શ્રી મૌન એકાદશી પર સુવ્રતશેઠની કથા

શ્રી ભગવાન નેમિનાથ અને કૃષ્ણાવાસુદેવ

|| શ્રી મૌન એકાદશી પર સુવ્રતશેઠની કથા ||

મૌન એકાદશી મનની શુધ્ધીનું પર્વ છે. મનની ગ્રંથીઓ નીકળે ત્યારે સાચા નીગ્રંથ બનાય છે. પ્રભુ મનના વિકારોથી મુકત બને છે. પ્રભુ, ગુરૂ અને ધર્મ પ્રત્યેનો સાચો સદ્દભાવ પૈસાથી ખરીદી શકાતો નથી. તેના માટે મનની શુધ્ધી જરૂરી છે. મૌન એકાદશીનું પર્વ પ્રવૃત્તિનું નહીં પણ નિવૃત્તિનું પર્વ છે.

મૌન એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે, જે વાણીના સંયમનું પર્વ છે. આ દિવસે ૧૦ ક્ષેત્રના થઇને ૧૫૦ કલ્યાણકો થતાં હોવાથી આ દિવસે કરેલી કોઇ પણ આરાધના-ઉપાસના,   તપશ્ર્વર્યાનું ફળ ૧૫૦ ગણું થઇ જાય છે.

ચૌમાંસી ચૌદશ વીત્યા પછી માગસર – સુદ અગિયારસ ને દિવસે મૌન એકાદશી નું પર્વ આવે છે, આ દિવસે ત્રણ ચોવીસી ના તીર્થંકરો ના ૧૫૦ (દોઢસો) કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે આ દિવસે ઉપવાસ કરનાર ને ૧૫૦ ઉપવાસ નું ફળ મળે છે. આવા ઉત્તમ ફળને આપનાર આ પર્વ ની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ.

એક વાર બવીશમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં પધાર્યા.તે વખતે કૃષ્ણમહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠા.પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી.દેશના ને અંતે કૃષ્ણ મહારાજે પૂછ્યું કે હે ભગવાન ! વર્ષના ૩૬૦ દિવસમાં એવો કયો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ વ્રતાદિ તપ ઘણું ફળ આપે છે ?

જવાબ માં પ્રભુએ જણાવ્યુ કે હે કૃષ્ણ ! માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે. કારણકે તે દિવસે ત્રણે ચોવીસીના તીર્થંકરોના ૧૫૦ કલ્યાણકો આવે છે. તે આ પ્રમાણે છે. આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ચોવીસીમાં આ દિવસે –

(1) ૧૮મા શ્રી અરનાથ પ્રભુની દીક્ષા થઇ હતી.
(2) ૨૧માં શ્રી નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
૩,૪,૫ અને ૧૯મા શ્રી મલ્લીનાથ પ્રભુના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન એમ ત્રણ કલ્યાણકો આ જ દિવસે થયા હતા.

એમ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં કુલ પાંચ કલ્યાણકો થયાં છે. એ પ્રમાણે કુલ પાંચ ભરતક્ષેત્રો અને પાંચ ઐરાવતક્ષેત્રોમાં પાંચ પાંચ કલ્યાણકો થયાં હોવાથી 50 કલ્યાણકો થયાં. આ પ્રમાણે વર્તમાન ચોવીસીના 50, અતીત(ગઈ) ચોવીસીના 50 અને અનાગત(આવતી) ચોવીસીના 50 એમ કુલ 150 કલ્યાણકો આ તિથિએ થયાં છે. માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ 150 ઉપવાસનું ફળ મળે છે. અને જે આ તપની વિધિપૂર્વક આરાધના કરે છે તેમના ફળનું તો કહેવું જ શું? આ તપ 11 વર્ષે પૂરો થાય છે. આ દિવસે મુખ્યતા મૌન જાળવવાનું હોવાથી આ દિવસ મૌન એકાદશી તરીકે ઓળખાય છે.”

કૃષ્ણ મહારાજે ફરીથી પૂછ્યું કે,હે ભગવંત ! પૂર્વે કોઈ ભાગ્યશાળી જીવે આ પર્વની આરાધના કારી છે ? તેમજ આરાધના કરવાથી તેને શુ ફળ મળ્યું ? તે કૃપા કરી જણાવો.ત્યારે ભગવંતે આ પર્વની આરાધના કરનાર સુવ્રત શેઠની કથા કહી,તેનો સાર આ પ્રમાણે છે.વિજયપુર નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય કરતો હતો,તેને ચંદ્રાવતી નામે રાણી હતી.તે નગરમાં સૂર નામે મોટો વેપારી રહેતો હતો.તે ઘણો ધનવાન તથા દેવ-ગુરુનો પરમ ભક્ત હતો.તે શેઠે એકવાર ગુરુને પૂછ્યું કે મારાથી રોજ ધર્મ થઇ શકતો નથી માટે મને એવો એક દિવસ કહો કે જે દિવસે કરેલો ધર્મ ઘણાં ફળવાળો થાય.તે વખતે ગુરુએ તેને મૌન એકાદશીનો મહિમા કહ્યો.તે દિવસે ચૌવિહાર ઉપવાસ,આઠ પહોરનો પૌષધ કરવો વગેરે વિધિ જણાવી .શેઠે આદર પૂર્વક તે તપ શરુ કર્યો અને વિધિપૂર્વક તે તપની આરાધના કરી.આયુષ્ય પૂર્ણ થયે શેઠ આરણ નામના અગિયારમાં દેવ લોકમાં દેવ થયાં.

ત્યાં દેવતાઈ સુખો ભોગવી ને આયુષ્ય પૂર્ણ થયે જંબુદ્વીપ ના ભરત ક્ષેત્રમાં સૌરીપૂરી નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રીતિમતી શેઠાણી ની કુક્ષિમાં પુત્ર પણે ઉત્પન્ન થયા.તે વખતે માતાને વ્રત પાળવાની ઈચ્છા થઇ.પુત્ર જન્મ વખતે બાળકના નાલને છેદીને ભૂમિમાં દાટતાં નીધાન (ધન) નીકળ્યું,તેનાથી પુત્રનો મોટો જન્મોત્સવ કર્યો.ગર્ભવાસ દરમિયાન માતાને વ્રત પાળવાની ઈચ્છા થઇ તેથી બાળક નું નામ સુવ્રત પડ્યું.સુવ્રત આઠ વરસ નો થયો એટલે ઉત્સવપૂર્વક તેને નિશાળે (સ્કુલે) ભણવા મુક્યો.ત્યાં તે સઘળી કલાઓ શીખ્યો.અનુક્રમે યુવાવસ્થા માં આવ્યો ત્યારે પિતાએ ૧૧ સુંદર કન્યાઓ પરણાવી.તેમની સાથે વિષય સુખ ભોગવતો તે કાળ પસાર કરતો હતો.સમુદ્ર શેઠે પુત્રની યોગ્યતા જોઈને તેને ઘરનો ભાર સોપ્યો અને પોતે સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મ કાર્યમાં સાવધાન થયા.અને અનસન કરી મરણ પામી દેવલોકમાં ગયાં.ત્યાર પછી સુવ્રત શેઠ અગિયાર કરોડ ધન ના માલિક થયાં.

એક વખત તે નગરના ઉદ્યાનમાં શીલ સુંદર નામે ચાર જ્ઞાનના આચાર્ય પધાર્યા.વન પાલકે વધામણી આપવાથી રાજા પરિવાર સાથે ગુરુને વાંદવા આવ્યો.તે વખતે સુવ્રતશેઠ પણ ગુરુને વાંદવ આવ્યા. આચાર્યશ્રીએ સભા આગળ ધર્મોપદેશ આપ્યો. તેમાં મૌન એકાદશીનું મહાત્ય્મ જણાવ્યું.મૌન એકાદશીના તપની હકીકત સાંભળી સુવ્રત શેઠને તેનો વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું.પોતે પૂર્વભવમાં આ આરાધના કરી તેથી દેવ બન્યા અને આ ભવમાં આવ્યા.પોતાનો પૂર્વભવ જાણી સુવ્રતશેઠ ઉભા થયા અને બે હાથ જોડી ગુરૂ મહારાજને વિનંતી કરી કહ્યું કે મારે અંગીકાર કરવા જેવો યોગ્ય ધર્મ બતાવો.

તે વખતે ગુરુએ સુવ્રતશેઠનો પૂર્વભવ વર્ણવીને કહ્યું કે તમે પૂર્વભવમાં મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું તેથી આ ભવમાં ઋદ્ધિ પામ્યા છો,અને હવે પણ તે તપ-વ્રત કરો.જેથી મોક્ષના સુખ પણ મળશે. શેઠે ભાવપૂર્વક મૌન એકાદશીનું વ્રત પોતાના કુટુંબ સાથે ગ્રહણ કર્યું.દર મૌન અગિયારસે શેઠ ઉપવાસમાં મૌન રહે છે એવું જાણવાથી ચોર લોકો તે દિવસે શેઠને ઘરે ચોરી કરવા આવ્યા.ચોરોને જોવા છતાં શેઠ મૌન જ રહ્યા,અને ધર્મધ્યાન માં નિશ્ચલ રહ્યા.ચોરો ધન લઈને ચાલવા લાગ્યાં ત્યાંજ શાસન દેવીએ ચોરોને થંભાવી દીધા,તેથી તેઓ ત્યાંથી ખસી શક્યા નહી.સવારે શેઠે ચોરોને એવીજ અવસ્થામાં ઉભેલા જોયા.પરંપરાએ આ વાત રાજા પાસે ગઈ એટલે રાજાએ ચોરોને પકડવા સુભટો ને મોકલ્યા.સુભટો ચોરોને મારે નહી એવો દયાભાવ મનમાં થવાથી તેમના તપના પ્રભાવે સુભટો પણ થંભી ગયાં.આ વાત જાણી રાજા પોતે ત્યાં આવ્યા.શેઠે રાજાનો આદર સત્કાર કર્યો.શેઠે નમીને ચોરોને અભયદાન અપાવ્યું.શેઠની ઈચ્છા જાણી શાસનદેવે ચોરો તથા સુભટોને મુક્ત કર્યા.આથી શાસન નો મહિમા વધ્યો.

એક વાર મૌન એકાદશી ને દિવસે નગરમાં આગ લાગી તે આગ નગરમાં ફેલાતી ફેલાતી શેઠના ઘર સુધી આવી લોકો એ શેઠને અને તેમના પરિવારને બહાર નીકળી જવા જણાવ્યું પણ પૌષધમાં રહલા સર્વ કાઉસગ્ગ ધ્યાન માં લીન થયા તેમનું ઘર,વખાર દુકાનો વગેરે સઘળું બચી ગયું.તે શિવાય આખું નગર બળી ગયું.શેઠની સંપત્તિ અખંડ રહેલી જોઇને સર્વે લોકો આશ્ચર્ય પામ્યા,જૈન ધર્મનો પ્રભાવ નજરે જોતા ધર્મનો જયજયકાર કરવા લાગ્યાં.તપ પૂરો થયો એટલે શેઠે મોટું ઉજમણું કર્યું.અને ધર્મના અનેક કાર્યો કર્યા.

સમય જતાં શેઠે ગુણસુંદર નામના આચાર્ય ભગવંત પાસે દિક્ષા લીધી.તેમની અગિયાર પત્નીઓ એ પણ તેમની સાથે દિક્ષા લીધી.એકવાર મૌન એકાદશીના દિવસે સુવ્રત મુની કાઉસગ્ગ માં રહ્યા હતા,તે વખત કોઈ મિથ્યાત્વી દેવે તેમની પરિક્ષા કરવા બીજા સાધુ ના શરીર માં પ્રવેશ કરી સુવ્રતમુની ને ઓઘો માર્યો.તે વખતે સુવ્રત મુનિ એ ક્રોધ ન કરતાં ક્ષમા પૂર્વક વિચારણા કરતા શુક્લ ધ્યાનમાં ચઢી ઘાતી કર્મનો ક્ષય કરી કેવલ જ્ઞાન પામ્યા.દેવોએ મોટો ઉત્સવ કર્યો.

સુવ્રતકેવલી અનેક જીવોને ધર્મ પમાડી છેવટે અનસન કરી મોક્ષે ગયાં.
આ પ્રમાણે શ્રી નેમિનાથ ભગવાને શ્રી કૃષ્ણ વાસુદેવને મૌનઅગિયારસ નો મહિમા કહ્યો.
કથા વાંચનાર ભવ્ય જીવો તમે પણ આ તપના આરાધક બનો……..

નોધ :- આ કથા શ્રી વીતરાગ પરમાત્મા મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને કહી હતી. આચાર્ય ભગવંતોએ સવાલાખ શ્ર્લોકમાં ગુંથી હતી. તેમાંથી સારરૂપ આ કથા છે.
 

Leave a comment