અક્ષય તૃતીયા – અખાત્રીજ – વર્ષીતપના પારણા

   1

|| અક્ષય તૃતીયા – અખાત્રીજ – વર્ષીતપના પારણા ||

“અક્ષય તૃતીયા – અખાત્રીજ નો મહિમા”

“ઇક્ષુરસનું દાન અક્ષયફળ બન્યુ તે દિવસ એટલે અખાત્રીજ”

વૈશાખ સુદિ ત્રીજને અક્ષય તૃતીયાનું પર્વ ગણવામાં આવે છે. તેનો મહિમા પણ ઘણો મોટો છે.

વર્ષીતપના તપસ્વીઓને ચાંદીના નાનકડા ઘડામાં ભરેલો ઇક્ષુરસ પીવડાવીને પારણા કરાવાય છે

આ અવસર્પિણી કાલમાં પ્રથમ રાજા, પ્રથમ દીક્ષાર્થી અને પ્રથમ તીર્થંકર એવા નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનથી અનંત કોટિકોટિ સાગરોપમ અગાઉ પરંપરાગત કરવામાં આવતો સર્વકાલીન પ્રભાવશાળી દીર્ઘતપ એટલે વર્ષીતપ કારણ કે વરશે પ્રભુની કૃપા ત્યારે વરસીતપ પૂર્ણ થાય છે. પાંચના સમન્વયે આ અદકેરો તપ સફળ થાય, તપસ્વીની ભક્તિ અને તપસ્વીની અનુમોદના એ પણ તપ- અંતરાય. કર્મ તોડવામાં શ્રેષ્ઠ સહાયક સાબિત થાય છે.

આદિશ્વર દાદાને માત્ર મોઢે છઠ્ઠનો તપ જ હતો પરંતુ આંતરાયકર્મ પુર્વજન્મે કર્યો તેઓ આ જન્મમાં દીક્ષા ગ્રહણની સાથે જ ઉદયમાં આવ્યો.

શ્રી ઋષભદેવ ભગવાને ફાગણ વદ ૮ ને દિવસે દીક્ષા ગ્રહણ કરી પછી ભિક્ષા અર્થે લોકોને ત્યાં જવા લાગ્યા, પણ એ ભદ્રપરિણામી લોકો સાઘુને કેવો આહાર વહોરાય તે જાણતા નહિ હોવાથી તેમની આગળ મણિ, માણેક, રત્નો, હાથી ,ઘોડો, ગાય, બળદ આદિ અનેક વસ્તુઓ ધરવા લાગ્યા, પ્રભુ સર્વતા ત્યાગી હોવાથી એ કોઇ વસ્તુને અડતા નહિ એ રીતે વિચરતા એક વર્ષથી પણ અધિક કાલ વ્યતીત થઇ ગયો.

ભગવાન ઋષભદેવ પુર્વભવમાં એક માર્ગે થઇને જતા હતા ત્યારે ધાન્યના ખળામાં બળદ અનાજ ખાઇ જતા હતા અને તેથી ખેડૂત તેને મારતો હતો. એ જોઇને તેમણે કહ્યુંકે, “અરે મૂર્ખ ! આ બળદોને મોઢેથી બાંધ”, ખેડૂતે કહ્યું મને બાંધતા આવડતુ નથી તે વારે પોતે ત્યાં બેસીને પોતાના હાથે છીંકુ બાંધી બતાવ્યું. તે વખતે બળદે ત્રણસો સાઠથી અધિક નિશાસા નાખ્યા તેથી અનંતરાય કર્મ બંધાયું, તે કર્મ દીક્ષા લીધી તે જ દિવસે ઉદયમાં આવ્યુ તેથી પ્રભુને આ રીતે આહાર મળવામાં અંતરાય થયો.

એક દીવસ ગજપુરનગર કે જયાં બાહુબલીજીના પુત્ર સૌમયશાના પુત્ર શ્રેયાંસકુમાર રહેતા’તા. ત્યાં શ્રી ઋષભદેવ ભગવંત પધાર્યા. તેમને જોઇ શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પુર્વે આરાધેલ સાઘુપણું યાદ આવ્યું તેથી સાઘુને કેવો આહાર અપાય તે જાણ્યું, હવે તે જ વખતે ઇક્ષુરસના ૧૦૮ ઘડા આવેલા હતા. એટલે શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે આપ સૂઝતો આહાર ગ્રહણ કરવાની કૃપા કરો.

પ્રભુએ તેને પ્રાસુક સમજી બે હાથનો ખોબો કરી તેને વહોર્યો અને પારણું કર્યું, શ્રેયાંસકુમારને અતિ આનંદ થયો અને દેવોએ ત્યાં પંચદિવ્ય પ્રકટ કર્યા, ઇક્ષુરસનું આ દાન શ્રેયાંસકુમારને અક્ષય ફળ આપનારૂ બન્યું. ત્યારથી એ દિવસ અક્ષય તૃતિયા પ્રસિઘ્ધથયો.

આજે અનેક ભવ્યાત્માઓ વર્ષીતપ કરે છે અને તેનું પારણું આજ દિવસે કરે છે. તે વખતે સ્નેહીઓ સબંધીઓ, સાધર્મિકો વગેરે ચાંદીના એક અતિ નાના ઘડામાં ઇક્ષુરસ ભરી તેમને પીવડાવે છે. ઘણા

સિઘ્ધક્ષેત્રોમાં જઇ આ તપની પુર્ણાહુતિ કરે છે.તેથી આ દિવસે તપસ્વીઓ સિઘ્ધક્ષેત્રમાં બહુ મોટી સંખ્યામાં એકઠા થાયછે. અને તેમના સગાસબંધી વગેરેની પણ વિપુલ હાજરી થતાં ત્યાં મોટો ઉત્સવ ઉજવાય છે.

અખાત્રીજનો દિવસ સામાજીક ૫ર્વનો દિવસ છે. અન્ય લોકો પણ અખાત્રીજના દિવસને મોટુ પર્વ ગણે છે

Leave a comment