પવિત્ર માસ – અધિક માસ

5

|| પવિત્ર માસ – અધિક માસ ||

આપણો દેશ ધર્મપ્રેમી દેશ છે. વર્ષભર અનેક ધર્મોના તહેવારોમાં વિવિધ દેવી દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. પરંતુ અધિકમાસ એક એવો મહિનો છે જે દરમિયાન લોકો અધિક ભક્તિમય બની જાય છે. અધિક માસ આવતાંજ લોકો યાત્રા અને પવિત્ર નદીઓના સ્થળે વધું જતાં જોવા મળે છે. આ મહિનામાં દરેક ધાર્મિક અને સાર્વજનિક સ્થળોએ ભજન,કિર્તન, સત્સંગ અને મહાભારત, રામાયણ કે ભાગવતની કથાવાર્તાઓનું આયોજન કરવામાં આવે છે.

આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ દુનિયાને બનાવનારા બ્રહ્માજીના પિતાને પુરુષોત્તમ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના અધ્યાયમાં કહ્યું છે કે ” આ પૃથ્વી કોઈપણ આધાર વગર જમીન પર ભ્રમણ કરી રહી છે તે કેવી રીતે ? આનો મતલબ છે મારું અસ્તિત્વ આ દુનિયામાં છે. હું આ સર્વનું સંચાલન કરું છું. આ દુનિયામાં બધા જીવોનો નાશ થાય છે પણ હું અમર છું. આ દુનિયાના બધાં પ્રાણીઓમાં હું છું. જે લોકોના મનમાં પૃથ્વી પરના પ્રત્યેક જીવો માટે પ્રેમભાવ છે, જે લોકો ઈર્ષા, દંભ, અને વેરભાવને ભૂલી નિષ્કામ બનીને ગરીબ અને અસહાયોની મદદ કરે છે તેઓ જ મારું પુરુષોત્તમ સ્વરુપ ઓળખી શકે છે ”

આ મહિનામાં દાન પુણ્યનું અધિક મહત્વ છે. જે લોકો અધિકમાસમાં દાન-પુણ્ય કરે છે, ધાર્મિક કથાઓ,સત્સંગ અને ઈશ્વરની સેવામાં પોતાનો સમય વિતાવે છે, તેઓના પાછલાં બધાં પાપો ધોવાઈ જાય છે, અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોટાભાગે લોકો એવું માને છે કે ભજન-કિર્તન, સત્સંગમાં તો ઘરડાં લોકો જ જાય છે,યુવાનોએ તો હમણાં ખાઈ પીને મોજ કરવાની હોય છે, વૃધ્ધાવસ્થામાં ઈશ્વરનું નામ લઈશું, પણ એવું નથી. ઈશ્વરની સર્વને હંમેશા જરુર પડે છે.

તમે કોઈ મુસીબતમાં ફસાયા હોય તો સૌથી પહેલાં તમે કોને યાદ કરો છો ? ઈશ્વરને જ ને ? કારણ કે આપણા મુખેથી મુસીબતમાં આ જ શબ્દો નીકળે છે કે ‘ હે ઈશ્વર મને મદદ કરજે” અને આપણે કોઈ મુસીબતમાંથી બચી ગયા હોય તો પણ એવું જ કહીએ છે કે “આજે તો ઈશ્વરના કૃપાથી બચી ગયો” મતલબ દરેકના દિલમાં ક્યાંક તો ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા છે જ. તો પછી કેમ નહિ આ મહિનામાં ઈશ્વરની સેવા કરવાનું પુણ્ય કમાવી લઈએ. તેને માટે ખાસ મંદિરમા જવાની કે કલાકો સુધી ભજન કિર્તન કરવાની જરુર નથી. તમે કોઈ ગરીબની મદદ કરશો, કોઈ ભૂખ્યાને ભોજન આપશો તો પણ તમે ઈશ્વરની સેવા કરી કહેવાશે. તમે દિવસભર ભૂખ્યા રહીને ઈશ્વરનું ધ્યાન ઘરતાં રહ્યાં અને સાંજે કોઈ ભૂખ્યો માણસ કે પ્રાણી આવીને તમારા દરવાજે ઉભો હોય જેને તમે એક રોટલી પણ ન આપી શકો તો તમારો ઉપવાસ પણ વ્યર્થ છે કારણ તેને ઈશ્વર પણ નહિ કબૂલે.

ગુજરાતમાં આ માસમાં લોકો દાન પૂજન ખૂબ કરે છે. ધણાં લોકો અધિક માસમાં ખાસ સત્યનારાયણ ભગવાનની કથા કરે છે. આમ, અધિકમાસને પવિત્રમાસ એટલા માટે જ કહ્યો છે જે દરમિયાન દરેક માનવ સારા કર્મો કરીને પવિત્ર થઈ જાય. તો ચાલો અધિકમાસને પૂરા થવાના જૂજ દિવસો જ બાકી છે તો આપણે પણ થોડું પુણ્ય કમાવી લઈએ.

|| કેવી રીતે બને છે અધિકમાસ ||

માનવ માત્રને પાવન કરનારો પુરુષોત્તમ માસ અધિકસ્ય્ ફલમ્

સર્વ માસોમાં સર્વ શ્રેષ્ઠ માસ કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે. જેને અધિક માસ પણ કહેવામાં આવે છે. અધિક માસ એટલે આપણે આપણા જીવનમાં અધિક ભક્તિ અને સત્સંગ, કથા અને કીર્તન, ધૂન અને ધ્યાન કરવાનો માસ. આ પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે.

પુરુષોત્તમ માસ એટલે… સત્સંગ, સ્મરણ, સેવાના ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ભગવાનના અક્ષરધામને પામવાનો પરમ પવિત્ર માસ.

આવો પાવનકારી પુરુષોત્તમ – અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે એની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થતાં જે સમય લાગે તેને ચંદ્રમાસ કહેવાય. આ ચંદ્રની પ્રદક્ષિણાઓ પૂરી થતાં ૩૫૪ દિવસ, ૮ કલાક, ૪૮ મિનિટ અને ૩૩.૫૫ સેકંડ જેટલો સમય લાગે છે.

પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી થાય તેને વર્ષ કહેવાય છે અને ૩૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ ૪૭.૫ સેકન્ડ જેટલો સમય લાગે છે.આમ થવાથી ચાંદ્રમાન વર્ષ અને સૌરમાન વર્ષ વચ્ચે ૧૧ દિવસનું અંતર પડે છે. આ અંતર વધવા નહીં દેતાં દર ત્રીજે વર્ષે એક માસનો ઉમેરો કરી દેવાય છે. આ ઉમેરેલા માસને પુરુષોત્તમ કે અધિકમાસ કહેવામાં આવે છે.

આ અધિક માસ ૩૨ મહિના, ૧૬ દિવસ અને ૪ ઘડીના અંતરે આવ્યા કરે છે. આ મહિનામાં સૂર્ય-સંક્રાન્તિ થતી નથી તેથી અધિક માસ શુભકાર્યોમાં વર્જિત ગણવામાં આવેલો છે.

સંક્રાંતિ રહિત અધિક માસ પ્રત્યેક ૨૮ મહિનાથી વધુ તથા ૩૬ મહિના ૫હેલાં આવતો હોય છે. અધિક માસમાં વિવાહ, યજ્ઞ મહોત્સવ, દેવપ્રતિષ્‍ઠા… વગેરે માંગલિક કાર્ય કરવાનો નિરોધ છે.

પ્રાચિન કાળમાં સર્વપ્રથમ અધિક માસની શરૂઆત થઇ ત્યારે આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ ના હોવાથી તે મલમાસ કહેવાયો. આ સ્‍વામી રહિત મલમાસમાં દેવ.. પિતર.. વગેરેની પૂજા તથા માંગલિક કાર્ય થતાં ન હોવાથી લોકો તેની ઘોર નિંદા કરવા લાગ્યા. આ પ્રકારની લોક-ભત્‍સનાથી ચિંતાતુર બની મલમાસ ચિંતાતુર બની જે ક્ષર તથા અક્ષરથી અતિત, અવ્યક્ત હોવા છતાં ભક્તોના પ્રેમના માટે વ્યક્ત(પ્રગટ) થાય છે તેવા અક્ષરબ્રહ્મ, આનંદસિધું પુરૂષોત્તમ ભગવાન વિષ્‍ણુના શરણોમાં જઇને પ્રભુને પ્રાર્થના કરે છે કેઃ હું એક જ એવો અભાગી છું કે જેનું કોઇ નામ નથી, કોઇ સ્‍વામી કે આશ્રય નથી, શુભ કર્મોથી મારો તિરસ્‍કાર કરવામાં આવે છે. મલમાસને શરણાગત બનેલો જોઇને ભગવાને કહ્યું કેઃ સદગુણો, કીર્તિ, પ્રભાવ, ષડૈશ્ર્વર્ય ૫રાક્રમ, ભક્તોને વરદાન આ૫વાં… વગેરે જેટલા ૫ણ ગુણ મારામાં છે અને તેનાથી હું સમગ્ર વિશ્ર્વમાં પુરૂષોત્તમ નામથી વિખ્યાત છું, તેવી જ રીતે આ મલિનમાસ ૫ણ ભૂતલ ૫ર પુરૂષોત્તમ નામથી પ્રસિધ્‍ધ થશે. મારામાં જેટલા સદગુણ છે તે તમામને આજથી મેં મલિનમાસને આપી દીધા છે. મારૂં નામ જે વેદ, લોક અને શાસ્‍ત્રોમાં વિખ્યાત છે, આજથી તે પુરૂષોત્તમ માસ નામથી આ મલિનમાસ વિખ્યાત થશે અને હું પોતે આ માસનો સ્‍વામી બની ગયો છું. જે ૫રમધામ પહોંચવા મુનિ, મહર્ષિ કઠોર ત૫સ્‍યામાં નિરંતર લાગેલા રહે છે તે દુર્લભ ૫દ પુરૂષોત્તમ માસમાં સ્‍નાન, પૂજા, અનુષ્‍ઠાન, સેવા, સુમિરણ, સત્‍સંગ કરનાર ભક્તોને સુગમતાથી પ્રાપ્‍ત થશે. આ બારેય મહિનામાં સર્વશ્રેષ્‍ઠ માસના નામથી વિખ્યાત થશે.

પ્રત્‍યેક ત્રીજા વર્ષે પુરૂષોત્તમ માસના આગમન ૫ર જે વ્‍યક્તિ શ્રધ્‍ધા-ભક્તિની સાથે સેવા, સુમિરણ, સત્સંગ, વ્રત, ઉ૫વાસ, પૂજા.. વગેરે શુભ કર્મો કરે છે તેમની ઉ૫ર ભગવાન પ્રસન્ન થાય છે અને તે પોતાના સમસ્ત પરિવાર સહિત નિર્મળ ભક્તિ પ્રાપ્‍તિ કરે છે.

Leave a comment