શ્રી ભગવાન ગણપતી

AA

|| શ્રી ભગવાન ગણેશ ||

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં દરેક દેશમાં હિંદુ ધર્મ કે હિંદુ દેવી દેવતાની વાત કરતાં જ સામે વાળી વ્યક્તિ બોલી ઉઠે, યસ યસ, આઇ નો હિંદુ ગોડ્સ, ધ એલીફંટ ગોડ (Yes yes, I know Hindu Gods, the Elephant God).
ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.
ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.

૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.

૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા‘ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે લગ્નની કથા છે.

૩) દ્વાપરયુગમાંપાર્વતી‘ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.

૪) કળિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.

ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

  • પિતા- ભગવાન શિવ
  • માતા- ભગવતી પાર્વતી
  • ભાઈ- શ્રી કાર્તિકેય
  • બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
  • પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
  • પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
  • પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
  • પ્રિય પુષ્પ- લાલ રંગનાં
  • પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
  • અધિપતિ- જલ તત્વનાં
  • પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ

ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્‍યું છે.પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.

ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું.. ? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન.. લાંબી સૂઢ.. ઝીણી આંખો.. મોટું પેટ.. મોટું માથું.. વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે…

ઝીણી આંખો : ઝીણી આંખો સૂક્ષ્‍મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્‍મ દ્રષ્‍ટ્રિ રાખવા પ્રેરણા આપે છે.  પોતાની દ્રષ્‍ટ્રિ સૂક્ષ્‍મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.

મોટું નાક : મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.   તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ. પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ.   કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.

મોટા કાન : મોટા કાન બહુશ્રુત.. ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.  તેમના કાન સૂ૫ડા જેવા છે.  સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા. વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી…

બે દાંત : ગણપતિને બે દાંત છે.   એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.   જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.

બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.  પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે. માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે.   ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે…

ચાર હાથ :    ગણપતિને ચાર હાથ છે.   તેમાં અનુક્રમે અંકુશ.. પાશ.. મોદક અને આર્શિવાદ આપતો હાથ છે.   અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે.   પાશ – એ જરૂર ૫ડ્યે  ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે…

મોદક : જે મોદ(આનંદ) કરાવે તે.. મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્‍ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.  ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે. એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે…

વિશાળ પેટ : બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.   સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.   ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે.   કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્‍ટ પ્રાપ્‍ત થાય છે. બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.   તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે.. પોતાની આત્મકથા કહેતા હોય છે.

હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે.   તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ…

૫ગ : તેમના ૫ગ નાના છે.   નાના ૫ગ “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.   પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે – તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ.   નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી,  પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે…

વાહનઃ ઉંદર : તેમનું વાહન ઉંદર છે.મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે.   બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.   તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય.   બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે.. જે સારૂં હોય તે ચોરી લેવું.. તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે. તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.

વિવેકબુધ્ધિની ગતિનો આધાર તર્ક છે.   તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી.  આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે, એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે.   કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે.   આ તર્ક એ જ આપણો ગુરૂ છે.કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્‍ટ્રિએ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે.   તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી, માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે.   આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ…

ઉંદર એ માયાનું પ્રતિક છે.  ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.   આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે…

 

 

શ્રી ગણેશ કથા – વિવાહ

2  4

|| શ્રી ગણેશ કથા – વિવાહ ||

એક વખત ગણેશજી અને કાર્તિકેયજીના વિવાહ નો વિવાદ થયો. બંને પુત્રો વચ્ચે એવો વિવાદ થયો કે એક કહે હું પહેલો પરણીશ.બીજો કહે હું પહેલો, પરણીશ, એમ પરસ્પર વિવાદ થવા લાગ્યો.

માતા-પિતાએ બંનેને બોલાવ્યા અને કહ્યું કે, “અમારે મન બંને પુત્રો સરખા છે, બંને ઉપર સરખો પ્રેમ છે. અમે એવો નિર્ણય કર્યો છે કે, જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો.”

કાર્તિકેય તો સત્વરે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડયા, પરંતુ ગણેશજી એ ચતુરાઇ વાપરી. તેમણે માતા-પિતાને આસન પર બિરાજમાન થવાનું કહી તેમની વિધિપૂર્વક પૂજા કરી અને સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે, તમારે મારો વિવાહ હવે કરાવી આપવો જોઇએ, કારણકે શાસ્ત્રમાં કહ્યું છે કે , જે કોઇ વ્યકિત માતા-પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે છે તો તેને પૃથ્વી ની પ્રદક્ષિણા કર્યાના ફળ ની પ્રાપ્તિ થાય છે. માતા-પિતાનાં ચરણની સેવા એ જ ઉત્તમ તીર્થ છે. માતા-પિતા ગણેશ ની વાત સાંભળી વિવાહ કરવા સંમત થયાં.

વિશ્વરૂપ નામના પ્રજાપતિની બે સ્વરૂપવાન દિવ્યાંગના સમાન ‘સિદ્વિ’ અને ‘રિદ્વિ’ નામની બે પુત્રીઓ સાથે શિવ-શિવાએ ગણપતિના વિવાહ યોજ્યા. શ્રી વિશ્વકર્મા પ્રભુએ ગણપતિના વિવાહ નો ઉત્સવ ભવ્ય રીતે ઉજ્વ્યો અને સર્વ દેવો તથા મુનિવર્યોને પ્રસન્ન કર્યા. ગણપતિએ સિદ્વિ અને રિદ્વિ સાથે આનંદથી સમય પસાર કર્યો. સમય જતાં સિદ્વિની કૂખે ‘ક્ષેમ’ અને રિદ્વિ ની કુખે ‘લાભ’ નામે પુત્રરત્ન નો જન્મ થયો.

આ બાજુ કાર્તિકેય ને નારદજી એ સમાચાર આપ્યા કે, પૃથ્વીની પ્રદક્ષિણાને બહાને તમને દૂર-સુદૂર ધકેલી દઇ ગણેશ નો વિવાહ દેવાંશી રૂપવાળી બે દિવ્યાંગનાઓ સાથે કરી દીધો અને બંનેને એક એક પુત્રને જન્મ પણ
આપ્યો છે.કાર્તિકેય આથી રિસાઇ ને કૌંચ પર્વત ઉપર જઇ ને વસ્યા. ત્યાર બાદ કાર્તિકેય સ્વામી પ્રત્યે લાગણીવશ શંકર અને પાર્વતી પણ કૈલાશ થી દક્ષિણ માં આવી શ્રી શૈલ પર રહ્યાં.

કાર્તિકેય ગણપતિના વિવાહ બાદ બધી વાત જાણ્યા પચે ઉદ્વેગથી મહાભિનિષ્ક્રમણ કર્યું હતું અને આજીવન કુંવારા રહ્યા હતાં. પુત્રવિયોગ અસહ્ય લાગતાં શિવ-પાર્વતી કૌંચ પર્વત પર ગયાં હતાં અને ત્યાં ‘મલ્લિકાર્જુન’નામે જ્યોતિર્લિગ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયાં હતાં. ત્યાર પછી દર પૂનમે પાર્વતીજી અને દરેક અમાસે શિવજી કુમાર કાર્તિકેય નાં દર્શને જતાં હતાં. કાર્તિકી પૂનમે જે કોઇ ભગવાન કાર્તિકેય નાં દર્શન કરે  તેને ઇષ્ઠસિદ્વિ પ્રાપ્ત થાય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે.

ગૌરીપુત્ર ગણેશ નો જેટલો વ્યાપક પ્રભાવ આજે જનસમાજ પર છે તેટલો ભાગ્યે જ અન્ય કોઇ દેવનો હશે. કોઇ પણ શુભ કાર્ય નિર્વિધ્ને સમાપ્ત કરવા માટે સર્વપ્રથમ ગણેશનું પૂજન કરીને તેમની અનુકંપા મેળવાય છે. હકીકતમાં, ‘શ્રીગણેશ કરવા’ એ ‘શરૂઆત કરવી’નો પર્યાયવાચી રૂઢિપ્રયોગ બની ગયો છે.

ગણેશની મૂર્તિમાંનાં દરેક અંગો આપણને શું શીખવે છે ?

3

|| ગણેશની મૂર્તિમાંનાં દરેક અંગો આપણને શું શીખવે છે ? ||

૧. મોટું માથું એ શીખવે છે કે તમારા વિચારો મોટા-ઊંચા રાખો .

૨. ઝીણી આંખો એ શીખવે છે કે દરેક વસ્તુ ધ્યાનથી જોવાની ટેવ પાડો .

૩. હાથનું દોરડું એ શીખવે છે કે તમારી જાતને તમારા ઊંચા ધ્યેય સુધી દોરડાની માફક ખેંચીને લઇ જાવ

૪. એક દંતશૂળ એ શીખવે છે કે જે સારું હોય એને પાસે રાખી ખરાબ હોય એને ત્યજી દ્યો .

૫. એક સુંઢ એ શીખવે છે કે એની માફક કાર્યક્ષમતાથી કાર્ય કરો અને સંજોગો પ્રમાણે વર્તવાનું રાખો ..

૬. હાથનો લાડુ એ શીખવે કે જો સાધના કરો તો એના મીઠાં ફળ મળે

૭. મોટા કાન એ શીખવે છે કે બધાની વાત સારી રીતે અને વધારે સાંભળો .

૮. હાથમાં પકડેલ પરશુ-કુહાડી એ શીખવે છે કે તમારા માયાના જે બંધન હોય એને કાપી નાંખો

૯. ગણેશનું નાનું સરખું મુખ એ શીખવે કે હંમેશાં ઓછું બોલો પણ કરો બહું .

૧૦. આશીર્વાદ આપતો હાથ તમારા મોક્ષ મેળવવાના આધ્યાત્મિક માર્ગે તમારા રક્ષણ માટે જરૂરી આશીર્વાદનું પ્રતિક છે ..

૧૧. ગણેશજીનું મોટું પેટ એ શીખવે છે કે તમારી જિંદગીમાં જે સારું હોય કે ખરાબ હોય એને પેટમાં રાખો અને શાંતિથી પચાવતા શીખો ..

૧૨. ગણેશના પગ પાસે મુકેલ પ્રસાદ એ શીખવે છે કે આખું વિશ્વ તમારા કદમોમાં છે .અને તમે જ્યારે માગશો ત્યારે એ હાજર તૈયાર થઇ જશે .

૧૩. ગણેશનું વાહન ઉંદર એ શીખવે છે કે તમારી આસક્તિ ને જો તમે કાબુમાં નહી રાખો તો એ તમારા ઉપર સવાર થઇ જશે . તમને હેરાન પરેશાન કરી મુકશે . તમે કદાપી એમ થવા ન દેશો .

 

શ્રી ગણેશ યજ્ઞ

4

|| શ્રી ગણેશ યજ્ઞ ||

कालौ गणाधिपः श्रेष्ठस्तेनानन्तफलप्रदः।
पूजयेदेवदेवेशं सर्वविघ्नोपशान्तये॥
अन्ते च परमं धाम दधाद भत्केषु पावनम।

ભગવાન શ્રી ગણેશ કલયુગમાં સર્વશ્રેષ્ઠ દેવ કહેવાય છે. જેથી તે અનન્ત ફલના દાતા છે. મનુષ્યોના સકલ વિઘ્નોની નિવૃતિ માટે દેવાધિદેવ ગણેશજીની પૂજા કરવી જોઇએ. ગણેશજી આ લોકમાં ધન – ધાન્ય આદિ આપે છે અને અંતે શરીર છોડ્યા પછી ભક્તને પરમ પાવન દિવ્ય ધામ આપે છે.

कलौ चंडी विनायकौ

આ સૂત્ર અનુસાર કલિયુગમાં ચંડી (દેવી) અને ગણેશજીની આરાધના શ્રેષ્ઠ કહી છે.
સનાતન ધર્મમાં મુખ્ય પાંચ દેવતાઓ છે. જેમાં ગણેશજી નો સમાવેશ થાય છે. ભગવાન ગણેશ પૃથ્વી તત્વના અધિપતિ દેવ છે માટે ઉપનિષદોમાં કહ્યુ છે કે मूलाधार स्थितोसि नित्यम ॥ ગણેશજી મૂલાધારમાં નિત્ય સ્થિત છે.

|| ગણેશ યજ્ઞનું મહત્વ ||

ભગવાન શ્રી ગણેશની આરાધનાથી મનુષ્યના વિઘ્નો, સંકટો અને અશાંતિ દૂર થાય છે. નારદ પુરાણમાં “સંકષ્ટ નાશન” નામનું ગણપતિનું સ્તોત્ર છે, જેમાં નારદજી કહે છેઃ

विध्यार्थी लभते विध्या धनार्थी लभते धनम् ।
पुत्रार्थी लभते पुत्रान्मीक्षार्थी लभते गतिम् ॥

વિધ્યાર્થી ગણેશજીની ઉપાસના કરે તો તેને વિધ્યાની પ્રાપ્તિ થાય છે. ધન પ્રાપ્તિની કામના થી પૂજા કરે તો ધનની પ્રાપ્તિ થાય છે. પુત્ર પ્રાપ્તિની કામના વાળાને પુત્ર પ્રાપ્ત થાય છે. મોક્ષ ઈચ્છનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

* હોમાત્મક ફળ

“દૂર્વાંકૂરો” થી (ધરો) હોમ કરનાર તે કુબેર જેવો ધનવાન બને છે.
“ડાંગર” થી હોમ કરે છે તે યશસ્વી તેમજ બુધ્ધિમાન બને છે.
એક હજાર “મોદક” (લાડુ) થી હોમ કરે છે તે વાંચ્છિત ફળ મેળવે છે.
જે “ઘી” અને “સમિધ” દ્વારા હોમ કરે છે તે દરેક વસ્તુ મેળવી શકે છે.

ગણેશ યજ્ઞમાં અગ્નિકુંડમાં મહાગણપતિનું આવાહન કરી ૧૦ બ્રાહ્મણો દ્વારા ગણેશ અર્થવર્શીષ સ્તોત્ર દ્વાર ૧૦૦૦ મોદકનો હોમ કરવામાં આવે છે.
સામાન્યતઃ દરેક વ્યક્તિ માટે હવન, યજ્ઞ, યાગ આ દરેક શબ્દનો અર્થ એક જ થાય છે તેમ સમજે છે. પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ તે અલગ – અલગ છે.

હવન : જેમાં યજ્ઞ કુંડમાં ૧૦૦૦ થી ઓછી આહુતિ અપાય તેને હવન કહેવાય.
યજ્ઞ : જે યજ્ઞકુંડમાં ૧૦૦૦ થી વધારે આહુતિ અપાય તેને યજ્ઞ કહેવાય.
યાગ : જેમાં દસ હજાર કે તેથી વધુ આહુતિ અપાય તેને યાગ કહેવાય છે. જે ત્રણ, પાંચ, નવ, અગિયાર દિવસનો હોમાત્મક પ્રયોગ હોય છે.

શ્રી ગણેશ અથર્વશીર્ષ

5

|| શ્રી ગણેશ અથર્વશીર્ષ ||

ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ | ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ |

સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાં સસ્તનૂભિઃ | વ્યશેમ દેવહિતં યદાયુઃ |

સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ | સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ |

સ્વસ્તિ નસ્તાર્ક્ષ્ર્યો અરિષ્ટનેમિઃ | સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ | |

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ | |

ૐ નમસ્તે ગણપતયે | ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસિ |

ત્વમેવ કેવલં કર્તાસિ | ત્વમેવ કેવલં ધર્તાસિ |

ત્વમેવ કેવલં હર્તાસિ | ત્વમેવ સર્વં ખલ્વિદં બ્રહ્માસિ |

ત્વં સાક્ષાદાત્માસિ નિત્યમ્ | |૧| |

ઋતં વચ્મિ | સત્યં વચ્મિ | |૨| |

અવ ત્વં મામ્ | અવ વક્તારમ્ |

અવ શ્રોતારમ્ | અવ દાતારમ્ |

અવ ધાતારમ્ | અવાનૂચાનમવ શિષ્યમ્ |

અવ પશ્ચાત્તાત્ | અવ પુરસ્તાત્ |

અવોત્તરાત્તાત્ | અવ દક્ષિણાત્તાત્ |

અવ ચોર્ધ્વાત્તાત | અવાધરાત્તાત્ |

સર્વતો માં પાહિ પાહિ સમન્ત્તાત્ | |૩| |

ત્વં વાઙ્‌મયસ્ત્વં ચિન્મયઃ | ત્વમાનન્દમયસ્ત્વં બ્રહ્મમયઃ |

ત્વં સચ્ચિદાનન્દાદ્વિતીયોઽસિ | ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસિ |

ત્વં જ્ઞાનમયો વિજ્ઞાનમયોઽસિ | |૪| |

સર્વં જગદિદં ત્વત્તો જાયતે | સર્વં જગદિદં ત્વત્તસ્તિષ્ઠતિ |

સર્વં જગદિદં ત્વયિ લયમેષ્યતિ | સર્વં જગદિદં ત્વયિ પ્રત્યેતિ |

ત્વં ભૂમિરાપોઽનલોઽનિલો નભઃ | ત્વં ચત્વારિ વાક્પદાનિ | |૫| |

ત્વં ગુણત્રયાતીતઃ | ત્વં અવસ્થાત્રયાતીતઃ |

ત્વં દેહત્રયાતીતઃ | ત્વં કાલત્રયાતીતઃ |

ત્વં મૂલાધારસ્થિતોઽસિ નિત્યમ્ | ત્વં શક્તિત્રયાત્મકઃ |

ત્વાં યોગિનો ધ્યાયન્તિ નિત્યમ્ |

ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુસ્ત્વં રુદ્રસ્ત્વમિન્દ્રસ્ત્વમગ્નિસ્ત્વં

વાયુસ્ત્વં સૂર્યસ્ત્વં ચન્દ્રમાસ્ત્વં બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ્ | |૬| |

ગણાદિં પૂર્વમુચ્ચાર્ય વર્ણાદિંસ્તદનન્તરમ્ | અનુસ્વારઃ પરતરઃ |

અર્ધેન્દુલસિતમ્ | તારેણ ઋદ્ધમ |

એતત્તવ મનુસ્વરુપમ્ | ગકારઃ પૂર્વરુપમ્ |

અકારો મધ્યમરુપમ્ | અનુસ્વારશ્ચાન્ત્યરુપમ્ |

બિન્દુરુત્તરરુપમ્ | નાદઃ સન્ધાનમ્ |

સંહિતા સન્ધિઃ | સૈષા ગણેશવિધા |

ગણક ઋષિઃ | નિચૃદ્ગાયત્રી છન્દઃ |

શ્રીમહાગણપતિર્દેવતા | ૐ ગં ગણપતયે નમઃ | |૭| |

એકદન્તાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ |

તન્નો દન્તિઃ પ્રચોદયાત્ | |૮| |

એકદન્તં ચતુર્હસ્તં પાશમંકુશધારિણમ્ | રદં ચ વરદં હસ્તૈર્બિભ્રાણં મૂષકધ્વજમ્ |

રક્તં લમ્બોદરં શૂર્પકર્ણકં રક્તવાસસમ્ | રક્તગન્ધાનુલિપ્તાન્ગં રક્તપુષ્પૈઃ સુપૂજિતમ્ |

ભક્તાનુકમ્પિનં દેવં જગત્કારણમચ્યુતમ્ | આવિર્ભૂતં ચ સૃષ્ટયાદૌ પ્રકૃતેઃ પુરુષાત્પરમ્ |

એવં ધ્યાયતિ યો નિત્યં સ યોગી યોગિનાં વરઃ | |૯| |

નમો વ્રાતપતયે નમો ગણપતયે નમઃ પ્રમથપતયે

નમસ્તેઽસ્તુ લમ્બોદરાય એકદન્તાય વિઘ્નવિનાશિને

શિવસુતાય શ્રીવરદમૂર્તયે નમઃ | |૧૦| |

એતદથર્વશીર્ષં યોઽધીતે | સ બ્રહ્મભૂયાય કલ્પતે |

સર્વવિઘ્નૈર્ન બાધ્યતે | સ સર્વતઃ સુખમેધતે |

સ પઞ્ચમહાપાપાત્ પ્રમુચ્યતે | સાયમધીયાનો દિવસકૃતં પાપં નાશયતિ |

પ્રાતરધીયાનો રાત્રિકૃતં પાપં નાશયતિ | સાયં પ્રાતઃ પ્રયુઞ્જાનઃ પાપોઽપાપો ભવતિ |

ધર્માર્થકમમોક્ષં ચ વિન્દતિ ઇદમથર્વશીર્ષમશિષ્યાય ન દેયમ્ |

યો યદિ મોહાદ દાસ્યતિ | સ પાપિઇયાન્ ભવતિ |

સહસ્ત્રાવર્તનાદ્યં યં કામમધીતે | તં તમનેન સાધયેત્ | |૧૧| |

અનેન ગણપતિમભિષિઞ્ચતિ | સ વાગ્મી ભવતિ |

ચતુથ્‌ર્યામનશ્નન્ જપતિ | સ વિધાવાન્ ભવતિ |

ઇત્યથર્વણવાક્યમ્ | બ્રહ્માધાચરણં વિધાન્ન બિભેતિ કદાચનેતિ | |૧૨| |

યો દૂર્વાન્કુરૈર્યજતિ | સ વૈશ્રવણોપમો ભવતિ |

યો લાજૈર્યજતિ | સ યશોવાન્ ભવતિ |

સ મેધાવાન્ ભવતિ | યો મોદકસહસ્ત્રેણ યજતિ |

સ વાઞ્છિતફ્લમવાપ્નોતિ | યઃ સાજ્ય સમિદ્ભિર્યજતિ |

સ સર્વં લભતે સ સર્વં લભતે | |૧૩| |

અષ્ટૌ બ્રાહ્મણાન્ સમ્યગ્ ગ્રાહયિત્વા | સૂર્યવર્ચસ્વી ભવતિ |

સૂર્યગ્રહે મહાનધાં પ્રતિમાસન્નિધૌ વા જપ્ત્વા | સિદ્ધમન્ત્રો ભવતિ |

મહાવિઘ્નાત્ પ્રમુચ્યતે | મહાદોષાત્ પ્રમુચ્યતે |

મહાપાપાત્ પ્રમુચ્યતે | મહાપ્રત્યવાયાત્ પ્રમુચ્યતે |

સ સર્વવિદ્ભવતિ સ સર્વવિદ્ભવતિ | ય એવં વેદેત્યુપનિષત્ | |૧૪| |

શ્રી ગણેશ આરતી

4

|| શ્રી ગણેશ આરતી ||

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |

માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||

એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |

મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||

અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |

બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||

પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |

લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||

દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |

કામના કો પૂરી કરો જગ બલિહારી ||

શ્રી ગણેશ સંકટનાશન સ્તોત્ર

7

|| શ્રી ગણેશ સંકટનાશન સ્તોત્ર ||

પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||

પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||

લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |
સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |
ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5 ||

વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ || 6 ||

જપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |
સંવત્સરેણ સિદ્ધં ચ લભતે નાત્ર સંશય: || 7 ||

અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: || 8 ||

॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્ ॥

શ્રી ગણેશ કથા – ઉત્પત્તિ – શિવપુરાણ

8

|| શ્રી ગણેશ કથા – ઉત્પત્તિ – શિવપુરાણ ||

એક વખત ભગવાન શંકર જ્યારે તપ કરવા ગયા ત્યારે પાર્વતીજી એ વિચાર્યું કે, પોતાની પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું! આથી તેમણે પોતાના ગણ તરીકે એક ઉત્તમ આજ્ઞાંકિત સેવક ઉત્પન્ન કરવા વિચાર્યું. પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક સોહામણા પુરુષનું સર્જન કર્યું, અને તેમાં પ્રાણ પૂર્યા, અને તેને દ્વારપાળ બનાવ્યો. ગણેશજીએ માતાને વંદન કરી કહ્યું કે, મારે શું કામ કરવાનું છે? મને આજ્ઞા આપો. પાર્વતીએ ગણેશના હાથમાં દંડ આપી આજ્ઞા કરી કે, પોતાના નિવાસસ્થાનમાં કોઇ પ્રવેશે નહિ, અને દ્વાર આગળ ચોકી કરવા કહ્યું.

પાર્વતી માતાએ દ્વારપાલ તરીકે પોતાની નિયુકિત કરી હતી તેથી ગણેશજી કોઇ ને આવાસમાં આવવા દેતા નહી. એક દિવસ પાર્વતી સ્નાન કરવા બેઠાં હતાં, ત્યારે તપશ્રર્યા કરી પાછા ફરેલા શિવજીએ ગૃહપ્રવેશ કરવા જતાં ગણેશે તેમને અટકાવ્યાં , કારણ કે ગણેશ તેમને ઓળખતા ન હતા એટલે કહ્યું કે, મારી માતા સ્નાન કરવા બેઠાં છે, માટે થોડી વાર પછી આવજો. શંકરે પોતાના ધરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો અને કહ્યું ; અરે ! ઓ મૂર્ખ ! હું પાર્વતીનો પતિ છું. તું સાક્ષાત્ શિવજીને તેમને ઘરમાં જતા રોકે છે ? ગણપતિ એ તેમને દંડ વડે પ્રહાર કરતાં કહ્યું હું પાર્વતી નો ગણ છું, માતા પાર્વતી ની આજ્ઞાથી ગૃહની ચોકી કરતો હોવાથી ગૃહપ્રવેશની મનાઇ છે, માટે હું કોઇ ને ગૃહમાં પ્રવેશ કરવા નહિ દઉં

શંકરે પોતાના ગણોને પૂછયું કે, આ કોણ છે? ગણોએ ગણપતિને કહ્યું કે,જો જીવતા રહેવું હોય તો નાસી છૂટો, અમે શંકર ના ગણો છીએ. ગણેશે કહ્યું કે, મને મારી ફરજ બજાવવા દો. શંકરની સૂચનાથી એમના ગણો શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. શિવગણો અને ગણપતિ વચ્ચે તુમુલ યુધ્ધ થયું. શિવજીની સૂચના થી એમના ગણો શસ્ત્રો ના પ્રહાર કરવા લાગ્યા, પરંતુ ગણેશજીએ, મોટી ભૂંગળો લઇ સૌને ઘાયલ કર્યા. શિવજી એ લીલા કરીને ગણોનો ગર્વ ઉતાર્યો.ત્યાર પછી કાર્તિકેય ગણેશ સામે શસ્ત્ર-અસ્ત્ર દ્વારા યુદ્વ કરવા લાગ્યા, પરંતુ ગણેશે સર્વ શસ્ત્ર-અસ્ત્ર પ્રહાર નિષ્ફળ બનાવ્યા.

પાર્વતીજી એ મોકલેલી બે ‘શકિત’ ની સહાયથી ગણેશે સર્વ ગણોને આકુળવ્યાકુળ બનાવી દીધા. ભગવાન વિષ્ણુ ગણેશ સામે યુદ્વ કરવા સજ્જ થયા તો ગણેશે તેમના પર પણ પ્રહાર કર્યો. ત્રિશૂળ લઇ લડવા આવેલા શિવજીનું ત્રિશૂળ ભૂંગળ દ્વારા નીચે પાડી દીધું. વિષ્ણુ અને ગણેશ વચ્ચે તુમુલ યુદ્વ તો ચાલતું જ હતું, તે દરમિયાન શિવજીએ સમયસૂચકતા વાપરી ગણેશ નું મસ્તક છેદી નાખ્યું. શિવગણો તો હર્ષવિભોર બની નાચી ઊઠ્યા.

નારદજી એ પાર્વતી ને સમાચાર આપ્યા કે, મહેશે ગણેશ દ્વારપાલ નું મસ્તક છેદી નાખ્યું છે. પાર્વતીજી એ ક્રોધ કરીને પ્રલય અર્થે અસંખ્ય શકિતઓ ઉત્પન્ન કરી. આ મહામાયાઓ પ્રલય કરવા અને યુદ્વ કરવા જ આવેલી. સર્વ દેવો, યક્ષો, મુનિવર્યો, રાક્ષસો વગેરેનો સંહાર કરવા આજ્ઞા આપી હતી. શકિતદેવી ઓએ હાહાકાર મચાવી દીધો ! આ હત્યાકાંડ થતો અટકાવવા બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે પ્રાર્થના કરે કે અમારો અપરાધ થયો છે માટે અમારા પર પ્રસન્ન થઇ ક્ષમા કરો. પાર્વતીજી ને શાંત થવા કાલાવાલા કર્યા અને આ અનર્થ અટકાવવા સ્તુતિ કરી.

પાર્વતીજી એ કહ્યું કે, મારો પુત્ર પુનઃ જીવિત થાય તો જ આ અનર્થ અટકે, નહિતર શકિતદેવીઓ, આ મહામાયાઓ સર્વ નો સંહાર કરી નાખશે. તે જગતમાં કલ્યાણકારક અને સર્વ નો અધ્યક્ષ બને તો જ મારા હ્રદય ને શાંતિ થશે, અને આ લોકમાં સૌ સુખ-શાંતિ પામશે. વળી, મારો પુત્ર જીવંત બની જગતમાં પૂજનીય અને વંદનીય બને તેમ કબૂલ કરતા હો તો જ ત્રણેય લોક માં શાંતિ સ્થપાશે. શંકરે કહ્યું હે દેવર્ષિઓ! તમે ઉત્તર દિશા પ્રતિ પ્રયાણ કરો, અને જે કોઇ પ્રથમ મળે તેનું મસ્તક લઇ આવો. આથી શિવગણોએ માર્ગ માં સૌપ્રથમ મળેલા હાથીનું મસ્તક લાવી ગણેશના ધડ પર રાખી દીધું. ભગવાન શંકરે મંત્રેલું જળ ગણેશ ના શરીર પર છાંટી જીવતદાન આપ્યું.

પુત્રને જીવંત જોઇ પાર્વતી એ પ્રેમ થી તેડી લીધો, અને વાત્સલ્યપ્રેમની વર્ષા કરી. પાર્વતીજીએ તેને પ્રેમપૂર્વક આશીર્વાદ આપતાં કહ્યું કે, તું સર્વ દેવોમાં સર્વપ્રથમ પૂજાનો અધિકારી થશે. ચંદન, પુષ્પ, નૈવેદ્ય વગેરેથી તારી પૂજા કરનારનાં વિધ્નો દૂર થશે અને પૂજન કરનાર રિદ્વિસિદ્વિ ને પામશે. જેમ અમારી પૂજા લોકો કરે છે તેમ સૌપ્રથમ લોકો તારી પૂજા કરશે અને તેં આપેલા વરદાન ફળશે. ત્યાર પછી શિવજીએ ગણેશને વરદાન આપ્યું કે, હે ગજાનન! ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રોદય થતાં રાત્રિના પ્રથમ પ્રહરમાં તમે પાર્વતીના ચિત્ત માં પ્રાદુર્ભાવ પામ્યા હોવાથી તે પરમ પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તમારું અર્ચનપૂજન જે કરશે તેઓ જરૂર મનોવાંછિત ફળને પામશે. ત્યાર બાદ ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા કરવા ઉત્સવ નું આયોજન થયું.

સર્વ દેવો એ એકત્ર થઇ ને ગણપતિ નો ગણો ના અધિપતિ તરીકે અભિષેક કર્યો. પછી દેવોએ ભકિતપૂર્વક શંકરને પ્રસન્ન કર્યા. પાર્વતીએ પોતાના ખોળામાં ગણેશને બેસાડયા, શિવે આશીર્વાદ આપ્યા કે, આ મારો બીજો પુત્ર છે. ગણેશે ઊભા થઇને માતા-પિતા ને વંદન કર્યાં. આમ ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા થતાં સર્વત્ર ઉત્સવ થઇ રહ્યો.

શ્રી ગણેશ ચાલીસા

10

|| શ્રી ગણેશ ચાલીસા ||

* દોહા

જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ |

વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ||

*ચૌપાઈ

જય જય જય ગણપતિ ગણરાજૂ | મંગલ ભરણ કરણ શુભ કાજૂ ||૧

જય ગજબદન સદન સુખદાતા | વિશ્વ વિનાયક બુદ્ઘિ વિધાતા ||૨

વક્ર તુણ્ડ શુચિ શુણ્ડ સુહાવન | તિલક ત્રિપુણ્ડ ભાલ મન ભાવન ||૩

રાજત મણિ મુક્તન ઉર માલા | સ્વર્ણ મુકુટ શિર નયન વિશાલા ||૪

પુસ્તક પાણિ કુઠાર ત્રિશૂલં | મોદક ભોગ સુગન્ધિત ફૂલં ||૫

સુન્દર પીતામ્બર તન સાજિત | ચરણ પાદુકા મુનિ મન રાજિત ||૬

ધનિ શિવસુવન ષડાનન ભ્રાતા | ગૌરી લલન વિશ્વ-વિખ્યાતા ||૭

ઋદ્ઘિ-સિદ્ઘિ તવ ચંવર સુધારે | મૂષક વાહન સોહત દ્ઘારે ||૮

કહૌ જન્મ શુભ-કથા તુમ્હારી | અતિ શુચિ પાવન મંગલકારી ||૯

એક સમય ગિરિરાજ કુમારી | પુત્ર હેતુ તપ કીન્હો ભારી ||૧૦

ભયો યજ્ઞ જબ પૂર્ણ અનૂપા | તબ પહુંચ્યો તુમ ધરિ દ્ઘિજ રુપા ||૧૧

અતિથિ જાનિ કૈ ગૌરિ સુખારી | બહુવિધિ સેવા કરી તુમ્હારી ||૧૨

અતિ પ્રસન્ન હૈ તુમ વર દીન્હા | માતુ પુત્ર હિત જો તપ કીન્હા ||૧૩

મિલહિ પુત્ર તુહિ, બુદ્ઘિ વિશાલા | બિના ગર્ભ ધારણ, યહિ કાલા ||૧૪

ગણનાયક, ગુણ જ્ઞાન નિધાના | પૂજિત પ્રથમ, રુપ ભગવાના ||૧૫

અસ કહિ અન્તર્ધાન રુપ હૈ | પલના પર બાલક સ્વરુપ હૈ ||૧૬

બનિ શિશુ, રુદન જબહિં તુમ ઠાના | લખિ મુખ સુખ નહિં ગૌરિ સમાના ||૧૭

સકલ મગન, સુખમંગલ ગાવહિં | નભ તે સુરન, સુમન વર્ષાવહિં ||૧૮

શમ્ભુ, ઉમા, બહુ દાન લુટાવહિં | સુર મુનિજન, સુત દેખન આવહિં ||૧૯

લખિ અતિ આનન્દ મંગલ સાજા | દેખન ભી આયે શનિ રાજા ||૨૦

નિજ અવગુણ ગુનિ શનિ મન માહીં | બાલક, દેખન ચાહત નાહીં ||૨૧

ગિરિજા કછુ મન ભેદ બઢ઼ાયો | ઉત્સવ મોર, ન શનિ તુહિ ભાયો ||૨૨

કહન લગે શનિ, મન સકુચાઈ | કા કરિહૌ, શિશુ મોહિ દિખાઈ ||૨૩

નહિં વિશ્વાસ, ઉમા ઉર ભયઊ | શનિ સોં બાલક દેખન કહાઊ ||૨૪

પડતહિં, શનિ દૃગ કોણ પ્રકાશા | બોલક સિર ઉડ઼િ ગયો અકાશા ||૨૫

ગિરિજા ગિરીં વિકલ હૈ ધરણી | સો દુખ દશા ગયો નહીં વરણી ||૨૬

હાહાકાર મચ્યો કૈલાશા | શનિ કીન્હો લખિ સુત કો નાશા ||૨૭

તુરત ગરુડ઼ ચઢ઼િ વિષ્ણુ સિધાયો | કાટિ ચક્ર સો ગજ શિર લાયે ||૨૮

બાલક કે ધડ઼ ઊપર ધારયો | પ્રાણ, મન્ત્ર પઢ઼િ શંકર ડારયો ||૨૯

નામ ગણેશ શમ્ભુ તબ કીન્હે | પ્રથમ પૂજ્ય બુદ્ઘિ નિધિ, વન દીન્હે ||૩૦

બુદ્ઘિ પરીક્ષા જબ શિવ કીન્હા | પૃથ્વી કર પ્રદક્ષિણા લીન્હા ||૩૧

ચલે ષડાનન, ભરમિ ભુલાઈ | રચે બૈઠ તુમ બુદ્ઘિ ઉપાઈ ||૩૨

ધનિ ગણેશ કહિ શિવ હિય હરષે | નભ તે સુરન સુમન બહુ બરસે ||૩૩

ચરણ માતુ-પિતુ કે ધર લીન્હેં | તિનકે સાત પ્રદક્ષિણ કીન્હેં ||૩૪

તુમ્હરી મહિમા બુદ્ઘિ બડ઼ાઈ | શેષ સહસમુખ સકે ન ગાઈ ||૩૫

મૈં મતિહીન મલીન દુખારી | કરહું કૌન વિધિ વિનય તુમ્હારી ||૩૬

ભજત રામસુન્દર પ્રભુદાસા | જગ પ્રયાગ, કકરા, દર્વાસા ||૩૭

અબ પ્રભુ દયા દીન પર કીજૈ | અપની ભક્તિ શક્તિ કછુ દીજૈ ||૩૮

શ્રી ગણેશ યહ ચાલીસા, પાઠ કરૈ કર ધ્યાન ||૩૯

નિત નવ મંગલ ગૃહ બસૈ, લહે જગત સન્માન ||૪૦

* દોહા

સમ્વત અપન સહસ્ત્ર દશ, ઋષિ પંચમી દિનેશ |

પૂરણ ચાલીસા ભયો, મંગલ મૂર્તિ ગણેશ ||

શ્રી ગણેશજીના અગિયાર સ્વરૂપ

2

|| શ્રી ગણેશજીના અગિયાર સ્વરૂપ ||

(૧) બાલ ગણપતિ – જેમ બાલ કૃષ્ણનું સ્વરૂપ મનમોહક અને મનમોહન છે તેમ બાલ ગણપતિનું સ્વરૂપ પણ અતિ મનમોહક છે. બાલ ગણપતિનું આ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે સોહાય છે. તેમનાં ચાર હસ્તમાં કેળાં, ફણસ, શેરડી અને કેરી સોહે છે અને તેમની સૂંઢમાં મોદક લાડુ શોભી રહ્યો છે. પુરાણોનાં જણાવ્યાં મુજબ બાલ ગણેશજીની આરાધના કરવાથી નિઃસંતાન યુગલને ત્યાં પારણું ઝૂલતું થાય છે.

(૨) કિશોર ગણપતિ – કિશોરવયનું આ ગણપતિજીનું સ્વરૂપ અષ્ટભૂજા ધરાવે છે. તેમનાં અષ્ટ હસ્તોમાં અંકુશ, પાશ, જાંબુ ફળ, તૂટી ગયેલો હાથી દાંત, ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, અને ફણસ રહેલ છે. વિવાહ કરવા ઇચ્છતાં નવયુવાનો જો આ કિશોર ગણપતિનું પૂજન અને અર્ચન કરે છે તો તેમની કામના ઝડપથી પૂર્ણ થાય છે.

(૩) ઉર્ધ્વ ગણપતિ – શ્રી ગણપતિદાદાનું આ સ્વરૂપ પણ અષ્ટભૂજા યુક્ત છે. આ સ્વરૂપનો વર્ણ સુવર્ણ સમાન છે. આ સ્વરૂપનાં અષ્ટ હસ્તોમાં ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, હાથી દાંત, ધનુષ્ય-બાણ, અને ગદા સોહે છે. આ સ્વરૂપની જમણી બાજુએ લીલા વસ્ત્રો ધારણ કરીને સિધ્ધી દેવી બેસેલી છે. જે પણ ભકતજન આ સ્વરૂપનું પૂજન કરે છે તેમનાં સર્વ કાર્યને સફળતા મળતા તેઓ વિજયી થાય છે તેવી માન્યતા છે.

(૪) ભક્ત ગણપતિ – ભગવાન ગણેશની આ પ્રતિમા ચાર હસ્તથી સોહે છે. આ ચાર હસ્તમાં શ્રી ફળ, આમ્રફળ, કદલી ફળ અને ખીરથી ભરેલો કુંભ છે. ભગવાન ગણેશની આ પ્રતિમા શ્વેત રંગથી સોહે છે. ઇષ્ટ ફળની પ્રાપ્તિની ઈચ્છા રાખનાર ભક્ત આ સ્વરૂપનું ભાવથી પૂજન કરે તો તેમની આરાધના સફળ બને છે.

(૫) વીર ગણપતિ – ભગવાન ગણેશની આ પ્રતિમાએ સોળ ભૂજાયુક્ત છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ ક્રોધમય અને ભયાનક છે. શત્રુનાશ તેમજ સ્વનાં સંરક્ષકનાં ઉદેશ્યને માટે જો ભગવાન ગણેશનાં આ સ્વરૂપનું પૂજન કરવામાં આવે તો ભગવાન ગણેશ ચોક્કસ પોતાના ભક્તોની રક્ષા કરે છે.

(૬) શક્તિ ગણપતિ – ભગવાન ગણેશનાં આ સ્વરૂપનો વર્ણ સંધ્યાકાળની લાલીમા સમાન છે. ભગવાન ગણપતિની ડાબી બાજુએ લીલા વર્ણયુક્ત સુલલિત ઋષિ દેવી બિરાજમાન થયેલી છે. ભગવાન ગણેશનાં આ સ્વરૂપને બે ભુજાઓ છે. ગણપતિ બાપાનું આ સ્વરૂપ સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે અતિ શુભ માનવામાં આવ્યું છે. આ બે હસ્તમાં એક હસ્ત આર્શિવાદ આપે છે છે અને બીજા હસ્તમાં નીલ કમલ છે.

(૭) હેરંબ વિઘનેશ્વર – આ સ્વરૂપ હેરંબ એટ્લે કે સિંહ પર સવાર થયેલું છે. બારભૂજાથી યુક્ત ભગવાન વિઘનેશ્વર સ્વરૂપનો ડાબો હસ્ત અભયમુદ્રામાં અને જમણો હસ્ત આર્શિવાદ આપે છે. બાકીનાં હસ્તમાં સર્પ, કટારી, તલવાર, પાશ, અંકુશ, ત્રિશૂલ, લાલ કમલ, અને ગજદંત સોહે છે. આ સ્વરૂપને પાંચ મુખ છે. આ સ્વરૂપનો વર્ણ ઉજ્જવલ અને શુભ્ર છે. આ સ્વરૂપ સંકટમોચન વિઘ્નેશ્વરાય તરીકે પ્રખ્યાત છે.

(૮) લક્ષ્મી ગણપતિ – ગણપતિ બાપાની લક્ષ્મી એટ્લે કે રિધ્ધિ અને સિધ્ધી. ભગવાન ગણેશની આ પ્રતિમાની બંને બાજુએ ભગવાન ગણેશની લક્ષ્મી સ્વરૂપ પત્નીઑ રિધ્ધિ અને સિધ્ધી દેવી બિરાજમાન થયેલા છે. આ ગણપતિજી અષ્ટભૂજા યુક્ત છે. જેમના હસ્તમાં શુક, અનાર, મણિજડિત રત્ન કળશ, લાલ કમળ, કલ્પલત્તા વેલ, પાશ, અંકુશ, અને ખડ્ગ સોહે છે. રિધ્ધિ અને સિધ્ધી દેવીઓનાં બંને હસ્તમાં નીલ કમળ રહેલા છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ સુખ, સમૃધ્ધિની કામનાને પૂર્ણ કરનાર હોવાથી આ સ્વરૂપને ભક્તજનો લક્ષ્મી ગણપતિનાં નામથી ઓળખે છે.

(૯) મહાગણપતિ – બારભુજાઓ યુક્ત આ મહાગણપતિજીનું સ્વરૂપ અત્યંત સુંદર છે. મહાગણપતિજીનું ગજમુખ અત્યંત સોહામણું છે તેમનાં નેત્રો અતિ તેજસ્વી છે અને તેમનાં વિશાળ ભાલ પર કુમકુમ તિલક શોભાયમાન છે. આ સ્વરૂપનો વર્ણ લાલ છે અને આ સ્વરૂપના એક હસ્તમાં કમળ પુષ્પ સાથે ક્રીડા કરી રહેલી દેવીને ગોદમાં બેસાડીને પ્રસન્ન મુદ્રામાં અને બીજો વરદ વરદાન આપનારી મુદ્રામાં છે. આ સ્વરૂપનાં બાકીનાં હસ્તોમાં ધન-ધાન્યથી ભરેલો કુંભ, શંખ, નીલું કમળ, ફણસ, શેરડી, ડાંગરનાં ડૂંડા, પુષ્પ અને લાડુ મોદક છે. મહાગણપતિનું આ સ્વરૂપ ભક્તજનોની કામનાને પૂર્ણ કરનાર છે.

(૧૦) વિજય ગણપતિ – સૂર્ય સમાન કાંતિ ધરાવનાર ભગવાન ગણેશનું આ સ્વરૂપ ચાર ભૂજાઓથી યુક્ત છે . ભગવાન ગણેશની આ ચાર ભૂજાઓમાં આમ્ર ફળ, ગજ દંત, પાશ અને અંકુશ સોહે છે. મૂષક પર આરુઢ થયેલ આ વિજય ગણપતિની પ્રતિમા કલ્પવૃક્ષની નીચે બિરાજમાન થઈ ભક્તોના મનની સર્વ મંગલ અભિલાષા પૂર્ણ કરે છે.

(૧૧) ભુવનેશ વિઘ્નરાજ ગણપતિ – બાર ભૂજાયુક્ત અને સુવર્ણ સમાન વર્ણ ધરાવનાર ભગવાન ગણેશનાં આ સ્વરૂપનું પૂજન લાભદાયક માનવામાં આવ્યું છે. ભગવાન ગણેશની આ દ્વાદશ ભૂજાઑમાં શંખ, પુષ્પ, ધનુષ, બાણ, કુલ્હાડી, પાશ, અંકુશ, તલવાર, ચક્ર, ગજદંત, ધાન્યોથી ભરેલ કુંભ, અને પુષ્પમાળ રહેલી છે.