"પૌષધ" પર્યુષણાનું પરમ કર્તવ્ય

|| “પૌષધ” પર્યુષણાનું પરમ કર્તવ્ય ||

“પુણ્યનું કરે પોષણ ને પાપનું કરે શોષણ“

પૌષધ આરાધનાર પુણ્યાત્મા ઉત્તમ આત્મભાવોનું અને પુણ્યનું પોષણ કરે છે, અશુભ આત્મભાવોનું અને પાપોનું શોષણ-વિદારણકરે છે તેમજ નરક – તિર્યંચ જેવી દુર્ગતિનું છેદન કરે છે

પર્વાધિરાજ પર્યુષણાનો માહોલ જૈનશાસનમાં અત્ર-તત્ર-સર્વત્ર છવાઈ ચૂક્યો છે. જિનાલયો પૂજન-દર્શન કરનાર ભાવિકોથી છલકાઈ રહ્યા છે, તો ઉપાશ્રયો ચિક્કાર ઉપસ્થિત શ્રોતાઓથી ઉભરાઈ રહ્યો છે. શું તપત્યાગ કે શું દયાદાન, શું સદ્‌ગુરુસેવા કે શું સાધર્મિકભક્તિઃ ધર્મના હર પ્રકારો આ પર્વમાં પૂરબહારમાં ખીલે છે. પર્યુષણાના પ્રારંભિક પ્રવચનગ્રન્થ ‘અષ્ટાહિ્‌નકા’ શાસ્ત્રગ્રન્થની ભાષામાં કહીએ તો, પૂજા-પચ્ચક્‌ખાણ-પ્રતિક્રમણ-પૌષધ અને પરોપકાર ઃ આ પાંચ ‘૫’અક્ષરથી શરૂ થતાં ધર્મની જાણે મોસમ જામી છે.

શાસ્ત્રો દર્શાવેલ આ પાંચ પૈકીના કોઈપણ એક ‘૫’ને, પર્યુષણાપર્વના દિવસોમાં આ ‘અમતૃતની અંજલિ’માં વર્ણવવાનો ઉપક્રમ છેલ્લા બે વર્ષથી આપણે અપનાવ્યો છે. એ જ શૃંખલામાં આજે ત્રીજી કડી ઊમેરીને આપણે ‘પૌષધ’ નામે મહત્વની ધર્મકરણી આસપાસ વિચારવિહાર કરીશું.
જૈનધર્મનો શુદ્ધ પારિભાષિક શબ્દ ગણાતાં આ ‘પૌષધ’ની સૌથી વઘુ બોલબાલા પર્યુષણાપર્વમાં નિહાળવા મળે છે. વર્ષમાં એક પણ પૌષધ ન કરનારાઓ આ પર્યુષણાપર્વમાં અનુકૂળતા મુજબ, એક-બે-ત્રણ યાવત્‌ આઠ આઠ રાત-દિવસના પૌષધ પણ કરતાં હોય છે. આ દિવસોમાં ‘પૌષધ’નું મહત્વ કેટલું છે ? એ જાણવા એક જ ઉદાહરણ પર્યાપ્ત રહેશે. ઈ.સ. ૨૦૦૭માં અમે મુંબઈના વસઈ જૈન સંઘમાં ચાતુર્માસ હતા. જ્યાં અન્ય તિથિએ એક પણ પૌષધ ન થતો તેવા એ સંઘમાં પર્યુષણામાં એવો માહોલ જામ્યો કે સંવત્સરીમહાપર્વદિને ૧૩૫ વ્યક્તિઓએ પૌષધ કર્યો અને તેમાં બહેનો કરતાં ભાઈઓ વઘુ સંખ્યામાં હતા. અરે ! સંઘના જે ટ્રસ્ટીઓએ જીવનમાં કદી ‘સામાયિક’ન હતું કર્યું એમણે પણ ત્યારે પૌષધ કર્યો.

શું છે આ પૌષધ ? જરા સમજીએ એનું સ્વરૂપ. ‘પૌષધ’ની સામાન્ય વ્યાખ્યાએ છે કે જેમાં સંસારી વ્યક્તિ સંપૂર્ણપણે શ્રમણ જેવું જીવન સ્વીકારીને બાર કલાક યા ચોવીશ કલાક તેનું પરિપૂર્ણ પાલન કરે તેને કહેવાય પૌષધ. જૈન ગૃહસ્થનાં જીવનનું આ સર્વોચ્ચ કક્ષાનું વ્રત ગણાય છે. વ્યક્તિએ પૌષધ દરમ્યાન અગ્નિ-સચિત જલ-વનસ્પતિ-વિજાતીય વ્યક્તિનો સ્પર્શ સુદ્ધાં ત્યજવાનો હોય છે, તો પંખો-એ.સી.-ફોન-ગાડી વગેરે તમામ સુવિધા ત્યાગવાની હોય છે. અરે ! એ સમય દરમ્યાન ઘર-બારનો પણ ત્યાગ કરવાનો હોય છે. આવો પૌષધ ઓછામાં ઓછો બાર કલાકનો અને વધીને ચોવીશ કલાકનો હયો છે. સાતત્ય જાળવીને ઉપરાઉપરી અનેક પૌષધ પણ કરાય છે. જેમ કે પર્યુષણાપર્વમાં ચોસઠ પ્રહરના અર્થાત્‌ સળંગ આઠ દિવસ-રાતના પૌષધનો મહિમા હોય છે, તો ઉપધાનપત નામે આરાધનામાં ત્રણ તબક્કામાં અખંડ સુડતાળીશ રાત-દિવસ, પાંત્રીશ રાત-દિવસ અને અટ્‌ઠાવીશ રાત-દિવસના પૌષધ કરવાનો શાસ્ત્રીય નિયમ હોય છે. જેને આ કાળમાં પણ હજારો જેને ભાઈ-બહેનો શ્રદ્ધાપૂર્વક-ભાવપૂર્વક અપનાવે છે.

શાસ્ત્રદ્રષ્ટિએ વિચારીએ તો પૌષધ ચાર પ્રકારનો છે. પહેલો છે આહાર પૌષધ. પૌષધ દરમ્યાન અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરવો કે અચિત (ઉકાળેલ) પાણીની અમૂક નિશ્ચિત સમયની છૂટ રાખીને અન્નનો સંપૂર્ણ કરવો અર્થાત્‌ ઉપવાસ કરવો તેને સર્વથી આહાર પૌષધ કહેવાય છે. અને પૌષધમાં આયંબિલ કે એકાસણાનું તપ કરવું તેને દેશથી આહાર પૌષધ કહેવાય છે. પૌષધમાં ઓછામાં ઓછું એકાસણાનું (માત્ર એક જ વારના ભોજનનું) તપ તો જોઈએ જ. એથી નીચેનું તપ ત્યાં ચાલે નહિ.. બીજે છે શરીર સત્કાર પૌષધ. પૌષધ દરમ્યાન શરીરની શોભા-વિભૂષા અને સ્નાનાદિનો સંપૂર્ણ ત્યાગ કરવો તેને કહેવાય છે શરીર સત્કાર પૌષધ. અરે ! પાવડર-મેકઅપ તો દૂર રહ્યા, આમાં તો હાથ-પગ-મુખ પણ પાણીથી સ્વચ્છ કરવાની મનાઈ છે.

જે કાળમાં વ્યક્તિઓ એક વાર નહિ, દિવસમાં બબ્બે ત્રણ ત્રણ વાર સ્નાન કરીને પાણીનો બગાડ કરે છે તે કાળમાં આવા નિયમો મજબૂત મનોબલ અને ત્યાગ-વૈરાગ્યની ભાવના સિવાય શક્ય નથી. ઉપરોક્ત બન્ને પ્રકારના પૌષધનો મુખ્ય હેતુ શરીરની આસક્તિ તૂટે અને વિરાધનાનો પરિહાર થાય તે છે.
ત્રીજો છે બ્રહ્મચર્ય પૌષધ. પૌષધ દરમ્યાન દરેક સ્ત્રી-પુરુણે મન-વચન-કાયાથી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. પૂર્વે જણાવ્યું તેમ આ નિયમ એટલો કડક હોય છે કે તેમાં વિજાતીય વ્યક્તિનો અજાણતાં ય સ્પર્શ ન થવો જોઈએઃ પછી ભલેને એ વિજાતીય વ્યક્તિ પોતાનું જ સંતાન હોય !! ભૂલમાં એનો સ્પર્શ થઈ જાય તો ય એનું પ્રાયશ્ચિત (પનીશમેન્ટ) લેવાનું આવે… ચોથો છે અવ્યાપાર પૌષધ. વ્યાપાર એટલે પ્રવૃત્તિ. પૌષધ દરમ્યાન કોઈ પણ સાંસારિક પ્રવૃત્તિ કરાય નહિ. અરે ! ઘરની-બજારની વાતો પણ કરા નહિ. માત્ર સ્વાઘ્યાય-જાપ-કાયોત્સર્ગ જેવી ધાર્મિક પ્રવૃત્તિ જ કરાય. આ ચારેય પ્રકારના પૌષધનું સંયુક્ત પાલન દિવસના બાર કલાક કરવું તે દિવસ પૌષધ કહેવાય, રાત્રે કરવું તે રાત્રિપૌષધ કહેવાય અને રાત-દિવસ કરવું તે અહોરાત્ર પૌષધ કહેવાય. અમારા ગુરુદેવ આચાર્યપ્રવર શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજનાં સાન્નિઘ્યમાં ઈ.સ. ૨૦૦૫માં જૈનોના સર્વોચ્ય તીર્થ પાલિતાણામાં ભવ્ય સામૂહિક ચાતુર્માસ થયું હતું ત્યારે, એક ભાગ્યવાન ભાઈએ એક પણ દિવસનું અંતર પાડ્યા વિના સળંગ એકસોવીશ અહોરાત્ર પૌષધ કર્યા હતા !!

પૌષધ શા માટે કરવો જોઈએ ? એનું એકદમ સરલ કારણ પૂજ્ય આત્મારામજી મહારાજે સવાસો વર્ષ પૂર્વે વલ્લભીપુરમાં કરેલ રસપ્રદ પ્રરૂપણામાંથી મળી રહે છે, એમણે ત્યાં ચાર શ્રેષ્ઠ બાબતો દર્શાવીને કહ્યું હતું કે પ્રત્યેક જૈન ભાઈ-બહેને જીવનમાં ઓછામાં ઓછી એકવાર તો તે આત્મસાત્‌ કરવી જ જોઈએ. એમાંની એક વાત હતી ચોસઠ પ્રહરી પૌષધ. તેની ઉપયોગિતા દર્શાવતા તેઓએ જણાવ્યું હતું કે તેનાથી વ્યક્તિમાં વિરતિધર્મના સંસ્કારો પાંગરે અને ભાવિમાં ચારિત્રધર્મપાપ્તિની શક્યતા રહે. પૌષધનાં કારણે અનેક છે, કંિતુ તેમાં આ એક અતિ અગત્યનું કારણ છે. એટલે જ તો જૈન શ્રાવક-શ્રાવિકાનાં બાર વ્રતોમાં આ પૌષધવ્રતને સ્થાન આપવામાં આવ્યું છે.

દરેક વ્યાવહારિક કે ધાર્મિક પ્રવૃત્તિ કરતાં, ‘તેનું પરિણામ શું ? ફળ શું ?’ આ જાણવાની ઇચ્છા હર કોઇ વ્યક્તિને હોય છે. ખરું કહીએ તો આ જિજ્ઞાસા જ પ્રવૃત્તિનું પ્રેરક પરિબળ બની રહે છે. એટલે પ્રસ્તુતમાં, પૌષધનું ફળ શું ? તે પણ જાણવું જોઇએ. આ માટે જૈન શાસ્ત્રોમાં એક પ્રાચીન ગાથા આમ મળી રહે છે.
કહે છે…..

” પોસેઈ સહુભાવે, અસુહાણં ખવેઈ નત્થિ સંદેહો ત
છંદિઈ નરયતિરિગઈ, પોસહવિધિ અપ્પમત્તો અ.’’

મતલબ કે અપ્રમત્તભાવે પૌષધ આરાધનાર પુણ્યાત્મા ઉત્તમ આત્મભાવોનું અને પુણ્યનું પોષણ કરે છે, અશુભ આત્મભાવોનું અને પાપોનું શોષણ-વિદારણકરે છે તેમજ નરક-તિર્યંચ જેવી દુર્ગતિનું છેદન કરે છે. ગાથામાં દર્શાવેલ આ પરિણામો ઉપરાંત, જો તે આરાધક અત્યંત શુભ ભાવોમાં અરૂઢ થાય તો સર્વકર્મક્ષય પણ કરી શકે છે. આવાં ઉત્તમ ફળો – ઉત્તમ પરિણામો પૌષધવ્રતનાં છે.

ઉત્તમ પરિણામદાયક આ મહાન પૌષધવ્રતને આરાધક પુણ્યાત્મા કઈ હદના ઉત્તમ ભાવોથી આરાધે તે જાણવું છે ? તો વાંચો જૈન ઈતિહાસના તેજસ્વી તારલા મહાન રાજા ચન્દ્રાવતંસકની આ હૃદયસ્પર્શી કથાઃ

પરમ ધાર્મિક રાજા ચન્દ્રાવતંસકને પર્વતિથિએ પૌષધવ્રતનો નિયમ હતો. આ માટે તેમણે રાજમહેલના જ એક અલાયદા વિભાગમાં પૌષધશાળા રચાવી હતી. એક પર્વતિથિની વાત. પૌષધવ્રત સ્વીકારીને રાજા ત્યાં ધર્મસાધના કરતા હતા. તમામ આવશ્યક ધર્મક્રિયા પૂર્ણ થયા બાદ રાત્રિસમયે રાજાએ એક અભિગ્ર = ધારણાનિયમ આદરવાનું વિચાર્યું. રાત્રિ છવાઈ ચૂકી હતી. એથી બહારના ભાગે દાસીએ સૌમ્ય દીપજ્યોતિ પ્રગટાવી હતી.

રાજાએ સંકલ્પ કર્યો કે ‘જ્યાં સુધી આ દીપજ્યોતિ ઝળહળતી રહે ત્યાં સુધી મારે અખડપણે કાયોત્સર્ગ ઘ્યાનમાં લીન રહેવું.’ એમનાં મનમાં અંદાજ એ હતો કે નાનકડી આ દીપજ્યોતિ વઘુમાં વઘુ એક-દોઢ કલાક પ્રકાશિત રહેશે. પછી ઘી ખૂટતાં એ આપોઆપ બઝાઈ જશે.
પરંતુ ભવિતવ્યતાના યોગે બન્યું વિપરીત. પૌષધશાળામાં અંધારપટ ન છવાય અને સાધનાલીન રાજાને સહાયક થવાય આવી ભલી બુદ્ધિથી પેલી દાસી જાગતી રહી અને કલાકે કલાકે પેલી દીપશિખામાં ઘી પૂરતી રહી !! ઉત્તમ આરાધક રાજાએ દાસીને ઘી પૂરતી અટકાવવાનો એક ઈશારોમાત્ર ન કર્યો અને સ્વીકારેલ અભિગ્રહ મુજબ અખંડપણે એક જ સ્થાને ઊભા ઊભા કાયોત્સર્ગઘ્યાન જારી રાખ્યું. સંપૂર્ણ રાત્રિપર્યંત પેલી દાસીએ દીવડો પ્રજ્વલિત રાખ્યો, તો સંપૂર્ણ રાત્રિપર્યંત રાજવીએ કાયોત્સર્ગ ઘ્યાનનો દીવડો પ્રજ્વલિત રાખ્યો. ન કોઈ ખેદ-સંતાપ કે ન કોઈ નિયમમાં બાંધ-છોડ !!

આખરે પ્રભાત થયું. હવે દીવડાની આવશ્યકતા ન જાણતાં દાસીએ ઘી ન પૂર્યું. દીવડો સ્વયં બુઝાયો અને ત્યારે પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી રાજાએ ઘ્યાન પૂર્ણ કર્યું. રાજા બેસવા ગયા. કંિતુ સમગ્ર રાત્રિ એક જ અવસ્થામાં રહેવાનું કષ્ટ શરીર સહી ન શક્યું. રાજા ત્યાં જ પ્રાણમુક્ત થઈને સદ્‌ગતિએ સંચર્યા !! રાજા ભલે વિદાય થયા. પરંતુ એમની આ વિરલ આરાધનાકથા – યશોગાથા આજે પણ પૌષધ પારવાનાં સૂત્રમાં અમર છે. એ સૂત્રમાં ચન્દ્રાવતંસકરાજાનો ઉલ્લેખ કરીને લખાયું છે કે ઃ- ‘‘જેસિ પોસહપડિમા, અખંડિઆ જીવિઅંતે વિ.’’ મતલબ કે ચન્દ્રાવતંસક વગેરે તે પુણ્યાત્માઓને ધન્ય છે કે જેમણે પ્રાણાંતે પણ પૌષધ નિયમ અખંડ જાળવ્યો છે…

અંતે, એક ગુજરાતી કડી ટાંકીને પૌષધમહિમાના આ લેખનું આપણે સમાપન કરીશું કે ઃ-

‘‘આઠ પ્રહરનો પૌષધ લઈને, ઘ્યાન પ્રભુનું ધરીએત
મન-વચન-કાયા જો વશ કરીએ, તો શિવમંદિર લહીએ…’’

Leave a comment