રાષ્ટ્રગીત – "જન ગણ મન" ૨૬ જાન્યુઆરી – ગણતંત્ર દિવસ

1  4

|| રાષ્ટ્રગીત – “જન ગણ મન”||

૨૬ જાન્યુઆરી – ગણતંત્ર દિવસ

26 જાન્યુઆરી, 1950 ના દિવસે સ્વતંત્ર ભારતે પોતાનુ બંધારણ અપનાવ્યુ તે આજે 66 મો ગણતંત્ર દિવસ છે. આ 66 વર્ષોમા ભારતે ઘણો વિકાસ કર્યો ઘણા શિખરો સર કર્યા. ૨૬ જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આ એ દિવસ છે જ્યારથી આપણા દેશે બંધારણ અપનાવી તેનો અમલ કરવાનુ શરુ કર્યુ. આ વર્ષે બીજી એક વિશેષતા એ પણ છે કે આપણા રાષ્ટ્રીય ગીત “જન ગણ મન” ને 100 વર્ષ પુરા થઇ ગયા. આ ગીતની રચના નૉબેલ પુરસ્કાર વિજેતા શ્રી રવિન્દ્રનાથ ઠાકુરે કરી હતી અને સૌ પ્રથમ તેને 27 ડિસેમ્બર, 1911ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમા જાહેરમા ગાવામા આવ્યુ હતુ અને 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ સભા દ્વારા આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામા આવ્યુ હતુ.

આ ગીત વિશે હાલમા એક એવી માન્યતા પ્રચલિત થઇ છે કે જ્યારે બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ તથા રાણી મેરી ડિસેમ્બર, 1911મા ભારત આવ્યા હતા ત્યારે તેમના માટે આ ગીત ગાવામા આવ્યુ હતુ અને “ભારત ભાગ્યવિધાતા” શબ્દ તેમના માટે ઉપયોગ કરવામા આવ્યો હતો. પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે જ્યારે બંધારણ સભાએ આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવ્યુ ત્યારે આ ગીતના ભાવને ધ્યાને લેવાયો હતો અને “ભારત ભાગ્યવિધાતા” શબ્દ ભગવાન માટે છે અને આ ગીત પણ ભગવાનની એક પ્રાર્થના રુપે જ છે તેવુ માની અને આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામા આવ્યુ હતુ.
100 વર્ષ પૂર્વેના આ પ્રસંગને ધ્યાને લઇ આ ગીત વિશે અમુક લોકો ખોટી અફવાઓ ઉડાવતા જણાય છે પરંતુ આ પ્રસંગની બીજી એકવાત પણ જાણવા જેવી છે. –બ્રિટનના રાજા જ્યોર્જ જ્યારે ભારત આવ્યા ત્યારે ભારતમા તેમનુ શાહી સ્વાગત કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે ભારતના દેશી રજવાડાઓના લગભગ દરેક રાજાઓને પણ આમંત્રિત કરવામા આવ્યા હતા અને તે દરેક રાજાઓ પોતાની વિશિષ્ટ વેશભૂષામા ત્યા હાજરી આપવા આવ્યા હતા. આ પ્રસંગે સયાજીરાવ ગાયકવાડ એકમાત્ર એવા રાજા હતા જેઓને મન આ પ્રસંગ એકદમ સામાન્ય હતો અને તેથી જ તેઓ આ સામાન્ય પ્રસંગને અનુરુપ એકદમ સામાન્ય વેશભૂષામા ત્યા હાજર રહ્યા હતા. આ પ્રસંગમા તમામ રાજવીઓએ રાજા જ્યોર્જ પંચમ તથા રાણી મેરીને મળી જ્યારે પાછા વળતી વેળાએ પાછળ ફર્યા વિના જ પાંચ-સાત ડગલા પાછળ ચાલીને જવાનુ બ્રિટિશ અધિકારીઓ દ્વારા શીખવવામા આવ્યુ હતુ પરંતુ સયાજીરાવ ગાયકવાડ પોતાની આદત મુજબ જ પોતાની છડી (લાકડી) ફેરવતા ફેરવતા જ રાજા જ્યોર્જને મળવા ગયા અને લુખ્ખુ અભિવાદન કરી અને ત્યાથી નિકળી ગયા હતા. જો કે પાછળથી તેઓ માટે જબરો વિરોધ ફેલાયો હતો અને બ્રિટિશ સરકારે તેઓને પદભ્રષ્ટ કરવાનો પણ નિર્ણય લીધો હતો પરંતુ વડોદરા સ્ટેટમા તેઓની લોકપ્રિયતાને જોતા આવુ કઇ થઇ શક્યુ નહી

આપણને દેશવાસીઓને આ પ્રકારના પ્રસંગ યાદ રહેતા નથી પરંતુ કોઇ કહેવાતા વિદ્વાનો જ્યારે રાષ્ટ્રીય ગીતની આ પ્રકારે ટીકા કરે તેવા પ્રસંગો / વાક્યો જ યાદ રહે છે. આપણે આપણા દેશની સંસ્કૃતિ, મહાનતા, ઇતિહાસ વગેરે ધ્યાને રાખી તેને માન આપવુ જોઇએ. આપણા પાઠ્યપુસ્તકો પરના પ્રથમ પેજ પરના પ્રતિજ્ઞાપત્રને યાદ કરી ભારત દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો આપણને ગર્વ હોવો જોઇએ તથા તેને હંમેશા લાયક બનવા પ્રયત્ન કરવો જોઇએ. દેશ બંધુઓને નિષ્ઠા અર્પી તેમના કલ્યાણ અને સમૃદ્ધિમા જ આપણુ સુખ માનવુ જોઇએ.
– જય હિન્દ – જય ભારત…

Leave a comment