સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ

4  5

|| સંવત્સરી એટલે ક્ષમા માંગવાનો દિવસ ||
ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. આર્ય ધર્મમાં સનાતન ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે. ક્ષમા વિરુદ્ધ અક્ષમા-ક્રોધ. ક્રોધનાં કડવાં ફળ હોય છે એમ જ્ઞાનીઓ કહે છે. ક્ષમા, ધૈર્ય, શાંતિ, આનંદ, દિવ્યપ્રેમ એ માનવીનું આભૂષણ છે. આપણાં ઋષિ-મુનિઓએ વર્ષ દરમિયાન એવાં પર્વો અને મહાપર્વો વ્યવસ્થિત રીતે ગોઠવી આપેલાં જે જેથી ભારતવર્ષની ધર્મપ્રિય જનતાનું તન-મન-ધનનું આરોગ્ય તથા ક્ષેમકુશળ તથા મંગળ જળવાય છે.
જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. ધર્મનાં જુદાં જુદાં સંપ્રદાયોમાં સંવત્સરી જુદા જુદા દિને આવે છે. શ્વેતાંબર ર્મૂતિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથ અથવા પાંચમ, સ્થાનકવાસી જૈન સંઘમાં ભાદરવા સુદ પાંચમ, તેરાપંથ જૈનસંઘમાં સુદ પાંચમ, જ્યારે દિગંબર જૈન સંઘમાં ભાદરવા સુદ ચૌદસના દિને ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિને જૈન ધર્મનાં લોકો પર્યુષણનાં ઉપવાસ-વ્રત કરે છે. સાયંકાળે ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે. જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે. તે ભૂલોને યાદ કરી ર્ધાિમક ક્રિયા કલાપોમાંથી ક્ષમા માંગે છે. ભૂલોનો પસ્તાવો કરી ‘મિચ્છામિ દુક્કડમ્’ એ સૂત્રથી ક્ષમા માંગે છે.
જ્યાં સુધી છદ્મસ્થદશા છે ત્યાં સુધી ભૂલો અવશ્ય સંભવે છે અને જ્યાં સુધી ભૂલો સંભવ છે ત્યાં સુધી ભૂલોના પ્રાયશ્ચિત રૃપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. અર્થાત્ પાપદોષોથી મલિન થયેલા જીવની શુદ્ધિ માટે મહાજ્ઞાનીઓએ પ્રતિક્રમણ અનુષ્ઠાન બતાવેલું છે.

આથી જ દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પાંચ પ્રતિક્રમણ દર્શાવ્યાં છે. તીર્થંકર તીર્થની સ્થાપના કરે એ જ દિવસથી ગણધર ભગવંતો નિયમિત પ્રતિક્રમણ કરે છે.

ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૃપેલા ધર્મમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય તથા તપ એ મુખ્ય છે. ધર્મજ્ઞાન, ધ્યાન, સાધના, સેવા-પૂજા, આધ્યાત્મિક ક્રિયાકાંડો, વ્રતો-ઉપવાસ, આયંબીલ, ઉપધ્યાન તપ, વર્ધમાન તપ, વીસ સ્થાનક ઓળી તપ વગેરેનો અર્ક તથા રસ-કસ એ આ સંવત્સરી છે. મહાવીર સ્વામી સ્વયં ક્ષમાના સાગર હતા. એમના ઉપર અનેક વિઘ્નો ઉપસર્ગો આવ્યા છતાં તેઓ સર્વે જીવો પ્રત્યે વાત્સલ્યભાવે જ રહેતા હતા. ચંડ કોશિયા મહાનાગે એમને અનેક ડંખ માર્યાં છતાં તેઓ ક્ષમાવાન જ રહ્યા. તેઓ વિતરાગ અને સર્વજ્ઞા ભગવંત હતા. એમના પ્રમુખ શિષ્ય ગણધર ગૌતમ સ્વામી પ્રત્યે એમને રાગ ન હતો, જ્યારે ચંડકોશિયા મહાસાપ પ્રત્યે દ્વેષ ન હતો. એમની વાણી પિસ્તાલીસ આગમ શાસ્ત્રોમાં આજે પણ સંગ્રહાયેલી છે. સર્વ જીવ-માત્ર પ્રત્યે કરુણા અને દયાની ભાવના તથા અનુકંપાની લાગણી એ આ મહાન સંવત્સરી પર્વની સાચી શીખ છે.

કોઈ પણ વ્યક્તિ એવો નથી જેના જીવનમાં અપરાધ કે પાપનો ડાઘ ન લાગ્યો હોય. માનવમાત્ર જાણે કે અજાણે ભૂલ, અપરાધ કે પાપ કરતો રહેલો છે. મેલાં કપડાં સાબુથી સાફ થાય અસાધ્ય રોગ હોય તો પણ દવા- ઑપરેશનથી દૂર થઈ શકે. પાપના નિવારણ માટે કોઈ દવા કે ઑપરેશન નથી. પાપના નિવારણ માટે પસ્તાવો કે પ્રાયશ્ચિત સિવાય અન્ય કોઈ ઔષધ નથી. ભલભલા પાપનું નિવારણ એકમાત્ર અંતઃકરણપૂર્વક કરેલી ક્ષમાયાચના કે પ્રાયશ્ચિતથી થઈ શકે છે.

જીવનમાં જેણે કોઈ પાપ કે અપરાધ ન કર્યો હોય એવો કોઈ માણસ હોઈ શકે? પ્રશ્નનો ઉત્તર અવશ્ય નકારાત્મક હોઈ શકે. પાપ કે અપરાધના કાળા ધબ્બાઓથી ખરડાયેલો માણસ મોટા ભાગે પોતાના પાપ સામે આંખ આડા કાન કરી, બીજાએ કરેલા પાપની શિક્ષા આપવા તત્પર રહેતો હોય છે.
નગરના અપરાધીને જાહેરમાં દંડ આપવા એકઠા થયેલાં સૌ પોતપોતાના હાથમાં પથ્થર લઈ ઊભા છે. દંડ આપવા દરેકે અપરાધીને એક એક પત્થર મારવાનો છે. અપરાધીને સજા થાય તે પહેલાં એક સંત ત્યાં આવી ચડયા ‘પથ્થર એ મારી શકે, જેણે જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય.’ સંતના શબ્દો સાંભળી લોકો સ્તબ્ધ થઈ ગયા. ઘડીભર સન્નાટો છવાયો, દરેકના હાથમાંથી પથ્થર નીચે પડી ગયા. સંતે શાંતિથી લોકોને સમજ્વ્યું,
‘પાપનું નિરાકરણ દંડથી નહીં પરંતુ ક્ષમાયાચનાથી થઈ શકે.”
ખરા અંતઃકરણપૂર્વક કરેલો પસ્તાવો ભલભલા પાપને ધોઈ શકે છે. આનો અર્થ એ નથી કે વારંવાર પાપ કરવું અને વારંવાર પસ્તાવો કરવો. માણસ ભૂલ કરી- પસ્તાવો કરવા અને વળી પાછો ભૂલો કરવા ટેવાયેલો છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસજીએ માનવમાત્ર સામે લાલ બત્તી કરી, ‘ભૂલો કરો, ખૂબ કરો, લેકીન કી હુઈ ભૂલકો ફિર સે દોહરાવો મત.’ પાપોના ઢગલા ઉપર બેઠેલો માણસ અંતઃકરણથી નહીં પરંતુ હોઠે આવેલા શબ્દોથી પસ્તાવો કરતો રહેલો છે. શુદ્ધ હૃદયના ઊંડાણ સિવાય કરેલો પસ્તાવો નાટક માત્ર છે, જેની કિંમત કોડીની છે.

અહિંસાના પાયા ઉપર ઊભેલો જૈન ધર્મ ક્ષમાયાચનાને મહાન ગણે છે. જૈનો માટે પર્યુષણ મહાપર્વ છે.

આ દિવસોમાં એકાસણું. અઠ્ઠાઈ, સોળભથ્થુ, માસક્ષમણ, અને વર્ષીતપ જેવી વિવિધ ઉપાસનાઓ કરી જૈનો જીવનને શુદ્ધ કરે છે. સંવત્સરીને દિવસે પ્રતિક્રમણ પછી એકબીજાને વંદન કરી અંતરના ઊંડાણેથી “મિચ્છામી દુક્કડમ” કહી ક્ષમા માગવી અને ઉદાર દિલે ક્ષમા આપવી એના જેવો બીજો કોઈ માનવધર્મ નથી. જૈનોનો આ મહામંત્ર ફક્ત શ્રાવકો સીમિત નથી. આ મંત્ર માનવમાત્ર માટે છે. મિચ્છામી દુક્કડમ મહામંત્ર ફક્ત વર્ષમાં એક જ દિવસ ઉપયોગમાં લેવા માટેનો મંત્ર નથી. માનવમાત્ર જ્યારે જ્યારે કોઈનો અપરાધ કે પાપ કરે ત્યારે ‘મિચ્છામી દુક્કડમ’ મહામંત્રને હૃદયમાં રાખી દિલના શુદ્ધ ભાવથી ક્ષમાયાચના કરે તો જીવનમાં થતાં અન્ય અપરાધો કે પાપથી બચી શકે.

Leave a comment