ગુરુવંદન વિધિ

2

|| ગુરુવંદન વિધિ ||

શ્રી મુનિ મહારાજ પાસે જાવ ત્યારે તેમને વિધિપૂર્વક વંદન કરવા જોઈએ. પ્રથમ બે “ખમાસમણ” દેવાં, ત્યાર બાદ ઊભા થઈ મુનિરાજને “ઈચ્છકાર” ના પાઠથી સુખશાતા પૂછવી, તે નીચે મુજબ છે….

શ્રી ખમાસમણ સૂત્ર

ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજજાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ.

ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજજાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ.

ઈચ્છાકાર! સુહ-રાઈ? (સુહ-દેવસિ?) સુખતપ? શરીર નિરાબાધ? સુખ સંયમ યાત્રા નિર્વહો છો જી? સ્વામી! શાતા છે જી? મત્થએણ વંદામિ.

(પદવીધર હોય તો ફરી ખમાસમણું દેવું)

સામાન્ય રીતે સવારે દેવવંદન કર્યા પછી ગુરૂવંદને જવુંજોઈએ. તે વખતે તેમની સુખશાતા આ સૂત્રથી પૂછવામાં આવે છે. સવાર હોય તો “સુહરાઇ” કહેવું અને બપોર પછી ” સુહદેવસિ” કહેવું. તે પ્રમાણે સુખશાતા પૂછી, એક ખમાસમણ દઈ, ઊભા થઈ “અબ્ભુઠ્ઠિઓ” કહેવું. પ્રથમ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અબ્ભુઠ્ઠિઓ ખામેઉં ?” થી આદેશ માગવો. પછી ગુરુ મહારાજ “ખામેહ” એ પ્રમાણે ખામવાની આજ્ઞા કરે, ત્યારે “ઈચ્છ” કહીને વાંદણાં દેવાની પેઠે નીચે નમીને જમણો હાથ ભોંય પર ઉપર અવળો આગળ ધરવો અને ડાબો હાથ મોં આગળ સાડી/પછેડીનો છેડો/રૂમાલ મુહપત્તિ ધરી રાખી “જંકિંચિં અપત્તિઅં” થી બોલવું.

અબ્ભુઠ્ઠિઓ-ગુરુખામણા સૂત્ર

ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અબ્ભુઠ્ઠિઓમિ અબ્ભિંતર રાઈઅં/દેવસિઅં ખામેઉં … (ખામેહ) ઈચ્છં, ખામેમિ રાઈઅં/દેવસિઅં. જંકિંચિં અપત્તિઅં, પરપત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વેઆવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિ ભાસાએ, જંકિંચિં મજ્ઝ વિણય પરિહીણં,
સુહુમં વા બાયરં વા, તુબ્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુક્કદમ્.

આ સૂત્રથી ગુરુ મહારાજ પ્રત્યે આપણાથી જાણતા-અજાણતા આશાતના-અપરાધ થયો હોય તેની ક્ષમા માંગવામાં આવી છે. પછી ઊભા થઈ એક ખમાસમણ દઈ ઊભા રહી સુખશાતા પૂછવી. પછી પચ્ચક્ખાણ લઈ ખમાસમણું દઈ :સાહેબ! ભાત પાણીનો લાભ દેશોજી” એમ વિનંતી કરવી. – જો વ્યાખ્યાન વખતે ગુરુવંદન હોય તો અબ્ભુઠ્ઠિઓ પછી ખમાસમણ દઈ-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાયણા સંદિસાહું?

ફરી ખમાસમણું. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાયણા લેશું? ઈચ્છં. ફરી ખમાસમણું. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પસાઓ કરી વાયણા પ્રસાર કરશોજી

પછી હાથ જોડી ઊભા રહેવું. સાહેબજી માંગલિક ફરમાવે પછી સર્વસભાને વંદન કરીને ઊભા રહીને કે ઉભડક બેસીને કે સુખાસને વ્યાખ્યાન સાંભળવા.

ભગવાન મહાવીરના સત્તાવીસ ભવ

1

|| ભગવાન મહાવીરના સત્તાવીસ ભવ ||

ભગવાન મહાવીરના પૂર્વેના છવ્વીસ ભવના સગા-સ્નેહીઓને ઓળખીયે

ભગવાન મહાવીરના અસંખ્ય ભવો થયા. એ ભવોમાં પ્રથમ ભવ તરીકે તેઓ સમ્યકત્વ પામ્યા તે નયસારનો ભવ ગણાય છે. એ પછી બીજા કેટલાક ભવો મળે છે. જ્યારે કેટલાક ભવોને ક્ષુલ્લક ભવ તરીકે ગણનામાં લેવાતા નથી. ભગવાન મહાવીરના પાંચમાં, તેરમા, પંદરમા અને એકવીસમા ભવ પછી ક્ષુલ્લક ભવો મળે છે.

એ રીતે ભગવાન મહાવીરનો ભવ સત્તાવીસમો- અંતિમ ભવ છે. આ સત્તાવીસ ભવોમાં તેર ભવ માનવ તરીકે, દસ ભવ દેવ તરીકે, બે ભવ નારક તરીકે અને એક ભવ તિર્યચ તરીકે મળે છે. સત્તાવીસમો ભવ તે ભગવાનનો અંતિમ ભવ છે. આમાં પહેલો, ત્રીજો,પાંચમો, છઠ્ઠો, આઠમો, દસમો, બારમો, અઢારમો, ચૌદમો, સોળમો, અઢારમો (ત્રિપૃષ્ઠ વાસુદેવ), બાવીસમો, ત્રેવીસમો( પ્રિય મિત્ર ચક્રવર્તી) અને પચ્ચીસમો ( નંદનમુનિ) ભવ મનુષ્ય તરીકે મળે છે.

જ્યારે બીજો, ચોથો,સાતમો, નવમો, અગિયારમો, તેરમો,પંદરમો, સત્તરમો, ચોવીસમો અને છવ્વીસમો એ દેવ તરીકેનો છે. અને તેના દેવલોક સૌધર્મ, બ્રહ્મ(દેવ)લોક, સૌધર્મ, ઇશાન, સનતકુમાર,માહેન્દ્ર, બ્રહ્મલોક, મહાશુક્ર અને પ્રાણત છે.ઓગણીસમો ભવ સાતમી નારકીના જીવ તરીકેનો અને એકવીસમો ભવ ચોથી નારકીના જીવ તરીકે છે. વીસમો ભવ સિંહનો હોઈ તિર્યચ તરીકેનો છે.

મનુષ્યગતિ પૂરતો વિચાર કરતાં ભગવાન મહાવીરના અંતિમભવ પૂર્વના બાર ભવો આ પ્રમાણે છે. નયસાર, મરીચિ, કૌશિક બ્રાહ્મણ, પુષ્પમિત્ર દ્ધિજ, અગ્ન્યુદ્દ્યોત દ્ધિજ, ભારદ્ધાજ દ્ધિજ, સ્થાવરક દ્ધિજ, યુવરાજ વિશ્વભૂતિ, ત્રિપુષ્ઠ વાસુદેવ, પ્રિયમિત્ર ચક્રવર્તી અને નંદન રાજકુમાર. આ ભવો દર્શાવે છે કે તેઓના તેરમાંથી છ ભવો તો બ્રાહ્મણ તરીકેના છે. એક એ પણ હકીકત છે કે આ બધા ભવો પૈકી એકેયમાં તેઓ સ્ત્રી તરીકે અવતર્યા નથી.

ભગવાન મહાવીરના વિવિધ ભવોના સ્વજનોનાં વિચાર કરીએ તો નયસારના પ્રથમ ભવમાં એમના કોઈ સગાંનાં નામ ગ્રંથોમાં મળતાં નથી. મરીચિના ત્રીજા ભવમાં એમના પિતાનું નામ ભરત હતું. આ ભરત ચક્રવર્તી તે તીર્થકર ઋષભદેવ ભગવાનના પુત્ર થાય. આ રીતે જોઈએ તો ભગવાન ઋષભદેવ મરીચિના પિતામહ થાય. સુનંદા અને સુમંગલા એમની પિતામહી થાય. બાહુબલિ અને ભરત સિવાયના અઠ્ઠાણું ભાઈઓ તે મરીચિના કાકા થાય. બ્રાહ્મી અને સુંદર એમનાં ફૈબા થાય. મરુદેવી એમના દાદા ( પિતામહ)ની માતા થાય અને કુલકર નાભિ એમના પ્રપિતામહ થાય. આ મરીચિના ભવમાં મહાવીર સ્વામીએ ‘ત્રિદંડી’ નો -પારવ્રાજકનો ધર્મ સ્વીકાર્યો હતો. આનો  અર્થ એ કે એ ભવમાં જૈન સાધુતા સ્વીકાર્ય બાદ અતિ મુશ્કેલ લાગતાં તેઓ ત્રિંદડી બન્યા હતા.

ભગવાન મહાવીરના સત્તાવીશ ભવમાંથી સાત ભવ ત્રિદંડી તરીકેના છે: ૧. મરીચિ ૨. કૌશિક, ૩. પુષ્યમિત્ર,૪. અગન્યુદ્દ્યોત, ૫. અગ્નિભૂતિ ૬. ભારદ્ધાજ અને ૭. સ્થાવર. મરીચિના ભવ સિવાય બાકીના છએ ભવમાં તેઓ બ્રાહ્મણ તરીકે જન્મયા હતા. ત્રિદંડીની વાત એક મહત્વનું સૂચન કરે છે , સાધુના કપરા આચારો પાળી નહિ શકનાર ત્રિદંડી બને છે. એ આચરણો છૂટ લઈને સાધુ રહી શકાય નહિ. પાંચમા ભવમાં કૌશિક બ્રાહ્મણ તરીકે ભગાવન મહાવીર સ્વામીએ ત્રિદંડી ધર્મ પાળ્યો. એ  પછી એમના અનેક ક્ષુલ્લક ભવો મળે છે.

છઠ્ઠા ભવમાં અગાઉના ભવની પેઠે બ્રાહ્મણ તરીકે જન્મયા અને ત્રિદંડી ધર્મ પાળ્યો. આઠમાં ભવમાં પણ એ જ રીતે અગ્ન્યુદ્દ્યોત તરીકે બ્રાહ્મણ તરીકે જન્મયા અને ત્રિદંડી ધર્મ પાળ્યો. દસમા ભવમાં બ્રાહ્મણકુળમાં અગ્નિભૂતિ તરીકે જન્મ થયો. એમના પિતાનું નામ સોમિલ અને માતાનું નામ શિવભદ્રા હતું. આ અગ્નિભૂતિએ સમય જ્તાં પિરવ્રાજક સૂરસેન પાસે દીક્ષા લીધી. બારમા ભારદ્ધાજ તરીકેના બ્રાહ્મણ તરીકેના ભવમાં પણ એમણે ત્રિદંડી ધર્મ સ્વીકાર્યો હતો. તેરમા ભવ પછીના વિવિધ સામાન્ય ભવોની માહિતી સાંપડતી નથી. ચૌદમા ભવમાં કપિલ બ્રાહ્મણની કાંતિમની નામની પત્નીના પુત્ર સ્થાવર તરીકે એમનો જન્મ થયો અને ત્રિદંડી ધર્મ અંગીકાર કર્યો. દેવ તરીકેના પંદરમાં ભવ પછીના ક્ષુલ્લક ભવોની ગણના કરાતી નથી. એમનો સોળમો ભવ તે વિશ્વભૂતિનો . આ વિશ્વભૂતિના પિતાનું નામ વિશાખભૂતિ અને કાકાનું નામ વિશ્વનન્દિ હતું . આ વિશાખભૂતિની પત્ની ધારીણી તે વિશ્વભૂતિનની માતા હતી. વિશ્વભૂતિનાં લગ્ન બત્રીસ કન્યાઓ સાથે થયાં હતાં. વિશ્વભૂતિની કાકી થાય અને વિશાખનન્દિ તે એમનો દીકરો થાય.

ઓગણીસમો ભવ તે ત્રિપૃષ્ઠ તરીકેનો હતો. આ ત્રિપૃષ્ઠના પિતાનું નામ પ્રજાપતિ અને માતાનું નામ મૃગાવતી હતું. એકવીસમા ભવ પછીના ક્ષુલ્લક ભવો વિશે કોઈ માહિતી નથી. જ્યારે બાવીસમા વિમલના ભવમા એમના પિતાનું નામ પ્રિયમિત્ર અને માતાનું નામ વિમલા છે. ત્રેવીસમા પ્રિયમિત્ર તરીકેના ભવમાં તેઓ મહાવિદેહ ક્ષેત્રમાંથી મૂકા નગરીના રાજા ધનંજય અને રાણી ધારિણીના પુત્ર હતા. આ પ્રિયમિત્ર ચક્રવર્તીને અનેક રાજકન્યાઓ પરણાવવામાં આવી . અન્ય ચક્રવર્તીઓની પેઠે એને ૬૪૦૦૦ પત્નીઓ હતી, આ પ્રિયમિત્રએ અંતે પોટિલ્લાચાર્ય પાસે દીક્ષા લીધી.

પચીસમા ભવમાં જીતશત્રુ રાજા અને ભદ્રા રાણીના પુત્ર નંદન તરીકે જન્મ થયો. આ નંદને પોતાના પુત્રને રાજગાદી સોંપીને પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. એ ભવમાં એણે વીસ સ્થાનકોની આરાધના કરીને તીર્થકર-નામકર્મ-નિકાચિત કર્યું હતું. ભગવાન મહાવીરનો સત્તાવીસમો ભવ એ એમનો અંતિમ ભવ છે.

* સારાંશ :-

ભૌતિક સુખ અને ઊડતા પતંગિયા વચ્ચે ખૂબ સામ્ય છે. રંગબેરંગી હોવાને કારણે પતંગિયા આકર્ષે છે. માનવીના ભૌતિક સુખ અને સદા આકર્ષતા રહે છે. એ પતંગિયાને પકડવા માટે જેમ જેમ પાછળ દોડો, તેમ તેમ એ દૂર ભાગતું જાય છે. એષણા , ઇચ્છા, કામનાઓ કે લાલસાઓની તૃપ્તિ માટે માણસ દોડતો હોય છે અને એ પકડવાને બદલે માણસને વધુને વધુ ઇચ્છાઓના આકાશમાં દોડતો રાખે છે.

 

 

'નિર્જળા એકાદશી'( ભીમ અગિયારસ)

4

|| ‘નિર્જળા એકાદશી'( ભીમ અગિયારસ)||

એક વર્ષની ચોવીસ અગિયારસ માં જે ખૂબ જ પુણ્યકારક અને શ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે નિર્જળા એકાદશી જેઠસુદ.૧૧. આ એકાદશી માતા કુંતા જી પોતાના પાંચે પુત્રો ને નિર્જળા એટલે કે જળ પણ નહીં પીવાનું તેવી કરાવતા હતા. પરંતુ ભીમસેન આ એકાદશી કરી શકાતા નહીં. પરંતુ યેન કેન  પ્રકારે માતા કુંતાજી ભીમ પાસે આ એકાદશી આવતી હોવાથી ભીમસેન ને કહ્યુ જાવ આજે અગિયારસ છે યમુનાજીમાં સ્નાન કરી આવ. અમે તો વહેલા સ્નાન કરી આવ્યા છીએ અને પ્રભુભજન  કરી લીધું છે. ભીમસેને કહ્યુ મા પહેલા ખીચડી ખાશુ, જમુના નાશુ ખીચડી ખાશું’. જપતો જપતો જમુનાજીમા સ્નાન કરવા માટે  નીકળી ગયો. પરંતુ ખાવાની ધૂન માં ને ઘૂન માં જમુનાજીનો  રસ્તો ભૂલી ગયો. અને અવળે રસ્તે ચડી ગયો.   રસ્તામાં એક નાની તલાવડી આવી અને એક શિવમંદિર આવ્યું.

મધ્યાનનો સમય હતો. ભીમે જાણ્યું આ જમુનાજી જ છે. એમ સ્મરણ કરીને તલાવડી નું બધુ જ પાણી શિવમંદિર માં ભરાયુ. આથી માતા પાર્વતિજી શિવને પૂછે છે, પ્રભુ.. ! આપણા મંદિરમાં આટલું બધું પાણી કેમ ભરાયુ, ત્યારે શિવજી કહે છે..

દેવી ! મારો એક ભક્ત તલવાડીમાં નહાવા પડયો છે તેથી  આ પાણી આપણા મંદિરમાં આવ્યુ છે, હવે આનો એક જ ઉપાય છે.  હું સિંહ બનું છું અને તમે ગાય બનો. તમને મારવા માટે હું દોડીશ એટલે ભીમસેન ને થશે આજે અગિયારસને દિવસે ગાયને મરવા ન દેવાય. આથી તે ઉભો થશે મને પકડવા અને તુરત જ પાણીં બધું મંદિરમાંથી ઉતરી જશે.

આમ કહીને  સિંહરૃપી શિવ પાર્વતીરૃપી ગાયને  મારવા દોડયા . તેથી ભીમસેને ઉઠીને સિંહને પકડી લીધો. પરંતુ સિંહના નખથી ભીમનું ડાબું પડખું આખું ચીરાઈ ગયું. તેથી ભીમ સેન પૂંછડી  પકડીને જેવો સિંહને મારવા જાય છે કે તુરતજ મહાદેવજી પ્રસનન્ન થયા. ભીમને દર્શન આપીને ડાબા પડખા ઉપર હાથ ફેરવીને તે વજ્ર જેવુ લોખંડી બનાવી દીઘું.

શિવ કહે છે, હે ભીમસેન… ! બીજું જે જોઈએ તે વરદાન માંગો. ભીમ કહે છે,’ વરદાન આપો મુજને હું ઝાઝો જોરાવર થાઉં, મ્હારી નજરે જેટલું દેખું તેટલું અન્ન હું ખાઉ. મહાદેવજીએ કહ્યું તથાસ્તુ. બીજું વરદાન માંગ.

ભીમે બીજું વરદાન માંગ્યું,’ કાચું ખાઉં, રોગ જરા નવ થાય, મ્હારાવતીનો શકુની મામો, ઝાડે ફરવા જાય.’ મહાદેવજી બોલ્યા અલ્યા ભોજન તૂં કરીશ અને દિશાએ જવા મામા જાય ? ભીમ કહે મારો શકુનિ મામો એનેજ લાયક છે.

આમ શિવ દર્શન કરી વરદાન મેળવી ભીમસેન ઘરે આવે છે. માતા કુંતાજીને બધી વાત કરે છે મા કહે છે, શિવે આજે મને એકાદશી કરવાની કહી છે.

આમ ભીમસેને જ્યારથી આ એકાદશી કરી ત્યારથી તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. તાત્વિક રીતે તે નિર્જળા એકાદશી કહેવાય છે.

આપણા હિન્દુધર્મમાં આપણે પણ અગિયારસ નું વ્રત કરીએ છીએ. પરંતુ તેમાં ફકત ફળાહારનું અપભ્રંશ કરીને ફરાળ અગિયારસ કરીએ છીએ, જે યોગ્ય નથી.

‘ આજે મારે એકાદશી ઉપવાસ. મેં બીજુ કાંઈ ખાઘુ નથી રે !
મેં વેઠયો ભૂખનો ત્રાસ. મેં બીજું કાંઈ ખાઘુ નથી રે !
‘ સીંગોળાનો શિરો કીધોને , રાજગરાની  પુરી!
શાક સુરણ નું ધીમાં કીધુ તોયે ન થાય સબુરી!
મેં બીજુ કાંઈ ખાઘુ નથી રે… !
‘મોરૈયા નો ભાત કીઘોને ,કઢી બનાવી તાજી !
દુધ બાળીને બાસુંદી કીઘી. મારા મનને કરાવારાજી !!
મેં બીજુ કાંઈ ખાધુ નથી રે… !
‘ સાંજ પડી  ત્યારે વેફર સાથે થોડો ચેવડો લીધો !
ચીકુનો મેં  હલવો મંગાવી, મારા મોં માં મૂકી દીધો !
મેં બીજુ કાંઈ ખાધુ નથી રે !
‘ હરતા ફરતા કેળા પપૈયા ને દ્રાક્ષની સાથે કેરી !
મોસંબી નો મેં રસ  પીધો, લોકો કહે મને લહેરી !!
મેં બીજું કાંઈ ખાધુ નથી રે !
‘ સુતિ વેળાએ દૂધ મંગાવી દોઢ સેર મેં પીધું!
રામ ભક્ત મેં  પુનિત થાવા. આવું એકાદશી વ્રત કીધું !!
મેં બીજું કાંઈ ખાધુ નથી રે !

બ્રહ્મચર્ય વ્રત

3   2

|| બ્રહ્મચર્ય વ્રત ||

બ્રહ્મચર્ય આદરસત્કાર મેળવવા માટે નહિ , શીલસંપત્તિ મેળવવા માટે નહિ સમાધિસંપત્તિ મેળવવા માટે નહિ કે પ્રજ્ઞા પ્રાપ્ત કરવા માટે નહિ , પરંતુ આત્યંતિક ચિત્તવિમુક્તિ (નિર્વાણ) માટે છે ,

આત્યંતિક ચિત્તવિમુક્તિ એ બ્રહ્મચર્ય નો સાર છે , અને એ જ બ્રહ્મચર્યનું પર્યવસાન છે.

આત્મામાં વિચરવું એનું નામ બ્રહ્મચર્ય છે, પરંતુ વીર્યની રક્ષા કર્યા સિવાય આત્મામાં વિચારવું અશક્ય હોવાથી વીર્ય ની રક્ષા કરવી એ જ બ્રહ્મચર્ય , એમ મનાયું છે…

‘યોગસૂત્ર’ માં કહે છે કે ,

બ્રહ્મચર્યની દ્રઢતા થવાથી વીર્યનો લાભ થાય છે.
જે માણસ બ્રહ્મચર્યની રક્ષા કરે છે , તેને બ્રહ્મચર્ય ની વિશેષતાથી નિરતિશય સામર્થ્યનો આવિર્ભાવ થાય છે. વળી તેના સંયમથી શરીર , ઇન્દ્રાય અને મનમાં વિશેષ શક્તિ પ્રાપ્ત થાય છે…

‘શ્રી યોગભાષ્ય’ માં ગુપ્તેન્દ્રિયરૂપ ઉપસ્થના દ્રઢ નિગ્રહને બ્રહ્મચર્ય તરીકે વર્ણવ્યું છે.

‘શ્રી દક્ષસંહિતા’માં મૈથુનનાં આઠ અંગો વર્ણવ્યા છે , તેનો ત્યાગ કરવો તેને બ્રહ્મચર્ય કહ્યું છે.

‘યાજ્ઞવલ્કયસંહિતા’ માં કહ્યું છે કે –

“મન ,વાણી અને શરીરથી સર્વ અવસ્થાઓમાં સર્વદા સર્વત્ર મૈથુન નો ત્યાગ કરવો ,તેને બ્રહ્મચર્ય કહેવાય”

બ્રહ્મ એટલે કુશળ અનુસ્થાન , તે અને એનું સેવન કરવું તે બ્રહ્મચર્ય. તાત્પર્ય કે આત્માનું હિત કરનારી જે ક્રિયા હોય તે બ્રહ્મચર્ય કહેવાય….

શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર’ ના પ્રથમ પ્રકાશમાં જણાવ્યું છે કે –

” દિવ્ય એટલે દેવતાના શરીર સંબંધી અને ઔદારિક એટલે મનુષ્ય અને પશુનાં શરીર સંબંધી ; આમ બે પ્રકારનો કામ, તેને મન ,વચન અને કાયાએ  ગુણતા ૬ પ્રકાર થાય અને તેને કરવા, કરાવવા, અને અનુમોદવારૂપ ૩ પ્રકારને ગુણતા ૧૮ પ્રકાર થાય , તેનો ત્યાગ કરવો તેનું નામ બ્રહ્મચર્ય .”

બ્રહ્મચર્ય એ શીલ અર્થાત ચારિત્રનો અતિ અગત્યનો ભાગ છે અને તેથી કાલાંતરે બ્રહ્મચર્ય અને શીલ એ સમાન અર્થ સૂચક શબ્દો બની ગયા છે.

બધી ઇન્દ્રિયોનો એકી વખતે જ સંયમ એ બ્રહ્મચર્યનું ન્યાય યુક્ત લક્ષણ છે.

મન, વચન, કાયા વડે સઘળી અવસ્થામાં મૈથુન નો ત્યાગ કરવો અને વીર્યની રક્ષા કરવી, તેને જ બ્રહ્મચર્ય કહે છે.

વર્તમાન વિચારકોમાં બ્રહ્મચર્યનો અર્થ સમજાવતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે : –

“બ્રહ્મચર્યનો પૂરો ને બરોબર અર્થ તે બ્રહ્મ ની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે, એટલે તે શોધ અંતર્ધ્યાન અને તેનાથી નીપજતા અંતર્જ્ઞાનથી થાય છે.

એ અંતર્જ્ઞાન ઇન્દ્રિયોના સંપૂર્ણ સંયમ વિના અશક્ય છે .તેથી સર્વ ઇન્દ્રિયોનો મનથી , વચનથી , કાયાથી સર્વક્ષેત્રે , સર્વકાળે , સંયમ તે બ્રહ્મચર્ય. આવા બ્રહ્મચર્યનું પાલન કરનાર સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય. તેથી એવા સ્ત્રી પુરુષ ઈશ્વરની સમીપ વસે છે; તે ઈશ્વર જેવા છે, જેની વિષયેન્દ્રીય સ્વપ્નમાંયે કદી  વિકાર ન જ પામે તે જગત વંદનીય છે. તેને માટે બીજો સંયમ સહજ વસ્તુ છે એમાં શક નથી. ”

સદગત શ્રી કિશોરલાલ મશરૂવાલા બ્રહ્મચર્યનો અર્થ સમજાવતા કહે છે કે –

“બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ અથવા ઈશ્વરના માર્ગે ચર્યા (ચાલવું) ”
“સર્વ શક્તિઓને ઈશ્વરના માર્ગે વાપરવી તે બ્રહ્મચર્ય”

બ્રહ્મચર્ય ની મહત્તા વિષે જૈનાગમોમાં કહ્યું છે કે –

“જેને બ્રહ્મચર્યની આરાધના કરી, તેને સર્વ વ્રતો, શીલ, તપ, વિનય, સંયમ, સમિતિ, ગુપ્તિ, અરે ! મુક્તિની પણ આરાધના કરી”

‘બ્રહ્મચર્ય ધર્મ ધ્રુવ છે , નિત્ય છે, શાશ્વત છે અને જિનોએ ઉપદેશેલો છે . એના પાલનથી પૂર્વ કાળમાં અનંત જીવો સિદ્ધ થઇ ગયા છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. ‘

“દેવો, દાનવો અને ગાંધર્વ જાતિના દેવો, યક્ષો, રાક્ષસ અને કિન્નર જાતિના દેવો પણ જે દુષ્કર એવા બ્રહ્મચર્યને પાળે છે, તેવા પુરુષોને નમસ્કાર કરે છે.”

જૈનાગમ ‘શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્ર’ માં એટલે સુધી કહ્યું છે કે –

“તે જ ઋષિ છે, તે જ મુની છે, તે જ સંયમી છે, અને તે જ ભિક્ષુ છે જે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે”

શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્રમાં’ કહ્યું છે કે –

“બ્રહ્મચર્યના પાલનથી મનુષ્યો દીર્ઘાયુષ્ય, સુડોળ, સુદઢ બાંધાવાળા, તેજસ્વી તેમજ મહાવીર્યવાન બને છે. ચારિત્રના પ્રાણભૂત પરબ્રહ્મ -મોક્ષનાં અદ્વિતીય ઉપાયરૂપ બ્રહ્મચર્યનું પાલન કરનાર મનુષ્ય નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પણ પૂજાય છે”

ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે : –

“મંત્ર ફળે જગ જશ વધે, દેવ કરે રે સાન્નિધ,
બ્રહ્મચર્ય નર જે ધરે , તે પામે નવ નિધ”

જે મનુષ્ય બ્રહ્મચર્યને ધારણ કરે છે, તેને જ મંત્ર જપનું ફળ મળે છે .તેનો આ જગતમાં યશ વધે છે, તેને દેવો સહાય કરે છે અને તે નવ નિધિ પામે છે , તેને જગતની સર્વ રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત થાય છે.

આજે મંત્રો ફળદાયક થતા નથી તેની જે બુમ ઉઠી છે, તેનું એક કારણ એ પણ છે કે તેની ગણના કરનારાઓ શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી. જો મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન થતું હોય તો મંત્ર ફળ્યા વિના રહે નહિ.

સદાચારની મર્યાદામાં બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરનારને પણ દેવોએ સહાય કર્યાના અનેક દાખલાઓ છે. સતી સુભદ્રા ઉપર કલંક આવ્યું , ત્યારે શાસનદેવીએ તેનું નિવારણ કરવા માટે અજબ સહાય કરી હતી . સતી કલાવતીનાં કાંડા કપાયા અને તેને ભયંકર વનમાં એકલી છોડી દેવામાં આવી , ત્યારે પણ દેવોએ જ સહાય કરી હતી. આવા દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં અનેક નોંધાયેલા છે.

બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરનારને દુન્યવી ઋદ્ધિ સિદ્ધિની બહુ કામના રહેતી નથી ,
આમ છતાં બ્રહ્મચર્યનો પ્રતાપ એવો છે કે ઋદ્ધિ સિદ્ધિ સર્વ પોતાની મેળે જ ત્યાં આવી જાય છે.

કહ્યું છે કે –
‘અણિશુદ્ધ બ્રહ્મચર્યચારી જેઓ, ખરે ન જેનું વીર્યબિંદુ,
અતુલ બલી તે પ્રચંડ કાર્યો , કરતા પ્રકટાવે સુખસિંધુ. ‘

જે બ્રહ્મચર્યનું અણિશુદ્ધ પાલન કરનારા છે , જેનું વીર્ય સ્ખલન પામતું નથી. તે અતુલ બળવાન બનીને જગતમાં પ્રચંડ કાર્યો કરે છે અને સુખનો સિંધુ – સાગર પ્રકટાવે છે .

બ્રહ્મચર્ય માટે આ જેવું તેવું પ્રમાણપત્ર નથી. ઈતિહાસ પણ કહે છે કે, જેમને શુદ્ધ નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળ્યું તેઓ જ આ જગતમાં મહાન કાર્યો કરવાને શક્તિમાન થયા.

આપણા મહાન આચાર્યો શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરીભદ્રસુરી, શ્રી હેમચંદ્રાચાર્ય , શ્રી હીરવિજયસુરી વગેરે જે મહાન કાર્યો કરી ગયા, તેનું કારણ એ હતું કે તેઓ શુદ્ધ બ્રહ્મચર્ય પાળનારા હતા. સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, અને મહર્ષિ રમણ વગેરે એ પોતાના જીવન દરમિયાન જનતા પર જે મહાન પ્રભાવ પાડ્યો, તે બધા પાછળ મૂળમાં બ્રહ્મચર્યની જ શક્તિ હતી . આચાર્ય વિનોબાજી એ આ ઉમરે ભૂમિદાનરૂપી યજ્ઞ શરુ કરી પ્રજા ને શાંતિ અને સેવાનો એક નવો જ માર્ગ બતાવ્યો છે, તેની પાછળ પણ બ્રહ્મચર્યની શક્તિનો કાંઈ ઓછો હિસ્સો નથી.

‘શિવસંહિતા’ માં બ્રહ્મચર્ય વિષે કહ્યું છે કે –

“વીર્યનો પાત કરવો એ જ મરણ છે અને વીર્યને ધારણ કરવું એ જીવન છે. માટે ભગીરથ પ્રયત્ન કરીને પણ વીર્યની રક્ષા કરવી જોઈએ”

મહર્ષિ ચરકે કહ્યું છે કે –

” સ્ત્રી સાથે સંયમમાં રહેનારો દીર્ઘાયુષ ભોગવે છે , અને તેનું શરીર હષ્ટપુષ્ટ તથા તેજસ્વી બને છે. તેને વૃદ્ધાવસ્થા સત્વર આવતી નથી અને વૃદ્ધ થવા છતાં તે યુવાન જેવો આનંદ ભોગવે છે”

શ્રી વાગ્ભટ્ટાચાર્યે કહ્યું છે કે –

“સંસારમાં જેટલા સુખ છે તે સર્વે આયુષ્યને આધીન છે અને આયુષ્ય બ્રહ્મચર્યને આધીન છે”

સંત તુલસીદાસજીએ કહ્યું છે કે –

“રામ તિહાં નવ કામ ભાસે, કામ તિહાં નહિ રામ;
તુલસી દોનો નાં રહે, રવિ-રજની એક ઠામ”

જ્યાં રામ હોય ત્યાં કામ દેખાતો નથી અને જ્યાં કામ દેખાય ત્યાં રામ દેખાતો નથી. તુલસીદાસ કહે છે કે , રામ અને કામ એ બે એવી પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે કે જે સૂર્ય અને રાત્રીની માફક એક સ્થળ રહી શકતા નથી..

સ્વામી રામતીર્થે એક સ્થળે કહ્યું છે કે –

“આગળ વધવાનું મુખ્ય સાધન જેમ બ્રહ્મચર્ય છે તેમ પાછળ પડવાનું મુખ્ય કારણ બ્રહ્મચર્યનો ભંગ છે
આ લોકમાં તથા પરલોકના સાધનોમાં શિરોમણી બ્રહ્મચર્ય છે”

સ્વામી બ્રહ્માનંદજીએ કહ્યું છે કે –

“સંસારમાં મનુષ્યનું સૌથી પ્રથમ અને અગત્યનું કર્તવ્ય બ્રહ્મચર્ય જ છે , કારણકે સર્વ મનુષ્યો સુખની ઈચ્છા કરે છે , પણ સાંસારિક અને પારમાથીક સર્વ પ્રકારના સુખનું મૂળ સાધન બ્રહ્મચર્ય જ છે”

બ્રહ્મચર્ય પ્રકૃતિ છે, અને અબ્રહ્મચર્ય એ વિકૃતિ છે.

બ્રહ્મચર્ય પાળવામાં અહિંસાની પણ એક દ્રષ્ટિ છે.

એકવાર મૈથુનના સેવનથી એમાં બે થી નવ લાખ સુધી જીવ પુત્ર તરીકે ઉત્પન્ન થવાની શક્યતા છે.
આ હકીકતનો ઉલ્લેખ કરી શ્રીમદ હેમચંદ્રાચાર્યે પણ ‘યોગશાસ્ત્ર’ માં કામાચાર ન સેવવાનો ઉપદેશ આપ્યો છે.

હાલમાં વિજ્ઞાનશાસ્ત્રની શોધ અનુસાર એક સમાગમ વખતે લગભગ ૨૨,૫૦,૦૦,૦૦૦ (બાવીસ કરોડ પચાસ લાખ) શુક્રાણુઓ ઉત્પન્ન થાય છે, જે પૈકી એક શુક્રાણુ પણ મહામાનવ સર્જવાનું સામર્થ્ય ધરાવે છે .

આવું જ્યારે વિજ્ઞાન બતાવે ત્યારે આપના અહિંસક શ્રાવકો અને શ્રાવિકાઓએ આના આધારે પણ બ્રહ્મચર્યની મહતા બહુ સમજવા જેવી છે .

બ્રહ્મચર્યના પાલન સિવાય માનવી કદી પણ સંપૂર્ણ અહિંસક બની સકતો નથી , એ હકીકત આમાંથી સાબિત થાય છે .

જૈન શાસ્ત્રકારોએ બ્રહ્મચર્યના મુખ્ય બે પ્રકારો દર્શાવ્યા છે; સર્વથી અને દેશથી . સાધુ – સાધ્વિઓએ જે બ્રહ્મચર્ય પાળવાનું છે તે સર્વ એટલે કે જીવન સ્પર્શી સંપૂર્ણ સંયમ છે. સંપૂર્ણ સંયમ માં શ્રધ્ધા, જ્ઞાન, ક્ષમાડી સ્વાભાવિક સદ્વૃત્તીનો પણ સમાવેશ થાય છે.

સાધુ મુનિરાજને દિક્ષા લેતી વખતે ચોથા મહાવ્રત માટે નીચે પ્રમાણે પ્રતિજ્ઞા લેવી પડે છે :-

“હું સર્વ મૈથુનનો પરિત્યાગ કરું છું, અર્થાત દૈવી, માનુષી કે તિર્યંચ નાં કોઈ પણ જાતના મૈથુનને હું મનથી, વચનથી અને કાયાથી જીવન પર્યંત સેવું નહિ; તેમજ બીજા પાસે સેવરાવું નહિ, અને કોઈ બીજો સેવતો હોય તો તેમાં હું અનુમતિ પણ આપું નહિ ”

શ્રાવકોએ સ્વદારા સંતોષ વ્રત ગ્રહણ કરવાનું હોય છે, એટલે પોતાની સ્ત્રીથી જ સંતોષ માનવાનો હોય છે અને તેની સાથે પણ સંયમપૂર્ણ વ્યવહાર કરવાનો છે .

અહી એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે, કામભોગથી મુક્ત વ્યક્તિ પણ જો જીવનમાં બીજા વ્રતો જેવા કે અહિંસા, સત્ય, ચોરી, અને પરિગ્રહની બાબતે અસંયમપૂર્વક જીવે તો તેના બ્રહ્મચર્યને નુકસાન થયા સિવાય રહેતું નથી . મહાવ્રતોની સંકલના એ પ્રકારની છે કે એક વ્રતનો ભંગ થતા બીજા વ્રતોને પણ તેની અસર પહોંચે.

આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ ‘બ્રહ્મચર્યવ્રત’ ની પૂજામાં સ્પષ્ટ કહ્યું છે કે –

વ્રતોમાં થતા દોષોના મુખ્યત્વે ચાર વિભાગો પાડવામાં આવ્યા છે આ ચારે વિભાગોનું સ્વરૂપ આ પ્રમાણે છે :-

૧) અતિક્રમ – લીધેલા વ્રતમાં ભંગ કરવાનો માનસિક સંકલ્પ કરવો તે .
૨) વ્યતિક્રમ – સંકલ્પની સહાયક સામગ્રીના સંયોગની યોજના કરવી તે.
૩) અતિચાર – જે પ્રવૃત્તિથી લીધેલી પ્રતિજ્ઞામાં આંશિક ભંગ થાય અર્થાત વ્યવહારમાં પણ દુષણ મનાય તે.
૪) અનાચાર – વ્રતનો સર્વથા નાશ.

જૈન ધર્મશાસ્ત્રોમાં મૈથુન સિવાય બીજી કોઈ પણ વસ્તુનો એકાંતે નિષેધ નથી. કોઈ પણ વસ્તુનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી એક વખત નિષેધ હોય તો બીજે પ્રસંગે તેનું વિધાન પણ હોય. આમ છતાં, બ્રહ્મચર્યની બાબતમાં આવો કોઈ અપવાદ નથી; દરેક કાળે , દરેક સ્થળે, ગમે તેવી પરિસ્થિતિમાં બ્રહ્મચર્યનું પાલન તો અવશ્ય કરવાનું જ હોય છે.

‘આચારાંગસૂત્ર ‘ની ટીકામાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે : –

‘જો ભિક્ષુને એમ થાય કે હું કામવાસનામાં સપડાયો છું , અને તેના વેગને સહી શકું તેમ નથી , તો તે વસુમાન અને સમજદાર ભિક્ષુએ અકાર્ય્માં પ્રવૃત્તિ ન કરતા આત્મવિસર્જન કરવું ; તે જ તેના માટે ધર્માચાર છે . ‘

બ્રહ્મચર્યના પાલન પર આટલો ભાર મુકવાનું કારણ એ જણાય છે કે, બ્રહ્મચર્ય એ જ સાધુઓના ચારિત્રનું મુખ્ય આભુષણ છે

એક સાધુ કેશનો લોચ કરતો હોય, મહાન તપશ્ચર્યા કરતો હોય, વિના વસ્ત્રે રહેતો હોય, સ્પર્શ, ટાઢ, તાપ, ડાંસ, મચ્છરના અનેક ઉપદ્રવો સહન કરતો હોય, પણ તે બ્રહ્મચર્ય પાલનમાં જરા પણ શિથિલ હોય તો તેની તમામ ક્રિયાઓ ફોગટ છે – અર્થહીન છે.

જે સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરે છે અને પોતાનું વીર્યનો કેઈ પણ રીતે નાશ કરતો નથી , તેનામાં શારીરિક અને માનસિક બંને પ્રકારની શક્તિઓ એવી સરસ પ્રાપ્ત થાય છે કે, તેને કોઈ દિવસ કોઈ પણ રોગ માટે દવા લેવાની જરૂર પડતી નથી . દવાની જરૂર તો દુર રહી, પરંતુ ધારેલું કામ તે ઘણી સરસ રીતે કરી શકે છે.

વીર્યરક્ષાથી કોઈ પણ પ્રકારના રોગને અવકાશ મળતો નથી, એટલું જ નહિ, પરંતુ ઘર કરીને રહેલા શ્વાસ, ક્ષય, પ્રમેહ આદિરોગો પણ વીર્યની રક્ષાથી જલ્દી દુર થઇ જાય છે..

શ્રીમદ શંકરાચાર્યે કહ્યું છે કે –

“જે પુરુષ પરમાર્થ બુધ્દ્ધીથી રહિત છે અને ધ્યાન, પૂજા વગેરે જગતમાં લોકો જુએ તે ખાતર કરે છ, તે દમ્ભાચારી કહેવાય છે” આવા દંભી વ્રતધારીઓ વળી શાસ્ત્રોની દલીલો ટાંકી અનાચાર સેવતા છતાં પોતાના વ્રતનો બચાવ કરે છે.

પૂજ્ય ગાંધીજીએ શાસ્ત્રોની બાબતમાં એક સુંદર વાત કહેલી છે.તેઓએ કહ્યું છે કે –

“શાસ્ત્રના અર્થ કરવામાં સંસ્કાર અને અનુભવની આવશ્યકતા છે. શૂદ્રને વેદનો અભ્યાસ ન હોય એ વાક્ય સર્વથા ખોટું નથી.
શૂદ્ર એટલે અસંસ્કારી, મૂર્ખ, અજ્ઞાની વેદ આદિનો અભ્યાસ કરી તેનો અનર્થ કરે”

નંદિસૂત્ર’ માં તો ચોક્ખું કહ્યું છે કે : –

“જેની દ્રષ્ટિ સમ્યક છે તેને શાસ્ત્રો સમ્યકરૂપે પરિણમશે, જ્યારે જેની દ્રષ્ટિ મિથ્યા છે તેને શાસ્ત્રો પણ મિથ્યારૂપે પરિણમશે”

માણસને આહાર, નિંદ્રા અને હવા વિના ચાલી ન શકે, કારણકે જીવન માટેની આ મુખ્ય વસ્તુઓ છે. પરંતુ  વિષયેચ્છા ને રોકવાથી સ્ત્રી કે પુરુષ મરી જતા નથી, પણ તેઓ વધુ તંદુરસ્ત અને શક્તિશાળી બને છે. આવી ઈચ્છા રોકવાની શક્તિ કુદરતે માનવી માત્રને બક્ષેલી છે.

શ્રી ભદ્રબાહુસ્વામીએ ‘કામ’ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું છે કે : –

સ્ત્રી વગેરે અજ્ઞાની પરિવારથી વીંટાયેલા, તથા કામભોગની ઈચ્છાથી વ્યાપ્ત થયેલા જીવને ધર્મ માર્ગમાંથી ઉત્ક્રમણ કરાવે છે. તેથી તે કામ કહેવાય છે. વળી અન્ય પંડિતોએ તેનું બીજું નામ “રોગ’ આપેલું છે . કામભોગની ઈચ્છા કરનારો જીવ વાસ્તવિક રીતે રોગની જ ઈચ્છા કરે છે …

શ્રી ધર્મદાસગણિજીએ કહ્યું છે કે –

“જેમ કોઈ માણસને ખસ થઇ હોય અને તેના પર ચળ-ખુજલી આવે , ત્યારે તેને ખણવામાં સુખ માને છે , તેમ મોહમાં આતુર થયેલા માણસો કામ ભોગવતાં દુઃખને – વિષયોને સુખ કહે છે”

મનોકામનાઓ અને વાસનાઓને દાબી દેવાથી કે દંભ કરીને ચિત્તમાં તેને સંતાડી રાખવાથી તેનો નાશ થઇ શકતો નથી,
પરંતુ બ્રહ્મચર્ય સાધકે પ્રયત્નો વડે આવી વૃત્તિઓને શુદ્ધ કરી તેને સુયોગ્ય માર્ગે વાળવી જોઈએ. એ માટે જૈન ધર્મે વિશાલ તત્વ જ્ઞાન અને વિસ્તૃત આચાર માર્ગ આપ્યો છે.

શ્રી જે. કૃષ્ણમૂર્તિ આ સંબંધમાં કહે છે કે : –

આપણે મનને સમજાવવાને બદલે મનનું દમન – નિયમન કરીએ છીએ, અને એ રીતે દુઃખના મૂળને સમજવાને બદલે એ દુઃખને વિસરવાના જ ઉપચારો જ કરીએ છીએ. પરિણામે સંયમ, નિયમન, આદર્શો અને સદગુણો આપણા જીવનમાં મહત્વનું સ્થાન ભોગવતા છતાં મનની શુદ્ધિ થતી નથી. એ સઘળાની પાછળ કઈક પ્રાપ્ત કરવાની વૃત્તિ રહેલી છે, અને તેથી જ એ અહંને પોષનારા બળો છે, અને એ સઘળા દુઃખના પ્રશ્નને મોકૂફ જ રાખે છે. માટે માણસની વૃત્તિ એ જ સાચું નિયમન કહેવાય.

પર્યુષણ મહાપર્વ

|| પર્યુષણ મહાપર્વ ||

“પર્યુષણ આવ્‍યા રે, તમે પુણ્‍ય કરો પુણ્‍યવંત”

માણસ ગમે, તે ખાય, છતાં આરોગ્‍ય બગડતુ નથી, મરચાં ભરપુર ખાય, છતાં કિડની ફેલ થતી નથી. ચાર-પાંચ ચોપડી પણ ભણેલ નથી. છતાં કરોડો કમાય છે. ભયંકર હોનારત સર્જાય, ત્‍યારે હજારો મરી જાય છે, છતાં અમુક બચી જાય છે. ઘણા લોકો પુરૂષાર્થ કરે છતાં પૈસાની પ્રાપ્તી થતી નથી, શરીરમાં ૧૬૦૦૦ કીલોમીટર લાંબી રક્‍તવાહીની છે, ટક્કર ખાવા છતાં લીકેજ થઇ હેમરેજ થતો નથી. એમાં જે કાંઇપણ કારણ હોય, તો તે પુણ્‍ય છે. પર્યુષણ એટલે પુણ્‍ય કમાઇની સીઝન છે.

આજે પર્યુષણ મહાપર્વની પાવન પધરામણી થઇ છે. સોનેરી સુરજ ઊગ્‍યો છે. કેવો સોહણો દિવસ લાગે છે? અરે! આજે પ્રભુ ભક્‍તિની રાત્રી પણ બિહામણી લાગવાની નથી. જેમ પારસમણીથી લોઢું સોનું બની જાય છે. તેમ આ મહાપર્વ રૂપી પારસમણીથી લોઢા જેવો કઠણ આપણો આત્‍મા સોના જેવો નરમ બની જશે. જેમ ખેડૂત જમીનમાં વાવણી કરે અને તેના પર પાણી વગેરેથી સિંચન કરે, તો પાક ઉતર્યા વગર ન રહે. તેમ આપણે પણ મોક્ષ મેળવવા આપણા આત્‍મામાં પર્યુષણ પર્વની આરાધનાની વાવણી કરીએ અને અનુમોદનાના પાણીથી સિંચન કરીએ, તો તત્‍કાળ પુણ્‍યની પ્રાપ્તી અને ભાવાન્‍તરમાં મોક્ષની પ્રાપ્તી થયા વગર ન રહે. તેથી એક કવિએ કહ્યું છે કે ‘‘પુણ્‍યનું પોષણ, પાપનું શોષણ, પર્વ પર્યુષણ આવ્‍યાજી.”

પર્યુષણ શબ્‍દ સંસ્‍કૃત ભાષાનો સંયુક્‍ત શબ્‍દ છે.= પર્યુષણ ઉષ્‍તેમાં ‘‘પરિ” એટલે ચારે બાજુ સારી રીતે ‘‘ઉષણ” એટલે ધર્મ આરાધના અને આત્‍મશુદ્ધિ માટે એક સાથે રહેવું, તે પરિ + ઉષણ કહેવાય છે. ટુંકમાં કહીએ તો પર્યુષણ એટલે પાપ શુદ્ધિ માટે આવેલી ગંગામાં ગળાબુડ સ્‍નાન કરીને શુદ્ધ આત્‍મા બનીએ, એ જ હિતાવહ છે. દિવાળી વગેરે અન્‍ય પર્વોમાં લોકો ખાઇપીઇને મસ્‍તીથી હરવા ફરતા હોય છે. શરીરને શણગારી ટહેલતા હોય. ઇન્‍દ્રિયો બેલગામ દોડાદોડ કરતી હોય છે.

ત્‍યારે આ મહાપર્વ ત્‍યાગરનું પર્વ છે. તેથી આજથી નાના-નાના કિશોરો (૧૧-૧૨ વર્ષની ઉંમરે) પણ અઠ્ઠાઇ (આઠ ઉપવાસ) કરે છે. તેમ કરતાં સંવત્‍સરીના દિવસે છેલ્લો ઉપવાસ કરે છે. આપણાથી આઠ ઉપવાસ ન થાય, તો આજે ઉપવાસ કરવો જોઇએ. તે જ ન થાય, તો યથાશક્‍તિ તપત્‍યાગ કરવો જોઇએ. અષ્‍ટ પ્રકારીપુજા, અંગ રચના, પ્રભુદર્શન, પ્રતિક્રમણ વગેરેની પ્રવૃતિઓથી પુણાનુબંધિ પુણ્‍ય ઉપાર્જન કરવાની તક મળી છે. તે જરાય ચુકી ન જાવય. તેનો ખાસ પ્રયત્‍ન કરવો.

સર્વ પર્વોમાં શ્રેષ્‍ઠ આ પર્વ છે. તેથી આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ કહેવાય છે. પુણ્‍યનું પોષણ અને આત્‍મશુદ્ધીનુ઼ આ પર્યુષણ મહાપર્વ છે. આજે પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે પાંચ કર્તવ્‍યો પર વ્‍યાખ્‍યાન હોય છે.

(૧) અમારી પ્રવર્તન (૨) સાધર્મિક વાત્‍સલ્‍ય (૩) ક્ષમાપાન (૪) અઠ્ઠમ તપ (૫) ચૈત્‍ય પરીપાટી.

(૧) અમારી પ્રવર્તનઃ

મારી એટલે હિંસા, પોતે કરવી- કરાવવી, અમારી એટલે હિંસા કરવી નહિં, કરાવવી નહિ. આપણે ચારે બાજુ જો ત્રાહિ મામ્‌ પુકારતાં પ્રાણીઓના દુઃખ દર્દ ભર્યા જીવન હશે, તો તેવા વાતાવરણમાં આપણી મૈત્રી ભાવનાદિથી સભર આરાધના કેવી રીતે થઇ શકશે? કોઇ ધર્મ માનવો પ્રત્‍યે પ્રેમ શિખવાડે છે, કોઇ માનવ અને પશુ પ્રત્‍યે પ્રેમ શિખવાડે છે, જૈન ધર્મ તો પૃથ્‍વી- પાણીથી માંડીને માનવ પશુ- પક્ષી બધા જીવો પ્રત્‍યે પ્રેમ શિખવાડે છે. હિંસાનો સ્‍વયં ત્‍યાગ કરવો. લીલોતરી, ફળ, હિંસાથી બનેલ સૌદર્ય પ્રસાધનો, સુગંધી દ્રવ્‍યો, વષાા પ્રક્ષાલન, રાત્રીભોજન વગેરેનો ત્‍યાગ કરવો, કરાવવો, બ્રહ્મચર્યનું પાલન કરવું વગેરે આ મહાપર્વમાં આઠે દિવસ કરવું જોઇએ.

ચંપા શ્રાવિકોના ૬ મહિનાના ઉપવાસથી પ્રભાવિત થઇને અકબર બાદશાહે આચાર્ય દેવ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના ઉપદેશથી સંપૂર્ણ રાજ્‍યમાં પર્યુષણના આઠ દિવસ અને આગળ પાછળ બે બે દિવસ કુલ મળી ૧૨ દિવસ અમારીની ઘોષણા કરાવી હતી. તેમનો પરંપરામાં આજે રાજસ્‍થાનમાં પાલી શહેરમાં પર્યુષણમાં અજૈન સુખડીયાઓ પણ ૯ દિવસ મઠાઇની ભઠ્ઠી ચાલુ રાખતા નથી. આજે ઇંડા, આમલેટ, ચિકનસુપ વગેરે અભક્ષ્ય પદાર્થો કેટલાક ગુમરાહ બનેલા યુવાનો ખાઇ રહ્યા છે. અને શારીરિક, આર્થિક, આત્‍મિક નુકશાની કરી રહ્યા છે. તેમને સમજાવીને અહિસંક બનાવવા એ પણ અમારી પ્રવર્તન છે.

(૨) સાધર્મિક વાત્‍સલ્‍ય :

સમાન ધર્મવાલો, સાધર્મિક કહેવાય. તેના પર પ્રેમ અને વાત્‍સલ્‍ય રાખવું. જેમ વાસણ વગર પાણી ન રહે. આધાર વગર આધેય ન રહે, પૃથ્‍વી અગર સંસારમાં માનવ ન રહે, ગુણી વગર ગુણ ન રહે, એવી રીતે ધર્મી વગર ધર્મ ન રહે. દેરાસરમાં જાઓ ત્‍યારે દેવની અનુભૂતિ થાય., ઉપાશ્રયે જાઓ ત્‍યારે ગુરૂની અનુભૂતિ થાય, ધર્મ કરે, ત્‍યારે તેની અનુભૂતિ થાય, પણ ધર્મોને જુઓ એટલે ત્રણેની એક સાથે અનુભૂતિ થાય. કારણકે ધર્મના મનમંદિરમાં દેવ- ગુરૂ અને ધર્મની પ્રતિષ્‍ઠા થયેલી હોય છે. તેથી તેની ભક્‍તિ કરવાથી અનેક ગણો લાભ થાય છે. જીવ સ્‍વયં તો મર્યાદિત આરાધના કરી શકે છે. પણ અનેક સાધર્મિક તો અનેક ધર્મોની આરાધના કરે, તેથી શાષામાં કહ્યું છે. કે બુદ્ધિ રૂપી તરાજવામાં એક બાજુના પલ્લામાં પૂજા, સામાયિક, પૌષધ, નવકારવાલી વગેરે બધુ મુકાય અને બીજી બાજુના પલ્લામાં સાધર્મિક વાત્‍સલ્‍ય મુકાય તો બન્ને પલ્લાં સમાન હોય છે. કોઇપણ પલ્લું ઉચું નીચું ન દેખાય. કેટલું બધું મહત્‍વ છે. સાધર્મિક ભક્‍તિનું?

પરમપૂજ્‍ય કાલિકાળ સર્વજ્ઞ આચાર્ય દેવશ્રી હેમચન્‍દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી કુમારપાળ મહારાજ દર વર્ષે એક કરોડ સોના મહોર સાધર્મિક ભક્‍તિ માટે ખર્ચતા હતાં. આભૂ સંઘવી શ્રાવકે ૩૬૦ સાધર્મિકો પોતાના જેવા લખપતિ બનાવ્‍યા હતાં. એક એક તરફથી રોજ સાધર્મિક વાત્‍સલ્‍ય થતાં વર્ષભેર નગરમાં બધા જુદા જુદા રસોડા બંધ કરાવ્‍યા હતાં.

તુંગીયા નગરીના શ્રાવકો ઘર દીઠ ૧ સોના મહોર અને એક ઇંટ આપતા, તેથી નવો આવનાર સાધર્મિક ત્‍યાં સ્‍થિર થઇ જતો. આજે ભાઇઓ પોતાના એક મહીનાનો ખીસ્‍સા ખર્ચ અને બહેનો મેકઅપ, હેર સ્‍ટાઇલ લીફસ્‍ટીક વગેરે એક મહિનો બંધ રાખી ખર્ચની રકમ સાધર્મિક ભક્‍તિમાં ખર્ચે તો ઘણા સાધર્મિકોની આર્થિક સ્‍થિતિ સુધરી જાય.

(૩) ક્ષમાપના :

પ્રથમ કર્તવ્‍યમાં બીજા જીવોને બચાવવાના છે અને ત્રીજા કર્તવ્‍યમાં પોતાને બચાવવાનો છે. આજ સુધી જીવે અહંકાર, મમત્‍વ, લોલુપતા આદિથી બીજા જીવો પ્રત્‍યે ક્રોધ ર્ક્‍યો હોય, તો અહંકાર આદિ ત્‍યાગ કરી માફી માંગવાની હોય છે. શબ્‍દની તલવાર બીજાના હૃદયને ચિરી નાંખે છે. સામાની ભુલને ભુલી જવાની કલા શિખી લીધી હોય, તો માફી માંગતા વાર ન લાગે. જેથી વૈરની પરંપરા ન ચાલે. ક્ષમાપન એ બે દિલરૂપી નદીનાં બે કિનારાઓને જોડનારો પુલ સેતુ છે. મૃગાવતી, ભગવાન મહાવીર, ઝાંઝરીયા ઋષિ, ખંધક ઋષિ, ગસુકુમાળ, ધાણીમાં પીલાતા ૫૦૦ સુધીઓ વગેરે મહાનુનિઓના દાખલાઓ વિચારીને ક્ષમા માંગી ત્રીજું કર્તવ્‍ય બજાવવું જોઇએ.

(૪) અઠ્ઠમ તપ :

પર્યુષણ મહાપર્વ ઓછામાં ઓછી તપની આરાધના અઠ્ઠમ તપથી કરવી જોઇએ. એક સાથે અઠ્ઠમ ન થાય, તો છુટા છુટા ત્રણ ઉપવાસ કરવા જોઇએ. નાગકેતુ બાલકે અઠ્ઠમ તપ ર્ક્‍યો હતો. તો તેના જીવનમાં દૈવિક ચમત્‍કાર થયો હતો. ધરણેન્‍દ્રે આવીને તેને સહયોગ આપ્‍યો હતો. અને અંતે તે મોક્ષમાં ગયો હતો. તપથી કર્મની નિજરા થાય છે. જેમ અગ્નિના તાપથી સોનું શુદ્ધ બની જાય છે, તેમ તપના તાપથી આત્‍મા શુદ્ધ સોના જેવા નિર્મલ બની જાય છે.

(૫) ચૈત્‍ય પરીપાટી :

આત્‍મા દર્શન કરવા માટે નગરમાં રહેલા બધા દેરાસરોના દર્શન વાજતે ગાજતે સામુહિક કરવા જવું જોઇએ. જેથી આત્‍મદર્શન થાય. આંગી વગેરેની વિશિષ્‍ટ રચના કરવી જોઇએ.

ઘર ક્યારે મંદિર બને

4

|| ઘર ક્યારે મંદિર બને ||

વિશ્વ આખા માં પ્રવાસ કરનાર ને પુછવામાં આવે કે, હવે તમને સોથી વધારે કઇ લાગણી થાય છે ? તો જવાબ મળશે,મને થાય છે કે હવે બને એટ્લી ઝડપ થી હું મારા ઘરે જાઊં. ઘર એટ્લે દરેક માણસે ખુલ્લી આંખે જોયેલું સ્વ જીવનનું સપનું. ચાર દિવાલ વચ્ચે ની આખી સૃષ્ટિ માણસ ની પોતાની છે. ઘર એક સાંત્વના છે. બાળક જેમ માતાની ગોદમાં નિશ્ચિંત થઇ જાય છે. તેમ દરેક માણસ ઘર માં જઇ હળવો થઇ જાય છે. ગૃહસ્થ જીવનની ઇમારત ધર્મ (પ્રેમ) થી બનેલી છે. તેના પાયામાં ધર્મ (પ્રેમ) છે. તેની દિવાલો ધર્મ (પ્રેમ) ની ઇટો થી ચણેલી છે. તેના છતમાં ધર્મ (પ્રેમ) છે.

પરિવારમાં સર્વે જીવ પણ પ્રેમ રૂપી તાતણાંથી બંધાયેલા છે. ધર્મ( પ્રેમ) એ પ્રભુનાં અમાપ સ્નેહ નું નિરુપણ છે. લાગણી ભીનાં સબંધો ધર્મ (પ્રેમ) દ્વારા જ સચવાતા હોય છે. ધર્મ (પ્રેમ) એ એવુ પુરણ છે ….જે મોટાંમોટાં રાગ – દ્વેષ, ઇર્ષા – વેર રૂપી ખાડાઓ પુરી દેવાને સામાર્થ્ય હોય છે. ધર્મ (પ્રેમ) દ્વારા હોમ લાઇફ ને ગુલાબની જેમ મહેકાવી શકાય છે. ઘરમાં બધા એક બીજાની હુફના ખ્યાલ હોય છે.

પરિવાર એ પણ એક યાત્રા છે્ તિર્થ સ્થાનના દર્શને જવું, દેવ દર્શન કરવાં, સત્સંગ કરવો, એ જ માત્ર યાત્રા નથી. કુટુંબમાં સર્વે સાથે રહે, સાથે જીવે, એક્બીજાનાં સુખ દુઃખના ભગીદાર બની શકે એ પણ એક યાત્રા છે. પરિવાર એટ્લે પતિ – પત્નિ નો ઘર સંસાર એવું નથી. પરિવાર માં તો માતા – પિતા હોય, ભાઈ – બહેન પણ હોય, દીકરાઓની વહુ ઓ પણ હોય, બધાંજ એક બીજા ની સાથે હળી મળી ને, પ્રેમ અને આનંદથી રહે તેનું નામ છે પરિવાર… પરિવારમાં પોતાના જ સ્વાર્થનો નહીં, સમગ્ર કુટુંબના હિતનો વિચાર કરવાનો હોય છે. એક બીજા માટે ઘસાવવાનું હોય, એક્બીજા ને આપવાની ભાવના હોય , લેવાની વૃત્તિ ના હોય…પરિવાર માં સંવાદિતાની સુગંધ હોય, વિખવાદ ન હોય અને તો જ પરિવાર એક યાત્રાબની શકે છે. મંગલ તીર્થ બની શકે છે..

ટુંક માં જે ઘર આનંદથી ભર્યું ભ્રુર્યું હોય, પત્ની સારા અને હિતકારી વચનો બોલતી હોય, જેનું ધન પ્રભુ કાર્યમાટે વપરાતું હોય…..

સંયુક્ત કુટુંબ ભાંગી ગયા છે, કારણ કે બધાને સ્વતંત્ર થઇ સ્વછંદતાનો આનંદ માણવો છે. વડિલો ની મર્યાદા પાળવાનું અઘરૂ લાગે છે. સહનશીલતા ઓછી થઈ ગઈ છે… ટુંકા સ્વાર્થના સંતોષ ખાતર કુટુંબ ના ભાગલા પાડતા લોકો અચકાતા નથી.

સંયુક્ત કુટુંબ ની પ્રથા ભાંગી ગઇ છે. આજના વાતાવરણ માં સંયુક્ત કુટુંબ કરતા વિભક્ત કુટુંબો ની વિભાવના પૂર બહાર ખીલી રહી છે. દરેક ને સ્વતંત્ર રહેવું છે. જવાબદારીઓ લેવી નથી…ઘરનું વાતાવરણ આનંદ દાયક અને મધુર તો ઘર નો વ્યક્તિજ બનાવી શકે છે. ઘરમાં કુસંપ પેદા કરાવનાર સ્ત્રી જ હોય છે…ઘર નો વડિલ એ નથી કે જે ઉંમરમાં મોટો હોય, પણ એ છે કે જે ઘર ને સ્વર્ગ બનાવે છે…બધાને એક સાથે રહેતા શીખવે છે…જેને કોઇ સ્વાર્થ નથી…જે બીજા માટે કઈક કરી ફિટવા હમેશા તત્પર રહે….

ઇંટ અને સિમેન્ટથી માત્ર મકાન બની શકે છે પણ ઘર બનતું નથી…તે મકાન ઘર ત્યારે જ બને છે, જ્યારે એ મકાનમાં વસનારાઓ વચ્ચે અવિરત લાગણીનો પ્રવાહ વહેતો રહે ! વ્યક્તિમાં પરોપકાર ની ભાવના, દયા, સેવા, સમર્પણની ભાવના હોય, બીજા માટૅ ત્યજવાનો કે સહિષ્ણુતાનો ગુણ હોય, તો જ પરિવાર બની શકે છે.

બાળકો આજ્ઞા પાલક હોય, જ્યાં અતિથિ નો સત્કાર થતો હોય, વડિલોનો આદર કરાતો હોય, અને ઘરના બધાજ સભ્યો હળી મળીને પ્રભુની પ્રાર્થના કરતાં હોય તેનું ગૃહસ્થ જીવન ધન્ય બને અને મંગલ તીર્થ બની શકે. જ્યાં કલેશ હોય ત્યાં નો પ્રભુ વાસ હોતો નથી.

કુટુંબ એ મુંગી પાઠ્શાળા છે. જ્યાં આવું પવિત્ર વાતાવરણ હોય ત્યારે ઘર એક મંદિર બને છે…

હિન્દુ ધર્મનું સાહિત્ય

2   3

|| હિન્દુ ધર્મનું સાહિત્ય ||

હિન્દુ ધર્મનું સાહિત્ય ઘણું વિસ્તીર્ણ છે. હિન્દુધર્મ અતિ પ્રાચીન છે. હિન્દુજીવન અને હિન્દુસંસ્કૃતિમાં ધર્મ અને અધ્યાત્મ કેન્દ્રસ્થ અને સૌથી પ્રધાન તત્વ છે. આમ હોવાથી હિન્દુધર્મમાં અપરંપાર ગ્રંથોની રચના થઈ છે.

વિધર્મી આક્રમણકારો, પ્રાકૃતિક દુર્ઘટનાઓ, પુસ્તકોની જાળવણીના આધુનિક સાધનોનો અભાવ, ઘણો લાંબો કાળ આદિ કારણોને લીધે હિન્દુધર્મ, આધ્યાત્મવિધા અને દર્શનના ઘણાં ગ્રંથો નષ્ટ થઈ ગયા છે. આમ છતાં જે ગ્રંથો ઉપલબ્ધ છે, તેમની સંખ્યા પણ લગભગ અગણિત છે. આ બધા ગ્રંથોના માત્ર નામની યાદી કરીએ તો પણ એક મોટો ગ્રંથ બને. હજારો ગ્રંથો એવા પણ છે કે જે હસ્તલિખિત સ્વરૂપમાં છે, અને હજુ સુધી પ્રકાશિત થયા નથી.

હિન્દુધર્મના સમગ્ર પ્રમાણભૂત સાહિત્યને અગિયાર વિભાગમાં વહેંચવામાં આવે છે. જેમ કે 1. વેદ 2. વેદાંગ 3. ઉપવેદ 4. ઈતિહાસ 5. પુરાણ 6. સ્મૃતિ 7. દર્શન 8. નિબંધ 9. ભાષ્ય 10. સાંપ્રદાયિક ગ્રંથો 11. આગમ ગ્રંથો.

(૧) વેદ : –

વેદ એટલે વૈદિક સાહિત્ય. વૈદિક સાહિત્યને સાત વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. (1) મંત્રસંહિતા (2) બ્રાહ્મણ ગ્રંથો (3) આરણ્યક ગ્રંથો (4) ઉપનિષદો (5) સુત્રગ્રંથો (6) પ્રાતિશાખ્ય (7) અનુક્રમણી

(1) મંત્રસંહિતા :

વેદ મુલત: એક છે, પરંતુ ભગવાન વેદવ્યાસે વેદને ચાર વેદમાં વહેંચ્યા છે. ઋગવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદના મંત્રો હવે ગ્રંથસ્થ થયા છે. પ્રાચીનકાળમાં વેદ ગ્રંથસ્થ થતાં નહિ. હજારો વર્ષથી વેદ કર્ણોપકર્ણ પરંપરાથી જ જળવાયા છે. વેદપાઠ કરવાની આપણી ઘણી પ્રાચીન પરંપરા છે. પ્રત્યેક વેદની અનેક શાખાઓ છે. આ બધી શાખાઓમાંથી ઘણી લુપ્ત થઈ ગઈ છે, અને કેટલીક અદ્યાપિ પર્યત અખંડ સ્વરૂપે ચાલુ રહી છે.

(2) બ્રાહ્મણ ગ્રંથો :

વેદમંત્રોનો યજ્ઞમાં ક્યારે અને કેવી રીતે ઉપયોગ થાય, વેદમંત્રોનો રહસ્યાર્થ શું છે, વેદમંત્રોના ઉપયોગપૂર્વક થતાં ધાર્મિક-આધ્યાત્મિક પ્રયોગો કેવી રીતે થાય આદિ બાબતોની વિચારણા બ્રાહ્મણગ્રંથોમાં કરવામાં આવી છે. ચારેય વેદના કુલ મળીને સત્તર બ્રાહ્મણગ્રંથો થાય છે. આમાં ઋગવેદનું અતૈરેય બ્રાહ્મણ, કૃષ્ણ યજુર્વેદનું તૈત્તિરીય બ્રાહ્મણ અને શુક્લ યજુર્વેદનું એક શતપથ બ્રાહ્મણ ઘણા પ્રચલિત છે. વેદની કેટલીય શાખાઓની સાથે ઘણાં બ્રાહ્મણગ્રંથો પણ લુપ્ત થઈ ગયા છે.

(3) આરણ્યક ગ્રંથો :

બ્રાહ્મણ ગ્રંથોના ભાગરૂપે આરણ્યકો રહેલા છે. અરણ્ય (વનમાં) ચયન થયું અને અરણ્યમાં અધ્યયન થયું, તેથી આ ગ્રંથોને આરણ્યકો કહે છે. વર્તમાનકાળમાં 6 આરણ્યકો ઉપલબ્ધ છે. ઋગવેદના ત્રણ આરણ્યક છે – ઐતરેય આરણ્યક, શાંખાયન આરણ્યક અને કૌષીતકિ આરણ્યક. કૃષ્ણ યજુર્વેદના બે આરણ્યકો છે – તૈત્તિરીય બ્રાહ્મણ અને મૈત્રાયણી આરણ્યક. શુક્લ યજુર્વેદનું એક આરણ્યક છે – બૃહદારણ્યક. શતપથ બ્રાહ્મણનો અંતિમકાંડ તે જ બૃહદારણ્યક છે. આ બૃહદારણ્યકના અંતિમ અધ્યાયો, તે જ બૃહદારણ્યક ઉપનિષદ છે.

(4) ઉપનિષદો :

ઉપનિષદો વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે. ઉપનિષદો મુલત: આધ્યાતમવિદ્યાના ગ્રંથો છે. ઉપનિષદોમાંથી ભારતીય દર્શનની અનેક શાખાઓ જન્મી છે, વધી છે અને વિકસી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદોનો પણ સારરૂપ ગ્રંથ ગણાય છે. ઉપનિષદો, બ્રહ્મસુત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા – આ ત્રણ મળીને વેદાંતની પ્રસ્થાનત્રયી બને છે. ઉપનિષદોની સંખ્યા લગભગ 300 ની છે. આમાંના પ્રધાન 13 ઉપનિષદો ગણાય છે. જેમકે ઈશ, કેન, કઠ, માંડૂક્ય, મૂંડક, પ્રશ્ન, ઐતરેય, તૈત્તિરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વર, કોષીતિકી અને નૃસિંહતાપની. આમાંના પ્રથમ અગિયાર પર ભગવાન શંકરાચાર્યના ભાષ્યગ્રંથો રચાયા છે.

(5) સુત્રગ્રંથો :

વૈદિક સુત્રગ્રંથો ત્રણ સ્વરૂપનાં છે. શ્રૌતસૂત્ર, ગુહ્યસુત્ર અને ધર્મસૂત્ર. શ્રૌતસૂત્રમાં વૈદિક કર્મકાંડની વિચારણા કરવામાં આવી છે. ગુહ્યસુત્રોમાં કુલાચારનું વર્ણન છે. અને ધર્મસુત્રોમાં ધર્માચારનું વર્ણન છે. આ ત્રણ પ્રકારના સુત્રો ઉપરાંત, શુલ્બસૂત્રો નામના સુત્રો પણ વૈદિક સાહિત્યમાં મળે છે. શુલ્બસુત્રમાં વૈદિક ભૌતિક વિજ્ઞાનનું વર્ણન કરવામાં આવેલું છે. યજુર્વેદમાં કાત્યાયન શૂલ્બસૂત્ર છે, જેમાં ભૂમિતિ શાસ્ત્રનું વર્ણન છે. ઘણા શુલ્બસુત્રો લુપ્ત થઈ ગયા છે.

(6) પ્રાતિશાખ્ય :

વેદની અનેક શાખાઓ છે. પ્રત્યેક શાખાને પોતાની વિશિષ્ટ પરંપરાઓ હોય છે. શાખાની આ વિશિષ્ટ હકીકતોની નોંધ આ પ્રાતિશાખ્યમાં કરવામાં આવે છે. ઉચ્ચાર પધ્ધતિ, યજ્ઞવિધિવિધાન, આહારવિહારની વિશિષ્ટતાઓ આદિ હકીકતો શાખાની પરંપરા પ્રમાણે પ્રત્યેક શાખાની પોતાની આગવી હોય છે. આ વિશેષ હકીકતોની નોંધ પ્રાતિશાખ્યમાં થાય છે. ઋકપ્રાતિશાખ્ય, તૈત્તિરીયપ્રાતિશાખ્ય, પ્રાતિશાખ્યસુત્ર મળે છે.

(7) અનુક્રમણી :

વેદોની રક્ષા અને જાળવણી માટે વેદોની ભિન્ન ભિન્ન અનુક્રમણીઓની રચના થઈ છે, જેમાં દરેક વેદની અનુક્રમણીઓના વિવિધ નામો છે.

(૨) વેદાંગ : –

વેદના પાઠ, અધ્યયન અને વિનિયોગ માટે વેદના 6 સહાયક અંગો છે, જેમને વેદાંગ કહેવામાં આવે છે. જેમાં (1) શિક્ષા – મંત્રના સ્વર, અક્ષર, માત્રા તથા ઉચ્ચારનું વિવેચન શિક્ષામાં થાય છે. વેદનાં અનેક શિક્ષા ગ્રંથો ઉપલબ્ધ છે. (2) વ્યાકરણ – ભાષાના નિયમો સ્થિર કરવા તે વ્યાકરણનું કાર્ય છે. વ્યાકરણની સહાયથી મંત્રનો અર્થ સમજી શકાય છે. (3) નિરુકત – નિરુકત વેદની વ્યાખ્યા પધ્ધતિ દર્શાવે છે. નિરુકતને વેદોનો વિશ્વકોશ કહી શકાય. (4) છંદ – છંદના જ્ઞાનથી વૈદિક મંત્રોનું બંધારણ સમજાય છે. અનેક છંદ ગ્રંથો અત્યારે પણ ઉપલબ્ધ છે. (5) કલ્પ – કલ્પમાં યજ્ઞોની વિધિનું વર્ણન કરવામાં આવેલ છે. અગાઉ આપણે જોઈ ગયેલા તમામ સુત્રગ્રંથોનો યજ્ઞીય વિધિ સાથે સંબંધ છે. આપ જાણતા જ હશો કે કોઈપણ યજ્ઞવિધિ માં પહેલા સંકલ્પ કરાવવામાં આવે છે. આ સંકલ્પનું મુળ ‘કલ્પ’ માં છે. (6) જ્યોતિષ – જ્યોતિષનું પ્રધાન પ્રયોજન સંસ્કારો તથા યજ્ઞો માટે મુહૂર્ત બતાવવાનું છે. અત્યારે જ્યોતિષ શાસ્ત્રનો ઘણો વિકાસ થયો છે.

(૩) ઉપવેદ : –

પ્રત્યેક વેદનો એક ઉપવેદ છે. ઋગવેદનો આયુર્વેદ, યજુર્વેદનો ધનુર્વેદ, સામવેદનો ગાંધર્વવેદ અને અથર્વવેદનો સ્થાપત્યવેદ છે. (1) આયુર્વેદ – સપ્તધાતુની સમતુલા અને શરીરના સ્વસ્થ્ય વિના ચિત્તવૃત્તિ નિરોધ દુષ્કર છે. આયુર્વેદ માનવ શરીરમાં સપ્તધાતુની સમતુલા સિધ્ધ કરે છે અને શરીરને સ્વસ્થ બનાવે છે. આયુર્વેદ અધ્યાત્મપથમાં સહાયક છે તેથી તે ઉપવેદ ગણાય છે. શરીર રચના, રોગના કારણ, લક્ષણ, ઔષધિ, ગુણ નિદાન અને ચિકિત્સાનું વર્ણન આયુર્વેદમાં કરેલ છે. (2) ધનુર્વેદ – ધનુર્વેદ રક્ષાનું વિજ્ઞાન છે. દેશ, સંસ્કૃતિ, ધર્મસ્થાનો, પ્રજા અને પોતાની જાતની રક્ષા માટે ધનુર્વેદનું મૂલ્ય હતું. (3) ગાંધર્વવેદ – સંગીત, નૃત્ય અને નાટયની વિદ્યાને ગાંધર્વવેદ કહેવામાં આવે છે. રાગ, તાલ, સ્વર, વાદ્ય, નૃત્ય, નાટક આદિ તત્વોની વિશદ વિચારણા આ વિધામાં થઈ છે. ભારતીય સંગીતની ઉત્પતિ સામગાનમાંથી થઈ હોવાનું મનાય છે. (4) સ્થાપત્યવેદ : મંદિર નિર્માણ, ગૃહ નિર્માણ, મૂર્તિવિધાન, દુર્ગનિર્માણ, નગરનિર્માણ વગેરે વિધાઓ સ્થાપત્યવેદમાં સમાવેશ થાય છે.

(૪) ઈતિહાસ :-

ઈતિહાસ અને પુરાણોમાં વેદના તત્વનું જ વિશેષ વર્ણન થયું છે. આમ હોવાથી વેદના આધારને સમજ્યા વિના ઈતિહાસ અને પુરાણોને સમજી શકાય નહિ અને વેદના અર્થને સમજવા માટે ઈતિહાસ અને પુરાણો ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. તેથી જ ઈતિહાસપુરાણને વેદનું ઉપાંગ કહેવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિ રચિત વાલ્મીકીય રામાયણ અને ભગવાન વેદવ્યાસ રચિત મહાભારત – આ બે ઈતિહાસના પ્રધાન ગ્રંથો છે. હરિવંશ, અધ્યાત્મ રામાયણ આદિ ઈતિહાસના બીજા ગ્રંથો પણ છે. આધુનિક ઈતિહાસ જે અર્થમાં ઈતિહાસ છે, તે અર્થમાં આ ગ્રંથોને ઈતિહાસના ગ્રંથો ગણી શકાય નહિ. આધુનિક ઈતિહાસ તથ્યપ્રધાન છે. હિન્દુધર્મના ઈતિહાસગ્રંથો સત્યપ્રધાન છે.

(૫) પુરાણો :-

પુરણા સત્યને નવી રીતે કહે તેનું નામ પુરાણ. વેદ અને ઉપનિષદોમાં જે સત્યો મંત્રોના માધ્યમથી કહ્યા છે, તે જ સત્યો પુરાણોમાં કથાના માધ્યમથી કહ્યા છે. પુરાણો અઢાર છે. તેમના નામ અને તેમના શ્લોકની સંખ્યા (કૌંસમાં આપ્યા પ્રમાણે) આ પ્રમાણે છે. બ્રહ્મપુરાણ (10,000), પદ્મપુરાણ (55,000), વિષ્ણુપુરાણ (23,000), શિવપુરાણ (24,000), શ્રીમદ્ ભાગવત (18,000), નારદપુરાણ (25,000), માકઁડેય પુરાણ (9,000), અગ્નિપુરાણ (15,400), ભવિષ્ય પુરાણ (14,500), બ્રહ્મવૈવર્તપુરાણ (18,000), લિંગ પુરાણ (11,000), વરાહ પુરાણ (24,000), સ્કંદ પુરાણ (81,100), વામન પુરાણ (10,000), કૂર્મપુરાણ (17,000), મત્સ્ય પુરાણ (14,000), ગુરુડ પુરાણ (19,000) અને બ્રહ્માંડપુરાણ (12,000) આમ, અઢાર પુરાણોના કુલ શ્લોકની સંખ્યા ચાર લાખ થાય છે. આ અઢારપુરાણો ઉપરાંત ઉપપુરાણો પણ અઢાર છે. જેવા કે સનતપુરાણ, નારસિંહ પુરાણ, નારદપુરાણ, શૈવપુરાણ, કપિલપુરાણ, માનવપુરાણ, ઔશનસ પુરાણ, વરુણપુરાણ, કાલિકા પુરાણ, સાંબપુરાણ, સૌરપુરાણ, આદિત્યપુરાણ, માહેશ્વરપુરાણ, દેવી ભાગવત, વસિષ્ઠપુરાણ, નંદિપુરાણ, પારાશપુરાણ અને દુર્વાસાપુરાણ.

(૬) સ્મૃતિ :-

હિન્દુધર્મ અને હિન્દુ સમાજની બહિરંગ વ્યવસ્થા સ્મૃતિગ્રંથઓ દ્વારા ગોઠવાઈ છે. સ્મૃતિઓમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – એમ ચારે પુરુષાર્થોનું વર્ણન છે. સ્મૃતિઓમાં વર્ણવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વર્ણાશ્રધર્મ, વિશેષ પ્રસંગોના ધર્મ, આચાર ધર્મ, લગ્નવ્યવસ્થા, પ્રાયશ્ચિતકર્મો, શાસનવિધાન, દંડવ્યવસ્થા, મોક્ષસાધન વગેરે અનેક વિષયોનું વર્ણન કરવામાં આવેલ છે.

સ્મૃતિઓની સંખ્યા સૌથી પણ વધુ છે. અંહી મુખ્ય સ્મૃતિઓના નામ પ્રસ્તુત છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, અત્રિ સ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ, હારિત સ્મૃતિ, ઔશનસ્ સ્મૃતિ, આંગિરસ સ્મૃતિ, યમ સ્મૃતિ, આપસ્તમ્બ સ્મૃતિ, સંવર્ત સ્મૃતિ, કાત્યાયન સ્મૃતિ, બૃહસ્પતિ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, વ્યાસ સ્મૃતિ, શંખ સ્મૃતિ, લિખિત સ્મૃતિ, દક્ષ સ્મૃતિ, ગૌતમ સ્મૃતિ, શાતાતપ સ્મૃતિ, વસિષ્ઠ સ્મૃતિ અને પ્રજાપતિ સ્મૃતિ.

(૭) દર્શન : –

તત્વજ્ઞાનસાધક શાસ્ત્રોને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધો વિશે અભ્યાસ કરનાર શાસ્ત્રને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. હિન્દુદર્શનનું મૂળ વેદ-ઉપનિષદ છે. વેદપ્રણિત પ્રધાન હિન્દુદર્શન 6 છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન, વૈશેષિક દર્શન, ન્યાય દર્શન, પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા. આ પ્રત્યેક દર્શનના પ્રમાણભૂત ગ્રંથ તરીકે સુત્રગ્રંથ છે. સાંખ્યસુત્ર પર સંદેહ કરવામાં આવે છે, સાંખ્ય દર્શનના પ્રમાણભૂત ગ્રંથ તરીકે સાંખ્ય કારિકા ગણાય છે. બાકીના પાંચે દર્શનોના પ્રમાણગ્રંથ તરીકે તે તે દર્શનના સૂત્રગ્રંથો માન્ય છે. આ પ્રત્યેક સૂત્રગ્રંથો પર અનેક આચાર્યોના અનેક ભાષ્યગ્રંથો લખાયા છે. તેથી દર્શનોની અનેક શાખાઓ આજે ઉપલબ્ધ છે. દા.ત. બ્રહ્મસૂત્ર પર વેદાંતના અનેક આચાર્યોએ અનેક ભાષ્ય લખ્યાં છે, અને તે પ્રમાણે વેદાંતદર્શનના અનેક સ્વરૂપો છે. દર્શન શાસ્ત્રના સ્વતંત્ર ગ્રંથો પણ હજારો છે.

(૮) નિબંધ :-

આપણા દેશમાં મધ્યયુગમાં વિશાળ નિબંધ સાહિત્યની રચના થઈ છે. સ્મૃતિઓ અને પુરાણોમાં ધર્મ અને તત્વજ્ઞાનના જે નિર્દેશો મળે છે, તેમનું વિસ્તારથી સંકલન આ નિબંધગ્રંથોમાં થયું છે. સ્મૃતિઓ અને પુરાણોમાં પરસ્પર ભિન્નતા અને અસ્પષ્ટતા જોવા મળે છે, તેમનું સ્પષ્ટીકરણ અને એકવાક્યતા નિબંધ ગ્રંથોમાં થયું છે. પ્રમાણ આપીને પ્રત્યેક વિષયનું વિસ્તારપૂર્વક વિવેચન આ નિબંધ ગ્રંથોમાં થયું છે, તેથી ધર્મશાસ્ત્રના વિદ્વાનો આ નિબંધ સાહિત્યને સ્મૃતિગ્રંથો જેટલું જ પ્રમાણ માને છે. પ્રધાન નિબંધ ગ્રંથો આ પ્રમાણે છે : દાયભાગ, કાલવિવેક, વ્યવહાર માતૃકા, સ્મૃતિ તત્ત્વ રધુનંદન (28 ભાગ), હારલતા, અશૌચ વિવરણ, પિતૃદયિતા, આચાર સાગર, પ્રતિષ્ઠા સાગર, અદ્ભૂત સાગર, દાન સાગર, આચારદર્શ, સમય પ્રદીપ, શ્રાધ્ધ કલા, સ્મૃતિ રત્નાકર, આચાર ચિંતામણિ, આહિનક ચિંતામણિ, કૃત્યચિંતામણિ, તીર્થ ચિંતામણિ, વ્યવહાર ચિંતામણિ, શુધ્ધિ ચિંતામણિ, શ્રાધ્ધ ચિંતામણિ, તિથિનિર્ણય, દ્વૈતનિર્ણય, સ્મૃતિ ચંદ્રિકા, ચતુર્વર્ગચિંતામણિ, નિર્ણય સિન્ધુ, કૃત્યકલ્પતર, ધર્મસિન્ધુ અને નિર્ણયામૃત

(૯) ભાષ્ય અને ટીકા ગ્રંથો :-

વૈદિક ગ્રંથોથી પ્રારંભ કરીને નિબંધગ્રંથો સુધી અપરંપાર ગ્રંથરાશિ છે. આ ગ્રંથો પર અગણિત ભાષ્યો અને ટીકાઓ લખાયા છે. આ ભાષ્યો અને ટીકાઓ પર પણ ટીકાઓ લખાઈ છે. મહાભારત જેવા મહાન ગ્રંથ પર પણ ટીકા લખાઈ છે. આ ભાષ્યગ્રંથોમાં ચાર પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે – ભાષ્ય, ટીકા, કારિકા અને સારસંગ્રહ. હિન્દુ ધર્મ સાહિત્યમાં ભાષ્ય સાહિત્યનો જેટલો વિકાસ અને વ્યાપ થયો છે, તેનો જોટો વિશ્વ સાહિત્યમાં ક્યાંય જોવા મળે તેમ નથી.

(૧૦) સાંપ્રદાયિક ગ્રંથો : –

હિન્દુધર્મ ઘણો વિશાળ ધર્મ છે, એક વિશાળ વટવૃક્ષ સમાન છે. હિન્દુધર્મના અનેક સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો છે. ઉપરોક્ત વેદાંતના સંપ્રદાયો ઉપરાંત શૈવમત, શાક્યમત, કબીરમત, રાધાસ્વામી મત, દાદૂપંથ, રામસ્નેહી, પ્રણામી, ચરણદાસી, સ્વામીનારાયણ પંથ, ઉદાસીનતા, નાથસંપ્રદાય, રામાનંદી પંથ, કાશ્મીર શૈવમત, પાશુપતમત, વીરશૈવમત, મહાનુભાવી પંથ, વારકરી સંપ્રદાય આદિ અનેક સંપ્રદાયો હિન્દુધર્મમાં છે. હિન્દુધર્મના પ્રમાણભૂત સાહિત્યનો સૌ કોઈ સ્વીકાર કરે છે, પ્રમાણભૂત માને છે. પરંતુ તે ઉપરાંત પ્રત્યેક સંપ્રદાયને પોતાનું સ્વતંત્ર સાંપ્રદાયિક સાહિત્ય પણ ઘણું છે. પ્રત્યેક સંપ્રદાયના આચાર્યો દ્વારા આવા સાંપ્રદાયિક ગ્રંથોની રચના થઈ છે. આ સાંપ્રદાયિકગ્રંથોની સંખ્યા પણ હજારોની છે. આ સાંપ્રદાયિક ગ્રંથો તે તે સંપ્રદાયોનું પ્રમાણભૂત સાહિત્ય મનાય છે. અને તેથી હિન્દુધર્મના પ્રમાણભૂત સાહિત્યમાં તેમનો સમાવેશ પણ થાય છે.

(૧૧) આગમ યા તંત્રગ્રંથો : –

વેદોથી પ્રારંભ કરીને સાંપ્રદાયિક ગ્રંથો સુધીની પરંપરાને ‘નિગમ’ કહેવામાં આવે છે. આ ઉપરાંત એક બીજી પરંપરા પણ છે. તેને ‘આગમ’ પરંપરા કહે છે. આગમના બે ભાગ છે. દક્ષિણાગમ (સમયમત) અને વામાગમ (કૌલમત) સનાતન હિન્દુધર્મમાં નિગમ અને આગમ (દક્ષિણાગમ), બંનેને પ્રમાણ માનવામાં આવે છે. દક્ષિણાગમનું મૂળ વેદોમાં જ છે, અને પુરાણોમાં તેનો વિસ્તાર થયેલો જોવા મળે છે. આગમશાસ્ત્રનો વિષય ‘ઉપાસના’ છે. દેવતાઓનું સ્વરૂપ, ગુણ, કર્મ, તેમના મંત્રો અને મંત્રોના ઉદ્ગાર, ધ્યાન, પૂજાવિધિ વગેરેનું વિવેચન આગમગ્રંથોમાં થાય છે.

રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત

2   3

|| રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત ||

લંકામાં સર્વની ઉપસ્થિતિમાં સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના અખંડ સતીત્વની ખાતરી તો કરાવી જ હતી. પછી તો આપણે એમ કહીને આપણા મનને મનાવવું પડે કે અવતારી આત્માઓનાં જીવન લોકોત્તર હોય છે. તે સમજી શકવા આપણે સમર્થ નથી. વળી આવા મહાત્માઓના જીવનને મૂલવનાર આપણે કોણ ?

રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત છે. રામાયણમાં આદર્શ જીવનનું દર્શન થાય છે. જ્યારે મહાભારતમાં વ્યવહારની વાત વધારે દેખાય. ભારતમાં આ બંને મહાકાવ્યો અમર છે અને લોકજીવન સાથે વણાઇ ગયેલાં છે. તેમની અસર આજ સુધી પ્રજાજીવન ઉપર પડતી રહી છે. તેમાં કંઇ આશ્ચર્ય નથી. રામાયણના પાત્રોમાં રામ તો મર્યાદા પુરુષોત્તમ છે પણ રામાયણનું દરેક પાત્ર પોતાના જીવન દ્વારા એક આદર્શ લઇને ઉપસ્થિત થાય છે. આપણે એમાંથી એક બે વાતો ઉપર વિચાર કરીએ.
હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં લંકા જવા માટે નીકળે છે. ત્યારે તેમના મનમાં એક પ્રશ્ન થાય છે કે મેં સીતામાતાને તો જોયા નથી પછી તેમને ઓળખીશ કેવી રીતે અને ઓળખ્યા વિના ભાળ કેમ મળે ? તેથી તેમણે શ્રીરામચંદ્રજીને સીતામાતાનું કંઇ એંધાણ આપવા વિનંતી કરી. શ્રીરામે સીતાજીના સ્વરૃપનું વર્ણન કરવા માંડયું. તે અતિસુંદર છે. ગોરે વર્ણ છે. તેમની આંખો ….”
હનુમાનજીએ વચ્ચે બોલતા જણાવ્યું, ”પ્રભુ ! આ વર્ણન મારે કામ નહિ લાગે. મેં સૌન્દર્યની નજરથી કોઇ સ્ત્રી સામે જોયું નથી. અને જોતો પણ નથી. માટે તમે કંઇ એવું લક્ષણ બતાવો કે જે જોઇને હું નિઃશંક થઇને જાણી શકું કે આજ મારાં સીતા માતા છે.

ત્યારે શ્રીરામે હનુમાનને કહ્યું, ”સીતાજી જ્યાં વસતાં હશે તે કુટિર હોય કે કેદ હોય પણ તેની પ્રત્યેક દીવાલમાંથી ‘શ્રીરામ- શ્રીરામ’ એવો ધ્વનિ નીકળતો હશે. તું જરા ધ્યાન દઇને સાંભળજે. તને અચૂક સંભળાશે. સીતાજી મારી ઉપસ્થિતિના અભાવમાં નિરંતર મારા નામનું રટણ કરતાં રહે છે અને તેમના નામ રટણમાં એટલી તાકાત હોય છે કે તેનાથી આસપાસનું જડ-ચેતન બધું ‘શ્રી રામના’ નામથી ભાવિત થઇ જાય છે. હનુમાન ! જો સીતાજી વન- ઉપવનમાં હશે અને ત્યાં તેમને બંદી બનાવીને રાખ્યા હશે તો ત્યાંના પ્રત્યેક ઝાડ- પાન વગેરેમાંથી શ્રીરામ શ્રીરામ નો ધ્વનિ નિરંતર નીકળતો હશે. જ્યાં સમગ્ર પંચમહાભૂતમાં ‘શ્રીરામ’ ના નામનો ધ્વનિ ગૂંજતો સંભળાય તો તારે અવશ્ય માની લેવું કે સીતાજી ક્યાંક નજીકમાં જ વસતાં હશે. સીતાજીને ઓળખી કાઢવામાં એ રીતે તને કોઇ તકલીફ નહિ પડે.
અહી આપણને એવો વિચાર સ્હેજે આવ્યા વિના ન રહે કે આવા અલૌકિક પતિપરાયણ સીતાજીનો શ્રીરામે અયોધ્યાના રાજા બન્યા પછી ત્યાગ કર્યો તેમાં કેટલું ઔચિત્ય ગણાય ? ભગવાન શ્રીરામ તરફ આપણને ભક્તિભાવ હોય તે સ્વભાવિક છે પણ એક ધોબી, તેની પત્ની સાથેના કલહમાં શ્રીરામનો જે રીતે ઉલ્લેખ કર્યો તે વાત સાંભળીને શ્રીરામ, સીતાજીનો ત્યાગ કરવા તત્પર થઇ ગયા એ વાત આપણા ગળે ઝટ ન ઊતરે. એ વાત આપણને કઠે, વિચારશીલ વ્યક્તિને એવુ લાગે કે અહી ઔચિત્ય ન જળવાયું. જરા ઉતાવળ થઇ ગઇ. ભક્તિભાવને બાજુએ રાખીએ તો વ્યવહારિક દ્રષ્ટિએ શ્રીરામનો આ રીતનો સીતાત્યાગ ન્યાયી નથી લાગતો.

વળી લંકામાં સર્વની ઉપસ્થિતિમાં સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના અખંડ સતીત્વની ખાતરી તો કરાવી જ હતી. પછી તો આપણે એમ કહીને આપણા મનને મનાવવું પડે કે અવતારી આત્માઓનાં જીવન લોકોત્તર હોય છે. તે સમજી શકવા આપણે સમર્થ નથી. વળી આવા મહાત્માઓના જીવનને મૂલવનાર આપણે કોણ ? છેવટે આપણી પાસે એક ઉત્તર રહે કે તે તો તેમની લીલા હતી અને એ રીતે સમાધાન લઇએ તેમાં ખોટુંય નથી. આપણે તો તેમનાં જીવન અને હવનમાંથી સાર તત્વને ગ્રહણ કરીને આપણું જીવન સફળ કરી લઇએ એ જ ઇષ્ટ છે.

આ સંદર્ભમાં રામાયણનો સીતા ત્યાગનો પ્રસંગ આપણા ધ્યાન ઉપર આવ્યા વિના રહેતો નથી. શ્રીરામચંદ્રજી લોકાપવાદને કારણે સીતાજીનો તેમને કંઇ કહ્યા વિના ત્યાગ કરે છે અને તેમને વનમાં છોડી દેવા માટે લક્ષ્મણને આજ્ઞાા કરે છે. લક્ષ્મણ કમને રાજારામની આજ્ઞાાને માથે ચઢાવીને સીતાજીને વનમાં લઇ જાય છે અને ત્યાં તેમને વંદન કરીને કહે છે, ‘માતાજી ! પ્રભુએ તમારો ત્યાગ કર્યો છે અને તમને અહી છોડી જવાની મને આજ્ઞાા કરી છે. તે સમયે સીતાજી ક્ષણવાર સ્તબ્ધ થઇ જાય છે. પળમાં સ્વસ્થ થઇ જતાં તેઓ લક્ષ્મણજીને કહે છે, પ્રભુએ જે કર્યું તે ઠીક જ હશે. પણ મારા ઉદરમાં તેમનું તેજ છે તેથી મારાથી જીવન નહિ ટૂંકાવી શકાય. પણ મને હવે એ વાતની ચિંતા થાય છે કે મારા સિવાય શ્રીરામની સેવા કોણ કરશે ? મારી સેવા વિના તેમને રાત્રે ઊંઘ નહિ આવે. મારો આ અધિકાર લક્ષ્મણજી હું તમને આપું છું. તમે શ્રીરામની નિત સેવા કરજો. આ વાત સાંભળતા લક્ષ્મણ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે.

આખીય વાતની સમાલોચના કરતાં આપણે એમ પણ વિચારી શકીએ કે કદાચ આ આખીય વાતની પાછળ આત્મા અને પરમાત્માના વિરહનો ભાવ રહેતો હશે જેને મહર્ષિ વાલ્મિકીએ માનવીય ભાવમાં ઊતાર્યો હશે અને તેને અનુરૃપ ઘટના ક્રમનું આયોજન કર્યું હોય. જો કે આ રહી તાત્ત્વિક વાત પણ જીવન આદર્શ અને વ્યવહાર બંનેને આધારે નભે છે. જીવનમાં નિશ્ચય અને વ્યવહાર બંનેને સાચવીને જીવીએ તો વધારે સફળ થઇએ અને સ્વસ્થ પણ બની રહીએ. આ પ્રસંગને ભલે આપણી રીતે મૂલવીએ પણ તેમાંથી જે કંઇ ઉત્તમ લાગે તેને ગ્રહણ કરી લઇએ તે જ ઇષ્ટ છે. બાકી આપણે જીવવાનું છે સંસાર વચ્ચે એટલે પરમાર્થ ઉપર ભલે નજર રાખીએ પણ એ ન ભૂલી જઇએ કે આપણા પગ ધરતી ઉપર વ્યવહારમાં છે. જીવનમાં જ સમન્વય સાધી જાણે છે તે જીવી જાણે છે.

ઋગ્વેદમાં સામાન્ય મહિમા ધરાવનાર વિષ્ણુ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ દેવ ગણાયા!

2

|| ઋગ્વેદ ||

|| ઋગ્વેદમાં સામાન્ય મહિમા ધરાવનાર વિષ્ણુ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ દેવ ગણાયા! ||

ઋગ્વેદ (સંસ્કૃત: ऋग्वेद:) ભારતીય પ્રાચીન વૈદિક સંસ્કૃત સ્તોત્રોનું સંકલન છે અને સનાતન ધર્મ (હિંદુ ધર્મ)ના પવિત્ર ચાર વેદો પૈકીનો એક છે. ઋગ્વેદ વિશ્વનો સૌથી જુનો ગ્રંથ છે, જે હજુ પણ વપરાય છે. ઋગ્વેદ ભારતીય-યુરોપીય ભાષામાં લખાયેલ વિશ્વનું સૌથી જુનુ લખાણ છે. ઋગ્વેદમાં ૧૦૨૮ સુક્ત છે, જેમાં દેવતાઓ ની સ્તુતિ કરેલી છે. તથા આમા દેવતાઓને યજ્ઞમાં આહ્વાન કરવા માટે મંત્રો છે, આજ સર્વ પ્રથમ વેદ છે. ઋગ્વેદને દુનિયાના સર્વ ઇતિહાસકાર સૌથી પહેલી રચના માને છે.

પ્રત્યેક દેવને પોતાનું આગવું સ્વરૃપ હોય છે. એ સ્વરૃપના અમુક લક્ષણો હોય છે અને એ લક્ષણો દ્વારા એમનું વિશિષ્ટ દૈવત્ય પ્રગટ થતું હોય છે. ભગવાન વિષ્ણુની એ પ્રસિદ્ધ સ્તુતિનું અહી સ્મરણ થાય છે.

‘શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં,
વિદ્યાધારં ગગનસદ્દશં મેઘવર્ણં શુભાગંમ્,
લક્ષ્મીકાંત કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં,
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકિકનાથમ્.’

‘શાંત આકૃતિવાળા, શેષનાગ ઉપર શયન કરનારા, નાભિમાં કમળ ધારણ કરનારા, દેવોના દેવ, જગતના આધાર, આકાશ જેવા, વાદળના રંગ જેવા, સુંદર અંગવાવા, લક્ષ્મીજીના સ્વામી, કમળ જેવા નેત્રવાળા, ધ્યાન દ્વારા યોગીઓને પ્રાપ્ત થનારા, સંસારના ભયને હરનારા અને સર્વ લોકના એકમાત્ર નાથ એવા શ્રીવિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું.’

આ સ્તુતિમાં ભગવાન વિષ્ણુનું સમગ્ર સ્વરૃપ પ્રગટ થાય છે. અગાઉ જોયું તેમ ‘ઋગ્વેદમાં’ ત્રાણું સ્થાનોમાં ભગવાન વિષ્ણુનો ઉલ્લેખ થયો છે. વૈદિક દેવોમાં વિષ્ણુ અને શિવ એ બે જ દેવો પ્રત્યે આપણા દેશમાં અગાધ ભક્તિભાવ દ્રષ્ટિગોચર થાય છે. વળી નોંધપાત્ર બાબત એ છે કે શિવ અને વિષ્ણુ બંનેની સમય જતાં માનવ- આકૃતિ રૃપે ઉપાસના થતી રહી અને સવિશેષ તો શિવ અને વિષ્ણુના વિવિધ અવતારો પણ જોવા મળે છે.

વેદોમાં રૃદ્રશિવની વાત આવે છે અને આપણે જાણીએ છીએ તેમ એ પછી શિવની માનવઆકૃતિ મળે છે. અને આજે સર્વત્ર એ માનવઆકૃતિની શિવભક્તો પૂજા- ઉપાસના કરે છે, એવી જ રીતે ભગવાન વિષ્ણુ પણ સમય જતાં અને સવિશેષ તો વૈષ્ણવ સંપ્રદાયમાં માનવ આકૃતિ રૃપે પૂજાવા લાગ્યા. પુરાણોમાં વિષ્ણુના વિવિધ અવતારો વર્ણાવાયા છે. આમ ‘ઋગ્વેદ’માં પ્રમાણમાં ઓછો મહિમા ધરાવનાર વિષ્ણુ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ ગણાયા છે. ‘ઋગ્વેદ’ના સૂક્તોમાં વિષ્ણુનું આંશિકરૃપે નિરૃપણ થયું છે. તેઓનું આગવું સ્વરૃપ કે વિશિષ્ટ કાર્યોનું વર્ણન ‘ઋગ્વેદ’માં મળતું નથી, માત્ર ઇંદ્રના સહાયક રૃપે તેમજ સુર્યના એક સ્વરૃપ તરીકે એમનું વર્ણન પ્રાપ્ત થાય છે.

આવા ભગવાન વિષ્ણુને ‘નારાયણ’ તરીકે સંબોધવામાં આવે છે. ‘નારા’ એટલે પાણી અને ‘અયન’ એટલે નિવાસસ્થાન અર્થાત્ પાણી પર જેમનો નિવાસ છે તેવા આનો મર્મ સમજવા માટે ધર્મગ્રંથોમાં કરવામાં આવેલા જલના મહિમાનો વિચાર કરવો જોઇએ. આજે આપણને આશ્ચર્ય થાય એ રીતે એ સમયે જલનો મહિમા કરવામાં આવ્યો હતો. એ જલને કલ્યાણકારી અને ઔષધરૃપે જોવામાં આવ્યું છે. ‘ઋગ્વેદ’માં (૧૦ ૧૩૭ ૬ ) જલને બધા રોગોની એકમાત્ર દવારૃપે દર્શાવ્યું છે, તો ‘છાંદોગ્ય ઉપનિષદ’ (૭-૧૦-૧)માં તો કહ્યું છે કે ‘અન્નની અપેક્ષાએ જલ ઉત્કૃષ્ટ છે. તો બીજી બાજુ એ જલને સંતાનને દૂધ આપતી માતા સમાન ગણીને યજુર્વેદમાં કહ્યું છે કે ‘જેમ માતા પોતાના સંતાનને દૂધ પીવડાવે છે, એ જ રીતે હે જળ, તમારો ઉત્કૃષ્ટ કલ્યાણરસ અમને પ્રદાન કરો.’ અને અંતે ‘અર્થર્વવેદ’ (૧-૬-૧) અને ‘સામવેદ’ (૩૩)માં જલ પ્રત્યેની ભાવના પ્રગટ કરતાં કહ્યું છે.

‘શં તો દેવીરબિષ્ટય આપો ભવન્તું પીતયે ।
શં યોર ભિ સ્ત્રવન્તુ ન: ।’

અર્થાત્ ‘અમને ઇચ્છિત સુખ આપવા માટે જળ કલ્યાણકારી હો. પીવાને માટે સુખદાયી હો. અમને સુખ અને શાંતિ આપતો જળપ્રવાહ વહ્યા કરે. ‘
આવા જલ પર ભગવાન વિષ્ણુનો નિવાસ છે. જલની સાથે શુદ્ધિનો ખ્યાલ પણ સંકળાયેલો છે. માત્ર વેદોમાં જ નહી, પરંતુ યહૂદી ધર્મના ‘ઓલ્ડ સ્ટેટામેન્ટમાં પણ કહ્યું છે.
‘એમાં પરમેશ્વરના ભક્તને અનુસાર વ્યક્તિએ સાતવાર ડૂબકી મારી અને એનું શરીર બાળક જેવું બની ગયું અને એ શુદ્ધ થઇ ગયું.’ આનો અર્થ એ શુદ્ધિ અને પાપનાશ માટે જલની આવશ્યકતા છે. ભારતની પવિત્ર નદીઓમાં ડૂબકી મારવાથી અથવા સ્નાન કરવાથી પાપનાશ થાય છે, તે વાત તો સહુ કોઇ જાણે છે. સર્વપ્રથમ વેદ એવા ‘ઋગ્વેદ’માં તો ત્યા સુધી કહ્યું છે કે,

‘હે જળદેવતા, મારા હૃદયમાં જે કોઇ પાપ છે, તેને વહેવડાવી દેજો, મેં કોઇને દગો કર્યો છે, અપશબ્દ કહ્યા છે અને જુઠું બોલ્યો હોઉં એ બધું જ તમે મારા હૃદયમાંથી વહેવડાવીને લઇ જજો.’ (૧૦-૯-૮)

આ રીતે જલ એ નિર્મળ અને સ્વચ્છ જીવનનું પ્રતીક છે. વળી જલ શીતલ છે. આવી શીતળતા હોવાથી જ એ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન બની રહ્યું છે. પાણીની સપાટી સમાન રહેતી હોય છે. એમાં કોઇ ખાડા હોતા નથી, ઉંચું- નીચું કશું હોતું નથી અને આવી સમાન સપાટી હોવાથી તથા શીતળતા એનો ગુણ હોવાથી સ્વાભાવિક રીતે જ પાણી એ નવી શક્તિ અને સ્ફૂર્તિ આપનારું તત્વ છે. પાણીની નિર્મળતા અને સ્વચ્છતા માનવસ્વભાવમાં પ્રતિબિંબિત થવી જોઇએ. એ જેટલી વધુ પ્રતિબિંબિત થાય તેટલું જીવન પાવન બને. પાણી ક્યાંય ઊંચું નીચું જતું નથી. ઉપરતળે થતું નથી, એમ ભગવાન વિષ્ણુ પ્રત્યેના પ્રેમમાં પણ ધૈર્ય અને સ્થિરતા હોવા જોઇએ. ક્યારેય ઊંચા આવેગોવાળી ભરતી કે નિરાશાજનક ઓટ આવવી જોઇએ નહી.
જલનો મહિમાગાન પ્રાચીન ગ્રંથોમાં ઘણો થયો છે. ‘મહાભારત’ના સભાપર્વમાં મહર્ષિ વેદવ્યાસ તો કહે છે, ‘આ જલ પાસેથી માણસે જાણકારી પણ મેળવવી જોઇએ.’ જળ પાસેથી કઇ જાણકારી મળી શકે ?

તો મહર્ષિ વેદવ્યાસના કહેવા પ્રમાણે, ‘બીજાના હિત માટે આત્મદાન, સૌમ્યત્વ અને બીજા પ્રત્યે જીવનદાનની ભાવના જલ પાસેથી ગ્રહણ કરવી જોઇએ.’

આ જલને કોઇ આકાર નથી. પરંતુ કોઇ વાસણમાં મૂકો એટલે તે એ આકાર ધારણ કરે છે. ઇશ્વર પણ નિરાકાર છે, પરંતુ એ ધારે તેવા આકાર લઇ શકે છે.

‘નારા’ શબ્દનો અર્થ માનવસમુદાય પણ થાય છે, અર્થાત્ નારાયણ એટલે માનવ સમુદાય સાથે જોડાયેલા અને એ દ્રષ્ટિએ જોઇએ તો ભગવાન વિષ્ણુ કેટલાક મહત્વના યુદ્ધો સાથે જોડાયેલા છે. આવા યુદ્ધોમાં એમણે જનસમૂહના કલ્યાણઅર્થે રાક્ષસો અને અસૂરોને હણ્યા છે. જેમ કે, અંધકાસૂર દેવોને ખૂબ ત્રાસ આપતો હતો તેનો ભગવાન વિષ્ણુએ વધ કર્યો હતો અને એ જ રીતે નેમિ, રાહુ, વૃત્રાસૂર, સૂમાલી અને માલ્યવાન જેવા અસૂરોને પણ વિષ્ણુએ યુદ્ધમાં પરાસ્ત કરીને હણ્યા હતા.

વ્યાપક જનસમુદાયને સ્પર્શતા હોવાથી વિષ્ણુના અનેક અવતારો મળે છે. જેમ સરોવરમાંથી જુદા જુદા પ્રવાહો નીકળે, એ રીતે જુદા જુદા અવતારો જોવા મળે છે. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં જલપ્રલયથી મનુને બચાવનાર ‘મત્સ્ય’ તરીકે અને આદ્ય જલમાં ભ્રમણ કરનાર ‘કચ્છક (કૂર્મ)’ તરીકેનો નિર્દેશ મળે છે. સમય જતાં આ બંને સ્વરૃપો બે અવતાર તરીકે પ્રસિદ્ધ થયા. એ જ રીતે વરાહ અવતાર તે દુષ્ટોના સંહાર માટે, સજ્જનોના રક્ષણને માટે અને જનસમુદાયના હિતને માટે થયેલો છે.

‘હરિવંશ’ વગેરે પુરાણોમાં વિષ્ણુના ઘણાં અવતારો મળે છે. જ્યારે ‘ભાગવતપુરાણ’માં વિષ્ણુના બાવીસ અવતાર દર્શાવ્યા છે. જો કે પ્રચલિત પરંપરા પ્રમાણે મત્સ્ય અવતાર, કૂર્માવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામનો અવતાર તથા રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કીના અવતાર દર્શાવવામાં આવ્યા છે. આ અવતારો દ્વારા અનિષ્ટ તત્વોનો નાશ અને ધર્મની સ્થાપનાનું કાર્ય વિષ્ણુએ કર્યું છે. શ્રીમદ્ ભગવત્ ગીતામાં કહ્યું છે તેમ ‘જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ થાય છે ધર્મના રક્ષણ માટે હું અવતાર ધારણ કરું છું.’ આ રીતે ભગવાનવિષ્ણુ એ જનસમુદાયના કલ્યાણકારી દેવ છે.

આપણાં શાસ્ત્રો

4

||આપણાં શાસ્ત્રો ||

* શાસ્ત્ર એટલે શું ?

શબ્દાર્થ : ‘शास्ति च त्रायते च इति शास्त्रम्।’ અર્થાત્ શાસન અને સંરક્ષણ કરે તે શાસ્ત્ર.

ભાવાર્થ : ઋષિઓના ઉપદેશ ધરાવતા પવિત્ર ગ્રંથોને શાસ્ત્ર કહેવામાં આવે છે.

સમયના વહેણમાં દરેક તબક્કે અનેક મહાત્માઓએ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી ધર્મનું ધ્યેય પ્રાપ્ત કર્યું છે. તેમાંના ઘણાએ જુદે જુદે માર્ગે ચાલીને એક જ લક્ષ્યને સાધ્યું હતું. સૃષ્ટિના જીવમાત્રના કલ્યાણના ઉદ્દેશથી પ્રાચીનકાળના આ મહાત્માઓએ તેમના જ્ઞાન અને અનુભવનો ઉપદેશ અનેક ગ્રંથો મારફત આપણને આપ્યો છે. આ ગ્રંથોને આપણે “શાસ્ત્રો” તરીકે ઓળખીએ છીએ. સમાજના જુદા જુદા થરને ધર્મની સમજ આપવાની હોઈ, આ જુદા જુદા લોકોના બૌદ્ધિક, વ્યવહારિક અને આધ્યાત્મિક સ્તર મુજબ જુદી જુદી કક્ષાનાં અને જુદા જુદા પ્રકારનાં અનેક શાસ્ત્રો રચાયેલ છે.

* શાસ્ત્રોનું મહત્વ : –

માનવજીવનની બધી જ ભાવનાઓને વધુ આધ્યાત્મિક, વધુ મજબૂત, વધુ ઊંડી અને વધુ ઉન્નત બનાવવા આ શાસ્ત્રો આપણને સતત સનાતન સિદ્ધાંતો શિખવાડતાં રહ્યાં છે. ઉપરાંત શાસ્ત્રો આ સિદ્ધાંતોને અનુકૂળ વિધિ-વિધાનો કરવા પ્રેરણા પણ આપે છે અને આ સિદ્ધાંતોના વિરુધ્ધનું આચરણ કરવાથી રોકે પણ છે. શાસ્ત્રોના મહત્વને સમજાવતું એક સુભાષિત સંસ્કૃત ભાષામાં છે:

अनेकसंशयोत्व्छेदि परोक्षार्थस्य दर्शकम् ।
सर्वस्य लोचनं शास्त्रं यस्य नास्त्यन्घ एव सः॥

શબ્દાર્થ : શાસ્ત્ર સર્વ શંકાઓનો નાશ કરે છે અને પરોક્ષ લાગતા સિદ્ધાંતોને પ્રત્યક્ષ કરી આપે છે. શાસ્ત્ર માનવીની આંખો છે, તેથી જે શાસ્ત્રને જાણતો નથી તે ખરેખર આંધળો જ છે.

ભાવાર્થ : શાસ્ત્ર આપણી બધી શંકાઓનું સમાધાન કરે છે અને આડકતરા લાગતા સનાતન સિદ્ધાંતો આપણા જીવનમાં કઈ રીતે સીધી અસર કરે છે તે સમજાવે છે. શાસ્ત્રરૂપી આંખના માધ્યમથી કંટકછાયો જીવનપથ સરળતાથી પાર કરી શકાય છે. પરંતુ જે મનુષ્ય શાસ્ત્રને જાણતો નથી, તેણે આંધળાની જેમ જીવનપથ પાર કરવો પડે છે. આમ શાસ્ત્રોનું જ્ઞાન આપણને વિશ્વની તમામ જીવસૃષ્ટિનું જીવન સારી રીતે જીવી શકાય શકે તે માટેનું માર્ગદર્શન આપે છે.

શાસ્ત્ર કેટલાં છે અને ક્યાં ક્યાં ?
આપણાં શાસ્ત્રોની ગણતરી કરીએ તો લગભગ ૪૦ થી ૫૦ તો મુખ્ય ગ્રંથ છે અને તેના ઉપગ્રંથો, પુરાણો, મીમાંસા, સંબંધિત ગ્રંથો વિગેરેને ધ્યાનમાં લઈએ તો કુલ આંકડો કદાચ ૪૦૦ કે ૫૦૦ની સંખ્યાને પણ પાર કરી જાય. આ ઉપરાંત જો તમે અત્યારે અપ્રાપ્ય છે એવા ગ્રંથો અને અમુક અમાન્ય ગ્રંથો પણ ગણતરીમાં લો તો કુલ શાસ્ત્રો એક હજાર કરતાં પણ વધારે છે.

આ બધાં શાસ્ત્રોમાં “વેદ” સૌથી પ્રાચીન ગ્રંથ છે અને તે બીજાં બધાં શાસ્ત્રોનું મૂળ છે. ભલે આપણને બધાને આપણાં શાસ્ત્રો વિષે વધારે માહિતી કદાચ ના હોય, પરંતુ મોટાભાગના લોકો એટલું તો જરૂર જાણતા હશે જ કે આપણું સૌથી પ્રાચીન અને સૌથી મહત્વનું શાસ્ત્ર “વેદ” છે. હવે તમે એ પણ જાણી લો કે વેદ એ ફક્ત હિંદુ સંસ્કૃતિનો જ કે આપણા દેશનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે.

એક મહત્વની હકીકત એ પણ છે કે વેદ એ કોઈ માનવરચિત ગ્રંથ નથી, પરંતુ સર્વશક્તિમાન ઈશ્વર દ્વારા અપાયેલું જ્ઞાન છે. પૃથ્વી અને મનુષ્યની ઉત્પત્તિ સમયે ઈશ્વરે ઋષિઓને વેદનું જ્ઞાન આપ્યું. આ ઋષિઓએ પોતાના શિષ્યોને આ જ્ઞાન આપ્યું અને તે જ રીતે ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા વેદોના આ જ્ઞાનનું આદાન-પ્રદાન ચાલતું રહ્યું. ઘણા લાંબા સમય સુધી વેદના જ્ઞાનનો પ્રસાર-પ્રચાર આ રીતે ફક્ત પઠન અને શ્રવણથી (બોલીને અને સાંભળીને) થતો રહ્યો. સમયાંતરે લખાણ અને છપાઈની સુવિધાઓ શોધાઈ, તે પછી વેદો પુસ્તક રૂપે મળવા લાગ્યા.

વેદોમાં સર્વ વિદ્યાઓનું સંક્ષેપમાં વર્ણન છે. વેદો જ્ઞાનનો ભંડાર છે અને તેમાં જીવનનાં અનેક ગૂઢ રહસ્યો પ્રગટ કરાયેલાં છે. એવું પણ કહી શકાય કે વેદો વિચારોના ગ્રંથો છે. અન્ય બધાં જ શાસ્ત્રો વેદનો મહિમા ગાય છે અને વેદને જ ધર્મનું મૂળ માને છે. અમેરિકાની ખ્યાતનામ ખગોળસંસ્થા નાસાએ પણ વેદોમાં સમાવિષ્ટ જ્ઞાનને પ્રામાણિત માન્યું છે.

વેદો હિંદુ ધર્મના મૂળ ધર્મગ્રંથ ગણાય છે. જોકે વેદોના ઉપદેશનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તે કોઈ એક ધર્મ કે સંપ્રદાયના લોકો માટેના ગ્રંથો નથી, પરંતુ સમસ્ત માનવજાતના કલ્યાણ માટેના ગ્રંથો છે. આમ વેદો ધર્મગ્રંથ નહિ પણ જ્ઞાનગ્રંથ છે.

વેદના જ્ઞાનને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ઋગ્વેદનો મુખ્ય વિષય પદાર્થજ્ઞાન છે. અર્થાત્ તેમાં સંસારમાં સમાવિષ્ટ પદાર્થોનું સ્વરૂપ રજુ થયેલ છે. યજુર્વેદમાં કર્મોના અનુષ્ઠાનનું, સામવેદમાં ઈશ્વરની ભક્તિ અને ઉપાસનાના સ્વરૂપનું અને અથર્વવેદમાં વિવિધ વિજ્ઞાનનું મુખ્યરૂપે વર્ણન કરેલું છે.

આ ચાર વેદોમાં વર્ણન કરેલું જ્ઞાન ઘણું ગહન છે અને તેમાં જીવનનાં ગૂઢ રહસ્યો અત્યંત સંક્ષિપ્તમાં રજૂ કરેલ છે, જેથી ફક્ત વિદ્વાનો જ તેને જાણી અને સમજી શકે છે. આથી આપણા સમજુ ઋષિઓએ વેદોનું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે વેદોમાં સમાવેલા આધ્યાત્મિક જ્ઞાનને સરળ બનાવવા પ્રયત્ન કર્યો, તો તેમાંથી ૫૦૦થી પણ વધારે ગ્રંથો રચાયા, જે બધા પણ શાસ્ત્ર તરીકે ઓળખાય છે. આ બધા ગ્રંથોની ટૂંકમાં વિગતો હવે જાણીશું.

ચારે વેદના એક-એક ‘ઉપવેદ’ છે. ઋગ્વેદના ઉપવેદનું નામ આયુર્વેદ છે, જેમાં તંદુરસ્તી, તંદુરસ્ત રહેવાના ઉપાય, રોગ, રોગનાં કારણો, દવાઓ અને વૈદકીય સારવારનું વર્ણન કરેલ છે. યજુર્વેદના ઉપવેદનું નામ ધનુર્વેદ છે, જેમાં સૈન્ય, હથિયાર, યુધ્ધકળા વિગેરેનું વર્ણન છે. સામવેદના ઉપવેદનું નામ ગંધર્વર્વેદ છે, જેમાં ગાયન, વાદન, નર્તન વિગેરેનું વર્ણન છે. જયારે અથર્વવેદના ઉપવેદનું નામ અર્થર્વેદ છે, જેમાં વેપાર, અર્થવ્યવસ્થા વિગેરેનું વર્ણન છે.

વેદના મંત્રોની સરળ સમજ માટે ઋષિઓએ દરેક વેદને ભાષ્ય એટલેકે વ્યાખ્યાના રૂપમાં રજુ કરી જે ગ્રંથોની રચના કરી તે ‘બ્રાહ્મણ ગ્રંથો’ કહેવાય છે. ચારે વેદોના મળીને કુલ ૧૭ બ્રાહ્મણ ગ્રંથો રચાયા હોવાનું કહેવાય છે, પરંતુ તેમાંથી ઘણા સમયની સાથે લુપ્ત થઇ ગયા છે. જે ઉપલબ્ધ છે તેમાં ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથ એતરેય, યજુર્વેદના શતપથ, સામવેદના તાણ્ડય અને અથર્વવેદના ગોપથનો સમાવેશ થાય છે.

બ્રાહ્મણ ગ્રંથોના ભાગ રૂપે આરણ્યક ગ્રંથોની રચના થઇ, જેમાંથી અત્યારે ૬ ગ્રંથ ઉપલબ્ધ છે. ઐતરેય, શાંખાયન, કૌષીતકી, તૈત્તિરીય, મૈત્રાયણી અને બૃહદારણ્યક.

આપણા સમજુ ઋષિઓએ વેદોનું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે વેદોમાં સમાવેલા આધ્યાત્મિક જ્ઞાન, બ્રહ્મ, જીવ, મન, સંસ્કાર, જપ, સ્વાધ્યાય, તપસ્યા, ધ્યાન, સમાધિ વિગેરે વિષયોનું અલંકારિક વાર્તાઓ અને ઉદાહરણ સાથે સરળ રૂપમાં વર્ણન કરતા ગ્રંથો લખ્યા, જે ‘ઉપનિષદ’ તરીકે ઓળખાય છે. વેદોનું જ્ઞાન એટલું ગૂઢ અને વિશાળ છે કે તેને સરળ રૂપમાં રજુ કરવામાં લગભગ ૩૦૦ જેટલાં ઉપનિષદ રચાયાં. આમાંથી ૧૦૮ ઉપનિષદ માન્ય ગણાય છે, જેમાંથી ૧૦ ઉપનિષદ મુખ્ય ગણાય છે: ઇશોપનિષદ, કઠોપનિષદ, કેનોપનિષદ, પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડ્યુક્યોપનિષદ, એતરેયોપનિષદ, તૈત્તિરીયોપનિષદ, છાંદોગ્યોપનિષદ અને બૃહદારણ્યકોપનિષદ.

ઉપનિષદો વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી “વેદાંત” તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદ ગ્રંથોનો ઘણો મહત્વપૂર્ણ દરજ્જો છે. ઉપનિષદમાં સમાયેલા બહુમૂલ્ય અને ઉપયોગી જ્ઞાનને કારણે જ તેમને વેદોનો સાર કે વેદોનું મસ્તક પણ કહેવાય છે. આધ્યાત્મના વિષયમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ માટે એક માત્ર પ્રમાણિક સાધન ઉપનિષદ ગ્રંથો છે.

વેદોના ગહન મંત્રોના સુક્ષ્મ અર્થને સ્પષ્ટતાથી સમજાવવા માટે આપણા વિદ્વાન ઋષિઓએ ‘વેદાંગ’ નામના ૬ ગ્રંથોની રચના કરી છે. શિક્ષાગ્રંથમાં સંસ્કૃત ભાષાના અક્ષરોનું વર્ણન, તેમની સંખ્યા, પ્રકાર, ઉચ્ચારણ, સ્થાન વિગેરેનું વિવરણ કરેલું છે. કલ્પગ્રંથમાં વ્યવહાર, સુનીતિ, ધર્માચાર વિગેરે વિષયોનું વર્ણન છે. વ્યાકરણગ્રંથમાં શબ્દોની રચના, ધાતુ, પ્રત્યય તથા કયા શબ્દના કેટલા અર્થ થાય છે તે વિષેનું વર્ણન છે. નિરુક્તગ્રંથમાં વેદના મંત્રોનો અર્થ કઈ વિધિથી કરવો તેનો નિર્દેશ કરેલો છે. છંદગ્રંથમાં શ્લોકોની રચના તથા ગાયનકલાનું વર્ણન છે અને જ્યોતિષગ્રંથમાં ભૂગોળ-ખગોળની સ્થિતિ-ગતિ અને ગણિત જેવી વિદ્યાઓનું વર્ણન છે.

આપણા વિદ્વાન ઋષિઓએ વેદોનાં દાર્શનિક તત્વોની વિસ્તારપૂર્વક અને શંકા તથા તેના સમાધાન સાથેની વિવેચના જે ૬ ગ્રંથોમાં કરી છે તે વેદનાં ‘ઉપાંગ’ અથવા ‘દર્શનશાસ્ત્ર’ તરીકે ઓળખાય છે. જૈમિનીઋષિકૃત મીમાંસાદર્શનમાં ધર્મ, કર્મ, યજ્ઞ વિગેરેનું વર્ણન છે. વ્યાસઋષિકૃત વેદાન્તદર્શનમાં બ્રહ્મ એટલે કે ઈશ્વરનું વર્ણન છે. ગૌતમઋષિકૃત ન્યાયદર્શનમાં તર્ક, પ્રમાણ, વ્યવહાર તથા મુક્તિનું અને કણાદઋષિકૃત વૈશેષિકદર્શનમાં જ્ઞાન-વિજ્ઞાનનું વર્ણન છે. કપિલઋષિકૃત સાંખ્યદર્શનમાં પ્રકૃતિ, પુરુષ (જીવ)નું અને પતંજલિઋષિકૃત યોગદર્શનમાં યોગસાધના, ધ્યાન, સમાધિ આદિ વિષયોનું વર્ણન છે.

આમ ૪ વેદ, ૪ ઉપવેદ, ૪ બ્રાહ્મણ ગ્રંથ, ૬ આરણ્યક ગ્રંથ, ૧૦ ઉપનિષદ, ૬ વેદાંગ અને ૬ દર્શન મળીને ૪૦ તો મુખ્ય શાસ્ત્ર થયાં. ઉપરાંત બીજાં ૯૮ ઉપનિષદ ઉમેરીએ તો કુલ ૧૩૮ શાસ્ત્ર થયાં. આ બધાં શાસ્ત્રો મુખ્યત્વે વેદ પર આધારિત ગ્રંથો છે, જેથી “વૈદિક સાહિત્ય” તરીકે ઓળખાય છે. મોટેભાગે આ ગ્રંથો મૂળ રૂપમાં સચવાઈ રહ્યા છે અને તેમાં મોટે ભાગે આધ્યાત્મિક જ્ઞાન પર વધારે ભાર આપવામાં આવ્યો છે.

આ “વૈદિક સાહિત્ય”ની રચના પછીના સમયમાં પણ આપણા ઋષિઓએ ૧૦૦થી પણ વધારે સ્મૃતિગ્રંથો, ૧૦૦થી પણ વધારે સંહિતાઓ, ૧૮ પુરાણો, ૧૮ ઉપપુરાણો, અનેક સુત્રગ્રંથો, અનેક પ્રાતીશાખ્ય, મહાભારત જેવા લગભગ ૪૦૦થી પણ વધારે ગ્રંથો રચેલા છે. આ બધા ગ્રંથોનો પણ શાસ્ત્રોમાં સમાવેશ થાય છે. આ ગ્રંથોની રચના મનુષ્યને કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ કરાવવા માટે થયેલ છે અને તેમાં કૌટુંબિક, સામાજીક, ધાર્મિક અને રાજનૈતિક નિયમોનું વિધાન છે. પાછળથી રચાયેલા આ ગ્રંથોમાં ધાર્મિક ભાવના, કર્મકાંડ, ક્રિયાકાંડ, કૌટુંબિક અને સામાજીક વ્યવહાર, વર્ણવ્યવસ્થા વિગેરે બાબતોનું વર્ણન પણ કરેલું છે.

આમ પાછળથી રચાયેલા આ ગ્રંથોમાં આધ્યાત્મિક જ્ઞાન કરતાં ધાર્મિક અને સામાજીક વિષયો પર વધુ ઝુકાવ છે. ઉપરાંત સમયે સમયે આ ગ્રંથોમાં સુધારા-વધારાની ભેળસેળ થતી રહી છે, જેથી આ ગ્રંથોમાં કોઈવાર ઋષિઓના મૂળ ઉપદેશનું બદલાયેલું અને કયારેક વિકૃત થયેલું સ્વરૂપ પણ જોવા મળે છે.

હવે આપણે જોઈએ એક રસપ્રદ સરખામણી કે આપણો વૈદિક ધર્મ તથા દુનિયાના અન્ય ધર્મ અને આપણા દેશના અનેક સંપ્રદાય ક્યારે ક્યારે રચાયા છે (સંદર્ભ: દર્શન યોગ મહાવિદ્યાલય, રોઝડ, જી. સાબરકાંઠા દ્વારા પ્રકાશિત સાહિત્ય):

* વૈદિક ધર્મન : લગભગ ૧૯૬ કરોડ વર્ષ પૂર્વે
* રામાયણ કાળ : લગભગ ૧૦ લાખ વર્ષ પહેલાં
* મહાભારત કાળ : લગભગ ૫૨૦૦ વર્ષ પહેલાં
* હિંદુ મૂર્તિપૂજાની શરૂઆત : લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં
* શંકરાચાર્યનો સમય : લગભગ ૨૩૦૦ વર્ષ પહેલાં
* હિંદુ પુરાણોનો સમય : લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાં
* પારસી ધર્મ લગભગ : ૪૫૦૦ વર્ષ પહેલાં
* યહૂદી ધર્મ લગભગ : ૪૦૦૦ વર્ષ પહેલાં
* જૈન અને બુદ્ધ ધર્મ : લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં
* ખ્રીસ્તી ધર્મ લગભગ : ૨૦૦૦ વર્ષ પહેલાં
* મુસ્લિમ ધર્મ લગભગ : ૧૪૦૦ વર્ષ પહેલાં
* શીખ ધર્મ લગભગ : ૫૦૦ વર્ષ પહેલાં
* બ્રહ્માકુમારી, રાધાસ્વામી, ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય, આનંદમાર્ગ સંપ્રદાય જેવા અનેક સંપ્રદાય લગભગ : ૧૦૦ થી ૧૫૦ વર્ષ પહેલાં