શ્રી પર્યુષણ પર્વની કથા

1

|| શ્રી પર્યુષણ પર્વની કથા ||

શ્રી પર્યુષણ પર્વનું માહાત્યમ તેમજ વિધિ સમાચારી કોણે કહી ? કોણે પૂછી ? કોણે સાંભળી ? તે સંબંધી કહે છે કે,મગધદેશમાં નિરંતર મહોત્સવો થઇ રહ્યા છે, એવા ઘણાં જિનાલયો છે.વીતરાગ ધર્મ સેવનાર શ્રાવક જનો મહોત્સવો કરી રહ્યા છે. તેમજ ભોગસમી રાજગૃહી નગરીમાં બહોતેર કળાનો જાણનાર રાજનીતિમાં નિપુણ શ્રેણિકરાજા રાજ્ય કરે છે.તેની સત્યશીલ ગુણવતી અને જૈનધર્મને શોભાવનારી ચેલણા નામે રાણી છે.વૈભારગિરિ ઉપર અનેક દેવતાઓ યુક્ત ચોસઠ ઇન્દ્રો જયજયા રવ કરી રહ્યા છે,તથા દેવ દંદુભિના અવાજથી ચારે દિશાઓ ગુંજી રહી છે.આવી શોભાયુક્ત અષ્ટ મહાપ્રાતિહાર્ય સહિત શ્રી વીર જિનેશ્વરને સમ વસરેલા જોઇને વન પાલકે શ્રેણિક મહારાજાને કહ્યું કે,મહારાજ!વૈભાર પર્વતની ઉપર શ્રી વીર ભગવંત દેવરચિત સમોવસરણમાં બિરાજ્યા છે.વન પાલકનું કથન સાંભળી અત્યંત હર્ષમાં આવી શ્રેણિક રાજા આસન પરથી ઉભા થઈને જે દિશામાં પ્રભુ બિરાજ્યા છે તે દિશામાં સાત કદમ આગળ જઈ,પંચાંગ નમસ્કાર કરી પોતાના અંગે પહેરેલા ઘરેણાં મુકુટ છોડીને બાકીના વન પાલકને આપ્યા.પછી આનંદ ભેરી વગડાવી નગરવાસી સહિત રાજા સહપરિવાર શ્રી વીરપ્રભુને વાંદવા ગયો.

શ્રેણિકરાજા સમવસરણમાં પહોચી પાંચ પ્રકારના અભિગમ સાચવી ભગવાનને જમણી બાજુએથી ત્રણ પ્રદક્ષિણા દઈ સ્તુતિ કરી સ્વસ્થાને બેઠા.ભગવાનની દેશના બાદ અવસર પામી શ્રેણિકરાજા પુછવા લાગ્યા કે,હે ભગવન!પ્રથમ શ્રી પયુષણપર્વ ને વિષે શી શી કરણી કરવી ? અને તે કરવાથી શુ ફળ મળે ?

ભગવાને જણાવ્યું,હે મગધેશ! સાંભળ [૧] પયુષણપર્વ આવે ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ શ્રી વીતરાગના ચૈત્યો જુહારે [૨] સાધુની ભક્તિ કરે [૩] કલ્પસૂત્ર સાંભળે [૪] શ્રી વીતરાગની પૂજા-ભક્તિ કરે નિત્ય અંગરચના [5] ચતુર્વિધ સંઘમાં પ્રભાવના કરે [૬] સાધર્મિક વાત્સલ્ય કરે [૭] જીવોને અભયદાન આપવા અમારી પડહ વગડાવે.[૮] અઠ્ઠમ તપ કરે [૯] જ્ઞાનની પૂજા કરે [૧૦] પરસ્પર સંઘને ખમાવે અને [૧૧] સંવત્સરી પ્રતિક્રમણ કરે.આ અગિયાર કર્તવ્ય છે.

વિશેષમાં ભગવાને કહ્યું પજુષણ આવે ત્યારે સામાયિક,પૌષધવ્રત કરવા,બ્રહ્મચર્ય પાળવું,દાનદેવું તેમાં દયા મુખ્ય પાળવી. ઈત્યાદી કર્તવ્ય અલંકાર રૂપ છે.વળી ઘરનાં આરંભ સર્વે વર્જવા, ખાંડવું,દળવું,સચિત્તનો ત્યાગ કરવો,સાવદ્ય વેપાર ન કરવો.કલ્પસૂત્ર વાંચન કરનાર સાધુ મહાત્માઓની ગોચરીની વ્યવસ્થા કરવી,રાત્રી જાગરણ કરવું,આઠ દિવસ ઉભય ટંક ના પ્રતિક્રમણ કરવા,ગુરુની વસ્ત્રાદિક ભક્તિ કરવી, સાવદ્ય એટલે પાપના વચન મુખેથી ન બોલવા.પારણાના દિવસે સાંવ ત્સરિક દાન દેવું,દેવદ્રવ્ય તથા સાધારણના ભંડાર વધારવા,જ્ઞાન દ્રવ્યની વૃદ્ધિ કરવી, અનેક પ્રકારના વાજિંત્રો વગડાવવા, ઉત્તમ વસ્ત્રો પહેરવા,કલેશ,શોક,સંતાપનું નિવારણ કરવું,કંકુ વડે પાંચ આંગળીના થાપા દેવા અને ચંદનથી પૂર્ણ કળશની સ્થાપના કરવી.

અગિયાર કર્તવ્યમાં શ્રી પર્યુષણ પર્વને દિવસે જે વિધિ પૂર્વક ચૈત્યપરીપાટી કરે તે દેવલોકમાં ઇન્દ્ર જેવા સુખ પામે તથા મનુષ્ય લોકમાં શ્રેષ્ઠ પદવી પામે.સાધુ-સાધ્વીની ભક્તિ કરનારને વૈમાનિક દેવપણું પ્રાપ્ત થાય છે.કલ્પસૂત્ર સાંભળવાથી કલ્પવ્રુક્ષની જેમ સાંભળનારના મનો વાંછિત પૂર્ણ કરે છે.જે મુનિ સંપૂર્ણ કલ્પસૂત્ર વાંચે અને ભવ્યજન બહુમાન પૂર્વક આદર સહિત સાંભળે તે વૈમાનિક સુખો ભોગવીને મોક્ષપદ પામે છે.સર્વ પર્વોમાં પયુષણ પર્વ મોટું છે.તે પર્વમાં જે કલ્પસૂત્ર સાવધાન થઈને સાંભળે તે આત્મા આઠ ભવમાં મોક્ષ પામે છે.
નિરંતર શુદ્ધ સમકિતના સેવનથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાથી જેટલું પુણ્ય ઉપાર્જન થાય તેટલું પુણ્ય કલ્પસૂત્ર સાંભળવાથી ઉપાર્જન થાય,શ્રી જિનશાસનમાં પૂજા પ્રભાવના કરવામાં તત્પર રહેલા લોકો એકાગ્ર ચિત્તે શાસન પ્રભાવના કરે,પૂજા કરે,અને કલ્પસૂત્રનું એકવીસવાર શ્રવણ કરે તે પ્રાણી સંસારરૂપ સમુદ્રને તરી જાય છે.

ચોથા ધ્વારમાં પર્યુષણ આવે ત્યારે અરિહંત ભગવંતની પ્રતિમાઓને મહારિદ્ધિ સહિત રથમાં સ્થાપન કરી અષ્ટપ્રકારીપૂજા, સ્નાત્રાદિ આઠે દિવસે કરવા. જેવી રીતે ચાર નિકાયના દેવો,વિદ્યાધરો ત્રણે અઠ્ઠાઈને પાંચે કલ્યાણકો નો નંદીશ્વરદ્વિપમાં મહોત્સવ કરે છે.તેવી રીતે મનુષ્યો પણ મહોત્સવો કરે છે.પયુષણ પર્વમાં દોષ રહિત પણે શ્રી જિનરાજની પૂજા કરે તે પ્રાણી ત્રીજે અથવા સાતમે આઠમે મોક્ષને પામે.જેનાં પાપ વિષમ હોય તે પાપ દુર થાય.ખુબ સુખ સંપત્તિ પામે.તેનો આત્મા ત્રણે ભુવનમાં યશ, કીર્તિ થી દેદીપ્યમાન થાય.

પાંચમું અને છઠ્ઠું કર્તવ્ય સંઘ પ્રભાવના અને સ્વામી વાત્સલ્ય ના ત્રણ ભેદ છે.જઘન્ય(સામાન્ય ) મઘ્યમ અને ઉત્કૃષ્ટ.તેમાં પ્રત્યેક સાધર્મિક ને એકેક નવકારવાળી આપે તે સામાન્ય,ચાર પ્રકારના આહાર વડે જમાડે તે મઘ્યમ અને જમાડ્યા પછી વસ્ત્રાભરણ ની પહેરામણી કરે તે ઉત્કૃષ્ટ સ્વમીવાત્યાલ્ય જાણવું.ત્રીજા જિન શ્રી સંભવનાથ પ્રભુએ દઢભક્તિ પૂર્વક શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય કર્યું, તેથી તીર્થંકર લક્ષ્મી પામ્યા.

અમારિ ઉદ્ઘોષણા કરવા સંબંધી સાતમું કર્તવ્ય છે પયુષણના સર્વ દિવસોમાં અભયદાન દેવું.પાપનો ધંધો થતો અટકાવવો જેમકે તે દિવસો માં કતલખાના બંધ કરાવવા,અભયદાનનો પડહ વગડાવવો,આ રીતે જે અમારિ પળાવે તેનું આયુ દીર્ધતર થાય,શરીર શોભાય માન થાય, ઊંચ ગોત્ર બંધાય,બળ પરાક્રમ અને સંપદા(લક્ષ્મી) પામે અને નિરંતર તંદુરસ્ત રહે.તથા તે ભવ્ય જીવ ત્રીજે ભવે મોક્ષ પામે.

આઠમું કર્તવ્ય પર્યુષણ માં અઠ્ઠમતપ કરનાર ત્રણરત્નની શોભાને પામે,મન વચન અને કાયાના પાપ ધોઈ નાખે,તેના જન્મ અથવા ત્રણભવ પવિત્ર થાય,અથવા તે પુરુષ મોક્ષપદ પામે છે.માટે જે શ્રાવક કળીયુગમાં પયુષણ આવે ત્યારે ત્રણ ઉપ વાસ કરે,તેને ધન્ય છે.મુનિ મહારાજ છ માસી અથવા વરસ ના તપ કોટી વર્ષ પર્યંત કરે,તે મુનિ તપ ના ભાવથી ઘણાં વર્ષોના સંચિત કરેલા કર્મો ની નિર્જળા કરે,તેમ પયુષણ માં અઠ્ઠમતપ કરવાથી એટલા પાપોનો ક્ષય થાય. તેની ઉપર શ્રી નાગકેતુની કથા શ્રી કલ્પસુત્રથી જાણવી.

નવમું કર્તવ્ય જ્ઞાનની પૂજા કરવા પયુષણ માં પુસ્તક આગળ કસ્તુરી,કપુરાદિ,ચંદન,અગર,ધૂપ કરવા,ઘીનો દીપક કરવો, એ પ્રમાણે કલ્પ સૂત્રની પૂજા કરવી. તેથી સંસારજન્ય અજ્ઞાન નાશ પામે છે.તથા ક્રમેક્રમે ભવ્યજીવને કેવલજ્ઞાન ઉપજે છે.

સંવત્સરી પ્રતિક્રમણનું દસમું ધ્વાર પયુષણ પર્વમાં મન,વચન અને કાયાની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું.પડિક્કમણ પંચવિધ આચારની શુદ્ધિ નો હેતુ છે સાધુ તથા શ્રાવકે ગુરુની સાથે પ્રતિક્રમણ કરવું અથવા એકલાએ પણ કરવું.

સંવત્સરી ખામણાં વિષે અગિયારમું ધ્વાર,કલેશ થી જે પાપો બાંધ્યા હોય તે પયુષણમાં સુક્ષ્મ અને બાદલ બન્ને પ્રકારના જીવોની સાથે ખમા વવાથી નાશ પામે છે.જે પ્રાણી પૂર્વના વૈરભાવને મૈત્રી ભાવથી પયુષણમાં સર્વ જીવોની સાથે ખમાવે તે પ્રાણી દોષ રહિત થઇ મોક્ષના સુખ પામે.

પયુષણમાં જે દેવદ્રવ્ય,જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરે તે ભવીજીવ તીર્થંકર પદવી પ્રાપ્ત કરે છે તથા જે દેવદ્રવ્યની ઉપેક્ષા કરે, ભક્ષણ કરે તથા કોઈ આપતો હોય તેને અંતરાય કરે કે આપવાની ના કહે.તે જીવ બુદ્ધિહીન થાય,ઘણા પાપોથી લેપાય અને બીજા ભવ માં ધર્મ ન પામે અથવા નરક આયુષ્ય બાંધે.જે નર દેવદ્રવ્ય વડે પોતાના ધનની વૃદ્ધિ કરે તે ધન તેના કુળનો નાશ કરે,તેમજ તે નર મરી ને નરકગતીમાં જાય, માટે શ્રાવકે વ્યાપાર કરતાં દેવદ્રવ્યની રક્ષા કરવી.

આ રીતે પર્યુષણ પર્વની કરણીનું ફળ પ્રભુના મુખેથી સાંભળીને શ્રેણિક મહારાજા એ પૂછ્યું ,ભગવંત ! સર્વથી અધિક પયુષણ પર્વનો મહિમા કેવો છે ? ભગવંતે કહ્યું,રાજન ! પયુષણપર્વનો મહિમા પુરેપુરો કહેવાને હું પણ અસમર્થ છું.જેમ કોઈ મેઘની ધારાની સંખ્યા ગણી શકે નહિ, આકાશમાં રહેલા તારાની સંખ્યા ગણી શકે નહી.ગંગા નદીના કાંઠે રહેલા રેતીના કણીયા કે સમુદ્રમાં રહેલા પાણીના બિંદુની સંખ્યા કહી શકે નહિ.કદાચિત કોઈ ધીર પુરુષો પૂર્વોક્ત સર્વ પદાર્થોની સંખ્યાની ગણના કરી શકે પરંતુ આ પર્વ પયુષણ પર્વના મહત્યમની સંખ્યા કોઈના થી કહી શકાય નહિ.તેથી જ સર્વ પર્વોમાં અધિક મોટું પર્વ એ છે.જેમ ગુણોમાં વિનયગુણ મોટો,વ્રતમાં બ્રહ્મચર્ય, નિયમમાં સંતોષ,તપમાં સમતા,સર્વ તત્વમાં સમકિત,તેમ સર્વ પર્વમાં પયુષણપર્વ મોટું છે.જેમ મંત્રમાં પંચપરમેષ્ઠી,મહિમાવંત તીર્થમાં શ્રી શત્રુંજય,રત્નમાં ચિંતા મણી,રાજામાં ચક્રવર્તી,કેવળીમાં તીર્થંકર શ્રેષ્ઠ છે,તેમ પર્વમાં પયુષણપર્વ શ્રેષ્ઠ છે.જેમ સમ્યક્ત્વ દર્શનમાં ક્ષાયિક સમ્યક્ત્વ શ્રેષ્ઠ છે,

જ્ઞાનમાં કેવલજ્ઞાન,ધ્યાનમાં શુકલધ્યાન,રસાયણમાં અમૃત, શંખમાં દક્ષિણાવર્ત શંખ શ્રેષ્ઠ છે તેમ પર્વમાં પયુષણ પર્વ શ્રેષ્ઠ છે.આ રીતે પયુષણપર્વ જે ભવ્ય પ્રાણી ત્રિકરણ શુદ્ધિથી જે પ્રાણી આરાધે છે,તે પ્રાણી ઈહલોકમાં રિદ્ધિ,વૃદ્ધિ,સુખ,સૌભાગ્ય,બાહ્ય અને અભ્યંતર સંપદા અવશ્ય પામે છે.

પરલોકમાં ઇન્દ્રપણું પામે,અનુક્રમે તીર્થંકરપદને ભોગવી મુક્તિવધૂ પણ પામે.પયુષણપર્વનું આવું મહત્યમ સાંભળી શ્રેણિક રાજાએ પૂછ્યું કે,હે જિનેન્દ્ર !પૂર્વે એ પયુષણપર્વ કોણે સમ્યક પ્રકારે આરાધ્યું ? અને એથી તે કેવા ફળ પામ્યો ? ત્યારે ભગવંતે જણાવ્યું શુભ મતિથી વિધિ સહિત પયુષણપર્વ ના આરાધનથી ગજસિંહરાજા તીર્થંકર પામ્યા.

આ રીતે પર્યુષણ પર્વનું અપૂર્વ ફળ સાંભળી શ્રેણિકરાજા વિગેરે સર્વલોક અષ્ટાન્હિકાદિ મહોત્સવ સહિત પર્યુષણ પર્વ નું આરાધન કરવામાં ઉદ્યમવંત થયા.

Leave a comment