આધ્યાત્મિક કાવ્યો – “સૂફી” પરમાર

5

“સૂફી” પરમાર

|| આધ્યાત્મિક કાવ્યો પર આપનું હાર્દિક સ્વાગત કરું છુ ||

ગુજરાતમા ધોળકાની પાસે કૌકા નામનું એક નાનું ગામ છે જ્યાં મારો જન્મ વ્હોરા બિરાદરીમાં થયો. મારી ઉમર આજે ૯૨ વર્ષની છે. મેં જે તાલીમ લીધી તે વિવિધ પ્રકારની છે. હું બોમ્બે યુનિવર્સિટીથી 1946 માં ગ્રેજ્યુએટ થયો પછી LL.B., A.C.I.I. (U.K.)., D.H.M.S. ( Homeopathy) ની ડિગ્રીઓ ગરિબી દૂર કરવા લીધી. વકીલ બનવાની મારામાં લાયકાત બિલકૂલ હતી નહીં.

આધ્યાત્મના લક્ષણ જનમના સાથે અલ્લાહે મને આપીને ધરતી પર મોકલ્યો એટલે પૂરું જીવન બેચેનીમાં રહ્યું, કારણકે મારા આધ્યાત્મિક, સ્વતંત્ર વિચારોને છુપાવી, બીજાઓની મરજી મુજબ જીવન જીવવું પડ્યું. વિચારોની સ્વતંત્રતા અને વિચારો દર્શાવવાની સ્વતંત્રતા ની વાતો ઘણી સાંભળી પરતુ આ જીવનમાં તે પ્રાપ્ત ન થઈ શકી. છતાં આ મારા કાવ્યોમાં મારા વિચારો દર્શાવવાનો થોડો પ્રયત્ન કરેલો છે.

મારાં કવ્યો આધ્યાત્મિક છે. માત્ર પ્રજાના ભલા માટે, અધઃપતનને અટકાવવા માટે અને ભાઈચારો વધારવા માટેનો મારો પ્રયાસ છે. ધર્મો, આધ્યાત્મ સુધી પહોંચવાની નિસરણીઓ છે અને આધ્યાત્મ મોક્ષની સ્વાગત પરસાળ છે. નિસરણીઓ જર્જરિત થાય તો આધ્યાત્મ સુધી ન પહોંચી શકાય. ધર્મો, ખંદિત અને ભ્રષ્ટ થાય તો તેનાં ભયંકર વિપરીત પરિણામો આવે. કોઈ પણ ધર્મ, કોમ કે વ્યક્તિ{ઓ} પ્રત્યે દ્વેષ કે દુર્ભાવનાથી મારી કવિતાઓમાં કઈં લખાયું નથી. તેમ છતાં જો કોઈને તેવું લાગે તો હું તેમની અંતઃકરણપૂર્વક ક્ષમા માગું છું
”સૂફી” પરમાર

===============================================================

૧. || ફૂલ અને ફૂલવાડી ||

પૂજારી પ્રાર્થના પહેલાં નજર ચારિત્ર પર કરજે
પછી ઈશ્વર ના સામે આરતી હાથોમાં તું ધરજે

પ્રભુને ફૂલ પ્યારાં છે, અગર તું એમ સમજે છે
તો તારા હાથોમાં પુષ્પો છે તેવું દિલ પ્રથમ કરજે

ઘમંડ, ઈર્ષા ને ઘૃણા ક્રોધ થી દિલ થાય છે મેલું
લઈ ને મેલ દિલમાં તું પ્રભુ સામે જતાં ડરજે

બહુ લલચાવે જ્યારે પાપ કરવા, જાળ માયાની
તું તારા અંતકરણ ને પૂછી પૂછી ને કદમ ભરજે

ખિલેછે ફૂલ અને મહેકે છે કાંટા થી ઉપર જઈ ને
નીચે રહી જાય છે કાંટા, તું કાંટાઓ થી ના ડરજે

ખુમારી હોય, સાથે જોશ્ તારા તન અને મનમાં
તો અવગુણ થી લડી, થઈ શુદ્ધ ભવસાગર ને તું તરજે

ઘણા ફૂલોની ખુશ્બુ આજ પણ મહેકે છે ગ્રંથોમાં
‘સૂફી’ તું પણ સુગંધી ફૂલ દઈ જગને પછી મરજે

“સૂફી” પરમાર

==================================

૨. || બધાં રૂપ રંગ એનાં છે ||

બનાવ્યુ આ જગત જેણે, બધાં રૂપ રંગ એનાં છે
જ્યાં દ્રષ્ટિ જઈ પડે છે ત્યાં, બધાં રૂપ રંગ એનાં છે

ફૂલો લહેરાય છે ત્યાં ત્યાં, સુરીલી ધૂન ગુંજે છે ત્યાં
કળાધર ની કળા છે ત્યાં, બધાં રૂપ રંગ એનાં છે

છે ભક્તિભાવ જો દિલમાં, જો દિલ છે પ્રેમ નું ઝરણુ
કસોટી છે કે તું માને, બધાં રૂપ રંગ એનાં છે

અગર જો નાત જાતો ના અતૂટ વાડા બનેલા છે
તો સમજાશે પછી ક્યાંથી, બધાં રૂપ રંગ એનાં છે

નથી દિલમાં દયા તો વ્યર્થ પૂજા પ્રાર્થનાઓ છે
ભરી દિલમાં દયા તું જો બધાં રૂપ રંગ એનાં છે

નથી કોઈ કમી ભક્તો ની આ બિમાર દુનિયા માં
છતાં સમજાયું ક્યાં છે કે બધા રૂપ રંગ એનાં છે

આ મસ્તક રાખી ધરતી પર ‘સૂફી’એ પ્રાર્થના કીધી
તો દિલ બોલી ઉઠ્યું છે કે બધાં રૂપ રંગ એનાં છે

“સૂફી” પરમાર

==================================

૩. || સુકર્મો કરી ને જો ||

અનુભવ કરવા દિવ્યતા નો સુકર્મો કરી ને જો
પ્રભુ પ્રત્યે નિખાલસ પ્રેમ દિલ માં તું ભરી ને જો

પૂજા ને પ્રાર્થના કરનાર લાખો લોક છે જગમાં
બહુ થોડાજ સાચા ભક્તો છે તું જગ ફરી ને જો

વિનાં સુકર્મો લુખી ને સુકી છે પ્રાર્થના તારી
તું તારા કર્મો માં સુકર્મોના રત્નો જડી ને જો

બહુ સહેલું છે રટવું નામ ઈશ્વર નું ને અલ્લાહ નું
પ્રભુ દિલ માં વસે તું ધ્યાન જરા એવું ધરી ને જો

હજારો દાસ્તાંનો, પ્રવચન તેં સાંભળાં જગમાં
તું તારા અંત્ઃકરણના નાદને પણ સાંભળીને જો

ઘણું માગે છે ઈશ્વર થી કરી ને હાથ તું ઊંચા
અનાથો નું પ્રથમ થોડું ભલું તું પણ કરી ને જો

ભલે યોગી ના બનજે તું વિહરવા ને પ્રભુ પંથે
પ્રભુ ના પ્રેમ માં સંસારી રહી ને પણ પડીને જો

દવા કરીયે છીયે જો રોગ લાગે છે આ કાયા ને
ઘણા રોગો જે દિલ માં છે તે રોગોથી લડી ને જો

હજારો રીત છે ‘સૂફી’ ઈબાદતની ને ભક્તિની
સ્ફુરે જે આત્મ ચિંતન થી તે ભક્તિ તું કરી ને જો

“સૂફી” પરમાર

===================================

૪. || પ્રેમ પેદા કર ||

જીવનભર સુખ અને દુઃખમાં કરી મેં બંદગી તારી
કદી ઈશ્વર, કદી અલ્લાહ કહી માળા જપી તારી

વસે છે દિલમાં તું મારા અને દુનિયા ની રજ રજ માં
નજર જ્યાં જ્યાં પડી ત્યાં ત્યાં મેં જોઈ છે છબી તારી

આ દોરી શ્વાસની મારી અને આ દિલના ધબકારા
મેં આ ઘટમાળમાં જોયું, કરામત છે ભરી તારી

ગયો મંદિરોમાં ને હું ગયો મસ્જિદોમાં ભગવંત
ગયો ગુરુદ્વારા, ગિરજામાં, કરી ત્યાં બંદગી તારી

પહાડો જંગલો દરિયા, સરોવર વાદળો રણમાં
નઝારા જ્યાં મેં જોયા ત્યાં, કરી છે આરતી તારી

મળી છે પ્રેમમાં તારા નવી દ્રષ્ટિ પ્રભુ પ્યારા
હરેક સતસંગમાં તેથી મળી મોજુદગી તારી

પુજારી કે નમાજી ના દિલોમાં પ્રેમ પેદા કર
કે ધર્મોમાં પૂરી થઈ જાય, જ્યાં જ્યાં છે કમી તારી

પ્રભુ તરબોળ તારા ઈશ્કમાં છે આતમા મારો
હવે હરપળ ‘સૂફી’ કરતો રહે છે બંદગી તારી

“સૂફી” પરમાર

===============================

૫. || પ્રભુ ની યાદ આવે છે ||

મને હર વાતમાં જાણે પ્રભુની યાદ આવે છે
ગણાવું શું શું કે જેમાં પ્રભુની યાદ આવે છે

મને આકાશ જોઈને, જોઈને તારલાનું ઝુંડ
સમજ પડતી નથી તો પણ્ પ્રભુની યાદ આવે છે

ફૂલોમાં રંગ અને ખુશ્બુ ભરેછે કોણ શી રીતે
નજર પડતાં ફૂલો ઉપર પ્રભુની યાદ આવે છે

મધુરાં સ્મિત બાળકનાં અને જીજ્ઞાશા ચંચળતા
બધી નિર્દોષ હરકતમાં પ્રભુની યાદ આવે છે

આ પ્રુથ્વિને વધુ સુંદર આ ચંદરમા બનાવે છે
મને આ ચાંદની જોઈ પ્રભુની યાદ આવે છે

વગાડે વાંસળી કોઈ તો મન ડોલી ઉઠે મારું
સુરોંની મિઠી લહેરોમાં પ્રભુની યાદ આવે છે

અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે ધરતીકંપ કે દાવાનળ
બધી બરબાદી જોઈ ને પ્રભુની યાદ આવે છે

‘સૂફી’ને રંજ છે પાપો કર્યાં તેનો ઘણો દિલમાં
કરી લેવા હવે તોબા પ્રભુની યાદ આવે છે

“સુફી” પરમાર

==================================

૬. || પ્રભુ નાં ઘર ||

પ્રભુજી ઈંટ અને પથ્થરનાં ઘર આપ્યાં અમે તમને
નથી દિલ માં જગ્યા, રાખે કોઈ દિલમાં હવે તમને

અમારું ઘર અમારું છે, તમારું ઘર તમારું છે
તમે રહેજો તમારે ત્યાં, મળી શું ત્યાં અમે તમને

પરિસ્થિતિ તમારી લાગેછે કેદી સમી અમને
તમારું ધૈર્ય જોઈ ને હું લાગું છું પગે તમને

તમે વિશ્વ બનાવ્યું પણ તમોને ઘર અમે આપ્યાં
કહો તો ઘર ઘણા બીજાં બનવી આપીએ તમને

થશે ઉદ્ધાર્ માનવ જાતનો શી રીત થી જગમાં
રમીને ખૂનની હોળી અમે જો ઝુકીએ તમને

દયા સાગર ખરાબે જઈ ચઢી છે આજની દુનિયા
બતાવો શું કરી ને પાછા જગમાં લાવીએ તમને

પરિવર્તન પ્રભુ લાવોને માનવજાતની અંદર
તજીને ધર્મોનાં ઘર્ષણ અમે સૌ પૂજીએ તમને

“સૂફી” પરમાર

=================================

૭. || જાગી ઉઠ્યો આત્મા ||

પૂજારી હું નથી પણ થઈ પ્રભુથી દિલ્લગી મારી
ભલે કહેતી ફરે દુનિયા, છે આ દિવાનગી મારી

પ્રભુ તારો ને મારો ખેલ છે તે દુનિયા શું જાણે!
હું છું નાદાન પણ વ્હાલી તને છે સાદગી મારી

કહાની આ જીવનની કે પુનર્જન્મ જે સર્જાશે
આ ચક્કર કર્મોના સમજી, જીવું છું જિંદગી મારી

મેં તોડી જાળ માયાની અને આકર્ષણોની તો
કરી કૃપા દયા તેં છે સ્વીકારી બંદગી મારી

કરીને આત્મ-મંથન મેં કર્યું વિશુદ્ધ મન મારું
તિરસ્કારોની દિલમાં થી મટાડી માંદગી મારી

કરી પસ્તાવો પાપોનો મેં માગી જો ક્ષમા તારી
ભયંકર એબોની વાતો તેં રાખી ખાનગી મારી

હું ભટકી ભટકી ને આવી ઉભો છું દ્વાર પર તારા
‘સૂફી’ છું ભક્ત હું તારો, છે ભક્તિ જિંદગી મારી

“સૂફી” પરમાર

================================

૮. || વિના સીમાડા નું વિશ્વ ||

નઝારા તો ઘણા છે પણ્ ઘણા બીજા છુપેલા છે
જે સર્જન છે તે સામે છે, જગતદાતા છુપેલા છે

વિચારું છું, જગત શું છે અને હું કોણ અને શું છું
આ પ્રશ્નો ના જવાબો, કોઈને પણ ક્યાં મળેલા છે!

અમારી પૃથ્વિ ભવ્ય છે પરંતુ છે તે એક રજકણ
છતાં લાગેછે પાયા પૃથ્વિના સજ્જડ જમેલા છે

તે કઈ શક્તિ છે, પૃથ્વિને ધરી ફરતી ફરાવે છે
જે ફેરાથી દિવસને રાતના હિસ્સા થએલા છે

થયો પૃથ્વિનો જન્મ શી રીતે, ક્યાંથી અને ક્યારે
અનુમાનો કર્યાં પણ, શંકાશીલ પ્રશ્નો ઉભેલા છે

જે માના પેટમાં બાળક છે, તે દુનિયાને શું જાણે
જગત ની બહારના અમને ઈશારા ક્યાં મળેલા છે

આ સૃષ્ટિ ની ઉપર સૃષ્ટિઓ ની જે હારમાળા છે
નથી કલ્પના થઈ શકતી, સીમાડા ક્યાં છુપેલા છે

કોઈ કાનુંન દિવ્ય છે, આ વિશ્વ જે ચલાવે છે
નથી જે માનતા તેઓ પ્રભુનો પંથ ભુલેલા છે

કલમ પકડું છું ત્યારે પ્રેરણા માગું છું ઈશ્વર થી
સૂફી સંતો ક્યાં દુનિયાની નિશાળોમાં ભણેલા છે

“સુફી” પરમાર

==================================

૯. || ઉત્પાતિ જગત ||

પ્રભુ તારા જગતના હાલ હવે તો જોવા જેવા છે
તને પણ દુઃખ થશે તે જોઈ ને બસ હાલ એવા છે

કરે છે લોક દાવા કે પ્રભુ તો બસ અમારા છે
જબર દસ્તી પ્રભુ તું જો પકડમાં તમને લેવા છે

નવા બંદા ખુદાના ને નવા ભક્તો પ્રભુ તારા
હવે ધરતી ધ્રુજાવી ને કહે છે ધર્મ સેવા છે

ભરી વસ્તિમાં ભય લાગે છે ભણકારાથી મૃત્યુના
હવે માનવમાં થોડા તો વરુ ને વાઘ જેવા છે

બળે છે ને મરે છે લોક જે નિર્દોષ, નિર્બળ છે
જે બાળે છે ને મારે છે તે સૂફી સંત કેવા છે?

કરેછે નષ્ટ દુનિયાને, લઈ અલ્લાહ પ્રભુ નું નામ
તે ઇન્સાન અને શેતાન જિગરી દોસ્ત જેવા છે

નહીં ચાલે કોઈ યુક્તિ કે ચાલાકી ‘સૂફી’ તારી
નિખાલસ દિલથી જીવીજા પછી જો બદલા કેવા છે

“સૂફી” પરમાર

==================================

૧૦. || આત્માના ફેરા ||

તમારું કંઈ નથી જગમાં, વિચાર એનો કરી લેજો
મુસાફર છો આ દુનિયામાં, વિચાર એનો કરી લેજો

અગર સુકર્મો કરવાં છે તો તે આજે કરી લેજો
સમય તો થાપ દઈ જાશે, વિચાર એનો કરી લેજો

હતા ક્યાં સો વરસ પહેલે, હશું ક્યાં મૃત્યુ પામી ને
અગમ્ય આ સમસ્યા છે, વિચાર એનો કરી લેજો

તમે હિંદુ કે મુસ્લિમ છો, યહુદી કે ઈસાઈ છો
જનમ જ્યાં થાય છે તે છો વિચાર એનો કરી લેજો

પુનર્જન્મ માં ધર્મ શું હશે તે તો પ્રભુ જાણે
ઘમંડ ધર્મોના મિથ્યા છે, વિચાર એનો કરી લેજો

તમારાં રૂપ રંગ જાતી, પિતા કે માત ઘર જ્ઞાતિ
બધું બદલાશે પળભરમાં, વિચાર એનો કરી લેજો

પ્રકૃતિ જાગતી છે, જીવતી છે, છે અટલ ન્યાયી
પ્રતિક્રિયા છે કર્મો ની, વિચાર એનો કરી લેજો

‘સૂફી’એ વાતો આધ્યાત્મની કાવ્યોમાં કરેલી છે
જીવન ભેદો ભરેલું છે, વિચાર એનો કરી લેજો

“સૂફી” પરમાર

=================================

૧૧. || અર્થહીન તકરાર ||

જે માન્યતામાં જન્મ્યો છું, મને તે લાગે છે સારી
અને સત્ય સુધી તેથી પહોંચ ન થઈ શકી મારી

ખરું ખોટું પરખવા વાપરું છું માન્યતાઓ ને
પરંતુ માન્યતા પર શંકાની આવી નથી વારી

મળી છે વારસામાં માન્યતા જે આજ માનું છું
સગીર વયમાં હૃદય ખાલી હતું ત્યારે બની મારી

સખત પથ્થર સમી છે માન્યતા ને શ્રધ્ધાઓ મારી
મને લાગે છે તેથી બાકીની વસ્તી ભટકનારી

જગતને ક્ષય લાગ્યો અંધ શ્રદ્ધાનો ભયંકર પણ
નથી સુઝી રહી કોઈ દવા ક્ષય દૂર કરનારી

થઈ છે ઉન્નતિ ભૌતિક છતાં કમભાગ્ય જગ તારું
આ ઉન્નતિ માં શક્તિ છે જગતને નષ્ટ કરનારી

ચીરીને પડદો અંધશ્રદ્ધાનો જોશે જો જમાનો તો
નવી વાતો ત્વરિત સુઝશે આ દુનિયાને બદલનારી

નવી વાતો તું કહેતોજા ‘સૂફી’, ચાલુ જમાનાને
તું કરજે વાત, સત્યની ઝલક દુનિયાને દેનારી

“સૂફી” પરમાર

===============================

૧૨.|| પૂર્વ જનમનાં પાપ ||

ઘણી પૂર્વ જનમની યાદ આવે છે મને વાતો
અચાનક ચમકી ચમકીને ઉઠ્યો છું કેટલી રાતો

કરેલા મેં ઘણા અન્યાય થઈ ચાલાક તે કાળે
ઘણા નિર્દોષને મારી હતી ઠોકર અને લાતો

કરેલો જ્ઞાનનો ઉપયોગ મેં વિકર્મ કરવામાં
મને સારી રીતે જો કે પ્રભુનો પંથ સમજાતો

મે મારી નાતને સમજી હતી કે શ્રેષ્ઠ છે જગમાં
અને ધુતકારતો હું રાત અને દિવસ બીજી નાતો

હું વિકૃત માણસાઈથી થએલો ધર્મભ્રષ્ટ પાપી
અનુંભવ કરતો આનંદનો થતી જ્યાં દર્દની વાતો

હવેતો આ જીવનમાં હું સહું છું વેદના પીડા
થયું છે ભાન, શું છે કર્મનો ને જાનનો નાતો

જીવનભર સુખ અને દુઃખની કરેછે ખેતી હર માનવ
અને સુખદુઃખની નીપજં જાયછે કર્મોથી સર્જાતો

‘સૂફી’ જન્મો મરણની આ સમસ્યા ધ્યાંનમાં ધરજે
ભલે આ કોયડો જગમાં નથી સંપૂર્ણ સમજાતો

“સૂફી” પરમાર

===============================

૧૩. || પાપા પગલી ||

પ્રભુના પંથ પર થોડાં કદમતો તું ભરી જોજે
પ્રસન્ન થઈ પ્રભુ કરશે મદદ, વિશ્વાસ ના ખોજે

તું પાપોથી ડરીને ચાલજે ને પાપ ના કરજે
કરેલાં પાપોને તારાં, તું પ્રશ્ચાતાપથી ધોજે

જીવન રથને દયાને પ્રેમનાં પૈડાં લગાવીને
પ્રભુના પંથને માયા ભૂલાવે તોય ના ખોજે

નથી માની અગર તેં વાત સંતોને મહાત્માની
અનુભવ કડવો જ્યારે થાય ત્યારે દિલભરી રોજે

કરે તેવુંજ તે પામે, ઘણું તે સાંભળ્યું જગમાં
આ તથ્ય દિલ સુધી પહોંચાડી સારાં બીજ તું બોજે

તિરસ્કારો ભર્યા સંઘમાં નથી અલ્લાહ નથી ઈશ્વર
પ્રભુહીન ધર્મો છે તો આતમાની આંખથી જોજે

અસત્ય સત્યનું મિશ્રણ અગર દેખાય ધર્મોમાં
સ્વીકારે આતમા જે સત્ય તે સિદ્ધાંત ના ખોજે

‘સૂફી’ને દોસ્ત સમજીને આ વાતો ધ્યાંનમાં ધરજે
પછી જીવનની ઝંઝાવાતથી ના ડરજે ના રોજે

“સૂફી” પરમાર

===============================

૧૪. || આત્મિક નવસર્જન ||

નહીં માને જમાનો વાત જે આજે કરૂં છું હું
છતાં જે સત્ય લાગ્યું તે બધે કહેતો ફરું છું હું

ભયંકર અન્ય રોગોના ઈલાજો છે જગતમાં પણ
સમજને રોગ લાગ્યા, ધ્યાંન તે ઉપર ધરૂં છું હું

લડી મરવાના બહાના શોધે છે ધર્મોમાં ધર્મઘેલા
ધરમના આત્માની ચીસ સાંભળતો ફરું છું હું

પ્રગતિના જમાનામાં, પ્રગતિ થઈ અશાંતિમાં
ઘડીભર થાય છે શાંતિ તો શાંતિથી ડરું છું હું

ધરમનાં ખોખાં જોયાં મેં સજેલાં બાહ્ય રૂપરંગમાં
ધરમના ગૂમ થયેલા પ્રાણને શોધ્યા કરું છું હું

હિંસાની આંધીમાં પડકાર છે જ્યાં જગની હસ્તીને
જગતનું અંતઃકરણ જાગે, કદમ એવાં ભરું છું હું

નથી લલકારી હું શકતો ઈજારાદારી ને જગમાં
ગુરુઓના છે કાબુમાં વિચારો, થરથરું છું હું

જગત માગે છે આ યુગમાં ‘સૂફી’ આત્મિક નવસર્જન
કદમ તે સાધ્ય કરવા, ફૂંકી ફૂંકીને ભરું છું હું

‘સૂફી’ પરમાર

===============================

૧૫. || કૂજાઓનાં પાણી ||

કૂજાઓનાં પુરાણાં પાણીમાં જંતુ પડેલાં છે
કહ્યુ છે ભક્તોએ પીધાં તે પાણી તે નડેલાં છે

અગર લઈ કાચના વાસણમાં તે પાણી તમે જોશો
કરોડો જંતુ પાણીમાં, જીવિત તેમજ મરેલાં છે

હિમાલયથી નિકળતાં જળ અતિ નિર્મળ પવિત્ર છે
પરંતુ મેલ અને જંતુ પછી તેમાં ભળેલાં છે

અશુદ્ધ જળના જેવી થઈ છે હાલત ધર્મોની આજે
દગો દઈને પવિત્રતામાં ભ્રષ્ટ ત-ત્વો ભળેલાં છે

ઘણા અજ્ઞાનિ લોકોને અમે જ્ઞાનિ ગણી બેઠા
પરિણામે આ દુનિયામાં ભયંકર દુઃખ પડેલા છે

નહીં પહોંચાડે તમને સ્વર્ગ સુધી માનવ કોઈ જગથી
પહોંચવા ત્યાં, પ્રભુપંથનાં પગથિયાંઓ બનેલાં છે

છુપું માનવ અને દાનવનું અંતરયુદ્ધ છે જગમાં
મલિન તરકટ જ્યાં ધર્મભ્રષ્ટ માનવે છુપાં રચેલાં છે

ખબર પહેલી મળેછે રોજ ખૂનરેજીને હત્યાની
અરે પાપી, ટીપાં રક્તનાં પ્રભુપર જઈ પડેલાં છે

સજા દેનાર છે પાપો તને હર મોડના ઉપર
ભૂલીજા શિક્ષા જે લઈને તને દુષ્કૃત્ય સુઝેલાં છે

સુધારો શી રીતે થાશે આ ધગધગ કરતી ધરતી પર!
‘સૂફી’, જ્યાં અંતઃકરણને મારી મારી ચૂપ કરેલાં છે

‘સૂફી’ પરમાર

==================================

૧૬. || છૂપી અદાલત ||

તમે શોધી રહ્યા છો સુખ કે જ્યા બસ દુઃખ ભરેલાં છે
દુઃખીજનનાં મિટાવો દુઃખ તો સુખ તેમાં રહેલાં છે

કોઈ આફત કે આપત્તિ વગર વાંકે નહીં આવે
ધરીને ધ્યાંન જોશો તો અમારાં કર્મ નડેલાં છે

પ્રકતિને અમે નિર્જીવ સમજીને જીવ્યા જીવન
અમે કુદરત વિરોધી કૃત્યો તેથી બહુ કરેલાં છે

નથી દુશ્મન, નથી કે દોસ્ત, કુદરત છે સ્વયંચાલિત
સમજમાં આવી કુદરત તેમને રત્નો જડેલાં છે

નથી સમજી શકાતાં જે વમળ કુકર્મ રચાવે છે
વમળથી શી રીતે બચશે જે ભમ્મરમાં ફસેલાં છે!

ધરમના શાસ્ત્રોમાં પૂરી કહાની કર્મો લક્ષિત છે
સમસ્ત દસ્તાંનો છે તે કર્મોએ રચેલાં છે

જે કઈં સમે ઉભેલું છે, નથી તે કર્મ તો શું છે?
કરીને દેહ-ધારણ કર્મ, કર્મબાજી રમેલાં છે

પ્રભુએ કર્મો પર કાબુ અમારા હાથમાં દઈને
વચન બદલાઓ લેવા દેવાનાં પૂરાં કરેલાં છે.

“સુફી” પરમાર

===============================

૧૭. || મૃગજળ ||

ન સમજો જે છે દુનિયામાં તમારું, તે તમારું છે
નથી દુનિયામાં કઈં એવું, તમારું જે થનારું છે

આ સામગ્રી અને સાધન, આ ધન દોલત અને જીવન
તમારું કઈં નથી તેમાં, ભલે અત્યંત પ્યારું છે

જે કાલે અન્ય લોકોનું હતું, આજે તમારું છે
ફરી પાછું તમારું પણ, બીજાઓનું થનારું છે

છે મૃગજળ લાલસા જગની જે કર્તવ્ય ભુલાવે છે
ભગાવે છે, જીવન જ્યાં, ભાગી ભાગી વ્યર્થ જનારું છે

જુઓને પ્યાર કેવો છે પતંગાને દીપક ઉપર
જુઓ જઈને સવારે ત્યાં કે ત્યાં શું શું થનારું છે

પ્રભુ, ઈશ્વર, ખુદા, અલ્લાહ તો છે એક એક રજકણમાં
પરંતુ દિલમાં છે કે નહીં, નથી તો ત્યાં અંધારું છે

કરી જે કર્મોની ખેતી જગતમાં તે તમારી છે
ફળોનું હોય કે કાંટાનું, ઉત્પાદન તમારું છે

પ્રભુ આપીને સામગ્રી, પરિક્ષા લે છે માનવની
પ્રભુ માગેછે માનવથી તો કહેછે આ તો મારું છે

‘સૂફી’, સંગ્રામ છે જીવન સુકર્મોને કુકર્મોનો
થઈ સુકર્મોથી સજ ચાલજે જીવન જો પ્યારું છે.

“સુફી” પરમાર

================================

૧૮. હિંસાની પરંપરા

દયા દિલમાં નથી તો પ્રીત પ્રભુથી કરી નથી શકતા
જપી માળા પ્રભુની જીવ હત્યા કરી નથી શકતા

તબાહીથી બચાવે આ જગતને તે અહિંસા છે
છતાં નુસખો મહાત્માઓનો જગને દઈ નથી શકતા

મહાવીરને કે ગૌતમને, મહાત્મા બાપુજીને પણ
અહિસાને તજી અંજલિ પવિત્ર દઈ નથી શકતા

હિસા જ્યાં જ્યાં થવા લાગી ત્યાં રંગ બદલાયા ધર્મોના
વણી જે જાળ હિંસાની હવે કતરી નથી શકતા

હજારો યુદ્ધ, સંઘષો થયાં, લાખો બીજાં થાશે
જ્યાં છે વિકૃતિ ધર્મોમાં ત્યાં હત્યા તજી નથી શકતા

જગત ધૂણી રહ્યું છે અંધ શ્રદ્ધાઓ ની મસ્તીમાં
જુઓ ભડકે બળે છે પણ્ બુઝાવી દઈ નથી શકતા

અમારાં જ્ઞાન મર્યાદિત છે ધર્મના કેદખાનામાં
છતાં ભ્રમ જ્ઞાનિ હોવાનો, અજ્ઞાનિ તજી નથી શકતા

ઓ ઈશ્વર તું સમજ દે નાસમજ ધર્માંધ ભક્તોને
કે હત્યારા બની ભક્ત કે નમાજી થઈ નથી શકતા

મહિમા શું છે કુદરતનો ‘સૂફી’ પુછીશના કોઈને
કુવામાંથી કોઈ, શું બાહાર છે તે કહી નથી શકતા.

“સુફી” પરમાર

=================================

૧૯. || પ્રભુ ની યાદ આવે છે ||

મને હર વાતમાં જાણે પ્રભુની યાદ આવે છે
ગણાવું શું શું કે જેમાં પ્રભુની યાદ આવે છે

મને આકાશ જોઈને, જોઈને તારલાનું ઝુંડ
સમજ પડતી નથી તો પણ્ પ્રભુની યાદ આવે છે

ફૂલોમાં રંગ અને ખુશ્બુ ભરેછે કોણ શી રીતે
નજર પડતાં ફૂલો ઉપર પ્રભુની યાદ આવે છે

મધુરાં સ્મિત બાળકનાં અને જીજ્ઞાશા ચંચળતા
બધી નિર્દોષ હરકતમાં પ્રભુની યાદ આવે છે

આ પ્રુથ્વિને વધુ સુંદર આ ચંદરમા બનાવે છે
મને આ ચાંદની જોઈ પ્રભુની યાદ આવે છે

વગાડે વાંસળી કોઈ તો મન ડોલી ઉઠે મારું
સુરોંની મિઠી લહેરોમાં પ્રભુની યાદ આવે છે

અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે ધરતીકંપ કે દાવાનળ
બધી બરબાદી જોઈ ને પ્રભુની યાદ આવે છે

‘સૂફી’ને રંજ છે પાપો કર્યાં તેનો ઘણો દિલમાં
કરી લેવા હવે તોબા પ્રભુની યાદ આવે છે

“સુફી” પરમાર

===============================

૨૦. || વિચ્છેદન ભૂલોનું ||

જીવન શું છે ન સમજાયું, જગત શું છે ન સમજાયું
જીવન પાણીનો પરપોટો છે હલકો, તે ન સમજાયું

જીવનભર શંકાશીલ વાતોને ધર્મ સમજીને મેં માની
કરું ચિંતન પહોંચવા સત્ય સુધી, તે ન સમજાયું

કરી યાંત્રિક ઈબાદત, પ્રાર્થના, કે રીઝવું ઈશ્વરને
ફકત સુકર્મો રીઝવે છે પ્રભુને તે ન સમજાયું

લપેટાએલો કર્મોમાં પુનર્જન્મ થશે મારો
ચૂકવવું પડશે દેવું પાપોનું પણ, તે ન સમજાયું

હજારો રીત રિવાજો ને હજારો બોલી છે જગમાં
રિવાજો ધર્મ નથી, પણ ધર્મ બન્યા છે, તે ન સમજાયું

ભૂલોની ત્રાસદાયી જાળમાંથી મૂક્ત થવા માટે
કરીને જોઉં વિચ્છેદન ભૂલોનું, તે ન સમજાયું

નથી ચારિત્ર કોઈનાં લખેલાં મુખમુદ્રા પર
કરું ના બાહ્ય રૂપરંગથી ભૂલો પણ, તે ન સમજાયું

‘સૂફી’, આસ્થાઓમાં ભૂલો ફસેલી છે તેવા યુગમાં
જમાનો રાડો પાડી, શું કહે છે, તે ન સમજાયું

“સૂફી” પરમાર

==================================

૨૧. || આત્માની ઉમર ||

ઉમર એક આત્માની છે, અને બીજી છે કાયાની
જે ઘેરે છે જીવન ને જાળ તે છે જાળ માયાની

ઉમર શું છે આમારા આત્માની તે પ્રભુ જાણે
નથી પડતી ખબર પહેલાનાં પિજરાંઓ જલાયાની

ઘડીભર રહીને પિજરામાં છે ઉડનારું આ પંખેરું
કહાની બાકી રહી જાશે, આ પિજરાને સજાયાની

કચેરીમાં પ્રભુની આતમા જઈ પહોંચશે ત્યારે
ખબર પડશે બધી ત્યાં અમને પાપોમાં ભરાયાની

પ્રભુ ઈન્સાફ કરશે કર્મ અમારાં માપી તોલીને
ખબર પૂછશે નહીં યાત્રાકે ગંગામાં નહાયાની

જીવનભર નામ કરવામાં ને દોલત પ્રાપ્ત કરવામાં
ખબર ક્યાંથી રહે, માયાના બંધનમાં ફસાયાની

નથી અન્યાય કુદરતની અદાલતમાં થવા વાળો
નથી ચિંતા ગુણીજનને વિના કારણ સતાયાની

‘સૂફી’ની મિત્રતા થઈ છે પવિત્ર આતમા સાથે
ખુશી થઈ પ્રાપ્ત પરમાત્માને પણ દિલમાં વસાયાની

“સૂફી’ પરમાર”

=====================================

૨૨. || ઝબકતું સત્ય ||

તમારા સામે બેસીને, પ્રભુ પૂજા કરી લઉ છું
કરીને યાદ પાપોને ઘડીભર હું રડી લઉ છું

અલૌકિક જ્ઞાનની વાતો સુઝાડી જે તમે ઈશ્વર
કદીક ગર્ભિત વચનોમાં હું સત્સંગમા કહી લઉ છું

જે ખોટું થાય છે તેને કદીક ખોટું કહી લઉ છું
મને ઈજા કે હાની પહોંચે તો દુઃખ તે સહી લઉ છું

બહુ કપરી સજા છે સત્ય જો બોલે અહીં કોઈ
કદીક લાચાર થઈ હું ઢોંગની બાજી રમી લઉ છું

રહે છે ચિત ઘણું ચંચળ સમૂંહ પૂજા કરું છું તો
પડે છે પાછું દિલ તેથી સ્વયં પૂજા કરી લઉ છું

છે લોકોની પસંદ શું તે મુજબ જીવી ગયો જીવન
મચી હલચલ છે મારા આતમામાં તે સહી લઉ છું

સમજ આવી તો આવી છે જીવનની અંત ઘડીઓમાં
જીવનને વેડફ્યું પસ્તાવો તેનો હું કરી લઉ છું

ઝબકતું સત્ય કુદરતની કિતાબોમાં જોઈ ‘સૂફી’
વસાવી દિલમાં સત્ય, કવ્યોમાં તેને જડી લઉ છું

“સૂફી” પરમાર

==================================

૨૩. || ધ્રૂજતી જ્યોત ||

વિચારો ક્રાન્તિકારી લઈ અસ્વસ્થ થઈ ફરૂં છું હું
જે હાલત છે જમાનાની બહુ તેથી ડરું છું હું

ઘણી વાતો કરું હું ઉગ્રતાવાદી જગતને પણ
જે દિલમાં છે તે બોલું તો વિનાં વાંકે મરું છું હું

વિચિત્ર માન્યતાની બેડીઓ લાગેલી છે પગમાં
કલમથી તોડવા તેને કલમબાજી કરું છું હું

વિના ધર્મોની દુનિયાની કરું છું કલ્પના જ્યારે
નવા રૂપ્ રંગમાં આ ધરતીના દર્શન કરું છું હું

સમર્થન ક્યાં મળે મારા વિચારોને કલિયુગમાં
હું તો છું એકલો તેથી જમાના થી ડરું છૂ હું

પ્રગતિશીલ વિચારોના શિકારીથી ડરીને હું
જમાનાને પસંદ આવે છે તે વાતો કરું છું હું

વિચારોને કબરમાં લઈ જવાના પાપથી બચવા
વિચારોને ઇશારાઓમાં વ્યક્ત કરતો ફરું છું હું

મેં જોયા રંગ દુનિયાના બદલતાને બગડતા પણ્
અધર્મ, ધર્મ થઈ ચમકે તો આહ ઊંડી ભરું છું હું

પ્રભુથી પ્રેમ છે મારો, મને છે પ્રેમ પંથ પ્યારો
પવિત્ર પ્રેમથી ભરપૂર ધર્મ હૈયે ધરું છું હું

નહીં ધર્મોમાં પણ સુકર્મોમાં છે મોક્ષનો રસ્તો
‘સૂફી’ કહેછે કે શાસ્ત્રોમાં કહી વાતો કરું છું હું

“સૂફી” પરમાર

==============================

૨૪. ૨૫. || સત્ય અસત્યનો જંગ ||

બચે દુનિયા તબાહીથી, દુઆ એવી મેં માગી છે
કરી લઉં કઈંક હું સારું, અભિલાષા એ જાગી છે

મને આકાશથી જોઈ રહ્યું છે કોઈ તે જાણી
હતી આદત દગાની તે બધી આદત મેં ત્યાગી છે

ઘણી યુક્તિને ચાલાકી કરીને જોઈ લીધું મેં
મને મારીજ યુક્તિઓ બધી માથામાં વાગી છે

મને પરલોકમાં કર્મો પકડશે તે તો નિશ્ચિત છે
તે જાણી લાલસા દુનિયાની મારી દૂર ભાગી છે

મને શેતાન આશીર્વાદ દેતો પાપૉને જોઈ
હવે કરવાને પ્રાયશ્ચિત્ત તમન્ના દિલમાં જાગી છે

ખરી ખોટી બધી વાતોના મિશ્રણથી બચીને મેં
કરીછે વાત દુનિયામાં મને જે સત્ય લાગી છે

અનાદિ કાળથી સત્ય અસત્ય છે ભીષણ જંગમાં
દુઆઓ કામ ન આવી જે યુગ યુગ જગએ માગી છે

નવું મંત્ર કે સૂત્ર તો સુઝાડો ઓ પ્રભુ પ્યારા
લગન દુઃખમૂક્ત જગ જોવા ‘સૂફી’ના દિલમાં લાગી છે

“સૂફી” પરમાર

===============================

૨૬. || દિવ્ય સંગીત ||

નથી હું સંત કે સૂફી, નથી મુલ્લા કે હું પંડિત
છતાં દિલમાં ગુંજ્યું મારા અનેરું ને અલૌકિક ગીત

નિરાલો પંથ છે આધ્યાત્મનો યાત્રા નિરાલી છે
લગન લાગે છે એવી કે નથી ઢળવું નિચે સંભવિત

જરુરત ક્યાં છે ઈશ્વર ને અમારી ભક્તિ પૂજાની
કરે નિર્મળ જે દિલને તે ખરી છે પ્રાર્થના ની રીત્

કહો છો ધર્મ શી રીતે, મઝહબ ઈમાન શી રીતે
કરી તારાજ લાખો ને તમે સમજો અગર તે જિત

તમે મિથ્યા કરો છો અલ્લાહ્ અલ્લાહ કે પ્રભુ ઈશ્વર
નથી દિલમાં ભરી હર જાન પ્રત્યે જો દયા ને પ્રીત

નથી કરતા તમાશો પ્રાર્થના નો સંત કે સૂફી
પ્રભુ ના આશીકો ની છે નિરાલી પ્રાર્થના ની રીત

હું મારા અંતઃકરણ ને પૂછી પૂછી ચાલું છું જગમાં
બતાવે છે અનેરી રાહ મને કરવા પ્રભુ થી પ્રીત

‘સૂફી’ છું હું અને કાવ્યોમાં છે આધ્યાત્મની ઝરમર
કરું છું આત્મસ્પર્શી વાત જ્યારે ગાઉં છું હું ગીત

“સૂફી” પરમાર

=================================

૨૭. || રંગમાં ભંગ ||

જીવન રંગીન હતું પણ રંગમાં છે ભંગ થવા લાગ્યો
સમય સુખ શાંતિનો દુનિયા તજીને છે જવા લાગ્યો

હતી ન્હોતી થવા બેઠી છે દુનિયા ની હવે હસ્તી
જમાનો નિત નવાં વિનાશ યંત્રો શોધવા લાગ્યો

આ ધરતી સ્વર્ગ છે જન્નત છે જે ગ્રન્થો કહે છે તે
પરંતુ મન અને ચિતમાં પવન ઝેરી જવા લાગ્યો

પ્રભાવિત બહુ હતો ધર્મોની વાતોથી હું બચપણમાં
હવે ભયથી ભરેલી ધર્મ બોલી બોલવા લાગ્યો

બહુ હેરત પમાડે ખેલ એવા જોયા દુનિયામાં
જગત નષ્ટ થાય ખેલ એવો જમાનો ખેલવા લાગ્યો

અધર્મ, ધર્મ વચ્ચેની વિલીન રેખા થવા લાગી
હવે જગ થરથરે એ રીતથી ધર્મ ગર્જવા લાગ્યો

જગત કલ્યાંણ માટે ધર્મો છે તે મેં શિખેલું છે
જીવનના અંત કાળે આ ‘સૂફી’ને ભય થવા લાગ્યો

“સુફી” પરમાર

હિંદુ ધર્મના ઉત્સવો – આંધળી માનો કાગળ – દેખતા દિકરાનો જવાબ – મા બાપને ભૂલશો નહિ

A

|| હિંદુ ધર્મના ઉત્સવો ||

કારતક માસમાં નુતન વર્ષની વધામણી થાય,
ને ભાઇબીજની સંગે ઉજવાય છે દેવદીવાળી
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.
માગસર માસમાં નાતાલની તાલ મેળવી લે
ને પોષ માસમાં પતંગને પકડે લઈ મકરસંક્રાંતિ;
મહા માસમાં મહાશિવરાત્રીને ઉજવે શીવજી કાજે,
ફાગણ માસમાં આવે ધુળેટી રંગ લઈ સૌને એ રંગે
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.
ચૈત્ર માસમાં આવે ગુડી પડવો ને સંગે રામનવમી,
ને તેરસે આવે જૈનધર્મની પવિત્ર મહાવીર જયંતી;
વૈશાખ માસમાં પવિત્ર બુધ્ધ પુર્ણિમા ઉજવી લઈયે,
ને અષાઢ માસમાં પ્રેમે પરમાત્માની રથયાત્રા
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.
શ્રાવણ માસમાં સ્વતંત્રદીન ઉજવાય ભારતનો,
ને સાથે પ્રેમથી પારસી નુતન વર્ષને સચવાય;
રક્ષાબંધન એ ભાઇબહેનનો પ્રેમ પકડે જીવનમાં,
ને જન્માષ્ટમી એતો ભગવાન કૃષ્ણનો જન્મદીવસ.
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારનેપકડી ચાલે.
ભાદરવામાં શ્રી ગણેશ ચતુર્થી ને સંગે સંવત્સરી પર્વ,
જે ભક્તિભાવથી પુંજે છે જગતમાં હિન્દુધર્મી સર્વ;
આસો માસમાં આવે વિજ્યા દશમી સંગે દશેરા ઉત્સવ
દીપાવલી બની દીવાળી આવે ફટાકડા ફોડે સર્વ.
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.

==================================

|| આંધળી માનો કાગળ ||

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે. લખ્ય કે માડી !
પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
=======================

1

|| દેખતા દિકરાનો જવાબ ||

ફાટ્યા તુટ્યા જેને ગોદડી ગાભાં, આળોટવા ફુટપાથ ,
આંધળી માનો દેખતો દિકરો કરતો મનની વાત ,
વાંચી તારા દુખડા માડી , ભીની થઇ આંખડી મારી .
પાંચ વરસમાં પાઇ મળી નથી એમ તું નાખતી ધા ,
આવ્યો તે દિ થી હોટલને ગણી છે માડી વિનાની મા ,
બાંધી ફુટપાયરી જેણે રાખ્યો રંગ રાતનો એણે .
ભાણિયો તો માડી થાય ભેળો જે દી મીલો બધી હોય બંધ
એક જોડી મારાં લુગડામાં એને આવી અમીરીની ગંધ ,
ભાડે લાવી લુગડા મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા
દવાદારુ અહીં આવે ના ઢુકડા એવી છે કારમી છે વેઠ
રાત ને દિવસ રળું તોય મારું ખાલી ને ખાલી પેટ ,
રાતે આવે નિંદર રુડી , મારી કને એટલી જ મૂડી!
જારને ઝાઝા જુહાર કહેજે , ઉડે અહીં મકઇનો લોટ ,
બેસવા પણ ઠેકાણું ના મળે ,કૂબામાં તારે શી ખોટ?
મુંબઇની મેડીયું મોટી ,પાયામાંથી સાવ છે ખોટી .
ભીંસ વધી ને ઠેલંઠેલા, છાસવારે પડે હડતાળ ,
શેરનાં કરતાં ગામડામાં મને દેખાય ઝાઝો માલ ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે .
કાગળનું તારે કામ શું માડી? વાવડ સાચા જાણ ,
તારા અંધાપાની લાકડી થાવાનાં મેં લીધા પચખાણ
હવે નથી ગોઠતું માડી વાંચી તારી આપદા કાળી !
==============================

2

=============================

|| મા બાપને ભૂલશો નહિ ||

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.