ગણતંત્ર દિવસ – પ્રેમ, એકતા અને તાકતનું પ્રતીક

5

|| ગણતંત્ર દિવસ – પ્રેમ, એકતા અને તાકતનું પ્રતીક ||

પ્રજાસત્તાક દિન,ગણતંત્ર દિવસ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો.

ઇતિહાસ…

ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં;તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ‘ગવર્નર જનરલ’ ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા,તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.

ભારતનાં બંધારણનાં અભ્યાસુ એવા ગ્રેનવિલ ઔસ્ટિન નાં મતાનુસાર,ડો.આંબેડકર દ્વારા તૈયાર થયેલ ભારતનાં બંધારણનો મુસદ્દો “પ્રથમ અને સર્વપ્રથમ સામાજીક દસ્તાવેજ” છે…”મોટાભાગનીં બંધારણની જોગવાઇઓ,કાં તો સીધા સામાજીક ક્રાંતિનાં ઉદ્દેશને આગળ ધપાવવા માટે અથવા આ ક્રાંતિનો ઉદ્દેશ બર લાવવા માટે જરૂરી પરિશ્થિતિઓનું નિર્માણ કરવા માટે કરાયેલ છે.”

આ સંશોધન તંત્રને રજુ કરવાનાં સમયેજ બિરદાવતા ડો.આંબેડકરે જણાવ્યું કે: “આથી અમે ખાત્રી પૂર્વક કહી શકીયે છીએ કે,ભારતીય મહાસંઘ કઠોરતા કે વિધિપરાયણતાનાં દોષથી ગ્રસિત થશે નહીં. તેની વિશિષ્ટ વિશેષતા એ છે કે આ એક લચકદાર(flexible) સંઘ છે.”(CAD VII : 36).

“સંસદ સાથે કાર્યાન્વીત ત્રિસ્તરીય પદ્ધતિએ ધારણાઓથી વિરુદ્ધ, રાજ્યોના હિતોનું ધ્યાન રાખવા સાથે બંધારણને વધુ લચીલું બનાવ્યું છે. બંધારણ આધારિત બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને રાજ્ય પદ્ધતિના સમન્વયે બીજા અન્ય કોઇપણ દેશમાં સુધારીત આવૃત્તિ કરતાં અહીં સારી રીતે સફળ રહી છે.” – – ગ્રેનવીલે ઑસ્ટીન,૧૯૬૬,૩૨૧.

ઉપરોક્ત રાજ્ય પધ્ધતિ સાથે સહમત થઇ યુનાઇટેડ કિંગ્ડમના તત્કાલીન પ્રધાનમંત્રી(એપ્રીલ 1955 થી જાન્યુઆરી ૧૯૫૭) સર એંથોની એડને પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યુકે “અત્યાર સુધીની તમામ રાજ્ય પધ્ધતિઓમાં કરવામાં આવેલ તમામ પ્રયોગોને ધ્યાને લેતા હુ માનુ છુ કે ભારતની સંસદીય લોક્શાહીનું સ્વરુપ સૌથી નિરાળુ છે. એક વિશાળ ઉપખંડ દશ હજાર વર્ષ ઉપરાંતની પધ્ધતિને મુક્ત લોક્શાહીમાં ફેરવી રહ્યો છે. આ એક હિમ્મતપૂર્વકનો નિણૅય છે. આ કોઇ આપણી નકલ નથી પરંતુ વિશાળ હ્રદયની તથા મુક્ત વિચારસરણીનો ઉત્તમ નમૂનો છે જે આપણા સ્વપ્નાઓમાં પણ આવી નથી. જો આ સફળ થાય છે તો સમગ્ર એશીયા માટે અસિમિત ફાયદો થશે. આ પ્રયોગનુ પરિણામ ગમે તે આવે આપણે સૌએ આ પ્રયોગ કરનાર તમામને બિરદાવવા જોઇએ.”

ઉજવણી…

આ દિવસનું મહત્ત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દીલ્હીમાં એક મહા સરઘસ (પરેડ)નું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલ રૈસિના ટેકરીથી થાય છે. રાજપથૢ ઇંડીયા ગેટ થએ તે ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચે છે. પાયદળૢ વાયુસેના અને નૌસેનાની વિવિધ ટુકળીઓ તેમના સત્તાવાર ગણવેશમાં કવાયત કરતાં ચાલે છે. ભારતના રાષ્ટ્રપતિ જે ત્રણેય સેનાના પ્રમુખ છે તેઓ સલામી ઝીલે છે. આ પરેડમાં ભારતના જુદાજુદા પ્રદેશની ઝાંકીઓને ફ્લોટ્સ (ખટારા અને ટ્રેલર પર બનાવેલ ધીમેથી સરકરતો મંચ) પર બતાવવામાં આવે છે. આ પરૅડનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદૂરી ચંદ્રક મેળવનાર બાળકો પણ આ સરઘસનો એક ભાગ હોય છે. [૧]. પ્રાય: તેમને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવે છે. પ્રાદેશિક ઝાંકી સિવાય અન્ય દેખાવ પણ બતાવાય છે. અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ થાય છે. રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાઁ આવે છે જ્યા રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. જો રાજ્યપાલ અસ્વસ્થ હોય કે કોઇ કારણસર હાજર ના હોય તો રાજ્યના મુખ્યમંત્રીને ધ્વજ ફરકાવવાનું માન મળે છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એ ભારત ના ઇતીહાસ મા ઘણો અગત્ય નો દીવસ છે. આ દીવસે ભારત નુ બન્ધારણ અમલ મા અવ્યુ હતુ અને ભારત ખરા અર્થ્ મા સ્વતન્ત્ર રાષ્ટ્ર્ બન્યુ હતુ. આ દીવસે ભા રત સમ્પુર્ણ લોક્તંત્ર બન્યુ. દેશે મહાત્મા ગાન્ધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્ર નુ સ્વ્પ્ન ફળીભુત થતુ જોયુ. ત્યારથી ૨૬ જન્યુઆરી એ રાષ્ટ્રીય રજા ગણાય છે અને ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. આજે સમગ્ર દેશ મા ગણતંત્ર દીવસ ઉજવાય છે, ખાસ કરીને ભારતની રાજધાની દીલ્હી મા આ ઉજવણી રાષ્ટ્પતિ ના રાષ્ટ્ર ને ઉદ્બોધન થી શરુ થાય છે. ભાષણની શરુઆત સ્વાતંત્ર સેનાનીઓ એ આપેલા બલિદાન ને શ્રધ્ધાંજલીથી થાય છે કે જેઓએ દેશ ના સ્વાતંત્ર માટે તેઓનુ સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધુ હતુ તથા રાષ્ટ્ર ની સંહિતા માટે લડ્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરીવારજનોને જવાનોની યુધ્ધ મા બહાદુરી માટે ચન્દ્રકો એનાયત કરે છે. તથા ભારત ના નાગરીકો કે જેઓએ અસામાન્ય પરીસ્થિમા બહાદુરી પુર્વક નુ કાર્ય કર્યુ હોય તેઓ ને પારીતોશિકો એનાયત કરે છે.

“૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારત ના ઇતિહાસ માં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલ માં આવ્યું અને ભારત ખરા અર્થ માં એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશ ની આઝાદી માટે પોતાના પ્રાણો ની આહૂતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરો નું સ્વપ્ન ફળ્યું. તેથી જ ૨૬ મી જાન્યુઆરી ને રાષ્ટીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યાર થી આ દિવસ ભારત ના “પ્રજાસત્તાક દિવસ” તરીકે માનભેર ઉજવાય છે.

આજે, આખા દેશમાં પ્રજાસત્તાક દિન વધુ ઊત્સાહથી ઉજવવામાં આવે છે, ખાસ કરીને રાજધાની, નવી દિલ્હીમાં જ્યાં રાષ્ટ્રપતિનાં દેશને સંબોધનથી ઉજવણી શરૂ થાય છે. ઉજવણીની શરૂઆત હંમેશા દેશના સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહિદોને શ્રધ્ધાંજલી આપીને જ કરવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાના ક્ષેત્રમાં અસાધારણ વીરતા દેખાડનાર સશસ્ત્ર બળોના જવાનોને તથા જેઓ પોતાની વિભિન્ન પરિસ્થિતિઓ છતાં વીરતાનાં અધિનિયમો દ્વારા વિશિષ્ટ છે તેઓને ઇનામ તથા પદક આપે છે.

આ અવસરનું મહત્વ દર્શાવવા દર વર્ષે એક ભવ્ય પરેડનું આયોજન રાજધાની દિલ્હીમાં, રાજઘાટથી વિજયપથ સુધીમાં થાય છે. આર્મી, નૌકાદળ અને વાયુસેનાની જુદી જુદી રેજીમેંટ પૂરા સજીધજીને અને એમના અધિકૃત પોશાકમાં પરેડ કરે છે. અરે, ઘોડેસવાર સેનાઓના ઘોડાઓને પણ અવસર અનુસાર આકર્ષક રીતે શણગારવઅમાં આવે છે. ભારત દેશના અલગ અલગ વિસ્તારમાંથી સારા એન.સી.સી કેડેટ ને પસંદ કરીને આ કાર્યક્રમમાં ભાગલેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. અને રાજધાનીમાં આવેલી શાળાઓં માંથી પણ પસંદ કરેલા બાળકો ને અહી આમંત્રણ આપવામાં આવે છે.

કાર્તિકી પૂર્ણિમાનો મહિમા – કારતક સુદ ૧૫

2

|| કારતક સુદ ૧૫ – કાર્તિકી પૂર્ણિમાનો મહિમા ||

આ દિવસે ચાતુર્માસ પૂર્ણ થવાથી શત્રુંજય ગિરિરાજ ઉપર જઈને આદેશ્વરદાદાને ભેટવાનો પહેલો દિવસ હોય છે. આ દિવસની સાથે દ્રાવિડ અને વારિખિલ્લ રાજા અને તેના સૈનિકોની કથા જોડાયેલી છે

જૈન પરંપરા મુજબ જૈન સાધુ સાધ્વીજીઓના ચાતુર્માસની સમાપ્તિ અને નવા વર્ષે વિહાર કરવાની પરંપરા છે. તે ઉપરાંત કાર્તિક પૂર્ણિમાએ શત્રુંજય-ગિરિરાજજીના યાત્રાનો પ્રારંભ પણ થશે. સાથોસાથ કલિકાલ સર્વજ્ઞા હેમચન્દ્રાચાર્ય મહારાજનો જન્મદિવસ પણ છે. પૂ. મુનિરાજ જગતચન્દ્રવિજયજી મહારાજના જણાવ્યા પ્રમાણે કારતકી પૂનમ એટલે રત્નત્રયી આરાધના, તત્ત્વત્રયીની ઉપાસનો દિવસ છે. ચોમાસામાં ચાર મહિના માંગલિક રહેલી શ્રી શેત્રુંજય મહાતીર્થની યાત્રાનો આરંભ થાય છે. હજારો શ્રાવક-શ્રાવિકાઓ ગિરિરાજની સ્પર્શના કરવા આવે છે. કેટલાક નવ્વાણુ યાત્રાનો આરંભ કરે છે.

આ દર્શન એટલે દેવની ઉપાસના. કલિકાલ સર્વજ્ઞા પૂ. હેમચન્દ્રચાર્યજીનો જન્મ દિન એટલે ગુરુભગવંતના સ્મરણથી ગુરુતત્વની ઉપાસના અને છેલ્લે ચાતુર્માસમાં સ્થિરવાસ કરી રહેલા સાધુ-સાધ્વીજીઓએ ભાવિકોને તપ-ત્યાગની આરાધના કરાવી હોય છે. તેઓ હવે વિહાર કરશે. એ સંદર્ભમાં એ પણ એક ઉપાસના છે. આમ આ ત્રિવેણી પર્વ છે.

પર્વ તિથિઓમાં કાર્તિકી પૂર્ણિમાનું મહાત્ય્મ અનેરું છે.જે માણસ સિદ્ધગિરી ઉપર જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઇ ને કાર્તિકી પૂનમની વિધિ પૂર્વક ઉત્તમ પ્રકારે આરાધના કરે છે તે આ લોકમાં સર્વ પ્રકારે સુખ ભોગવી અલ્પ સમયમાં મુક્તિ સુખને પામે છે. કાર્તિકી પૂનમના દિવસે માત્ર એક ઉપવાસ કરીને શ્રી શત્રુંજય ગિરિરાજની ભાવપૂર્વક યાત્રા કરવાથી ઋષિહત્યા, સ્ત્રી હત્યા અને બાળ હત્યા જેવા ઘોર પાપોથી માનવી મુક્ત થઇ જાય છે.

તિર્યંચગતિ,દેવગતિ અને નરકગતિમાં ચોરાસી લાખ ફેરા ફરતાં ફરતાં કોઈ મહાપુણ્ય યોગે આજે માનવભવ પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયો છે.પરંતુ માનવભવ મળ્યા પછી એ બધા ભૂતકાળને ભૂલી ગયો છે અજ્ઞાનતાના કારણે અનેક પ્રકારના પાપોના પોટલાં બાંધે છે. પરંતુ જ્ઞાની ભગવંતોએ એવા ભયંકર બંધનોમાંથી છુટવાના અનેક ઉપાયો બતાવી આપના પર મહાન ઉપકાર કર્યા છે. એક એક પર્વતિથીની આરાધનાથી પૂર્વે કરેલા ઘોર પાપો ક્ષણવારમાં બળીને ભસ્મી ભૂત થઇ જાય છે.

|| દ્રાવિડ અને વારીખિલ્લ ની કથા ||

કાર્તકીપૂનમે દ્રાવિડ અને વારિખિલ્લ કેવા કેવા કર્મોનો ક્ષય કરી આ પવિત્ર પર્વ તિથીએ મુક્તિપદને વર્યા તેની આ કથા અત્યંત અનુકરણીય અને બોધદાયક છે.

ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર દ્રવિડરાજાએ સંયમ સ્વીકારતા પહેલા પોતાના બે પુત્રો દ્રાવિડ અને વારિખિલ્લને રાજપાટના બે ભાગ કરી મોટા પુત્ર દ્રાવિડને મીથીલા નગરીનું રાજ્ય આપ્યું અને નાના પુત્ર વારિ ખિલ્લને એક લાખ ગામો વહેચી આપ્યા. દ્રાવિડ ને મનમાં અસંતોષ રહેવા લાગ્યો કે હું મોટો હોવા છતાં મને ઓછું મળ્યું અને વારિખિલ્લ ને વધુ હિસ્સો મળ્યો. એને લીધે નાના ભાઈ વારિખિલ્લ ઉપર હર હંમેશ ઈર્ષ્યા અને અદેખાઈ રાખતો.વખત આવ્યે એની ઈર્ષ્યા પ્રગટ થઇ જતી. એટલે વારિખિલ્લથી પણ સહન કરવું મુશ્કેલ બન્યું. અરસપરસ દ્રેષભાવ વધતો ગયો.પરસ્પર યુદ્ધની તૈયારીઓ થવા લાગી.એક પિતાના બન્ને પુત્રો ! વળી પિતાએ તો રાજપાટને લાત મારી દિક્ષા લીધી છે અને દાદા તીર્થંકર છે છતાં બન્ને ભાઈયોમાં વૈરભાવે સ્થાન લીધું.

બન્ને ના લશ્કર યુદ્ધભૂમિમાં સામસામાં ગોઠવાઈ ગયાં.માત્ર માન અપમાન,ઈર્ષ્યા દ્રેષ અને મમત્વભાવે યુદ્ધનો દાવાનળ સળગી ઉઠ્યો,લાખ્ખો માનવીઓનો સંહાર થવા લાગ્યો.આ રીતે નિરંતર યુદ્ધ કરતાં કરતા સાત માસ વીતી ગયા.એવામાં વર્ષાઋતુ આવવાથી યુદ્ધ બંધ રાખી બન્ને પક્ષ પોતપોતાની છાવણીઓમાં આરામ કરવા લાગ્યા.તે વખતે યુદ્ધ બંધ થયા પછી કોઈ દગો,ફટકો,કે કુડ કપટ કરતું નહી.યુદ્ધ ના સમયેજ લડવામાં આવતું.

વર્ષાઋતુનો કાળ પૂર્ણ થતાં ચાતુર્માસમાં સ્થિરતા કરી રહેલા સાધુમહાત્માઓ વિહારની તૈયારી કરી રહ્યા છે,સૌન્દર્ય અને મનોહર વાતાવરણમાં નીકળેલો દ્રાવિડરાજા પણ સૌન્દર્યનો આનંદ માનવા નીકળી પડ્યો,જયારે કંઈ શુભ થવાનું હોય ત્યારે સંજોગો પણ સારા મળી આવે છે.તેમ જંગલમાં તેઓ એક ઋષિમુનિના આશ્રમ પાસે આવી ચડ્યા.અને આશ્રમમાં પ્રવેશ કર્યો,પ્રભાવશાળી તપસ્વી મુનિના દર્શન થતાં જ રાજા દ્રાવિડનું મસ્તક નમી પડ્યું અને વંદન કરી મુનિની સન્મુખ બેઠા.મુનીએ ધ્યાન માંથી મુક્ત થઇ રાજાને આશીર્વાદ વચનો કહેતા રાજાએ પ્રસન્નતા અનુભવી.

ઋષિમુનિ શ્રી હિતબુદ્ધિએ ધર્મોપદેશ દેતાં કહ્યું,હે રાજન ! તમે બન્ને બંધુઓ શ્રી ઋષભદેવના પૌત્રો છો અને તુચ્છ એવા જમીનના ટુકડા માટે લડવું એ બિલકુલ યોગ્ય નથી.તારા મનમાં કશાય રૂપી જે શત્રુઓ પેસી ગયા છે તે તને પીડા ઉપજાવે છે.અને તે તને સુખ કે શાંતિ ભગાવવા નથી દેતાં.માટે હે રાજન ! સૌ પ્રથમ તારા મનમાંથી ઈર્ષ્યા,લોભ,ક્રોધ ઇત્યાદિ શત્રુઓને હાંકી મુક ! જેથી તને તારા સાચા સ્વરૂપનું ભાન થશે.અને સાચા સુખ શાંતિ માટેનો માર્ગ દેખાશે.રાજન ! તમો મુક્તિપુરીનું શાશ્વત સુખ સંપાદન કરવા ઉદ્યમવંત બનો ! તમારામાં અનંત શક્તિ ભરેલી છે.તેના ઉપર મોહનું જે આવરણ છે તે હટાવીદો.

આ પ્રમાણે ઋષિમુનિના વચનો સાંભળી દ્રવિડ રાજાને પોતાની ભૂલનું ભાન થયું અને મુનિશ્રી પાસે પોતાની કરેલી ભૂલોનો પ્રશ્ચાતાપ કરવા લાગ્યા,આંખ માંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.આ પ્રમાણે દ્રવિડ રાજાના હૃદયમાં ભારે પરિવર્તન થવા લાગ્યું.પશ્ચાતાપના પવિત્ર જળથી વૈરનો દાવાનળ શાંત થઇ ગયો.એટલે નાના ભાઈ વારિખિલ્લનો જ્યાં વાસ હતો ત્યાં જવા કદમ ઉઠાવ્યું,વારિખિલ્લ પણ પોતાના બંધુને સન્મુખ આવતો જોઇને તેની સામે ગયો.અને વિનય પૂર્વક તેના પગમાં પડ્યો,દ્રાવિડરાજાએ તેને ઉભો કરી સ્નેહ પૂર્વક આલિંગન કર્યું.વારિખિલ્લ ને પણ મનમાં અત્યંત દુઃખ થયું, અરેરે ! એક જમીન ના ટુકડા માટે મેં મોટાભાઈ સાથે યુદ્ધ ખેલ્યું,લાખો સૈનિકો-હાથી ઘોડા વગેરેની હિંસા કરી, અરે હું કેટલું ભૂલ્યો ? અમે દાદા ઋષભદેવના પૌત્રો.પિતાજીએ દાદાના પગલે સર્વ પ્રકારનો મોહ ઉતારી રાજપાટ નો ત્યાગ કર્યો,આરીતે મનમાં મંથન કરતાં મોટાભાઈ પ્રત્યે પ્રેમ અને વિવેક ઊભરાવા લાગ્યો. મોહરાજા એ હું અને મારૂ મંત્ર વડે પાથરેલો અંધકાર રૂપી પડદો ખસી ગયો.અને સમજણ રૂપી દિવ્ય પ્રકાશ પ્રગટ થયો.વારિખિલ્લે મોટાભાઈ ને કહ્યું, હે વડીલ બંધુ ! આપ મારા જ્યેષ્ટ બંધુ છો.માટે મારૂ રાજ્ય ગ્રહણ કરો.મને આ બધી વસ્તુ ઉપરથી મોહ ઉતરી ગયો છે.રાજા દ્રાવિડને પણ બધો મોહ ઉતરી ગયો હતો,

એટલે ગદ્દગદ્દ કંઠે કહ્યું ભાઈ રાજ્ય તો શુ મને પણ હવે કોઈ વસ્તુ પર મોહ રહ્યો નથી.દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધર્મ વિના બીજું કાંઈ શરણભૂત નથી.માટે મારેતો વ્રતગ્રહણ કરવું છે.તેથી તને ખમાવવા આવ્યો છું.નાનો ભાઈ વારિખિલ્લ તો તૈયાર જ હતો.તેને કહ્યું,હે ભાઈ તમે જો સર્વ પ્રકારને શ્રેયકરનાર વ્રતને સ્વીકારવા ઈચ્છો છો તો મારે પણ તે વ્રત અંગીકાર કરવું છે.આરીતે બન્ને એ પોતપોતાના પુત્રોને રાજ્ય સોપી. દ્રાવિડ અને વારિ ખિલ્લે તેજ તાપસો પાસે જઈ મંત્રીઓ સહિત દસ કરોડ જણ સાથે સંયમવ્રત સ્વીકાર્યું.

તાપસો જંગલ અથવા ગંગાનદીના કિનારે રહેતા હતા.એક વખત નમિ વિનમી નામના વિદ્યાધર રાજર્ષિના બે પ્રશિષ્યો આકાશમાર્ગે ત્યાં આવી ચડ્યા.તેમને સર્વે તાપસોએ વંદન કરીને પૂછ્યું આપ કંઈ બાજુએ જાઓ છો ? ત્યારે બન્ને મુનિઓએ ધર્મલાભનું કારણ સમજી મીઠીવાણીથી પોતે સિદ્ધગિરિની યાત્રા કરવા જઈ રહ્યા છે,તે વાત કરી.બન્ને સાધુ મહાત્માઓ વિદ્યાના જાણકાર હતા.તપ,ત્યાગ અને સંયમ ના તેજથી પ્રકાશિત હતા.તેમના પ્રભાવને કારણે તાપસોને તેઓ પર ખુબજ આકર્ષણ થયું.અને સિદ્ધિગિરિનું મહત્વ કેવું છે તે જાણવાની ઉત્કંઠા થઇ.એટલે તાપસોની વિનંતીથી શાશ્વતગિરિનું મહાત્યમ કહ્યું.

શ્રી સિદ્ધિગિરિનો મહિમા સાંભળી તેમના રોમેરોમમાં સિદ્ધિગિરિ જવાના ભાવ પ્રગટ થયા.સાચા સમકિતની પ્રાપ્તિ થઇ.અને એ સંવેગી સાધુઓની સાથે બધા તાપસો ભૂમિમાર્ગે સિદ્ધગિરિની યાત્રા કરવા નીકળી પડ્યા.વળી વિદ્યાધર મુનિઓના ઉપદેશથી સર્વે તાપસો એ લોચ કરી શુદ્ધ સંવેગી સાધુ જીવન અંગીકાર કર્યું. હવે એ તાપસો તાપસને બદલે મુનિરાજ બની ગયા.

વિહાર કરતાં કરતાં દુરથી શ્રી સિદ્ધચલ ગિરિરાજના દર્શન થતાં હૃદયમાં ખુબજ ઉલ્લાસ અને હર્ષ વ્યાપી ગયા.થોડાજ સમયમાં ગિરિરાજને ભેટી મુક્તિપુરિના મહેમાન બનવા યાત્રાના પ્રારંભે એકએક સોપાન ચડતાં કર્મની નિર્જરા કરવા માંડી.ઉપર પહોચી ચક્રવર્તી મહારાજ શ્રી ભરત મહારાજાએ ભરાવેલા ચૈત્યોમાં યુગાદીશ પ્રભુની ભવ્ય પ્રતિમાના દર્શન થતાં ભક્તિ પૂર્વક નમી પડ્યા તેમનો ભાવોલ્લાસ વધવા લાગ્યો અને સિદ્ધપદને પામવા અધીરા બની ગયાં.

માસક્ષમન કરેલા બન્ને તપસ્વી મુનિઓએ જ્ઞાનથી જોયું કે આ દ્રાવિડ અને વારિખિલ્લ દસ કરોડ મુનિવરો સાથે આ ગિરિરાજ પર મુક્તિપદને પામવાના જ છે એટલે છેલ્લો ઉપદેશ દેતાં બોલ્યા કે હે મુનિઓ ! તમારા અનંત કાળથી સંચય કરેલા પાપકર્મો આ તીર્થની સેવા વડે ક્ષય પામશે.માટે તમારે અહીજ તપસંયમ માં તત્પર થઈને રહેવું કલ્યાણકારી છે.તમો પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાને ઉદ્યમવંત બન્યા છો તે પરમાત્મ સ્વરૂપ કેવું છે ? એને તે પ્રાપ્ત કરવા માટે સરળ અને ત્વરિત ઉપાય શુ ? આ જીવ બહિરાત્મ દશાનો એટલે મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યગ્દષ્ટિ બને તે અંતરાત્મા અને અંતરાત્મ દશા પ્રાપ્ત કરી પરમાત્મ દશા પ્રાપ્ત કરવા પરમાત્માનું ધ્યાન ધરતો ઉદ્યમવંત બનતાં પૂર્ણ કક્ષાએ પહોચેતો તે પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે,એટલે તે પોતે જ પરમાત્મા બને છે.પરમાત્મા એ બ્રહ્મ સ્વરૂપ છે,જ્યોતિ સ્વરૂપ છે અને એ જ જગતનો ઈશ્વર છે.એ સ્વરૂપ આત્માનું પૂર્ણ સ્વરૂપ છે.તેને પુનર્જન્મ કે મૃત્યુ સ્પર્શ કરતાં નથી.તેનું સુખ અનંત અને અક્ષય છે.વચનથી તેનું વર્ણન થઇ શકતું નથી.જે પરમ આત્મા સિધ્ધ માં વસે છે તેવોજ આત્મા આપણા શરીર માં વસે છે.

આ પ્રમાણે પરમાત્મ સ્વરૂપ સમજાવી બન્ને મુનિઓ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.પછી તે દ્રાવિડ અને વારિખિલ્લ વિગેરે દસ ક્રોડ સાધુઓ ત્યાંજ રહીને બાહ્ય અને અભ્યંતર તપમાં મગ્ન બની મોક્ષની આરાધના કરવા લાગ્યા.અન્નપાણીનો ત્યાગ કરી અણસણ શરુ કરી દીધું.અને આત્મ્ધ્યાનમાં લયલીન બની સર્વ કર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન પામી કાર્તિકીપૂનમ ના દિવસે ગિરિરાજ પર મુક્તિપદ ને વર્યા.

એટલે આ પવિત્ર દિવસે દ્રાવિડ અને વારિખિલ્લ આદિ મુનિઓનું અનુકરણ કરી જે આત્માઓ શુદ્ધ મન,વચન અને કાયાના યોગે આ ગિરિરાજની યાત્રા ભક્તિ પૂર્વક કરશે તે પણ તેમની જેમ મુક્તિપદને પ્રાપ્ત કરશે.

મીઠાઈ પર ચોંટાડેલા ચાંદીના વરખથી થતું નુકશાન

4   3

|| ચાંદીના વરખ ||

“મીઠાઈ પર ચોંટાડેલા ચાંદીના વરખથી થતું નુકશાન”

‘પાન’ ખાવ છો કે બળદનું આંતરડું ચાવો છો ? આ વાંચ્યા પછી તમે વરખવાળી સોપારી કે વરખવાળી મીઠાઇ ખાતા સો વાર વિચારતા થઇ જશો અને તે ખાતી વખતે તમારી સામે મૂંગા પ્રાણી (બળદ)નો ચહેરો આવશે….વરખવાળી સોપારી કે મીઠાઇ તમે ખુશી-ખુશી આરોગો છે તે હકીકતે તો બળદના આંતરડામાંથી છોલીને કાઢેલું મટીરીયલ છે !! આ પણ એવો બળદ કે જેને એક દિવસ પહેલાં જ કાપેલો હોય !!
******************************************************
પાનમાં વપરાતો ચૂનો પણ દરિયાઇ જીવોને ક્રશ કરીને બનાવાય છે.
પાનમાં લગાડાતા ચૂનો ‘લાઇમ’ માંથી બને છે જો કે મોટા ભાગનો દરિયાઇ જીવોનો ખાત્મો કરીને બનાવાયા છે ઃ પાન ચાવો ત્યારે કોઇને આ ચિત્કાર સંભળાતો નથી

મિઠાઇ પર અને મીઠી સોપારી પર વરખ લગાડાય છે તે હકીકતે તાજા કતલ કરાયેલા બળદના આંતરડામાંથી બનેલો હોય છે… આંતરડાના ટુકડા કરીને બનાવાય છે

જમ્યા પછી પાન ખાવાની ફેશન બહુ પ્રચલિત છે. પરંતુ આ પાન ખાતા પહેલા બે મુદ્દા યાદ રાખવા જોઇએ કે તમે ભલે પાન ચાવતાં- ચાવતાં તેની લહેજ ઉઠાવતા હોય પણ તેની પાછળ બળદનો ચિત્કાર અને દરિયાઇ જીવોની વેદના છુપાયેલી છે. ટૂંકમાં તમે જે પાન ખાવ છો તેમાંની વરખવાળી સોપારી એ બળદના આંતરડાનો ભાગ હોય છે અને તેનામાં ચૂનો દરિયાઇ જીવોના મૃતદેહને ક્રશ કરીને બનાવ્યો હોય છે. અહી આ બંને મુદ્દાની વિગતો સમાવાઇ છે.

જમ્યા પછી વરખવાળી ચળકતી સોપારીને મોમાં રાખવી કે તેનો ફાકો મારવો એ આજકાલ ટ્રેન્ડ બની ગયો છે. આ સોપારી પણ એવી ચળકતી હોય છે કે તે ખાવાનું મન થઇ જાય. તમે જ્યારે આ વરખવાળી સોપારી ખાવ છો ત્યારે ઉપર ચોંટાડેલા વરખની કુંડળી તમને ખબર નથી હોતી પરંતુ આ વાંચ્યા પછી તમે વરખવાળી સોપારી કે વરખવાળી મીઠાઇ ખાતા સો વાર વિચારતા થઇ જશો અને તે ખાતી વખતે તમારી સામે મૂંગા પ્રાણી (બળદ)નો ચહેરો આવશે.

આ વરખવાળી સોપારી કે મીઠાઇ તમે ખુશી-ખુશી આરોગો છે તે હકીકતે તો બળદના આંતરડામાંથી છોલીને કાઢેલું મટીરીયલ છે !! આ પણ એવો બળદ કે જેને એક દિવસ પહેલાં જ કાપેલો હોય !!
ચાંદીના વરખની બનાવટની આ વાત કંપારી છૂટે એવી છે જે મીઠાઇઓને આકર્ષક બનાવવા તેના પર ચળકતો પદાર્થ પાથરવામાં આવે છે. તેને વરખ કહે છે. તમે કોઇ મંદિરમાં જાવ ખાસ કરીને જૈન મંદિરમાં જશો તો વરખનો વપરાશ વધુ જોવા મળશે. જૈન સમાજનું કેપીટલ સીટી ગણાતું અમદાવાદ ભલે સૌથી શાકાહારી લોકો હોવાનું ગૌરવ ધરાવે પણ પરંતુ ભારતના માર્કેટમાંથી સૌથી વધુ વરખ અમદાવાદમાં આવે છે. તે પણ હકીકત છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે વરખ બનાવવાના ધંધામાં રાજસ્થાન અને ગુજરાતના વેપારીઓ એ પણ ઝુકાવ્યું છે.

સિલ્વરની ફોઇલ બહુ મોંઘી નથી. તે વજન પ્રમાણે વેચાય છે. ૪ ઇંચ X ૨ ઇંચની ૧૫૦ ફોઇલના પેકેટની કિંમત ૧૦૦થી ૨૦૦ રૃપિયા જેટલી હોય છે. ટૂંકમાં એક ફોઇલ એક રૃપિયામાં પડે. તેનો ભાવ ભલે ઓછો હોય પરંતુ પ્રોડકશન તે આકર્ષક બનાવી શકે છે. મીઠાઇ અને મીઠી સોપારી તો વરખથી દીપી ઉઠે છે. હવે તો ફળોને ચમકાવવા અને લોકોનું ધ્યાન ખેંચાય એટલા માટે લાલ સફરજન પર પણ વરખ લગાડાય છે. આયુર્વેદની મેડીસીનમાં પણ વરખ વપરાય છે.

આ સિલ્વર ફોઇલ કેવી રીતે બને છે ? તમને એમ લાગતું હશે કે કોઇ સિલ્વર મેટલ શીટમાંથી બનતી હશે કે સોનામાંથી બનતી હશે પરંતુ તમને એ સાંભળીને આઘાત લાગશે કે બળદના આંતરડાની સપાટી પરના કેટલાક ભાગમાંથી તે બનાવાય છે. સરળ ભાષામાં લખીએ તો કસાઇ ખાનામાં બળદનો કતલ થાય છે ત્યાર બાદ તેના આંતરડાને વરખ બનાવનાર ઉકાળે છે અને તે ગરમ હોય આંતરડાની સપાટીનો ભાગ ખેંચી લે છે. અહી તાજુ આંતરડું જોઇએ. બે દિવસ પહેલાં કતલ કરેલા બળદનું આંતરડું વરખ બનાવવા કામમાં આવતું નથી. એક દિવસ પહેલા કતલ કરેલા બળદના આંતરડામાંનું વરખ તેનો ચોંટી રહેવાનો ગુણધર્મ નથી ધરાવતું.

વરખ બનાવનારા તાજા મારેલા બળદના આંતરડાનું લોહી અને ચોંટેલા અન્ય પદાર્થો સાફ કરે છે પછી આંતરડાના નાના ટુકડા કરીને એકબીજા પર ગોઠવે છે. ત્યારબાદ આ ટુકડાને તેના ધંધાની જગ્યા પર લઇ જાય છે. તમે માનો કે ના માનો પણ આવી જગ્યા મંદિરોની નજીકમાં હોય છે. વરખ બનાવનાર ત્યારબાદ આ ટુકડા ચામડીના બેપડ વચ્ચે મુકે છે અને પછી તેના પર હથોડા મારી મારીને એટલી પાતળી બનાવે છે. કે તે ફોઇલ તરીકે વેચી શકાય. જોકે આબ્રોસેસથી બળદના આંતરડાનો કેટલોક ભાગ વરખનો એક ભાગ બની જાય છે. ફોઇલ તૈયાર થાય છે કે તરત જ સોપારી ઉદ્યોગને વેચી મરાય છે. મીઠાઇની દુકાનવાળા વરખ સવારે ખરીદે છે કેમ કે તાજી મીઠાઇ પર વરખ ચોંટે છે. વરખના નાના વેપારીઓ વરખને મંદિરોમાં વેચે છે. મોટાભાગના મંદિરોવાળા વરખ બનાવવાની પદ્ધતિ જાણતા હોવા છતાં આ વરખ ખરીદે છે. તે સૌથી મોટું આશ્ચર્ય છે.

વરખ ખાવું એ માત્ર ડર્ટી નથી પણ કેવી રીતે કોઇ વ્યક્તિ બળદનું આંતરડું ખાવાનું પસંદ કરી શકે ? ખાસ કરીને શાકાહારી લોકો તે કેવી ખાઇ શકે ? વરખ એ શાકાહારી નથી તે સ્પષ્ટ છે.
કેટલાક સમય પહેલાં ઇન્ડિયન એરલાઇન્સએ એક પરિપત્ર બહાર પાડયો હતો કે વરખ એ માંસાહાર છે માટે કોઇપણ મીઠાઇ પર વરખ લગાડવું નહી. જ્યારે કોઇ ઇન્ડિયન હોટલે ગુલાબ જામુન કે પાન આપે ત્યારે તેના પર વરખ નહી લગાડવાની પણ સૂચના અપાઇ હતી.

જે શાકાહારીઓ પાન ખાય છે. તેમણે તેમાંની ચળકતી સોપારીના કારણે માઇલો સુધી બળદનું આંતરડું ચાવીને ખાયા કર્યું હશે.
મારી પાસે બીજી પણ એક મહત્વની માહિતી આપવાની છે પાનમાં તમે જે ચુનો લગાડો છો તે પણ શાકાહાર નથી કેટલોક ચૂનો લાઇમમાંથી બને છે. તે નુકસાનકારક છે. પરંતુ પાન બનાવનારા જે ચૂનો વાપરે છે. તે મોટા ભાગનો સી-સેલ્સનો બનેલો હોય છે.

સી-સેલ્સ એ મરેલા પ્રાણીઓ નથી પણ નાના દરિયાઇ જીવો છે જે દરિયાઇ કિનારા અને બીચ ચોખ્ખા રાખે છે. આ નાના જીવાણુઓને પાણીમાંથી બહાર લાવીને મારી નખાય છે. આ જીવાણુઓને ભેગા કરીને મીક્સ કરવામાં આવે ત્યારે જે દ્રાવણ તૈયાર થાય તેને ‘ઇટહીલ’ કહે છે.

આ ઇટહીલને પાણીમાં ઉકાળવામાં આવે છે. અને તેને સોફ્ટ બનાવવા પ્રયાસ થાય છે. ત્યારબાદ તેને દરિયા કિનારે સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેનો સફેદ પાવડર બનાવાય છે. આ પાવડરમાં કોઇ એડહેસીવ કેમીકલ મીક્સ કરીને તેને પાનમાં ચૂના તરીકે વપરાય છે.

આમ, જ્યારે પણ તમે ચૂનાવાળુ પાન મોંમા મુકો ત્યારે યાદ રાખજો કે તમે દરિયાના નાના જીવોને મોંઢામાં રાખીને ચાવી રહ્યા છો. આ તો એવું થયું કે તમે બકરાં કે ભૂંડનું માંસ ખાવ ત્યારે તેમની હત્યા અંગે જે અરેરાટી અનુભવો એ જ પૃથ્વી પરના તમામ જીવો માટે કેવી થવી જોઇએ.

હવે તમે જ્યારે પાન ખાવ ત્યારે ત્યારે યાદ રાખજો કે તેમાંથી ચૂનો કઢાવી નાખજો અને બળદનું આંતરડું ચાવવું ના હોય તો તેમાંથી વરખવાળી સોપારી કઢાવી નાખજો. અહી એ પણ ઉલ્લેખનીય છે કે વરખ બનાવવાના ધંધામાં પરોવાયેલા અને ચામડાના ઉદ્યોગ સાથે સંકળાયેલા એક જ કહી શકાય.
વનસ્પતિ ઘીમાં ગાયની ચરબી વાપરનાર જૈન વેપારી પણ આ લાઇનમાં આવે છે. આ બધી મૃત પ્રાણીના શરીરમાંથી બનતી વસ્તુઓ છે તે ભૂલવું ના જોઇએ….સંવેદના – મેનકા ગાંધી..

ચાંદીના વરખ આપણે હોંશે હોંશે મીઠાઇ ખાઇએ છીએ. તહેવારની ઉજવણી રૂપે. તો ક્યારેક એમ જ. મોટા ભાગની મીઠાઇ પર ‘ચાંદી’ના વરખ લગાડેલા હોય છે. બહુ ઓછા લોકો જાણે છે કે આ વરખ શુદ્ધ શાકાહારી ગણાતા નથી. વરખ શી રીતે તૈયાર થાય છે.એ જાણશો તો તમને મીઠાઇ ગળે નહીં ઊતરે. બટેટાની વેફર કરતાંય પાતળું વરખ જે રીતે બનાવવામાં આવે છે એની વિગતો ચોંકાવનારી છે. બ્યુટી વિધાઉટ ક્રૂએલ્ટી નામની સ્વૈચ્છિક સંસ્થાએ વરખના નિર્માણ પાછળની નક્કર માહિતી મેળવીને રજૂ કરી પરંતુ સ્થાપિત હિતોએ એ હકીકતો દબાવવા જબ્બર પ્રયત્નો કર્યા. વરસે દા’ડે આશરે ૩૦૦ ટન ચાંદી વરખ બનાવવામાં વપરાતો હોવાનો અંદાજ છે. પરંતુ એ હકીકતની બહુ ઓછા લોકોને જાણ છે કે આટલો વરખ બનાવવા માટે વરસે દા’ડે ઓછામાં ઓછી પાંચ લાખ ગાયનો વધ કરવો પડે.

આટલું વાંચીને તમને કદાચ એવો પ્રશ્ન થાય કે ચાંદીના વરખ બનાવવાને ગાયના વધ સાથે શો સંબંધ ? એનો જવાબ મેળવવા માટે વરખ બનાવવાની પ્રક્રિયા સમજવી જરૂરી છે. ૧૬૦ વરખ ધરાવતા પેકેટનું વજન ફક્ત દસ ગ્રામ થતું હોય છે. એટલે કે ચાંદીના પતરાને સુપરફાઇન કહેવાય એટલી હદે પાતળું કરવું પડે. એ શી રીતે થાય ? ચાંદીના પતરાને એક પુસ્તિકામાં મૂકવામાં આવે અને એ પુસ્તિકા એક ચામડાના પાઉચમાં મૂકીને પછી એના પર કલાકો સુધી લાકડાના હથોડાથી ટીપવામાં આવે. હવે વાંચજો ઘ્યાનથી. કતલ થતી ગાયનું આંતરડું લઇને એને સાફ કરે. કુદરતની મહેરબાની જુઓ કે ગાય યા બળદનું આંતરડું ૫૪૦ (પાંચસો ચાલીસ) ઈંચ લાંબું હોય છે. એને સાફ કરીને નવ બાય દસ ઈંચના ટુકડા તૈયાર કરે. પછી એના પર બાઇન્ડિંગ કરીને એક પુસ્તિકા જેવું બનાવે. એના દરેક બે પાન વચ્ચે ચાંદીની પતરી મૂકીને એને ચામડાના પાઉચમાં ગોઠવે. પાઉચ માટેનું ચામડું પણ મરેલા જાનવરનું હોય છે.

લખનઉના ઇન્ડસ્ટ્રીયલ ટોક્સિકોલોજી રિસર્ચ સેન્ટરે ૨૦૦૫ના નવેંબરમાં કોઇની ફરિયાદ પરથી વરખ પર લેબોરેટરી ટેસ્ટ કર્યા હતા. સૂક્ષ્મદર્શક કાચ (માઇક્રોસ્કોપ) હેઠળ જોવા મળ્યું કે દરેક વરખ-રિપિટ, દરેક વરખ પર મરેલા જાનવરનાં લોહી-માંસ કે વાળના અવશેષો હોય છે. એટલું જ નહીં, આજે જ્યારે સાચી ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે અને દૂધ,માવો, મીઠાઇમાં વપરાતા રંગ વગેરેમાં જ્યારે ભેળસેળ અને બનાવટ હોય છે ત્યારે શુદ્ધ કહેવાતી ચાંદી કેટલી શુદ્ધ છે એ શી રીતે ચકાસવું ?

કેટલીક દુકાનોમાં ચાંદીના કહેવાતા સિક્કા વેચાતાં હોય છે જેમાં શુદ્ધ ચાંદીનું પ્રમાણ બહુ ઓછું હોય છે. ખેર, વરખ પૂરતી વાત મર્યાદિત રાખીએ તો લખનઉના સેન્ટરે પ્રગટ કરેલી વિગતો મુજબ વરખમાં નિકલ, સીસું, ક્રોમિયમ, એલ્યુમિનિયમ અને કેડમિયમ નામની ધાતુના અંશો પણ જોવા મળ્યા છે. આ વરખ નિયમિત ખાનારા લોકોને લાંબે ગાળે કેન્સર જેવી બીમારી થાય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા વરખમાં ભેળસેળ વઘુ જોવા મળી છે.આવા વરખ આરોગ્ય સમક્ષ ગંભીર જોખમ પેદા કરે છે.

ઔર એક સ્વૈચ્છિક સંસ્થાએ કરેલા સર્વે મુજબ ભારતનો મઘ્યમવર્ગી માણસ દર વરસે સરેરાશ એકસો કિલો મીઠાઇ ખાય છે. અગાઉ કહ્યું તેમ વરસે દા’ડે ૩૦૦ ટન ( એક ટન એટલે એક હજાર કિલોગ્રામ) વરખ મીઠાઇ, ફળો, પાન-સોપારી અને બીજી રીતે ખવાય છે. વરખ શાકાહારી છે કે માંસાહારી એ વિવાદમાં પડ્યા વિના ફક્ત એટલું વિચારીએ કે આરોગ્ય માટે ખતરારૂપ વરખ ખાવા કે કેમ ? નિર્ણય તમારે કરવાનો છે. વરખ મશીનમાં બને છે એવો બચાવ કરનારા લોકો સદંતર જૂઠ્ઠું બોલે છે અને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરે છે. ત્યારે આપણે જાતે નક્કી કરવું જોઇએ કે વરખ ચોડેલી મીઠાઇ ખાવી કે ખડી સાકરની ગાંગડીથી મોં મીઠું કરી લેવું ?

લેખિકા : મેનકા ગાંધી પર્યાવરણ ખાતાના રાજ્યકક્ષાના મંત્રી

અનુવાદ : રૂપેશ શાહ

શું તમે ભોજનના અંતે પાન-મિઠાઈ અથવા સુગંધી સોપારી ખાવાની પસંદ કરો છો ? અને જો આ વસ્તુઓ ઉપર ચાંદીનો વરખ લગાડયો તો તો શું કહેવું. મઝાજ આવી જાયને ! આ ચાંદીનો વરખ બહુ મોંઘો નથી હોતો. ચાંદીનો વરખ વજન ઉપર મળે છે. સામાન્ય રીતે 160 વરખ 100-200 રૂપિયા સુધીમાં મળી જાય છે. આથી 1 રૂપિયાનો એક વરખ ગણી શકાય.

હવે તો મિઠાઈ, સુગંધીદાર સોપારી, પાન અને ફુલો ઉપર પણ વરખો લગાડવામાં આવે છે. ક્યારેક તો કોઈ આયુર્વેદિક દવાઓને પણ ચાંદીના વરખ દ્વારા લપેટીને રાખવાનું કહેવામાં આવે છે. શું તમને ખબર છે ? આ વરખ કઈ રીતે બને છે ? બળદના માંસવાળા આંતરડાને ચોપડી જેવું બનાવી તેમાં ચાંદીનાં પતરા મુકીને વરખ બનાવાય છે. બીજા અર્થમાં કહીએ તો બળદને કતલખાનામાં મારી નાંખીને તેના આંતરડા બહાર કાઢીને તરતજ વરખ બનાવવાવાળાને વેચી દેવામાં આવે છે. આ વાત ત્યાં સુધી કહી શકાય કે, બળદના આંતરડા તરતજ વેચી દેવા પડે છે કારણ કે એક દિવસ જુના આંતરડાં કામમાં નથી આવતા. તે થોડા કલાકો પછીજ ઢીલા પડી જતા હોય છે.

વરખ બનાવવા માટે આંતરડામાંથી લોહી સાફ કરી, તેના કટકા કરીને આ કટકા એક ઉપર એક ગોઠવીને થપ્પી જેવું (ચોપડી જેવું) બનાવાય છે. પછી આ પુસ્તક જેવા ભાગને કારખાનામાં લઈ જઈને એક એક પત્તા ઉપર હથોડા મારવામાં આવે છે. આવું કરવાથી ચાંદી (અથવા સોનું) પાતળી થતી જાય છે. અને છેવટે વરખનું રૂપ ધારણ કરે છે. બળદના આંતરડા એટલા મજબુત હોય છે કે લગાતાર હથોડી મારવા છતાં પણ આ આંતરડાને કાંઈજ નથી થતું, અને તેની અંદર રખાયેલ ચાંદીનું પતરૂ પણ આડું અવળુ થતું નથી. પરંતુ લગાતાર હથોડા મારવાથી બળદના થોડા ભાગ વરખમાં ભળી જાય છે.

ત્યાર બાદ આ વરખ મીઠાઈવાળાઓ પાસે કે મીઠી સોપારીવાળા પાસે વેચાઈ જાય છે. જ્યાં જ્યાં વરખનું ઉત્પાદન થોડા પ્રમાણમાં થતું હોય છે. ત્યાં વરખને મંદિરોમાં વેચવામાં આવે છે. જ્યાં વરખને પ્રસાદ રૂપે ચઢાવાય છે. આ વરખ ગંદી વસ્તુ તો છે જ. માંસાહારી પણ છે. માંસ ખાવાવાળાઓ પણ આંતરડા નથી ખાતા. પરંતુ આ વરખ સોપારી અને મીઠાઈને માંસાહારી બનાવી દે છે.

થોડા વર્ષો પહેલાં ઇન્ડિઅન એર લાઇન્સને આ વાતની ખબર પડી કે, વરખ શાકાહારી નથી ત્યારથી તેઓએ તેનો ઉપયોગ ભારતીય વિમાનમાં પીરસવામાં આવતી મીઠાઈઓ ઉપર બંધ કરી દીધો.

(ટાઈમ્સ ઓફ ઇન્ડીઆ, મહિલા ટાઇમ્સ પૂર્તિ તા. 3-2-90-5ના સૌજન્યથી)
પૂ.પા.ગો. 108શ્રી અનિરૂદ્ધલાલજી મહારાજ
(માંડવી-હાલોલ) દ્વારા પ્રેષિત

સંકલન : ઇન્ટરનેટ પરથી

શ્રી મૌન એકાદશી પર સુવ્રતશેઠની કથા

શ્રી ભગવાન નેમિનાથ અને કૃષ્ણાવાસુદેવ

|| શ્રી મૌન એકાદશી પર સુવ્રતશેઠની કથા ||

મૌન એકાદશી મનની શુધ્ધીનું પર્વ છે. મનની ગ્રંથીઓ નીકળે ત્યારે સાચા નીગ્રંથ બનાય છે. પ્રભુ મનના વિકારોથી મુકત બને છે. પ્રભુ, ગુરૂ અને ધર્મ પ્રત્યેનો સાચો સદ્દભાવ પૈસાથી ખરીદી શકાતો નથી. તેના માટે મનની શુધ્ધી જરૂરી છે. મૌન એકાદશીનું પર્વ પ્રવૃત્તિનું નહીં પણ નિવૃત્તિનું પર્વ છે.

મૌન એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે, જે વાણીના સંયમનું પર્વ છે. આ દિવસે ૧૦ ક્ષેત્રના થઇને ૧૫૦ કલ્યાણકો થતાં હોવાથી આ દિવસે કરેલી કોઇ પણ આરાધના-ઉપાસના,   તપશ્ર્વર્યાનું ફળ ૧૫૦ ગણું થઇ જાય છે.

ચૌમાંસી ચૌદશ વીત્યા પછી માગસર – સુદ અગિયારસ ને દિવસે મૌન એકાદશી નું પર્વ આવે છે, આ દિવસે ત્રણ ચોવીસી ના તીર્થંકરો ના ૧૫૦ (દોઢસો) કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે આ દિવસે ઉપવાસ કરનાર ને ૧૫૦ ઉપવાસ નું ફળ મળે છે. આવા ઉત્તમ ફળને આપનાર આ પર્વ ની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ.

એક વાર બવીશમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં પધાર્યા.તે વખતે કૃષ્ણમહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠા.પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી.દેશના ને અંતે કૃષ્ણ મહારાજે પૂછ્યું કે હે ભગવાન ! વર્ષના ૩૬૦ દિવસમાં એવો કયો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ વ્રતાદિ તપ ઘણું ફળ આપે છે ?

જવાબ માં પ્રભુએ જણાવ્યુ કે હે કૃષ્ણ ! માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે. કારણકે તે દિવસે ત્રણે ચોવીસીના તીર્થંકરોના ૧૫૦ કલ્યાણકો આવે છે. તે આ પ્રમાણે છે. આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ચોવીસીમાં આ દિવસે –

(1) ૧૮મા શ્રી અરનાથ પ્રભુની દીક્ષા થઇ હતી.
(2) ૨૧માં શ્રી નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
૩,૪,૫ અને ૧૯મા શ્રી મલ્લીનાથ પ્રભુના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન એમ ત્રણ કલ્યાણકો આ જ દિવસે થયા હતા.

એમ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં કુલ પાંચ કલ્યાણકો થયાં છે. એ પ્રમાણે કુલ પાંચ ભરતક્ષેત્રો અને પાંચ ઐરાવતક્ષેત્રોમાં પાંચ પાંચ કલ્યાણકો થયાં હોવાથી 50 કલ્યાણકો થયાં. આ પ્રમાણે વર્તમાન ચોવીસીના 50, અતીત(ગઈ) ચોવીસીના 50 અને અનાગત(આવતી) ચોવીસીના 50 એમ કુલ 150 કલ્યાણકો આ તિથિએ થયાં છે. માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ 150 ઉપવાસનું ફળ મળે છે. અને જે આ તપની વિધિપૂર્વક આરાધના કરે છે તેમના ફળનું તો કહેવું જ શું? આ તપ 11 વર્ષે પૂરો થાય છે. આ દિવસે મુખ્યતા મૌન જાળવવાનું હોવાથી આ દિવસ મૌન એકાદશી તરીકે ઓળખાય છે.”

કૃષ્ણ મહારાજે ફરીથી પૂછ્યું કે,હે ભગવંત ! પૂર્વે કોઈ ભાગ્યશાળી જીવે આ પર્વની આરાધના કારી છે ? તેમજ આરાધના કરવાથી તેને શુ ફળ મળ્યું ? તે કૃપા કરી જણાવો.ત્યારે ભગવંતે આ પર્વની આરાધના કરનાર સુવ્રત શેઠની કથા કહી,તેનો સાર આ પ્રમાણે છે.વિજયપુર નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય કરતો હતો,તેને ચંદ્રાવતી નામે રાણી હતી.તે નગરમાં સૂર નામે મોટો વેપારી રહેતો હતો.તે ઘણો ધનવાન તથા દેવ-ગુરુનો પરમ ભક્ત હતો.તે શેઠે એકવાર ગુરુને પૂછ્યું કે મારાથી રોજ ધર્મ થઇ શકતો નથી માટે મને એવો એક દિવસ કહો કે જે દિવસે કરેલો ધર્મ ઘણાં ફળવાળો થાય.તે વખતે ગુરુએ તેને મૌન એકાદશીનો મહિમા કહ્યો.તે દિવસે ચૌવિહાર ઉપવાસ,આઠ પહોરનો પૌષધ કરવો વગેરે વિધિ જણાવી .શેઠે આદર પૂર્વક તે તપ શરુ કર્યો અને વિધિપૂર્વક તે તપની આરાધના કરી.આયુષ્ય પૂર્ણ થયે શેઠ આરણ નામના અગિયારમાં દેવ લોકમાં દેવ થયાં.

ત્યાં દેવતાઈ સુખો ભોગવી ને આયુષ્ય પૂર્ણ થયે જંબુદ્વીપ ના ભરત ક્ષેત્રમાં સૌરીપૂરી નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રીતિમતી શેઠાણી ની કુક્ષિમાં પુત્ર પણે ઉત્પન્ન થયા.તે વખતે માતાને વ્રત પાળવાની ઈચ્છા થઇ.પુત્ર જન્મ વખતે બાળકના નાલને છેદીને ભૂમિમાં દાટતાં નીધાન (ધન) નીકળ્યું,તેનાથી પુત્રનો મોટો જન્મોત્સવ કર્યો.ગર્ભવાસ દરમિયાન માતાને વ્રત પાળવાની ઈચ્છા થઇ તેથી બાળક નું નામ સુવ્રત પડ્યું.સુવ્રત આઠ વરસ નો થયો એટલે ઉત્સવપૂર્વક તેને નિશાળે (સ્કુલે) ભણવા મુક્યો.ત્યાં તે સઘળી કલાઓ શીખ્યો.અનુક્રમે યુવાવસ્થા માં આવ્યો ત્યારે પિતાએ ૧૧ સુંદર કન્યાઓ પરણાવી.તેમની સાથે વિષય સુખ ભોગવતો તે કાળ પસાર કરતો હતો.સમુદ્ર શેઠે પુત્રની યોગ્યતા જોઈને તેને ઘરનો ભાર સોપ્યો અને પોતે સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મ કાર્યમાં સાવધાન થયા.અને અનસન કરી મરણ પામી દેવલોકમાં ગયાં.ત્યાર પછી સુવ્રત શેઠ અગિયાર કરોડ ધન ના માલિક થયાં.

એક વખત તે નગરના ઉદ્યાનમાં શીલ સુંદર નામે ચાર જ્ઞાનના આચાર્ય પધાર્યા.વન પાલકે વધામણી આપવાથી રાજા પરિવાર સાથે ગુરુને વાંદવા આવ્યો.તે વખતે સુવ્રતશેઠ પણ ગુરુને વાંદવ આવ્યા. આચાર્યશ્રીએ સભા આગળ ધર્મોપદેશ આપ્યો. તેમાં મૌન એકાદશીનું મહાત્ય્મ જણાવ્યું.મૌન એકાદશીના તપની હકીકત સાંભળી સુવ્રત શેઠને તેનો વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું.પોતે પૂર્વભવમાં આ આરાધના કરી તેથી દેવ બન્યા અને આ ભવમાં આવ્યા.પોતાનો પૂર્વભવ જાણી સુવ્રતશેઠ ઉભા થયા અને બે હાથ જોડી ગુરૂ મહારાજને વિનંતી કરી કહ્યું કે મારે અંગીકાર કરવા જેવો યોગ્ય ધર્મ બતાવો.

તે વખતે ગુરુએ સુવ્રતશેઠનો પૂર્વભવ વર્ણવીને કહ્યું કે તમે પૂર્વભવમાં મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું તેથી આ ભવમાં ઋદ્ધિ પામ્યા છો,અને હવે પણ તે તપ-વ્રત કરો.જેથી મોક્ષના સુખ પણ મળશે. શેઠે ભાવપૂર્વક મૌન એકાદશીનું વ્રત પોતાના કુટુંબ સાથે ગ્રહણ કર્યું.દર મૌન અગિયારસે શેઠ ઉપવાસમાં મૌન રહે છે એવું જાણવાથી ચોર લોકો તે દિવસે શેઠને ઘરે ચોરી કરવા આવ્યા.ચોરોને જોવા છતાં શેઠ મૌન જ રહ્યા,અને ધર્મધ્યાન માં નિશ્ચલ રહ્યા.ચોરો ધન લઈને ચાલવા લાગ્યાં ત્યાંજ શાસન દેવીએ ચોરોને થંભાવી દીધા,તેથી તેઓ ત્યાંથી ખસી શક્યા નહી.સવારે શેઠે ચોરોને એવીજ અવસ્થામાં ઉભેલા જોયા.પરંપરાએ આ વાત રાજા પાસે ગઈ એટલે રાજાએ ચોરોને પકડવા સુભટો ને મોકલ્યા.સુભટો ચોરોને મારે નહી એવો દયાભાવ મનમાં થવાથી તેમના તપના પ્રભાવે સુભટો પણ થંભી ગયાં.આ વાત જાણી રાજા પોતે ત્યાં આવ્યા.શેઠે રાજાનો આદર સત્કાર કર્યો.શેઠે નમીને ચોરોને અભયદાન અપાવ્યું.શેઠની ઈચ્છા જાણી શાસનદેવે ચોરો તથા સુભટોને મુક્ત કર્યા.આથી શાસન નો મહિમા વધ્યો.

એક વાર મૌન એકાદશી ને દિવસે નગરમાં આગ લાગી તે આગ નગરમાં ફેલાતી ફેલાતી શેઠના ઘર સુધી આવી લોકો એ શેઠને અને તેમના પરિવારને બહાર નીકળી જવા જણાવ્યું પણ પૌષધમાં રહલા સર્વ કાઉસગ્ગ ધ્યાન માં લીન થયા તેમનું ઘર,વખાર દુકાનો વગેરે સઘળું બચી ગયું.તે શિવાય આખું નગર બળી ગયું.શેઠની સંપત્તિ અખંડ રહેલી જોઇને સર્વે લોકો આશ્ચર્ય પામ્યા,જૈન ધર્મનો પ્રભાવ નજરે જોતા ધર્મનો જયજયકાર કરવા લાગ્યાં.તપ પૂરો થયો એટલે શેઠે મોટું ઉજમણું કર્યું.અને ધર્મના અનેક કાર્યો કર્યા.

સમય જતાં શેઠે ગુણસુંદર નામના આચાર્ય ભગવંત પાસે દિક્ષા લીધી.તેમની અગિયાર પત્નીઓ એ પણ તેમની સાથે દિક્ષા લીધી.એકવાર મૌન એકાદશીના દિવસે સુવ્રત મુની કાઉસગ્ગ માં રહ્યા હતા,તે વખત કોઈ મિથ્યાત્વી દેવે તેમની પરિક્ષા કરવા બીજા સાધુ ના શરીર માં પ્રવેશ કરી સુવ્રતમુની ને ઓઘો માર્યો.તે વખતે સુવ્રત મુનિ એ ક્રોધ ન કરતાં ક્ષમા પૂર્વક વિચારણા કરતા શુક્લ ધ્યાનમાં ચઢી ઘાતી કર્મનો ક્ષય કરી કેવલ જ્ઞાન પામ્યા.દેવોએ મોટો ઉત્સવ કર્યો.

સુવ્રતકેવલી અનેક જીવોને ધર્મ પમાડી છેવટે અનસન કરી મોક્ષે ગયાં.
આ પ્રમાણે શ્રી નેમિનાથ ભગવાને શ્રી કૃષ્ણ વાસુદેવને મૌનઅગિયારસ નો મહિમા કહ્યો.
કથા વાંચનાર ભવ્ય જીવો તમે પણ આ તપના આરાધક બનો……..

નોધ :- આ કથા શ્રી વીતરાગ પરમાત્મા મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને કહી હતી. આચાર્ય ભગવંતોએ સવાલાખ શ્ર્લોકમાં ગુંથી હતી. તેમાંથી સારરૂપ આ કથા છે.
 

જૈન દર્શન

શ્રી મહાવીરસ્વામી સમ્વોસરણ

|| જૈન દર્શન ||

“વંદન મસ્તકથી થાય છે, નમન હૃદયથી થાય છે”

પર્યુષણ જૈનોને ધર્મનો એટેક આવવાની ઋતુ છે. એ અઠાઈ ધરથી સંવત્સરી સુધીના દિવસોમાં જૈન જીવ સંસારમાંથી છટકી શકે છે, દુકાન કે ધંધો બંધ કરી દે છે અથવા બેસણું કે એકાસણું કરી નાખે છે અથવા માત્ર મિચ્છામિદુક્કડં બોલી લે છે અથવા ઉપાશ્રયમાં જ રહી જાય છે.

જૈન ધર્મ કે જૈન દર્શન વિશ્વનાં મહાન તત્ત્વજ્ઞાનોમાં સ્થાન પામે છે. જૈન દર્શને વિશ્વને ઘણું આપ્યું છે. ભારતવર્ષમાં જૈન વિચારધારાનું યોગદાન અમીટ છે: અહિંસા, વ્યાકરણ, દસમીથી બારમી સદી સુધીનું ભારતભરમાં પ્રકટેલું અદ્વિતીય જૈન શિલ્પસ્થાપત્ય, ગણિત, દેહદમન વિશેના આત્યંતિક વિચારો, ઉપવાસ, કૈવલ્ય, નવકારમંત્ર, સંથારો. આ યોગદાન ઈતિહાસની દૃષ્ટિએ અઢી હજાર વર્ષ જૂનું છે.

જૈન માન્યતા પ્રમાણે સહસ્ત્રો, ખર્વો, નિખર્વો વર્ષોનું યોગદાન છે. મને જૈન ધર્મમાં સંથારો એક અદભુત વિચાર લાગ્યો છે, જ્યારે માણસ ઈશ્વર બની જાય છે. હું મારી ઈચ્છા પ્રમાણે મારા શરીરને હોલવીને દેહ છોડી દઉં છું. જૈનોની જીવવાની રીતનું મને બહુ આકર્ષણ નથી, પણ મરવાની રીત મહાન છે. વિશ્વના કોઈ ધર્મમાં આ નથી.

સંથારા પછીનો બીજો વિચાર મિચ્છામિદુક્કડંનો છે, મિથ્યા મે દુષ્કૃત્યમ્, ‘ભૂલો માટે ક્ષમાયાચના.’ ભાવકની ભાષામાં – મનથી, વચનથી, કાયાથી – અને વકીલની ભાષામાં – જાણ્યે કે અજાણ્યે… અમે સર્વ જીવોને ખમાવીએ છીએ એમ તમને પણ ખમાવીએ છીએ.

જૈન દર્શનનું મારે માટે એક આકર્ષણ છે: શબ્દો. આટલા તલસ્પર્શી, સ્પષ્ટઅર્થી, સૂક્ષ્મતમ્ શબ્દો અન્ય ધર્મદર્શનોમાં મને મળ્યા નથી. વિશેષણો અને સુપરલેટિવ્ઝની એક ભવ્યતા છે. પર્યુષણ ‘પર્વાધિરાજ’ છે, હેમચંદ્રાચાર્ય ‘કલિકાલસર્વજ્ઞ’ છે. આવા વિશેષતાસ્થાપક શબ્દો જૈન દર્શનનો જ ભાગ છે.

ગુજરાતી ભાષાને જૈનોએ કેવી રીતે સમૃદ્ધ બનાવી છે? એક પુસ્તકના આરંભમાં લખ્યું છે. દ્રવ્યસહાયક: યોગનિષ્ઠ આચાર્યશ્રી વિજયકેસરસૂરીશ્વરજીનાં આજ્ઞાનુયાયિની પ્રવર્તિની સાધ્વી શ્રી ચંપાશ્રીજી મહારાજનાં શિષ્યા પરમવિનેય સાધ્વી શ્રી પ્રભાશ્રીજી મહારાજના શિષ્યા પરમવિનેય સાધ્વી શ્રી કુમુદશ્રીજીના સદુપદેશથી… પછી એ પુસ્તક માટે દ્રવ્ય સહાય કરનાર વ્યક્તિનું નામ આવે છે!

આજે જૈન વિશેષણકોશ ખોટા માણસો માટે ખોટી રીતે વપરાઈ રહ્યો છે. જૈન દર્શને ગુજરાતીમાં અને ભારતવર્ષની અન્ય ભાષાઓમાં શબ્દોનું જે અશ્વમેઘી સામ્રાજ્ય પાથર્યું છે એની તુલના શક્ય નથી. અને શબ્દો કેટલા વિવિધઅર્થી છે, કેટલા સૂક્ષ્મઅર્થી છે. સ્વર એટલે જેનો ઉચ્ચાર સદા થયા કરે, વ્યંજન એટલે જેની અંદર સ્વર ન હોય, એટલે એનો ઉચ્ચાર પૂર્ણ ન થઈ શકે, શરીર વ્યંજન છે, આત્મા એનો સ્વર છે, સ્વર વિનાનો વ્યંજન ખોડો લેખાય છે એમ આત્મા વગરનું શરીર અનિત્ય છે, અશાશ્વત છે.

જૈન દર્શનમાં દરેક શબ્દની ચોક્કસ ક્રિયા છે. ચોક્કસ અર્થ છે. વંદન મસ્તકથી થાય છે, પણ નમન મસ્તક અને હૃદય બંનેથી થાય છે. શબ્દ એ ચકમક છે, અર્થ એ ફલક છે, ચકમક ફલક સાથે ઘસાય છે ત્યારે તણખો પ્રકટે છે, જે ભાવ છે. ભાવરૂપ પ્રકાશ મનુષ્યને યથાર્થ જ્ઞાન કરાવે છે.

જૈન દર્શન શબ્દ સુધી આવીને અટકી શકતું નથી. વૃક્ષની જેમ, દરેક શબ્દને મૂળ છે, શાખા અને પ્રશાખા છે. ફૂલ ફૂલે છે પછી ફળ ફળે છે. જ્ઞાનપ્રાપ્તિ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાની વ્યાખ્યા અપાઈ છે: શાસ્ત્રની અને ગુરુવચનની સત્યબુદ્ધિથી નિશ્ચયપૂર્વક ધારણ કરવાની સ્થિતિ. જૈન દર્શનમાં આત્મવિકાસનાં બે અંગો છે; પુણ્ય અને નિર્જરા. પુણ્યથી સાધનો પ્રાપ્ત થાય છે, પણ આ સાધનો દ્વારા પતિત ન થતાં આત્મવિકાસને માર્ગે જવાય એ નિર્જરા કહેવાય છે.

જ્ઞાની ભેદ સમજે છે, જ્ઞાનીને નિર્જરા થાય છે. ભેદ સમજવા એ પણ જ્ઞાન છે: પેય અપેય, કર્તવ્ય અકર્તવ્ય, સેવ્ય અસેવ્ય, હિત અહિત, લોક અલોક, સત્ય અસત્ય, દ્રવ્ય અદ્રવ્ય, કારણ કાર્ય, જ્ઞાન જ્ઞેય, સમ્યક્ અસમ્યક્, સ્વભાવ પરભાવ, જ્ઞાનમાં શ્રદ્ધાનું બહુ મોટું સ્થાન છે.

જ્ઞાનની ભૂમિકાઓ છે: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન: પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન. જ્ઞાન શુદ્ધ હોય તો સજ્જ્ઞાન કહેવાય. અશુદ્ધ કે વિપર્યાસવાળું હોય તો અજ્ઞાન કહેવાય. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ને અવધિજ્ઞાન અશુદ્ધ હોય તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન પછીનો માણસ સર્વજ્ઞ કહેવાય છે. કર્મનાં સંપૂર્ણ આવરણો બળી ગયા પછી એ પ્રાપ્ત થાય છે. ભગવાન પાર્શ્વનાથનો કાળ પ્રાજ્ઞકાળ હતો.

જૈન શબ્દકોશ જેમ જેમ સૂક્ષ્મ બને છે એમ એમ ધર્મ શુદ્ધ દર્શન કે તત્ત્વજ્ઞાન બની જાય છે. અહીં ‘આત્મવીર્યોલ્લાસ’ જેવો શબ્દ છે. ‘શ્રેણિચારણ લબ્ધિ’ નામનો એક શબ્દ છે. એનો અર્થ: અગ્નિની બળતી જ્વાલાઓ ઉપર ચાલે તો પણ અગ્નિના જીવોને પીડા ન ઊપજે એવી ચાલવાની શક્તિ!

એક જૈન શબ્દ કદાચ જૈન દર્શનનું સાચું પ્રતિનિધિત્વ કરે છે. એ શબ્દ છે ‘અનભિગ્રહીક’. એનો અર્થ જરા વિચિત્ર છે: બધા જ ધર્મો સારા છે, બધી જ ફિલસૂફીઓ સરસ છે, સૌને વંદન કરીએ, કોઈની નિંદા ન કરીએ, ઝેર અને અમૃતને એકસમાન ગણીએ. મિથ્યાત્વના પાંચ પ્રકારોમાંનો આ એક પ્રકાર છે…!

જૈન દર્શને જે ઝીણવટથી શબ્દોનો ઉપયોગ કર્યો છે એવો અન્ય કોઈ ધર્મે ભાગ્યે જ કર્યો છે. એક સ્થાનથી બીજે સ્થાને જતા જીવોને દુ:ખ ઉપજાવવાના પ્રકારો ઈરિયાવહિયં સૂત્રમાં વર્ણવ્યાં છે. સામા આવતાં પગથી હણ્યા હોય, ધૂળમાં કે કાદવમાં ઢાંક્યા હોય, જમીન સાથે મસળ્યા હોય, અંદર અંદર એકબીજાનાં શરીર મેળવ્યા હોય, સ્પર્શ કરીને દૂભવ્યા હોય, દુ:ખ દીધાં હોય, મરણતોલ કર્યા હોય, ત્રાસ ઉપજાવ્યો હોય, એક સ્થાનથી બીજે સ્થાને મૂક્યા હોય, પ્રાણરહિત કર્યા હોય, એ સંબંધી મને પાપ લાગ્યું હોય તો એ પાપ મિથ્યા થાઓ-

જીવોની વિરાધના થઈ હોય. કઈ રીતે? જીવોને પગથી ચાંપવાથી, વાવેલા બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિ ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને ચાંપવાથી, કીડીના દરને ચાંપવાથી, પાંચ વર્ણની સેવાળને ચાંપવાથી, સચિત્ત પાણી અને સચિત્ત માટીને ચાંપવાથી, કરોળિયાની જાળને ચાંપવાથી જો પીડા ઉપજાવી હોય તો એ પાપ મિથ્યા થાઓ-

અને જીવો, કેવા જીવો? એક ઈન્દ્રિયવાળા (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય), બે ઈન્દ્રિયવાળા (કૃમિ, શંખ, અળસિયાં આદિ), ત્રણ ઈન્દ્રિયવાળા (જૂ, માંકડ, કીડી વગેરે), ચાર ઈન્દ્રિયવાળા (વીંછી, ચાંચડ, ભમરી, તીડ વગેરે) અને પાંચ ઈન્દ્રિયવાળા (નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. અને તિર્યંચમાં પણ જળચર, સ્થળચર અને ખેચર) જીવોને વિરાધ્યા હોય તો એ પાપ મિથ્યા થાઓ-

તસ્સમિચ્છામિ દુક્કડં (તે મારાં પાપ મિથ્યા થાઓ).

– ચંદ્રકાંત બક્ષી

આધ્યાત્મિક કાવ્યો – “સૂફી” પરમાર

5

“સૂફી” પરમાર

|| આધ્યાત્મિક કાવ્યો પર આપનું હાર્દિક સ્વાગત કરું છુ ||

ગુજરાતમા ધોળકાની પાસે કૌકા નામનું એક નાનું ગામ છે જ્યાં મારો જન્મ વ્હોરા બિરાદરીમાં થયો. મારી ઉમર આજે ૯૨ વર્ષની છે. મેં જે તાલીમ લીધી તે વિવિધ પ્રકારની છે. હું બોમ્બે યુનિવર્સિટીથી 1946 માં ગ્રેજ્યુએટ થયો પછી LL.B., A.C.I.I. (U.K.)., D.H.M.S. ( Homeopathy) ની ડિગ્રીઓ ગરિબી દૂર કરવા લીધી. વકીલ બનવાની મારામાં લાયકાત બિલકૂલ હતી નહીં.

આધ્યાત્મના લક્ષણ જનમના સાથે અલ્લાહે મને આપીને ધરતી પર મોકલ્યો એટલે પૂરું જીવન બેચેનીમાં રહ્યું, કારણકે મારા આધ્યાત્મિક, સ્વતંત્ર વિચારોને છુપાવી, બીજાઓની મરજી મુજબ જીવન જીવવું પડ્યું. વિચારોની સ્વતંત્રતા અને વિચારો દર્શાવવાની સ્વતંત્રતા ની વાતો ઘણી સાંભળી પરતુ આ જીવનમાં તે પ્રાપ્ત ન થઈ શકી. છતાં આ મારા કાવ્યોમાં મારા વિચારો દર્શાવવાનો થોડો પ્રયત્ન કરેલો છે.

મારાં કવ્યો આધ્યાત્મિક છે. માત્ર પ્રજાના ભલા માટે, અધઃપતનને અટકાવવા માટે અને ભાઈચારો વધારવા માટેનો મારો પ્રયાસ છે. ધર્મો, આધ્યાત્મ સુધી પહોંચવાની નિસરણીઓ છે અને આધ્યાત્મ મોક્ષની સ્વાગત પરસાળ છે. નિસરણીઓ જર્જરિત થાય તો આધ્યાત્મ સુધી ન પહોંચી શકાય. ધર્મો, ખંદિત અને ભ્રષ્ટ થાય તો તેનાં ભયંકર વિપરીત પરિણામો આવે. કોઈ પણ ધર્મ, કોમ કે વ્યક્તિ{ઓ} પ્રત્યે દ્વેષ કે દુર્ભાવનાથી મારી કવિતાઓમાં કઈં લખાયું નથી. તેમ છતાં જો કોઈને તેવું લાગે તો હું તેમની અંતઃકરણપૂર્વક ક્ષમા માગું છું
”સૂફી” પરમાર

===============================================================

૧. || ફૂલ અને ફૂલવાડી ||

પૂજારી પ્રાર્થના પહેલાં નજર ચારિત્ર પર કરજે
પછી ઈશ્વર ના સામે આરતી હાથોમાં તું ધરજે

પ્રભુને ફૂલ પ્યારાં છે, અગર તું એમ સમજે છે
તો તારા હાથોમાં પુષ્પો છે તેવું દિલ પ્રથમ કરજે

ઘમંડ, ઈર્ષા ને ઘૃણા ક્રોધ થી દિલ થાય છે મેલું
લઈ ને મેલ દિલમાં તું પ્રભુ સામે જતાં ડરજે

બહુ લલચાવે જ્યારે પાપ કરવા, જાળ માયાની
તું તારા અંતકરણ ને પૂછી પૂછી ને કદમ ભરજે

ખિલેછે ફૂલ અને મહેકે છે કાંટા થી ઉપર જઈ ને
નીચે રહી જાય છે કાંટા, તું કાંટાઓ થી ના ડરજે

ખુમારી હોય, સાથે જોશ્ તારા તન અને મનમાં
તો અવગુણ થી લડી, થઈ શુદ્ધ ભવસાગર ને તું તરજે

ઘણા ફૂલોની ખુશ્બુ આજ પણ મહેકે છે ગ્રંથોમાં
‘સૂફી’ તું પણ સુગંધી ફૂલ દઈ જગને પછી મરજે

“સૂફી” પરમાર

==================================

૨. || બધાં રૂપ રંગ એનાં છે ||

બનાવ્યુ આ જગત જેણે, બધાં રૂપ રંગ એનાં છે
જ્યાં દ્રષ્ટિ જઈ પડે છે ત્યાં, બધાં રૂપ રંગ એનાં છે

ફૂલો લહેરાય છે ત્યાં ત્યાં, સુરીલી ધૂન ગુંજે છે ત્યાં
કળાધર ની કળા છે ત્યાં, બધાં રૂપ રંગ એનાં છે

છે ભક્તિભાવ જો દિલમાં, જો દિલ છે પ્રેમ નું ઝરણુ
કસોટી છે કે તું માને, બધાં રૂપ રંગ એનાં છે

અગર જો નાત જાતો ના અતૂટ વાડા બનેલા છે
તો સમજાશે પછી ક્યાંથી, બધાં રૂપ રંગ એનાં છે

નથી દિલમાં દયા તો વ્યર્થ પૂજા પ્રાર્થનાઓ છે
ભરી દિલમાં દયા તું જો બધાં રૂપ રંગ એનાં છે

નથી કોઈ કમી ભક્તો ની આ બિમાર દુનિયા માં
છતાં સમજાયું ક્યાં છે કે બધા રૂપ રંગ એનાં છે

આ મસ્તક રાખી ધરતી પર ‘સૂફી’એ પ્રાર્થના કીધી
તો દિલ બોલી ઉઠ્યું છે કે બધાં રૂપ રંગ એનાં છે

“સૂફી” પરમાર

==================================

૩. || સુકર્મો કરી ને જો ||

અનુભવ કરવા દિવ્યતા નો સુકર્મો કરી ને જો
પ્રભુ પ્રત્યે નિખાલસ પ્રેમ દિલ માં તું ભરી ને જો

પૂજા ને પ્રાર્થના કરનાર લાખો લોક છે જગમાં
બહુ થોડાજ સાચા ભક્તો છે તું જગ ફરી ને જો

વિનાં સુકર્મો લુખી ને સુકી છે પ્રાર્થના તારી
તું તારા કર્મો માં સુકર્મોના રત્નો જડી ને જો

બહુ સહેલું છે રટવું નામ ઈશ્વર નું ને અલ્લાહ નું
પ્રભુ દિલ માં વસે તું ધ્યાન જરા એવું ધરી ને જો

હજારો દાસ્તાંનો, પ્રવચન તેં સાંભળાં જગમાં
તું તારા અંત્ઃકરણના નાદને પણ સાંભળીને જો

ઘણું માગે છે ઈશ્વર થી કરી ને હાથ તું ઊંચા
અનાથો નું પ્રથમ થોડું ભલું તું પણ કરી ને જો

ભલે યોગી ના બનજે તું વિહરવા ને પ્રભુ પંથે
પ્રભુ ના પ્રેમ માં સંસારી રહી ને પણ પડીને જો

દવા કરીયે છીયે જો રોગ લાગે છે આ કાયા ને
ઘણા રોગો જે દિલ માં છે તે રોગોથી લડી ને જો

હજારો રીત છે ‘સૂફી’ ઈબાદતની ને ભક્તિની
સ્ફુરે જે આત્મ ચિંતન થી તે ભક્તિ તું કરી ને જો

“સૂફી” પરમાર

===================================

૪. || પ્રેમ પેદા કર ||

જીવનભર સુખ અને દુઃખમાં કરી મેં બંદગી તારી
કદી ઈશ્વર, કદી અલ્લાહ કહી માળા જપી તારી

વસે છે દિલમાં તું મારા અને દુનિયા ની રજ રજ માં
નજર જ્યાં જ્યાં પડી ત્યાં ત્યાં મેં જોઈ છે છબી તારી

આ દોરી શ્વાસની મારી અને આ દિલના ધબકારા
મેં આ ઘટમાળમાં જોયું, કરામત છે ભરી તારી

ગયો મંદિરોમાં ને હું ગયો મસ્જિદોમાં ભગવંત
ગયો ગુરુદ્વારા, ગિરજામાં, કરી ત્યાં બંદગી તારી

પહાડો જંગલો દરિયા, સરોવર વાદળો રણમાં
નઝારા જ્યાં મેં જોયા ત્યાં, કરી છે આરતી તારી

મળી છે પ્રેમમાં તારા નવી દ્રષ્ટિ પ્રભુ પ્યારા
હરેક સતસંગમાં તેથી મળી મોજુદગી તારી

પુજારી કે નમાજી ના દિલોમાં પ્રેમ પેદા કર
કે ધર્મોમાં પૂરી થઈ જાય, જ્યાં જ્યાં છે કમી તારી

પ્રભુ તરબોળ તારા ઈશ્કમાં છે આતમા મારો
હવે હરપળ ‘સૂફી’ કરતો રહે છે બંદગી તારી

“સૂફી” પરમાર

===============================

૫. || પ્રભુ ની યાદ આવે છે ||

મને હર વાતમાં જાણે પ્રભુની યાદ આવે છે
ગણાવું શું શું કે જેમાં પ્રભુની યાદ આવે છે

મને આકાશ જોઈને, જોઈને તારલાનું ઝુંડ
સમજ પડતી નથી તો પણ્ પ્રભુની યાદ આવે છે

ફૂલોમાં રંગ અને ખુશ્બુ ભરેછે કોણ શી રીતે
નજર પડતાં ફૂલો ઉપર પ્રભુની યાદ આવે છે

મધુરાં સ્મિત બાળકનાં અને જીજ્ઞાશા ચંચળતા
બધી નિર્દોષ હરકતમાં પ્રભુની યાદ આવે છે

આ પ્રુથ્વિને વધુ સુંદર આ ચંદરમા બનાવે છે
મને આ ચાંદની જોઈ પ્રભુની યાદ આવે છે

વગાડે વાંસળી કોઈ તો મન ડોલી ઉઠે મારું
સુરોંની મિઠી લહેરોમાં પ્રભુની યાદ આવે છે

અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે ધરતીકંપ કે દાવાનળ
બધી બરબાદી જોઈ ને પ્રભુની યાદ આવે છે

‘સૂફી’ને રંજ છે પાપો કર્યાં તેનો ઘણો દિલમાં
કરી લેવા હવે તોબા પ્રભુની યાદ આવે છે

“સુફી” પરમાર

==================================

૬. || પ્રભુ નાં ઘર ||

પ્રભુજી ઈંટ અને પથ્થરનાં ઘર આપ્યાં અમે તમને
નથી દિલ માં જગ્યા, રાખે કોઈ દિલમાં હવે તમને

અમારું ઘર અમારું છે, તમારું ઘર તમારું છે
તમે રહેજો તમારે ત્યાં, મળી શું ત્યાં અમે તમને

પરિસ્થિતિ તમારી લાગેછે કેદી સમી અમને
તમારું ધૈર્ય જોઈ ને હું લાગું છું પગે તમને

તમે વિશ્વ બનાવ્યું પણ તમોને ઘર અમે આપ્યાં
કહો તો ઘર ઘણા બીજાં બનવી આપીએ તમને

થશે ઉદ્ધાર્ માનવ જાતનો શી રીત થી જગમાં
રમીને ખૂનની હોળી અમે જો ઝુકીએ તમને

દયા સાગર ખરાબે જઈ ચઢી છે આજની દુનિયા
બતાવો શું કરી ને પાછા જગમાં લાવીએ તમને

પરિવર્તન પ્રભુ લાવોને માનવજાતની અંદર
તજીને ધર્મોનાં ઘર્ષણ અમે સૌ પૂજીએ તમને

“સૂફી” પરમાર

=================================

૭. || જાગી ઉઠ્યો આત્મા ||

પૂજારી હું નથી પણ થઈ પ્રભુથી દિલ્લગી મારી
ભલે કહેતી ફરે દુનિયા, છે આ દિવાનગી મારી

પ્રભુ તારો ને મારો ખેલ છે તે દુનિયા શું જાણે!
હું છું નાદાન પણ વ્હાલી તને છે સાદગી મારી

કહાની આ જીવનની કે પુનર્જન્મ જે સર્જાશે
આ ચક્કર કર્મોના સમજી, જીવું છું જિંદગી મારી

મેં તોડી જાળ માયાની અને આકર્ષણોની તો
કરી કૃપા દયા તેં છે સ્વીકારી બંદગી મારી

કરીને આત્મ-મંથન મેં કર્યું વિશુદ્ધ મન મારું
તિરસ્કારોની દિલમાં થી મટાડી માંદગી મારી

કરી પસ્તાવો પાપોનો મેં માગી જો ક્ષમા તારી
ભયંકર એબોની વાતો તેં રાખી ખાનગી મારી

હું ભટકી ભટકી ને આવી ઉભો છું દ્વાર પર તારા
‘સૂફી’ છું ભક્ત હું તારો, છે ભક્તિ જિંદગી મારી

“સૂફી” પરમાર

================================

૮. || વિના સીમાડા નું વિશ્વ ||

નઝારા તો ઘણા છે પણ્ ઘણા બીજા છુપેલા છે
જે સર્જન છે તે સામે છે, જગતદાતા છુપેલા છે

વિચારું છું, જગત શું છે અને હું કોણ અને શું છું
આ પ્રશ્નો ના જવાબો, કોઈને પણ ક્યાં મળેલા છે!

અમારી પૃથ્વિ ભવ્ય છે પરંતુ છે તે એક રજકણ
છતાં લાગેછે પાયા પૃથ્વિના સજ્જડ જમેલા છે

તે કઈ શક્તિ છે, પૃથ્વિને ધરી ફરતી ફરાવે છે
જે ફેરાથી દિવસને રાતના હિસ્સા થએલા છે

થયો પૃથ્વિનો જન્મ શી રીતે, ક્યાંથી અને ક્યારે
અનુમાનો કર્યાં પણ, શંકાશીલ પ્રશ્નો ઉભેલા છે

જે માના પેટમાં બાળક છે, તે દુનિયાને શું જાણે
જગત ની બહારના અમને ઈશારા ક્યાં મળેલા છે

આ સૃષ્ટિ ની ઉપર સૃષ્ટિઓ ની જે હારમાળા છે
નથી કલ્પના થઈ શકતી, સીમાડા ક્યાં છુપેલા છે

કોઈ કાનુંન દિવ્ય છે, આ વિશ્વ જે ચલાવે છે
નથી જે માનતા તેઓ પ્રભુનો પંથ ભુલેલા છે

કલમ પકડું છું ત્યારે પ્રેરણા માગું છું ઈશ્વર થી
સૂફી સંતો ક્યાં દુનિયાની નિશાળોમાં ભણેલા છે

“સુફી” પરમાર

==================================

૯. || ઉત્પાતિ જગત ||

પ્રભુ તારા જગતના હાલ હવે તો જોવા જેવા છે
તને પણ દુઃખ થશે તે જોઈ ને બસ હાલ એવા છે

કરે છે લોક દાવા કે પ્રભુ તો બસ અમારા છે
જબર દસ્તી પ્રભુ તું જો પકડમાં તમને લેવા છે

નવા બંદા ખુદાના ને નવા ભક્તો પ્રભુ તારા
હવે ધરતી ધ્રુજાવી ને કહે છે ધર્મ સેવા છે

ભરી વસ્તિમાં ભય લાગે છે ભણકારાથી મૃત્યુના
હવે માનવમાં થોડા તો વરુ ને વાઘ જેવા છે

બળે છે ને મરે છે લોક જે નિર્દોષ, નિર્બળ છે
જે બાળે છે ને મારે છે તે સૂફી સંત કેવા છે?

કરેછે નષ્ટ દુનિયાને, લઈ અલ્લાહ પ્રભુ નું નામ
તે ઇન્સાન અને શેતાન જિગરી દોસ્ત જેવા છે

નહીં ચાલે કોઈ યુક્તિ કે ચાલાકી ‘સૂફી’ તારી
નિખાલસ દિલથી જીવીજા પછી જો બદલા કેવા છે

“સૂફી” પરમાર

==================================

૧૦. || આત્માના ફેરા ||

તમારું કંઈ નથી જગમાં, વિચાર એનો કરી લેજો
મુસાફર છો આ દુનિયામાં, વિચાર એનો કરી લેજો

અગર સુકર્મો કરવાં છે તો તે આજે કરી લેજો
સમય તો થાપ દઈ જાશે, વિચાર એનો કરી લેજો

હતા ક્યાં સો વરસ પહેલે, હશું ક્યાં મૃત્યુ પામી ને
અગમ્ય આ સમસ્યા છે, વિચાર એનો કરી લેજો

તમે હિંદુ કે મુસ્લિમ છો, યહુદી કે ઈસાઈ છો
જનમ જ્યાં થાય છે તે છો વિચાર એનો કરી લેજો

પુનર્જન્મ માં ધર્મ શું હશે તે તો પ્રભુ જાણે
ઘમંડ ધર્મોના મિથ્યા છે, વિચાર એનો કરી લેજો

તમારાં રૂપ રંગ જાતી, પિતા કે માત ઘર જ્ઞાતિ
બધું બદલાશે પળભરમાં, વિચાર એનો કરી લેજો

પ્રકૃતિ જાગતી છે, જીવતી છે, છે અટલ ન્યાયી
પ્રતિક્રિયા છે કર્મો ની, વિચાર એનો કરી લેજો

‘સૂફી’એ વાતો આધ્યાત્મની કાવ્યોમાં કરેલી છે
જીવન ભેદો ભરેલું છે, વિચાર એનો કરી લેજો

“સૂફી” પરમાર

=================================

૧૧. || અર્થહીન તકરાર ||

જે માન્યતામાં જન્મ્યો છું, મને તે લાગે છે સારી
અને સત્ય સુધી તેથી પહોંચ ન થઈ શકી મારી

ખરું ખોટું પરખવા વાપરું છું માન્યતાઓ ને
પરંતુ માન્યતા પર શંકાની આવી નથી વારી

મળી છે વારસામાં માન્યતા જે આજ માનું છું
સગીર વયમાં હૃદય ખાલી હતું ત્યારે બની મારી

સખત પથ્થર સમી છે માન્યતા ને શ્રધ્ધાઓ મારી
મને લાગે છે તેથી બાકીની વસ્તી ભટકનારી

જગતને ક્ષય લાગ્યો અંધ શ્રદ્ધાનો ભયંકર પણ
નથી સુઝી રહી કોઈ દવા ક્ષય દૂર કરનારી

થઈ છે ઉન્નતિ ભૌતિક છતાં કમભાગ્ય જગ તારું
આ ઉન્નતિ માં શક્તિ છે જગતને નષ્ટ કરનારી

ચીરીને પડદો અંધશ્રદ્ધાનો જોશે જો જમાનો તો
નવી વાતો ત્વરિત સુઝશે આ દુનિયાને બદલનારી

નવી વાતો તું કહેતોજા ‘સૂફી’, ચાલુ જમાનાને
તું કરજે વાત, સત્યની ઝલક દુનિયાને દેનારી

“સૂફી” પરમાર

===============================

૧૨.|| પૂર્વ જનમનાં પાપ ||

ઘણી પૂર્વ જનમની યાદ આવે છે મને વાતો
અચાનક ચમકી ચમકીને ઉઠ્યો છું કેટલી રાતો

કરેલા મેં ઘણા અન્યાય થઈ ચાલાક તે કાળે
ઘણા નિર્દોષને મારી હતી ઠોકર અને લાતો

કરેલો જ્ઞાનનો ઉપયોગ મેં વિકર્મ કરવામાં
મને સારી રીતે જો કે પ્રભુનો પંથ સમજાતો

મે મારી નાતને સમજી હતી કે શ્રેષ્ઠ છે જગમાં
અને ધુતકારતો હું રાત અને દિવસ બીજી નાતો

હું વિકૃત માણસાઈથી થએલો ધર્મભ્રષ્ટ પાપી
અનુંભવ કરતો આનંદનો થતી જ્યાં દર્દની વાતો

હવેતો આ જીવનમાં હું સહું છું વેદના પીડા
થયું છે ભાન, શું છે કર્મનો ને જાનનો નાતો

જીવનભર સુખ અને દુઃખની કરેછે ખેતી હર માનવ
અને સુખદુઃખની નીપજં જાયછે કર્મોથી સર્જાતો

‘સૂફી’ જન્મો મરણની આ સમસ્યા ધ્યાંનમાં ધરજે
ભલે આ કોયડો જગમાં નથી સંપૂર્ણ સમજાતો

“સૂફી” પરમાર

===============================

૧૩. || પાપા પગલી ||

પ્રભુના પંથ પર થોડાં કદમતો તું ભરી જોજે
પ્રસન્ન થઈ પ્રભુ કરશે મદદ, વિશ્વાસ ના ખોજે

તું પાપોથી ડરીને ચાલજે ને પાપ ના કરજે
કરેલાં પાપોને તારાં, તું પ્રશ્ચાતાપથી ધોજે

જીવન રથને દયાને પ્રેમનાં પૈડાં લગાવીને
પ્રભુના પંથને માયા ભૂલાવે તોય ના ખોજે

નથી માની અગર તેં વાત સંતોને મહાત્માની
અનુભવ કડવો જ્યારે થાય ત્યારે દિલભરી રોજે

કરે તેવુંજ તે પામે, ઘણું તે સાંભળ્યું જગમાં
આ તથ્ય દિલ સુધી પહોંચાડી સારાં બીજ તું બોજે

તિરસ્કારો ભર્યા સંઘમાં નથી અલ્લાહ નથી ઈશ્વર
પ્રભુહીન ધર્મો છે તો આતમાની આંખથી જોજે

અસત્ય સત્યનું મિશ્રણ અગર દેખાય ધર્મોમાં
સ્વીકારે આતમા જે સત્ય તે સિદ્ધાંત ના ખોજે

‘સૂફી’ને દોસ્ત સમજીને આ વાતો ધ્યાંનમાં ધરજે
પછી જીવનની ઝંઝાવાતથી ના ડરજે ના રોજે

“સૂફી” પરમાર

===============================

૧૪. || આત્મિક નવસર્જન ||

નહીં માને જમાનો વાત જે આજે કરૂં છું હું
છતાં જે સત્ય લાગ્યું તે બધે કહેતો ફરું છું હું

ભયંકર અન્ય રોગોના ઈલાજો છે જગતમાં પણ
સમજને રોગ લાગ્યા, ધ્યાંન તે ઉપર ધરૂં છું હું

લડી મરવાના બહાના શોધે છે ધર્મોમાં ધર્મઘેલા
ધરમના આત્માની ચીસ સાંભળતો ફરું છું હું

પ્રગતિના જમાનામાં, પ્રગતિ થઈ અશાંતિમાં
ઘડીભર થાય છે શાંતિ તો શાંતિથી ડરું છું હું

ધરમનાં ખોખાં જોયાં મેં સજેલાં બાહ્ય રૂપરંગમાં
ધરમના ગૂમ થયેલા પ્રાણને શોધ્યા કરું છું હું

હિંસાની આંધીમાં પડકાર છે જ્યાં જગની હસ્તીને
જગતનું અંતઃકરણ જાગે, કદમ એવાં ભરું છું હું

નથી લલકારી હું શકતો ઈજારાદારી ને જગમાં
ગુરુઓના છે કાબુમાં વિચારો, થરથરું છું હું

જગત માગે છે આ યુગમાં ‘સૂફી’ આત્મિક નવસર્જન
કદમ તે સાધ્ય કરવા, ફૂંકી ફૂંકીને ભરું છું હું

‘સૂફી’ પરમાર

===============================

૧૫. || કૂજાઓનાં પાણી ||

કૂજાઓનાં પુરાણાં પાણીમાં જંતુ પડેલાં છે
કહ્યુ છે ભક્તોએ પીધાં તે પાણી તે નડેલાં છે

અગર લઈ કાચના વાસણમાં તે પાણી તમે જોશો
કરોડો જંતુ પાણીમાં, જીવિત તેમજ મરેલાં છે

હિમાલયથી નિકળતાં જળ અતિ નિર્મળ પવિત્ર છે
પરંતુ મેલ અને જંતુ પછી તેમાં ભળેલાં છે

અશુદ્ધ જળના જેવી થઈ છે હાલત ધર્મોની આજે
દગો દઈને પવિત્રતામાં ભ્રષ્ટ ત-ત્વો ભળેલાં છે

ઘણા અજ્ઞાનિ લોકોને અમે જ્ઞાનિ ગણી બેઠા
પરિણામે આ દુનિયામાં ભયંકર દુઃખ પડેલા છે

નહીં પહોંચાડે તમને સ્વર્ગ સુધી માનવ કોઈ જગથી
પહોંચવા ત્યાં, પ્રભુપંથનાં પગથિયાંઓ બનેલાં છે

છુપું માનવ અને દાનવનું અંતરયુદ્ધ છે જગમાં
મલિન તરકટ જ્યાં ધર્મભ્રષ્ટ માનવે છુપાં રચેલાં છે

ખબર પહેલી મળેછે રોજ ખૂનરેજીને હત્યાની
અરે પાપી, ટીપાં રક્તનાં પ્રભુપર જઈ પડેલાં છે

સજા દેનાર છે પાપો તને હર મોડના ઉપર
ભૂલીજા શિક્ષા જે લઈને તને દુષ્કૃત્ય સુઝેલાં છે

સુધારો શી રીતે થાશે આ ધગધગ કરતી ધરતી પર!
‘સૂફી’, જ્યાં અંતઃકરણને મારી મારી ચૂપ કરેલાં છે

‘સૂફી’ પરમાર

==================================

૧૬. || છૂપી અદાલત ||

તમે શોધી રહ્યા છો સુખ કે જ્યા બસ દુઃખ ભરેલાં છે
દુઃખીજનનાં મિટાવો દુઃખ તો સુખ તેમાં રહેલાં છે

કોઈ આફત કે આપત્તિ વગર વાંકે નહીં આવે
ધરીને ધ્યાંન જોશો તો અમારાં કર્મ નડેલાં છે

પ્રકતિને અમે નિર્જીવ સમજીને જીવ્યા જીવન
અમે કુદરત વિરોધી કૃત્યો તેથી બહુ કરેલાં છે

નથી દુશ્મન, નથી કે દોસ્ત, કુદરત છે સ્વયંચાલિત
સમજમાં આવી કુદરત તેમને રત્નો જડેલાં છે

નથી સમજી શકાતાં જે વમળ કુકર્મ રચાવે છે
વમળથી શી રીતે બચશે જે ભમ્મરમાં ફસેલાં છે!

ધરમના શાસ્ત્રોમાં પૂરી કહાની કર્મો લક્ષિત છે
સમસ્ત દસ્તાંનો છે તે કર્મોએ રચેલાં છે

જે કઈં સમે ઉભેલું છે, નથી તે કર્મ તો શું છે?
કરીને દેહ-ધારણ કર્મ, કર્મબાજી રમેલાં છે

પ્રભુએ કર્મો પર કાબુ અમારા હાથમાં દઈને
વચન બદલાઓ લેવા દેવાનાં પૂરાં કરેલાં છે.

“સુફી” પરમાર

===============================

૧૭. || મૃગજળ ||

ન સમજો જે છે દુનિયામાં તમારું, તે તમારું છે
નથી દુનિયામાં કઈં એવું, તમારું જે થનારું છે

આ સામગ્રી અને સાધન, આ ધન દોલત અને જીવન
તમારું કઈં નથી તેમાં, ભલે અત્યંત પ્યારું છે

જે કાલે અન્ય લોકોનું હતું, આજે તમારું છે
ફરી પાછું તમારું પણ, બીજાઓનું થનારું છે

છે મૃગજળ લાલસા જગની જે કર્તવ્ય ભુલાવે છે
ભગાવે છે, જીવન જ્યાં, ભાગી ભાગી વ્યર્થ જનારું છે

જુઓને પ્યાર કેવો છે પતંગાને દીપક ઉપર
જુઓ જઈને સવારે ત્યાં કે ત્યાં શું શું થનારું છે

પ્રભુ, ઈશ્વર, ખુદા, અલ્લાહ તો છે એક એક રજકણમાં
પરંતુ દિલમાં છે કે નહીં, નથી તો ત્યાં અંધારું છે

કરી જે કર્મોની ખેતી જગતમાં તે તમારી છે
ફળોનું હોય કે કાંટાનું, ઉત્પાદન તમારું છે

પ્રભુ આપીને સામગ્રી, પરિક્ષા લે છે માનવની
પ્રભુ માગેછે માનવથી તો કહેછે આ તો મારું છે

‘સૂફી’, સંગ્રામ છે જીવન સુકર્મોને કુકર્મોનો
થઈ સુકર્મોથી સજ ચાલજે જીવન જો પ્યારું છે.

“સુફી” પરમાર

================================

૧૮. હિંસાની પરંપરા

દયા દિલમાં નથી તો પ્રીત પ્રભુથી કરી નથી શકતા
જપી માળા પ્રભુની જીવ હત્યા કરી નથી શકતા

તબાહીથી બચાવે આ જગતને તે અહિંસા છે
છતાં નુસખો મહાત્માઓનો જગને દઈ નથી શકતા

મહાવીરને કે ગૌતમને, મહાત્મા બાપુજીને પણ
અહિસાને તજી અંજલિ પવિત્ર દઈ નથી શકતા

હિસા જ્યાં જ્યાં થવા લાગી ત્યાં રંગ બદલાયા ધર્મોના
વણી જે જાળ હિંસાની હવે કતરી નથી શકતા

હજારો યુદ્ધ, સંઘષો થયાં, લાખો બીજાં થાશે
જ્યાં છે વિકૃતિ ધર્મોમાં ત્યાં હત્યા તજી નથી શકતા

જગત ધૂણી રહ્યું છે અંધ શ્રદ્ધાઓ ની મસ્તીમાં
જુઓ ભડકે બળે છે પણ્ બુઝાવી દઈ નથી શકતા

અમારાં જ્ઞાન મર્યાદિત છે ધર્મના કેદખાનામાં
છતાં ભ્રમ જ્ઞાનિ હોવાનો, અજ્ઞાનિ તજી નથી શકતા

ઓ ઈશ્વર તું સમજ દે નાસમજ ધર્માંધ ભક્તોને
કે હત્યારા બની ભક્ત કે નમાજી થઈ નથી શકતા

મહિમા શું છે કુદરતનો ‘સૂફી’ પુછીશના કોઈને
કુવામાંથી કોઈ, શું બાહાર છે તે કહી નથી શકતા.

“સુફી” પરમાર

=================================

૧૯. || પ્રભુ ની યાદ આવે છે ||

મને હર વાતમાં જાણે પ્રભુની યાદ આવે છે
ગણાવું શું શું કે જેમાં પ્રભુની યાદ આવે છે

મને આકાશ જોઈને, જોઈને તારલાનું ઝુંડ
સમજ પડતી નથી તો પણ્ પ્રભુની યાદ આવે છે

ફૂલોમાં રંગ અને ખુશ્બુ ભરેછે કોણ શી રીતે
નજર પડતાં ફૂલો ઉપર પ્રભુની યાદ આવે છે

મધુરાં સ્મિત બાળકનાં અને જીજ્ઞાશા ચંચળતા
બધી નિર્દોષ હરકતમાં પ્રભુની યાદ આવે છે

આ પ્રુથ્વિને વધુ સુંદર આ ચંદરમા બનાવે છે
મને આ ચાંદની જોઈ પ્રભુની યાદ આવે છે

વગાડે વાંસળી કોઈ તો મન ડોલી ઉઠે મારું
સુરોંની મિઠી લહેરોમાં પ્રભુની યાદ આવે છે

અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે ધરતીકંપ કે દાવાનળ
બધી બરબાદી જોઈ ને પ્રભુની યાદ આવે છે

‘સૂફી’ને રંજ છે પાપો કર્યાં તેનો ઘણો દિલમાં
કરી લેવા હવે તોબા પ્રભુની યાદ આવે છે

“સુફી” પરમાર

===============================

૨૦. || વિચ્છેદન ભૂલોનું ||

જીવન શું છે ન સમજાયું, જગત શું છે ન સમજાયું
જીવન પાણીનો પરપોટો છે હલકો, તે ન સમજાયું

જીવનભર શંકાશીલ વાતોને ધર્મ સમજીને મેં માની
કરું ચિંતન પહોંચવા સત્ય સુધી, તે ન સમજાયું

કરી યાંત્રિક ઈબાદત, પ્રાર્થના, કે રીઝવું ઈશ્વરને
ફકત સુકર્મો રીઝવે છે પ્રભુને તે ન સમજાયું

લપેટાએલો કર્મોમાં પુનર્જન્મ થશે મારો
ચૂકવવું પડશે દેવું પાપોનું પણ, તે ન સમજાયું

હજારો રીત રિવાજો ને હજારો બોલી છે જગમાં
રિવાજો ધર્મ નથી, પણ ધર્મ બન્યા છે, તે ન સમજાયું

ભૂલોની ત્રાસદાયી જાળમાંથી મૂક્ત થવા માટે
કરીને જોઉં વિચ્છેદન ભૂલોનું, તે ન સમજાયું

નથી ચારિત્ર કોઈનાં લખેલાં મુખમુદ્રા પર
કરું ના બાહ્ય રૂપરંગથી ભૂલો પણ, તે ન સમજાયું

‘સૂફી’, આસ્થાઓમાં ભૂલો ફસેલી છે તેવા યુગમાં
જમાનો રાડો પાડી, શું કહે છે, તે ન સમજાયું

“સૂફી” પરમાર

==================================

૨૧. || આત્માની ઉમર ||

ઉમર એક આત્માની છે, અને બીજી છે કાયાની
જે ઘેરે છે જીવન ને જાળ તે છે જાળ માયાની

ઉમર શું છે આમારા આત્માની તે પ્રભુ જાણે
નથી પડતી ખબર પહેલાનાં પિજરાંઓ જલાયાની

ઘડીભર રહીને પિજરામાં છે ઉડનારું આ પંખેરું
કહાની બાકી રહી જાશે, આ પિજરાને સજાયાની

કચેરીમાં પ્રભુની આતમા જઈ પહોંચશે ત્યારે
ખબર પડશે બધી ત્યાં અમને પાપોમાં ભરાયાની

પ્રભુ ઈન્સાફ કરશે કર્મ અમારાં માપી તોલીને
ખબર પૂછશે નહીં યાત્રાકે ગંગામાં નહાયાની

જીવનભર નામ કરવામાં ને દોલત પ્રાપ્ત કરવામાં
ખબર ક્યાંથી રહે, માયાના બંધનમાં ફસાયાની

નથી અન્યાય કુદરતની અદાલતમાં થવા વાળો
નથી ચિંતા ગુણીજનને વિના કારણ સતાયાની

‘સૂફી’ની મિત્રતા થઈ છે પવિત્ર આતમા સાથે
ખુશી થઈ પ્રાપ્ત પરમાત્માને પણ દિલમાં વસાયાની

“સૂફી’ પરમાર”

=====================================

૨૨. || ઝબકતું સત્ય ||

તમારા સામે બેસીને, પ્રભુ પૂજા કરી લઉ છું
કરીને યાદ પાપોને ઘડીભર હું રડી લઉ છું

અલૌકિક જ્ઞાનની વાતો સુઝાડી જે તમે ઈશ્વર
કદીક ગર્ભિત વચનોમાં હું સત્સંગમા કહી લઉ છું

જે ખોટું થાય છે તેને કદીક ખોટું કહી લઉ છું
મને ઈજા કે હાની પહોંચે તો દુઃખ તે સહી લઉ છું

બહુ કપરી સજા છે સત્ય જો બોલે અહીં કોઈ
કદીક લાચાર થઈ હું ઢોંગની બાજી રમી લઉ છું

રહે છે ચિત ઘણું ચંચળ સમૂંહ પૂજા કરું છું તો
પડે છે પાછું દિલ તેથી સ્વયં પૂજા કરી લઉ છું

છે લોકોની પસંદ શું તે મુજબ જીવી ગયો જીવન
મચી હલચલ છે મારા આતમામાં તે સહી લઉ છું

સમજ આવી તો આવી છે જીવનની અંત ઘડીઓમાં
જીવનને વેડફ્યું પસ્તાવો તેનો હું કરી લઉ છું

ઝબકતું સત્ય કુદરતની કિતાબોમાં જોઈ ‘સૂફી’
વસાવી દિલમાં સત્ય, કવ્યોમાં તેને જડી લઉ છું

“સૂફી” પરમાર

==================================

૨૩. || ધ્રૂજતી જ્યોત ||

વિચારો ક્રાન્તિકારી લઈ અસ્વસ્થ થઈ ફરૂં છું હું
જે હાલત છે જમાનાની બહુ તેથી ડરું છું હું

ઘણી વાતો કરું હું ઉગ્રતાવાદી જગતને પણ
જે દિલમાં છે તે બોલું તો વિનાં વાંકે મરું છું હું

વિચિત્ર માન્યતાની બેડીઓ લાગેલી છે પગમાં
કલમથી તોડવા તેને કલમબાજી કરું છું હું

વિના ધર્મોની દુનિયાની કરું છું કલ્પના જ્યારે
નવા રૂપ્ રંગમાં આ ધરતીના દર્શન કરું છું હું

સમર્થન ક્યાં મળે મારા વિચારોને કલિયુગમાં
હું તો છું એકલો તેથી જમાના થી ડરું છૂ હું

પ્રગતિશીલ વિચારોના શિકારીથી ડરીને હું
જમાનાને પસંદ આવે છે તે વાતો કરું છું હું

વિચારોને કબરમાં લઈ જવાના પાપથી બચવા
વિચારોને ઇશારાઓમાં વ્યક્ત કરતો ફરું છું હું

મેં જોયા રંગ દુનિયાના બદલતાને બગડતા પણ્
અધર્મ, ધર્મ થઈ ચમકે તો આહ ઊંડી ભરું છું હું

પ્રભુથી પ્રેમ છે મારો, મને છે પ્રેમ પંથ પ્યારો
પવિત્ર પ્રેમથી ભરપૂર ધર્મ હૈયે ધરું છું હું

નહીં ધર્મોમાં પણ સુકર્મોમાં છે મોક્ષનો રસ્તો
‘સૂફી’ કહેછે કે શાસ્ત્રોમાં કહી વાતો કરું છું હું

“સૂફી” પરમાર

==============================

૨૪. ૨૫. || સત્ય અસત્યનો જંગ ||

બચે દુનિયા તબાહીથી, દુઆ એવી મેં માગી છે
કરી લઉં કઈંક હું સારું, અભિલાષા એ જાગી છે

મને આકાશથી જોઈ રહ્યું છે કોઈ તે જાણી
હતી આદત દગાની તે બધી આદત મેં ત્યાગી છે

ઘણી યુક્તિને ચાલાકી કરીને જોઈ લીધું મેં
મને મારીજ યુક્તિઓ બધી માથામાં વાગી છે

મને પરલોકમાં કર્મો પકડશે તે તો નિશ્ચિત છે
તે જાણી લાલસા દુનિયાની મારી દૂર ભાગી છે

મને શેતાન આશીર્વાદ દેતો પાપૉને જોઈ
હવે કરવાને પ્રાયશ્ચિત્ત તમન્ના દિલમાં જાગી છે

ખરી ખોટી બધી વાતોના મિશ્રણથી બચીને મેં
કરીછે વાત દુનિયામાં મને જે સત્ય લાગી છે

અનાદિ કાળથી સત્ય અસત્ય છે ભીષણ જંગમાં
દુઆઓ કામ ન આવી જે યુગ યુગ જગએ માગી છે

નવું મંત્ર કે સૂત્ર તો સુઝાડો ઓ પ્રભુ પ્યારા
લગન દુઃખમૂક્ત જગ જોવા ‘સૂફી’ના દિલમાં લાગી છે

“સૂફી” પરમાર

===============================

૨૬. || દિવ્ય સંગીત ||

નથી હું સંત કે સૂફી, નથી મુલ્લા કે હું પંડિત
છતાં દિલમાં ગુંજ્યું મારા અનેરું ને અલૌકિક ગીત

નિરાલો પંથ છે આધ્યાત્મનો યાત્રા નિરાલી છે
લગન લાગે છે એવી કે નથી ઢળવું નિચે સંભવિત

જરુરત ક્યાં છે ઈશ્વર ને અમારી ભક્તિ પૂજાની
કરે નિર્મળ જે દિલને તે ખરી છે પ્રાર્થના ની રીત્

કહો છો ધર્મ શી રીતે, મઝહબ ઈમાન શી રીતે
કરી તારાજ લાખો ને તમે સમજો અગર તે જિત

તમે મિથ્યા કરો છો અલ્લાહ્ અલ્લાહ કે પ્રભુ ઈશ્વર
નથી દિલમાં ભરી હર જાન પ્રત્યે જો દયા ને પ્રીત

નથી કરતા તમાશો પ્રાર્થના નો સંત કે સૂફી
પ્રભુ ના આશીકો ની છે નિરાલી પ્રાર્થના ની રીત

હું મારા અંતઃકરણ ને પૂછી પૂછી ચાલું છું જગમાં
બતાવે છે અનેરી રાહ મને કરવા પ્રભુ થી પ્રીત

‘સૂફી’ છું હું અને કાવ્યોમાં છે આધ્યાત્મની ઝરમર
કરું છું આત્મસ્પર્શી વાત જ્યારે ગાઉં છું હું ગીત

“સૂફી” પરમાર

=================================

૨૭. || રંગમાં ભંગ ||

જીવન રંગીન હતું પણ રંગમાં છે ભંગ થવા લાગ્યો
સમય સુખ શાંતિનો દુનિયા તજીને છે જવા લાગ્યો

હતી ન્હોતી થવા બેઠી છે દુનિયા ની હવે હસ્તી
જમાનો નિત નવાં વિનાશ યંત્રો શોધવા લાગ્યો

આ ધરતી સ્વર્ગ છે જન્નત છે જે ગ્રન્થો કહે છે તે
પરંતુ મન અને ચિતમાં પવન ઝેરી જવા લાગ્યો

પ્રભાવિત બહુ હતો ધર્મોની વાતોથી હું બચપણમાં
હવે ભયથી ભરેલી ધર્મ બોલી બોલવા લાગ્યો

બહુ હેરત પમાડે ખેલ એવા જોયા દુનિયામાં
જગત નષ્ટ થાય ખેલ એવો જમાનો ખેલવા લાગ્યો

અધર્મ, ધર્મ વચ્ચેની વિલીન રેખા થવા લાગી
હવે જગ થરથરે એ રીતથી ધર્મ ગર્જવા લાગ્યો

જગત કલ્યાંણ માટે ધર્મો છે તે મેં શિખેલું છે
જીવનના અંત કાળે આ ‘સૂફી’ને ભય થવા લાગ્યો

“સુફી” પરમાર

મહાવીર સ્વામી

3

કાંગડા કિલ્લાની ટોચ પર આવેલા મંદિરની મહાવીરની
મૂર્તિ, જેને મહાવીરની મૂળ પ્રતિમા માનવામાં આવે છે.

|| મહાવીર સ્વામી ||

મહાવીર સ્વામીનું લઘુ ચિત્ર

માહિતી

અન્ય નામ: વર્ધમાન,સન્મતિનાયક,વીર,મહા-અતિવીર, શ્રમણ, નિગંથ
અસ્તિત્વનો ઐતિહાસિક સમય: ૫૯૯–૫૨૭ ઈ.પૂ.

* કુટુંબ

પિતા: સિદ્ધાર્થ
માતા: ત્રિશલા (પ્રિયકરણી)
કુળ: ઈક્ષ્વાકુ

* સ્થળો

જન્મ: કુંડલગ્રામ (બિહાર, વૈશાલી જિલ્લો)
નિર્વાણ: પાવાપુરી (બિહાર, નાલંદા જિલ્લો)

* લક્ષણો

વર્ણ: પીળો
લાંછન: સિંહ
ઊંચાઈ: ૬ ફૂટ
મૃત્યુકાળે ઊંમર: ૭૨ વર્ષ

* ક્ષેત્ર રક્ષક દેવ

યક્ષ: માતંગ
યક્ષિણી: સિદ્ધાયિકા

મહાવીર અર્થાત્ “મહાન નાયક કે અતિ બહાદૂર” એ નામ સામાન્ય રીતે જૈન તીર્થંકર “વર્ધમાન”ના સંદર્ભમાં વપરાતો શબ્દ છે જેઓ ઈ.પૂ. ૫૯૯-૫૨૭ દર્મ્યાન થઈ ગયાં. વિહરમાન જૈન સિદ્ધાંતોનો પાયો તેમણે નાખ્યો છે. જૈન પરંપરા પ્રમાણે તેઓ ૨૪ મા અને અંતિમ તીર્થંકર હતાં . તમિળ ભાષામાં તેમને અરુકાણ્ અથવા અરુકાદેવન કહે છે. ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ વીર કે વીરપ્રભુ, સન્મતિ, અતિવીર, અને જ્ઞાતપુત્ર તરીકે પણ થયો છે. બૌદ્ધત્વના પાલિ ગ્રંથમાં તેમનો ઉલ્લેખ નોગંથ નાતપુત્તા તરીકે થયો છે.

* રાજકુમાર વર્ધમાનનો જન્મ

ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લા માં પટનાનાથી ૨૯ માઈલ દૂર આવેલા ‘બેસધા પટ્ટી’ નજીક આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ ૧૩ના થયો હતો. આ દિવસ આજના ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે.તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું. એવું માનવામાં આવે છે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવ્યાં તે સમયથી રાજ્યમાં રીદ્ધી સંપદા વધી હતી. આથી તેમને વર્ધમાન પણ કહે છે. માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ધણી સારી ઘટનાઓ ઘટી હતી જેમકે વૃક્ષો આદિ પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું આદિ. રાણી ત્રિશલાને ૧૪ (શ્વેતાંબર મત પ્રમાણે ૧૪ અને દિગંબર મત પ્રમાણે ૧૬) શુભ સ્વપ્નો આવ્યાં હતાં જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિન્હ મનાય છે.

જૈન પરંપરા માં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઈંદ્ર તીર્થકરને મેરુપર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. વર્ધમાન મહાવીરનો જન્મ દિવસ મહાવીર જન્મકલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે..

શરૂઆતનો કાળમા રાજા સિદ્ધાર્થના પુત્ર તરીકે તેઓ રાજકુમાર તરીકે રહ્યાં હતાં.

* આધ્યાત્મિક શોધ

મહાવીરના સમયનું ભારત
ત્રીસ વર્ષની ઊંમરે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો. તેમણે તેમનું રાજ્ય, પરિવાર અને ભૌતિક સુખો આદિનો ત્યાગ કર્યો અને ૧૨ વર્ષ સંયમી જીવન ગાળ્યું.આ ૧૨ વર્ષ દરમ્યાન તેમણે મોટા ભાગનો સમય ધ્યાન અને આત્મચિંતનમાં ગાળ્યો. તેઓ માનવ, પ્રાણી અને વનસ્પતિ સહીત સર્વ જીવોની જતના કરતાં અને તેમને દુ:ખ ન પહોંચે તેનું ધ્યાન રાખતાં. તેમણે વસ્ત્રો સહીત વિશ્વની સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યો અને વીતરાગી ત્યાગમય જીવન જીવતાં. સાધના અને તપના સમય દરમિયાન તેમણે પોતાની ઈંદ્રીય પરના અનન્ય કાબુ અને સહનશીલતા નું પ્રદર્શન કર્યું. તેમની આવી વીરતાના પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું. આધ્યાત્મીક સફરનો આ તેમનો સુવર્ણ કાળ હતો જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી.

* સંયમી જીવન

કલ્પસૂત્ર નામના જૈન ગ્રંથમાં મહાવીર સ્વામીના સંયમી જીવનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે.

સંયમી સાધુ મહાવીરે એક વર્ષ અને એક મહીના સુધી વસ્ત્રો ધારણ કર્યાં; ત્યાર બાદ તેઓ નિર્વસ્ત્ર જ ફરતાં, અને પોતાના ખોબામાં જ આહાર વહોરીને ખાતા. બાર વર્ષ સુધી ત્યાગી જીવન ગાળ્યું તે દરમ્યાન તેમણે શરીરની જરા પણ પરવા ન કરી, તેની જરા પણ શાતા સારવાર ન કરી. માનવ, પ્રાણી કે સંજોગો દ્વારા થતા સારા કે ખરાબ સૌ અનુભવો સમતા ભાવે સહન કર્યાં.

* પાછલા વર્ષો

પાછલા વર્ષો મહાવીરે ભારતના લોકોને આત્મીક મુક્તિનો શાસ્વત સત્ય માર્ગ બતાવવામાં કર્યો. તેઓ ખુલ્લા પગે અને નિર્વસ્ત્ર ફરતાં, વાતાવરણનેએ તીવ્રતા સહન કરતાં, જીવનના કોણ પણ સ્તર પરથી તેઅમ્ની દેશના સાંભળવા આવેલા માણસોને મળતાં. એક સમયે મહાવીરના ૩૭,૦૦૦,૦૦૦ અનુયાયીઓ હતાં. મહાવીરની દેશના અને જૈન તત્વજ્ઞાન સમજાવવા માટે કરેલા શ્રમને પરિણામ સ્વરૂપ જૈન ધર્મના ફેલાવાને બળ મળ્યું.

૭૨ વર્ષ અને સાડા ચાર માસની ઊંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં જૈન વર્ષના અંતિમ દિવસ દિવાળીના દિવસે નિર્વાણ પામ્યાં. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈનો ઉત્સવ મનાવે છે. કિન લોકો માને છે કે ભ્ગવાન મહાવીરનું અસ્તિત્વ કાળ ઈ. પૂ. ૫૯૯-૫૨૭ હતો જ્યારે અમુક વિદ્વાનો માને છે આ કાળ ઈ.પૂ.૫૪૯-૪૭૭નો હતો.

* પૂર્વ જન્મો

ત્રેસઠ શલાકા પુરુષ અને ઉત્તર પુરાણ જેવા અનેક પ્રાચીન ગ્રંથોમાં મહાવીરના પૂર્વ જન્મનો ઉલ્લેખ આવે છે. સંસાર ચક્રમાં રહેતાં જીવ અનંત જન્મ લે છે. તીર્થંકરોના જન્મના કાળની ગણના ત્યારથી થાય છે જ્યારથી તેઓ સમયક્ત્વ કે તીર્થંકર નામ ગોત્ર કર્મ પામે છે. તીર્થંકરના ભવ પહેલાં જૈન દર્શનમાં ભગવાન મહાવીરના ૨૭  ભવોનું વર્ણન આવે છે.

તે આ પ્રમાણે છે.

01. નયસાર – ગામના મુખી, જેમણે જૈન સાધુનોઇ ઉપદેશ સાંભળીની અર્ધ આત્મજ્ઞાન મેળવ્યું.
02. દેવ – પ્રથમ સુધર્મ દેવલોક
03. મરિચિ રાજકુમાર – પ્રથમ તીર્થંકર ઋષભ દેવના પૌત્ર.
04. દેવ પાંચમા બ્રહ્મ દેવલોક
05. કૌશિક– બ્રાહ્મણ
06. પુષ્યમિત્ર– બ્રાહ્મણ
07. દેવ પ્રથમ સૌધર્મ દેવલોક
08. અગ્નિદ્યોત – બ્રાહ્મણ
09. દેવ બીજું ઈશન દેવલોક
10. અગ્નિભૂતિ – બ્રાહ્મણ
11. દેવ- ત્રીજું સુધર્મ
12. ભારદ્વાજ – બ્રાહ્મણ
13. દેવ – ચોથું મહેન્દ્ર
14. સ્થવીર – બ્રાહ્મણ
15. દેવ- પાંચમા બ્રહ્મ દેવલોક
16. રાજકુમાર વિષ્ણુભૂતિ
17. દેવ સાતમું મહાશુક્ર
18. ત્રિપુષ્ટ વાસુદેવ – કાલચક્રના પ્રથમ વાસુદેવ
19. નારક સાતમી નરકમાં
20. સિંહ
21. નારક ચોથી નરકમાં
22. માનવ (નામ અજ્ઞાત)
23. પ્રિયમિત્ર – ચક્રવર્તી (સાત ખંડના અધિપતી)
24. દેવ – સાતમું મહાશુક્ર દેવલોક
25. નંદન રાજકુમાર – તેમણે સ્વ-નિયંત્રણ દ્વારા તીર્થમ્કર નામ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું.
26. દેવ – દસમું પ્રાણત દેવલોક
27. વર્ધમાન મહાવીર (અંતિમ ભવ)

* આધ્યાત્મ

મહાવીર સ્વામીની દેશનાને ગણધર તરીકે તેમના તેમના શિષ્યોએ સૂત્રમાં ગૂંથીને શ્રાવ્ય જ્ઞાન રૂપે સાચવ્યું. સમય વીતતો ગયો તેમ ઘણાં આગમ સૂત્રિ ભૂલાતાં ગયાં અને નામશેષ થયાં કે બદલાઈ ગયાં. મહાવીરના નિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી આ આગમ સૂત્રોને પાંડુ લિપી પર લેખિત કરાયાં. શ્વેતાંબર જૈનો આને મૂળભૂત શિક્ષા તરીકે અપનાઅવે છે જ્યારે દિગંબરો આને સંદર્ભ તરીકે માને છે.
મહાવીરના સમય પહેલાં પણ જૈનત્વનું અસ્તિત્વ હતું અને તેમની શિક્ષા તેમના પૂરોગામી અનુસાર જ હતી. આમ મહાવીર એક વિહરમાન ધર્મના પરિવર્તક કે ઉદ્ધારક કે પ્રસારક હતાં. તેમણે આગલા તીર્થંકર પાર્શ્વનાથના ચીલાને આગળ ચલાવ્યો.જો કે મહાવીરે તેમના સમ્યમાં પ્રચલિત સમાજ વ્યવસ્થા અનુસાર આધ્યાત્મના નિયમો રચ્યાં.
મહાવીર નિર્વાણ પછી જૈન સંઘવધુ અને વધુ જટિલ બનવા લાગ્યો. નાના મુદ્દે મતભેદો પડવા લાગ્યાં જોકે મહાવીરની મૂળભૂત સીખમાં કાંઈ ફરક ન હતો. પાઘળની પેઢીઓમાં ક્રિયા કાંડો આદિ પ્રવેશ્યાં.

* ગ્રંથો
મહાવીર સ્વામીનું જીવન દર્શાવતા ઘણાં પુઇસ્તકો જૈન સાહિત્યમાં છે. જેમાં સૌથી પ્રમુખ છે આચાર્ય ભદ્રબાહુ – રચિત કલ્પસૂત્ર. ઈ.સ ૮૫૩માં મહાવીરનું ચરિત્ર સૌ પ્રથમ વખત સંસ્કૃતમાં “વર્ધમાનચરિત્ર” અસાગ દ્વારા લખાયું.

જૈન ધર્મમાં દેવ દર્શન, દેવ વંદન, પૂજાનું મહત્વ, પ્રભુદર્શનનું ફળ અને સ્નાત્ર પૂજાનો ભાવાર્થ

3        

|| જૈન ધર્મમાં દેવ દર્શન, દેવ વંદન, પૂજાનું મહત્વ, પ્રભુદર્શનનું ફળ અને સ્નાત્ર પૂજાનો ભાવાર્થ   ||

|| મૂર્તિ ||

મૂર્તિ શું છે ? તે પ્રતીક છે. જે નિરાકાર છે, જેને જોઇ શકતા નથી અથવા સ્પર્શ કરી શકતા નથી, કે જેનું વર્ણન ન કરી શકાય, તે પરમ દિવ્યતાને જોવા અને સમજવા માટે તમને એક માધ્યમની જરૂર છે. અને તે એ મધ્યમ છે, જેને તમે એક મૂર્તિ કહો છો. ભગવાન મૂર્તિમાં રહેતા નથી, પરંતુ એક મૂર્તિ તમને ભગવાન તરફ નિર્દેશ કરે છે.

ઘાતુ, પથ્થર, દાંત, લાકડું, સિમેન્ટ, પ્લાસ્ટર ઓફ પેરીસ, કાચ, રેતી, પ્લાસ્ટિક કે માટી વગેરેનો ઉપયોગ કરી દેવ-દેવી વગેરેની બનાવવામાં આવેલી પ્રતિમાને મૂર્તિ કહેવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં સૌથી મહત્વના તેમ જ વિશ્વમાં સૌથી પ્રાચીન ગણાતા હિંદુ ધર્મના લોકોમાં મુર્તિ પૂજાનું ખુબ જ મહત્વ છે. હિંદુ ધર્મમાં, મૂર્તિ એટલે, ચિત્ર કે ધાતુ, પથ્થર, લાકડું, હાથીદાંત વગેરેની બનાવેલી શરીર પ્રતિમા, પૂતળું, બાવલું, જેવા શિલ્પ સ્વરૂપે, દૈવીઆત્માને વ્યક્ત કરતું (મૂર્ત) સ્વરૂપ. દૈવી ભક્તિમાર્ગમાં મૂર્તિ પૂજાના માધ્યમે ઈશ્વર સાથે વ્યક્તિગત પણે ઊંડો પ્રેમ સંબંધ જોડવાની લાગણી મધ્યસ્થ હોય છે. મૂર્તિને ઈશ્વરનું સ્વરૂપ માની ભક્ત તેની સેવાપૂજા કરે છે, સવારે મૂર્તિને જગાડે છે, સ્નાન, શણગાર, ભોજન, પ્રસાદ, આરતિ, શયન જેવી વિધિઓ દ્વારા મૂર્તિના માધ્યમે ઈશ્વર સાથેનો પોતાનો પ્રેમ સંબંધ અને ભક્તિભાવ વ્યક્ત કરવાનો આશય હોય છે

મૂર્તિની આવશ્યકતા સંબંધમાં ભગવદ્ગોમંડલમાં લખ્યા પ્રમાણે, વિદ્યાવિજયજી મહારાજ જણાવે છે કે, અસલી વસ્તુ આપણી પાસે નથી, તો તેની પિછાણ માટે તેની આકૃતિ એક મોટું સાધન છે. સાધુની પિછાણ તેના ભેખથી થાય છે. જુદા જુદા પ્રાંતના લોકોને તેના પહેરવેશથી ઓળખી શકીએ છીએ. તે પ્રમાણે સાક્ષાત્ પરમાત્મા અહીં નથી અને મૂર્તિ તેની સાક્ષાત્ પ્રતિકૃતિ ન હોવા છતાં પણ શાસ્ત્રોમાં વર્ણવેલ તેમના રૂપ અનુસાર તેની મૂર્તિ બનાવી, તે મૂર્તિમાં તેમનો આરોપ કરીને એ મૂર્તિ અમારા પરમાત્મા સમાન છે અને આ મૂર્તિથી અમે વીતરાગ દશા પ્રાપ્ત કરી શકીએ છીએ એમ માનવું જોઈએ. પરમાત્માથી જેટલો ફાયદો છે તેટલો તેની મૂર્તિથી પણ છે.

|| મૂર્તિ પૂજા એક વૈજ્ઞાનિક ખોજ ||

વૈજ્ઞાનિક સત્ય છે કે દરેક કાર્યની સફળતા એકાગ્રતા પર નિર્ભર કરે છે. ધ્યાન કે એકાગ્રતા દ્વારા જ કોઇ કાર્યને સંપૂર્ણ શક્તિ અને સામર્થ્ય સાથે કરી શકાય છે. ધ્યાન અથવા એકાગ્રતા માટે કોઇ વિષય, કેન્દ્ર કે આકૃતિ હોવી આવશ્યક છે. ઈશ્વર સાથે જોડાવા માટે તો આનાથી પણ વધારે એકાગ્રતા કે ધ્યાનની આવશ્યકતા હોય છે.

માની શકાય કે ઈશ્વરનો કોઇ નિશ્વિત આકાર કે રૂપ નથી હોતું. પણ મનને નિરાકારમાં કેન્દ્રિત કરી શકાતું નથી. આપણે પરમાત્માના કોઇ નામને લિપિ અનુસાર અક્ષરોમાં કેન્દ્રિત કરી શકીએ છીએ કે કોઇ મૂર્તિમાં તેનું આરોપણ ચોક્કસ કરી શકીએ છીએ. વૈદિક કાળમાં જ્યારે કોઇ મૂર્તિ કે મંદિર ન હતા ત્યારે અગ્નિ પ્રગટાવી તેમાં હવન સામગ્રી નાખી કોઇ દેવતાના નામનું આહ્વાન કરવામાં આવતું હતું. ત્યારબાદ ઉપનિષદોના જાણકાર યજ્ઞની પ્રક્રિયા છોડીને ઓમ્ અક્ષર પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા.

એક સમયે ભગવાન મહાવીરની મૂર્તિઓને અત્યંત જન સમર્થન મળવાને લીધે વિભિન્ન સંપ્રદાયોએ મૂર્તિ પૂજાને આધાર બનાવ્યો. મંદિર, મસ્જિદ કે ચર્ચનું નિર્માણ પણ મૂર્તિમાં રાખવામાં આવેલો વિશ્વાસ જ છે. વૈદિક આર્યો તો મંદિરનું નિર્માણ પણ કરતા ન હતા.

ભક્ત મંદિરમાં જાય છે. ભગવાનની મૂ‍ર્તિને દૂધ, ફૂલહાર ચડાવે છે, અને બે હાથ જોડીને તેની પૂજા યાચના કરી ભગવાનનું સાક્ષાત સ્‍વરૂપ માનીને પોતાની ઈચ્‍છા મુજબનું વર તેની પાસેથી માગે છે, ભગવાનની સુંદર મૂર્તિને આપણે પૂજા-પઠ કરીએ, તેને જોઈને આપણા દુઃખ દૂર કરનાર કોઈ ચેતન અસ્તિત્‍વ ધરાવે છે. તેવી મનમાં અનુભૂતિ થાય, આપણને જીવનના પડકારો સામે લડવાની હિંમત મળે તો તે મૂર્તિમાં ભગવાન છે કે તે માત્ર પથ્‍થરની છે. એ બાબતનું કોઈ મહત્‍વ ખરૂં ? આપણે કશું પ્રાપ્‍ત કરવું હોય તો માધ્‍યમ તો બનાવવું જ પડે, અને જો સાકાર મૂ‍ર્તિને માધ્‍યમ બનાવી નિરાકાર ઈશ્‍વર પસે જવાતું હોય તો તેમાં ખોટું શું છે ? ટુંકમાં જો ઇશ્‍વર નિરાકાર હોય તો પણ તેનું ધ્‍યાન ધરવા માટે આપણી સમક્ષ કશુંક તો સાકાર હોવું જોઈએ ને.

હક્કિતમાં ભગવાનની મૂ‍ર્તિને ભગવાનનું જ સ્‍વરૂપમાની પ્રતિક તરીકે ઉપયોગમાં લેવાતી મૂર્તિમાં ઈશ્‍વરની સાધના કરતા ભક્તની એક પ્રકારની ભાવના જ વ્‍યકત થાય છે. આ તત્‍વજ્ઞાન સમજાય જવાનું હોય શ્રીમદ્ ભાગવત્ માં છે. એકવાર ઉદધવજીએ કૃષ્‍ણઘેલી ગોપીઓને કૃષ્‍ણનો મોહ છોડવા અને તેના તાત્‍વીક સ્‍વરૂપનું પૂજન કરવા જણાવ્‍યું, પરંતુ ગોપીઓએ ઉદધવજીને જણાવ્‍યું કે સમગ્ર બ્રહ્માંડમાં દરેક મનુષ્‍ય, પ્રાણી, પક્ષી, જીવનમાં વ્‍યાપેલ કૃષ્‍ણ અમારે જોઈતો નથી, અમને તો અમારી કૃષ્‍ણ જોઈએ છીએ, ઈશ્‍વર તાત્‍વીક અને નિરાકાર હોય તોપણ તેના પ્રતિક સમાન રહેલી મૂ‍ર્તિ ઈશ્‍વર અને આપણી વચ્‍ચે જોડતી કડી તો છે જ. આ રીતે ભગવાનના મંદિરમાં રહેલી મૂર્તિ એક મહાન શક્તિ છે પરંતુ આ મૂ‍ર્તિમાં જ ભગવાન છે અને માત્ર તેની પૂજા અર્ચના કરવામાં જ બધુ આવી જાય છે, તેના સિવાય મનુષ્‍યનું ચારિત્ર્ય, કર્મો વગેરેનું કોઈ મહત્‍વ નથી તે રીતે માત્ર આડંબરયુક્ત રીતે મૂર્તિની પૂજા કરવામાં આવે છે એ પણ ખોટું છે. હક્કિતમાં આ રીતની પૂજા તે મૂ‍ર્તિનું જ નહિ, ખુદ ભગવાનનું પણ અપમાન છે. જયારે બીજીબાજુ લોકોની ભાવનાને સમજયા વગર મૂર્તિને માત્ર એક પથ્થરમાંની તેનો વિરોધ કરવામાં પણ કોઈ બુધ્ધિમતા નથી.

ભગવાનની મુ‍ર્તિની પૂજા કે તેના નિરાકાર સ્‍વરૂપનું પુજન, બંને વસ્‍તુ માનસશાસ્‍ત્રીય છે. વ્યક્તિની ભાવના કેવી છે તે બાબત જ અગત્‍યની છે. એક મૂ‍ર્તિ ભગવાન માટે ભવસાગર તરવાનું માધ્‍યમ હોઈ શકે, એક કલાકાર માટે શિલ્‍પકળાનો નમૂનો પણ હોઇ શકે, ચિત્રકાર માટે ચિત્ર હોઈ શકે જયારે નાના બાળક માટે એક રમકડું પણ હોઈ શકે. આ મૂ‍ર્તિને શંકરાચાર્ય જેવી વિભૂતિએ ભગવાનનું સ્‍વરૂપ માની તેની પૂજા કરી છે, જયારે અલ્‍લાઉદીન ખીલજી જેવાએ તેનું ખંડન કરવામાં પણ કોઈ હિચકિચાટ અનુભવ્‍યો નથી.

|| ધાર્મિક મહત્વ ||

ભારતીય આધ્યાત્મિક જગતમાં સગુણ અને નિર્ગુણ , આ બે સ્વરુપે ભગવાનની ઉપાસના થાય છે. શાસ્ત્રકારોએ ત્રણ પ્રકારની પૂજા બતાવી છે:

(૧) સ્મરણપૂજા

એકાંતમાં શાંત જગ્યાએ બેસી પરમાત્માનું સ્મરણ કરવું, તેની માળા ફેરવવી તે સ્મરણપૂજા.

(૨) દર્શનપૂજા

જેનું સ્મરણ કરીએ છીએ, તેનાં દર્શનની ઈચ્છા થાય છે. સાક્ષાત્ પરમાત્માનું દર્શન થવું તો દુર્લભ છે, તેથી તેની મૂર્તિનાં દર્શનથી આપણે પ્રસન્ન થઈએ છીએ.

(૩) સ્પર્શનપૂજા

દર્શન પછી તે વસ્તુ ઉપર વધારે પ્રેમ જાગ્રત થાય તો તેને ભેટવાની ઈચ્છા થાય છે. તેને ભેટીને આપણે તલ્લીન થઈ જઈએ છીએ. આ સ્પર્શનપૂજા છે.

(વેદાંત સાહિત્ય, શ્રુતિમાં એક શ્લોક)

જ્યારે કોઇ વ્યક્તિ પૂછે ભગવાન ક્યાં છે, ત્યારે જ્ઞાનીઓ આ શ્લોક કહી ઉત્તર આપે છે. જેનો અર્થ એ થાય છે કે ‘મનુષ્ય માટે પ્રેમ સ્વયં ભગવાન છે; બુદ્ધિશાળી લોકો દિવ્ય ગુણો અને દિવ્ય શક્તિઓ માં ભગવાનને જુએ છે; ઓછા બુદ્ધિશાળી લોકો લાકડા અથવા પથ્થર મૂર્તિ માં ભગવાનને જુએ છે; પરંતુ જ્ઞાનીઓ પોતાના આત્મામાં ભગવાન ને જુએ છે ‘.

|| પ્રભુદર્શનનું ફળ ||

* દેરાસર દર્શન કરવા જવાનો વિચારમાત્ર કરવાથી ૧ ઉપવાસનું ફળ મળે છે.

* દેરાસર જવા માટે ઊભા થતા છઠ્ઠ (ર ઉપવાસ)નું ફળ મળે છે.

* પગ ઉપાડતા અઠ્ઠમનું (૩ ઉપવાસ)નું.

* આગળ વધતાં ૪ ઉપવાસનું.

* અડધે રસ્તે પહોંચતા ૧પ ઉપવાસનું.

* જિનાલય નજરે પડતા માસક્ષમણનો લાભ મળે છે.

* દેરાસર પાસે આવતા છ મહિનાના ઉપવાસનું ફળ મળે છે.

* ભગવાનના ગભારા પાસે આવતા વરસી તપનું ફળ.

* પ્રદક્ષિણા આપતાં, ૧૦૦ વર્ષના ઉપવાસનું ફળ.

* પ્રભુજીની પૂજા કરવાથી ૧૦૦૦૦ વર્ષના ઉપવાસનું ફળ.

* જિનબિંબને પ્રમાર્જન કરતા ૧૦૦૦ ના ૧૦૦ ગણા ઉપવાસનું ફળ.

* જિનબિંબને વિલેપન કરતા ૧૦૦૦ના લાખ ગણા ઉપવાસનું ફળ.

* જિનબિંબને પુષ્પમાળા ચડાવતાં અનંત લાખ ગણાં ઉપવાસનું ફળ મળે છે.

* ભગવાનની પૂજા ઉત્કૃષ્ટ ભાવ સાથે કરવાથી અનંતાનંત ઉપવાસનું ફળ મળે છે.
અને ભવાંતરે મોક્ષ પ્રાપ્ત થાય છે.

AAA

|| સ્નાત્ર પૂજાનો ભાવાર્થ ||

૧. જ્યારે જ્યારે તીર્થંકર પરમાત્મા તીર્થંકરપણે છેલ્લા ભવમાં જન્મે છે, ત્યારે ત્યારે દેવ-દેવીઓ પરમાત્માનો મેરુપર્વત ઉપર જન્માભિષેક કરે છે. તેનું સુંદર વર્ણન આ સ્નાત્ર પૂજામાં છે. આ પૂજા શ્રી વીરવિજયજી મહારાજશ્રીએ આશરે વિક્રમ સંવત ૧૮૮૫ માં બનાવી છે.

૨. તીર્થંકર પરમાત્માના જીવનમાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એમ કુલ પાંચ કલ્યાણકો થાય છે. જગતના જીવોનાં કલ્યાણ કરનારા પ્રસંગો તે કલ્યાણક કહેવાય છે.

૩. તીર્થંકર ભગવંતો જ્યારે સમ્યક્ત્વ પામે છે. ત્યારથી તેમના ભવોની સંખ્યા ગણાય છે. તીર્થંકર જે ભવમાં મોક્ષે જાય છે તેનાથી પૂર્વે ત્રીજા ભવમાં સંયમ લઈ, વિશિષ્ટ જ્ઞાન-ધ્યાન-તપ કરી, વીશસ્થાનકની આરાધના કરી મનમાં એવી ભાવના ભાવે છે કે મારી એવી શક્તિ ક્યારે આવે કે હું આ જગતના સર્વ જીવોને જૈનશાસનના રસિક કરૂં, ધર્મ પમાડું અને સંસારથી તારૂં. આવી ભાવનાથી જીવો ઉપર ભાવદયા કરી તીર્થંકર નામકર્મ બાંધે છે.

૪. ત્યારબાદ ઉત્કૃષ્ટ ધર્મ આરાધના કરી, મૃત્યુ પામી દેવલોકનો (અથવા કદાચ નરકનો જો આયુશ્ય કર્મ પહેલા બાન્ધ્યુ હોયતો) એક ભવ કરીને ત્યાંથી ચ્યવીને અઢીદ્વીપની અંદર પંદર કર્મભૂમિના (5 ભરત, 5 ઐરાવત 5 મહાવેદહ) મધ્યખંડમાં ??, રાજકુલમાં પરમાત્મા જન્મ પામે છે. જ્યારે પરમાત્મા માતાની કુક્ષીમાં આવે છે ત્યારે તેમના પ્રભાવથી માતા ચૌદ સુપન જુએ છે. હાથી-વૃષભ-સિંહ (?? બધાજ નામ) વિગેરે ચૌદ સ્વપ્નો આકાશમાંથી ઉતરતાં અને મુખમાં પ્રવેશ કરતાં સ્વપ્નો જોઈને માતા જાગે છે. માતા પોતાના પતિને સ્વપ્નો કહે છે. રાજા તે સ્વપ્નોના અર્થો કહે છે કે આ ચૌદ મહાસ્વપ્નો હોવાથી તીર્થંકર થનાર મહાપુત્ર જન્મશે.

૫. શુભ ઘડી આવે છે અને પરમાત્મા જન્મ પામે છે. તે વખતે પ્રથમ ૫૬ દિક્કુમારિકા દેવીઓ આવી શારીરિક પવિત્રતાનું કામ કરે છે. ત્યારબાદ સૌધર્મેન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ થયો જાણીને હરિણગમેષી દેવ પાસે પ્રભુનો જન્મ થયાનું અને જન્માભિષેક માટે મેરુપર્વત ઉપર આવવાનું સર્વદેવોને સુઘોષાઘંટા વગડાવવા દ્વારા જણાવે છે. સર્વે દેવો તુરત મેરુ પર્વત ઉપર આવી પહોંચે છે.

૬. પછી સૌધર્મેન્દ્ર પ્રભુના ઘરે આવે છે. માતાને પોતાની ઓળખાણ આપી, તેમને અવસ્વાપિની નિદ્રા આપી, બાલક પરમાત્માના જેવું બીજું બાલક બનાવીને માતા પાસે મુકીને, પોતે પાંચ રૂપ ધારણ કરીને પ્રભુને લઈને દેવ-દેવીઓના પરિવાર સાથે નાચતા-કુદતા ઘણા હર્ષ સાથે મેરૂપર્વત ઉપર આવી પહોંચે છે.

૭. ચારે નિકાયના (વૈમાનિક, જ્યોતીશ્ક, વ્યંતર, અને ભવંપતિ) ઘણા દેવ-દેવીઓ તથા ચોસઠે ઇન્દ્રો (??..) મેરૂ પર્વત ઉપર આવી પહોંચે છે. બારમા દેવલોકનો અચ્યુતેન્દ્ર હુકમ કરે છે. હે સર્વે દેવો ! તમે જલ્દી જાવો અને ક્ષીરસમુદ્રનું પાણી લઈ આવો. ઉત્તમ ઔષધીઓ લઈ આવો. આપણે ભગવાનનો અભિષેક કરીએ. તે સાંભળીને દેવો આકાશ માર્ગે ઉડીને સર્વ વસ્તુઓ તુરત લઈ આવે છે.

૮. આ જન્માભિષેકમાં કોઈક દેવો પોતાના ભાવથી આવે છે. કોઈક સ્ત્રીની પ્રેરણાથી આવે છે. કોઈક મિત્રની પ્રેરણાથી અને કોઈક કૌતુક જોવા માટે આવે છે. સોનાના, રૂપાના, માણેકના, એમ આઠ આઠ જાતિના આઠ આઠ હજાર કલશાઓ કુલ ૬૪૦૦૦ કલશાઓ ૧ અભિષેકમાં હોય છે. એવા ૨૫૦ અભિષેક જુદા-જુદા દેવ-દેવીઓના હોય છે. ૬૪૦૦૦ X ૨૫૦ = કુલ ૧,૬૦,૦૦,૦૦૦ કળશાઓથી પ્રભુનો અભિષેક કરે છે. ત્યારબાદ પરમાત્માને તેમના ઘરે પાછા લઈ જાય છે. . બત્રીસ ક્રોડ સૌનૈયા આદિની પરમાત્માના ઘરે વૃષ્ટિ કરે છે. અને અત્યન્ત હર્ષને પૂર્ણ કરવા નંદીશ્વર દ્વીપમાં જઈને અઠ્‌ઠાઈ મહોત્સવ કરે છે.

૯. મનમાં આવી શુભ ભાવના ભાવે છે કે પરમાત્મા જલ્દી મોટા થાય, દીક્ષા લે, અને અમને દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક ઉજવવાનો પ્રસંગ જલ્દી જોવા મળે. આવી ઇચ્છા રાખતા રાખતા પોત-પોતાના સ્થાને પધારે છે.

૧૦. આ પૂજા પૂજ્યશ્રી વીરવિજયજી મહારાજશ્રીએ બનાવી છે.

કર્મબંધથી પ્રભુ પણ અલિપ્ત નથી

|| કર્મબંધથી પ્રભુ પણ અલિપ્ત નથી ||

“ગોપાલક પ્રભુ મહાવીરના કર્ણયુગલમાં તીક્ષ્ણ શૂળકર્ષણ એટલે કે શૂળ ભોંકવાનો ઉપસર્ગ કરે છે. પ્રભુને તીવ્ર અશાતા વેદનીય કર્મ આ પ્રમાણે ભોગવવું પડે છે”

જૈ ન દર્શન અંતર્ગત આત્મા, કર્મ તથા સંસાર પરિભ્રમણનો સંવાદ આપણે કરી રહ્યા છીએ. કર્મના સંયોગથી આત્માનું સંસાર પરિભ્રમણ ગતિમાન રહે છે અને જ્યારે આત્મા કર્મબંધથી મુક્ત થાય છે ત્યારે અનંત કાળ સુધી પોતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. હા! એ સત્ય છે કે વિજ્ઞાાને આત્મા, કર્મ આદિના અસ્તિત્વનો સ્વીકાર નથી કર્યો. વિજ્ઞાાન ભાવનાને ગૌણ કરે છે, પરંતુ સંભાવનાની ઉપેક્ષા નથી કરતું અને તેથી જ જૈન દર્શનના ગંભીર તત્ત્વજ્ઞાાન પર પણ સંવાદ કરવો જોઈએ. આવા અભિગમમાં જ વૈજ્ઞાાનિકતા છુપાયેલી છે એવું ખુલ્લા મનથી સ્વીકારવું જોઈએ.

આત્મા કર્મબંધનનાં કારણોથી પ્રભાવિત થઈ પ્રત્યેક સમયે કર્મબંધ કરે છે. તો પ્રત્યેક પૂર્વે ઉર્પાિજત કરેલા કર્મના શુભ અથવા અશુભ પરિણામ પણ ભોગવે છે અને જે તે કર્મની નિર્જરા કરે છે. પ્રશ્ન અવશ્ય થાય છે કે જો કર્મબંધનનું પરિણામ ભોગવવાનું જ હોય તો દાન, શીલ, તપ અને ભાવરૂપી ચાર પ્રકારના ધર્મ અને પ્રચંડ પુરુષાર્થ કરવા શું આવશ્યક છે? શા માટે શરીરને આવું કષ્ટ આપવું? આ અભિગમમાં કોઈ તર્ક છે ખરો? ઉત્તર એ છે કે, ઉપરોક્ત દાન, શિયળ આદિ ધર્મનું આલંબન, પૂર્વે સંચિત કરેલાંં કર્મોની નિર્જરાનો ક્ષય પણ કરે છે અને જે કર્મનું પરિણામ અવશ્ય ભોગવવાનું છે તેવા કર્મના ફળ પ્રાપ્તિના સમયે શુભ અનુબંધ થાય એવી ભૂમિકાનું સર્જન પણ કરે છે અને તેથી જ ઉપરોક્ત ધર્મ વ્યર્થ પુરુષાર્થ નથી જ.

પૂર્વ અધ્યાયોમાં વિદિત કર્યા પ્રમાણે કર્મબંધનનાં કારણોથી પ્રભાવિત થઈ આત્મા જે કર્મનું ઉપાર્જન કરે છે તેના બંધના ચાર પ્રકાર છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને રસબંધ.

પ્રકૃતિબંધ એટલે કયા પ્રકારના સ્વભાવવાળા કર્મનું ઉપાર્જન કરવામાં આવે છે. જ્ઞાાન અને જ્ઞાાનીની અશાતના દ્વારા આત્માના જ્ઞાાન ગુણને આવરણ કરતાં જ્ઞાાનાવરણીય કર્મનું ઉપાર્જન થશે. દાન ધર્મનો અપલાપ કરવાથી દાનાંતરાય કર્મનો બંધ થશે. આ બંધ કર્મની પ્રકૃતિ નિર્ધારિત કરે છે.

પ્રદેશબંધ એટલે કાર્યણ વર્ગણાના જે પુદ્ગલ આત્મા કર્મરૂપે પરિણમાવે છે તેનો જથ્થો, સમૂહ.

સ્થિતિબંધ એટલે આત્મા સાથે કર્મને રહેવાનું સમયમાન, કાળ. કોઈક કર્મ એવા પ્રકારનું હોય કે જે અલ્પકાળ માટે આત્મા સાથે સંલગ્ન રહે છે તો કોઈક કર્મ એવા પ્રકારનું છે જે દીર્ઘકાળ માટે આત્મા સાથે સંલગ્ન રહે છે. સ્થિતિબંધ આ સમયમાનને નિર્ધારિત કરે છે.

રસબંધ ઉપાર્જન કરવામાં આવેલ કર્મનું સામર્થ્ય, તીવ્રતા નિર્ધારિત કરે છે. પરિણામની અપેક્ષાએ રસબંધ પ્રમાણે કર્મની તીવ્રતા આત્માએ ભોગવવાની છે. આત્મા જ્યારે કર્મનો બંધ કરે છે ત્યારે ઉપરોક્ત ચારે પ્રકારના બંધ નિર્ધારિત થાય છે અને તે પ્રમાણે તે કર્મનું પરિણામ પ્રાપ્ત કરે છે, પરંતુ દાન, શિયળ, તપ, ભાવ આદિ ધર્મ અને પુરુષાર્થ ઉપરોક્ત સ્થિતિ અને રસબંધને પ્રભાવિત કરી તેની માત્રા અને સમયમાનને ક્ષીણ કરે છે અથવા ક્ષય કરે છે. જે કર્મનું પરિણામ આત્માએ પ્રાપ્ત કરવાનું હતું તેમાં અવશ્ય હાનિ, ક્ષતિ કરી શકે છે. આ પ્રમાણે દાનાદિ, ધર્મ અને પુરુષાર્થ ક્યારે પણ વ્યર્થ જતા નથી. એક વ્યક્તિને પોતે કરેલા અપરાધના પરિપ્રેક્ષ્યમાં દસ વર્ષનો તીવ્ર કારાવાસ ભોગવવાનો દંડ થાય છે. તે વ્યક્તિ કારાવાસમાં સભ્ય વર્તન કરે અને સદ્જીવન માટે પુરુષાર્થ કરે તો તેના કારાવાસની અવધિ અને પ્રકારમાં અવશ્ય હાનિ કરવામાં આવે છે. તે વ્યક્તિએ કરેલા સદ્વર્તનનું પરિણામ તેને અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી જે કર્મનું પરિણામ આત્માએ પચાસ વર્ષ સુધી નિકૃષ્ટપણે ભોગવવાનું હતું તે કર્મ દાન, શિયળ આદિ ધર્મ પુરુષાર્થના કારણે આત્માએ હવે વીસ વર્ષ સુધી મધ્યમ રૂપે અથવા સામાન્ય કક્ષાએ ભોગવવાનું રહેશે. આ દૃષ્ટાંત આપણને સમજાવે છે કે ધર્મ આદિ પુરુષાર્થને ગૌણ કરવાના નથી, પરંતુ તે કરવામાં વધુ પુરુષાર્થ કરવાનો છે. આ અભિગમથી કર્મબંધનના પરિણામ સ્વરૂપે પ્રાપ્ત થતા પરિણામ સમયે જાગૃત રહેવાથી અને ધર્મ આદિ પુરુષાર્થ કરવાથી અનુબંધ શુભ રહેશે. પ્રભુ મહાવીર તેથી જ ફરમાવે છે કે, “એક સમયનો પણ પ્રમાદ કરવો નહીં.”

આ પ્રમાણે દર્શાવવામાં આવતા જાગૃતિ, ઉપયોગ સંસારના પરિભ્રમણનો અંત અવશ્ય આવશે. જે કર્મનું પરિણામ અવશ્ય ભોગવવાનું છે તે કર્મને નિકાચિત કર્મ કહેવાય છે. આવા નિકાચિત કર્મના ક્ષય માટે પણ શ્રી જિન પ્રભુએ તપધર્મ દર્શાવ્યો છે, જે ઉપાર્જન કરેલા કર્મની સ્થિતિ અને રસબંધને પ્રભાવિત કરી અવશ્ય નિર્મૂળ કરશે અથવા તો અનુબંધ શુભ પ્રકારનો જ કરશે. તે સમય નિકાચિત કર્મનું પરિણામ પ્રકૃતિ અને પ્રદેશ બંધથી પ્રાપ્ત થશે અને તેના રસ તથા સ્થિતિમાં ઘટાડો થશે. બંધ અને અનુબંધના સમયે જાગૃત રહેવું જોઈએ અન્યથા શ્રી તીર્થંકર ભગવાનને પણ કર્મનું પરિણામ અવશ્ય ભોગવવાનું હોય તો આપણા જેવો સરાસર આત્મા કેવી રીતે અપવાદ હોઈ શકે? દૃષ્ટાંત દ્વારા સંવાદ કરીએ.

પૂર્વ અધ્યાયમાં ગોત્રકર્મનો સંવાદ દૃષ્ટાંત દ્વારા કર્યો હતો. તે પ્રમાણે સમ્યકત્વ પામ્યા પશ્ચાત્ત પ્રભુ મહાવીરનો આત્મા ત્રીજા ભવમાં તીર્થંકર શ્રી આદિનાથ ભગવંતના પૌત્ર મરીચિ રૂપે હતો. મરીચિ પોતાના કુળનો મદ, અભિમાન કરી નીચ ગોત્ર ઉપાર્જન કરે છે અને જેના પરિણામ સ્વરૂપ તત્પશ્ચાત્ત અનેક ભવમાં એવું કુળ પામે છે જ્યાં ભિક્ષા દ્વારા નિર્વાહ કરવાનો હોય છે. આ નીચ ગોત્ર કર્મનું વિશેષ રૂપે પરિણામ પ્રાપ્ત થયા છતાં શેષ રહેલું કર્મ પ્રભુ મહાવીરના અંતિમ ભવમાં ઉદયમાં આવે છે. પ્રભુએ દેવાનંદા માતાની કૃક્ષિમાં બ્યાસી દિવસ રહેવું પડે છે અને જ્યારે તે કર્મ શૂન્ય થાય છે ત્યાર પછી જ ક્ષત્રિયાણી, ઉચ્ચ ગોત્રીય માતા ત્રિશલાની કુક્ષિમાં પ્રભુના ગર્ભનું સ્થાપન થાય છે. આ પ્રમાણે ઉપાર્જન કરેલા નિકાચિત કર્મનું પરિણામ પ્રભુ મહાવીરના આત્માએ અંતિમ ભવમાં પણ ભોગવવું જ પડયું.

પ્રભુ મહાવીરનો આત્મા અઢારમા ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યો. જૈન ભૂગોળ પ્રમાણે લોકના મધ્યભાગમાં માનવલોક આવ્યો છે. જેને જૈન દર્શનની પરિભાષામાં તિર્ચ્છાલોક કહેવાય છે. આ માનવલોકની મધ્યમમાં જંબુદ્વીપ છે જેના દક્ષિણ વિભાગમાં છ ખંડવાળું ભરતક્ષેત્ર આવેલું છે. આ છ ખંડ અંતર્ગત ત્રણ ખંડનું આધિપત્ય જેમણે પ્રાપ્ત થાય છે તે વાસુદેવ કહેવાય છે. પ્રભુનો આત્મા, ત્રિપૃષ્ઠ વાસુદેવના આ ભવમાં તીવ્ર સાંસારિક સુખ ભોગવે છે. એક રાત્રિએ શય્યાપાલકને આજ્ઞાા કરે છે કે મને નિદ્રા આવે ત્યાં સુધી જ ગીત-સંગીત વહેતું રાખજો. ત્યાર પછી સંગીતને વિરામ આપજો, પરંતુ ગીત-સંગીતમાં મગ્ન બનેલો શય્યાપાલક આ આજ્ઞાા વિસરી જાય છે અને સંગીત વહેતું જ રાખે છે. નિદ્રાધીન થયેલા વાસુદેવનેે જ્યારે આ ખ્યાલ આવે છે ત્યારે તીવ્ર ક્રોધી બની શય્યાપાલકના કાનમાં ધગધગતા સીસાનો રસ રેડવાની સજા કરે છે. નિકૃષ્ટ કક્ષાના આ પાપકર્મનું પરિણામ પ્રભુ મહાવીરના અંતિમ ભવમાં ઉદયમાં આવે છે અને પશુપાલન કરતો ગોપાલક પ્રભુ મહાવીરના કર્ણયુગલમાં તીક્ષ્ણ શૂળકર્ષણ એટલે કે શૂળ ભોંકવાનો ઉપસર્ગ કરે છે. પ્રભુને તીવ્ર અશાતા વેદનીય કર્મ આ પ્રમાણે ભોગવવું પડે છે. આપ શ્રી તીર્થંકર ભગવાન પણ અપવાદરૂપ નથી.

નિકાચિત કર્મનું આ સત્ય આપણને ચોક્કસપણે હતોત્સાહ કરે છે, પણ ત્યાં જ મીઠાં મધુરાં આશ્વાસન પણ મળે છે. “ક્ષમા ધર્મ સહિત જો તપ કરવામાં આવે તો નિકાચિત કર્મનો પણ ક્ષય કરી શકાય છે.” નિકાચિત કર્મનાં આ બંને સત્યો સંપૂર્ણપણે વિરોધાભાસી છે. છતાં પ્રભુની મૃષાવાદ, અસત્ય રહિત આ સ્યાદવાદ વાણી આપણને બોધ ફરમાવે છે કે નિકાચિત કર્મની સ્થિતિ અને રસમાં ક્ષમા સહિતના તપ દ્વારા હાનિ કરી શકાય છે અથવા તે કર્મનો ક્ષય કરી શકાય છે અને પ્રકૃતિ તથા પ્રદેશબંધ દ્વારા તે કર્મ ભોગવાઈ જાય છે.

તત્ત્વજ્ઞાાનના આ સંવાદ સાથે સમજવાનું છે કે તન પર છવાતી અશુચિનું નિવારણ કરવાનો ઉપાય ઉપલબ્ધ હોય તો અશુદ્ધ થતા રહેવું અને પછી ઉપાય કરી શુદ્ધ થવું એવું સમજવામાં અને તે પ્રમાણે વર્તન કરવામાં શાણપણ નથી. અશુદ્ધિ થાય તેવું કરવું જ નહીં અને અશુદ્ધ થઈ જવાય તો તેના નિવારણ માટે ઉપાય કરવો એવું સમજવામાં વિવેક રહ્યો છે. આ પ્રમાણે જ કર્મબંધ થવો જ નહીં જોઈએ અને કર્મબંધ થઈ જાય તો તેના નિવારણ માટે તપ કરીને શુદ્ધ થવું એવું સમજવું અને અનુબંધ શુભ પ્રકારનો જ હોવો જોઈએ એવી વિવેક દૃષ્ટિ રાખવી એ આ અધ્યાયનો સંદેશ છે.