પર્વાધિરાજ પર્યુષણ

12

|| પર્વાધિરાજ પર્યુષણ ||

પર્વાધિરાજ પર્યુષણનો મર્મ ભગવાન મહાવીરે મગધરાજ શ્રેણીકને સમજાવેલો
સ્વર્ગ તો કોઇએ જોયું નહોતું. પણ મગધદેશ જોનારને સ્વર્ગ જોયાનો આનંદ મળતો. દેવોની પાટનગરી અમરાપુરી તો કોઇએ જોઇ નહોતી પણ રાજગૃહી જોનારને અમરાપુરીનો અણસારો મળતો.
દેવોના રાજા ઇન્દ્રને ચર્મચક્ષુવાળા માનવીઓ નજરે નીરખી શકતા નહી, પણ મગધપતિ શ્રેણિક બિબિસારને નીરખતાં ઇંદ્રરાજની પ્રતિભા પરખાઇ જતી.

ઇંદ્રરાજની પટરાણી શચિદેવીનાં રૃપગુણ લઇને રાણી ચેલણાએ અવતાર ધર્યો હતો. અને મગધની રાજસભા એ દેવસભા જેવી અને સભાજનો દેવોની પ્રતિમૂર્તિ સમા લાગતા.

રાજગૃહી અનેક પર્વતશૃંગોની વચ્ચે વસેલી હતી. તે અપૂર્વ વનશ્રી ધરાવતી હતી. એક દિવસ વનમાં અપૂર્વ અચરજ થયું. જન્મજાત વેરવાળાં પ્રાણીઓ એકબીજાને પ્રેમ કરતાં હતા. ગાય વ્યાઘ્રબાળને ધવરાવતી હતી અને બિલાડી ઉંદરને પ્યાર કરતી હતી. સર્પ ને નકૂલ બંને ગાઢ મિત્ર થઇને ફરતા હતા.

વનપાલકને આ અચરજ થયું અને એ વનના ખંડમાં પ્રવેશ્યો ત્યાં તેને જાણવા મળ્યું કે વીતરાગ ભગવાન મહાવીર અહી સમોસર્યા છે. અને એમના ક્ષમા- પ્રેમભર્યા વ્યક્તિત્વનો આ પ્રભાવ છે. વનપાલક દોડયા અને રાજસભામાં જઇને મગધરાજને ખબર આપ્યા કે ભગવાન મહાવીરદેવ પધાર્યા છે. પ્રકૃતિ પોતે પોતાને ભૂલી ગઇ છે અને પ્રાણનું મહાપ્રાણમાં વિસર્જન થયું છે.
મગધરાજ તત્કાળ ઊભા થઇ ગયા અને બોલ્યા, ”ઓહ, આ વર્તમાન સાત ખોટના પુત્રના જન્મથી પણ અધિક છે. વધામણી લાવનારને સુવર્ણ અને હીરાના હારથી વધાવો અને આનંદભેરી બજાવી સમસ્ત પ્રજાજનને સાબદા કરો. અમે પણ પ્રભુ દર્શને સંચરીએ છીએ.” મહારાજ હાથીએ ચઢયા. ઢોલ-નગારા ગડગડયા અને રાજવી પ્રભુની પરિષદામાં આવ્યા પછી ધર્મવીરના નિયમ પ્રમાણે તેઓએ છત્ર છોડયું, ચામર ત્યજ્યાં, વાહન વર્જ્યાં, પાંચ રાજચિહ્ન અળગાં કર્યા અને પતાકા છોડીને પાંચ અભિગમ સાથે પ્રભુને વંદન કર્યા.

ગણધરોમાં પ્રથમ એવાં ગૌતમ સ્વામીને વંદન કર્યા. વંદન કરીને પોતે પ્રભુથી સાડા ત્રણ હાથ દૂર બેઠા. ભગવાન મહાવીર માલકૌંષ રાગમાં પોતાની વાણી વહાવતા હતા. તેઓ કહેતા હતા ઃ ”સંસારમાં લખ ચોરાસીમાં ફરતાં મનુષ્ય જન્મ મળવો મહાકઠણ છે. એમાંય મનુષ્યજન્મ મળીને સારમાણસાઇ મેળવવી દુર્લભ છે અને એથીય દુર્લભ અહિંસા સંયમને તપ- એમ પાયારૃપ ધર્મ મેળવવા દુર્લભ છે. એને સર્વથી દુર્લભ યોગ્ય જાણીને યોગ્ય આચરવું તે છે. આ મુનિ અને ગૃહસ્થ બંને માટે સમજવું.”

”માણસનું મન હરહંમેશ એક સમાન નથી. બધા દિવસ સરખા હોતા નથી. કોઇ દિવસ મોટા હોય છે. એવા દિવસો પર્વના છે. ચાલુ દિવસના મન એટલું ઉલ્લાસિત થતું નથી, જેટલું પર્વના દિવસોમાં થાય છે. વળી ગૃહસ્થના ચારે પહોર તો ધંધામાં જાય છે, પણ એમાંથી એક યા અડધો પ્રહાર પરમાર્થમાં જાય તો એ મહાન સાફલ્ય ગણાય અને એમ રોજ ન થઇ શકે તો પર્વના દિવસો આવે ત્યારે ગૃહસ્થે ખાસ ધર્મકાર્યમાં ચિત્ત પરોવવું. ગાયના ગળે કાષ્ટધ્વંસ બાંધી હોય, તો ય ફરતી ફરતી થોડાં તૃણ ખાઇ પેટ ભરી લે છે. એવું આમાં છે.

મગધરાજે આ વખતે પ્રશ્ન કર્યો, ”હે ભગવાન, પાપનું શોષણ થાય અને પુણ્યનું પોષણ થાય એવું પર્વોમાં મહાન પર્વ કર્યું છે ?”

ભગવાન બોલ્યા, ”હે રાજન્, મંત્રમાં નવકારમંત્ર જેમ મોટો છે, તીર્થમાં શત્રુંજય મોટો છે. દાનમાં અભયદાન મોટું છે, રત્નમાં ચિંતામણિ રત્ન મોટું છે. કેવળીમાં તીર્થંકર મોટાં છે. જ્ઞાાનમાં જેમ કેવળજ્ઞાાન મોટું છે. ધ્યાનમાં જેમ શુક્લધ્યાન મોટું છે. રસાયણમાં અમૃત મોટું છે. શંખમાં દક્ષિણાવર્ત મોટો છે. પર્વતમાં મેરુ મોટો છે. નદીમાં ગંગા મહાન છે, સરોવરમાં માનસરોવર મોટું છે, એમ દ્વિપને વિષે જંબુદ્વીપ ક્ષેત્રને વિષે ભરતક્ષેત્ર, દેશમાં સોરઠ, દિવસમાં દિવાળીનો દિવસ અને માસમાં ભાદરવો શ્રેષ્ઠ છે. એમ સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ મહાન છે. એક વાત કહું, જેમ તપ વિના મુનિ ન શોભે, શીલ વિના સ્ત્રી ન શોભે, શૌર્ય વિના શૂરો ન શોભે, વેદ વિના વિપ્ર ન શોભે, દયા વિના ધર્મ ન શોભે, તેમ ગૃહસ્થ અને મુનિનું કુલ પર્યુષણની આરાધના વિના ન શોભે.”
મગધરાજ કહે, ”પર્યુષણ પર્વ મુનિ માટે કયા પ્રકારનું છે ?”

ભગવાન કહે, ”સાધુઓ માટે પર્યુષણા દશ કલ્પમાનો એક કલ્પ છે. પર્યુષણાનો અર્થ વર્ષાવાસ. વર્ષા ઋતુ આવે એટલે સાધુએ એક સ્થળે રહેવું એનો યોગિક અર્થ એ છે કે આત્માની નજીક રહેવું અને આત્મની નજીક રહેવા માટે ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયોને તજવાં. નવકલ્પમાં સાધુઓ માટે

(૧) અચંલક કલ્પ ઓછાં ને જીર્ણ વસ્ત્ર પહેરવા.

(૨) ઉદેથશક કલ્પ પોતાના નિમિત્તે બતાવેલ આહાર ન લેવો.

(૩) શય્યાતર કલ્પ જેના ત્યાં ઉતર્યા હોય તેને ત્યાંના ખાનપાન કે વસ્ત્ર સાધુએ ન લેવા.

(૪) રાજપિંડ ન લેવો.

(૫) કૃતિકર્મ કલ્પ જે દિક્ષામાં વડો તેને વડો સ્વીકારવો.

(૬) ચારને બદલે પાંચ વ્રત (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) સ્વીકારવા

(૭) જ્યેષ્ઠકલ્પ- કાચી દીક્ષા નહી પાકી દીક્ષાથી લઘુગુરુને સ્વીકાર કરવો

(૮) રોજ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરવું.

(૯) માસ કલ્પ- ચોમાસામાં એક સ્થળે રહેવું. ચોમાસું રહેલા કલ્પવાળા સાધુએ પર્યુષણાના પાંચ દિવસ માટે કલ્પસૂત્ર વાંચવું. ”

મગધરાજ બોલ્યા, ”ગૃહસથોએ પર્યુષણા પર્વમાં શું કરવું ?”

ભગવાન મહાવીર બોલ્યા, ”ગૃહસ્થ ૧૧ કાર્ય કરે.

(૧) પૂજા

(૨) ચૈત્ય-પરિપાટી (મંદિરોના દર્શન)

(૩) સાધુ- સંતોની ભક્તિ

(૪) સંઘમાં પ્રભાવના

(૫) જ્ઞાાનની આરાધના

(૬) સાધર્મિક વાત્સલ્ય

(૭) કલ્પસૂત્ર શ્રવણ

(૮) તપશ્ચર્યા કરવી

(૯) જીવોને અભયદાન દેવું.

(૧૦) સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું અને

(૧૧) પરસ્પર ક્ષમાપના કરવી.”

મગધરાજ કહે, ”આ તો વિશિષ્ટ કાર્ય કહ્યાં, સામાન્ય દૈનિક આચાર કેવો રાખે ?”

ભગવાન કહે, ”એ દિવસોમાં યથાશક્તિ દાન આપે, બ્રહ્મચર્ય પાળે, સામાયિક, પ્રતિક્રમણને પૌષધ કરે. ઘરના સમારંભ ત્યજે, ખાંડવું દળવું છોડે, નાટકચેટક ન જુએ, ભૂમિ પર સૂએ, સચિત્ત વસ્તુનો ત્યાગ કરે, રાત્રિએ જાગરણ કરે, ભાવભજન કરે, મધ્યાહ્ને પૂજા આંગી કરે, પાપના વચન મુખથકી ન બોલે, કલશ, શોક, સંતાપ, કરે નહિ- કરાવે નહિ. ધર્મમહોત્સવમાં મન- કૂચક્ર મૂકી લક્ષ્મીનો સદ્ઉપયોગ કરે.’

મગધરાજ કહે, ”આઠ દિવસમાં શું સાંભળે ?”
ભગવાન કહે, ”પ્રથમના ત્રણ દિવસ કરવા યોગ્ય કર્તવ્ય વિષે સાંભળે પછીના પાંચ દિવસ કલ્પસૂત્ર સાંભળે. કલ્પસૂત્રનો મહિમા પ્રભુ પ્રતિમાંથી પણ વડો લેખાયો છે.”
મગધરાજ ઃ ”આ પર્વ તો મુખ્ય દિવસ સંવત્સરી એ દિવસનું મુખ્ય કાર્ય શું ?”

ભગવાન બોલ્યા, ”ક્ષમાપના પોતાનો જે દોષ ગુનો કોઇએ કર્યો હોય તેની સામે પગલે જઇને માફી આપવી ને પોતે જે દોષ કર્યા હોય તેની માફી માગવી. મનનો અહંકાર દૂર કરો. નમ્ર થવુ. ચિત્ત નિર્મળ કરવું અને પછી આ આખા વર્ષના અતિ ઉત્તમ દિવસને સાર્થક કરવો.”

આમ પર્યુષણ પર્વની આરાધનાના સમયે સહુ કોઇને પોતાના આત્માની ખોજ કરવાની જરૃર છે. આપણા મનમાં રહેલા મદ માન અને મોહને ભૂલીને લાખેણા આત્માને શોધીએ અને તે શોધવા માટેનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે ક્ષમાપના. વેરના અંધકારમાં, દ્વેષના દાવાનળમાં અને બદલાની બૂરી ભાવનામાં જીવતા જીવને માટે આજે આત્મીય પ્રેમને કાજે પ્રાયશ્ચિતનું પર્વ ઊગ્યું છે. દિવાળીના પર્વમાં જેમ નફા- તોટાનો હિસાબ કરીએ એ જ રીતે સંવત્સરીના વાર્ષિક પર્વમાં વર્ષભરના સારાંનરસાં કર્મોનું સરવૈયું કાઢીને સાચી ક્ષમા દ્વારા આપણા હૃદયમાં પરમાત્મભક્તિનો ઉજાશ પથરાવવાનો છે.

મહાવીર જન્મવાચન
પર્વાધિરાજ પર્યુષણનો પાંચમો દિવસ એટલે મહાવીર જન્મવાચનનો દિવસ. કેટલીક વ્યકિતઓ ભૂલથી એને ભગવાન મહાવીરનો જન્મદિવસ માને છે. હકીકતમાં ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની તેરસના દિવસે થયો હતો. વિ.સં. પૂર્વે ૫૪૩ની ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રીએ માતાની કૂખમ ાં કુલ નવ મહિના અને સાડા સાત દિવસ વીત્યા બાદ ત્રિશલા દેવીને પુત્ર જન્મ થયો હતો. આથી ભગવાન મહાવીરનો જન્મદિવસ ચૈત્ર મહિનામાં આવે છે જ્યારે પર્વાધિરાજ પર્યુષણના સમયે આવતો દિવસ તે કલ્પસૂત્રમાં મહાવીર સ્વામીના જન્મવાચનનો દિવસ છે.
આ દિવસે કુંડગ્રામના રાય સિદ્ધાર્થની પત્ની ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્નોનું વર્ણન કરવામાં આવે છે. હકીકતમાં દરેક તીર્થકરની માતાને ચૌદ સ્વપ્ન આવે છે. આ દિવસે ઉપાશ્રયમાં આ સ્વપ્નનો સ્વપ્નપાઠકોએ બતાવેલો અર્થ બતાવવાની સાથોસાથ એની બોલી બોલાવવામાં આવે છે અને આ દિવસે સુંદર વસ્ત્રો પરિધાન કરીને સાધર્મિક વાત્સલ્ય (ભોજન) સાથે મળીને એની ઊજવણી થાય છે.

ગણધરવાદ એટલે શું ?

પર્વાધિરાજ પર્યુષણના છઠ્ઠા દિવસે ગણધરવાદનું વાચન થાય છે. ગણધરવાદ એટલે અગિયાર મહાપંડિતોની મહાશંકાઓને દૂર કરતો વાર્તાલાપ.

વિક્રમ સંવત પૂ.૫૦૦ વર્ષે વૈશાખ સુદ દસમના દિવસે ભગવાન મહાવીરને ભારત વર્ષના અગિયાર મહાપંડિતો વાદ- વિવાદમાં પરાજિત કરવા માટે આવે છે. એ અગિયાર મહાપંડિતોના નામ આ પ્રમાણે છે. (૧) ઇન્દ્રભૂતિ ગૌતમ, (૨) અગ્નિભૂતિ, (૩) વાયુભૂતિ, (૪) વ્યક્ત, (૫) સુધર્મા, (૬) મણ્ડિત, (૭) મૌર્યપુત્ર, (૮) અકમ્પિત, (૯) અચલભ્રાતા, (૧૦) મેતાર્ય, (૧૧) પ્રભાસ.
આ પંડિતોને અનુક્રમે નીચેની બાબતો અંગે શંકા હતી.

(૧) આત્મા (૨) કર્મ (૩) શરીર એ જ જીવ (૪) પંચભૂત (૫) જન્માન્તર (૬) બંધ (૭) દેવ (૮) નારકી (૯) પુણ્ય (૧૦) પરલોક, (૧૧) મોક્ષ.

ગણધરવાદની વિશેષતા એ છે કે આ મહાપંડિતોની શંકા તેઓ રજૂ કરતા નથી, પરંતુ સ્વયં ભગવાન મહાવીર એમના મનની શંકા કહે છે અને પછી એનું સમાધાન આપે છે. સામાન્ય રીતે વાદવિવાદમાં ખંડન અને મંડન થાય છે. એક વ્યક્તિના મત સામે બીજી વ્યક્તિ એનો વિરોધ કરે છે, જ્યારે અહી ભગવાન મહાવીર સ્વયં પંડિતોની શંકા દર્શાવીને પોતે જ ઉત્તર આપે છે અને એ રીતે જૈન ધર્મનો સમન્વયાત્મક દ્રષ્ટિકોણ પ્રગટ થાય છે. વળી વેદશાસ્ત્રના પારંગત એવા પંડિતોને વેદમાં વર્ણવાયેલી બાબતોનું ભગવાન મહાવીર પોતાની તત્વદ્રષ્ટિએ અર્થઘટન કરીને સમજાવે છે.

આ ગણધરવાદમાં અગિયાર પંડિતો અને એમના શિષ્યો એમ કુલ ૪૨૧૧ પુણ્યાત્માઓ ભગવાન મહાવીરનો ઉપદેશ અને શિષ્યત્વ સ્વીકારે છે. એક અર્થમાં કહીએ તો જૈનદર્શનના ઘણા મહત્વના પાસાઓ ગણધરવાદમાં આવરી લેવાયા છે.

 

 

 

 

 

|| પર્વાધિરાજ પર્યુષણ ||

Leave a comment