સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ

4  5

|| સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ ||
ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. આર્ય ધર્મમાં સનાતન ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે. ક્ષમા વિરુદ્ધ અક્ષમા-ક્રોધ. ક્રોધનાં કડવાં ફળ હોય છે એમ જ્ઞાનીઓ કહે છે. ક્ષમા, ધૈર્ય, શાંતિ, આનંદ, દિવ્યપ્રેમ એ માનવીનું આભૂષણ છે. આપણાં ઋષિ-મુનિઓએ વર્ષ દરમિયાન એવાં પર્વો અને મહાપર્વો વ્યવસ્થિત રીતે ગોઠવી આપેલાં જે જેથી ભારતવર્ષની ધર્મપ્રિય જનતાનું તન-મન-ધનનું આરોગ્ય તથા ક્ષેમકુશળ તથા મંગળ જળવાય છે.
જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. ધર્મનાં જુદાં જુદાં સંપ્રદાયોમાં સંવત્સરી જુદા જુદા દિને આવે છે. શ્વેતાંબર ર્મૂતિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથ અથવા પાંચમ, સ્થાનકવાસી જૈન સંઘમાં ભાદરવા સુદ પાંચમ, તેરાપંથ જૈનસંઘમાં સુદ પાંચમ, જ્યારે દિગંબર જૈન સંઘમાં ભાદરવા સુદ ચૌદસના દિને ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિને જૈન ધર્મનાં લોકો પર્યુષણનાં ઉપવાસ-વ્રત કરે છે. સાયંકાળે ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે. જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે. તે ભૂલોને યાદ કરી ર્ધાિમક ક્રિયા કલાપોમાંથી ક્ષમા માંગે છે. ભૂલોનો પસ્તાવો કરી ‘મિચ્છામિ દુક્કડમ્’ એ સૂત્રથી ક્ષમા માંગે છે.
જ્યાં સુધી છદ્મસ્થદશા છે ત્યાં સુધી ભૂલો અવશ્ય સંભવે છે અને જ્યાં સુધી ભૂલો સંભવ છે ત્યાં સુધી ભૂલોના પ્રાયશ્ચિત રૃપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. અર્થાત્ પાપદોષોથી મલિન થયેલા જીવની શુદ્ધિ માટે મહાજ્ઞાનીઓએ પ્રતિક્રમણ અનુષ્ઠાન બતાવેલું છે.

આથી જ દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પાંચ પ્રતિક્રમણ દર્શાવ્યાં છે. તીર્થંકર તીર્થની સ્થાપના કરે એ જ દિવસથી ગણધર ભગવંતો નિયમિત પ્રતિક્રમણ કરે છે.

ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૃપેલા ધર્મમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય તથા તપ એ મુખ્ય છે. ધર્મજ્ઞાન, ધ્યાન, સાધના, સેવા-પૂજા, આધ્યાત્મિક ક્રિયાકાંડો, વ્રતો-ઉપવાસ, આયંબીલ, ઉપધ્યાન તપ, વર્ધમાન તપ, વીસ સ્થાનક ઓળી તપ વગેરેનો અર્ક તથા રસ-કસ એ આ સંવત્સરી છે. મહાવીર સ્વામી સ્વયં ક્ષમાના સાગર હતા. એમના ઉપર અનેક વિઘ્નો ઉપસર્ગો આવ્યા છતાં તેઓ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યભાવે જ રહેતા હતા. ચંડ કોશિયા મહાનાગે એમને અનેક ડંખ માર્યાં છતાં તેઓ ક્ષમાવાન જ રહ્યા. તેઓ વિતરાગ અને સર્વજ્ઞા ભગવંત હતા. એમના પ્રમુખ શિષ્ય ગણધર ગૌતમ સ્વામી પ્રત્યે એમને રાગ ન હતો, જ્યારે ચંડકોશિયા મહાસાપ પ્રત્યે દ્વેષ ન હતો. એમની વાણી પિસ્તાલીસ આગમ શાસ્ત્રોમાં આજે પણ સંગ્રહાયેલી છે. સર્વ જીવ-માત્ર પ્રત્યે કરુણા અને દયાની ભાવના તથા અનુકંપાની લાગણી એ આ મહાન સંવત્સરી પર્વની સાચી શીખ છે.

કોઈ પણ વ્યક્તિ એવો નથી જેના જીવનમાં અપરાધ કે પાપનો ડાઘ ન લાગ્યો હોય. માનવમાત્ર જાણે કે અજાણે ભૂલ, અપરાધ કે પાપ કરતો રહેલો છે. મેલાં કપડાં સાબુથી સાફ થાય અસાધ્ય રોગ હોય તો પણ દવા- ઑપરેશનથી દૂર થઈ શકે. પાપના નિવારણ માટે કોઈ દવા કે ઑપરેશન નથી. પાપના નિવારણ માટે પસ્તાવો કે પ્રાયશ્ચિત સિવાય અન્ય કોઈ ઔષધ નથી. ભલભલા પાપનું નિવારણ એકમાત્ર અંતઃકરણપૂર્વક કરેલી ક્ષમાયાચના કે પ્રાયશ્ચિતથી થઈ શકે છે.

જીવનમાં જેણે કોઈ પાપ કે અપરાધ ન કર્યો હોય એવો કોઈ માણસ હોઈ શકે? પ્રશ્નનો ઉત્તર અવશ્ય નકારાત્મક હોઈ શકે. પાપ કે અપરાધના કાળા ધબ્બાઓથી ખરડાયેલો માણસ મોટા ભાગે પોતાના પાપ સામે આંખ આડા કાન કરી, બીજાએ કરેલા પાપની શિક્ષા આપવા તત્પર રહેતો હોય છે.
નગરના અપરાધીને જાહેરમાં દંડ આપવા એકઠા થયેલાં સૌ પોતપોતાના હાથમાં પથ્થર લઈ ઊભા છે. દંડ આપવા દરેકે અપરાધીને એક એક પત્થર મારવાનો છે. અપરાધીને સજા થાય તે પહેલાં એક સંત ત્યાં આવી ચડયા ‘પથ્થર એ મારી શકે, જેણે જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય.’ સંતના શબ્દો સાંભળી લોકો સ્તબ્ધ થઈ ગયા. ઘડીભર સન્નાટો છવાયો, દરેકના હાથમાંથી પથ્થર નીચે પડી ગયા. સંતે શાંતિથી લોકોને સમજ્વ્યું,
‘પાપનું નિરાકરણ દંડથી નહીં પરંતુ ક્ષમાયાચનાથી થઈ શકે.”
ખરા અંતઃકરણપૂર્વક કરેલો પસ્તાવો ભલભલા પાપને ધોઈ શકે છે. આનો અર્થ એ નથી કે વારંવાર પાપ કરવું અને વારંવાર પસ્તાવો કરવો. માણસ ભૂલ કરી- પસ્તાવો કરવા અને વળી પાછો ભૂલો કરવા ટેવાયેલો છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસજીએ માનવમાત્ર સામે લાલ બત્તી કરી, ‘ભૂલો કરો, ખૂબ કરો, લેકીન કી હુઈ ભૂલકો ફિર સે દોહરાવો મત.’ પાપોના ઢગલા ઉપર બેઠેલો માણસ અંતઃકરણથી નહીં પરંતુ હોઠે આવેલા શબ્દોથી પસ્તાવો કરતો રહેલો છે. શુદ્ધ હૃદયના ઊંડાણ સિવાય કરેલો પસ્તાવો નાટક માત્ર છે, જેની કિંમત કોડીની છે.

અહિંસાના પાયા ઉપર ઊભેલો જૈન ધર્મ ક્ષમાયાચનાને મહાન ગણે છે. જૈનો માટે પર્યુષણ મહાપર્વ છે.

આ દિવસોમાં એકાસણું. અઠ્ઠાઈ, સોળભથ્થુ, માસક્ષમણ, અને વર્ષીતપ જેવી વિવિધ ઉપાસનાઓ કરી જૈનો જીવનને શુદ્ધ કરે છે. સંવત્સરીને દિવસે પ્રતિક્રમણ પછી એકબીજાને વંદન કરી અંતરના ઊંડાણેથી “મિચ્છામી દુક્કડમ” કહી ક્ષમા માગવી અને ઉદાર દિલે ક્ષમા આપવી એના જેવો બીજો કોઈ માનવધર્મ નથી. જૈનોનો આ મહામંત્ર ફક્ત શ્રાવકો સીમિત નથી. આ મંત્ર માનવમાત્ર માટે છે. મિચ્છામી દુક્કડમ મહામંત્ર ફક્ત વર્ષમાં એક જ દિવસ ઉપયોગમાં લેવા માટેનો મંત્ર નથી. માનવમાત્ર જ્યારે જ્યારે કોઈનો અપરાધ કે પાપ કરે ત્યારે ‘મિચ્છામી દુક્કડમ’ મહામંત્રને હૃદયમાં રાખી દિલના શુદ્ધ ભાવથી ક્ષમાયાચના કરે તો જીવનમાં થતાં અન્ય અપરાધો કે પાપથી બચી શકે.

પર્યુષણનો અર્થ અને મહાત્મ્ય – સંવત્સરી ક્ષમાપનાનું મહાપર્વ

3

|| પર્યુષણનો અર્થ અને મહાત્મ્ય ||

પર્યુષણ શબ્દનાં અનેક અર્થ, ભાવ જાણવા મળે છે. શબ્દ શાસ્ત્રનાં નિયમ પ્રમાણે એક શબ્દ વ્યુત્પત્તિ ભેદ પી, વ્યાખ્યા ભેદ થી તેના વ્યાખ્યાભેદો અનેક અર્થો દર્શાવે છે. પર્યુષણની બાબતમાં પણ આવું છે. એના પણ ઘણા બધા સૂચિતાર્થો છે.

પર્યુષણનો એક અર્થ નીકળે છે,’ પરિવસન’- એટલે કે એક જ સ્થાન પર સ્થિર રહેવું. આમ પર્યુષણનો અર્થ ચતુર્થમાસની વર્ષાઋતુમાં એક જ સ્થળે મુકામ કરવો.

પર્યુષણનો બીજો અર્થ થાય છે, પર્યુપશમન’ આ શબ્દનો ભાવાર્થ છે, સંસારમાંની અનેક પ્રકારની વ્યાધિ, ઉપાધિ વચ્ચે પણ સમતા અને શાંતિ ધારણ કરવી. સદીઓથી માનવમનમાં અનેક પ્રકારનાં કષાયો અને વિકારો છૂપાયેલા પડેલા છે, તેનું શમન કરવાનું આ પર્વ છે.

એક અર્થમાં, પરિવશન એટલે કે નિકટ રહેવું. વ્યકિતએ પોતાનાં આત્મભાવમાં રમણ રહેવાનું છે.

આત્માની નજીક જઇ રમણતા કેળવવાની છે. પર્યુષણમાં વર્ષાવાસ શબ્દ, સમય ગાળો સૂચવતા અર્થ માટે નો છે. પરંતુ કષાપ, સમતા અને આતમારમણતા . આ બધાનાં ભાવવાચક અર્થો નીકળે છે. પણ અહીં શબ્દોનાં બાહ્યઅર્થને જાણવાને બદલે , એની પાછળનાં ભાવાર્થ ને સમજવાની કોશિષ કરવી જોઈએ. પર્યુષણ શબ્દ પાછળનાં ભાવાર્થ ને સમજવાની કોશિષ કરવી જોઈએ. પર્યુષણ શબ્દ પાછળનો ભાવાર્થ એ નીકળે છે કે, સાધકે સર્વ પ્રકારે આત્મભાવમાં રહેવું. પરભાવમાં, બ્રાહ્ય વિષયોમાં દોડતાં ચિત્તને વાળીને આત્મભિમુખ કરવું.

પર્યુષણનું પર્વ એ આત્મસિધ્ધિનું પર્વ છે. અને તેથી એ સમય દરમ્યાન ચિત્તને ઉપવાસ, ધર્મશ્રવણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને ધ્યાન ધારણા જેવી ધર્મ સાધનામાં પરોવવાનું હોય છે. પર્યુષણ ધર્મની આરાધનાનું વિશિષ્ટ પર્વ છે. જેનું લક્ષ્ય છે. કર્મનાં સંવર અને નિર્જરાનું સંવર એટલિં રોકવું અને નિર્જરા એટલે ખંખેરવું. આ શબ્દો પારિભાષિક છે, જે આચરેલા કર્મના સંદર્ભમાં વપરાય છે. અર્થાત હાથમાં આવેલા ફરજ રૃપી કર્મને બજાવી હાથ ખંખેરીને ઊભા થઈ જવું.

લોકોત્તરમાં પર્યુષણ એ પ્રર્વાધિરાજ છે. આ સમયગાળામાં,પૂરા વર્ષમાં આચરેલા આસક્તિ ભર્યા કર્મનાં દુષ્પરિણામ ખંખેરીને, રાગદ્વેશને કારણે દુષિત થયેલા મનને સ્વચ્છ કરવાનું છે.

આવા પાનવકારી પર્વાધિરાજનાં દિવસમાં આરાધના સાધના ઉપાસના અને પરસ્પર માનવ બંધુમાં મૈત્રીભાવ કેળવવા…

|| સંવત્સરી ક્ષમાપનાનું મહાપર્વ ||

તીર્થકર મહાવીર સ્વામીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે જે ક્ષમા માંગે અને બીજાને ક્ષમા આપે, તે જ વ્યકિતની સાધના-આરાધના યોગ્ય ગણાય.

સંવત્સરી એ પર્યુષણ મહાપર્વનો અંતિમ  અને ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. જેમ મંદિરનું શિખર ધ્વજ અને કળશથી સુશોભિત લાગે છે. તે પ્રમાણે પર્યુષણ મહાપર્વ પણ સંવત્સરીની ભાવપૂર્ણ આરાધનાથી સફળ બને છે.

ક્ષમાપના સંવત્સરી નો પ્રાણ છે. અને પર્યુષણ મહાપર્વનટ્વું સારભૂત તથ્પ છે. પર્યુષણ કે બીજા કોઈ પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવી સરળ છે. પણ ક્ષમાનાં પરિપ્રેક્ષ્યમાં સંવત્સરીની સાધના ખરેખર મુશ્કેલ છે. ‘ કલ્પસૂત્ર’ માં ભગવાન મહાવીર સ્વામી ક્ષમાની મહત્તાનો વર્ણવતા કહે છે કે પોતાની થઈ ગયેલી ભૂલો માટે સાચા હૃદયથી ક્ષમા માગવી જોઈએ અને બીજાની ભૂલો થઈ હોય તો તેમને ઉદાર હૃદયથી ક્ષમા આપવી જોઈએ. આજ અર્થમાં ક્ષમા એ વીર પુરૃષોનું આભૂષણ છે. કાયર મનુષ્ય ક્યારેય કોઈને ક્ષમા કરી શકતો નથી.

તીર્થકર મહાવીર સ્વામીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે જે ક્ષમા માંગે અને બીજાને ક્ષમા આપે, તે જ વ્યકિતની સાધના-આરાધના યોગ્ય ગણાય. ક્ષમાપના વગરની ધર્મ-આરાધના વ્યર્થ જતી હોય છે. ક્રોધ અગ્નિ જવાળા છે. એ પોતાને તો દઝાડે છે. પણ એ સાથે બીજાને પણ દઝાડતી હોય છે. સંસારમાં થતા મોટા ભાગનાં અપરાધો ક્રોધાવસ્થામાં થાય છે. શાંત અને પવિત્ર મન ક્યારેય અપરાધ કરવાનો વિચાર કરતું નથી. મનમાં વારંવાર આવતો ક્રોધ, વેરમાં પરિણમે છે. સંતો એ વેરવૃતિને ભયંકર ગણાવી છે. એનાં ગંભીર પરિણામો માત્ર આજ જન્મ જ નહીં, જન્મોજન્મ ભોગવવા પડી શકે છે. રોષ, ઘૃણા, તિરસ્કાર-ઇર્ષ્યા-નિંદા વગેરે દુઃગણો ક્રોધનાં પરિવારજનો છે, આ બધા અવગુણો કુટુમ્બની શાંતિ છીનવી લે છે, કલેષ ઉત્પન કરે છે. સૌની પ્રગ્તિ થવા દેતા નથી. ક્ષમા અને સંતોષ ની ભાવનાથી જ આ દુઃગુણો દૂર થતા હોય છે.

ક્ષમાની ભાવનામાં ખળખળ મૈત્રીનું ઝરણું વહે છે. એમાંજ ડૂબકી લગાવવાથી જ સંસારમાં સુખની લાગણી અનુભવી શકય છે. ક્ષમાની લાગણી વગર જીવનમાં શાંતિ અને આનંદનું આગમન અશક્ય છે. ક્ષમા માગ્યા પછી કે આપ્યા પછી મનની સ્તિથિ જુદી જ બની જાય છે. હંમેશાં ભયમાં જીવતા મનુષ્ય ક્ષમારનાથી નિરાંત  અનુભવે છે. શત્રુતામાં કાયમ ડરનો વાસ રહે છે. વેરભાવના ક્યારેય કોઈને શાંતિથી જીવવા દેતી નથી. લડાઈ-ઝગડા દંડા-ફસાદ માં જો ક્ષમાનો માર્ગ પસંદ કરવામાં આવે તો તેનું કંઈક અદ્ભૂત જોવા મળે છે. બે પક્ષો દુશ્મન મટીને મિત્રો બની જાય છે.

સંસારમાં ક્ષમાપનાની ભાવના શાંતિ, મિત્રતા, સહિષ્ણુતા, વિશ્વાસ જેવી લાગણીઓ માટે એક સંજીવની પુરવાર થાય છે.

પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ

AA

|| પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ ||

ક્રોધ-માન-માયા-લોભ વગેરે આંતરશત્રુઓને દૂર હટાવનાર – આત્માને નિર્મળ બનાવનાર અને આત્મા સાથે જોડતું પર્યુષણ પર્વ પર્વાધિરાજ તથા શિરોમણિ પર્વ છે.

આથી જ પર્યુષણને અનેક ઉપમાઓ આપી છે; જેમકે અમૃતની (ઔષધમાં શ્રેષ્ઠ), જેમ કે કલ્પવૃક્ષની (વૃક્ષમાં શ્રેષ્ઠ), જેમ કે ચંદ્રની (તારાઓમાં શ્રેષ્ઠ).

જેમ સુગંધ વગર ફૂલ કામનું નથી અને શીલ વિના નારી શોભતી નથી. તેમ પર્યુષણ પર્વની આરાધના વિના સાધુ કે શ્રાવકનું કુળ શોભતું નથી. આજે આપણે આવા ક્ષમાધર્મના વાહક એવા પર્વાધિરાજ પર્યુષણને મોતીથી વધાવીએ. કાળામેશ બનેલા મલિન આત્માને સાફસૂફ કરવાનો પર્યુષણ પર્વ એક મહાન અવસર છે. પર્યુષણ પર્વ પણ આપણને હાકલ કરે છે…” હે દાનવીરો, ત્યાગવીરો, ધર્મવીરો જાગો…”

આમ, પર્યુષણ પર્વ ખરેખર મહાન છે,પર્વ શિરોમણિ છે.

** પાંચ કર્તવ્યો

પર્યુષણ દરમિયાન પાંચ કર્તવ્યો કરવાનું શાસ્ત્ર-વિધાન છે. આ પાંચ કર્તવ્યો આ પ્રમાણે છે :

*અમારી પ્રવર્તન : કોઈને મારવું નહિ એટલે કે અહિંસા.
*સ્વામી વાત્સલ્ય : સમાન ધર્મ પાળનાર પ્રત્યે સ્નેહ વહાવવો, તેની સેવા કરવી.
*અઠ્ઠમ તપ : સળંગ ત્રણ દિવસના ઉપવાસ કરવા.
*ચૈત્ય-પરિપાટી : ચૈત્ય એટલે દેરાસર, દેરાસરે જઈને પ્રભુદર્શન કરવું.
*ક્ષમાપના : પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરીને ક્ષમા માગવી અને બીજાઓના દોષોને ઉદાર હૈયે ક્ષમા આપવી.
** પર્યુષણનું સર્વોચ્ચ શિખર ક્ષમાપના છે.

જૈનોમાં પ્રતિક્રમણ આવશ્યક કર્તવ્ય ગણાય છે. પ્રતિક્રમણ પાંચ પ્રકારનાં હોય છે.

દરરોજ સવારે ઊઠીને ‘રાઈ’ પ્રતિક્રમણ કરવામાં આવે છે, જેમાં નિદ્રા દરમિયાન અજાણતાંય પાપકૃત્ય થયું હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરાય છે. દરરોજ રાત્રે ‘દેવસિ’ પ્રતિક્રમણ કરીને દિવસ દરમિયાન થયેલાં પાપકૃત્યોનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે. આ ન થઈ શકે તો પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. એ પણ શક્ય ન હોય તો સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ-પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવે છે. ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું તો જગતનો દરેક ધર્મ કહે છે, કિન્તુ ક્ષમાપના માટે જ એક ખાસ દિવસનું આધ્યાત્મિક પર્વ ઊજવવાની પરંપરા માત્ર અને માત્ર જૈન ધર્મમાં જ છે. સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે જૈનો ‘મિચ્છામિ દુક્કડમ્’ કહે છે. તેનો અર્થ છે – મિથ્યા મે દુષ્કૃતમ્, અર્થાત્ મારાં તમામ દુષ્કૃત્યો મિથ્યા – ફોગટ થાવ, જગતના સર્વ જીવો સાથે મૈત્રી કરવાનું આ પર્વ છે. સંવત્સરી તો સાત્ત્વિક અને આત્મિક મૈત્રીનું પર્વ છે !

પર્યુષણની આરાધના પંચાચારથી શરૃ થાય છે અને તે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બનતી આઠમે દિવસે સંવત્સરીના પ્રતિક્રમણથી વિરમે છે. જૈન ધર્મ ઘણો સૂક્ષ્મ હોવાને કારણે અજૈનો તેને થયા- યથા ભાગ્યે જ સમજતા હોય છે. બહુજન સમાજ તો સામાન્ય રીતે એમ જ માનતો હોય છે. પર્યુષણ એટલે ઉપવાસનું પર્વ જે વધારે ઉપવાસ કરે તેની આરાધના મોટી ગણાય. વાસ્તવિકતામાં ઉપવાસ આરાધનાનું અંગ છે. પર્યુષણની આરાધનામાં ઉપવાસ આવે પણ ઉપવાસ એ કંઇ સમગ્ર પર્યુષણની આરાધના નથી.

પર્યુષણની આરાધના પાંચ પ્રકારે થાય છે. દર્શનાચાર, જ્ઞાાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જે તપાચાર છે તેમાં બાર પ્રકારના તપ કરવાનું વિધાન છે. એમાં છ તપ બાહ્ય છે, તો બીજા છ તપ અભ્યંતર છે. બાહ્ય તપ વાસ્તવિકતામાં અભ્યંતર તપમાં જવા માટે છે. આવા છ બાહ્ય તપમાં ઉપવાસ એ એક તપ છે. તેના ઉપરથી એ ખ્યાલ આવે કે પર્યુષણમાં ઉપવાસની આરાધના ઉપર જે ભાર મૂકાય છે તે વધારે પડતો છે અને અસ્થાને છે.

વાસ્તવિકતામાં પર્યુષણ એક અતિશુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે છે. પ્રતિક્રમણ જૈન ધર્મની પ્રમુખ આરાધના છે. સાધુ તો શું પણ સામાન્ય શ્રાવકેય રોજ બે પ્રતિક્રમણ કરતો હોય છે. સવારનું પ્રતિક્રમણ અને સાંજનું પ્રતિક્રમણ. જૈન ધર્મમાં પાંચ તિથિની વિશેષ આરાધના થાય છે. તેમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે. એમાંય ચૌદશનું પ્રતિક્રમણ મોટું ગણાય. વળી ચાતુર્માસની આરાધનામાં પહેલી ચૌદશ અને છેલ્લી ચૌદશના પ્રતિક્રમણો અતિ મહત્વના ગણાય. તેમાં સૂત્રો વધારે હોય, પાપની આલોચના હોય. તેમાં વિધિ વિધાન વધારે હોય જેથી પ્રતિક્રમમની ક્રિયા લાંબા સમય માટે ચાલે.

સમગ્ર હિંદુ ધર્મમાં ચાતુર્માસની આરાધનાની ઘણી મહત્તા હોય છે. તે રીતે જૈનોમાં પણ ચોમાસાની આરાધના વિશિષ્ટ હોય છે. ચાતુર્માસમાં પર્યુષણ આવે. તેમાં તો ઉત્કૃષ્ટ પ્રકારે આરાધના કરવાની હોય. છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ આવે તે કર્યા પછી પર્યુષણનું સમાપન થાય. આ વાત જ એ દર્શાવે છે કે સમગ્ર પર્યુષણની આરાધનાનું લક્ષ્ય સંવત્સરી પ્રતિક્રમણ હોય છે. આ પ્રતિક્રમણ વધારેમાં વધારે શુદ્ધિપૂર્વક કરવા માટે પર્યુષણની સમગ્ર આરાધનાનું આયોજન થયેલું હોય છે. આ પ્રતિક્રમણ જેટલું ભાવપૂર્વક વિશુદ્ધિથી થાય. તેટલી પર્યુષણની આરાધના વધારે સફળ થયેલી ગણાય.

આપણે એ વિચારવાનું છે કે જે પ્રતિક્રમણનું જૈન ધર્મમાં આટલું બધું મૂલ્ય છે. તેનું કારણ શું હશે ? સંસારમાં જે ધર્મો છે તેમાં જૈન ધર્મ બધાથી અલગ પડી જાય છે તે તેના વિશિષ્ટ દર્શનને કારણે જૈન ધર્મના મતે જીવે બહારથી કંઇ મેળવવાનું નથી. તેણે જે કંઇ સિદ્ધ કરવાનું છે તે તેની અંદર જ પડેલું છે. જીવે જે પોતાનું છે તેનો જ આવિર્ભાવ કરવાનો છે. તે માટે જીવે જે કંઇ પુરુષાર્થ કરવાનો છે તે પોતાના સ્વભાવમાં આવી જવા માટે કરવાનો છે. અનંત ઐશ્વર્યનો સ્વામી એવો આત્મા દુ:ખી થઇને સંસારની ભવાટવીમાં ભટક્યા કરે છે કારણ કે તે પોતાનો સ્વભાવ ભૂલીને વિભાવોમાં રાચે છે અને જીવે છે બાકી આત્મા સ્વભાવે આનંદમય છે અને સ્વયં પર્યાપ્ત છે. જો તેણે પોતાની નિજી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો તેણે સ્વભાવમાં પાછા ફરવાનું છે. પ્રતિક્રમણ વિભાવમાંથી સ્વભાવમાં આવવા માટે છે. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. જીવે જે અતિક્રમણ કર્યું છે તેમાંથી પાછા ફરવા માટે તેણે પ્રતિક્રમણ કરવાનું છે. તેથી જૈન ધર્મના અનુષ્ઠાનોમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે.

આપણને પ્રશ્ન થાય કે જીવને વિભાવોમાં રખડાવનાર કોણ છે ? જીવને વિભાવોમાં લઇ જનાર છે : મિથ્યાત્વ, કષાય, મન-વચન અને કાયાના યોગો, અવિરતી પ્રમાદને વશ થયેલો જીવ અતિક્રમણ કરીને વિભાવોમાં વર્તે છે. સ્વભાવમાં આવવા માટે જીવે જે આરાધના કરવાની છે તે મિથ્યાત્વમાંથી પાછા ફરવાની, કષાયોમાંથી પાછા ફરવાની, મન- વચન- કાયાનો યોગોને ટૂંકાવવાની- અલ્પ કરવાની અને સંયમમાં વર્તવાની પર્યુષણની સમગ્ર આરાધના સ્વભાવમાં આવવા માટેની છે. તેનું લક્ષ્ય ઉત્કૃષ્ટ પ્રતિક્રમણ હોય છે. બાકી પ્રતિક્રમણનો સામાન્ય અર્થ છે. પાપમાંથી પાછા ફરવું જે અલ્પાકિત છે. બાકી તેમાં મૂળ વાત છે. આત્માના સ્વભાવમાં આવવાની.

સ્વભાવમાં આવવા માટેની પ્રતિક્રમણની યાત્રા કરતી વખતે મનમાં કોઇ દોષ રહી ગયો હોય તો પ્રતિક્રમણ કુલષિત થઇ જાય માટે સંવત્સરી પ્રતિક્રમણ સર્વ જીવોને ખમાવીને શલ્પરહિત થઇને કરવાનું વિધાન છે. જૈન ધર્મે ત્રણ પ્રમુખ શલ્પ કહ્યાં છે : મિથ્યાત્વ માયા અને નિયાણ એટલે કે ધર્મને અલ્પ ફાયદા માટે વટાવવો. શુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે જીવે આ ત્રણેય શલ્પ રહિત થવું જરૃરી છે. જો પર્યુષણની આરાધના સારી રીતે થઇ હોય તો આ ત્રણેય શલ્યોનો ભાર ઘણો ઘટી ગયો હોય છે. સંવત્સરી પ્રતિક્રમણ પર્યુષણનો પ્રાણ છે. પ્રતિક્રમણના તત્વાર્થને સમજીને આપણે જો તે કરીએ તો આપણને તેનો અનર્ગળ આત્મિક લાભ થાય.

ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ – કટપૂતના અને ભગવાન શ્રી મહાવીરસ્વામી

2

|| ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ ||

|| કટપૂતના અને ભગવાન શ્રી મહાવીરસ્વામી ||

માઘ મહિનાની કડકડતી ઠંડીમાં પ્રભુ મહાવીર શાલશીર્ષ ગામના ઉદ્યાનમાં ધ્યાનસ્થ અવસ્થામાં હતા. સુસવાટાભર્યા ઠંડા પવનની લહરીઓને કારણે થીજી જાય એવી ઠંડી હતી. આ સમયે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામી એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુદ્રામા હતા. એમની ધ્યાનસ્થ દશા પણ એવી હતી કે બહારની ગમે તેટલી પ્રતિકૂળતા હોવા છતાં તેઓ સદૈવ અડોલ, અપ્રતિબદ્ધ અને આલંબનરહિત રહેતા હતા.

આ સમયે કટપૂતના નામની વ્યંતરીના મનમાં પૂર્વભવનું વેર સળવળી ઊઠયું. ભગવાન મહાવીર જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમા હતા, ત્યારે કટપૂતનાએ અણમાનીતી રાણી વિજયવતી હતી. એ પછી તો કેટલાય ભવોનું ભ્રમણ થયું, પરંતુ એ પૂર્વભવનો દ્વેષ ફરી જાગી ઊઠયો અને એનું હૃદય વેર લેવા માટે અતિ તત્પર બની ગયું.

વેર ક્યારેય સાચા-ખોટાનો વિચાર કરે નહીં. એ રીતે કટપૂતનાએ ભગવાન મહાવીરનો ધ્યાનભંગ કરાવવા માટે ઉપસર્ગ કર્યો. એના મનમાં તો બદલાની એવી ભાવના હતી કે આ યોગી મહાવીરના દેહને શિયાળાની કડકડતી ઠંડીમાં હિમ જેવું ઠંડુ પાણી રેડીને એમનું જીવન મુશ્કેલ કરી દઉં. એ ઠંડીથી ઠૂઠવાઇ જાય, તો જ વેરથી બળતાં મારા હૃદયને ટાઢક વળે.

વ્યંતરી કટપૂતનાએ તાપસીનું રૃપ ધારણ કરીને એની જટામાંથી મૂશળધાર વરસાદની માફક હિમની શીતળતાને ભૂલાવે એવું ઠંડુ પાણી ધ્યાનસ્થ યોગી મહાવીરના દેહ પર વરસાવવા લાગી. એક તો આસપાસ કારમી ઠંડી અને એમાં બરફ જેવું ઠંડુ પાણી. આમાં ઓછું હોય તેમ, એણે જોરદાર સૂસવાટાભર્યો પવન શરૃ કર્યો. કટપૂતના અટ્ટહાસ્ય કરતી જોવા લાગી કે હવે આ યોગીની દશા શું થાય છે?

એણે તો વિચાર્યું હતું કે આ ધ્યાનસ્થ યોગીનો ધ્યાનભંગ થશે અને કારમી ઠંડીમાં રેડાતાં ઠંડા પાણીથી બચવા માટે એ અહીંથી નાસીને ક્યાંક દૂર ભરાઇ જશે.

ભગવાનના જીવનમાં અનેક ઉપસર્ગો આવ્યા. શાલશીર્ષ ગામની બહાર ઉદ્યાનમાં આવેલો આ ઉપસર્ગ એ શીત ઉપસર્ગ હતો. ક્યાંક પ્રાણીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક માનવીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક દેવો, યક્ષ અને વ્યંતર-વ્યંતરીએ ઉપસર્ગ કર્યા.

કટપૂતનાનો આ ઉપસર્ગ એવો હતો કે કોઇપણ ઠંડીથી ઠૂઠવાઇને મૃત્યુ પામે, પરંતુ યોગી મહાવીરને કાયાનું કષ્ટ કઇ રીતે ધ્રૂજાવી શકે ? બહારની આપત્તિ ક્યાંથી અકળાવી શકે? ઉપસર્ગો કઇ રીતે એમને ધ્યાનથી વિચલિત કરી શકે? પહેલાં તો કટપૂતનાએ વિચાર્યું કે કદાચ થોડીવાર આ ઠંડી જલધારા સહન કરી શકશે, પરંતુ લાંબો સમય સહન થશે નહીં.

પરંતુ એની ધારણા ખોટી પડી. આખી રાત એણે હિમ જેવા ઠંડા જળની ધારા વરસાવી, પરંતુ યોગી મહાવીર તો સુમેરુ પર્વતની જેમ પરિષહ સહેવામાં નિશ્ચલ રહ્યા, બલ્કે આ શીતળ જળ છંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધો. કટપૂતના નિષ્ફળ ગઇ, નિરાશ થઇ અને એના મનમાં ધૂંધવાતો ક્રોધ ધીરે ધીરે ઘટવા લાગ્યો.

પૂર્વભવનું વેર ત્યજીને વિચારવા લાગી કે કેવી અદ્ભુત તિતિક્ષા અને અમાપ સમતા છે યોગી મહાવીરની! એ એમનાં ચરણમાં પડી અને પોતાના ઘોર અપરાધને માટે ક્ષમા માગી.

ક્ષમાસાગર ભગવાન મહાવીરની પ્રેમધારા સતત વરસતી રહી.

ગોચરી

સંસાર દુ :ખમય લાગે છે અને તેથી આપણે સતત દુ :ખોનો ક્ષય ઝંખીએ છીએ, પરંતુ દુ :ખનો નાશ કરવો એ તો ડાળીનો નાશ કરવા બરાબર છે, જ્યારે કર્મનો નાશ કરવો એ મૂળનો નાશ કરવા સમાન છે. દુ :ખના ક્ષયને બદલે કર્મનો ક્ષય ઈચ્છીએ, કારણ કે એ કર્મો જ દુ :ખ લાવે છે અને એ કર્મો જ કામ, ક્રોધ વગેરે પેદા કરે છે.

મિચ્છામી દુક્કડમ

3   

||મિચ્છામી દુક્કડમ||

|| શ્રી પર્યુષણ મહાપર્વનું હાર્દ – મિચ્છામી દુક્કડમ (ક્ષમાપના) ||

ધ = ધરા. મ = મનુષ્ય. ધરતી પરના મનુષ્યને ઊર્ધ્વગમન કરાવે તે ધર્મ. ધર્મેણ હીના પશુભિઃ સમાના । સામાન્ય માનવી ઓછામાં ઓછા આઠ વર્ષમાં આઠ દિવસ પણ ધર્મની આરાધના કરે તે હેતુથી મહાપુરુષોએ શ્રી પર્યુષણ મહાપર્વનું આયોજન કર્યું છે. આ દિવસોમાં અર્થ અને કામરૃપી પુરુષાર્થને તિલાંજલિ આપી માત્ર ધર્મની આરાધના હોય છે. પરિ = ચારેબાજુથી ઉષ = વસવું. ચારેબાજુથી આત્માની સમીપ રહેવાનો પ્રયત્ન કરવાનું પર્વ એટલે પર્યુષણ. એક અભ્યાસમાં પર્યુષણ પર્વને ‘દશ લક્ષણ પર્વ’ તરીકે ઉજવવામાં આવે છે. ક્ષમા વિનય, સરળતા, સંતોષ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય વગેરે ગુણો આપણો (આત્માનો) સ્વભાવ છે. વર્તમાનમાં એથી વિપરીત ગુણો (વિભાવભાવો)ને કારણે આપણો સ્વભાવ ભાવ ઢંકાઈ ગયો છે. પર્યુષણ મહાપર્વમાં આત્મિક ગુણો પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પર્યુષણ પર્વ દરમિયાન અમારી પ્રવર્તન, પરમાત્માની પૂજા-ભક્તિ, ચૈત્યવંદન, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન જેવાં કર્તવ્યો બજાવવાં આવશ્યક છે. આ પર્વ દરમિયાન આત્મવિશુદ્ધિ અર્થે સાધકો પોતપોતાની શક્તિ અનુસાર તપની આરાધના કરે છે. લોકોત્તર એવા પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવામાં આવ્યું છે તે યોગ્ય જ છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે ‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.’ આ મહાપર્વ દરમિયાન જીવનમાં સદ્ગુણોનો સરવાળો અને દુર્ગુણોની બાદબાકી કરવાનો ઉગ્ર પુરુષાર્થ કરવાનો છે.

શ્રાવણ સુદ બારસથી ભાદરવા સુદ ચોથ કુલ ૮ દિવસ ઉજવાતાં મહાપર્વનો અંતિમ દિન એટલે સંવત્સરી. (દિગંબર આમ્નાયમાં કુલ ૧૦ દિવસ આ પર્વ ઉજવાય છે.) સંવત્સરીના દિવસે વર્ષ દરમિયાન મન-વચન-કાયાથી કોઈપણ જીવને દુભવ્યા હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા માગવામાં આવે છે તથા ક્ષમા આપવામાં આવે છે. જૈન ભાઈ-બહેનો એકબીજાને મિચ્છામિ દુક્કડમ્ (મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ, મારા દુષ્કૃત્યોની માફી માગું છું) પાઠવે છે. જો કોઈ જીવ સાથે વેર બંધાયું હોય અને મોડામાં મોડું સંવત્સરીના દિવસે (એક આમ્નાય મુજબ છ મહિના) ક્ષમાયાચના કરવામાં ન આવે તો તે વેર અનંત સંસારનું કારણ બને છે.

”બેઉ કર જોડી નમી પડો, મૈત્રી તણા શુભ નાદમાં,
માગો અને આપો ક્ષમા, અંતરતણા એ સાદમાં”

ક્ષમાનો વિરોધી દુર્ગુણ ક્રોધ છે. ક્રોધોન્મૂલં અનર્થા ઃ । અર્થાત્ ક્રોધ એ અનર્થોનું મૂળ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કામ, ક્રોધ તથા લોભને નરકના દ્વાર કહ્યાં છે. ક્રોધ એ કષ્ટોનો સાગર છે અને ભયંકર જ્વાળામુખી છે કે જે માનવીનું સત્ત્વ બાળી નાખે છે. ક્રોધરૃપી નશો સર્વ પ્રકારે અનર્થ કરે છે. જૈનધર્મમાં ક્રોધને કષાય અંતર્ગત ગણેલ છે. ક્રોધને કારણે માનવી વર્ષોથી જાળવી રાખેલા સંબંધોને ક્ષણવારમાં નષ્ટ કરી દે છે તો વર્ષોથી જાળવેલી પ્રતિષ્ઠા પર પાણી ફેરવી દે છે, પરિવારની શાંતિને હણી નાખે છે, આરોગ્યનો નાશ કરી અનેક રોગોનો ભોગ બને છે અને પોતાના શત્રુગણને વધારી દે છે. વાલ્મિકીએ રામાયણમાં કહ્યું છે કે ક્રોધ એ પ્રાણઘાતક શત્રુ છે, તે ઉપરથી મિત્ર જેવો પણ અંદરથી ભયંકર વૈરી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ક્રોધથી માનવીનું કેવી રીતે પતન થાય છે તે દર્શાવતાં કહ્યું છે,

ક્રોધાદભવતિ સંમોહઃ સંમોહાત્ સ્મૃતિવિભ્રમઃ ।
સ્મૃતિભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ।।

માનવી પર ક્રોધ સવાર થાય ત્યારે તે સાર-અસારનો વિવેક ભૂલી જાય છે અને અયોગ્ય વર્તન કરવા લાગે છે. પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે જ્યારે ક્રોધ કરીએ ત્યારે શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે કે જેનાથી શરીરમાં અનેક રોગો ઉદ્ભવે છે. ક્રોધ કરવાથી અલ્સર, હાઈપર ટેન્શન, હાર્ટએટેક જેવા રોગોની શક્યતા વધી જાય છે. ઉપરાંત આત્મા પાપકર્મોથી લેપાય છે.

પર્યુષણ પર્વ તે ક્ષમાનું પર્વ છે. તૂટેલા દિલ ક્ષમાપનાથી જ જોડાઈ શકે છે. ”ક્ષમા છે વીરોનું ભૂષણ, કરે છે કર્મોનું શોષણ, ઉજવીએ સાચા પર્યુષણ.”

ભગવાન મહાવીર, ભગવાન પાશ્વૅનાથ, ગજસુકુમાર, સુકોશલ મુનિ, ભગવાન રામ, પાંડવો તથા ઈશુ ખ્રિસ્ત ક્ષમાના ઉત્તમ દૃષ્ટાંતો છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, ”ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. તેમ નવું વૈર વધારીશ નહિ, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાાનીઓ કરે છે.”ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે.

ક્ષમાપના એટલે વેરનાં વળામણાં, વેર-વિરોધનો બહિષ્કાર, કોઈપણ જીવ પ્રત્યે અંતરમાં રહેલા દ્વેષનો ત્યાગ, હૃદયરૃપી અરીસા ઉપર લાગેલા ક્રોધરૃપી પડદાનું અનાવરણ, વિશ્વવંદ્ય બનવા માટેનું પ્રથમ સોપાન. દુશ્મનને પણ દોસ્ત બનાવે તેનું નામ ક્ષમા. દિલની ઉદારતા તેનું નામ ક્ષમા.

ક્ષમાપના એ આત્માનો ઉજાસ છે તેનું નામ ક્ષમા. પ્રગતિની પગદંડી છે, સદ્ગુણોની સરિતા છે. મૈત્રીભાવનું ઝરણું છે, કરુણાભાવનું કલ્યાણકારી કાવ્ય છે અને ઉરનું અમૃત છે.

અપરાધીને પણ પ્રેમથી સાધી લે, તેનું નામ ક્ષમા. કોઈના અપરાધ અંતરમાં ન કરે જમા એનું નામ ક્ષમા.

પર્યુષણ પર્વ દરમિયાન સાચી ક્ષમાપના દ્વારા અંતરશુદ્ધિનો પ્રયાસ કરીએ તેવી અભ્યર્થના.

 

ક્ષમાપના

2  1

|| ક્ષમાપના ||

ક્ષમા એ જૈન ધર્મ નું શિખર છે
અહિંસા એ જૈન ધર્મ નો પાયો છે, તો ક્ષમા એ જૈન ધર્મ નું શિખર છે.
ક્ષમા જ યશ છે,ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે.
જે ક્ષમા આપી શકે છે એ તપસ્વી છે.

માણસનો ઉત્તમ ધર્મ કયો હોઈ શકે ? ‘તત્ત્વાર્થસૂત્ર’માં ધર્મના ભેદો વિશે કહેવામાં આવ્યું છે : ‘ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દસ પ્રકારનો ઉત્તમ ધર્મ છે.’ ક્ષમાનો ગુણ જીવનમાં ઉતારવાથી ક્રોધ વગેરે દોષો ઓછા કરી શકાય છે. માણસમાં જો સહનશીલતા હોય તો ગુસ્સો ઉત્પન્ન થતો નથી. જો ઉત્પન્ન થાય તો એને વિવેકબળથી નકામો બનાવી શકાય છે. ક્ષમા કેળવવાની પાંચ રીતો બતાવવામાં આવી છે : પોતાનામાં ક્રોધના નિમિત્તનું હોવું કે ન હોવું એનું ચિંતન કરીને, ક્રોધવૃત્તિના દોષો વિચારીને, બાલસ્વભાવ વિચારીને, પોતાના કરેલા કર્મનું પરિણામ વિચારીને અને ક્ષમાના ગુણો ચિંતવીને. કોઈ ગુસ્સે કરે અથવા આપણને ગુસ્સો આવે તો એનાં કારણની પોતાની જાતમાં શોધ કરવી અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવો. જો આપણે ક્ષમા ધારણ કરીએ તો આપણું ચિત્ત સ્વસ્થ બને છે અને બદલો લેવાની ભાવનામાં ખર્ચાતી શક્તિ સચવાઈ રહે છે, એ જ શક્તિને સંમાર્ગે વાળીએ તો એનાં ઉત્તમ પરિણામો આપી શકે છે, માટે ક્ષમાના ગુણોનું ચિંતન માણસે કરવું જોઈએ. મહાત્મા ગાંધીએ કહ્યું છે : ‘વેર લેવું કે વેર બાંધવું એ મનુષ્યનું કર્તવ્ય નથી. એનું કર્તવ્ય તો ક્ષમા છે.’ સૌ જાણે છે કે, વેરથી વેર શમતું નથી, ક્ષમા જ વેરનું ઉત્તમ ઔષધ છે.

‘ક્ષમા-સ્ત્રી (સં.) ખામોશી, દરગુજર કરવું તે, માફી (૨) પૃથ્વી’ એવો અર્થ થાય છે. બીજાની ભૂલોને માફ કરવી તે અતિ દુષ્કર કામ છે. જે સહજ રીતે બીજાને ક્ષમા આપે છે એ સાચો સંત હોય છે. ક્ષમા શું છે ? વેદવ્યાસે ‘મહાભારત’ના ‘વનપર્વ’ (૨૯/૩૬)માં કહ્યું છે : ‘ક્ષમા ધર્મ છે, ક્ષમા યજ્ઞા છે, ક્ષમા વેદ છે તથા ક્ષમા શાસ્ત્ર છે.’ ‘ક્ષમા’ શબ્દમાં ધર્મ, યજ્ઞા, વેદ અને શાસ્ત્રનો સમાવેશ થઈ જાય છે. માણસ હોવાના નાતે આપણી પાસે ક્ષમા કરવાનો અધિકાર છે. આપણે જાણીએ છીએ કે, પશુ-પ્રાણી કે પંખીઓને ક્ષમા સાથે કોઈ સંબંધ ખરો ? મનુષ્ય તરીકે આપણે વિચારીએ તો આપણામાં જ ક્ષમાની ભાવના રહેલી છે. ચાણક્યે કહ્યું છે : ‘કોયલનો સ્વર એ જ તેનું સૌંદર્ય છે, સ્ત્રીનું સૌંદર્ય તેનો પતિવ્રત ધર્મ છે, કુરુપોનું સૌંદર્ય તેમની વિદ્યા છે, તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમા છે.’ જે ક્ષમા આપી શકે છે એ તપસ્વી છે. આપણે પણ જો ક્ષમા આપી શકીએ તો એ ગુણ આપણામાં છે એ સાબિત થાય છે. જે ક્ષમા આપવાની ક્ષમતા ધરાવે છે એના માટે મોક્ષનો દરવાજો ખૂલી જાય છે. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે : ‘ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.’ ‘એ દિવ્ય દરવાજાને જો તમારે ખોલવો હોય તો ક્ષમા આપવાનું આચરણ કરો. વાલ્મીકિ ‘રામાયણ’ના ‘બાલકાંડ’ (૩૩/૭)માં કહ્યું છે : ‘સ્ત્રી કે પુરુષ માટે ક્ષમા જ અલંકાર છે.’ આપણે ઝવેરી બજારમાંથી લાવીને આભૂષણો પહેરીએ છીએ, પણ સર્વોત્તમ આભૂષણ તો ક્ષમા છે. એક વાત ચોક્કસ છે કે, જેનામાં ક્ષમા આપવાનો ગુણ કે ભાવના હોય છે એનો સમાજમાં તિરસ્કાર થતો હોય છે. એનું કારણ એ છે કે, ક્ષમા આપવાની ભાવનાવાળા કેટલા ? દરેકના મનમાં વેરનો બદલો વેર લેવાનો હોય છે. ઈસુ તો એક જ હોય અને ગાંધીજી પણ. ‘તમારા એક ગાલે કોઈ લાફો મારે તો બીજો ગાલ ધરજો’ એવી મહાનતા કોનામાં હોય ? ‘મહાભારત’ના ‘વનપર્વ’ (૨૮/૭)માં કહ્યું છે : ‘જે સદાય ક્ષમા કરે છે એના અનેક દોષ જોવાય છે. એના આશ્રિત, દુશ્મન કે ઉદાસીન-બધા જ એનો તિરસ્કાર કરે છે.’ મને જે ગમે તે બીજાને ન પણ ગમે. જેને જે વસ્તુ ના ગમે એનો વિરોધ થાય એ સ્વાભાવિક છે.

ક્ષમાની શક્તિ અમાપ છે, એને જે જાણતા નથી, એવા લોકો એનો વિરોધ કરતાં હોય છે. ‘મહાભારત’ના ‘ઉદ્યોગપર્વ’ (૩૩/૪૭-૪૮)માં કહ્યું છે : ‘ક્ષમાશીલ પુરુષોમાં એક જ દોષનું આરોપણ થાય છે. બીજાની તો સંભાવના જ નથી હોતી. દોષ એ છે કે, ક્ષમાશીલને લોકો અસમર્થ સમજી લે છે, પરંતુ એનો એ દોષ માનવો જોઈએ નહીં, કારણ કે ક્ષમામાં ખૂબ મોટી શક્તિ છે.’ એક વખત કોઈને ક્ષમા આપીને એનો પ્રયોગ કરી જુઓ, પછી એની તાકાતનો પરચો તમને મળી રહેશે. ‘ઉદ્યોગપર્વ’ (૩૩/૪૯)માં જ કહ્યું છે : ‘ક્ષમા અસમર્થ મનુષ્યોનો ગુણ તથા સમર્થ મનુષ્યોનું આભૂષણ છે.’ ક્ષમા આપવી અતિ કઠિન છે. જે મહાન હોય એ જ આ ગુણને કેળવી શકે છે. ક્ષમા આપવી એ સજ્જનતાનો ગુણ છે. ‘બ્રહ્મવૈવર્ત્તપુરાણ’માં કહ્યું છે : ‘સજ્જન મૂર્ખના દોષને સદાય માફ કરી દે છે.’ માફ કરનાર માણસ ભૂમિ જેવો ગણાય છે. ધરતી માતા કેટલું સહન કરે છે ? છતાંય એક હરફ પણ ઉચ્ચારતી નથી, એથી ‘ક્ષમા’ શબ્દનો બીજો અર્થ ‘પૃથ્વી’ થાય છે. ક્ષમા એ પૃથ્વીનો પર્યાય છે. બાણભટ્ટે ‘હર્ષચરિત’માં કહ્યું છે : ‘બધી જ તપસ્યાઓનું મૂળ ક્ષમા છે.’ ક્ષમા તો સૂર્યની બાર કલામાંની એક ગણાય છે. કેટલાક લોકો ‘ક્ષમાવ્રત’ કરતાં હોય છે. ગુરુ પાસે દોષની કબૂલાત કરી પ્રાયશ્ચિત કરતાં હોય છે. જેનામાં ક્ષમાના ગુણ અતિશય હોય તેને ‘ક્ષમાપતિ’ (રાજા) કહેવાય છે. જૈનો ‘ક્ષમાપના’ કરતા હોય છે એટલે તેઓ અપરાધની માફી માગતા હોય છે. જે ક્ષમાધર છે એ પોતે સહન કરીને બીજાને શાતા આપે છે. એથી તો આપણે આપણો સ્વભાવ સહનશીલ રાખવો, દયાળુ ભાવ રાખવો અને પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત પણ કરવું. ‘મત્સ્યપુરાણ’ (૨૮/૪)માં કહ્યું છે : ‘જેવી રીતે સાપ પોતાની જૂની કાંચળી ઉતારે છે એવી જ રીતે જે પોતાના ક્રોધનું ક્ષમા દ્વારા નિરાકરણ કરે છે એ જ સાચો પુરુષ કહેવાય છે.’

જે મહાન છે એ જ ક્ષમાવાન હોય છે. મોટો જ ક્ષમા આપી શકે છે, નાનો નહીં. રહીમે કહ્યું છે : છિમા બડન કો ચાહિયે, છોટિન કો ઉત્પાત’ જેનામાં સમજનો, વિદ્યાનો અને જ્ઞાનનો અભાવ છે એ ક્યારેય ક્ષમા આપી શકે જ નહીં, એ તો સદાય બદલાની ભાવનામાં જ રાચતો હોય છે, એટલે એવો માણસ જે કંઈ સાચાં કાર્યો કરવાનો પ્રયત્ન કરે તો પણ એ નકામાં થઈ જાય છે.

અચિત્યાનંદવર્ણીએ ‘શ્રીહરિલીલાકલ્પતરુ’ (૪/૧૦/૪૭)માં કહ્યું છે : ‘ક્ષમાહીન વ્યક્તિ જે પણ પુણ્ય કરે છે એ નિરર્થક છે.’ જેનામાં ક્ષમા આપવાની ક્ષમતા નથી એ શું કરી શકે આપણે એમ માનીએ કે, ક્ષમાનું ફળ માત્ર જે ગુનેગાર છે એને જ મળે છે, પણ એવું નથી. ક્ષમા કરનારને એનું સૌથી વધારે ફળ મળે છે. એનું કારણ એ છે કે, ક્ષમા માનવભાવોમાં સર્વોપરી છે, દયાનું સ્થાન એના જેટલું ઊંચું નથી. પ્રેમચંદે કહ્યું છે : ‘દયા નામના દાણા તો માત્ર પોચી ધરતી ઉપર જ ઊગે છે, પણ ક્ષમારૂપી દાણા તો કાંટોમાં ઊગે છે. દયાનું ઝરણું તો સમથળ ભૂમિ ઉપર વહે છે જ્યારે ક્ષમા કાંકરા અને ભેખડોમાં વહેવાવાળી ધારા છે. દયાનો માર્ગ સીધો અને સરળ છે જ્યારે ક્ષમાનો માર્ગ વાંકોચૂકો અને કઠણ છે.’ કોઈપણ માણસ કોઈનીય દયા ખાય છે, પણ અઘટિત ઘટના માટે જો કોઈને માફ કરવો હોય તો તે કરી શકતો નથી. ક્ષમા માટે ક્રોધનું મારણ જરૂરી છે. માણસને ક્રોધ કશું જ કરવા દેતો નથી. જે ક્રોધને જીતે છે એ સહજ રીતે બીજાને ક્ષમા આપી શકે છે. ઓમદેવે ‘કથાસરિત્સાગર’ (૬/૨)માં કહ્યું છે : ‘પ્રિય અને અપ્રિય બંનેમાં સમભાવે હોવાના કારણે મનસ્વી પુરુષે આ નશ્વર દેહના નિમિત્તે ક્રોધ શા માટે ? ‘ક્ષમા હિ બ્રહ્મણઃ પદમ્’ (ક્ષમા બ્રહ્મપદ છે). ક્ષમાની શક્તિનું આ માપ છે. જો આપણી પાસે ક્ષમા નામનું શસ્ત્ર હોય તો કોઈપણ વ્યક્તિ આપણું શું બગાડવાની હતી ? ક્ષમાની ભાવનાવાળાના મનમાં કોઈ અનિષ્ટ, અનુચિત ભાવ કેવી રીતે પેદા થઈ શકે ?

મરાઠીમાં તુકારામે ‘તુકારામ અભંગ ગાથા’માં તથા સંસ્કૃતમાં પણ એવો જ શ્લોક છે : ‘જેના હાથમાં ક્ષમારૂપી શસ્ત્ર (ધનુષ્ય) છે. દુષ્ટ એનું શું બગાડી શકવાનો હતો ? અગ્નિમાં તણખલાં નાખવામાં ન આવે તો તે જાતે જ ઓલવાઈ જાય છે.’ ક્ષમાની શક્તિ એટલી પ્રબળ છે કે, એને કોઈ કશું જ કરી શકતું નથી. આપણે કોઈને શિક્ષા કરી શકીએ એમ હોઈએ તોય જો એમ ન કરીએ અને એને ક્ષમા આપીએ એ મોટી ઘટના છે, માણસની એ જ મહાનતા છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે, ‘દંડ કરવાની શક્તિ હોવા છતાં પણ એને દંડ ન કરવો એ જ સાચી ક્ષમા છે.’ જે થઈ શકે એમ હોય છતાં એ પ્રમાણે ન કરીએ એ જ માણસની મોટાઈ છે. પાલિમાં ‘સંયુત્તનિકાય’ (૧/૧૧/૨૪)માં કહ્યું છે : ‘ભિક્ષુઓ ! બે પ્રકારના મૂર્ખ હોય છે- એક જેઓ પોતાના અપરાધને અપરાધની રીતે જોતા નથી અને બીજા જે બીજાના અપરાધ સ્વીકારી લીધા પછી એને ક્ષમા આપતા નથી.’ બીજાના દોષને ક્ષમા આપવી એ વિશાળ દિલના માનવીની ઉદારતા છે.
==================
|| મિચ્છામી દુક્કડમ ||

ખામેમિ સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મેં
મિતીમે સવ્વ ભુએસુ વેરમ મજ્ઝમ ન કેણઈ – ભગવાન મહાવીર

હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે !
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે ! – કલાપી

હૃદયમાં ઉગેલો સાચો પ્રશ્ચાતાપ એ સ્વર્ગમાં થી ઉતરી આવેલું પવિત્ર ઝરણું જ છે, આવો મન,વચન, કાયા થી એમાં સ્નાન કરી આપણા જાણતા અજાણતા થયેલા પાપોને ધોઈ પુણ્યશાળી બનીએ !!

સાવંતસરિક પ્રતિક્રમણ કરતી વેળાએ સર્વ જીવોને ખમાવતાની સાથે આપ સૌને પણ અંત:કરણ પૂર્વક ખમાવીએ છીએ – મિચ્છામી દુક્કડમ
==============================================
** પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણ પાણી જેવી ક્ષમા લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ.
=============================
|| ક્ષમાપના ||

** જૈન ધર્મ — અહિંસા એ જૈન ધર્મ નો પાયો છે, તો ક્ષમા એ જૈન ધર્મ નું શિખર છે. ક્ષમા જ યશ છે,ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે. જે ક્ષમા આપી શકે છે એ તપસ્વી છે.
** ભગવાન મહાવીર – ખામેમિ સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મેં, મિતીમે સવ્વ ભુએસુ વેરમ મજ્ઝમ ન કેણઈ
** વિષ્ણુપુરાણ — ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદ્ગમતિ પામે છે.
** સરદાર વલ્લભભાઈ પટેલ — ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.
** ભર્તુહરિ — સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.
** ભગવાન શંકરાચાર્ય — પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી.
** ગૌતમ બુદ્ધ — જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.
** ભર્તુહરિ — ક્ષમા દંડ કરતાં મોટી છે. દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત થાય છે દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે, પણ શાંતિ નથી. ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ પણ છે.
**જયશંકર પ્રસાદ — ક્ષમામાં જ પાપને પુણ્ય બનાવનાની શક્તિ છે, કોઈ પણ અન્ય વસ્તુમાં તે નથી.
** પંચતંત્ર — જો માણસની પાસે ક્ષમા હોય તો તેને કવચની શી જરૂર છે?
** વેદવ્યાસ — ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભૂષણ છે.
** વેદવ્યાસ — ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે.
** પ્રેમચંદજી — જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે.
** અજ્ઞેય — ક્ષમા હ્રદયનો ધર્મ છે.
** ગાંધીજી — ક્ષમા વીરોનું આભૂષણ છે.
** વાલમીકિ — ક્ષમા જ યશ છે, ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે.
** કલાપી – હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે ! પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે !
** હૃદયમાં ઉગેલો સાચો પ્રશ્ચાતાપ એ સ્વર્ગમાં થી ઉતરી આવેલું પવિત્ર ઝરણું જ છે, આવો મન,વચન, કાયા થી એમાં સ્નાન કરી આપણા જાણતા અજાણતા થયેલા પાપોને ધોઈ પુણ્યશાળી
બનીએ !!

સ્‍વ ની ક્ષમા

1

|| ‘સ્‍વ’ ની ક્ષમા ||

“સ્‍વ ની ક્ષમા… તમે તમારી પોતાની જ ક્ષમા માંગો”

ભગવાન મહાવીરે સ્‍વ આત્‍માની રક્ષા માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સુરક્ષા માટે ખંતિ, મુત્તિ, અજવે, મદવે, લાધવે, સચ્‍ચે, સંજમે, તવે, મિયાએ અને વોદણે રૂપી દસ કિલ્લાઓ બાંધવાની પ્રેરણા કરી છે.

સૌથી પ્રથમ શબ્‍દ આવે છે ખંતિ ! ખંતિ એટલે ક્ષમા, આત્‍મ હિતના આરાધક માટે ક્ષમા રાખવી, ક્ષમા આપવી અને ક્ષમા માંગવી એ આરાધનાનું મુખ્‍ય પગથીયુ છે. ક્ષમાવાન વ્‍યકિત એકદમ હળવો હોય છે અને હળવાશ ભર્યુ હૃદય ચિત્તની પ્રસન્‍નતા અપાવે છે.

ભગવાન કહે છે કે, સૌથી પહેલા આવે છે ‘‘સ્‍વ” ની ક્ષમા !! તમે તમારી પોતાની જ ક્ષમા માંગો ! તમને વિચાર આવશે, મારે જ મારી ક્ષમા માંગવાની? મેં મારી સાથે શું કોઈ ગુનો કર્યો છે? કદાચ તમારી દૃષ્‍ટિમાં તમને કોઈ ગુનો નહિ દેખાતો હોય, પણ ભગવાન કહે છે, તારો ગુનો એ જ છે કે, ‘તું તને ભુલી ગયો છે માટે તે તને સાચવ્‍યો નથી. તારા આત્‍માની સંભાળ લીધી નથી. તારા આત્‍માને એકવાર પણ પૂછ્‍યુ નથી. હે આત્‍મન્‌ ! તને કેમ છે?

આ જ તારો સૌથી મોટો ગુનો છે. એક વાર આત્‍માની ‘સ્‍વ’ ની ક્ષમા માંગી લે આત્‍માની સંભાળ લેવાના ભાવ જાગૃત થઈ જશે. ભવિષ્‍યને ભવ્‍ય બનાવવાના ભાવ જાગૃત થઈ જશે.

આત્‍મ કલ્‍યાણ ત્‍યારે જ સાધી શકાય છે જયારે અંતરમાંથી ભૂત, ભવિષ્‍ય અને વર્તમાન ત્રણેયનો વિચાર આવે છે.

ખંતિ એટલે કે ક્ષમા, આ ક્ષમા શબ્‍દ બહુ વિચારવા જેવો છે. આજ સુધી આપણે માનતા હતા ક્ષમા રાખવા જેવી છે અને ક્ષમા આપવા જેવી છે, પણ કયારેય ‘સ્‍વ’ ની ક્ષમાનો વિચાર જ કર્યો નથી. જેમ કે કયારેય એવુ ફીલ જ નથી થયુ કે હું મારો ગુનેગાર છું, સૌથી મોટો ગુનો તો મેં મારી સાથે કર્યો છે. મેં કયારેય મારો આત્‍મા પરમ સુધી બને, શાશ્વત સુખને પામે, સંસારના આ બધા રાગ – દ્વેષથી મુકત થઈ જાય, એવો પ્રયત્‍ન જ કર્યો નથી, એટલે ક્ષમા માંગવાની છે? ‘સ્‍વ’ ની..!!

પર્યુષણનો સાર શું છે? સંવત્‍સરી..! સંવત્‍સરીનો સાર શું છે? પ્રતિક્રમણ ! પ્રતિક્રમણનો સાર શું છે? ક્ષમાપના. !

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ધ્‍યાન, સાધના, સ્‍વાધ્‍યાય, તપ અને ત્‍યાગની સાથે પરીવારને પ્રસન્‍ન રાખવા માટે પરીવારના સભ્‍યોની ભાવનાને સુધારવા માટે પરીવારીક પ્રેમ અને મૈત્રી વધારવા માટેનું પર્વ છે.

તમારી પાસે સો સુખ હોય પણ પરીવારમાં પ્રેમ, સંપ કે પ્રસન્‍નતા ન હોય તો એ સુખ શું કામનું? તમારી પાસે અઢળક સમૃદ્ધિ હોય પણ પત્‍નિ કે ભાઈ સાથે અબોલ હોય તો એ સમૃદ્ધિ શું કામની?

અંદરના અબોલા અને અણગમાને દૂર કરવા માટે પર્યુષણ પર્વ અને પર્વનો સંવત્‍સરીનો દિવસ ! ક્ષમાપનાનો દિવસ !

જયાં સુધી એક પણ વ્‍યકિત સાથે અબોલા છે અથવા એક પણ વ્‍યકિત પ્રત્‍યે અણગમો છે ત્‍યાં સુધી તમારી ક્ષમા પૂર્ણ ક્ષમા નહીં, અપૂર્ણ ક્ષમા કહેવાય છે. અંદરમાં પડેલો અણગમો વ્‍યકિતને રોગી બનાવે છે, માનો કે પાણીના ટાંકામાં મરેલુ ગલુડીયુ પડયુ છે, તમે રોજ પાણી બદલાવો છો છતાં પણ પાણીમાં વાસ આવે છે. વાસને કાઢવા માટે પાણીને બદલાવતા પહેલા અંદર પડેલા મરેલા ગલુડીયાને કાઢવાની જરૂર છે.

એમ દરેકના મગજમાં કયાંકને કયાંક કોઈના પ્રત્‍યેના અણગમાનું, નફરતનું, વેરનું મરેલુ ગલુડીયુ પડયુ જ હોય છે. જયાં સુધી મગજના ટાકામાં અણગમાનું ગલુડીયુ પડયુ છે ત્‍યાં સુધી તમારા વાણી, વ્‍યવહાર અને વર્તનમાં વાસ આવવાની જ છે, પછી તમે ગમે તેટલા જાપ કરો, પ્રવચન સાંભળો, ધર્મ ધ્‍યાન કરો, એ બધુ જ માત્ર પાણી બદલવાની પ્રોસેસ જેવું છે. પર્યુષણ એ મગજમાં પડેલા અણગમાના ગલુડીયાને ક્ષમા દ્વારા બહાર કાઢવા માટે છે.

પર્યુષણના આઠ દિવસમાંથી પહેલા સાત દિવસ તો પ્રિપેરેશનના હોય છે અને આઠમો દિવસ જ પર્યુષણનો હોય છે, કેમ કે એ દિવસ સાત દિવસ સમજ પ્રાપ્‍ત કર્યા પછી આઠમો દિવસ સમજપૂર્વકની ક્ષમાપનાનો હોય છે.

કોઈ પણ કધોણીયા કપડાને સ્‍વચ્‍છ કરવુ હોય તો પહેલા એને પલાળવુ પડે, પછી ઘસવુ પડે, પછી જરૂર પ્રમાણે ધોકા માપવા પડે અને પછી આઠમા દિવસે જયારે એના પર ઈષાી મારવામાં આવે ત્‍યારે તે ચમકી ઉઠે.

એમ અનાદી કાળથી મલીન થયેલા આત્‍માને પણ શુદ્ધ કરવા પહેલા ગુરૂ જ્ઞાનવાણીના જળથી પલાળવો પડે પછી અંદરમાં પડેલા ક્રોધ, માન, માયા, લોભ આદી કષાયોને બહાર કાઢવા પડે પછી કયાં કયાં નફરત અને અણગમો પડતા છે એનુ અવલોકન કરવુ પડે અને પછી જો ક્ષમાપના થાય તો શુદ્ધ થયેલ આત્‍મા ચમકી ઉઠે. જૈન ધર્મ દ્રવ્‍ય સાથે ભાવનો પણ ધર્મ છે. ભલે શબ્‍દોથી કે વર્તનથી અગણમો વ્‍યકત ન કરતા હો પણ જો મનમાં પણ અણગમાતી વ્‍યકિત માટે બડબડાટ ચાલુ હોય તો તે પણ પાપ છે. જયાં સુધી મનમાં પણ ભાર છે ત્‍યાં સુધી સુધરવાનુ નથી.

મનના ભારને દૂર કરવા માટે ક્ષમાપના છે. ભાવથી ક્ષમા માંગી લ્‍યો, મન શાંત થઈ જશે, મન હળવુ થઈ જશે, મન પ્રફુલ્લ થઈ જશે.

જેને એકવાર અણગમાને દૂર કરતા આવડી જાય છે તેના ચહેરા પર સદાય સ્‍મિત હોય છે. જે અણગમાને કાઢે છે એ હૃદયમાં પરમાત્‍મા બિરાજે છે.

સહુ પ્રત્‍યે ગમો અને સહુ પ્રત્‍યે પ્રેમ હોય તો જ ક્ષમા સાર્થક છે, નહીં તો શો છે.

મિચ્છા મિ દુક્કડમ્ : આઠ અજવાળાંની અંતરયાત્રા !

2

|| મિચ્છા મિ દુક્કડમ્ : આઠ અજવાળાંની અંતરયાત્રા ! ||

આજે ઉચ્ચારાશે ‘મિચ્છા મિ દુક્કડમ્’ કાંટા બિછાવનાર તરફ સ્નેહ રાખવો એ ક્ષમાની અગ્નિપરીક્ષા છે. ક્ષમા આપવામાં આવશે અને ક્ષમા માગવામાં આવશે. આ ક્ષમાને બધા ગુણોની કૂખ કહેવામાં આવે છે, કારણ એટલું જ કે આ ક્ષમાની સાધના સાધકના જીવનમાં આઠ અજવાળાં પાથરે છે.

સૌપ્રથમ તો વ્યક્તિ પોતાની વર્તમાન સ્થિતિનો વિચાર કરે છે. દિવાળીએ જેમ નફા- તોટાનો વિચાર થાય, એ રીતે ક્ષમા એ આત્માની દિવાળી છે અને વ્યક્તિ પોતાના દેહ અને મનને પાર કરીને આત્માની ભીતરમાં જઇને પોતાની જાતને જાણીને ક્ષમા માગે છે અને સાથેસાથે ક્ષમા સમયે એવો સંકલ્પ કરે છે કે ફરીવાર આવી ભૂલ કે દોષ નહી કરું.

ક્ષમાથી વ્યક્તિની આત્મદ્રષ્ટિ કેળવાય છે અને એ પોતાના ભીતરમાં નજર કરે છે. સામાયિકનો અર્થ છે વર્તમાન તરફ જાગ્રત રહેવું, પ્રતિક્રમણ એટલે પ્રતિક્ષણ જાણતા- અજાણતા થયેલા દોષોને ઓળખવા અને એમાંથી પાછા ફરવું. બહારની દુનિયામાં દોડતા માનવીને ક્ષમા એ થયેલી ભૂલો જોવાનું અને નિખાલસ દિલે સ્વીકારવાનું સાહસ આપે છે. ઘોર તપ કરી રહેલા રાજર્ષી પ્રસન્નચંદ્રના મનમાં રાજ્ય અને બાળક પરનાં મોહને કારણે થોડીક ક્ષણો માટે હિંસક વિચારોનું સમરાંગણ રચાઇ ગયું અને પરિણામે સાતમે નરકને યોગ્ય ગતિ- જાતિ આદિ નામકર્મ બાંધ્યા. પરંતુ એ પછી પોતાના મુંડિત મસ્તકનો સ્પર્શ થતાં પારાવાર પશ્ચાત્તાપ થયો અને પછી પોતાની મહાન ભૂલની આલોચના, પ્રતિક્રમણ કરીને મુનિ ફરી પ્રશસ્ત પ્રસન્ન ધ્યાનમાં સ્થિર થયા અને એને કારણે એમને કેવળજ્ઞાાન પ્રાપ્ત થયું. આ છે આંતરજાગૃતિનો મહિમા.

ક્ષમાથી સંબંધશુદ્ધિ થાય છે. આજના માનવીના જટિલ જીવનમાં માણસ પોતે અશાંત છે અને એ જગતને અશાંત કરે છે. ‘ક્ષ’ એટલે ગાંઠ, અને ‘મ’ એટલે નષ્ટ કરવું. આજના જીવનમાં ઘણી ગાંઠ છે. પિતા- પુત્રમાં મતભેદ છે, ગુરુશિષ્ય વચ્ચે કલહ છે, તો મિત્ર-મિત્ર વચ્ચે મારામારી છે. શેઠ અને નોકરના દિલ દુભાયેલા છે, પડોશી સાથે સંઘર્ષ છે અને નજીકના સાથે સ્નેહ તૂટયો છે. આવે સમયે ભાંગેલા હૈયાને સાંધવાનું કામ ક્ષમા કરે છે.

ક્ષમાતી ચોથું અજવાળું થાય છે માનવીના જીવનની પ્રવૃત્તિમાં. એનાથી એનામાં લોભ ઘટે છે અને સરળતા આવે છે. વિનય સાંપડે છે અને સંતોષ જાગે છે. બીજી રીતે કહીએ તો એની જીવનપ્રવૃત્તિમાં સઘળા ગુણો ક્ષમાની સાધનાથી એને સાંપડે છે.

ક્ષમા એ આંતરસમૃદ્ધિનો માપદંડ છે. એ એનું પાંચમું અજવાળું વ્યક્તિ ધર્મના અનુષ્ઠાનો કેટલે અંશે આત્મસાત્ કરી શકે તેનો તાળો ક્ષમાદ્રષ્ટિના વિકાસ પરથી મળી શકે છે. ક્ષમા એ ધર્મભાવનાનું બેરોમિટર છે અને તેથી ક્ષમા ન હોય તો વ્રત, તપ, ધ્યાન, અનુષ્ઠાન સફળ થતા નથી. ક્ષમા એ આત્માનો સ્થાયી ગુણ છે અને તેથી ક્ષમાને પરિણામે વ્યક્તિ આંતરવિકાસ સાધે છે.

ક્ષમાથી મૈત્રીનું છઠ્ઠું અજવાળું પ્રાપ્ત થાય છે. એ મૈત્રીનો પ્રારંભ માતાથી થાય છે, પછી સગાં- વહાલાં અને કુટુંબથી થાય છે અને એનો વિકાસ થતાં થતાં એ પરહિત ચિંતા અને પ્રકૃતિ અને પ્રાણીમાત્રની કરુણા સુધી પહોંચે છે.

ક્ષમાથી સાતમું અજવાળું પ્રગટે છે સમતાનું અને સમતા આવતાં વ્યક્તિ જીવનના સંકટોને યોગ્ય રૃપમાં સમજીને સ્વસ્થતા અને સમતુલન જાળવી શકે છે. સમતાને પરિણામે હેતપ્રીતના તોરણ બંધાય છે અને વેર-ક્રોધના કાતિલ કાંટા અવળા ફરી જાય છે. અંતરના તાર અમી વરસાવે છે અને સંસાર મનનો મિત લાગે છે, આથી જ જૈન ધર્મમાં સર્વ જીવોની ક્ષમાયાચનાની વાત છે. મંદિરના એકાંતમાં મનોમન ઇશ્વર આગળ ક્ષમા માગવી સરળ છે. ગુરુજનો પાસે પ્રાયશ્ચિત્ત કરવું પણ આસાન છે, પરંતુ જૈન ધર્મમાં જેને દુ :ખ પહોંચાડયું છે, જેની સાથે વેર બાંધ્યું હોય, જેના તરફ દ્વેષ કે ઇર્ષા ધરાવી હોય, એવી વ્યક્તિ પાસે જઇને એની ક્ષમા માગવાની છે.

આજે સંવત્સરીના મહામૂલા દિવસે ભવતારિણી ક્ષમારૃપી અમૃતનો ભર્યો ભર્યો પ્રેમપ્યાલો પીએ, ત્યારે એનાથી મળતા આ આઠ અજવાળાંનો અનુભવ કરીએ.

ક્ષમાપનાની વિશેષતા : –

જૈનદર્શનમાં ક્ષમાની વિશેષતા એ છે કે મંદિરના એકાંતમાં કે ધર્મગુરુ પાસે જઇને ભૂલની ક્ષમા માગવાની નથી, પરંતુ પોતે જેની સાથે મન, વચન અને કાયાથી દુર્વ્યવહાર કર્યો છે એની સમક્ષ જઇને એની ક્ષમા માગવાની છે. એનાથી જગતની સકલ જીવસૃષ્ટિ સાથે એના સંબંધનું સ્મરણ થાય છે. આમાં માત્ર ક્ષમા માગવાની જ નથી, પણ આપવાની છે અને આ બંને ક્રિયાઓ અને તેનું પરિણામ ભિન્ન છે. ક્ષમા માગવી એ ક્ષમા આપવા કરતા થોડી સહેલી છે.

ત્રીજી બાબત એ છે કે ક્ષમા માગવી એ પૂરતું નથી, ક્ષમા માગીને શાંત થવાનું પણ પૂરતું નથી, પરંતુ ઉપશમાવવાનું હોય છે. મન, વચન અને કાયા ત્રણેયના યોગથી પ્રતિક્રમણ કરે છે અને જે પાપ કર્યું છે તેને ‘મિચ્છા મિ દુક્કડમ્’ કહે છે અને પુન : પાપ કરતો નથી. એકવાર જે ભૂલને માટે ક્ષમાપના કરી, તેનાથી હંમેશા દૂર રહીશું એવો સંકલ્પ કરવામાં આવે છે. પોતાની ભૂલ સમજાય ત્યારે ગળામાં થૂંક ઉતરે તે પહેલાં તત્કાળ ક્ષમા માગવી એમ ગ્રંથો કહે છે.

|| મહાવીર વાણી ||

ક્ષમાપના : –

હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું અને એ તમામ જીવો મને પણ તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો તરફ મારા મૈત્રીભાવ છે અને મારે કોઇ પણ જીવની સાથે વેર ઝેર નથી.

(શ્રી આવશ્યક સૂત્ર, અધ્યાય ૪ ગાથા ૫)

ક્રોધ ઉપરનો વિજય ક્ષમાનો જનક છે.

(શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યાય ૨૯ ગાથા ૬૭)

ઓછામાં ઓછા પ્રમાદને લઇને પણ મેં આપની તરફ ઉચિત વ્યવહાર ન કર્યો હોય તો હું શલ્ય તથા કષાય વિનાનો બની આપની ક્ષમા માગું છું.

(શ્રી ભગવતી સૂત્ર, ૧૩૬૮)

ક્ષમાપનાથી પ્રસન્નતાનો ભાવ ઉત્પન્ન થાય છે.

(શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યાય ૨૯ ગાથા ૧૯)

ક્ષમાના પાંચ પ્રકારો

1

|| ક્ષમાના પાંચ પ્રકારો ||

|| જે ઉપશાંત થાય છે તેને જ આરાધના લાભ ||

વૈરના વિષનું વમન કરાવીને અવૈરના અમૃતનો આસ્વાદ કરાવતા પર્વાધિરાજ પર્યુષણાના પ્રાણ સમો દિવસ એટલે આજનું સંવત્સરીય મહાપર્વ. આજના આરાધનાના આદર્શ સમા ‘મિચ્છા મિ દુક્કડં’ ક્ષમા સૂત્ર આધારિત આપણી ચિંતન યાત્રામાં આવે છે એ વાક્યનો અંતિમ અક્ષર ‘ડં’. તેનું અર્થઘટન કરતા સમર્થ શાસ્ત્રકાર મહોપાધ્યાય યશોવિયજી ગણિવર સંસ્કૃત ટીકામાં ફરમાવે છે કે, ‘। ઇત્યેતદક્ષરં ડીયે = લંઘયામિ તત્ – પાપં ઉપશમેન કરણભૂતેનેત્યેતદર્થકમ્’ મતલબ કે ‘ઉપશમભાવ આત્મસાત્ કરવા હું મારા તે ક્રોધાદિ પાપને અતિક્રમી જાઉં છું.’

આમાં ઉપશમ ભાવ અર્થાત્ સમતા- ક્ષમાનો ઉલ્લેખ છે. એને વિકસ્વર કરવા કાજે આજના સંવત્સરી મહાપર્વથી ચડિયાતું કઈ પર્વ નથી. સ્વયં પ્રભુ મહાવીર દેવે આજની આરાધના અંગે બારસા સૂત્રના અંતિમ ભાગમાં આ ભાવના શબ્દો ફરમાવ્યા છે કે, ”જે ઉપશાંત થાય છે તેને આરાધનાલાભ થાય છે, જ ઉપશાંત થતો નથી તેને આરાધનાલાભ થતો નથી. માટે દરેક સાધકે ઉપશાંત થવું જોઈએ. ઉપશમ તો શ્રમણત્વનો સાર છે.” આથી જ આજે સર્વ આરાધકો- સર્વ જીવોને ‘મિચ્છા મિ દુક્કડં’ આપીને આત્માને ઉપશાંત કરશે.

ઉપશમ ભાવ એટલે ? જાણે કે એવા ‘ફાયરપ્રુફ’ વસ્ત્રો કે જે સામી વ્યક્તિના કષાયોની ભડભડતી આગ વચ્ચે ય આત્માને અણિશુદ્ધ બચાવી રાખે. ક્લેશ-કંકાસમાં ભૂલ જો પોતાની થઈ હશે તો એ વ્યક્તિને નમ્ર બનાવી માફી માંગતા શીખવશે અને ભૂલ જો બીજાની થઈ હશે તો એ વ્યક્તિને ઉદાર બનાવી માફી આપતા શીખવશે. આવો અદ્ભુત ઉપશમ- ક્ષમા આજે યથાર્થ આત્મસાત્ થાય એ માટે આપણે અહીં ક્ષમાના પાંચ પ્રકારોનું સંક્ષિપ્ત દિગ્દર્શન કરીશું.

(૧) અપકાર ક્ષમા :

વ્યવહારમાં ઘણીવાર એવું નિહાળાય છે કે શેઠ- માલિક- ઉપરી અધિકારી વગેરે એમના હાથ નીચેની વ્યક્તિને નહિવત્ બાબત પર ખૂબ તિરસ્કૃત કરે – ધધડાવી નાખે અને પોતાનો કોઈ ખાસ વાંક ન હોવા છતાં એ હાથ નીચેની વ્યક્તિ ચૂપચાપ હરફ ઉચ્ચાર્યા વિના તે સાંભળી લે. શું ત્યાં ક્ષમાભાવના માની શકાય ખરી ? આપણે કહીશું કે ના. વાસ્તવિક રીતે એ હાથ નીચેની વ્યક્તિના અંતરમાં ત્યારે ગુસ્સાનો લાવારસ ઉછળતો હશે. આમ છતાં મૌન એટલે રહે છે કે એને ગુસ્સો કરવા જતા ઉપરી વ્યક્તિ તરફથી જાલીમ નુકસાન થવાનો ભય રહે છે. એથી એ મન મારીને ચૂપ રહે છે. વસ્તુત : આ ખરી ક્ષમા નથી, માત્ર ઉપલક દ્રષ્ટિએ ત્યાં ક્ષમા- ગુસ્સાનો અભાવ દેખાય છે. અપકાર થવાના ભયથી સર્જાતી આવી ક્ષમાને શાસ્ત્રો અપકાર ક્ષમા કહે છે. ભયજન્ય આ ક્ષમા કેવી હોય તે જાણવું છે ? તો વાંચો આ રમૂજ કથા :

શિયાળાની વહેલી સવારે એક શક્તિશાળી યુવાન કસરત કરવા જઈ રહ્યો હતો. આછા અંધારામાં એક મકાન નીચેથી એ પસાર થઈ રહ્યો હતો ત્યાં ઉપરની ગેલેરીમાંથી એક ઇંટ એના પર પડી ખભા પર અથડાઈને ઇંટ નીચે પડી. ચમકી ગયેલ યુવાને તરત ઉપર દ્રષ્ટિ કરી. ઉપર કોઈ ચહલપહલ ન હતી એથી એણે કલ્પના કરી લીધી કે રાત્રે કોઈએ પાળી પર બેદરકારીથી અર્ધી બહાર રહે એ રીતે ઇંટ મૂકી હશે અને કોઈ પંખી બેસવા જતા એ સીધી મારા પર પડી હશે. આવી બેદરકારીથી ઇંટ મૂકનાર ઉપર એ શક્તિશાળી યુવાનને ભયંકર ગુસ્સો આવ્યો. એનું ઘર ખોલાવીને આ ઇંટ એના મસ્તક પર જ મારવાનો એણે નિર્ણય કર્યો.

ઇંટ લઈને ધમધમાટ સાથે એ મકાનમાં ગયો અને માર્ગ તરફના બ્લોકનો દરવાજો તૂટી જાય એ હદે જોરશોરથી ખટખટાવ્યો પણ દરવાજો ખૂલતાં જ યુવાનના મોતિયા મરી ગયા. સામે જે વ્યક્તિ ઊભી હતી એ યુવાન જેવા ચારને એકલે હાથે ફેંકી દે એવી અલમસ્ત પહેલવાન હતી. એ પહેલવાને ગુસ્સામાં પૂછ્યું, ‘શું છે સવાર સવારમાં ?’ યુવાને ડરપોક બિલ્લી બની જઈને નમ્રતાથી કહ્યું : ‘કાંઈ નહિ સર, આપની ઇંટ પડી ગઈ હતી તે આપવા આવ્યો છું !?’

વાસ્તવિક દ્રષ્ટિએ આવી ક્ષમાનું કોઈ મૂલ્ય ન હોવાથી શાસ્ત્રો એને કોઈ મહત્ત્વ આપતા નથી.

(૨) ઉપકાર ક્ષમા :

જે વ્યક્તિએ આપણા પર અપ્રતિમ ઉપકારો કર્યા હોય એ વ્યક્તિ કારણસર કે કારણ વિના આપણા પર ગુસ્સો કરે ત્યારે, એણે આપણા પર કરેલ મહાન ઉપકારો સ્મરણમાં રાખી ઉદારતાથી ‘લેટ ગો’ કરવું તેને કહેવાય છે ઉપકાર ક્ષમા. ઉદાહરણરૃપે વિચારીએ માતા-પિતા, વૃદ્ધાવસ્થાવશ ચીડીયો સ્વભાવ થઈ જવાથી એ વાતે વાતે ગુસ્સો કરે તો ય વિનયી- વિવેકી પુત્રો ઉદારતાથી એ સહી લેશે. કારણ ? કારણ એ પુત્રોના મનમાં તે જ રહે છે કે, ‘આ માતાપિતા મારા અનેક ઉપકારી છે મારું આજનું અસ્તિત્વ એમને જ આભારી છે. સંજોગવશાથ થતા એમના ગુસ્સાને મારે હસતા હસતા સહી લેવો જોઈએ.’ આ રીતે ધારણ કરાતી ક્ષમાને કહેવાય છે. ઉપકાર ક્ષમા. પ્રથમ કરતા આ દ્વિતીય ક્રમની ક્ષમા બેશક પ્રશસ્ય છે. આમ છતાં આ બન્ને ક્ષમાને લૌકિક ક્ષમા ગણાઈ છે. એના મુકાબલે હવે પછીની ત્રણ ક્ષમા ઉત્તરોત્તર ચડિયાતી છે જેને શાસ્ત્રો લોકોતર ક્ષમા કહે છે..

(૩) વિપાક ક્ષમા :

વિપાકનો અર્થ છે ફળ અથવા પરિણામ. એક વાત ખબર છે ? ડાયાબિટીસનો દર્દી, મીઠાઈ, ખૂબ મનપસંદ હોય તો ય એનાથી દૂર જ રહે. એક ટુકડો પણ મીઠાઈનો એ આરોગે નહિ. કારણ એ જ કે એની નજર સમક્ષ પરિણામ છે. એ સમજે છે કે સ્વાદ માત્ર ક્ષણ- બે ક્ષણ જ મળશે, જ્યારે એની સજા આરોગ્યનો હ્રાસ દીર્ઘકાલ નડશે… પંખો કે એ.સી. ચાહે તેવા પસંદ આવતા હોય તો ય શરદીનો દરદી પંખા- એ.સી.થી દૂર જ રહેશે કેમ કે એની દ્રષ્ટિ પરિણામ પર છે. એને ખ્યાલ છે કે બે કલાકની ઠંડકની મજા પછી બાર દિવસ સ્વાસ્થ્ય બગડશે… બસ, આ જ રીતે ક્રોધના કટુ વિપાકો દ્રષ્ટિ સમક્ષ રાખીને આરાધક આત્મા ક્રોધથી દૂર રહે. એ સમજે છે કે ભલે સાચા નિમિત્તવશ પણ જો ક્રોધ કરીશ તો એનાથી સંબંધોમાં કડવાશ- સ્વાસ્થય પર અસર તીવ્ર પાપબંધ- સદ્ગતિ નાશ વગેરે અઢળક નુકસાનો મારે જ ભોગવવા પડશે. આથી એ, વિપાક નજર સમક્ષ રાખી ક્રોધથી દૂર રહે…

(૪) વચન ક્ષમા :

પરમાત્મા જિનેશ્વર ભગવંતોના ઉપદેશનું ચિંતન- મનન કરીને જેઓ આત્મ પરિણતી કેળવે અને હર કોઈ ક્લેશ- કષાયની સંભાવનાની ક્ષણોમાં જિન વચનો સતત સ્મરણમાં રાખી ક્ષમા અકબંધ રાખે- કષાયોમાં ન ખેંચાય તેની ક્ષમાને કહેવાય વચન ક્ષમા.

(૫) સ્વભાવ ક્ષમા :

સ્વભાવ એટલે તે તે વસ્તુનો મૂળ ગુણધર્મ. ચંદનનો સ્વભાવ અર્થાત્ ગુણધર્મ સુવાસનો છે અને કાપો તો ય એ સુવાસ પ્રસરાવે અને ઘસો તો ય સુવાસ પ્રસરાવે. પુષ્પનો સ્વભાવ પરિમલ પ્રસરાવવાનો છે. એને અખંડ રાખો તો ય એ પરિમલ પ્રસરાવશે અને પીસી નાખો તો ય તે પરિમલ જ પ્રસરાવશે. બસ, આ રીતે સહજપણે જેને ક્ષમા સ્વભાવસિદ્ધ કરી છે તે મહાત્માઓની ક્ષમાને સ્વભાવક્ષમા સમજવી. વીંછીને બચાવતા સંતનું દ્રષ્ટાંત આ સ્વભાવ ક્ષમાનું સરસ દ્યોતક છે…

સંવત્સરી મહાપર્વના પુણ્યદિને આ શ્રેષ્ઠ ક્ષમાના સ્તર સુધી પહોંચવા આપણે સંકલ્પબદ્ધ થઈએ તો આ પર્વારાધના સંપૂર્ણ સફળ છે. આ માટે એક પણ જીવ સાથે શત્રુતા દાખવ્યા વિના અંત :કરણથી સૌની સાથે ક્ષમાપના કરીએ અને ભાવના ભાવીએ કે ‘મહેંકો ક્ષમા સહુનાં જીવનમાં, શાંતિના સૂરજ ઊગો અંતર-આકાશમાં…”