જીવન પ્રેરક વિચાર – સંચય

A

|| જીવન પ્રેરક વિચાર – સંચય ||

[1] આપણે જ્ઞાનનો અર્થ જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી. મોમાં બુક્કો મારવાથી ભોજન થતું નથી. મોમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ અને ત્યાં પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન થયેલું જાણવું. તે જ પ્રમાણે એકલી બુદ્ધિથી, જાણવાથી કામ પતતું નથી. જાણ્યા પછી જાણેલું જીવનમાં ઊંડું ઊતરવું જોઈએ, હૃદયમાં પચવું જોઈએ. તે જ્ઞાન હાથ, પગ, આંખો એ બધામાંથી પ્રગટ થતું રહેવું જોઈએ. સર્વ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વિચારપૂર્વક કર્મ કરતી હોય એવી સ્થિતિ થવી જોઈએ.

– વિનોબા

[2] વૈદ્યની કેવળ ભક્તિ કરવાથી બીમારી મટશે નહિ. વૈદ્ય કહે તે પ્રમાણે પથ્યનું પાલન કરીએ તો બીમારી મટે. કોઈ વ્યાયામવીરને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી આપણામાં તાકાત નહિ આવે, પણ જે રીતે તેણે તાકાત મેળવી તે ક્રમ પ્રમાણે ચાલવાથી તાકાત આવશે. તેવી જ રીતે કેવળ સંત-સજ્જનોનું નામ લેવાથી કે તેમનું પૂજન કરવાથી કલ્યાણ થતું નથી, પણ તેમણે બતાવેલા માર્ગે જવામાં કલ્યાણ છે. શબ્દોની કઢી કે શબ્દોના ભાત ખાવાથી તૃપ્તિ થશે નહિ, તૃપ્તિ તો જેની ભૂખ હોય તે મળે ત્યારે થાય.

– કેદારનાથ
[3] વાતોડિયા લોકો કામ ઓછું કરે છે અને સમય વેડફે છે. કામ કરનારા વાતો ઓછી કરે છે. હોય તેથી વધુ કે ઓછું કે ઊલટું બોલવું તે અસત્ય છે. બીજાની વિરુદ્ધની વાતોનો પ્રચાર ન કરો. કેમ કે તે ખોટી પણ હોય. અને સાચી હોય તોપણ પ્રચાર ન કરો. આપણી કોઈ ખરાબ બાબતનો પ્રચાર થતાં આપણને કેવું લાગે છે ? જીભને વશ થવું એટલે હલકા સ્વભાવને વશ થવું. કેટલુંયે બોલવાથી કંઈ જ મળતું નથી, ઉપરથી પાર વિનાની મુશ્કેલીઓ સર્જાય છે. મૌન પાળતાં શીખો. ગ્રીસમાં મહાત્મા પાયથાગોરસ પોતાના નવા શિષ્યને બે વર્ષ મૌન પળાવતા. ભલે મૌન ન પાળો, પણ જરૂર વગર ન બોલો. પૂછ્યા વગર બોલવાનો અર્થ નથી. હળવાશમય વાતો વખતે પણ નિર્દોષ વાણી હોવી જોઈએ. કોઈની નાની વાતનો છેદ ઉડાડવા દલીલબાજી કરીને કડવાશ ન સર્જવી. બીજાઓને સુધારવાનો કે બીજાઓનો હિસાબ રાખવાનો આપણો ઈજારો નથી. કોઈ પૂછે ત્યારે શાંતિથી, મીઠાશથી બોલવું.

– એની બેસન્ટ

[4] મકાનને, ફર્નિચરને, પૈસાને, કપડાંને, વાહનને, પ્રતિષ્ઠાને જેટલી કાળજીથી આપણે સાચવીએ છીએ તેટલી કાળજીથી આપણા શરીરનું જતન કરતા નથી. શરીર, જે જીવનના અંત સુધી મહત્વના હથિયાર તરીકે આપણા જીવનમાં ઉપયોગી થાય છે તે તરફ આપણે જેટલા બેદરકાર રહીએ છીએ તેટલા આપણે દુઃખી થઈએ છીએ. શરીરનું માળખું અમુક અંશે વારસાગત હોય છે, તેમ છતાં તે માળખાની મર્યાદામાં રહી, શરીરને તંદુરસ્ત કે રોગી રાખવાની વાત આપણા હાથની છે. ખોરાક, શ્રમ, વ્યાયામ અને આરામ શરીરને ઘડે છે કે બગાડે છે. જો વિવેકથી ખોરાક અને આરામ લેવાય તથા યોગ્ય પ્રમાણમાં શરીરશ્રમ થાય તો શરીર તંદુરસ્ત રહે. મનની તંદુરસ્તી પણ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. દાકતરી સારવાર અને દવાઓની વિપુલ સગવડો માનવીને ઉપલબ્ધ થઈ હોવા છતાં શરીરરોગો કેટલા બધા જોવા મળે છે ? પશુ-પક્ષીઓને તો નથી તેવી સગવડો કે નથી આપણા જેવી બુદ્ધિ, તેમ છતાં કેવાં કિલ્લોલ કરતાં તેઓ જોવા મળે છે ? તેનું કારણ એ છે કે તેઓનું જીવન કુદરતના નિયમો વિરુદ્ધ હોતું નથી, જ્યારે માનવીનું જીવન દિનપ્રતિદિન અકુદરતી બની રહ્યું છે. ધીમા ઝેર સમાં માદક પીણાંઓ-પદાર્થો આપણી તંદુરસ્તી અને આપણા આયુષ્યના દુશ્મનની કામગીરી બજાવી રહ્યાં છે. ઉચ્ચ ધ્યેયવાળી વ્યક્તિએ શરીરને જન્મથી મૃત્યુ સુધીની અત્યંત મૂલ્યવાન થાપણ ગણીને તેની પૂરી દરકાર લેવી જોઈએ.

– બબાભાઈ પટેલ

[5] શા માટે લોકો પ્રખ્યાત થવા ઈચ્છે છે ? પ્રથમ તો જાણીતા થવું ફાયદાકારક હોય છે અને તે આપણને ખૂબ આનંદ આપે છે, ખરું ને ? જો તમે આખી દુનિયામાં પ્રખ્યાત હો તો તમે ખૂબ અગત્યના માનવી છો તેવું તમોને લાગે છે. તે તમને અમરતાની લાગણી આપે છે. તમે જાણીતા થવા માગો છો, કીર્તિવાન થવા ઈચ્છો છો અને લોકો તમારા વિશે વાતો કરે તેવું ઈચ્છો છો, કેમ કે તમારી અંદર તમે કશું જ નથી. આંતરિક રીતે કોઈ સમૃદ્ધિ નથી, તેમાં કશું જ નથી તેથી તમે બહારથી, દુનિયામાં જાણીતા થવા ઈચ્છો છો. પણ જો તમે આંતરિક રીતે ભરપૂર હશો તો તમે જાણીતા છો કે નહિ તે તમારા માટે કોઈ જ અર્થ ધરાવતું નથી. આંતરિક રીતે સમૃદ્ધ થવું એ બાહ્ય રીતે સમૃદ્ધ અને જાણીતા થવા કરતાં ખૂબ જ કઠિન છે. તે ખૂબ જ દરકાર અને તદ્દન નજીકનું ધ્યાન માગી લે છે. જો તમારી પાસે થોડી શક્તિ હોય અને તેનો ઉપયોગ કરતાં આવડતો હોય તો તમે પ્રખ્યાત બની શકો, પણ તેવી રીતે આંતરિક સમૃદ્ધિ આવતી નથી. આંતરિક રીતે સમૃદ્ધ થવા માટે મન સમજણવાળું હોવું જોઈએ. અને બિનજરૂરી બાબતોને, જેવી કે જાણીતા થવાની ઈચ્છાને, ફેંકી દેવી જોઈએ. આંતરિક સમૃદ્ધિ એટલે તો એકલા ઊભા રહેવું. જે માનવી જાણીતો થવા માગે છે તે એકલો ઊભો રહેતાં ગભરાતો હોય છે કેમ કે તે, લોકોનાં ખુશામત અને સારા અભિપ્રાયો પર જ આધાર રાખતો હોય છે.

– જે. કૃષ્ણમૂર્તિ

[6] અહંકાર હજારો માથાંવાળો છે. એના માથાં કપાઈ જાય, છતાં નવાં નવાં જન્મતાં હોય છે. જીવ અટકાઈ જાય, મૂંઝાઈ જાય, લેવાઈ જાય, અકળાઈ જાય, અશાંત થઈ જાય, દુઃખી થઈ જાય, તો હજી એનામાં અહંતા ભરી પડેલી છે તેમ જાણવું. કારણ કે તેની અહંતાને તેવા તેવા પ્રકારના આઘાત લાગે છે. જીવનમાં અનેક પ્રકારના ફાંકાઓ હોય છે. સમજણનો ફાંકો, બુદ્ધિનો ફાંકો, આવડતનો ફાંકો, શક્તિનો ફાંકો, ડહાપણનો ફાંકો, રૂપનો ફાંકો, વ્યવહાર-કુશળતાનો ફાંકો, વૈભવવિલાસનો ફાંકો, ધનનો ફાંકો. આમ વિવિધ પ્રકારના ફાંકા હોય છે. આ બધા ફાંકાઓ આપણા જીવનમાંથી નિર્મૂળ થવા જોઈએ. આવા ફાંકાઓમાં અહમ ઘણો મોટો ભાગ ભજવતો હોય છે. આથી અહમ પર ફટકા પડે ત્યારે સાધક-જીવનને ઘણો આનંદ થવો ઘટે. કશાનું પણ ચોકઠું બનાવી ન દેવું. સમજણનું પણ જો ચોકઠું બની ગયું તો તે બાધક નીવડશે.

– શ્રી મોટા

[7] સંસ્કારી મનુષ્યની વ્યાખ્યા કરવી હોય તો આ રીતે કરી શકાય : એ માણસ કોમના કે કુળના વિચાર કરતો નથી; એ વર્ણના કે જાતિના ભેદ કરતો નથી; એ પ્રદેશ કે ભાષાની ભિન્નતા પર ટકતો નથી. એ મનુષ્યને મનુષ્ય તરીકે જુએ છે, અખંડ મનુષ્ય તરીકે મનુષ્યની ભૂલ પર જ ધ્યાન કેન્દ્રિત કરે એ જેટલું ખોટું કરે છે એટલું જ મનુષ્યના કેવળ ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરનારો ખોટું કરે છે. તે બંને, સત્યને આંશિક રૂપે જુએ છે. માણસને તેના સારા-નરસા સમગ્ર સ્વરૂપે જોવો અને સ્વીકારવો એ સંસ્કારિતાનું પ્રથમ લક્ષણ છે. કોઈ પણ સંસ્કારી મનુષ્ય જાણે છે કે પોતે જે કંઈ કરે એનો કમસેકમ એક સાક્ષી તો છે જ, તે સાક્ષી પોતે છે.

– હરીન્દ્ર દવે.

[8] તમારા ઘરના પ્રત્યેક ઓરડામાં બે મિનિટ ઊભા રહો અને કહો કે આ એક દિવસ છૂટવાનું છે. સૂતાં પહેલાં તમે તમારી પત્ની તથા બાળકોને જુઓ તો મનમાં કહેજો કે આ બધું એક દિવસ છૂટવાનું છે. રોજ આમ કરીને જુઓ. સમજવાથી ન થતું હોય તો આ રીતે કરી જુઓ. ધ્યાન વગેરે ન થાય તો ન કરશો, પણ આ તો કરી જુઓ. તમે કહો કે ‘હું નહિ છોડું તોપણ આ તો છૂટી જ જશે.’ મૃત્યુનું વિસ્મરણ જ માયા છે. સૌએ જવાનું તો છે જ. કોઈ રોતા રોતા ગયા, કોઈ હસતા-હસાવતા ગયા, કોઈ હાથ-પગ ઘસતા ગયા… જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ પરમાત્માના આહારની એક પદ્ધતિ છે. સો વર્ષની જિંદગીમાં શું કરવું છે એનો ફેંસલો થઈ જવો જોઈએ. શરીર અમર નથી. શરીરનો ધર્મ છે જન્મ લેવો અને મરવું. મરણ અટલ છે. મૃત્યુ તમને એક ઝાટકામાં અહંકારના ખૂંટા પર બાંધેલી રસીને તોડીને લઈ જશે જ. જ્યારે નાટકમાં કામ કરવાનું થાય છે ત્યારે આપણને ખબર હોય છે કે હું રાજા-રાણી-ખલનાયક કે વિદૂષક બન્યો છું. એ કેવળ ત્રણ કલાક માટે જ છે. નાટક ખતમ થયા પછી મારે ચાલ્યા જવાનું જ છે. મંચ પર બેસી રહેવાનું નથી. તેવી જ રીતે આપણે જે શરીરમાં આવ્યા છીએ, આપણને તન-મન-બુદ્ધિ મળ્યાં છે તેનો એક દિવસ અંત આવવાનો જ છે એટલું યાદ રાખવું જોઈએ. મરવાની ઘડીએ તમે એકલા જ છો.

– વિમલા ઠકાર

[9] શુભ કાર્ય કે અશુભ કાર્ય જેવું કંઈ નથી. ફકત શુભ મન અને અશુભ મન છે. અશુભ મન એટલે મનની અજાગૃત સ્થિતિ. શુભ મન એટલે મનની જાગૃત સ્થિતિ. જે કંઈ જાગૃતિ દ્વારા સંભવે છે તે સુંદર, નૈતિક છે, અને જે કંઈ જાગૃતિ વગર સંભવે છે તે અસુંદર, અનૈતિક છે. ફક્ત એક જ સદગુણ છે અને તે જાગૃતિ. તમારી જાગૃતતા જે કંઈ કરાવે તે કરો. એવાં કાર્યો ન કરો જે ફક્ત ત્યારે જ થઈ શકે જ્યારે તમે અજાગૃત હો. એવી ઘણી વાતો છે જે તમે અજાગૃત હો ત્યારે જ કરી શકો.

– રજનીશજી

[10] તમે જે સાંભળ્યું હોય તેમાં શ્રદ્ધા ન રાખો. કોઈ વિધાનો પેઢીઓથી ચાલ્યાં આવે છે માટે જ તેમાં ન માનો. કોઈ પ્રાચીન મહર્ષિએ તે કહ્યું છે માટે પણ તે ન માનો. તમે જે સત્યો વિશે રોજની ટેવથી ટેવાઈ ગયા હો તોપણ તે ન માનો. તમારા ગુરુઓ અને વડીલોનો આદેશ છે માટે પણ ન માનો. પણ તમે જાતે વિચાર કરો, પૃથક્કરણ કરી જુઓ અને જ્યારે પરિણામ બુદ્ધિને સ્વીકાર્ય બને તથા સર્વ કોઈનું ભલું કરે એવું દેખાય ત્યારે તેને સ્વીકારો અને તે પ્રમાણે જીવન જીવો.

– ભગવાન બુદ્ધ

Leave a comment