કવિતા – પુત્ર – બેટા – દીકરો

3

|| કવિતા – પુત્ર – બેટા – દીકરો ||

(૧) પિતા તરફથી પુત્રને

તને સાઇકલ સાથે આપું છું વાદળ,
જજે એક દિવસ તું મારાથી આગળ.

હવે લખજે એને તું તારી જ રીતે,

તને જન્મ સાથે મળ્યો કોરો કાગળ.

ક્ષમા, નીતિ, શ્રદ્ધા, સમર્પણ અને સત્,

કદી ના ખુટાડીશ આત્માનાં અંજળ.

અદેખાઇ, ઘૃણા છે નબળા હરીફો,

રહે તું ગતિમય, તો રહે સઘળું પાછળ.

કદી વારસાની અપેક્ષા ન રાખીશ,

પરોઢે પરોઢે નવું હોય ઝાકળ.

કિરણકુમાર ચૌહાણ

(૨) દીકરાની ઝંખના

લીંપ્યુ ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયા-મે’ણાં માતા ! દોહ્યલાં.

દળણાં દળીને ઉભી રહી;
કુલેરનો માંગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

મહીડાં વલોવી ઉભી રહી;
માખણનો માગનાર દ્યોને, રન્નાદે!
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

પાણી ભરીને ઉભી રહી;
છેડાનો ઝાલનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

રોટલા ઘડીને ઉભી રહી;
ચાનકીનો માંગનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

ધોયો ધફોયો મારો સાડલો ;
ખોળાનો ખૂંદનાર દ્યોને, રન્નાદે !
વાંઝિયાં-મે’ણાં માતા ! દોહ્યલાં.

(એ પ્રમાણે પુત્ર મળતા ગાય છે…)

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
પગલીનો પાડનાર દીધો, રન્નાદે !
અનિરુદ્ધ કુંવર મારો લાડકો.

– લોકગીત

(૩) તમે મારા દેવના દીધેલ છો

તમે મારા દેવના દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,

આવ્યા ત્યારે અમર થઈને રો’!

મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું ફૂલ,

મા’દેવજી પરસન થિયાં ત્યારે આવ્યાં તમે અણમૂલ,

તમે મારૂં નગદ નાણું છો, તમે મારૂં ફૂલ વસાણું છો,

આવ્યા ત્યારે અમર થઈને રો’!

મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું હાર,

પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે.

હડમાન જાઉં ઉતાવળીને જઈ ચડાવું તેલ,

હડમાનજી પરસન થિયાં ત્યારે ઘોડિયાં બાંધ્યા ઘેર. – તમે

(પછી નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે…)

ચીંચણ પાસે પાલડીને ત્યાં તમારી ફૈ,

પાન સોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રૈ. – તમે

ભાવનગરને વરતેજ વચ્ચે બાળુડાની ફૈ,

બાળુડો જ્યારે જલમીયો ત્યારે ઝબલા ટોપીમાં થી ગૈ,

બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરા માંથી રૈ, – તમે.

– ઝવેરચંદ મેઘાણી

(૪) દીકરો મારો લાડકવાયો

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

-કૈલાશ પંડિત

(૫) આંધળી માનો કાગળ અને દેખતા દિકરાનો જવાબ

|| આંધળી માનો કાગળ ||

અમ્રુત ભરેલું અંતર જેનું ,સાગર જેવડું સત,

પુનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,

ગગો એનો મુંબઇ કામે ,

ગીગુભાઇ નાગજી નામે .

લખ્ય કે માડીને પાંચ વરસમાં પહોંચી નથી એક પાઇ ,

કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઇ ,

સમાચાર સાંભળવા તારા ,

રોવું મારે કેટલા દહાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય ,

દન આખું જાય દાડિયું ખેંચવા, રાતે હોટલમાં ખાય ,

નિત નવા લુગડા પહેરે ,

પાણી જેમ પૈસા વેરે .

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી ખૂટનું માપ ,

દવાદારુનાં દોકડા આપણે લાવશું ક્યાંથી બાપ ?

કાયા તારી રાખજે રુડી ,

ગરીબની ઇ જ છે મૂડી .

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ ,

જારનો રોટલો મળે નહીં તે દી પીવું છું એકલી છાશ ,

તારે પકવાનનું ભાણું ,

મારે નિત જારનુ ખાણું .

દેખતી તે દી દળણા પાણી કરતી ઠામે ઠામ ,

આંખ વિનાની આંધળીને હવે કોઇ ના આપે કામ ,

તારે ગામ વીજળી દિવા ,

મારે અહીં અંધારા પીવા .

લિખિતંગ તારી આંધળી માનાં વાંચજે ઝાઝા જુહાર ,

એકે રહ્યું નથી અંગનું ઢાંકણ , ખુટી છે કોઠીએ જાર,

હવે નથી જીવવા આરો ,

આવ્યો ભીખ માંગવા વારો .

|| દેખતા દિકરાનો જવાબ ||

ફાટ્યા તુટ્યા જેને ગોદડી ગાભાં, આળોટવા ફુટપાથ ,

આંધળી માનો દેખતો દિકરો કરતો મનની વાત ,

વાંચી તારા દુખડા માડી , ભીની થઇ આંખડી મારી .

પાંચ વરસમાં પાઇ મળી નથી એમ તું નાખતી ધા ,

આવ્યો તે દિ થી હોટલને ગણી છે માડી વિનાની મા ,

બાંધી ફુટપાયરી જેણે રાખ્યો રંગ રાતનો એણે .

ભાણિયો તો માડી થાય ભેળો જે દી મીલો બધી હોય બંધ ,

એક જોડી મારાં લુગડામાં એને આવી અમીરીની ગંધ ,

ભાડે લાવી લુગડા મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા .

દવાદારુ અહીં આવે ના ઢુકડા એવી છે કારમી છે વેઠ ,

રાત ને દિવસ રળું તોય મારું ખાલી ને ખાલી પેટ ,

રાતે આવે નિંદર રુડી , મારી કને એટલી જ મૂડી!

જારને ઝાઝા જુહાર કહેજે , ઉડે અહીં મકઇનો લોટ ,

બેસવા પણ ઠેકાણું ના મળે ,કૂબામાં તારે શી ખોટ?

મુંબઇની મેડીયું મોટી ,પાયામાંથી સાવ છે ખોટી .

ભીંસ વધી ને ઠેલંઠેલા, છાસવારે પડે હડતાળ ,

શેરનાં કરતાં ગામડામાં મને દેખાય ઝાઝો માલ ,

નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે .

કાગળનું તારે કામ શું માડી? વાવડ સાચા જાણ ,

તારા અંધાપાની લાકડી થાવાનાં મેં લીધા પચખાણ ,

હવે નથી ગોઠતું માડી વાંચી તારી આપદા કાળી !

ઇંદુલાલ ગાંધી

Leave a comment