ઋગ્વેદમાં સામાન્ય મહિમા ધરાવનાર વિષ્ણુ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ દેવ ગણાયા!

2

|| ઋગ્વેદ ||

|| ઋગ્વેદમાં સામાન્ય મહિમા ધરાવનાર વિષ્ણુ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ દેવ ગણાયા! ||

ઋગ્વેદ (સંસ્કૃત: ऋग्वेद:) ભારતીય પ્રાચીન વૈદિક સંસ્કૃત સ્તોત્રોનું સંકલન છે અને સનાતન ધર્મ (હિંદુ ધર્મ)ના પવિત્ર ચાર વેદો પૈકીનો એક છે. ઋગ્વેદ વિશ્વનો સૌથી જુનો ગ્રંથ છે, જે હજુ પણ વપરાય છે. ઋગ્વેદ ભારતીય-યુરોપીય ભાષામાં લખાયેલ વિશ્વનું સૌથી જુનુ લખાણ છે. ઋગ્વેદમાં ૧૦૨૮ સુક્ત છે, જેમાં દેવતાઓ ની સ્તુતિ કરેલી છે. તથા આમા દેવતાઓને યજ્ઞમાં આહ્વાન કરવા માટે મંત્રો છે, આજ સર્વ પ્રથમ વેદ છે. ઋગ્વેદને દુનિયાના સર્વ ઇતિહાસકાર સૌથી પહેલી રચના માને છે.

પ્રત્યેક દેવને પોતાનું આગવું સ્વરૃપ હોય છે. એ સ્વરૃપના અમુક લક્ષણો હોય છે અને એ લક્ષણો દ્વારા એમનું વિશિષ્ટ દૈવત્ય પ્રગટ થતું હોય છે. ભગવાન વિષ્ણુની એ પ્રસિદ્ધ સ્તુતિનું અહી સ્મરણ થાય છે.

‘શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં,
વિદ્યાધારં ગગનસદ્દશં મેઘવર્ણં શુભાગંમ્,
લક્ષ્મીકાંત કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં,
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકિકનાથમ્.’

‘શાંત આકૃતિવાળા, શેષનાગ ઉપર શયન કરનારા, નાભિમાં કમળ ધારણ કરનારા, દેવોના દેવ, જગતના આધાર, આકાશ જેવા, વાદળના રંગ જેવા, સુંદર અંગવાવા, લક્ષ્મીજીના સ્વામી, કમળ જેવા નેત્રવાળા, ધ્યાન દ્વારા યોગીઓને પ્રાપ્ત થનારા, સંસારના ભયને હરનારા અને સર્વ લોકના એકમાત્ર નાથ એવા શ્રીવિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું.’

આ સ્તુતિમાં ભગવાન વિષ્ણુનું સમગ્ર સ્વરૃપ પ્રગટ થાય છે. અગાઉ જોયું તેમ ‘ઋગ્વેદમાં’ ત્રાણું સ્થાનોમાં ભગવાન વિષ્ણુનો ઉલ્લેખ થયો છે. વૈદિક દેવોમાં વિષ્ણુ અને શિવ એ બે જ દેવો પ્રત્યે આપણા દેશમાં અગાધ ભક્તિભાવ દ્રષ્ટિગોચર થાય છે. વળી નોંધપાત્ર બાબત એ છે કે શિવ અને વિષ્ણુ બંનેની સમય જતાં માનવ- આકૃતિ રૃપે ઉપાસના થતી રહી અને સવિશેષ તો શિવ અને વિષ્ણુના વિવિધ અવતારો પણ જોવા મળે છે.

વેદોમાં રૃદ્રશિવની વાત આવે છે અને આપણે જાણીએ છીએ તેમ એ પછી શિવની માનવઆકૃતિ મળે છે. અને આજે સર્વત્ર એ માનવઆકૃતિની શિવભક્તો પૂજા- ઉપાસના કરે છે, એવી જ રીતે ભગવાન વિષ્ણુ પણ સમય જતાં અને સવિશેષ તો વૈષ્ણવ સંપ્રદાયમાં માનવ આકૃતિ રૃપે પૂજાવા લાગ્યા. પુરાણોમાં વિષ્ણુના વિવિધ અવતારો વર્ણાવાયા છે. આમ ‘ઋગ્વેદ’માં પ્રમાણમાં ઓછો મહિમા ધરાવનાર વિષ્ણુ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ ગણાયા છે. ‘ઋગ્વેદ’ના સૂક્તોમાં વિષ્ણુનું આંશિકરૃપે નિરૃપણ થયું છે. તેઓનું આગવું સ્વરૃપ કે વિશિષ્ટ કાર્યોનું વર્ણન ‘ઋગ્વેદ’માં મળતું નથી, માત્ર ઇંદ્રના સહાયક રૃપે તેમજ સુર્યના એક સ્વરૃપ તરીકે એમનું વર્ણન પ્રાપ્ત થાય છે.

આવા ભગવાન વિષ્ણુને ‘નારાયણ’ તરીકે સંબોધવામાં આવે છે. ‘નારા’ એટલે પાણી અને ‘અયન’ એટલે નિવાસસ્થાન અર્થાત્ પાણી પર જેમનો નિવાસ છે તેવા આનો મર્મ સમજવા માટે ધર્મગ્રંથોમાં કરવામાં આવેલા જલના મહિમાનો વિચાર કરવો જોઇએ. આજે આપણને આશ્ચર્ય થાય એ રીતે એ સમયે જલનો મહિમા કરવામાં આવ્યો હતો. એ જલને કલ્યાણકારી અને ઔષધરૃપે જોવામાં આવ્યું છે. ‘ઋગ્વેદ’માં (૧૦ ૧૩૭ ૬ ) જલને બધા રોગોની એકમાત્ર દવારૃપે દર્શાવ્યું છે, તો ‘છાંદોગ્ય ઉપનિષદ’ (૭-૧૦-૧)માં તો કહ્યું છે કે ‘અન્નની અપેક્ષાએ જલ ઉત્કૃષ્ટ છે. તો બીજી બાજુ એ જલને સંતાનને દૂધ આપતી માતા સમાન ગણીને યજુર્વેદમાં કહ્યું છે કે ‘જેમ માતા પોતાના સંતાનને દૂધ પીવડાવે છે, એ જ રીતે હે જળ, તમારો ઉત્કૃષ્ટ કલ્યાણરસ અમને પ્રદાન કરો.’ અને અંતે ‘અર્થર્વવેદ’ (૧-૬-૧) અને ‘સામવેદ’ (૩૩)માં જલ પ્રત્યેની ભાવના પ્રગટ કરતાં કહ્યું છે.

‘શં તો દેવીરબિષ્ટય આપો ભવન્તું પીતયે ।
શં યોર ભિ સ્ત્રવન્તુ ન: ।’

અર્થાત્ ‘અમને ઇચ્છિત સુખ આપવા માટે જળ કલ્યાણકારી હો. પીવાને માટે સુખદાયી હો. અમને સુખ અને શાંતિ આપતો જળપ્રવાહ વહ્યા કરે. ‘
આવા જલ પર ભગવાન વિષ્ણુનો નિવાસ છે. જલની સાથે શુદ્ધિનો ખ્યાલ પણ સંકળાયેલો છે. માત્ર વેદોમાં જ નહી, પરંતુ યહૂદી ધર્મના ‘ઓલ્ડ સ્ટેટામેન્ટમાં પણ કહ્યું છે.
‘એમાં પરમેશ્વરના ભક્તને અનુસાર વ્યક્તિએ સાતવાર ડૂબકી મારી અને એનું શરીર બાળક જેવું બની ગયું અને એ શુદ્ધ થઇ ગયું.’ આનો અર્થ એ શુદ્ધિ અને પાપનાશ માટે જલની આવશ્યકતા છે. ભારતની પવિત્ર નદીઓમાં ડૂબકી મારવાથી અથવા સ્નાન કરવાથી પાપનાશ થાય છે, તે વાત તો સહુ કોઇ જાણે છે. સર્વપ્રથમ વેદ એવા ‘ઋગ્વેદ’માં તો ત્યા સુધી કહ્યું છે કે,

‘હે જળદેવતા, મારા હૃદયમાં જે કોઇ પાપ છે, તેને વહેવડાવી દેજો, મેં કોઇને દગો કર્યો છે, અપશબ્દ કહ્યા છે અને જુઠું બોલ્યો હોઉં એ બધું જ તમે મારા હૃદયમાંથી વહેવડાવીને લઇ જજો.’ (૧૦-૯-૮)

આ રીતે જલ એ નિર્મળ અને સ્વચ્છ જીવનનું પ્રતીક છે. વળી જલ શીતલ છે. આવી શીતળતા હોવાથી જ એ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન બની રહ્યું છે. પાણીની સપાટી સમાન રહેતી હોય છે. એમાં કોઇ ખાડા હોતા નથી, ઉંચું- નીચું કશું હોતું નથી અને આવી સમાન સપાટી હોવાથી તથા શીતળતા એનો ગુણ હોવાથી સ્વાભાવિક રીતે જ પાણી એ નવી શક્તિ અને સ્ફૂર્તિ આપનારું તત્વ છે. પાણીની નિર્મળતા અને સ્વચ્છતા માનવસ્વભાવમાં પ્રતિબિંબિત થવી જોઇએ. એ જેટલી વધુ પ્રતિબિંબિત થાય તેટલું જીવન પાવન બને. પાણી ક્યાંય ઊંચું નીચું જતું નથી. ઉપરતળે થતું નથી, એમ ભગવાન વિષ્ણુ પ્રત્યેના પ્રેમમાં પણ ધૈર્ય અને સ્થિરતા હોવા જોઇએ. ક્યારેય ઊંચા આવેગોવાળી ભરતી કે નિરાશાજનક ઓટ આવવી જોઇએ નહી.
જલનો મહિમાગાન પ્રાચીન ગ્રંથોમાં ઘણો થયો છે. ‘મહાભારત’ના સભાપર્વમાં મહર્ષિ વેદવ્યાસ તો કહે છે, ‘આ જલ પાસેથી માણસે જાણકારી પણ મેળવવી જોઇએ.’ જળ પાસેથી કઇ જાણકારી મળી શકે ?

તો મહર્ષિ વેદવ્યાસના કહેવા પ્રમાણે, ‘બીજાના હિત માટે આત્મદાન, સૌમ્યત્વ અને બીજા પ્રત્યે જીવનદાનની ભાવના જલ પાસેથી ગ્રહણ કરવી જોઇએ.’

આ જલને કોઇ આકાર નથી. પરંતુ કોઇ વાસણમાં મૂકો એટલે તે એ આકાર ધારણ કરે છે. ઇશ્વર પણ નિરાકાર છે, પરંતુ એ ધારે તેવા આકાર લઇ શકે છે.

‘નારા’ શબ્દનો અર્થ માનવસમુદાય પણ થાય છે, અર્થાત્ નારાયણ એટલે માનવ સમુદાય સાથે જોડાયેલા અને એ દ્રષ્ટિએ જોઇએ તો ભગવાન વિષ્ણુ કેટલાક મહત્વના યુદ્ધો સાથે જોડાયેલા છે. આવા યુદ્ધોમાં એમણે જનસમૂહના કલ્યાણઅર્થે રાક્ષસો અને અસૂરોને હણ્યા છે. જેમ કે, અંધકાસૂર દેવોને ખૂબ ત્રાસ આપતો હતો તેનો ભગવાન વિષ્ણુએ વધ કર્યો હતો અને એ જ રીતે નેમિ, રાહુ, વૃત્રાસૂર, સૂમાલી અને માલ્યવાન જેવા અસૂરોને પણ વિષ્ણુએ યુદ્ધમાં પરાસ્ત કરીને હણ્યા હતા.

વ્યાપક જનસમુદાયને સ્પર્શતા હોવાથી વિષ્ણુના અનેક અવતારો મળે છે. જેમ સરોવરમાંથી જુદા જુદા પ્રવાહો નીકળે, એ રીતે જુદા જુદા અવતારો જોવા મળે છે. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં જલપ્રલયથી મનુને બચાવનાર ‘મત્સ્ય’ તરીકે અને આદ્ય જલમાં ભ્રમણ કરનાર ‘કચ્છક (કૂર્મ)’ તરીકેનો નિર્દેશ મળે છે. સમય જતાં આ બંને સ્વરૃપો બે અવતાર તરીકે પ્રસિદ્ધ થયા. એ જ રીતે વરાહ અવતાર તે દુષ્ટોના સંહાર માટે, સજ્જનોના રક્ષણને માટે અને જનસમુદાયના હિતને માટે થયેલો છે.

‘હરિવંશ’ વગેરે પુરાણોમાં વિષ્ણુના ઘણાં અવતારો મળે છે. જ્યારે ‘ભાગવતપુરાણ’માં વિષ્ણુના બાવીસ અવતાર દર્શાવ્યા છે. જો કે પ્રચલિત પરંપરા પ્રમાણે મત્સ્ય અવતાર, કૂર્માવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામનો અવતાર તથા રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કીના અવતાર દર્શાવવામાં આવ્યા છે. આ અવતારો દ્વારા અનિષ્ટ તત્વોનો નાશ અને ધર્મની સ્થાપનાનું કાર્ય વિષ્ણુએ કર્યું છે. શ્રીમદ્ ભગવત્ ગીતામાં કહ્યું છે તેમ ‘જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ થાય છે ધર્મના રક્ષણ માટે હું અવતાર ધારણ કરું છું.’ આ રીતે ભગવાનવિષ્ણુ એ જનસમુદાયના કલ્યાણકારી દેવ છે.

Leave a comment