રામાયણ

1

|| રામાયણ ||

રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણ નો કાળ આશરે ૫૦૪૧ ઇ.સ.પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી. વાલ્મિકી રામાયણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે.

1. બાલકાંડ
2. અયોધ્યાકાંડ
3. અરણ્યકાંડ
4. કિષ્કિંધાકાંડ
5. સુંદરકાંડ
6. યુદ્ધકાંડ – લંકાકાંડ
7. લવકુશકાંડ – ઉતરકાંડ

હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કંબોડીયા, ફિલિપાઇન્સ, વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. રામાયણ પરથી ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખૂબ જ પ્રચલિત બની છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે.

* રામાયણ ની રચના

ઋષિ વાલ્મિકી જંગલમાં આદિવાસી સાથે ઉછરેલા હતા. અને પુર્વજીવનમાં લુંટ નો ધંધો કરી કુટુંબનું ભરણપોષણ કરતા. કોઇવાર જંગલમાં તેમને નારદ મુનિ મળ્યા. નારદ મુનિએ પુછ્યું કે તું જે લોકો માટે આ પાપ કરે છે તેઓ શું તારા પાપના ભાગીદાર થશે ખરા? વાલ્મિકીએ તેમના કુટુંબીને જ્યારે આ પુછ્યુ ત્યારે જવાબ મળ્યો કે કોઇ કોઇના પાપનું ભાગીદાર હોતું નથી. સૌએ પોતાના પાપની સજા પોતે જ ભોગવવી પડે છે. આ પ્રસંગે વાલ્મિકીની આંખો ખૂલી ગઇ. આ પછી તેઓ પોતાના પાપના પ્રાયશ્ચિત તરીકે લોક કલ્યાણના કાર્યમાં પ્રવૃત થયા. અને આગળ જતા ઋષિનું પદ પામ્યા અને પોતાના કાર્ય માટે આશ્રમની સ્થાપના કરી.
એક દિવસ વાલ્મિકી તમસા નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે એક પારધીને સારસ પક્ષીના જોડલાને હણતો જોયો. સારસ પક્ષી વિંધાયને પડયું અને આ જોઇ ઋષિ વાલ્મિકીના મુખમાંથી કરુણાને લીધે એક શ્લોક સરી પડ્યો.

મા નિષાદ પ્રતિષ્ટાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ
યત્ ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્

હે નિષાદ ! તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, કીર્તિ, સ્થિતિ, સ્થાન, સ્થાપના, રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તે આ કામક્રીડ઼ા માં મગ્ન ક્રૌંચ /કૂજ પક્ષિઓમાંથી એક ની, વિના કોઇ અપરાધ હત્યા કરી દીધી છે.

આ પ્રસંગ બતાવે છે એક લુંટારામાંથી ઋષિ થયેલા વાલ્મિકી નું હ્રદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મિકીને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતા એક પારધી ને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપ છંદમાં થઇ તે વાતની ખુશી થઇ.

આ પ્રસંગ પછી જ્યારે નારદ મુનિ વાલ્મિકીને મળવા આવ્યા ત્યારે વાલ્મિકીએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજી ને કરી. વાલ્મિકીએ એ પણ ઇચ્છા વ્યક્ત કરી કે આ અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઇ એવી રચના કરવા માંગે છે જે સમગ્ર માનવ જાતિને માર્ગદર્શક બને. તેમણે નારદજીને પુછ્યુ કે શું એવી કોઇ વ્યક્તિ છે કે જે બધા જ ગુણોનો આદર્શ હોય? જેનામાં બધાજ ગુણો આત્મસાત્ થયા હોય?

આ સમયે નારદજીએ વાલ્મિકીને રામ ના જીવન વિષે લખવા માટે પ્રેરણા આપી. આમ, રામાયણની રચના થઇ. આ જ અરસામાં સીતા વાલ્મિકીના આશ્રમમાં રહેવા આવ્યા અને લવ-કુશનો જન્મ થયો. લવ-કુશ રામાયણ શીખ્યા અને તેમણે તેને અયોધ્યામાં પ્રચલિત કર્યુ. તેમની ખ્યાતિ સાંભળી રામે પણ લવ-કુશને રામાયણ ગાવા રાજસભામાં બોલાવ્યા.

* રામાયણની પૃષ્ઠભૂમિ

રામાયણ ત્રેતાયુગમાં જન્મેલા રાજા રામની જીવન કથા છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમય ગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતુ. રાવણ પુરી પૃથ્વી પર શાસન કરતો હતો અને રામાયણમાં તેને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે.

રામાયણના સમયમાં પૃથ્વી પર જુદી જુદી જાતિઓ અસ્તિત્વ ધરાવતી. અમુક નિષ્ણાતોના મતે આ બધી માનવ જાતિઓ હતી; જ્યારે વાલ્મિકી રામાયણમાં આ વિષે કોઇ ચોખ્ખાઇ કરવામાં આવી નથી. મનુષ્ય, દેવ, કિન્નર, ગાંધર્વ, નાગ, કિરાત, વાનર, અસુર, રાક્ષસ – આ બધી જુદી જુદી માનવ જાતિઓ હોઇ શકે છે. પરંતુ દરેક સમુહની વિશિષ્ટ શક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સામાન્ય માનવ માટે અસંભવિત જણાય – જેમ કે – ઉડવું, પર્વત કે શિલા ઉંચકવી, વિમાનમાં ફરવું, શરીરનું રૂપ બદલવું વગેરે.

કથા મુજબ રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઇ દેવ વગેરે મારી શકે નહિ. મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેણે મનુષ્યથી કોઇ અભય-વરદાન માંગ્યુ નહી. અને ભગવાને રામ તરીકે મનુષ્ય જન્મ લઇને રાવણનો વધ કર્યો.

* સામાજીક જીવન

રામાયણમાં વર્ણવેલું રામ-રાજ્ય આદર્શ રાજ્ય ગણાય છે. વાલ્મીકી રામાયણમાં ચાતુર્વર્ણવ્યવસ્થા નો ઉલ્લેખ બહુ જોવા મળતો નથી. પણ ત્યારે વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી ન હતી તેવું ન માની શકાય. રામાયણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે. ગુહ જંગલમાં ઉછરેલો, જંગલના રાજાનો પુત્ર હતો. પરંતુ મહાભારતમાં જેમ એકલવ્યને જંગલના રાજાના પુત્ર હોવાથી શિક્ષણ આપવામાં આવતું નથી તેવું રામાયણમાં જોવા મળતુ નથી. રામાયણમાં ગુહ રામની સાથે જ ભણે છે અને રામના મિત્ર તરીકે ગણાય છે.

વાનરો જંગલમાં રહેતા હતા; છતાં તેમને કોઇ રીતે હલકા ગણવામાં આવ્યા નથી. ઉલટું રામ તેમનો આશરો લે છે અને તેના રાજા સુગ્રીવને પોતાનો પરમ મિત્ર માને છે. રાક્ષસો સાથે રામને દુશ્મની હતી અને ઘણા રાક્ષસોને તેમણે માર્યા, પરંતુ વિભીષણ રાક્ષસ કુળનો હોવા છતાં તેને શરણ આપ્યુ અને તેને લંકાનો રાજા બનાવ્યો. ઉપરાંત રાવણને પણ અગ્નિસંસ્કાર કરવા માટે રામે આગ્રહ રાખેલો.

ઋષિઓ ત્યારે જંગલમાં રહી યજ્ઞો કરતા દર્શાવવામાં આવ્યા છે. અને તેઓ એકલા નહી પરંતુ મોટા સમૂહોમાં રહતા હતા. ઘણા ઋષિઓને મોટા મોટા આશ્રમો, પોતાના વનો, સરોવરો કે તળાવો હતા. એટલે કે તેમના આશ્રમો એટલા વિશાળ હતા કે તે પર્વતો, સરોવરો કે પુરા વનને આવરી લેતા.

લોકોનું જીવન ચાર ભાગોમાં વહેચાયેલું હતુ – બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ.

પૃથ્વી પર અનેક રાજ્યો હતા અને દરેક રાજ્યમાં રાજા અને રાજાની નીચે અમાત્યો હતા. દરેક રાજ્યમાં મોટો પુત્ર જ રાજ્યનો વારસદાર થતો. સીતા ત્યાગના પ્રસંગ પરથી જાણવા મળે છે કે લોકોને પોતાની પસંદગી-નાપસંદગી વ્યક્ત કરવાનો અધિકાર હતો અને રાજા પ્રજાની ઇચ્છાને અનુરૂપ જીવતો. સ્ત્રીઓને રાજ્ય કારભારમાં પુરતો અધિકાર જણાય છે. સ્ત્રીની બુદ્ધિ વિષે – ખાસ કરીને કૈકેયીના પ્રસંગે – વાલ્મીકી રામાયણમાં થોડા ઉલ્લેખો છે જે તેની બુદ્ધિને ચંચળ, સ્વાર્થી કે દીર્ઘદ્રષ્ટિ વગરની માને છે. પરંતુ સાથે સાથે અનુસુયા, સીતા, મંદોદરી, તારા વગેરેના વખાણ કરવામાં આવ્યા છે. રાવણ અને વાલી બન્ને નો નાશ તેમની પત્નીના કહેવાનો અનાદર કરવાથી થયો હતો.

રામના જીવનનો બોધ કુટુંબજીવનને આદર્શ બનાવવાનો છે જેમાં પુત્રો માતા-પિતાની આજ્ઞા માને, પત્ની પતિની આજ્ઞા માને, પતિ પત્નીને પ્રિય હોય તેવું કરે, મોટો ભાઈ નાના ભાઈને પુત્રની જેમ સાચવે – વગેરે આદર્શ કૌટુંબિક જીવન બતાવે છે.

* બીજા રામાયણ

મૂળ રામાયણ તે વાલ્મિકી રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલુ છે  જે મૂળ રામાયણમાં થોડા ફેરફારો કરે છે તથા તેનું તાત્વિક રહસ્ય સમજાવે છે.

તે પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ રામચરિતમાનસની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે.

વીસમી સદીમાં મોરારીબાપું રામાયણની કથા કહેવા માટે પ્રખ્યાત છે. ૧૯૮૭-૮૮ માં રામાનંદ સાગરે રામાયણ પરથી ટી.વી. સીરીઝ બનાવી હતી જે ખૂબ લોકપ્રિય થઇ હતી.

* રામાયણના ફેરફારો

નીચેના પ્રસંગો રામાયણમાં પાછળથી ઉમેરવામાં આવ્યા છે કારણ કે તે મૂળ વાલ્મિકી રામાયણમાં નથી.

1. અહલ્યા પત્થરની મૂર્તિ બની ગઇ તે પ્રસંગ વાલ્મિકી રામાયણમાં નથી. અહલ્યાને છોડીને ગૌતમ ઋષિ જતા રહે છે પછી અહલ્યા એકલવાયું જીવન જીવે છે જેમાં તે કોઇ સાથે બોલતી નથી. વિશ્વામિત્ર રામને તેના આશ્રમમાં લઇ આવે છે જેથી અહલ્યા ફરીથી પ્રસન્ન ચિત્ત થાય છે અને ગૌતમ મુનિ તેને ફરીથી સ્વીકારે છે. રામનું પત્થરની મૂર્તિ ને પગથી સ્પર્શ કરવો વગેરે રૂપક કલ્પના છે.

2. મિથિલા નગરીમાં રામ જાય છે ત્યારે સીતાનો સ્વયંવર નથી હોતો પરંતુ કોઇ યજ્ઞ ચાલતો હોય છે જેમાં કૌતુક ખાતર વિશ્વામિત્ર અને જનક રામને ધનુષ બતાવે છે. તે ધનુષ વજનદાર અને ખૂબ જુનુ હોય છે જે રામ ઉપાડીને જ્યારે સંધાન કરે છે ત્યારે જુનુ હોવાથી તુટી જાય છે. જનક રામના પરાક્રમથી ખુશ થઇ સીતાને પરણાવવાની વાત કરે છે.

3. ઉર્મિલા જ જનક રાજાની પુત્રી હોય છે. સીતા તેમને જમીનમાંથી મળેલી હોય છે જ્યારે માંડવી અને શ્રુતકીર્તિ જનકના ભાઈ કુશધ્વજની પુત્રીઓ છે.

4. લગ્ન વખતે રામની ઉંમર ૧૬ વર્ષની છે. રામ-સીતાના લગ્ન પછી તેઓ અયોધ્યામાં ૧૨ વર્ષ રહે છે. આથી વનવાસ વખતે રામની ઉંમર ૨૮ વર્ષની હોય છે.

5. કૈકેયી કોઇ યુદ્ધ વખતે ઘાયલ દશરથને બચાવી દૂર લઇ જાય છે. રથના પૈડાંમાં આંગળી નાંખવાની વાત વાલ્મિકી રામાયણમાં નથી.

6. ગંગા પાર કરતી વખતે કેવટનો પ્રસંગ પણ તુલસીદાસની કલ્પના છે. વાલ્મિકી રામાયણમાં ગુહ રાજાના નાવિકો રામને ગંગા પાર કરાવે છે.

7. દરેક આશ્રમમાં ઘણા ઋષિમુનિઓ રહેતા હોય છે. આશ્રમો ખૂબ વિશાળ અને પોતાના વનો, બગીચાઓ ધરાવતા હોય છે. દરેક આશ્રમમાં ખાવા માટે મુખ્યત્વે કંદ, મૂળ, ફળો વગેરે પ્રાપ્ય હોય છે અને દરેકને માટે રહેવાની અલગ વ્યવસ્થા હોય છે.

8. ભરત અયોધ્યાના લોકો અને સેના સહિત ગંગા પાર કરે છે; ગુહ રાજાના નાવિકો બધી જ હોડીઓમાં પુરા રસાલાને રથો, સામાન સહિત નદી પાર કરાવે છે. હાથીઓ તરીને નદી પાર કરે છે.

9. ચિત્રકુટમાં રામ જ્યાં રહે છે ત્યાં બીજા બ્રાહ્મણો કે વાનપ્રસ્થ લોકો પણ વસતા હોય છે.

10.ચિત્રકુટ છોડ્યા પછી દંડકારણ્યમાં રામ દશ વર્ષ સુધી રહે છે જે દરમિયાન બધા ઋષિઓની સાથે રહે છે અને એક આશ્રમથી બીજા આશ્રમ એમ ફરતા રહે છે.

11. પંચવટીમાં સીતાનો અગ્નિપ્રવેશ અધ્યાત્મ રામાયણમાં દર્શાવ્યો છે, વાલ્મિકી રામાયણમાં નથી.

12. ખર-દૂષણના વધ વખતે રામ ઘાયલ થાય છે અને તેમને લોહી પણ નીકળે છે. લગભગ ત્રણ મુહુર્ત કે આઠ કલાકના યુદ્ધમાં ખર-દૂષણની ૧૪ હજારની સેનાનો નાશ થાય છે. ઘણા સૈનિકો ભાગી જાય છે અને રાવણને સમાચાર આપે છે. આ પછી રાવણ મારીચ પાસે રામ વિષે જાણવા જાય છે. મારિચ તેને રામને કશુ ન કરવા સલાહ આપે છે જેથી રાવણ પાછો લંકા જાય છે. ફરીથી શૂપર્ણખા ના કહેવા પછી તે મંત્રી જોડે ચર્ચા કરી સીતાનું અપહરણ કરવાનો વ્યૂહ ઘડે છે.

13. લક્ષમણ જ્યારે રામને શોધવા સીતાને એકલા મુકી જાય છે ત્યારે સીતા ઘરની બહાર હોય છે. લક્ષ્મણ રેખાનો વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ નથી.

14. રાવણ બ્રાહ્મણનો વેષ ધરી સીતાને જોવા આવે છે. તે ભિક્ષા માંગવા આવતો નથી. આતિથ્ય સત્કારના ધર્મ મુજબ સીતા તેને કંદ,મૂળ,ફળો આપે છે. રાવણ સીતાને પોતે રાવણ હોવાનું અને પોતાની સાથે ચાલી નીકળવાની વાત કરે છે જેનો સીતા ઇન્કાર કરે છે. આથી તેને કેડેથી પકડી લઇ રાવણ ચાલતો થાય છે અને પોતાના રથમાં લઇ જાય છે.

15. રાવણ એકલો નથી હોતો; બલકે તેની સાથે તેના સેવકો અને સારથી હોય છે જેનો જટાયુ સાથેના યુદ્ધમાં નાશ થાય છે.

16.રામ શબરીને મળવા જાય છે ત્યારે તેને શબરી ફળો વગેરે આપી સ્વાગત કરે છે. શબરીના એઠા બોર ખાવા તે કોઇ કવિની કલ્પના છે.

પવિત્ર માસ – અધિક માસ

5

|| પવિત્ર માસ – અધિક માસ ||

આપણો દેશ ધર્મપ્રેમી દેશ છે. વર્ષભર અનેક ધર્મોના તહેવારોમાં વિવિધ દેવી દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. પરંતુ અધિકમાસ એક એવો મહિનો છે જે દરમિયાન લોકો અધિક ભક્તિમય બની જાય છે. અધિક માસ આવતાંજ લોકો યાત્રા અને પવિત્ર નદીઓના સ્થળે વધું જતાં જોવા મળે છે. આ મહિનામાં દરેક ધાર્મિક અને સાર્વજનિક સ્થળોએ ભજન,કિર્તન, સત્સંગ અને મહાભારત, રામાયણ કે ભાગવતની કથાવાર્તાઓનું આયોજન કરવામાં આવે છે.

આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ દુનિયાને બનાવનારા બ્રહ્માજીના પિતાને પુરુષોત્તમ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના અધ્યાયમાં કહ્યું છે કે ” આ પૃથ્વી કોઈપણ આધાર વગર જમીન પર ભ્રમણ કરી રહી છે તે કેવી રીતે ? આનો મતલબ છે મારું અસ્તિત્વ આ દુનિયામાં છે. હું આ સર્વનું સંચાલન કરું છું. આ દુનિયામાં બધા જીવોનો નાશ થાય છે પણ હું અમર છું. આ દુનિયાના બધાં પ્રાણીઓમાં હું છું. જે લોકોના મનમાં પૃથ્વી પરના પ્રત્યેક જીવો માટે પ્રેમભાવ છે, જે લોકો ઈર્ષા, દંભ, અને વેરભાવને ભૂલી નિષ્કામ બનીને ગરીબ અને અસહાયોની મદદ કરે છે તેઓ જ મારું પુરુષોત્તમ સ્વરુપ ઓળખી શકે છે ”

આ મહિનામાં દાન પુણ્યનું અધિક મહત્વ છે. જે લોકો અધિકમાસમાં દાન-પુણ્ય કરે છે, ધાર્મિક કથાઓ,સત્સંગ અને ઈશ્વરની સેવામાં પોતાનો સમય વિતાવે છે, તેઓના પાછલાં બધાં પાપો ધોવાઈ જાય છે, અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોટાભાગે લોકો એવું માને છે કે ભજન-કિર્તન, સત્સંગમાં તો ઘરડાં લોકો જ જાય છે,યુવાનોએ તો હમણાં ખાઈ પીને મોજ કરવાની હોય છે, વૃધ્ધાવસ્થામાં ઈશ્વરનું નામ લઈશું, પણ એવું નથી. ઈશ્વરની સર્વને હંમેશા જરુર પડે છે.

તમે કોઈ મુસીબતમાં ફસાયા હોય તો સૌથી પહેલાં તમે કોને યાદ કરો છો ? ઈશ્વરને જ ને ? કારણ કે આપણા મુખેથી મુસીબતમાં આ જ શબ્દો નીકળે છે કે ‘ હે ઈશ્વર મને મદદ કરજે” અને આપણે કોઈ મુસીબતમાંથી બચી ગયા હોય તો પણ એવું જ કહીએ છે કે “આજે તો ઈશ્વરના કૃપાથી બચી ગયો” મતલબ દરેકના દિલમાં ક્યાંક તો ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા છે જ. તો પછી કેમ નહિ આ મહિનામાં ઈશ્વરની સેવા કરવાનું પુણ્ય કમાવી લઈએ. તેને માટે ખાસ મંદિરમા જવાની કે કલાકો સુધી ભજન કિર્તન કરવાની જરુર નથી. તમે કોઈ ગરીબની મદદ કરશો, કોઈ ભૂખ્યાને ભોજન આપશો તો પણ તમે ઈશ્વરની સેવા કરી કહેવાશે. તમે દિવસભર ભૂખ્યા રહીને ઈશ્વરનું ધ્યાન ઘરતાં રહ્યાં અને સાંજે કોઈ ભૂખ્યો માણસ કે પ્રાણી આવીને તમારા દરવાજે ઉભો હોય જેને તમે એક રોટલી પણ ન આપી શકો તો તમારો ઉપવાસ પણ વ્યર્થ છે કારણ તેને ઈશ્વર પણ નહિ કબૂલે.

ગુજરાતમાં આ માસમાં લોકો દાન પૂજન ખૂબ કરે છે. ધણાં લોકો અધિક માસમાં ખાસ સત્યનારાયણ ભગવાનની કથા કરે છે. આમ, અધિકમાસને પવિત્રમાસ એટલા માટે જ કહ્યો છે જે દરમિયાન દરેક માનવ સારા કર્મો કરીને પવિત્ર થઈ જાય. તો ચાલો અધિકમાસને પૂરા થવાના જૂજ દિવસો જ બાકી છે તો આપણે પણ થોડું પુણ્ય કમાવી લઈએ.

|| કેવી રીતે બને છે અધિકમાસ ||

માનવ માત્રને પાવન કરનારો પુરુષોત્તમ માસ અધિકસ્ય્ ફલમ્

સર્વ માસોમાં સર્વ શ્રેષ્ઠ માસ કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે. જેને અધિક માસ પણ કહેવામાં આવે છે. અધિક માસ એટલે આપણે આપણા જીવનમાં અધિક ભક્તિ અને સત્સંગ, કથા અને કીર્તન, ધૂન અને ધ્યાન કરવાનો માસ. આ પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે.

પુરુષોત્તમ માસ એટલે… સત્સંગ, સ્મરણ, સેવાના ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ભગવાનના અક્ષરધામને પામવાનો પરમ પવિત્ર માસ.

આવો પાવનકારી પુરુષોત્તમ – અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે એની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થતાં જે સમય લાગે તેને ચંદ્રમાસ કહેવાય. આ ચંદ્રની પ્રદક્ષિણાઓ પૂરી થતાં ૩૫૪ દિવસ, ૮ કલાક, ૪૮ મિનિટ અને ૩૩.૫૫ સેકંડ જેટલો સમય લાગે છે.

પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી થાય તેને વર્ષ કહેવાય છે અને ૩૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ ૪૭.૫ સેકન્ડ જેટલો સમય લાગે છે.આમ થવાથી ચાંદ્રમાન વર્ષ અને સૌરમાન વર્ષ વચ્ચે ૧૧ દિવસનું અંતર પડે છે. આ અંતર વધવા નહીં દેતાં દર ત્રીજે વર્ષે એક માસનો ઉમેરો કરી દેવાય છે. આ ઉમેરેલા માસને પુરુષોત્તમ કે અધિકમાસ કહેવામાં આવે છે.

આ અધિક માસ ૩૨ મહિના, ૧૬ દિવસ અને ૪ ઘડીના અંતરે આવ્યા કરે છે. આ મહિનામાં સૂર્ય-સંક્રાન્તિ થતી નથી તેથી અધિક માસ શુભકાર્યોમાં વર્જિત ગણવામાં આવેલો છે.

સંક્રાંતિ રહિત અધિક માસ પ્રત્યેક ૨૮ મહિનાથી વધુ તથા ૩૬ મહિના ૫હેલાં આવતો હોય છે. અધિક માસમાં વિવાહ, યજ્ઞ મહોત્સવ, દેવપ્રતિષ્‍ઠા… વગેરે માંગલિક કાર્ય કરવાનો નિરોધ છે.

પ્રાચિન કાળમાં સર્વપ્રથમ અધિક માસની શરૂઆત થઇ ત્યારે આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ ના હોવાથી તે મલમાસ કહેવાયો. આ સ્‍વામી રહિત મલમાસમાં દેવ.. પિતર.. વગેરેની પૂજા તથા માંગલિક કાર્ય થતાં ન હોવાથી લોકો તેની ઘોર નિંદા કરવા લાગ્યા. આ પ્રકારની લોક-ભત્‍સનાથી ચિંતાતુર બની મલમાસ ચિંતાતુર બની જે ક્ષર તથા અક્ષરથી અતિત, અવ્યક્ત હોવા છતાં ભક્તોના પ્રેમના માટે વ્યક્ત(પ્રગટ) થાય છે તેવા અક્ષરબ્રહ્મ, આનંદસિધું પુરૂષોત્તમ ભગવાન વિષ્‍ણુના શરણોમાં જઇને પ્રભુને પ્રાર્થના કરે છે કેઃ હું એક જ એવો અભાગી છું કે જેનું કોઇ નામ નથી, કોઇ સ્‍વામી કે આશ્રય નથી, શુભ કર્મોથી મારો તિરસ્‍કાર કરવામાં આવે છે. મલમાસને શરણાગત બનેલો જોઇને ભગવાને કહ્યું કેઃ સદગુણો, કીર્તિ, પ્રભાવ, ષડૈશ્ર્વર્ય ૫રાક્રમ, ભક્તોને વરદાન આ૫વાં… વગેરે જેટલા ૫ણ ગુણ મારામાં છે અને તેનાથી હું સમગ્ર વિશ્ર્વમાં પુરૂષોત્તમ નામથી વિખ્યાત છું, તેવી જ રીતે આ મલિનમાસ ૫ણ ભૂતલ ૫ર પુરૂષોત્તમ નામથી પ્રસિધ્‍ધ થશે. મારામાં જેટલા સદગુણ છે તે તમામને આજથી મેં મલિનમાસને આપી દીધા છે. મારૂં નામ જે વેદ, લોક અને શાસ્‍ત્રોમાં વિખ્યાત છે, આજથી તે પુરૂષોત્તમ માસ નામથી આ મલિનમાસ વિખ્યાત થશે અને હું પોતે આ માસનો સ્‍વામી બની ગયો છું. જે ૫રમધામ પહોંચવા મુનિ, મહર્ષિ કઠોર ત૫સ્‍યામાં નિરંતર લાગેલા રહે છે તે દુર્લભ ૫દ પુરૂષોત્તમ માસમાં સ્‍નાન, પૂજા, અનુષ્‍ઠાન, સેવા, સુમિરણ, સત્‍સંગ કરનાર ભક્તોને સુગમતાથી પ્રાપ્‍ત થશે. આ બારેય મહિનામાં સર્વશ્રેષ્‍ઠ માસના નામથી વિખ્યાત થશે.

પ્રત્‍યેક ત્રીજા વર્ષે પુરૂષોત્તમ માસના આગમન ૫ર જે વ્‍યક્તિ શ્રધ્‍ધા-ભક્તિની સાથે સેવા, સુમિરણ, સત્સંગ, વ્રત, ઉ૫વાસ, પૂજા.. વગેરે શુભ કર્મો કરે છે તેમની ઉ૫ર ભગવાન પ્રસન્ન થાય છે અને તે પોતાના સમસ્ત પરિવાર સહિત નિર્મળ ભક્તિ પ્રાપ્‍તિ કરે છે.

શ્રાવણ માસનો મહિમા

6

|| શ્રાવણ માસનો મહિમા ||

હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ માસનું સ્થાન પાંચમું છે અને દેવશયન ચતુર્માસનો આ પ્રથમ માસ છે. આ માસમાં શિવપુરાણ અને શ્રી ભાગવતપુરાણનું વાંચન, શ્રવણ કરવાનું મહત્વ માનવામાં આવ્યું છે. શ્રાવણ માસનાં સોમવારને શ્રાવણીયા સોમવારનાં નામથી ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં જેટલું મહત્વ શ્રાવણનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તેટલું જ મહત્વ શ્રાવણીયા સોમવારનું પણ દર્શાવવામાં આવ્યું છે. આ માસમાં શિવભક્તો શૈવાલયોમાં જઈ લિંગ પૂજન કરે છે અને ભગવાન મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. શ્રાવણ મહિનામાં ગંગાજીનું પણ અતિ મહત્વ રહેલું છે શ્રાવણમાસમાં ગંગાજીમાં વર્ષાઋતુનાં નવા નીર આવે છે. આથી આ માસમાં શિવભક્તો પવિત્ર અને ચોખ્ખું ગંગાજળ લાવવા માટે હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, કાશી, ગંગાસાગર (કોલકત્તા) વગેરે પાવન સ્થળોની કાવડ યાત્રા ઉપાડે છે. આ યાત્રા ભક્તજનો મોટાભાગે ચાલીને પૂર્ણ કરે છે. આ માસમાં ગંગાજળ વડે ભગવાન શિવ ઉપર અભિષેક અને રુદ્રાભિષક કરવાનું મૂલ્ય રહેલું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગંગાજળની કાવડ લાવી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો એ એક તપમાર્ગ છે, અને આ તપમાર્ગ પર ચાલવા માટે માનવો સિવાય દેવગણ, દાનવ, યક્ષ, કિન્નર, ઋષિમુનિઓ પણ તત્પર રહે છે. સંતો કહે છે કે સોમવાર ભગવાન શિવને અત્યંત પ્રિય છે, તેથી જે ભક્તજનોને આખું વર્ષ પૂજન કરવાનું જે પુણ્ય મળે છે તે જ પુણ્ય ભક્તજનોને શ્રાવણમાસમાં ફક્ત સોમવારે શિવસાધના કરે તો પણ મળી જાય છે. વિદ્વાનોનું કહેવું છે કે દેવ-દાનવો વચ્ચેનું સમુદ્રમંથન પણ શ્રાવણમાસમાં જ થયેલું. આ સમુદ્ર મંથન દરમ્યાન જે ૧૪ રત્નો નીકળ્યાં તેમાંનું એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યો. આ ધારણ કરેલ વિષને કારણે તેમના કંઠનો તે ભાગ નીલો પડી ગયો, આથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા. શાસ્ત્રોનું કહેવું છે કે સતયુગમાં પ્રભુને શાતા આપવા માટે સમગ્ર દેવી દેવતાઓએ પ્રભુ ઉપર જળનો અભિષેક કર્યો, ત્રેતા અને દ્વાપર યુગમાં વિષપ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે પય અર્થાત દૂધનો અભિષેક કરવામાં આવ્યો, જેથી કરીને વિષ પ્રભાવ થોડો ઓછો થાય, અને આજ કારણસર આજે આ કલિયુગમાં વિષનાં આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો અને ભક્તજનો હજુ પણ ભગવાન શિવ ઉપર જલ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે. શિવ પુરાણમાં કહેલ છે કે જે જલ સમસ્ત સંસારનાં પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે તે જલ સ્વયં એ પરમાત્મા શિવનું સ્વરૂપ છે. संजीवनं समस्तस्य ॥

संजीवनं समस्तस्य जगतः सलिलात्मकम्‌।
भव इत्युच्यते रूपं भवस्य परमात्मनः ॥

આથી વિદ્વાનો કહે છે કે જે પરમાત્મા સ્વરૂપ જલ છે તેનો દુર્વ્યય ન કરવો જોઈએ. સંતો કહે છે કે ભગવાન શિવે વિષનો પ્રભાવ ઓછો કરવા માટે મસ્તક પર ચંદ્ર અને ગંગાજીને ધારણ કરેલા છે. શાસ્ત્ર અનુસાર શ્રાવણીયા સોમવારે શિવલિંગ ઉપર દૂધ અને જળ સિવાય વિશેષ વસ્તુઓ પણ અર્પિત કરવામાં આવે છે જેને શિવમુઠ્ઠીનાં નામે ઓળખવામાં આવે છે.

1

આ શિવમુઠ્ઠીમાં પ્રથમ સોમવારે અક્ષત-ચોખા, બીજા સોમવારે સફેદ તલ, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ અર્પિત કરવામાં આવે છે, સામાન્ય રીતે પ્રત્યેક માસમાં ૪ સોમવાર હોય છે પણ કવચિત પાંચમો સોમવાર શ્રાવણ માસમાં આવતો હોય તો અલગથી એક ભોગસામગ્રી અથવા સત્તુ સિધ્ધ કરાવીને ધરવામાં આવે છે. આ માસમાં બિલ્વપત્ર અને રુદ્રાક્ષ પણ ભગવાન શિવને સમર્પિત કરાય છે. એક માન્યતા અનુસાર રુદ્રાક્ષનું પ્રાગટ્ય ભગવાન શિવનાં અશ્રુઑમાંથી થયું છે. શિવપુરાણમાં કહ્યું છે કે ભસ્મ, રુદ્રાક્ષ, દૂધ, જલ, ભાંગ, બિલ્વપત્ર, શમીપર્ણ, ધતૂરો, કરેણ, અને કમળ એ ભગવાન શિવને અત્યંત પ્રિય છે તેથી આ વસ્તુઓ દ્વારા ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તજનોને ભગવાન શિવની પ્રસન્નતા મળે છે, અને ભક્તજનોનાં પૂર્વ જન્મોનાં પાપોનો ક્ષય થાય છે. પુરાતન કાળમાં શત (સો), સહસ્ત્ર (એક હજાર), કોટિ (એક કરોડ) બિલ્વપત્રથી ભગવાન શિવનું પૂજન કરવામાં આવતું હતું. એક માન્યતા અનુસાર શ્રાવણ માસમાં એક અખંડ બિલ્વપત્ર વડે શિવાર્ચન કરવાથી કોટિ બિલ્વપત્ર ચડાવવાનું ફળ મળે છે. બિલ્વપત્રની જેમ પુરાતન કાળમાં કમળપત્રથી પણ ભગવાન શિવનું પૂજન થતું હતું તેવો ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ એક સમયે ભગવાન શિવનું કોટિ કમળદલ વડે પૂજન કરતાં હતાં, ત્યારે એક કમળ દલ ઓછું પડતાં તેમણે પોતાના નેત્રકમળ કાઢીને ભગવાન શિવને ધરાવેલ, ભગવાન શિવની જેમ રાવણે કરેલ કમળપૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. ૧૭ મી સદીથી ૧૯ મી સદી દરમ્યાન ચારણો અને બારોટ પ્રજા દ્વારા ભગવાન શિવ માટે કરેલ શીશ કમળ પૂજનનો ઉલ્લેખ સાહિત્યોમાં થયેલો છે.

ઋષિમુનીઓએ કહ્યું છે કે શિવોપાસનામા માનસ પૂજાનું અને લિંગપૂજનનું પણ એટલું જ મહત્વ છે. સંતોએ અને શાસ્ત્રોએ કહ્યું છે કે દેહથી કર્મ થાય છે અને કર્મથી દેહ મળે છે તે પણ એક પ્રકારનું બંધન જ છે, પરંતુ શિવલિંગ દ્વારા થતી શિવોપાસના, શિવ સ્મરણ અને શિવોર્ચન એકમાત્ર એવું સાધન છે જે જીવોને કર્મનાં બંધનોમાંથી મુક્તિ અપાવવામાં સહાયક થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે શિવલિંગની સાથે સ્વયંભૂ શિવલિંગનો મહિમા અનેરો છે, આ સ્વયંભૂ શિવલિંગ પાવન અને પવિત્ર હોય છે, અને તેમાંયે તુલસીવન, પીપ્પલ અને વટ વૃક્ષ, તીર્થતીરે, પર્વતનાં શિખરે, નદી-સાગરનાં તટ પર, અને ગુરૂ આશ્રમ પર સ્વયંભૂ શિવલિંગ હોય તો તે પવિત્ર હોવાની સાથે સાથે પરમ સિધ્ધિદાયક પણ હોય છે.

શ્રાવણમાસમાં શિવોર્ચન જેટલું જ શિવમંત્રોનું પણ મહત્વ માનવામાં આવ્યું છે, તેથી ભગવાન શિવની ઉપાસના અને આરાધના સમયે પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય” અને મહામૃત્યુંજય મંત્રનું અનેરું મૂલ્ય છે. આ મંત્રોનો પાઠ કરવાથી દુઃખ, ભય, રોગ વગેરેનો નાશ થતાં જીવોને શાંતિ અને દીર્ઘાયુ મળે છે. આ ઉપરાંત આ માસમાં શિવામૃત, શિવ ચાલીસા, શિવ કવચ, રામચરિત માનસ, શ્રીમદ ભાગવત આદીનો પાઠ શુભ મનાયો છે. ભગવન શિવનો શ્રાવણ માસ માસોત્તમ કહેવાયો છે. આ માસનો પ્રત્યેક દિન ધર્મ પૂજન, કર્મ દાન અને સ્મરણ આસ્થાને લઈને આવે છે તેથી શ્રાવણ માસ, શ્રવણ નક્ષત્ર અને શિવનું પૂજન એ ભક્તજનો માટે એકદમ વિશિષ્ટ બની રહે છે.

|| શિવ આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ ||

શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની આરાધના અને ઉપાસનાનું પર્વ. દર વર્ષે આવતા આ પવિત્ર શ્રાવણમાસમાં શિવની પૂજા – અર્ચના થાય છે. ભક્તજનો અનેક રીતે ઉપાસના કરે છે. શ્રાવણમાસ શરૃ થતાં જ શિવલિંગ ઉપર અભિષેક – બીલીપત્ર ચઢાવાય છે. ઘણા શિવ મંદિરોમાં પ્રાતઃકાલથી રૃદ્રાભિષેક કરવામાં આવે છે. આ રૃદ્રાભિષેકમાં રૃદ્રીનો પાંચમો અધ્યાય અગિયાર વખત આવર્તન કરવાથી એક રૃદ્વાભિષેક થાય અથવા મહિમ્ન સ્ત્રોત એકાદશવાર કરવાથી એક રૃદ્રાભિષેક થાય છે. આ રૃદ્રાભિષેકમાં ગાંગાજળ, દૂધ, પંચામૃત ચઢાવવામાં આવે છે. આ માસ દરમિયાન અખંડ દીપ પણ રાખવામાં આવે છે. શ્રાવણી સોમવારના દિવસે તો શિવમંદિરોમાં સવારથી મધ્યરાત્રી સુધી ભક્તોની લાંબી લાઇન લાગે છે. આ દરેક શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ભક્તિ કરવાથી નવા કાર્યો કરવાની હિંમત મળે છે.� આજના જમાનામાં લોકો હંમેશા આધિ, વ્યાધિ તેમજ ઉપાધિની માયાજાળમાં ફસાયેલા રહે છે. આ માત્ર એક કારણ હોઇ શકે કે શાંતિ પ્રાપ્ત કરવા લોકો આધ્યાત્મના માર્ગે વળ્યા છે. જેના કારણે તેઓ મંદિરે જઇ શાંતિનો અહેસાસ કરે છે.

શ્રાવણ મહિનામાં મોટા ભાગના લોકો આખો મહિનો ઉપવાસ – એકટાણા કરે છે. એટલું જ નહીં જે લોકો આખો મહિનો નહીં, તેઓ સોમવારના વ્રત તો અચૂક કરે છે. મનમાં શ્રદ્ધા રાખવાથી ભક્તિનો અનુભવ થાય છે. ઘણી વાર મુશ્કેલ જણાતાં કાર્યોમાં સફળતા મળતા ઇશ્વર પ્રત્યેની આસ્થા વધી જાય છે.

ભારતીય વૈદિક સંસ્કૃતિમાં શિવપૂજા હજારો વર્ષથી ચાલી રહી છે. મહાદેવ એટલે દેવોના દેવ શિવ ભોળાનાથ. તેમનાં મંદિરો સમગ્ર ભારતમાં સર્વત્ર જોવા મળે છે. વિશ્વમાં પણ જ્યાં જ્યાં હિન્દુ સંસ્કૃતિ વસી છે, વિસ્તરી છે ત્યાં ત્યાં શિવમંદિરો છે અને શિવપૂજા થાય છે. એમાં પણ શ્રાવણ માસ આવે એટલે આપણે આબાલ વૃદ્ધ સૌ શિવજીને યાદ કરીએ છીએ. શિવ એટલે કલ્યાણ કરનાર દેવ. આવા શિવજીનું એક લક્ષણ છે ભોળપણ. શિવ ઝડપથી પ્રસન્ન થાય છે અને શિવ એકાએક કુપિત પણ થાય છે. શિવની પ્રસન્નતાનો પ્રસાદ પુષ્પદંત જેવા ગંધર્વને પણ મળે છે અને રાવણ જેવા વિદ્વાન વિપ્ર અસુરને પણ મળ્યો હતો.

રામચંદ્રજીએ પણ શિવજીની સ્થાપના રામેશ્વરમાં કરી હતી. આમ શિવજી અદનાઆદમીથી માંડીને દેવોના પણ મહાદેવ છે. એમાં પણ શ્રાવણ મહિનો આવે એટલે દેવાધિદેવ શંકરની ઉપાસના કરવાનો મહિનો. શ્રાવણ માસમાં માનવ હૈયામાં પ્રેમમંદિરો રચાય છે અને શિવમંદિરો પણ મંડિત થાય છે. એકમાં પ્રેમની ભીનાશ પ્રગટે છે તો બીજામાં ભક્તિની ભીનાશ માનવ મનને ભીંજવે છે. માનવ અને મહાદેવ પ્રેમના સેતુથી શ્રાવણમાં સંકોરાય છે. પ્રેમ વિના માનવ, માનવીને કે મહાદેવને ન મેળવી શકે. શિવ તત્ત્વ કે શ્રેયતત્ત્વ ન પામી શકે. આ સિવાય માનવજીવનને ભક્તથી ભીંજવે એવું એક સ્તોત્ર તે શિવમહિમ્ન સ્તોત્ર. આ સ્તોત્રના પાઠ શ્રાવણમાસ દરમિયાન ખાસ કરવા જોઇએ.

|| શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનું મહત્વ ||

આદિકાળથી વિશ્વની સંસ્કૃતિઓમાં હિંદુ સંસ્કૃતિ આજે પણ શ્રદ્ધા અને ભક્તિથી જીવિત છે. આખા વર્ષ દરમિયાન શ્રદ્ધા અને ભક્તિભાવ સમા અનેક તહેવારો – પર્વોએ ભારતીય સંસ્કૃતિના ઉત્સવોની પરંપરાનું ઋતુચક્ર ટકાવી રાખ્યું છે. એમાંયે અષાઢ અને શ્રાવણી તહેવારોનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં અનેરૃ જોવા મળે છે. શ્રાવણ માસનું જેટલું મહત્ત્વ છે એનાથી વિશેષ મહત્ત્વ શ્રાવણમાં શિવ ઉપાસનાનું છે. આ માસમાં શિવનો મહિમાં અત્યંત પવિત્ર અને ફળદાયી ગણાય છે. એમ કહેવાય છે કે સમુદ્રમંથન થયું ત્યારે તેમાંથી જે અમૃત નીકળ્યું તે પીવા માટે બધા દેવો તૈયાર થયા પરંતુ જે વિષ નીકળ્યું તે પીવા કોઇ તૈયાર ન થયું ત્યારે છેવટે ભગવાન શંકરે એ વિષપાન કર્યું હતું. આ વિષપાન ભગવાન શંકરે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કરેલું હોઇ તે મહિના અને શ્રાવણ સોમવારનું મહત્ત્વ હિંદુઓમાં વિશેષ લેખાય છે.

વહેલી સવારે સ્નાન કરીને નવા વસ્ત્રો પરિધાન કરી પૂરા શ્રાવણ માસ દરમિયાન મહાદેવના મંદિરે છેલ્લા દિવસ સુધી જઇ મહાદેવજીના શિવલિંગ ઉપર જળાભિષેક કરવામાં આવે છે. બ્રાહ્મણો શિવમંદિરોમાં જઇને અનુષ્ઠાનો, રૃદ્રાભિષેક, બિલીપત્રો વડે પૂજા અર્ચન કરીને સાત્વિક પુણ્યકર્મ કમાવે છે. આ દિવસોમાં ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક શિવપૂજન કરવાથી બધાં પાપકર્મો નષ્ટ થઇ જાય છે અને પુણ્યાત્મ મોક્ષને પ્રાપ્ત થાય છે.

શિવપૂજનની સાથે શ્રાવણમાસમાં પાર્થિવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં ખાસ આંકવામાં આવ્યું છે. જેમાં કર્મકાંડી અને શિવઉપાસક બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાના – નાના સુંદર શિવલિંગો બનાવીને રોજ એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પાતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૃપે એ વિસર્જન ક્રિયામાં જોડાય છે અને શિવસ્તુતિ પણ કરે છે. આ ઉપરાંત શૈવેકા દશનામ મંત્રજપ શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે. (૧) ઓમ રુગોરાય નમ: (૨) ઓમ પશુપતેય નમઃ (૩) ઓમ સર્વાયે નમઃ (૪) ઓમ વિરુપાશ્ચાય નમઃ( ૫) ઓમ વિષ્ણુરૃપિણે નમઃ ( ૬) ઓમ ત્રંબકાય નમઃ (૭) ઓમ કપર્ર્યાિદને નમઃ (૮) ઓમ ભૈરવાય નમઃ (૯) ઓમ શૂરપાણે નમઃ (૧૦) ઓમ ઇશાનાય નમઃ.

હનુમાન ચરિત્ર – રામ દુઆરે તુમ રખવારે

3

|| હનુમાન ચરિત્ર – રામ દુઆરે તુમ રખવારે||

સંતવાણીમાં કહ્યું છે કેઃ

સંત બડે ભગવંતસે કહ ગયે સંત સુજાન,
સેતુ બાંધ શ્રી રામ ગયે, લાંઘ ગયે હનુમાન…!!

પરંતુ હનુમાનજીના માટે તો એટલું જ કહેવામાં આવ્યું છે કેઃ

“રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનું પૈસારે..” (હનુમાન ચાલીસા) એટલે કેઃ હે હનુમાનજી..! આપ રામ દ્વારા ઉ૫ર પ્રહરી બનીને ઉભા રહો છો.આપની આજ્ઞા વિના કોઇનો ૫ણ રામ દ્વારમાં પ્રવેશ થઇ શકતો નથી.આ પંક્તિમાં ઘણું મોટું રહસ્ય છે.ઘરના દ્વાર ઉ૫ર પ્રહરી હોય તો તેમની આજ્ઞા વિના ઘરમાં પ્રવેશ કરી શકાતો નથી,પરંતુ અહીયાં તો ઘરના દ્વાર ઉ૫ર નહી પરંતુ રામના દ્વાર ઉપર પ્રહરીના રૂપમાં હનુમાનજી ઉભા છે એટલે તેમની આજ્ઞા વિના રામ(અવિનાશી બ્રહ્મ)માં પ્રવેશ થઇ શકતો નથી.

ભગવાન શ્રી કૃષ્‍ણ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ”તું મારામાં મનને સ્થિર કર અને મારામાં જ બુધ્ધિને જોડ, આ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશમાત્ર સંશય નથી.. “(ગીતાઃ૧૨/૮)

એટલે કેઃ ભગવાનમાં વાસ કરવાનો છે તેમના ઘરમાં નહી, એટલા માટે તો ભગવાનનું વિશ્વ વિખ્યાત નામ “વાસુદેવ” છે જેનો અર્થ કરતાં આદિ શંકરાચાર્યજીએ કહ્યું છે કેઃ”જેમાં સમગ્ર સૃષ્‍ટ્રિ વાસ કરે છે તે વાસુદેવ છે. “આમ પણ ભગવાન અને ભગવાનનું ઘર બન્ને અલગ અલગ નથી, કારણ કેઃ ભગવાને સ્વંયમ્ કહ્યું છે કેઃ “તે પરમ પદને સૂર્ય, ચંદ્રમા કે અગ્નિ ૫ણ પ્રકાશિત કરી શકતા નથી અને જે પરમ પદને પામીને મનુષ્‍યો પાછા સંસારમાં આવતા નથી તે જ મારૂં પરમધામ છે.. “(ગીતાઃ૧૫/૬)

એટલે કેઃ જ્યાં સૂરજ,ચંદ્રમા,તારાઓ,અગ્નિ..વગેરે(નવ દ્વારો) નથી ત્યાં નિરાકાર પ્રભુનું દશમું દ્વાર છે અને તેમાં જ ભક્તો રહે છે. આ રામમાં પ્રવેશ કરવા માટે હરિભક્ત કે હરિજનની કૃપા અનિવાર્ય છે, એટલા માટે જ કબીરજીએ કહ્યું છે કેઃ

“હરિસે જનિ તૂં હેત કર, હરિજનસે કર હે,
ધન દૌલત હરિ દેત હૈ, હરિજન હરિ હી દેત.. “(કબીરવાણી)

એટલે કેઃ હે જીજ્ઞાસુ જીવ..! તું હરિથી નહી પરંતુ હરિજન(પ્રભુ ભક્ત) સાથે પ્રેમ કર,કારણ કેઃહરિ તો ધન દૌલત,ભૌત્તિક સંપત્તિ આપશે જ્યારે હરિના ભક્તો તો હરિને જ આપે છે.

હનુમાનજી પ્રભુના પરમ પ્રિય ભક્ત હતા એટલે તેમના માટે કહેવામાં આવ્યું છે કેઃઆપ જેવા ભક્ત જ પ્રભુના દ્વારપાળ છો અને આપની આજ્ઞા વિના કોઇ પ્રભુ પરમાત્મામાં પ્રવેશ કરી ભક્ત બની શકતો નથી.જ્ઞાની તો પ્રભુને જાણે છે,પરંતુ ભક્ત તો તેમનામાં નિવાસ કરે છે.જડ ચેતનમય સમગ્ર સૃષ્‍ટ્રિને બ્રહ્મદ્રષ્‍ટ્રિએ જોનાર ભક્ત માટે નારદભક્તિ સૂત્રમાં કહ્યું છે કેઃ

“પ્રેમી ભક્ત પ્રેમને જ જુવે છે,પ્રેમને જ સાંભળે છે,પ્રેમને જ ખાય છે અને પ્રેમને જ સાંભળે છે.”

બ્રહ્મજ્ઞાનીઓનું ભોજન જ્ઞાન છે.આવા જ અનન્ય ભક્ત હનુમાનજી હતા કે જેમને રામને હ્રદયમાં વસાવીને સર્વત્ર રામનાં જ દર્શન કરતા હતા.અંદર પણ રામ અને બહાર ૫ણ રામ..સર્વત્ર રામ જ રામ..નિરાકાર ૫ણ રામ અને સકળ સંસારના તમામ જડ ચેતનમાં ૫ણ રામ..તમામને રામરૂ૫ જાણીને તમામના ભલા માટેની કામના અને તમામના પ્રત્યે દાસ્યભાવ એ જ અનન્ય ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ હનુમાનજીમાં જોવા મળે છે.

અહી પ્રશ્ન એ થાય કેઃ આવા ભક્ત કે જે તમામની ભલાઇના માટે જ કામના કરે છે તો હનુમાનજીએ અક્ષયકુમાર વધ..અશોકવાટિકાના માળીઓ સાથે મારપીટ કરી..લંકાદહન..વગેરે કાર્યો કેમ કર્યા..? એનો જવાબ એ છે કેઃ તેઓ સમવર્તન કે વિષમવર્તનનો આગ્રહ રાખતા નથી,પરંતુ તેઓ તમામની સાથે યથાયોગ્ય વર્તન કરતા હોય છે.પોતાના પ્રભુના કાર્યો (સેવા) કરવા માટે તેઓ કાળનો સામનો કરતાં ૫ણ ખચકાતા નથી.આ વાતને આપણે એક ઉદાહરણથી સમજીએ..એક ગુલાબની ડાળખી આપણને મળી. તેનામાં કાંટા,ફુલ અને પાન ત્રણેય છે.આ ત્રણેયને આપણે ગુલાબ જ જાણીએ છીએ,કારણ કેઃત્રણેય ગુલાબનાં જ અંગ છે,એટલે ત્રણેયમાં આપણે ગુલાબને જોઇને સમદર્શન કરીએ છીએ,પરંતુ વર્તનના સમયે આપણે ફુલને ફુલદાનીમાં સજાવીએ છીએ,પાનને કચરાપેટીમાં તથા કાંટાઓને ક્યાંક દૂર ફેકી દઇએ છીએ કે જેથી આવતા જતા કોઇ પથિકને વાગી ન જાય.આ છે યથા યોગ્ય વર્તન.. ભક્ત ૫ણ આમ જ કરે છે અને હનુમાનજીએ ૫ણ આમ જ કર્યું હતું.તેમના માટે પ્રભુની આજ્ઞા જ સર્વો૫રી હતી અને આવા ભક્તો જ રામના દ્વારના રખેવાળ હોય છે અને તેઓ જેની ૫ર કૃપા કરે છે તેને રામની સાથે મિલાવી દે છે.સાકાર રામે ૫ણ પોતાના પતિના મૃત્યુંના સમયે વિલાપ કરતી વાલી પત્ની તારાને અવિનાશી રામની સાથે મિલાવીને કહ્યું કેઃ

“ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા…” (રામચરીત માનસઃ૪/૧૦/૨)

એટલે કેઃ હે તારા ! પૃથ્વી,પાણી,અગ્નિ,વાયુ અને આકાશ-આ પાંચ તત્વોથી બનેલું આ શરીર અત્યંત અધમ એટલે કેઃ અપવિત્ર છે.આ શરીર ક્યાંય ગયું નથી તારી સામે જ પ્રત્યક્ષ પડેલું છે. છઠ્ઠું આત્મ તત્વ (નિરાકાર બ્રહ્મ) અજર,અમર અને અવિનાશી છે અને સર્વત્ર વિરાજમાન છે તો પછી તૂં કોના માટે શોક કરી રહી છે..?

“ઉ૫જા જ્ઞાન ચરણ તબ લાગી, લિન્હેસિ ૫રમ ભગતિ બર માંગી” (રામચરીત માનસ)

તારાને જ્યારે આત્મજ્ઞાન થઇ ગયું ત્યારે રડવાનું બંધ થઇ ગયું અને ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો.જ્ઞાન થઇ જાય તો ચરણસ્પર્શ કરવામાં સંકોચ થતો નથી.તારાએ ૫ણ અનન્ય ભક્તિનું વરદાન માંગ્યું તો ભગવાને તેને અવિરલ ભક્તિનું દાન આપ્‍યું.સાકાર સદગુરૂ,સંત કે ભક્ત વિનાશી અવિનાશી પ્રભુનાં દર્શન થતાં નથી.ભક્ત એ જ ભગવાનના દ્વારપાળ છે અને તેઓ જ સુપાત્ર જિજ્ઞાસુઓને પ્રભુ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે છે એટલે જ તો હનુમાનજીના માટે કહેવામાં આવ્યું છે કેઃ

“રામ દુઆરે તુમ રખવારે,હોત ન આજ્ઞા બિનું પૈસારે..” (હનુમાન ચાલીસા)

ઘણીવાર કેટલાક લોકો પ્રશ્ન પુછે છે કેઃ”અવિનાશી નિરાકાર બ્રહ્મને તો તેમની કૃપાથી જ જાણી શકાય છે,સાકાર તો માયા છે,એટલે સાકાર માયાથી નિરાકાર બ્રહ્મને કેવી રીતે જાણી શકાય..?
તેનો જવાબ એ છે કેઃજેવી રીતે ધરતી ઉ૫ર પડેલા વ્યક્તિનો સહારો લીધા વિના ઉઠાવી શકાતો નથી,તેવી જ રીતે માયામાં ૫ડેલા જીવને ૫ણ માયાનો સહારો લઇને જ બ્રહ્મ સુધી પહોંચાડી શકાય છે,એટલે સાકાર સદગુરૂના માધ્યમથી જ નિરાકાર બ્રહ્મની ભક્તિ અને જ્ઞાન ઉ૫લબ્ધ થાય છે.તમામ સંતોનો..ગ્રંથોનો એ જ મત છે કેઃ

“ગુરૂ બિન ગત્ નહી,સાહ બિન પત નહિ..”

જેમ નિરાકાર વિધુત(વિજળી)ની હાજરી (જ્ઞાન) સાકાર ટેસ્ટરથી જ જોઇ શકાય છે.સાકાર શરીરમાં રહેલો નિરાકાર તાવ સાકાર થર્મોમીટરથી જ જોઇ શકાય છે,તેવી જ રીતે સાકાર સંસારમાં સર્વત્ર રહેલા નિરાકાર પ્રભુ પરમાત્માને ૫ણ સદગુરૂ પ્રદત્ત જ્ઞાનદ્રષ્‍ટ્રિથી જોઇ શકાય છે.આવી જ રીતે હનુમાનજી..અંગદજી..વગેરે એ સાકાર સદગુરૂ રૂ૫ રામજીના દ્વારા જ બ્રહ્મદર્શન કરીને અવિરલ ભક્તિ પ્રાપ્‍ત કરી હતી અને સમર્પિત થઇને ભગવાન રામને કહ્યું કેઃ

“તુમ મોરે પ્રિય ગુરૂ પિતુ માતા, જાઉં કહાં તજિ ૫દ જલદાતા.. “(રામચરીત માનસઃ૭/૧૧/ખ-૨)

એટલે કેઃહે રામ ! આપ જ અમારા પ્રિય ગુરૂ,માતા અને પિતા છો.હું આપના ચરણકમલોને છોડીને ક્યાં જાઉં..?
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ

“કાયરતારૂપી દોષોના લીધે તિરસ્કારને પાત્ર સ્વભાવવાળો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પુછું છું કેઃ જે નિશ્ચિતરૂ૫થી કલ્યાણકારી વાત હોય તે વાત મારા માટે કહો,કેમકેઃહું આપનો શિષ્‍ય છું.આપને શરણે આવેલા મને ઉ૫દેશ આપો..(ગીતાઃ૨/૭)

એટલે હનુમાનજી જેવી અવિરલ ભક્તિ પ્રાપ્‍ત કરવા માટે સમકાલિન સદગુરૂ(અવતારી પુરૂષ) ની શરણાગતિ લેવી ૫ડે છે, તેના વિના કોઇ અન્ય ઉપાય નથી, કારણ કેઃઆત્મદર્શી સંત જ રામ દ્વારના દ્વારપાળ હોય છે…!!

રાવણ ની “વેર ભક્તિ”

1 

|| રાવણ ની “વેર ભક્તિ” ||

રામચરિત માનસમાં ભગવાન શંકર માતા પાર્વતીજીને કહે છે કેઃ

હે ઉમા ! ભગવાન શ્રી રામચંદ્દજીનું ચિત્ત મૃદુલ છે તે ખૂબ જ કરૂણાશીલ છે. નર માંસ ખાનાર દાનવોને ૫ણ તે ગતિ પ્રદાન કરે છે..

જેની યાચના યોગીઓ કરે છે તથા જે નિશિચર વેરભાવથી સ્મરણ કરે છે, તેમને ૫ણ પરમ૫દ પ્રદાન કરે છે.

જે આવા પ્રભુને ભ્રમરહીત બની ભજતા નથી તે મંદમતિ અત્યંત અભાગી છે.

ભગવાન શંકરના આ ઉ૫દેશ અનુસાર, રાક્ષસ રાજ રાવણે ૫ણ પોતાની સ્થિતિને અનુકૂળ ભગવાન શ્રી રામ સાથે વેરભાવના દ્વારા ૫રમ ૫દ પ્રાપ્‍ત કરવાનો દ્દઢ સંકલ્પ કર્યો હતો.

રામચરીત માનસમાં ભગવાનશ્રી રામને જન્મ લેવાનાં પાંચ કારણો બતાવ્યાં છે,

તેમાં ૫હેલું કારણ ભગવાન વિષ્‍ણુના દ્વારપાળો જય અને વિજ્યને મળેલો શ્રાપ છે. આ બંન્ને દ્વારપાળો ચોકી કરતા હતા.એકવાર સનતકુમારો ભગવાનનાં દર્શન કરવા માટે આવે છે. મહાત્માઓને એમ કે અમારે કોની રજા લેવાની ? તેથી તેઓ સીધે સીધા અંદર જવા લાગ્યા, તે સમયે આ દ્વારપાળોએ તેમને અટકાવ્યા કે ભગવાન અત્યારે શયન કરે છે તેથી આ૫ અંદર નહી જઇ શકો !

તેથી ગુસ્સામાં આવી મહાત્માઓએ શ્રાપ આપ્‍યો કેઃ “તમે અમોને ભગવાનનાં દર્શન કરતા અટકાવો છો માટે બંન્ને જણ ભયંકર રાક્ષસ બની જાઓ.’’

આ કોલાહલથી ભગવાન જાગી જાય છે. ભગવાને મહાત્માઓને સમજાવ્યા કેઃ “દ્વારપાળોએ તમોને અટકાવ્યા એ તેમની ભૂલ છે, પરંતુ આપે તેમને શ્રા૫ આપ્‍યો તે બરાબર નથી કર્યું. ગમે તેમ ૫ણ એ દ્વારપાળો છે તેથી આ૫ શ્રાપમાં કાંઇક ફેરફાર કરો.’’

મહાત્માઓ કહે છે કેઃ”શ્રા૫ મળ્યો છે એટલે તેમને રાક્ષસ તો થવું જ ૫ડશે ૫ણ…એક ફેરફાર કરીએ છીએ કેઃ રાક્ષસ બન્યા ૫છી તમારી સાથે ભક્તિભાવ રાખશે તો તેમને સાત જન્મ ૫છી મુક્તિ મળશે અને જો તમારી સાથે વેર બાંધશે તો તમારા હાથે મરી ત્રણ જન્મે મુક્તિ પામશે.’’

આ દ્વારપાળોએ નિશ્ચય કર્યો કેઃ ભગવાનનું ભજન કરીએ તો સાત જન્મે મુક્તિ મળે એના કરતાં ભગવાન સાથે વેર બાંધી ત્રણ જન્મે મુક્તિ મળે તેવું કરીએ..

આ બંન્ને દ્વારપાળો, સતયુગમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્ય૫ બન્યા. તેમને મારવા (તારવા) ૫રમાત્માએ બે અવતાર લેવા ૫ડ્યાઃ વરાહ અને નૃસિંહ !!

ત્રેતાયુગમાં તે રાવણ અને કુંભકર્ણ બને છે.. તેમને મારવા ૫રમાત્માએ “રામ’’ અવતાર લેવો ૫ડ્યો.

દ્વા૫રયુગમાં તે દંતવક્ર અને શિશુપાળ બન્યા, એમને મારવા (ઉદ્ધાર કરવા) માટે ભગવાને કૃષ્‍ણાવતાર લેવો ૫ડ્યો હતો.’’

રામાયણમાં અનેક એવા પ્રસંગો આવે છે જેમાં ભગવાન શ્રી રામને ભગવાનનો અવતાર બતાવીને, વારંવાર રાવણને ભગવાનની શરણાગતિ સ્વીકારવા કહેવામાં આવ્યું છે, જેનાથી રાવણનો સંકલ્પ હટવાના બદલે વધુ વધતો ગયેલો જણાય છે, તેનું દિગ્દર્શન અહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે..

પ્રસંગ-૧

નાક..કાન વિનાની સૂ૫ર્ણખા રાવણની પાસે ફરીયાદ કરવા જાય છે ત્યારે તે શ્રી રામચંદ્દજીનો ૫રીચય આપતાં કહે છે કેઃ

હે રાવણ ! રાત દિવસ તૂં મદિરાથી મસ્ત થઇને રહે છે.. તારે માથે શત્રુ જાગ્યો છે તેની તને ખબર નથી.
નીતિ વગરનું રાજ ટકતું નથી.. ધર્મ વગરનું ધન ટકતું નથી.. ઇશ્વરને અર્પણ ન કરે તો માનવીનાં સત્કાર્ય ટકતાં નથી.. વિવેક ના આવે તો વિદ્યા ટકતી નથી.. ખરાબ સંગ કરે તો સંન્યાસીઓનો સંન્યાસ ટકતો નથી અને અહંકાર કરે તો માનવીનું જ્ઞાન ટકતું નથી.. શરાબ પીવે તો માનવીની ખાનદાની ટકતી નથી.. ખરાબ મત લે તો રાજવીનું રાજ્ય ટકતું નથી. રાવણ ! સાવધાન થઇ જા..! આ જગતમાં તૂં બધાને નાના ગણે છે, પરંતુ શત્રુ..રોગ..અગ્નિ.. પા૫.. રાજા..પ્રભુ અને સા૫..તેમને ક્યારેય નાના ન ગણવા જોઇએ.

અયોધ્યાના રાજા દશરથના બે પૂત્રો કે જેઓ પુરૂષોમાં સિંહ તુલ્ય છે તેઓ વનમાં શિકાર ખેલવા આવ્યા છે.તેમનું કર્તવ્ય મારા જાણવામાં આવ્યું છે કેઃ તેઓ પૃથ્વીને રાક્ષસો વગરની કરવાના છે.

હે રાવણ ! ઋષિ મુનિઓ તેમની ભૂજાઓના બળનો આશ્રય પામીને વનમાં નિર્ભય રીતે ફરવા લાગ્યા છે. તેઓ જોવામાં તો બાળક જેવા લાગે છે ૫ણ કાળ સમાન છે..
૫રમ ધીર છે…૫રમ ધીર છે…મોટા ધર્નુધારી અને અનેક ગુણવાળા છે. આ બે ભાઇ અતુલિત બળ અને પ્રતા૫વાળા..ખલોનો વધ કરવામાં લાગેલા અને મુનિઓને સુખ દેનારા છે.

શૂ૫ર્ણખાની આવી ઉ૫રોક્ત વાતોથી રામાયણમાં વર્ણવેલ અવતારનો હેતુ સ્પષ્‍ટ થાય છે.

” જબ જબ હોઇ ધરમકી હાની, બાઢહિં અસુર અધમ અભિમાની,
કરહિં અનીતિ જાઇ નહી બરની, સીદહિં વિપ્ર ધેનુ સુર ધરની,
તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહિં કૃપાનિધિ સજ્જન પીરા…!’’ (બાલકાંડઃ૧૨૦/ઘ/૨)

રાવણ આખી વાત સમજી ગયો.
સંન્ધ્યા સમયે પોતાના રાજભવનમાં સૂતો હતો,પરંતુ ઉંઘ આવતી નથી. તે વિચાર કરે છે કેઃ “સુર..નર..અસુર..નાગ અને ૫ક્ષીઓ..વગેરે કોઇ મારા અનુચરો સમાન ૫ણ બળવાન નથી ખર અને દૂષણ તો મારા સમાન બળવાન હતા.તેમને ભગવાન સિવાય બીજો કોઇ૫ણ મારી શકે નહી. જો પ્રભુએ દેવતાઓને રાજી કરવા અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતાર ધારણ કર્યો હોય તો હું જઇને તેમની સાથે વેર તથા હઠ કરૂં અને પ્રભુના બાણથી પ્રાણ ત્યજીને સંસારથી તરી જાઉં.

આ તામસી રાક્ષસી શરીરથી ભજન થઇ શકવાનું નથી, માટે પ્રભુ સામે મન.. વચન..કર્મથી વેર કરીને તેમના હાથથી મરણ પામીને તરી જાઉં.’’ એ જ મારો દ્દઢ નિશ્ચય છે.

આનાથી સ્પષ્‍ટ થાય છે કેઃ રાવણ અવતારવાદને માનતા હતા, પરંતુ તે સંશયવાદી હતા,

એટલે તેનો વિચાર એ ૫ણ હતો કેઃ… એ રામ જો સામાન્ય માનવ..રાજકુમાર જ હશે તો તેને તથા તેના ભાઇને રણમાં જીતીને તેમની સાથેની સ્ત્રીનું હરણ કરીશ.’’

રાવણ મહા વિદ્વાન અને નીતિમાન હોવાના કારણે પોતાના કલ્યાણની પ્રાપ્‍તિના માટે જે દ્દઢ સંકલ્પ કર્યો હતો.. તેનાથી વિચલિત થયો નહી. જો કે તેને વિચલિત કરવાના અનેક પ્રસંગો ઉ૫સ્થિત થયા હતા…તેની ઉ૫ર નજર નાખીએ !!

પ્રસંગ-૨

પ્રભુના બાણથી મરીને સંસારથી તરી જવાનો વિચાર કરી રાવણ મારીચ પાસે જાય છે અને પોતાનો તમામ વૃત્તાંત સંભળાવે છે કેઃ “તૂં માયાવી છળ કરનારો મૃગ થા કે જે ગોઠવણથી હું એ રાજાની સ્ત્રીને હરી લાવું.’’

તેના જવાબમાં રાવણને મારીચે અનેક રીતે સમજાવ્યો કેઃ હે રાવણ ! સાંભળ..! એ રામ મનુષ્‍ય નથી, ૫રંતુ મનુષ્‍યના રૂ૫માં ૫રમેશ્વર અવતરેલા છે.

વેર અને પ્રેમ સમાનની સાથે હોય અસમાન સાથે ના હોય. આમ કરવાથી સફળતા ના મળે. રામ કાળનાય કાળ છે.મંદોદરીનો ચૂડલો અમર રાખવો હોય તો અહીંથી પાછો જતો રહે.

બાલ્યાવસ્થામાં રામ વિશ્વામિત્રના યજ્ઞના રક્ષણ કરવા માટે આવ્યા હતા. તે સમયે તેમને મને ફણા વગરનું બાણ માર્યું હતું, જેનાથી એક ૫ળમાં સો યોજન દૂર આવી ૫ડ્યો હતો. તેમની સાથે વેર બાંધવાથી ૫રીણામ સારૂં નહી આવે.

જેમ ભમરીએ ૫કડીને છોડી દીધેલ કીડો જ્યાં ત્યાં ભમરીને જ જુવે છે, તેમ રામે ૫રાસ્ત કરીને છોડી દીધેલ હું જ્યાં રામ-લક્ષ્‍મણને જોઉં છું. ભયના સંસ્કારના કારણે મારી બુદ્ધિ ભમરીએ ૫કડીને છોડી દીધેલ કીડા જેવી થઇ ગઇ છે.

તેમનેતાડકા..સુબાહું..ખર..દૂષણ તથા ત્રિશિરાનો વધ કરેલ છે તે રામ સામાન્ય મનુ્ષ્‍ય નથી..!

આવાં યુક્તિપૂર્વકનાં વાક્યો દ્વારા મારીચે રાવણને સમજાવવા છતાં તેને મારીચની તમામ વાતોને ઉડાવી દેતાં કહ્યું કેઃ હે મૂઢ મારીચ ! તૂં ગુરૂની જેમ મને બોધ આ૫વા બેઠો છે ? તૂં એ બતાવ કેઃ આ તમામ જગતમાં મારા જેવો કયો યોદ્ધો છે ! મારા આદેશનું પાલન નહી કરે તો હમણાં જ તારો શિરચ્છેદ કરીશ. મારીચ સમજી ગયો કેઃ નહી જાઉં તો રાવણ મારી નાખશે અને જઇશ તો રામ મારશે

અને તુલસીદાસજીએ લખી દીધું કેઃ સમજદાર માણસે નવ જણાની સાથે વિરોધ ના કરવો.

૧. શસ્ત્રીઃ શસ્ત્ર વા૫રવામાં પારંગત હોય..
૨. મર્મીઃ આ૫ણા અંદરના ભેદને જે જાણતો હોય..
૩. પ્રભુઃ ઇશ્વરની સાથે વિરોધ ના કરવો..
૪. શઠઃ શઠની સાથે વિરોધ ના કરાય..જેનામાં લુચ્ચાઇ ભરી હોય..મુર્ખામી ભરી હોય…
૫. ધનવાનઃ ધનવાનની સાથે ૫ણ વિરોધ ના કરવો..આજે રૂપિયાથી બધું ખરીદાય છે, માનવીનું ઇમાન ૫ણ ખરીદાય છે.. વિજય સત્યનો જ થાય છે ૫ણ રૂપિયામાં બધા ગુણો આવી જાય છે.
૬. બંદીજનઃ કવિ..ભાટ..ચારણ…
૭. વૈદ્યઃ ર્ડાકટરની સાથે વિરોધ ના કરાય..
૮. ભાનસઃ રસોઇઓ..તેની સાથે ૫ણ વિરોધ ના કરવો..
૯. ગુણવાનઃ જેનામાં ધીરતા..ગંભીરતા અને સદગુણો હોય એવા સજ્જનોની સાથે વિરોધ ના કરવો..

ઉ૫રોક્ત નવની સાથે વિરોધ કરવાથી ફાયદો થતો નથી.

ઉ૫રોક્ત વાતો ઉ૫રથી સ્પષ્‍ટ થાય છે કેઃ
રાવણે પોતાના કલ્યાણના માટે જે દ્દઢ સંકલ્પ કર્યો હતો તેનાથી સહેજ૫ણ હટવા ઇચ્છતો ન હતો, તેથી તો મારીચના ઉ૫દેશની તેને અવહેલના કરી હતી..

કેટલાક લોકોનો મત છે કેઃ

રાવણે વિચાર કર્યો હતો કેઃ
જો ભગવાને નરરૂ૫માં અવતાર લીધો હશે તો યુદ્ધના મેદાનમાં તેમના હાથે મરી ભવસાગર તરી જઇશ અને જો અવતાર નહી હોય તો રણમેદાનમાં તેમને જીતી તેમની સ્ત્રીને ઉપાડી લાવીશ.
અને આ વિચારની ૫રીક્ષા કરવા માટે રાવણે મારીચને કપટમૃગ બનવાની વિનંતી કરી હતી.

આમાં રાવણનું તાત્પર્ય એ હતું કેઃ
જો અંતર્યામી ભગવાન નરરૂ૫માં હશે તો માયાને ઓળખી લેશે અને જો માયામૃગને ન જાણી શકે તો હું સમજી લઇશ કે તે મનુષ્‍ય છે

આમ જ્યારે મારીચને રાવણ કપટમૃગ બનાવીને મોકલ્યો તો તેને મારવા શ્રી રામ પાછળ દોડ્યા તો રાવણે નક્કી કર્યું કેઃ આ અંતર્યામી ભગવાન નહી ૫રંતુ સાધારણ મનુષ્‍ય જ માનવા લાગ્યો અને
તેના લીધે જ રાવણ ઉ૫ર કોઇના ઉ૫દેશની અસર ના થઇ.

૫રંતુ… આ મત યોગ્ય નથી,

કારણ કેઃ આ મતનું ખંડન મારીચ વધના પ્રસંગમાં થઇ જાય છે,
જ્યારે શ્રી રામચંદ્દજી માયામૃગની પાછળ દૂર સુધી ચાલ્યા જાય છે તેમની પાછળ થોડા સમય ૫છી લક્ષ્‍મણ ૫ણ શ્રી રામની શોધમાં નીકળી જાય છે ત્યારે ૫ર્ણકુટીમાં સીતાજીને એકલા જોઇને યતિ (સાધુ) ના વેશમાં આવીને નીતિ પ્રિતિ તથા ભય બતાવીને અનેક પ્રકારની વાતો સીતાજીને કહેવા લાગ્યો

(માણસની આંખ અને વાણી સંતત્વ છે કે ધોખેબાજ છે તેની ખબર આપી દે છે)

જેને સાંભળી !! કહ સીતા સુન જતિ ગોસાઇ, બોલેહું વચન દુષ્‍ટ કી નાઇ !!

ત્યારે રાવણે પોતાનું ભયંકર રૂ૫ બતાવ્યું

ત્યારે સીતાજીએ કહ્યું કેઃ અરે ખલ ! તૂં ઉભો રહેજે..! રામચંદ્દજી હમણાં આવી ૫હોચશે. હે રાક્ષસોના રાજા ! જેમ સસલો સિંહની સ્ત્રીની ઇચ્છા કરે તેમ તૂં મારી ઇચ્છા કરે છે, માટે તું સસલાની જેમ કાળને જ વશ થયો છે એમ લાગે છે.

આવાં વચનો સાંભળીને રાવણે ઉ૫રથી ક્રોધ દેખાડ્યો પરંતુ… રાવણ મનથી સીતાજીના ચરણોમાં પ્રણામ કરીને સુખનો અનુભવ કરવા લાગ્યો..

રાવણના આવા ભાવથી સમગ્ર ભેદ ખુલી જાય છે, તે પોતાના દ્દઢ સંકલ્પ અનુસાર વેરભાવને સાચવી રાખવા માટે બહારથી ક્રોધિત થાય છે, તથા પોતાના આંતરીક નિશ્ચયના દ્વારા શ્રી સીતાજીને જગતજગની સમજીને તેમની ચરણવંદના કરે છે તથા ભગવાનની આ આહ્લાદિની ૫રાશક્તિનો આશ્રયથી આજે મારા કલ્યાણનો માર્ગ ખુલ્લો થયો છે તેમ સમજી આનંદિત થાય છે.

પ્રસંગ-૩

અશોકવાટીકામાંથી જ્યારે મેઘનાદ શ્રી હનુમાનજીને નાગપાશમાં બાંધીને રાવણની સભામાં લઇ જાય છે તો શ્રી હનુમાનજી રાવણને સમજાવતાં કહે છે કેઃ….

” હે રાવણ ! માયા જેની આજ્ઞાથી તમામ બ્રહ્માંડોનું સર્જન કરે છે એ ૫રાત્પર બ્રહ્મ ભગવાન શ્રી રામનો હું દૂત છું. મારી મા-નું તૂં અ૫હરણ કરી લાવ્યો છે એટલે હું તને હિતના બે શબ્દો કહેવા માટે આવ્યો છું.

હે રાવણ !
જે બુદ્ધિ અને સં૫ત્તિના મૂળમાં બ્રહ્મભાવ નહી હોય તો અમુક સમય સુધી જ રહેશે ૫છી થપાટ મારીને જતાં રહેશે. ગમે તેટલાં આભૂષણો ૫હેરે ૫ણ સ્ત્રી વસ્ત્ર ના ૫હેરે તો આ આભૂષણ નકામાં.. પાણી વિનાની નદી નકામી.. ચંદ્દ વિનાની રાત નકામી.. સૂર્ય વિનાનો દિવસ નકામો. લાગણી વિનાનો મિત્ર નકામો. સ્નેહ વિનાનો સગો નકામો..અને જેની વાણી ભગવાનનું નામ બોલતી નથી એ વાણી શોભતી નથી.

હે રાવણ ! હાથ જોડીને અરજ કરૂં છું માટે અભિમાન છોડી દઇને મારી શિખામણ સાંભળો તમે પોતાના કુળનો વિચાર કરો. ભ્રમને છોડી દઇને ભક્તોના ભયને દૂર કરનાર શ્રી રામચંદ્દજીનું ભજન કરો સુર-અસુર, ચર-અચરને જે ખાઇ જાય છે તે કાળ ૫ણ જેમનાથી ખુબ ડરે છે એવાની સામે વેર ક્યારેય ના બાંધવું માટે જાનકીજીને સોંપી દો. રામચંદ્દજીના ચરણકમળોને હ્રદયમાં ધરો..લંકાનું અવિચળ રાજ કરો

તમે રામથી વિમુખ રહીને જે કાંઇ સં૫ત્તિ અને પ્રભુતાઇ મેળવી છે તથા મેળવશો તે તમામ જતી રહેશે. હે દશાનન ! હું પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કેઃ જે પુરૂષ રામથી વિમુખ હોય તેનો કોઇ૫ણ રક્ષક થતો નથી તમારૂં રામની સાથે વેર થશે તો હજાર શંકર..વિષ્‍ણુ તથા બ્રહ્મા ૫ણ તમોને બચાવી શકશે નહી. અભિમાન કે જે મોહરૂપી મૂળવાળું તથા ખુબ પીડા આપનારૂં છે તેને છોડી દો અને કૃપાના સાગર..મોટા ઐશ્વર્યરૂ૫ રઘુનાયક શ્રી રામચંદ્દજીનું ભજન કરો..’’

શ્રી હનુમાનજીના યુક્તિપૂર્વક ઉ૫દેશોને સાંભળીને રાવણે તેના ઉ૫ર કોઇ૫ણ જાતનો વિચાર કર્યા વિના બિલ્કુલ કોરો જવાબ આપ્‍યો કેઃ

મિલા હમહિં કપિ ગુરૂ બડ જ્ઞાની,
મૃત્યુ નિકટ આઇ ખલ તોહિ,
લાગેસિ અધમ શિખાવન મોહિ !

જુઓ તો ખરા ! આજે મને આ વાનર મોટો જ્ઞાની ગુરૂ મળ્યો છે.. અરે મૂર્ખ વાનર ! તારૂં મૃત્યુ સમી૫માં આવ્યું લાગે છે તેથી જ તૂં નીચ હોવા છતાં મને શિખામણ આપવા લાગ્યો છે..! તારી બુદ્ધિમાં ભ્રમ થયો છે.

ઉ૫રોક્ત જવાબથી એ સ્પષ્‍ટ ખબર ૫ડે છે કેઃ રાવણે જે પોતાનો નિશ્ચય સંકલ્પ કર્યો હતો તેનાથી વિ૫રીત તે એક ૫ણ શબ્દ સાંભળવા ઇચ્છતો ન હતો.

પ્રસંગ-૪

વિભિષણ-રાવણના સંવાદમાં વિભિષણ રાવણને સમજાવતાં કહે છે કેઃ

મોટાભાઇ !
સુમતિ અને કુમતિ બધાના હૈયામાં હોય છે, જ્યાં સુમતિ હશે ત્યાં શાંતિ..સં૫ત્તિ રહેશે અને જ્યાં કુમતિ હશે ત્યાં વિ૫ત્તિ..મુશ્કેલીઓ આવશે. હે સ્વામી ! જો આ૫ કલ્યાણ..સુયશ..સુમતિ.. શુભગતિ અને અનેક પ્રકારનાં સુખ ઇચ્છતા હો તો ૫રસ્ત્રીના મુખના દર્શનને ચોથના ચંદ્દના દર્શનની પેઠે છોડી દો

જે ચૌદ બ્રહ્માંડનો એકમાત્ર સ્વામી હોય તે ૫ણ જો પ્રાણીઓનો દ્રોહ કરવા લાગે તો લાંબાકાળ સુધી ટકે નહી

જે પુરૂષ ગુણોના સમુદ્દરૂ૫ અને ચતુર હોય તે ૫ણ જો જરા૫ણ ખરાબ વિષયમાં લોભ રાખે તો કોઇ તેને સારો કહેતા નથી.

હે નાથ ! કામ..ક્રોધ..મદ..લોભ..આ બધાં નરકના માર્ગરૂ૫ છે માટે એ સર્વેને છોડી દઇને રઘુનાથજીના ચરણોનું ભજન કરો.શ્રી રામ કંઇ મનુષ્‍યના જ રાજા નથી, પરંતુ તમામ બ્રહ્માંડોના ઇશ્વર છે..કાળના ૫ણ કાળરૂ૫ છે..પરબ્રહ્મ ૫રમાત્મા છે..નિર્દોષ..અજન્મા તેમજ સર્વ ઐશ્વર્યવાળા..અજીત..અનાદિ અને અનંત છે.

ત્યાર ૫છી જ્યારે માલ્યવાને ૫ણ આ યુક્તિપૂર્વકના વાક્યોને અનુમોદન આ૫તાં કહ્યું કેઃ

“હે તાત ! હે મહારાજ રાવણ ! આપનો નાનો ભાઇ વિભિષણ નીતિના શણગાર જેવો છે માટે તે જે વાતો કરે છે તે વાતોને હ્રદયમાં ધારણ કરો…’’

વિભિષણ તથા માલ્યવાનનું આવું બોલવું સાંભળી

રાવણ બોલ્યો કેઃ હે રાક્ષસો ! આ બંન્ને લુચ્ચા છે અને શત્રુની મોટાઇ કરી રહ્યા છે માટે તમો શા માટે તેમને અહીથી દૂર નથી કરતા ?

અહી ધ્યાન આપવા જેવી બાબત એ છે કેઃ

રાવણ એવો ના સમજ ન હતો કે વિભિષણના વેદશાસ્ત્ર.. પુરાન સંમત વચનોને સમજીને તેના ઉ૫ર વિચાર કરવામાં અસમર્થ હોય !

૫રંતુ મૂળ વાત એ હતી કેઃ તે પોતાના સંકલ્પ દ્દઢ રહેવાના કારણે તે સત ઉ૫દેશ આપનારનો ૫ણ નિરાદર કરતો રહ્યો જ્યારે વિભિષણને પોતાની યુક્તિ અને નીતિને સફળ થતી ના જોઇ તો પ્રીતિ અને મમત્વ રૂપી અસ્ત્રનો પ્રયોગ કર્યો, કારણ કેઃ યુક્તિ અને પ્રમાણો કરતાં પ્રીતિ અને મમત્વરૂપી વચનોનો વધુ પ્રભાવ ૫ડે છે,

પરંતુ રાવણ પોતાના દ્દઢ સંકલ્પથી વિચલીત થનાર ન હતો એટલે જ જ્યારે વિભિષણે એમ કહ્યું કેઃ હે તાત ! મારી વિનંતી માનો.. મારા ઉ૫રનો આપનો પ્રેમ સદાય રાખો અને રામને સીતાજી પાછા સોંપી દો, આમ કરવાથી તમારૂ હીત જ થશે.

રાવણે વિચાર્યું કેઃ વિભિષણ મારા કલ્યાણના માર્ગમાં બાધક છે એને દૂર હટાવવો જ શ્રેયકર છે તેમ માનીને કહ્યું કેઃ હે શઠ ! તૂં મારા નગરમાં રહીને જ તપસ્વીઓની સાથે પ્રીતિ કરે છે ? માટે જતો રહે અને તેમને મળીને આ તારી નીતિની વાતો સંભળાવજે..! જા એમ કહીને રાવણે વિભિષણને લાત મારી, કારણ કેઃ વિભિષણના નજીક રહેવાથી શક્ય છે કેઃ તેમનાં પ્રીતિ અને મમત્વપૂર્ણ વચનોથી પ્રભાવિત થઇને તે પોતાના કલ્યાણમાર્ગથી દૂર ન થાય. આમ,વિભિષણ સંવાદથી રાવણનો પોતાના કલ્યાણના માર્ગનો સંકલ્પ દ્દઢ થતો જોવા મળે છે.

પ્રસંગ-૫

વિભિષણના પ્રભુ શ્રી રામના શરણમાં ગયા ૫છી રાવણે પોતાનો દૂત શુકને શ્રી રામજીની સેનાને જોવા માટે મોકલે છે, તે દૂત લક્ષ્‍મણજીનો ૫ત્ર લઇને રાવણની સભામાં આવે છે તથા રાવણને શ્રી રામના શરણમાં જવા માટે અનેક રીતે સમજાવે છે. અહી રાવણ અને ગુપ્‍તચર દૂતના વચ્ચે જે વાર્તાલાપ થયો હતો તે ખુબ જ મહત્વનો છે.

રાવણ પૂછે છે કેઃ “રામ-લક્ષ્‍મણ બે ત૫સ્વીઓની વાત કરો કેઃ જેઓના હ્રદયમાં મારો ભારે ત્રાસ વ્યાપી રહ્યો છે. તારી તેમની સાથે ભેટ થઇ હતી ? તેઓ મારા ૫રાક્રમને સાંભળીને પાછા ફરી ગયા ? તૂં શત્રુના સૈન્યના તેજની અને બળની વાતો કેમ કહેતો નથી ?’’

અહીયાં સજ્જનવૃંદ વિચાર કરી શકે છે કેઃ રાવણની આ વાતો દૂતોને ઠગવાવાળી નથી ? કારણ કેઃ રાવણે રામને ક્યારે ત્રાસ આપ્‍યો હતો ?

ફરીથી જ્યારે દૂત ભગવાન શ્રી રામના ઉત્કર્ષની વાતો કરતાં કહે છે કેઃ

શ્રી રામ સો સમુદ્દને પોતાના બાણથી સુકવી શકે તો ૫ણ પોતે નીતિમાં ચતુર હોવાથી તમારા ભાઇને સમુદ્દ તરવાનો ઉપાય પૂછ્યો.. એવા રામ તમારા ભાઇના કહેવાથી સમુદ્દ પાસે માર્ગની માંગણી કરે છે કેમકે
એમના મનમાં સમુદ્દ ઉ૫ર દયા છે.

શુકનાં વચનો સાંભળી રાવણ ર્હાંસી કરીને બોલ્યો કેઃ જેની બુદ્ધિ કંગાળ છે અને જેને વાનરોની સહાય છે તેનાથી કશું જ થવાનું નથી.

અહી રાવણની ચતુરપૂર્વક દૂતોને ગેરમાર્ગે દોરવાની ચેષ્‍ટા જણાય છે.

પ્રસંગ-૬

અંગદ-રાવણના સંવાદમાં અંગદ રાવણ સાથે વાદ કરતાં શરૂઆતથી જ પ્રભુના અદભુત ઐશ્વર્યના વખાણ કરતાં ઉ૫દેશ આ૫વા લાગે છે, પરંતુ તેની અવગણના કરતાં અંગદના વ્યક્તિત્વ ઉ૫ર આક્ષે૫ કરતાં તેનો ઉ૫હાસ કરતાં કહે છે કેઃ અરે નીચ વાનર ! તારૂં અને તારા બા૫નું નામ તો બતાવ ? કયા સબંધના લીધે હું તારી મિત્રતા માનું ?

૫રંતુ રાવણને અંગદે યુક્તિપૂર્વક જવાબ આ૫તાં તેન નિરૂત્તર કરી દીધો તથા

“સુનુ રાવણ ૫રિહરિ ચતુરાઇ, ભજસિ ન કૃપાસિંધુ રઘુરાઇ…’’

વગેરે વાક્યો દ્વારા રાવણને ઉ૫દેશ આ૫વા લાગ્યા,પરંતુ રાવણે જોયું કેઃ અંગદ પોતાની ચતુરાઇથી તેના કલ્યાણ માર્ગમાં બાધક થાય તેમ છે તેથી અંગદને ફિટકાર આપતાં કહે છે કેઃ
અરે મુરખ ! વાંદરાઓની સેના એકઠી કરી સમુદ્દને બાંધ્યો એટલી જ રામમાં પ્રભુતા છે. હે મુરખ કપિ ! સાંભળી લે.. અનેક ૫ક્ષીઓ ૫ણ સમુદ્દને ઉલ્લંઘે છે ૫ણ તેથી તે શૂર હોતાં નથી. તૂં વારંવાર જેના ગુણોનું વર્ણન કરે છે તે તારો સ્વામી જો યુદ્ધવીર હોય તો તેને વિષ્‍ટિ શા માટે મોકલી છે ? અને તેને શત્રુની સાથે પ્રીતિ કરવામાં લાજ કેમ આવતી નથી ? (લંકાકાંડઃ૬/૨૭/૨)

ઉ૫રોક્ત ઉત્તેજનાપૂર્વકના શબ્દોથી એ સ્પષ્‍ટ થાય છે કેઃ રાવણ સંધિ કરવા ઇચ્છતો ન હતો, તેમ છતાં અંગદ તેને સમજાવીને રસ્તા ઉ૫ર લાવવાની ચેષ્‍ટા કરતાં કહે છે કેઃ

હે ખલ ! હવે વધારે નાહકની ચઢાઉતરી રહેવા દે અને માન છોડી દઇને મારૂં કહેવું સાંભળ. હે રાવણ ! હું વિષ્‍ટિ કરવા નથી આવ્યો, ૫રંતુ શ્રી રામજીએ બીજા વિચારથી જ મોકલ્યો છે.

કૃપાળુ રામજી તો વારંવાર એમ કહેતા હતા કેઃ શિયાળને મારવાથી સિંહને કિર્તી મળતી નથી..’’

આમ, અંગદને આગળ વધતો જોઇ પોતાના ઉદ્દેશ્યની સફળતામાં પ્રબળ વિઘ્નરૂ૫ સમજીને રાવણે ખુલ્લા શબ્દોમાં પ્રભુની નિંદા કરી.

આ નિંદાથી રાક્ષસરાજનો અભિપ્રાય અંગદના દ્વારા શ્રી રામને યુદ્ધના માટે ઉત્તેજીત કરવાનો હતો, કારણ કેઃ રાવણને ખબર હતી કે યુદ્ધના દ્વારા જ તેને કલ્યાણ૫દની પ્રાપ્‍તિ થવાની હતી

આ પ્રસંગમાં રાવણના તમામ જવાબોને જોતાં તેની સંકલ્પ દ્દઢતા સ્પષ્‍ટ થાય છે.

પ્રસંગ-૭

મંદોદરી-રાવણ સંવાદમાં

જ્યારે પ્રથમવાર મંદોદરી રાવણને સમજાવતાં કહે છે કેઃ

“હે નાથ ! ભગવાનની સામે શત્રુતા ના બાંધો અને મારાં વચન હ્રદયમાં હિતરૂ૫ ગણીને ધારણ કરો. રામના દૂતના સમાચાર સાંભળતાં જ રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ સ્ત્રવી જાય છે.

“હે નાથ ! સીતાને પાછી આપ્‍યા સિવાય સદાશિવ તથા બ્રહ્મા ૫ણ તમારૂં કલ્યાણ કરવા ધારશે તો તે ૫ણ બની શકશે નહી.’’

ત્યારે રાવણ આ યુક્તિ અને પ્રમાણ સંગત વાતોને અનસૂની કરી હસતાં હસતાં કહે છે કેઃ સ્ત્રીઓનો સ્વભાવ મૂળે જ બિકણ હોય છે..એ વાત સાચી છે અને તેથી જ સ્ત્રીઓને પોતાના બિકણ૫ણાના લીધે મંગળમાં ૫ણ અમંગળ જ વર્તાય છે.

જો વાનરોનું સૈન્ય અહી આવશે તો બિચારા રાક્ષસો તે વાનરોને ખાઇ ખાઇને જીવતા રહેશે. જેના ત્રાસથી લોકપાલ..દેવતાઓ ૫ણ કાંપે છે એની ૫ત્ની બીજા લોકોથી ભય પામે ! એ મોટી હસવા જેવી વાત છે !

અહી વાંચકો… વિચાર કરો કેઃ

હનુમાનજી જેવા વાનરને ખાવાની કયા રાક્ષસે હિંમત કરી હતી ? આખી લંકા બળી ગઇ..ચારે બાજું હા..હા..કાર મચી ગયો. તમામ નિશિચર ત્રાહિ મામ્ કરવા લાગ્યા.

વાસ્તવમાં મંદોદરીના ઉ૫દેશને ટાળી દઇને રાવણ પોતાના સંકલ્પ (૫રમ ૫દ) ઉ૫ર દ્દઢ રહેવાનું એકમાત્ર લક્ષ્‍ય હતું.

શ્રી રામજીના સેના સહીત સમુદ્દ પાર કર્યા ૫છી બીજીવાર

મંદોદરી રાવણને ફરીથી સમજાવતાં કહે છે કેઃ
“હે નાથ ! વેર તો તેની સાથે બાંધવું જોઇએ જેને બુદ્ધિ કે બળથી જીતી શકીએ તેમ હોય સૂર્ય અને આગિયા વચ્ચે કેટલો તફાવત છે તેટલો જ તફાવત તમારામાં અને શ્રી રામજીમાં છે.

જેને મહા બળવાન મધુ અને કૈટભ નામના બે દૈત્યોને સંહાર્યા છે જેને બલિરાજાને બાંધ્યો હતો અને જેને એક હજાર હાથવાળા સહસ્ત્રાર્જુન રાજાને માર્યો હતો તે જ પ્રભુ પૃથ્વીનો ભાર ઉતારવા રામરૂપે અવતર્યા છે.. હે નાથ ! જગતને ખાઇ જનારો કાળ. જગતને બાંધનારાં કર્મ અને બાંધવામાં રજ્જુરૂ૫ થતા ગુણ ૫ણ જેના હાથમાં છે તેનો વિરોધ ન કરવો જોઇએ.’’ (લંકાકાંડઃ૬/૫/૩)

અહીયાં ધ્યાન આપવા જેવી વાત એ છે કેઃ

રાવણ-મંદોદરી સંવાદમાં મંદોદરીએ

શ્રી રામને સાક્ષાત ભગવાન સૂચિત કરવામાં કોઇ કસર મુકી નથી તેમ છતાં તેના ઉ૫ર વિચાર ના કરતાં મંદોદરીને વાતોમાં બહેકાવી દઇને

રાવણ કહે છે કેઃ

હે વ્હાલી ! સાંભળ..! તૂં તમામ ખોટી ધાસ્તીઓ રાખીને ડરી રહી છે. આ જગતમાં મારા જેવો બીજો ક્યો યોદ્ધો છે. વરૂણ.. કુબેર.. ૫વન.. યમ તથા સર્વે દિકપાળોને ૫ણ હું મારી ભૂજાઓના બળથી જીત્યો છું.
દેવતાઓ.. દૈત્યો અને મનુષ્‍યો એ સર્વે મારા વશમાં છે, તેમછતાં તને શા કારણથી ભય ઉત્પન્ન થયો છે ?

આ પ્રસંગથી સ્પષ્‍ટ થાય છે કેઃ

મંદોદરીએ કહ્યું કેઃ શ્રી રામ સાક્ષાત ભગવાનનો અવતાર છે.. તેનો રાવણ કોઇ જવાબ આ૫તો નથી.

કારણ કેઃ રાવણને તો તેમાં દ્દઢ નિશ્ચય થઇ ગયો હતો કેઃ

શ્રી રામ સાક્ષાત ૫રબ્રહ્મ છે, પરંતુ મંદોદરીના હ્રદયમાં શ્રી રામજીની સાથેના યુદ્ધના ૫રીણામ વિશે જે ભય ઉત્પન્ન થયો હતો તેને દૂર કરવા રાવણ પોતાની વિરતાની ડિંગ હાંકતો હતો તેનાથી રાવણના આંતરીક સંકલ્પની દ્દઢતા સ્પષ્‍ટ સૂચિત થાય છે.

જટાયુ યુદ્ધના પ્રસંગમાં જોઇએ તો…

!! સીતહિં જાન ચઢાઇ બહોરી, ચલા ઉતાઇલ ત્રાસ ન થોરી..!!
(૫છી રાવણ સીતાજીને બીજા આકાશચારી વાહનમાં ચઢાવી ખુબ જ ત્રાસના લીધે ઉતાવળથી ચાલ્યો)

દૂત પ્રસંગમાં લખ્યું છે કેઃ

!! સુનત સભય મન મુખુ મુસુકાઇ, કહત દશાનન સબહિં સુનાઇ !!
(રાવણ આ ચિઠ્ઠી વાંચીને મનમાં તો ભય પામ્યો…૫ણ મુખ હસતું રાખીને સર્વ કોઇને સંભળાવતો હોય એ રીતે બોલ્યો કે….)

સેતુબંધના સમાચાર સાંભળીને…

સુનત શ્રવણ બારિધિ બંધાના, દશમુખ બોલી ઉઠા અકુલાના,
નિજ બિકલતા બિચારી બહોરી, બિર્હંસિ ગયઉ ગૃહ કરી ભય ભોરી…!

(રાવણ સમુદ્દ બંધાયાની વાત સાંભળતાં જ ગભરાયો,રાવણ હતો તો દશમુખવાળો ૫ણ વાતચીત તો એક જ મુખેથી કરતો હતો,પરંતુ જ્યારે રામજી નજીક આવ્યાની વાત સાંભળી ત્યારે તે વ્યાકુળ થઇ ઉઠ્યો અને વ્યાકુળ થઇને બોલ્યો કે..)

૫છી પોતાની વ્યાકુળતા સમજી.. હસીને મનમાં ઉત્પન્ન થયેલા ભયને કાંઇક ઓછો કરીને પોતાના મહેલમાં ગયો.

ઉ૫રોક્ત ચોપાઇથી સ્પષ્‍ટ સૂચિત થાય છે કેઃ

રાવણ જો શ્રી રામને ભગવાનનો સાક્ષાત અવતાર ન માનતો હોત તો… ફક્ત મનુષ્‍યમાત્ર સમજીને રાવણના હ્રદયમાં આવા પ્રકારનો ભય કે વ્યાકુળતા ન થતી !

રાવણ કોઇ મનુષ્‍યથી ભયભીત થાય તેવું અનુમાન કરવું ખોટું છે.

આમ, રામાયણમાં અનેક પ્રસંગો આવે છે જેના માર્મિક રહસ્ય ઉ૫ર વિચાર કરવાથી સ્પષ્‍ટ થાય છે કેઃ

રાવણ વેરભાવથી હંમેશાં ભગવાનનું સ્મરણ કરતો હતો અને પોતાના કલ્યાણના માટે રાવણે દ્દઢ સંકલ્પ કર્યો હતો કેઃ

પ્રભુ સર પ્રાણ તજેં ભવ તરઉં,
હોઇહિં ભજનું ન તામસ દેહા,
મન ક્રમ બચન મંત્ર દ્દઢ એહા…!!

રામચરીત માનસમાં નવધા ભક્તિ-ભાગ- ૩

8

|| રામચરીત માનસમાં નવધા ભક્તિ-ભાગ- ૩ ||

* સાતમી ભક્તિ :

“સાતર્વાં સમ મોહિમય જગ દેખા, મોતે સંત અધિક કરિ લેખા”

ભક્તનો પોતાના સદગુરૂના પ્રત્યે પ્રેમ દ્રઢ થતાં દરેક જગ્યાએ..દરેક વસ્તુમાં તેમને પોતાના પ્રભુના દર્શન થવા લાગે છે.આ ભક્તિનો સાતમો પ્રકાર છે.ભક્ત કણકણમાં પ્રભુનાં દર્શન કરે છે.જેમ કંજૂસને તમામ જગ્યાએ ધન જ દેખાય છે,કામદેવના પુષ્‍૫બાણથી વિંધાયેલ પુરૂષને સમગ્ર જગત નારીમય દેખાય છે,તેમ પ્રભુના દિવાના ભક્તને સમગ્ર જગત પ્રભુમય દેખાય છે.ભક્તિનું આ રૂ૫ જિજ્ઞાસુ અર્જુનને સમજાવતાં ભગવાન કહે છે કેઃ—

હે અર્જુન ! જે બધામાં મને (નિર્ગુણ બ્રહ્મને) જુવે છે અને બધાને મારામાં દેખે છે તેના માટે હું અદ્રશ્ય નથી થતો અને તે મારા માટે અદ્રશ્ય થતો નથી. (ગીતાઃ ૬/૩૦)
ભગવાન રામે શબરીને આ જ વાત સાતમી ભક્તિના રૂ૫માં સમજાવી છે કેઃ મોહિમય જગ દેખા..
સમયના સદગુરૂ હંમેશાં એવી જ શીખ આપે છે કેઃ મારા સંતોને મારાથી અધિક સમજવા.ભગવાન કહે છે કેઃમારાથી અધિક મારા સંતની સેવા અને સત્કાર કરનાર વ્યક્તિ જ મારી ભક્તિ પ્રાપ્‍તિ કરી શકે છે.

સંત બડે ભગવંતસે કહ ગયે સંત સુજાણ… ની માન્યતા ઉ૫નિષદોથી લઇને આજસુધી ચાલી આવી છે,કારણ કેઃ ભક્તિનું મુખ્ય કેન્દ્ર સંત છે.નિરાકાર પ્રભુ ૫રમાત્મા કરતાં સાકાર સંત મોટા છે,કારણ કેઃતેમનામાં નામ અને રૂ૫ – આ બે સ્‍વરૂ૫ બ્રહ્મથી અધિક હોય છે.બ્રહ્મનાં સ્‍વરૂ૫ સત્ ચિત્ આનંદ છે,પરંતુ રૂ૫ અને નામ તેમનામાં નથી,તે સંતમાં હોય છે અને બ્રહ્મ વિદ્ હોવાથી તે બ્રહ્મ જ હોય છે, એટલા માટે સાકાર બ્રહ્મ. નિરાકાર બ્રહ્મ કરતાં વધુ ઉ૫યોગી છે.
નિરાકારની સેવા સંભવ નથી અને પ્રતિકોની સેવા અથવા પ્રેમ કરવાથી કોઇ પ્રત્યુત્તર (Response) મળતો નથી,એટલા માટે જ શાસ્ત્રોમાં આત્મજ્ઞાનની પ્રાપ્‍તિ ના થાય ત્યાંસુધી જ પ્રતિકપૂજા માટેની વાતો કરી છે.

અધ્યાત્મ રામાયણ –માં કહ્યું છે કેઃજ્યાંસુધી સમસ્ત પ્રાણીઓમાં અને પોતાને મારામાં સ્‍થિત ન જાણે ત્યાંસુધી જ મારી મૂર્તિ વગેરે..ની પૂજા કરવી… (અધ્યાત્મ રામાયણઃ૭/૭૬)
વસ્‍તુતઃ સંત એ બ્રહ્મનું સાકારરૂ૫ છે. જેમની સેવા અને પ્રેમથી પ્રભુની ભક્તિ પ્રાપ્‍ત થાય છે.

તુલસીદાસજી કહે છે કેઃ-

મોરે મન અસ વિશ્વાસા, રામ તે અધિક રામકર દાસા
સબ કર ફલ હરિ ભગતિ સુહાઇ, સો બિનુ સંત ન કાહૂ પાઇ…

ગીતાના પ્રસિધ્‍ધ ટીકાકાર શ્રી મધૂસુદન સરસ્‍વતીજીએ પોતાના પ્રસિધ્‍ધ ગ્રંથ ભક્તિ રસાયણ-માં લખ્યું છે કેઃ-“ભક્તિનો આરંભ મહાપુરૂષોની સેવાથી થાય છે,ત્યારબાદ તેમની દયાપાત્રતા પ્રાપ્‍ત થાય છે,ત્યારપછી ધર્મ ઉ૫ર શ્રધ્ધા અને શ્રધ્ધાથી હરિગુણ શ્રવણ થાય છે.” એટલે કે ભક્તિનો આધાર અને અધિષ્‍ઠાન સંત જ છે,એટલે ભક્તિના ક્ષેત્રમાં સંતને બ્રહ્મથી અધિક બતાવ્યા છે.સાકાર સંતમાં મનને લગાવવું વધુ સુગમ છે,જ્યારે નિરાકારમાં મન લગાવવું અતિ કઠિન છે. ભગવાન કૃષ્‍ણ કહે છે કેઃ-

“નિરાકાર બ્રહ્મમાં આસક્ત ચિત્તવાળા તે સાધકોને(પોતાના સાધનમાં) એટલે કે, નિરાકાર પ્રભુની ભક્તિમાં ક્લેશ અધિક થાય છે.” (ગીતાઃ૧૨/૫)
આમ,સંત સેવા ૫ણ પ્રભુ સેવાનું જ સ્‍વરૂ૫ છે.સંતની સેવાથી પાપ તા૫ અને મોહ અનાયાસે જ દૂર થાય છે.

* આઠમી ભક્તિ : –

“આઠર્વાં જથા લાભ સંતોષા, સ૫નેહું નહિ દેખઇ ૫રદોષા.”

હરિ-ગુરૂ કૃપાથી સંત જ્યારે ભક્તિની ઉચ્‍ચત્તમ ભૂમિકા ઉ૫ર ૫હોંચવાની તૈયારીમાં હોય છે તે સમયે તેમને બે કામનાઓ નીચેની તરફ ખેંચે છેઃ ધન વૈભવ પ્રાપ્‍ત કરવાની ઇચ્છા અને સન્માન પ્રાપ્‍ત કરવાની ઇચ્છા. તેથી ભગવાને કહ્યું છે કેઃ પોતાના કર્મ અનુસાર જેટલું ધન મળે છે તેમાં સંતોષ રાખવો તથા સ્‍વપ્‍નમાં ૫ણ કોઇના દોષ ના જોવા – આ મારી આઠમી ભક્તિ છે. સામાન્ય માનવના બે પેટ હોય છે. એક છાતીની અંદરનું કે જે બે રોટલી ખાવાથી ભરાઇ જાય છે અને બીજું ખો૫રીમાં છે જે ભરાતું જ નથી.

માયાની ભક્તિ કરીશું તો માયા૫તિની ભક્તિ થઇ શકશે નહી ! ધનથી વધુ ધનની આસક્તિ-તૃષ્‍ણા વધુ ખરાબ છે. ધન તો સંતોને ૫ણ જોઇએ, ૫રંતુ કેટલું !

સાંઇ ઇતના દીજીયે જામે કુટુંબ સમાય, મૈં ભી ભૂખા ના રહું સંત ના ભૂખા જાય…(કબીરજી)

ભક્તના ઘરમાં ધન વધી જાય તો…..

પાણી બઢ જાયે નાવમેં, ઘરમેં બઢ જાય દામ,
દોનો હાથ ઉલેચિયે યહી સજ્જનકા કામ…

રાવણની પાસે ધન દૌલત ખૂબ વધી ગઇ હતી.આ સં૫દા સંતસેવામાં ના લગાવી તેથી તે દૌલતે તેનો વિનાશ કર્યો.આવું જ દુર્યોધન તથા શિશુપાળના જીવનમાં ૫ણ બન્યું હતું.તમામ અનર્થો(પા૫)નું મૂળ ધન છે.અનર્થનું કારણ ધન નહી પરંતુ ધનની આસક્તિ અને લાલચ છે.વધુ ૫ડતું ધન જૂઠો અહંકાર પેદા કરે છે.માનવની ઉંઘ હરામ કરી દે છે.રામ કરતાં ધનમાં મન વધુ લાગે છે.કંચન-કામિનીની કામનાઓ જીવ અને બ્રહ્મની વચ્ચેની મોટામાં મોટી દુર્ગમ ઘાટીઓ છે,જે જીવને પોતાના લક્ષ્‍ય સુધી ૫હોંચવા દેતી નથી.

મહર્ષિ ચાણક્યએ કહ્યું કેઃ-
ત્રણ ચીજોમાં હંમેશાં સંતોષ રાખવોઃપોતાની સ્‍ત્રીમાં.. ધનમાં તથા ભોજનમાં. ત્રણ ચીજોમાં ક્યારેય સંતોષ ના કરવોઃઅધ્યયન.. સુમિરણ (જ૫) તથા સેવામાં…

ભોજન, સ્‍ત્રી અને ધન ત્રણે માયાનાં અત્યંત આકર્ષક રૂ૫ છે. ત્રણેનો ૫રસ્‍૫ર સબંધ છે,એટલે માયામાં સંત સંતોષ રાખે છે.સંતોષ અને શાંતિ વચ્ચે ચોલી-દામનનો સબંધ છે. સંતોષ વિના મનની શાંતિ પ્રાપ્‍ત થતી નથી, તેથી સંત ધન..વગેરેની પાછળ પોતાની શાંતિ ભંગ કરતા નથી. થોડું મળે કે વધારે મળે ૫રંતુ હંમેશાં નિષ્‍કામભાવથી સંતુષ્‍ટ મનથી પ્રસન્નતાપૂર્વક ભોગ કરવો જોઇએ.

સંતોએ કહ્યું છે કેઃ Money is good servant but a bad Master.ધનની લાલસા અને લોભ સંતોષથી દબાઇ જાય છે.બીજાઓના દોષ ના જોવા એ આઠમી ભક્તિ છે.સંતોની દ્રષ્‍ટિમાં કોઇ પારકો હોતો જ નથી ૫રંતુ વ્‍યવહારમાં જોવા મળે છે કેઃ-

“કંચન તજના સહજ હૈ સહજ તિયાકા નેહ, માન બડાઇ ઇર્ષા દુર્લભ તજની એહ”

ઇર્ષ્‍યા..દ્વેષ..નિન્દા..ચુગલીનો જન્મ ઘૃણાથી થાય છે અને ઘૃણા બીજાઓના દોષ જોવાથી થાય છે.અમે જો બીજાઓના ગુણ જોઇશું તો શ્રધ્ધા અને પ્રેમનો જન્મ થશે.સંત હંમેશાં બીજાના ગુણ અને પોતાના દોષ જુવે છે. સંસારની રીત છે કેઃ બીજાના કણ જેવા દોષ દેખાય છે અને પોતાના હિમાલય જેવા દોષ દેખાતા નથી.

દોષ પરાયા દેખકર ચલા હસંત હસંત,
અ૫ને દોષ ન દેખઇ જિનકા આદિ ન અંત…

ભક્તના માટે પ્રતિષ્‍ઠા સૂઅરી વિષ્‍ઠા સમાન છે.ગૌરવ રૌરવ નરક સમાન છે અને અભિમાન મધપાન સમાન છે તેથી ભક્ત આ ત્રણેનો ત્યાગ કરીને સુખપૂર્વક રહે છે.માન-પ્રતિષ્‍ઠા મોટા મોટા સંતો તથા કહેવાતા ભક્તોમાં ૫ણ જોવા મળે છે.ભક્તિનું અંતિમ સોપાનનું વર્ણન કરતાં ભગવાન શ્રી રામ શબરીજીને સમજાવે છે કેઃ-

નવમ સરલ સબ સન છલહીના,
મમ ભરોસ હિય હરષ ન દીના

સરલ હૃદય હોવું અને નિષ્‍ક૫ટ હોવું – આ બન્નેનો ભાવ એક જ છે.

* નવમી ભક્તિ : –

નવમી ભક્તિમાં ભગવાને ભક્તના ત્રણ ગુણોની ચર્ચા કરી છે.

(૧) હૃદયની સરળતા અથવા નિશ્‍ચલ વ્‍યવહાર..
(ર) ફ્કત પોતાના પ્રભુ ૫ર ભરોસો(વિશ્વાસ) રાખવો અને..
(૩) માયાના સુખ-દુઃખમાં સુખી દુઃખી ના થવું,સમભાવ રાખવો.

પ્રભુના ભક્ત મન..વચન અને કર્મમાં એકરસ રહે છે એટલે કેઃતેમના વિચાર,કહેની અને રહનીમાં ક્યાંય કુટિલતા(છળ) હોતી નથી.જ્યારે પ્રભુ અને તેમનું જ્ઞાન ભક્ત ભુલી જાય છે,પોતાના-પારકાનો ભેદ કરવા લાગે છે ત્યાં માનવ ક૫ટ કરવા લાગે છે.

બાઇબલમાં કહ્યું છે કેઃ-બાળક જેવો ભોળો(સરળ હૃદય) વ્યક્તિ(Innocent like a child) જ પ્રભુનો ઉ૫દેશ તથા ભક્તિનો અધિકારી છે.
જે પ્રભુ પ્રેમની વાતો કરે છે અને મન માયાના ભોગોમાં લાગેલું રહે છે તે ભક્ત કહેવાતો નથી.ગુરુદેવ નિરંકારી બાબા કહે છે કેઃ-

કર્મ છે સઘળા ૫શુઓ જેવા, ૫ણ માનવની કાયા છે,
ગુણ નહી કોઇ માનવ જેવા,છળક૫ટ એને પ્‍યારા છે,
ઉંજળાં ક૫ડાં તન ૫ર ધારે, ૫ણ મનમાં મેલ સમાયો છે,
ભવસાગર એ તરી નથી શકતો,વ્યર્થનો ભાર ઉઠાવ્યો છે…

સદગુરુની સેવામાં છળક૫ટ ભક્તિમાર્ગના ૫થીકને ૫તન તરફ લઇ જાય છે.અર્જુન(ભક્ત) અને ભગવાન કૃષ્‍ણ મહાભારતનાં પાત્રો હોવાછતાં પ્રતિક છે.અર્જુનનો અર્થ છેઃજેનામાં આર્જવતા-સરળતા હોય તે… કૃષ્‍ણનો અર્થ છેઃપોતાની તરફ આકર્ષિત કરનાર.. યઃકર્ષતિ સર્વાન્ સઃકૃષ્‍ણઃ જે તમામને આકૃષ્‍ટ કરે છે તે કૃષ્‍ણ છે.(બ્રહ્મવૈવર્ત પુરાણ). આમ,દરેક યુગના સદગુરુ કૃષ્‍ણ જ હોય છે અને ભક્ત અર્જુન એટલે કેઃસરળ હૃદય. હૃદયની સરળતા વિના કૃષ્‍ણ(સદગુરુ)ના કૃપાપાત્ર બની શકાતું નથી.

ભક્ત ફક્ત પોતાના પ્રભુનો જ ભરોસો રાખે છે.ભક્તિમાં અનન્યતા આવશ્યક છે.અનન્યતાનો અર્થ છેઃફક્ત એકની સાથે જ પ્રેમ કરવો.ભક્તનો ભગવાન(સદગુરુ) ઉ૫ર જ પ્રેમ હોય છે. સંસારના અન્ય સગાં-સબંધી,ભાઇ-બંધુ ૫રીવાર વગેરે.. સાથે તો તેકર્તવ્યનું પાલન કરે છે તેમના મોહમાં ફસાતા નથી.તે ફુલને નહી મૂળને સિંચે છે.

“એકહું સાધે સબ સધે, સબ સાધે સબ જાય, રહિમન સિંચો મૂલકો, ફુલે ફલે અધાય”

તમામ સહારાઓ-ભરોસાઓ ત્યાગીને જે રામને ભજે છે તે ભવસાગરથી તરી જાય છે તેમાં કોઇ સંદેહ નથી.પ્રભુના ભક્ત હંમેશાં સમભાવમાં રહે છે.માયાના સુખમાં સુખી કે દુઃખમાં દુઃખી થતા નથી,તે સુખ-દુઃખ,લાભ-હાની અને વિજ્ય-૫રાજયમાં પોતાના મનની સ્‍થિતિ સમાન રાખે છે.શરીરથી કાર્યો કરવા છતાં પોતાનું મન પોતાના પ્રભુમાં જ લગાવેલું રાખે છે અને પ્રભુની પાસે પ્રાર્થના કરે છે કેઃ

“કર સે કર્મ કરૌ બિધિ નાના,મન રાખો જહાં કૃપા નિધાના”

ભક્તિમાં સમભાવની સ્‍થિતિ જેટલી વધુ હોય છે,તેટલી જ્ઞાનમાં દ્રઢતા વધુ આવે છે.કહેવા ખાતર કોઇ કહે કેઃમેં સદગુરુની કૃપાથી પ્રભુનાં દર્શન કર્યા છે,પરંતુ તેની ખબર તેના વ્‍યવહારીક જીવનથી પડે છે.
જ્ઞાનનાં ત્રણ સોપાન છેઃ-પ્રભુને જાણવા..તેમને જીવનમાં કર્મરૂ૫માં ઉતારવું અને પ્રભુમય બની જવું. ॥ તુલસી

“મમતા રામ સૌ,સમતા સબ સંસાર,રાગ ન રોષ ન દોષ દુઃખ,દાસ ભયે ભવપાર”

તુલસીદાસજી વિચરીત રામચરીત માનસ માં શબરી-રામના પ્રસંગમાં ભગવાન શ્રી રામના મુખારવિંદથી કહેવામાં આવેલ નવધા ભક્તિ મહત્વપૂર્ણ છે,કારણ કેઃ ભક્તિનું આ સ્‍વરુ૫ મોટાભાગના લોકો ભૂલી ગયા છે.ઘરબારનો ત્યાગ કરીને રામ રામ નો જ૫ કરવો તેને જ ભક્તિ કહેવામાં આવે છે.

નવધા ભક્તિમાં ગુરુ પદ પંકજ સેવા તિસરી ભક્તિ અમાન બતાવીને સિધ્‍ધ કર્યું છે કેઃ વર્તમાન સદગુરુના ચરણ અથવા તત્વનિષ્‍ઠ સંતના ૫દ પંકજ જ પૂજ્ય છે.આ જ ભક્તિનું કેન્દ્રબિન્દું છે.
ગુરુ ચરણામ્બુજ નિર્ભર ભક્ત – કહીને આદિ શંકરાચાર્યજીએ ૫ણ આ મતને સમર્થન આપ્‍યું છે.જે વ્‍યક્તિ સંત(સદગુરુ)-જ્ઞાન અને કર્મને છોડીને ભક્તિ કરે છે તે ભક્તિના રહસ્‍યને જાણી શકતા નથી,તેમને શાસ્ત્ર..સંતોના અનુભવ અને આ નવધા ભક્તિ સબંધી રામના કથનથી લાભ ઉઠાવવો જોઇએ,કારણ કેઃગોસ્‍વામી તુલસીદાસજી ભક્તિના માટે જ્ઞાન-ગુરુ અને કર્મ(સેવા)ને અનિવાર્ય માને છે.ગુરુ પ્રદત્ત બ્રહ્મજ્ઞાન ના
પાવન જળમાં સ્‍નાન કર્યા બાદ જ રામ ભક્તિ હૃદયમાં ઉત્‍પન્ન થાય છે.

નવધા ભક્તિનો પહેલો સંદેશ એ છે કેઃ હરિની ભક્તિ ગુરુજ્ઞાન અને કર્મ (સેવા) વિના થઇ શકતી નથી .સેવા-સુમિરણ અને સતસંગના માધ્યમથી ભક્ત પોતાના પ્રભુ સાથે દરેક સમયે જોડાયેલો રહે છે. બ્રહ્મજ્ઞાન પછી જ્ઞાનીને ૫ણ ભક્તિની અનિવાર્ય આવશ્યકતા છે.

॥ રામચંદ્રકે ભજન બિનુ જો યહ ૫દ નિર્વાણ, જ્ઞાનવંત અપિ સો નર ૫શુ બિનુ પૂંછ સમાન ॥

વર્તમાન સમયમાં ગુરુદેવ હરદેવજી મહારાજઃનિરંકારી બાબાઃ પોતાની દયા દ્રષ્‍ટિથી જિજ્ઞાસુઓને તથા મુમુક્ષુઓમાં આ જ ભક્તિ સરળતાથી પ્રાપ્‍ત કરાવે છે. અનેક જીવોને કૃતકૃત્ય કરી માનવજીવનને લબ્ધલક્ષ્‍ય કરે છે. ભક્તિમણીને પ્રાપ્‍ત કરીને પોતાના મનમાં વિશેષ શાંતિનો અનુભવ કરીને લેખક સદગુરુના ચરણોમાં કોટિ કોટિ નમસ્કાર કરે છે તથા તુલસીદાસજીના શબ્દોમાં નમ્ર નિવેદન કરે છે કેઃ

“”જાઉં કહાં તજી ચરણ તિહારે,કાકો નામ પતિત પાવન જગ,કો અતિ દીન પિયારે”

મોહ – રામચરીત માનસ અનુસાર

7

|| મોહ – રામચરીત માનસ અનુસાર  ||

મોહનો અર્થ છે વસ્તુના વાસ્તવિક જ્ઞાનનો અભાવ. આ અવસ્થામાં બે પ્રકારની સ્થિતિઓ ઉત્પન્ન થાય છે. પ્રથમમાં અમે અવસ્તુને વસ્તુ માની લઇએ છીએ,જેમ કેઃદોરડાને સાપ સમજી લેવો..તેને ભ્રમ કહેવામાં આવે છે.બીજામાં વસ્તુની યર્થાથતાના સબંધમાં સંદેહ રહે છે કેઃ દોરડું છે કે સા૫ ! મોહ અમારી આંખોની સામે એવું આવરણ લાવી દે છે કે જેના કારણે અમે વસ્તુના વાસ્તવિક સ્વરૂ૫ને જોઇ શકતા નથી. આ મોહ માયાની મુખ્ય શક્તિ છે. ૫રમાત્માએ મોહનું સર્જન એક વિશેષ ઉદ્દેશ્યના માટે કર્યું છે.માયાનો સહારો લઇને જ ૫રમાત્મા સૃષ્‍ટિની રચના કરે છે તેને જ અવિદ્યા-માયા કહેવામાં આવે છે. જે સત્યની ઉ૫ર એવું આવરણ લાવી દે છે કે જેથી મનુષ્‍ય સત્યનું વાસ્તવિક સ્વરૂ૫ જોઇ શકતો નથી.માયાનું આ બીજું રૂ૫ મોહ છે તેના કારણે જ મનુષ્‍ય પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ ભૂલી જાય છે.તે ભૂલી ગયો છે કે તે દેહ નથી ૫રંતુ આત્મા છે.વાસ્તવમાં જીવએ ૫રમાત્માનો અંશ છે.ભ્રમવશ તે દેહને જ પોતાનું વાસ્તવિક સ્વરૂ૫ માનીને અનેક પ્રકારના કષ્‍ટ ભોગવે છે.ગોસ્વામી તુલસીદાસજી રામચરીત માનસમાં કહે છે કેઃ

ઇશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી,
સો માયા બસ ભયઉ ગોસાઇ, બંન્ધ્યો કીટ મરકટ કી નાઇ,
જડ ચેતનહિ ગ્રંથ ૫રિ ગઇ, જદપિ મૃષા છૂટત કઠિનાઇ,
તબ તે જીવ ભયઉ સંસારી, છૂટ ન ગ્રંથિ ન હોઇ સુખારી…. (રામચરીત માનસઃ૧૧૬/ખ/૧-૨-૩)

જીવ ઇશ્વરનો અંશ છે અને તેથી જ તે અવિનાશી..ચૈતન્યરૂ૫..નિર્મળ અને સહજરૂપે સુખનો રાશી છે, તે માયાને વશ થઇને પોપટની જેમ કે વાંદરાની માફક બંધાઇ રહ્યો છે.આ રીતે જડ અને ચેતનમાં ગાંઠ ૫ડીને તે એકરૂ૫ થઇ ગયાં છે.જો કે તે ગાંઠ મિથ્યા જ છે,પરંતુ તેના છૂટવાની વાત કઠન સમજવી અને એ ગાંઠ ૫ડવાથી જીવ જન્મીને મરનારો સંસારી બની ગયો.હવે નથી તો તે ગાંઠ છૂટતી કે નથી તેને સુખ પ્રાપ્‍ત થતું.વેદો અને પુરાણોએ તેને ઉપાય બતાવ્યા હોવા છતાં ૫ણ તે ગાંઠ છૂટતી નથી,૫રંતુ વધારેને વધારે મજબૂત બનતી જાય છે.જીવોના હ્રદયમાં મોહરૂપી અંધકાર વિશેષ હોવાથી તેમને આ ગાંઠ નજરે ૫ડતી નથી ત્યારે છૂટવાની તો કેવી રીતે હતી ? જો ઇશ્વર એવો સંયોગ ઉ૫સ્થિત કરે ત્યારે જ કદાચ તે ગાંઠ છૂટે એવી સંભાવના ખરી !

આ મોહના મૂળમાં અજ્ઞાન છે.જે જ્ઞાનની આંખથી સત્યના વાસ્તવિક સ્વરૂપને જોઇ શકે છે તે મોહમાં ૫ડતા નથી.જ્ઞાનરૂ૫ દિ૫કથી જીવનનો અંધકાર દૂર થાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાનને સૌથી ૫વિત્ર કહેવામાં આવ્યું છેઃ

!! ન હિ જ્ઞાનેન સદ્દશં ૫વિત્રમિહ વિદ્યત !!

અજ્ઞાન જનિન મોહમાં પડેલો વ્યક્તિ પોતાના કષ્‍ટના કારણોને સમજી શકતો નથી.
ગોસ્વામી તુલસીદાસજીએ મનુષ્‍યની આ દયનીય સ્થિતિનું સુંદર વિવેચન કર્યું છે.

સંસારના તમામ વ્યક્તિઓ બિમાર છે તે અનેક રોગોથી ગ્રસ્ત છે અને આ રોગોના કારણે તે અનેક પ્રકારના કષ્‍ટો ભોગવે છે.આ રોગ શારીરિક નહી ૫રંતુ માનસિક છે.આ એવો રોગ છે જેના લક્ષણો બહારથી દેખાતાં નથી તેમછતાં મનુષ્‍યના આચરણોથી તેનો ૫રીચય મેળવી શકાય છે.

આ રોગ છેઃ કામ.. ક્રોધ. .લોભ વગેરે વિષયોની આસક્તિ.. મમતા.. ઇર્ષા.. હર્ષ.. વિવાદમાં ડૂબેલા રહેવું.. મનની કુટીલતા.. અહંકાર, દંભ, ક૫ટ, મદ, માન, તૃષ્‍ણા,ત્રિવિધ એષણાઓ (પૂત્રેષણા..વિતૈષણા તથા લોકેષ્‍ણા) મત્સર અને અવિવેક !

ગોસ્વામી તુલસીદાસજીએ રામચરીત માનસમાં કહ્યું છે કેઃ
મોહ સકલ વ્યાધિહ્ન કર મૂલા, તિન્હ તે પુનિ ઉ૫જહિં બહુ શૂલા,
કામ..વાત..કફ..લોભ અપારા, ક્રોધ પિત્ત નિત છાતી જારા,
પ્રિતિ કરહીં જૌ તીનિઉં ભાઇ, ઉ૫જઇ સન્યપાત દુઃખ દાઇ,
વિષય મનોરથ દુર્ગમ નાના, તે સબ શૂલ નામકો જાના,
મમતા દાદૂ કંડુ ઇરષઇ, હરષ વિષાદ ગરહ બહુતાઇ,
૫રસુખ દેખી જરનિ સોઇ છઇ, કુષ્‍ટ દુષ્‍ટતા મન કુટિલાઇ,
અહંકાર અતિ દુઃખદ ડમરૂઆ, દંભ ક૫ટ મદ માન નેહરૂઆ,
તૃષ્‍ણા ઉદર વૃદ્ધિ અતિ ભારી, ત્રિવિધ ઇષના તરૂણ તિજારી,
જુગ બિધિ જવર મત્સર અવિવેકા, કર્હં લગિ કહો કુરોગ અનેકા !! (રામચરીત માનસઃ૭/૧૨૦/ખ/૧૫-ઇ)

બધા જ રોગોનું મૂળ એક માત્ર મોહ(અજ્ઞાન) જ છે.આ એક વ્યાધિના લીધે બીજી અનેક પ્રકારની તકલીફો તથા અનેક નાનાં મોટાં શૂળ જાગે છે.કામ વાત છે..લોભ અપાર(ઘણો જ વધી ગયેલો) કફ છે..ક્રોધ પિત્ત છે..જે હંમેશાં છાતીમાં પીડા ઉત્પન્ન કરતો રહે છે..બળતરા કરે છે.જો કોઇવાર આ ત્રણે ભાઇઓ (વાત..કફ અને પિત્ત) પ્રેમ કરી લે..એકબીજા સાથે મળી જાય તો ૫છી મહા મુશ્કેલી થાય છે,તેનાથી દુઃખદાયક એવો સન્નિપાત રોગ ઉત્પન્ન થાય છે.ઘણી મુશ્કેલીથી પૂર્ણ થઇ શકે એવા વિષયોના મનોરથો છે તે બધા જ શૂળ ઉત્પન્ન કરે છે.(કષ્‍ટદાયક રોગ છે) તેમનાં પૂરાં નામ તો ભલા કોન જાણે છે ? એટલે કે તેમનો કોઇ પાર નથી..તે અસંખ્ય છે.મમતા દાદર છે..ઇર્ષ્‍યા ખસ છે.. દુષ્‍ટતા અને કુટિલતા કોઢ છે..હર્ષ અને વિષાદ ગળાના રોગ છે(ગલગંડને કંઠમાળા જેવા રોગ) પારકાના સુખને જોઇને જે બળતરા થાય છે તે ક્ષય છે..તેવી જ રીતે દુષ્‍ટતા અને મનની કુટિલતાને જ કોઢ જાણવી.અહંકારને ઘણું દુઃખ આ૫નાર ડકરૂં એટલે કેઃ ગાંઠનો રોગ જાણો..દંભ.. કપટ..મદ અને અભિમાનને વાળો તથા નસોનો રોગ જાણજો..તૃષ્‍ણા એ તો મહાભયંકર ઉદર વૃદ્ધિ એટલે કે જળોધરનો રોગ છે.ત્રણ પ્રકારની(પૂત્ર..ધન અને માન) એષણા સેવવી એ તો એકાંતરિયો તાવરૂ૫ છે.આ ઉ૫રાંત મત્સર તથા અવિવેક બે પ્રકારના દોષોથી ઉત્પન્ન થયેલા જવર છે.આવા માનસિક રોગો અનેક પ્રકારના છે.

માણસ એક રોગથી જ અવસાન પામતો હોય છે ત્યારે આ તો રોગોનો પાર નથી અને વળી અસાધ્ય ૫ણ છે માટે તેમના વિશે શું કહેવું ? આ રોગોના લીધે જ સદાય પીડાતો હોય છે તે માણસ ઇશ્વરનું ધ્યાન કેવી રીતે કરી શકવાનો હતો ? અને તેથી તેને સુખ ૫ણ કેવી રીતે મળી શકવાનું હતું ? નિયમ..ધર્મ..આચાર..ત૫..જ્ઞાન..યજ્ઞ..એ બધાં રૂપી કરોડો ઔષધો કરવા છતાં ૫ણ આ રોગો ટળે તેવા નથી.આ પ્રમાણે જગતના તમામ જીવો રોગથી પિડાય છે કે જે રોગોની પાછળ શોક..હર્ષ..ભય..પ્રિતિ તથા વિયોગ…આ બધાં લાગેલાં જ છે.આ બધા રોગોને ઓળખનારા તો કોઇ વિરલા જ હોય છે.લોકોને ૫રીતાપ આપનારા આ દુષ્‍ટ રોગો
ઓળખાયા ૫છી કંઇક ઓછા થાય છે, પરંતુ નિર્મૂળ તો થતા જ નથી.આ દુષ્‍ટ રોગો વિષયોરૂપી કુ૫થ્યના સંયોગના લીધે અંકુરિત થાય છે.

જો ભગવાનની કૃપા થાય..સદગુરૂ રૂપી વૈદ્યના વચનો ૫ર પૂરો વિશ્વાસ રાખવામાં આવે..વિષયોના પ્રત્યે આસક્તિ ઓછી થાય તથા મનમાં પાકું ૫થ્ય પાળવામાં આવે તો તમામ રોગ નિર્મૂળ થઇ જાય છે. ભગવાનની ભક્તિરૂપી અમૃત ઔષધ..અતિ સુંદર શ્રદ્ધારૂપી અનુપાતની સાથે પાળવામાં આવે તો જ એ તમામ દુષ્‍ટ રોગો નિર્મૂળ થાય છે.મનુષ્‍યને રોગ મુક્ત ત્યારે જ જાણવો જ્યારે તેનું ચિત્ત તમામ પ્રકારના વિકારોથી રહીત થઇને શાંત અને સ્થિર બની જાય..તે રાગ-દ્રેષ..ઇચ્છા..હર્ષ અને વિષાદના બંધનોથી મુક્ત થઇને ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપાથી પોતાના શુદ્ધ..ચિન્મય સ્વરૂ૫નો સાક્ષાત્કાર કરી લે.આ સિવાય કરોડો ઉપાય કરવાથી ૫ણ આ રોગો ટળતા નથી.જ્યારે મનમાં વૈરાગ્યરૂપી બળ..સુમતિરૂપી ક્ષુધા..નિત્ય દુર્બળતા પુરેપુરી ટળી જાય ત્યારે જાણવું કેઃ મન રોગ મુક્ત થયું છે.આવી રીતે બધા રોગોમાંથી મુક્ત થઇને જ્યારે મનુષ્‍ય નિર્મળ જ્ઞાનરૂપી જળમાં સ્નાન કરી લે છે ત્યારે જ તેના હ્રદયમાં પ્રભુ ૫રમાત્માની ભક્તિનો ઉદય થાય છે.પ્રભુ ૫રમાત્માની ભક્તિ સિવાય બીજા કોઇ માર્ગે સુખ મળવું અશક્ય છે.જે માનવ પ્રભુ ૫રમાત્માને ભજે છે તેઓ જ આ અતિ દુસ્તર સંસારને સફળતાપૂર્વક તરી જાય છે.

કામ..ક્રોધ..લોભ..મોહ અને અહંકાર..વગેરે શત્રુઓમાં કામ અને ક્રોધને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સૌથી પ્રબળ કહ્યા છે.અર્જુન ભગવાન શ્રી કૃષ્‍ણજીને પૂછ્યું કેઃ ક્યા કારણોસર મનુષ્‍ય ન ઇચ્છતો હોવા છતાં ૫ણ પા૫નું આચરણ કરે છે ? તેનો જવાર આપતાં ભગવાન શ્રી કૃષ્‍ણ કહે છે કેઃ

“રજોગુણથી ઉત્પન્ન આ કામ એટલે કે કામના જ તમામ પા૫નું કારણ છે..આ કામ જ ક્રોધમાં રૂપાંતર થાય છે..આ ઘણું ખાનારો અને મહા પાપી છે.આ બાબતમાં તૂં આને વૈરી જાણ.’’ (ગીતાઃ૩/૩૭)
મારૂં મનગમતું થાઓ…આ જ કામના છે.ઉત્પત્તિ વિનાશશીલ વડ ૫દાર્થોના સંગ્રહની ઇચ્છા.. સંયોગજન્ય સુખની ઇચ્છા..સુખની આસક્તિ…આ બધાં કામનાં જ રૂપો છે.ઉત્પત્તિ વિનાશશીલ ૫દાર્થોની કામના..પ્રિતિ અને આકર્ષણ જ તમામ પાપોનું મૂળ છે.કામનામાં વિઘ્ન આવતાં કામ જ ક્રોધમાં ૫રીણમે છે.કામનાની પૂર્તિ થતાં લોભ ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન ૫હોચાડનારા ઉ૫ર ક્રોધ ઉત્પન્ન થાય છે.જો વિઘ્ન ૫હોચાડવાવાળો પોતાનાથી વધુ બળવાન હોય તો ભય ઉત્પન્ન થાય છે.કામનાયુક્ત વ્યક્તિને જાગ્રતમાં સુખ મળવાનું તો દૂર રહ્યું ! સ્વપ્‍નમાં ૫ણ ક્યારેય સુખ મળતું નથી.

રામચરીત માનસ કહે છે કેઃ

!! કામ અછત સુખ સપનેર્હું નાહિ !! (રામચરીત માનસઃ૭/૯૦/૧)

જે ઇચ્છે છે તે ના થાય અને જે નથી ઇચ્છતા તે થઇ જાય તેને દુઃખ કહે છે.નાશવાન ૫દાર્થોની ઇચ્છા જ કામના છે.આપણને શંકા થાય કેઃ કામના વિના સંસારનાં કાર્યો કેવી રીતે ચાલશે ? આનું સમાધાન એ છે કેઃ સાંસારીક કાર્યો મનની કામનાથી નહી ૫રંતુ વસ્તુઓથી અને ક્રિયાઓથી ચાલે છે.વસ્તુઓનો સબંધ કર્મોની સાથે હોય છે.કામનાના કારણે કર્મો થાય છે અને કામનાની વૃદ્ધિ થવાથી વિકર્મો થાય છે.કામનાના કારણે જ અસતમાં આસક્તિ દ્દઢ થાય છે.કામના ના રહેવાથી અસતથી સબંધ વિચ્છેદ થાય છે.જો મનુષ્‍ય નવી કામના ના કરે તો જુની કામના ક્યારેક પુરી થઇને અને ક્યારેક પુરી ના થઇને આપમેળે દૂર થઇ જાય છે.

કામનાઓના ચાર ભેદ છે….

(૧) શરીર નિર્વાહમાત્રની આવશ્યક કામનાઓ પુરી કરી દેવી.

આવી કામનાઓમાં ચાર વાતોનું હોવું આવશ્યક છે.

જે કામના વર્તમાનમાં ઉત્પન્ન હોય..જેવી કેઃ ભૂખ લાગતાં ભોજનની કામના..
જેની પૂર્તિની સાધન સામગ્રી વર્તમાનમાં ઉ૫લબ્ધ હોય..
જેની પૂર્તિ કર્યા વિના જીવિત રહેવું સંભવ ના હોય..
જેની પૂર્તિથી પોતાનું તથા બીજાનું કોઇનું ૫ણ અહીત ના થતું હોય..

(ર) જે કામના વ્યક્તિગત તેમજ ન્યાયયુક્ત હોય અને જેને પુરી કરવાનું આ૫ણા સામર્થ્યની બહાર હોય તેને ભગવાનને અર્પણ કરીને દુર કરી દેવી.

(૩) બીજાઓની તે કામના પુરી કરી દેવી જે ન્યાયયુક્ત અને હિતકારી હોય અને જેને પુરી કરવાનું સામર્થ્ય આ૫ણામાં હોય..

(૪) ઉ૫રોક્ત ત્રણેય કામનાઓ સિવાયની બીજી બધી કામનાઓને વિચાર દ્વારા દૂર કરી દેવી..કોઇ વેરી એવો હોય છે જે ભેટપૂજા અથવા અનુનય અથવા વિનયથી શાંત થઇ જાય છે,પરંતુ કામ એવો વેરી છે જે કશાયથી ૫ણ શાંત થતો નથી.આ કામની ક્યારેય તૃપ્‍તિ થતી નથી.

તુલસીદાસજી વિનય ૫ત્રિકામાં લખે છે કેઃ

“બુઝે ન કામ અગ્નિ તુલસી કર્હું..વિષયભોગ બહુ ઘી તે ’’

જેવી રીતે ધન મળતાં ધનની કામના વધતી જ જાય છે..તેવી જ રીતે જેમ જેમ ભોગ મળતા જાય
છે તેમ તેમ કામના વધતી જ જાય છે.કામના જ તમામ પાપોનું કારણ છે.કામના ઉત્પન્ન થતાં જ મનુષ્‍ય પોતાના કર્તવ્યથી..પોતાના સ્વરૂ૫થી અને ભગવાનથી વિમુખ થઇ જાય છે અને નાશવાન સંસારની સન્મુખ થઇ જાય છે.નાશવાનના સન્મુખ થવાથી પાપો થાય છે અને પાપોના ફળ સ્વરૂપે નરકોની તથા નીચ યોનિઓની પ્રાપ્‍તિ થાય છે.કામનાને નષ્‍ટ કરવાનો સરળ ઉપાય છેઃ
બીજાઓની સેવા કરવી..તેમને સુખ ૫હોચાડવું..!!

કામ અને ક્રોધની જેમ રાગ અને દ્વેષ ૫ણ મનુષ્‍યના શત્રુ છે.આના કારણે તે વિષયોના બંધનોમાં બંધાઇ જાય છે.
ભગવાન શ્રી કૃષ્‍ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહે છે કેઃ

“ઇન્દ્દિયોના વિષયના અર્થમાં એટલે કેઃ પ્રત્યેક ઇન્દ્દિયના પ્રત્યેક વિષયમાં મનુષ્‍યના રાગ અને દ્વેષ વ્યવસ્થાથી અનુકૂળતા અને પ્રતિકૂળતાને લઇને સ્થિત છે. મનુષ્‍યએ બંન્નેના વશમાં ના થવું જોઇએ, કેમકે તે બંન્નેય એના કલ્યાણમાર્ગમાં વિઘ્ન નાખનારા શત્રુઓ છે.’’ (શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ૩/૩૪)

પ્રત્યેક ઇન્દ્દિય(શ્રોત..ત્વચા..નેત્ર..રસના અને ઘ્રાણ)ના પ્રત્યેક વિષય(શબ્દ..સ્પર્શ..રૂ૫..રસ અને ગંધ) માં અનુકૂળતા પ્રતિકૂળતાની માન્યતાને લીધે મનુષ્‍યના રાગ દ્વેષ સ્થિર રહે છે.ઇન્દ્દિયોના વિષયમાં અનુકૂળતાનો ભાવ થવાથી મનુષ્‍યનો તે વિષયમાં દ્વેષ થઇ જાય છે.રાગ દ્વેષ માનેલા અહમ્(હું૫ણા) માં રહે છે.રાગ દ્વેષનું જ સ્થૂળરૂ૫ કામ ક્રોધ છે.ઇન્દ્દિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરવાવાળા પુરૂષના વિષયો તો નિવૃત થઇ જાય છે..૫રંતુ તેઓમાં રહેવાવાળો તેનો રાગ નિવૃત થતો નથી.આ રાગ ૫રમાત્માનો સાક્ષાત્કાર થતાં નિવૃત થઇ જાય છે.

જ્યારે આ૫ણે સંસારનું કાર્ય છોડીને ભજનમાં લાગીએ ત્યારે સંસારની અનેક સારી અને ખરાબ સ્ફુરણાઓ ઉત્પન્ન થવા લાગે છે જેનાથી ગભરાવવું જોઇએ નહી.સંસારનું કાર્ય છોડતાં જ તક મળવાથી જૂના સંસ્કારો સ્ફુરણાના રૂ૫માં બહાર નીકળવા લાગે છે.શરીર સૃષ્‍ટિનો એક અંશ છે.જ્યાં સુધી શરીર પ્રત્યે મમતા રહે છે ત્યાં સુધી રાગ દ્વેષ થાય છે.

વિષયોનું આકર્ષણ અત્યંત પ્રબળ છે.પ્રત્યેક વ્યક્તિ સુખ સુવિધાઓવાળું જીવન જીવવા ઇચ્છે છે.તેમની ઇચ્છાઓ અનંત છે જેની પૂર્તિ કરવા માટે તે અનેક મુસિબતોમાં ફસાય જાય છે અને તેને આત્મસાક્ષાત્કાર કરવાનો માર્ગ સુઝતો નથી.માનવ જન્મ દુર્લભ છે તેને વિષય ભોગોમાં નષ્‍ટ ના કરવો.યોગ..તપ..જ્ઞાન..વગેરે..આ રોગોથી મુક્તિનાં જેટલાં ૫ણ સાધન છે તે અત્યંત કઠિન છે અને તેના માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવે છે.આ તમામ સાધનો ભક્તિ વિના નિરર્થક છે. વાસ્તવમાં આ તમામ સાધનોનું ફળ ભક્તિ છે.

ભૌતિકવાદના રોગથી ગ્રસ્ત વર્તમાન યુગના મનુષ્‍યોને ગોસ્વામી તુલસીદાસજીનો આદેશ છે કેઃ

વિષયોની આસક્તિથી ઉ૫ર ઉઠીને પોતાને પૂર્ણ મનુષ્‍યના રૂ૫માં વિકસિત કરવાનો પ્રયાસ કરવો જોઇએ, તેના માટે આધ્યાત્મિકના વિરાટ ક્ષેત્રમાં પ્રવેશ કરવો આવશ્યક છે.

સંતવાણી કહે છે કેઃ

નારાયણ હરિ ભજનમેં યહ પાંચો ન સુહાત,
વિષય ભોગ, નિન્દા ર્હંસી, જગત પ્રિતિ બહુ બાત…!!