કવિતા – પિતા – બાપુજી – બાપા – ડેડી – પપ્પા – મા-બાપ

1

|| કવિતા – પિતા – બાપુજી – બાપા – ડેડી – પપ્પા – મા-બાપ ||

(૦૧) એક સપનું મા-બાપનું

એક સપનું મા-બાપનું જોને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.
એક અમારા પ્રેમનો અક્ષર ગીત બનીને ગૂંજે,
એક કળી અમ બાગની આજે બહાર બનીને ઝૂમે;
જકડી રાખું ઝરણું હાથમાં પણ એવું ક્યાં થાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

અમ અંતરના આશિષ બેટા, રહેશે તારી સાથે,
એક પ્રભુની બાદ અમારો હાથ છે તારે માથે;
માનાં દિલનો ટુકડો દીકરી પારકી કહેવાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

ઘર આંગણમાં કાલે બેટા, આંખ ન તુજને જોશે,
હોઠો રહેશે હસતા મારાં અંતર મારું રોશે;
થયું’તું દુ:ખ જે મારી માને આજ મને સમજાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

એક સપનું મા-બાપનું જો ને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

-ડૉ.નિલેશ રાણા

(૦૨) મા-બાપ

જિંદગીનો ભાર ઢસડી ઢસડીને
મનથી બેવડ વળી ચુકેલા,
તોય ખુશીથી અમને રાખતા.

કણીઓ પડેલી હથેળીએ
ને બરછટ બનેલા હાથ,
તોય કોળિયો અમને ભરાવતા.

ઘા ભલે હોય હજાર
તોય વ્હાલ અમને કરતા.

એક-એક ચિંતાની કરચલીઓ
ચહેરા પરથી છુપાવીને,
હાસ્ય અમને અર્પતા.

મજલોનુ અંતર કાપી કાપીને
અમને મંઝિલે પહોંચાડતા.

રાખીએ છીએ અમે એમને હ્ર્દયમાં
ને ઘરમાં રાખીશું ભવિષ્યમાં,
નહિ પડે જરુર લાકડીની
સહારો અમે ખુદ બનશું એમના!!!

-હિરલ મનોજ ઠાકર

(૦૩) પિતા હરપળ યાદ આવે છે

વાત્સલ્યના લીલા લીલા પાન ,
મેં તો પીધા મીઠા મધુરા પાન..પિતા હરપળ યાદ આવે છે.
કર્મના કીરતાલ તમો,
પ્રેમની પ્યાલી પીવડાવતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
આંગળી પકડી,રાહ ચીંધતા રહ્યા,
સફળતાની ચાવી,સંતાનોને દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
એ ભલા-ભોળા શંકર જેવા,
ખુદ વિષ પી..અમરત દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.
સંતાન-સુખ,એજ લક્ષ્ય,એજ ધ્યેય,
મીઠા ફળ સૌને દેતા રહ્યાં.. પિતા હરપળ યાદ આવે છે.
આજ મ્હેકતો બાગ છે આપના થકી,
માળી બની,બાગનું સિંચન કરતા રહ્યાં..પિતા હરપળ યાદ આવે છે.
આશિષ આપી, સ્વર્ગે સિધાવી ગયા,
પિતૃબની આજપણ આશિષ દેતા રહ્યા..પિતા હરપળ યાદ આવે છે.

વિશ્વદીપ બારડ

(૦૪) પરમ પૂજ્ય પ્યારા પિતાને નમું છું

પરમ પૂજ્ય પ્યારા પિતાને નમું છું
અવિભાજ્ય તેના સ્મરણમાં સરું છું
જતનથી ઉછેર્યો ગટરમાં ન ફેંક્યો
પિતા-માતા-ધાતાને વંદન કરું છું
નિરાકાર ઘટને તેં આકાર દીધો
ગુણોના પ્રદાતાને પૂષ્પો ધરું છું
મળી ભેટ ઉત્તમ પ્રથમ ખુદને ચાહુ
જીવનદાતામાં ઈશદર્શન કરું છું
રુએ રુએ તવ રુણ ઉપકાર અગણિત
જો ચાહુ ચૂકવવા ક્યાં ચુકવી શકુ છું
ભણાવ્યો ,ગણાવ્યો ,રમાડ્યો, હસાવ્યો
કૃતઘ્ની બની ગાળ ક્યાં દઈ શકુ છું ?
અનાયાસ પૂછે કોઈ નામ તારું
વિગતવાર હું તારી ગાથા વદુ છું
હું તારો તું મારો બીજું કૈ ના જાણું
જગે તેથી નિર્ભય બનીને ફરું છું
ઓ બાપા, દિપા શું ? ગીતાગાન ગાઉં ?
હવે તારું મલકાતું મુખડું સ્મરું છું
અહોભાગ સંસ્કાર અંતિમ કર્યા’તા
હું યે અગ્નિપથ પર પલેપલ સરું છું
કરી હું શકુ છું, બની હું શકું છુ,
હું કંકરથી શંકર બની પણ શકું છું
નથી દીન ‘દિલીપ’ મળ્યો વારસો જે
અનુભવનો વૈભવ વહેંચતો રહું છું

-દિલીપ ગજજર, લેસ્ટર

(૦૫) માબાપની માયા

છાયા મમતાની જ્યાં, મળતી આ કાયાને;
ઉભરે અનંત હેત હૈયે,શબ્દ મળેના સર્જકને.
ઓ મા તારો પ્રેમ પ્રેમથી દેજે.
બાળપણમાં ઘુંટણે ચાલતા,આંગળી તેં પકડી મારી;
પાપાપગલી કરતાં પડતો,ત્યારે હાથ પકડતી મારો.
ઓ મા મારા હૈયે હેત ભરજે.
બારાખડીમાં હું જ્યાં ગુંચવાતો,પપ્પા સુધારી લેતા;
કખગમમાં હું ખચકાતો ત્યાં,પેન પાટી ધરી દેતા.
પપ્પા ભુલ સુધારવા કહેતા.
પેનપાટીને થેલો લઇ હું,પ્રથમ પગથીયે ઉભો;
માબાપને શ્રધ્ધા મનમાં,દીકરો ભણશે અમારો.
ને હેત હૈયે વરસાવી દેતા.
વરસતી વર્ષા પ્રેમનીને,આર્શીવચન પણ મળતા;
લાગણી પારખી માબાપની,મન મક્કમ કરી લેતા.
ને માબાપની લાગણી જોતા.
ભુલ બાળક કરતાં જાણી,માફ માબાપ જ કરતાં;
હૈયેહેત રાખી મનથી અમને,ભુલ સુઘારવા કહેતા.
એવા છે માબાપ અમારાવ્હાલા.
પ્રદીપને માથે હાથ માબાપાના,ને આશીશ મનથી દેતા;
ઉજળું જીવન રમા,રવિનું,ને પ્રેમે વ્હાલ દીપલને કરતાં.
એવા વ્હાલા મારા મમ્મીપપ્પા.

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૦૬) બા,બાપુજી કે બાપા

બા એટલે બાળકના જન્મદાતા,પોષક અને રક્ષક.
બા એટલે મનુષ્ય શરીરના દાતા અને પ્રણેતા.
બા એટલે સંતાનના જીવનનો પાયો.
બા વગર સંસાર,જીવન કે અસ્તિત્વ શક્ય નથી.
બાપુજી એટલે બાની પુંજી.
બાપુજી શબ્દનુ સન્માન બાના અસ્તિત્વથી જ મળે છે.
બાપુજી જીવના અવતરણનું માધ્યમ છે.
બાપુજી જ્યાં સુધી બાની પુંજી તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી એ માનને પાત્ર છે.
બાપા એટલે બા નો ચોથો ભાગ (પા ભાગ)
બાપા એ જ્યાં સુધી બાનું અસ્તિત્વ છે ત્યાં સુધી પચીસ ટકા જેટલો જ હક્ક ધરાવે છે.
બાપાનું જ્યાં સુધી બા છે ત્યાં સુધી માન છે.
અને અંતે
બા વગર બાપાની કોઇ કિંમત નથી કે કોઇ માન નથી.
(દા.ત. તારા બાપાને કહેજે કે ઘરનું ભાડુ ઓફીસે મોકલી આપે)
જગતના પ્રાણી માત્રમાં બા એ ત્રણ ભાગ છે જ્યારે બાપા એ ચોથો ભાગ છે.

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૦૭) માબાપની માયા

માબાપની માયા લાગી જેને, ભવ સુધરશે તેનો
ઉજ્વળ જીવનજીવી જશેને,જન્મ સફળ ભઇએનો
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
પ્રભુ સ્મરણથી પામર જીવન,પ્રેમ પ્રભુનો લેશે
માબાપની સેવા પ્રેમથીકરતાં,હૈયાનુ હેત ઉભરશે
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
મા ના પ્રેમની સાથે,ભઇ પ્રેમ પિતાનો મળશે
સંતાન થયાની સેવાથી,ઉજ્વળ જીવન તરશે
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
મળતી માયા સેવાથી,ના માગણી કોઇ કરતું
પ્રેમભાવથી નમવાથી,ઉભરાયેલ હેત મળતું
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.
આવ્યા ક્યાંથી ક્યાં જવાના,કોઇ નથી કહેવાનું
લાગણી પ્રેમને સ્નેહ મળવાના,બીજુનહીંસહેવાનું
…………ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

– પ્રદીપબ્રહ્મભટ્ટ

(૦૮) મા-બાપ

નીતિ જેની નિસ્વાર્થ ભરી,આ એવી પરમ પાવન જોડી મા- બાપની.
ચુકવી ના શકાય ૠણ જેનું આ એવી દિવ્ય જોડી મા- બાપની.

પી શકે પ્રેમ થી દુખ દર્દનાં ઘુંટડા, આ એવી અડીખમ જોડી મા-બાપની.
ના શરત હોય કોઇ એનાઉછેરમાં,આ એવી પ્રેમાળ જોડી મા-બાપની.

ભુલ કરે જો સંતાન, બોલે એ સંત-વાણી,આ એવી અણમોલ જોડી મા-બાપની.
જીલ્યા ઘાવ ઘણા,બની ઢાલ સંતાનોની,આ એવી અલૌકીક જોડી મા-બાપની

નમેછે ભગવાન પણ હાથ જોડી, આ એવી પુજનીય જોડી મા-બાપની
મંદીર, મસ્જીદ કે ચર્ચ ની કયાં જરૂરત છે? આ એવી શ્રેષ્ઠ જોડી મા-બાપની.

વિશ્વદીપ બારડ

(૦૯) ડેડી તમે

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …

હિમાંશુ ભટ્ટ

(૧૦) પ્રિય પપ્પા હવે તો

પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

-મુકુલ ચોક્સી

(૧૧) માબાપ ના મળશે કદી

બહુ વાત કરતા લોક સૌ, અહીંયા જુઓને પ્રેમની,
કહો કોણ જાણતું એ બધી, વાતો ખરે છે વ્હેમની.

આંખોથી આંખો જો લડે, સમજે નીશાની પ્રેમની
એ નીશાનીઓ મહીં, સઘળું લુટાવ્યું સ્હેલથી.

જાન લેવા પ્રેમમાં, દેવા ય પણ તૈયાર છે .
જીંદગી મળતી નથી, કંઇ કોઇના યે ર્ હેમથી..

છોડીને વીસરી જતા માબાપને જે પ્રેમમાં
નાસમજ ! સમજી લીયો માબાપ ના મળશે કદી

– નીરજ વ્યાસ

(૧૨) પિતૃ વંદના

ઘડવૈયાએ હેતે ઘડ્યા એવા ઘટ
પિતાએ પરખાવી પ્રભુતા પૃથ્વી પટ
દિધા જગે તમે વટવૃક્ષ સમ ધામા
સંસારને સંવારી આપ્યા મહા વિસામા
દિધી હૂંફ સંતાનને કવચ થઈ સંગે
સંસારી ઉપવન મહેંકાવ્યા રે ઉમંગે
મોભ ઘરના તમે ઝીલતા સર્વ ભાર
ગિરિ સમ પિતાએ દીધા સુખ અપાર
દર્શન શ્રીફળ સમ લાગ્યા મન ભાવન
નથી રુક્ષ, ભીંજવતા દઈ સ્નેહ પાવન
પરમ ઉપકારી છે તમ ગરજતી વર્ષા
દેવ અધિષ્ઠાતા પૂરતા સઘળી આશા
પ્રભુ ઉપહારની મળી પિતૃ પ્રસાદી
ઝાઝા ઝુહાર,સદા વરસાવી આબાદી
સંતાનના સંબંધો અજવાળશું એવા
નમશું પિતાને થઈ રામસીતા જેવા

રમેશ પટેલ(આકાશદીપ)

(૧૩) પ્રગટ દેવ-માતપિતા

આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે

આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે

આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે

આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત તે માતા રે

આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે

આ કવચ કૌવત તે પિતાજી
ને મમતા ઢળી તે માતા રે

આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે

આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે

આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે

રમેશ પટેલ ‘આકાશદીપ

(૧૪) પિતા દિન-પિતૃ સર્જન

પશુ પંખી ને પ્રકૃતિની રચી લીલા
ને ફરી વિધાતાને ચઢીયુ રે હૂર
હવે જગ વ્યવહારે પ્રગટાવું એવા નર
બનાવું પિતા ને અર્પું દશ નૂર
પ્રથમ નજરે સમાણું શ્રીફળ
ને વિધાતાએ માંડ્યા શ્રીગણેશ
રૂક્ષ લાગે ભલે બહારથી
ભીતર તારે રમાડું પ્યારના ભાવેશ
બીજી નજર મંડાણી સાવજે
નર કેસરી થઈ ઘૂમજે વીર
પૌરુષથી ડગ દેજે ધરણીએ
ઝંઝાવાતો નાથજે મર્દાઈથી ધીર
ત્રીજી નજરમાં દીઠો મેઘલો
ગરજતો અષાઢે દેતો રે ડંક
વાત વ્યવહારે તું ગાજ જે
જગ જાણે હાલ્યા રે બંક
ચોથી નજરે સમાણો વડલો
દેતો વિસામો ને શીળી છાંય
કુટુમ્બ કબીલો તારે આશરે
સંતાપો સહી છત્ર ધરજે રે રાય
પાંચમી દૃષ્ટિએ દીઠો પહાડ
ને થયા રાજીનારેડ શ્રીનાથ
દીધા તને ગિરિના ગુણ સઘળા
શિખરથી સાગર તક ગાજે આલાપ
છઠ્ઠી નજરે ઘૂઘવ્યો મહાસાગર
દિલદાર થઈ કરતો રે શોર
ભૂલજે ખારાશ તુંયે સંસારની
દે જે મીઠડા મેઘ અનરાધાર
સાતમે સમર્યા દાદા સૂરજ
પ્રતાપી તપાવતા સકળ બ્રહ્માંડ
દેજો પિતાને એવા રે તેજ
ચંદ્રની શીતળતા પામે સંતાન
હાથ જોડી બોલ્યા નર દેવ
આઠમે દેજો મૂછ મોભાને સાથ
કન્યા વિદાયે છલકે અક્ષ
એવું નવમે દેજો હૈયું વિશાળ
દશમું નૂર પ્રભુ એવું આપજો
‘દીપ‘ ને દ્વારે વધાવે સંતાન
દોડી ચાંપું ભૂલકાંને છાતીએ
ને રમું થઈ નાનો બાળ

-રમેશ પટેલ ‘આકાશદીપ’

(૧૫) માતા-પિતા,

હયાત માતા-પિતાની છત્રછાયામાં,
વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,
હોઠ અડધા બિડાય ગયા પછી,
ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આશીર્વાદ આપનારને,
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,
હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,
લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,
પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો…

માતા-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,
અડસઠ તિરથ તેના ચરણોમાં બીજા તિરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં,
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો…

હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,
પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના,
અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો…

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો,
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો…

પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,
પ્રેમથી હાથ ફેરવીને ‘બકા‘ કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો…

unknow

(૧૬) મારા પિતાજી

માન કેટલુંય દઉં તમને મારા પિતાજી!
માવજત કરી ઉછેર્યો મુંને મારા પિતાજી!

મુજ બાળહાસ્યોથી ખીલ્યા મારા પિતાજી!
મુજ સફળતા દેખી કોળ્યા મારા પિતાજી!

કૌટુંબીક ધોરણે પોષ્યો મુંને મારા પિતાજી!
સંસ્કાર અમિથી મુંને સીંચ્યો મારા પિતાજી!

ઉપકારો ક્રોડો ના ઉતરે મારા પિતાજી!
સ્વિકારું તે સૌ રોજ હું મારા પિતાજી!

પ્રાર્થુ પ્રભુને દે સૌ સુખો મારા પિતાજી!
પ્રણમું રોજ સવારે તમને મારા પિતાજી!

આ જીવન દાન મને તમારું મારા પિતાજી!
ભવો ભવ મુજ મસ્તકે હાથ તમારો પિતાજી!

“પિતૃ”દિને એ વાત સ્મરું મારા પિતાજી!
તુજાશિષોથી ઉજળો હું ઓ મારા પિતાજી!

-વિજય શાહ

(૧૭) ક્દી ના ભુલશો એવા પિતાજીને

યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે

યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે

કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૧)

યાદ કરો બચપણ યુવાનીમાં ખીજ ધમકી પણ બતાવી હતી

યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી

કદી ના ભુલશો એવા પિતાજીને….જુન માસે..(૨)

યાદ કરો ને કદી ના ભુલશો પિતાજીની છત્રછાયાનો વારસો

માનનીય જે વારસામાં મળ્યો અઢળક વ્હાલનો આસરો

કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે…(૩)

ભાવથી હ્રદય ભરી શીશ નમાવી પિતાજીને વંદન કરો

મેળવી આશીર્વાદો એમના, જીવન તમારું ધન્ય કરો

ચન્દ્ર કહે કદી ના ભુલશો એવા પિતાજીને…જુન માસે..(૪)

ડો. ચંદ્રવદન મિસ્ત્રી -ચંદ્ર પૂકાર

(૧૮) પિતા, તું છે મહાન

પિતા ઘરનો મીનાર ગણાય
મોભી સ્વીકારી માન અપાય

ગુણગાન માના સર્વત્ર ગવાય
મહાનતા પિતાની રહે છૂપાય

કુટુંબના વિપરીત સમયે
ક્રૂર વિધીના ઘાએ સૌ ઘવાય

માના દુઃખ હળવા અશ્રુ ધારે
પિતા તુજ દર્દ વહે છૂપાય

ધૈર્ય હિમત સાથે પડકાર જીલે
સાંત્વના અર્પે ,સૌના મુખ મલકાય

પિતૃ દેવો ભવ જ્યારે સંભળાય
પિતા તુજ છબી હ્રદયે સ્થપાય

કોટિ પ્રણામ મહાન પિતા મારા
આજ જીવન મારું સાર્થક જણાય

(૧૯) મા બાપને ભૂલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

સંત પુનિત

One thought on “કવિતા – પિતા – બાપુજી – બાપા – ડેડી – પપ્પા – મા-બાપ

  1. ખુબ સરસ મજા આવી.માતા પિતા વિષે આટલી માહિતી વાંચી મારી આંખમાં પાણી સુકાણા નથી બસ ,આથી વિશેષ શું કહું ?

    Like

Leave a comment