સર્વોત્તમ પૌષધ – શ્રેષ્ઠ શ્રી શંખ શ્રાવક

2

|| સર્વોત્તમ પૌષધ – શ્રેષ્ઠ શ્રી શંખ શ્રાવક ||

શ્રાવસ્તી નગરીમાં શંખ અને પુખલિ નામના બે શ્રાવકો રહેતા હતા. એક દિવસ તેઓ બંને શ્રી વીરભગવંતને વંદના કરી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે શંખે પુખિલને કહ્યું `તમે સારું ભોજન તૈયાર કરાવો. જમ્યા બાદ આપણે પાક્ષિક પૌષધ લઇશું.’

શંખ ઘરે આવ્યો. પુખલિને તેણે ભોજન કરવા માટે કહ્યું તો ખરું, પણ ઘેર પહોંચતાં તેને બીજો શુભ વિચાર આવ્યો. જમ્યા બાદ પૌષધ શા માટે લેવો. ભોજન વિના જ પૌષધ કરવો ઉત્તમ છે. કારણ એવા પૌષધનું ફળ મોટું બતાવાયું છે.

શંખે પોતાની પત્નીને પોતે ભોજન નહિ લે તેમ જણાવી દીધું પછી તે પૌષધશાળામાં ગયો. શરીર ઉપરના આભૂષણો ઉતારી શરીર-સત્કારનો ત્યાગ કર્યો અને પૌષધ લઇ દર્ભના સંથારા ઉપર શુભધ્યાન ધરવા લાગ્યો.

આ બાજુ પુખલિએ ભોજન તૈયાર કરાવ્યું ભોજન તૈયાર થઇ ગયા બાદ તે શંખને તેના ઘરે જમવા માટે તેડવા આવ્યો. પુખલિને આવતો જોઇ શંખની પત્ની ઉત્પલા તેનું સ્વાગત કરવા ઉભી થઇ અને સત્કારથી તેને ઘરમાં લઇ આવી. શંખ પૌષધશાળામાં છે એમ જાણી પુખલિ ત્યાં ગયો અને ઇર્યાયપથિકી પડિIમીને ભોજન માટે પધારવા નિમંત્રણ આપ્યું.

શંખે કહ્યું, `મારે એ ભોજનમાંથી કંઇ પણ કલ્પે નહિ તમારી ઇચ્છાથી તમને ઠીક લાગે તેમ તમે કરો. મારી સૂચનાથી તમારે કંઇ પણ વાનગી બનાવવાની નથી. શંખનો જવાબ સાંભળી પુખલિ પોતાના ઘરે પાછો ફરી ગયો. શંખે ધ્યાન ધરતા વિચાર્યું કે `સવારમાં શ્રી પ્રભુને વંદના કરી હું પૌષધ પારીશ.’ સવાર પડતાં શંખ શ્રી વીર પ્રભુ પાસે ગયો. પુખલિ પણ તે સમયે આવી પહોંચ્યો હતો. શંખને જોઇ તેણે ઠપકો આપ્યો કે, `ગઇકાલે તમે જે કર્યું તે ઠીક નથી કર્યું’ ભગવાને આ સાંભળી કહ્યું, પુખલિ! `તમે શંખની નિંદા ન કરો. ગઇકાલે રાત્રે તે સુદક્ષ જાગરિકાથી જાગેલો છે.’ ત્યારે શ્રી ગૌતમસ્વામીએ પ્રüા કર્યો, `ભગવંત! જાગરિકા કેટલા પ્રકારની છે?’ ભગવંતે કહ્યું જાગરિકા ત્રણ પ્રકારની છે. પહેલી બુદ્ધ જાગરિકા તે કેવળી ભગવંતોને હોય છે. બીજી અબુદ્ધ જાગરિકા, તે છદમસ્થ અણગારી (મુનિ)ને હોય છે. ત્રીજી સુદક્ષ જાગરિકા, તે શ્રમણોપાસક (શ્રાવક)ને હોય છે. આ ધર્મસંવાદ સાંભળી શંખે ભગવંતને ક્રોધાદિકનું ફળ પૂછ્યું. ભગવંતે કહ્યું, `ક્રોધ, માન વગેરે કષાયો આયુષ્ય કર્મ સિવાયના સાત કર્મની શિથિલ બંધનવાળી પ્રકૃતિઓને દૃઢ બંધનવાળી કરે છે.’ આ સાંભળી પુખલિ આદિ શ્રાવકોએ શંખને વારંવાર ખમાવ્યો. શંખ પૌષધ વગેરે વ્રતો પાળી સૌધર્મ દેવલોકના અરૂણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર લાખ પલ્યોપમનું આયુષ્ય ભોગવી મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જશે. પાંચમાં અંગમાં શ્રી જિનેશ્વર ભગવંતે પણ શંખ શ્રાવકનું ચાર પ્રકારવાળું ઉત્કૃષ્ટ પૌષધવ્રત વખાણ્યું છે. આથી પર્વના દિવસોએ આત્માના ઉલ્લાસથી આ વ્રતનું અવશ્ય પાલન કરવું.

Leave a comment