નવકારવાળીમાં માળામાં ૧૦૮ મણકા શા માટે ?

AAA

|| નવકારવાળીમાં માળામાં ૧૦૮ મણકા શા માટે ? ||

પ્રભુના નામસ્મરણ માટે માળા કરવામાં આવે છે. પ્રત્યેક ધર્મમાં માળા તો હોય જ છે.

રુદ્રાક્ષની માળા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સામાન્ય રીતે પંચમુખી રુદ્રાક્ષની માળાનો જાપ માટે ઉપયોગ કરવો જોઈએ.
નવકાર મંત્રની સાધનામાં સાધકોને આગળ વધવા માટે માળા કે જેને આપણે નવકારવાળી કહીએ છીએ એનું ભારે મહત્વ છે. નવકાર મંત્રની સાધના કરનારે રોજ અમુક પ્રકારનો જાપ કરવાનો હોય છે. એની સંખ્યા ૫૦૦થી ઓછી હોતી નથી. આટલા મોટા જાપની ગણના કરમાળાથી કરવાનું કામ કપરું છે અને એમાં ભૂલ થવાનો સંભવ પણ છે. તેથી એના માટે માળા-નવકારવાળીનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતના લગભગ બધા જ ધર્મોમાં પ્રભુસ્મરણ તથા મંત્રજાપ કરવા માટે માળાનો સ્વીકાર થયો છે. આથી એ વાતની તો અવશ્ય પ્રતીતિ થાય છે કે ઇષ્ટ-સ્મરણ કે મંત્રજાપ માટે માળા એક અત્યંત ઉપયોગી સાધન છે.

આ માળા-નવકારવાળી ૨૭ મણકાની, ૩૬ મણકાની અને ૧૦૮ મણકાની હોય છે. એમાં ૧૦૮ મણકાની માળા-નવકારવાળી સર્વ કાર્ય સિદ્ધ કરનારી મનાય છે. જૈન શાસ્ત્રકારોએ આ ૧૦૮ મણકાની માળા-નવકારવાળીને જ પસંદગી આપી છે.

માળા-નવકારવાળીમાં ૧૦૮ મણકા હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ માળા-નવકારવાળીમાં ૧૦૮ મણકા શા માટે ? એનો ઉત્તર જૈન શાસ્ત્રકારો આપે છે કે નવકાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. પંચ પરમેષ્ઠી ભગવંતોના મુખ્ય ગુણ ૧૦૮ છે; જેમાં શ્રી અરિહંત પરમાત્માના ૧૨ ગુણ, શ્રી સિદ્ધ પરમાત્માના ૮ ગુણ, શ્રી આચાર્ય ભગવંતના ૩૬ ગુણ, શ્રી ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણ અને શ્રી સાધુ ભગવંતના ૩૬ ગુણ, શ્રી ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણ અને શ્રી સાધુ ભગવંતના ૨૭ ગુણ મળીને કુલ ગુણોનો સરવાળો ૧૦૮ થાય છે. શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોના ૧૦૮ ગુણ હોવાથી આપણી માળા-નવકારવાળીમાં મણકા પણ ૧૦૮ રાખવામાં આવ્યા છે. આપણા પરમોપકારી એવા શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોના ૧૦૮ ગુણોને યાદ રાખવા નીચેનું ચૈત્યવંદન ખૂબ જ ઉપયોગી છે:

બાર ગુણ અરિહંત દેવ, પ્રણમી છે ભાવે
સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુ:ખ દોહગ જાવે
આચારજ ગુણ છત્રીસ, પચવીશ ઉવજ્ઝાય
સત્તાવીસ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય
અષ્ટોત્તર શત ગુણ મળી, એમ સમરો નવકાર
ધીરવિમલ પંડિત તણો, નય પ્રણમે નિત સાર

આમ પાંચ પરમેષ્ઠીના ગુણો ૧૦૮ છે અને એનો સરવાળો પણ ૯ થાય છે અને નવકાર મહામંત્રનાં પદ પણ ૯ છે. ૯નો અંક એ પૂર્ણ સંખ્યા છે એટલે આ પૂર્ણ સંખ્યાનો વિસ્તાર જ છે. વળી ૯નો આંકડો ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ પણ મહત્વનો છે :

૯ને ૧ વાર ૧૨થી ગુણીએ તો ૧૦૮ આવે છે.
૯ને ૨ વાર ૬થી ગુણીએ તો ૧૦૮ આવે છે.
૯ને ૩ વાર ૪થી ગુણીએ તો ૧૦૮ આવે છે.
૯ને ૪ વાર ૩થી ગુણીએ તો ૧૦૮ આવે છે.
૯ને ૬ વાર ૨થી ગુણીએ તો ૧૦૮ આવે છે.

આ ઉપરાંત ૧૦૮, ૮૧, ૭૨, ૬૩, ૫૪, ૪૫, ૩૬, ૨૭, ૧૮ વગેરે અંકનો સરવાળો ૯ જ આવે છે. આ જગમાં ૯ના અંકનો ભારે મહિમા જોવા મળે છે. નવકારનાં ૯ પદ છે. એ રીતે ગ્રહો ૯ છે. સમસ્ત સંસારને સમજવાનાં તત્વો ૯ છે, બ્રહ્મચર્યની વાડો ૯ છે. એવી જ રીતે ઠાણાંગ નામના આગમમાં આવતા ૯ના પ્રત્યેક અંક સાથે નવકાર મંત્ર ગૂઢ અને ગાઢ સંબંધ ધરાવે છે. આ ૯નો અંક શબ્દમાં ‘નવ’ લખાય છે. આ ‘નવ’ શબ્દને ઊલટાવીએ તો ‘વન’ શબ્દ થાય છે. વન એટલે જંગલ, ભયંકર અટવી કે જ્યાં કોઈ જાતની સલામતી નથી. જ્યાં સાતે પ્રકારના ભય વચ્ચે મરતાં-મરતાં જીવવું પડે છે. આ ભયંકર વનમાં કાળી ચીસો પાડતા જીવને આંગળી ઝાલીને બહાર કાઢવાની અનુપમ શક્તિ જેનામાં છે તે નવકાર મહામંત્રનાં પદ પણ ૯ છે, એ એની પરમ મંગલકારિતાનો સૂચક છે.

મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ ૧૦૮ના અંકનું ભારે મહત્વ છે. એ દૃષ્ટિએ પણ પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણોને ધ્યાનમાં રાખી માળા-નવકારવાળીમાં ૧૦૮ મણકા રાખવામાં આવ્યા હોવાનું ફલિત થાય છે. આપણું મન અતિ વિચિત્ર છે, મર્કટ સમું ચંચળ અને સ્વચ્છંદ છે. મન બાંધ્યું બંધાય એમ નથી, પણ એને પાળ્યું પળાય એમ છે. આપણા જ્ઞાની ભગવંતોએ મનની ચંચળતાને ધ્યાનમાં લઈ મનને પંચ પરમેષ્ઠીમાં જોડવા માટે ૧૦૮ મણકાની આ માળા નવકારવાળી આપણને ભેટ આપી છે એ આપણા સૌના માટે મોટા સૌભાગ્યની વાત છે.

આ માળા-નવકારવાળી ઘણા પ્રકારની આવે છે. એમાં શંખની, રત્ન્ની, સુવર્ણની, ચાંદીની, સ્ફટિકની, મણિની, પત્તાજીવની, રતાંજણિની, ચંદનની, રુદ્રાક્ષની અને સૂતરની મુખ્ય છે. એમાં સૂતરના દોરાની ગૂંથેલી માળા-નવકારવાળીને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. આ માળા-નવકારવાળીના બે છેડા બાંધતી વખતે ત્યાં ત્રણ મણકા બીજા મૂકવામાં આવે છે અથવા એક જુદી જાતનો મોટો મણકો મૂકવામાં આવે છે. એને ‘મેરુ’ કહેવાય છે. જાપ કરતી વખતે આ મેરુનું ઉલ્લંઘન કરવું નહીં એમ જૈન શાસ્ત્રકારોએ સ્પષ્ટ આદેશ આપ્યો છે. એટલે ત્યાં મંત્રજાપ કરવામાં આવતો નથી, પણ ત્યાંથી માળા-નવકારવાળીને ફેરવી લેવામાં આવે છે અને જાપનું કામ આગળ ચાલે છે.

આપણે જે માળા-નવકારવાળીના મણકે-મણકે અરિહંત, સિદ્ધ વગેરે ભગવંતોના મન દઈને જાપ કરતા હોઈએ ત્યારે આપણે આપણી દુનિયા, આપણો સંસાર ભૂલી જઈએ એ જરૂરી છે. આ જાપ દરમ્યાન આપણું મન સંપૂર્ણ પંચ પરમેષ્ઠીને સમર્પિત હોવું જોઈએ. બસ, આ જ વસ્તુને આપણે લક્ષમાં રાખીશું અને ચિત્તને જાપમાં એકાગ્ર બનાવીશું તો આપણી આ માળા-નવકારવાળી આપણા સૌ માટે અવશ્ય મુક્તિની વરમાળા બની રહેશે એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી.

Leave a comment