ફાગણ સુદ તેરસ – તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છ ગાઉની યાત્રા

9

|| ફાગણ સુદ તેરસ – તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છ ગાઉની યાત્રા ||

ફાગણ સુદ ૧૩ ને ગુજરાતી માં ફાગણ સુદ ત્રયોદશી કે ફાગણ સુદ તેરસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો તેરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો તેરમો દિવસ છે.
પાલીતાણા શત્રુંજય મહાતીર્થની છ ગાઉની યાત્રા વર્ષમાં એક જ દિવસ ફાગણ સુદ તેરસ ના દિવસે થાય છે. આ દિવસે જૈન શાસ્ત્ર મુજબ ૮ કરોડ જૈન મુનિઓ શત્રુંજય મહાતીર્થ પર મોક્ષ પામ્યા હતા.તેથી આ ધાર્મિ‌ક કથા અનુસાર છ ગાઉ યાત્રાનું મહત્વ વિશેષ ગણવામાં આવે છે.આ યાત્રામાં માત્ર ગુજરાત જ નહિં સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાંથી પણ અનેક યાત્રાળુઓ યાત્રા કરવા માટે આવે છે. અને ખરા ધોમ ધખતા તાપમાં અને તે પણ ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે.કેટલાક તો એવા પણ લોકો આવેછે કે જેમણે મોટરકાર કે વિમાન સિવાય મુસાફરી કરી નથી છતા આ દિવસે ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે.અને પુણ્યનું ભાતુ બાંધે છે. આજની ભાગ-દોડ ભરી જીંદગીમાં પણ જૈન લોકોએ આ પરંપરા જાળવી રાખી છે.

જૈનોમાં પાલિતાણાનું અનેરું મહત્વ રહેલું છે. શાશ્ચત તીર્થ તરીકે જાણીતા એવા પાલિતાણાની યાત્રા ન કરી હોય તેવા કદાચ બહુ ઓછા જૈન જોવા મળશે. જૈનશાસ્ત્રો મુજબ મહા પવિત્ર શત્રુંજય મહાતીર્થની જાત્રા કરવામાં કહેવાયું છે કે, તીર્થ અને તેમાં પણ તીથૉધિરાજ શત્રુંજયના રસ્તાની ધૂળથી આત્મા ઉપરની કર્મરૂપી ધૂળ દૂર ફેંકાઇ જાય છે. આ મહાતીર્થમાં ભ્રમણ કરવાથી ભવમાં ભમવાનું મટી જાય છે.

શત્રુંજયની યાત્રામાં કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રધ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે ફાગણ સુદ ૧૩ના દિવસે મોક્ષે ગયા હતા. તેથી દર ફાગણ સુદ-૧૩ની યાત્રા કરવા માટે અત્રે દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઊમટી પડે છે ત્યારે આપણે આ પાલિતાણા અને લોકોમાં ઢેબરા તેરસ તરીકે પણ જાણીતી એવી છ ગાઉની યાત્રાનો મહિમા જોઇએ.

જૈનશાસ્ત્રો અનુસાર આ તીર્થને પ્રાય: શાશ્ચત તીર્થ માનવામાં આવે છે. આ તીર્થનો સદાય મહિમા અપાર રહ્યો છે. વર્તમાન ચોવીસીમાં ૨૩ તીર્થંકરોએ અહીં પદાર્પણ કરેલ છે. તેમાંય પ્રથમ જૈન તીથઁકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વર દાદાનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલાં છે. તેમણે આ ભૂમિને પવિત્ર તીર્થભૂમિ બનાવી દીધી હતી. આદિનાથ ભગવાન અહીં નિયમિત પદાર્પણ કરતાં અને ડુંગર પરના રાયણના વૃક્ષ નીચે તપ-આરાધના કરતા. તેઓ અત્રે પૂર્વ નવાણું વખત પધાર્યા હતા એટલે આજે પણ નવાણું યાત્રાનો અનેરો મહિમા છે. શત્રુંજય તીર્થ વિશ્ચભરમાં કદાચ એકમાત્ર એવું તીર્થ છે કે જેમાં ડુંગર પર ૮૬૩ ઉપરાંત શિખરબંધી નાનાં-મોટાં દેરાસરો છે. જેમાં લગભગ ૧૭૦૦૦ ઉપરાંત પ્રતિમાઓ બિરાજમાન છે. ૬૦૩ મીટર ઊંચી શત્રુંજય પર્વતમાળા પર આવેલાં આ દેરાસરો મોટાભાગે આરસપહાણથી અને સફેદ પથ્થરોથી બંધાયેલાં છે.

આ મંદિરોનું સ્થાપત્ય અને બેનૂમન કારીગરીના નમૂના સમાન ઉત્કૃષ્ટ કોટિનું શિલ્પ અને કોતરકામ હેરત પમાડે તેવું છે. આવા ચમત્કારિક, પવિત્ર શત્રુંજયની જાત્રા કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. તેમાં કાર્તિકી પૂર્ણિમા, જ્ઞાનપંચમી, ફાગણ સુદ તેરસ-૧૩ની છ ગાઉની જાત્રા લોકમુખે ઢેબરિયા મેળા અગર તો ઢેબરિયા તેરસ તરીકે પણ જાણીતી છે. શત્રુંજય પર કરોડો સાધુ-ભગવંતો મોક્ષ પામ્યા હોવાથી તેનો અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. જૈન માન્યતા અનુસાર ફાગણ સુદ-૧૩ના દિવસે શ્રીકૃષ્ણના પુત્ર શામ્બ અને પ્રધ્યુમ્ન સાડા અસંખ્ય સાધુ ભગવંતો સાથે આ પર્વતમાળામાં આવેલા ભાડવા ડુંગર પરથી મોક્ષ પામ્યા હતા.

આથી જૈનો હજારોની સંખ્યા આ દિવસે એક જ દિવસમાં અસંખ્ય લોકોને મુક્તિ અપાવનાર, પવિત્ર ભાડવા ડુંગરને હૈયા અનેરા ઉલ્લાસ સાથે ભેટવા માટે ઊમટી પડે છે અને પોતાનાં કર્મોની નર્જિરા કરે છે. આ દિવસે અત્રે થતી ભક્તિનું અનેરું મહત્વ હોઇ સૌ કોઇ તેનો લાભ ઉઠાવવા તલપાપડ થઇ જાય છે.

શત્રુંજયની જાત્રાનો પ્રારંભ જય તળેટીથી થાય છે. એક જમાનામાં તે ‘મનમોહન પાગ’ તરીકે ઓળખાતું હતું. જાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં તેઓ અત્રે તળેટીએ આવી પર્વતાધિરાજની સ્પર્શના કરીને શત્રુંજયને ભેટવાનો લહાવો લે છે. અત્રે તળેટીમાં નવ્વાણું પૂર્વવાર ગિરિરાજ પર આવનાર આદિનાથ દાદા, ચોમાસુ કરનાર અજિતનાથ અને શાંતિનાથ, આઠમા ઉદ્ધારના ઉપદેશક અભિનંદન સ્વામી વગેરેનાં પગલાઓ છે. જાત્રાળુઓ તળેટી બાદ બાબુનું દેરાસર, જલમંદિર, રત્નમંદિર, સમવસરણ, હિંગલોજ દેવી, હનુમાનધારા, રામપોળ વગેરે થઇને દાદાનું મુખ્ય દેરાસર જ્યાં આવેલ છે ત્યાં પહોંચે છે. જ્યાં તેઓ ઋષભદેવનાં દર્શન-પૂજા કરે છે. જાત્રા દરમિયાન રસ્તામાં હીરાબાઇનો કુંડ, ભુખણદાસનો કુંડ, સૂરજકુંડ વગેરે અનેક કુંડ આવે છે.

છ ગાઉની જાત્રાના દિવસે યાત્રાળુઓ મુખ્ય માર્ગેથી ગિરિરાજ ચડી ઋષભદેવ ભગવાનનાં દર્શન કરી રામપોળમાંથી બહાર નીકળી જમણી બાજુના રસ્તેથી છ ગાઉની જાત્રા શરૂ કરે છે. આ જાત્રા દરમિયાન સૌ પ્રથમ આ ગિરિરાજ પર મોક્ષ પામનાર દેવકીના છ પુત્રોનું મંદિર આવે છે. ત્યારબાદ ઉલકા જલ, અજિતનાથ, શાંતિનાથની દેરીઓ, ચંદન તલાવડી, રત્નની પ્રતિમા, સિદ્ધશિલા, ભાડવા ડુંગર અને સૌથી છેલ્લે સિદ્ધવડ આવે છે. આ સ્થાનેથી અનેક મુનિવરો મોક્ષ પામ્યા હોવાથી તેનું મહત્વ અનેરું છે. અત્રે જાત્રાળુઓ ચૈત્યવંદન વગેરે ધાર્મિક ક્રિયાઓ કરી છ ગાઉની જાત્રાની પૂણૉહુતિ કરે છે.
જૈનોમાં છ ગાઉની જાત્રાનું અનેરું મહત્વ હોવાથી આ જાત્રા કરનાર શ્રદ્ધાળુઓનું અત્રે બહુમાન કરી સંઘપૂજન કરાય છે. અત્રે આવેલ આંબાવાડિયામાં દેશભરના વિવિધ જૈન સંઘો દ્વારા સાધાર્મિક ભક્તિનો લાભ લેવા માટે અનેક પાલ ઊભા કરાય છે. જેમાં ચા-પાણી, ભરપૂર નાસ્તો વગેરે અપાય છે. પોતાના પાલમાં પધારી સાધાર્મિક ભક્તિનો લાભ આપવા બે હાથ જોડી વીનવતા હોય છે ત્યારે અનેરાં ભાવુક દ્રશ્યો સર્જાતાં રહે છે.

મંદિરોની નગરી પાલિતાણામાં વિશ્ચનું અજોડ સમવસરણ દેરાસર, આગમ મંદિર, જંબુદ્વીપ, મણિભદ્રવીર, કાળભૈરવ દાદા, સતી રાજબાઇ, શ્રવણ મંદિર, ભીડભંજન મહાદેવ, સતુઆબાબા આશ્રમ, વિશાલ જૈન મ્યુઝિયમ વગેરે જોવાલાયક સ્થળો છે. ખરેખર, પાલિતાણાની મુલાકાત સૌ કોઇ માટે કાયમી સંભારણું બની રહેશે.

|| ફાગણ સુદ તેરસની શત્રુંજયની છ ગાઉની યાત્રા ||
જૈન શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે આ વિશ્વમાં નવકાર મંત્ર જેવો કોઈ મહામંત્ર નથી, કલ્પસૂત્ર જેવું કોઈ પ્રભાવશાળી શાસ્ત્ર નથી અને ર્તીથાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ જેવું કોઈ મહાન ર્તીથ નથી.
સૌરાષ્ટ્રના પાલિતાણા શહેરમાં આવેલા શ્રી શત્રુંજય ર્તીથનો જૈનોમાં ભારે મહિમા છે. આ ર્તીથ પર અનંતાનંત પુણ્યાત્માઓ સિદ્ધગતિને પામ્યા હોવાથી અહીંની તસુએ તસુ જમીન અતિ પવિત્ર માનવામાં આવે છે.
શત્રુંજય ર્તીથ પર ફાગણ સુદ તેરસને દિવસે શ્રીકૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે અનશન કરી મોક્ષપદને પામ્યા છે. એથી આ દિવસે શત્રુંજય ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણા યાત્રાનો અપૂર્વ મહિમા છે. સમગ્ર ભારતમાંથી આ પવિત્ર દિવસે લાખો ભાવિકો શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા ઊમટે છે. આ યાત્રાનું માહાત્મ્ય દર્શાવતાં લખવામાં આવ્યું છે કે-
શામ્બ-પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા,
સાડીઆઠ કરોડ
તે તીર્થેશ્વર પ્રણમીએ
પૂર્વ કર્મ પિછોહ.
આત્મપરિણામને નર્મિળ બનાવનારાં અનેક ર્તીથસ્થાનોમાં શ્રી શત્રુંજય ગિરિરાજનું સ્થાન સૌથી મોખરે છે. નદીના પ્રવાહની જેમ યાત્રિકોનો સ્રોત આ પાવન ર્તીથમાં અવિરત વહ્યા કરે છે. અહીં આવનાર આત્મા કોઈ દિવ્ય ધામમાં આવી પહોંચ્યાનો અહેસાસ અનુભવે છે. આ ર્તીથના પ્રભાવથી અહીં અનંત આત્માઓ સકળ કર્મનો ક્ષય કરી મોક્ષગતિને પામ્યા છે અને એથી જ આ ર્તીથનો જૈન આલમમાં ભારે મહિમા છે. શત્રુંજયનો મહિમા ગાતાં કહેવામાં આવ્યું છે કે-
અકેકુ ડગલું ભરે, શત્રુંજય સમો જેહ
ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેહ.
શ્રી સુધર્માસ્વામીએ રચેલા ‘મહાકલ્પ’માં આ ર્તીથનાં શત્રુંજયગિરિ, સિદ્ધાચલ, વિમલાચલ, પુંડરીકગિરિ, શતકૂટ, મુક્તિનિલય, ઢંકગિરિ, ભગીરથ, મોહિતગિરિ જેવાં ૧૦૮ નામોનો ઉલ્લેખ મળે છે. શ્રી ધનેશ્વરસૂરિ રચિત ‘શત્રુંજય માહાત્મ્ય’ નામના ગ્રંથમાં આ ર્તીથનો મહિમા દર્શાવતાં જણાવવામાં આવ્યું છે કે અન્ય તીર્થોમાં જઈ ઉત્તમ ધ્યાન, દાન, પૂજન વગેરે કરવાથી જે ફળ મળે છે એનાથી અનેકગણું ફળ માત્ર શ્રી શત્રુંજય ર્તીથની કથા સાંભળવાથી મળે છે. અયમુત્તા કેવલી ભગવંતે નારદ ઋષિને આ ર્તીથનું માહાત્મ્ય વર્ણવતાં કહ્યું છે કે અન્ય ર્તીથમાં ઉગ્ર તપર્યા અને બ્રહ્મચર્યથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળ આ ર્તીથમાં માત્ર વસવાથી જ મળે છે. વળી એક કરોડ મનુષ્યને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એ આ ર્તીથમાં માત્ર એક ઉપવાસ કરવાથી મળે છે. આ ર્તીથની ચોવિહારો છઠ્ઠ કરીને જે વ્યક્તિ સાત યાત્રા કરે છે એ ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. અષ્ટાપદ, સમ્મેતશિખર, ગિરનાર, પાવાપુરી, ચંપાપુરી વગેરે તીર્થોનાં દર્શન-વંદન કરતાં શતગણું ફળ આ ર્તીથની યાત્રા કરતાં મળે છે.
શત્રુંજય ગિરિરાજની છ ગાઉ પ્રદક્ષિણા યાત્રા સર્વપ્રથમ શત્રુંજય ગિરિરાજની તળેટીએ દર્શન-ચૈત્યવંદન કરીને આગળ વધે છે. શત્રુંજય ગિરિરાજ પર પહોંચીને શાંતિનાથ ભગવાનના જિનાલયે, રાયણ પગલાંએ, પુંડરીકસ્વામીના દેરાસરે અને ર્તીથાધિપતિ શ્રી આદિનાથ ભગવાનના જિનાલયે એમ પાંચ ચૈત્યવંદન કરી ર્તીથપતિ શ્રી આદીશ્વરદાદાને ભાવપૂર્વક ભેટી રામપોળથી બહાર નીકળી જમણી તરફના રસ્તેથી છ ગાઉ પ્રદક્ષિણાયાત્રાનો પ્રારંભ થાય છે. ત્યાંથી થોડા આગળ વધતાં જમણી બાજુ ઊંચી દેરીમાં દેવકીજીના છ પુત્રોની પ્રતિમાનાં દર્શન થાય છે. આ છ પ્રતિમાઓની કથા એમ છે કે વાસુદેવની પત્ની દેવકીએ કૃષ્ણજીની પહેલાં ક્રમશ: છ પુત્રોને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મની સાથે જ હરિણૈગમેષી દેવે તેમને નાગદત્તની પત્ની સુકેષા પાસે મૂકી દીધા હતા. ત્યાં તેઓ મોટા થઈ શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સાધના કરવા લાગ્યા. ત્યાર પછી આ છએ મુનિઓ કેવળજ્ઞાનને પામ્યા અને આ શત્રુંજયગિરિ પર મોક્ષે ગયા. અહીં આ છ પ્રતિમાને ‘નમો સિદ્ધાણં’ કહીને સૌ ભાવપૂર્વક દર્શન કરી આગળ વધે છે.
અહીં હવે ઊંચો-નીચો રસ્તો શરૂ થાય છે. આ માર્ગે આગળ વધતાં ‘ઉલ્કા જલ’ નામનું પોલાણ-ખાડો આવે છે. દાદા આદિનાથ પ્રભુનું ન્હવણ (પક્ષાલ) જમીનમાં થઈ અહીં આવે છે એમ માનવામાં આવે છે. અહીં ડાબી બાજુ એક નાની દેરીમાં શ્રી આદિનાથ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો વિધિ સહિત ચૈત્યવંદન કરે છે. શત્રુંજય ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણાનો ચાર કલાકનો આ રસ્તો ઘણો આકરો અને કષ્ટદાયી છે. એમ છતાં આ પવિત્ર દિવસનો મહિમા સમજી લાખો યાત્રિકો ખૂબ જ આનંદોલ્લાસથી આ પ્રદક્ષિણાયાત્રા કરીને પોતાના જીવનને કૃતાર્થ કરે છે. આવી મહાન યાત્રાનો અવસર મહાપુણ્યયોગે મળ્યો છે એમ સમજીને લોકો પોતાનો બધો થાક અને કષ્ટ ભૂલીને દાદા આદીશ્વર ભગવાનની જય બોલાવતા ઉત્સાહથી આગળ વધે છે. ત્યાંથી આગળ વધતાં શ્રી અજિતનાથ પ્રભુની અને શ્રી શાંતિનાથ પ્રભુની બે દેરીઓ આવે છે. એમાં આ બન્ને ભગવાનનાં પગલાં છે. શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુએ શત્રુંજય ગિરિરાજ પર ચાતુર્માસ કરેલા એની સ્મૃતિમાં અહીં સામસામી બન્ને દેરીઓ બનાવવામાં આવી હતી. એકદા નેમિનાથ ભગવાનના સમયમાં થયેલા નંદિષેણસૂરિ અહીં આવી ચૈત્યવંદન કરવા લાગ્યા. દેરીઓ સામસામે હોવાથી પૂંઠ પડવા લાગી એથી તેમણે અહીં ‘અજિતશાંતિ’ નામના મંત્રગર્ભિત સ્તવનની રચના કરી. આ સ્તવનના પ્રભાવથી બન્ને દેરીઓ પાસપાસે આવી ગઈ. આ નંદિષેણસૂરિ સાત હજાર મુનિઓ સાથે આ ર્તીથમાં અનશન કરી મોક્ષે ગયા છે. અહીં ‘નમો જિણાણં’ કહી ચૈત્યવંદન કરી લોકો આગળ વધે છે.
અહીંથી આગળ વધતાં ‘ચિલ્લણ તલાવડી’નું પવિત્ર સ્થળ આવે છે. શીતળ જળથી ભરપૂર એવી આ પવિત્ર જગ્યાને લોકો ચંદન તલાવડી તરીકે પણ ઓળખે છે. ઋષભદેવ પરમાત્માના શાસનમાં થયેલા ચિલ્લણ મુનિ સંઘ સાથે શત્રુંજય ગિરિરાજ પધાર્યા હતા. હર્ષાવેશમાં લોકો જુદા-જુદા રસ્તેથી ગિરિરાજ પર ચડવા લાગ્યા હતા. સખત ગરમીને લીધે સંઘ અતિશય તૃષાતુર થઈ ગયો. ચિલ્લણ મુનિએ પોતાની લબ્ધિથી એક મોટું તળાવ પાણીથી છલકાવી દીધું અને સંઘના યાત્રિકોએ આ નર્મિળ પાણીથી પોતાની તૃષા શાંત કરી. ત્યારથી આ તલાવડીનું નામ ચિલ્લણ યાને ચંદન તલાવડી પ્રસિદ્ધ થયું. ચિલ્લણ મુનિએ અહીં ઇરિમાવહિયં કરી જીવોની વિરાધનાનું પાયશ્ચિત કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષે પધાર્યા. અહીં ભરત ચક્રવર્તીએ ચિલ્લણ નામે સુંદર વિહાર બનાવ્યો હતો એ કાળાંતરે નષ્ટ થઈ ગયો છે. અહીં ભરત ચક્રવર્તીએ ભરાવેલી ૫૦૦ ધનુષ્યની રત્નમય પ્રતિમા સગર ચક્રવર્તીએ નજીકની ગુફામાં પધરાવી છે. અઠ્ઠમ તપથી પ્રસન્ન થયેલા કદર્પિ યક્ષ જેને આ પ્રતિમાનાં દર્શન કરાવે તે ત્રીજે ભવે મોક્ષે જાય છે. ‘શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ’ ગ્રંથમાં જણાવ્યા અનુસાર પાંચમા આરામાં નંદરાજાએ, વીરરાજાએ અને આચાર્ય દેવસુંદરસૂરિજીના શિષ્ય પંડિત દેવમંગલે અહીં અઠ્ઠમ તપ કર્યું ત્યારે કદર્પિ યક્ષે પ્રસન્ન થઈને તેમને આ અલૌકિક રત્ન-પ્રતિમાનાં દર્શન કરાવ્યાં હતાં. ચંદન તલાવડીની બાજુમાં સિદ્ધશિલા છે. આ ર્તીથમાં કાંકરે-કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે એમ છતાં આ સિદ્ધશિલા પર બીજા સ્થાન કરતાં અધિક આત્માઓ સિદ્ધ થયા છે એથી આ શિલા સિદ્ધશિલા તરીકે સુપ્રસિદ્ધ છે. અહીં લોકો સંથારા મુદ્રાએ ૧૦૮, ૧૭, ૨૧ અથવા ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે.
ચંદન તલાવડીથી આગળ વધતાં એક ઊંચો ડુંગર દૃષ્ટિગોચર થાય છે. આ ભાડવાનો ડુંગર છે. સૌથી કષ્ટદાયક રસ્તો હવે શરૂ થાય છે. ‘શત્રુંજય લઘુકલ્પ’માં જણાવ્યું છે કે ‘પુજ્જુન્ન સંબ-પમૂહા અદ્ધઠ્ઠાઓ કુમારકોડિઓ’ ભાડવા ડુંગર પર ફાગણ સુદ તેરસના દિવસે કૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા છે. તેમની સ્મૃતિમાં અહીં એક દેરીમાં આદીશ્વર ભગવાનનાં પગલાંની સાથે શામ્બ અને પ્રદ્યુમ્નનાં પગલાં પણ છે. એક દિવસે સાડાઆઠ કરોડ આત્માઓને મુક્તિ અપાવનાર ભાડવા ડુંગરને ભેટતાં અત્યંત ભાવવિભોર બની જવાય છે અને હૃદયમાં પ્રકટેલા અનેરા ઉલ્લાસથી કર્મની ર્નિર્જરા પણ થાય છે. ફાગણ સુદ તેરસની છ ગાઉની પ્રદક્ષિણાયાત્રાનું મૂળ અને મહિમા આ ભાડવો ડુંગર અને અહીં મોક્ષે ગયેલા પુણ્યાત્માઓ છે. અહીં લોકો ‘નમો સિદ્ધાણં’ કહીને અતિશય ભાવથી ચૈત્યવંદન વિધિ કરે છે.
ભાડવા ડુંગરથી વિદાય લેતાં હવે લોકો નીચે ઊતરે છે. નીચે તળેટી પર પહોંચતાં જ એક વિશાળ વડ નજરે પડે છે એને સિદ્ધવડ તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધશિલાની જેમ આ સિદ્ધવડના સ્થાને પણ અનેક આત્માઓ સિદ્ધગતિને પામ્યા છે. એથી આ સિદ્ધવડનું ભારે માહાત્મ્ય છે. અહીં એક મોટી દેરીમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો છેલ્લું ચૈત્યવંદન કરે છે, કારણ કે છ ગાઉ પ્રદક્ષિણાનો આ અંતિમ મુકામ છે. અહીં છ ગાઉની પ્રદક્ષિણાયાત્રાની પૂર્ણાહુતિ થાય છે.

One thought on “ફાગણ સુદ તેરસ – તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છ ગાઉની યાત્રા

Leave a comment