પર્વાધિરાજ પર્યુષણ

2  

|| પર્વાધિરાજ પર્યુષણ ||

આરાધના અને આત્મશુદ્ધિનું અજોડ પર્વ પર્યુષણા :

”પર્વમાંહે પજુસણ મોટા, અવર ન આવે તસ તોલે રે…”

જૈન જગતમાં જેની ગણના સર્વોત્તમ-સર્વશ્રેષ્ઠરૃપે કરવામાં આવી છે તે પર્યુષણામહાપર્વનો મંગલ પ્રારંભ ગુરુવારથી થઈ રહ્યો છે ત્યારે આપણે પણ એ પર્યુષણામહાપર્વની આસપાસ વિચાર-વિહાર કરીએ.

આરાધના અને આત્મશુદ્ધિનું અનુપમ પર્વ એટલે પ્રયુષણા. જૈન શાસનમાં એનું મહત્ત્વ એટલું અદ્ભુત છે કે એને પર્વ યા મહાપર્વ જ નહિ, એથી ય આગળ પર્વાધિરાજરૃપે સંબોધિત કરાય છે. યાદ રહે કે જિનશાસનમાં મન્ત્રો ભલે અનેક છે, કિંતુ મન્ત્રાધિરાજ માત્ર એક જ છે અને તે છે શ્રી નવકાર. યન્ત્રો ભલે અનેક છે, પરંતુ યન્ત્રાધિરાજ માત્ર એક જ છે એ તે છે શ્રી સિદ્ધચક્રજી. એ જ રીતે પર્વો ભલે અનેક છે, પણ પર્વાધિરાજ માત્ર એક છે અને એ છે આ પર્યુષણા.

પર્વ અને તહેવારને એક માનવાની ભૂલ કરવી ન જોઈએ. કારણ કે તહેવાર ભૌતિક આનંદ-પ્રમોદનં નિમિત્ત છે, જ્યારે પર્વ આત્મિક આરાધનાનું નિમિત્ત છે. તહેવારમાં મોજ-શોખથી પ્રધાનતા હોય છે, જ્યારે પર્વમાં તપ-ત્યાગની પ્રધાનતા હોય છે. પર્યુષણા તહેવાર નથી, પર્વ છે. પર્વ જ નહિ, બલ્કે હમણા જણાવ્યું તેમ પર્વાધિરાજ છે. એથી જ એના માટે સ્તવનામાં ગવાય છે કે ”પર્વમાંહે પજુસણ મોટા, અવર ન આવે તસ તોલે રે…”

|| લાક્ષણિકતાની દૃષ્ટિએ પર્વો ચાર પ્રકારના છે ||

(૧) પર્યુષણાપર્વ
(૨) ફલપર્વ
(૩) ગુણપર્વ
(૪) કર્મનાશપર્વ

અલબત્ત, આમાંની એક મુખ્ય લાક્ષણિકતા ધરાવતા પર્વોમાં અન્ય લાક્ષણિકતા પણ ગૌણભાવે રહેલી હોય છે. કિંતુ અહીં મુખ્ય લાક્ષણિકતાના આધારે ચારેયના ઉદાહરણ વિચારીશું. શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણકોની આરાધનાને કહેવાય છે પુણ્વપર્વ. આ કલ્યાણકોની ઉજવણી-આરાધના કરનારને મુખ્યત્વે પ્રચુર પુણ્યબંધ થાય. જેમ કે પાશ્વૅપ્રભુએ પૂર્વદેવભવમાં કલ્યાણકપર્વોની અઢળક ઉજવણી કરી હતી તો તેઓનું આદેયનામકર્મરૃપે પુણ્ય પ્રબળ બન્યું અને તેઓ પુરુષાદાનીયરૃપે પંકાયા… મૌન-એકાદશી-દીવાળી વગેરે પર્વોને કહેવાય છે ફલપર્વ. એ દરમ્યાન કરાતી આરાધના અનેકગણી ફલદાયક બને છે. એની ઉક્તિઓ પણ લોકપ્રસિદ્ધ છે…

જ્ઞાનપંચમી વગેરેને કહેવાય છે ગુણપર્વ. એની આરાધનાથી તે તે ગુણોની વિશિષ્ટ ઉપલબ્ધિ થાય છે. જેમ કે જ્ઞાાનપંચમીની આરાધનાથી જ્ઞાાનયુગનો વિશિષ્ટ ક્ષયોપશમ-વિકાસ થાય છે… પર્યુષણા જેવા પર્વને કહેવાય છે કે કર્મનાશનું પર્વ. તમામ કર્મોમાં જે સૌથી જોરાવર કર્મ છે તે મિથ્યાત્વમોહનીય પર મર્મઘાત કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે પર્યુષણા. માટે તેને કર્મનાશનું પર્વ કહેવાય છે. ‘પર્યુષણાષ્ટાહ્નિકા’ ગ્રન્થમાં ‘પર્યુષણા’ માટે મજાનો શ્લોક મળે છે કે : ”પર્વાણિ બહુશ :સન્તિ, પ્રોક્તાનિ જિનશાસને, પર્યુષણાસજાં નાન્યત્, કર્મણાં મર્મભેદકૃત્.” મતલબ કે પ્રભુશાસનમાં પર્વો તો અનેક છે, કિંતુ કર્મ-મર્મને ભેદવામાં પર્યુષણા જેવું કામિયાબ પર્વ અન્ય એકે ય નથી.

આ પર્યુષણા પર્વની પ્રવૃતિથી લઇને સાધના, પરિણતિનાં સ્તરે વિવિધ રૃપે વિસ્તાર ધરાવે છે. પૌષધ-પ્રતિક્રમણ-સામાયિક-ચૈત્યપરિપાટી આદિ મુખ્યત્વે પ્રવૃત્તિનાં સ્તરની આરાધના છે, તો ક્ષમાપના-જીવદયા વગેરે મુખ્યત્વે પરિણતિનાં સ્તરની આરાધના છે. આપણે એમાંથી પર્યુષણાનાં પાંચ કર્તવ્યરૃપે વિખ્યાત પાંચ ધર્મકાર્યોનું સંક્ષિપ્ત વિશ્લેષણ અહીં કરીશું :

|| (૧) અહિંસા ||

અહિંસાનો આદર્શ તો અન્ય ધર્મપરંપરામાં પણ સ્વીકૃત છે. પરંતુ જૈન શાસનની અહિંસા એ બધા કરતાં અનેક રીતે વિશિષ્ટ-ઉચ્ચતમ પુરવાર થાય એમ છે. એક-બે દૃષ્ટિબિંદુથી એ વિચારીએ. અન્યત્ર જીવહિંસા માત્ર ત્રસ એટલે કે હાલતા-ચાલતા જીવો સુધીની જ દર્શાવાઈ છે, જ્યારે જૈનશાસન એથીય આગળ જઈને પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિની પણ હિંસા હોવાનું સ્પષ્ટ જણાવે છે. જે સંયમી બનીને સંસારનિવૃત્ત થઈ ગયા છે એમના માટે તે આ તમામ હિંસાથી દૂર થવાનું ફરમાન કરે છે અને જેઓ ગૃહસ્થ છે તેમના માટે એ પૃથ્વી આદિની હિંસા અંગે બનતી શક્યતાએ જયણાનું વિધાન કરે છે. આજે આવી વિચારણા સુદ્ધા ન હોવાનાં કારણે પૃથ્વીકાયાદિની બેફામ હિંસા થઈ રહી છે. પૃથ્વીકાયની અતિરેકભરી હિંસાના પ્રત્યાઘાતરૃપે જાણે કે ધરતીકંપો થઈ રહ્યા છે, પાણીની અતિરેકભરી હિંસાથી સુનામીના તાંડવો સર્જાઈ રહ્યા છે, અગ્નિકાયમી અતિરેકભરી હિંસાથી રહેણાંકમાં આગ ફાટી નીકળવાની સમસ્યા સર્જાઈ છે, વાયુની અતિરેકભરી હિંસાથી વાવાઝોડાનાં તોફાનો આવ્યા કરે છે, તો વનસ્પતિની અતિરેકભરી હિંસાથી લીલા-સૂકા દુષ્કાળો સર્જાતા રહે છે.

બીજું ઉદાહરણ વિચારીએ તો, ગાંધીજી સત્યને સાધ્ય-મુખ્ય માનતા હતા અને અહિંસા વગેરેને એના સાધન માનતા હતા. જૈનદર્શન આનાથી નિરાળી વાત કરે છે. એ કહે છે કે સત્ય આદિ ચારેય મહાવ્રતો સાધન છે અને અહિંસા સાધ્ય છે. ‘અષ્ટક પ્રકરણ’ ગ્રન્થમાં ૧૪૪૪ ગ્રન્થોના સર્જક શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે એથી ય આ સ્પષ્ટ રજૂઆત કરી છે કે ”અહિંસૈષા મતા મુખ્યા, સ્વર્ગમોક્ષપ્રસાધની, એતત્સંરક્ષણાર્થં તુ, ન્યાય્યં સત્યાદિપાલનમ્.” ભાવાર્થ કે સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ કરાવતી આ અહિંસા મુખ્ય ધર્મ છે. એની સુરક્ષા માટે સત્યાદિ ધર્મોનું પાલન છે.

જિનશાસનમાં થયેલ અહિંસાની આ અદ્ભુત પ્રતિષ્ઠાનાં કારણે જ આજે પણ જૈન વર્ગમાં અન્યો કરતાં વધુ અહિંસા-જીવદયા-કરુણાના સંસ્કારો ઝળહળતાં નિહાળાય છે. વ્યક્તિગત જીવનમાંય અહિંસાના સંસ્કારો સમજદાર આરાધકમાં કેવા હોય એ જાણવું છે? તો વાંચો આ સત્ય ઘટના :

મુંબઈ-ઘાટકોપરની એક શાળા. દાયકાઓ પૂર્વે પી.ટી.સી.ના શિક્ષકે બાળકોને કહ્યું કે ”આજે તમારે બધાએ ઘાસની હરિયાળી પર – ‘લોન’ પર દોડવાનું છે. હરિયાળી પર ચાલવા-દોડવાથી આંખનાં તેજ વધે છે.” બધા બાળકો દોડવા માંડયા. પરંતુ એક જૈન બાળકે પૂરી નમ્રતા છતાં નિર્ભયતાથી કહ્યું : ”સર! હું આ હરિયાળી પર દોટ નહિ લગાવું. કારણ કે અમારો જૈન ધર્મ કહે છે કે લીલી વનસ્પતિમાં જીવ હોય છે. એના પર દોડવાથી એ જીવોને પીડા થાય – એમની હિંસા થાય.’ વનસ્પતિ સજીવ હોવાનું વિજ્ઞાાનના આધારે જાણનાર શિક્ષક જૈન ધર્મની આ અહિંસાખેવનાથી ખુશ થઈ ગયા. એમને બાળકને ધન્યવાદ આપ્યા!! આગળ જતા એ બાળક જૈન મુનિ બન્યો. એ હતા આચાર્ય અજિતચન્દ્રસૂરિજી…

|| (૨) સાધર્મિકવાત્સલ્ય ||

જે સમાન ધર્મનું પાલન કરતા હોય તેને કહેવાય સાધર્મિક. બની શકે કે કોઈ સાધર્મિક પુણ્યની ટોચે વિરાજતો હોવાથી બધી જ બાહ્ય અનુકૂળતાઓ હામ-દામ-ઠામ ધરાવતો હોય અને કોઈ સાધર્મિક પાપના-અશુભના ઉદયથી આર્થિક આદિ દૃષ્ટિએ અપાર તકલીફોમાં સબડતો હોય. આવી સ્થિતિમાં ઉચિત કર્તવ્ય એ છે કે શ્રીમંત સાધર્મિક દરિદ્ર સાધર્મિકનું વાત્સલ્યપૂર્વક-લાગણીપૂર્વક ધ્યાન રાખે. આ કર્તવ્યમાં જે ‘વાત્સલ્ય’ શબ્દપ્રયોગ થયો છે તે ધ્યાનાકર્ષક છે. ગાયને વાછરડા પ્રત્યે જે મમતાભરી લાગણી હોય તેને કહેવાય છે વાત્સલ્ય અને માતાને નવજાત શિશુ પ્રત્યે જે અધિકાધિક મમતા હોય તેને કહેવાય છે વાત્સલ્ય. આવી હેતભરી-પ્રેમભરી લાગણી સંપન્ન સાધર્મિક દાખવીને દરિદ્ર સાધર્મિકને ઉપયોગી થાય તો એ સાધર્મિકવાત્સલ્ય યથાર્થ કહેવાય.

ભીખારીને ભાખરી અપાય એ રીતે તુચ્છતાથી યા ઉપેક્ષાથી સાધર્મિકવાત્સલ્ય કદી ન કરાય. આ સંદર્ભમાં જૈન શાસ્ત્રોમાં એક સ્થળે ચેતનામાં ચચરાટ ફેલાવી દે તેવું કડક વિધાન કરાયું છે કે આંગણે આવેલ (દરિદ્ર) સાધર્મિકને જોતાં તેનાં નયનોમાં નેહ-વાત્સલ્ય ન ઉભરાય એ જૈનમાં સમ્યક્ત્વ હોવા અંગે શંકા સમજવી : ‘સમ્મત્તે તસ્સ સંદેહો’ આ મૂળ શબ્દો છે!! આ શબ્દોનું હાર્દ જાણે સમજ્યા હોય એમ કેટલાય શક્તિસંપન્ન-ભક્તિસંપન્ન સાધર્મિકોએ અદ્ભુત સાધર્મિકવાત્સલ્ય કર્યા છે. આપણે બે-ત્રણ પ્રાચીન-અર્વાચીન ઝલક જોઈએ :

* સમ્રાટ કુમારપાલે સાધર્મિકઉદ્ધાર માટેપ્રતિવર્ષ એક ક્રોડ સુવર્ણમુદ્રાનો સદ્વ્યય કરવાનો નિયમ સ્વીકાર્યો હતો. એમણે સતત ચૌદ વર્ષ આ નિયમ જાળવીને લાખો દરિદ્ર સાધર્મિકોની ઉલ્લસિત ભાવે ભક્તિ કરી..

* તાજેતરનાં વર્ષોમાં સુશ્રાવક કલ્પેશભાઈએ પચાસક્રોડ રૃ.ની માતબર રકમ દરિદ્ર સાધર્મિક બંધુઓ માટે વાપરીને આ કાળમાં ઉદાહરણીય ભક્તિ કરી, તો હજુ ત્રણ માસ પૂર્વે રાજસ્થાનમાં કોઈ શ્રીમંત સાધર્મિકે નવસો સાધર્મિકોની રૃ. એકેક લાખથી ભક્તિ કર્યાની માહિતી પણ આવી છે…

આવા દાનવીરોની ભક્તિમાંથી પ્રેરણા લઈને જૈન સંઘના શક્તિસંપન્ન પુણ્યાત્માઓ નક્કર સાધર્મિકભક્તિ દ્વારા દરિદ્ર સાધર્મિકોનાં જીવનમાં સુખનો સૂર્યોદય કરે અને સાથે જ ધર્મભાવનાના પાઠ શીખવીને શ્રદ્ધાનો પણ સૂર્યોદય કરે એ આજના સમયની તાતી અને તાકીદની જરૃરિયાત છે…

|| (૩) ક્ષમાપના ||

પર્યુષણાના પ્રાણરૃપ આ મહાન કર્તવ્યનું વિશ્લેષણ આપણે ‘અમૃતની અંજલિ’માં આગામી લેખમાં કરવાના હોવાથી અહીં સ્થાનની અશૂન્યતા કાજે નાનકડો સૂત્રાત્મક નિર્દેશ જ કરીશું કે સજા શત્રુના શરીરને સ્પર્શે છે, જ્યારે ક્ષમા શત્રુના હૃદયને સ્પર્શે છે. એથી જ ક્ષમા શત્રુને મિત્રમાં પરિવર્તિત કરી દેતી ચમત્કારિક શક્તિરૃપ પણ ઘણીવાર બની રહે છે…

|| (૪) અટ્ઠમતપ ||

અન્ય જનસમૂહની નજરમાં જૈન સંઘને આદર-બહુમાન બક્ષતું તત્ત્વો જો કોઈ પણ હોય તો તે છે તપ. અન્ય વર્ગ પણ નિખાલસતાથી કહે છે કે જૈનો જેવા ખરા અર્થના વિશુદ્ધ ઉપવાસ કોઈના નહિ અને જૈનો જેવી કઠિન તપસ્યા પણ કોઈની નહિ. ચંપાશ્રાવિકાના કઠિન તપથી પ્રભાવિત – આકર્ષિત થઈને અકબર જેવા મુસ્લિમ બાદશાહે આખરી પરિણામરૃપે પ્રતિવર્ષ છ માસ છ દિન પર્યંત સમગ્ર ભારતવર્ષમાં અહિંસાપ્રવર્તન કરાવ્યું હતું. અરે! આ પર્યુષણામહાપર્વની સફળતાનો એક મુખ્ય માપદંડ પણ તપ જ ગણાય છે. ‘ક્યાં કેટલી તપસ્યા થઈ’ એના આધારે જ પર્યુષણાની સફળતા અંદાજિત કરાય છે.

પૂર્વાચાર્યભગવંતોએ પ્રાયશ્ચિતરૃપે પર્યુષણામાં અટ્ઠમનું વિધાન કરીને તપ તેમજ આત્મવિશુદ્ધિ વચ્ચે મજબૂત સંબંધ પ્રસ્થાપિત કરી આપ્યો છે. આપણે યથાશક્તિ આ તપ કરીએ અને અન્યોની એકેકથી ચડિયાતી તપસ્યાની અનુમોદના પણ કરીએ. કિંતુ સાથે તપના આ તાત્ત્વિક અર્થનોય ખ્યાલ કરીએ કે ”વિષય-કષાયરૃપ આહારનો ત્યાગ જેમાં હોય એ વસ્તુત : પારમાર્થિક તપ છે…”

|| (૫) ચૈત્યપરિપાટી ||

ચેતનાને જાગૃત કરે તેનું નામ છે ચૈત્ય અર્થાત્ જિનમૂર્તિ-જિનાલય. પર્યુષણાના પાવન દિવસોમાં વિશેષ પ્રકારે વિવિધ ચૈત્યોની યાત્રા થાય એ માટે આ ચૈત્યપરિપાટી કર્તવ્યનું વિધાન છે. પ્રભુની વિશિષ્ટ ભક્તિની આ પ્રવૃત્તિ ચોક્કસપણે મુક્તિનું બીજ બની શકે છે. કેમકે જ્ઞાનીભગવંત કહે છે કે ”ભક્તિર્ભાગવતી બીજં, પરમાનન્દસંપદામ્.” ભાવાર્થ કે પ્રભુભક્તિ તો મોક્ષસંપદાનું બીજ છે.

Leave a comment