ગાંધીજી: ઈતિહાસપુરુષ અને વિશ્ર્વપુરુષ

5

|| ગાંધીજી: ઈતિહાસપુરુષ અને વિશ્ર્વપુરુષ ||

“દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં વકીલ એમ. કે. ગાંધીની પ્રતિમા”

મોહનદાસ કરમચંદ ગાંધી એક એવો વિષય છે જેના વિશે અભ્યાસનો અંત નથી. ૧૯૪૮માં અવસાન પામેલા ગાંધીને ર૦૦૪માં હજી આપણે છોડી શકતા નથી. એક પણ એવો દિવસ જતો નથી કે દેશનાં પ્રમુખ સમાચારપત્રોમાં ગાંધીજીનું નામ ન હોય! ગાંધીજીએ સ્વયં એક વાર સૂચક રીતે કહ્યું હતું કે મૃત્યુ પછી પણ ભારતવર્ષ સાથેનો મારો સંબંધ નહીં છૂટે. ગાંધી શબ્દ હિન્દુસ્તાન માટે એક બેરોમીટર છે, એલ્ટોમીટર છે, પ્રગતિનાં બધાં જ પરિમાણો માપવાનું પ્રેરણામીટર છે અને ગાંધીજીના સોલ સેલિંગ એજન્ટ્સ જેવા ગાંધીવાદીઓ પણ છે, ખાસ કરીને ગુજરાતમાં, જેમની બંડીમાં ધબ્બો મારો તો હજી ૧૯૩૮ની ધૂળ ઊડે છે. નિરક્ષર, અલ્પાક્ષર, અર્ધશિક્ષિત, એકેન્દ્રીય, બંધદિમાગી, સડિયલ કથિત અનુયાયીઓ હજી છે અને વિકાસમાર્ગમાં સ્પીડબ્રેકર કે ગતિરોધની જેમ પડ્યા રહ્યા છે. ઉમાશંકર જોષી કહેતા હતા: ગાંધીજી ગાંધીવાદી ન હતા…!

અને ગાંધીજી વિશે વિશ્ર્વભરમાંથી સમાચારો આવતા રહે છે અને આપણા ગુજરાતી પત્રો અને પ્રસાર-માધ્યમો એ વિશે માત્ર બેખબર નહીં, પણ પૂર્ણ બેહોશીની સુખદ અવસ્થામાં છે. આ આપણી ટ્રેજેડી છે કે કોમેડી છે એ સમજાતું નથી, પણ અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે જે આ સ્થિતિ માટે ઉપયુક્ત છે: ટ્રેજીકોમેડી! એટલે કે કરુણ-રમૂજી! ગાંધીજીના વિચારો એ યુગમાં પણ આધુનિક હતા, અને હું ચોક્કસ માનું છું કે ર૦૦૪માં જો ગાંધીજી જીવિત હોત તો આજની યુવાપેઢીનો આદર્શ રોલ-મોડલ હોત! ગાંધીજીમાં એ મૌલિકતા હતી. ગુજરાતના કેટલાક વર્ગોમાં ગાંધીજીને સતત ગાળો બોલતા રહેવાનો વાઈરસ ફેલાયો છે. પોતાનો આત્મવિશ્ર્વાસ વધતો હોય તો એમને માટે આ ‘થેરપી’ પણ ખોટી નથી. ગાળો બોલનારની ભીરુતા પર વીરત્વનું આ પ્રકારનુંં વાર્નિશ ચડાવવું ઘણીવાર જરૂરી પણ હોય છે. પણ આવી નકારાત્મક ઉપદ્રવી પ્રવૃત્તિ હિમાલયને કાંકરીઓ મારવાથી વિશેષ નથી. વીસમી સદીના ભારતવર્ષના ઈતિહાસના સર્વોચ્ચ ઈતિહાસપુરુષ તરીકે સમગ્ર વિશ્ર્વે એક જ વ્યક્તિને સ્વીકાર્યા છે: મહાત્મા ગાંધી!

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગના ગાંધી સ્કેવરમાં ગાંધીજીની અઢી મીટર એટલે કે લગભગ ૮ ફિટ ઊંચી પ્રતિમા મુકાઈ છે જેમાં જવાન વકીલ એમ.કે. ગાંધી છે, હાથમાં કાનૂનની કિતાબ, સૂટ અને વકીલનો ગાઉન છે! ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા આવેલા બેરિસ્ટર ગાંધીએ ર૧ વર્ષ સુધી જુલ્મી કાનૂનો સામે લડત આપી હતી. સાયપ્રસના નીકોસીઆમાં ગાંધીજીની પ્રતિમાને ગાંધીજયંતી સમયે પ્રધાનમંત્રી વાજપેયીએ પુષ્પાંજલિ આપી હતી. સાનફ્રાન્સિકોના પાયર ૩૮ વિસ્તારમાં, જે પર્યટકોની પ્રિય જગ્યા છે, ગાંધીજીની પ્રતિમા છે. બર્લિનની પૂર્વ દીવાલના ચેકપોઈન્ટ-ચાર્લીના મ્યુઝિયમના દ્વાર પર દાંત વગરનું શાંતિપૂર્ણ સ્મિત ગાંધીજી આપી રહ્યા છે. અમેરિકાના ડેનવર સિટી પાર્કના પ્લાઝામાં માર્ટિન લ્યુથર કિંગની પ્રતિમાની બાજુમાં ગાંધીજીની પ્રતીમા છે.

લંડનમાં ગાંધીજીની પ્રતિમા છે. ગાંધીજીની હત્યા થઈ ત્યારે વિશ્ર્વભરમાંથી અંજલિઓ આવી, પણ શ્રેષ્ઠ કવિતાલીટી બ્રાઝિલની એક પોર્ટુગીઝભાષી કવયિત્રીની હતી: બૂઢા ઈશ્ર્વરે ચશ્માં ઉતાર્યાં, અને એક આંખમાંથી એક આંસું ખરી પડ્યું! જર્મનીના સ્ટુટગાર્ટ શહેરના બુર્ગોલઝોફ વિસ્તારમાં એક માર્ગનું નામ મહાત્મા ગાંધી માર્ગ છે. ન્યૂ યોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની અંદર જે વાક્યો લખેલાં છે એમાં એક વાક્ય મોહનદાસ કે. ગાંધીનું છે. ઈઝરાયલના રાષ્ટ્રપિતા ડેવિડ બેનગુરિયોંનું ઘર નેગેવના રેગિસ્તાનના કિબુત્ઝમાં આજે પણ એમ જ રાખ્યું છે અને એમાં ગાંધીજીનો લટકાવેલો ફોટો એમ જ છે. હવાઈના વાઈકીકી બીચ પર પ્રશાંત મહાસાગર તરફ જોઈ રહેલી ગાંધીજીની પ્રતિમા ઊભી છે. યુરોપના દેશ લક્ષમબર્ગમાં ગાંધીજીની અર્ધપ્રતિમા (બસ્ટ) પર શીતમાનમાં હિમ વરસતું રહે છે. જર્મનીના બર્લિનની એક સ્કૂલને મહાત્મા ગાંધી ઓબ્સર સ્કૂલ નામ અપાયું છે. ગાંધીજી કોણ હતા? રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે ગાંધીજી લંડન ગયા ત્યારે નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉ મળવા આવ્યા હતા. બીજા એક મુલાકાતી હતા: અભિનેતા ચાર્લી ચેપ્લિન. દક્ષિણ આફ્રિકાના વિશ્ર્વનેતા જાન ક્રિસ્ટીઅન સ્મટ્સ માટે ગાંધીજીએ ત્યાંની જેલમાં સ્વહસ્તે બનાવેલાં ચપ્પલ મોકલ્યાં હતાં, જે આજે પણ સાચવી રખાયાં છે. ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથનાં લગ્ન સમયે ગાંંધીજીએ એક મહિના સુધી હાથે કાંતેલી ખાદીનું ટેબલકવર મોકલ્યું હતું, જે સમ્રાજ્ઞીને મળેલી અબજો પાઉન્ડની ભેટ-સોગાદોમાં સૌથી સસ્તી ભેટ હતી, અને સૌથી મહામૂલ્યવાન ભેટ હતી અને આજે પણ એ ભેટ સાદર સાચવવામાં આવી છે. અમેરિકાના મીશીગનના ડિયરબોર્નમાં ફોર્ડ મોટર કંપનીના મુખ્યાલયમાં ગાંધીજીએ મોટરકારોના જન્મદાતા હેનરી ફોર્ડને મોકલેલો એક રેંટિયો રાખવામાં આવ્યો છે. વીસમી સદીના શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગાંધીજીના ૭૦મા જન્મદિવસે કહ્યું હતું એ વાક્ય આજે વિશ્ર્વપ્રસિદ્ધ થઈ ગયું છે: આવનારી પેઢીઓ ભાગ્યે જ માની શકશે કે આવો કોઈ માણસ, માંસ અને રક્તનો બનેલો માણસ, આ પૃથ્વી પર ચાલ્યો હશે! દુનિયાભરના ડઝનો દેશોએ ગાંધીજીની ટિકિટો બહાર પાડી છે. હોંગકોંગના ‘એશિયા-વીક’ સાપ્તાહિકે તંત્રીલેખમાં લખ્યું હતું કે પ૦ વર્ષ પછી મહાત્મા ગાંધીને મરણોપરાંત શાંતિ માટે નૉબેલ પુરસ્કાર આપીને નૉબેલ કમિટીએ પોતાની વિરાટ ભૂલનો પશ્ર્ચાત્તાપ કરી લેવો જોઈએ. ઈઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી શિમોન પેરેઝના મતાનુસાર વિશ્ર્વે છેલ્લી બે સદીઓમાં બે મહાન પુરુષો જોયાં છે: એક નેપોલિયન અને બીજા ગાંધી. રવીન્દ્રનાથ ટાગોરને ગાંધીજીમાં એ પ્રાચીનતા દેખાઈ હતી, જે બુદ્ધના સમયમાં હતી, જ્યારે બુદ્ધે દરેક જીવ માટે અનુકંપા અને ભ્રાતૃત્વનું સત્ય કહ્યું હતું. ૧૯૮૧ના મારા પાકિસ્તાન પ્રવાસ સમયે પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી લિયાકત અલી ખાનની વિધવા રાના લિયાકત અલીએ મને ગાંધીજી વિશે વાત કરતાં અંતિમ વાક્ય કહ્યું હતું: હિંદુસ્તાનમાં ઈતિહાસના દરેક મોડ પર તમને ગાંધી દેખાશે!…

લૅટિન અમેરિકામાં દંતકથા બની ગયેલા વિપ્લાવક અર્નેસ્ટો ‘ચે’ ગુવેરાની પુત્રી એલેઈડા ન્યૂ દિલ્હી આવી ત્યારે તેણે કહ્યું હતું કે મારા પિતા ‘ચે’ પર ગાંધીજીની જબરજસ્ત અસર હતી. દક્ષિણ અમેરિકામાં આંદોલનમાં શહીદ થઈ ગયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચીકો મેન્ડેઝ પર ગાંધીવાદી અસર હતી. આરબ કુર્દ નેતા જમાલ ગુમ્બલેટે ગાંધીજીની પ્રેરણાનો સ્વીકાર કર્યો છે. મેક્સિકોના ખેતમજૂર નેતા સિઝારેએ ગાંધીપ્રેરણાથી ખેતઆંદોલન ચલાવ્યું હતું.

પોલંડના ગોદીકામદારોના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી લેચ વાલેચાએ કમ્યુનિસ્ટ તુમારશાહી સામે ગાંધીમાર્ગથી સંઘર્ષ કર્યો હતો. ફિલિપિન્સના વિરોધનેતા નીનોય એકવીનો ‘ગાંધી’ ફિલ્મ જોઈને વતન પાછા ફરવાનો નિર્ણય કરે છે, ઍરપોર્ટ પર તાનાશાહ માર્કોસ ખૂન કરાવે છે, ફિલિપિન્સમાં ક્રાંતિ થાય છે, અને એક્વીનોની વિધવા કોરેઝોન એક્વીનો રાષ્ટ્રપતિ બને છે. એક પૂરા દેશનો ઈતિહાસ ગાંધી શબ્દથી કરવટ બદલી નાંખે છે.

નેલ્સન મંડેલાએ એમની આત્મકથા ‘લૉંગ વૉક ટુ ફ્રીડમ’માં ગાંધીજી વિશે વારંવાર આદરપૂર્ણ ઉલ્લેખ કર્યો છે. ગાંધી મંડેલા માટે પ્રેરણામૂર્તિ હતા. એમના ઘરની દીવાલ પર ગાંધીજીનો ફોટો છે. આ પુસ્તકની સમીક્ષા કરતાં કેનેડાના મોન્ટ્રિઓલ ગેઝેટે લખ્યું હતું કે આ માણસ એના દેશનો લિંકન, વૉશિંગ્ટન અને ગાંધી છે. માર્ટિન લ્યુથર કિંગનું પૂરું આંદોલન ગાંધીવિચારધારા પર આધારિત હતું. સ્વિટ્ઝરલેન્ડમાં ગાંધીજી મહાન લેખક રોમાં રોલાંને મળ્યા હતા જેમણે એમનું જીવનચરિત્ર લખ્યું હતું અને આલ્બર્ટ શ્વાઈટ્ઝરથી મધર ટેરેસા સુધી કેટલાય શાંતિદૂતોને માટે ગાંધી આદર્શ હતા!

ગાંધીજી પાસે જબરજસ્ત રમૂજવૃત્તિ હતી. એમણે પોતાના ચહેરાને આકર્ષક બનાવવા ક્યારેય પ્રયાસ કર્યો ન હતો. એમણે એક કલાકારને એક વાર નિર્દોષ રમૂજભાવે પૂછ્યું હતું: હું ખૂબસૂરત નથી? સરોજિની નાયડુનું કહેવું હતું કે ગાંધીજીમાં સમ્રાટ અને મીકીમાઉસ બંનેનું મિશ્રણ હતું! શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એમના સચિવ શારદા પ્રસાદને પૂછ્યું હતું: તમે ગાંધીજીની આંખોમાં ક્યારેય જોયું છે?… સંતોને શાંત આંખો હોય છે એવું કહેવાય છે પણ આ બિલકુલ સાચું નથી: ગાંધીજીની આંખોમાં અગ્નિ હતો. તમે આખી દુનિયાનું દર્દ એ આંખોમાં જોઈ શકો છો અને ક્રોધ પણ જોઈ શકો છો, પણ સંપૂર્ણ અંકુશ, સંપૂર્ણ અનુકંપા. બસ, એ જ એમનામાં અદ્વિતીય, અપ્રતિમ હતું…

ક્લોઝ અપ

તમે અમને મોહનદાસ કરમચંદ ગાંધી મોકલ્યા અને અમે એમને મહાત્મા બનાવીને તમને પાછા મોકલ્યા. -નેલ્સન મંડેલા

Leave a comment