ક્ષમાના પાંચ પ્રકારો

1

|| ક્ષમાના પાંચ પ્રકારો ||

|| જે ઉપશાંત થાય છે તેને જ આરાધના લાભ ||

વૈરના વિષનું વમન કરાવીને અવૈરના અમૃતનો આસ્વાદ કરાવતા પર્વાધિરાજ પર્યુષણાના પ્રાણ સમો દિવસ એટલે આજનું સંવત્સરીય મહાપર્વ. આજના આરાધનાના આદર્શ સમા ‘મિચ્છા મિ દુક્કડં’ ક્ષમા સૂત્ર આધારિત આપણી ચિંતન યાત્રામાં આવે છે એ વાક્યનો અંતિમ અક્ષર ‘ડં’. તેનું અર્થઘટન કરતા સમર્થ શાસ્ત્રકાર મહોપાધ્યાય યશોવિયજી ગણિવર સંસ્કૃત ટીકામાં ફરમાવે છે કે, ‘। ઇત્યેતદક્ષરં ડીયે = લંઘયામિ તત્ – પાપં ઉપશમેન કરણભૂતેનેત્યેતદર્થકમ્’ મતલબ કે ‘ઉપશમભાવ આત્મસાત્ કરવા હું મારા તે ક્રોધાદિ પાપને અતિક્રમી જાઉં છું.’

આમાં ઉપશમ ભાવ અર્થાત્ સમતા- ક્ષમાનો ઉલ્લેખ છે. એને વિકસ્વર કરવા કાજે આજના સંવત્સરી મહાપર્વથી ચડિયાતું કઈ પર્વ નથી. સ્વયં પ્રભુ મહાવીર દેવે આજની આરાધના અંગે બારસા સૂત્રના અંતિમ ભાગમાં આ ભાવના શબ્દો ફરમાવ્યા છે કે, ”જે ઉપશાંત થાય છે તેને આરાધનાલાભ થાય છે, જ ઉપશાંત થતો નથી તેને આરાધનાલાભ થતો નથી. માટે દરેક સાધકે ઉપશાંત થવું જોઈએ. ઉપશમ તો શ્રમણત્વનો સાર છે.” આથી જ આજે સર્વ આરાધકો- સર્વ જીવોને ‘મિચ્છા મિ દુક્કડં’ આપીને આત્માને ઉપશાંત કરશે.

ઉપશમ ભાવ એટલે ? જાણે કે એવા ‘ફાયરપ્રુફ’ વસ્ત્રો કે જે સામી વ્યક્તિના કષાયોની ભડભડતી આગ વચ્ચે ય આત્માને અણિશુદ્ધ બચાવી રાખે. ક્લેશ-કંકાસમાં ભૂલ જો પોતાની થઈ હશે તો એ વ્યક્તિને નમ્ર બનાવી માફી માંગતા શીખવશે અને ભૂલ જો બીજાની થઈ હશે તો એ વ્યક્તિને ઉદાર બનાવી માફી આપતા શીખવશે. આવો અદ્ભુત ઉપશમ- ક્ષમા આજે યથાર્થ આત્મસાત્ થાય એ માટે આપણે અહીં ક્ષમાના પાંચ પ્રકારોનું સંક્ષિપ્ત દિગ્દર્શન કરીશું.

(૧) અપકાર ક્ષમા :

વ્યવહારમાં ઘણીવાર એવું નિહાળાય છે કે શેઠ- માલિક- ઉપરી અધિકારી વગેરે એમના હાથ નીચેની વ્યક્તિને નહિવત્ બાબત પર ખૂબ તિરસ્કૃત કરે – ધધડાવી નાખે અને પોતાનો કોઈ ખાસ વાંક ન હોવા છતાં એ હાથ નીચેની વ્યક્તિ ચૂપચાપ હરફ ઉચ્ચાર્યા વિના તે સાંભળી લે. શું ત્યાં ક્ષમાભાવના માની શકાય ખરી ? આપણે કહીશું કે ના. વાસ્તવિક રીતે એ હાથ નીચેની વ્યક્તિના અંતરમાં ત્યારે ગુસ્સાનો લાવારસ ઉછળતો હશે. આમ છતાં મૌન એટલે રહે છે કે એને ગુસ્સો કરવા જતા ઉપરી વ્યક્તિ તરફથી જાલીમ નુકસાન થવાનો ભય રહે છે. એથી એ મન મારીને ચૂપ રહે છે. વસ્તુત : આ ખરી ક્ષમા નથી, માત્ર ઉપલક દ્રષ્ટિએ ત્યાં ક્ષમા- ગુસ્સાનો અભાવ દેખાય છે. અપકાર થવાના ભયથી સર્જાતી આવી ક્ષમાને શાસ્ત્રો અપકાર ક્ષમા કહે છે. ભયજન્ય આ ક્ષમા કેવી હોય તે જાણવું છે ? તો વાંચો આ રમૂજ કથા :

શિયાળાની વહેલી સવારે એક શક્તિશાળી યુવાન કસરત કરવા જઈ રહ્યો હતો. આછા અંધારામાં એક મકાન નીચેથી એ પસાર થઈ રહ્યો હતો ત્યાં ઉપરની ગેલેરીમાંથી એક ઇંટ એના પર પડી ખભા પર અથડાઈને ઇંટ નીચે પડી. ચમકી ગયેલ યુવાને તરત ઉપર દ્રષ્ટિ કરી. ઉપર કોઈ ચહલપહલ ન હતી એથી એણે કલ્પના કરી લીધી કે રાત્રે કોઈએ પાળી પર બેદરકારીથી અર્ધી બહાર રહે એ રીતે ઇંટ મૂકી હશે અને કોઈ પંખી બેસવા જતા એ સીધી મારા પર પડી હશે. આવી બેદરકારીથી ઇંટ મૂકનાર ઉપર એ શક્તિશાળી યુવાનને ભયંકર ગુસ્સો આવ્યો. એનું ઘર ખોલાવીને આ ઇંટ એના મસ્તક પર જ મારવાનો એણે નિર્ણય કર્યો.

ઇંટ લઈને ધમધમાટ સાથે એ મકાનમાં ગયો અને માર્ગ તરફના બ્લોકનો દરવાજો તૂટી જાય એ હદે જોરશોરથી ખટખટાવ્યો પણ દરવાજો ખૂલતાં જ યુવાનના મોતિયા મરી ગયા. સામે જે વ્યક્તિ ઊભી હતી એ યુવાન જેવા ચારને એકલે હાથે ફેંકી દે એવી અલમસ્ત પહેલવાન હતી. એ પહેલવાને ગુસ્સામાં પૂછ્યું, ‘શું છે સવાર સવારમાં ?’ યુવાને ડરપોક બિલ્લી બની જઈને નમ્રતાથી કહ્યું : ‘કાંઈ નહિ સર, આપની ઇંટ પડી ગઈ હતી તે આપવા આવ્યો છું !?’

વાસ્તવિક દ્રષ્ટિએ આવી ક્ષમાનું કોઈ મૂલ્ય ન હોવાથી શાસ્ત્રો એને કોઈ મહત્ત્વ આપતા નથી.

(૨) ઉપકાર ક્ષમા :

જે વ્યક્તિએ આપણા પર અપ્રતિમ ઉપકારો કર્યા હોય એ વ્યક્તિ કારણસર કે કારણ વિના આપણા પર ગુસ્સો કરે ત્યારે, એણે આપણા પર કરેલ મહાન ઉપકારો સ્મરણમાં રાખી ઉદારતાથી ‘લેટ ગો’ કરવું તેને કહેવાય છે ઉપકાર ક્ષમા. ઉદાહરણરૃપે વિચારીએ માતા-પિતા, વૃદ્ધાવસ્થાવશ ચીડીયો સ્વભાવ થઈ જવાથી એ વાતે વાતે ગુસ્સો કરે તો ય વિનયી- વિવેકી પુત્રો ઉદારતાથી એ સહી લેશે. કારણ ? કારણ એ પુત્રોના મનમાં તે જ રહે છે કે, ‘આ માતાપિતા મારા અનેક ઉપકારી છે મારું આજનું અસ્તિત્વ એમને જ આભારી છે. સંજોગવશાથ થતા એમના ગુસ્સાને મારે હસતા હસતા સહી લેવો જોઈએ.’ આ રીતે ધારણ કરાતી ક્ષમાને કહેવાય છે. ઉપકાર ક્ષમા. પ્રથમ કરતા આ દ્વિતીય ક્રમની ક્ષમા બેશક પ્રશસ્ય છે. આમ છતાં આ બન્ને ક્ષમાને લૌકિક ક્ષમા ગણાઈ છે. એના મુકાબલે હવે પછીની ત્રણ ક્ષમા ઉત્તરોત્તર ચડિયાતી છે જેને શાસ્ત્રો લોકોતર ક્ષમા કહે છે..

(૩) વિપાક ક્ષમા :

વિપાકનો અર્થ છે ફળ અથવા પરિણામ. એક વાત ખબર છે ? ડાયાબિટીસનો દર્દી, મીઠાઈ, ખૂબ મનપસંદ હોય તો ય એનાથી દૂર જ રહે. એક ટુકડો પણ મીઠાઈનો એ આરોગે નહિ. કારણ એ જ કે એની નજર સમક્ષ પરિણામ છે. એ સમજે છે કે સ્વાદ માત્ર ક્ષણ- બે ક્ષણ જ મળશે, જ્યારે એની સજા આરોગ્યનો હ્રાસ દીર્ઘકાલ નડશે… પંખો કે એ.સી. ચાહે તેવા પસંદ આવતા હોય તો ય શરદીનો દરદી પંખા- એ.સી.થી દૂર જ રહેશે કેમ કે એની દ્રષ્ટિ પરિણામ પર છે. એને ખ્યાલ છે કે બે કલાકની ઠંડકની મજા પછી બાર દિવસ સ્વાસ્થ્ય બગડશે… બસ, આ જ રીતે ક્રોધના કટુ વિપાકો દ્રષ્ટિ સમક્ષ રાખીને આરાધક આત્મા ક્રોધથી દૂર રહે. એ સમજે છે કે ભલે સાચા નિમિત્તવશ પણ જો ક્રોધ કરીશ તો એનાથી સંબંધોમાં કડવાશ- સ્વાસ્થય પર અસર તીવ્ર પાપબંધ- સદ્ગતિ નાશ વગેરે અઢળક નુકસાનો મારે જ ભોગવવા પડશે. આથી એ, વિપાક નજર સમક્ષ રાખી ક્રોધથી દૂર રહે…

(૪) વચન ક્ષમા :

પરમાત્મા જિનેશ્વર ભગવંતોના ઉપદેશનું ચિંતન- મનન કરીને જેઓ આત્મ પરિણતી કેળવે અને હર કોઈ ક્લેશ- કષાયની સંભાવનાની ક્ષણોમાં જિન વચનો સતત સ્મરણમાં રાખી ક્ષમા અકબંધ રાખે- કષાયોમાં ન ખેંચાય તેની ક્ષમાને કહેવાય વચન ક્ષમા.

(૫) સ્વભાવ ક્ષમા :

સ્વભાવ એટલે તે તે વસ્તુનો મૂળ ગુણધર્મ. ચંદનનો સ્વભાવ અર્થાત્ ગુણધર્મ સુવાસનો છે અને કાપો તો ય એ સુવાસ પ્રસરાવે અને ઘસો તો ય સુવાસ પ્રસરાવે. પુષ્પનો સ્વભાવ પરિમલ પ્રસરાવવાનો છે. એને અખંડ રાખો તો ય એ પરિમલ પ્રસરાવશે અને પીસી નાખો તો ય તે પરિમલ જ પ્રસરાવશે. બસ, આ રીતે સહજપણે જેને ક્ષમા સ્વભાવસિદ્ધ કરી છે તે મહાત્માઓની ક્ષમાને સ્વભાવક્ષમા સમજવી. વીંછીને બચાવતા સંતનું દ્રષ્ટાંત આ સ્વભાવ ક્ષમાનું સરસ દ્યોતક છે…

સંવત્સરી મહાપર્વના પુણ્યદિને આ શ્રેષ્ઠ ક્ષમાના સ્તર સુધી પહોંચવા આપણે સંકલ્પબદ્ધ થઈએ તો આ પર્વારાધના સંપૂર્ણ સફળ છે. આ માટે એક પણ જીવ સાથે શત્રુતા દાખવ્યા વિના અંત :કરણથી સૌની સાથે ક્ષમાપના કરીએ અને ભાવના ભાવીએ કે ‘મહેંકો ક્ષમા સહુનાં જીવનમાં, શાંતિના સૂરજ ઊગો અંતર-આકાશમાં…”

One thought on “ક્ષમાના પાંચ પ્રકારો

Leave a comment