વૈરાગ્યમેવાભયમ્

1

||વૈરાગ્યમેવાભયમ્||

હવે વધુ શું કહું? અને કહેવા બેસીએ તો સંસારની ભીષણતાના વર્ણનનો પાર આવે એમેય ક્યાં છે?
માટે ટુંકીને ટચ એક જ વાત સમજી રાખવા જેવી છે કે…
માનવ-અવતાર પામીને… કેવળ એક જ કામ કરવા જેવું છે. જૈનધર્મનું સેવન..!
હવે ક્યાંય તરફડીયાં માર્યા સિવાય આ જૈનધર્મની નાવ પકડી લેવા જેવી છે. હા, હાથમાં આવેલી આ નાવ ફરી મળવી મુશ્કેલ જ નહિ મહા-મુશ્કેલ છે.
આથી હવે કશોય વિચાર કર્યા સિવાય એનો આશ્રય લઈ લો..!
બસ… પછી કોઈ ફિકર નહિ રહે. એમાં બેસી ગયા એટલે સમજી લ્યો…
ખૂબ ઝડપથી આ નાવ… સંસાર સમુદ્રના કિનારે મૂકી દેશે અને કિનારે પહોંચ્યા એટલે પછી બંદાને કશોય ભય નહિ… અપાર સુખ – અમાપ આનંદ… અને અનુપમેય સમાધિ!
ત્યાં નહિ ક્યાંય અથડાવાનું… નહિ કૂટાવાનું… નહિ રડવાનું… નહિ રળવાનું… ન કલેશ… ન કંકાસ… ન વિષાદ… ન વિવાદ…. આ જ એક અપવાદ છે કર્મરાજની પરેશાનીનો…
હા; ‘જ્યોતમાં જ્યોત મિલી જબ અનુપમ, વિરમી સકલ ઉપાધિ’નો સાક્ષાત્કાર એટલે જ આ કિનારો…

||વૈરાગ્યમેવાભયમ્||

સંસારની ગતિ ચાર…એમાં વેદના અપાર…
એક-એક ગતિનું વર્ણન જોઈ ગયા… પ્રત્યેક ગતિનું વાસ્તવિક દર્શન કરી લીધું છે… ક્યાંય સુખી…! શાન્તિ..! સમાધિ?
એક પણ ગતિ સુરક્ષિત નથી…! પ્રત્યેક ગતિમાં જનમધારી લીધે…!
અને પ્રયત્ન કર્યો સુખ મેળવવા… પણ દુઃખના દાવાગ્નિથી દાઝ્યા સિવાય ક્યાંય ન રહ્યાં… જ્યાં ગયા ત્યાં આગ જ આગ..!
દાઝવાનું… શેકાવાનું… ને પીડાવાનું…
સંસાર એટલ જ જાણે અનંત દુઃખોનો જબરદસ્ત દાવાનલ…
સુખનો કશોય અનુભવ નહિ! આવા રૌરવ સંસારમાં સંતપ્ત આત્માઓ પ્રતિ દયાભીના જ્ઞાાનીભગવંતો પોકાર કરે છે.
પુણ્યાત્માઓ! અહીં આવે… સંસારના દાવાનળથી દાઝવું ન હોય તો… આવી જાઓ…! અહીં… ખૂબ સરસ ઉપાય છે…
જિનેશ્વર ભગવંતે બતાવેલા અને ઉચ્ચારેલાં વચનોથી કુંડમાં એક વાર ડૂબકી લગાવી જૂઓ… એકવાર આ કુંડનું સેવન કરો…
હા, નર્યું અમૃત ભર્યું છે આ કુંડમાં..! નરી શીતલતાનો અનુભવ થશે..
આ કુંડમાં…! સમસ્ત સંસારમાં આ એક જ સ્થાન છે જ્યાં દાઝવાનું કોઈ દુઃખ નહિ ને ભાગવાનો કોઈ ભય નહિ..!
અનન્ત આત્માઓ આ અનુભવ કરી ચૂક્યા છે… તમો પણ આવો અને અપૂર્વ મોજ માણો કુંડસ્નાનની…

||વૈરાગ્યમેવાભયમ્||

આ એક એવા મેરૃધર દેશની કલ્પના છે કે જ્યાંની જમીન રેતી સિવાય કશું જ નથી…
નાંખી નજર ન પહોંચે ત્યાં સુધી રેતી જ રેતી પથરાએલી છે…
ચારે તરફ એક જ દૃશ્ય…
આકાશ ધરતીને મળે ને ધરતી આકાશને ભેટે..!
ન કોઈ… વટવૃક્ષ… કે ન કોઈ પીપલવૃક્ષ!
ઝાડી – ઝાંખરા પણ નહિ… અરે! જમીન પર સૂકું ઘાસ પણ નહિ.
બસ, જે કહેવું હોય તે કહો… માત્ર રેતીને…!
આવા રેગિસ્તાનની પ્રદેશ પર વૈશાખ-જેઠ મહિનાનો બપોરનો તાપ વરસી રહ્યો છે. ને એ તાપમાં રેતીનાં કણ ચમક ચમક ચમકી રહ્યાં છે.
પાણીની માત્ર ભ્રાન્તિ ફેલાવે છે… બાકી પાણીનું એક બિંદુ ય ન મળે…
ધોમધખતા આવા રેગિસ્તાન પર કોઈ આદમીને મૂકી દેવામાં આવે.. તો શી વલે થાય એ આદમીની? કહેવાની જરૃર ખરી?
પગે ફોલ્લા પાડતા રેતીના એ તાપથી બચવા કેવાં વલખાં મારે? અને કેવી ભાગદોડ મચાવે. એવે વખતે સામાન્ય બાવળિયાનું ઠૂંઠુંય મળી જાય તો ય કેટલો આનંદ? પાર વગરનો? અને જો ઘટાદાર કલ્પવૃક્ષનો જ ભેટો થાય તો એ આત્મા આનંદની સીમા જ વટાવી જાય ને?
સંસારનું નગ્ન સ્વરૃપ પણ આવું જ છે… આધિ-વ્યાધિ અને ઉપાધિની રેતી પથરાયેલી છે અને ઉપરથી તપે છે કર્મરાજનો તાપ..!
કેવી અસહ્ય સ્થિતિ? આવી સ્થિતિથી બચાવવા જિનેશ્વર પરમાત્માએ ધર્મરૃપી કલ્પવૃક્ષ દર્શાવ્યું છે… કહે છે કે… સંસારના સંતાપથી બચવા આ કલ્પવૃક્ષનો આશ્રય લો.

||વૈરાગ્યમેવાભયમ્||

મીયાં અને મહાદેવ જેવો ઘાટ….
એટલે… શરીર અને આત્માનો સંબંધ !

શરીર અને આત્મા આ બે ય એકબીજાથી વિમુખ, બંનેના રસ્તા ન્યારા અને નિરાલા… એક છે અવિનાશી.. જેનો ક્યારેય નાશ નહી થવાનો… બીજું છે વિનાશી.. સદૈવ નાશ પામ્યા કરનારું..

એક છે સત્-ચિદ્ અને આનન્દમય ! જ્યારે બીજું છે લોહી માંસ- ચરબી અને પરુની ગંધાતી ગંદકીથી અશુચિમય !

એક છે ચૈતન્ય લાગણીશીલ તત્વ ! બીજું છે સાવ જડલાગણીવિહીન તત્વ !

ક્યાં અને કેવી રીતે મેળ જામે આ બેનો ? મિયાં મહાદેવ જેવો ઘાટ છે ને ?
છતાં ય આશ્ચર્ય છે કે આ બંને ય તત્વ એકબીજાના પરમ મિત્રની જેમ જોડાયાં છે.. અનાદિકાળથી એક બીજાને બાથ ભીડીને આ બંને તત્વો ઓતપ્રોત બનેલા છે.

હા, સોનાની ખાણમાં જેમ સોનું અને માટી એક બીજા સાથે મેળ પામીને રહેલા છે એમ જ !

આત્મા પોતાનું સ્વરૃપ ભૂલીને અણજાણ બનીને એવી એવી પ્રવૃત્તિઓ આદરી રહ્યો છે કે જેના કારણે એ કર્મ- મેલથી લેપાઇ રહ્યો છે ! એ કર્મ મેલ પોતાને શરીરની ગંદી કોટડીમાં પૂરી દે છે. જ્યાં આત્માને અનંત દુઃખો અને ત્રાસ ભોગવવો પડે છે..

છતાં ગુમભાન આ આત્મા ગંધાતી એ શરીર કોટડીથી પ્યાર કરે છે… ના એને જ સુખકારી ઇચ્છે છે. અને એને જ ચિંતવે છે. શરીરના સુખે એ સુખ માને છે અને શરીરના દુઃખે દુઃખ ભોગવે છે.

પણ આંખ ખોલવાની જરૃર છે અને વિચારવાનું છે કે શરીર એ તો કર્મરાજાએ દીધેલી જાલિમ જેલ છે. આ જેલને નુકસાન થતું જોઇ મારે કેમ જલવું ? મારે અને જેલને શી નિસ્બત ? હું તો અજર અમર અને શાશ્વત છું. જ્યારે જેલ મારાથી તદ્દન વિપરીત છે. માટે હવે જાગ્રત થાઉં અને આ જેલથી મુક્ત બની મારા સ્વરૃપમાં મસ્ત બનવા કોશિશ કરું !

|| વૈરાગ્યમેવાભયમ્ ||

એ તો દુનિયામાં પણ જોવા મળે છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કોઇ પણ જાતનો સંબંધ બાંધે છે ત્યારે એ સર્વ પ્રથમ જાણી લે છે કે સામેની વ્યક્તિ ક્યાંની છે ? કઇ જાતની છે ? ક્યાંથી આવેલી છે અને ક્યાં જનાર છે ??? સામેની વ્યક્તિનો સામાન્ય આટલો પરિચય મેળવ્યા પછી જ એની સાથે કોઇ પણ જાતનો સંબંધ બાંધવાની પદ્ધતિ દુનિયામાં નજરે ચઢે છે ! પહેલાં પરિચય, પછી પ્રેમ ! પણ… અહી તો એક અજબનું આશ્ચર્ય પથરાયેલું છે. જેની સાથે આખી જિંદગીભરનો સંબંધ બાંધ્યો છે. જેના પર સંપૂર્ણ વિશ્વાસ સાથે જ વ્યવહારની આપ- લે થાય છે એ વ્યક્તિ ક્યાંથી આવી ? ક્યાં જનાર છે ? અને ક્યાં ગઇ ? એનો પરિચય સુદ્ધાં નથી.

અરે ! ભૂલ્યો ! પોતાનો જ જેને પરિચય નથી ! પોતે ક્યાંથી આવ્યો ? ને ક્યાં જનાર છે ? એને જ જાણકારી નથી… એ વ્યક્તિ બીજાનું તો શું જાણી શકે ? પોતાનો જાણકાર જ બીજાને જાણી શકે ને ? અહી તો પોતાની ય જાણકારી નથી ને પારકાની ય નહિ !

છતાં ય એ આંધળો બનીને બધા સાથે સંબંધ બાંધી બેઠો છે ! થોડા સમય પૂરતો જ નહિ, જિંદગીભરનો ! જિંદગીભરનો ! અને એ ય એવો મમતાભર્યો કે એ વ્યક્તિઓની પાછળ પોતાના શરીરનું અને પોતાના જીવનનું સમૂળગું નૂર નીચોવી રહ્યો છે.

એ એટલું પણ વિચારતો નથી કે અજાણી આ વ્યક્તિઓ સાથે મેં સંબંધ બાંધ્યો ખરો, પણ એનું પરિણામ શું ? એ લોકોથી મને કશો લાભ ખરો ? જો ના… તો… પછી એ મારા કુટુંબીઓ કેવી રીતે ? અને મારા પરિવાર તરીકે પણ શી રીતે માની શકાય ? જો એ ઓ તરફથી મને કશો લાભ જ નથી તો !!!

|| વૈરાગ્યમેવાભયમ્ ||

ક્યા સારભૂત તત્વની અપેક્ષા છે એ દેહ પાસે ? ક્યાંય દુર્બલતા ન દેખાય એવી શું એની પુષ્ટતા ? એની સામે બીજાને ટગર ટગર જોવાનું મન થયા કરે એવું શું એનું સૌન્દર્ય ? ગમે ત્યાં એ પહોંચી જાય છતાં એની સામે કોઇ જ ટક્કર ન ઝીલી શકે એવી શું એની બલવત્તા ?

શું એની નીરોગિતા ? ના… આ દેહ પાસે આવી અપેક્ષા રખાય જ નહિ. અત્યારે આવી બધી જ ગરિમાઓથી ભરેલી આ કાયા ભરબજારમાં મહાલતી દેખાય છે. નખમાં ય રોગ જણાતો નથી. અને ક્ષણવાર પછી એના સમાચાર આવે છે કે એ કાયા ઢળી ગઇ. ત્યારે વિચાર આવે છે કે કાયાનો કયો સાર હાથમાં આવ્યો ? ત્યારે માનવ જીવનનું પણ આવું જ છે ! આકાશના આંગણે આળોટતા પેલા વાદળ- દળ જેવો જ જાણે અલ્પજીવી !

ઘનઘોર ઘટા ફેલાવીને જાણે આખી દુનિયાને પોતાનામાં સમાવી દેવાની ઝંખના સેવતાં એ વાદળ દળ વાયુના એક જ ઝપાટે ક્યાંના ક્યાંય વિલીન થઇ જતાં હોય છે. આવો જ અલ્પસ્થાયી આ માનવ- ભવ છે. વિધ્નનો વાયુ ફૂંકાતાં જ આ ભવની હસ્તી નાબૂદ બની જતી હોય છે.
એટલે ક્ષણભંગુર છે આ શરીર.. અને મર્યાદિત છે આ અવતાર..

છતાં છે આ બંને ય દુર્લભ ! કારણ કે આ બે પાસે એક અદ્ભૂત સાર સમાએલો છે. એક અદ્ભૂત રહસ્ય રહેલું છે.
એ છે ધર્મ !

ધર્મ કરવાની કાબેલિયત જેવી આ શરીર અને આ અવતારને વરેલી છે. એવી બીજા કોઇ શરીર પાસે કે બીજા કોઇ અવતારમાં નથી.
આથી જ ધર્મકરણી એ જ આ બંનેનું સારતત્વ છે, એ સિવાય બાકીનું બધું જ અસાર છે. ફેંકી દેવાના કચરા જેવું !

|| વૈરાગ્યમેવાભયમ્ ||

મહા-મહેનતે મળેલી મોંઘી ચીજ હાથમાં આવી ગયા પછી પણ જો એનો લાભ ન ઉઠાવાય અને એ વિફળ અને નિષ્ફળ બની રહે તો ડાહ્યો અને સમજદાર પુરુષ ચેનથી બેસી શકતો નથી.
એના દિલમાં ઉઠેલી અફસોસની હૈયાવરાળ એને આકુળ-વ્યાકુળ અને બેચેન બનાવી દે છે.
એને અફસોસ છે કે મળેલી મોંઘી ચીજની પોતે કદર નથી કરી શકતો. આવું જ મોંઘુ અને મહા-મહેનતે મળેલું જીવન છે. આ માનવભવનું!
નાના એવા આ જીવનની પસાર થતી એક રાત્રિ કે દિવસ ભૂતકાળ તરફ વહી રહ્યા છે લાખ પ્રયત્ને પણ વહી ગયેલી રાત કે દિવસ હવે પાછા આવનાર નથી.
ખારા સમુદ્રમાં મળી ગયેલું અમૃતનું બિન્દુ શું પાછું મળી શકે?
ના…! હાથની અંજલિમાં રહેલું પાણી જેમ ખૂટતું જાય છે તેમ જીવનના અમૃતબિન્દુ સમા દિવસ અને રાત ભૂતકાળના ખારા સાગરમાં ટપકે જાય છે, ધર્મકરણી વિના એ વિફળ અને નિષ્ફળ બન્યે જાય છે.
છતાં બેપરવાહ આત્માને એની કશી કદર નથી.
કો’ક તો એને સમજાવો…
આત્મન્! આવું ગાંડપણ શીદ આદર્યું છે? જેના માટે આવું મોંઘુ જીવન મેળવ્યું… તે ઉદ્દેશને જ તેં ઉડાવી દીધો? અને નહિ કરવાના પરાયાં કામોમાં જ દિવસ રાત ગુમાવી રહ્યો છે?
શાણા! જરા સમજ! ફરી ક્યારે મળશે આ જીવન! ફરી ક્યારે પીવા મળશે આ અમૃતના ઘૂંટ? છતી સાધન સામગ્રીએ તું આંખ મિંચામણા કરે છે?
યાદ રાખજે ભલા! વધુ તો શું કહું? તારી વહી જતી આ અમૃતક્ષણો ફરી આવનાર નથી. આમને આમ અધર્મભર્યા જીવનજલ પૂર્ણ થશે ત્યારે ઘૂંટણ વચ્ચે માથું દબાવીને પસ્તાવા સિવાય કંઈ જ તારા હાથમાં નહિ રહે.

|| વૈરાગ્યમેવાભયમ્ ||

વાયદો ફાયદો કરાવે છે માત્ર વર્તમાન કાલે! બાકી વાયદાનો કાયદો ભાવિમાં કશોય ફાયદો નથી દેતો, બલ્કે નુકસાન નોંતરે છે!
આ અનુભવ સિદ્ધ વાત હોવા છતાં પણ ધર્મ-કરણી વખતે જ્યારે ને ત્યારે વાયદાનો જ છાંયડો પકડીને જવાબ દેતા હોય છે. ‘આજ રહેવા દ્યો, આવતી કાલ કરશું!’
પણ વર્તમાન કાલે જ મીઠો મધ જેવા લાગતો વાયદાનો છાંયડો પૂરો થાય છે અને મુદત આવી ઊભે છે ત્યારે એ જ દીધેલો વાયદો કડવો વખ જેવો લાગતો હોય છે. અનુભવ સિદ્ધ આ વાત હોવા છતાં શા માટે લોકો વાયદા કરતા હશે?
હા, કદાચ કુકાર્ય કરવામાં વાયદો દેવાતો હોય તો તે સારું કહી શકાય. પરંતુ આત્માને ઊંચે ઊઠાવનારાં ધર્મકાર્ય વખતે શું કામ? શું વાયદો દેનારા એ આત્માઓને મૃત્યુ સાથે મૈત્રી છે? દોસ્તી છે કે જેથી પોતાના વાયદો પાળવા માટે વચમાં આવતા મૃત્યુને પોતાનું કહ્યું મનાવી દૂર હડસેલી શકે અને પોતાનો વાયદો પાળી શકે?
અથવા શું એવી કોઈ અમર જીવા એણે શોધી કાઢી છે કે જેથી મૃત્યુ સમયે શોધેલી એ જીવાએ પહોચી જવાથી મૃત્યુથી બચી શકાય એને દીધેલો વાયદો પાળી શકાય?
અથવા પોતાને એવું જ્ઞાાન થઈ ગયું છે કે હું મરવાનો જ નથી. હું અમર છું અને આથી પોતાનો દીધેલો વાયદો બરાબર નભાવી શકશે!
હાસ્તો, આવી અજબ વ્યક્તિ સિવાય તો કોણ જ કહી શકે કે ‘હું હમણાં નહીં પછી કરીશ’ કારણ કે મૃત્યુ તો અનિયત કાલે પણ સુનિશ્ચિત છે!

|| વૈરાગ્યમેવાભયમ્ ||

કેટલો બધો મોહ છે તને ?
કેટલી બધી દરકાર કરે છે તું ?
તારા કુટુમ્બ પાછળ અને તારા પરિવાર પાછળ !
તારું આખું જીવન કુરબાન કરી દેતો જણાય છે એ વ્યક્તિઓ પાછળ…પણ મને લાગે છે તું ભૂલભૂલામણીમાં છે !
તને એ ખ્યાલ નથી કે તારું આ કુટુમ્બ અને તારો પરિવાર એ તારા વશમાં નથી ! તારા કહ્યામાં નથી…
મને લાગે છે કે તું એમ જ માને છે કે મારો આખો આ પરિવાર મારાથી જ ચાલે છે… હું ન હોઉં તો મારા કુટુંબ- પરિવારનું ભરણપોષણ અટકી જાય… મારે મારા કુટુમ્બ – પરિવારને સુખી બનાવવો છે.. એમને જરા ય દુઃખ ન પડે એવી વ્યવસ્થા મારે કરવી છે અને એ માટે હું પ્રયત્નશીલ છું…
પરન્તુ ! આત્મન્ ! આ તારી જબરદસ્ત અજ્ઞાન દશા છે ! તારા હાથમાં કશું નથી છતાં તું તારી જાતને સર્વેશ્વર માને છે ! પણ… યાદ રાખજે, જ્યારે પેલા ક્રૂર કર્મરાજાની કરપીણ નજર ત્રાટકશે ત્યારે તારા મનની મનમાં રહી જશે… ત્યારેતું કોઈને ય નહિ બચાવી શકે ! એ કર્મરાજ તો તારા આખા કુટુમ્બને છિન્નભિન્ન કરી નાખશે…
એ ઉપાડશે તારા વહાલસોયા પુત્રો ને એને ફેંકશે ક્યાંના ક્યાંય ન જાણે કઈ ગતિમાં ? એ ઉપાડશે તારી પ્યારભરી પત્નીને અને એને ય ન માલુમ ક્યાંય ધકેલશે… ! તારી પુત્રીને તે ક્યાં ફેકશે… અને તને ય બાકી નહીં રાખે, તને ય એવી લાત પડશે કે તું ય ક્યાંય જઈને પડીશ ! તારા પ્રેમપાત્ર સમા આખા કુટુમ્બના હાલ- બેહાલ કરી નાખશે…
ભૂતને બલિબાકળા દેવાય છે ને ? ત્યારે શું એ બાકળા પોતાની ચાહેલી જગ્યા પર પડે છે ? આવી જ દશા કર્મરાજ આપણા પરિવારની કરે છે..માટે પરિવારથી પરવારી પોતાનું સુધારવું એ જ ખરું ઇષ્ટ છે !

|| વૈરાગ્યમેવાભયમ્ ||

સંસારમાં વસતા મૂઢ આત્માઓની જુઓ આ વિષમ દશા ? અર્થ અને સંપત્તિ પાછળ એમને ઘેલું લાગ્યું છે ?એની પાછળ જ દોટ મૂકીને દોડી રહ્યાં છે. એ આશામાં કે… આ અર્થ અને આ સંપત્તિ આજે નહીં તો કાલે મળશે… ! કાલે નહીં તો આવતા વર્ષે તો જરૃર મળશે. અરે !
એ પછી તો અવશ્ય મળશે જ મળશે. અને આમ પોતાની દોટને વણથંભી બનાવે જ જાય છે. મળેલામાં સંતોષ નથી.. નહિ મળેલાની પાછળ હોંશ ધારે છે. અને આમ ને આમ એનો સમય વીતતો જાય છે. પણ… બિચારાને ખ્યાલ નથી.. કે આમ ને આમ મારી જિંદગી વહી જશે… હથેલીમાં રહેલું પાણી ટપક ટપક કરતું ટપકે જાય છે.. અને એક વખત હથેલી સૂકાઇ જાય છે… એ રીતે મારા આયુષ્યના એક એક
દિવસ ઓછા થતા જાય છે… આમ એક દિ’ આયુષ્ય પૂર્ણ થઇ જશે…! મારે અહીંથી રવાના થવું પડશે ઃ પછી શું ? ‘મળેલી આ મોંઘી જિંદગી શું આમ જ બરબાદ થઇ જશે ?’ બિચારા એ આત્માઓને આવો વિચાર સરખો પણ નથી આવતો… અને આશાના એ રાશના ફાંસામાં જ મૃત્યુને ભેટી જતા હોય છે… આદરેલી દોટનું કોઇ ફળ લીધા વિના જ… છે ને વિષમતા ?

||વૈરાગ્યમેવાભયમ્ ||

ધર્મકાર્ય કરવાની વાત આવે અને આવતીકાલ રેશમ જેવી સુંવાળી લાગી આવે છે… અને કહીએ છીએ કે કાલ કરશું… પણ ! આત્મન્ ! પ્રમાદના પનારે કાં પડે ! આળસને કાં પંપાળે ? અરે ! ધર્મકાર્ય તો આવતીકાલે કરવાનું હોય તે ય જલ્દી આજે જ કરી નાખવું જોઈએ…
અરે ! આત્મન્ ! તે માટે તો સવારના બદલે બપોરની પણ પ્રતીક્ષા કરવા જેવી નથી…! કોઈની ય રાહ જોયા વિના તુર્ત જ ધર્મકાર્ય તો કરી જ લેવું જોઈએ… સમયનો ભરોસો રાખ મા. મહા-મહેનતે મળેલો મોંઘો આ સમય વિપુલ વિઘ્નોથી ભરપુર છે… ક્યારે ક્યાં અને કેવા વિઘ્નોનું વાદળ ધસી આવશે ? ને શું કરી નાખશે ? કશું જ નહીં કરી શકાય. તું આશામાંને આશામાં બેઠો રહીશ ને અકસ્માતકો વિઘ્નવાદળી ધસી આવશે… એવી વરસી જશે કે તારી માંડેલી આશા નિરાશામાં ભળી જશે… ! તું જોતો જ રહીશ કે. ‘હેં ? શું થયું ?’ ને.. ખલાસ… મળી આવેલી સોનેરી તક તારા હાથથી સરકી જશે… તું હાથ ઘસતો જ બેસી રહીશ… ત્યારે પસ્તાવાનો પાર નહીં રહે…! આંસુની ધાર સતત વહી રહેશે…. આથી જ નક્કી કરી લે. ધર્મકાર્યમાં વિલંબ નહી નાખું…

|| વૈરાગ્યમેવાભયમ્ ||
ભલા આદમી આત્મન્ ! ચોરનો ભય ખાબક્યો હોય ત્યારે તો ઊંઘને કાબૂમાં લઈને ય જાગવું જ સારું છે! અને માથે કોઈપણ ભય તોળાયેલો હોય ત્યારે તો તે સ્થળેથી પલાયન, રફૂચક્કર થઈ જવામાં જ મોટું
 ડહાપણ છે! એવા અવસરે તો આરામ હરામ ગણાય છે… બાહ્ય ચોર અને બાહ્ય ભય માટે અપાતી આ સમજણ આંતરિક ચોર અને ભય માટે ધરાર આવકાર લાયકછે… ! આત્મન્ ! જરા આંખ ઉઘાડ! એક નજર તો નાખ તારી વર્તમાન સ્થિતિ પર! મજેથી તું નિંદર માણી રહ્યો છે અને બેફિકર બની આવાસ માણી રહ્યો છે પણ તારા સાથે કેવો ભય છે? કેવા ડાકુઓ તારી પાછળ તમંચો લઈને પડયા છે. એક નહિ, ત્રણ ત્રણ!
આવા અવસરે ચોકન્ના રહી જાગ્રત રહેવું જોઈએ અને કો’ક સલામત સ્થળે ભાગી જવું જોઈએ… હા, નહિ તો જરાક ગાફેલ રહ્યા કે રોગ નામનો ડાકુ તારી પર ત્રાટક્યો જ સમજ. એવા કો’ક રોગમાં તને પટકશે કે શું
તું ઊભો જ નહિ થઈ શકે. હા, નહિ તો અને એથી ય આગળ પેલી જરા રાક્ષસી (વૃદ્ધવસ્થા) જો ! જડબાં ફાડીને ઊભી છે… તારા જીવનની દોટ સીધી જ એના જડબાંમાં જેર થશે… ત્યારે… બચવું મુશ્કેલ નહિ અશક્ય બનશે… આ બેનો ભય કદાચ તને ઓછો લાગશે, પણ આત્મન્ ! પેલા મૃત્યુ પિશાચને જોયો? એનાથી તો કોઈ માઈનો લાલ બચ્યો નથી! મોટા મોટા રૂસ્તમો કેમ ન હોય ! પણ અહીં એમની રૂસ્તમગીરી રામશરણ જ બનતી હોય છે! આવા ત્રણ ત્રણ ડાકુઓ તારી પાછળ પડયા છે… સાવધાન જાગતો રે’જે! એકાદું ય ઝોકું ન આવી જાય… અને મૂઠી વાળીને દોડતો જ રહેજે. કો’ક સલામત સ્થાનને મેળવવા, આ ત્રણેય ના ભયથી છૂટવા…!
|| વૈરાગ્યમેવાભયમ્ ||
મારવાડની ભૂમિ પર ખટક્ ખટક્ કરતો ચાલી રહેલો રેંટ પોતાના માધ્યમથી એક વિલક્ષણ રેંટનો પરિચય જાણે આપી રહ્યો છે…આ રેંટ કુદરતના ખોળે સદૈવ ફરતો રહે છે… આપણે પ્રતિદિન જોઇએ છીએ પણ એને સમજ્યા નથી…
 ચાલોઃ સમજીએ !
 સમયરૃપી આ રેંટ છે! ન જાણે કૈક કાલથી ચાલતો આવ્યો છે.નથી એનો આરંભ કળાતો કે નથી એનો અન્ત કહેવાતો! અનાદિકાળથી ફરતો અને અનંતકાળ પર્યન્ત ફરનાર આ રેંટ સંસારની પોતાની આગવીદેન છે.
 સૂર્ય અને ચંદ્ર ! આ બંનેએ આ રેંટના બળદ બનવાનું કર્તવ્ય અદા કર્યું છે…અને અનવરત આ રેંટ ફેરવી રહ્યા છે.
 અજવાળાભર્યો દિવસ અને અંધારભરી રાત્રિ…! રેંટ પર વળગેલી આ બે જાતની ઘડીઓ છે… એક ધોળી છે તો બીજી કાળી…જીવરૃપી કૂવાની અંદર ભરેલા જીવનરૃપી પાણી આ બે ઘડીઓમાં ભરાય છે
અને સતત રેડાયા કરે છે…આમ આયુષ્યરૃપી પાણી પ્રતિપળ ઓછું થતું જાય છે ! વણથંભ્યો આ રેંટ જરા સરખો પણ અટકતો નથી એને અટકાવનાર પણ આ જગતમાં કોઇ નથી…
 પ્યાસા આત્મન્ ! જીવનનું જલ ખલાસ થાય ત્યાં સુધીમાં તારી પ્યાસ બુઝાવી દે…! સૂકા કંઠને ઠંડકથી ભરી દે…

|| વૈરાગ્યમેવાભયમ્ ||

પાછળ પડેલો કાળો પડછાયો ! કેમ ય હટતો નથી… સદા ય સાથે ને સાથે જ ! જ્યાં જાવ ત્યાં પડછાયાની હસ્તી તો હોય જ ! પણ ! પડછાયો તો એને જ કહેવાય ને ! પદાર્થ અને પડછાયો ક્યારેય છૂટા પડે ખરા ! એ તો કુદરતના ખીલે બંધાયેલી હકીકત છે.. પણ અહી એવા સામાન્ય પડછાયાની વાત નથી ! આ તો વિલક્ષણ પડછાયાની વાત છે.

જ્ઞાની પુરૃષો તો આ પડછાયાને સાક્ષાત કાળ તરીકે બિરદાવી રહ્યા છે. તેઓ કહે છે..આ પડછાયો માત્ર પડછાયો નથી…જો જો ભરમાતા…! પડછાયાના લેબાસમાં લપટાએલો આ તો કર્મરાજનો અવ્વલનંબરી ગુપ્તચર છે. જેવો એનો કાળો રંગ તેવો જ કઢંગ એનો ઢંગ છે. આત્માની પાછળ પડેલો આ ગુપ્તચર ભારે કાબેલ છે. કોઇપણ હિસાબે આ આપણો પીછો છોડે એવો નથી !

હજી કદાચ બીજા કોઇ ગુપ્તચરને ગફલતમાં નાંખી છૂટી શકાય પણ આની સામે તો ગમે તેવા રૃસ્તમની ઉસ્તાદી અને ચાલાકી જરા ય બર આવી શકે તેમ નથી. જરા ય જુદાઇ મળે તેમ નથી….

કેડે વળગેલો આ પડછાયો આત્માના છિદ્રો જ ગવેષી રહ્યો છે ! કાગડાની જેમ ચાંદા જ જોઇ રહ્યો છે. જરાક ગફલતમાં રહ્યા કે પંજામાં ફસાયા સમજો ! સો ય વરસ ત્યાં જ પૂરાં… આથી જ જ્ઞાની ભગવંતો પોકાર કરી રહ્યા છે ! સાવધાન ! ધર્મના ધવલગિરિના ઉત્તુંગ શિખરે ચઢી જાવ…હા, આ એક જ જગ્યા છે કે જ્યાં પેલા પડછાયાનો ય પડછાયો નથી ! પડછાયા મુક્ત જીવન જીવવાની આ એક માત્ર જગ્યા છે. જ્યાં આત્મ-મસ્તીની અનુપમ મોજ માણી શકાશે…

|| વૈરાગ્યમેવાભયમ્ ||

અનાદિકાળના વિરાટ કાળપટ પર સંસારની આ સૃષ્ટિ સરકયે જ જાય છે સરકયે જ જાય છે.. અને એની સાથે આત્મા પણ અવનવી દશાને પામતો જાય છે.
પણ મુસીબત એ છે કે આત્મા… એ દશાઓને દેખી શકતો નથી… ! એ દિશા તરફ જવા માટે એની નજર અંધ બની જાય છે..! એને દેખાય છે માત્ર વર્તમાન પર્યાય…!
એ એમ જ માને છે કે, મારી સ્થિતિ સદાકાળ માટેની આવી જ છે !
આવું સુંદર શરીર, પરિપૂર્ણ અને સક્ષમ પાંચેય ઇન્દ્રિયો અને એને મળતા સુખદ વૈભવો અને વિલાસો ! આ બધું છેકથી મારી સાથે જ છે અને મારી સાથે ઠેઠ સુધી રહેશે !
પણ આત્મન્ ! ભૂલી ગયો તું ! વર્તમાન કાળે મળેલી સ્થિતિએ તો કર્મે દીધેલો એક પર્યાય છે, એક દશા છે. પર્યાય હંમેશા પરિવર્તનશીલ છે એ તો ખબર છે ને ? આજે દેખાતો પર્યાય એક દિ’ વિનાશ પામવાનો જ અને આમ તારી દશા રોજબરોજ બદલાતી રહેવાની…
કર્મરાજ ઘડીકમાં ઊંચા શિખરે ચઢાવે તો ક્યારેક એવો ઝટકો મારે કે પટકાઇએ ઊંડી ખીણમાં…. ! એકેન્દ્રિયપણાની દશામાં કે જયાં તદ્દન મુફલિસ અવસ્થા !
બિચારું જીવન ! પરાધીન અને નિઃસહાય બની કપરાં દુઃખો સહીને પસાર કરવાનું એ જીવન. આવી દશા પણ કર્મને વશ થઇ આત્મા અનંતવાર પામ્યો છે અને વર્તમાન પર્યાયને સુધારીશ નહિ તો ભવિષ્યમાં પણ પામવી પડશે….
આથી જ એવું કોઇ કદમ ઉઠાવ, જેથી ભાવિમાં એવી દુઃખદ સ્થિતિ ડોકાય જ ના…!

|| વૈરાગ્યમેવાભયમ્ ||

એકદિલ બનેલા બાંધવો ને મન માનેલા મિત્રો ! મમતા ભરેલી માતાને પ્યાર પીરસતા પિતા ! પ્રેમનો પાત્ર ભરેલા પુત્રોને વહાલસોયી વલ્લભા…
કેવું સુખદ આ મિલન ?
ભલા ભલાને ઇર્ષ્યા આવે એવું.
સર્વતઃ સુખની સરવાણી છોડતી આ કેવી મનોહર મિલન વાવડી ? પોતાના સુખે સુખની અને પોતાના દુઃખે દુઃખની લાગણી રેલાવતાં આ સ્વજન-સંબંધીઓનો કેવો જોરદાર જામ્યો છે જમેલો !
સુમિલનની આ સિતાર પરથી સ્નેહ સંગીતની કેવી સૂરીલી સરગમ કર્ણ જોડીને મુશ્કરાવી રહી છે ! પરન્તુ…
ક્યાં સુધી ?
ક્યાં સુધી આ મિલનની માટલી મૌજુદ રહેવાની…
મૃત્યુનો એક જ દંડ મિલનની આ માટલી માટે બસ નથી શું ?
એક’દિ એવો ઉગશે કે મૃત્યુનો એક જ દંડ માટલીના માથે મંડાશેને મિલનની આ માટલી માટીમાં મળી જવાની….
ત્યારે માનેલી આ મિલનની મોજ વરાળ બની ઊડી જવાની.
મિલન બક્ષનારી એ દરેક સ્વજન વ્યક્તિ બહુ બહુ તો શ્મશાન સુધી તારો સાથ દેશે, ભૂલ્યો ! તને નહિ, તારા આ દેહને અને એ ય દેહને દાહ ન દેવાય ત્યાં લગી જ !
પછી તો એ ય હાથ ખંખેરી નાખશે અને હાથમાં પાણી લઇ તને જલાંજલિ દઇ દેશે…! એ દ્વારા તને અંતિમ અલવિદા દઇ દેશે. જાણે તારી સાથે કોઇ નાતો જ નો’ તો !!