જૈન ધર્મ અને ભગવાન શ્રી મહાવીરસ્વામી

|| જૈન ધર્મ અને ભગવાન શ્રી મહાવીરસ્વામી  ||

*. ઇ.સ પૂર્વે સાતમી સદીનાં મધ્યકાળથી ઇ.સ પૂર્વેની છઠ્ઠી સદી સુધીનાં સમયમાં ઉદય
*. ધર્મનું કેન્દ્ર મગધ

જૈન ધર્મ :-

*. જૈન ધર્મનાં સાધુ વિતરાગ કહેવાતા-‘ રાગ દ્વેષથી પર ‘ અથવા ‘ ત્યાગી ‘ એટલે વિતરાગ
*. વિતરાગ(સાધુ) બન્યા હોય તેને ‘ જિન ‘ કહેવામાં આવતાં.
*. જિન એટલે ‘ ઇન્દ્રિયો પર વિજય મેળવનાર ‘.
*. જિનના અનુયાયીઓને ‘ જૈન ‘ કહેવામાં આવ્યાં.
*. જૈન શાસનરૂપી તીર્થ બાંધી આપનાર’ તીર્થકંર ‘ કહેવાયા.
*. આ ધર્મમાં 24 તીર્થકંરો થઇ ગયા.
*. જેનાં પ્રથમ તીર્થકંર ઋષભદેવ હતાં.
*. ચોવીસમાં અને છેલ્લાં મહાવીર સ્વામી
*. મહાવીર સ્વામીને જૈન ધર્મનાં સ્થાપક માનવામાં આવે છે, કેમકે આજનું જૈન શાસન તેમની પરંપરા અનુસાર ચાલે છે.

મહાવીર સ્વામી :-

*. જન્મ: ઇ.સ પૂર્વે 599માં ઉત્તર બિહારનાં વૈશાલી પાસે કુંડગ્રામમાં
*. પિતા: સિધ્ધાર્થ. જેઓ ક્ષત્રિયકુળના વડા હતાં.
*. માતા: ત્રિશલાદેવી
*. મુળનામ: વર્ધમાન
*. બાળપણથી જ તપ,સંયમ પ્રત્યે રૂચિ.
*. માતા-પિતાની આજ્ઞાને વસ થઇ ‘ યશોદા ‘ નામની રાજકુંવરી સાથે લગ્ન.
*. એક પુત્રીનો જન્મ જેનું નામ’ પ્રિયદર્શના ‘
*. 30 વર્ષની વયે સાધુ બન્યા.
*. બાર વર્ષ સુધી તપ કરી ઇન્દ્રિયોને જીતી,તેથી ‘ જિન ‘ કે ‘ મહાવીર ‘ કહેવાયા.
*. 72 વર્ષની વયે બિહારમાં હાલનાં રાજગીરી પાસે પાવાપુરી મુકામે ઇ.સ 527માં દિવાળીનાં દિવસે દેહત્યાગ કર્યો.

જૈન સિધ્ધાંતો :-

(1) પાંચ મહાવ્રત :-

*. ત્રેવીસમા તીર્થકંર પાશ્વનાથે- અહિંસા,સત્ય,અસ્તેય,અપરીગ્રહ જેવાં ચાર વ્રતો આપ્યાં.
*. પાંચમાં વર્તનો ઉમેરો મહાવીર સ્વામીએ કર્યો-જે બ્રહ્મચર્ય છે.

(2) ત્રિરત્ન સિધ્ધંત :-

*. જૈનનાં ત્રિરત્ન સિધ્ધાંત ‘ રત્નત્રયી ‘ નામે ઓળખાય છે.
*. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ય

(3) ત્રણ ગુણવ્રતો :-

*. દિગ્વ્રત, ઉપભોગવ્રત અને અનર્થદંડ

ધર્મ પરિષદો :-

*. પ્રથમ પરિષદ:

*. ઇ.સ પૂર્વે ચોથી સદીમાં મળી.
*. જે પાટલીપુત્રમાં આચાર્ય શીલભદ્રનાં અધ્યક્ષ સ્થાને મળ ી.
*. જેમાં જૈન ધર્મનાં બાર અંગોની રચના થઇ.

*. બીજી પરિષદ :-

*. ઇ.સ પૂર્વે પાંચમી સદીમાં વલ્લભીપુરમાં મળી.
*. જેમાં જૈન ધર્મમાં બે ફાંટા પડ્યા – શ્વેતાબંર અને દિગબંર
*. સમય જતાં દિગબંરના બે ફાંટા પડ્યા – વિશ્વપંથી અને તેરાપંથી

જૈન સાહિત્ય :-

*. મહાવીર સ્વામીનો ઉપદેશ ગ્રંથ સ્વરૂપે થયોતેને’ આગમ ‘ કહેવામાં આવે છે.અથવા ‘ ગણપિટક ‘ના નામથી પણ ઓળખાય છે.
*. જૈન સાહિત્યની રચના ‘ પ્રાકૃત ‘ (અર્ધમાગધી) ભાષામાં થઇ છે.
*. હેમચંદ્રાચાર્યનો ‘ સિધ્ધહેમશબ્દાનુશાસન ‘ ગ્રંથ મહત્વનો છે.

ભગવાન મહાવીરના સત્તાવીસ ભવ

1

|| ભગવાન મહાવીરના સત્તાવીસ ભવ ||

ભગવાન મહાવીરના પૂર્વેના છવ્વીસ ભવના સગા-સ્નેહીઓને ઓળખીયે

ભગવાન મહાવીરના અસંખ્ય ભવો થયા. એ ભવોમાં પ્રથમ ભવ તરીકે તેઓ સમ્યકત્વ પામ્યા તે નયસારનો ભવ ગણાય છે. એ પછી બીજા કેટલાક ભવો મળે છે. જ્યારે કેટલાક ભવોને ક્ષુલ્લક ભવ તરીકે ગણનામાં લેવાતા નથી. ભગવાન મહાવીરના પાંચમાં, તેરમા, પંદરમા અને એકવીસમા ભવ પછી ક્ષુલ્લક ભવો મળે છે.

એ રીતે ભગવાન મહાવીરનો ભવ સત્તાવીસમો- અંતિમ ભવ છે. આ સત્તાવીસ ભવોમાં તેર ભવ માનવ તરીકે, દસ ભવ દેવ તરીકે, બે ભવ નારક તરીકે અને એક ભવ તિર્યચ તરીકે મળે છે. સત્તાવીસમો ભવ તે ભગવાનનો અંતિમ ભવ છે. આમાં પહેલો, ત્રીજો,પાંચમો, છઠ્ઠો, આઠમો, દસમો, બારમો, અઢારમો, ચૌદમો, સોળમો, અઢારમો (ત્રિપૃષ્ઠ વાસુદેવ), બાવીસમો, ત્રેવીસમો( પ્રિય મિત્ર ચક્રવર્તી) અને પચ્ચીસમો ( નંદનમુનિ) ભવ મનુષ્ય તરીકે મળે છે.

જ્યારે બીજો, ચોથો,સાતમો, નવમો, અગિયારમો, તેરમો,પંદરમો, સત્તરમો, ચોવીસમો અને છવ્વીસમો એ દેવ તરીકેનો છે. અને તેના દેવલોક સૌધર્મ, બ્રહ્મ(દેવ)લોક, સૌધર્મ, ઇશાન, સનતકુમાર,માહેન્દ્ર, બ્રહ્મલોક, મહાશુક્ર અને પ્રાણત છે.ઓગણીસમો ભવ સાતમી નારકીના જીવ તરીકેનો અને એકવીસમો ભવ ચોથી નારકીના જીવ તરીકે છે. વીસમો ભવ સિંહનો હોઈ તિર્યચ તરીકેનો છે.

મનુષ્યગતિ પૂરતો વિચાર કરતાં ભગવાન મહાવીરના અંતિમભવ પૂર્વના બાર ભવો આ પ્રમાણે છે. નયસાર, મરીચિ, કૌશિક બ્રાહ્મણ, પુષ્પમિત્ર દ્ધિજ, અગ્ન્યુદ્દ્યોત દ્ધિજ, ભારદ્ધાજ દ્ધિજ, સ્થાવરક દ્ધિજ, યુવરાજ વિશ્વભૂતિ, ત્રિપુષ્ઠ વાસુદેવ, પ્રિયમિત્ર ચક્રવર્તી અને નંદન રાજકુમાર. આ ભવો દર્શાવે છે કે તેઓના તેરમાંથી છ ભવો તો બ્રાહ્મણ તરીકેના છે. એક એ પણ હકીકત છે કે આ બધા ભવો પૈકી એકેયમાં તેઓ સ્ત્રી તરીકે અવતર્યા નથી.

ભગવાન મહાવીરના વિવિધ ભવોના સ્વજનોનાં વિચાર કરીએ તો નયસારના પ્રથમ ભવમાં એમના કોઈ સગાંનાં નામ ગ્રંથોમાં મળતાં નથી. મરીચિના ત્રીજા ભવમાં એમના પિતાનું નામ ભરત હતું. આ ભરત ચક્રવર્તી તે તીર્થકર ઋષભદેવ ભગવાનના પુત્ર થાય. આ રીતે જોઈએ તો ભગવાન ઋષભદેવ મરીચિના પિતામહ થાય. સુનંદા અને સુમંગલા એમની પિતામહી થાય. બાહુબલિ અને ભરત સિવાયના અઠ્ઠાણું ભાઈઓ તે મરીચિના કાકા થાય. બ્રાહ્મી અને સુંદર એમનાં ફૈબા થાય. મરુદેવી એમના દાદા ( પિતામહ)ની માતા થાય અને કુલકર નાભિ એમના પ્રપિતામહ થાય. આ મરીચિના ભવમાં મહાવીર સ્વામીએ ‘ત્રિદંડી’ નો -પારવ્રાજકનો ધર્મ સ્વીકાર્યો હતો. આનો  અર્થ એ કે એ ભવમાં જૈન સાધુતા સ્વીકાર્ય બાદ અતિ મુશ્કેલ લાગતાં તેઓ ત્રિંદડી બન્યા હતા.

ભગવાન મહાવીરના સત્તાવીશ ભવમાંથી સાત ભવ ત્રિદંડી તરીકેના છે: ૧. મરીચિ ૨. કૌશિક, ૩. પુષ્યમિત્ર,૪. અગન્યુદ્દ્યોત, ૫. અગ્નિભૂતિ ૬. ભારદ્ધાજ અને ૭. સ્થાવર. મરીચિના ભવ સિવાય બાકીના છએ ભવમાં તેઓ બ્રાહ્મણ તરીકે જન્મયા હતા. ત્રિદંડીની વાત એક મહત્વનું સૂચન કરે છે , સાધુના કપરા આચારો પાળી નહિ શકનાર ત્રિદંડી બને છે. એ આચરણો છૂટ લઈને સાધુ રહી શકાય નહિ. પાંચમા ભવમાં કૌશિક બ્રાહ્મણ તરીકે ભગાવન મહાવીર સ્વામીએ ત્રિદંડી ધર્મ પાળ્યો. એ  પછી એમના અનેક ક્ષુલ્લક ભવો મળે છે.

છઠ્ઠા ભવમાં અગાઉના ભવની પેઠે બ્રાહ્મણ તરીકે જન્મયા અને ત્રિદંડી ધર્મ પાળ્યો. આઠમાં ભવમાં પણ એ જ રીતે અગ્ન્યુદ્દ્યોત તરીકે બ્રાહ્મણ તરીકે જન્મયા અને ત્રિદંડી ધર્મ પાળ્યો. દસમા ભવમાં બ્રાહ્મણકુળમાં અગ્નિભૂતિ તરીકે જન્મ થયો. એમના પિતાનું નામ સોમિલ અને માતાનું નામ શિવભદ્રા હતું. આ અગ્નિભૂતિએ સમય જ્તાં પિરવ્રાજક સૂરસેન પાસે દીક્ષા લીધી. બારમા ભારદ્ધાજ તરીકેના બ્રાહ્મણ તરીકેના ભવમાં પણ એમણે ત્રિદંડી ધર્મ સ્વીકાર્યો હતો. તેરમા ભવ પછીના વિવિધ સામાન્ય ભવોની માહિતી સાંપડતી નથી. ચૌદમા ભવમાં કપિલ બ્રાહ્મણની કાંતિમની નામની પત્નીના પુત્ર સ્થાવર તરીકે એમનો જન્મ થયો અને ત્રિદંડી ધર્મ અંગીકાર કર્યો. દેવ તરીકેના પંદરમાં ભવ પછીના ક્ષુલ્લક ભવોની ગણના કરાતી નથી. એમનો સોળમો ભવ તે વિશ્વભૂતિનો . આ વિશ્વભૂતિના પિતાનું નામ વિશાખભૂતિ અને કાકાનું નામ વિશ્વનન્દિ હતું . આ વિશાખભૂતિની પત્ની ધારીણી તે વિશ્વભૂતિનની માતા હતી. વિશ્વભૂતિનાં લગ્ન બત્રીસ કન્યાઓ સાથે થયાં હતાં. વિશ્વભૂતિની કાકી થાય અને વિશાખનન્દિ તે એમનો દીકરો થાય.

ઓગણીસમો ભવ તે ત્રિપૃષ્ઠ તરીકેનો હતો. આ ત્રિપૃષ્ઠના પિતાનું નામ પ્રજાપતિ અને માતાનું નામ મૃગાવતી હતું. એકવીસમા ભવ પછીના ક્ષુલ્લક ભવો વિશે કોઈ માહિતી નથી. જ્યારે બાવીસમા વિમલના ભવમા એમના પિતાનું નામ પ્રિયમિત્ર અને માતાનું નામ વિમલા છે. ત્રેવીસમા પ્રિયમિત્ર તરીકેના ભવમાં તેઓ મહાવિદેહ ક્ષેત્રમાંથી મૂકા નગરીના રાજા ધનંજય અને રાણી ધારિણીના પુત્ર હતા. આ પ્રિયમિત્ર ચક્રવર્તીને અનેક રાજકન્યાઓ પરણાવવામાં આવી . અન્ય ચક્રવર્તીઓની પેઠે એને ૬૪૦૦૦ પત્નીઓ હતી, આ પ્રિયમિત્રએ અંતે પોટિલ્લાચાર્ય પાસે દીક્ષા લીધી.

પચીસમા ભવમાં જીતશત્રુ રાજા અને ભદ્રા રાણીના પુત્ર નંદન તરીકે જન્મ થયો. આ નંદને પોતાના પુત્રને રાજગાદી સોંપીને પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. એ ભવમાં એણે વીસ સ્થાનકોની આરાધના કરીને તીર્થકર-નામકર્મ-નિકાચિત કર્યું હતું. ભગવાન મહાવીરનો સત્તાવીસમો ભવ એ એમનો અંતિમ ભવ છે.

* સારાંશ :-

ભૌતિક સુખ અને ઊડતા પતંગિયા વચ્ચે ખૂબ સામ્ય છે. રંગબેરંગી હોવાને કારણે પતંગિયા આકર્ષે છે. માનવીના ભૌતિક સુખ અને સદા આકર્ષતા રહે છે. એ પતંગિયાને પકડવા માટે જેમ જેમ પાછળ દોડો, તેમ તેમ એ દૂર ભાગતું જાય છે. એષણા , ઇચ્છા, કામનાઓ કે લાલસાઓની તૃપ્તિ માટે માણસ દોડતો હોય છે અને એ પકડવાને બદલે માણસને વધુને વધુ ઇચ્છાઓના આકાશમાં દોડતો રાખે છે.

 

 

ભગવાન મહાવીર માત્ર જૈનોની નહીં, સમગ્ર વિશ્વની વંદનીય વિભૂતિ

5

|| ભગવાન મહાવીર માત્ર જૈનોની નહીં, સમગ્ર વિશ્વની વંદનીય વિભૂતિ ||

પ્રભુ મહાવીર ભારતની ઋષિપરંપરાનું એક મહાન અંગ હતા જેનો ઉલ્લેખ વૈદિક પરંપરાનાં ઉપનિષદોમાં અને બુદ્ધપરંપરાના થેરગાથા અને સુત્તનિપાતમાં મળે છે

શ્રમણ ભગવાન મહાવીર એ માત્ર જૈનોના જ નહીં, સમગ્ર વિશ્વના મહાન જ્યોતર્ધિર હતા. વૈચારિકક્ષેત્રમાં પ્રભુ મહાવીરની જીવનદૃષ્ટિ જેટલી ઉદાર, સહિષ્ણુ અને સમન્વયવાદી હતી એટલી જ આચારક્ષેત્રમાં કઠોર રહી હતી. ભગવાન મહાવીરના સમગ્ર જીવનદર્શનને માત્ર બે જ શબ્દમાં મૂલવવું હોય તો એમ અવશ્ય કહી શકાય કે તેમના વિચારમાં ઉદારતા અને આચારમાં કઠોરતા હતી.

ભગવાન મહાવીરનો જન્મ બૌદ્ધિક જાગરણના યુગમાં થયો હતો. તેમનું અવતરણ આ અવનિ પર થયું એ સમયે અનેક મતમતાંતરો, અનેક દૃષ્ટિકોણ અને અનેક વિચારધારાઓ ચાલી રહ્યાં હતાં. માણસ પોતાની માનવીય ગરિમા અને મૂલ્યને ભૂલવા લાગ્યો હતો. ભગવાન મહાવીરે મુખ્ય કામ એ જ કર્યું કે તેમણે મનુષ્યે ગુમાવેલી ગરિમાનું અને મૂલ્યનિષ્ઠાનું પુન: પ્રસ્થાપન કર્યું. તેમણે લોકોને કહ્યું : દેવ ભલે મોટો હોય, ગમે એવું તેમનું સ્વર્ગ હોય; પણ માણસથી મોટું કોઈ નહીં. માણસ માનવતા રાખે તો દેવ પણ તેનાં ચરણોમાં રહે. માણસે આ માટે સત્યનો ને પ્રેમનો આગ્રહ રાખવો જોઈએ. પ્રત્યેક માણસ પોતાના કાર્યથી, પોતાના ગુણથી ને પોતાના શ્રમથી મહાન થઈ શકે છે. એ માટે સત્યનો ને પ્રેમનો આગ્રહ રાખવો જોઈએ. પ્રત્યેક માણસ પોતાના કાર્યથી, પોતાના ગુણથી ને પોતાના શ્રમથી મહાન થઈ શકે છે. એ માટે ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ કે ઊંચાના ઘરે જન્મ લેવાની જરૂર નથી.

ભગવાન મહાવીરનો જન્મ સુખી, સમૃદ્ધ અને કુળવાન રાજપરિવારમાં થયો હતો છતાં તેમણે એ ઝળહળતા વૈભવને ત્યાગી શ્રમણજીવન સ્વીકાર્યું. તેમણે એમ શા માટે કર્યું? એની પાછળ તેમનો શો ઉદ્દેશ હતો? શું ભગવાન મહાવીરે એમ સમજીને સંન્યસ્ત અંગીકાર કર્યું હતું કે સાધુ યા સંન્યાસી થવાથી જ મુક્તિ પ્રાપ્ત થઈ શકશે? આ પ્રશ્નનો ઉત્તર એ જ છે કે ભગવાન મહાવીરે સમગ્ર વિશ્વને દુ:ખ અને પીડાથી મુક્ત કરાવવા માટે જ રાજપાટ ત્યાગી સંન્યસ્ત લીધું હતું. તેઓ કહેતા, ‘ધર્મ સાધુ માટે છે ને ગૃહસ્થોએ લીલાલહેર કરવાની છે એ વાત ભૂલભરેલી છે. સાધુની જેમ સંસારીના, ગૃહસ્થના પણ ધર્મ છે. સાધુ સવાર઼્શે, સૂક્ષ્મ રીતે વ્રત-નિયમ પાળે એ માટે સાધુએ પાંચ મહાવ્રત અને ગૃહસ્થે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતવાળા ધર્મથી જીવતરનું ઘડતર કરવું જોઈએ. એમ કરે તો માણસનો બેડો પાર થઈ જાય.’

ભગવાન મહાવીરે ઉપદેશ્યું હતું કે દરેક વાત પોતપોતાના દૃષ્ટિકોણથી અને અપેક્ષાભેદથી સત્ય હોઈ શકે છે એટલે કોઈને જૂઠો ન કહો. ‘સૂત્રકૃતાંગ’માં તેમણે કહ્યું છે:

સયં સયં પસંસંતા ગરંહતા પરં વયં

જે ઉ તત્થ વિઉસ્સતિ સંસારે તે વિઉસ્સિયા

અર્થાત્ જે પોતપોતાના મતનાં વખાણ કરે છે અને બીજાના મતની નિંદા કરે છે તે સત્યને પ્રદૂષિત કરે છે અને તેથી તે સંસારમાં પરિભ્રમણ કરતો જ રહે છે.

ભગવાન મહાવીરે કદી એમ નથી કહ્યું કે હું નૂતન ધર્મનું પ્રવર્તન કરી રહ્યો છું કે ન કોઈ નવીન સિદ્ધાંત તમને આપી રહ્યો છું. મહાવીરે વિનયભાવથી કહ્યું છે:

સમિયાએ આયરિએ

ધમ્મેપવઇએ – આર્યજનોના સમભાવને જ ધર્મ કહ્યો છે. ‘આચારાંગ સૂત્ર’માં તેમણે સ્પષ્ટ દર્શાવ્યું છે:

જે અરહન્તા ભગવન્તા પડિપુન્ના

જે વા આગવિસ્સા જો વા અસિ તે સવ્વે ઇમં ભાસંતિ

પરુવેતિ સવ્વે સન્તા ન હન્તવા

એસ ધમ્મો સુદ્ધો ણિચ્યો સાસયો

અર્થાત્ જે અરિહંત થઈ ચૂક્યા છે, જે થશે અને જે છે તે બધા એક જ વાત કરે છે કે કોઈ પણ પ્રાણીને દુ:ખ અગર પીડા ન આપવી જોઈએ. આ જ શુદ્ધ, નિત્ય અને શાશ્વત ધર્મ છે.

ભગવાન મહાવીરને કોઈ તેમનો પરિચય પૂછતાં તો તેઓ કહેતા કે હું શ્રમણ છું, નિર્ગ્ર છું. નિર્ગ્ર કોણ થઈ શકે? ભગવાન કહેતા કે જે મણં પરિજાણઇ સે નિર્ગ્ર – જે મનના દ્રષ્ટા છે તે જ નિર્ગ્ર. ભગવાન મહાવીરની સાધના અંતરદર્શનથી શરૂ થઈ હતી. ભગવાન મહાવીરે શીખવ્યું કે વ્યક્તિ પોતાના અંતરમાં જુએ, પોતાની જાતને ઓળખે; કારણ કે આ એક જ માર્ગ છે જે વ્યક્તિને આધ્યાત્મિક વિકાસની દિશામાં લઈ જઈ શકે છે. ભગવાન મહાવીર જીવનપર્યંત કહેતા રહ્યા કે તમે જ્ઞાતા અને દ્રષ્ટા બનો. ભગવાન મહાવીરે પોતાના સમગ્ર જીવનમાં જે કહ્યું અને જે કંઈ કર્યું એનું મૂળભૂત સારતત્વ આ જ છે.

ભગવાન મહાવીરના જીવન અને દર્શનની એટલી વ્યાપકતા અને ઉદારતા હતી કે એની કલ્પના આપણે ભગવાન મહાવીરને માત્ર જૈન ધર્મના ચોકઠામાં મૂકીને નહીં કરી શકીએ. ભગવાન મહાવીરને આપણે માત્ર જૈનોના જ ગણાવીને આપણે તેમને અન્યાય કરીએ છીએ. ભગવાન મહાવીર ભારતની ઋષિપરંપરાનું એક મહાન અંગ છે જેનો ઉલ્લેખ વૈદિક પરંપરાનાં ઉપનિષદોમાં અને બુદ્ધપરંપરાના ‘થેરગાથા’ અને ‘સુત્તનિપાત’માં પણ મળે છે.

પ્રભુ મહાવીરે સાડાબાર વર્ષની અતિ કઠિન તપશ્ચર્યા કરી હતી. તપસાધનાનાં આ વષોર્માં તેમણે કોઈ ઉપદેશ આપ્યો નહોતો. ભગવાન મહાવીર પોતાના જીવનમાં ઘણું ઓછું બોલ્યા છે અને ઘણુંબધું કાર્ય કર્યું છે. આજે આપણે વધારેમાં વધારે બોલીએ છીએ અને ઓછામાં ઓછું કરીએ છીએ. ભગવાન મહાવીરનું દર્શન સ્પષ્ટ છે કે તમે તમારું જીવન એવું બનાવો કે તમારું જીવન જ સૌકોઈ માટે ઉપદેશ બને.

આ જ આપણું દુર્ભાગ્ય છે કે આપણે આપણી અંદરની વાસનાઓ અને કષાયોને જોવાને બદલે એના પર સોનેરી આવરણ ઢાંકીને આપણો જીવનવ્યવહાર ચલાવીએ છીએ. આ કારણથી જ આપણું જીવન દુ:ખી બની જાય છે. સાથે આપણો સામાજિક પરિવેશ પણ દંભયુક્ત બની જાય છે. ભગવાન મહાવીરે કહ્યું કે તમે જ્યાં સુધી તમારી વાસનાઓથી અને કષાયોથી ઉપર નહીં ઊઠો ત્યાં સુધી સાચા સાધક નહીં બની શકો અને ત્યાં સુધી તમારું જીવન ખરા અર્થમાં જીવન નહીં બની શકે.

અનેકાંતનો સિદ્ધાંત સ્પષ્ટ રૂપથી એ વાત કહે છે કે મનુષ્ય પોતાના આગ્રહના ચોકઠામાં ઊભો ન રહે. સત્યનો સૂર્ય કોઈ એક વ્યક્તિના ઘરને જ પ્રકાશિત કરશે અને બીજાના ઘરને નહીં કરે એ સંભવ નથી. સૂર્યનું કામ છે પ્રકાશ આપવાનું. જે કોઈ પોતાના ઘરનાં બારી-બારણાં ખુલ્લાં રાખી શકશે તેમને ત્યાં સૂર્યનો પ્રકાશ અવશ્ય જશે. આ જ સ્થિતિ સત્યની છે. જો તમારા મસ્તકનો દરવાજો ખુલ્લો હશે તો સત્ય તમને અવશ્ય આલોકિત કરશે, પરંતુ આપણે આપણા આગ્રહોના દરવાજાથી મસ્તકની બારીને બંધ કરીશું તો સત્યના પ્રકાશને પ્રવેશ નહીં મળે. સત્ય ન તો મારું છે, ન તો તમારું. એ સૌનું છે અને સર્વત્ર છે. ‘મારું સત્ય’ એ ભગવાન મહાવીરની દૃષ્ટિથી સૌથી મોટી ભ્રાંતિ છે!

આજે આપણા દેશનું દુર્ભાગ્ય છે કે અહીં ધર્મના નામે સંઘર્ષ વધતો રહ્યો છે. શું સંઘર્ષનું કારણ ધર્મ છે? શું ધર્મ સંઘર્ષ શીખવે છે? મૂળ વાત એ છે કે વસ્તુત: ધર્મ શું છે એને આપણે જાણતા નથી. ધર્મનો અર્થ શું છે એની પણ આપણને સમજણ નથી. ભગવાન મહાવીરે કહ્યું છે કે ‘ધમ્મો સુદ્ધસ્સ ચિટ્ટઇ – ધર્મ તો શુદ્ધ ચિત્તમાં જ રહે છે. ‘ધમ્મો ઉજુભૂયસ્સ’ – ધર્મ ચિત્તની સરળતામાં છે. વસ્તુત: જ્યાં સરળતા છે, સહજતા છે ત્યાં ધર્મ છે. ભગવાન મહાવીર દર્શાવે છે કે સમિયાએ આયરિએ ધમ્મે પવ્વઇએ – સમભાવમાં જ સમત્વની સાધના છે, ત્યાં જ ધર્મ છે.

‘પ્રશ્ન વ્યાકરણસૂત્ર’માં અહિંસાનાં સાઠ નામ આપવામાં આવ્યાં છે. જગતમાં જેટલા સદ્ગુણો છે એ બધાનો સમાવેશ અહિંસામાં થાય છે. અહિંસા અને અનેકાંત એ બન્ને ભગવાન મહાવીરના ધર્મરથનાં બે ચક્રો છે. ‘સૂત્રકૃતાંગ’માં અહિંસાનો મહિમા બતાવતાં ભગવાન મહાવીરે કહ્યું છે કે

સંબુજઝમાણે ઉ ણરે મઇમં

પાવાઉ અપ્પાણ નિવટ્ટએજ્જા

હિંસપ્પસુયાઇં દુહાઇં મત્તા

વેરાણુબન્ધીણિ મહબ્ભયાણિ

અર્થાત્ દુ:ખો હિંસાથી જન્મેલાં છે, વૈરને વધારનારાં છે અને મહાભયંકર છે એમ જાણીને સમજણવાળો બુદ્ધિમાન મનુષ્ય તો પોતાની જાતને પાપથી અટકાવે. ભગવાન મહાવીરને સમજ્યા હોય તો તેમના વૈયક્તિક જીવનમાં જે કઠોર સાધના તેમણે કરી છે એના તરફ દૃષ્ટિપાત કરો. ભગવાન વાસના અને વિકારો સામે કેવી રીતે લડ્યા એ જુઓ. સામાજિક જીવનના સંદર્ભમાંં ભગવાન મહાવીરનું જીવન સમજવું હોય તો તેમની વૈચારિક ઉદારતા અને લોકકલ્યાણની ભાવનાને સમજવી આવશ્યક છે. આટલું કરીશું તો આપણે ભગવાન મહાવીરના મહાન જીવનને થોડા અંશે પણ સમજી શક્યા છીએ એવું આશ્વાસન અવશ્ય લઈ શકીશું.

મહાવીર સ્વામી

3

કાંગડા કિલ્લાની ટોચ પર આવેલા મંદિરની મહાવીરની
મૂર્તિ, જેને મહાવીરની મૂળ પ્રતિમા માનવામાં આવે છે.

|| મહાવીર સ્વામી ||

મહાવીર સ્વામીનું લઘુ ચિત્ર

માહિતી

અન્ય નામ: વર્ધમાન,સન્મતિનાયક,વીર,મહા-અતિવીર, શ્રમણ, નિગંથ
અસ્તિત્વનો ઐતિહાસિક સમય: ૫૯૯–૫૨૭ ઈ.પૂ.

* કુટુંબ

પિતા: સિદ્ધાર્થ
માતા: ત્રિશલા (પ્રિયકરણી)
કુળ: ઈક્ષ્વાકુ

* સ્થળો

જન્મ: કુંડલગ્રામ (બિહાર, વૈશાલી જિલ્લો)
નિર્વાણ: પાવાપુરી (બિહાર, નાલંદા જિલ્લો)

* લક્ષણો

વર્ણ: પીળો
લાંછન: સિંહ
ઊંચાઈ: ૬ ફૂટ
મૃત્યુકાળે ઊંમર: ૭૨ વર્ષ

* ક્ષેત્ર રક્ષક દેવ

યક્ષ: માતંગ
યક્ષિણી: સિદ્ધાયિકા

મહાવીર અર્થાત્ “મહાન નાયક કે અતિ બહાદૂર” એ નામ સામાન્ય રીતે જૈન તીર્થંકર “વર્ધમાન”ના સંદર્ભમાં વપરાતો શબ્દ છે જેઓ ઈ.પૂ. ૫૯૯-૫૨૭ દર્મ્યાન થઈ ગયાં. વિહરમાન જૈન સિદ્ધાંતોનો પાયો તેમણે નાખ્યો છે. જૈન પરંપરા પ્રમાણે તેઓ ૨૪ મા અને અંતિમ તીર્થંકર હતાં . તમિળ ભાષામાં તેમને અરુકાણ્ અથવા અરુકાદેવન કહે છે. ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ વીર કે વીરપ્રભુ, સન્મતિ, અતિવીર, અને જ્ઞાતપુત્ર તરીકે પણ થયો છે. બૌદ્ધત્વના પાલિ ગ્રંથમાં તેમનો ઉલ્લેખ નોગંથ નાતપુત્તા તરીકે થયો છે.

* રાજકુમાર વર્ધમાનનો જન્મ

ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લા માં પટનાનાથી ૨૯ માઈલ દૂર આવેલા ‘બેસધા પટ્ટી’ નજીક આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ ૧૩ના થયો હતો. આ દિવસ આજના ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે.તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું. એવું માનવામાં આવે છે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવ્યાં તે સમયથી રાજ્યમાં રીદ્ધી સંપદા વધી હતી. આથી તેમને વર્ધમાન પણ કહે છે. માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ધણી સારી ઘટનાઓ ઘટી હતી જેમકે વૃક્ષો આદિ પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું આદિ. રાણી ત્રિશલાને ૧૪ (શ્વેતાંબર મત પ્રમાણે ૧૪ અને દિગંબર મત પ્રમાણે ૧૬) શુભ સ્વપ્નો આવ્યાં હતાં જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિન્હ મનાય છે.

જૈન પરંપરા માં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઈંદ્ર તીર્થકરને મેરુપર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. વર્ધમાન મહાવીરનો જન્મ દિવસ મહાવીર જન્મકલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે..

શરૂઆતનો કાળમા રાજા સિદ્ધાર્થના પુત્ર તરીકે તેઓ રાજકુમાર તરીકે રહ્યાં હતાં.

* આધ્યાત્મિક શોધ

મહાવીરના સમયનું ભારત
ત્રીસ વર્ષની ઊંમરે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો. તેમણે તેમનું રાજ્ય, પરિવાર અને ભૌતિક સુખો આદિનો ત્યાગ કર્યો અને ૧૨ વર્ષ સંયમી જીવન ગાળ્યું.આ ૧૨ વર્ષ દરમ્યાન તેમણે મોટા ભાગનો સમય ધ્યાન અને આત્મચિંતનમાં ગાળ્યો. તેઓ માનવ, પ્રાણી અને વનસ્પતિ સહીત સર્વ જીવોની જતના કરતાં અને તેમને દુ:ખ ન પહોંચે તેનું ધ્યાન રાખતાં. તેમણે વસ્ત્રો સહીત વિશ્વની સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યો અને વીતરાગી ત્યાગમય જીવન જીવતાં. સાધના અને તપના સમય દરમિયાન તેમણે પોતાની ઈંદ્રીય પરના અનન્ય કાબુ અને સહનશીલતા નું પ્રદર્શન કર્યું. તેમની આવી વીરતાના પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું. આધ્યાત્મીક સફરનો આ તેમનો સુવર્ણ કાળ હતો જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી.

* સંયમી જીવન

કલ્પસૂત્ર નામના જૈન ગ્રંથમાં મહાવીર સ્વામીના સંયમી જીવનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે.

સંયમી સાધુ મહાવીરે એક વર્ષ અને એક મહીના સુધી વસ્ત્રો ધારણ કર્યાં; ત્યાર બાદ તેઓ નિર્વસ્ત્ર જ ફરતાં, અને પોતાના ખોબામાં જ આહાર વહોરીને ખાતા. બાર વર્ષ સુધી ત્યાગી જીવન ગાળ્યું તે દરમ્યાન તેમણે શરીરની જરા પણ પરવા ન કરી, તેની જરા પણ શાતા સારવાર ન કરી. માનવ, પ્રાણી કે સંજોગો દ્વારા થતા સારા કે ખરાબ સૌ અનુભવો સમતા ભાવે સહન કર્યાં.

* પાછલા વર્ષો

પાછલા વર્ષો મહાવીરે ભારતના લોકોને આત્મીક મુક્તિનો શાસ્વત સત્ય માર્ગ બતાવવામાં કર્યો. તેઓ ખુલ્લા પગે અને નિર્વસ્ત્ર ફરતાં, વાતાવરણનેએ તીવ્રતા સહન કરતાં, જીવનના કોણ પણ સ્તર પરથી તેઅમ્ની દેશના સાંભળવા આવેલા માણસોને મળતાં. એક સમયે મહાવીરના ૩૭,૦૦૦,૦૦૦ અનુયાયીઓ હતાં. મહાવીરની દેશના અને જૈન તત્વજ્ઞાન સમજાવવા માટે કરેલા શ્રમને પરિણામ સ્વરૂપ જૈન ધર્મના ફેલાવાને બળ મળ્યું.

૭૨ વર્ષ અને સાડા ચાર માસની ઊંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં જૈન વર્ષના અંતિમ દિવસ દિવાળીના દિવસે નિર્વાણ પામ્યાં. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈનો ઉત્સવ મનાવે છે. કિન લોકો માને છે કે ભ્ગવાન મહાવીરનું અસ્તિત્વ કાળ ઈ. પૂ. ૫૯૯-૫૨૭ હતો જ્યારે અમુક વિદ્વાનો માને છે આ કાળ ઈ.પૂ.૫૪૯-૪૭૭નો હતો.

* પૂર્વ જન્મો

ત્રેસઠ શલાકા પુરુષ અને ઉત્તર પુરાણ જેવા અનેક પ્રાચીન ગ્રંથોમાં મહાવીરના પૂર્વ જન્મનો ઉલ્લેખ આવે છે. સંસાર ચક્રમાં રહેતાં જીવ અનંત જન્મ લે છે. તીર્થંકરોના જન્મના કાળની ગણના ત્યારથી થાય છે જ્યારથી તેઓ સમયક્ત્વ કે તીર્થંકર નામ ગોત્ર કર્મ પામે છે. તીર્થંકરના ભવ પહેલાં જૈન દર્શનમાં ભગવાન મહાવીરના ૨૭  ભવોનું વર્ણન આવે છે.

તે આ પ્રમાણે છે.

01. નયસાર – ગામના મુખી, જેમણે જૈન સાધુનોઇ ઉપદેશ સાંભળીની અર્ધ આત્મજ્ઞાન મેળવ્યું.
02. દેવ – પ્રથમ સુધર્મ દેવલોક
03. મરિચિ રાજકુમાર – પ્રથમ તીર્થંકર ઋષભ દેવના પૌત્ર.
04. દેવ પાંચમા બ્રહ્મ દેવલોક
05. કૌશિક– બ્રાહ્મણ
06. પુષ્યમિત્ર– બ્રાહ્મણ
07. દેવ પ્રથમ સૌધર્મ દેવલોક
08. અગ્નિદ્યોત – બ્રાહ્મણ
09. દેવ બીજું ઈશન દેવલોક
10. અગ્નિભૂતિ – બ્રાહ્મણ
11. દેવ- ત્રીજું સુધર્મ
12. ભારદ્વાજ – બ્રાહ્મણ
13. દેવ – ચોથું મહેન્દ્ર
14. સ્થવીર – બ્રાહ્મણ
15. દેવ- પાંચમા બ્રહ્મ દેવલોક
16. રાજકુમાર વિષ્ણુભૂતિ
17. દેવ સાતમું મહાશુક્ર
18. ત્રિપુષ્ટ વાસુદેવ – કાલચક્રના પ્રથમ વાસુદેવ
19. નારક સાતમી નરકમાં
20. સિંહ
21. નારક ચોથી નરકમાં
22. માનવ (નામ અજ્ઞાત)
23. પ્રિયમિત્ર – ચક્રવર્તી (સાત ખંડના અધિપતી)
24. દેવ – સાતમું મહાશુક્ર દેવલોક
25. નંદન રાજકુમાર – તેમણે સ્વ-નિયંત્રણ દ્વારા તીર્થમ્કર નામ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું.
26. દેવ – દસમું પ્રાણત દેવલોક
27. વર્ધમાન મહાવીર (અંતિમ ભવ)

* આધ્યાત્મ

મહાવીર સ્વામીની દેશનાને ગણધર તરીકે તેમના તેમના શિષ્યોએ સૂત્રમાં ગૂંથીને શ્રાવ્ય જ્ઞાન રૂપે સાચવ્યું. સમય વીતતો ગયો તેમ ઘણાં આગમ સૂત્રિ ભૂલાતાં ગયાં અને નામશેષ થયાં કે બદલાઈ ગયાં. મહાવીરના નિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી આ આગમ સૂત્રોને પાંડુ લિપી પર લેખિત કરાયાં. શ્વેતાંબર જૈનો આને મૂળભૂત શિક્ષા તરીકે અપનાઅવે છે જ્યારે દિગંબરો આને સંદર્ભ તરીકે માને છે.
મહાવીરના સમય પહેલાં પણ જૈનત્વનું અસ્તિત્વ હતું અને તેમની શિક્ષા તેમના પૂરોગામી અનુસાર જ હતી. આમ મહાવીર એક વિહરમાન ધર્મના પરિવર્તક કે ઉદ્ધારક કે પ્રસારક હતાં. તેમણે આગલા તીર્થંકર પાર્શ્વનાથના ચીલાને આગળ ચલાવ્યો.જો કે મહાવીરે તેમના સમ્યમાં પ્રચલિત સમાજ વ્યવસ્થા અનુસાર આધ્યાત્મના નિયમો રચ્યાં.
મહાવીર નિર્વાણ પછી જૈન સંઘવધુ અને વધુ જટિલ બનવા લાગ્યો. નાના મુદ્દે મતભેદો પડવા લાગ્યાં જોકે મહાવીરની મૂળભૂત સીખમાં કાંઈ ફરક ન હતો. પાઘળની પેઢીઓમાં ક્રિયા કાંડો આદિ પ્રવેશ્યાં.

* ગ્રંથો
મહાવીર સ્વામીનું જીવન દર્શાવતા ઘણાં પુઇસ્તકો જૈન સાહિત્યમાં છે. જેમાં સૌથી પ્રમુખ છે આચાર્ય ભદ્રબાહુ – રચિત કલ્પસૂત્ર. ઈ.સ ૮૫૩માં મહાવીરનું ચરિત્ર સૌ પ્રથમ વખત સંસ્કૃતમાં “વર્ધમાનચરિત્ર” અસાગ દ્વારા લખાયું.

ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન

4

|| ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન ||

જૈનત્વમાં કેવળ જ્ઞાન (પ્રાકૃતઃकेवल णाण) અર્થાત્ “સંપૂર્ણ જ્ઞાન”, એ કોઈ આત્મા દ્વારા મેળવી શકાતું ઉચ્ચત્તમ્ કક્ષાનું જ્ઞાન છે જે વ્યક્તિ આ જ્ઞાન મેળવે છે તેમને કેવળી કહેવાય છે. જેના સમનાર્થ અરિહંત, જિન (જીતનાર), ને લાયક આદિ થાય છે. તીર્થંકર એ એવા કેવળી છે કે જેઓ જૈન દર્શન શીખવે છે અને જૈન ધર્મની સ્થાપના કરે છે.

જૈન દર્શન અનુસાર કેવળ એવી આત્મીક સ્થિતી છે જેમાં જીવ (ચેતના), દેહ દમન આદિ ક્રિયાઓ દ્વારા રહેલા કર્મોને બાળી અજીવથી વિયુક્ત થઈ જાય છે અને જીવન મરણના અનંત ચક્રો માંથી મુક્ત થઈ જાય છે. આ રીતે કેવળ જ્ઞાન નો અર્થ સ્વ અને અન્ય વિષેનું અનંત જ્ઞાન એવો થાય છે કે જેને ઘાતીય કર્મોના ક્ષય દ્વારા મેળવી શકાય છે. જે આત્મા આ સ્થિતી કે જ્ઞાન પામે છે જીવન કાલના અંતે તે મોક્ષ કે મુક્તિ પામે છે.

|| જ્ઞાન ||

જૈનત્વ અનુસાર, પવિત્ર અને પોર્ર્ણ જ્ઞાન એ આત્માનો આંતરિક ગુણ છે. પરતું વિવિધ પ્રકારના જ્ઞાનાવરનીય કર્મોને કારણે આત્માનો આ જ્ઞાનગુણ આચ્છદિત થઈ જાય છે ઢંકાઈ જાય છે. નીચે જ્ઞાનના પ્રકાર દર્શાવેલા છે.

* મતિ જ્ઞાન : પાંચ ઈંદ્રીયો દ્વારા મેળવાતું જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મ (મતિ કર્મ)
* શ્રુત જ્ઞાન : ચિન્હો મુદ્રાઓ, ભાષા, શબ્દો, લેખન, મુદ્રા,ઈશારાઓ આદિ પર અધારિત જ્ઞાન. જ્ઞાનવરનીય કર્મ (શ્રુત કર્મ)
* અવધિ જ્ઞાન : ઈંદ્રિયના ઉપયોગ વિના પ્રાપ્ત થતું દૂરની વસ્તુ જણાવતું ભૌતિક વસ્તુ સંબંધીત ગહન જ્ઞાન. અવધિ જ્ઞાનાવરણીય કર્મ
* મનઃપર્યવ જ્ઞાન : ઈંદ્રિયના ઉપયોગ વિના અન્યના મનની વાત , વિચારો આદિની જાણ આપતું ગહન જ્ઞાન. મન જ્ઞાનાવરણીય કર્મ
* કેવળજ્ઞાન : અમર્યાદિત, પૂર્ણ, સીધું સર્વજ્ઞ, સર્વોચ્ચ કક્ષાનું જ્ઞાન કેવળ જ્ઞાનાવરણીનીય કર્મ

જ્યારે અન્ય પ્રકારના લૈકિક જ્ઞાનમાં કોઈ ભૂલ ચૂક રહી જવાનું શક્યતા છે ફક્ત કેવળ જ્ઞાન શરત ચૂક રહિત પૂર્ણ જ્ઞાન છે.

|| કેવળ જ્ઞાનના બે પાસા ||

કેવળજ્ઞાનના બે પાસા છે: ‘સ્વ’નું સંપૂર્ણ જ્ઞાન અને સર્વજ્ઞતા, અને ‘પર’નું સમ્પૂર્ણ જ્ઞાન.

જે વ્યક્તિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે આત્માનું ખરું સ્વરૂપ ઓળખી શકે છે.તે પોતાના આત્માના ખરા સ્વરૂપમાં રાચતો રહે છે. તેને કોઈ કામના રહેતી નથી અને તે વિશ્વની સર્વ ભૌતિકતા અને સાંસારિક ક્રિયાઓથી વિરક્ત હોય છે કેમકે તેણે આત્માની સર્વોચ્ચ વસ્તુ પ્રાપ્ત કરી લીધી હોય છે.

બીજા અર્થે, કેવળ જ્ઞાન એટલે સંપૂર્ણ વિશ્વની સૌ વસ્તુઓનું સંપૂર્ણ જ્ઞાન.

અમુક જૈન ગ્રંથો મહાવીરની સર્વજ્ઞતાને આ રીતે બતાવે છે.

જ્યારે સંયમી ભગવાન મહાવીર જિન કે અરિહંત બન્યાં, ત્યારે તેઓ કેવલી હતાં, સર્વજ્ઞ હતાં તેઓ દરેક પદાર્થનું સ્વરૂપ સમજતાં હતાં ; તેઓ સમગ્ર વિશ્વ, પ્રભુનું, માણસોનું દેવનું, દાનવોનું સ્વરૂપ જાણતા હતાં: તેઓ ક્યાંથી આવ્યાં, ક્યાં જશે, તેમનો પછીનો જન્મ કઈ યોનિમાં થશે દેવ રૂપે, માણસ રૂપે, કે પ્રાણી રૂપે તે સ્વર્ગમાં જશે કે નર્કમાં , તેમના મનના વિચારો, વાતો, ખોરાક, ક્રિયાઓ, ઈચ્છાઓ , ખુલ્લા કે ખાનગી કાર્યો; તે કે જેઓ અરિહંત છે, તેમનાથી કોઈ વાત અજ્ઞાત નથી, તેઓ સમગ્ર વિશ્વના જીવોના વિચારો, વાતો આદિ કોઈ પણ ક્ષણે જોઈ શકે છે.

|| મહાવીરનું કેવળજ્ઞાન ||

એમ મનાય છે કે કેવળજ્ઞાન મેળતા પહેલાં ભગવાન મહાવીરે ૧૨ વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી.

“તેરમા વર્ષના,ઉનાળાના બીજા મહિનામાં, ચોથા પખવાડીયા,વૈશાખ મહિનાના શુક્લ પક્ષના, દસમા દિવસે, જ્યારે પડછાયો પૂર્વ તરફ નમ્યો અને પ્રથમ પ્રહર પૂર્ણ થઈ ગયો , તેવા સુવ્રત દિવસે, વિજય મહૂરતમાં, જ્રુંબકગ્રામમાં, રુજુવાલિકા નદીને કિનારે, પ્રાચીન મંદિરથી વધુ દૂર નહીં, શ્યામક નામના ગાથાપતિના ખેતર ,સાલના વૃક્ષ નીચે, જ્યારે ચંદ્ર ઉત્તરફાલ્ગુની નક્ષત્રમાં હતો,ત્યારે (આદરણીય) ગોદુહીકા આસને ધ્યાનસ્થ હતાં, તેમને પાણી વિનાનો અઢી દિવસનો ઉપવાસ હતો, ઊંડા ધ્યાનમાં મગ્ન હતાં, ત્યારે તેઓ જ્ઞાનના સર્વોચ્ચ શિખર કેવળ જ્ઞાન પામ્યાં।

કોઈ એક તીર્થંકરના જીવનમાં ઘટતી પાંચ મુખ્ય ઘટનાઓમાં કેવળજ્ઞાન પણ એક ઘટના છે. આ ઘટનાને જ્ઞાન કલ્યાણક કહે છે. આની ઉજવની કરવા સર્વ દેવલોકના દેવો આવે છે. ભગવાન મહાવીરના કેવળજ્ઞાનનો ઉત્સવ મનાવવા પણ દેવો આવ્યાં હતાં જેમણે સમોસરણ (તીર્થંકરની ઉપદેશ સભા) ની રચના કરી હતી.

|| કેવળ જ્ઞાન અને મોક્ષ ||

કેવળજ્ઞાન અને મોક્ષ એક બીજાથી સંલગ્ન છે મોક્ષ અથવા મુક્તિ માત્ર તેમના દ્વારા જ મેળવી શકાય છે જેઓ કેવળ જ્ઞાની હોય. કેવળી આત્મા નિર્વાણ પછી સિદ્ધ બને છે અને જીવન મરણના ચક્રોમાંથી મુક્તિ મેળવે છે.મુક્તિની આ સ્થિતી શાશ્વતી હોય છે.

|| વિતરાગ ||

જૈન દર્શન અનુસાર વિતરાગી દશા અને સર્વજ્ઞતા વચ્ચે સીધો સંબંધ છે. ધ્યાનના ઉચ્ચતમ સ્તરે સૌ પ્રથમ આત્મા વિતરાગ દશા મેળવે છે જેની અસર હેઠળ આત્મા સ્વપ્રત્યે ના આકર્ષણ સિવાય વિશ્વની તમામ વ્યક્તિ કે વસ્તુઓ પરનો આકર્ષણ કે મોહ ત્યાગે છે. એક વખત અ ભાવનામાં સ્થિર થતાં સર્વજ્ઞતા આવે છે. આમ એટલા માટે સર્વજ્ઞતા એ આત્માનો મૂળ ગુણ છે જે ૮ કર્મોની હાજરીને કારણે રુંધાઈ જાય છે. વિતરાગ દશા પમાતા ૪ ઘાતીય કર્મોનો ક્ષય થઈ જાય છે તે આત્માથી હમેંશ માટે છૂટા પડી જાય છે. આમ, ઘાતીય કર્મો આત્મા થી દૂર થયેલ હોવાથે આત્મા પોતાના સહજ ગુણ અર્થાત સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી લે છે.

|| કેવળજ્ઞાનની પ્રાપ્તિ એટલે શું ||

જે કર્મ આત્માના અનંત જ્ઞાન ગુણનો હ્રાસ કરે છે, ક્ષીણ કરે છે તેને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે

જૈન દર્શનના અણમોલ તત્ત્વજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં કર્મ વિજ્ઞાનનો સંવાદ આપણે કરી રહ્યા છીએ. કર્મવિજ્ઞાન અંતર્ગત આયુષ્ય કર્મનો સુંદર પરિચય કર્યો. આયુષ્ય કર્મ અઘાતી કર્મોના વિભાગમાં આવે છે. આયુષ્ય કર્મના પરિચય પૂર્વે ઘાતી કર્મનો પરિચય શ્રી આગમ સૂત્રોમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે, પરંતુ આયુષ્યની ક્ષણભંગુરતા તથા પ્રત્યેક સમયે રાખવાની જાગૃતિ પ્રત્યેની સભાનતાને સમજવા માટે અપવાદિક પ્રયત્ન કર્યો. આ અધ્યાયથી શેષ સાત કર્મોને સમજીએ.

જે કર્મો આત્માના મૂળ ગુણનો ઘાત કરે છે અથવા ક્ષીણ કરે છે. તેને ઘાતી કર્મો કહેવામાં આવે છે. ઘાતી કર્મોમાં સૌ પ્રથમ જ્ઞાનાવરણીય કર્મનો વિશેષ પરિચય કરીશું. જે કર્મ આત્માના અનંત જ્ઞાન ગુણનો હ્રાસ કરે છે, ક્ષીણ કરે છે તેને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મને ચક્ષુ પર બાંધેલા આવરણની ઉપમા આપવામાં આવી છે. આંખ પર બાંધેલા આવરણના કારણે, દૃષ્ટિ સમક્ષનો પદાર્થ જેમ સ્પષ્ટ દૃશ્યમાન થતો નથી તે પ્રમાણે જ જ્ઞાનાવરણીય કર્મ પદાર્થનો યથાર્થ બોધ કરાવતો નથી. સંસારના સર્વે પદાર્થોમાં બે પ્રકારના ધર્મો છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. આ કોઈક પદાર્થ છે એવો સામાન્ય બોધ થાય તેને સામાન્ય ધર્મ કહેવાય છે અને આ પદાર્થ એ ઘટ છે અથવા પટ છે એવો વિશેષ પરિચય થાય તેને વિશેષ ધર્મ કહેવાય છે. તે પ્રમાણે પદાર્થ, દ્રવ્યના ધર્મોને જાણવાની આત્માની શક્તિ પણ બે પ્રકારની છે. સામાન્ય ધર્મને જાણવાની શક્તિને દર્શન કહેવાય છે અને વિશેષ રૂપે જાણવાની શક્તિને જ્ઞાન કહેવાય છે. આ શક્તિને આવરણ કરતાં કર્મોને અનુક્રમે દર્શનાવરણીય કર્મ અને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.

જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. પ્રથમ બે જ્ઞાન મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મન અને ઇન્દ્રિયની મદદથી થાય છે, તેથી તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે. જ્યારે શેષ ત્રણ અવધિજ્ઞાન સહિતના પંચેન્દ્રિય જીવો નિવાસ કરે છે. આ જીવોના મનોગત ભાવ, મનના ભાવ જાણવાની શક્તિ આ મનઃપર્યવ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. વિશેષ સાધના દ્વારા, ચારિત્ર, મુનિપણું પામેલા મુનિ ભગવંતોને આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.

પંચમ જ્ઞાન એટલે કેવળજ્ઞાન. જૈન ભૂગોળમાં વર્ણવેલા સમગ્રલોક (ઊર્ધ્વ, મધ્ય, અધોલોક) તથા તેના બાહ્ય વિભાગ અલોકમાં આવેલા સર્વે પદાર્થો, દ્રવ્યોના ભૂત, વર્તમાન તથા ભાવિ કાળના સર્વે પર્યાયો આદિનું જ્ઞાન એટલે કેવળજ્ઞાન. આ જ્ઞાન પ્રત્યક્ષ છે અને તેના કોઈ વિભાગ નથી. આ જ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વે જ્ઞાની ભગવંતોને તે સમાન રૂપે થતું હોય છે. તે જ્ઞાન પ્રાપ્ત કરનારને સર્વજ્ઞા ભગવંત કહેવાય છે. આત્માના જ્ઞાન ગુણને આવરણ કરનાર, જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થાય છે ત્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પૂર્વેના અધ્યાયમાં વિજ્ઞાને પ્રસ્તુત કરેલા કારણ, કાર્યના સિદ્ધાંત દ્વારા જીવ દ્રવ્ય અને કર્મના અસ્તિત્વને આપણે સમજ્યા હતા અને તેથી આ જ્ઞાન શ્રદ્ધાગમ્ય ઉપરાંત તર્કસંગત પણ છે.

જ્ઞાનના આ પાંચ વિભાગને અનેક પ્રકારે જૈન દર્શનમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. કેવળજ્ઞાન સિવાયના પ્રથમ ચાર મતિ, શ્રુત, અવધિ તથા મનઃપર્યવ જ્ઞાનને જૈન પરિભાષામાં ક્ષાયોપશમિક પ્રકારના પણ દર્શાવવામાં આવ્યા છે. આ ચાર જ્ઞાનને આવરણ કરતાં જે તે પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો જેટલી માત્રામાં આપણે ક્ષય, નાશ કરીએ તેટલી માત્રામાં તે પ્રકારનાં આ જ્ઞાન પ્રાપ્ત થતાં હોય છે. પાંચમું કેવળજ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષય, નાશ પશ્ચાત્ પ્રાપ્ત થાય છે તેથી તે શ્રાયિક શાશ્વત પ્રકારનું જ્ઞાન કહેવાય છે. આ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પુનઃ આવરણ પામતું નથી. આત્માના મૂળ અનંત જ્ઞાન ગુણની સંપૂર્ણ પ્રાપ્તિ એટલે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ. આ જ્ઞાન પ્રાપ્ત કરનાર જીવના સંસાર પરિભ્રમણ કરાવનાર કર્મોનો સંપૂર્ણ નાશ, ક્ષય થાય છે અને તેથી કારણ શૂન્ય થવાથી પરિણામ સ્વરૂપ સંસાર પરિભ્રમણ પણ શૂન્ય બને છે. તે આત્મા શાશ્વત એવી મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરે છે.

આવા જ્ઞાન ગુણને પ્રાપ્ત કરવા જ્ઞાનાવરણીય કર્મના ઉપાર્જન, બંધ માટેના કારણભૂત જ્ઞાન, તેને પ્રાપ્ત કરાવનાર જ્ઞાનનાં સાધનો તથા તે જ્ઞાનને પ્રાપ્ત કરનાર જ્ઞાનીજનોની આશાતના અવહેલનાનો ત્યાગ કરી બહુમાન કરીએ એ અધ્યાયનો સંદેશ છે.

ભગવાન મહાવીર સર્વોચ્ચ કોટિના મહાન વૈજ્ઞાનિક હતા !

|| ભગવાન મહાવીર સર્વોચ્ચ કોટિના મહાન વૈજ્ઞાનિક હતા ! ||

ભારતીય ગ્રંથોનો વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે સંપૂર્ણ મેળ છે. જેમ કે, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર, શારીરિક સાંરચના શાસ્ત્ર અને તબીબી વિજ્ઞાન વગેરેના મૂળભૂત સિદ્ધાંતો સદીઓ પૂર્વે જૈનધર્મના ગ્રંથોમાં મળે છે.

ધર્મ અને વિજ્ઞાન એક સાથે છે કે સામસામે છેડે છે.

કોઇ આ બંનેને માનવજીવનના પરસ્પર પૂરક પાસાં તરીકે જુએ છે, તો કોઇ એને સામસામા છેડાના વિરોધીઓ તરીકે માને છે. હકીકત એ છે કે પૂર્વના ધર્મો, પછી તે હિંદુ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, તે માનવીની જીવનશૈલી પર આધારિત ધર્મો હતા અને તેથી એમાં ઉપલકદ્રષ્ટિએ એમ લાગે કે આ કોઇ ક્રિયાકાંડ છે,

પરંતુ એ પ્રત્યેક ક્રિયાકાંડની પાછળ કોઇ વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું હોય છે. આપણા ઋષિઓ પણ મહાન વૈજ્ઞાનિકો હતા અને આપણા વિજ્ઞાનની વાત કરનારા ઋષિઓ હતા. પરિણામે ભારતીય ધર્મો એ વિજ્ઞાન સાથે તાલમેલ ધરાવનારા છે.

પશ્ચિમના ધર્મોની વાત જુદી છે. ત્યાં પોપની સર્વસત્તા હોવાથી વિજ્ઞાનીઓને એમનો સંશોધન પ્રગટ કરતા મુશ્કેલી પડતી હતી અને ઇતિહાસ કહે છે કે બ્રૂનો જેવા વિજ્ઞાનીઓને ધાર્મિકતાનો અંચળો ઓઢનારા ધર્મગુરુઓએ જીવતો બાળી નાખ્યો હતો અને બીજી બાજુ મહાન સંશોધક ગેલિલિયોને મોતના ફંદામાંથી બચવા માટે પોતે માનતો ન હોવા છતાં પોતાના વિચારો બદલીને પ્રગટ કરવા પડયા હતા.

ભારતીય ગ્રંથોનો વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે સંપૂર્ણ મેળ છે. જેમ કે, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર, શારીરિક સાંરચના શાસ્ત્ર અને તબીબી વિજ્ઞાન વગેરેના મૂળભૂત સિદ્ધાંતો સદીઓ પૂર્વે જૈનધર્મના ગ્રંથોમાં મળે છે.

આ સિદ્ધાંતોનો વર્તમાન યુગના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે સંપૂર્ણ મેળ હોવા અંગે પ્રસિદ્ધ ન્યૂરોલોજિસ્ટ અને જૈન ધર્મના ઊંડા અભ્યાસી તેમજ દેશ-વિદેશની અનેક કોન્ફરન્સમાં જૈનધર્મ વિશે પ્રવચન આપનાર ડો.સુધીર શાહે ઘણું ઊંડું અવગાહન કર્યું છે. એમના ગહન અભ્યાસને પરિણામે આલેખાયેલા વિચારોને અમે અહી આદર અને આનંદ સાથે વ્યક્ત કરીએ છીએ.

”જૈનદર્શનનું તત્વજ્ઞાન પૂર્ણ છે તેમજ તાર્કિક છે અને વૈજ્ઞાનિક પણ છે. એને આધારે વિશ્વ અને એની ગતિવિધિઓને જાણવી સરળ પડે છે. જૈનદર્શનમાં જિંદગી જીવવાની સારી અને સાચી રીત મળે છે. એ જ રીતે એની જીવનશૈલી સચોટ છે.

તદુપરાંત આત્મા, કર્મ અને પૂનર્જન્મના સિદ્ધાંતો અને મોક્ષ માટેનો વ્યવસ્થિત પથ બતાવ્યો છે. જૈન તત્વદર્શનમાં કર્મનો સિદ્ધાંત અત્યંત સચોટ રીતે સમજાવ્યો છે. તેની પાસે અનોખો અનેકાન્તવાદ પણ છે.
જૈનદર્શન સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક છે. તેનો મુખ્ય મંત્ર નવકારમંત્ર બિનસાંપ્રદાયિકતાનું અનોખું ઉદાહરણ છે.

જૈન ધર્મમાં પર્યાવરણની સમતુલા વ્યવસ્થિત જળવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જીવનના એક પરમત સત્ય એવા મૃત્યુની વ્યવસ્થિત તૈયારીની સાધનાપદ્ધતિ- સ્વરૃપ અનશન બતાવ્યું છે.

જૈનદર્શનમાં પોતાના સિવાય અન્ય જીવોનું પણ લૌકિક અને લોકોત્તર તથા ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ કઇ રીતે કરી શકાય તેની અદ્ભૂત પદ્ધતિ/ સાધના બતાવી છે. (પરસ્પરોપગ્રહો જીવાનામ્ ।) અને તે દ્વારા મોક્ષનો માર્ગ સૂચવ્યો છે. વિશેષત : આ માર્ગ આપણને પૂર્ણત : શારીરિક, માનસિક તથા ચૈતસિક સ્વાસ્થ્ય અર્પે છે. દીર્ધાયુષ્ય અર્પે છે.

ભગવાન મહાવીરનો ઉપદેશ શાશ્વત અને સંપૂર્ણ સત્યસ્વરૃપ છે. એટલું જ નહિ, એ પુરાતન સત્ય આજે પણ સાંપ્રત સમાજના સંદર્ભે સુસંગત છે, એ આશ્ચર્યની વાત છે ! અને તેથી તેને સર્વોચ્ચ વિજ્ઞાન કહી શકાય. મારા મતે ભગવાન મહાવીર અત્યાર સુધી વિશ્વએ જોયેલા સર્વોચ્ચ કોટિના વિજ્ઞાની છે.

આપ આ લેખ વાંચશો તેમ તેમ મારી વાત સાથે સહમત થતા જશો. એમણે આપેલું જ્ઞાન આજના આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે સુસંગત છે.

ભગવાન મહાવીરે સૌપ્રથમ જ્ઞાન ત્રિપદીમાં મૂક્યું. ત્રિપદી મૂક્યું. ત્રિપદી સ્વરૃપ જળબિંદુમાં જાણે આખો શ્રુત મહાસાગર સમાવી લીધો. એમ કહેવાય છે કે ત્રિપદીને ખોલતા જાવ તો તમામ શાસ્ત્રો ખૂલતાં જાય.

પ્રભુ મહાવીર તેમના મુખ્ય શિષ્ય એવા ગણધર ભગવંતોને ત્રિપદી આપે છે. – (૧) ઉપન્ન ઇ વા, (૨) વિગમે ઇ વા, (૩) ધુવે ઇ વા. અર્થાત્ દ્રવ્ય દ્રવ્ય સ્વરૃપે શાશ્વત છે અને પર્યાય રૃપે તેની ઉત્પત્તિ અને વિલય વચ્ચે એક એવું દ્રવ્ય અથવા સ્વરૃપ છે જે શાશ્વત તત્વ સાથેના લયને ચૂકતું નથી. આ ત્રિપદીના આધારે સમગ્ર જૈનદર્શનની રચના થઇ છે અને તે ટક્યું છે તેમ કહી શકાય. તેમાં તમામ જ્ઞાન- વિજ્ઞાનો સમાવિષ્ટ છે.

હકીકતમાં આધુનિક વિજ્ઞાન જૈનદર્શન અને તત્વજ્ઞાનનો એક નાનકડો અંશ જ છે. અત્યારના વિજ્ઞાનમાં નિરૃપાયેલા અણુવિજ્ઞાનથી માંડી જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્રથી માંડીને કોસ્મોલોજી, ગતિના નિયમોથી માંડીને કણોની ગતિ, જીવોનું વર્ગીકરણ, ધ્વનિ અને તેની અસર, તપશ્ચર્યાથી શરીર પર થથી હકારાત્મક અસર, માનસશાસ્ત્રથી માંડી મનોચિકિત્સા આ બધું જૈન તત્વજ્ઞાનમાં ઠેર ઠેર પથરાયેલું જોવા મળે છે.

એ જાણવું રસપ્રદ છે કે શાસ્ત્રોમાં ધર્મની ભાષામાં નર્યું વિજ્ઞાન ભરેલું છે. માનવજાતના ઉત્થાન માટે ધર્મ અને વિજ્ઞાનનો સુભગ સમન્વય થયો છે. જીવોનો મોક્ષ થાય એટલે જીવોની ગતિ મોક્ષ સુધી થાય.

હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મોક્ષવિદ્યામાં પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગતિના નિયમો. કોસ્મોલોજી વગેરે વિજ્ઞાનનું નિરૃપણ ક્યાં જરૃરી છે ? તેનો જવાબ એ છે કે જીવની ગતિ મોક્ષ સુધી કેવી રીતે થાય છે તે સમજવું હોય તો સર્વ જીવોનો તથા અજીવોનો અભ્યાસ જરૃરી છે.

જીવની ગતિ સમજવા માટે જીવ તથા પદાર્થના ગતિના નિયમો જાણવા જોઇએ. જીવ હાલની સ્થિતિમાંથી મોક્ષે જાય તો ક્યાં ક્યાંથી પસાર થાય તે કોસ્મોલોજી દ્વારા સમજવું પડે.

જીવ સિવાય બીજા ક્યાં દ્રશ્યો છે ? સમયની શી આવશ્યકતા છે તે જાણવું પડે. જીવની ગતિ માટે કયું માધ્યમ આવશ્યક છે તે જાણવું જોઇએ. આ કારણથી પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, અણુ, ઊર્જા, ષડ, દ્રવ્ય, નવ તત્વ, કર્મવાદ, અનેકાન્તવાદ એમ અનેક શાસ્ત્રોની રચના જૈન ધર્મે કરી છે અને આખા અધ્યાત્મવાદને વિજ્ઞાનના સિદ્ધાંતો પર ઝીલ્યો છે.

તીર્થંકર પરમાત્મા ભગવાન શ્રી મહાવીરસ્વામીએ વહાવેલી ઉપદેશ જ્ઞાનગંગા (દેશના)ને ગણધર ભગવંતોએ આગમો રૃપે ઝીલી દ્વાદશાંગીની રચના કરી. આમાંની કેટલીક મહત્વની વાતોને વાચક શ્રી ઉમાસ્વાતિએ (આશરે પ્રથમ સદી- ઇશુ પછી) સંકલિત કરી.

તે ગ્રંથ ‘તત્વાર્થાધિગમ સૂત્ર’ માનવજાતિનું એ કદાચ પ્રથમ વિજ્ઞાન- પુસ્તક કહી શકાય. તેમાં દશ અધ્યાય અર્થાત્ પ્રકરણ છે. મહામનિષી ઉમાસ્વાતિએ અત્યંત ગહન અભ્યાસ કરી તેના દોહન સ્વરૃપે સૂત્રાત્મક રીતે આ બધાં વિજ્ઞાનોને તેમાં સાંકળી લીધા છે.

વાચક શ્રી ઉમાસ્વાતિજીએ પોતાને નમ્રતાથી લેખક નહી પણ તે કાળે વિદ્યમાન જ્ઞાનના સંગ્રાહક અર્થાત્ સંકલનકાર જણાવે છે. કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્યજી પણ તેમના ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’માં વાચક શ્રી ઉમાસ્વાતિજીને શ્રેષ્ઠ સંગ્રાહક તરીકે નવાજ્યા છે. (ઉપોમાસ્વાતિં સંગૃહિતાર 🙂 ખૂબીની વાત એ છે કે આ એક વ્યક્તિનું મૌલિક સંશોધન નથી, પરંતુ સમગ્ર ભારતીય સમાજ તે સમયે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે ઉત્થાન પામેલો હતો.

જૈનદર્શનની આ બધી વાતો તત્વાર્થાધિગમ સૂત્ર તથા આગમોમાંથી થોડીક વિહંગાવલોકન સ્વરૃપે જોવા પ્રયત્ન કરીશું.

(૧) મૂળભૂત વિજ્ઞાન જેમ કે પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, માનસશાસ્ત્ર વગેરે.

(૨) વ્રત, તપસ્યા અંગેનું વિજ્ઞાન અને આહારવિજ્ઞાન.

(૩) તબીબી વિજ્ઞાન તથા શરીરરચનાશાસ્ત્ર

(૪) અન્ય વિજ્ઞાનો જેમ કે પર્યાવરણ (Ecology), અર્થશાસ્ત્ર (Economics), કળા, સંગીત, ધ્વનિ, મંત્રવિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, લેશ્યાવિજ્ઞાન (Aura Science), જ્યોતિષશાસ્ત્ર, ધાતુવિજ્ઞાન વગેરે.

સૌપ્રથમ મૂળભૂત વિજ્ઞાન તરીકે ભૌતિકશાસ્ત્રની વાત કરીશું. જૈનદર્શનમાં અણુને પદાર્થનો અવિભાજ્ય કણ કહ્યો છે. જેને આધુનિક વિજ્ઞાનના પરમાણું (એટમ) કરતાં પણ સૂક્ષ્મ અને જેનું પુન : વિભાજન ન થઇ શકે તેની પરમાણું સંજ્ઞા આપવામાં આવી છે. દ્રવ્ય રૃપે અણુ એટલે કે પરમાણું અવિભાજ્ય છે પણ તેને પર્યાયો (વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ) છે.

તે જ રીતે કાળના અવિભાજ્ય અંશને સમય કહ્યો છે, જે વર્તમાન એક ક્ષણથી પણ અસંખ્યાતમા ભાગે સૂક્ષ્મ છે. આકાશના અવિભાજ્ય અંશને પ્રદેશ કહ્યો છે.

ભગવાન શ્રી મહાવીરસ્વામીનો ધર્મ સંદેશ

A

|| ભગવાન શ્રી મહાવીરસ્વામીનો ધર્મ સંદેશ ||

દરેક જીવાત્માને સુખ ગમે છે, કોઇપણ જીવાત્માને દુઃખ ગમતું નથી.
દરેક વ્યક્તિને સંસારની સગવડો અને સાંસારિક સુખ ગમે છે. કોઇનેય અગવડો અને તકલીફો ગમતી નથી. માણસ સતત સુખની ઝંખના કરે છે અને દુઃખથી દૂર રહેવા પ્રયાસ કરે છે. પરંતુ શાસ્ત્રકાર કહે છે. ઇન્દ્રિય વિષયની અનુકુળતા-પ્રતિકૂળતામાં સુખ-દુઃખની કલ્પના કરવી એ ભયંકર અજ્ઞાાનતા છે. આત્માની ઓળખ અને આત્માની અનુકુળતામાં જ ખરું સુખ છે.

અખિલ વિશ્વના ભૌતિક સુખની સરખામણીમાં આત્માનું ચારિત્ર્યનું સુખ અનેકગણું હોય છે. ભૌતિક સુખની પરાધિનતા આત્માનું અધઃપતન કરનાર છે.

આત્મિક સુખની સ્વાધીનતા આત્માનો ઉત્કર્ષ સાધનાર છે. ભૌતિક સુખનો પુરૃષાર્થ જીવનને નિષ્ફળ બનાવે છે.

માનવજીવન પંચેન્દ્રિયની પૂર્ણતા ભૌતિક સુખની પ્રાપ્તિમાં નહી પરંતુ દાન, શિયળ, તપ ભાવ જેવાં ધર્માનુષ્ઠાનોમાં આરાધના વડે સદ્ગુણોને પ્રાપ્ત કરવામાં છે. માનવજીવન આત્મતત્વને પ્રાપ્ત કરવામાં છે. જે આત્મતત્વને જાણે છે તે બધુ જ જાણે છે.

ઇસુ ખ્રિસ્તે કહ્યું છે. દ્બર્હુરી જીઙ્મક ભગવત્ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે કે ”જે પોતાના આત્માને નથી ઓળખતો તે પોતાની સાથે શત્રૂ જેવો વ્યવહાર રાખે છે.” ભગવાન મહાવીરે કહ્યું છે કે ”આત્મદર્શન એ જ વિશ્વદર્શન અને એ જ સમ્યગ્દર્શન.”

ભગવાન મહાવીરે કહ્યું છે ”જે મોહને જીતે છે તેને મન રત્ન પણ કાંકરી છે.”
જ્યાં સુધી વેર ભાર છે. ત્યાં સુધી આત્મકલ્યાણ થઇ શકતું નથી. જેની સાથે વેર બંધાયું છે તેને તું ક્ષમા આપજે. કક્ષા કાયરનું નહી પણ વિરનું લક્ષણ છે. ઇસુ ખ્રિસ્તે બાઇબલમાં લખ્યું છે કે ‘જો દેવળમાં પહોચ્યાં પછી તમને કોઇ સાથેનું વેર યાદ આવે તો દેવળના બારણેથી જ પાછા ફરજો. તેની સાથે મનમેળ કર્યા પછી જ દેવળમાં આવજો.’

આજના સમયમાં દરેકેને સુખ જોઇએ છીએ, ધર્મનું ફળ જોઇએ છીએ પરંતુ ધર્મ કરવો ગમતો નથી. પાપ કરી ભૌતિક સુખ મેળવવું છે.

પરંતુ પાપનું પરિણામ ભોગવવું ગમતું નથી. ભગવાન મહાવીરના સતાવીસમાં માનવજીવના જીવન પ્રસંગોમાં ડોકિયું કરીએ તો જણાશે કે ક્ષત્રિય વંશનો રાજકુમાર મહેલાતો અને ભૌતિક સંપતિનો સ્વામી રાજભોગ દ્વારા મળતા ભૌતિક સુખનો ત્યાગ કરવા એટલું જ નહી કુટુંબીના સભ્યોથી વિખુટા પડી આત્મસાધનાનું કાર્ય કરવા ‘મહાભિનિષ્કમણ’ કરે છે.

તમામ સાંસારિક સુખનો ત્યાગ કરી આત્મિક સુખ પામવા અને આત્મિક સુખનો રાજમાર્ગ લોકોને બતાવવા ‘વિતરાગતા’ તરફ પ્રયાણ કરે છે. પોતાના આત્માથી નજીક વાસ કરવા ઉપવાસ કરે છે. ભગવાન મહાવીર પોતાના આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરવા વન પ્રદેશ ગીરી ગુફા કે સ્મશાન ભૂમિમાં જઇ સતત ધ્યાન કરે છે. વન પ્રદેશમાં કે જ્યાં ભમરાઓ, મધમાખીઓ કે અન્ય જીવજંતુઓ ડંશ આપે તો પણ વીર મહાવીર હિમાલયની જેમ પોતાની સાધનામાં સ્થિર રહી એક ઉત્કૃષ્ટ આત્મશક્તિનું ઉદાહરણ પુરુ પાડે છે.

બિહારના રાઢ નામના જંગલી પ્રદેશમાં જંગલી લોકો ધ્યાનસ્થ ભગવાન મહાવીરની પાસે જંગલી કુતરાઓને મોકલે છે. વળી, ચારે બાજુથી ઘાસ સળગાવે છે તો પણ અલૌકિક આત્મશક્તિને પામેલ મહાવીર પોતાના ધ્યાનક્રિયામાંથી વિચલીત થતા નથી પરંતુ અગ્નિ નજીવી આવતા અગ્નિ પણ શાંત થાય છે.

ભગવાન મહાવીર કૌશાંબી નગરી તરફ જ્યારે વિચરતા હોય છે ત્યારે રસ્તામાં અઘોર જંગલમાં ચંડકૌશિક નામનો નાગ રહેતો હોય છે. જે ભગવાનના પગે દંશ દે છે પરંતુ દિવ્ય આત્મિક શક્તિના સ્વામી તેને ‘બુઝ’ ‘બુઝ’ કહી શાંત પાડે છે અને સત્ જ્ઞાન આપી ઉગારે છે. ધ્યાનસ્થ મહાવીરને પોતાની ગાયોનું ધ્યાન રાખવાનું કાર્ય ગોવાળને સોંપે છે. જ્યારે સાંજે ગોવાળ પાછો ફરે છે ત્યારે પોતાની ગાયોને ત્યાં જતો નથી એટલે ગુસ્સે થઇ ધ્યાનસ્થ ભગવાન મહાવીરના કાનમાં ખીલા ખોપવાનું કાર્ય કરે છે. તો પણ મહાવીર ધ્યાનસ્થ અવસ્થામાંથી વિચલિત થતા નથી ત્યારે સામાન્ય માણસને પ્રશ્ન થાય કે આવી શક્તિ ભગવાન મહાવીરને કેવી રીતે મળી હશે જેના જવાબમાં કહી શકાય કે જે સંસારના રાજભોગોને ઠુકરાવી, દેહને ઠુસ કરી માત્ર આત્મ સાધનામાં તલ્લીન થનારને જ આવી કોઇ આત્મશક્તિ પ્રદાન થતી હશે.

સતત બાર વર્ષ સુધી પોતાના દેહ પરનું ઠુસ કરી માત્ર આત્મ સાધનામાં તલ્લીન થનારને જ આવી કોઇ આત્મશક્તિ પ્રદાન થતી હશે. ઝાડ નીચે જે જ્ઞાન થયું તેનો ટૂંકસાર નીચે પ્રમાણે છે.

(૧) દરેક જીવાત્માને સુખ ગમે છે, કોઇપણ જીવાત્માને દુઃખ ગમતું નથી.
(૨) દરેક જીવાત્માને મુક્તિ મેળવવાનો સમાન હક્ક છે. શાસ્ત્રશ્રવણ, મનન, અનુકરણ અને સહજ આચરણ એ દરેક જીવાત્માને મુક્તિ તરફ લઇ જઇ શકે છે.
(૩) મન, વચન અને કર્મને આત્માની ઉન્નતિના કાર્યમાં લગાડવાથી આત્મા ઉન્નત બને છે.
(૪) આત્મા પોતે જ પોતાના કાર્ય છે, ભોક્તા છે.
(૫) સાચી સાધના અહિંસામાં રહેલી છે. હિંસાથી ભરેલા ક્રિયાકાંડોથી સાચો ધર્મ થતો નથી પરંતુ આત્મત્યાગ કે આત્મ બલિદાન એ જ સાચો યજ્ઞા છે.
(૬) સંસાર પ્રત્યેનો મોહ ક્યારેય આત્માને મુક્તિ અપાવી શકે નહી.
(૭) સર્વ રીતે રાગ-દ્વેષથી પર થયેલો આત્મા વ સિદ્ધ આત્મા થઇ શકે.
(૮) તમે, જીવો, અન્યને જીવવા દ્યો, તમે સુખ પામો, અન્યને સુખ પામવા દ્યો.
ભગવાન મહાવીર સત્ય જ્ઞાનની પ્રાપ્તિ પછી સતત ૩૦ વર્ષ સુધી લોકોને સદ્ધર્મનું જ્ઞાાન આપ્યું અને કુરિવાજો, ક્રિયાકાંડોને ત્યાગવા જણાવ્યું પરિણામે ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્વીઓ ભગવાન મહાવીર પાસે દિક્ષા અંગીકાર કરી. વીરમાંથી મહાવીર બનેલા ભગવાન મહાવીર આસો મહીનાની અમાસે પાવાપુરીમાં છેલ્લો ઉપદેશ આપી નિર્વાણ પામ્યા. ધન્ય છે આવા દિવ્ય-અલૌકિક, વિરલ આત્માને, તેઓશ્રીની આત્મશક્તિને કે જેના તેજ આજે પણ જ્ઞાાન, ક્રિયારૃપી ધર્મમાં વિશ્વમાં ઠેર ઠેર જોવા મળે છે.

ભગવાન શ્રી મહાવીરસ્વામી

|| ભગવાન શ્રી મહાવીરસ્વામી ||

જૈન ધર્મમાં ચૌવીશ તીર્થંકર, અને ચૌવીશમાં તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી. તીર્થંકરનો આત્મા જયારે પણ માતાના ગર્ભમાં આવે ત્યારે તેમની માતાને ચૌદ સ્વપ્નો આવે. આ ચૌદ સ્વપ્નો ચક્રવર્તીની માતા ને પણ આવતા હોય છે, પણ તે સ્પષ્ટ દેખાતા નથી હોતા.

►માતા ત્રિશલાદેવીને આવેલ ચૌદ સ્વપ્નો :-

1).હાથી 2).સિંહ 3).વૃષભ (બળદ) 4).લક્ષ્મી દેવી
5).પુષ્પની માળા 6).ચંદ્ર 7).સુર્ય 8).ધ્વજ
9).પૂર્ણ કળશ 10).પદ્મ સરોવર 11).ક્ષીર સમુદ્ર 12).દેવવિમાન
13).રત્નનો ઢગલો 14).ધુમાડા વિનાનો અગ્નિ

► ભગવાન ના પાંચ કલ્યાણકો અને સ્થળ :-

ચ્યવન કલ્યાણક અષાઢ સુદ છઠ બ્રાહ્મણ કુંડ ગ્રામ નગર
જન્મ કલ્યાણક ચૈત્ર સુદ તેરસ ક્ષત્રીય કુંડ ગ્રામ નગર
દીક્ષા કલ્યાણક કારતક વદ દસમ ક્ષત્રીય કુંડ ગ્રામ નગર
કેવળ જ્ઞાન કલ્યાણક વૈશાખ સુદ દસમ ઋજુવાલિકા નદીના કિનારે, શાલવૃક્ષ નીચે,ગો.દોહિકા આસને

► ભગવાન ના સંસારી સગા વ્હાલા :-

માતા – ત્રિશલા દેવી પિતા – સિદ્ધાર્થ રાજા માતા – દેવાનંદા પિતા – ઋષભદત્ત
મોટો ભાઈ – નંદીવર્ધન ભાભી – જયેષ્ઠા બહેન – સુદર્શના પત્ની – યશોદા
પુત્રી – પ્રિયદર્શના કાકા – સુપાર્શ્વ જમાઈ – જમાલી પૌત્રી – શેષવતી
નાના – કેક નાની – યશોમતી મામા – ચેતક રાજા મામી – પૃથારાણી
સસરા – સમરવીર સાસુ – યશોધરા

► સમ્યક્ત્વ પામ્યા બાદ ભગવાનના મુખ્ય ભવો – 27

1). – ગ્રામ મુખી નયસાર – નયસારના ભવમાં પ્રભુ મહાવીરના જીવે ભયંકર અટવી (જંગલ)માં માર્ગ ભૂલેલા-ભૂખ્યા-તરસ્યા -થાકેલા એવા સાધુ ભગવંતોને ભાવોલ્લાસપૂર્વક નિર્દોષ ગોચરી પાણી વપરાવી અને ત્યારબાદ તે સાધુ ભગવંતોને પોતે જાતે જ સાચો રસ્તો બતાવવા સાથે ગયો. આમ સાધુ ભગવંતોની ભક્તિ કરવા દ્વારા નયસારને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઇ.
2). – સૌધર્મ દેવલોક(1લો દેવલોક )માં દેવ
3). – મરીચી રાજકુમાર – પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનના પૌત્ર ચક્રવર્તી ભરત મહારાજાના પુત્ર,ભગવાન ઋષભદેવના શિષ્ય, પરીષહો સહન ના થવાથી વેશમાં ફેરફાર કરી ત્રિદંડીનો વેશ – ભગવા કપડા – છત્ર – પગમાં પાવડી વિગરે ધારણ કર્યા, દીક્ષા જીવનના અગ્યાર અંગોનો અભ્યાસ કર્યો.
4). બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં દેવ
5). કૌશિક નામે બ્રાહ્મણ
6). પુષ્પ્મિત્ર બ્રાહ્મણ
7). સૌધર્મ દેવલોક(પહેલો દેવલોક )માં દેવ
8). અગ્નિદ્યોત બ્રાહ્મણ
9). ઇશાન દેવલોક(બીજો દેવલોક )માં દેવ
10). અગ્નિભૂતિ બ્રાહ્મણ
11). સનતકુમાર દેવલોક(ચોથા દેવલોક )માં દેવ
12). ભારદ્વાજ બ્રાહ્મણ
13). મહેંદ્ર દેવલોક(ત્રીજા દેવલોક )માં દેવ
14). સ્થાવર બ્રાહ્મણ
15). બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં દેવ
16). વિશ્વાભૂતી રાજકુમાર અને સંયમની આરાધના
17). મહાશુક્રનામના સાતમા દેવલોકમાં દેવ
18). ત્રિપુષ્ટ વાસુદેવ
19). સાતમી નારક
20). સિંહ
21). ચોથી નારક
22). મનુષ્યભવ અને સંયમ ગ્રહણ
23). મહાવિદેહ ક્ષેત્રમાં પ્રીયામિત્ર નામના ચક્રવર્તી અને ચરિત્ર ગ્રહણ
24). મહાશુક્રનામના સાતમા દેવલોકમાં દેવ
25). નંદન રાજકુમાર – દીક્ષા લીધા પછી આજીવન માસક્ષમણને પારણે માસક્ષમણ 1 લાખ વર્ષ સુધી કર્યો.11,80,645 માસક્ષમણ થયા. 20 સ્થાનક તાપ કરી સવિજીવ કરૂં શાસન રસીની ઉત્કૃષ્ટાતી ઉત્કૃષ્ટપણે ભાવનાભાવીને આજ ભાવમાં તીર્થંકરનામ કર્મ બાંધ્યું.
26). પ્રાણાત નામના દસમા દેવલોક માં દેવ.
27). શ્રમણ ભગવાન શ્રી મહાવીર –

ગ્રહસ્થ અવસ્થા કાળ – 29 વર્ષ 7 મહિના 12 દિવસ
દીક્ષા બાદ સાધના કાળ – 12 વર્ષ 5 મહિના 15 દિવસ
કેવળજ્ઞાન અવસ્થાનો કાળ – 29 વર્ષ 2 મહિના 28 દિવસ 12 કલાક
સંપૂર્ણ આયુષ્ય – 71 વર્ષ 3 મહિના 25 દિવસ 12 કલાક
ભગવાનનું માતા પિતાએ પાડેલું નામ – વર્ધમાન
ભગવાનનું દેવોએ પાડેલું નામ – મહાવીર

► 27 ભવોમાં વિશિષ્ઠ પદવીઓ –

• આજ ભારત ક્ષેત્રમાં પહેલા વાસુદેવ ત્રિપુષ્ટ નામે થયા.
• મહાવિદેહ ક્ષેત્રમાં પ્રીયામિત્ર નામે ચકારવર્તી થયા.
• 24માં તીર્થંકર મહાવીર થયા.

► ભગવાનના કેવલજ્ઞાન થયા બાદ તેજ દિવસે પહેલી વાર દેશના આપી, જેમાં કોઈ પણ જીવને દીક્ષા લેવાનો પરિણામ ના થવાથી ભગવાને દેશના પડતી મૂકી આગળ વિહાર કર્યો. બીજે દિવસે દેવોએ બનાવેલ સમવસરણમાં (વૈશાખ સુદ અગિયારસ) ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ વિગરે 4411 બ્રાહ્મણોને ભગવાને એક સાથે દીક્ષા આપી અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.

► કેવળજ્ઞાન થયા બાદ ઓછામાં ઓછા એક કરોડ દેવો ભગવાનની સેવામાં હાજર હોય છે, વધુ હોય તો અસંખ્ય દેવતાઓ પણ હોય છે.

► સર્વાર્થ સિદ્ધ મુર્હુર્તમાં ભગવાન નિર્વાણ પામ્યા.

► ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે સ્વાતી નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ પ્રવર્તતો હતો.

► ભગવાન મહાવીરના સાધના કાળ(લગભગ સાડા બાર વર્ષ) દરમ્યાન કરેલ તપ :- છ માસી તાપ – 1, પાંચ મહિના અને પચ્ચ્ચીસ દિવસ ના ઉપવાસ – 1, ચૌમાસી તપ – 9, ત્રીમાસી તપ – 2, અઢી માસી તપ – 2, બે માસી તપ – 6,દોઢ માસી તપ – 2, માસક્ષમણ – 72, પ્રતિમા અઠ્ઠમ તપ – 12, છઠ્ઠ તપ – 229, ભદ્ર પ્રતિમા – 1, 2 ઉપવાસ મહાભદ્ર પ્રતિમા -1, 4 ઉપવાસ સર્વતોભદ્ર પ્રતિમા – 1, ઉપવાસ – 10, પારણા – 349.

►વીર પ્રભુએ લીધેલા અભિગ્રહ :-

દ્રવ્યથી – સુપડાના ખૂણામાં રહેલ અડધ આપેતો.
ક્ષેત્રથી – એક પગ ઉબરામાં અને એક પગ બહાર રાખીને વહોરાવેતો.
કાલથી – ભિક્ષાચારો ભિક્ષા લઈને ગયાં પછીના સમયે મળેતો વહોરવું.
ભાવથી – રાજકુમારી હોય, દાસીપણા ને પામી હોય,મસ્તક મૂંડાવ્યું હોય,પગમાં બેડી હોય,રોતી હોય, અઠ્ઠમ તપ કાર્યો હોય,અને સતી સ્ત્રી હોય તો વહોરવું.
આ અભિગ્રહ કૌશમ્બી નગરીમાં ૫ મહિના અને ૨૫ દિવસે પૂરો થયો.

►વીર પ્રભુને આવેલા ઉપસર્ગો :-

* જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ – કટપૂત વ્યંતરીનો.
* મધ્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ – સંગમદેવ.
* ઉત્કૃષ્ટ માં ઉત્કૃષ્ટ ઉપસર્ગ – ખરક વૈધ કાનમાં થી ખીલા કાઢ્યા તે.

► દીક્ષા જીવન દરમ્યાન (લગભગ 42 વર્ષ) કરેલા ચાતુર્માસ :- અસ્થિક ગામમાં – 1, ચંપા અને પુષ્ટ નગરીમાં – 3, વૈશાલી નગરી અને વાણીજ્ય ગ્રામમાં – 12, રાજગૃહી નગરીના નાલંદા નામના પાડામાં – 14, મીથીલા નગરીમાં – 6, ભદ્રિકામાં – 2, આલંભિકામાં – 1, શ્રાવસ્તી નગરીમાં – 1, અનાર્યભુમીમાં – 1, અપાપાપુરી(પાવાપુરી) – 1(છેલ્લું ચોમાસું ).

► ભગવાનના સમકાલીન જીવો જે ભાવિમાં તીર્થંકર પદવી પામવાના છે :- ભગવાનના કાકા – સુપાર્શ્વ, સત્યકી, ઉદાયિ રાજા,મગધપતિ શ્રેણિક મહારાજા, અબંડ પરિવ્રાજક, સુલસા શ્રાવિકા, રેવતી શ્રાવિકા.

► દૈહિક વર્ણન :-

વર્ણ – તપેલા સુવર્ણ જેવો
લાંછન – સિંહ
સંઘયણ (શરીરનો બાંધો ) – વજ્રઋષભનારાચ સંઘયણ
લોહી – ગાયના દૂધજેવું સફેદ
ઉંચાઈ – સાત હાથ
ભગવાનનું શરીર 1008 ઉત્તમ લક્ષણોથી યુક્ત હતું.

► ભગવાન મહાવીરે દીક્ષા લેતા પહેલાના 1 વર્ષમાં 3,88,80,00,000 સોનૈયાનું દાન આપ્યું હતું.

► ગણધરો :-

નામ ગોત્ર ગામ માતા પિતા આયુષ્ય શિષ્ય
ઇન્દ્રભૂતિ ગૌતમ ગોબરગામ પૃથ્વી વસુભૂતિ ૯૨ વર્ષ ૫૦૦
અગ્નિભૂત ગૌતમ ગોબરગામ પૃથ્વી વસુભૂતિ ૭૪ વર્ષ ૫૦૦
વાયુભૂતિ ગૌતમ ગોબરગામ પૃથ્વી વસુભૂતિ ૭૦ વર્ષ ૫૦૦
વ્યક્તજી ભારધ્વાજ કુલ્લભાગ વારૂણી ધર્મમિત્ર ૮૦ વર્ષ ૫૦૦
સુધર્માજી અગ્નિવેશ્મ કુલ્લભાગ ભદ્દિલા ધમ્મિલ ૧૦૦ વર્ષ ૫૦૦
મંડિતજી વશિષ્ઠ કુલ્લભાગ વિજયદેવી ધનદેવ ૮૩વર્ષ ૩૫૦
મૌર્યપુત્ર કાશ્યપ મૌર્યગામ વિજયદેવી મૌર્ય ૯૫ વર્ષ ૩૫૦
અકમ્પિત ગૌતમ મિથિલા જયંતિ દેવ ૭૮ વર્ષ ૩૦૦
અચલભ્રાતા હારિત કૌશલ નંદા વસુ ૭૨ વર્ષ ૩૦૦
મેતાર્ય કૌડીન્ય વચ્છપૂરી વરુણદેવી દત્ત ૬૬ વર્ષ ૩૦૦
પ્રભાસ કૌડીન્ય રાજગૃહી અતિભદ્રા બલ ૪૦ વર્ષ ૩૦૦

► ભગવાન મહાવીર ઉત્કૃષ્ટ કક્ષાના સાધુઓ 14,000 અને ઉત્કૃષ્ટ કક્ષાની સાધ્વીઓ 36,000 હતી.
► ભગવાનના શ્રાવકો 1 લાખ 59 હજાર અને શ્રાવિકાઓ 3 લાખ 19 હજાર હતી.
► 314 પૂર્વધર સાધુ ભગવંતો, 1300 અવધિ જ્ઞાનીઓ, 700 કેવળજ્ઞાનીઓ, 1400 કેવળજ્ઞાની સાધ્વીઓ, 700 વૈકીય લબ્ધિ વાળા સાધ્વીઓ, 500 વિપુલમતિવાળા મનપર્યવ જ્ઞાની સાધુઓ, 400 વાદ કરવામાં નિપુણ સાધુઓ, 800 અનુત્તર વિમાનમાં(પછીના ભવે મનુષ્ય જન્મ લઈને મોક્ષ માં જનારા) ઉત્પન્ન થનારા સાધુઓ હતા.
► 50,000કેવળજ્ઞાનીઓના ગુરુ ગૌતમસ્વામીજી ભગવનના પ્રથમ શિષ્ય હતા.
► સમ્યક્ત્વ પામ્યા બાદ લગભગ એક કોટા કોટિ સાગરોપમ જેટલો કાળ અને અસંખ્ય ભવો ભમ્યા બાદ
ભગવાનનો આત્મા મોક્ષપુરીમાં ગયો.
► ભગવાને બે પ્રકારનો ધર્મ પ્રવર્તાવ્યો :- સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ.
► ભગવાને પોતાની પાટ સુધાર્માંસ્વમીજીને – ગૌતમસ્વામીજી કરતા આયુષ્ય વધુ હોવાને કારણે સોંપી
હતી.સુધાર્માં સ્વામીએ તેમની પાટ જંબુસ્વામીને સોંપી.જંબુ સ્વામીએ તેમને પાટ પ્રભવસ્વામીને સોંપી, તે પછી અનુક્રમે સ્વયંભવસૂરી, યશોભદ્રસૂરી, ભદ્રબાહુસ્વામી અને સંભૂતિ મુનિ(એમ બંને ), સ્થુલભદ્ર મુનિ, આર્ય સુહસ્તી મહારાજા,વજ્રસ્વામી, વજ્રસેનસૂરી ભગવાનની પાટે આવ્યા.વજ્રસેનસૂરી પછી તેમની શિષ્ય પરંપરા આગળ વધતા આર્ય કેશિ ગણિ ક્ષમાશ્રમણ થયા.ત્યારબાદ સ્થીરગુપ્ત ક્ષમાશ્રમણ અને ત્યારબાદ “કુમાર ધર્મ” ક્ષમા શ્રમણ થયા. અને છેલ્લે દેવદ્ધી ગણી ક્ષમાશ્રમણ થયા, જેમણે કલ્પસુત્રને ગ્રંથારૂદ્ધ કર્યું.

વિશ્વવંદ્ય તીર્થકર મહાવીર – ૨૭ ભવ, ઋણાનુબંધથી જન્‍મ અને બંને માતાના ૧૪ સ્વપન

A 3

|| ભગવાનના ૨૫ પૂર્વ ભવોનું સંક્ષિપ્ત દિગ્દર્શન અને એમની સાધના ||

જૈન દર્શનમાં ઈશ્વર થવાનો અધિકાર એક જ વ્યક્તિને નહિ, પણ અનેક વિશિષ્ટ આત્માઓને આપવામાં આવ્યો છે. અને એનો યથાર્થ સુમેળ માનવદેહથી જ થઈ શકે છે. ઈશ્વર થનારો આત્મા, એક વખત લગભગ અન્ય જીવો જેવો જ હોય છે. ઈશ્વર થવાનું બીજ, ગત જન્મો પૈકી કોઈ ભવમાં રોપાય છે, એટલે કે પુણ્યોદય જાગવાનો હોય ત્યારે કોઈ સદ્-આલંબન-નિમિત્તથી અથવા સ્વતઃ અભૂતપૂર્વ તાત્ત્વિક વિવેકનો દીપક પ્રગટ થાય છે, જેને જૈન પરિભાષામાં सम्यक्त्व કહે છે. બીજા અર્થમાં તેને આત્માની સાચી સમજણનો અલ્પ-દિવ્ય પ્રકાશ કહી શકાય. એક વખત ઝબકેલો એ પ્રકાશ પ્રતિકૂળ નિમિત્તો મળતાં બુઝાઈ પણ જાય, તેમ છતાં એક વખત ઝબકી ગયેલો એ પ્રકાશનો મહામૂલો સંસ્કાર માત્ર માનવજાતનાં જ નહીં પણ જીવમાત્રના અન્તિમ લક્ષ્યરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવ્યા વિના રહેતો નથી. આ આદ્ય પ્રકાશની પ્રાપ્તિથી જ તીર્થંકરોના ભવોની ગણતરી કરાય છે.

ચિત્ર-પરિચય : આ ચિત્રમાં ભગવાન શ્રી મહાવીરના કુલ ૨૭ ભવ પૈકીના ૨૫ ભવોનું દિગ્દર્શન કરાવ્યું છે. આ ચિત્રમાં મથાળેથી પહેલા વિભાગમાં પહેલો `નયસારનો’ ભવ, ત્યાર પછી બીજા વિભાગમાં ત્રીજો `મરીચિ’ નો ભવ અને પછી ૧૬, ૧૮, ૨૦, ૨૨, ૨૩ અને ૨૫ આ ક્રમાંકવાળા ભવો, તેના એક એક પ્રસંગ સાથે બતાવ્યા છે.

આ ચિત્રના કેન્દ્રમાં વિમાન દ્વારા દેવભવનું અને તેની નીચે રાક્ષસી મુખ દ્વારા નરકભવનું અને બંને બાજુઓમાં ત્રિદંડી-બ્રાહ્મણનું પ્રતીક આપીને તેની નીચે તેના ભવોની સંખ્યા આપી છે.
2

|| વિશ્વવંદ્ય તીર્થકર મહાવીર ||

શાસનપતિ વિશ્વવંદ્ય તીર્થંકર ભગવાન મહાવીર સ્‍વામીનું જન્‍મ કલ્‍યાણક આજથી લગભગ ૨૬૧૫ વર્ષ પૂર્વે ચૈત્ર સુદ – ૧૩ ના પરમ પાવન દિવસે મહારાજા સિદ્ધાર્થના ગૃહે મહામાતા ત્રિશલા રાણીની કુક્ષીએ તેઓશ્રીનો જન્‍મ થયો હતો. ચૈત્ર સુદ – ૧૩ ના પ્રભુ મહાવીરનું જન્‍મ કલ્‍યાણક માત્ર ભારતમાં જ નહિં પણ વિદેશોમાં જયા જયા જૈનો વસે છે ત્‍યાં સર્વત્ર પ્રભુ મહાવીરનું જન્‍મ કલ્‍યાણક હર્ષોલ્લાસથી ઉજવાય છે

** કાયરતાની કરૂણતા
ભગવાન મહાવીરનો જીવ પોતાના પૂર્વભવના ત્રીજા ભવમાં આપણા પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના પ્રથમ પુત્ર ભરત ચક્રવર્તીના પુત્ર હતા. ત્‍યારે તેમનું નામ મરીચિકુમાર હતું. તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી હતી અને તપ કરતા હતા. તેમાનથી આકરી જૈન દીક્ષા ન પળાતા તેઓ ત્રિદંડી સન્‍યાસી બની ગયા અને ભગવાનના સમવસરણની બહાર ઉભા રહેતા હતા. જયારે કોઈ તેમને વંદન કરવા આવે ત્‍યારે તેઓ વિનયપૂર્વક કહેતા કે ભગવાન ઋષભદેવ ઉપર સમવસરણમાં બીરાજે છે તેમના દર્શન કરો. મને વંદન કરશો નહીં. હું સાધુ નથી. મરીચિકુમાર સૂર્યના કિરણ જેવા તેજસ્‍વી હતા. તેઓ ૧૧ આગમોના મહાજ્ઞાની હતા. સાધુવ્રતધારી મરીચિકુમાર અત્‍યંત દુષ્‍કર એવા વિહાર દરમિયાન કાર્યકર્તાનો ભોગ બન્‍યા હતા. શરીરને કષ્‍ટ ન આપી શકતા તે ત્રિદંડી સન્‍યાસી બન્‍યા હતા. તેઓ માથા ઉપર છત્ર રાખતા. પગમાં ચાખડી પહેરતા. સચિત્ત પાણી વાપરતા અને લોચ કરતા નહીં. એમને કોઈ વંદન ન કરે તો અપમાન લાગતુ નહીં.

** જન્‍મોનું કારણ : કર્મ
મરીચિકુમારનો જીવ ચોવીસમા ભાવિ તીર્થકર થશે એવી ઋષભદેવ ભગવાને ભરત ચક્રવર્તી સમક્ષ આગાહી કરી હતી. આ વાત સન્‍યાસીનો વેષ ધારણ કરેલા મરીચિકુમાર પાસે પહોંચી અને તેઓ કુળના અભિમાનથી નાચવા લાગ્‍યા. આમ કર્મના બંધનોને કારણે વિવિધ જન્‍મો ધારણ કરી ૨૬મા ભવમાં મહાવીરનો આત્‍મા પૂર્ણતાની લગભગ નજીક પહોંચી ગયો.

**કર્મની ગતિ ન્‍યારી !
પ્રભુ મહાવીરના ૨૭ ભવોમાં ૧૦ ભવો દેવલોકના દેવના થયા. બે ભવ નરકમાં નારકીના થયા. એક ભવ (વીસમો) તિર્યંચ અર્થાત્‌ પશુ રૂપે સિંહનો થયો. ૧૪ ભવ મનુષ્‍યના થયા. ૧૪ ભવમાં છ ભવ (૫, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪) બ્રાહ્મણના થયા. ૪ ભવ રાજકુમારના થયા. એક ભવ મહાવિદેહમાં ચક્રવર્તીનો થયો.

ભગવાન મહાવીરના ૬ ભવ બ્રાહ્મણ કુળમાં થયા. ભગવાન મહાવીરને બ્રાહ્મણ કુળનો ઋણાનુબંધ ઘણો હતો. જૈન ધર્મમાં દેવલોક ૧૨ કહ્યા છે. જેમાં ૧૦મુ પ્રાણત નામનું દેવલોક છે. આ દેવલોક એ સ્‍વર્ગ ભૂમિ છે. ૧૦મા દેવલોકના દેવોનું આયુષ્‍ય ૨૦ સાગરોપમનું હોય છે. આટલા બધા વર્ષોનું આયુષ્‍ય પૂર્ણ કરી ભગવાન મહાવીરનો જીવ આ ભારતની ભૂમિને પાવન કરવા ૨૬૦૦ વર્ષ પહેલા પધાર્યા હતા.

** જન્‍મ કલ્‍યાણક
કોને ઘેર જન્‍મ લેવો? કઈ માતાની કુક્ષીમાં જન્‍મ લેવો? કયા કુળમાં અને કયા પરીવારમાં જન્‍મ લેવો? કયા નગરમાં જન્‍મ લેવો. આ બધુ ગત જન્‍મના કર્મને આભારી છે. આ સર્વ ઉત્તમ મળે તો પરમ સૌભાગ્‍ય કહેવાય છે. ભગવાન મહાવીરનો આત્‍મા દેવલોકમાંથી ચ્‍યવીને ભારતની ભૂમિ પર આવી રહ્યો છે. સ્‍વર્ગથી નીચે આવવુ તેને જૈન પરિભાષામાં ચ્‍યવવું કહેવાય છે. તીર્થકરના પાંચ કલ્‍યાણક આ પ્રમાણે હોય છે. (૧) ચ્‍યવન (૨) જન્‍મ (૩) દિક્ષા (૪) કેવલજ્ઞાન (૫) નિર્વાણ. આમ તીર્થકરનું માતાની કુક્ષીમાં આવવુ તેને ચ્‍યવન કલ્‍યાણક તરીકે ઉજવાય છે.

પ્રભુ મહાવીરનો આત્‍મા આ પૃથ્‍વી પર આવ્‍યો એ મંગલમય દિવસ હતો અષાઢ સુદ-૬ આ દિવસની તારીખ કહી શકાય નહીં. કારણ કે અત્‍યારે જે તારીખની પ્રથા ચાલે છે. તે ઈશુના સમયથી ચાલી છે. તે સમયમાં ઈશુનો જન્‍મ થયો નહોતો.ઈશુના જન્‍મના પાંચસોથી પણ વધારે વર્ષ પૂર્વે ભગવાન મહાવીરનો જન્‍મ થયો હતો.

A 4     

**ઋણાનુબંધથી જન્‍મ
વૈશાલીનગરના બ્રાહ્મણકુંડમાં ઋષભદત્ત નામના એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રહ્મવિદ્યામાં નિપુણ હતા. એમની પત્‍નિનું નામ દેવાનંદા હતું. એમનુ જીવન ત્‍યાગમય તથા તપોમય હતું. મહામંગલમય માતા દેવાનંદાની કુક્ષીમાં ભગવાન મહાવીરનો આત્‍મા આવ્‍યો. ભગવાન મહાવીર ઋણાનુબંધે દેવાનંદાની કુક્ષીમાં પ્રવેશ કરે છે. હવે તમને સમજાયુ હશે કે ભગવાન મહાવીરનો આત્‍મા ઋષભદત્ત બ્રાહ્મણને ત્‍યાં દેવાનંદાની કુક્ષીમાં શા માટે આવ્‍યો? આનું જ નામ છે ઋણાનુબંધ. જયારે મહાવીરનો આત્‍મા દેવલોકમાંથી દેવાનંદાની કુક્ષીમાં આવ્‍યો ત્‍યારે દેવાનંદાને મંગલ સુચક ૧૪ સ્‍વપ્‍ન આવ્‍યા હતા. પણ તે ઝાંખા હતા. આમ પ્રથમ માતા દેવાનંદાની કુક્ષીમાં ભગવાન મહાવીરનો આત્‍મા ૮૨II રાત્રી રહ્યો.

**ઈન્‍દ્રની ચિંતા
આ સમયે દેવલોકમાં ઈન્‍દ્રનું સિંહાસન ડોલવા લાગ્‍યું. ઈન્‍દ્ર મહારાજ વિચારવા લાગ્‍યા અને હરીણગમૈષી નામના દેવને બોલાવીને કહે છે કે ભારત ખંડમાં વૈશાલી નગરના બ્રાહ્મણકુંડમા ઋષભદત્તને ત્‍યાં દેવાનંદા માતાની કુક્ષીમાં ૮૨II રાત્રીનો એક ગર્ભ છે તેનું હરણ કરો. કારણ કે દેવાનંદા સાથેનો તેમનો જન્‍મો જન્‍મનો સંબંધ પૂરો થયો છે. તેવી જ રીતે તે જ નગરમાં ક્ષત્રિયકુંડમાં મહારાજા સિદ્ધાર્થની પટ્ટરાણી મહામાતા ત્રિશલાદેવીની કુક્ષીમાં રહેલ ગર્ભના સ્‍થાને આ મહાવીરના ગર્ભને સ્‍થાપન કરો અને ત્રિશલાદેવીની કુક્ષીનો ગર્ભ માતા દેવાનંદાની કુક્ષીમાં મૂકો.

**હરિણગમૈષી દ્વારા ગર્ભ હરણ
આવુ અસામાન્‍ય કાર્ય તો હરિણગમૈષી દેવ જ કરી શકે માણસની તાકાત નથી. હરિણગમૈષી દેવ તો વૈશાલીનગરમાં ઋષભદત્ત બ્રાહ્મણને ઘરે મધ્‍ય રાત્રીના સમયે આવે છે. માતા દેવાનંદા અર્ધનિંદ્રામાં પોઢેલા હતા. કંઈક અંશે હજુ જાગૃત અવસ્‍થામાં તંદ્રામાં હતા. હરિણગમૈષી દેવે માતા ઉપર અવસ્‍થાપિની વિદ્યાનો પ્રયોગ કર્યો. દેવાનંદા માતા અત્‍યંત ગાઢ નિંદ્રામાં ડૂબી ગયા. હરિણગમૈષી દેવે પોતાની વિદ્યાથી એવી રીતે ગર્ભ બહાર કાઢી લીધો કે માતા દેવાનંદાને ખબર પણ પડી નહીં. હરીણગમૈષી દેવ ભગવાન મહાવીરના ગર્ભને લઈ ક્ષત્રિયકુંડમાં માતા ત્રિશલાદેવી પાસે પહોંચ્‍યા. ત્‍યાં જઈ તેમની કુક્ષીમાંથી ગર્ભને કાઢી ભગવાન મહાવીરના ગર્ભને સ્‍થાપન કરી દીધો અને ત્રિશલાદેવીની કુક્ષીમાંથી ગર્ભને લઈ જઈ બ્રાહ્મણકુંડમાં દેવાનંદાની કુક્ષીમાં સ્‍થાપી દીધો.

**આનંદનો અનુભવ
ભગવાન મહાવીર ગર્ભ રૂપે મહામાતા ત્રિશલાદેવીની કુક્ષીમાં સ્‍થાપિત થયા ત્‍યારે માતા ત્રિશલાને પરમ દિવ્‍ય આનંદનો અનુભવ થવા લાગ્‍યો. અચાનક વાતાવરણમાં પરિવર્તન આવ્‍યું. આકાશમાં ગ્રહો, નક્ષત્રો, તારાઓ તથા ચંદ્ર દિવ્‍ય પ્રકાશથી પ્રકાશવા લાગ્‍યા. મંદ મંદ વાયુ લહેરાવા લાગ્‍યો. સમગ્ર વાતાવરણ જ બદલાઈ ગયું. ભગવાન મહાવીર માતાના ગર્ભમાં આ છેલ્લીવાર આવ્‍યા છે. હવે પછી કયાંય જન્‍મ લેવાના નથી. માતા ત્રિશલાને આ સમયે નિંદ્રામાં તેજસ્‍વી ૧૪ સ્‍વપ્‍નો આવે છે.

** વિનય અને સંયમ
મહામાતા ત્રિશલાના ૧૪ સ્‍વપ્‍નો પૂરા થતા તેઓ જાગૃત થયા. પોતાના સ્‍વામી સિદ્ધાર્થ રાજાના શયનગૃહમાં આવ્‍યા. પ્રભાત થવાને હજુ થોડીવાર હતી. એમણે પ્રેમાળ, સમધુર અને ધીમા અવાજથી પ્રભાતિયા ગાઈ સિદ્ધાર્થ રાજાને જગાડયા.

**રાણીના આગમનનું પ્રયોજન
માતા ત્રિશલા રાણી સિદ્ધાર્થ રાજાના શયનગૃહમાં આવીને મધુર ધીમા સ્‍વરે બોલ્‍યા : ‘‘હે દેવાનુપ્રિય ! હે સ્‍વામીનાથ ! હે આર્યપુત્ર ! હે પુણ્‍યશાળી ! જાગૃત થાઓ. હે પ્રાણનાથ ! નિંદ્રાનો ત્‍યાગ કરો.”
મહારાજા આવા મીઠા મધુરા વચનો સાંભળી નિંદ્રામાંથી જાગૃત થયા. નિંદ્રાનો ત્‍યાગ કરી, મૂલ્‍યવાન રજાઈ દૂર કરી અને નયનો ખોલી પલંગમાં બેઠા અને પૂછ્‍યું : હે પ્રિયે ! પ્રભાતમાં આપના આગમનનું શું પ્રયોજન છે? ત્રિશલા માતાએ પોતાના સ્‍વપ્‍નોની વાત કહી. રાજાએ એ વાત અથથી ઈતિ સુધી શાંતિથી સાંભળી.

** સ્‍વપ્‍નપાઠકની આગાહી
મહારાજએ કહ્યું : ‘‘મને લાગે છે કે તમારી કુક્ષીમાં કોઈ ઉત્તમ આત્‍મા ગર્ભરૂપે આવ્‍યો હોવો જોઈએ તેનાથી આપણને સૌથી મોટો અલભ્‍ય લાભ થવાનો છે. મહેલમાં આપણે સ્‍વપ્‍નપાઠકોને – સ્‍વપ્‍નનું ફળ કહેનાર એવા મહાન જયોતિષાચાર્યોને બોલાવીશું.”

પ્રભાત પૂર્ણ કળાએ ખીલી ઉઠતા મહેલમાં સ્‍વપ્‍નપાઠકોને બોલાવવામાં આવ્‍યા. રાજાએ રાણીને આવેલ સ્‍વપ્‍નોની વાત કહી. સ્‍વપ્‍નપાઠકોએ સ્‍વપ્‍ન શાષાને આધારે કહ્યું : ‘‘મહારાજા, આ ૧૪ સ્‍વપ્‍નો દર્શાવે છે કે મહારાણીની કુક્ષીમાં કોઈ અલૌકિક દિવ્‍ય શકિતનો સ્‍વામી ગર્ભરૂપે આકાર ધારણ કરી રહ્યો છે. જન્‍મ જન્‍માંતરનો સાથી, જન્‍મોનો છેદ કરી મહારાણીની કુક્ષીમાં આવ્‍યો છે. આ એનો છેલ્લો જન્‍મ છે. ભલભલા ચક્રવર્તીઓ તેમના ચરણે વંદન કરશે. ત્રણેય લોકમાં જેમની કિર્તી સદાય ગવાશે. અસંખ્‍ય માનવીની અંતર જયોતિને જાગૃત કરે એવો મહાપુરૂષ પ્રગટ થઈ આ અવનીને ધન્‍ય બનાવશે. આમ કહી સ્‍વપ્‍નપાઠકોએ નીચે પ્રમાણે સ્‍વપ્‍નોનો ફલાદેશ બતાવ્‍યો.”

** સ્‍વપ્‍ન ફલાદેશ

૧. ગજવરનું સ્‍વપ્‍ન :

માતા ત્રિશલા રાણીએ પહેલા સ્‍વપ્‍નમાં ગજવર દીઠો. ગજવર એટલે ઐરાવત હાથી. હાથીને આપણે ત્‍યાં શુકનવંતો ગણવામાં આવ્‍યો છે. પ્રભુ તે હાથી જેવા ધીર ગંભીર થવાના છે.

૨. ઋષભનું સ્‍વપ્‍ન :

બીજા સ્‍વપ્‍નમાં વૃષભ એટલે બળદ જોયો. વૃષભ શકિતનું તથા ફળદ્રુપતાનું પ્રતિક ગણાય છે. બળદ ખેતીના ભારવહનનું ઉત્તમ સાધન છે. પ્રભુ બળદની જેમ ચતુર્વિધ શ્રી સંઘનું સફળતાપૂર્વક વહન કરશે.

(૩) સિંહનું સ્‍વપ્‍ન :

ત્રીજા સ્‍વપ્‍નમાં સિંહને જોયો. સિંહ શૌર્યતા અને પરાક્રમનું પ્રતીક છે. પ્રભુ સિંહ જેવા શૂરવીર અને પરાક્રમી થશે.

(૪) લક્ષ્મીનું સ્‍વપ્‍ન :

ચોથા સ્‍વપ્‍નમાં લક્ષ્મીને જોઇ. લક્ષ્મી સમૃધ્‍ધિનું પ્રતીક છે. ભગવાન મહાવી સ્‍વપુરુષાર્થથી કે કેવળજ્ઞાન રૂપી શાશ્વતી લક્ષ્મીને પ્રાપ્‍ત કરશે.

(૫) પુષ્‍પમાળાનું સ્‍વપ્‍ન :

પાંચમાં સ્‍વપ્‍નમાં પુષ્‍પમાળા જોઇ. પુષ્‍પોની માળાને શુભ અને શુકનવંતી ગણવામાં આવી છે. પુષ્‍પમાળામાં બે માળા એ સૂચવે છે કે, ભગવાન મહાવીર આગાર અને અણગાર બંને ધર્મની સ્‍થાપના કરશે.

(૬) ચંદ્રનું સ્‍વપ્‍ન :

છઠ્ઠા સ્‍વપ્‍નમાં ચંદ્રને જોયો. ચંદ્ર શીતલતા અને નિર્મળતાનું પ્રતીક છે. ચંદ્ર મગજને ઠંડુ રાખવાનું સૂચન કરે છે. પ્રભુ મહાવીર ચંદ્ર જેવા શિતલ અને નિર્મળ હતાં.

(૭) સૂર્યનું સ્‍વપ્‍ન :

સાતમા સ્‍વપ્‍નમાં સૂર્યને જોયો. આજકાલ સૂર્યનારાયણ બહુ તપે છે. આ પૃથ્‍વી ઉપર જો સૂર્ય ન હોત તો આ જીવન આટલું સમૃધ્‍ધ ન હોત. પ્રભુ સૂર્ય જેવા પ્રતાપી અને તેજસ્‍વી પુરુષ થશે. એમના પ્રતાપથી કંઇક આત્‍માઓ જાગૃત થનાર છે.

(૮) ધ્‍વજનું સ્‍વપ્‍ન :

આઠમા સ્‍વપ્‍નમાં ધ્‍વજને જોયો. ધ્‍વજ મંદિરમાં કોઇપણ સ્‍થળે સૌથી ઊંચો રખાય છે. પ્રભુ મહાવીરનો યશ અને કીર્તિ ધ્‍વજ ત્રણેય લોકમાં સદા ફરકતો રહેશે.

(૯) કળશનું સ્‍વપ્‍ન :

નવમાં સ્‍વપ્‍માં કળશ જોયો. કળશ એ સફળતાનું પ્રતીક છે. પ્રભુના સંયમ જીવનને જોઇ કોઇ સંયમની આરાધના કરી સફળતાને પામશે.

(૧૦) પધ્‍મસરોવરનું સ્‍વપ્‍ન :

દસમાં સ્‍વપ્‍નમાં પધ્‍મસરોવરને જોયું. સરોવરમાં જો કમળ ન હોય તો એ સરોવરની કંઇ જ કિંમત નથી. કમળ એ સૌભાગ્‍યનું પ્રતીક છે. વીર પ્રભુ પરમ સૌભાગ્‍યના પ્રેરક થશે.

(૧૧) ક્ષીરસાગરનું સ્‍વપ્‍ન :

અગિયારમાં સ્‍વપ્‍નઃ અગિયારમાં સ્‍વપ્‍નમા ક્ષીરસાગર જોયો. આ શ્વેત સાગર સાત્‍વિકતાની નિશાની છે. આ એવું સૂચન કરે છે કે પ્રભુ ઉછળતા દૂધ જેવા ભાવોને અપનાવી અસંખ્‍ય માનવીઓને શાંતિ પમાડશે.

(૧૨) દેવવિમાનનું સ્‍વપ્‍ન :

બારમાં સ્‍વપ્‍નમાં દેવવિમાન જોયું. દેવવિમાન ઊંચી ગતિનું સૂચન કરે છે.

(૧૩) રત્‍નરાશિનું સ્‍વપ્‍ન :

તેરમાં સ્‍વપ્‍નમાં રત્‍નરાશિ એટલે જોયો રત્‍નોનો ઢગલો. જેમાં મન સદાય રમ્‍યા કરે તે રત્‍ન કહેવાય. જેનું મૂલ્‍ય ઊંચુ રહે રત્‍ન કહેવાય. સંતો-સાધ્‍વીજીઓ એ પ્રભુ મહાવીરની આસપાસના રત્‍નોનો સમૂહ છે. શ્રાવકો તથા શ્રાવિકો સાચા મૂલ્‍યવાન મોતી સમાન છે.

(૧૪) નિર્ધૂમ અગિ્નનું સ્‍વપ્‍ન :

ચૌદમાં સ્‍વપ્‍નમાં નિર્ધૂમ અગિ્ન જોયો. નિર્ધૂમ અગિ્ન એટલે ધુમાડા વગરનો અગિ્ન. ભગવાન મહાવીરના સર્વ ગુણો ધુમાડા વગરના અગિ્ન જેવા હશે.

મહારાજા સિધ્‍ધાર્થે સ્‍વપ્‍નપાઠકોને મૂલ્‍યવાન આભૂષણો, વષાો ઇત્‍યાદિ આપી પ્રસન્ન કર્યા અને એમને પ્રસન્નતાથી વિદાય આપી.

મંગલ ભાવે સવા નવ માસ પૂર્ણ થતાં ભગવાન મહાવીરનો બાલસ્‍વરૂપે મહારાજા સિદ્ધાર્થને ઘેર માતા ત્રિશલા રાણીની કુક્ષિએ ચૈત્ર સુદ-૧૩ના જન્‍મ થયો. ભગવાન મહાવીરનો જન્‍મ થતાં ગ્રામ, નગરમાં બધે વૃધ્‍ધિ થવા લાગી. તેથી તેમના માતા-પિતાએ ગુણનિષ્‍પન્ન જન્‍મ નામ વર્ધમાન આપ્‍યું. ભાગવતી દીક્ષા બાદ તેમનો ઉપસર્ગો અને પરિષહોને સમતાપૂર્વક સહન કરવાની અદ્વિતીય શક્‍તિ જોઇ સ્‍વર્ગના દેવોએ ભેગા થઇ તેમનું નામ મહાવીર રાખ્‍યું. આવા જગત ઉધ્‍ધારક ભગવાન મહાવીર સ્‍વામીને આપણાં સૌના કોટી કોટી વંદન.