જો જો ! આપણી પ્રાર્થનામાં ક્યાંક ઈશ્વર સાથે સોદો તો નથી કરતા ને?

11   12

|| જો જો ! આપણી પ્રાર્થનામાં ક્યાંક ઈશ્વર સાથે સોદો તો નથી કરતા ને? ||

પ્રાર્થના એટલે સમગ્ર અસ્તિત્વને ભૂલી માત્ર ઈશ્વર સાથે સાન્નિધ્ય સાધવાનું ને તેના દિવ્યરૃપને માણવાનું. ધીમે ધીમે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ને નિષ્ઠા વધતા જશે એટલી જ આપણી પ્રાર્થનાનું સામર્થ્ય પ્રબળ બનતું જશે. પછી તો એવું થશે કે પ્રાર્થનામાંથી શબ્દો ક્રમશ: વિલીન થતાં જાય છે, રહે છે માત્ર મૌન સંવાદ, પ્રાર્થના દરમ્યાન ‘હું જીવ છું, તું શિવ નકી, હું ભક્ત, તું દેવ’ એવું ઐક્ય સધાતું જશે. ભક્તનો ભક્તિભાવ ને શરણાગતિનો ભાવ દૃઢ થતાં ભક્ત ઈશ્વરનું પ્રિય પાત્ર બની જાય છે. ભક્તને અભયવચન પણ અનાયાસે મળે છે કે, ”ચિંતનમાત્રે હાજર આ પદ માન, સ્મરણતાર ન તૂટશે, મુજ આશિષ માન.”

જીવનમાં ચઢાવ-ઉતાર એ નિયતિ છે. ખૂબ સુખ-શાંતિભર્યું જીવન જીવતાં હોઈએ, અચાનક કોઈ અણધારી ને વણકલ્પી ઉપાધિ કે ઘટના આવીને ઊભી રહે છે. આવા સમયે કોઈપણ ભગવદ્ ભક્ત વિહવળ ને બેબાકળો બની જાય તે સ્વભાવિક છે. દૂન્યવી માધ્યમોથી પણ એ આપત્તિ કે ઉપાધિ હલ થઈ શકતી નથી ને અંતે ઈશ્વર પાસે પ્રાર્થના કરવાનો સહારો લેવો પડે છે. આ એ જ ભક્ત છે કે જે પ્રાર્થના દરમ્યાન પોતાના ‘સ્વ’ને ભૂલી જતો હતો. આ પ્રાર્થના જુદી તરી આવે છે. એમાં ‘જો’ અને ‘તો’નો શબ્દપ્રયોગ થાય છે. આ એક સોદો છે, એક શરત છે. દરેક વર્ણ કે જાતિના લોકો પોતાના ઈષ્ટ દેવ-દેવીઓમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે. દેશમાં આવા દેવ-દેવીઓનાં પ્રસિદ્ધ મંદિરો કે તીર્થસ્થાનો આવેલા છે. પ્રાર્થનામાં ભક્ત આ દેવ-દેવીઓને કંઈક ભેટ ધરાવવાનો, બાધા-આખડી રાખવાનો સંકલ્પ કરે છે. તીર્થસ્થાનની યાત્રા કરવાનો કે યજ્ઞાયજ્ઞાાદિકે જેવી વૈદિક વિધિ કરાવવાનો નિર્ધાર કરે છે.

પણ આ બધું ક્યારે કે જ્યારે મારી ઉપાધિ દૂર થશે ત્યારે! પ્રાર્થના પૂરેપૂરી સ્વકેન્દ્રી છે. જગનિયંતા તો ભક્તને મદદ કરવા સદા તત્પર જ છે, તેથી તેની ઉપાધિ દૂર પણ થઈ જાય છે. આ બાજુ ભક્તની આવી પ્રાર્થનાથી ઈશ્વર નારાજ છે – ખિન્ન છે. તેને થાય છે કે મારા ભક્તની મારા માટેની શ્રદ્ધામાં અચાનક ઓટ આવી કે શું? એની નિષ્ઠા નંદવાઈ ગઈ કે એને મારી સાથે આવી ભેટ કે બાધાઓ જેવી ક્ષુલ્લક વસ્તુનો સોદો કરી બેઠો? એની ભાષામાં એક વેપારી બીજા વેપારી જોડે લેતી-દેતીનો સોદો કરે એવો રણકાર મેં અનુભવ્યો! મહાભારતના પ્રસંગનો સુંદર ઉલ્લેખ કર્યો હતો, જેમાં આવો જ કંઈક નિર્દેશ છે. વનવાસ દરમિયાન યુધિષ્ઠિરજી એક વખત એક વૃક્ષ નીચે ધ્યાનસ્થમુદ્રામાં બેઠાં હતાં.

દ્રોપદીજીનું અચાનક તેઓ તરફ ધ્યાન ગયું ને તેઓનું આવું દિવ્યરૃપ જોઈને ખૂબ ખુશ થયા. યુધિષ્ઠિરજી જ્યારે ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે દ્રોપદીએ પૂછયું કે ધ્યાનમાં તમે ઈશ્વરનાં દર્શન કર્યા તો તેઓને તમે કહ્યું નહીં કે આપણને આવી અસહ્ય યાતનામાંથી ઘોડાવે ? શત્રુઓ રાજ કરે ને આપણા જેવા જે સદા ધર્મપરાયણ રહ્યા, સત્યને પંથે ચાલ્યા તેવા ભક્તો વનમાં વનમાં ભટકતાં ફરે એવું કેમ? યુધિષ્ઠિરજી કહે છે કે દેવી! ધ્યાનાવસ્થા દરમ્યાન હું તો ઈશ્વરના દિવ્યસ્વરૃપમાં રમમાણ હતો, ને એ જ મારું લક્ષ્ય હતું. હવે આવી દિવ્યતા દરમિયાન હું કંઈક માગી બેસું તો મારું ધ્યાન-પ્રાર્થના મટીને ઈશ્વર સાથે મેં સોદો કર્યો એવી હીનતા હું અનુભવું.

ઉપરાંત અત્યારે આપણે સૌ જે કષ્ટો ભોગવીએ છીએ એ તો કર્માધિન છે, એમાં ઈશ્વર ક્યાંય આડો આવતો નથી! મહાન ઋષિ-મુનિઓ કે સંતપુરુષોને પણ પોતાના કર્મો ભોગવવા પડયા છે, શાસ્ત્રો એનું પ્રમાણ છે, તો આપણે સૌ તો શું વિસાતમાં? કર્મનો હિસાબ તો ચૂકવવો જ રહ્યો. દ્રોપદીજી વિદૂષી ને ધર્મનિષ્ઠ હતા તેથી તેઓને ભૂલ તરત જ સમજાઈ.

કશુંક માગો ને એ આપણને મળે તેમાં પ્રાપ્તિની મજા નથી. પછી ચાહેતે પરિવારજન તરફથી હોય, મિત્ર તરફથી હોય કે પ્રિયજન હોય. કોઈકની આપેલી વસ્તુ આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણો એટલે કે લેનારનો હાથ નીચે હોય છે, આપનારનો ઊંચો. એક પગથિયું નીચે ઉતરી ગયા. ઈશ્વર-ભક્તના સંબંધમાં કંઈક આવું છે. પ્રાર્થના નિરપેક્ષ હોવી જોઈએ. એક પ્રસિદ્ધ ગઝલકારે સરસ કહ્યું છે કે :

‘મારા હાથ, ને હું જો ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી,
પણ! હું માગું ને તે તું આપે એ વાત મને મંજુર નથી…’

‘શ્રદ્ધા હોય જો સાચી તો પુરાવાની જરૃર શી? કુરાનમાં ક્યાંય અલ્લાહની સહી નથી.’ પ્રાર્થનાની આવી જ એક આગવી ખુમારી છે, આગવું ગૌરવ છે. સાચો ભક્ત પોતાની શ્રદ્ધાના બળે ખુદ્દાર છે. સંસારની ક્ષુલ્લક બાબતો માટે પ્રાર્થનાનો સહારો લેવો એ પ્રાર્થનાનું અવમૂલ્યન છે.

'નિર્જળા એકાદશી'( ભીમ અગિયારસ)

4

|| ‘નિર્જળા એકાદશી'( ભીમ અગિયારસ)||

એક વર્ષની ચોવીસ અગિયારસ માં જે ખૂબ જ પુણ્યકારક અને શ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે નિર્જળા એકાદશી જેઠસુદ.૧૧. આ એકાદશી માતા કુંતા જી પોતાના પાંચે પુત્રો ને નિર્જળા એટલે કે જળ પણ નહીં પીવાનું તેવી કરાવતા હતા. પરંતુ ભીમસેન આ એકાદશી કરી શકાતા નહીં. પરંતુ યેન કેન  પ્રકારે માતા કુંતાજી ભીમ પાસે આ એકાદશી આવતી હોવાથી ભીમસેન ને કહ્યુ જાવ આજે અગિયારસ છે યમુનાજીમાં સ્નાન કરી આવ. અમે તો વહેલા સ્નાન કરી આવ્યા છીએ અને પ્રભુભજન  કરી લીધું છે. ભીમસેને કહ્યુ મા પહેલા ખીચડી ખાશુ, જમુના નાશુ ખીચડી ખાશું’. જપતો જપતો જમુનાજીમા સ્નાન કરવા માટે  નીકળી ગયો. પરંતુ ખાવાની ધૂન માં ને ઘૂન માં જમુનાજીનો  રસ્તો ભૂલી ગયો. અને અવળે રસ્તે ચડી ગયો.   રસ્તામાં એક નાની તલાવડી આવી અને એક શિવમંદિર આવ્યું.

મધ્યાનનો સમય હતો. ભીમે જાણ્યું આ જમુનાજી જ છે. એમ સ્મરણ કરીને તલાવડી નું બધુ જ પાણી શિવમંદિર માં ભરાયુ. આથી માતા પાર્વતિજી શિવને પૂછે છે, પ્રભુ.. ! આપણા મંદિરમાં આટલું બધું પાણી કેમ ભરાયુ, ત્યારે શિવજી કહે છે..

દેવી ! મારો એક ભક્ત તલવાડીમાં નહાવા પડયો છે તેથી  આ પાણી આપણા મંદિરમાં આવ્યુ છે, હવે આનો એક જ ઉપાય છે.  હું સિંહ બનું છું અને તમે ગાય બનો. તમને મારવા માટે હું દોડીશ એટલે ભીમસેન ને થશે આજે અગિયારસને દિવસે ગાયને મરવા ન દેવાય. આથી તે ઉભો થશે મને પકડવા અને તુરત જ પાણીં બધું મંદિરમાંથી ઉતરી જશે.

આમ કહીને  સિંહરૃપી શિવ પાર્વતીરૃપી ગાયને  મારવા દોડયા . તેથી ભીમસેને ઉઠીને સિંહને પકડી લીધો. પરંતુ સિંહના નખથી ભીમનું ડાબું પડખું આખું ચીરાઈ ગયું. તેથી ભીમ સેન પૂંછડી  પકડીને જેવો સિંહને મારવા જાય છે કે તુરતજ મહાદેવજી પ્રસનન્ન થયા. ભીમને દર્શન આપીને ડાબા પડખા ઉપર હાથ ફેરવીને તે વજ્ર જેવુ લોખંડી બનાવી દીઘું.

શિવ કહે છે, હે ભીમસેન… ! બીજું જે જોઈએ તે વરદાન માંગો. ભીમ કહે છે,’ વરદાન આપો મુજને હું ઝાઝો જોરાવર થાઉં, મ્હારી નજરે જેટલું દેખું તેટલું અન્ન હું ખાઉ. મહાદેવજીએ કહ્યું તથાસ્તુ. બીજું વરદાન માંગ.

ભીમે બીજું વરદાન માંગ્યું,’ કાચું ખાઉં, રોગ જરા નવ થાય, મ્હારાવતીનો શકુની મામો, ઝાડે ફરવા જાય.’ મહાદેવજી બોલ્યા અલ્યા ભોજન તૂં કરીશ અને દિશાએ જવા મામા જાય ? ભીમ કહે મારો શકુનિ મામો એનેજ લાયક છે.

આમ શિવ દર્શન કરી વરદાન મેળવી ભીમસેન ઘરે આવે છે. માતા કુંતાજીને બધી વાત કરે છે મા કહે છે, શિવે આજે મને એકાદશી કરવાની કહી છે.

આમ ભીમસેને જ્યારથી આ એકાદશી કરી ત્યારથી તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. તાત્વિક રીતે તે નિર્જળા એકાદશી કહેવાય છે.

આપણા હિન્દુધર્મમાં આપણે પણ અગિયારસ નું વ્રત કરીએ છીએ. પરંતુ તેમાં ફકત ફળાહારનું અપભ્રંશ કરીને ફરાળ અગિયારસ કરીએ છીએ, જે યોગ્ય નથી.

‘ આજે મારે એકાદશી ઉપવાસ. મેં બીજુ કાંઈ ખાઘુ નથી રે !
મેં વેઠયો ભૂખનો ત્રાસ. મેં બીજું કાંઈ ખાઘુ નથી રે !
‘ સીંગોળાનો શિરો કીધોને , રાજગરાની  પુરી!
શાક સુરણ નું ધીમાં કીધુ તોયે ન થાય સબુરી!
મેં બીજુ કાંઈ ખાઘુ નથી રે… !
‘મોરૈયા નો ભાત કીઘોને ,કઢી બનાવી તાજી !
દુધ બાળીને બાસુંદી કીઘી. મારા મનને કરાવારાજી !!
મેં બીજુ કાંઈ ખાધુ નથી રે… !
‘ સાંજ પડી  ત્યારે વેફર સાથે થોડો ચેવડો લીધો !
ચીકુનો મેં  હલવો મંગાવી, મારા મોં માં મૂકી દીધો !
મેં બીજુ કાંઈ ખાધુ નથી રે !
‘ હરતા ફરતા કેળા પપૈયા ને દ્રાક્ષની સાથે કેરી !
મોસંબી નો મેં રસ  પીધો, લોકો કહે મને લહેરી !!
મેં બીજું કાંઈ ખાધુ નથી રે !
‘ સુતિ વેળાએ દૂધ મંગાવી દોઢ સેર મેં પીધું!
રામ ભક્ત મેં  પુનિત થાવા. આવું એકાદશી વ્રત કીધું !!
મેં બીજું કાંઈ ખાધુ નથી રે !

પંચામૃતનુ મહત્ત્વ

9   10

|| પંચામૃતનુ મહત્ત્વ ||
દૂધ દહીં,ઘી,મધ અને સાકરથી યુક્ત પંચામૃત તમારા સ્નાન માટે લાવ્યો છું, માટે હે પ્રભુ! તેનો સ્વીકાર કરો.’
* પંચામૃતથી સ્નાન !
પૂજા કરતી વખતે આ મંત્ર આપણે કેટલીય વાર બોલીએ છીએ. સોપારીને મંત્રિત કરીને તેના ગણપતિ બનાવવાના અને તેને પંચામૃતનું સ્નાન કરાવવાનું. લક્ષ્મીપૂજનમાં લક્ષ્મીને પંચામૃતનું સ્નાન કરાવવાનું, બાલકૃષ્ણ અને ભગવાન શિવજીને પણ પંચામૃતનો અભિષેક કરી નવરાવવાના! પંચામૃતના અભિષેક વગર આપણી પૂજા અધૂરી જ રહે છે. ત્યારે ઘણી વાર થાય કે, પંચામૃતથી એટલે કે દૂધ, દહીં, સાકર, ઘી અને મધ આ પાંચેના મિશ્રણથી ભગવાનને નવરાવવાનું કારણ? અને આ પંચામૃતથી નવરાવ્યા પછી વળી પાછું તેને પાણીથી નવરાવવાનું! આ ઊલટો ધંધો કીધો કોણે? ઘી અને મધ ચોપડીને તે સ્નાન થતું હશે? સ્નાનનો હેતુ જ શુદ્ધિ છે તો પછી મધ ચોપડીને શુદ્ધિ ક્યાંથી આવી? ઘી લગાડીને કે સાકર ઘસીને શુદ્ધિ ક્યાંથી આવે?
તે પણ ભગવાનને આ પાંચેથી સ્નાન કરાવવાનું? ભલા ભગવાનને અને સ્નાનની જરૂર? એ વળી કયે દિવસે મલિન થવાના હતા?
પરંતુ આ પંચામૃત સ્નાન પાછળ એક સુંદર ઉન્નત ભાવ છે. તે સમજવો જરૂરી છે.
* પંચામૃત સ્નાન પાછળનો હેતુ
ભગવાનની પૂજા આપણા વિકાસ માટે છે. આત્મોન્નતિ માટે છે, નહિ કે ભગવાનને જરૂર છે માટે. જે રીતે ભગવાનને ચરણે ઘરેલું પુષ્પ એ આપણા જીવનપુષ્પનું પ્રતીક છે; આપણું જીવનપુષ્પ સુંદર, સુગંધિત અને કોમળ બનાવી ભગવાનને ચરણે ધરવાનું, રસયુક્ત ફળ આપણા રસમય જીવનનું પ્રતીક છે, તેવી રીતે પંચામૃત આપણા જીવનવિકાસને લક્ષમાં રાખીને જ કરવાનું હોય છે, પંચામૃત સ્નાન એ આપણા વિકાસનું દ્યોતક છે.
ભગવાનના મસ્તક પર જ્યારે પંચામૃતનો અભિષેક કરીએ છીએ, ત્યારે સફેદ,શુભ,ધવલ દૂધની ધાર દેખાય છે. દૂધ શુભ્ર છે. આપણું જીવન પણ શુભ્ર હોવું જોઈએ. આપણી કીર્તિ પણ દૂધ જેવી ધવલ હોવી જોઈએ. આપણું જીવન નિર્વિકારી, નિર્મળ અને પવિત્ર હોવું જોઈએ. આવું નિર્મળ જીવન પ્રભુને ચરણે ઓળધોળ કરવાનું. પયસ્નાન કરાવતી વખતે આપણું જીવન શુભ્ર બનાવવું છે, અને પવિત્ર થયેલા જીવનનો ભગવાન પર અભિષેક કરવાનો છે, તેનું સતત ધ્યાન રહેવું જોઈએ.
દૂધ એ જાણે આપણા ઊજળા યશનું પ્રતીક છે. દૂધની માફક આપણો એ ઊજળો યશ ઈશ્વરને સમર્પિત કરવાનો છે તેનો સતત ખ્યાલ રહેવો જોઈએ અને તે દૂધ પણ કેવું?
કામધેનોઃ સમુદ્ભત્ દેર્વિષપિત્તૃપિદમ્ ।
પયોદદમિ દેવેશ રુનાર્થ પ્રતિગુહ્યતામ્ ।।
‘કામધેનુ ગાયનું, દેવ, ઋષિ અને પિતૃઓને તૃપ્તિ આપનારું દૂધ હું તમને આપું છું. માટે હે પ્રભુ, તે દૂધનો તમે સ્નાન માટે સ્વીકાર કરો.’ પયસ્નાન પછી ભગવાનને દહીંથી નવરાવવાના.
ચન્દ્રમંડલસકાશંલશંસર્વદેવપ્રિયદધિ ।
રુનાર્થ તે મયાદત્તં પ્રીત્યર્થં પ્રતિગૃહ્યતામ્ ।।
‘ચંદ્ર જેવું સફેદ અને બધા દેવોને પ્રિય એવું દહીં, સ્નાન માટે અર્પણ કરું છું. કૃપા કરીને તેનો સ્વીકાર કરો.’
દહીમાં ‘સ્નેહ’ તો છે જ. પરંતુ દહીંનો એક વિશિષ્ટ ગુણ છે. દહીં બીજાને પોતાના જેવું બનાવે છે. અધમણ દૂધમાં ચમચો દહીં મેળવણ તરીકે નાંખીએ તો બધું જ દૂધ, દહીં બની જવાનું. આપણી બુદ્ધિ પણ આ દહીં જેવી, મેળવણ જેવી બનાવવાની. ગમે ત્યાં જઈએ પણ બુદ્ધિ પોતાનો રંગ ન બદલે, બીજામાં મેળવણની જેમ ભળી જાય. સહુમાં ભળે પણ પોતાનું વ્યક્તિત્વ હેમખેમ રાખો. બીજાને પોતાના જેવા સત્શીલ અને સત્વૃત્તિના બનાવે અને બીજાને પોતાના રંગે રંગી દે તેવી બુદ્ધિ (અર્થાત્ સત્માર્ગે રંગી દે તેવી) પ્રભુ ચરણે ધરવાની. જતન કરીને જાળવેલું દહીંરૂપ વ્યક્તિત્વ ઈશ્વરને સમર્પિત કરવાનું.
ભગવાનને દહીંનો અભિષેક કરવા પાછળનો, દહીંથી સ્નાન કરાવવા પાછળનો ભાવ સમજવા જેવો છે. અને આપણી બુદ્ધિ તેવી થાય તે માટે આપણે સતત જાગૃત રહેવું જરૂરી છે.
દધિસ્નાન થયા પછી ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવીએ છીએ અને શુદ્દોદકં સ્ત્રાનાસ્તે ધૃતસ્ત્રાનં સમર્પયામિ ।
ઘીનું વૈશિષ્ટય તેની સ્નિગ્ધતામાં છે.
ભગવાનને ધૃતસ્નાન કરાવતી વખતે આપણે સતત લક્ષમાં રાખવું જોઈએ કે, આપણું જીવન પણ ઘીના જેવું સ્નેહયુક્ત બનાવવું છે. આપણા બધા સંબંધો સ્નેહાળ રાખવાના છે. ફક્ત પ્રિય બોલીને, મીઠું બોલીને ન ચાલે. પણ આપણું જીવન પણ આવું બનાવવાનું છે.
ઘીથી સ્નાન કરાવતી વખતે
નવનીતસમુત્કા સર્વસંતોષકારમ્ |
ધૃતં તુમ્યં પ્રદાસ્યામિ સ્ત્રાનર્થં પ્રતિગૃહ્યતામ્ ।।
‘નવનીતમાંથી નિર્માણ થયેલું અને બધાને સંતોષ આપનારું’ ઘી’ હું સ્નાનાર્થે તમને અર્પણ કરું છું,તો કૃપા કરી તેનો સ્વીકાર કરો, બોલી ભગવાનને ઘીથી સ્નાન કરાવવાનું.
માનવીમાત્રને સ્નેહાળ હૂંફની જરૂર છે, પછી તે પતિની હોય કે પત્નીની, માતાની હોય કે પિતાની, ભાઈની હોય કે બહેનની, મિત્રની હોય કે સ્નેહીની, હૂંફ મળે તો જ જીવન વિકસિત થાય. આપણું જીવન પણ આવું સ્નેહયુક્ત બને, આપણા સહયાત્રીઓને (જીવનમાં) આવો સ્નેહ પીરસીએ. આપણી હૂંફ તેમને આપીએ, અને આવું સ્નેહાળ સ્નિગ્ધ જીવન ભગવાનને ચરણે ધરીએ, જ્યાં સ્નેહ છે, ત્યાં જીવનનો કલહ નથી, જીવનમાં કર્કશતા નથી, સર્વત્ર આનંદ જ આનંદ છે. જ્યાં સ્નેહનો ઉદધિ ઉછળતો હોય ત્યાં આનંદ અને ઉલ્લાસનો મધુર છંટકાવ જ હોય ને!
ઘીથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને મધથી સ્નાન કરાવવાનું.
સવૌંષધિસમુત્પન્નં પીયૂસદ્શંમધુ ।
સ્ત્રાનાર્થં તે પ્રચ્છામિ ગૃહણ પરમેશ્વર ।।
‘બધી ઔષધિઓથી ઉત્પન્ન થયેલા અમૃત જેવું આ મધ તમને સ્નાન માટે આપું છું. હે ભગવાન! તમે તેનો સ્વીકાર કરો.’
જીવનને દૂધના જેવું ધવલ-ઊજળું બનાવ્યું, પોતાનો રંગ ન બદલાતાં બીજાના જીવનને સત્શીલ બનાવે તેવા દહીં જેવી પ્રભાવી બુદ્ધિ તૈયાર થઈ. સ્નેહયુક્ત જીવન બને તે માટે ધૃતસ્નાન કરાવ્યું. પરંતુ કોઈને જીવનમાં મીઠી હૂંફ આપવી. એ પણ પૂરતું નથી. જો મધનું સ્નાન ન હોય તો સ્નાન અધૂરું ગણાય એમ જીવન પણ અધૂરું જ ગણાય. મધમાં મીઠાશ તો છે જ પણ તે પુષ્ટિદાયક છે. આપણું જીવન પુષ્ટ થયું હશે તો જ આ કરાળ કાળમાં આસુરી વૃત્તિને ખાળી શકીશું. જીવન પુષ્ટ થયું હશે તો શ્રીમદ્ વલ્લભાચાર્યે કહ્યું છે, તેમ ભગવાનનો – ભગવદ્ પ્રેમનો આનંદ માણી શકાશે.
જીવન એક સંગ્રામ છે, દૈવાસુર વૃત્તિનો સતત સંઘર્ષ ચાલે છે. જો પુષ્ટ જીવન નહીં હોય, તો લડી કેમ શકાશે? જીવન સામર્થ્યશીલ હોવું જોઈએ. ભક્ત કવિ સુરદાસ કહે છે, તેમ ‘અપબલ, તપબલ ઔર બાહુબલ, ચોથા હૈ બલરામ.’ જીવનને આ ચાર બળ મેળવીને પુષ્ટ કરવાનું અને પુષ્ટ થયેલું જીવન પ્રભુચરણે ધરવાનું. આત્મસમર્પણ કરવાનું.
મધુ સ્નાન પછી ભગવાનને છેલ્લે શર્કરાસ્નાન કરાવવાનું.
દક્ષુદંડસમુદ્ધતા દિવયશર્કરયાહરિમ ।
સ્ત્રાપયામિસદા ભકત્યાપ્રીતિ જીવસુરેશ્વર ।।
‘શેરડીમાંથી બનેલી આ પવિત્ર સાકરથી, હે ભગવાન, હું તમને ભક્તિથી સ્નાન કરાવું છું, તો મારા પર પ્રસન્ન થાઓ.’ આમ કહી ભગવાનને શર્કરાસ્નાન કરાવવાનું.
વાસ્તવિક ભગવાનને શર્કરાસ્નાન કરાવવા જેવી હાસ્યાપદ બીજી એકેય વાત નથી. પરંતુ તેની પાછળનું હાર્દ સમજવા જેવું છે. જીવનમાં શર્કરાની મીઠાશ લાવવાની છે. બધું જ હોય, પણ જીવનમાં મીઠાશ જ ન હોય તો તે જીવન શું કામનું? અને મીઠાશ વાણીથી વ્યક્ત થાય છે. આપણામાં કહેવત છે ને કે જેની જીભ કડવી તેનું બધું જ કડવું. તેથી ઋષિઓએ કહ્યું છે કે,’તું સાચું બોલે તે પણ પ્રિયકર બોલજે.’
સત્યં બ્રુયાત્ પ્રિયં બ્રુયાત્ નાપ્રિયં કદાચન । તો જીવનમાં મીઠાશ આવશે.
માનવીએ સમૂહમાં રહેવાનું છે, સમૂહમાં જીવવાનું છે અને સમૂહમાં રહેવું હોય તો જીવનમાં મીઠાશ લાવવી પડશે. સુભાષિતકારે કહ્યું છે. પ્રિય બોલવાથી સર્વેને આનંદ થાય છે, તો પ્રિય શા માટે ન બોલવું? અર્થાત્ વિકાસના શરૂઆતનાં પગથિયે ભલે ‘પોલિસી’ તરીકે પણ તું મીઠું બોલ, હળવે હળવે તારો સ્વભાવ થઈ જશે. પણ એ યાદ રાખજે કે તને પોલિસી તરીકે મીઠું બોલવાની ટેવ પડી ન જાય. નહીં તો તે દંભ ગણાશે.
માણસના મનની અવસ્થા એની વાણીમાં વ્યક્ત થયા વિના રહેતી નથી. મનનું આ માધુર્ય વાણી રૂપે વ્યક્ત થઈને વહે અને એની નરી મીઠાશ પણ જો ઈશ્વરને ચરણે નહિ ધરીએ તો આ જીવનની કડવાશ કેમ જશે?
* પંચામૃત સ્નાન-અમૃતમય જીવનનું પ્રતીક
માત્ર વાણીની મીઠાશ તો ખુશામતમાં પરિણમે. પરંતુ એ પ્રિય વાણીમાં આખુ હૃદય પારદર્શક રીતે પ્રગટ થતું હોય તો એ નર્યા સ્નેહનું પ્રતીક છે, ઘી એ આ હૃદયની સ્નિગ્ધતાનું સૂચન કરે છે, પયસ્નાન ઊજળા જીવનનું પ્રતીક છે. દધિસ્નાન એ બુદ્ધિને મેળવણી જેવી બનાવ, બીજાને પણ તારા જેવા સત્શીલ બનાવ એવું સૂચન કરે છે. આવું જીવન બનાવ્યા પછી- એટલે જીવનમાં સ્નેહ ભર્યો હોય, ભારોભાર મીઠાશ પણ હોય પણ એમાં જો રસાયણ પામેલી ર્સ્ફૂિત ન હોય તો એ યાંત્રિકતા જ બની જાય. મધુસ્નાન આપણને એ યાંત્રિકતામાંથી બચાવે અને જીવન પુષ્ટ કરવાની પ્રેરણા આપે. પંચામૃત સ્નાનની સમજણ આપતાં પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીએ સરસ કહ્યું છે, ‘પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવી તેમાંથી છૂટકારો ન લેતાં આપણું જીવન પણ આવું બનાવવાનું છે. તે માટે સતત જાગરૂક રહી પ્રયત્નશીલ રહેવાનું છે. આપણા જીવનમાં આ પાંચ ગુણો આવશે તો જીવન ઝેર જેવું ન લાગતાં અમૃત જેવું લાગશે.’
પંચામૃતસ્નાન એ આપણા અમૃતમય થયેલા જીવનનું પ્રતીક છે, અમૃતમય જીવન બનાવવાની સતત પ્રેરણા આપે છે. આવા જીવનથી પલાળી નાખવા તેનું સૂચક છે. તે ભાવ સમજી આપણે ભગવાનને પંચામૃત સ્નાન કરાવીએ.

 

સર્વ ધર્મ સમભાવ – ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું

1   2

|| સર્વ ધર્મ સમભાવ – ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું ||

|| સર્વ ધર્મ પ્રાર્થના ||

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું.

બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઈસુ પિતા પ્રભુ તું;
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું.

વાસુદેવ વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું.

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;

સાંખ્યબુદ્ધિ + યોગબુદ્ધિ + સાકાર સ્થિતપ્રજ્ઞ = મળીને સંપૂર્ણ જીવનશાસ્ત્ર બને છે.

આમાંથી બ્રહ્મનિર્વાણ અર્થાત મોક્ષ એ સિવાય બીજું શું ફલિત હોય ?
વિનાબા ભાવે : તો સાંભળો વધુ અને બોલો ઓછું
“જીવનમાં ક્યા પથ્‍યનું પાલન કરીએ ?” એક બહેને વિનોબાજીને પૂછ્યું.
બાબા કહે: “ભગવાને મનુષ્‍યને બે કાન આપ્‍યાં છે, જીભ એક છે. તો સાંભળો વધુ અને બોલો ઓછું. નિરીક્ષણ અધિક, બોલવું ઓછું.”
અમેરિકન મુલાકાતીઓ સાથે વાથ થઈ રહી હતી. વિનોબાજી કહી રહ્યા હતા, “તમે લોકો હંમેશા ઉતાવળમાં અને ચિંતામાં. હરિ અને વરિ તમને સદા સતાવે. જ્યારે મારો સૂર છે હરિ હરિ !”
આશ્રમમાં કોઈ માંદું પડે તો વિનોબાજીને મળે. સાધકને માંદગી ન પોસાય. કોઈ માંદું પડે તો બાબા તેની કારણ મિમાંસા પૂછે. ખાવા-પીવામાં, ઊંઘવા-નહાવામાં ક્યાંય કોઈ ભૂલ થઈ ? ક્યાંય અનિયમિતા, અસ્‍વાસ્‍થ્‍યતા દાખલ થઈ, કોઈ ચોક્કસ જવાબ ન આપી શકે તો કહે “ગુરુ આયા, ગુરુ ગયા, પરંતુ હમ તો કોરે કે કોરે રહ ગયે ! જ્ઞાન કુછ ભી નહીં મિલા.” તેમનું માનવું હતું કે માંદગી ગુરુ બનીને આવે છે. તેની પાસેથી જ્ઞાન ગ્રહણ કરીએ તો તે ફરી ન ફરકે.

|| સર્વ ધર્મ સમભાવ ||

ધર્મ અને સંપ્રદાય વચ્ચે તફાવત છે. આપણે જે અગિયાર ધર્મો વિશે વાત કરીએ છીએ તે વાસ્તવમાં સંપ્રદાયો છે. આ અગિયાર સંપ્રદાયોના નામ આ પ્રમાણે છે: (1) હિન્દુ, (2) ઈસ્લામ, (3) ખ્રિસ્ત, (4) યહુદી, (5) જરથોસ્તી, (6) શીખ, (7) જૈન, (8) બૌદ્ધ, (9) તાઓ, (10) શિન્તો અને (11) કોન્ફ્યુશિયસ. ધર્મ આપણને જીવનમાર્ગ(Way of life) બતાવે છે, સાથે-સાથે ધર્મમાં તત્વજ્ઞાન જોવા મળે છે. જ્યારે સંપ્રદાયમાં વિધિ-નિષેધનું પ્રાધાન્ય હોય છે, વળી કર્મકાંડ વધુ પ્રમાણમાં રહે છે. ધર્મ વિશે વિચારીએ તો સંસ્કૃત શબ્દ ‘ધર્મ’ એ ‘ધૃ’ ધાતુ પરથી બનેલો છે. धृ धारयति ईति धर्म. જે ધારણ કરે છે તે ધર્મ છે. ધર્મ કોને ધારણ કરે છે? धर्मो धारयते प्रजा:. ધર્મ પ્રજાને ધારણ કરે છે. જેવી રીતે ગર્ભવતી સ્ત્રી ગર્ભ ધારણ કરે છે એટલે કે એક જીવને પોતાનામાં સમાવીને તેનું રક્ષણ-પોષણ કરે છે તેવી રીતે ધર્મ પ્રજાનું રક્ષણ કરે છે. धर्मो रक्षति रक्षित: જે પ્રજા ધર્મનું પાલન કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે.

ગીતા કહે છે: स्वधर्मे निधनं श्रेय परधर्मो भयावह. ગીતા આપણને બે ધર્મની વાત કરે છે: (1) સ્વભાવ અને (2) કર્તવ્ય. અર્જુન લડવાનું છોડીને સંન્યાસ લેવાની વાત કરે છે ત્યારે ભગવાન તેને કહે છે, “प्रकृतिं याति भूतानि निग्रह कि करिष्यसि.” અર્થાત, “હે અર્જુન, તું યુદ્ધમેદાનમાંથી લડવાનું છોડીને હિમાલયમાં ચાલ્યો જઈશ તો ત્યાં પણ સંન્યાસીઓનો રાજા થઈને બેસીશ. ક્ષત્રિય તરીકે લડવું એ તારો સ્વભાવ છે. માટે તારા સ્વભાવ અનુસાર ધર્મનું પાલન કર.” ગીતા કહે છે, “चातुर्वर्ण्यम मया सृष्टम गुण कर्म विभागश:.” અર્થાત ચાર વર્ણ ધરાવતી આ સૃષ્ટિની રચના ભગવાને કરી છે અને મનુષ્યે પોતાના વર્ણ અનુસાર સ્વભાવધર્મનું અને આશ્રમ અનુસાર કર્તવ્યધર્મનું પાલન કરવું.

સર્વ ધર્મ સમભાવ : કેટલાક લોકો એમ સમજે છે કે બધા ધર્મો એક જ વાત કરે છે માટે સર્વધર્મસમભાવ રાખવો જોઈએ. જ્યારે કેટલાક લોકો એમ કહે છે કે દરેક ધર્મમાં જે સારું છે તેનો ઉપયોગ થવો જોઈએ આથી તેઓ સર્વધર્મસમન્વયનો આગ્રહ રાખે છે. પ્રશ્ન એ છે કે શું બધા ધર્મો એક જ વાત કરે છે? હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે તો ઈસ્લામ ધર્મ પુનર્જન્મમાં માનતો નથી. જૈન અને બૌદ્ધ ધર્મ પુનર્જન્મ સ્વીકારે છે તો બંને ધર્મો ઈશ્વરમાં માનતા નથી. ઈસ્લામ, ખ્રિસ્તી તેમજ યહુદી ધર્મ સ્વર્ગ-નર્કની કલ્પનાથી આગળ વધ્યા નથી, જ્યારે હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મ કર્મ દ્વારા મુક્તિની કલ્પના આપે છે. ગીતા કહે છે: क्षीणे पुण्ये मर्त्यलोकं विशंति પુણ્યકર્મોનું ફળ ભોગવી લીધા બાદ ફરીથી મર્ત્યલોકમાં એટલે કે કર્મભૂમિમાં આવવાનું રહે છે અને મુક્તિ માટે પ્રયત્નશીલ બનવાનું છે. વળી વિવિધ ધર્મોના મુક્તિના ખ્યાલમાં પણ તફાવત છે. બુદ્ધ કહે છે, “મુક્તિ એટલે ખલાસ થઈ જવાનું.” જ્યારે ગીતા કહે છે, “મુક્તિ એટલે ભગવાનમાં ભળી જવાનું.”

ઈશ્વરના સ્વરુપને લઈને પણ બધા ધર્મો જુદી-જુદી વાત કરે છે. હિન્દુ ધર્મ સગુણ-સાકાર તેમજ નિર્ગુણ-નિરાકાર ભગવાનમાં માને છે. જ્યારે ઈસ્લામ, ખ્રિસ્તી અને યહુદી ધર્મ સગુણ-નિરાકાર ભગવાનને સ્વીકારે છે. ખ્રિસ્તી ધર્મ કહે છે કે ભગવાન દયાળુ છે(merciful god), જ્યારે ઈસ્લામ ધર્મ કહે છે કે ભગવાન ન્યાયાધીશ છે. કયામતના દિવસે( Day of judgment) અલ્લાહ પાણી છાંટીને કબરમાં સુતેલા આત્માઓને જગાડશે અને તેઓના કર્મ અનુસાર તેઓને જન્નત કે દોઝખમાં સ્થાન આપશે. જે દયાળુ છે એ ન્યાય નથી કરી શકતો અને જે ન્યાયાધીશ છે એ દયા નથી કરી શકતો. હિન્દુ ધર્મ કહે છે કે ભગવાન દયાળુ પણ છે અને ન્યાયાધીશ પણ છે. ‘મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી’ એ ઈશ્વરનો ન્યાય છે અને ‘એક દાણો વાવતા ચારસો દાણા મળે છે’ એ ઈશ્વરની દયા છે. આ રીતે કોઈ ધર્મ એક વાત નથી કરતો તેથી સર્વધર્મસમભાવ શક્ય નથી.

ધારો કે બધા ધર્મો એક જ વાત કરે છે. તો પણ શું સર્વ ધર્મ સમભાવ શક્ય છે ? પોતાના ધર્મ સાથે માણસ કેવી રીતે અને કેટલી હદે સંકળાયેલો છે ? ધર્મમાં ઈષ્ટદેવના સ્વરુપનું ખુબ જ મહત્વ છે. ભક્ત ભગવાનની ભક્તિ અવ્યભિચારી રૂપે કરે છે. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ સાથે જે રીતે જોડાયેલી રહે છે એ રીતે ભક્ત પોતાના ઈષ્ટદેવ સાથે જોડાયેલો રહે છે. શરીર પડી ગયા પછી પણ મનમાં ઈષ્ટદેવની છાપ અંકિત હોય છે જે ઉપાસકને નવા જન્મમાં ઉપાસ્ય દેવ તરીકે ફરીથી મળે છે. ઉદાહરણ લઈને વાતને સમજીએ. કોઈ બે સજ્જન છે: બન્ને એક સરખા દેખાવડા, યુવાન, ધનવાન અને બુદ્ધિમાન છે. બેમાંથી એક સજ્જન એક સ્ત્રીનો પતિ છે, જ્યારે બીજો એ સ્ત્રીનો પાડોશી છે. શું એ સ્ત્રી બન્ને સજ્જન પ્રત્યે સમભાવ રાખી શકશે ? નહિ જ.

|| સર્વ ધર્મ સમભાવ વ્યવહારિક છે ||

દા.ત. હું શાકાહારી ધર્મનો અનુયાયી છું અને મારો પડોશી માંસાહારી ધર્મનો અનુયાયી હોય તો સર્વ ધર્મ સમભાવ રાખવામાં તકલીફ કોને થાય ? મારે જ સહન કરવાનું આવે. હું એ શા માટે સહન કરું ? વળી મારો ધર્મ ભ્રષ્ટ થાય એનું શું ? જે ધર્મ પશુહિંસાની પરવાનગી આપતો હોય એના પ્રત્યે હું કીડીનેય ન મારનારો, કેવી રીતે સમભાવ રાખી શકું? કોઈ સાચો ધર્મ પશુહિંસાની પરવાનગી આપી શકે ખરો? બૌદ્ધ ધર્મનો જન્મ યજ્ઞમાં થતી પશુ હિંસાના વિરોધ રૂપે થયો હતો. અહિંસાના પ્રતિશબ્દ એવા આ બૌદ્ધ ધર્મનું પ્રતિક ‘અશોકચક્ર’ રાષ્ટ્રધ્વજમાં દાખલ કર્યા બાદ પણ હિંસા અને માંસાહારને માન્યતા આપનાર ધર્મને રાષ્ટ્રની માન્યતા કયા આધારે મળી શકે ? મારા શાકાહારી ઘરમાં માંસાહારી પુત્ર વધૂને પ્રવેશ કેવી રીતે મળી શકે ? આ તમામ બાબતો દર્શાવે છે કે સર્વ ધર્મ સમભાવ વ્યાવહારિક નથી.

કયા ધર્મમાં શું સારું છે એ કેવી રીતે નક્કી થાય અને કોણ નક્કી કરે? માંસાહાર કરનારા કહેશે કે માંસાહાર સારો છે અને શાકાહારીઓ કહેશે કે માંસાહાર ખરાબ છે. વળી, ગુલાબ, ગલગોટા, મોગરો, રાતરાણી વગેરે ફુલોની પાંખડીઓ ચુંટીને નવું ફુલ બનાવશું તો શું એ ફુલની સુગંધ અને સૌંદર્ય આપણે માણી શકીશું ખરા ? નહિ જ. આથી બધા ધર્મો પોતપોતાની જગ્યાએ ભલે રહ્યા.

|| ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું ||

રાત કાળી છે. રાત જેમ આગળ વધે તેમ વધુ કાળી થતી જાય છે. પરંતુ જ્યારે રાત તેના છેલ્લા અને અત્યંત કાળા સ્ટેજમાં હોય છે. ત્યારે જ સૂર્યનું કિરણ આવીને તેને છેદે છે. ધીમે- ધીમે એક પછી એક કિરણો રાતની કાળાશને ધોઇ નાંખે છે. જેનો પ્રારંભ છે. તેનો અંત પણ હોય છે. જેમ સારી પરિસ્થિતિનો અંત છે તેમ ખરાબ પરિસ્થિતિનો પણ અંત છે. તેથી જ સંતો કહે છે કે,

ધીર ધરો મનમાં સદા, સહન કરો દુ:ખ પાત,
સુખ-દુ:ખ આવે જાય છે, જેમ આવે દિન-રાત.

જિંદગી જીવો તો મજાની છે, બોજ સમજો તો જિંદગી સજાની છે. આપણે કેવું સમજીએ છે તેના ઉપર સુખ અને દુ:ખનો નિર્ધાર છે. સમજીએ તો આપણે સુખી જ છીએ. બાકી દુ:ખી લોકોથી તો આખી દુનિયા ભરી છે.

હવાથી જે થથરી જાય એ પાંદડું જલદી ખરી જાય છે. ઝંઝાવાતો સામે ઝીંક ઝીલનાર જ જીતે છે. દુ:ખથી ડરવાનું નથી. આપણે તેની સામે ભગવાનનું બળ રાખીને તેની સાથે લડીને તેને હરાવાનું છે.

સહારો છે સર્જનહારનો, પછી દરકાર શું કરવી ?
મળી છે મસ્ત જિંદગી તો, બસ સુખની લલકાર કરવી

દુ:ખો આવે ને જાયે, વહેવારની વણજાર ધરવી.

જેમ ઋતુમાં વસંત પછી પાનખર છે. દરિયામાં જો ભરતી પછી ઓટ છે, સૂર્યક્ષેત્રે જો ઉદય પછી અસ્ત છે, ચંદ્ર ક્ષેત્રે જો સુદ પછી વદ છે. આકાશ ક્ષેત્રે જો દિવસ પછી રાત છે, તો જીવનમા સુખ પછી દુ:ખ છે, હર્ષ પછી વિષાદ છે, સફળતા પછી નિષ્ફળતા છે. શરીર ક્ષેત્રે ભોગ પછી રોગ છે અને જન્મ પછી મરણ છે. આ ક્રમ છે તે પ્રમાણે જ દુનિયાના દરેક માણસને જીવવું પડે છે. પરંતુ ઘણા માણસો આ ક્રમમાં હારી બેસે છે. આપણે જિંદગીને જીતતાં અને જીવતા શીખવાની જરૃર છે તે શીખી જઇશું તો સુખી થઇશું.

નિરાશાઓમાં પણ આશાનો દીપ પ્રગટાવી રાખો,
પરિસ્થિતિ વિકટ આવે છતાં શ્રદ્ધાદીપ પ્રગટાવી રાખો.