સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ

4  5

|| સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ ||
ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. આર્ય ધર્મમાં સનાતન ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે. ક્ષમા વિરુદ્ધ અક્ષમા-ક્રોધ. ક્રોધનાં કડવાં ફળ હોય છે એમ જ્ઞાનીઓ કહે છે. ક્ષમા, ધૈર્ય, શાંતિ, આનંદ, દિવ્યપ્રેમ એ માનવીનું આભૂષણ છે. આપણાં ઋષિ-મુનિઓએ વર્ષ દરમિયાન એવાં પર્વો અને મહાપર્વો વ્યવસ્થિત રીતે ગોઠવી આપેલાં જે જેથી ભારતવર્ષની ધર્મપ્રિય જનતાનું તન-મન-ધનનું આરોગ્ય તથા ક્ષેમકુશળ તથા મંગળ જળવાય છે.
જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. ધર્મનાં જુદાં જુદાં સંપ્રદાયોમાં સંવત્સરી જુદા જુદા દિને આવે છે. શ્વેતાંબર ર્મૂતિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથ અથવા પાંચમ, સ્થાનકવાસી જૈન સંઘમાં ભાદરવા સુદ પાંચમ, તેરાપંથ જૈનસંઘમાં સુદ પાંચમ, જ્યારે દિગંબર જૈન સંઘમાં ભાદરવા સુદ ચૌદસના દિને ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિને જૈન ધર્મનાં લોકો પર્યુષણનાં ઉપવાસ-વ્રત કરે છે. સાયંકાળે ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે. જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે. તે ભૂલોને યાદ કરી ર્ધાિમક ક્રિયા કલાપોમાંથી ક્ષમા માંગે છે. ભૂલોનો પસ્તાવો કરી ‘મિચ્છામિ દુક્કડમ્’ એ સૂત્રથી ક્ષમા માંગે છે.
જ્યાં સુધી છદ્મસ્થદશા છે ત્યાં સુધી ભૂલો અવશ્ય સંભવે છે અને જ્યાં સુધી ભૂલો સંભવ છે ત્યાં સુધી ભૂલોના પ્રાયશ્ચિત રૃપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. અર્થાત્ પાપદોષોથી મલિન થયેલા જીવની શુદ્ધિ માટે મહાજ્ઞાનીઓએ પ્રતિક્રમણ અનુષ્ઠાન બતાવેલું છે.

આથી જ દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પાંચ પ્રતિક્રમણ દર્શાવ્યાં છે. તીર્થંકર તીર્થની સ્થાપના કરે એ જ દિવસથી ગણધર ભગવંતો નિયમિત પ્રતિક્રમણ કરે છે.

ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૃપેલા ધર્મમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય તથા તપ એ મુખ્ય છે. ધર્મજ્ઞાન, ધ્યાન, સાધના, સેવા-પૂજા, આધ્યાત્મિક ક્રિયાકાંડો, વ્રતો-ઉપવાસ, આયંબીલ, ઉપધ્યાન તપ, વર્ધમાન તપ, વીસ સ્થાનક ઓળી તપ વગેરેનો અર્ક તથા રસ-કસ એ આ સંવત્સરી છે. મહાવીર સ્વામી સ્વયં ક્ષમાના સાગર હતા. એમના ઉપર અનેક વિઘ્નો ઉપસર્ગો આવ્યા છતાં તેઓ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યભાવે જ રહેતા હતા. ચંડ કોશિયા મહાનાગે એમને અનેક ડંખ માર્યાં છતાં તેઓ ક્ષમાવાન જ રહ્યા. તેઓ વિતરાગ અને સર્વજ્ઞા ભગવંત હતા. એમના પ્રમુખ શિષ્ય ગણધર ગૌતમ સ્વામી પ્રત્યે એમને રાગ ન હતો, જ્યારે ચંડકોશિયા મહાસાપ પ્રત્યે દ્વેષ ન હતો. એમની વાણી પિસ્તાલીસ આગમ શાસ્ત્રોમાં આજે પણ સંગ્રહાયેલી છે. સર્વ જીવ-માત્ર પ્રત્યે કરુણા અને દયાની ભાવના તથા અનુકંપાની લાગણી એ આ મહાન સંવત્સરી પર્વની સાચી શીખ છે.

કોઈ પણ વ્યક્તિ એવો નથી જેના જીવનમાં અપરાધ કે પાપનો ડાઘ ન લાગ્યો હોય. માનવમાત્ર જાણે કે અજાણે ભૂલ, અપરાધ કે પાપ કરતો રહેલો છે. મેલાં કપડાં સાબુથી સાફ થાય અસાધ્ય રોગ હોય તો પણ દવા- ઑપરેશનથી દૂર થઈ શકે. પાપના નિવારણ માટે કોઈ દવા કે ઑપરેશન નથી. પાપના નિવારણ માટે પસ્તાવો કે પ્રાયશ્ચિત સિવાય અન્ય કોઈ ઔષધ નથી. ભલભલા પાપનું નિવારણ એકમાત્ર અંતઃકરણપૂર્વક કરેલી ક્ષમાયાચના કે પ્રાયશ્ચિતથી થઈ શકે છે.

જીવનમાં જેણે કોઈ પાપ કે અપરાધ ન કર્યો હોય એવો કોઈ માણસ હોઈ શકે? પ્રશ્નનો ઉત્તર અવશ્ય નકારાત્મક હોઈ શકે. પાપ કે અપરાધના કાળા ધબ્બાઓથી ખરડાયેલો માણસ મોટા ભાગે પોતાના પાપ સામે આંખ આડા કાન કરી, બીજાએ કરેલા પાપની શિક્ષા આપવા તત્પર રહેતો હોય છે.
નગરના અપરાધીને જાહેરમાં દંડ આપવા એકઠા થયેલાં સૌ પોતપોતાના હાથમાં પથ્થર લઈ ઊભા છે. દંડ આપવા દરેકે અપરાધીને એક એક પત્થર મારવાનો છે. અપરાધીને સજા થાય તે પહેલાં એક સંત ત્યાં આવી ચડયા ‘પથ્થર એ મારી શકે, જેણે જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય.’ સંતના શબ્દો સાંભળી લોકો સ્તબ્ધ થઈ ગયા. ઘડીભર સન્નાટો છવાયો, દરેકના હાથમાંથી પથ્થર નીચે પડી ગયા. સંતે શાંતિથી લોકોને સમજ્વ્યું,
‘પાપનું નિરાકરણ દંડથી નહીં પરંતુ ક્ષમાયાચનાથી થઈ શકે.”
ખરા અંતઃકરણપૂર્વક કરેલો પસ્તાવો ભલભલા પાપને ધોઈ શકે છે. આનો અર્થ એ નથી કે વારંવાર પાપ કરવું અને વારંવાર પસ્તાવો કરવો. માણસ ભૂલ કરી- પસ્તાવો કરવા અને વળી પાછો ભૂલો કરવા ટેવાયેલો છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસજીએ માનવમાત્ર સામે લાલ બત્તી કરી, ‘ભૂલો કરો, ખૂબ કરો, લેકીન કી હુઈ ભૂલકો ફિર સે દોહરાવો મત.’ પાપોના ઢગલા ઉપર બેઠેલો માણસ અંતઃકરણથી નહીં પરંતુ હોઠે આવેલા શબ્દોથી પસ્તાવો કરતો રહેલો છે. શુદ્ધ હૃદયના ઊંડાણ સિવાય કરેલો પસ્તાવો નાટક માત્ર છે, જેની કિંમત કોડીની છે.

અહિંસાના પાયા ઉપર ઊભેલો જૈન ધર્મ ક્ષમાયાચનાને મહાન ગણે છે. જૈનો માટે પર્યુષણ મહાપર્વ છે.

આ દિવસોમાં એકાસણું. અઠ્ઠાઈ, સોળભથ્થુ, માસક્ષમણ, અને વર્ષીતપ જેવી વિવિધ ઉપાસનાઓ કરી જૈનો જીવનને શુદ્ધ કરે છે. સંવત્સરીને દિવસે પ્રતિક્રમણ પછી એકબીજાને વંદન કરી અંતરના ઊંડાણેથી “મિચ્છામી દુક્કડમ” કહી ક્ષમા માગવી અને ઉદાર દિલે ક્ષમા આપવી એના જેવો બીજો કોઈ માનવધર્મ નથી. જૈનોનો આ મહામંત્ર ફક્ત શ્રાવકો સીમિત નથી. આ મંત્ર માનવમાત્ર માટે છે. મિચ્છામી દુક્કડમ મહામંત્ર ફક્ત વર્ષમાં એક જ દિવસ ઉપયોગમાં લેવા માટેનો મંત્ર નથી. માનવમાત્ર જ્યારે જ્યારે કોઈનો અપરાધ કે પાપ કરે ત્યારે ‘મિચ્છામી દુક્કડમ’ મહામંત્રને હૃદયમાં રાખી દિલના શુદ્ધ ભાવથી ક્ષમાયાચના કરે તો જીવનમાં થતાં અન્ય અપરાધો કે પાપથી બચી શકે.

પર્યુષણનો અર્થ અને મહાત્મ્ય – સંવત્સરી ક્ષમાપનાનું મહાપર્વ

3

|| પર્યુષણનો અર્થ અને મહાત્મ્ય ||

પર્યુષણ શબ્દનાં અનેક અર્થ, ભાવ જાણવા મળે છે. શબ્દ શાસ્ત્રનાં નિયમ પ્રમાણે એક શબ્દ વ્યુત્પત્તિ ભેદ પી, વ્યાખ્યા ભેદ થી તેના વ્યાખ્યાભેદો અનેક અર્થો દર્શાવે છે. પર્યુષણની બાબતમાં પણ આવું છે. એના પણ ઘણા બધા સૂચિતાર્થો છે.

પર્યુષણનો એક અર્થ નીકળે છે,’ પરિવસન’- એટલે કે એક જ સ્થાન પર સ્થિર રહેવું. આમ પર્યુષણનો અર્થ ચતુર્થમાસની વર્ષાઋતુમાં એક જ સ્થળે મુકામ કરવો.

પર્યુષણનો બીજો અર્થ થાય છે, પર્યુપશમન’ આ શબ્દનો ભાવાર્થ છે, સંસારમાંની અનેક પ્રકારની વ્યાધિ, ઉપાધિ વચ્ચે પણ સમતા અને શાંતિ ધારણ કરવી. સદીઓથી માનવમનમાં અનેક પ્રકારનાં કષાયો અને વિકારો છૂપાયેલા પડેલા છે, તેનું શમન કરવાનું આ પર્વ છે.

એક અર્થમાં, પરિવશન એટલે કે નિકટ રહેવું. વ્યકિતએ પોતાનાં આત્મભાવમાં રમણ રહેવાનું છે.

આત્માની નજીક જઇ રમણતા કેળવવાની છે. પર્યુષણમાં વર્ષાવાસ શબ્દ, સમય ગાળો સૂચવતા અર્થ માટે નો છે. પરંતુ કષાપ, સમતા અને આતમારમણતા . આ બધાનાં ભાવવાચક અર્થો નીકળે છે. પણ અહીં શબ્દોનાં બાહ્યઅર્થને જાણવાને બદલે , એની પાછળનાં ભાવાર્થ ને સમજવાની કોશિષ કરવી જોઈએ. પર્યુષણ શબ્દ પાછળનાં ભાવાર્થ ને સમજવાની કોશિષ કરવી જોઈએ. પર્યુષણ શબ્દ પાછળનો ભાવાર્થ એ નીકળે છે કે, સાધકે સર્વ પ્રકારે આત્મભાવમાં રહેવું. પરભાવમાં, બ્રાહ્ય વિષયોમાં દોડતાં ચિત્તને વાળીને આત્મભિમુખ કરવું.

પર્યુષણનું પર્વ એ આત્મસિધ્ધિનું પર્વ છે. અને તેથી એ સમય દરમ્યાન ચિત્તને ઉપવાસ, ધર્મશ્રવણ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને ધ્યાન ધારણા જેવી ધર્મ સાધનામાં પરોવવાનું હોય છે. પર્યુષણ ધર્મની આરાધનાનું વિશિષ્ટ પર્વ છે. જેનું લક્ષ્ય છે. કર્મનાં સંવર અને નિર્જરાનું સંવર એટલિં રોકવું અને નિર્જરા એટલે ખંખેરવું. આ શબ્દો પારિભાષિક છે, જે આચરેલા કર્મના સંદર્ભમાં વપરાય છે. અર્થાત હાથમાં આવેલા ફરજ રૃપી કર્મને બજાવી હાથ ખંખેરીને ઊભા થઈ જવું.

લોકોત્તરમાં પર્યુષણ એ પ્રર્વાધિરાજ છે. આ સમયગાળામાં,પૂરા વર્ષમાં આચરેલા આસક્તિ ભર્યા કર્મનાં દુષ્પરિણામ ખંખેરીને, રાગદ્વેશને કારણે દુષિત થયેલા મનને સ્વચ્છ કરવાનું છે.

આવા પાનવકારી પર્વાધિરાજનાં દિવસમાં આરાધના સાધના ઉપાસના અને પરસ્પર માનવ બંધુમાં મૈત્રીભાવ કેળવવા…

|| સંવત્સરી ક્ષમાપનાનું મહાપર્વ ||

તીર્થકર મહાવીર સ્વામીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે જે ક્ષમા માંગે અને બીજાને ક્ષમા આપે, તે જ વ્યકિતની સાધના-આરાધના યોગ્ય ગણાય.

સંવત્સરી એ પર્યુષણ મહાપર્વનો અંતિમ  અને ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. જેમ મંદિરનું શિખર ધ્વજ અને કળશથી સુશોભિત લાગે છે. તે પ્રમાણે પર્યુષણ મહાપર્વ પણ સંવત્સરીની ભાવપૂર્ણ આરાધનાથી સફળ બને છે.

ક્ષમાપના સંવત્સરી નો પ્રાણ છે. અને પર્યુષણ મહાપર્વનટ્વું સારભૂત તથ્પ છે. પર્યુષણ કે બીજા કોઈ પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવી સરળ છે. પણ ક્ષમાનાં પરિપ્રેક્ષ્યમાં સંવત્સરીની સાધના ખરેખર મુશ્કેલ છે. ‘ કલ્પસૂત્ર’ માં ભગવાન મહાવીર સ્વામી ક્ષમાની મહત્તાનો વર્ણવતા કહે છે કે પોતાની થઈ ગયેલી ભૂલો માટે સાચા હૃદયથી ક્ષમા માગવી જોઈએ અને બીજાની ભૂલો થઈ હોય તો તેમને ઉદાર હૃદયથી ક્ષમા આપવી જોઈએ. આજ અર્થમાં ક્ષમા એ વીર પુરૃષોનું આભૂષણ છે. કાયર મનુષ્ય ક્યારેય કોઈને ક્ષમા કરી શકતો નથી.

તીર્થકર મહાવીર સ્વામીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે જે ક્ષમા માંગે અને બીજાને ક્ષમા આપે, તે જ વ્યકિતની સાધના-આરાધના યોગ્ય ગણાય. ક્ષમાપના વગરની ધર્મ-આરાધના વ્યર્થ જતી હોય છે. ક્રોધ અગ્નિ જવાળા છે. એ પોતાને તો દઝાડે છે. પણ એ સાથે બીજાને પણ દઝાડતી હોય છે. સંસારમાં થતા મોટા ભાગનાં અપરાધો ક્રોધાવસ્થામાં થાય છે. શાંત અને પવિત્ર મન ક્યારેય અપરાધ કરવાનો વિચાર કરતું નથી. મનમાં વારંવાર આવતો ક્રોધ, વેરમાં પરિણમે છે. સંતો એ વેરવૃતિને ભયંકર ગણાવી છે. એનાં ગંભીર પરિણામો માત્ર આજ જન્મ જ નહીં, જન્મોજન્મ ભોગવવા પડી શકે છે. રોષ, ઘૃણા, તિરસ્કાર-ઇર્ષ્યા-નિંદા વગેરે દુઃગણો ક્રોધનાં પરિવારજનો છે, આ બધા અવગુણો કુટુમ્બની શાંતિ છીનવી લે છે, કલેષ ઉત્પન કરે છે. સૌની પ્રગ્તિ થવા દેતા નથી. ક્ષમા અને સંતોષ ની ભાવનાથી જ આ દુઃગુણો દૂર થતા હોય છે.

ક્ષમાની ભાવનામાં ખળખળ મૈત્રીનું ઝરણું વહે છે. એમાંજ ડૂબકી લગાવવાથી જ સંસારમાં સુખની લાગણી અનુભવી શકય છે. ક્ષમાની લાગણી વગર જીવનમાં શાંતિ અને આનંદનું આગમન અશક્ય છે. ક્ષમા માગ્યા પછી કે આપ્યા પછી મનની સ્તિથિ જુદી જ બની જાય છે. હંમેશાં ભયમાં જીવતા મનુષ્ય ક્ષમારનાથી નિરાંત  અનુભવે છે. શત્રુતામાં કાયમ ડરનો વાસ રહે છે. વેરભાવના ક્યારેય કોઈને શાંતિથી જીવવા દેતી નથી. લડાઈ-ઝગડા દંડા-ફસાદ માં જો ક્ષમાનો માર્ગ પસંદ કરવામાં આવે તો તેનું કંઈક અદ્ભૂત જોવા મળે છે. બે પક્ષો દુશ્મન મટીને મિત્રો બની જાય છે.

સંસારમાં ક્ષમાપનાની ભાવના શાંતિ, મિત્રતા, સહિષ્ણુતા, વિશ્વાસ જેવી લાગણીઓ માટે એક સંજીવની પુરવાર થાય છે.

પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ

AA

|| પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરી પ્રતિક્રમણ ||

ક્રોધ-માન-માયા-લોભ વગેરે આંતરશત્રુઓને દૂર હટાવનાર – આત્માને નિર્મળ બનાવનાર અને આત્મા સાથે જોડતું પર્યુષણ પર્વ પર્વાધિરાજ તથા શિરોમણિ પર્વ છે.

આથી જ પર્યુષણને અનેક ઉપમાઓ આપી છે; જેમકે અમૃતની (ઔષધમાં શ્રેષ્ઠ), જેમ કે કલ્પવૃક્ષની (વૃક્ષમાં શ્રેષ્ઠ), જેમ કે ચંદ્રની (તારાઓમાં શ્રેષ્ઠ).

જેમ સુગંધ વગર ફૂલ કામનું નથી અને શીલ વિના નારી શોભતી નથી. તેમ પર્યુષણ પર્વની આરાધના વિના સાધુ કે શ્રાવકનું કુળ શોભતું નથી. આજે આપણે આવા ક્ષમાધર્મના વાહક એવા પર્વાધિરાજ પર્યુષણને મોતીથી વધાવીએ. કાળામેશ બનેલા મલિન આત્માને સાફસૂફ કરવાનો પર્યુષણ પર્વ એક મહાન અવસર છે. પર્યુષણ પર્વ પણ આપણને હાકલ કરે છે…” હે દાનવીરો, ત્યાગવીરો, ધર્મવીરો જાગો…”

આમ, પર્યુષણ પર્વ ખરેખર મહાન છે,પર્વ શિરોમણિ છે.

** પાંચ કર્તવ્યો

પર્યુષણ દરમિયાન પાંચ કર્તવ્યો કરવાનું શાસ્ત્ર-વિધાન છે. આ પાંચ કર્તવ્યો આ પ્રમાણે છે :

*અમારી પ્રવર્તન : કોઈને મારવું નહિ એટલે કે અહિંસા.
*સ્વામી વાત્સલ્ય : સમાન ધર્મ પાળનાર પ્રત્યે સ્નેહ વહાવવો, તેની સેવા કરવી.
*અઠ્ઠમ તપ : સળંગ ત્રણ દિવસના ઉપવાસ કરવા.
*ચૈત્ય-પરિપાટી : ચૈત્ય એટલે દેરાસર, દેરાસરે જઈને પ્રભુદર્શન કરવું.
*ક્ષમાપના : પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરીને ક્ષમા માગવી અને બીજાઓના દોષોને ઉદાર હૈયે ક્ષમા આપવી.
** પર્યુષણનું સર્વોચ્ચ શિખર ક્ષમાપના છે.

જૈનોમાં પ્રતિક્રમણ આવશ્યક કર્તવ્ય ગણાય છે. પ્રતિક્રમણ પાંચ પ્રકારનાં હોય છે.

દરરોજ સવારે ઊઠીને ‘રાઈ’ પ્રતિક્રમણ કરવામાં આવે છે, જેમાં નિદ્રા દરમિયાન અજાણતાંય પાપકૃત્ય થયું હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરાય છે. દરરોજ રાત્રે ‘દેવસિ’ પ્રતિક્રમણ કરીને દિવસ દરમિયાન થયેલાં પાપકૃત્યોનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે. આ ન થઈ શકે તો પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવામાં આવે છે. એ પણ શક્ય ન હોય તો સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ-પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવે છે. ક્ષમા માગવા અને ક્ષમા આપવાનું તો જગતનો દરેક ધર્મ કહે છે, કિન્તુ ક્ષમાપના માટે જ એક ખાસ દિવસનું આધ્યાત્મિક પર્વ ઊજવવાની પરંપરા માત્ર અને માત્ર જૈન ધર્મમાં જ છે. સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે જૈનો ‘મિચ્છામિ દુક્કડમ્’ કહે છે. તેનો અર્થ છે – મિથ્યા મે દુષ્કૃતમ્, અર્થાત્ મારાં તમામ દુષ્કૃત્યો મિથ્યા – ફોગટ થાવ, જગતના સર્વ જીવો સાથે મૈત્રી કરવાનું આ પર્વ છે. સંવત્સરી તો સાત્ત્વિક અને આત્મિક મૈત્રીનું પર્વ છે !

પર્યુષણની આરાધના પંચાચારથી શરૃ થાય છે અને તે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બનતી આઠમે દિવસે સંવત્સરીના પ્રતિક્રમણથી વિરમે છે. જૈન ધર્મ ઘણો સૂક્ષ્મ હોવાને કારણે અજૈનો તેને થયા- યથા ભાગ્યે જ સમજતા હોય છે. બહુજન સમાજ તો સામાન્ય રીતે એમ જ માનતો હોય છે. પર્યુષણ એટલે ઉપવાસનું પર્વ જે વધારે ઉપવાસ કરે તેની આરાધના મોટી ગણાય. વાસ્તવિકતામાં ઉપવાસ આરાધનાનું અંગ છે. પર્યુષણની આરાધનામાં ઉપવાસ આવે પણ ઉપવાસ એ કંઇ સમગ્ર પર્યુષણની આરાધના નથી.

પર્યુષણની આરાધના પાંચ પ્રકારે થાય છે. દર્શનાચાર, જ્ઞાાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જે તપાચાર છે તેમાં બાર પ્રકારના તપ કરવાનું વિધાન છે. એમાં છ તપ બાહ્ય છે, તો બીજા છ તપ અભ્યંતર છે. બાહ્ય તપ વાસ્તવિકતામાં અભ્યંતર તપમાં જવા માટે છે. આવા છ બાહ્ય તપમાં ઉપવાસ એ એક તપ છે. તેના ઉપરથી એ ખ્યાલ આવે કે પર્યુષણમાં ઉપવાસની આરાધના ઉપર જે ભાર મૂકાય છે તે વધારે પડતો છે અને અસ્થાને છે.

વાસ્તવિકતામાં પર્યુષણ એક અતિશુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે છે. પ્રતિક્રમણ જૈન ધર્મની પ્રમુખ આરાધના છે. સાધુ તો શું પણ સામાન્ય શ્રાવકેય રોજ બે પ્રતિક્રમણ કરતો હોય છે. સવારનું પ્રતિક્રમણ અને સાંજનું પ્રતિક્રમણ. જૈન ધર્મમાં પાંચ તિથિની વિશેષ આરાધના થાય છે. તેમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે. એમાંય ચૌદશનું પ્રતિક્રમણ મોટું ગણાય. વળી ચાતુર્માસની આરાધનામાં પહેલી ચૌદશ અને છેલ્લી ચૌદશના પ્રતિક્રમણો અતિ મહત્વના ગણાય. તેમાં સૂત્રો વધારે હોય, પાપની આલોચના હોય. તેમાં વિધિ વિધાન વધારે હોય જેથી પ્રતિક્રમમની ક્રિયા લાંબા સમય માટે ચાલે.

સમગ્ર હિંદુ ધર્મમાં ચાતુર્માસની આરાધનાની ઘણી મહત્તા હોય છે. તે રીતે જૈનોમાં પણ ચોમાસાની આરાધના વિશિષ્ટ હોય છે. ચાતુર્માસમાં પર્યુષણ આવે. તેમાં તો ઉત્કૃષ્ટ પ્રકારે આરાધના કરવાની હોય. છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ આવે તે કર્યા પછી પર્યુષણનું સમાપન થાય. આ વાત જ એ દર્શાવે છે કે સમગ્ર પર્યુષણની આરાધનાનું લક્ષ્ય સંવત્સરી પ્રતિક્રમણ હોય છે. આ પ્રતિક્રમણ વધારેમાં વધારે શુદ્ધિપૂર્વક કરવા માટે પર્યુષણની સમગ્ર આરાધનાનું આયોજન થયેલું હોય છે. આ પ્રતિક્રમણ જેટલું ભાવપૂર્વક વિશુદ્ધિથી થાય. તેટલી પર્યુષણની આરાધના વધારે સફળ થયેલી ગણાય.

આપણે એ વિચારવાનું છે કે જે પ્રતિક્રમણનું જૈન ધર્મમાં આટલું બધું મૂલ્ય છે. તેનું કારણ શું હશે ? સંસારમાં જે ધર્મો છે તેમાં જૈન ધર્મ બધાથી અલગ પડી જાય છે તે તેના વિશિષ્ટ દર્શનને કારણે જૈન ધર્મના મતે જીવે બહારથી કંઇ મેળવવાનું નથી. તેણે જે કંઇ સિદ્ધ કરવાનું છે તે તેની અંદર જ પડેલું છે. જીવે જે પોતાનું છે તેનો જ આવિર્ભાવ કરવાનો છે. તે માટે જીવે જે કંઇ પુરુષાર્થ કરવાનો છે તે પોતાના સ્વભાવમાં આવી જવા માટે કરવાનો છે. અનંત ઐશ્વર્યનો સ્વામી એવો આત્મા દુ:ખી થઇને સંસારની ભવાટવીમાં ભટક્યા કરે છે કારણ કે તે પોતાનો સ્વભાવ ભૂલીને વિભાવોમાં રાચે છે અને જીવે છે બાકી આત્મા સ્વભાવે આનંદમય છે અને સ્વયં પર્યાપ્ત છે. જો તેણે પોતાની નિજી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો તેણે સ્વભાવમાં પાછા ફરવાનું છે. પ્રતિક્રમણ વિભાવમાંથી સ્વભાવમાં આવવા માટે છે. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. જીવે જે અતિક્રમણ કર્યું છે તેમાંથી પાછા ફરવા માટે તેણે પ્રતિક્રમણ કરવાનું છે. તેથી જૈન ધર્મના અનુષ્ઠાનોમાં પ્રતિક્રમણ અગ્રસ્થાને હોય છે.

આપણને પ્રશ્ન થાય કે જીવને વિભાવોમાં રખડાવનાર કોણ છે ? જીવને વિભાવોમાં લઇ જનાર છે : મિથ્યાત્વ, કષાય, મન-વચન અને કાયાના યોગો, અવિરતી પ્રમાદને વશ થયેલો જીવ અતિક્રમણ કરીને વિભાવોમાં વર્તે છે. સ્વભાવમાં આવવા માટે જીવે જે આરાધના કરવાની છે તે મિથ્યાત્વમાંથી પાછા ફરવાની, કષાયોમાંથી પાછા ફરવાની, મન- વચન- કાયાનો યોગોને ટૂંકાવવાની- અલ્પ કરવાની અને સંયમમાં વર્તવાની પર્યુષણની સમગ્ર આરાધના સ્વભાવમાં આવવા માટેની છે. તેનું લક્ષ્ય ઉત્કૃષ્ટ પ્રતિક્રમણ હોય છે. બાકી પ્રતિક્રમણનો સામાન્ય અર્થ છે. પાપમાંથી પાછા ફરવું જે અલ્પાકિત છે. બાકી તેમાં મૂળ વાત છે. આત્માના સ્વભાવમાં આવવાની.

સ્વભાવમાં આવવા માટેની પ્રતિક્રમણની યાત્રા કરતી વખતે મનમાં કોઇ દોષ રહી ગયો હોય તો પ્રતિક્રમણ કુલષિત થઇ જાય માટે સંવત્સરી પ્રતિક્રમણ સર્વ જીવોને ખમાવીને શલ્પરહિત થઇને કરવાનું વિધાન છે. જૈન ધર્મે ત્રણ પ્રમુખ શલ્પ કહ્યાં છે : મિથ્યાત્વ માયા અને નિયાણ એટલે કે ધર્મને અલ્પ ફાયદા માટે વટાવવો. શુદ્ધ પ્રતિક્રમણ કરવા માટે જીવે આ ત્રણેય શલ્પ રહિત થવું જરૃરી છે. જો પર્યુષણની આરાધના સારી રીતે થઇ હોય તો આ ત્રણેય શલ્યોનો ભાર ઘણો ઘટી ગયો હોય છે. સંવત્સરી પ્રતિક્રમણ પર્યુષણનો પ્રાણ છે. પ્રતિક્રમણના તત્વાર્થને સમજીને આપણે જો તે કરીએ તો આપણને તેનો અનર્ગળ આત્મિક લાભ થાય.

શ્રી પર્યુષણ પર્વની કથા

1

|| શ્રી પર્યુષણ પર્વની કથા ||

શ્રી પર્યુષણ પર્વનું માહાત્યમ તેમજ વિધિ સમાચારી કોણે કહી ? કોણે પૂછી ? કોણે સાંભળી ? તે સંબંધી કહે છે કે,મગધદેશમાં નિરંતર મહોત્સવો થઇ રહ્યા છે, એવા ઘણાં જિનાલયો છે.વીતરાગ ધર્મ સેવનાર શ્રાવક જનો મહોત્સવો કરી રહ્યા છે. તેમજ ભોગસમી રાજગૃહી નગરીમાં બહોતેર કળાનો જાણનાર રાજનીતિમાં નિપુણ શ્રેણિકરાજા રાજ્ય કરે છે.તેની સત્યશીલ ગુણવતી અને જૈનધર્મને શોભાવનારી ચેલણા નામે રાણી છે.વૈભારગિરિ ઉપર અનેક દેવતાઓ યુક્ત ચોસઠ ઇન્દ્રો જયજયા રવ કરી રહ્યા છે,તથા દેવ દંદુભિના અવાજથી ચારે દિશાઓ ગુંજી રહી છે.આવી શોભાયુક્ત અષ્ટ મહાપ્રાતિહાર્ય સહિત શ્રી વીર જિનેશ્વરને સમ વસરેલા જોઇને વન પાલકે શ્રેણિક મહારાજાને કહ્યું કે,મહારાજ!વૈભાર પર્વતની ઉપર શ્રી વીર ભગવંત દેવરચિત સમોવસરણમાં બિરાજ્યા છે.વન પાલકનું કથન સાંભળી અત્યંત હર્ષમાં આવી શ્રેણિક રાજા આસન પરથી ઉભા થઈને જે દિશામાં પ્રભુ બિરાજ્યા છે તે દિશામાં સાત કદમ આગળ જઈ,પંચાંગ નમસ્કાર કરી પોતાના અંગે પહેરેલા ઘરેણાં મુકુટ છોડીને બાકીના વન પાલકને આપ્યા.પછી આનંદ ભેરી વગડાવી નગરવાસી સહિત રાજા સહપરિવાર શ્રી વીરપ્રભુને વાંદવા ગયો.

શ્રેણિકરાજા સમવસરણમાં પહોચી પાંચ પ્રકારના અભિગમ સાચવી ભગવાનને જમણી બાજુએથી ત્રણ પ્રદક્ષિણા દઈ સ્તુતિ કરી સ્વસ્થાને બેઠા.ભગવાનની દેશના બાદ અવસર પામી શ્રેણિકરાજા પુછવા લાગ્યા કે,હે ભગવન!પ્રથમ શ્રી પયુષણપર્વ ને વિષે શી શી કરણી કરવી ? અને તે કરવાથી શુ ફળ મળે ?

ભગવાને જણાવ્યું,હે મગધેશ! સાંભળ [૧] પયુષણપર્વ આવે ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ શ્રી વીતરાગના ચૈત્યો જુહારે [૨] સાધુની ભક્તિ કરે [૩] કલ્પસૂત્ર સાંભળે [૪] શ્રી વીતરાગની પૂજા-ભક્તિ કરે નિત્ય અંગરચના [5] ચતુર્વિધ સંઘમાં પ્રભાવના કરે [૬] સાધર્મિક વાત્સલ્ય કરે [૭] જીવોને અભયદાન આપવા અમારી પડહ વગડાવે.[૮] અઠ્ઠમ તપ કરે [૯] જ્ઞાનની પૂજા કરે [૧૦] પરસ્પર સંઘને ખમાવે અને [૧૧] સંવત્સરી પ્રતિક્રમણ કરે.આ અગિયાર કર્તવ્ય છે.

વિશેષમાં ભગવાને કહ્યું પજુષણ આવે ત્યારે સામાયિક,પૌષધવ્રત કરવા,બ્રહ્મચર્ય પાળવું,દાનદેવું તેમાં દયા મુખ્ય પાળવી. ઈત્યાદી કર્તવ્ય અલંકાર રૂપ છે.વળી ઘરનાં આરંભ સર્વે વર્જવા, ખાંડવું,દળવું,સચિત્તનો ત્યાગ કરવો,સાવદ્ય વેપાર ન કરવો.કલ્પસૂત્ર વાંચન કરનાર સાધુ મહાત્માઓની ગોચરીની વ્યવસ્થા કરવી,રાત્રી જાગરણ કરવું,આઠ દિવસ ઉભય ટંક ના પ્રતિક્રમણ કરવા,ગુરુની વસ્ત્રાદિક ભક્તિ કરવી, સાવદ્ય એટલે પાપના વચન મુખેથી ન બોલવા.પારણાના દિવસે સાંવ ત્સરિક દાન દેવું,દેવદ્રવ્ય તથા સાધારણના ભંડાર વધારવા,જ્ઞાન દ્રવ્યની વૃદ્ધિ કરવી, અનેક પ્રકારના વાજિંત્રો વગડાવવા, ઉત્તમ વસ્ત્રો પહેરવા,કલેશ,શોક,સંતાપનું નિવારણ કરવું,કંકુ વડે પાંચ આંગળીના થાપા દેવા અને ચંદનથી પૂર્ણ કળશની સ્થાપના કરવી.

અગિયાર કર્તવ્યમાં શ્રી પર્યુષણ પર્વને દિવસે જે વિધિ પૂર્વક ચૈત્યપરીપાટી કરે તે દેવલોકમાં ઇન્દ્ર જેવા સુખ પામે તથા મનુષ્ય લોકમાં શ્રેષ્ઠ પદવી પામે.સાધુ-સાધ્વીની ભક્તિ કરનારને વૈમાનિક દેવપણું પ્રાપ્ત થાય છે.કલ્પસૂત્ર સાંભળવાથી કલ્પવ્રુક્ષની જેમ સાંભળનારના મનો વાંછિત પૂર્ણ કરે છે.જે મુનિ સંપૂર્ણ કલ્પસૂત્ર વાંચે અને ભવ્યજન બહુમાન પૂર્વક આદર સહિત સાંભળે તે વૈમાનિક સુખો ભોગવીને મોક્ષપદ પામે છે.સર્વ પર્વોમાં પયુષણ પર્વ મોટું છે.તે પર્વમાં જે કલ્પસૂત્ર સાવધાન થઈને સાંભળે તે આત્મા આઠ ભવમાં મોક્ષ પામે છે.
નિરંતર શુદ્ધ સમકિતના સેવનથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાથી જેટલું પુણ્ય ઉપાર્જન થાય તેટલું પુણ્ય કલ્પસૂત્ર સાંભળવાથી ઉપાર્જન થાય,શ્રી જિનશાસનમાં પૂજા પ્રભાવના કરવામાં તત્પર રહેલા લોકો એકાગ્ર ચિત્તે શાસન પ્રભાવના કરે,પૂજા કરે,અને કલ્પસૂત્રનું એકવીસવાર શ્રવણ કરે તે પ્રાણી સંસારરૂપ સમુદ્રને તરી જાય છે.

ચોથા ધ્વારમાં પર્યુષણ આવે ત્યારે અરિહંત ભગવંતની પ્રતિમાઓને મહારિદ્ધિ સહિત રથમાં સ્થાપન કરી અષ્ટપ્રકારીપૂજા, સ્નાત્રાદિ આઠે દિવસે કરવા. જેવી રીતે ચાર નિકાયના દેવો,વિદ્યાધરો ત્રણે અઠ્ઠાઈને પાંચે કલ્યાણકો નો નંદીશ્વરદ્વિપમાં મહોત્સવ કરે છે.તેવી રીતે મનુષ્યો પણ મહોત્સવો કરે છે.પયુષણ પર્વમાં દોષ રહિત પણે શ્રી જિનરાજની પૂજા કરે તે પ્રાણી ત્રીજે અથવા સાતમે આઠમે મોક્ષને પામે.જેનાં પાપ વિષમ હોય તે પાપ દુર થાય.ખુબ સુખ સંપત્તિ પામે.તેનો આત્મા ત્રણે ભુવનમાં યશ, કીર્તિ થી દેદીપ્યમાન થાય.

પાંચમું અને છઠ્ઠું કર્તવ્ય સંઘ પ્રભાવના અને સ્વામી વાત્સલ્ય ના ત્રણ ભેદ છે.જઘન્ય(સામાન્ય ) મઘ્યમ અને ઉત્કૃષ્ટ.તેમાં પ્રત્યેક સાધર્મિક ને એકેક નવકારવાળી આપે તે સામાન્ય,ચાર પ્રકારના આહાર વડે જમાડે તે મઘ્યમ અને જમાડ્યા પછી વસ્ત્રાભરણ ની પહેરામણી કરે તે ઉત્કૃષ્ટ સ્વમીવાત્યાલ્ય જાણવું.ત્રીજા જિન શ્રી સંભવનાથ પ્રભુએ દઢભક્તિ પૂર્વક શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય કર્યું, તેથી તીર્થંકર લક્ષ્મી પામ્યા.

અમારિ ઉદ્ઘોષણા કરવા સંબંધી સાતમું કર્તવ્ય છે પયુષણના સર્વ દિવસોમાં અભયદાન દેવું.પાપનો ધંધો થતો અટકાવવો જેમકે તે દિવસો માં કતલખાના બંધ કરાવવા,અભયદાનનો પડહ વગડાવવો,આ રીતે જે અમારિ પળાવે તેનું આયુ દીર્ધતર થાય,શરીર શોભાય માન થાય, ઊંચ ગોત્ર બંધાય,બળ પરાક્રમ અને સંપદા(લક્ષ્મી) પામે અને નિરંતર તંદુરસ્ત રહે.તથા તે ભવ્ય જીવ ત્રીજે ભવે મોક્ષ પામે.

આઠમું કર્તવ્ય પર્યુષણ માં અઠ્ઠમતપ કરનાર ત્રણરત્નની શોભાને પામે,મન વચન અને કાયાના પાપ ધોઈ નાખે,તેના જન્મ અથવા ત્રણભવ પવિત્ર થાય,અથવા તે પુરુષ મોક્ષપદ પામે છે.માટે જે શ્રાવક કળીયુગમાં પયુષણ આવે ત્યારે ત્રણ ઉપ વાસ કરે,તેને ધન્ય છે.મુનિ મહારાજ છ માસી અથવા વરસ ના તપ કોટી વર્ષ પર્યંત કરે,તે મુનિ તપ ના ભાવથી ઘણાં વર્ષોના સંચિત કરેલા કર્મો ની નિર્જળા કરે,તેમ પયુષણ માં અઠ્ઠમતપ કરવાથી એટલા પાપોનો ક્ષય થાય. તેની ઉપર શ્રી નાગકેતુની કથા શ્રી કલ્પસુત્રથી જાણવી.

નવમું કર્તવ્ય જ્ઞાનની પૂજા કરવા પયુષણ માં પુસ્તક આગળ કસ્તુરી,કપુરાદિ,ચંદન,અગર,ધૂપ કરવા,ઘીનો દીપક કરવો, એ પ્રમાણે કલ્પ સૂત્રની પૂજા કરવી. તેથી સંસારજન્ય અજ્ઞાન નાશ પામે છે.તથા ક્રમેક્રમે ભવ્યજીવને કેવલજ્ઞાન ઉપજે છે.

સંવત્સરી પ્રતિક્રમણનું દસમું ધ્વાર પયુષણ પર્વમાં મન,વચન અને કાયાની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું.પડિક્કમણ પંચવિધ આચારની શુદ્ધિ નો હેતુ છે સાધુ તથા શ્રાવકે ગુરુની સાથે પ્રતિક્રમણ કરવું અથવા એકલાએ પણ કરવું.

સંવત્સરી ખામણાં વિષે અગિયારમું ધ્વાર,કલેશ થી જે પાપો બાંધ્યા હોય તે પયુષણમાં સુક્ષ્મ અને બાદલ બન્ને પ્રકારના જીવોની સાથે ખમા વવાથી નાશ પામે છે.જે પ્રાણી પૂર્વના વૈરભાવને મૈત્રી ભાવથી પયુષણમાં સર્વ જીવોની સાથે ખમાવે તે પ્રાણી દોષ રહિત થઇ મોક્ષના સુખ પામે.

પયુષણમાં જે દેવદ્રવ્ય,જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરે તે ભવીજીવ તીર્થંકર પદવી પ્રાપ્ત કરે છે તથા જે દેવદ્રવ્યની ઉપેક્ષા કરે, ભક્ષણ કરે તથા કોઈ આપતો હોય તેને અંતરાય કરે કે આપવાની ના કહે.તે જીવ બુદ્ધિહીન થાય,ઘણા પાપોથી લેપાય અને બીજા ભવ માં ધર્મ ન પામે અથવા નરક આયુષ્ય બાંધે.જે નર દેવદ્રવ્ય વડે પોતાના ધનની વૃદ્ધિ કરે તે ધન તેના કુળનો નાશ કરે,તેમજ તે નર મરી ને નરકગતીમાં જાય, માટે શ્રાવકે વ્યાપાર કરતાં દેવદ્રવ્યની રક્ષા કરવી.

આ રીતે પર્યુષણ પર્વની કરણીનું ફળ પ્રભુના મુખેથી સાંભળીને શ્રેણિક મહારાજા એ પૂછ્યું ,ભગવંત ! સર્વથી અધિક પયુષણ પર્વનો મહિમા કેવો છે ? ભગવંતે કહ્યું,રાજન ! પયુષણપર્વનો મહિમા પુરેપુરો કહેવાને હું પણ અસમર્થ છું.જેમ કોઈ મેઘની ધારાની સંખ્યા ગણી શકે નહિ, આકાશમાં રહેલા તારાની સંખ્યા ગણી શકે નહી.ગંગા નદીના કાંઠે રહેલા રેતીના કણીયા કે સમુદ્રમાં રહેલા પાણીના બિંદુની સંખ્યા કહી શકે નહિ.કદાચિત કોઈ ધીર પુરુષો પૂર્વોક્ત સર્વ પદાર્થોની સંખ્યાની ગણના કરી શકે પરંતુ આ પર્વ પયુષણ પર્વના મહત્યમની સંખ્યા કોઈના થી કહી શકાય નહિ.તેથી જ સર્વ પર્વોમાં અધિક મોટું પર્વ એ છે.જેમ ગુણોમાં વિનયગુણ મોટો,વ્રતમાં બ્રહ્મચર્ય, નિયમમાં સંતોષ,તપમાં સમતા,સર્વ તત્વમાં સમકિત,તેમ સર્વ પર્વમાં પયુષણપર્વ મોટું છે.જેમ મંત્રમાં પંચપરમેષ્ઠી,મહિમાવંત તીર્થમાં શ્રી શત્રુંજય,રત્નમાં ચિંતા મણી,રાજામાં ચક્રવર્તી,કેવળીમાં તીર્થંકર શ્રેષ્ઠ છે,તેમ પર્વમાં પયુષણપર્વ શ્રેષ્ઠ છે.જેમ સમ્યક્ત્વ દર્શનમાં ક્ષાયિક સમ્યક્ત્વ શ્રેષ્ઠ છે,

જ્ઞાનમાં કેવલજ્ઞાન,ધ્યાનમાં શુકલધ્યાન,રસાયણમાં અમૃત, શંખમાં દક્ષિણાવર્ત શંખ શ્રેષ્ઠ છે તેમ પર્વમાં પયુષણ પર્વ શ્રેષ્ઠ છે.આ રીતે પયુષણપર્વ જે ભવ્ય પ્રાણી ત્રિકરણ શુદ્ધિથી જે પ્રાણી આરાધે છે,તે પ્રાણી ઈહલોકમાં રિદ્ધિ,વૃદ્ધિ,સુખ,સૌભાગ્ય,બાહ્ય અને અભ્યંતર સંપદા અવશ્ય પામે છે.

પરલોકમાં ઇન્દ્રપણું પામે,અનુક્રમે તીર્થંકરપદને ભોગવી મુક્તિવધૂ પણ પામે.પયુષણપર્વનું આવું મહત્યમ સાંભળી શ્રેણિક રાજાએ પૂછ્યું કે,હે જિનેન્દ્ર !પૂર્વે એ પયુષણપર્વ કોણે સમ્યક પ્રકારે આરાધ્યું ? અને એથી તે કેવા ફળ પામ્યો ? ત્યારે ભગવંતે જણાવ્યું શુભ મતિથી વિધિ સહિત પયુષણપર્વ ના આરાધનથી ગજસિંહરાજા તીર્થંકર પામ્યા.

આ રીતે પર્યુષણ પર્વનું અપૂર્વ ફળ સાંભળી શ્રેણિકરાજા વિગેરે સર્વલોક અષ્ટાન્હિકાદિ મહોત્સવ સહિત પર્યુષણ પર્વ નું આરાધન કરવામાં ઉદ્યમવંત થયા.

પર્યુષણ મહાપર્વ

|| પર્યુષણ મહાપર્વ ||

“પર્યુષણ આવ્‍યા રે, તમે પુણ્‍ય કરો પુણ્‍યવંત”

માણસ ગમે, તે ખાય, છતાં આરોગ્‍ય બગડતુ નથી, મરચાં ભરપુર ખાય, છતાં કિડની ફેલ થતી નથી. ચાર-પાંચ ચોપડી પણ ભણેલ નથી. છતાં કરોડો કમાય છે. ભયંકર હોનારત સર્જાય, ત્‍યારે હજારો મરી જાય છે, છતાં અમુક બચી જાય છે. ઘણા લોકો પુરૂષાર્થ કરે છતાં પૈસાની પ્રાપ્તી થતી નથી, શરીરમાં ૧૬૦૦૦ કીલોમીટર લાંબી રક્‍તવાહીની છે, ટક્કર ખાવા છતાં લીકેજ થઇ હેમરેજ થતો નથી. એમાં જે કાંઇપણ કારણ હોય, તો તે પુણ્‍ય છે. પર્યુષણ એટલે પુણ્‍ય કમાઇની સીઝન છે.

આજે પર્યુષણ મહાપર્વની પાવન પધરામણી થઇ છે. સોનેરી સુરજ ઊગ્‍યો છે. કેવો સોહણો દિવસ લાગે છે? અરે! આજે પ્રભુ ભક્‍તિની રાત્રી પણ બિહામણી લાગવાની નથી. જેમ પારસમણીથી લોઢું સોનું બની જાય છે. તેમ આ મહાપર્વ રૂપી પારસમણીથી લોઢા જેવો કઠણ આપણો આત્‍મા સોના જેવો નરમ બની જશે. જેમ ખેડૂત જમીનમાં વાવણી કરે અને તેના પર પાણી વગેરેથી સિંચન કરે, તો પાક ઉતર્યા વગર ન રહે. તેમ આપણે પણ મોક્ષ મેળવવા આપણા આત્‍મામાં પર્યુષણ પર્વની આરાધનાની વાવણી કરીએ અને અનુમોદનાના પાણીથી સિંચન કરીએ, તો તત્‍કાળ પુણ્‍યની પ્રાપ્તી અને ભાવાન્‍તરમાં મોક્ષની પ્રાપ્તી થયા વગર ન રહે. તેથી એક કવિએ કહ્યું છે કે ‘‘પુણ્‍યનું પોષણ, પાપનું શોષણ, પર્વ પર્યુષણ આવ્‍યાજી.”

પર્યુષણ શબ્‍દ સંસ્‍કૃત ભાષાનો સંયુક્‍ત શબ્‍દ છે.= પર્યુષણ ઉષ્‍તેમાં ‘‘પરિ” એટલે ચારે બાજુ સારી રીતે ‘‘ઉષણ” એટલે ધર્મ આરાધના અને આત્‍મશુદ્ધિ માટે એક સાથે રહેવું, તે પરિ + ઉષણ કહેવાય છે. ટુંકમાં કહીએ તો પર્યુષણ એટલે પાપ શુદ્ધિ માટે આવેલી ગંગામાં ગળાબુડ સ્‍નાન કરીને શુદ્ધ આત્‍મા બનીએ, એ જ હિતાવહ છે. દિવાળી વગેરે અન્‍ય પર્વોમાં લોકો ખાઇપીઇને મસ્‍તીથી હરવા ફરતા હોય છે. શરીરને શણગારી ટહેલતા હોય. ઇન્‍દ્રિયો બેલગામ દોડાદોડ કરતી હોય છે.

ત્‍યારે આ મહાપર્વ ત્‍યાગરનું પર્વ છે. તેથી આજથી નાના-નાના કિશોરો (૧૧-૧૨ વર્ષની ઉંમરે) પણ અઠ્ઠાઇ (આઠ ઉપવાસ) કરે છે. તેમ કરતાં સંવત્‍સરીના દિવસે છેલ્લો ઉપવાસ કરે છે. આપણાથી આઠ ઉપવાસ ન થાય, તો આજે ઉપવાસ કરવો જોઇએ. તે જ ન થાય, તો યથાશક્‍તિ તપત્‍યાગ કરવો જોઇએ. અષ્‍ટ પ્રકારીપુજા, અંગ રચના, પ્રભુદર્શન, પ્રતિક્રમણ વગેરેની પ્રવૃતિઓથી પુણાનુબંધિ પુણ્‍ય ઉપાર્જન કરવાની તક મળી છે. તે જરાય ચુકી ન જાવય. તેનો ખાસ પ્રયત્‍ન કરવો.

સર્વ પર્વોમાં શ્રેષ્‍ઠ આ પર્વ છે. તેથી આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ કહેવાય છે. પુણ્‍યનું પોષણ અને આત્‍મશુદ્ધીનુ઼ આ પર્યુષણ મહાપર્વ છે. આજે પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે પાંચ કર્તવ્‍યો પર વ્‍યાખ્‍યાન હોય છે.

(૧) અમારી પ્રવર્તન (૨) સાધર્મિક વાત્‍સલ્‍ય (૩) ક્ષમાપાન (૪) અઠ્ઠમ તપ (૫) ચૈત્‍ય પરીપાટી.

(૧) અમારી પ્રવર્તનઃ

મારી એટલે હિંસા, પોતે કરવી- કરાવવી, અમારી એટલે હિંસા કરવી નહિં, કરાવવી નહિ. આપણે ચારે બાજુ જો ત્રાહિ મામ્‌ પુકારતાં પ્રાણીઓના દુઃખ દર્દ ભર્યા જીવન હશે, તો તેવા વાતાવરણમાં આપણી મૈત્રી ભાવનાદિથી સભર આરાધના કેવી રીતે થઇ શકશે? કોઇ ધર્મ માનવો પ્રત્‍યે પ્રેમ શિખવાડે છે, કોઇ માનવ અને પશુ પ્રત્‍યે પ્રેમ શિખવાડે છે, જૈન ધર્મ તો પૃથ્‍વી- પાણીથી માંડીને માનવ પશુ- પક્ષી બધા જીવો પ્રત્‍યે પ્રેમ શિખવાડે છે. હિંસાનો સ્‍વયં ત્‍યાગ કરવો. લીલોતરી, ફળ, હિંસાથી બનેલ સૌદર્ય પ્રસાધનો, સુગંધી દ્રવ્‍યો, વષાા પ્રક્ષાલન, રાત્રીભોજન વગેરેનો ત્‍યાગ કરવો, કરાવવો, બ્રહ્મચર્યનું પાલન કરવું વગેરે આ મહાપર્વમાં આઠે દિવસ કરવું જોઇએ.

ચંપા શ્રાવિકોના ૬ મહિનાના ઉપવાસથી પ્રભાવિત થઇને અકબર બાદશાહે આચાર્ય દેવ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના ઉપદેશથી સંપૂર્ણ રાજ્‍યમાં પર્યુષણના આઠ દિવસ અને આગળ પાછળ બે બે દિવસ કુલ મળી ૧૨ દિવસ અમારીની ઘોષણા કરાવી હતી. તેમનો પરંપરામાં આજે રાજસ્‍થાનમાં પાલી શહેરમાં પર્યુષણમાં અજૈન સુખડીયાઓ પણ ૯ દિવસ મઠાઇની ભઠ્ઠી ચાલુ રાખતા નથી. આજે ઇંડા, આમલેટ, ચિકનસુપ વગેરે અભક્ષ્ય પદાર્થો કેટલાક ગુમરાહ બનેલા યુવાનો ખાઇ રહ્યા છે. અને શારીરિક, આર્થિક, આત્‍મિક નુકશાની કરી રહ્યા છે. તેમને સમજાવીને અહિસંક બનાવવા એ પણ અમારી પ્રવર્તન છે.

(૨) સાધર્મિક વાત્‍સલ્‍ય :

સમાન ધર્મવાલો, સાધર્મિક કહેવાય. તેના પર પ્રેમ અને વાત્‍સલ્‍ય રાખવું. જેમ વાસણ વગર પાણી ન રહે. આધાર વગર આધેય ન રહે, પૃથ્‍વી અગર સંસારમાં માનવ ન રહે, ગુણી વગર ગુણ ન રહે, એવી રીતે ધર્મી વગર ધર્મ ન રહે. દેરાસરમાં જાઓ ત્‍યારે દેવની અનુભૂતિ થાય., ઉપાશ્રયે જાઓ ત્‍યારે ગુરૂની અનુભૂતિ થાય, ધર્મ કરે, ત્‍યારે તેની અનુભૂતિ થાય, પણ ધર્મોને જુઓ એટલે ત્રણેની એક સાથે અનુભૂતિ થાય. કારણકે ધર્મના મનમંદિરમાં દેવ- ગુરૂ અને ધર્મની પ્રતિષ્‍ઠા થયેલી હોય છે. તેથી તેની ભક્‍તિ કરવાથી અનેક ગણો લાભ થાય છે. જીવ સ્‍વયં તો મર્યાદિત આરાધના કરી શકે છે. પણ અનેક સાધર્મિક તો અનેક ધર્મોની આરાધના કરે, તેથી શાષામાં કહ્યું છે. કે બુદ્ધિ રૂપી તરાજવામાં એક બાજુના પલ્લામાં પૂજા, સામાયિક, પૌષધ, નવકારવાલી વગેરે બધુ મુકાય અને બીજી બાજુના પલ્લામાં સાધર્મિક વાત્‍સલ્‍ય મુકાય તો બન્ને પલ્લાં સમાન હોય છે. કોઇપણ પલ્લું ઉચું નીચું ન દેખાય. કેટલું બધું મહત્‍વ છે. સાધર્મિક ભક્‍તિનું?

પરમપૂજ્‍ય કાલિકાળ સર્વજ્ઞ આચાર્ય દેવશ્રી હેમચન્‍દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી કુમારપાળ મહારાજ દર વર્ષે એક કરોડ સોના મહોર સાધર્મિક ભક્‍તિ માટે ખર્ચતા હતાં. આભૂ સંઘવી શ્રાવકે ૩૬૦ સાધર્મિકો પોતાના જેવા લખપતિ બનાવ્‍યા હતાં. એક એક તરફથી રોજ સાધર્મિક વાત્‍સલ્‍ય થતાં વર્ષભેર નગરમાં બધા જુદા જુદા રસોડા બંધ કરાવ્‍યા હતાં.

તુંગીયા નગરીના શ્રાવકો ઘર દીઠ ૧ સોના મહોર અને એક ઇંટ આપતા, તેથી નવો આવનાર સાધર્મિક ત્‍યાં સ્‍થિર થઇ જતો. આજે ભાઇઓ પોતાના એક મહીનાનો ખીસ્‍સા ખર્ચ અને બહેનો મેકઅપ, હેર સ્‍ટાઇલ લીફસ્‍ટીક વગેરે એક મહિનો બંધ રાખી ખર્ચની રકમ સાધર્મિક ભક્‍તિમાં ખર્ચે તો ઘણા સાધર્મિકોની આર્થિક સ્‍થિતિ સુધરી જાય.

(૩) ક્ષમાપના :

પ્રથમ કર્તવ્‍યમાં બીજા જીવોને બચાવવાના છે અને ત્રીજા કર્તવ્‍યમાં પોતાને બચાવવાનો છે. આજ સુધી જીવે અહંકાર, મમત્‍વ, લોલુપતા આદિથી બીજા જીવો પ્રત્‍યે ક્રોધ ર્ક્‍યો હોય, તો અહંકાર આદિ ત્‍યાગ કરી માફી માંગવાની હોય છે. શબ્‍દની તલવાર બીજાના હૃદયને ચિરી નાંખે છે. સામાની ભુલને ભુલી જવાની કલા શિખી લીધી હોય, તો માફી માંગતા વાર ન લાગે. જેથી વૈરની પરંપરા ન ચાલે. ક્ષમાપન એ બે દિલરૂપી નદીનાં બે કિનારાઓને જોડનારો પુલ સેતુ છે. મૃગાવતી, ભગવાન મહાવીર, ઝાંઝરીયા ઋષિ, ખંધક ઋષિ, ગસુકુમાળ, ધાણીમાં પીલાતા ૫૦૦ સુધીઓ વગેરે મહાનુનિઓના દાખલાઓ વિચારીને ક્ષમા માંગી ત્રીજું કર્તવ્‍ય બજાવવું જોઇએ.

(૪) અઠ્ઠમ તપ :

પર્યુષણ મહાપર્વ ઓછામાં ઓછી તપની આરાધના અઠ્ઠમ તપથી કરવી જોઇએ. એક સાથે અઠ્ઠમ ન થાય, તો છુટા છુટા ત્રણ ઉપવાસ કરવા જોઇએ. નાગકેતુ બાલકે અઠ્ઠમ તપ ર્ક્‍યો હતો. તો તેના જીવનમાં દૈવિક ચમત્‍કાર થયો હતો. ધરણેન્‍દ્રે આવીને તેને સહયોગ આપ્‍યો હતો. અને અંતે તે મોક્ષમાં ગયો હતો. તપથી કર્મની નિજરા થાય છે. જેમ અગ્નિના તાપથી સોનું શુદ્ધ બની જાય છે, તેમ તપના તાપથી આત્‍મા શુદ્ધ સોના જેવા નિર્મલ બની જાય છે.

(૫) ચૈત્‍ય પરીપાટી :

આત્‍મા દર્શન કરવા માટે નગરમાં રહેલા બધા દેરાસરોના દર્શન વાજતે ગાજતે સામુહિક કરવા જવું જોઇએ. જેથી આત્‍મદર્શન થાય. આંગી વગેરેની વિશિષ્‍ટ રચના કરવી જોઇએ.

પર્વાધિરાજ પર્યુષણ

2  

|| પર્વાધિરાજ પર્યુષણ ||

આરાધના અને આત્મશુદ્ધિનું અજોડ પર્વ પર્યુષણા :

”પર્વમાંહે પજુસણ મોટા, અવર ન આવે તસ તોલે રે…”

જૈન જગતમાં જેની ગણના સર્વોત્તમ-સર્વશ્રેષ્ઠરૃપે કરવામાં આવી છે તે પર્યુષણામહાપર્વનો મંગલ પ્રારંભ ગુરુવારથી થઈ રહ્યો છે ત્યારે આપણે પણ એ પર્યુષણામહાપર્વની આસપાસ વિચાર-વિહાર કરીએ.

આરાધના અને આત્મશુદ્ધિનું અનુપમ પર્વ એટલે પ્રયુષણા. જૈન શાસનમાં એનું મહત્ત્વ એટલું અદ્ભુત છે કે એને પર્વ યા મહાપર્વ જ નહિ, એથી ય આગળ પર્વાધિરાજરૃપે સંબોધિત કરાય છે. યાદ રહે કે જિનશાસનમાં મન્ત્રો ભલે અનેક છે, કિંતુ મન્ત્રાધિરાજ માત્ર એક જ છે અને તે છે શ્રી નવકાર. યન્ત્રો ભલે અનેક છે, પરંતુ યન્ત્રાધિરાજ માત્ર એક જ છે એ તે છે શ્રી સિદ્ધચક્રજી. એ જ રીતે પર્વો ભલે અનેક છે, પણ પર્વાધિરાજ માત્ર એક છે અને એ છે આ પર્યુષણા.

પર્વ અને તહેવારને એક માનવાની ભૂલ કરવી ન જોઈએ. કારણ કે તહેવાર ભૌતિક આનંદ-પ્રમોદનં નિમિત્ત છે, જ્યારે પર્વ આત્મિક આરાધનાનું નિમિત્ત છે. તહેવારમાં મોજ-શોખથી પ્રધાનતા હોય છે, જ્યારે પર્વમાં તપ-ત્યાગની પ્રધાનતા હોય છે. પર્યુષણા તહેવાર નથી, પર્વ છે. પર્વ જ નહિ, બલ્કે હમણા જણાવ્યું તેમ પર્વાધિરાજ છે. એથી જ એના માટે સ્તવનામાં ગવાય છે કે ”પર્વમાંહે પજુસણ મોટા, અવર ન આવે તસ તોલે રે…”

|| લાક્ષણિકતાની દૃષ્ટિએ પર્વો ચાર પ્રકારના છે ||

(૧) પર્યુષણાપર્વ
(૨) ફલપર્વ
(૩) ગુણપર્વ
(૪) કર્મનાશપર્વ

અલબત્ત, આમાંની એક મુખ્ય લાક્ષણિકતા ધરાવતા પર્વોમાં અન્ય લાક્ષણિકતા પણ ગૌણભાવે રહેલી હોય છે. કિંતુ અહીં મુખ્ય લાક્ષણિકતાના આધારે ચારેયના ઉદાહરણ વિચારીશું. શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણકોની આરાધનાને કહેવાય છે પુણ્વપર્વ. આ કલ્યાણકોની ઉજવણી-આરાધના કરનારને મુખ્યત્વે પ્રચુર પુણ્યબંધ થાય. જેમ કે પાશ્વૅપ્રભુએ પૂર્વદેવભવમાં કલ્યાણકપર્વોની અઢળક ઉજવણી કરી હતી તો તેઓનું આદેયનામકર્મરૃપે પુણ્ય પ્રબળ બન્યું અને તેઓ પુરુષાદાનીયરૃપે પંકાયા… મૌન-એકાદશી-દીવાળી વગેરે પર્વોને કહેવાય છે ફલપર્વ. એ દરમ્યાન કરાતી આરાધના અનેકગણી ફલદાયક બને છે. એની ઉક્તિઓ પણ લોકપ્રસિદ્ધ છે…

જ્ઞાનપંચમી વગેરેને કહેવાય છે ગુણપર્વ. એની આરાધનાથી તે તે ગુણોની વિશિષ્ટ ઉપલબ્ધિ થાય છે. જેમ કે જ્ઞાાનપંચમીની આરાધનાથી જ્ઞાાનયુગનો વિશિષ્ટ ક્ષયોપશમ-વિકાસ થાય છે… પર્યુષણા જેવા પર્વને કહેવાય છે કે કર્મનાશનું પર્વ. તમામ કર્મોમાં જે સૌથી જોરાવર કર્મ છે તે મિથ્યાત્વમોહનીય પર મર્મઘાત કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે પર્યુષણા. માટે તેને કર્મનાશનું પર્વ કહેવાય છે. ‘પર્યુષણાષ્ટાહ્નિકા’ ગ્રન્થમાં ‘પર્યુષણા’ માટે મજાનો શ્લોક મળે છે કે : ”પર્વાણિ બહુશ :સન્તિ, પ્રોક્તાનિ જિનશાસને, પર્યુષણાસજાં નાન્યત્, કર્મણાં મર્મભેદકૃત્.” મતલબ કે પ્રભુશાસનમાં પર્વો તો અનેક છે, કિંતુ કર્મ-મર્મને ભેદવામાં પર્યુષણા જેવું કામિયાબ પર્વ અન્ય એકે ય નથી.

આ પર્યુષણા પર્વની પ્રવૃતિથી લઇને સાધના, પરિણતિનાં સ્તરે વિવિધ રૃપે વિસ્તાર ધરાવે છે. પૌષધ-પ્રતિક્રમણ-સામાયિક-ચૈત્યપરિપાટી આદિ મુખ્યત્વે પ્રવૃત્તિનાં સ્તરની આરાધના છે, તો ક્ષમાપના-જીવદયા વગેરે મુખ્યત્વે પરિણતિનાં સ્તરની આરાધના છે. આપણે એમાંથી પર્યુષણાનાં પાંચ કર્તવ્યરૃપે વિખ્યાત પાંચ ધર્મકાર્યોનું સંક્ષિપ્ત વિશ્લેષણ અહીં કરીશું :

|| (૧) અહિંસા ||

અહિંસાનો આદર્શ તો અન્ય ધર્મપરંપરામાં પણ સ્વીકૃત છે. પરંતુ જૈન શાસનની અહિંસા એ બધા કરતાં અનેક રીતે વિશિષ્ટ-ઉચ્ચતમ પુરવાર થાય એમ છે. એક-બે દૃષ્ટિબિંદુથી એ વિચારીએ. અન્યત્ર જીવહિંસા માત્ર ત્રસ એટલે કે હાલતા-ચાલતા જીવો સુધીની જ દર્શાવાઈ છે, જ્યારે જૈનશાસન એથીય આગળ જઈને પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિની પણ હિંસા હોવાનું સ્પષ્ટ જણાવે છે. જે સંયમી બનીને સંસારનિવૃત્ત થઈ ગયા છે એમના માટે તે આ તમામ હિંસાથી દૂર થવાનું ફરમાન કરે છે અને જેઓ ગૃહસ્થ છે તેમના માટે એ પૃથ્વી આદિની હિંસા અંગે બનતી શક્યતાએ જયણાનું વિધાન કરે છે. આજે આવી વિચારણા સુદ્ધા ન હોવાનાં કારણે પૃથ્વીકાયાદિની બેફામ હિંસા થઈ રહી છે. પૃથ્વીકાયની અતિરેકભરી હિંસાના પ્રત્યાઘાતરૃપે જાણે કે ધરતીકંપો થઈ રહ્યા છે, પાણીની અતિરેકભરી હિંસાથી સુનામીના તાંડવો સર્જાઈ રહ્યા છે, અગ્નિકાયમી અતિરેકભરી હિંસાથી રહેણાંકમાં આગ ફાટી નીકળવાની સમસ્યા સર્જાઈ છે, વાયુની અતિરેકભરી હિંસાથી વાવાઝોડાનાં તોફાનો આવ્યા કરે છે, તો વનસ્પતિની અતિરેકભરી હિંસાથી લીલા-સૂકા દુષ્કાળો સર્જાતા રહે છે.

બીજું ઉદાહરણ વિચારીએ તો, ગાંધીજી સત્યને સાધ્ય-મુખ્ય માનતા હતા અને અહિંસા વગેરેને એના સાધન માનતા હતા. જૈનદર્શન આનાથી નિરાળી વાત કરે છે. એ કહે છે કે સત્ય આદિ ચારેય મહાવ્રતો સાધન છે અને અહિંસા સાધ્ય છે. ‘અષ્ટક પ્રકરણ’ ગ્રન્થમાં ૧૪૪૪ ગ્રન્થોના સર્જક શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે એથી ય આ સ્પષ્ટ રજૂઆત કરી છે કે ”અહિંસૈષા મતા મુખ્યા, સ્વર્ગમોક્ષપ્રસાધની, એતત્સંરક્ષણાર્થં તુ, ન્યાય્યં સત્યાદિપાલનમ્.” ભાવાર્થ કે સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ કરાવતી આ અહિંસા મુખ્ય ધર્મ છે. એની સુરક્ષા માટે સત્યાદિ ધર્મોનું પાલન છે.

જિનશાસનમાં થયેલ અહિંસાની આ અદ્ભુત પ્રતિષ્ઠાનાં કારણે જ આજે પણ જૈન વર્ગમાં અન્યો કરતાં વધુ અહિંસા-જીવદયા-કરુણાના સંસ્કારો ઝળહળતાં નિહાળાય છે. વ્યક્તિગત જીવનમાંય અહિંસાના સંસ્કારો સમજદાર આરાધકમાં કેવા હોય એ જાણવું છે? તો વાંચો આ સત્ય ઘટના :

મુંબઈ-ઘાટકોપરની એક શાળા. દાયકાઓ પૂર્વે પી.ટી.સી.ના શિક્ષકે બાળકોને કહ્યું કે ”આજે તમારે બધાએ ઘાસની હરિયાળી પર – ‘લોન’ પર દોડવાનું છે. હરિયાળી પર ચાલવા-દોડવાથી આંખનાં તેજ વધે છે.” બધા બાળકો દોડવા માંડયા. પરંતુ એક જૈન બાળકે પૂરી નમ્રતા છતાં નિર્ભયતાથી કહ્યું : ”સર! હું આ હરિયાળી પર દોટ નહિ લગાવું. કારણ કે અમારો જૈન ધર્મ કહે છે કે લીલી વનસ્પતિમાં જીવ હોય છે. એના પર દોડવાથી એ જીવોને પીડા થાય – એમની હિંસા થાય.’ વનસ્પતિ સજીવ હોવાનું વિજ્ઞાાનના આધારે જાણનાર શિક્ષક જૈન ધર્મની આ અહિંસાખેવનાથી ખુશ થઈ ગયા. એમને બાળકને ધન્યવાદ આપ્યા!! આગળ જતા એ બાળક જૈન મુનિ બન્યો. એ હતા આચાર્ય અજિતચન્દ્રસૂરિજી…

|| (૨) સાધર્મિકવાત્સલ્ય ||

જે સમાન ધર્મનું પાલન કરતા હોય તેને કહેવાય સાધર્મિક. બની શકે કે કોઈ સાધર્મિક પુણ્યની ટોચે વિરાજતો હોવાથી બધી જ બાહ્ય અનુકૂળતાઓ હામ-દામ-ઠામ ધરાવતો હોય અને કોઈ સાધર્મિક પાપના-અશુભના ઉદયથી આર્થિક આદિ દૃષ્ટિએ અપાર તકલીફોમાં સબડતો હોય. આવી સ્થિતિમાં ઉચિત કર્તવ્ય એ છે કે શ્રીમંત સાધર્મિક દરિદ્ર સાધર્મિકનું વાત્સલ્યપૂર્વક-લાગણીપૂર્વક ધ્યાન રાખે. આ કર્તવ્યમાં જે ‘વાત્સલ્ય’ શબ્દપ્રયોગ થયો છે તે ધ્યાનાકર્ષક છે. ગાયને વાછરડા પ્રત્યે જે મમતાભરી લાગણી હોય તેને કહેવાય છે વાત્સલ્ય અને માતાને નવજાત શિશુ પ્રત્યે જે અધિકાધિક મમતા હોય તેને કહેવાય છે વાત્સલ્ય. આવી હેતભરી-પ્રેમભરી લાગણી સંપન્ન સાધર્મિક દાખવીને દરિદ્ર સાધર્મિકને ઉપયોગી થાય તો એ સાધર્મિકવાત્સલ્ય યથાર્થ કહેવાય.

ભીખારીને ભાખરી અપાય એ રીતે તુચ્છતાથી યા ઉપેક્ષાથી સાધર્મિકવાત્સલ્ય કદી ન કરાય. આ સંદર્ભમાં જૈન શાસ્ત્રોમાં એક સ્થળે ચેતનામાં ચચરાટ ફેલાવી દે તેવું કડક વિધાન કરાયું છે કે આંગણે આવેલ (દરિદ્ર) સાધર્મિકને જોતાં તેનાં નયનોમાં નેહ-વાત્સલ્ય ન ઉભરાય એ જૈનમાં સમ્યક્ત્વ હોવા અંગે શંકા સમજવી : ‘સમ્મત્તે તસ્સ સંદેહો’ આ મૂળ શબ્દો છે!! આ શબ્દોનું હાર્દ જાણે સમજ્યા હોય એમ કેટલાય શક્તિસંપન્ન-ભક્તિસંપન્ન સાધર્મિકોએ અદ્ભુત સાધર્મિકવાત્સલ્ય કર્યા છે. આપણે બે-ત્રણ પ્રાચીન-અર્વાચીન ઝલક જોઈએ :

* સમ્રાટ કુમારપાલે સાધર્મિકઉદ્ધાર માટેપ્રતિવર્ષ એક ક્રોડ સુવર્ણમુદ્રાનો સદ્વ્યય કરવાનો નિયમ સ્વીકાર્યો હતો. એમણે સતત ચૌદ વર્ષ આ નિયમ જાળવીને લાખો દરિદ્ર સાધર્મિકોની ઉલ્લસિત ભાવે ભક્તિ કરી..

* તાજેતરનાં વર્ષોમાં સુશ્રાવક કલ્પેશભાઈએ પચાસક્રોડ રૃ.ની માતબર રકમ દરિદ્ર સાધર્મિક બંધુઓ માટે વાપરીને આ કાળમાં ઉદાહરણીય ભક્તિ કરી, તો હજુ ત્રણ માસ પૂર્વે રાજસ્થાનમાં કોઈ શ્રીમંત સાધર્મિકે નવસો સાધર્મિકોની રૃ. એકેક લાખથી ભક્તિ કર્યાની માહિતી પણ આવી છે…

આવા દાનવીરોની ભક્તિમાંથી પ્રેરણા લઈને જૈન સંઘના શક્તિસંપન્ન પુણ્યાત્માઓ નક્કર સાધર્મિકભક્તિ દ્વારા દરિદ્ર સાધર્મિકોનાં જીવનમાં સુખનો સૂર્યોદય કરે અને સાથે જ ધર્મભાવનાના પાઠ શીખવીને શ્રદ્ધાનો પણ સૂર્યોદય કરે એ આજના સમયની તાતી અને તાકીદની જરૃરિયાત છે…

|| (૩) ક્ષમાપના ||

પર્યુષણાના પ્રાણરૃપ આ મહાન કર્તવ્યનું વિશ્લેષણ આપણે ‘અમૃતની અંજલિ’માં આગામી લેખમાં કરવાના હોવાથી અહીં સ્થાનની અશૂન્યતા કાજે નાનકડો સૂત્રાત્મક નિર્દેશ જ કરીશું કે સજા શત્રુના શરીરને સ્પર્શે છે, જ્યારે ક્ષમા શત્રુના હૃદયને સ્પર્શે છે. એથી જ ક્ષમા શત્રુને મિત્રમાં પરિવર્તિત કરી દેતી ચમત્કારિક શક્તિરૃપ પણ ઘણીવાર બની રહે છે…

|| (૪) અટ્ઠમતપ ||

અન્ય જનસમૂહની નજરમાં જૈન સંઘને આદર-બહુમાન બક્ષતું તત્ત્વો જો કોઈ પણ હોય તો તે છે તપ. અન્ય વર્ગ પણ નિખાલસતાથી કહે છે કે જૈનો જેવા ખરા અર્થના વિશુદ્ધ ઉપવાસ કોઈના નહિ અને જૈનો જેવી કઠિન તપસ્યા પણ કોઈની નહિ. ચંપાશ્રાવિકાના કઠિન તપથી પ્રભાવિત – આકર્ષિત થઈને અકબર જેવા મુસ્લિમ બાદશાહે આખરી પરિણામરૃપે પ્રતિવર્ષ છ માસ છ દિન પર્યંત સમગ્ર ભારતવર્ષમાં અહિંસાપ્રવર્તન કરાવ્યું હતું. અરે! આ પર્યુષણામહાપર્વની સફળતાનો એક મુખ્ય માપદંડ પણ તપ જ ગણાય છે. ‘ક્યાં કેટલી તપસ્યા થઈ’ એના આધારે જ પર્યુષણાની સફળતા અંદાજિત કરાય છે.

પૂર્વાચાર્યભગવંતોએ પ્રાયશ્ચિતરૃપે પર્યુષણામાં અટ્ઠમનું વિધાન કરીને તપ તેમજ આત્મવિશુદ્ધિ વચ્ચે મજબૂત સંબંધ પ્રસ્થાપિત કરી આપ્યો છે. આપણે યથાશક્તિ આ તપ કરીએ અને અન્યોની એકેકથી ચડિયાતી તપસ્યાની અનુમોદના પણ કરીએ. કિંતુ સાથે તપના આ તાત્ત્વિક અર્થનોય ખ્યાલ કરીએ કે ”વિષય-કષાયરૃપ આહારનો ત્યાગ જેમાં હોય એ વસ્તુત : પારમાર્થિક તપ છે…”

|| (૫) ચૈત્યપરિપાટી ||

ચેતનાને જાગૃત કરે તેનું નામ છે ચૈત્ય અર્થાત્ જિનમૂર્તિ-જિનાલય. પર્યુષણાના પાવન દિવસોમાં વિશેષ પ્રકારે વિવિધ ચૈત્યોની યાત્રા થાય એ માટે આ ચૈત્યપરિપાટી કર્તવ્યનું વિધાન છે. પ્રભુની વિશિષ્ટ ભક્તિની આ પ્રવૃત્તિ ચોક્કસપણે મુક્તિનું બીજ બની શકે છે. કેમકે જ્ઞાનીભગવંત કહે છે કે ”ભક્તિર્ભાગવતી બીજં, પરમાનન્દસંપદામ્.” ભાવાર્થ કે પ્રભુભક્તિ તો મોક્ષસંપદાનું બીજ છે.

પર્વાધિરાજ પર્યુષણનો મર્મ

aaa

|| પર્વાધિરાજ પર્યુષણનો મર્મ ||

“પર્યુષણ : આંતરજીવનની શુદ્ધિ – સાધનાનું મહાપર્વ”

પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે સ્થિર વાસ કરીને ધર્મની આરાધના કરતા હોય છે, પરંતુ પર્યુષણનો લાક્ષણિક અર્થ છે ‘આત્માની સમીપ વસવું’ આત્મવિજય માટે આત્મઓળખ અનિવાર્ય છે. એ આત્મતત્વને જોવા માટે એકાંત અને શાંતિ જોઇએ. બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ જોઇએ અને એ નિવૃત્તિમાં આત્મવિશ્લેષણની આંતરપ્રવૃત્તિ જોઇએ.

આત્માની સમીપ રહેવું એટલે શું ? અનંતકાળથી આત્મા મોહ અને મિથ્યાત્વમાં અથવા કષાય અને અજ્ઞાનમાં જ વસતો આવ્યો છે. પોતાના સ્વ-ભાવને ભૂલીને વિભાવને જ નિજ સ્વરૃપ માની બેઠો છે. પરિણામે માનવી પારાવાર પીડા, દુ :ખ, કંકાસ અને કલેશમાં ડૂબેલો છે. ભૌતિક લાલસાના મૃગજળ તરફ આંધળી દોટ લગાવી રહ્યો છે.

આવા માનવીને પર્યુષણ પર્વ પૂછે છે કે આ પર્વ સમયે વિચાર કર કે તું કોણ છે ? તે શું મેળવ્યું છે ? અને શું પામવાનું તારું લક્ષ્ય છે ? દોડધામ કરતો માનવી છેક મૃત્યુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. એ માનવીને ભૌતિક સમૃદ્ધિને મૂર્છામાંથી જગાડતું પર્વ તે પર્યુષણ પર્વ છે. ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું આ પરમ પવિત્ર પર્વ છે. અજ્ઞાનમાંથી સમ્યક્જ્ઞાન તરફ, સ્વહિતને બદલે પરહિત તરફ અને વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં લઇ જનારું પર્વ છે.

જૈન ધર્મના સર્વપ્રથમ આગમ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે, ‘જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયું છે, તે રીતે હે માનવ ! તારી કાયામાં પરમાત્મા વસેલો છે, એને શું શોધી લે.’

પર્વાધિરાજ પર્યુષણ પર્વ વ્યક્તિને બહારની દુનિયાના આનંદને બદલે ભીતરની પ્રસન્નતા જાણવાનો અને જગાડવાનો આદેશ આપે છે. પર્યુષણ પર્વ એટલે આત્માની દિવાળી. જેમ દિવાળીએ વ્યક્તિ પોતાના વેપારના નફા- તોટાનો વિચાર કરે એ રીતે પર્યુષણ પર્વ દરમિયાન એ પોતાના આત્માને ત્રણ પ્રશ્ન પૂછે છે. એનો પહેલો પ્રશ્ન એ છે કે હું કોણ છું ? એનો અર્થ નથી કે એનો બાયોડેટા પૂછે છે. પરંતુ એનો મર્મ એ છે કે એણે પોતાનું સ્વરૃપ કેટલું જાણ્યું છે. એનો બીજો પ્રશ્ન છે કે મેં શું મેળવ્યું છે ? અર્થાત્ જીવનમાં મર્ત્ય અને અમર્ત્ય અથવા તો ક્ષમભંગુર અને શાશ્વત એવી બે બાબત છે. એમાંથી મેં એવી કઇ અમર્ત્ય બાબત મેળવી છે કે જો હું આ ધરતી પર જીવતો ન હોઉં તો પણ જીવતી હોય ! અને ત્રીજો પ્રશ્ન એ છે કે મેં મારા જીવનમાં શું મેળવ્યું છે ? ધન, સંપત્તિ, પરિવારજનો તો સ્થાયી હોતા નથી પરંતુ મેં કશુંક એવું સાધનાથી મેળવ્યું છે કે જે સદાકાળ મારા આત્મામાં સંચિત રહે.

આ રીતે વ્યક્તિની ભીતરમાં બિરાજમાન આત્મદેવતાની આરાધનાનો આ અવસર છે અને તેથી જ ઇન્દ્રિયોને જીતનારા જિનને પૂજનારા તે જૈન કહેવાય. જૈન ધર્મ એ કોઇ કુળ કે જાતિનો ધર્મ નથી, પરંતુ અંતરની તાકાત કેળવવાનો સાધનાપથ દર્શાવનારો અને આત્માને ઓળખવાને સતત યત્ન કરતો ધર્મ છે.

* પચ્ચક્ખાણ

સંસ્કૃત શબ્દ ‘પ્રત્યાખ્યાન’ પરથી પચ્ચક્ખાણ શબ્દ આવ્યો છે. આ પચ્ચક્ખાણ એટલે આત્માનું અહિત કરનાર કાર્યનો મન, વચન અને કાયાથી નિષેધ. વહેતા પાણીને જેમ ક્યારામાં વાળવામાં આવે છે, એ રીતે પચ્ચક્ખાણથી મનને અમુક દિશામાં વાળીને જીવનને ઘાટ આપવામાં આવે છે. એ પહેલા સરળ નિયમોનું પચ્ચક્ખાણ લે છે અને એ પછી અઘરા નિયમોનું પચ્ચક્ખાણ ધારણ કરે છે. ‘શ્રી ભગવતી સૂત્ર’ નામના આગમ ગ્રંથમાં પચ્ચક્ખાણ વિશે ગહન રીતે વિચારવામાં આવ્યું છે. મન વિના અથવા પરાણે લીધેલા પચ્ચક્ખાણ ફળતા નથી અને તેથી તેને માટે છ બાબતો હોવી આવશ્યક છે.

(૧) યોગ્ય સમયે વિધિપૂર્વક લેવા, (૨) એનું વારંવાર સ્મરણ કરીને યોગ્ય રીતે પાલન કરવું. (૩) કોઇ બીજા આશયથી નહી, પણ ભાવશુદ્ધિના આશયથી પચ્ચક્ખાણ લેવા, (૪) પચ્ચક્ખાણની સમયમર્યાદા પૂરી થઇ ગઇ હોય તો પણ થોડા વધુ સમય સુધી એ પચ્ચક્ખાણ ચાલુ રાખવા, (૫) એકવાર સારી રીતે પચ્ચક્ખાણ પળાયા પછી એનું સ્મરણ કરવું, (૬) પાંચેય બાબતો સાથે સંપૂર્ણ રીતે આનંદ અને ઉલ્લાસપૂર્વક પચ્ચક્ખાણ પાર પાડવા.

* મહાવીર વાણી

ધર્મ સરળ આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધાત્મા જ ધર્મમાં સ્થિર રહી શકે છે.

(શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યાય ૨, ગાથા ૩)

ધર્મ દીપકની જેમ જ્ઞાન- અંધકારને નષ્ટ કરે છે.

(શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, અધ્યાય ૪)

આર્ય પુરુષોએ સમભાવમાં ધર્મ કહ્યો છે.

(શ્રી આચારાંગ સૂત્ર, અધ્યાય ૧, ગાથા ૭)

એક ધર્મ જ રક્ષણ કરનાર છે, એના સિવાય સંસારમાં કોઇ પણ મનુષ્ય રક્ષક નથી.

(શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યાય ૧૪, ગાથા ૪૦)

|| પર્વાધિરાજ પર્યુષણનો મર્મ ||

પર્વ એટલે તહેવાર. પર્વ બે પ્રકારનાં હોય છે. એક લૌકિક પર્વ, બીજું આઘ્યાત્મિક પર્વ. લૌકિક પર્વ સ્થૂળ આનંદ અને ક્ષણિક સુખ માટે હોય છે. આઘ્યાત્મિક પર્વ સૂક્ષ્મ આનંદ અને શાશ્વત સુખ માટે હોય છે. પર્વોનો ઉગમ મૂળમાં સાર્વજનિક હોય છે. આપણે એને સાંપ્રદાયિક બતાવવાની ચેષ્ટા કરીએ છીએ. ફરી એનો સમષ્ટિમાં પ્રસાર કરીએ, તો એ સાચા પર્વની આરાધના અને ઉજવણી થશે.

ગમે તેવાં વેશ, વાણી કે વૈચિત્ર્યવાળો માનવી મૂળે તો બે હાથ-બે પગવાળો માનવી જ છે, ને માનવી છે એની પાસે મન છે અને મન છે તો ત્યાં પ્રિય કે અપ્રિય પણ છે. સહુનો એક અનુભવ છે કે સામાન્ય માનવીને જીવન પ્રિય છે. મૃત્યુ અપ્રિય છે. સહુને સુખ પસંદ છે, દુઃખ નાપસંદ છે. આ સુખદુઃખનો શંભુમેળો જ્યાં થાય છે એનું નામ સંસાર છે.

સંસારમાં બે ભાવના ઉગ્ર રીતે પ્રવર્તતી દેખાય છે. મિત્રોનો મોહ અને શત્રુનો દ્વેષ, ધર્મની પરિભાષામાં કહીએ તો રાગ અને દ્વેષ આપણા આજનાં જીવનના ચાલક બળો છે. આ બે બળોનું દુનિયામાં નિષ્કંટક રાજ્ય ચાલે છે. સમગ્ર સંસાર વ્યવહાર એવો છે કે જે ગમે તેના તરફ રાગ રાખવો અને જે ન ગમે તેના તરફ દ્વેષ કરવો. આ રાગ અને દ્વેષ સર્વ પાપ અને સર્વ અધર્મ તથા અનાચારનાં મૂળ છે. આત્મિક ઉન્નતિ એના આડે રૂંધાઈ રહી છે. એ બળોને સામાન્ય જીવો સર્વથા છેદી શકતા નથી, પણ કેટલાક નરોત્તમો રાગ દ્વેષને સર્વથા જીતે છે.

જે જીતે છે તે જિન કહેવાય છે. એ જિનના અનુભવોને અને કથનને જે અનુમોદે છે ને યથા શક્ય આચરે છે તે જૈન કહેવાય છે. મનને શુદ્ધ કરી, વિષયોને જે જીતવા મથે – તે સહુ જૈન ! સંસારનો સંગ્રામ પ્રત્યક્ષ બળો સાથે હોય, જૈનનો સંગ્રામ પરોક્ષ બળો જીતે છે ત્યારે એ જિન બને છે.

જૈન ધર્મને કોઈ વાડા નથી, સીમા નથી, બંધન નથી, દીવાલો નથી. ચારે વર્ણ અને ચોવીસે જાતિઓ અરે, આખો સંસાર ઉપર્યુક્ત ભાવનાઓને અંતરમાં સન્માની જૈન કહેવરાવી શકે છે. આ જૈનધર્મના અનેક પર્વો છે. એમાં પર્યુષણા પર્વ મહાન છે. પર્વાધિરાજ છે. આ પર્વ સમયે વર્ષભરનાં રાગ-દ્વેષ ઓગાળી નાખવાનાં હોય છે. બીજાના દોષોને ભૂલી જવાના છે અને પોતાના દોષોને પ્રત્યક્ષ કરવાના છે ! છેવટે જગતના જીવો પાસે મૈત્રી માગવાની છે. મૈત્રીબંધન માટે અનિવાર્ય ક્ષમાપના પાઠવવાની છે, ને સાથે પોતાની મૈત્રીનો કોલ આપવાનો છે. મનના અરીસાને સ્વચ્છ કરવાનું આ મહાપર્વ સંસારમાં એક અને અનોખું છે. આ ગુમરાહ જગતમાં દીવાદાંડી જેવા એ પર્વને આજે આરાધીએ.

પર્યુષણાનો અર્થ છે – પાસે વસવું અથવા ગુરુની નિકટ રહેવું, સ્વાઘ્યાય, સંયમ, તપ ને પ્રત્યાખ્યાન દ્વારા ચિત્તશુદ્ધિ કરી ગુરુ આશ્રયે પ્રાયશ્ચિત કરી, ક્ષમાપના આચરી, જીવનશુદ્ધિ સાધીને આત્માની સમીપ જઈને વસવું. જે ઉપનિષદનો અર્થ છે, તે પર્યુષણ પર્વનો છે.

નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી ને આંતર શુદ્ધિ વગર એનો સંપર્ક સધાતો નથી.

પર્વાધિરાજ પર્યુષણ

12

|| પર્વાધિરાજ પર્યુષણ ||

પર્વાધિરાજ પર્યુષણનો મર્મ ભગવાન મહાવીરે મગધરાજ શ્રેણીકને સમજાવેલો
સ્વર્ગ તો કોઇએ જોયું નહોતું. પણ મગધદેશ જોનારને સ્વર્ગ જોયાનો આનંદ મળતો. દેવોની પાટનગરી અમરાપુરી તો કોઇએ જોઇ નહોતી પણ રાજગૃહી જોનારને અમરાપુરીનો અણસારો મળતો.
દેવોના રાજા ઇન્દ્રને ચર્મચક્ષુવાળા માનવીઓ નજરે નીરખી શકતા નહી, પણ મગધપતિ શ્રેણિક બિબિસારને નીરખતાં ઇંદ્રરાજની પ્રતિભા પરખાઇ જતી.

ઇંદ્રરાજની પટરાણી શચિદેવીનાં રૃપગુણ લઇને રાણી ચેલણાએ અવતાર ધર્યો હતો. અને મગધની રાજસભા એ દેવસભા જેવી અને સભાજનો દેવોની પ્રતિમૂર્તિ સમા લાગતા.

રાજગૃહી અનેક પર્વતશૃંગોની વચ્ચે વસેલી હતી. તે અપૂર્વ વનશ્રી ધરાવતી હતી. એક દિવસ વનમાં અપૂર્વ અચરજ થયું. જન્મજાત વેરવાળાં પ્રાણીઓ એકબીજાને પ્રેમ કરતાં હતા. ગાય વ્યાઘ્રબાળને ધવરાવતી હતી અને બિલાડી ઉંદરને પ્યાર કરતી હતી. સર્પ ને નકૂલ બંને ગાઢ મિત્ર થઇને ફરતા હતા.

વનપાલકને આ અચરજ થયું અને એ વનના ખંડમાં પ્રવેશ્યો ત્યાં તેને જાણવા મળ્યું કે વીતરાગ ભગવાન મહાવીર અહી સમોસર્યા છે. અને એમના ક્ષમા- પ્રેમભર્યા વ્યક્તિત્વનો આ પ્રભાવ છે. વનપાલક દોડયા અને રાજસભામાં જઇને મગધરાજને ખબર આપ્યા કે ભગવાન મહાવીરદેવ પધાર્યા છે. પ્રકૃતિ પોતે પોતાને ભૂલી ગઇ છે અને પ્રાણનું મહાપ્રાણમાં વિસર્જન થયું છે.
મગધરાજ તત્કાળ ઊભા થઇ ગયા અને બોલ્યા, ”ઓહ, આ વર્તમાન સાત ખોટના પુત્રના જન્મથી પણ અધિક છે. વધામણી લાવનારને સુવર્ણ અને હીરાના હારથી વધાવો અને આનંદભેરી બજાવી સમસ્ત પ્રજાજનને સાબદા કરો. અમે પણ પ્રભુ દર્શને સંચરીએ છીએ.” મહારાજ હાથીએ ચઢયા. ઢોલ-નગારા ગડગડયા અને રાજવી પ્રભુની પરિષદામાં આવ્યા પછી ધર્મવીરના નિયમ પ્રમાણે તેઓએ છત્ર છોડયું, ચામર ત્યજ્યાં, વાહન વર્જ્યાં, પાંચ રાજચિહ્ન અળગાં કર્યા અને પતાકા છોડીને પાંચ અભિગમ સાથે પ્રભુને વંદન કર્યા.

ગણધરોમાં પ્રથમ એવાં ગૌતમ સ્વામીને વંદન કર્યા. વંદન કરીને પોતે પ્રભુથી સાડા ત્રણ હાથ દૂર બેઠા. ભગવાન મહાવીર માલકૌંષ રાગમાં પોતાની વાણી વહાવતા હતા. તેઓ કહેતા હતા ઃ ”સંસારમાં લખ ચોરાસીમાં ફરતાં મનુષ્ય જન્મ મળવો મહાકઠણ છે. એમાંય મનુષ્યજન્મ મળીને સારમાણસાઇ મેળવવી દુર્લભ છે અને એથીય દુર્લભ અહિંસા સંયમને તપ- એમ પાયારૃપ ધર્મ મેળવવા દુર્લભ છે. એને સર્વથી દુર્લભ યોગ્ય જાણીને યોગ્ય આચરવું તે છે. આ મુનિ અને ગૃહસ્થ બંને માટે સમજવું.”

”માણસનું મન હરહંમેશ એક સમાન નથી. બધા દિવસ સરખા હોતા નથી. કોઇ દિવસ મોટા હોય છે. એવા દિવસો પર્વના છે. ચાલુ દિવસના મન એટલું ઉલ્લાસિત થતું નથી, જેટલું પર્વના દિવસોમાં થાય છે. વળી ગૃહસ્થના ચારે પહોર તો ધંધામાં જાય છે, પણ એમાંથી એક યા અડધો પ્રહાર પરમાર્થમાં જાય તો એ મહાન સાફલ્ય ગણાય અને એમ રોજ ન થઇ શકે તો પર્વના દિવસો આવે ત્યારે ગૃહસ્થે ખાસ ધર્મકાર્યમાં ચિત્ત પરોવવું. ગાયના ગળે કાષ્ટધ્વંસ બાંધી હોય, તો ય ફરતી ફરતી થોડાં તૃણ ખાઇ પેટ ભરી લે છે. એવું આમાં છે.

મગધરાજે આ વખતે પ્રશ્ન કર્યો, ”હે ભગવાન, પાપનું શોષણ થાય અને પુણ્યનું પોષણ થાય એવું પર્વોમાં મહાન પર્વ કર્યું છે ?”

ભગવાન બોલ્યા, ”હે રાજન્, મંત્રમાં નવકારમંત્ર જેમ મોટો છે, તીર્થમાં શત્રુંજય મોટો છે. દાનમાં અભયદાન મોટું છે, રત્નમાં ચિંતામણિ રત્ન મોટું છે. કેવળીમાં તીર્થંકર મોટાં છે. જ્ઞાાનમાં જેમ કેવળજ્ઞાાન મોટું છે. ધ્યાનમાં જેમ શુક્લધ્યાન મોટું છે. રસાયણમાં અમૃત મોટું છે. શંખમાં દક્ષિણાવર્ત મોટો છે. પર્વતમાં મેરુ મોટો છે. નદીમાં ગંગા મહાન છે, સરોવરમાં માનસરોવર મોટું છે, એમ દ્વિપને વિષે જંબુદ્વીપ ક્ષેત્રને વિષે ભરતક્ષેત્ર, દેશમાં સોરઠ, દિવસમાં દિવાળીનો દિવસ અને માસમાં ભાદરવો શ્રેષ્ઠ છે. એમ સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ મહાન છે. એક વાત કહું, જેમ તપ વિના મુનિ ન શોભે, શીલ વિના સ્ત્રી ન શોભે, શૌર્ય વિના શૂરો ન શોભે, વેદ વિના વિપ્ર ન શોભે, દયા વિના ધર્મ ન શોભે, તેમ ગૃહસ્થ અને મુનિનું કુલ પર્યુષણની આરાધના વિના ન શોભે.”
મગધરાજ કહે, ”પર્યુષણ પર્વ મુનિ માટે કયા પ્રકારનું છે ?”

ભગવાન કહે, ”સાધુઓ માટે પર્યુષણા દશ કલ્પમાનો એક કલ્પ છે. પર્યુષણાનો અર્થ વર્ષાવાસ. વર્ષા ઋતુ આવે એટલે સાધુએ એક સ્થળે રહેવું એનો યોગિક અર્થ એ છે કે આત્માની નજીક રહેવું અને આત્મની નજીક રહેવા માટે ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયોને તજવાં. નવકલ્પમાં સાધુઓ માટે

(૧) અચંલક કલ્પ ઓછાં ને જીર્ણ વસ્ત્ર પહેરવા.

(૨) ઉદેથશક કલ્પ પોતાના નિમિત્તે બતાવેલ આહાર ન લેવો.

(૩) શય્યાતર કલ્પ જેના ત્યાં ઉતર્યા હોય તેને ત્યાંના ખાનપાન કે વસ્ત્ર સાધુએ ન લેવા.

(૪) રાજપિંડ ન લેવો.

(૫) કૃતિકર્મ કલ્પ જે દિક્ષામાં વડો તેને વડો સ્વીકારવો.

(૬) ચારને બદલે પાંચ વ્રત (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) સ્વીકારવા

(૭) જ્યેષ્ઠકલ્પ- કાચી દીક્ષા નહી પાકી દીક્ષાથી લઘુગુરુને સ્વીકાર કરવો

(૮) રોજ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરવું.

(૯) માસ કલ્પ- ચોમાસામાં એક સ્થળે રહેવું. ચોમાસું રહેલા કલ્પવાળા સાધુએ પર્યુષણાના પાંચ દિવસ માટે કલ્પસૂત્ર વાંચવું. ”

મગધરાજ બોલ્યા, ”ગૃહસથોએ પર્યુષણા પર્વમાં શું કરવું ?”

ભગવાન મહાવીર બોલ્યા, ”ગૃહસ્થ ૧૧ કાર્ય કરે.

(૧) પૂજા

(૨) ચૈત્ય-પરિપાટી (મંદિરોના દર્શન)

(૩) સાધુ- સંતોની ભક્તિ

(૪) સંઘમાં પ્રભાવના

(૫) જ્ઞાાનની આરાધના

(૬) સાધર્મિક વાત્સલ્ય

(૭) કલ્પસૂત્ર શ્રવણ

(૮) તપશ્ચર્યા કરવી

(૯) જીવોને અભયદાન દેવું.

(૧૦) સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને

(૧૧) પરસ્પર ક્ષમાપના કરવી.”

મગધરાજ કહે, ”આ તો વિશિષ્ટ કાર્ય કહ્યાં, સામાન્ય દૈનિક આચાર કેવો રાખે ?”

ભગવાન કહે, ”એ દિવસોમાં યથાશક્તિ દાન આપે, બ્રહ્મચર્ય પાળે, સામાયિક, પ્રતિક્રમણને પૌષધ કરે. ઘરના સમારંભ ત્યજે, ખાંડવું દળવું છોડે, નાટકચેટક ન જુએ, ભૂમિ પર સૂએ, સચિત્ત વસ્તુનો ત્યાગ કરે, રાત્રિએ જાગરણ કરે, ભાવભજન કરે, મધ્યાહ્ને પૂજા આંગી કરે, પાપના વચન મુખથકી ન બોલે, કલશ, શોક, સંતાપ, કરે નહિ- કરાવે નહિ. ધર્મમહોત્સવમાં મન- કૂચક્ર મૂકી લક્ષ્મીનો સદ્ઉપયોગ કરે.’

મગધરાજ કહે, ”આઠ દિવસમાં શું સાંભળે ?”
ભગવાન કહે, ”પ્રથમના ત્રણ દિવસ કરવા યોગ્ય કર્તવ્ય વિષે સાંભળે પછીના પાંચ દિવસ કલ્પસૂત્ર સાંભળે. કલ્પસૂત્રનો મહિમા પ્રભુ પ્રતિમાંથી પણ વડો લેખાયો છે.”
મગધરાજ ઃ ”આ પર્વ તો મુખ્ય દિવસ સંવત્સરી એ દિવસનું મુખ્ય કાર્ય શું ?”

ભગવાન બોલ્યા, ”ક્ષમાપના પોતાનો જે દોષ ગુનો કોઇએ કર્યો હોય તેની સામે પગલે જઇને માફી આપવી ને પોતે જે દોષ કર્યા હોય તેની માફી માગવી. મનનો અહંકાર દૂર કરો. નમ્ર થવુ. ચિત્ત નિર્મળ કરવું અને પછી આ આખા વર્ષના અતિ ઉત્તમ દિવસને સાર્થક કરવો.”

આમ પર્યુષણ પર્વની આરાધનાના સમયે સહુ કોઇને પોતાના આત્માની ખોજ કરવાની જરૃર છે. આપણા મનમાં રહેલા મદ માન અને મોહને ભૂલીને લાખેણા આત્માને શોધીએ અને તે શોધવા માટેનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે ક્ષમાપના. વેરના અંધકારમાં, દ્વેષના દાવાનળમાં અને બદલાની બૂરી ભાવનામાં જીવતા જીવને માટે આજે આત્મીય પ્રેમને કાજે પ્રાયશ્ચિતનું પર્વ ઊગ્યું છે. દિવાળીના પર્વમાં જેમ નફા- તોટાનો હિસાબ કરીએ એ જ રીતે સંવત્સરીના વાર્ષિક પર્વમાં વર્ષભરના સારાંનરસાં કર્મોનું સરવૈયું કાઢીને સાચી ક્ષમા દ્વારા આપણા હૃદયમાં પરમાત્મભક્તિનો ઉજાશ પથરાવવાનો છે.

મહાવીર જન્મવાચન
પર્વાધિરાજ પર્યુષણનો પાંચમો દિવસ એટલે મહાવીર જન્મવાચનનો દિવસ. કેટલીક વ્યકિતઓ ભૂલથી એને ભગવાન મહાવીરનો જન્મદિવસ માને છે. હકીકતમાં ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની તેરસના દિવસે થયો હતો. વિ.સં. પૂર્વે ૫૪૩ની ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રીએ માતાની કૂખમ ાં કુલ નવ મહિના અને સાડા સાત દિવસ વીત્યા બાદ ત્રિશલા દેવીને પુત્ર જન્મ થયો હતો. આથી ભગવાન મહાવીરનો જન્મદિવસ ચૈત્ર મહિનામાં આવે છે જ્યારે પર્વાધિરાજ પર્યુષણના સમયે આવતો દિવસ તે કલ્પસૂત્રમાં મહાવીર સ્વામીના જન્મવાચનનો દિવસ છે.
આ દિવસે કુંડગ્રામના રાય સિદ્ધાર્થની પત્ની ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્નોનું વર્ણન કરવામાં આવે છે. હકીકતમાં દરેક તીર્થકરની માતાને ચૌદ સ્વપ્ન આવે છે. આ દિવસે ઉપાશ્રયમાં આ સ્વપ્નનો સ્વપ્નપાઠકોએ બતાવેલો અર્થ બતાવવાની સાથોસાથ એની બોલી બોલાવવામાં આવે છે અને આ દિવસે સુંદર વસ્ત્રો પરિધાન કરીને સાધર્મિક વાત્સલ્ય (ભોજન) સાથે મળીને એની ઊજવણી થાય છે.

ગણધરવાદ એટલે શું ?

પર્વાધિરાજ પર્યુષણના છઠ્ઠા દિવસે ગણધરવાદનું વાચન થાય છે. ગણધરવાદ એટલે અગિયાર મહાપંડિતોની મહાશંકાઓને દૂર કરતો વાર્તાલાપ.

વિક્રમ સંવત પૂ.૫૦૦ વર્ષે વૈશાખ સુદ દસમના દિવસે ભગવાન મહાવીરને ભારત વર્ષના અગિયાર મહાપંડિતો વાદ- વિવાદમાં પરાજિત કરવા માટે આવે છે. એ અગિયાર મહાપંડિતોના નામ આ પ્રમાણે છે. (૧) ઇન્દ્રભૂતિ ગૌતમ, (૨) અગ્નિભૂતિ, (૩) વાયુભૂતિ, (૪) વ્યક્ત, (૫) સુધર્મા, (૬) મણ્ડિત, (૭) મૌર્યપુત્ર, (૮) અકમ્પિત, (૯) અચલભ્રાતા, (૧૦) મેતાર્ય, (૧૧) પ્રભાસ.
આ પંડિતોને અનુક્રમે નીચેની બાબતો અંગે શંકા હતી.

(૧) આત્મા (૨) કર્મ (૩) શરીર એ જ જીવ (૪) પંચભૂત (૫) જન્માન્તર (૬) બંધ (૭) દેવ (૮) નારકી (૯) પુણ્ય (૧૦) પરલોક, (૧૧) મોક્ષ.

ગણધરવાદની વિશેષતા એ છે કે આ મહાપંડિતોની શંકા તેઓ રજૂ કરતા નથી, પરંતુ સ્વયં ભગવાન મહાવીર એમના મનની શંકા કહે છે અને પછી એનું સમાધાન આપે છે. સામાન્ય રીતે વાદવિવાદમાં ખંડન અને મંડન થાય છે. એક વ્યક્તિના મત સામે બીજી વ્યક્તિ એનો વિરોધ કરે છે, જ્યારે અહી ભગવાન મહાવીર સ્વયં પંડિતોની શંકા દર્શાવીને પોતે જ ઉત્તર આપે છે અને એ રીતે જૈન ધર્મનો સમન્વયાત્મક દ્રષ્ટિકોણ પ્રગટ થાય છે. વળી વેદશાસ્ત્રના પારંગત એવા પંડિતોને વેદમાં વર્ણવાયેલી બાબતોનું ભગવાન મહાવીર પોતાની તત્વદ્રષ્ટિએ અર્થઘટન કરીને સમજાવે છે.

આ ગણધરવાદમાં અગિયાર પંડિતો અને એમના શિષ્યો એમ કુલ ૪૨૧૧ પુણ્યાત્માઓ ભગવાન મહાવીરનો ઉપદેશ અને શિષ્યત્વ સ્વીકારે છે. એક અર્થમાં કહીએ તો જૈનદર્શનના ઘણા મહત્વના પાસાઓ ગણધરવાદમાં આવરી લેવાયા છે.

 

 

 

 

 

|| પર્વાધિરાજ પર્યુષણ ||