શ્રાવણ માસનો મહિમા

6

|| શ્રાવણ માસનો મહિમા ||

હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ માસનું સ્થાન પાંચમું છે અને દેવશયન ચતુર્માસનો આ પ્રથમ માસ છે. આ માસમાં શિવપુરાણ અને શ્રી ભાગવતપુરાણનું વાંચન, શ્રવણ કરવાનું મહત્વ માનવામાં આવ્યું છે. શ્રાવણ માસનાં સોમવારને શ્રાવણીયા સોમવારનાં નામથી ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં જેટલું મહત્વ શ્રાવણનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તેટલું જ મહત્વ શ્રાવણીયા સોમવારનું પણ દર્શાવવામાં આવ્યું છે. આ માસમાં શિવભક્તો શૈવાલયોમાં જઈ લિંગ પૂજન કરે છે અને ભગવાન મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. શ્રાવણ મહિનામાં ગંગાજીનું પણ અતિ મહત્વ રહેલું છે શ્રાવણમાસમાં ગંગાજીમાં વર્ષાઋતુનાં નવા નીર આવે છે. આથી આ માસમાં શિવભક્તો પવિત્ર અને ચોખ્ખું ગંગાજળ લાવવા માટે હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, કાશી, ગંગાસાગર (કોલકત્તા) વગેરે પાવન સ્થળોની કાવડ યાત્રા ઉપાડે છે. આ યાત્રા ભક્તજનો મોટાભાગે ચાલીને પૂર્ણ કરે છે. આ માસમાં ગંગાજળ વડે ભગવાન શિવ ઉપર અભિષેક અને રુદ્રાભિષક કરવાનું મૂલ્ય રહેલું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગંગાજળની કાવડ લાવી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો એ એક તપમાર્ગ છે, અને આ તપમાર્ગ પર ચાલવા માટે માનવો સિવાય દેવગણ, દાનવ, યક્ષ, કિન્નર, ઋષિમુનિઓ પણ તત્પર રહે છે. સંતો કહે છે કે સોમવાર ભગવાન શિવને અત્યંત પ્રિય છે, તેથી જે ભક્તજનોને આખું વર્ષ પૂજન કરવાનું જે પુણ્ય મળે છે તે જ પુણ્ય ભક્તજનોને શ્રાવણમાસમાં ફક્ત સોમવારે શિવસાધના કરે તો પણ મળી જાય છે. વિદ્વાનોનું કહેવું છે કે દેવ-દાનવો વચ્ચેનું સમુદ્રમંથન પણ શ્રાવણમાસમાં જ થયેલું. આ સમુદ્ર મંથન દરમ્યાન જે ૧૪ રત્નો નીકળ્યાં તેમાંનું એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યો. આ ધારણ કરેલ વિષને કારણે તેમના કંઠનો તે ભાગ નીલો પડી ગયો, આથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા. શાસ્ત્રોનું કહેવું છે કે સતયુગમાં પ્રભુને શાતા આપવા માટે સમગ્ર દેવી દેવતાઓએ પ્રભુ ઉપર જળનો અભિષેક કર્યો, ત્રેતા અને દ્વાપર યુગમાં વિષપ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે પય અર્થાત દૂધનો અભિષેક કરવામાં આવ્યો, જેથી કરીને વિષ પ્રભાવ થોડો ઓછો થાય, અને આજ કારણસર આજે આ કલિયુગમાં વિષનાં આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો અને ભક્તજનો હજુ પણ ભગવાન શિવ ઉપર જલ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે. શિવ પુરાણમાં કહેલ છે કે જે જલ સમસ્ત સંસારનાં પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે તે જલ સ્વયં એ પરમાત્મા શિવનું સ્વરૂપ છે. संजीवनं समस्तस्य ॥

संजीवनं समस्तस्य जगतः सलिलात्मकम्‌।
भव इत्युच्यते रूपं भवस्य परमात्मनः ॥

આથી વિદ્વાનો કહે છે કે જે પરમાત્મા સ્વરૂપ જલ છે તેનો દુર્વ્યય ન કરવો જોઈએ. સંતો કહે છે કે ભગવાન શિવે વિષનો પ્રભાવ ઓછો કરવા માટે મસ્તક પર ચંદ્ર અને ગંગાજીને ધારણ કરેલા છે. શાસ્ત્ર અનુસાર શ્રાવણીયા સોમવારે શિવલિંગ ઉપર દૂધ અને જળ સિવાય વિશેષ વસ્તુઓ પણ અર્પિત કરવામાં આવે છે જેને શિવમુઠ્ઠીનાં નામે ઓળખવામાં આવે છે.

1

આ શિવમુઠ્ઠીમાં પ્રથમ સોમવારે અક્ષત-ચોખા, બીજા સોમવારે સફેદ તલ, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ અર્પિત કરવામાં આવે છે, સામાન્ય રીતે પ્રત્યેક માસમાં ૪ સોમવાર હોય છે પણ કવચિત પાંચમો સોમવાર શ્રાવણ માસમાં આવતો હોય તો અલગથી એક ભોગસામગ્રી અથવા સત્તુ સિધ્ધ કરાવીને ધરવામાં આવે છે. આ માસમાં બિલ્વપત્ર અને રુદ્રાક્ષ પણ ભગવાન શિવને સમર્પિત કરાય છે. એક માન્યતા અનુસાર રુદ્રાક્ષનું પ્રાગટ્ય ભગવાન શિવનાં અશ્રુઑમાંથી થયું છે. શિવપુરાણમાં કહ્યું છે કે ભસ્મ, રુદ્રાક્ષ, દૂધ, જલ, ભાંગ, બિલ્વપત્ર, શમીપર્ણ, ધતૂરો, કરેણ, અને કમળ એ ભગવાન શિવને અત્યંત પ્રિય છે તેથી આ વસ્તુઓ દ્વારા ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તજનોને ભગવાન શિવની પ્રસન્નતા મળે છે, અને ભક્તજનોનાં પૂર્વ જન્મોનાં પાપોનો ક્ષય થાય છે. પુરાતન કાળમાં શત (સો), સહસ્ત્ર (એક હજાર), કોટિ (એક કરોડ) બિલ્વપત્રથી ભગવાન શિવનું પૂજન કરવામાં આવતું હતું. એક માન્યતા અનુસાર શ્રાવણ માસમાં એક અખંડ બિલ્વપત્ર વડે શિવાર્ચન કરવાથી કોટિ બિલ્વપત્ર ચડાવવાનું ફળ મળે છે. બિલ્વપત્રની જેમ પુરાતન કાળમાં કમળપત્રથી પણ ભગવાન શિવનું પૂજન થતું હતું તેવો ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ એક સમયે ભગવાન શિવનું કોટિ કમળદલ વડે પૂજન કરતાં હતાં, ત્યારે એક કમળ દલ ઓછું પડતાં તેમણે પોતાના નેત્રકમળ કાઢીને ભગવાન શિવને ધરાવેલ, ભગવાન શિવની જેમ રાવણે કરેલ કમળપૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. ૧૭ મી સદીથી ૧૯ મી સદી દરમ્યાન ચારણો અને બારોટ પ્રજા દ્વારા ભગવાન શિવ માટે કરેલ શીશ કમળ પૂજનનો ઉલ્લેખ સાહિત્યોમાં થયેલો છે.

ઋષિમુનીઓએ કહ્યું છે કે શિવોપાસનામા માનસ પૂજાનું અને લિંગપૂજનનું પણ એટલું જ મહત્વ છે. સંતોએ અને શાસ્ત્રોએ કહ્યું છે કે દેહથી કર્મ થાય છે અને કર્મથી દેહ મળે છે તે પણ એક પ્રકારનું બંધન જ છે, પરંતુ શિવલિંગ દ્વારા થતી શિવોપાસના, શિવ સ્મરણ અને શિવોર્ચન એકમાત્ર એવું સાધન છે જે જીવોને કર્મનાં બંધનોમાંથી મુક્તિ અપાવવામાં સહાયક થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે શિવલિંગની સાથે સ્વયંભૂ શિવલિંગનો મહિમા અનેરો છે, આ સ્વયંભૂ શિવલિંગ પાવન અને પવિત્ર હોય છે, અને તેમાંયે તુલસીવન, પીપ્પલ અને વટ વૃક્ષ, તીર્થતીરે, પર્વતનાં શિખરે, નદી-સાગરનાં તટ પર, અને ગુરૂ આશ્રમ પર સ્વયંભૂ શિવલિંગ હોય તો તે પવિત્ર હોવાની સાથે સાથે પરમ સિધ્ધિદાયક પણ હોય છે.

શ્રાવણમાસમાં શિવોર્ચન જેટલું જ શિવમંત્રોનું પણ મહત્વ માનવામાં આવ્યું છે, તેથી ભગવાન શિવની ઉપાસના અને આરાધના સમયે પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય” અને મહામૃત્યુંજય મંત્રનું અનેરું મૂલ્ય છે. આ મંત્રોનો પાઠ કરવાથી દુઃખ, ભય, રોગ વગેરેનો નાશ થતાં જીવોને શાંતિ અને દીર્ઘાયુ મળે છે. આ ઉપરાંત આ માસમાં શિવામૃત, શિવ ચાલીસા, શિવ કવચ, રામચરિત માનસ, શ્રીમદ ભાગવત આદીનો પાઠ શુભ મનાયો છે. ભગવન શિવનો શ્રાવણ માસ માસોત્તમ કહેવાયો છે. આ માસનો પ્રત્યેક દિન ધર્મ પૂજન, કર્મ દાન અને સ્મરણ આસ્થાને લઈને આવે છે તેથી શ્રાવણ માસ, શ્રવણ નક્ષત્ર અને શિવનું પૂજન એ ભક્તજનો માટે એકદમ વિશિષ્ટ બની રહે છે.

|| શિવ આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ ||

શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની આરાધના અને ઉપાસનાનું પર્વ. દર વર્ષે આવતા આ પવિત્ર શ્રાવણમાસમાં શિવની પૂજા – અર્ચના થાય છે. ભક્તજનો અનેક રીતે ઉપાસના કરે છે. શ્રાવણમાસ શરૃ થતાં જ શિવલિંગ ઉપર અભિષેક – બીલીપત્ર ચઢાવાય છે. ઘણા શિવ મંદિરોમાં પ્રાતઃકાલથી રૃદ્રાભિષેક કરવામાં આવે છે. આ રૃદ્રાભિષેકમાં રૃદ્રીનો પાંચમો અધ્યાય અગિયાર વખત આવર્તન કરવાથી એક રૃદ્વાભિષેક થાય અથવા મહિમ્ન સ્ત્રોત એકાદશવાર કરવાથી એક રૃદ્રાભિષેક થાય છે. આ રૃદ્રાભિષેકમાં ગાંગાજળ, દૂધ, પંચામૃત ચઢાવવામાં આવે છે. આ માસ દરમિયાન અખંડ દીપ પણ રાખવામાં આવે છે. શ્રાવણી સોમવારના દિવસે તો શિવમંદિરોમાં સવારથી મધ્યરાત્રી સુધી ભક્તોની લાંબી લાઇન લાગે છે. આ દરેક શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ભક્તિ કરવાથી નવા કાર્યો કરવાની હિંમત મળે છે.� આજના જમાનામાં લોકો હંમેશા આધિ, વ્યાધિ તેમજ ઉપાધિની માયાજાળમાં ફસાયેલા રહે છે. આ માત્ર એક કારણ હોઇ શકે કે શાંતિ પ્રાપ્ત કરવા લોકો આધ્યાત્મના માર્ગે વળ્યા છે. જેના કારણે તેઓ મંદિરે જઇ શાંતિનો અહેસાસ કરે છે.

શ્રાવણ મહિનામાં મોટા ભાગના લોકો આખો મહિનો ઉપવાસ – એકટાણા કરે છે. એટલું જ નહીં જે લોકો આખો મહિનો નહીં, તેઓ સોમવારના વ્રત તો અચૂક કરે છે. મનમાં શ્રદ્ધા રાખવાથી ભક્તિનો અનુભવ થાય છે. ઘણી વાર મુશ્કેલ જણાતાં કાર્યોમાં સફળતા મળતા ઇશ્વર પ્રત્યેની આસ્થા વધી જાય છે.

ભારતીય વૈદિક સંસ્કૃતિમાં શિવપૂજા હજારો વર્ષથી ચાલી રહી છે. મહાદેવ એટલે દેવોના દેવ શિવ ભોળાનાથ. તેમનાં મંદિરો સમગ્ર ભારતમાં સર્વત્ર જોવા મળે છે. વિશ્વમાં પણ જ્યાં જ્યાં હિન્દુ સંસ્કૃતિ વસી છે, વિસ્તરી છે ત્યાં ત્યાં શિવમંદિરો છે અને શિવપૂજા થાય છે. એમાં પણ શ્રાવણ માસ આવે એટલે આપણે આબાલ વૃદ્ધ સૌ શિવજીને યાદ કરીએ છીએ. શિવ એટલે કલ્યાણ કરનાર દેવ. આવા શિવજીનું એક લક્ષણ છે ભોળપણ. શિવ ઝડપથી પ્રસન્ન થાય છે અને શિવ એકાએક કુપિત પણ થાય છે. શિવની પ્રસન્નતાનો પ્રસાદ પુષ્પદંત જેવા ગંધર્વને પણ મળે છે અને રાવણ જેવા વિદ્વાન વિપ્ર અસુરને પણ મળ્યો હતો.

રામચંદ્રજીએ પણ શિવજીની સ્થાપના રામેશ્વરમાં કરી હતી. આમ શિવજી અદનાઆદમીથી માંડીને દેવોના પણ મહાદેવ છે. એમાં પણ શ્રાવણ મહિનો આવે એટલે દેવાધિદેવ શંકરની ઉપાસના કરવાનો મહિનો. શ્રાવણ માસમાં માનવ હૈયામાં પ્રેમમંદિરો રચાય છે અને શિવમંદિરો પણ મંડિત થાય છે. એકમાં પ્રેમની ભીનાશ પ્રગટે છે તો બીજામાં ભક્તિની ભીનાશ માનવ મનને ભીંજવે છે. માનવ અને મહાદેવ પ્રેમના સેતુથી શ્રાવણમાં સંકોરાય છે. પ્રેમ વિના માનવ, માનવીને કે મહાદેવને ન મેળવી શકે. શિવ તત્ત્વ કે શ્રેયતત્ત્વ ન પામી શકે. આ સિવાય માનવજીવનને ભક્તથી ભીંજવે એવું એક સ્તોત્ર તે શિવમહિમ્ન સ્તોત્ર. આ સ્તોત્રના પાઠ શ્રાવણમાસ દરમિયાન ખાસ કરવા જોઇએ.

|| શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનું મહત્વ ||

આદિકાળથી વિશ્વની સંસ્કૃતિઓમાં હિંદુ સંસ્કૃતિ આજે પણ શ્રદ્ધા અને ભક્તિથી જીવિત છે. આખા વર્ષ દરમિયાન શ્રદ્ધા અને ભક્તિભાવ સમા અનેક તહેવારો – પર્વોએ ભારતીય સંસ્કૃતિના ઉત્સવોની પરંપરાનું ઋતુચક્ર ટકાવી રાખ્યું છે. એમાંયે અષાઢ અને શ્રાવણી તહેવારોનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં અનેરૃ જોવા મળે છે. શ્રાવણ માસનું જેટલું મહત્ત્વ છે એનાથી વિશેષ મહત્ત્વ શ્રાવણમાં શિવ ઉપાસનાનું છે. આ માસમાં શિવનો મહિમાં અત્યંત પવિત્ર અને ફળદાયી ગણાય છે. એમ કહેવાય છે કે સમુદ્રમંથન થયું ત્યારે તેમાંથી જે અમૃત નીકળ્યું તે પીવા માટે બધા દેવો તૈયાર થયા પરંતુ જે વિષ નીકળ્યું તે પીવા કોઇ તૈયાર ન થયું ત્યારે છેવટે ભગવાન શંકરે એ વિષપાન કર્યું હતું. આ વિષપાન ભગવાન શંકરે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કરેલું હોઇ તે મહિના અને શ્રાવણ સોમવારનું મહત્ત્વ હિંદુઓમાં વિશેષ લેખાય છે.

વહેલી સવારે સ્નાન કરીને નવા વસ્ત્રો પરિધાન કરી પૂરા શ્રાવણ માસ દરમિયાન મહાદેવના મંદિરે છેલ્લા દિવસ સુધી જઇ મહાદેવજીના શિવલિંગ ઉપર જળાભિષેક કરવામાં આવે છે. બ્રાહ્મણો શિવમંદિરોમાં જઇને અનુષ્ઠાનો, રૃદ્રાભિષેક, બિલીપત્રો વડે પૂજા અર્ચન કરીને સાત્વિક પુણ્યકર્મ કમાવે છે. આ દિવસોમાં ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક શિવપૂજન કરવાથી બધાં પાપકર્મો નષ્ટ થઇ જાય છે અને પુણ્યાત્મ મોક્ષને પ્રાપ્ત થાય છે.

શિવપૂજનની સાથે શ્રાવણમાસમાં પાર્થિવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં ખાસ આંકવામાં આવ્યું છે. જેમાં કર્મકાંડી અને શિવઉપાસક બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાના – નાના સુંદર શિવલિંગો બનાવીને રોજ એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પાતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૃપે એ વિસર્જન ક્રિયામાં જોડાય છે અને શિવસ્તુતિ પણ કરે છે. આ ઉપરાંત શૈવેકા દશનામ મંત્રજપ શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે. (૧) ઓમ રુગોરાય નમ: (૨) ઓમ પશુપતેય નમઃ (૩) ઓમ સર્વાયે નમઃ (૪) ઓમ વિરુપાશ્ચાય નમઃ( ૫) ઓમ વિષ્ણુરૃપિણે નમઃ ( ૬) ઓમ ત્રંબકાય નમઃ (૭) ઓમ કપર્ર્યાિદને નમઃ (૮) ઓમ ભૈરવાય નમઃ (૯) ઓમ શૂરપાણે નમઃ (૧૦) ઓમ ઇશાનાય નમઃ.

Leave a comment