હિંદુ ધર્મના ઉત્સવો – આંધળી માનો કાગળ – દેખતા દિકરાનો જવાબ – મા બાપને ભૂલશો નહિ

A

|| હિંદુ ધર્મના ઉત્સવો ||

કારતક માસમાં નુતન વર્ષની વધામણી થાય,
ને ભાઇબીજની સંગે ઉજવાય છે દેવદીવાળી
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.
માગસર માસમાં નાતાલની તાલ મેળવી લે
ને પોષ માસમાં પતંગને પકડે લઈ મકરસંક્રાંતિ;
મહા માસમાં મહાશિવરાત્રીને ઉજવે શીવજી કાજે,
ફાગણ માસમાં આવે ધુળેટી રંગ લઈ સૌને એ રંગે
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.
ચૈત્ર માસમાં આવે ગુડી પડવો ને સંગે રામનવમી,
ને તેરસે આવે જૈનધર્મની પવિત્ર મહાવીર જયંતી;
વૈશાખ માસમાં પવિત્ર બુધ્ધ પુર્ણિમા ઉજવી લઈયે,
ને અષાઢ માસમાં પ્રેમે પરમાત્માની રથયાત્રા
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.
શ્રાવણ માસમાં સ્વતંત્રદીન ઉજવાય ભારતનો,
ને સાથે પ્રેમથી પારસી નુતન વર્ષને સચવાય;
રક્ષાબંધન એ ભાઇબહેનનો પ્રેમ પકડે જીવનમાં,
ને જન્માષ્ટમી એતો ભગવાન કૃષ્ણનો જન્મદીવસ.
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારનેપકડી ચાલે.
ભાદરવામાં શ્રી ગણેશ ચતુર્થી ને સંગે સંવત્સરી પર્વ,
જે ભક્તિભાવથી પુંજે છે જગતમાં હિન્દુધર્મી સર્વ;
આસો માસમાં આવે વિજ્યા દશમી સંગે દશેરા ઉત્સવ
દીપાવલી બની દીવાળી આવે ફટાકડા ફોડે સર્વ.
એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવારને પકડી ચાલે.

==================================

|| આંધળી માનો કાગળ ||

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે. લખ્ય કે માડી !
પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
=======================

1

|| દેખતા દિકરાનો જવાબ ||

ફાટ્યા તુટ્યા જેને ગોદડી ગાભાં, આળોટવા ફુટપાથ ,
આંધળી માનો દેખતો દિકરો કરતો મનની વાત ,
વાંચી તારા દુખડા માડી , ભીની થઇ આંખડી મારી .
પાંચ વરસમાં પાઇ મળી નથી એમ તું નાખતી ધા ,
આવ્યો તે દિ થી હોટલને ગણી છે માડી વિનાની મા ,
બાંધી ફુટપાયરી જેણે રાખ્યો રંગ રાતનો એણે .
ભાણિયો તો માડી થાય ભેળો જે દી મીલો બધી હોય બંધ
એક જોડી મારાં લુગડામાં એને આવી અમીરીની ગંધ ,
ભાડે લાવી લુગડા મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા
દવાદારુ અહીં આવે ના ઢુકડા એવી છે કારમી છે વેઠ
રાત ને દિવસ રળું તોય મારું ખાલી ને ખાલી પેટ ,
રાતે આવે નિંદર રુડી , મારી કને એટલી જ મૂડી!
જારને ઝાઝા જુહાર કહેજે , ઉડે અહીં મકઇનો લોટ ,
બેસવા પણ ઠેકાણું ના મળે ,કૂબામાં તારે શી ખોટ?
મુંબઇની મેડીયું મોટી ,પાયામાંથી સાવ છે ખોટી .
ભીંસ વધી ને ઠેલંઠેલા, છાસવારે પડે હડતાળ ,
શેરનાં કરતાં ગામડામાં મને દેખાય ઝાઝો માલ ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે .
કાગળનું તારે કામ શું માડી? વાવડ સાચા જાણ ,
તારા અંધાપાની લાકડી થાવાનાં મેં લીધા પચખાણ
હવે નથી ગોઠતું માડી વાંચી તારી આપદા કાળી !
==============================

2

=============================

|| મા બાપને ભૂલશો નહિ ||

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

Leave a comment