સર્વોત્તમ સામાયિક – શ્રેષ્ઠ શ્રી પુણિયો શ્રાવક

5   6

|| સર્વોત્તમ સામાયિક – શ્રેષ્ઠ શ્રી પુણિયો શ્રાવક ||

સામાયિક અને આદર્શ ભક્તિનું ઉદાહરણ એટલે પુણિયો શ્રાવક. આ એક એવો શ્રાવક હતો કે જેની ધર્મભાવના ખુદ ભગવાન મહાવીરે વખાણી હતી. હસતે મુખે ગરીબી સ્વીકારનાર પુણિયાએ પોતાની પૈતૃક મિલકતનું દાન કર્ય઼ું હતું અને જાતે રૂની પૂણીઓ બનાવીને મળતી બે આના જેટલી રકમમાં સંતોષભેર જીવતો હતો.

પુણિયા શ્રાવકમાં પ્રભુ તરફ ભક્તિ હતી. એ જ રીતે પ્રભુના શાસનના સાધર્મિકો તરફ અપાર સ્નેહ હતો. આથી રોજ એક સાધર્મિકને પોતાને ત્યાં નિમંત્રણ આપીને પતિ-પત્ની ભાવથી જમાડતા હતા. આ કારણે બંનેને એકાંતરે ઉપવાસ કરવો પડતો હતો. આવો બાર વ્રતધારી પુણિયો આત્મસમભાવમાં એકાકાર બનીને રોજ એક સામાયિક કરતો હતો. એક દિવસ સામાયિકમાં પુણિયા શ્રાવકનું ચિત્ત સ્થિર રહેતું નહોતું. આથી પુણિયાના અંતરમાં અજંપો જાગ્યો. આવું કેમ ? એણે એની પત્નીને પૂછયું કે આજે સામાયિકમાં મારૂં ચિત્ત સ્થિર રહેતું નથી, આવું કેમ થાય છે એનું કારણ મને સમજાતું નથી !

આત્મજાગૃત પુણિયાની વાતે એની પત્નીને વિચારતી કરી મૂકી. થોડી વારે યાદ આવતાં શ્રાવિકાએ કહ્યું, “હું પાછી આવતી હતી ત્યારે માર્ગમાં અડાણાં છાણાં પડયાં હતાં. એ સિવાય તો બીજું કશું અણહકનું ક્યારેય લાવી નથી.”

પુણિયા શ્રાવકના જાગૃત આત્માએ કહ્યું, “અરે ! રસ્તામાં પડેલાં છાણાં એ આપણાં ન કહેવાય. જેના પર કોઈનો અધિકાર ન હોય એના પર રાજનો અધિકાર કહેવાય. જાઓ, છાણાં જ્યાં હતાં ત્યાં પાછાં મૂકી આવો.”

પુણિયાની આત્મજાગૃતિ એટલી હતી કે એક નાનીશી ક્ષતિ પણ એના અંતરને વલોવી નાખતી હતી.

એક વાર મહારાજ શ્રેણિકે મૃત્યુ બાદ પોતાની કઈ ગતિ થશે એમ પૂછયું, ત્યારે ભગવાન મહાવીરે નરકગતિ થશે તેમ કહ્યું. પોતાન પરમ ભક્તને પણ પ્રભુ સાચી વાત કહેતા સહેજે અચકાતા નહીં. રાજા શ્રેણિકે આમાંથી ઊગરવાનો ઉપાય પૂછયો ત્યારે ભગવાને કહ્યું, “પુણિયા શ્રાવકની માત્ર એક જ સામાયિકનું પુણ્ય મળે તોય તારી નગરકગતિ ટળશે.” રાજા શ્રેણિક પુણિયા શ્રાવક પાસે એક સામાયિક ખરીદવા ગયા.

પુણિયાએ રાજાને કહ્યું કે ભગવાન મહાવીરે કહ્યું કે સાચા શ્રાવક પુણિયાની સામયિકનું મૂલ્ય આપવું અશક્ય છે. ઘણા મેરૂ પર્વત જેટલા ધનના ઢગલા કરવામાં આવે તો તેનાથી પણ વધારે પુણિયાની એક સામાયિકની દલાલી છે. એક આખીયે સામાયિકનું મૂલ્ય તો આનાથી અનેકગણું હોય. આમ પુણિયાનું જીવન સાચા શ્રાવકની આત્મલીન સામાયિકની મહત્ત્તાનું મહિમાગાન કરે છે.

આનો અર્થ એ કે પુણિયા શ્રાવકની સામાયિક અમૂલ્ય છે. એની કિંમત કોઈ આંકી શકે તેમ નથી. સમગ્ર રાજસમૃદ્ધિ પુણિયાની એક સામાયિક પણ ખરીદી શકે તેમ નથી. આથી તેઓ નિરાશ થયા, પરંતુ સાથોસાથ સાચા શ્રાવક પુણિયાની ધર્મભાવનાને મનોમન વંદન કરી રહ્યા. સાચી સામાયિકની વાત થતાં તરત જ પુણિયા શ્રાવકનું સ્મરણ થાય છે. વળી પુણિયાનું જીવન પણ સાચા શ્રાવકને શોભાવે તવું અપરિગ્રહી હતું. પ્રભુ મહાવીરના સ્વમુખે જેનાં વખાણ થયાં એ પુણિયા શ્રાવકને ધન્ય છે.

Leave a comment