(૧૨) લગ્નની વિદાય સમયનું રુદન

હાથોમાં મંહેદી શોભે ને ફુલોની મહેક,
નવા સબધોનું પાનેતર પહેરી ને તે,
આજે તો લાડલી બની છે રે દુલ્હન….
બાપાની લાડકી ને માંની છે દુલારી,
ચાલી રે ચાલી તેતો તેના ધામે ચાલી
અમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
તેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
તેનો અવાજ દિલમાં કેદ કરીને ચાલી,
બધી શરારત ને જીદ મુકીને ચાલી,
તેના હાસ્ય માટે અમે કરતા જતન,
બસ ઘરને તે તો રડતુ મુકીને ચાલી,
આજે વ્હાલી બહેન છોડી ચાલી અમને.
તેના ઝઘડા મુકીને મૌન મુકીને ચાલી,
કેટલાય નવા સંબધો બાંધવા ચાલી,
આજે પુત્રી માંથી પત્ની બની ચાલી,
બસ દીપક હતી અમારા કુળનીતેતો,
આજે બીજા કુળની પણ દીપક થઈ.
તેનો પ્રકાશ હવે જગમગશે સમાજમાં.
આંખોમાં નવા સ્વપનોના આકાશને
તે તો આજે ચાલી તેના ઘરે ચાલી,
બસ કાચની ઢીંગલી છે અમારી આતો,
કરજો જતન પ્રેમથી બસ ના તુટે તેમ,
અમારા કાળજાનો ટુકડો સોંપ્પો છે તમને,
અમારા લોહીથી ને આંસુથી સીચી છે.
તેની આંખ માં કદીય ન આવે પાણી,
કરજો તેવું જતન બસ હવે તમે પણ,
તેની ભૂલને અમારી કચાશ જ માનજો,
ને મીંઠો ઠપકોય અમને જ પાઠવજો.

-બટુક સાતા

(૧૩) દીકરી સૌની લાડકવાયી

નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
મમ્મીનો એક હાથ છે દિકરી
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી
પપ્પા-મમ્મી ની ‘દિશા’ દિકરી

pradip bramhbhatt

(૧૪) ભૃણ હત્યા

મા બોલ
હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ?
પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો,
આંખોની પેલે પાર બહુ વાગે છે ને ?
તારામાં ઊગી’તી એ નાનીશી વેલને,
પહેલાં તો આપ્યો’તો આધાર,
તારામાં શ્વસતો એ જીવ હું છું,
એ જાણ્યા પછી પેટનો યે લાગ્યો’તો ભાર ?
અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ?

તમારું પણ કેવુ પહેલાં તો
પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો,
પેટમાં દિકરો નથી એવી ખબર પડે
પછી ભગવાનને કહી દો, તમે જ રાખો !
અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ?

છૂટાં પડતા રડવું આવે,
એવો આપણો ક્યાં હતો સંબંધ?
તારાં ય જીવતરની પડી ગઈ સાંજ
આકાશનો લાલ લાલ થઈ ગયો રંગ !
પરી જેવી ઢીંગલી ચુમી ભરે એવું શમણું હજીયે આવે છે ને?

-એષા દાદાવાળા

(૧૫) દિકરી

* માતા-પિતાનું વહાલસોયું રતન છે દિકરી,
* એક અવતારમાં બે કુળ ઉજાળનાર દિકરી,
* નારીનાં નવલા રૂપધારી એવી છે દિકરી,
* સહુને માટે પારકી થાય છે દિકરી,
* તોયે સ્નેહની સરવાણીમાં ભીંજવે છે દિકરી,
* જાણે ઉછળતો વહાલનો દરીયો છે દિકરી,
* ઈશ્વરનું અદભુત સર્જન છે દિકરી,

-ડાયબેન મોહનભાઈ યાદવ

(૧૬) કન્યા વિદાય( ગઝલ્)

મંડપ વિખાયો ને સખી બચપણ તજી જતી રહી,
મીઠી પળો હવા બની પાદર ભણી જતી રહી.
એ પાંગરી હતી કદી આ હાથ પર, અવાજ પર,
નિજને ભૂલી જવા નદી જેવી નદી જતી રહી.

એણે ભરી પળો મધુર કલકલ કરી ધમાલથી,
થઈ સાવ શૂન્ય રાવટી , ક્ષણમાં સદી જતી રહી.

તે આવી અશ્રુધારનું જ બીજું રૂપ હો, શક્ય છે,
આવી, વસી પડળ અને હળવેકથી જતી રહી.

બદલ્યો હતો સદા મને ફૂલો તણાં સ્વરૂપમાં,
પમરાટનાં કવન સજાવી , મઘમઘી જતી રહી.

-ડૉ. કિશોર જે. વાઘેલા( ભાવનગર)

(૧૭) એક બાપનું હૈયું

ઢબૂકતો ઢોલ આંગણે મારે આજ,
પાનેતરમાં ઢબૂરાઇ છે મારી ઢીંગલી,
માથે સજ્યો છે મોડ,
ને મીંઢળ બાંધ્યું છે હાથ…..
પગમાં ઝાંઝર રણઝણે
હાથમાં મેંહદી ને ચૂડીઓનો શણગાર,
ભાલે સોહે ચાંદલો ને આડ,
ને વદને મઢ્યો પીઠીનો ઉજાસ……..

કાલે તો તું મારી આંગળી ઝાલીને
મારી સાયકલે બેસીને જતી’તી નિશાળ,
આજે કેમ રહેતો મારો જીવ ઝાલ્યો???
કેમેય જીવીશ તારા વિના !!!!!
જાય જ્યારે તું પિયુ સંગે પરદેશ!!!!

જીવનની આ રીત છે,તારી હો કો સંગ પ્રીત,
સોણલાનું સજાવી કાજળ આંખોમાં આજ,
પોતાનાને પારકા કરી, પારકાને પોતાના કરવા કાજ,
જુઓ ! ત્યાં મંડપનો થાંભલો પકડી
એક બાપનું હૈયું રોઇ રહ્યું છે ચોધાર આંસુએ આજ..

-preeti tailor

(૧૮) દીકરી વ્હાલી

કાશીબાની દીકરી વ્હાલી,પ્રેમ એ સૌનો લેતી
મળતા તેને મામાકાકા,ત્યાં સૌની સેવા કરતી
……..કાશીબાની દીકરી.
નીતસવારે ચરણ સ્પર્શી,માબાપનો પ્રેમ લેતી
પરોઢીયાને પારખી લઇને,સૌથી વહેલી ઉઠતી
નિત્યકર્મ પતાવી જલ્દી, પ્રભુના દર્શન કરતી
ચા નાસ્તો તૈયાર કરીને, વડીલની રાહ જોતી
મોટાભાઇની લાડલી,ને પ્રેમ મોટીબેનનો લેતી
જોતાસૌને લાગેન્યારી,એવી કાશીબાની વ્હાલી….
એકડો બગડો જલ્દી પતાવી,લેતી નંબર પહેલો
ભણતરમાં શ્રધ્ધારાખીને,બુધ્ધિથીસોપાનચઢતી
મળીજાય કોઇમુંઝવણ,ત્યાં જલાબાપાને સ્મરતી
સીધી રાહે ચાલી જાય,ને સર્વ સફળતાએ જોતી
કર્મ ધર્મને સમજી ચાલે, મળેલ સાચા છે સંસ્કાર
ગામ સીમમાં સૌને એ ગમતી,કાશીબાની વ્હાલી….

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૧૯) દીકરી સૌની લાડકવાયી

નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી

મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી

બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી

પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી

ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી

-પ્રદીપ બ્રહ્મભટ્ટ(આણંદ)

(૨૦) વિલાયતમાં વ્હાલી, હવે તું જવાની

વધુ ભણવા માટે વિલાયતમાં વ્હાલી, હવે તું જવાની
ને ભાવિના જીવતરને ઘડવાને પ્યારી, હવે તું જવાની
ફકત થોડાં દિવસો સુધી ઘરમાં રહીને હવે તું જવાની
નથી કલ્પી શકતા સ્થિતી શું થવાની હવે તું જવાની

હજી રમતી કૂદતી’તી આવી ઘડી ત્યાં હવે તું જવાની
વરસ સોળની જેવી વ્હાલી ઉંમરમાં હવે તું જવાની

ખબર પણ પડી ના આ જીવતર સર્યુ ક્યાં નજર સામે તારી
વિત્યું બાળપણ આજ આવી યુવાની, હવે તું જવાની

અમે રાતદિવસ જીવનડાળે તારી ઉજવતાં’તા ઉત્સવ
અમારી રહી શેષ જુદી કહાણી હવે તું જવાની

પડ્યું નાનું ઘર આ નગર આજ ઓળંગી ઉંબર ને અવનિ,
જો આકાશ માર્ગે પ્રસારીને પાંખો હવે તું જવાની

ઘણાં મિત્રો ભેટીને દેશે વિદાઈ તને એરપોર્ટે,
જરા હાથ ઉંચો કરી ગુડબાય હવે તું જવાની

તું સંભાળજે, સારા સંસ્કાર, ઉત્તિર્ણ ભણવામાં થાજે
લઈ મમ્મી-પપ્પાના આશિષ સંગે હવે તું જવાની

ખુશીથી તું જાજે, દઈ ધ્યાન ભણજે, ખુશીથી ત્યાં રહેજે
સમય મળતાં વ્હાલી જરા યાદ કરજે હવે તું જવાની

ત્યાં ઘર સ્નેહીઓ મિત્ર છે પગલી, ચિન્તા જરા પણ ન કરતી
પરિવારની જેમ સચવાશે જ્યાં તું હવે તું જવાની

રમકડાં ને પગલાનો પગરવ હવે ઘરની ભીંતો કહેશે
ઘણો સ્નેહ નિસ્વાર્થ યાદો ધરીને હવે તું જવાની

-દિલીપ ગજજર,

(૨૧) વ્હાલનો દરિયો દિકરી

દીકરી છે ઘરમાં સહુની સખી
વાત એ રાખજો તમે જરૂર લખી
કદાચ હોય પોતે એ આંતરમુખી
પણ જોવા ઈચ્છે એ ઘરના સહુને સુખી !
ઘરમાં જો ન હોય દીકરી
તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી
કરે ભલે એ સહુની મશ્કરી
પણ જાણશો એને ના તમે નિફિક્રી !
કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ
એ તો છે આખા કુટુંબનું ઢાકણ
પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ
એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાપણ
દીકરી તો છે મમતા નો ભંડાર
એનાથી રહે પ્રફુલ્લિત ઘર સંસાર
માતા-પિતા ને માટે એ મીઠો કંસાર
છતાં કેમ???????????????????
દીકરા-દીકરીમાં ભેદભાવનો વ્યવહાર ?
રશ્મિકા ખત્રી (બીમ)

(૨૨) ચાંદલા જેવી દીકરી

અમે કહી છીએ – “હિયા ચાંદલા જેવી દીકરી છે”
કેમ ચાંદલા જેવી?
જેમ ચાંદલો શુભ છે – તું અમારા માટે એટલી જ શુભ છે.
ચાંદલો પવિત્ર છે.
ચાંદલો શુકનવંતો છે.
ચાંદલો શોભા વધારનારો છે.
ચાંદલો સારું સૌભાગ્ય સૂચવે છે.
ચાંદલો પ્રભૂ નો આશિર્વાદ છે.
ચાંદલો આકર્ષક છે, મંગળ છે.
ચાંદલો શક્તિ છે.
ચાંદલો તેજ સૂચવે છે.
ચાંદલો જ્યાં કરવા માં આવે છે
તે બે આંખ વચ્ચે ની જગ્યા એકાગ્રતા અને ઉર્જા નુ બિંદુ છે.
ચાંદલો સ્ત્રી નીં શક્તિઓ નુ પ્રતિક છે.

તું પરિવાર નું કેન્દ્ર બિંદુ છે.
તું અમારી શક્તિ છે.

તું અમારા માટે પ્રભૂ એ આપેલા આશિર્વાદ છે.
તું ખરેખર “ચાંદલા જેવી દીકરી” છે.

–તન્મય ~ પૂજા

(૨૩) દીકરીનું હાલરડું

એક ઢીંગલી આ દીકરી છે આવી… અજાણ્યા મલકથી
ભરી આંખોમાં આશા રૂપાળી… પ્રભુના મલકથી

ભેખ લઈને નવો નામ લઈને નવું,

જાણે ઝરણું રૂમઝૂમ્યું મારે દરિયો થવું!

એના મુખડાને જોઈ જીવ મારો ખીલે,

મારા અંતરના ભાવ એની લાલી ઝીલે

સાવ નાનકડી પોટલી એ વ્હાલી, ખુશીથી છલકતી

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

(૨૪) દીકરી તો પારકી થાપણ

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

-લોકગીત

(૨૫) એક સપનું મા-બાપનું

એક સપનું મા-બાપનું જોને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.
એક અમારા પ્રેમનો અક્ષર ગીત બનીને ગૂંજે,
એક કળી અમ બાગની આજે બહાર બનીને ઝૂમે;
જકડી રાખું ઝરણું હાથમાં પણ એવું ક્યાં થાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

અમ અંતરના આશિષ બેટા, રહેશે તારી સાથે,
એક પ્રભુની બાદ અમારો હાથ છે તારે માથે;
માનાં દિલનો ટુકડો દીકરી પારકી કહેવાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

ઘર આંગણમાં કાલે બેટા, આંખ ન તુજને જોશે,
હોઠો રહેશે હસતા મારાં અંતર મારું રોશે;
થયું’તું દુ:ખ જે મારી માને આજ મને સમજાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

એક સપનું મા-બાપનું જો ને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

-ડૉ.નિલેશ રાણા

(૨૬) વિદાય
દીકરી હું તને કરું આજ વિદાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

ફૂલોથી તારી રાહ સજાવી,
આંસુ થકી આંખ છલકાય,
સુખ્ નો સૂરજ આંગણ મલકાય,
દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,
હરપળ એ ક્ષણ ને વિચારું,
આંસુ ને ખુશાલી તારા,હ્ર્દયે મેં આજ ખંડારી,
તારા સ્મિતથી આખું ઘર મલકાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

તારા જનમની એ શુભ વધામણી,
હરપળ એ ક્ષણને સંભારું,
પિતા નહીં, એક સાચા મિત્ર બની,
તારા નજૂક હાથને થામ્યો,
તારા નાજુક પગલાની આહટ,
આજ હજુ એ આહટ સંભળાય.
મારી લાડલી ઘર છોડી ને જાય…

સૂરજ ઉગશે,તારા ઊગશે,
ચાંદની ચંદા સાથ ચમકશે,
તારી ચુડી ,તારા પાયલ,
સાસરીયાના આંગનમાં છનકશે,
સુનું સુનું આ ઘર મારું,
તારી યાદો હરપળ આવે,
તું નથી આ ઘરમાં તોયે,
તારી હાજરી હરક્ષણ વર્તાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

-ખ્યાતી માલી

(૨૭) દીકરી

વિધાતાનું તું છે સુંદર સર્જન,
ભર્યો છે રંગ લાગણી કેરો તારામાં.
દીકરી બનાવી મોકલી જગમાં તને,
લક્ષ્મી કેરું ઉપનામ આપ્યું તને.

ભાર નથી કોઈ ઘરનો તું,
તું તો છે ઘર નું અમૂલ્ય રત્ન.

કેહવાય જે દાનમાં દાન મોટું,
કન્યાદાન કરવાનો અવસર આપ્યો.

લીધો જન્મ તે તો એક ઘરમાં પણ,
દિપાવશે તું તો બે ઘરના દીપ.

preeti mehta

(૨૮) દીકરી આવી

અધૂરી પૂવૅજન્મની પ્રીત
આજે પૌત્રી બનીને આવી
દિલના પ્રેમસરોવર મધ્યે
એવા કમળ બનીને આવી
બાપુ બેનાના ચહેરા પર
મંજુલ સ્મિત બનીને આવી
મૃદુલ મીઠા સ્નેહ ઝરણમાં
સૂર સંગીત બનીને આવી

બુલબુલ મેનાના કલરવમાં
વિધિનું ગીત બનીને આવી
એવા ઉત્સુક અધીર અષાઢે
શાંત સમીર બનીને આવી

-સરયૂ પરીખ

(૨૯) કન્યા વિદાય
સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે,
કેસરીયાળો સાફો ઘરનું,
ફળીયું લઇને ચાલે.

પાદર બેસી ફફડી ઉઠતી,
ઘરચોળાની ભાત.
ડૂસકે ડૂસકે હડસેલાતી,
બાળપણાની વાત.

પૈડું સીંચતા રસ્તો આખો,
કોલાહલમાં ખૂંપે.
શૈશવથી ચીતરેલી શેરી,
સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો,
દીવડો થર થર કંપે.
ખડકી પાસે ઉભો રહીને,
અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે.
કેસરીયાળો સાફો ઘરનું
ફળીયું લઇને ચાલે.

– અનિલ જોશી

(૩૦) દીકરી

દીકરી મારી સ્નેહ તણી સરિતા,
કલ-કલ વહેતા ઝરણા સમી કવિતા

એકવીસ વરસ વહાલમાં ન્હાતા રહ્યા,

સુગંધભર્યા વસંતના વાયરા વાતા રહ્યા.

થઇ વિદાય ભીના થયા નયન,

જાણે પાનખરે ઉજ્જ્ડ થયા વન.

અંતરના અમી સીંચી, પુરા કર્યા સધળા કોડ,

છતે પાણીએ કરમાઇ ગયો તુલસીનો છોડ્.

ન કહેવાય દીકરી છે પારકી થાપણ્,

એ તો અમીભર્યા પ્રેમની છે થાપણ.

પડધા પડતા રહ્યા ઓરડે, થકી એના કલશોર,

સુની થઇ ભીંતને મુંગા થયા ગમાણે ઢોર.

મા ની મમતા ‘ને બાપના વાત્સલ્યનું ઝરણું,

દીકરી માંથી વહુ બની સુકાઇ ગયું તે ઝરણું

– ભૂપેન્દ્ર ત્રિવેદી

(૩૧) દીકરી

હીર મારી આંખોનો ઉજાસ, મારા હ્રદયનો ધબકાર હીર
હીર મારી નસોમાં વહેતું લોહી, મારા સ્નેહનો સાગર હીર,

હીર મારો શ્વાસોચ્છવાસ, મારી ચેતનાનું બળ હીર,

હીર મારો પડછાયો, મારી ઉર્મીનું ગીત હીર,

હીર મારી ખુશીઓનું નંદનવન, મારા મોહની માયા હીર,

હીર મારા શબ્દોની સાંકળ, મારા સર્જનનો સાર હીર

હીર મારું પ્રિય સ્વજન, મારા નિત્યસ્મરણ ઇશ હીર,

હીર મારા સ્નેહવૃક્ષનું ફળ, મારી લાગણીનો છોડ હીર.

( હીર તેમની પુત્રીનું નામ છે. )

-વિકાસભાઈ બેલાણી

(૩૨) દીકરી

હોશ અને હાશ મારા, હૈયું ને શ્વાસ તું,
દીકરી તું તો મારું ભાવી ઉજ્જાવલ

ઉગતા ન સૂરજ ને ઉગતા ન તારલા

દીકરી નહીં તો સૂની દુનિયા હરપલ

તારા સથવારે મેં શમણાં જોયા ઘણાં

શમણાં મા જોયું તારું ભાવિ નિશ્ચલ

હસરતોની યાદીમાં, પહેલે થી છેલ્લે તું

તારાથી ગૂંજે આ જીવન કલકલ,

દીકરી છે શ્વાસ અને દીકરી છે આશ મારી

દીકરીના શ્વાસે જીવું જીવન હરપલ,

દીકરી છે મત્લા ને દીકરી છે મક્તા

દીકરી છે કાફીયા ને જીવન ગઝલ

સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી.

હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી.

– જીગ્નેશ અધ્યારૂ

(૩૩) દિકરી વિદાય

દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું,
વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું,

કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય ,

તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું,

દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું,

સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું,

પારકી અમાનત છે તુ બીજાની ક્યાં સુઘી સંભાળુ,

ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું,

ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છું,

હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું,

પથ્થર જેવો બાપ પણ રડી પડે છે દિકરી ની વિદાયથી,

આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું,

સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું,

દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું,

પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે ,

લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,

ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ,

કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમ આસ.

– એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )

(૩૪) કુંવરબાઈનું મામેરું

દૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રીનરહરિ;
અન્યોઅન્યે નયણાં ભરી, ભેટયાં બેહુ અતિ આદર કરી.
મસ્તક ઉપર મૂક્યો હાથ, પાસે બેસાડીને પૂછી વાત :
‘કહો કુંવરબાઈ, કુશલીક્ષેમ ? સાસરિયાં કાંઈ રાખે પ્રેમ ?’

જો રૂડો દિવસ આવ્યો, દીકરી, તો મોસાળું કરશે હરિ,
કુંવરબાઈ બોલ્યાં વિનતી, ‘સામગ્રી કાંઈ પાસે નથી.

નાગરી નાત્યે કયમ રહેશે લાજ, ધન વિના આવ્યા શેં કાજ ?
નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર.

નિર્ધનનું કહ્યું કો મન નવ ધરે, નિર્ધનનું સહુ કૌતુક કરે,
નિર્ધનને સહુ ઘેલો ગણે, નવ રાખે ઊભો આંગણે.

લોક બોલાવે દુર્બલ કહી, એથી માઠું કાંઈ બીજું નહિ;
તાત, કાંઈ ન કરો ઉદ્યમ તો આ અવસર સચવાશે ક્યમ ?

નથી લાવ્યા તમે નાડાછડી, નથી મોડ ને કુંકુમપડી;
નથી માટલી, ચોળી, ઘાટ, – એમ દરિદ્ર આવ્યું શા માટ ?

કેમ કરી લજ્જા રહેશે તાત, હું શે ન મૂઈ મરતે માત ?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર ?

જે બાળકની માતા ગઈ મરી, બાપસગાઈ સાથે ઊતરી;
જ્યમ આથમતા રવિનું તેજ, મા વિના ત્યમ બાપનું હેજ.

સુરભિ મરતે જેવું વચ્છ, જલ વિના જેમ તલફે મચ્છ;
ટોળાવછોઈ જ્યમ મૃગલી, મા વિના પુત્રી એકલી.

લવણ વિના જ્યમ ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજન,
કીકી વિના જેવું લોચન, માત વિના તેવું બાપનું મન.

શું કરવા આવ્યા ઉપહાસ ? સાથે વેરાગી લાવ્યા પચાસ;
શંખ તાલ ને માળા ચંગ : એ મોસાળું કરવાના ઢંગ ?

નહીં તો પિતાજી, જાઓ ફરી,’ એમ કહી રોઈ દીકરી.
મહેતે મસ્તક મૂક્યો હાથ, ‘મોસાળું કરશે વૈકુંઠનાથ !’

– પ્રેમાનંદ

(૩૫) મારી જ –દિકરી

નદીના પટમાંથી
પર્વતની બખોલમાંથી
કંકર વીણતી
રેત કિનારે મહેલ ચણતી
જળના તરંગ ભાંગતી

ભીના અરીસે સંદેશ લખતી
ચપટીભર્યા રંગે અવસર સજાવતી

ઝબોળીને ક્યારેક રસાસ્વાદ આપતી
ક્યારેક રંગીલો છંટકાર
કોરા બરડાએ ક્યારેક શબ્દો આંકતિ
ક્યારેક પાંખડીની ભાત

લટમાં ગુંથાતી, ભાલને સજાવતી
મ્હેંદીના રંગે થતી લાલ
તાર રણઝણાવતી, લાડથી ઠપકારતી
ઝાલીને લઈ જતી ક્યાંક

આંગળીથી વિખુટી ન પડતી
એ બધીયે તૃષ્ણા,
મારી જ !!

-દર્શનાબહેન (અમેરિકા)

(૩૬) દર્દીનું દીકરીને સંબોધન

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !
હું ક્યાં રમી શકું છું,
તારી સાથે સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા,
પ્રાણ, દીકરી !

મારા વિના તું જીવવાનું
લાગ શીખવા
ટૂંકું છે બહુ મારું અહીં
રોકાણ, દીકરી !

ભૂલી નથી શકતો હું
ઘડીકે ય કોઈને
જબરું છે બહુ કુટુંબનું
ખેંચાણ, દીકરી !

સાકાર હું કરતો હતો એક
સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે
ભંગાણ, દીકરી !

જો પ્રાર્થના કરે તો એમાં
તું ઉમેરજે,
મારું પ્રભુ પાસે બને
રહેઠાણ, દીકરી !

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !

– જગદીશ વ્યાસ

(૩૭) દીકરીવિદાયનું ગાન

લીલું કુંજાર એક ટહુકે છે ઝાડવું;
કિલ્લોલે એની સૌ ડાળ,
-કે બે’ની એ તો કલરવતું પિયરનું વ્હાલ !
લીલું કુંજાર એક મહેકે છે ઝાડવું;
પાંદડીઓ પીએ આકાશ
-કે બે’ની એ તો પીયરિયાનો ઉલ્લાસ !

લીલું કુંજાર એક બહેકે છે ઝાડવું;
ઝાડવામાં તડકાના શ્વાસ
-કે બે’ની એ તો બાપુના ઉરનો ઉજાસ !

લીલું કુંજાર એક ધબકે છે ઝાડવું;
એની છાયા કરે સળવળાટ
-કે બે’ની એ તો માડીના ઉરનો રઘવાટ !

લીલું કુંજાર એક હલબલ્યું ઝાડવું;
પંખીણી ઊડી ગઈ એક
-કે બે’ની તો થઈ ગઈ સાસરિયાની મ્હેક !

લીલું કુંજાર એક સૂનું થયું ઝાડવું;
ખાલીપો આંખે અથડાય
-કે ઝાડવું એ ભીતરભીતર મલકાય !

–યૉસેફ મૅકવાન

(૩૮) સદગુણી દિકરી

મમ્મીને દિકરી મમ્મીને દિકરી
એક મગની બે ફાડો જી
મા અને દિકરી પ્રભૂએ રચીને
ધરતી પર સ્વર્ગ ઉતાર્યું જી
મમ્મીને દિકરી મમ્મીને દિકરી
બાળપણમાં દિકરી બાપને વહાલી
મમ્મીની આંખનો તારો જી
સુંદર સંસ્કારથી પ્યારના સિંચનથી
લાડકોડમાં ઉછેરી જી
પપ્પાને દિકરી પપ્પાને દિકરી
મમ્મીની આરઝુ દિકરી દુલારી
પપ્પાનાં હૈયાંની ધડકન જી
ભણાવી ગણાવી પરઘેર મોકલી
અંતરની અભિલાષા જી
માબાપ ની દિકરી માબાપની દીકરી
ઓરતા પૂર્યા દિકરી જીવતર ઉજાળ્યું
સાસરીને શોભાવ્યું જી
પતિને બાળકો ઘરનાં સર્વેનાં
દિલડાં પ્રેમે જીત્યાં જી
માબાપ ને ગર્વ થાયે જી
સદગુણી દિકરી સદગુણી દિકરી

-પ્રવિણા કડકિયા

(૩૯) મારી લાડલી

તું વ્હાલનો વેલો છે મારી લાડલી
તું સ્નેહની શરણાઈ છે મારી લાડલી
તારી આંખો માં કુતૂહલતા એવી અનોખી,
કે એ આંખોનૂં અંજન મારે થવું મારી લાડલી

તારા ગાલો છે ગુલાબ જેવા ગલગોટા ને ગમતીલા,
કે ફરી ફરીને હું તો ચૂમી વળું મારી લાડલી

તારા સ્મિત મા રેલાય છે સંગીત એવું સુરીલૂં,
કે એ મલકાટમાં હું તો ખોવણી મારી લાડલી

સર્જનહારની શિલ્પકારીની તું છે સર્વોત્તમ કૃતિ,
વરસોથી જે ખેલી,અમારું જીવન,અમારી ‘કશ્તી’,મારી લાડલી

-કૃતિ કશ્યપ શાહ

(૪૦) દીકરી.

નહીં દઉં તને મારી ઝાંસી ઓ ગોરા!
ચડી અશ્વ લક્ષ્મી લડી એ ય દીકરી.

બધીર, બાળપણથી, અને મુક અંધ,
એ હેલન વીદેશી, વીદુશી એ દીકરી.

હતી ગારગી એક વેદાંત જ્ઞાની,
સભાઓ ગજવતી, વળી એ ય દીકરી.

કરુણાની મુર્તી, ઘવાયાની શાતા,
ફ્લોરેન્સ બુલબુલ, અહો એ ય દીકરી.

ત્યજી કેવી ભારે વીવશતા અરેરે!
શ્વસુરગૃહ સડી જીંદગી, એ ય દીકરી.

કળી કુમળી, પીંખી, મસળી હવસમાં
સરે આમ કોઠે, અરેરે એ દીકરી.

ભણેલી છતાંયે અભણ શાણપણમાં,
જલાવ્યું સ્વ-ઘરને અરે! એ ય દીકરી.

કરે કુથલી, કેવી સખીઓની સંગે,
અદેખાઇમાં જે જલી એ ય દીકરી.

બની માત જેણે જીવનને દીપાવ્યું,
ગુણોથી ભરેલી હતી એ ય દીકરી.

-સુરેશ જાની

(૪૧) દીકરી
મા દીકરીના મનના એવા પાકા તાણાંવાણાં
મૃગનયની આંખોમા જેવા શાંત સૂતેલા શમણાં

દીકરીના સૌ ભાવ નવેલા માને આવી પંહોચે
દીકરીને દિલ આંસુ ઝરતા માને જઈ ભીંજાવે

જીવન નૈયા દીકરી કેરી જાય અહીંતહીં ભટકી
તો સાથે સાથે મા તણાયે કાંઠે ઉભી ઉભી

જ્યારે દીકરી હૈયુ ઝુમે આનંદ હેલી નાચે
તો માનુ યે મન ઘેલું ઘેલું વિના કારણે નાચે

દીકરો માનો દીકરો રહેશે કદાચ જીવન વાટે
દીકરી સોટચ માની રહેશે ‘સરયૂ’જીવતર સાટે

-સરયૂ પરીખ

(૪૨) મારી દીકરીને ખુબ પ્રેમ સહિત

અમાસની અંધારી રાતે ઝબક્યાં દિપ દિવાળી
આવી મારી હસતી રમતી ગાતી દિકરી શાણી…મારી
નિમઁળ નયનો હસતાં ગાલે લાગે ભોળીભાલી
ચાલે જાણે કુમકુમ પગલે પ્રભાતની પનીહારી…મારી

રંગ રંગનો ભેદ એ જાણે વાંચનની ખુબ પ્યાસી
કામ તણો એને થાક ન લાગે સદગુણની એ રાણી…મારી

ભાઇ બેનને પ્રેમથી રાખે સાહેલીઓની સાથી
શાળાની આતુરતા એને ગુરુજને ખુબ વખાણી….મારી

પતંગિયા સમ ઉડતી ફરતી રસોઇમાં પાવરધી
મહેમાનોની સારભારમાં થાતી અડધી અડધી….મારી

ભરત નાટ્યમ ભાવે કરતી વીજળી ઝડપે તરતી
દુધમાં જાણે સાકર ભળતી કોઇથી ના એ અજાણી….મારી

પપ્પા મમ્મી પ્રેમથી વદતાં તું વૈષ્ણવજનની વાણી
આનંદે તું ભણજે ગણજે અમ જીવનની તું જ કમાણી….મારી

ડો.દિનેશ ઓ. શાહ, ગેઇન્સવિલ, ફ્લોરિસડા, યુ.એસ.એ.

(નોંધ: મારી દીકરીનો જન્મ દિવાળીના દીવસે થયો હોવાથી
ગીતની શરુઆત અમાસની રાત અને દિપ દિવાળીથી કરી છે.)

(૪૩) દીકરી
ક્યાં છે તું ઓ સ્વરાંજલિ? આભાસી બની ગઇ કેમ તું?
થોડા સમયમાં નવી ખુશી આપી, રૂઠી ગઇ કેમ તું?

ઘણાં કષ્ટો વેઠી તને પામ્યાંનો હરખ માતો ન્હોતો ‘ને,
ઝાકળવત સુવાસ પ્રગટાવી અનંતમાં સમાઇ ગઇ જોને.

ચિરાગે પ્રગટાવી પારૂલની પ્રતિકૃતિ સમ અંતરથી ખરી,
વૃન્દનાં સોનેરી સ્વપ્નોની મૂર્તિ, અલબેલી નાની-શી પરી.

માંગી હતી તને જગત્જનની પાસેથી કાલાંવાલાં કરી,
એનો જ અંશ સમ ભાસતી, સમાણી તું એમાં જ ફરી.

નાની હતી મારી અપેક્ષા એક, પામું કન્યાદાનનું પુણ્ય,
મારા અસ્તિત્વના અંશ દ્વારા, નહિ પામું કદીયે એ પુણ્ય.

જન્મ-મૃત્યુ, એ બે સનાતન સત્ય છે પૂરા આ જગમાં,
કેમ મને હરપળ એ સત્યની ઝાંખી કરાવી જીવનમાં.

દરેક આઘાત સહેવાની શક્તિ આપી, આંચકા શાને આપ્યા?
એણે ગણ્યું જે પ્યારું મેં માન્યું પ્યારું, મારી તને આ અંજલિ.

-ચિરાગ પટેલ

(૪૪) દીકરી ના આવ્યા હોંશીલા તેડા

દીકરી ના આવ્યા હોંશીલા તેડા..
યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
લઇ શું જાવું દીકરી માટે?
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……
ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.
અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
આંખ્યુ જાય અંજાય..
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..

હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.
લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
ને ઉષા ના પાલવમાંથી ઉગતા-

સૂરજ નો રાતોચોળ રંગ……..
ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,

રજ વનરાવનની લાવજો…
ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,

આયનો એવો એક લાવજો..
ગુણાકાર-ભાગાકાર કરી કરી,
ગણિત થઇ ગયું હવે પાકું,
ડોલરિયા આ દેશમાં…

વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.
‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
સગવડિયા આ પ્રદેશ માં ..
લાવજો હાશકારી નવરાશ,

ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
મસમોટા આ મારા મકાન ને..
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,

ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
પરફયુમ –ડીઓ નહીં.
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો
થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
વેલાવેલા આવી હેતના હલકારાઆલજો.

– નીલમબેન દોશી

(૪૫) દીકરીને

જન્મી અમારે ઘર આંગણે તું
દોડે ધમાલો કરી, ધીમું ચાલે;
ને હાસ્યથી ખંજન થાય ગાલે
જોઉં અરે શૈશવ મારું છે તું!

તારા રૂપાળા કરથી તું મારું
ચિબૂક કેવું પસવારે વ્હાલે,

ને અંગૂલિથી કદી નાક ઝાલે,
મારુંય હૈયું બનતું સુંવાળું!

તને પરાયું ધન હું ન માનું
તું લૂણ છે આ ધરતીનું જાણું.

અનાદિથી તું રહી પ્રાણપોષી
બ્રહ્માંડની તું ધરી, સૂક્ષ્મકોષી.

તું પ્રકૃતિનું જીવતું પ્રતીક

ને સંસ્કૃતિનું ધબકંત ગીત!

– યોસેફ મેકવાન

(૪૬) દીકરીની વિદાય વેળાનું ગીત

વહાલી દીકરી
મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરે દોડી
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલ ખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગ સખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતી અનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલી દીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્ન આંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગે શરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે કન્યા પીળે હસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા
માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ ના સમજાતી
વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ
વગર વાંકે ખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતી બાપની પાસે
બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે
હું તો આજ સાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવે આંખે પાણી
ઓ વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી

રમેશ પટેલ(આકાશદીપ)

(૪૭) પુત્રી જન્મનાં વધામણાં

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ,

અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

લેજો રે લોક એનાં વારણા રે લોલ,

પુત્રી તો આપણી પુનાઈ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,

વેણીના ફૂલની વધાઈ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,

દુર્ગાના કંઠનો હુંકાર રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

બાપુની ઢાલ બને દિકરો રે લોલ,

કન્યા તો તેજની કટાર રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ,

આથમણી સાંજે અજવાસ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

રમતી રાખો રે એની રાગિણી રે લોલ,

આભથી ઊંચેરો એનો રાસ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

-મકરંદ દવે

(૪૮) માને – દીકરીની જ વિનંતી

મા મને ! તું આ જગતમાં આવવા દે,
આંગળી પકડીને તારી ચાલવા દે, મા !

મને તું આ જગતમાં આવવા દે.

વંશનું તુજ બીજ કો’ ફણગાવવા દે,

ગોરમાની છાબ લીલી વાવવા દે.

તું પરીક્ષણ ભ્રૂણનું શાનું કરે છે ?

તારી આકૃતિ ફરી સરજાવવા દે.

ઢીંગલી, ઝાંઝરને, ચણિયાચોળી,

મહેંદી બાળપણના ગીત તું પ્રગટાવવા દે.

વહાલની વેલી થઈ ઝૂલીશ દ્વારે,

આંગણે સંવેદના મહેકાવવા દે.

સાપનો ભારો નથી, તુજ અંશ છું હું,

લાગણીના બંધને બાંધવા દે.

મા ! આ જગતમાં મને આવવા દે…

-રમેશ પટેલ(આકાશદીપ)

(૪૯) દીકરીની પૂકાર

દીકરી થઈ, જન્મ લેવો છે ભારતમાં મારે,
જન્મ દેવા કોણ તૈયાર છે આજે ? (ટેક )
પુરાણી વૃત્તિના લોકો કહે છે, દીકરો મુજ જીવન-સહારો,
અને, ગણે છે દીકરીને બોજારૂપી ભારો,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૧)
હશે માનવ-વિચારો જુદા, આ ટેકનોલોજીના યુગમાં,
કિન્તુ, મળી નિરાશા, હવે તો મારે છે મુજને જન્મ પહેલા,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૨)
પ્રભુ-ઇચ્છા થકી બનું છું દીકરી આ જગતમાં,
દેજો પ્રેમભર્યો આવકારો પ્રભુ-બાળને આ જગતમાં,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !………દીકરી…..(૩)
દીકરા સમાન છે દીકરી તો આ જગતમાં,
માતા, બેન કે પત્ની સ્વરૂપે હશે એ દીકરી આ સંસારમાં,
સમજ આવી ક્યારે હશે માનવ-હૈયામાં ?
ત્યારે…..ચંદ્ર કહે, હશે પરિવર્તન એવું માનવ-જીવનમાં
નિહાળી એવું, હશે ચંદ્ર-હૈયે ખુશી પ્રભુ-સ્મરણમાં !…..દીકરી…..(૪)

-ડો ચંદ્રવદન મિસ્ત્રી

(૫૦) કન્યા વિદાય વેળાએ

પિયરનું આંગણું ત્યાગીને બહેની જાય છે આજે,
મૂકી માબાપની માયા વિદાય થાય છે આજે.
સખીરી લગ્ન છે તારા ને કિસ્મત આજ જાગી છે,
બરાત આવી છે આંગણમાં અને શરણાઈ વાગી છે.
તું આ શરણાઈ જેવા સૂર મીઠાં વેરતી જાજે,
અહીંના સોણલા સર્વે અહીં ખંખેરતી જાજે.
પતિનું ઘર એ દુનિયા આજથી તારી બની જાશે,
હવે કન્યા મટી તું એક સન્નારી બની જાશે
પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે,
કુટંબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે.
પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે,
દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે.
સુવાસો થઈ સદા ચર્ચાઈ તારી વાત સાસરીએ,
દુઆ છે તારા પગલાંની પડે ત્યાં ભાત સાસરીએ.
ગરીબી હોય તો ત્યાં જઈ ગરીબીમાં ખુશી થાજે,
તને વાતાવરણ જેવું મળે તેમાં ડુબી જાજે.
દુલ્હન આજે બની છે તું ચમકતું એ મુકદ્દર છે
લૂછી લે આંસૂઓ પ્યારી ખુશીનો આજ અવસર છે
કળીના જેમ ખીલી ફૂલ પેઠે મુસ્કુરાતી જા,
મોહબ્બતનું નવા જીવનનું મીઠું ગીત ગાતી જા
તને ભૂલી નહિ જઈએ દ્શ્ય એ સાદ આપે છે
અમારી આંખના આસૂંઓ આશિર્વાદ આપે છે.
સલામી લે, અમારી યાદ, હૈયે સંઘરીને જા,
દુઆઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા.
નહિ’આઝાદ’ ભૂલે કોઈ પણ આ યાદગારોને,
ખુદા આબાદ રાખે તારા ગુલશનની બહારોને.

-કુતૂબ ‘આઝાદ’

(૫૧) દિકરીના જન્મદિવસે

પ્રણયવેલની કુંપળ છે તું ઉર ઉપવનનું ફૂલ
તું પંખી તું કલરવ મીઠો તું જ ગીત મંજુલ
પ્રથમ કિરણશી જ્યારથી નિરખી આંખ ઠરી છે મારી
ઉઘડી છે મુજ અંતરદ્વારે ઉલ્લાસોની બારી
પ્રેમકૃપાથી હેમ થયા સૌ સ્વપ્નોના તાંદુલ

બુટ્ટી, બક્કલ, કંઠી કંગલ અક્ષરનું અજવાળું
એ તારા આભૂષણ બેટી તું આભૂષણ મારું
મમ્મી છે મીરાની ચાદર તું મનગમતી ઝૂલ

ચાર દિવાલોની આ માયા તુજથી ઘર લાગે છે
એક દિવસ તું ઉડી જશેનો ડર ભારે લાગે છે
તુજવિણ નક્કી ખખડી પડશે પપ્પા નામનો પૂલ

-મુસાફિર પાલનપુરી

(૫૨) દિકરી

દિકરો ભલેને હોય ડહાપણનો દરિયો,
પણ દિકરી તો વહાલનો દરિયો.
નાનકડી નમણી એ આંખો મટકાવતી
ને ગુલાબી ગાલો પર સ્મિત મધુરું રેલાવતી.

પગલી એ નાનકડી પાડતી
ને હૈયા એ સૌના રણઝાવતી.

ટહુકો મધુરો એનો ગુંજતો
ને ભરતો ઉલ્લાસ ખુણે ખુણે.

વહ્યા વર્ષો બની દિકરી
ગૃહલક્ષ્મી નિજ ગૃહ તણી
કરી અવકાશ અમ હૃદયમાં.

અજબ ખેલ કુદરત તણો
લીધું તે આપ્યું નવા રુપે.

પુરાયો અવકાશ,
પામી તુજને હે દિકરી
અમ ગૃહ તણી લક્ષ્મી રુપે.

બસ આશિષ એટલીજ અમ હૈયા તણી
મહેકી રહે જીંદગાની સદા તમારી.

શૈલા મુન્શા

 

વિતા – પુત્રી – બેટી – દીકરી ||

(૦૧) આવ્યો અવસર આંગણિયે

આવ્યો અવસર આનંદનો આંગણિયે આજ,
રુડાં ગીતો ગુંજ્યાં ફળિયે આજ;
હરખ હરખ હરખાતું કુટુંબ કબીલું આજ,
લીલાં તોરલીયા હરખાય બારણે.
હૈયું રુએ બાપનું, ભરી બારણાને બાથ,
છુટી રહ્યો સાથ સઘળો આજ.
માતા વળી લૂછે આંસુ પાલવ પકડી,
આત્મીય હતી તે વળાવી આજ.
સહેલી બધી વીટળાઇ રહી એકબીજાને સાથ,
સખી તો થઇ પરાઇ આજ.
સખી સહેલીઓ ગુંજે રે સંભરણા અતીતનાં,
ને સખી જાય પરાયાને ઉજાળવા.
‘શ્યામ’વસમી આ વિદાયને ઉતારે શબ્દમાં,
ને દીકરી ચાલી સાસરે આજ.

-ઘનશ્યામ વઘાસીયા

(૦૨) દીકરી વિદાય પછી

આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું, હવે
લાગે સાવ સૂનાં સૂનાં, દીકરી વિદાય પછી.
સદાય હસતી આંખમાં ઘટના બની નવી,
આંસુ વહ્યાં ઊના ઊના, દીકરી વિદાય પછી.
હંમેશા હેતથી બોલાવતી,ને પ્રેમથી પુકારતી,
એ અવાજ પડઘાય ઓરડે, દીકરી વિદાય પછી.
આ બારણું, આ મંડપ ઊભા સાવ સૂનાં,
લટકે છે તોરણ આંસુનાં, દીકરી વિદાય પછી.
આસોપાલવના તોરણ અને ઉદાસ આ હવા
વૃક્ષો ઊભા બધાં છાનામાના, દીકરી વિદાય પછી.
ઊડી ગયું પંખી, કલરવ કરતું આંગણેથી,
લ્યો,ઘૂઘવે છે દરિયા લૂના, દીકરી વિદાય પછી.
આ પાદર આખુંય હિબકાં ભરે ને
હૈયડાં વલોવાય,’શ્યામ’નાં, દીકરી વિદાય પછી.

-ઘનશ્યામ વઘાસીયા

(૦૩) દીકરી ચાલી સાસરે

ખેલતું કૂદતું ફળિયું લઇને, દીકરી ચાલી સાસરે
આંગણું ઘરનું સૂનું કરીને, દીકરી ચાલી સાસરે
બારી-બારણા ય રડતાં મૂકી,દીકરી ચાલી સાસરે
છોડી ગુંજતાં ઘરનો સાથ રે,દીકરી ચાલી સાસરે
સખીઓ સાથે જનેતા ભળી,શ્રાવણ વરસે નયન,
માને મેલી પિતાને સાથ રે,દીકરી ચાલી સાસરે
આંખો બની દરિયો આજ, દીકરી ચાલી સાસરે
બાપને મૂકી ભાઇને આશરે, દીકરી ચાલી સાસરે
‘શ્યામ’ના આંસુ શેં સુકાય,દીકરી ચાલી સાસરે

-ઘનશ્યામ વઘાસીયા

(૦૪) દીકરી મારી

દીકરી તારા વીનાની સુકી મારા સંસારની વાડી !
ફુલો વીના સુની પડી વાડી યાદ કરજે દીકરી મારી
ઉર્મી તણો કો છોડ ઊગ્યો પણ અન્નજળ થયા પુરા
સ્નેહના ખાતરથી ખીલવી હતી ફુલ સમી દીકરી મારી
લેખ હશે ત્યારે તારી ચાહે દીકરી દોડી આવજે
પંચ્મ સુરે પાપાની યાદમાં ગીતો ગાશે દીકરી મારી
મારે માથે હેતાળ હાથ ફેરવી પુછે ખબર મારી
કોઇ જુવે ના તેમ છાની ખબર લેશે દીકરી મારી
ઉછળતી કુદતી ને હસતી ગાતે ખોળે રમતી મારા
શાંત ઝરણાંની જેમ દુર વહેતી રહેશે દીકરી મારી
જીવનની ઉર્મિઓને ખોળે ભરી દીકરી સાસરે જશે
હૈયામાં જીવનભર એક ખાલિપો ભરી જશે દીકરી મારી
સુખ અને દુખની આવન-જાવન નશીબના ખેલ
ના અડકે એકેય દુઃખ તને સુખી રહેજે દીકરી મારી

(નરેશ કે.ડૉડીયા)

(૦૫) કન્યાવિદાય… લેખ તારા લઈ ગયા રે લોલ

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં એ લોલ.
દાદા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ધેડી મારી, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.

કાકા મારા, એક જોયો પરદેહ, કે દીકરી દઈ દીધાં રે લોલ.
ભતરીજ, હવે નો કરીએ વશાર્ય, કે લેખ તારા લઈ ગયા રે લોલ.

આંગણે આસોપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ.
બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રીઆં રે લોલ.

લોકગીત

(૦૬) દીકરીની બે કવિતા

જીવનને મહેંકવા દો
કળીઓને બાગમાં ખીલવા દો,

પક્ષીઓના ગાનમાં ચહેકવા દો,

ઝરણા સાથે ખળખળ વહેવા દો,

ફૂલોના પમરાટમાં મઘમઘવા દો,

પારિજાતના સહારે લતાને પાંગરવા દો,

ગર્ભના અંધકારમાં પલતી દીકરીને

દિનનો ઉજાસ નિરખવા દો…

–જયદીપ
મા,જરા વિચાર કરી જો,

તું પણ કોઈની દીકરી જ છે ને ?

તને જનમવા જ ના મળ્યું હોત તો ?

મા,હું તારી સહેલી બનીશ,

સુખદુ:ખની સાથી બનીશ,

મારે ઢીંગલીઓથી રમવું છે,

મારે કેટલું બધું ભણવું છે,

મારા સપના ને મારા અરમાન,

તું નહી સમજે, તો કોણ સમજશે ?

***

ને પિતાજી,

તમને હું શું કહું ?

દીકરી બની તેમાં મારો વાંક શો ?

છતાં પણ તમને વચન આપું છું :

હું ક્યારેય કોઈ જીદ નહીં કરું,

દીકરા કરતાયે સવાઈ બનીશ…
***

મારી જિજીવિષાએ તમને જગાડ્યા,

ગુસ્સે તો નથી થયાને?

પણ હું બીજું શું કરું ?

આ અંધકારમાં મને બીક લાગે છે,

દુ:સ્વપ્નો મને સતાવે છે,

મને સૂરજ જોવા નહી મળે?

શું મને જનમવા નહી મળે?

***

મને જનમવા તો દો

–જયદીપ

(૦૭) દાદા હો દીકરી

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ

વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ

પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ

સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ

ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ

દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ

માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ

અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ

વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ

વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

-લોકગીત

(૦૮) વિદાયવેળા પિતાની દિકરીને શીખ

પતિનું ઘર અએ દુનિયા આજથી તારી બની જાશે
હવે કન્યા મટી તું અએક સન્નારી બની જાશે
પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે
કુટુબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે
પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે
દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે
સલામી લે અમારી યાદ હૈયે સંઘરીને જા
દુઆઅઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા
-કુતૂબ આઝાદ

દીકરી

સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી.

હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી.

– જીગ્નેશ અધ્યારૂ

(૦૯) બહેન મારી

લાલ ને લીલી, વાદળી પીળી,
કેસરી વળી, જાંબલી વળી,

રંગબેરંગી ઓઢણી લઉં,
બહેન મારીને ઓઢવા દઉં!

સોનીએ ઘડ્યાં રૂપલે મઢ્યાં,
નાના નાના ઘૂઘરા ઝીણા,

એવી બે ઝાંઝરીઓ લઉં,
બહેન મારીને પહેરવા દઉં!

ચંપા બકુલ, બોરસલી ફૂલ,
માલતી ને મોગરાનાં ફૂલ,

બાગમાંથી હું લાવી દઉં,
બહેનને વેણી ગૂંથવા દઉં!

ઓઢણી તમે ઓઢજો બેની,
ઝાંઝર પગે પહેરજો બેની,

વેણી માથે ગૂંથજો રે….!
બાગમાં ઘૂમી હીંચકે હીંચી,

સાંજરે વહેલા આવજો રે,
ભાઇને સાથે લાવજો રે…..!

-સોમાભાઇ ભાવસાર

(૧૦) દીકરી વિદાય

દીકરી હું તને કરું આજ વિદાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…
ફૂલોથી તારી રાહ સજાવી,
આંસુ થકી આંખ છલકાય,
સુખ્ નો સૂરજ આંગણ મલકાય,
દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,
હરપળ એ ક્ષણ ને વિચારું,
આંસુ ને ખુશાલી તારા,હ્ર્દયે મેં આજ ખંડારી,
તારા સ્મિતથી આખું ઘર મલકાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

તારા જનમની એ શુભ વધામણી,
હરપળ એ ક્ષણને સંભારું,
પિતા નહીં, એક સાચા મિત્ર બની,
તારા નજૂક હાથને થામ્યો,
તારા નાજુક પગલાની આહટ,
આજ હજુ એ આહટ સંભળાય.
મારી લાડલી ઘર છોડી ને જાય…

સૂરજ ઉગશે,તારા ઊગશે,
ચાંદની ચંદા સાથ ચમકશે,
તારી ચુડી ,તારા પાયલ,
સાસરીયાના આંગનમાં છનકશે,
સુનું સુનું આ ઘર મારું,
તારી યાદો હરપળ આવે,
તું નથી આ ઘરમાં તોયે,
તારી હાજરી હરક્ષણ વર્તાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

– વિશ્વદીપ બારડ

(૧૧) દીકરી

દીકરી નથી સાપનો ભારો.
દીકરી તો છે ફુલ નો ક્યારો.
દીકરી થકી છે અજવાળુ.
દીકરી વીના સગળ કાણુ.
મા-બાપને કશુંક થાય ,
દીકરીનું દિલ વલોવાઈ જાય,
મા, દીકરી, બહેની,
ઍના પ્રેમમાં ના આવે કદી કમી,
દીકરી પ્યારનું અક્ષય પાત્ર,
ત્યાગ, સમર્પણનું સમસ્ત શાસ્ત્ર.
સ્વાર્થ નું સગપણ ઍવું , ઍ તો તડ પડે કે તૂટે,
દીકરી તો સ્નેહની સરવાણી, નિત્ય નિરંતર ફૂટે.
દીકરીના પગલે લાગે બધું મનોહર,
દીકરી વિનાનું ગર જાણે વાગ્યા વિનાનું જાજર,
દિકરો-તારે ની બુઢાપામાં પાળે ઍ નાહકનો ભ્રમ,
દીકરી જ ઠારે, આંસુ સારે, ભવ તારે ઍ સૃષ્ટિનો ક્રમ.
દીકરી અવતરતાં મોઢુ ફેરવે માં-બાપ,
ક્યા ભાવે છુટશે કરીને ઍવા પાપ.
દીકરી (દુહીતા) નૅ ના દુભવશો,
વિધાતા વેરી કરશો,
દીકરી જશે જે ઘરથી ત્યાં ફરી વળશે અંધારુ,
દીકરી વિનાનું જાણેકે, મીઠુંજળ પણ ખારૂ.
દીકરી જતાં લાગશે સૂનું,
જગત આખું ભાસશે જૂનુ.
આવી દીકરીની વિદાય,
મા-બાપથી કેમ સહેવાય.
દીકરી જતાં સાસરે,
મા-બાપ ભગવાનના આશરે

Prakash Rathod

(૧૨) લગ્નની વિદાય સમયનું રુદન

હાથોમાં મંહેદી શોભે ને ફુલોની મહેક,
નવા સબધોનું પાનેતર પહેરી ને તે,
આજે તો લાડલી બની છે રે દુલ્હન….
બાપાની લાડકી ને માંની છે દુલારી,
ચાલી રે ચાલી તેતો તેના ધામે ચાલી
અમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
તેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
તેનો અવાજ દિલમાં કેદ કરીને ચાલી,
બધી શરારત ને જીદ મુકીને ચાલી,
તેના હાસ્ય માટે અમે કરતા જતન,
બસ ઘરને તે તો રડતુ મુકીને ચાલી,
આજે વ્હાલી બહેન છોડી ચાલી અમને.
તેના ઝઘડા મુકીને મૌન મુકીને ચાલી,
કેટલાય નવા સંબધો બાંધવા ચાલી,
આજે પુત્રી માંથી પત્ની બની ચાલી,
બસ દીપક હતી અમારા કુળનીતેતો,
આજે બીજા કુળની પણ દીપક થઈ.
તેનો પ્રકાશ હવે જગમગશે સમાજમાં.
આંખોમાં નવા સ્વપનોના આકાશને
તે તો આજે ચાલી તેના ઘરે ચાલી,
બસ કાચની ઢીંગલી છે અમારી આતો,
કરજો જતન પ્રેમથી બસ ના તુટે તેમ,
અમારા કાળજાનો ટુકડો સોંપ્પો છે તમને,
અમારા લોહીથી ને આંસુથી સીચી છે.
તેની આંખ માં કદીય ન આવે પાણી,
કરજો તેવું જતન બસ હવે તમે પણ,
તેની ભૂલને અમારી કચાશ જ માનજો,
ને મીંઠો ઠપકોય અમને જ પાઠવજો.

-બટુક સાતા

(૧૩) દીકરી સૌની લાડકવાયી

નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
મમ્મીનો એક હાથ છે દિકરી
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી
પપ્પા-મમ્મી ની ‘દિશા’ દિકરી

pradip bramhbhatt

(૧૪) ભૃણ હત્યા

મા બોલ
હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ?
પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો,
આંખોની પેલે પાર બહુ વાગે છે ને ?
તારામાં ઊગી’તી એ નાનીશી વેલને,
પહેલાં તો આપ્યો’તો આધાર,
તારામાં શ્વસતો એ જીવ હું છું,
એ જાણ્યા પછી પેટનો યે લાગ્યો’તો ભાર ?
અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ?

તમારું પણ કેવુ પહેલાં તો
પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો,
પેટમાં દિકરો નથી એવી ખબર પડે
પછી ભગવાનને કહી દો, તમે જ રાખો !
અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ?

છૂટાં પડતા રડવું આવે,
એવો આપણો ક્યાં હતો સંબંધ?
તારાં ય જીવતરની પડી ગઈ સાંજ
આકાશનો લાલ લાલ થઈ ગયો રંગ !
પરી જેવી ઢીંગલી ચુમી ભરે એવું શમણું હજીયે આવે છે ને?

-એષા દાદાવાળા

(૧૫) દિકરી

* માતા-પિતાનું વહાલસોયું રતન છે દિકરી,
* એક અવતારમાં બે કુળ ઉજાળનાર દિકરી,
* નારીનાં નવલા રૂપધારી એવી છે દિકરી,
* સહુને માટે પારકી થાય છે દિકરી,
* તોયે સ્નેહની સરવાણીમાં ભીંજવે છે દિકરી,
* જાણે ઉછળતો વહાલનો દરીયો છે દિકરી,
* ઈશ્વરનું અદભુત સર્જન છે દિકરી,

-ડાયબેન મોહનભાઈ યાદવ

(૧૬) કન્યા વિદાય( ગઝલ્)

મંડપ વિખાયો ને સખી બચપણ તજી જતી રહી,
મીઠી પળો હવા બની પાદર ભણી જતી રહી.
એ પાંગરી હતી કદી આ હાથ પર, અવાજ પર,
નિજને ભૂલી જવા નદી જેવી નદી જતી રહી.

એણે ભરી પળો મધુર કલકલ કરી ધમાલથી,
થઈ સાવ શૂન્ય રાવટી , ક્ષણમાં સદી જતી રહી.

તે આવી અશ્રુધારનું જ બીજું રૂપ હો, શક્ય છે,
આવી, વસી પડળ અને હળવેકથી જતી રહી.

બદલ્યો હતો સદા મને ફૂલો તણાં સ્વરૂપમાં,
પમરાટનાં કવન સજાવી , મઘમઘી જતી રહી.

-ડૉ. કિશોર જે. વાઘેલા( ભાવનગર)

(૧૭) એક બાપનું હૈયું

ઢબૂકતો ઢોલ આંગણે મારે આજ,
પાનેતરમાં ઢબૂરાઇ છે મારી ઢીંગલી,
માથે સજ્યો છે મોડ,
ને મીંઢળ બાંધ્યું છે હાથ…..
પગમાં ઝાંઝર રણઝણે
હાથમાં મેંહદી ને ચૂડીઓનો શણગાર,
ભાલે સોહે ચાંદલો ને આડ,
ને વદને મઢ્યો પીઠીનો ઉજાસ……..

કાલે તો તું મારી આંગળી ઝાલીને
મારી સાયકલે બેસીને જતી’તી નિશાળ,
આજે કેમ રહેતો મારો જીવ ઝાલ્યો???
કેમેય જીવીશ તારા વિના !!!!!
જાય જ્યારે તું પિયુ સંગે પરદેશ!!!!

જીવનની આ રીત છે,તારી હો કો સંગ પ્રીત,
સોણલાનું સજાવી કાજળ આંખોમાં આજ,
પોતાનાને પારકા કરી, પારકાને પોતાના કરવા કાજ,
જુઓ ! ત્યાં મંડપનો થાંભલો પકડી
એક બાપનું હૈયું રોઇ રહ્યું છે ચોધાર આંસુએ આજ..

-preeti tailor

(૧૮) દીકરી વ્હાલી

કાશીબાની દીકરી વ્હાલી,પ્રેમ એ સૌનો લેતી
મળતા તેને મામાકાકા,ત્યાં સૌની સેવા કરતી
……..કાશીબાની દીકરી.
નીતસવારે ચરણ સ્પર્શી,માબાપનો પ્રેમ લેતી
પરોઢીયાને પારખી લઇને,સૌથી વહેલી ઉઠતી
નિત્યકર્મ પતાવી જલ્દી, પ્રભુના દર્શન કરતી
ચા નાસ્તો તૈયાર કરીને, વડીલની રાહ જોતી
મોટાભાઇની લાડલી,ને પ્રેમ મોટીબેનનો લેતી
જોતાસૌને લાગેન્યારી,એવી કાશીબાની વ્હાલી….
એકડો બગડો જલ્દી પતાવી,લેતી નંબર પહેલો
ભણતરમાં શ્રધ્ધારાખીને,બુધ્ધિથીસોપાનચઢતી
મળીજાય કોઇમુંઝવણ,ત્યાં જલાબાપાને સ્મરતી
સીધી રાહે ચાલી જાય,ને સર્વ સફળતાએ જોતી
કર્મ ધર્મને સમજી ચાલે, મળેલ સાચા છે સંસ્કાર
ગામ સીમમાં સૌને એ ગમતી,કાશીબાની વ્હાલી….

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૧૯) દીકરી સૌની લાડકવાયી

નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી

મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી

બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી

પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી

ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી

-પ્રદીપ બ્રહ્મભટ્ટ(આણંદ)

(૨૦) વિલાયતમાં વ્હાલી, હવે તું જવાની

વધુ ભણવા માટે વિલાયતમાં વ્હાલી, હવે તું જવાની
ને ભાવિના જીવતરને ઘડવાને પ્યારી, હવે તું જવાની
ફકત થોડાં દિવસો સુધી ઘરમાં રહીને હવે તું જવાની
નથી કલ્પી શકતા સ્થિતી શું થવાની હવે તું જવાની

હજી રમતી કૂદતી’તી આવી ઘડી ત્યાં હવે તું જવાની
વરસ સોળની જેવી વ્હાલી ઉંમરમાં હવે તું જવાની

ખબર પણ પડી ના આ જીવતર સર્યુ ક્યાં નજર સામે તારી
વિત્યું બાળપણ આજ આવી યુવાની, હવે તું જવાની

અમે રાતદિવસ જીવનડાળે તારી ઉજવતાં’તા ઉત્સવ
અમારી રહી શેષ જુદી કહાણી હવે તું જવાની

પડ્યું નાનું ઘર આ નગર આજ ઓળંગી ઉંબર ને અવનિ,
જો આકાશ માર્ગે પ્રસારીને પાંખો હવે તું જવાની

ઘણાં મિત્રો ભેટીને દેશે વિદાઈ તને એરપોર્ટે,
જરા હાથ ઉંચો કરી ગુડબાય હવે તું જવાની

તું સંભાળજે, સારા સંસ્કાર, ઉત્તિર્ણ ભણવામાં થાજે
લઈ મમ્મી-પપ્પાના આશિષ સંગે હવે તું જવાની

ખુશીથી તું જાજે, દઈ ધ્યાન ભણજે, ખુશીથી ત્યાં રહેજે
સમય મળતાં વ્હાલી જરા યાદ કરજે હવે તું જવાની

ત્યાં ઘર સ્નેહીઓ મિત્ર છે પગલી, ચિન્તા જરા પણ ન કરતી
પરિવારની જેમ સચવાશે જ્યાં તું હવે તું જવાની

રમકડાં ને પગલાનો પગરવ હવે ઘરની ભીંતો કહેશે
ઘણો સ્નેહ નિસ્વાર્થ યાદો ધરીને હવે તું જવાની

-દિલીપ ગજજર,

(૨૧) વ્હાલનો દરિયો દિકરી

દીકરી છે ઘરમાં સહુની સખી
વાત એ રાખજો તમે જરૂર લખી
કદાચ હોય પોતે એ આંતરમુખી
પણ જોવા ઈચ્છે એ ઘરના સહુને સુખી !
ઘરમાં જો ન હોય દીકરી
તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી
કરે ભલે એ સહુની મશ્કરી
પણ જાણશો એને ના તમે નિફિક્રી !
કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ
એ તો છે આખા કુટુંબનું ઢાકણ
પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ
એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાપણ
દીકરી તો છે મમતા નો ભંડાર
એનાથી રહે પ્રફુલ્લિત ઘર સંસાર
માતા-પિતા ને માટે એ મીઠો કંસાર
છતાં કેમ???????????????????
દીકરા-દીકરીમાં ભેદભાવનો વ્યવહાર ?
રશ્મિકા ખત્રી (બીમ)

(૨૨) ચાંદલા જેવી દીકરી

અમે કહી છીએ – “હિયા ચાંદલા જેવી દીકરી છે”
કેમ ચાંદલા જેવી?
જેમ ચાંદલો શુભ છે – તું અમારા માટે એટલી જ શુભ છે.
ચાંદલો પવિત્ર છે.
ચાંદલો શુકનવંતો છે.
ચાંદલો શોભા વધારનારો છે.
ચાંદલો સારું સૌભાગ્ય સૂચવે છે.
ચાંદલો પ્રભૂ નો આશિર્વાદ છે.
ચાંદલો આકર્ષક છે, મંગળ છે.
ચાંદલો શક્તિ છે.
ચાંદલો તેજ સૂચવે છે.
ચાંદલો જ્યાં કરવા માં આવે છે
તે બે આંખ વચ્ચે ની જગ્યા એકાગ્રતા અને ઉર્જા નુ બિંદુ છે.
ચાંદલો સ્ત્રી નીં શક્તિઓ નુ પ્રતિક છે.

તું પરિવાર નું કેન્દ્ર બિંદુ છે.
તું અમારી શક્તિ છે.

તું અમારા માટે પ્રભૂ એ આપેલા આશિર્વાદ છે.
તું ખરેખર “ચાંદલા જેવી દીકરી” છે.

–તન્મય ~ પૂજા

(૨૩) દીકરીનું હાલરડું

એક ઢીંગલી આ દીકરી છે આવી… અજાણ્યા મલકથી
ભરી આંખોમાં આશા રૂપાળી… પ્રભુના મલકથી

ભેખ લઈને નવો નામ લઈને નવું,

જાણે ઝરણું રૂમઝૂમ્યું મારે દરિયો થવું!

એના મુખડાને જોઈ જીવ મારો ખીલે,

મારા અંતરના ભાવ એની લાલી ઝીલે

સાવ નાનકડી પોટલી એ વ્હાલી, ખુશીથી છલકતી

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

(૨૪) દીકરી તો પારકી થાપણ

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

-લોકગીત

(૨૫) એક સપનું મા-બાપનું

એક સપનું મા-બાપનું જોને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.
એક અમારા પ્રેમનો અક્ષર ગીત બનીને ગૂંજે,
એક કળી અમ બાગની આજે બહાર બનીને ઝૂમે;
જકડી રાખું ઝરણું હાથમાં પણ એવું ક્યાં થાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

અમ અંતરના આશિષ બેટા, રહેશે તારી સાથે,
એક પ્રભુની બાદ અમારો હાથ છે તારે માથે;
માનાં દિલનો ટુકડો દીકરી પારકી કહેવાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

ઘર આંગણમાં કાલે બેટા, આંખ ન તુજને જોશે,
હોઠો રહેશે હસતા મારાં અંતર મારું રોશે;
થયું’તું દુ:ખ જે મારી માને આજ મને સમજાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

એક સપનું મા-બાપનું જો ને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

-ડૉ.નિલેશ રાણા

(૨૬) વિદાય
દીકરી હું તને કરું આજ વિદાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

ફૂલોથી તારી રાહ સજાવી,
આંસુ થકી આંખ છલકાય,
સુખ્ નો સૂરજ આંગણ મલકાય,
દુઃખ કેરી છાયા દૂર દૂર જાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

બાળપણ તારું મારી સંગ વિતાવ્યું,
હરપળ એ ક્ષણ ને વિચારું,
આંસુ ને ખુશાલી તારા,હ્ર્દયે મેં આજ ખંડારી,
તારા સ્મિતથી આખું ઘર મલકાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

તારા જનમની એ શુભ વધામણી,
હરપળ એ ક્ષણને સંભારું,
પિતા નહીં, એક સાચા મિત્ર બની,
તારા નજૂક હાથને થામ્યો,
તારા નાજુક પગલાની આહટ,
આજ હજુ એ આહટ સંભળાય.
મારી લાડલી ઘર છોડી ને જાય…

સૂરજ ઉગશે,તારા ઊગશે,
ચાંદની ચંદા સાથ ચમકશે,
તારી ચુડી ,તારા પાયલ,
સાસરીયાના આંગનમાં છનકશે,
સુનું સુનું આ ઘર મારું,
તારી યાદો હરપળ આવે,
તું નથી આ ઘરમાં તોયે,
તારી હાજરી હરક્ષણ વર્તાય,
મારી લાડલી ઘર છોડી ને જાય…

-ખ્યાતી માલી

(૨૭) દીકરી

વિધાતાનું તું છે સુંદર સર્જન,
ભર્યો છે રંગ લાગણી કેરો તારામાં.
દીકરી બનાવી મોકલી જગમાં તને,
લક્ષ્મી કેરું ઉપનામ આપ્યું તને.

ભાર નથી કોઈ ઘરનો તું,
તું તો છે ઘર નું અમૂલ્ય રત્ન.

કેહવાય જે દાનમાં દાન મોટું,
કન્યાદાન કરવાનો અવસર આપ્યો.

લીધો જન્મ તે તો એક ઘરમાં પણ,
દિપાવશે તું તો બે ઘરના દીપ.

preeti mehta

(૨૮) દીકરી આવી

અધૂરી પૂવૅજન્મની પ્રીત
આજે પૌત્રી બનીને આવી
દિલના પ્રેમસરોવર મધ્યે
એવા કમળ બનીને આવી
બાપુ બેનાના ચહેરા પર
મંજુલ સ્મિત બનીને આવી
મૃદુલ મીઠા સ્નેહ ઝરણમાં
સૂર સંગીત બનીને આવી

બુલબુલ મેનાના કલરવમાં
વિધિનું ગીત બનીને આવી
એવા ઉત્સુક અધીર અષાઢે
શાંત સમીર બનીને આવી

-સરયૂ પરીખ

(૨૯) કન્યા વિદાય
સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે,
કેસરીયાળો સાફો ઘરનું,
ફળીયું લઇને ચાલે.

પાદર બેસી ફફડી ઉઠતી,
ઘરચોળાની ભાત.
ડૂસકે ડૂસકે હડસેલાતી,
બાળપણાની વાત.

પૈડું સીંચતા રસ્તો આખો,
કોલાહલમાં ખૂંપે.
શૈશવથી ચીતરેલી શેરી,
સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો,
દીવડો થર થર કંપે.
ખડકી પાસે ઉભો રહીને,
અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો,
જાન ઉઘલતી મ્હાલે.
કેસરીયાળો સાફો ઘરનું
ફળીયું લઇને ચાલે.

– અનિલ જોશી

(૩૦) દીકરી

દીકરી મારી સ્નેહ તણી સરિતા,
કલ-કલ વહેતા ઝરણા સમી કવિતા

એકવીસ વરસ વહાલમાં ન્હાતા રહ્યા,

સુગંધભર્યા વસંતના વાયરા વાતા રહ્યા.

થઇ વિદાય ભીના થયા નયન,

જાણે પાનખરે ઉજ્જ્ડ થયા વન.

અંતરના અમી સીંચી, પુરા કર્યા સધળા કોડ,

છતે પાણીએ કરમાઇ ગયો તુલસીનો છોડ્.

ન કહેવાય દીકરી છે પારકી થાપણ્,

એ તો અમીભર્યા પ્રેમની છે થાપણ.

પડધા પડતા રહ્યા ઓરડે, થકી એના કલશોર,

સુની થઇ ભીંતને મુંગા થયા ગમાણે ઢોર.

મા ની મમતા ‘ને બાપના વાત્સલ્યનું ઝરણું,

દીકરી માંથી વહુ બની સુકાઇ ગયું તે ઝરણું

– ભૂપેન્દ્ર ત્રિવેદી

(૩૧) દીકરી

હીર મારી આંખોનો ઉજાસ, મારા હ્રદયનો ધબકાર હીર
હીર મારી નસોમાં વહેતું લોહી, મારા સ્નેહનો સાગર હીર,

હીર મારો શ્વાસોચ્છવાસ, મારી ચેતનાનું બળ હીર,

હીર મારો પડછાયો, મારી ઉર્મીનું ગીત હીર,

હીર મારી ખુશીઓનું નંદનવન, મારા મોહની માયા હીર,

હીર મારા શબ્દોની સાંકળ, મારા સર્જનનો સાર હીર

હીર મારું પ્રિય સ્વજન, મારા નિત્યસ્મરણ ઇશ હીર,

હીર મારા સ્નેહવૃક્ષનું ફળ, મારી લાગણીનો છોડ હીર.

( હીર તેમની પુત્રીનું નામ છે. )

-વિકાસભાઈ બેલાણી

(૩૨) દીકરી

હોશ અને હાશ મારા, હૈયું ને શ્વાસ તું,
દીકરી તું તો મારું ભાવી ઉજ્જાવલ

ઉગતા ન સૂરજ ને ઉગતા ન તારલા

દીકરી નહીં તો સૂની દુનિયા હરપલ

તારા સથવારે મેં શમણાં જોયા ઘણાં

શમણાં મા જોયું તારું ભાવિ નિશ્ચલ

હસરતોની યાદીમાં, પહેલે થી છેલ્લે તું

તારાથી ગૂંજે આ જીવન કલકલ,

દીકરી છે શ્વાસ અને દીકરી છે આશ મારી

દીકરીના શ્વાસે જીવું જીવન હરપલ,

દીકરી છે મત્લા ને દીકરી છે મક્તા

દીકરી છે કાફીયા ને જીવન ગઝલ

સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી.

હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી.

– જીગ્નેશ અધ્યારૂ

(૩૩) દિકરી વિદાય

દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું,
વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું,

કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય ,

તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું,

દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું,

સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું,

પારકી અમાનત છે તુ બીજાની ક્યાં સુઘી સંભાળુ,

ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું,

ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છું,

હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું,

પથ્થર જેવો બાપ પણ રડી પડે છે દિકરી ની વિદાયથી,

આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું,

સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું,

દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું,

પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે ,

લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,

ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ,

કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમ આસ.

– એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )

(૩૪) કુંવરબાઈનું મામેરું

દૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રીનરહરિ;
અન્યોઅન્યે નયણાં ભરી, ભેટયાં બેહુ અતિ આદર કરી.
મસ્તક ઉપર મૂક્યો હાથ, પાસે બેસાડીને પૂછી વાત :
‘કહો કુંવરબાઈ, કુશલીક્ષેમ ? સાસરિયાં કાંઈ રાખે પ્રેમ ?’

જો રૂડો દિવસ આવ્યો, દીકરી, તો મોસાળું કરશે હરિ,
કુંવરબાઈ બોલ્યાં વિનતી, ‘સામગ્રી કાંઈ પાસે નથી.

નાગરી નાત્યે કયમ રહેશે લાજ, ધન વિના આવ્યા શેં કાજ ?
નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર.

નિર્ધનનું કહ્યું કો મન નવ ધરે, નિર્ધનનું સહુ કૌતુક કરે,
નિર્ધનને સહુ ઘેલો ગણે, નવ રાખે ઊભો આંગણે.

લોક બોલાવે દુર્બલ કહી, એથી માઠું કાંઈ બીજું નહિ;
તાત, કાંઈ ન કરો ઉદ્યમ તો આ અવસર સચવાશે ક્યમ ?

નથી લાવ્યા તમે નાડાછડી, નથી મોડ ને કુંકુમપડી;
નથી માટલી, ચોળી, ઘાટ, – એમ દરિદ્ર આવ્યું શા માટ ?

કેમ કરી લજ્જા રહેશે તાત, હું શે ન મૂઈ મરતે માત ?
માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર ?

જે બાળકની માતા ગઈ મરી, બાપસગાઈ સાથે ઊતરી;
જ્યમ આથમતા રવિનું તેજ, મા વિના ત્યમ બાપનું હેજ.

સુરભિ મરતે જેવું વચ્છ, જલ વિના જેમ તલફે મચ્છ;
ટોળાવછોઈ જ્યમ મૃગલી, મા વિના પુત્રી એકલી.

લવણ વિના જ્યમ ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજન,
કીકી વિના જેવું લોચન, માત વિના તેવું બાપનું મન.

શું કરવા આવ્યા ઉપહાસ ? સાથે વેરાગી લાવ્યા પચાસ;
શંખ તાલ ને માળા ચંગ : એ મોસાળું કરવાના ઢંગ ?

નહીં તો પિતાજી, જાઓ ફરી,’ એમ કહી રોઈ દીકરી.
મહેતે મસ્તક મૂક્યો હાથ, ‘મોસાળું કરશે વૈકુંઠનાથ !’

– પ્રેમાનંદ

(૩૫) મારી જ –દિકરી

નદીના પટમાંથી
પર્વતની બખોલમાંથી
કંકર વીણતી
રેત કિનારે મહેલ ચણતી
જળના તરંગ ભાંગતી

ભીના અરીસે સંદેશ લખતી
ચપટીભર્યા રંગે અવસર સજાવતી

ઝબોળીને ક્યારેક રસાસ્વાદ આપતી
ક્યારેક રંગીલો છંટકાર
કોરા બરડાએ ક્યારેક શબ્દો આંકતિ
ક્યારેક પાંખડીની ભાત

લટમાં ગુંથાતી, ભાલને સજાવતી
મ્હેંદીના રંગે થતી લાલ
તાર રણઝણાવતી, લાડથી ઠપકારતી
ઝાલીને લઈ જતી ક્યાંક

આંગળીથી વિખુટી ન પડતી
એ બધીયે તૃષ્ણા,
મારી જ !!

-દર્શનાબહેન (અમેરિકા)

(૩૬) દર્દીનું દીકરીને સંબોધન

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !
હું ક્યાં રમી શકું છું,
તારી સાથે સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા,
પ્રાણ, દીકરી !

મારા વિના તું જીવવાનું
લાગ શીખવા
ટૂંકું છે બહુ મારું અહીં
રોકાણ, દીકરી !

ભૂલી નથી શકતો હું
ઘડીકે ય કોઈને
જબરું છે બહુ કુટુંબનું
ખેંચાણ, દીકરી !

સાકાર હું કરતો હતો એક
સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે
ભંગાણ, દીકરી !

જો પ્રાર્થના કરે તો એમાં
તું ઉમેરજે,
મારું પ્રભુ પાસે બને
રહેઠાણ, દીકરી !

મઝધારમાં ડૂબી રહ્યું હો
વહાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું
જાણ, દીકરી !

– જગદીશ વ્યાસ

(૩૭) દીકરીવિદાયનું ગાન

લીલું કુંજાર એક ટહુકે છે ઝાડવું;
કિલ્લોલે એની સૌ ડાળ,
-કે બે’ની એ તો કલરવતું પિયરનું વ્હાલ !
લીલું કુંજાર એક મહેકે છે ઝાડવું;
પાંદડીઓ પીએ આકાશ
-કે બે’ની એ તો પીયરિયાનો ઉલ્લાસ !

લીલું કુંજાર એક બહેકે છે ઝાડવું;
ઝાડવામાં તડકાના શ્વાસ
-કે બે’ની એ તો બાપુના ઉરનો ઉજાસ !

લીલું કુંજાર એક ધબકે છે ઝાડવું;
એની છાયા કરે સળવળાટ
-કે બે’ની એ તો માડીના ઉરનો રઘવાટ !

લીલું કુંજાર એક હલબલ્યું ઝાડવું;
પંખીણી ઊડી ગઈ એક
-કે બે’ની તો થઈ ગઈ સાસરિયાની મ્હેક !

લીલું કુંજાર એક સૂનું થયું ઝાડવું;
ખાલીપો આંખે અથડાય
-કે ઝાડવું એ ભીતરભીતર મલકાય !

–યૉસેફ મૅકવાન

(૩૮) સદગુણી દિકરી

મમ્મીને દિકરી મમ્મીને દિકરી
એક મગની બે ફાડો જી
મા અને દિકરી પ્રભૂએ રચીને
ધરતી પર સ્વર્ગ ઉતાર્યું જી
મમ્મીને દિકરી મમ્મીને દિકરી
બાળપણમાં દિકરી બાપને વહાલી
મમ્મીની આંખનો તારો જી
સુંદર સંસ્કારથી પ્યારના સિંચનથી
લાડકોડમાં ઉછેરી જી
પપ્પાને દિકરી પપ્પાને દિકરી
મમ્મીની આરઝુ દિકરી દુલારી
પપ્પાનાં હૈયાંની ધડકન જી
ભણાવી ગણાવી પરઘેર મોકલી
અંતરની અભિલાષા જી
માબાપ ની દિકરી માબાપની દીકરી
ઓરતા પૂર્યા દિકરી જીવતર ઉજાળ્યું
સાસરીને શોભાવ્યું જી
પતિને બાળકો ઘરનાં સર્વેનાં
દિલડાં પ્રેમે જીત્યાં જી
માબાપ ને ગર્વ થાયે જી
સદગુણી દિકરી સદગુણી દિકરી

-પ્રવિણા કડકિયા

(૩૯) મારી લાડલી

તું વ્હાલનો વેલો છે મારી લાડલી
તું સ્નેહની શરણાઈ છે મારી લાડલી
તારી આંખો માં કુતૂહલતા એવી અનોખી,
કે એ આંખોનૂં અંજન મારે થવું મારી લાડલી

તારા ગાલો છે ગુલાબ જેવા ગલગોટા ને ગમતીલા,
કે ફરી ફરીને હું તો ચૂમી વળું મારી લાડલી

તારા સ્મિત મા રેલાય છે સંગીત એવું સુરીલૂં,
કે એ મલકાટમાં હું તો ખોવણી મારી લાડલી

સર્જનહારની શિલ્પકારીની તું છે સર્વોત્તમ કૃતિ,
વરસોથી જે ખેલી,અમારું જીવન,અમારી ‘કશ્તી’,મારી લાડલી

-કૃતિ કશ્યપ શાહ

(૪૦) દીકરી.

નહીં દઉં તને મારી ઝાંસી ઓ ગોરા!
ચડી અશ્વ લક્ષ્મી લડી એ ય દીકરી.

બધીર, બાળપણથી, અને મુક અંધ,
એ હેલન વીદેશી, વીદુશી એ દીકરી.

હતી ગારગી એક વેદાંત જ્ઞાની,
સભાઓ ગજવતી, વળી એ ય દીકરી.

કરુણાની મુર્તી, ઘવાયાની શાતા,
ફ્લોરેન્સ બુલબુલ, અહો એ ય દીકરી.

ત્યજી કેવી ભારે વીવશતા અરેરે!
શ્વસુરગૃહ સડી જીંદગી, એ ય દીકરી.

કળી કુમળી, પીંખી, મસળી હવસમાં
સરે આમ કોઠે, અરેરે એ દીકરી.

ભણેલી છતાંયે અભણ શાણપણમાં,
જલાવ્યું સ્વ-ઘરને અરે! એ ય દીકરી.

કરે કુથલી, કેવી સખીઓની સંગે,
અદેખાઇમાં જે જલી એ ય દીકરી.

બની માત જેણે જીવનને દીપાવ્યું,
ગુણોથી ભરેલી હતી એ ય દીકરી.

-સુરેશ જાની

(૪૧) દીકરી
મા દીકરીના મનના એવા પાકા તાણાંવાણાં
મૃગનયની આંખોમા જેવા શાંત સૂતેલા શમણાં

દીકરીના સૌ ભાવ નવેલા માને આવી પંહોચે
દીકરીને દિલ આંસુ ઝરતા માને જઈ ભીંજાવે

જીવન નૈયા દીકરી કેરી જાય અહીંતહીં ભટકી
તો સાથે સાથે મા તણાયે કાંઠે ઉભી ઉભી

જ્યારે દીકરી હૈયુ ઝુમે આનંદ હેલી નાચે
તો માનુ યે મન ઘેલું ઘેલું વિના કારણે નાચે

દીકરો માનો દીકરો રહેશે કદાચ જીવન વાટે
દીકરી સોટચ માની રહેશે ‘સરયૂ’જીવતર સાટે

-સરયૂ પરીખ

(૪૨) મારી દીકરીને ખુબ પ્રેમ સહિત

અમાસની અંધારી રાતે ઝબક્યાં દિપ દિવાળી
આવી મારી હસતી રમતી ગાતી દિકરી શાણી…મારી
નિમઁળ નયનો હસતાં ગાલે લાગે ભોળીભાલી
ચાલે જાણે કુમકુમ પગલે પ્રભાતની પનીહારી…મારી

રંગ રંગનો ભેદ એ જાણે વાંચનની ખુબ પ્યાસી
કામ તણો એને થાક ન લાગે સદગુણની એ રાણી…મારી

ભાઇ બેનને પ્રેમથી રાખે સાહેલીઓની સાથી
શાળાની આતુરતા એને ગુરુજને ખુબ વખાણી….મારી

પતંગિયા સમ ઉડતી ફરતી રસોઇમાં પાવરધી
મહેમાનોની સારભારમાં થાતી અડધી અડધી….મારી

ભરત નાટ્યમ ભાવે કરતી વીજળી ઝડપે તરતી
દુધમાં જાણે સાકર ભળતી કોઇથી ના એ અજાણી….મારી

પપ્પા મમ્મી પ્રેમથી વદતાં તું વૈષ્ણવજનની વાણી
આનંદે તું ભણજે ગણજે અમ જીવનની તું જ કમાણી….મારી

ડો.દિનેશ ઓ. શાહ, ગેઇન્સવિલ, ફ્લોરિસડા, યુ.એસ.એ.

(નોંધ: મારી દીકરીનો જન્મ દિવાળીના દીવસે થયો હોવાથી
ગીતની શરુઆત અમાસની રાત અને દિપ દિવાળીથી કરી છે.)

(૪૩) દીકરી
ક્યાં છે તું ઓ સ્વરાંજલિ? આભાસી બની ગઇ કેમ તું?
થોડા સમયમાં નવી ખુશી આપી, રૂઠી ગઇ કેમ તું?

ઘણાં કષ્ટો વેઠી તને પામ્યાંનો હરખ માતો ન્હોતો ‘ને,
ઝાકળવત સુવાસ પ્રગટાવી અનંતમાં સમાઇ ગઇ જોને.

ચિરાગે પ્રગટાવી પારૂલની પ્રતિકૃતિ સમ અંતરથી ખરી,
વૃન્દનાં સોનેરી સ્વપ્નોની મૂર્તિ, અલબેલી નાની-શી પરી.

માંગી હતી તને જગત્જનની પાસેથી કાલાંવાલાં કરી,
એનો જ અંશ સમ ભાસતી, સમાણી તું એમાં જ ફરી.

નાની હતી મારી અપેક્ષા એક, પામું કન્યાદાનનું પુણ્ય,
મારા અસ્તિત્વના અંશ દ્વારા, નહિ પામું કદીયે એ પુણ્ય.

જન્મ-મૃત્યુ, એ બે સનાતન સત્ય છે પૂરા આ જગમાં,
કેમ મને હરપળ એ સત્યની ઝાંખી કરાવી જીવનમાં.

દરેક આઘાત સહેવાની શક્તિ આપી, આંચકા શાને આપ્યા?
એણે ગણ્યું જે પ્યારું મેં માન્યું પ્યારું, મારી તને આ અંજલિ.

-ચિરાગ પટેલ

(૪૪) દીકરી ના આવ્યા હોંશીલા તેડા

દીકરી ના આવ્યા હોંશીલા તેડા..
યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
લઇ શું જાવું દીકરી માટે?
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……
ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.
અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
આંખ્યુ જાય અંજાય..
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..

હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.
લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
ને ઉષા ના પાલવમાંથી ઉગતા-

સૂરજ નો રાતોચોળ રંગ……..
ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,

રજ વનરાવનની લાવજો…
ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,

આયનો એવો એક લાવજો..
ગુણાકાર-ભાગાકાર કરી કરી,
ગણિત થઇ ગયું હવે પાકું,
ડોલરિયા આ દેશમાં…

વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.
‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
સગવડિયા આ પ્રદેશ માં ..
લાવજો હાશકારી નવરાશ,

ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
મસમોટા આ મારા મકાન ને..
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,

ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
પરફયુમ –ડીઓ નહીં.
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો
થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
વેલાવેલા આવી હેતના હલકારાઆલજો.

– નીલમબેન દોશી

(૪૫) દીકરીને

જન્મી અમારે ઘર આંગણે તું
દોડે ધમાલો કરી, ધીમું ચાલે;
ને હાસ્યથી ખંજન થાય ગાલે
જોઉં અરે શૈશવ મારું છે તું!

તારા રૂપાળા કરથી તું મારું
ચિબૂક કેવું પસવારે વ્હાલે,

ને અંગૂલિથી કદી નાક ઝાલે,
મારુંય હૈયું બનતું સુંવાળું!

તને પરાયું ધન હું ન માનું
તું લૂણ છે આ ધરતીનું જાણું.

અનાદિથી તું રહી પ્રાણપોષી
બ્રહ્માંડની તું ધરી, સૂક્ષ્મકોષી.

તું પ્રકૃતિનું જીવતું પ્રતીક

ને સંસ્કૃતિનું ધબકંત ગીત!

– યોસેફ મેકવાન

(૪૬) દીકરીની વિદાય વેળાનું ગીત

વહાલી દીકરી
મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરે દોડી
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલ ખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગ સખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતી અનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલી દીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્ન આંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગે શરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે કન્યા પીળે હસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા
માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ ના સમજાતી
વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ
વગર વાંકે ખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતી બાપની પાસે
બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે
હું તો આજ સાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવે આંખે પાણી
ઓ વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી

રમેશ પટેલ(આકાશદીપ)

(૪૭) પુત્રી જન્મનાં વધામણાં

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ,

અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

લેજો રે લોક એનાં વારણા રે લોલ,

પુત્રી તો આપણી પુનાઈ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,

વેણીના ફૂલની વધાઈ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,

દુર્ગાના કંઠનો હુંકાર રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

બાપુની ઢાલ બને દિકરો રે લોલ,

કન્યા તો તેજની કટાર રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ,

આથમણી સાંજે અજવાસ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

રમતી રાખો રે એની રાગિણી રે લોલ,

આભથી ઊંચેરો એનો રાસ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

-મકરંદ દવે

(૪૮) માને – દીકરીની જ વિનંતી

મા મને ! તું આ જગતમાં આવવા દે,
આંગળી પકડીને તારી ચાલવા દે, મા !

મને તું આ જગતમાં આવવા દે.

વંશનું તુજ બીજ કો’ ફણગાવવા દે,

ગોરમાની છાબ લીલી વાવવા દે.

તું પરીક્ષણ ભ્રૂણનું શાનું કરે છે ?

તારી આકૃતિ ફરી સરજાવવા દે.

ઢીંગલી, ઝાંઝરને, ચણિયાચોળી,

મહેંદી બાળપણના ગીત તું પ્રગટાવવા દે.

વહાલની વેલી થઈ ઝૂલીશ દ્વારે,

આંગણે સંવેદના મહેકાવવા દે.

સાપનો ભારો નથી, તુજ અંશ છું હું,

લાગણીના બંધને બાંધવા દે.

મા ! આ જગતમાં મને આવવા દે…

-રમેશ પટેલ(આકાશદીપ)

(૪૯) દીકરીની પૂકાર

દીકરી થઈ, જન્મ લેવો છે ભારતમાં મારે,
જન્મ દેવા કોણ તૈયાર છે આજે ? (ટેક )
પુરાણી વૃત્તિના લોકો કહે છે, દીકરો મુજ જીવન-સહારો,
અને, ગણે છે દીકરીને બોજારૂપી ભારો,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૧)
હશે માનવ-વિચારો જુદા, આ ટેકનોલોજીના યુગમાં,
કિન્તુ, મળી નિરાશા, હવે તો મારે છે મુજને જન્મ પહેલા,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !……દીકરી…..(૨)
પ્રભુ-ઇચ્છા થકી બનું છું દીકરી આ જગતમાં,
દેજો પ્રેમભર્યો આવકારો પ્રભુ-બાળને આ જગતમાં,
બદલશે કોણ વૃત્તિ એમની ?
જે થકી, ઇચ્છા પુરી થાય મારી !………દીકરી…..(૩)
દીકરા સમાન છે દીકરી તો આ જગતમાં,
માતા, બેન કે પત્ની સ્વરૂપે હશે એ દીકરી આ સંસારમાં,
સમજ આવી ક્યારે હશે માનવ-હૈયામાં ?
ત્યારે…..ચંદ્ર કહે, હશે પરિવર્તન એવું માનવ-જીવનમાં
નિહાળી એવું, હશે ચંદ્ર-હૈયે ખુશી પ્રભુ-સ્મરણમાં !…..દીકરી…..(૪)

-ડો ચંદ્રવદન મિસ્ત્રી

(૫૦) કન્યા વિદાય વેળાએ

પિયરનું આંગણું ત્યાગીને બહેની જાય છે આજે,
મૂકી માબાપની માયા વિદાય થાય છે આજે.
સખીરી લગ્ન છે તારા ને કિસ્મત આજ જાગી છે,
બરાત આવી છે આંગણમાં અને શરણાઈ વાગી છે.
તું આ શરણાઈ જેવા સૂર મીઠાં વેરતી જાજે,
અહીંના સોણલા સર્વે અહીં ખંખેરતી જાજે.
પતિનું ઘર એ દુનિયા આજથી તારી બની જાશે,
હવે કન્યા મટી તું એક સન્નારી બની જાશે
પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે,
કુટંબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે.
પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે,
દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે.
સુવાસો થઈ સદા ચર્ચાઈ તારી વાત સાસરીએ,
દુઆ છે તારા પગલાંની પડે ત્યાં ભાત સાસરીએ.
ગરીબી હોય તો ત્યાં જઈ ગરીબીમાં ખુશી થાજે,
તને વાતાવરણ જેવું મળે તેમાં ડુબી જાજે.
દુલ્હન આજે બની છે તું ચમકતું એ મુકદ્દર છે
લૂછી લે આંસૂઓ પ્યારી ખુશીનો આજ અવસર છે
કળીના જેમ ખીલી ફૂલ પેઠે મુસ્કુરાતી જા,
મોહબ્બતનું નવા જીવનનું મીઠું ગીત ગાતી જા
તને ભૂલી નહિ જઈએ દ્શ્ય એ સાદ આપે છે
અમારી આંખના આસૂંઓ આશિર્વાદ આપે છે.
સલામી લે, અમારી યાદ, હૈયે સંઘરીને જા,
દુઆઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા.
નહિ’આઝાદ’ ભૂલે કોઈ પણ આ યાદગારોને,
ખુદા આબાદ રાખે તારા ગુલશનની બહારોને.

-કુતૂબ ‘આઝાદ’

(૫૧) દિકરીના જન્મદિવસે

પ્રણયવેલની કુંપળ છે તું ઉર ઉપવનનું ફૂલ
તું પંખી તું કલરવ મીઠો તું જ ગીત મંજુલ
પ્રથમ કિરણશી જ્યારથી નિરખી આંખ ઠરી છે મારી
ઉઘડી છે મુજ અંતરદ્વારે ઉલ્લાસોની બારી
પ્રેમકૃપાથી હેમ થયા સૌ સ્વપ્નોના તાંદુલ

બુટ્ટી, બક્કલ, કંઠી કંગલ અક્ષરનું અજવાળું
એ તારા આભૂષણ બેટી તું આભૂષણ મારું
મમ્મી છે મીરાની ચાદર તું મનગમતી ઝૂલ

ચાર દિવાલોની આ માયા તુજથી ઘર લાગે છે
એક દિવસ તું ઉડી જશેનો ડર ભારે લાગે છે
તુજવિણ નક્કી ખખડી પડશે પપ્પા નામનો પૂલ

-મુસાફિર પાલનપુરી

(૫૨) દિકરી

દિકરો ભલેને હોય ડહાપણનો દરિયો,
પણ દિકરી તો વહાલનો દરિયો.
નાનકડી નમણી એ આંખો મટકાવતી
ને ગુલાબી ગાલો પર સ્મિત મધુરું રેલાવતી.

પગલી એ નાનકડી પાડતી
ને હૈયા એ સૌના રણઝાવતી.

ટહુકો મધુરો એનો ગુંજતો
ને ભરતો ઉલ્લાસ ખુણે ખુણે.

વહ્યા વર્ષો બની દિકરી
ગૃહલક્ષ્મી નિજ ગૃહ તણી
કરી અવકાશ અમ હૃદયમાં.

અજબ ખેલ કુદરત તણો
લીધું તે આપ્યું નવા રુપે.

પુરાયો અવકાશ,
પામી તુજને હે દિકરી
અમ ગૃહ તણી લક્ષ્મી રુપે.

બસ આશિષ એટલીજ અમ હૈયા તણી
મહેકી રહે જીંદગાની સદા તમારી.

શૈલા મુન્શા

 

 

કવિતા – પિતા – બાપુજી – બાપા – ડેડી – પપ્પા – મા-બાપ

1

|| કવિતા – પિતા – બાપુજી – બાપા – ડેડી – પપ્પા – મા-બાપ ||

(૦૧) એક સપનું મા-બાપનું

એક સપનું મા-બાપનું જોને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.
એક અમારા પ્રેમનો અક્ષર ગીત બનીને ગૂંજે,
એક કળી અમ બાગની આજે બહાર બનીને ઝૂમે;
જકડી રાખું ઝરણું હાથમાં પણ એવું ક્યાં થાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

અમ અંતરના આશિષ બેટા, રહેશે તારી સાથે,
એક પ્રભુની બાદ અમારો હાથ છે તારે માથે;
માનાં દિલનો ટુકડો દીકરી પારકી કહેવાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

ઘર આંગણમાં કાલે બેટા, આંખ ન તુજને જોશે,
હોઠો રહેશે હસતા મારાં અંતર મારું રોશે;
થયું’તું દુ:ખ જે મારી માને આજ મને સમજાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

એક સપનું મા-બાપનું જો ને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

-ડૉ.નિલેશ રાણા

(૦૨) મા-બાપ

જિંદગીનો ભાર ઢસડી ઢસડીને
મનથી બેવડ વળી ચુકેલા,
તોય ખુશીથી અમને રાખતા.

કણીઓ પડેલી હથેળીએ
ને બરછટ બનેલા હાથ,
તોય કોળિયો અમને ભરાવતા.

ઘા ભલે હોય હજાર
તોય વ્હાલ અમને કરતા.

એક-એક ચિંતાની કરચલીઓ
ચહેરા પરથી છુપાવીને,
હાસ્ય અમને અર્પતા.

મજલોનુ અંતર કાપી કાપીને
અમને મંઝિલે પહોંચાડતા.

રાખીએ છીએ અમે એમને હ્ર્દયમાં
ને ઘરમાં રાખીશું ભવિષ્યમાં,
નહિ પડે જરુર લાકડીની
સહારો અમે ખુદ બનશું એમના!!!

-હિરલ મનોજ ઠાકર

(૦૩) પિતા હરપળ યાદ આવે છે

વાત્સલ્યના લીલા લીલા પાન ,
મેં તો પીધા મીઠા મધુરા પાન..પિતા હરપળ યાદ આવે છે.
કર્મના કીરતાલ તમો,
પ્રેમની પ્યાલી પીવડાવતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
આંગળી પકડી,રાહ ચીંધતા રહ્યા,
સફળતાની ચાવી,સંતાનોને દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
એ ભલા-ભોળા શંકર જેવા,
ખુદ વિષ પી..અમરત દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
સંતાન-સુખ,એજ લક્ષ્ય,એજ ધ્યેય,
મીઠા ફળ સૌને દેતા રહ્યાં.. પિતા હરપળ યાદ આવે છે.
આજ મ્હેકતો બાગ છે આપના થકી,
માળી બની,બાગનું સિંચન કરતા રહ્યાં..પિતા હરપળ યાદ આવે છે.
આશિષ આપી, સ્વર્ગે સિધાવી ગયા,
પિતૃબની આજપણ આશિષ દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

વિશ્વદીપ બારડ

(૦૪) પરમ પૂજ્ય પ્યારા પિતાને નમું છું

પરમ પૂજ્ય પ્યારા પિતાને નમું છું
અવિભાજ્ય તેના સ્મરણમાં સરું છું
જતનથી ઉછેર્યો ગટરમાં ન ફેંક્યો
પિતા-માતા-ધાતાને વંદન કરું છું
નિરાકાર ઘટને તેં આકાર દીધો
ગુણોના પ્રદાતાને પૂષ્પો ધરું છું
મળી ભેટ ઉત્તમ પ્રથમ ખુદને ચાહુ
જીવનદાતામાં ઈશદર્શન કરું છું
રુએ રુએ તવ રુણ ઉપકાર અગણિત
જો ચાહુ ચૂકવવા ક્યાં ચુકવી શકુ છું
ભણાવ્યો ,ગણાવ્યો ,રમાડ્યો, હસાવ્યો
કૃતઘ્ની બની ગાળ ક્યાં દઈ શકુ છું ?
અનાયાસ પૂછે કોઈ નામ તારું
વિગતવાર હું તારી ગાથા વદુ છું
હું તારો તું મારો બીજું કૈ ના જાણું
જગે તેથી નિર્ભય બનીને ફરું છું
ઓ બાપા, દિપા શું ? ગીતાગાન ગાઉં ?
હવે તારું મલકાતું મુખડું સ્મરું છું
અહોભાગ સંસ્કાર અંતિમ કર્યા’તા
હું યે અગ્નિપથ પર પલેપલ સરું છું
કરી હું શકુ છું, બની હું શકું છુ,
હું કંકરથી શંકર બની પણ શકું છું
નથી દીન ‘દિલીપ’ મળ્યો વારસો જે
અનુભવનો વૈભવ વહેંચતો રહું છું

-દિલીપ ગજજર, લેસ્ટર

(૦૫) માબાપની માયા

છાયા મમતાની જ્યાં, મળતી આ કાયાને;
ઉભરે અનંત હેત હૈયે,શબ્દ મળેના સર્જકને.
ઓ મા તારો પ્રેમ પ્રેમથી દેજે.
બાળપણમાં ઘુંટણે ચાલતા,આંગળી તેં પકડી મારી;
પાપાપગલી કરતાં પડતો,ત્યારે હાથ પકડતી મારો.
ઓ મા મારા હૈયે હેત ભરજે.
બારાખડીમાં હું જ્યાં ગુંચવાતો,પપ્પા સુધારી લેતા;
કખગમમાં હું ખચકાતો ત્યાં,પેન પાટી ધરી દેતા.
પપ્પા ભુલ સુધારવા કહેતા.
પેનપાટીને થેલો લઇ હું,પ્રથમ પગથીયે ઉભો;
માબાપને શ્રધ્ધા મનમાં,દીકરો ભણશે અમારો.
ને હેત હૈયે વરસાવી દેતા.
વરસતી વર્ષા પ્રેમનીને,આર્શીવચન પણ મળતા;
લાગણી પારખી માબાપની,મન મક્કમ કરી લેતા.
ને માબાપની લાગણી જોતા.
ભુલ બાળક કરતાં જાણી,માફ માબાપ જ કરતાં;
હૈયેહેત રાખી મનથી અમને,ભુલ સુઘારવા કહેતા.
એવા છે માબાપ અમારાવ્હાલા.
પ્રદીપને માથે હાથ માબાપાના,ને આશીશ મનથી દેતા;
ઉજળું જીવન રમા,રવિનું,ને પ્રેમે વ્હાલ દીપલને કરતાં.
એવા વ્હાલા મારા મમ્મીપપ્પા.

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૦૬) બા,બાપુજી કે બાપા

બા એટલે બાળકના જન્મદાતા,પોષક અને રક્ષક.
બા એટલે મનુષ્ય શરીરના દાતા અને પ્રણેતા.
બા એટલે સંતાનના જીવનનો પાયો.
બા વગર સંસાર,જીવન કે અસ્તિત્વ શક્ય નથી.
બાપુજી એટલે બાની પુંજી.
બાપુજી શબ્દનુ સન્માન બાના અસ્તિત્વથી જ મળે છે.
બાપુજી જીવના અવતરણનું માધ્યમ છે.
બાપુજી જ્યાં સુધી બાની પુંજી તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી એ માનને પાત્ર છે.
બાપા એટલે બા નો ચોથો ભાગ (પા ભાગ)
બાપા એ જ્યાં સુધી બાનું અસ્તિત્વ છે ત્યાં સુધી પચીસ ટકા જેટલો જ હક્ક ધરાવે છે.
બાપાનું જ્યાં સુધી બા છે ત્યાં સુધી માન છે.
અને અંતે
બા વગર બાપાની કોઇ કિંમત નથી કે કોઇ માન નથી.
(દા.ત. તારા બાપાને કહેજે કે ઘરનું ભાડુ ઓફીસે મોકલી આપે)
જગતના પ્રાણી માત્રમાં બા એ ત્રણ ભાગ છે જ્યારે બાપા એ ચોથો ભાગ છે.

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૦૭) માબાપની માયા

માબાપની માયા લાગી જેને, ભવ સુધરશે તેનો
ઉજ્વળ જીવનજીવી જશેને,જન્મ સફળ ભઇએનો
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
પ્રભુ સ્મરણથી પામર જીવન,પ્રેમ પ્રભુનો લેશે
માબાપની સેવા પ્રેમથીકરતાં,હૈયાનુ હેત ઉભરશે
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
મા ના પ્રેમની સાથે,ભઇ પ્રેમ પિતાનો મળશે
સંતાન થયાની સેવાથી,ઉજ્વળ જીવન તરશે
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
મળતી માયા સેવાથી,ના માગણી કોઇ કરતું
પ્રેમભાવથી નમવાથી,ઉભરાયેલ હેત મળતું
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
આવ્યા ક્યાંથી ક્યાં જવાના,કોઇ નથી કહેવાનું
લાગણી પ્રેમને સ્નેહ મળવાના,બીજુનહીંસહેવાનું
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

– પ્રદીપબ્રહ્મભટ્ટ

(૦૮) મા-બાપ

નીતિ જેની નિસ્વાર્થ ભરી,આ એવી પરમ પાવન જોડી મા- બાપની.
ચુકવી ના શકાય ૠણ જેનું આ એવી દિવ્ય જોડી મા- બાપની.

પી શકે પ્રેમ થી દુખ દર્દનાં ઘુંટડા, આ એવી અડીખમ જોડી મા-બાપની.
ના શરત હોય કોઇ એનાઉછેરમાં,આ એવી પ્રેમાળ જોડી મા-બાપની.

ભુલ કરે જો સંતાન, બોલે એ સંત-વાણી,આ એવી અણમોલ જોડી મા-બાપની.
જીલ્યા ઘાવ ઘણા,બની ઢાલ સંતાનોની,આ એવી અલૌકીક જોડી મા-બાપની

નમેછે ભગવાન પણ હાથ જોડી, આ એવી પુજનીય જોડી મા-બાપની
મંદીર, મસ્જીદ કે ચર્ચ ની કયાં જરૂરત છે? આ એવી શ્રેષ્ઠ જોડી મા-બાપની.

વિશ્વદીપ બારડ

(૦૯) ડેડી તમે

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …

હિમાંશુ ભટ્ટ

(૧૦) પ્રિય પપ્પા હવે તો

પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

-મુકુલ ચોક્સી

(૧૧) માબાપ ના મળશે કદી

બહુ વાત કરતા લોક સૌ, અહીંયા જુઓને પ્રેમની,
કહો કોણ જાણતું એ બધી, વાતો ખરે છે વ્હેમની.

આંખોથી આંખો જો લડે, સમજે નીશાની પ્રેમની
એ નીશાનીઓ મહીં, સઘળું લુટાવ્યું સ્હેલથી.

જાન લેવા પ્રેમમાં, દેવા ય પણ તૈયાર છે .
જીંદગી મળતી નથી, કંઇ કોઇના યે ર્ હેમથી..

છોડીને વીસરી જતા માબાપને જે પ્રેમમાં
નાસમજ ! સમજી લીયો માબાપ ના મળશે કદી

– નીરજ વ્યાસ

(૧૨) પિતૃ વંદના

ઘડવૈયાએ હેતે ઘડ્યા એવા ઘટ
પિતાએ પરખાવી પ્રભુતા પૃથ્વી પટ
દિધા જગે તમે વટવૃક્ષ સમ ધામા
સંસારને સંવારી આપ્યા મહા વિસામા
દિધી હૂંફ સંતાનને કવચ થઈ સંગે
સંસારી ઉપવન મહેંકાવ્યા રે ઉમંગે
મોભ ઘરના તમે ઝીલતા સર્વ ભાર
ગિરિ સમ પિતાએ દીધા સુખ અપાર
દર્શન શ્રીફળ સમ લાગ્યા મન ભાવન
નથી રુક્ષ, ભીંજવતા દઈ સ્નેહ પાવન
પરમ ઉપકારી છે તમ ગરજતી વર્ષા
દેવ અધિષ્ઠાતા પૂરતા સઘળી આશા
પ્રભુ ઉપહારની મળી પિતૃ પ્રસાદી
ઝાઝા ઝુહાર,સદા વરસાવી આબાદી
સંતાનના સંબંધો અજવાળશું એવા
નમશું પિતાને થઈ રામસીતા જેવા

રમેશ પટેલ(આકાશદીપ)

(૧૩) પ્રગટ દેવ-માતપિતા

આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે

આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે

આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે

આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત તે માતા રે

આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે

આ કવચ કૌવત તે પિતાજી
ને મમતા ઢળી તે માતા રે

આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે

આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે

આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે

રમેશ પટેલ ‘આકાશદીપ

(૧૪) પિતા દિન-પિતૃ સર્જન

પશુ પંખી ને પ્રકૃતિની રચી લીલા
ને ફરી વિધાતાને ચઢીયુ રે હૂર
હવે જગ વ્યવહારે પ્રગટાવું એવા નર
બનાવું પિતા ને અર્પું દશ નૂર
પ્રથમ નજરે સમાણું શ્રીફળ
ને વિધાતાએ માંડ્યા શ્રીગણેશ
રૂક્ષ લાગે ભલે બહારથી
ભીતર તારે રમાડું પ્યારના ભાવેશ
બીજી નજર મંડાણી સાવજે
નર કેસરી થઈ ઘૂમજે વીર
પૌરુષથી ડગ દેજે ધરણીએ
ઝંઝાવાતો નાથજે મર્દાઈથી ધીર
ત્રીજી નજરમાં દીઠો મેઘલો
ગરજતો અષાઢે દેતો રે ડંક
વાત વ્યવહારે તું ગાજ જે
જગ જાણે હાલ્યા રે બંક
ચોથી નજરે સમાણો વડલો
દેતો વિસામો ને શીળી છાંય
કુટુમ્બ કબીલો તારે આશરે
સંતાપો સહી છત્ર ધરજે રે રાય
પાંચમી દૃષ્ટિએ દીઠો પહાડ
ને થયા રાજીનારેડ શ્રીનાથ
દીધા તને ગિરિના ગુણ સઘળા
શિખરથી સાગર તક ગાજે આલાપ
છઠ્ઠી નજરે ઘૂઘવ્યો મહાસાગર
દિલદાર થઈ કરતો રે શોર
ભૂલજે ખારાશ તુંયે સંસારની
દે જે મીઠડા મેઘ અનરાધાર
સાતમે સમર્યા દાદા સૂરજ
પ્રતાપી તપાવતા સકળ બ્રહ્માંડ
દેજો પિતાને એવા રે તેજ
ચંદ્રની શીતળતા પામે સંતાન
હાથ જોડી બોલ્યા નર દેવ
આઠમે દેજો મૂછ મોભાને સાથ
કન્યા વિદાયે છલકે અક્ષ
એવું નવમે દેજો હૈયું વિશાળ
દશમું નૂર પ્રભુ એવું આપજો
‘દીપ‘ ને દ્વારે વધાવે સંતાન
દોડી ચાંપું ભૂલકાંને છાતીએ
ને રમું થઈ નાનો બાળ

-રમેશ પટેલ ‘આકાશદીપ’

(૧૫) માતા-પિતા,

હયાત માતા-પિતાની છત્રછાયામાં,
વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,
હોઠ અડધા બિડાય ગયા પછી,
ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આશીર્વાદ આપનારને,
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,
હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,
લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,
પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો…

માતા-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,
અડસઠ તિરથ તેના ચરણોમાં બીજા તિરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં,
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો…

હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,
પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના,
અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો…

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો,
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો…

પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,
પ્રેમથી હાથ ફેરવીને ‘બકા‘ કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો…

unknow

(૧૬) મારા પિતાજી

માન કેટલુંય દઉં તમને મારા પિતાજી!
માવજત કરી ઉછેર્યો મુંને મારા પિતાજી!

મુજ બાળહાસ્યોથી ખીલ્યા મારા પિતાજી!
મુજ સફળતા દેખી કોળ્યા મારા પિતાજી!

કૌટુંબીક ધોરણે પોષ્યો મુંને મારા પિતાજી!
સંસ્કાર અમિથી મુંને સીંચ્યો મારા પિતાજી!

ઉપકારો ક્રોડો ના ઉતરે મારા પિતાજી!
સ્વિકારું તે સૌ રોજ હું મારા પિતાજી!

પ્રાર્થુ પ્રભુને દે સૌ સુખો મારા પિતાજી!
પ્રણમું રોજ સવારે તમને મારા પિતાજી!

આ જીવન દાન મને તમારું મારા પિતાજી!
ભવો ભવ મુજ મસ્તકે હાથ તમારો પિતાજી!

“પિતૃ”દિને એ વાત સ્મરું મારા પિતાજી!
તુજાશિષોથી ઉજળો હું ઓ મારા પિતાજી!

-વિજય શાહ

(૧૭) ક્દી ના ભુલશો એવા પિતાજીને

યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે

યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે

કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૧)

યાદ કરો બચપણ યુવાનીમાં ખીજ ધમકી પણ બતાવી હતી

યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી

કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૨)

યાદ કરો ને કદી ના ભુલશો પિતાજીની છત્રછાયાનો વારસો

માનનીય જે વારસામાં મળ્યો અઢળક વ્હાલનો આસરો

કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે…(૩)

ભાવથી હ્રદય ભરી શીશ નમાવી પિતાજીને વંદન કરો

મેળવી આશીર્વાદો એમના, જીવન તમારું ધન્ય કરો

ચન્દ્ર કહે કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે..(૪)

ડો. ચંદ્રવદન મિસ્ત્રી -ચંદ્ર પૂકાર

(૧૮) પિતા, તું છે મહાન

પિતા ઘરનો મીનાર ગણાય
મોભી સ્વીકારી માન અપાય

ગુણગાન માના સર્વત્ર ગવાય
મહાનતા પિતાની રહે છૂપાય

કુટુંબના વિપરીત સમયે
ક્રૂર વિધીના ઘાએ સૌ ઘવાય

માના દુઃખ હળવા અશ્રુ ધારે
પિતા તુજ દર્દ વહે છૂપાય

ધૈર્ય હિમત સાથે પડકાર જીલે
સાંત્વના અર્પે ,સૌના મુખ મલકાય

પિતૃ દેવો ભવ જ્યારે સંભળાય
પિતા તુજ છબી હ્રદયે સ્થપાય

કોટિ પ્રણામ મહાન પિતા મારા
આજ જીવન મારું સાર્થક જણાય

(૧૯) મા બાપને ભૂલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

સંત પુનિત