ગુરુવંદન વિધિ

2

|| ગુરુવંદન વિધિ ||

શ્રી મુનિ મહારાજ પાસે જાવ ત્યારે તેમને વિધિપૂર્વક વંદન કરવા જોઈએ. પ્રથમ બે “ખમાસમણ” દેવાં, ત્યાર બાદ ઊભા થઈ મુનિરાજને “ઈચ્છકાર” ના પાઠથી સુખશાતા પૂછવી, તે નીચે મુજબ છે….

શ્રી ખમાસમણ સૂત્ર

ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજજાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ.

ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં, જાવણિજજાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ.

ઈચ્છાકાર! સુહ-રાઈ? (સુહ-દેવસિ?) સુખતપ? શરીર નિરાબાધ? સુખ સંયમ યાત્રા નિર્વહો છો જી? સ્વામી! શાતા છે જી? મત્થએણ વંદામિ.

(પદવીધર હોય તો ફરી ખમાસમણું દેવું)

સામાન્ય રીતે સવારે દેવવંદન કર્યા પછી ગુરૂવંદને જવુંજોઈએ. તે વખતે તેમની સુખશાતા આ સૂત્રથી પૂછવામાં આવે છે. સવાર હોય તો “સુહરાઇ” કહેવું અને બપોર પછી ” સુહદેવસિ” કહેવું. તે પ્રમાણે સુખશાતા પૂછી, એક ખમાસમણ દઈ, ઊભા થઈ “અબ્ભુઠ્ઠિઓ” કહેવું. પ્રથમ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અબ્ભુઠ્ઠિઓ ખામેઉં ?” થી આદેશ માગવો. પછી ગુરુ મહારાજ “ખામેહ” એ પ્રમાણે ખામવાની આજ્ઞા કરે, ત્યારે “ઈચ્છ” કહીને વાંદણાં દેવાની પેઠે નીચે નમીને જમણો હાથ ભોંય પર ઉપર અવળો આગળ ધરવો અને ડાબો હાથ મોં આગળ સાડી/પછેડીનો છેડો/રૂમાલ મુહપત્તિ ધરી રાખી “જંકિંચિં અપત્તિઅં” થી બોલવું.

અબ્ભુઠ્ઠિઓ-ગુરુખામણા સૂત્ર

ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અબ્ભુઠ્ઠિઓમિ અબ્ભિંતર રાઈઅં/દેવસિઅં ખામેઉં … (ખામેહ) ઈચ્છં, ખામેમિ રાઈઅં/દેવસિઅં. જંકિંચિં અપત્તિઅં, પરપત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વેઆવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિ ભાસાએ, જંકિંચિં મજ્ઝ વિણય પરિહીણં,
સુહુમં વા બાયરં વા, તુબ્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુક્કદમ્.

આ સૂત્રથી ગુરુ મહારાજ પ્રત્યે આપણાથી જાણતા-અજાણતા આશાતના-અપરાધ થયો હોય તેની ક્ષમા માંગવામાં આવી છે. પછી ઊભા થઈ એક ખમાસમણ દઈ ઊભા રહી સુખશાતા પૂછવી. પછી પચ્ચક્ખાણ લઈ ખમાસમણું દઈ :સાહેબ! ભાત પાણીનો લાભ દેશોજી” એમ વિનંતી કરવી. – જો વ્યાખ્યાન વખતે ગુરુવંદન હોય તો અબ્ભુઠ્ઠિઓ પછી ખમાસમણ દઈ-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાયણા સંદિસાહું?

ફરી ખમાસમણું. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વાયણા લેશું? ઈચ્છં. ફરી ખમાસમણું. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પસાઓ કરી વાયણા પ્રસાર કરશોજી

પછી હાથ જોડી ઊભા રહેવું. સાહેબજી માંગલિક ફરમાવે પછી સર્વસભાને વંદન કરીને ઊભા રહીને કે ઉભડક બેસીને કે સુખાસને વ્યાખ્યાન સાંભળવા.

ભગવાન મહાવીરના સત્તાવીસ ભવ

1

|| ભગવાન મહાવીરના સત્તાવીસ ભવ ||

ભગવાન મહાવીરના પૂર્વેના છવ્વીસ ભવના સગા-સ્નેહીઓને ઓળખીયે

ભગવાન મહાવીરના અસંખ્ય ભવો થયા. એ ભવોમાં પ્રથમ ભવ તરીકે તેઓ સમ્યકત્વ પામ્યા તે નયસારનો ભવ ગણાય છે. એ પછી બીજા કેટલાક ભવો મળે છે. જ્યારે કેટલાક ભવોને ક્ષુલ્લક ભવ તરીકે ગણનામાં લેવાતા નથી. ભગવાન મહાવીરના પાંચમાં, તેરમા, પંદરમા અને એકવીસમા ભવ પછી ક્ષુલ્લક ભવો મળે છે.

એ રીતે ભગવાન મહાવીરનો ભવ સત્તાવીસમો- અંતિમ ભવ છે. આ સત્તાવીસ ભવોમાં તેર ભવ માનવ તરીકે, દસ ભવ દેવ તરીકે, બે ભવ નારક તરીકે અને એક ભવ તિર્યચ તરીકે મળે છે. સત્તાવીસમો ભવ તે ભગવાનનો અંતિમ ભવ છે. આમાં પહેલો, ત્રીજો,પાંચમો, છઠ્ઠો, આઠમો, દસમો, બારમો, અઢારમો, ચૌદમો, સોળમો, અઢારમો (ત્રિપૃષ્ઠ વાસુદેવ), બાવીસમો, ત્રેવીસમો( પ્રિય મિત્ર ચક્રવર્તી) અને પચ્ચીસમો ( નંદનમુનિ) ભવ મનુષ્ય તરીકે મળે છે.

જ્યારે બીજો, ચોથો,સાતમો, નવમો, અગિયારમો, તેરમો,પંદરમો, સત્તરમો, ચોવીસમો અને છવ્વીસમો એ દેવ તરીકેનો છે. અને તેના દેવલોક સૌધર્મ, બ્રહ્મ(દેવ)લોક, સૌધર્મ, ઇશાન, સનતકુમાર,માહેન્દ્ર, બ્રહ્મલોક, મહાશુક્ર અને પ્રાણત છે.ઓગણીસમો ભવ સાતમી નારકીના જીવ તરીકેનો અને એકવીસમો ભવ ચોથી નારકીના જીવ તરીકે છે. વીસમો ભવ સિંહનો હોઈ તિર્યચ તરીકેનો છે.

મનુષ્યગતિ પૂરતો વિચાર કરતાં ભગવાન મહાવીરના અંતિમભવ પૂર્વના બાર ભવો આ પ્રમાણે છે. નયસાર, મરીચિ, કૌશિક બ્રાહ્મણ, પુષ્પમિત્ર દ્ધિજ, અગ્ન્યુદ્દ્યોત દ્ધિજ, ભારદ્ધાજ દ્ધિજ, સ્થાવરક દ્ધિજ, યુવરાજ વિશ્વભૂતિ, ત્રિપુષ્ઠ વાસુદેવ, પ્રિયમિત્ર ચક્રવર્તી અને નંદન રાજકુમાર. આ ભવો દર્શાવે છે કે તેઓના તેરમાંથી છ ભવો તો બ્રાહ્મણ તરીકેના છે. એક એ પણ હકીકત છે કે આ બધા ભવો પૈકી એકેયમાં તેઓ સ્ત્રી તરીકે અવતર્યા નથી.

ભગવાન મહાવીરના વિવિધ ભવોના સ્વજનોનાં વિચાર કરીએ તો નયસારના પ્રથમ ભવમાં એમના કોઈ સગાંનાં નામ ગ્રંથોમાં મળતાં નથી. મરીચિના ત્રીજા ભવમાં એમના પિતાનું નામ ભરત હતું. આ ભરત ચક્રવર્તી તે તીર્થકર ઋષભદેવ ભગવાનના પુત્ર થાય. આ રીતે જોઈએ તો ભગવાન ઋષભદેવ મરીચિના પિતામહ થાય. સુનંદા અને સુમંગલા એમની પિતામહી થાય. બાહુબલિ અને ભરત સિવાયના અઠ્ઠાણું ભાઈઓ તે મરીચિના કાકા થાય. બ્રાહ્મી અને સુંદર એમનાં ફૈબા થાય. મરુદેવી એમના દાદા ( પિતામહ)ની માતા થાય અને કુલકર નાભિ એમના પ્રપિતામહ થાય. આ મરીચિના ભવમાં મહાવીર સ્વામીએ ‘ત્રિદંડી’ નો -પારવ્રાજકનો ધર્મ સ્વીકાર્યો હતો. આનો  અર્થ એ કે એ ભવમાં જૈન સાધુતા સ્વીકાર્ય બાદ અતિ મુશ્કેલ લાગતાં તેઓ ત્રિંદડી બન્યા હતા.

ભગવાન મહાવીરના સત્તાવીશ ભવમાંથી સાત ભવ ત્રિદંડી તરીકેના છે: ૧. મરીચિ ૨. કૌશિક, ૩. પુષ્યમિત્ર,૪. અગન્યુદ્દ્યોત, ૫. અગ્નિભૂતિ ૬. ભારદ્ધાજ અને ૭. સ્થાવર. મરીચિના ભવ સિવાય બાકીના છએ ભવમાં તેઓ બ્રાહ્મણ તરીકે જન્મયા હતા. ત્રિદંડીની વાત એક મહત્વનું સૂચન કરે છે , સાધુના કપરા આચારો પાળી નહિ શકનાર ત્રિદંડી બને છે. એ આચરણો છૂટ લઈને સાધુ રહી શકાય નહિ. પાંચમા ભવમાં કૌશિક બ્રાહ્મણ તરીકે ભગાવન મહાવીર સ્વામીએ ત્રિદંડી ધર્મ પાળ્યો. એ  પછી એમના અનેક ક્ષુલ્લક ભવો મળે છે.

છઠ્ઠા ભવમાં અગાઉના ભવની પેઠે બ્રાહ્મણ તરીકે જન્મયા અને ત્રિદંડી ધર્મ પાળ્યો. આઠમાં ભવમાં પણ એ જ રીતે અગ્ન્યુદ્દ્યોત તરીકે બ્રાહ્મણ તરીકે જન્મયા અને ત્રિદંડી ધર્મ પાળ્યો. દસમા ભવમાં બ્રાહ્મણકુળમાં અગ્નિભૂતિ તરીકે જન્મ થયો. એમના પિતાનું નામ સોમિલ અને માતાનું નામ શિવભદ્રા હતું. આ અગ્નિભૂતિએ સમય જ્તાં પિરવ્રાજક સૂરસેન પાસે દીક્ષા લીધી. બારમા ભારદ્ધાજ તરીકેના બ્રાહ્મણ તરીકેના ભવમાં પણ એમણે ત્રિદંડી ધર્મ સ્વીકાર્યો હતો. તેરમા ભવ પછીના વિવિધ સામાન્ય ભવોની માહિતી સાંપડતી નથી. ચૌદમા ભવમાં કપિલ બ્રાહ્મણની કાંતિમની નામની પત્નીના પુત્ર સ્થાવર તરીકે એમનો જન્મ થયો અને ત્રિદંડી ધર્મ અંગીકાર કર્યો. દેવ તરીકેના પંદરમાં ભવ પછીના ક્ષુલ્લક ભવોની ગણના કરાતી નથી. એમનો સોળમો ભવ તે વિશ્વભૂતિનો . આ વિશ્વભૂતિના પિતાનું નામ વિશાખભૂતિ અને કાકાનું નામ વિશ્વનન્દિ હતું . આ વિશાખભૂતિની પત્ની ધારીણી તે વિશ્વભૂતિનની માતા હતી. વિશ્વભૂતિનાં લગ્ન બત્રીસ કન્યાઓ સાથે થયાં હતાં. વિશ્વભૂતિની કાકી થાય અને વિશાખનન્દિ તે એમનો દીકરો થાય.

ઓગણીસમો ભવ તે ત્રિપૃષ્ઠ તરીકેનો હતો. આ ત્રિપૃષ્ઠના પિતાનું નામ પ્રજાપતિ અને માતાનું નામ મૃગાવતી હતું. એકવીસમા ભવ પછીના ક્ષુલ્લક ભવો વિશે કોઈ માહિતી નથી. જ્યારે બાવીસમા વિમલના ભવમા એમના પિતાનું નામ પ્રિયમિત્ર અને માતાનું નામ વિમલા છે. ત્રેવીસમા પ્રિયમિત્ર તરીકેના ભવમાં તેઓ મહાવિદેહ ક્ષેત્રમાંથી મૂકા નગરીના રાજા ધનંજય અને રાણી ધારિણીના પુત્ર હતા. આ પ્રિયમિત્ર ચક્રવર્તીને અનેક રાજકન્યાઓ પરણાવવામાં આવી . અન્ય ચક્રવર્તીઓની પેઠે એને ૬૪૦૦૦ પત્નીઓ હતી, આ પ્રિયમિત્રએ અંતે પોટિલ્લાચાર્ય પાસે દીક્ષા લીધી.

પચીસમા ભવમાં જીતશત્રુ રાજા અને ભદ્રા રાણીના પુત્ર નંદન તરીકે જન્મ થયો. આ નંદને પોતાના પુત્રને રાજગાદી સોંપીને પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. એ ભવમાં એણે વીસ સ્થાનકોની આરાધના કરીને તીર્થકર-નામકર્મ-નિકાચિત કર્યું હતું. ભગવાન મહાવીરનો સત્તાવીસમો ભવ એ એમનો અંતિમ ભવ છે.

* સારાંશ :-

ભૌતિક સુખ અને ઊડતા પતંગિયા વચ્ચે ખૂબ સામ્ય છે. રંગબેરંગી હોવાને કારણે પતંગિયા આકર્ષે છે. માનવીના ભૌતિક સુખ અને સદા આકર્ષતા રહે છે. એ પતંગિયાને પકડવા માટે જેમ જેમ પાછળ દોડો, તેમ તેમ એ દૂર ભાગતું જાય છે. એષણા , ઇચ્છા, કામનાઓ કે લાલસાઓની તૃપ્તિ માટે માણસ દોડતો હોય છે અને એ પકડવાને બદલે માણસને વધુને વધુ ઇચ્છાઓના આકાશમાં દોડતો રાખે છે.

 

 

ઘર ક્યારે મંદિર બને

4

|| ઘર ક્યારે મંદિર બને ||

વિશ્વ આખા માં પ્રવાસ કરનાર ને પુછવામાં આવે કે, હવે તમને સોથી વધારે કઇ લાગણી થાય છે ? તો જવાબ મળશે,મને થાય છે કે હવે બને એટ્લી ઝડપ થી હું મારા ઘરે જાઊં. ઘર એટ્લે દરેક માણસે ખુલ્લી આંખે જોયેલું સ્વ જીવનનું સપનું. ચાર દિવાલ વચ્ચે ની આખી સૃષ્ટિ માણસ ની પોતાની છે. ઘર એક સાંત્વના છે. બાળક જેમ માતાની ગોદમાં નિશ્ચિંત થઇ જાય છે. તેમ દરેક માણસ ઘર માં જઇ હળવો થઇ જાય છે. ગૃહસ્થ જીવનની ઇમારત ધર્મ (પ્રેમ) થી બનેલી છે. તેના પાયામાં ધર્મ (પ્રેમ) છે. તેની દિવાલો ધર્મ (પ્રેમ) ની ઇટો થી ચણેલી છે. તેના છતમાં ધર્મ (પ્રેમ) છે.

પરિવારમાં સર્વે જીવ પણ પ્રેમ રૂપી તાતણાંથી બંધાયેલા છે. ધર્મ( પ્રેમ) એ પ્રભુનાં અમાપ સ્નેહ નું નિરુપણ છે. લાગણી ભીનાં સબંધો ધર્મ (પ્રેમ) દ્વારા જ સચવાતા હોય છે. ધર્મ (પ્રેમ) એ એવુ પુરણ છે ….જે મોટાંમોટાં રાગ – દ્વેષ, ઇર્ષા – વેર રૂપી ખાડાઓ પુરી દેવાને સામાર્થ્ય હોય છે. ધર્મ (પ્રેમ) દ્વારા હોમ લાઇફ ને ગુલાબની જેમ મહેકાવી શકાય છે. ઘરમાં બધા એક બીજાની હુફના ખ્યાલ હોય છે.

પરિવાર એ પણ એક યાત્રા છે્ તિર્થ સ્થાનના દર્શને જવું, દેવ દર્શન કરવાં, સત્સંગ કરવો, એ જ માત્ર યાત્રા નથી. કુટુંબમાં સર્વે સાથે રહે, સાથે જીવે, એક્બીજાનાં સુખ દુઃખના ભગીદાર બની શકે એ પણ એક યાત્રા છે. પરિવાર એટ્લે પતિ – પત્નિ નો ઘર સંસાર એવું નથી. પરિવાર માં તો માતા – પિતા હોય, ભાઈ – બહેન પણ હોય, દીકરાઓની વહુ ઓ પણ હોય, બધાંજ એક બીજા ની સાથે હળી મળી ને, પ્રેમ અને આનંદથી રહે તેનું નામ છે પરિવાર… પરિવારમાં પોતાના જ સ્વાર્થનો નહીં, સમગ્ર કુટુંબના હિતનો વિચાર કરવાનો હોય છે. એક બીજા માટે ઘસાવવાનું હોય, એક્બીજા ને આપવાની ભાવના હોય , લેવાની વૃત્તિ ના હોય…પરિવાર માં સંવાદિતાની સુગંધ હોય, વિખવાદ ન હોય અને તો જ પરિવાર એક યાત્રાબની શકે છે. મંગલ તીર્થ બની શકે છે..

ટુંક માં જે ઘર આનંદથી ભર્યું ભ્રુર્યું હોય, પત્ની સારા અને હિતકારી વચનો બોલતી હોય, જેનું ધન પ્રભુ કાર્યમાટે વપરાતું હોય…..

સંયુક્ત કુટુંબ ભાંગી ગયા છે, કારણ કે બધાને સ્વતંત્ર થઇ સ્વછંદતાનો આનંદ માણવો છે. વડિલો ની મર્યાદા પાળવાનું અઘરૂ લાગે છે. સહનશીલતા ઓછી થઈ ગઈ છે… ટુંકા સ્વાર્થના સંતોષ ખાતર કુટુંબ ના ભાગલા પાડતા લોકો અચકાતા નથી.

સંયુક્ત કુટુંબ ની પ્રથા ભાંગી ગઇ છે. આજના વાતાવરણ માં સંયુક્ત કુટુંબ કરતા વિભક્ત કુટુંબો ની વિભાવના પૂર બહાર ખીલી રહી છે. દરેક ને સ્વતંત્ર રહેવું છે. જવાબદારીઓ લેવી નથી…ઘરનું વાતાવરણ આનંદ દાયક અને મધુર તો ઘર નો વ્યક્તિજ બનાવી શકે છે. ઘરમાં કુસંપ પેદા કરાવનાર સ્ત્રી જ હોય છે…ઘર નો વડિલ એ નથી કે જે ઉંમરમાં મોટો હોય, પણ એ છે કે જે ઘર ને સ્વર્ગ બનાવે છે…બધાને એક સાથે રહેતા શીખવે છે…જેને કોઇ સ્વાર્થ નથી…જે બીજા માટે કઈક કરી ફિટવા હમેશા તત્પર રહે….

ઇંટ અને સિમેન્ટથી માત્ર મકાન બની શકે છે પણ ઘર બનતું નથી…તે મકાન ઘર ત્યારે જ બને છે, જ્યારે એ મકાનમાં વસનારાઓ વચ્ચે અવિરત લાગણીનો પ્રવાહ વહેતો રહે ! વ્યક્તિમાં પરોપકાર ની ભાવના, દયા, સેવા, સમર્પણની ભાવના હોય, બીજા માટૅ ત્યજવાનો કે સહિષ્ણુતાનો ગુણ હોય, તો જ પરિવાર બની શકે છે.

બાળકો આજ્ઞા પાલક હોય, જ્યાં અતિથિ નો સત્કાર થતો હોય, વડિલોનો આદર કરાતો હોય, અને ઘરના બધાજ સભ્યો હળી મળીને પ્રભુની પ્રાર્થના કરતાં હોય તેનું ગૃહસ્થ જીવન ધન્ય બને અને મંગલ તીર્થ બની શકે. જ્યાં કલેશ હોય ત્યાં નો પ્રભુ વાસ હોતો નથી.

કુટુંબ એ મુંગી પાઠ્શાળા છે. જ્યાં આવું પવિત્ર વાતાવરણ હોય ત્યારે ઘર એક મંદિર બને છે…

જૈન ધર્મમાં કોરા જ્ઞાાનની કોડીનીય કિંમત નથી જ્ઞાાન સમ્યક્ હોય તો જ તે જ્ઞાાન બને છે

7

|| જૈન ધર્મમાં કોરા જ્ઞાાનની કોડીનીય કિંમત નથી જ્ઞાાન સમ્યક્ હોય તો જ તે જ્ઞાાન બને છે ||

ભગવાન મહાવીરનો માર્ગ વિશિષ્ટ અને વિશદ છે. તેમની આર્ષ દૃષ્ટિની બહાર કંઈ જ રહ્યું નથી. તેમણે જે જોયું તે કહ્યું. જીવનની બે જ સંભાવનાઓ છે. મોત અને મોક્ષ. મોત એટલે જીવનું સંસારમાં આવાગમન. જન્મ-જરા અને મૃત્યુ. તેની ઘટમાળમાં સર્વ જીવો જકડાયેલા છે. આ ઘટમાળની બહાર નીકળી જવું અને આનંદમાં સ્થિત થવું એટલે મોક્ષ. ભગવાન મહાવીરે દર્શાવેલ મોક્ષ એટલે પરમાત્મપદ. તે મેળવવા માટે તેમણે જે માર્ગ બતાવ્યો તે સુરેખ અને સ્પષ્ટ. ભગવાનની ભાવના હતી કે સંસારના સર્વ જીવોને મોક્ષ માર્ગે ચઢાવી દઉં જેથી તેમના ઉપર ક્યારેય દુ:ખની છાયા પણ ન અડે. આ માટે તેમણે તલસ્પર્શી ચિંતન કર્યું અને સર્વ જીવોને માટે સરળ અને સુલભ બની રહે તેવા માર્ગનું નિરૃપણ કર્યું અને પોતે સ્વયં તેના ઉપર યાત્રા કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી.

જૈનધર્મ આમ તો જ્ઞાનપ્રધાન અને ધ્યાનપ્રધાન છે, પણ આ માર્ગે તત્કાળ આગળ વધવાની સર્વ જીવોની ક્ષમતા હોતી નથી તેથી ગણધર ભગવંતોએ પંચાચારનું નિર્દેશન કર્યું. આ પાંચ આચારો સર્વ જીવો માટે સરળ અને સુલભ છે. જે માણસ આ પાંચ આચારોનું નિત ભાવપૂર્વક પાલન કરે છે તે મોડો-વહેલો મોક્ષમાર્ગે આવી જાય છે. પંચાચારમાં સાધકને સિદ્ધિપદ સુધી પહોંચાડવાની ક્ષમતા છે. આમ પંચાચાર જૈનધર્મનો રાજમાર્ગ છે જે અંતે સિદ્ધશિલા ઉપર જઈને વિરમે છે. જેના હૈયામાં સિદ્ધિપદ મેળવવાનો ભાવ હોય તેના માટે પંચારા એ પૂર્વાચાર જેવો છે. તેથી લેખકે તેમની ‘જૈન આચાર મીમાસાં’માં વિગતે ચર્ચા કરી છે.

જૈનધર્મમાં જે પાંચ આચારોનું આટલું બધું મહત્ત્વ છે તે છે : દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તેમાંથી આપણે થોડાક સમય પહેલાં દર્શનાચારની વાત કરી હતી. વાસ્તવિકતામાં દર્શન એ જ્ઞાનનું જનક છે. સામાન્ય રીતે પ્રથમ દર્શન ઊતરે જેનાથી વસ્તુનું સામાન્યજ્ઞાન થાય જેને કારણે વિષય ઉપર શ્રદ્ધા થાય પણ વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ વિના મોક્ષમાર્ગે આગળ ન વધાય. સંસારમાં કેવળ જૈનધર્મે જ દર્શન અને જ્ઞાનને જુદાં પાડી તેનું નિરૃપણ કર્યું છે. બાકી સર્વ ધર્મોએ તેમને એકબીજાના પર્યાય જેવાં ગણ્યાં છે. જે મોક્ષમાર્ગના યાત્રી માટે જ્ઞાનાચાર અતિ મહત્ત્વનો છે. તેમાં જ્ઞાનપ્રાપ્તિની વાત આવે જેનાથી ગભરાઈ જવાની જરૃર નથી. જ્ઞાનાચારના પાલન માટે બહુ વાંચવાની કે અભ્યાસ કરવાની જરૃર નથી. તે માટે જરૃર છે સાચી સમજણની.

જે જ્ઞાન મોક્ષમાર્ગે ન લઈ જાય અને સંસારમાં રખડાવે તેને જૈનધર્મ જ્ઞાન નથી ગણતો પણ મિથ્યાજ્ઞાન કહે છે. જૈન ધર્મમાં કોરા જ્ઞાનની કોડીનીય કિંમત નથી. જ્ઞાન સમ્યક્ હોય તો જ તે જ્ઞાન ગણાય. બાકી બધી માહિતી. માહિતીનાં પોટલાં ઊચકીને માણસ ફર્યા કરે તેને જૈન ધર્મ જ્ઞાની નથી કહેતો. વળી આગમોમાં કહેવાયું છે કે જે જ્ઞાન વિરતીમાં-સંયમમાં ન પરિણમે, જે જ્ઞાનની પ્રાપ્તિ પછી ચરિત્ર ન આવે-આચરણમાં ન ઊતરે તે જ્ઞાન નિરર્થક છે. કેવળ ભારરૃપ છે. જ્ઞાનાચાર સત્યની પ્રાપ્તિ માટેનો આચાર છે.

જૈન ધર્મ પ્રમાણે જ્ઞાન બહાર નથી. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૃપ છે પણ જ્ઞાનની આડે જ આવરણો આવેલાં છે તેને કારણે આત્મા અજ્ઞાનમાં કૂટાય છે. આખો જ્ઞાનાચાર આત્મામાં પડેલા જ્ઞાનનો ઊઘાડ કરવામાં આવી જાય છે. વાસ્તવિકતામાં જ્ઞાનમાં કંઈ નવું મેળવવાનું નથી પણ આત્માની જ્યોતિ આડે જે આવરણો આવેલા છે – ”પડળો પડેલાં છે તેને ખસેડવાની વાત જ્ઞાનાચારમાં છે. જૈન ધર્મની આ સૂક્ષ્મ વાત છે. જ્ઞાનાચારના સાધકે આ વાત સમજીને અન્ય આચારોમાં આગળ વધવાનું છે.”

જૈન ધર્મે બોધને જ્ઞાન કહ્યું છે. સંસારમાં શું જાણવા જેવું છે, શું મેળવવા જેવું છે અને શું છોડવા જેવું છે તે સમજાવે અને જે પ્રાપ્તવ્ય હોય તે તરફ પ્રવૃત્તિ કરવાનો માર્ગ બતાવે તેને જ જૈનધર્મ જ્ઞાન કહે છે. ધર્મ માર્ગમાં જ્ઞાનની ઘણી મહત્તા છે કારણકે વસ્તુને તેના સાચા સ્વરૃપમાં જાણ્યા વિના જે પ્રવૃત્તિ કરે છે તે ભટકી જાય છે. સંસારના મોટાભાગના ધર્મો આચારપ્રધાન અર્થાત્ કે ક્રિયાપ્રધાન છે. આચારને પ્રથમ ધર્મ માનવામાં આવે છે, પણ જૈનધર્મે આચારોની આરાધના માટે જ્ઞાનને આવશ્યક ગણ્યું છે તેથી જૈન ધર્મમાં સૂત્ર છે. જ્ઞાાન ક્રિયાભ્યાં મોક્ષ: એટલે કે મોક્ષની સિદ્ધિ માટે જ્ઞાન અને આચાર (ક્રિયા) બંને આવશ્યક છે.

આચારોમાં સિદ્ધિ સુધી પહોંચવાની ક્ષમતા હોય છે, પણ જ્ઞાન વિનાનો આચાર સમજણ વિનાની પ્રવૃત્તિ જેવો છે જે સાગરમાં તરતી-અથડાતી દિશા વિહીન નૌકા જેવો છે. તે પ્રવાસ ઘણો કરે પણ લક્ષ્ય સુધી પહોંચે નહિ. જે જીવનના લક્ષ્ય વિશે સ્પષ્ટ હોય તેણે તો જ્ઞાનના અજવાળામાં લક્ષ્યને નજરમાં રાખીને પોતાની યાત્રા કરવી રહી. ધર્મ માર્ગમાં જ્ઞાનનું ઘણું મહત્ત્વ છે. જ્ઞાન આચારને દિશા આપે છે અને આચારોમાં પ્રાણ પૂરે છે. આમ મોક્ષમાર્ગમાં જ્ઞાનાચાર અનિવાર્ય બની જાય છે. જ્ઞાાનાચારને આપણે એક રીતે સત્યદર્શન પણ કહી શકીએ કારણ કે તે વસ્તુને તેના સાચા સ્વરૃપમાં ઓળખાવે છે.

જ્ઞાનાચાર માટે ચાર વસ્તુની અપેક્ષા રહે છે. એક તો જ્ઞાનની વિશુદ્ધિ. બીજી છે એકાગ્રતા-તન્મયતા. ત્રીજી વાત છે સ્વયંમાં સ્થિર થવાની અને ચોથી બાબત છે અન્યને પણ સત્યમાં પ્રતિષ્ઠિત કરવાની. આ રીતે જૈનધર્મનો જ્ઞાનાચાર મોક્ષમાર્ગી માટે એક આવશ્યક પૂર્વાચાર બની રહે છે.

શાકાહાર

AAA

|| શાકાહાર ||

આધ્યાત્મિક જીવન માટે શાકાહાર એ ખૂબ જ મહત્વની બાબત બની રહે છે. અધ્યાત્મ અને શાકાહાર આમ જોઈએ તો સમાન અર્થ ધરાવતા શબ્દો છે. જો કે, પ્રત્યેક વ્યક્તિ એ શાકાહારી બનવું જ જોઇએ. માનવીયતંત્ર પર પ્રાણીજન્ય ખોરાકની ખરાબ અસરો ને ક્વોન્ટમ વાઈબ્રેશલ સાયન્સ પારખી શક્યું છે.

બ્રહ્મર્ષિ પત્રીજી :
વધુ પડતું ન ખાવું. જરૂરિયાત હોય એટલો જ આહાર લેવો. જેટલી ભૂખ હોય એટલું જ ખાવું. ભૂખ ન હોય તો ક્યારેય ન ખાવું

શાકાહાર અને આધ્યાત્મિકતા :

(1) પયગંબર મહમદ
પરમકૃપાળુ પરમાત્મા એવા લોકો પર દયા કરે છે જેઓ બીજા તરફ દયા રાખે છે. આ પૃથ્વી પર રહેલા જીવો પ્રત્યે દયાભાવ રાખો, તો સ્વર્ગની પેલે પાર જે (પરમાત્મા) છે, એ તમારા પર દયા કરશે.

(2) આલ્બર્ટ આઇન્સ્ટાઇન
શાકાહાર થી વધુ સારૂ કોઈ ભોજન નથી જે મનુષ્યના શરીરને ફાયદાકારક હોય તેમજ સાથે સાથે આ ધરતી પર જીવનને બચાવી રાખવામાં સહાયક અને ઉન્નતિકારક હોય.

(3) બાબા મુહાયુદ્દીન
મનુષ્ય જયારે માંસ આરોગે છે ત્યારે તે પ્રાણીઓના ચેતનાગત ગુણોને પણ ખાય છે. અને એકવાર આવા ગુણો નો અંદર પ્રવેશે છે ત્યારે મનુષ્યમાં પણ ક્રોધ, આક્રમણ, પશુતા અને મૂઢતા જેવી પાશવી વૃત્તિઓમાં વધારો થતો જાય છે. વ્યક્તિ જો અંત:કરણ થી અહિંસક છે તો એ બહાર પણ કોઈને મારી શકતો નથી.

(4) ગૌતમ બુધ્ધ
કોઈને હરાવવાથી કે કોઈ જીવને કષ્ટ આપવાથી કોઈ મહાન બની શકતું નથી. મહાન તો ત્યારે કહેવાય જયારે તે પોતાને હરાવે અને પ્રાણીઓને પીડા આપતી હિંસા રોકે છે.

(5) લિયોનાર્ડો દા વિન્ચી
એક સમય એવો આવશે જયારે મારા જેવા મનુષ્યો જાનવરો ની પણ હત્યાને મનુષ્યવધ જેવું ધૃણિત કાર્ય ગણશે.

(6) મહાત્મા ગાંધી
હું માનું છું કે આધ્યાત્મિક ઉન્નતિ માટે પાયાની વાતોમાંની આ એક છે; આપણા શારીરિક સુખો માટે, આપણી સાથે જીવતા પ્રાણીઓની હત્યા ન કરીએ.

(7) જીસસ
“ઈશ્વરે કહ્યું”, જુઓ મેં તમારા માટે આ ધરતી પણ એવા બીજ (seed) આપ્યા છે, જે તમને જડીબુટ્ટીઓ પણ આપશે અને દરેક વૃક્ષો માંથી જે ફળો તમને મળશે એમાંથી પણ તમને બીજ મળશે. એ (ફળ) તમારો ખોરાક બનશે.”

માંસાહાર અને શાકાહાર વચ્ચેનો મુખ્ય ફર્ક એ કે તે સૂર્યપ્રકાશથી કેટલાં ભરેલા છે. શાકભાજી અને ફળો સૂર્યપ્રકાશ થી એટલાં પરિપૂર્ણ હોય છે કે એમ કહી શકાય કે તે સૂર્યપ્રકાશનાં સઘન સ્વરૂપો જ છે. હાર્દિક સંવેદનાઓના વિકાસ માટે વિવેકપૂર્વક તેમજ શાંતિથી ભોજન લેવું અતિ આવશ્યક છે.

આનો અર્થ એ થયો કે વધુ ને વધુ સઘન પ્રકાશ મેળવવો તેમજ આપણા જીવનમાં લાવવો. આ પ્રકાશમાં સુંદર ધ્વનીઓ અંત:નિર્હિત છે જે આપણા હ્ર્દયને બ્રહ્માંડનાં સ્પંદનો અને અજ્ઞાત પાસાંઓ સાથે જોડી આપે છે. પદાર્થનાં પ્રકાશમાન ગુણોને આકર્ષિત કરીને ખાસ કરીને આપણા વિચારો તેમજ ભાવનાઓને ઉજ્જવળ તેમજ આપણા અસ્તિત્વને દેદિપ્યમાન અને પ્રબુધ્ધ કરે છે. આ ફક્ત એક દિવસ માટે જ નથી પરંતુ આ ધરતી પર તમે જ્યાં સુધી રહો છો ત્યાં સુધી તમારા અનુભવોમાં આ દિપ્તીનો અહેસાસ કરી શકો છો.

તમે શું ખાઓ છો અને કેવી રીતે ખાઓ છો તેના પર તમારા ભવિષ્યનું નિર્માણ પણ થતું હોય છે. આપણું શરીર એક મંદિર જેવું છે. આ મંદિર માં એકાગ્રચિત્તે સભાનતા પૂર્વક કરવામાં આવેલું પ્રત્યેક કાર્ય, એક સુવ્યવસ્થિત પરિણામ આપે છે. પરમ આનંદદાયક બ્રહ્માંડનાં અનુભવો જે હંમેશા તમારા બંધારણનાં જૂના પૂરાણા માળખાના અણુઓથી આચ્છાદિત રહે છે. તે અણુઓને વધુ ઉચ્ચ પરિસ્કૃત અણુઓમાં બદલીને રૂપાંતરણ જયારે થાય છે ત્યારે તમે ઉત્કૃષ્ઠતાનો અનુભવ કરો છો.

તમારા ભોજનનાં ભૌતિક ગુણધર્મો તમારા મનને ભાવનાઓ ને જ પ્રભાવિત કરે છે એવું નથી, ખરેખર તે તમારા મુખાકૃતિ, બાહ્ય શારીરિક દેખાવ તેમજ વ્યક્તિત્વને પણ બદલી નાખે છે. આપણી આજુબાજુની દરેક ચીજો ઉર્જાથી ભરેલી છે. આ શક્તિઓ જયારે આ પૃથ્વી પર રહેલા પ્રકાશના ઉચ્ચ સ્તરે પહોંચે છે ત્યારે વધુ પરિશુદ્ધ અને પ્રખર બની જાય છે.

 

ઘંટાકર્ણવીરનું મથક – મહુડી

2  13

।। ઘંટાકર્ણવીરનું મથક – મહુડી ।।

મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના ર૪ તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે.

આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

‘પ્રણ્મયશ્રી મહાવીરં, સર્વજ્ઞા દોષર્વિજતમ્
કુમતં ખંડનં કુર્વે, જૈન શાસ્ત્રવિરોધિનામં
ઘણ્ટાકર્ણમહાવીર, જૈનશાસનરક્ષકઃ
તસ્ય સહાયસિદ્ધયર્થ, વચ્મિ શાસ્ત્રાનુસારતઃ

આ સુપ્રસિદ્ધ મંદિરનો ઇતિહાસ જોઇએ તો સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન મહુડી ગામમાં પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરને કારણે મહુડી ગામ ભયમાં આવી જતા અગ્રણી જૈનોએ નવું ગામ વસાવી ત્યાં વસવાટ કરી નૂતન જિનાલય બનાવી મૂળ નાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્વરસ્વામીની પ્રતિષ્ઠા સવંત ૧૯૭૪માં માગશર સુદ ૬ના દિવસે આચાર્ય બુદ્ધિસાગર સુરિશ્વરજી દ્વારા કરવામાં આવી તથા પૂ.ગચ્છાધિપતિ કૈલાસસાગર સુરિશ્વરજી અને પૂ. સુબોધસાગર સુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૨૭ જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારથી આ મહાન તીર્થનો વિકાસ થયો. ગુજરાતનાં મહત્વનાં દર્શનીય અને પવિત્ર તીર્થધામો પૈકીનું એક જૈન ધર્મનું મહુડી છે.

મહુડીમાં મૂળનાયક પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું ૨૪ તીર્થંકર ભગવંતની દેરીસહિતનું જિનાલય આવેલું છે. આ મંદિરની પ્રતિષ્ઠા યોગનિષ્ઠ આ.ભ.શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીના હસ્તે કરવામાં આવી હતી. જૈનશાસનના બાવન વીરો પૈકી ત્રીસમા વીર ઘંટાકર્ણ મહાવીર દેવની પ્રતિષ્ઠા પણ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજીએ કરેલ છે. આમ મહુડીમાં તીર્થકર ભગવાનનાં દર્શનની સાથે ધનુર્ધારી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને અહીંનો સુખડીનો પ્રસાદ એ ભાવિકો માટે સંભારણું બની રહે છે. આ પ્રસાદ ઘરે કે મંદિરની બહાર લઇ જઇ શકાતો નથી તે પણ એક વિશેષતા છે.

આ સુપ્રસિદ્ધ મંદિરનો ઇતિહાસ જોઇએ તો સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન મહુડી ગામમાં પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરને કારણે મહુડી ગામ ભયમાં આવી જતા અગ્રણી જૈનોએ નવું ગામ વસાવી ત્યાં વસવાટ કરી નૂતન જિનાલય બનાવી મૂળ નાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્વરસ્વામીની પ્રતિષ્ઠા સવંત ૧૯૭૪માં માગશર સુદ ૬ના દિવસે આચાર્ય બુદ્ધિસાગર સુરિશ્વરજી દ્વારા કરવામાં આવી તથા પૂ.ગચ્છાધિપતિ કૈલાસસાગર સુરિશ્વરજી અને પૂ. સુબોધસાગર સુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૨૭ જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારથી આ મહાન તીર્થનો વિકાસ થયો. ત્યારબાદ વિ.સં. ૨૦૩૯માં કૈલાસસાગર સુરિશ્વરજી અને સુબોધસાગર સુરિશ્વરજીની પ્રેરણાથી જિનાલયનો જીર્ણોદ્ધાર કરી મૂળનાયક પદ્મપ્રભુ ભગવાન, જમણી બાજુ શ્રેયાંસનાથ અને શાંતિનાથ ભગવાન તથા ડાબી બાજુ શીતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી.

આચાર્ય બુદ્ધિસાગર સુરિશ્વરજીએ અજ્ઞાન, વહેમ, ભૂત-પ્રેતાદિ અનિષ્ટ તત્વોની પીડાથી ધર્મભ્રષ્ટ, આચારભ્રષ્ટ તથા જૈનોને મુક્ત કરવા ઘંટાકર્ણ વીર દેવને પ્રત્યક્ષ ભાવે સાક્ષાત્ કરી ભાવિકોને સહાયભૂત થવા વચનબદ્ધ કરી ફક્ત ૧૨ દિવસના અલ્પ સમયમાં મહાપ્રભાવિક મૂર્તિનું ચારિત્ર્યવંત બે શિલ્પકારો પાસે નિર્માણ કરાવી પદ્મપ્રભુસ્વામી જિનાલયની બાજુમાં ઘંટાકર્ણ વીરની સ્થાપના વિ.સં. ૧૯૭૮માં કરવામાં આવી. ત્યારબાદ વિ.સં. ૧૯૮૦માં પદ્મસ્વામી જિનાલયની જમણી બાજુમાં નવીન ભવ્ય દેવ મંદિરમાં યોગનિષ્ઠ બુદ્ધિસાગર સુરેશ્વરજી મ.સા.ના પાવન હસ્તે પ્રતિષ્ઠા કરાવી. અહીં આવતા યાત્રાળુઓની સગવડતા માટે ભોજનશાળાનું તથા યાત્રાળુઓ માટે અદ્યતન ધર્મશાળા પણ ઉપલબ્ધ છે.

મહુડી ગાંધીનગરથી ૪૮ કિલોમીટર તથા વિજાપુરથી ૧૦ કિલોમીટરના અંતે આવેલું છે. પાકા રસ્તાઓથી જોડાયેલું હોવાથી રાજ્યનાં અન્ય શહેરોમાંથી એસ.ટી.ની સુવિધાઓ ઉપલબ્ધ છે. મહુડીમાં કુલ ૨૩ મંદિરો આવેલાં છે જેમાં જૈન મંદિરો ઉપરાંત રાધાકૃષ્ણ મંદિર, સાંકળેશ્વર મહાદેવનું મંદિર, અંબાજી માતાનું મંદિર, ચામુંડા માતાનું મંદિર, હાજીપીરની દરગાહ, ગોગા મહારાજનું મંદિર, હરસિદ્ધ માતાનું મંદિર વગેરે જોવાલાયક મંદિરો પણ છે.

કાળીચૌદસના દિવસે ઘંટાકર્ણ મહાવીરનો યજ્ઞ યોજાય છે. શ્રદ્ધાળુઓ પગના અંગૂઠાથી માથા સુધીની લંબાઇની નાળાછડી અથવા લાલ રંગની કંદોરી જેની ૧૦૮ ગાંઠો વાળે છે. મંદિર પરિસરમાં ૪૫ જેટલાં ક્લોઝ સર્કિટ ટીવી ગોઠવવામાં આવેલાં છે. ઉપરાંત વહીવટી ટ્રસ્ટ તરફથી યાત્રાળુઓની સગવડ માટે એક ક્લિનિકમાં મેડિકલ સારવાર પણ ઉપલબ્ધ

જૈન મુનિઓ, યતિઓ, શ્રી પૂજકો, શ્રાવકો, ઘણ્ટાકર્ણવીરના મંત્ર જપે છે અને તેમની આરાધના કરે છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘણ્ટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુભક્તોને સહાયકારી થાય છે. તે બાબતના અનેક ચમત્કારો સંભળાય છે. ઘણ્ટાકર્ણ મહાવીર દેવ પહેલાં પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યોના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા. તેમને સુખડી પ્રિય હતી. તેઓ અતિથિઓની સેવાભક્તિ કરતા હતા અને ઘણા શૂરા હતા.

અમદાવાદથી ૮૦ કિ.મી. દૂર વિજાપુર પાસે મહુડી ગામે આવેલું આ તીર્થક્ષેત્ર ર૦૦૦ વરસ જેટલું પ્રાચીન હોવાનું ગણાય છે. હાલના દેરાસરની તથા ઘણ્ટાકર્ણ મહાવીરના સ્થાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૭૪ અને વિક્રમ સંવત ૧૯૮૦માં થયેલ છે. આ તીર્થસ્થાન ચમત્કારી ગણાય છે અને ભક્તજનોની આશાઓ અહીં પૂર્ણ થાય છે. .

જૈનો તીર્થયાત્રાએ જાય છે, પ્રભુની સહાયતાથી પોતાનામાં રહેલા સદ્ગુણોનો પ્રકાશ કરવા ઈચ્છે છે. મહુડીમાં આવેલ દરેક યાત્રી ઘણ્ટાકર્ણ મહાવીરની કૃપા પામે છે. મહુડીનો નિયમ છે કે, સુખડી મંદિરની બહાર લઈ જવાતી નથી. ધાર્મિક માન્યતાથી શરૃ થયેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દૃષ્ટિએ કહીએ તો એ રીતે સારી છે કે, દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે.

મહુડી તીર્થમાં રહેવાની ઓરડીઓ મળે છે. જમવા માટે ભોજનાલય છે અને ખૂબ જ વાજબી ભાવે ત્યાં જમવાનું મળી રહે છે. આમ મહુડી જૈનો અને જૈનેતર માટે મહત્ત્વનું યાત્રાધામ- તીર્થધામ બની ગયું છે.

ઘંટાકર્ણ મહાવીર એ બાવન વીર પૈકીમાંમના એક વીર છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુ ભક્તોને સહાયકારી થાય છે. તે બાબતના અનેક ચમત્કારો સંભળાય છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલા પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોદનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટે રાક્ષસ જેવા મનુષ્યોનના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા. તેમને સુખડી પ્રિય હતી.

જૈનોનાં મંદિરમાં મૂળ નાયક તીર્થંકરના યક્ષ-યક્ષિ‍ણી વગેરેનું સ્થાપન કરેલું હોય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારના શસ્ત્ર-ધારક યક્ષ-યક્ષિ‍ણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. જૈનો માને છે કે મંત્રમાં સંમોહનની શક્તિ છે. તે મંત્રના બળે દેવો આવે છે અને સહાય કરે છે. ઘંટાકર્ણ વીર ચોથા ગુણ-સ્થાનકવાળા દેવ છે. આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા. આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે.

ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટસ હોય છે, પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને અથવા ગરીબ-ગુરબાંને આપીને પૂરી કરવાની હોય છે. આ સંકુલમાંથી તે બહાર લઈ જવાનો નિષેધ છે. ક્યારેક કોઈએ તેવો પ્રયત્ન કર્યો હોય તે સફળ થઈ શક્યા નથી, તેવી લોકવાયકા છે.

* ઘંટાકર્ણવીર

બાવન વીરોમાં ત્રીસમાં દેવ તરીકે તેમની ગણના થઈ. પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ્ય, બાણ, ખડગ હતાં તેથી તેમની મૂર્તિના હાથમાં ધનુષ્યન, બાણ, ખડગ આપવામાં આવે છે. આ દેવ ક્ષત્રિય રાજાઓનો આત્મા હોવાથી તેમની ધનુષ્યતબાણવાળી મૂર્તિ સ્થાપિત કરી છે.

* કાળી ચૌદશ

જૈન અને જૈનેતર લોકો પણ ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલા પ્રસિધ્ધ ઘંટાકર્ણ મહાવીરના વિશેષ પૂજન કરીને તેમની વિશેષ ઉપાસના કરે છે અને વિશેષ હોમ પણ અર્પણ કરાય છે. મહાપરાક્રમી ઘંટાકર્ણ મહાવીરને મઢાવેલો સોનાનો વરખ માત્ર આ જ દિવસે બદલવામાં આવે છે

* ઘંટાકર્ણ વીર

વ્હાલુ મહુડી એવું છે ગામ, કે જે છે મહાવીરનું ભક્તિધામ
લેવાય જ્યાં ઘંટકર્ણનું નામ,ત્યાં થાયજીવના સઘળાકામ
…………………………………….વ્હાલુ મહુડી એવું છે ગામ.
દેહની ઉજ્વળતા દેખાય,સ્મરણ સવાર સાંજ જ્યાં થાય
મુક્તિ જીવને મળીજાય, ને મળેલ જન્મ સફળ પણ થાય
કામધામનો નાઅણસાર, લેવાય જ્યાંમનથી તેમનુ નામ
નિર્મળ જીવન થતું જ જાય, ને પળપળ પણ મહેંકી જાય
……………………………………વ્હાલુ મહુડી એવું છે ગામ.
શ્રધ્ધાની જ્યાં જ્યોતજલે, ત્યાં સદા મહાવીરનો પ્રેમ મળે
યુગ કળીયુગનો અણસાર ત્યજે, ને પાવનજીવને રાહ દીસે
ભાગે ભુત અને પલીત, જ્યાંહોય ધંટાકર્ણ મહાવીરનું નામ
ઉજ્વળજીવન બને દેહનું, ના રહે કોઇ બંધન આ અવનીનું
………………………………………વ્હાલુ મહુડી એવું છે ગામ.

===============================================

એક દિન એવો આવશે ! એક દિન એવો આવશે !
મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે ! એક દિન !

અવતારી વીરો અવતરી, કર્તવ્ય નિજ બજાવશે !
અશ્રું લ્હુહી સૌ જીવના, શાંતિ ભલી પ્રસરાવશે ! એક દિન !

સહુ દેશમાં સહુ વર્ણમાં, જ્ઞાની જનો બહુ ફાવશે !
ઉદ્ધાર કરશે દુઃખીનો, કરુણા ઘણી મન લાવશે ! એક દિન !

સાયન્સની વિદ્યા વડે, શોધો ઘણી જ ચલાવશે !
જે ગુપ્ત તે જાહેરમાં, અદભૂત વાત જણાવશે ! એક દિન !

રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે !
હુન્નરકળા સામ્રાજ્યનું, બહુ જોર લોક ધરાવશે ! એક દિન !

એક ખંડ-બીજા ખંડની, ખબરો ઘડીમાં લાવશે !
ઘરમાં રહ્યા વાતો થશે, પર ખંડ ઘર સમ થાવશે ! એક દિન !

એક ન્યાય સર્વ ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે !
બુધ્યબ્ધિ પ્રભુ મહાવીરનાં, તત્વો જગતમાં વ્યાપશે ! એક દિન !

સાચો ભક્ત તે જ કે જે દરરોજ ભક્તની ભક્તિ કર્યા વગર જમે નહી

1

|| સાચો ભક્ત તે જ કે જે દરરોજ ભક્તની ભક્તિ કર્યા વગર જમે નહી||

ધર્મ જેને ગમે એને ધર્મી ગમ્યા વગર રહે નહીં. ધર્મી ગમે એટલે ધર્મીમાં રહેલા સદ્ગુણો ગમવા લાગે. ધર્મીમાં રહેલા એ સદ્ગુણોને પ્રાપ્ત કરવાનો એકદમ સરળ ઉપાય છે, ધર્મીવ્યક્તિની દિલ દઈને ભક્તિ કરવી !

ભક્તિ કરવા લાયક સૌથી પહેલા નંબરે ભગવાન છે, ભક્તિ કરવા લાયક બીજા નંબરે સાધુ ભગવંતો છે…, તો ભક્તિ કરવા લાયક ત્રીજા નંબરે સાધર્મિકો છે…

જેના ભગવાન સમાન…, જેના ગુરુ સમાન…, જેના ધર્મ સમાન…, જેના આગમો સમાન…, જેના સિદ્ધાંતો સમાન… આવું બધું જેનું સમાન એનું નામ સાધર્મિક !

સગાભાઈને જોઈ કેવો આનંદ થાય ? એથી અધિક આનંદ સાધર્મિકને જોતાં થવો જોઈએ. સાઢુભાઈ આવે તો કેવી સરભરા કરવાનું મન થાય ? એથી અધિક સરભરા કરવાનું મન સાધર્મિક માટે થવું જોઈએ.

સગોભાઈ કે સાઢુભાઈનો સંબંધ તો કર્મે સર્જેલો છે…, જ્યારે સાધર્મિકનો સંબંધ ધર્મે સર્જેલો છે. સાધર્મિકમાં પ્રભુના ભક્તનું રૃપ દેખાય…, ગુરુનાસેવકનું રૃપ દેખાય અને ધર્મના આરાધકનું રૃપ જો દેખાય…, તો પછી સાધર્મિક પ્રત્યે કેવો અને કેટલો બધો સ્નેહ ઉભરાવા લાગે ?

સાધર્મિકને જોતાં જેની આંખમાં અમી ન ઉભરાય…, તેનામાં સમક્તિ (શ્રદ્ધા) હોવાની શક્યતા નથી એવું શાસ્ત્ર જણાવે છે.

ખુદ શ્રી મહાવીર સ્વામી ભગવાને દેશનામાં ફરમાવ્યું છે કે, ‘મારો સાચો ભક્ત તે જ કે જે રોજ મારા ભક્તની ભક્તિ કર્યા વગર જમે નહીં.’ પ્રભુની આ વાણી કેટલું બધું કહી જાય છે ! પ્રભુના ભક્તની ભક્તિ કરવા માટે તો પ્રભુ અને પ્રભુની આજ્ઞાા હૈયામાં વસેલા હોવા જોઈએ, ત્યારે જ ભક્તિ અને નમ્રતાના ભાવો પેદા થાય. પ્રભુવાણીમાંથી બીજું એ પણ સૂચિત થાય છે કે – ભોજન કરાવવું એ પણ સાધર્મિક ભક્તિનો એક વિશિષ્ટ પ્રકાર છે. સંસારમાં પણ જેની સાથે સંબંધ બગડે તેની સાથે ભોજન વ્યવહાર બંધ કરાય છે અને જેની સાથે સંબંધ સ્થાપિત કરવાનો હોય એને ભોજન માટે નિમંત્રણ કરાય છે, તે રીતે સાધર્મિકને ભોજન (ભક્તિ) કરાવીને તેની સાથેનો આધ્યાત્મિક સંબંધ સ્થાપિત કરવાનો છે.

આજના શ્રીમંત જૈનો પ્રભુની આ વાતનો અમલ કરતાં થાય અને સાધારણ સ્થિતિવાળા જૈનોની ભાવથી ભક્તિ કરી સાથે પધરામણિ કરતાં થાય તો આજની ઘણી બધી સમસ્યાઓ હલ થઈ જાય.

જેના અંતરમાં સાધર્મિક પ્રત્યે સ્નેહ પેદા થાય તેને આપત્તિમગ્ન સાધર્મિક માટે કેટલું કેટલું કરવાનું મન થાય ? તે તેની ઉચિત સર્વ પ્રકારે સંભાળ લઈને એવા પ્રકારે પ્રયત્ન કરે કે તે વધુમાં વધુ ધર્મમાં સ્થિર રહી શકે.

આજના જૈનો પોતાની સંપત્તિને મોજ-શોખ-આનંદ-મજામાં વાપરવાની બદલે જો આવા સાધર્મિક ભક્તિના કાર્યમાં જોડાવા લાગે તો (૧) સંપત્તિનો સદુપયોગ…, (૨) ધર્મમાં સ્થિરતા… અને (૩) તે ભક્તિ દ્વારા તે સાધર્મિકમાં રહેલી ગુણોની પ્રાપ્તિ આવા અનેક અનેક ફળો મળતાં વાર ન લાગે.

સામાન્ય સ્થિતિમાં રહેલા જૈનોને થાય કે જે સ્થિતિ છે, તેમાં શાંતિથી – સમજથી જીવવાનું હોય. બીજેથી મેળવવાનો વિચાર પણ ન કરાય. તો સ્થિતિ સંપન્ન જૈનોને થાય કે મારી લક્ષ્મી દ્વારા અન્ય જૈનોને શાતા – સમાધિ અને સ્વસ્થતા મળતાં હોય તો પાછું વાળીને જોવાય કેવી રીતે ? બંને પક્ષે જો આવા યોગ્ય વિચારો હોય તો કેવું વાતાવરણ સર્જાય !!!

ક્રોધ કષાયથી વિમુખ કેવી રીતે થવું

|| ક્રોધ કષાયથી વિમુખ કેવી રીતે થવું ||

“પ્રભુ મહાવીરને સાધનાકાળમાં ચંડકૌશિક સર્પ ડંખ આપે છે. આ અત્યંત તીવ્ર કક્ષાના શત્રુભાવ અને દ્વેષભાવને પ્રભુ વીર ઉચ્ચતમ કક્ષાના મૈત્રીભાવ અને પ્રેમથી શૂન્ય કરે છે. ચંડકૌશિક પોતાના પૂર્વભવનાં દર્શન કરે છે અને બોધ પામે છે કે ક્રોધ કષાયથી પ્રભાવિત થઈ તેને પોતાના જ આત્માનું અહિત કર્યું”

જૈન દર્શન સંવાદ અંતર્ગત અતીત અધ્યાયમાં સંસાર પરિભ્રમણ, તેનાં મૂળભૂળ કારણ અને તેમાંથી મુક્ત થવાના માર્ગ વિશે સુંદર વિચારણા કરી હતી. જાણતાં-અજાણતાં કરેલાં સર્વે પાપકર્મો, શત્રુભાવ, આદિની વાર્ષિક ક્ષમાપના સમજવા નમ્ર પ્રયાસ કર્યો. સાંપ્રત અધ્યાયમાં આ સંસાર પરિભ્રમણના પાયામાં રહેલા રાગ અને દ્વેષ વિશે વિશેષ વાત કરીશું.

જડ અને ચેતન દ્રવ્ય, પદાર્થ પ્રત્યેની આસક્તિ, મમત્ત્વ એટલે રાગ અને તે પદાર્થો પ્રત્યે શત્રુભાવ, તિરસ્કાર એટલે દ્વેષ. રાગ અને દ્વેષ સંસારની ગતિશીલતાને સમર્થન આપે છે. રાગ અને દ્વેષ એકાકી હોતા નથી, સંલગ્ન જ હોય છે. માત્ર રાગ હોય અથવા માત્ર દ્વેષ જ હોય એવું શક્ય નથી. સામાન્યપણે રાગ એ દ્વેષનો જનક છે અને તે અપેક્ષાએ રાગ આત્માનું વધુ અહિત કરે છે. આ બાબતને દૃષ્ટાંત દ્વારા સમજીએ. મને કોઈ વ્યક્તિ પ્રત્યે તીવ્ર રાગ છે. તેથી તેનું અહિત કરનાર દોષ પ્રત્યે હું એટલા માટે મૌન રહીશ કે, મને ભય સતાવે છે કે તે દોષો હું જો તે વ્યક્તિને દર્શાવીશ તો તે મારાથી વિમુખ થઈ જશે. રાગ આવા મૌનનું કારણ બની શકે છે. આવો રાગ અસ્પષ્ટ હોવાથી છેવાડાનું પરિણામ પણ અસ્પષ્ટ બની જાય છે અને તેથી તેવા દોષનું દર્શન કરાવનાર કોઈ અન્ય વ્યક્તિ પ્રત્યે મને દ્વેષભાવ થશે. ત્યારે હું એવું વિચારતો પણ નથી કે આવા દોષ દર્શાવનાર તે વ્યક્તિ, મને જેના પ્રત્યે તીવ્ર રાગ છે તે વ્યક્તિનો તો પરમ ઉપકારી છે. આવો મમત્વભાવ રાગ મારા દ્વેષનો જનક બની શકે છે. આ રાગને પ્રેમનું અપર નામ આપી શકાય નહીં. પ્રેમ એ સ્ફટિક જેવો નિર્મળ હોય છે અને તેથી છેવાડાના પરિણામને સ્પષ્ટરૂપે દર્શાવે છે. મને ગમતી વ્યક્તિના દોષનું દર્શન કરાવવાના સમયે મને એવો ભય નહીં સતાવશે કે મારા આ અભિગમથી તે વ્યક્તિ મારાથી વિમુખ થઈ જશે. મારો પ્રેમ તેના દોષ શુદ્ધિનું કારણ બની શકે છે. આવો ભેદ છે પ્રેમ અને રાગમા. જૈન દર્શને રાગ કરવાનો નિષેધ કર્યો છે. જીવમાત્રને પ્રેમ કરવાનો તો તે સંદેશ આપે છે. આ પ્રેમ દ્વારા મૈત્રીભાવ પ્રગટે છે, તેથી જ મૈત્રીભાવ જેનાથી ક્ષીણ અથવા શૂન્ય થાય એવા સર્વે દોષ દર્શાવનારને ઉપકારી માનવાના છે. તેઓએ દર્શાવેલા માર્ગને સન્મુખ કરી દોષની શુદ્ધિ કરવાની છે, જેને પ્રતિક્રમણ રૂપે જૈન દર્શને પ્રસ્તુત કર્યું છે. આ સંવાદ વિદિત કરે છે કે રાગ અને દ્વેષ પ્રેમ અને મૈત્રીભાવથી સાવ વિપરીત છે. રાગ અને દ્વેષનો ત્યાગ કરવાનો છે. પ્રેમ અને મૈત્રીભાવનો સ્વીકાર કરવાનો છે.

પૂર્વ અધ્યાયમાં વિદિત કર્યું હતું કે જેનાથી સંસારની વૃદ્ધિ થાય, લાભ થાય તેને કષાય કહેવાય છે. આ કષાયના ક્રોધ, માન, માયા અને લોભ એવા ચાર મુખ્ય ભેદ છે તથા તીવ્રતા અને સમયાવધિના પરિપ્રેક્ષ્યમાં સોળ ભેદ થાય છે. સાંપ્રત અધ્યાયમાં ક્રોધ કષાય અને તેના પરિણામ વિશે વિશેષ સંવાદ કરીએ.

વિચારનો સતત પ્રવાહ આપણા મસ્તિષ્કમાં વહેતો જ રહે છે. વિચારને પ્રભાવિત કરતાં અનેક પરિબળો ચોમેર છવાયેલાં છે. વિચાર શુભ, અશુભ અથવા મિશ્ર હોઈ શકે છે. શુભ વિચાર સામાન્યપણે આનંદ, સુખ અને શાંતિ આપે છે. અશુભ વિચાર દુઃખ, શોક અને અશાંતિ આપે છે. તો મિશ્ર વિચાર મિશ્ર લાગણી જન્માવે છે. શુભ વિચાર સંસાર પરિભ્રમણથી મુક્ત થવા તરફની ગતિ દર્શાવે છે. અશુભ વિચાર સંસાર પરિભમ્રણની ગતિશીલતાને પ્રભાવિત કરે છે. શુભ વિચાર એ કષાયના પ્રભાવથી મુક્ત થવાનો અભિગમ છે. તો અશુભ વિચાર કષાયથી પ્રભાવિત થવાનો અભિગમ છે. આ સર્વે પરિબળો હોવા છતાં કષાયથી મુક્ત થવા માટે પુરુષાર્થ અવશ્ય કરી શકાય છે. તેવો પુરુષાર્થ નહીં કરીએ અને કષાયવશ બનીશું તો આવતા પરિણામ વિશે વિચારણા કરીએ.

સૌ પ્રથમ ક્રોધ કષાયને સમજવા પ્રયત્ન કરીએ. ક્રોધ એ વ્યક્ત કષાય છે, જેના પરિણામે થતાં શારીરિક અને માનસિક પરિવર્તનને અનુભવી શકાય છે. પસંદ નહીં હોય એવી ઘટના ઘટે, વિચારથી વિરુદ્ધ અન્યનાં વાણી, વર્તન આદિ નિરખવામાં આવે, પોતાની સત્તા-સંપત્તિને પડકારવામાં આવે આદિ અનેક કારણોથી ક્રોધનો જન્મ થાય છે. સ્વમાન પર ઘા, અપમાન આદિ પણ ક્રોધના જનક છે. ક્રોધ એ દ્વેષના પરિવારનું પ્રમુખ અંગ છે અને તેથી શત્રુભાવ જન્માવે છે. ક્રોધ એ એવી અગનજ્વાળા પ્રગટાવે છે જે સ્વયંને તો નષ્ટ કરે જ છે સાથે એ ક્રોધથી પ્રભાવિત થતા અન્યોને પણ નષ્ટ કરે છે. ક્રોધથી શરીરમાં રાસાયણિક પરિવર્તન થાય છે, જે વિષથી વધુ તીવ્રતા ધરાવે છે. ક્રોધવશ થયેલી વ્યક્તિનાં અંગ ધ્રુજારી અનુભવે છે. શબ્દો, વાણી કટુ અને અસ્પષ્ટ બને છે. આંખ રક્તવર્ણી બને છે અને વિચાર વિવેકશૂન્ય થાય છે. અવિચારી કૃત્ય કરતા પણ મન અચકાતું નથી. ક્યારેક હિંસા, વધ પણ થઈ જાય છે. પોતાના જ વૈભવની ક્ષતિ કરી દેવાય છે. ક્રોધ એ મૈત્રીભાવનો પણ નાશ કરે છે અને શત્રુભાવને પ્રગટાવે છે. જૈન દર્શન પ્રસ્તુત કરે છે કે સંસારનો ત્યાગ કરી ચારિત્ર અને મુનિ જીવનનો સ્વીકાર કરનાર વ્યક્તિનું ચારિત્ર પણ ત્યારે શૂન્ય થઈ જાય છે. દીર્ઘ તપ વ્યર્થ બની જાય છે. ક્રોધનું આ વિનાશકારી પાસું છે.

ઇતિહાસના પૃષ્ઠ પર અનેક દૃષ્ટાંત કોતરાયેલાં છે, જે ક્રોધના પ્રભાવથી ઉદ્ભવ પામ્યાં. મહાભારતનું યુદ્ધ એ દુર્યોધનના ક્રોધનું પરિણામ છે. દુર્યોધનના ક્રોધને રાણી દ્રૌપદીનાં હાસ્ય, ક્રોધ અને વાણીએ જન્મ આપ્યો. વિસ્મયતા, રહસ્યો અને આશ્ચર્યોથી સજાયેલા પાંડવોના પ્રસાદમાં દુર્યોધન આવે છે ત્યારે દ્રોપદીના કટાક્ષ અને શબ્દો દુર્યોધનને ક્રોધિત કરે છે. જેના પરિણામે મહાભારતનું યુદ્ધ થયું. પરિણામ વિદિત છે કે તીવ્રતમ ક્રોધથી પ્રભાવિત થયેલા દુર્યોધને સ્વ, પરિવાર અને કરોડો સૈનિકોના વિનાશને આમંત્રણ આપ્યું. ચોમેર કાળો કેર છવાયો. દુર્યોધનના ક્રોધના મૂળમાં હાસ્ય, કટાક્ષ, વ્યંગ હતા જેને જૈન દર્શનની પરિભાષામાં નોકષાય કહેવાય છે. નોકષાય એ કષાયના જનક છે. તેથી જ તેવા નિમિત્ત, નોકષાય આદિથી વેગળા રહેવાનું જૈન દર્શન પ્રસ્તુત કરે છે.

પ્રભુ મહાવીરને સાધનાકાળમાં ચંડકૌશિક સર્પ ડંખ આપે છે. આ અત્યંત તીવ્ર કક્ષાના શત્રુભાવ અને દ્વેષભાવને પ્રભુ વીર ઉચ્ચતમ કક્ષાના મૈત્રીભાવ અને પ્રેમથી શૂન્ય કરે છે. ચંડકૌશિક પોતાના પૂર્વભવનાં દર્શન કરે છે અને બોધ પામે છે કે ક્રોધ કષાયથી પ્રભાવિત થઈ તેને પોતાના જ આત્માનું અહિત કર્યું. આ શત્રુભાવથી મુક્ત થવા તે સમભાવ, મૈત્રીનો સ્વીકાર કરે છે અને પોતાનું શ્રેય સાધે છે.

આ સર્વે દૃષ્ટાંત એક સંદેશ આપે છે કે ક્રોધને જન્માવનારા પ્રત્યેક પરિબળોથી વિમુખ થવું જોઈએ. છતાં તેવા પરિબળથી પ્રભાવિત થઈ ક્રોધ કષાયને વશ થયા તો તે ક્રોધથી થનારી ક્ષતિ આદિનું ચિંતન કરી, શત્રુભાવ, દ્વેષથી મુક્ત થવા પુરુષાર્થ કરવો જોઈએ જેથી સમભાવ અને પ્રેમ પામી શકાય. ક્રોધનું એક અન્ય પરિણામ એ પણ છે કે તે પોતાના સ્વજનને પણ પારકા બનાવી દે છે. સૌના પ્રેમ અને સ્નેહની ક્ષતિ થાય છે. સંબંધ માત્ર કડવા નહીં શૂન્ય પણ બની શકે છે. સંબંધ શૂન્ય જીવન એ સૌથી મોટો અભિશાપ છે. અનિષ્ટ ઘટના તે વ્યક્તિ સાથે ઘટે ત્યારે કોઈ સાથ મળતો નથી. આવા છે ક્રોધનાં પરિણામ.

જૈન સમાજમાં જન્મ – મરણ સંબંધી સૂતક

6

|| જૈન સમાજમાં જન્મ – મરણ સંબંધી સૂતક ||

|| જન્મ સંબંધી સૂતક ||

A પ્રસવવાળી (સુવાવડવાળી) બહેનો ૪૦ દિવસ સુધી પ્રભુ પૂજા કે દર્શન કરવા નહિ, તથા મુનિ ભગવંતો ને આહાર-પાણી વહોરાવાય નહિ.

B એક રસોડે જમતા ઘરના બીજા સભ્યો પુત્ર જન્મે તો ૧૦ દિવસ અને પુત્રી જન્મે તો ૧૧ દિવસ સુધી પૂજા ન કરે,પણ દૂરથી દર્શન કરી શકે, સામાયિક-પ્રતિક્રમણ વિગેરે સુત્રો મનમાં બોલી શકે.

C જન્મેલ બાળક ને બાર દિવસ પછી દર્શન કરાવવા દહેરાસર લઇ જઈ શકાય, અને પૂજા ગામના રીવાજ પ્રમાણે અથવા ૨૦ દિવસ પછી કરવાવાય.

D પ્રસવવાળી (સુવાવડવાળી) સ્ત્રી ના ઘરના સભ્યો અલગ રસોડું રાખે અને અન્ય સ્થળે સ્નાન કરે તો તેઓને સૂતક લાગતું નથી.

E પરગામ વાળા જેટલા દિવસ જન્મ સુતકી ને ત્યાં જમે તેટલા દિવસનું સૂતક લાગે તે ૧૨ દિવસની અંદરજ દિવસો ગણવાના, ૧૨ દિવસ સુતકી ના થઇ જાય પછી નહિ.

|| મરણ સંબંધી સૂતક ||

A જેના ઘરમાં મૃત્યુ થયું હોય તેના ઘરના બધા માણસોને ૧૨ દિવસ નું સૂતક લાગે, મતલબ ૧૨ દિવસ સુધી પૂજા-સેવા ન થાય, તેના ઘરના આહાર પાણી ૧૨ દિવસ સાધુ-સાધ્વી ને ખપે નહિ, તેમજ તેના ઘરના જળથી કે ધૂપ-દીપથી સ્નાત્ર પૂજા પણ ન થાય.

B મૃતકવાળા ને ત્યાં જે આહાર પાણી વાપરે (મૃતદેહ ને લઈગયા) ત્યારથી તેને ૧૨દિવસ પૂજા-સેવા થાય નહિ.

C મૃતક ની પાસે સુનારા કાંધિયા ને ૩ (ત્રણ) દિવસનું- સ્પર્શાસ્પર્શી કરનારને ૨ (બે) દિવસ અને માત્ર સમુદાય માં સ્મશાને જનાર ને ૧ (એક) દિવસનું સૂતક લાગે.સ્પર્શાસ્પર્શી ન થાય તે રીતે અળગા (દૂર) રહેનાર ને સૂતક લાગતું નથી.

D જન્મે તેજ દિવસ મૃત્યુ થાય અથવા દેશાંતરે મૃત્યુ થાય તો ૧ (એક) દિવસનું સૂતક લાગે. કસુવાવડ થાય તો જેટલા મહિના નો ગર્ભ પડે તેટલા દિવસ નું સૂતક લાગે.

E સાધુ-સાધ્વી ના મૃતક દેહ સંબંધી સૂતક લાગતું નથી.
=================================

4  5

|| જે ઘરમાં જન્મ થયો હોય કે મૃત્યુ, દરેક સભ્ય પર લાગે છે સૂતક, કેમ? ||

ઘરમાં જ્યારે કોઇ બાળક જન્મ લે છે અથવા પછી પરિવારના કોઇ સભ્યની મૃત્યુ થઇ જાય છે ત્યારે આખાં પરિવાર પર સૂતક લાગી જાય છે. સૂતક સાથે જોડાયેલાં ઘણા વિશ્વાસ અથવા અંધવિશ્વાસ આપણાં સમાજમાં રહેલાં છે. પરંતુ શું સાચેજ સૂતક એક અંધવિશ્વાસનું જ નામ છે કે પછી તેની પાછળ કોઇ વૈજ્ઞાનિક કારણ પણ છે?

મોટાભાગે તેને એક અંધવિશ્વાસ માનવામાં આવે છે જ્યારે તેની પાછળ છુપાયેલ પ્રક્ટિકલ કારણની તરફ ધ્યાન આપવામાં આવતું નથી. આ વાત તો તમે બધા જ જાણો છો કે પહેલાંના સમયમાં સંયુક્ત પરિવારનું ચલણ વધારે હતું. ઘરની મહિલાઓને દરેક પરિસ્થિતિમાં પારિવારિક સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવી પડતી હતી. પંરતુ બાળકને જન્મ આપ્યા પછી મહિલાઓનું શરીર નબળું પડી જાય છે.

સ્ત્રીને આરામ આપવોઃ-

સ્ત્રીઓએ દરેક સંભવ આરામની જરૂરિયાત હોય છે જે તે સમયે સંયુક્ત પરિવારમાં મળવું મુશ્કેલ હતું. આ માટે સૂતકના નામ પર તેમને આરામ આપવામાં આવતો હતો જેના કારણે તે પોતાના દુખાવા અને થાકથી બહાર આવી જાય.

વિવિધ સમયકાળઃ-

પારંપરિક દ્રષ્ટિએ સૂતકનો સમય પણ વિવિધ વર્ણના લોકો માટે અલગ-અલગ માનવામાં આવે છે. જેમ કે, બ્રાહ્મણ માટે આ સમય 10 દિવસનો, વૈશ્ય માટે 20 દિવસ, ક્ષત્રિય માટે 15 દિવસ અને શૂદ્ર માટે 30 દિવસનો હોય છે.

શૂદ્ર મહિલાઓઃ-

મધ્યકાલીન યુગમાં ત્રણ વર્ણની મહિલાઓમાંથી શૂદ્ર વર્ણની મહિલાઓને શારીરિક કાર્ય અપેક્ષા કરતાં વધારે કરવાનું હોય છે. ઉચ્ચ વર્ણના લોકોના ઘરે જઇને સફાઈ, વાસણ વગેરે બધા કાર્ય શૂદ્ર વર્ણની મહિલાઓ જ કરતી હતી અને બાળકોને જન્મ આપ્યા પછી તેમના શરીરને ફરીવાર તૈયાર થવા માટે સમય લાગતો હતો. આ માટે સૂતકનો સમય 30 દિવસ સુધી નિર્ધારિત હતો.

સંક્રમણનો ખતરોઃ-

આ સિવાય જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેમના શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ પણ થયો હોતો નથી. તે ખૂબ જ જલ્દી સંક્રમણની સીમામાં આવી શકે છે, આ માટે 10-30 દિવસોનો સમયકાળામાં તેને અન્ય લોકોથી દૂર રાખવામાં આવતી હતી. તે મહિલાઓને ઘરની બહાર લઇ જવામાં આવતી નહતી. ત્યાર પછી સૂતકને એક અંધવિશ્વાસ માની લેવામાં આવ્યો. પરંતુ તેનો મૌલિક ઉદેશ્ય સ્ત્રીના શરીરને આરામ આપવા અને બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવાથી જ હતો.

મૃત્યુ પછી સૂતકઃ-

જે પ્રકારે જન્મ સમયે પરિવારના સભ્યો પર સૂતક લાગે છે તે જ રીતે પરિવારના સભ્યો પર મૃત્યુ પછી પણ સૂતકનો સાયો લાગી જાય છે. જેને પાતક કહેવામાં આવે છે. આ સમયે પણ પરિવારનું કોઇ સભ્ય મંદિર જઇ શકતું નછી અથવા કોઇ અન્ય ધાર્મિક સ્થળ પણ જઇ શકતો નથી.

ગરૂડ પુરાણઃ-

ગરૂડ પુરાણ મુજબ જ્યારે પણ પરિવારના કોઇ વ્યક્તિની મૃત્યુ થઇ જાય ત્યારે પરિવાર પર પાતક લાગી જાય છે. પરિવારના સભ્યોને પુજારીને બોલાવીને ગરૂડ પુરાણનો પાઠ કરાવવી પાતકના નિયમોને સમજવા જોઇએ.

પાતકઃ-

ગરૂડ પુરાણ મુજબ પાતક લાગવાના 13માં દિવસે ક્રિયા થવી જોઇએ અને તે દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવડાવવું જોઇએ. ત્યાર પછી મૃત વ્યક્તિની બધી જ નવી-જુની વસ્તુઓ, કપડાઓને ગરીબ અને અસહાય વ્યક્તિઓમાં વહેંચી દેવી જોઇએ.

પ્રાચીન ઋષિ-મુનિઃ-

પ્રાચીન ભારતના ઋષિ-મુનિઓ અને જ્ઞાનિઓએ કોઇ ઠોસ કારણ વિના કોઇપણ નિયમને બનાવ્યાં નથી. જીવનના પ્રત્યેક ક્ષેત્રની જાંચ અને તેને ઊંડાણ પૂર્વક સમજ્યા પછી જ દિશા-નિર્દેશ આપવામાં આવ્યાં છે, જે ખૂબ જ વ્યવહારિક છે. પરંતુ આજના સમયમાં તેમની વ્યવહારિકતાને સમાપ્ત કરી તેને માત્ર એક અંધવિશ્વાસની જેમ જ અપનાવવામાં આવે

 

 

 

જૈન દર્શન

શ્રી મહાવીરસ્વામી સમ્વોસરણ

|| જૈન દર્શન ||

“વંદન મસ્તકથી થાય છે, નમન હૃદયથી થાય છે”

પર્યુષણ જૈનોને ધર્મનો એટેક આવવાની ઋતુ છે. એ અઠાઈ ધરથી સંવત્સરી સુધીના દિવસોમાં જૈન જીવ સંસારમાંથી છટકી શકે છે, દુકાન કે ધંધો બંધ કરી દે છે અથવા બેસણું કે એકાસણું કરી નાખે છે અથવા માત્ર મિચ્છામિદુક્કડં બોલી લે છે અથવા ઉપાશ્રયમાં જ રહી જાય છે.

જૈન ધર્મ કે જૈન દર્શન વિશ્વનાં મહાન તત્ત્વજ્ઞાનોમાં સ્થાન પામે છે. જૈન દર્શને વિશ્વને ઘણું આપ્યું છે. ભારતવર્ષમાં જૈન વિચારધારાનું યોગદાન અમીટ છે: અહિંસા, વ્યાકરણ, દસમીથી બારમી સદી સુધીનું ભારતભરમાં પ્રકટેલું અદ્વિતીય જૈન શિલ્પસ્થાપત્ય, ગણિત, દેહદમન વિશેના આત્યંતિક વિચારો, ઉપવાસ, કૈવલ્ય, નવકારમંત્ર, સંથારો. આ યોગદાન ઈતિહાસની દૃષ્ટિએ અઢી હજાર વર્ષ જૂનું છે.

જૈન માન્યતા પ્રમાણે સહસ્ત્રો, ખર્વો, નિખર્વો વર્ષોનું યોગદાન છે. મને જૈન ધર્મમાં સંથારો એક અદભુત વિચાર લાગ્યો છે, જ્યારે માણસ ઈશ્વર બની જાય છે. હું મારી ઈચ્છા પ્રમાણે મારા શરીરને હોલવીને દેહ છોડી દઉં છું. જૈનોની જીવવાની રીતનું મને બહુ આકર્ષણ નથી, પણ મરવાની રીત મહાન છે. વિશ્વના કોઈ ધર્મમાં આ નથી.

સંથારા પછીનો બીજો વિચાર મિચ્છામિદુક્કડંનો છે, મિથ્યા મે દુષ્કૃત્યમ્, ‘ભૂલો માટે ક્ષમાયાચના.’ ભાવકની ભાષામાં – મનથી, વચનથી, કાયાથી – અને વકીલની ભાષામાં – જાણ્યે કે અજાણ્યે… અમે સર્વ જીવોને ખમાવીએ છીએ એમ તમને પણ ખમાવીએ છીએ.

જૈન દર્શનનું મારે માટે એક આકર્ષણ છે: શબ્દો. આટલા તલસ્પર્શી, સ્પષ્ટઅર્થી, સૂક્ષ્મતમ્ શબ્દો અન્ય ધર્મદર્શનોમાં મને મળ્યા નથી. વિશેષણો અને સુપરલેટિવ્ઝની એક ભવ્યતા છે. પર્યુષણ ‘પર્વાધિરાજ’ છે, હેમચંદ્રાચાર્ય ‘કલિકાલસર્વજ્ઞ’ છે. આવા વિશેષતાસ્થાપક શબ્દો જૈન દર્શનનો જ ભાગ છે.

ગુજરાતી ભાષાને જૈનોએ કેવી રીતે સમૃદ્ધ બનાવી છે? એક પુસ્તકના આરંભમાં લખ્યું છે. દ્રવ્યસહાયક: યોગનિષ્ઠ આચાર્યશ્રી વિજયકેસરસૂરીશ્વરજીનાં આજ્ઞાનુયાયિની પ્રવર્તિની સાધ્વી શ્રી ચંપાશ્રીજી મહારાજનાં શિષ્યા પરમવિનેય સાધ્વી શ્રી પ્રભાશ્રીજી મહારાજના શિષ્યા પરમવિનેય સાધ્વી શ્રી કુમુદશ્રીજીના સદુપદેશથી… પછી એ પુસ્તક માટે દ્રવ્ય સહાય કરનાર વ્યક્તિનું નામ આવે છે!

આજે જૈન વિશેષણકોશ ખોટા માણસો માટે ખોટી રીતે વપરાઈ રહ્યો છે. જૈન દર્શને ગુજરાતીમાં અને ભારતવર્ષની અન્ય ભાષાઓમાં શબ્દોનું જે અશ્વમેઘી સામ્રાજ્ય પાથર્યું છે એની તુલના શક્ય નથી. અને શબ્દો કેટલા વિવિધઅર્થી છે, કેટલા સૂક્ષ્મઅર્થી છે. સ્વર એટલે જેનો ઉચ્ચાર સદા થયા કરે, વ્યંજન એટલે જેની અંદર સ્વર ન હોય, એટલે એનો ઉચ્ચાર પૂર્ણ ન થઈ શકે, શરીર વ્યંજન છે, આત્મા એનો સ્વર છે, સ્વર વિનાનો વ્યંજન ખોડો લેખાય છે એમ આત્મા વગરનું શરીર અનિત્ય છે, અશાશ્વત છે.

જૈન દર્શનમાં દરેક શબ્દની ચોક્કસ ક્રિયા છે. ચોક્કસ અર્થ છે. વંદન મસ્તકથી થાય છે, પણ નમન મસ્તક અને હૃદય બંનેથી થાય છે. શબ્દ એ ચકમક છે, અર્થ એ ફલક છે, ચકમક ફલક સાથે ઘસાય છે ત્યારે તણખો પ્રકટે છે, જે ભાવ છે. ભાવરૂપ પ્રકાશ મનુષ્યને યથાર્થ જ્ઞાન કરાવે છે.

જૈન દર્શન શબ્દ સુધી આવીને અટકી શકતું નથી. વૃક્ષની જેમ, દરેક શબ્દને મૂળ છે, શાખા અને પ્રશાખા છે. ફૂલ ફૂલે છે પછી ફળ ફળે છે. જ્ઞાનપ્રાપ્તિ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાની વ્યાખ્યા અપાઈ છે: શાસ્ત્રની અને ગુરુવચનની સત્યબુદ્ધિથી નિશ્ચયપૂર્વક ધારણ કરવાની સ્થિતિ. જૈન દર્શનમાં આત્મવિકાસનાં બે અંગો છે; પુણ્ય અને નિર્જરા. પુણ્યથી સાધનો પ્રાપ્ત થાય છે, પણ આ સાધનો દ્વારા પતિત ન થતાં આત્મવિકાસને માર્ગે જવાય એ નિર્જરા કહેવાય છે.

જ્ઞાની ભેદ સમજે છે, જ્ઞાનીને નિર્જરા થાય છે. ભેદ સમજવા એ પણ જ્ઞાન છે: પેય અપેય, કર્તવ્ય અકર્તવ્ય, સેવ્ય અસેવ્ય, હિત અહિત, લોક અલોક, સત્ય અસત્ય, દ્રવ્ય અદ્રવ્ય, કારણ કાર્ય, જ્ઞાન જ્ઞેય, સમ્યક્ અસમ્યક્, સ્વભાવ પરભાવ, જ્ઞાનમાં શ્રદ્ધાનું બહુ મોટું સ્થાન છે.

જ્ઞાનની ભૂમિકાઓ છે: મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન: પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન. જ્ઞાન શુદ્ધ હોય તો સજ્જ્ઞાન કહેવાય. અશુદ્ધ કે વિપર્યાસવાળું હોય તો અજ્ઞાન કહેવાય. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ને અવધિજ્ઞાન અશુદ્ધ હોય તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન પછીનો માણસ સર્વજ્ઞ કહેવાય છે. કર્મનાં સંપૂર્ણ આવરણો બળી ગયા પછી એ પ્રાપ્ત થાય છે. ભગવાન પાર્શ્વનાથનો કાળ પ્રાજ્ઞકાળ હતો.

જૈન શબ્દકોશ જેમ જેમ સૂક્ષ્મ બને છે એમ એમ ધર્મ શુદ્ધ દર્શન કે તત્ત્વજ્ઞાન બની જાય છે. અહીં ‘આત્મવીર્યોલ્લાસ’ જેવો શબ્દ છે. ‘શ્રેણિચારણ લબ્ધિ’ નામનો એક શબ્દ છે. એનો અર્થ: અગ્નિની બળતી જ્વાલાઓ ઉપર ચાલે તો પણ અગ્નિના જીવોને પીડા ન ઊપજે એવી ચાલવાની શક્તિ!

એક જૈન શબ્દ કદાચ જૈન દર્શનનું સાચું પ્રતિનિધિત્વ કરે છે. એ શબ્દ છે ‘અનભિગ્રહીક’. એનો અર્થ જરા વિચિત્ર છે: બધા જ ધર્મો સારા છે, બધી જ ફિલસૂફીઓ સરસ છે, સૌને વંદન કરીએ, કોઈની નિંદા ન કરીએ, ઝેર અને અમૃતને એકસમાન ગણીએ. મિથ્યાત્વના પાંચ પ્રકારોમાંનો આ એક પ્રકાર છે…!

જૈન દર્શને જે ઝીણવટથી શબ્દોનો ઉપયોગ કર્યો છે એવો અન્ય કોઈ ધર્મે ભાગ્યે જ કર્યો છે. એક સ્થાનથી બીજે સ્થાને જતા જીવોને દુ:ખ ઉપજાવવાના પ્રકારો ઈરિયાવહિયં સૂત્રમાં વર્ણવ્યાં છે. સામા આવતાં પગથી હણ્યા હોય, ધૂળમાં કે કાદવમાં ઢાંક્યા હોય, જમીન સાથે મસળ્યા હોય, અંદર અંદર એકબીજાનાં શરીર મેળવ્યા હોય, સ્પર્શ કરીને દૂભવ્યા હોય, દુ:ખ દીધાં હોય, મરણતોલ કર્યા હોય, ત્રાસ ઉપજાવ્યો હોય, એક સ્થાનથી બીજે સ્થાને મૂક્યા હોય, પ્રાણરહિત કર્યા હોય, એ સંબંધી મને પાપ લાગ્યું હોય તો એ પાપ મિથ્યા થાઓ-

જીવોની વિરાધના થઈ હોય. કઈ રીતે? જીવોને પગથી ચાંપવાથી, વાવેલા બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિ ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને ચાંપવાથી, કીડીના દરને ચાંપવાથી, પાંચ વર્ણની સેવાળને ચાંપવાથી, સચિત્ત પાણી અને સચિત્ત માટીને ચાંપવાથી, કરોળિયાની જાળને ચાંપવાથી જો પીડા ઉપજાવી હોય તો એ પાપ મિથ્યા થાઓ-

અને જીવો, કેવા જીવો? એક ઈન્દ્રિયવાળા (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય), બે ઈન્દ્રિયવાળા (કૃમિ, શંખ, અળસિયાં આદિ), ત્રણ ઈન્દ્રિયવાળા (જૂ, માંકડ, કીડી વગેરે), ચાર ઈન્દ્રિયવાળા (વીંછી, ચાંચડ, ભમરી, તીડ વગેરે) અને પાંચ ઈન્દ્રિયવાળા (નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. અને તિર્યંચમાં પણ જળચર, સ્થળચર અને ખેચર) જીવોને વિરાધ્યા હોય તો એ પાપ મિથ્યા થાઓ-

તસ્સમિચ્છામિ દુક્કડં (તે મારાં પાપ મિથ્યા થાઓ).

– ચંદ્રકાંત બક્ષી