પર્વાધિરાજ પર્યુષણનો મર્મ

aaa

|| પર્વાધિરાજ પર્યુષણનો મર્મ ||

“પર્યુષણ : આંતરજીવનની શુદ્ધિ – સાધનાનું મહાપર્વ”

પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે સ્થિર વાસ કરીને ધર્મની આરાધના કરતા હોય છે, પરંતુ પર્યુષણનો લાક્ષણિક અર્થ છે ‘આત્માની સમીપ વસવું’ આત્મવિજય માટે આત્મઓળખ અનિવાર્ય છે. એ આત્મતત્વને જોવા માટે એકાંત અને શાંતિ જોઇએ. બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ જોઇએ અને એ નિવૃત્તિમાં આત્મવિશ્લેષણની આંતરપ્રવૃત્તિ જોઇએ.

આત્માની સમીપ રહેવું એટલે શું ? અનંતકાળથી આત્મા મોહ અને મિથ્યાત્વમાં અથવા કષાય અને અજ્ઞાનમાં જ વસતો આવ્યો છે. પોતાના સ્વ-ભાવને ભૂલીને વિભાવને જ નિજ સ્વરૃપ માની બેઠો છે. પરિણામે માનવી પારાવાર પીડા, દુ :ખ, કંકાસ અને કલેશમાં ડૂબેલો છે. ભૌતિક લાલસાના મૃગજળ તરફ આંધળી દોટ લગાવી રહ્યો છે.

આવા માનવીને પર્યુષણ પર્વ પૂછે છે કે આ પર્વ સમયે વિચાર કર કે તું કોણ છે ? તે શું મેળવ્યું છે ? અને શું પામવાનું તારું લક્ષ્ય છે ? દોડધામ કરતો માનવી છેક મૃત્યુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. એ માનવીને ભૌતિક સમૃદ્ધિને મૂર્છામાંથી જગાડતું પર્વ તે પર્યુષણ પર્વ છે. ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું આ પરમ પવિત્ર પર્વ છે. અજ્ઞાનમાંથી સમ્યક્જ્ઞાન તરફ, સ્વહિતને બદલે પરહિત તરફ અને વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં લઇ જનારું પર્વ છે.

જૈન ધર્મના સર્વપ્રથમ આગમ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે, ‘જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયું છે, તે રીતે હે માનવ ! તારી કાયામાં પરમાત્મા વસેલો છે, એને શું શોધી લે.’

પર્વાધિરાજ પર્યુષણ પર્વ વ્યક્તિને બહારની દુનિયાના આનંદને બદલે ભીતરની પ્રસન્નતા જાણવાનો અને જગાડવાનો આદેશ આપે છે. પર્યુષણ પર્વ એટલે આત્માની દિવાળી. જેમ દિવાળીએ વ્યક્તિ પોતાના વેપારના નફા- તોટાનો વિચાર કરે એ રીતે પર્યુષણ પર્વ દરમિયાન એ પોતાના આત્માને ત્રણ પ્રશ્ન પૂછે છે. એનો પહેલો પ્રશ્ન એ છે કે હું કોણ છું ? એનો અર્થ નથી કે એનો બાયોડેટા પૂછે છે. પરંતુ એનો મર્મ એ છે કે એણે પોતાનું સ્વરૃપ કેટલું જાણ્યું છે. એનો બીજો પ્રશ્ન છે કે મેં શું મેળવ્યું છે ? અર્થાત્ જીવનમાં મર્ત્ય અને અમર્ત્ય અથવા તો ક્ષમભંગુર અને શાશ્વત એવી બે બાબત છે. એમાંથી મેં એવી કઇ અમર્ત્ય બાબત મેળવી છે કે જો હું આ ધરતી પર જીવતો ન હોઉં તો પણ જીવતી હોય ! અને ત્રીજો પ્રશ્ન એ છે કે મેં મારા જીવનમાં શું મેળવ્યું છે ? ધન, સંપત્તિ, પરિવારજનો તો સ્થાયી હોતા નથી પરંતુ મેં કશુંક એવું સાધનાથી મેળવ્યું છે કે જે સદાકાળ મારા આત્મામાં સંચિત રહે.

આ રીતે વ્યક્તિની ભીતરમાં બિરાજમાન આત્મદેવતાની આરાધનાનો આ અવસર છે અને તેથી જ ઇન્દ્રિયોને જીતનારા જિનને પૂજનારા તે જૈન કહેવાય. જૈન ધર્મ એ કોઇ કુળ કે જાતિનો ધર્મ નથી, પરંતુ અંતરની તાકાત કેળવવાનો સાધનાપથ દર્શાવનારો અને આત્માને ઓળખવાને સતત યત્ન કરતો ધર્મ છે.

* પચ્ચક્ખાણ

સંસ્કૃત શબ્દ ‘પ્રત્યાખ્યાન’ પરથી પચ્ચક્ખાણ શબ્દ આવ્યો છે. આ પચ્ચક્ખાણ એટલે આત્માનું અહિત કરનાર કાર્યનો મન, વચન અને કાયાથી નિષેધ. વહેતા પાણીને જેમ ક્યારામાં વાળવામાં આવે છે, એ રીતે પચ્ચક્ખાણથી મનને અમુક દિશામાં વાળીને જીવનને ઘાટ આપવામાં આવે છે. એ પહેલા સરળ નિયમોનું પચ્ચક્ખાણ લે છે અને એ પછી અઘરા નિયમોનું પચ્ચક્ખાણ ધારણ કરે છે. ‘શ્રી ભગવતી સૂત્ર’ નામના આગમ ગ્રંથમાં પચ્ચક્ખાણ વિશે ગહન રીતે વિચારવામાં આવ્યું છે. મન વિના અથવા પરાણે લીધેલા પચ્ચક્ખાણ ફળતા નથી અને તેથી તેને માટે છ બાબતો હોવી આવશ્યક છે.

(૧) યોગ્ય સમયે વિધિપૂર્વક લેવા, (૨) એનું વારંવાર સ્મરણ કરીને યોગ્ય રીતે પાલન કરવું. (૩) કોઇ બીજા આશયથી નહી, પણ ભાવશુદ્ધિના આશયથી પચ્ચક્ખાણ લેવા, (૪) પચ્ચક્ખાણની સમયમર્યાદા પૂરી થઇ ગઇ હોય તો પણ થોડા વધુ સમય સુધી એ પચ્ચક્ખાણ ચાલુ રાખવા, (૫) એકવાર સારી રીતે પચ્ચક્ખાણ પળાયા પછી એનું સ્મરણ કરવું, (૬) પાંચેય બાબતો સાથે સંપૂર્ણ રીતે આનંદ અને ઉલ્લાસપૂર્વક પચ્ચક્ખાણ પાર પાડવા.

* મહાવીર વાણી

ધર્મ સરળ આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધાત્મા જ ધર્મમાં સ્થિર રહી શકે છે.

(શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યાય ૨, ગાથા ૩)

ધર્મ દીપકની જેમ જ્ઞાન- અંધકારને નષ્ટ કરે છે.

(શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, અધ્યાય ૪)

આર્ય પુરુષોએ સમભાવમાં ધર્મ કહ્યો છે.

(શ્રી આચારાંગ સૂત્ર, અધ્યાય ૧, ગાથા ૭)

એક ધર્મ જ રક્ષણ કરનાર છે, એના સિવાય સંસારમાં કોઇ પણ મનુષ્ય રક્ષક નથી.

(શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યાય ૧૪, ગાથા ૪૦)

|| પર્વાધિરાજ પર્યુષણનો મર્મ ||

પર્વ એટલે તહેવાર. પર્વ બે પ્રકારનાં હોય છે. એક લૌકિક પર્વ, બીજું આઘ્યાત્મિક પર્વ. લૌકિક પર્વ સ્થૂળ આનંદ અને ક્ષણિક સુખ માટે હોય છે. આઘ્યાત્મિક પર્વ સૂક્ષ્મ આનંદ અને શાશ્વત સુખ માટે હોય છે. પર્વોનો ઉગમ મૂળમાં સાર્વજનિક હોય છે. આપણે એને સાંપ્રદાયિક બતાવવાની ચેષ્ટા કરીએ છીએ. ફરી એનો સમષ્ટિમાં પ્રસાર કરીએ, તો એ સાચા પર્વની આરાધના અને ઉજવણી થશે.

ગમે તેવાં વેશ, વાણી કે વૈચિત્ર્યવાળો માનવી મૂળે તો બે હાથ-બે પગવાળો માનવી જ છે, ને માનવી છે એની પાસે મન છે અને મન છે તો ત્યાં પ્રિય કે અપ્રિય પણ છે. સહુનો એક અનુભવ છે કે સામાન્ય માનવીને જીવન પ્રિય છે. મૃત્યુ અપ્રિય છે. સહુને સુખ પસંદ છે, દુઃખ નાપસંદ છે. આ સુખદુઃખનો શંભુમેળો જ્યાં થાય છે એનું નામ સંસાર છે.

સંસારમાં બે ભાવના ઉગ્ર રીતે પ્રવર્તતી દેખાય છે. મિત્રોનો મોહ અને શત્રુનો દ્વેષ, ધર્મની પરિભાષામાં કહીએ તો રાગ અને દ્વેષ આપણા આજનાં જીવનના ચાલક બળો છે. આ બે બળોનું દુનિયામાં નિષ્કંટક રાજ્ય ચાલે છે. સમગ્ર સંસાર વ્યવહાર એવો છે કે જે ગમે તેના તરફ રાગ રાખવો અને જે ન ગમે તેના તરફ દ્વેષ કરવો. આ રાગ અને દ્વેષ સર્વ પાપ અને સર્વ અધર્મ તથા અનાચારનાં મૂળ છે. આત્મિક ઉન્નતિ એના આડે રૂંધાઈ રહી છે. એ બળોને સામાન્ય જીવો સર્વથા છેદી શકતા નથી, પણ કેટલાક નરોત્તમો રાગ દ્વેષને સર્વથા જીતે છે.

જે જીતે છે તે જિન કહેવાય છે. એ જિનના અનુભવોને અને કથનને જે અનુમોદે છે ને યથા શક્ય આચરે છે તે જૈન કહેવાય છે. મનને શુદ્ધ કરી, વિષયોને જે જીતવા મથે – તે સહુ જૈન ! સંસારનો સંગ્રામ પ્રત્યક્ષ બળો સાથે હોય, જૈનનો સંગ્રામ પરોક્ષ બળો જીતે છે ત્યારે એ જિન બને છે.

જૈન ધર્મને કોઈ વાડા નથી, સીમા નથી, બંધન નથી, દીવાલો નથી. ચારે વર્ણ અને ચોવીસે જાતિઓ અરે, આખો સંસાર ઉપર્યુક્ત ભાવનાઓને અંતરમાં સન્માની જૈન કહેવરાવી શકે છે. આ જૈનધર્મના અનેક પર્વો છે. એમાં પર્યુષણા પર્વ મહાન છે. પર્વાધિરાજ છે. આ પર્વ સમયે વર્ષભરનાં રાગ-દ્વેષ ઓગાળી નાખવાનાં હોય છે. બીજાના દોષોને ભૂલી જવાના છે અને પોતાના દોષોને પ્રત્યક્ષ કરવાના છે ! છેવટે જગતના જીવો પાસે મૈત્રી માગવાની છે. મૈત્રીબંધન માટે અનિવાર્ય ક્ષમાપના પાઠવવાની છે, ને સાથે પોતાની મૈત્રીનો કોલ આપવાનો છે. મનના અરીસાને સ્વચ્છ કરવાનું આ મહાપર્વ સંસારમાં એક અને અનોખું છે. આ ગુમરાહ જગતમાં દીવાદાંડી જેવા એ પર્વને આજે આરાધીએ.

પર્યુષણાનો અર્થ છે – પાસે વસવું અથવા ગુરુની નિકટ રહેવું, સ્વાઘ્યાય, સંયમ, તપ ને પ્રત્યાખ્યાન દ્વારા ચિત્તશુદ્ધિ કરી ગુરુ આશ્રયે પ્રાયશ્ચિત કરી, ક્ષમાપના આચરી, જીવનશુદ્ધિ સાધીને આત્માની સમીપ જઈને વસવું. જે ઉપનિષદનો અર્થ છે, તે પર્યુષણ પર્વનો છે.

નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી ને આંતર શુદ્ધિ વગર એનો સંપર્ક સધાતો નથી.

Leave a comment