શ્રી મહાવીર હનુમાનજી

1

|| શ્રી મહાવીર હનુમાનજી ||

હનુમાનજીનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા. આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.
શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. ઇન્‍દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે, મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.

હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો.

|| જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ||

ચૈત્ર સુદ પૂનમના દિવસે ભગવાન શિવજીના અંશાવતાર અને શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીએ અવતાર ધારણ કર્યો હતો. તેમણે શ્રીરામને પણ પોતાના ઋણી રાખ્યા છે. તેમની જન્મ જયંતીની ભારતભરમાં ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. હનુમાનજી ભક્તોનાં કષ્ટો દૂર કરવા માટે સદાયે હાજરાહજુર છે

સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન મહાદેવના અગિયારમા રુદ્ર જ ભગવાન વિષ્ણુના રામાવતારમાં તેમની મદદ માટે મહાકપિ હનુમાન બનીને અવતર્યા હતા, તેથી જ હનુમાનજીને રુદ્રાવતાર પણ કહેવામાં આવે છે. આ ઘટનાની પુષ્ટિ રામચરિત માનસ, અગસ્ત્ય સંહિતા અને વાયુ પુરાણમાં પણ કરવામાં આવી છે. હનુમાનજીની જન્મતિથિને લઈને બે-ત્રણ અલગ-અલગ મત જોવા મળે છે.

મહાચૈત્રી પુર્ણિમાયા સમુત્પન્નૌડ્જઝનીસુતઃ ।
વદન્તિ કલ્પભેદેન બુધા ઇત્યાદિ કેચન ।।

આ શ્લોક અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમે (પુર્ણિમા) થયો હતો.

ચૈત્રે માસે સિતે પક્ષે હરિદિન્યાં મઘાભિદે ।
નક્ષત્રે સ મુત્પન્નૌ હનુમાન રિપુસૂદનઃ ।।

આ શ્લોક અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ એકાદશીએ થયો હતો.

ઉર્જે કૃષ્ણચતુર્દશ્યાં ભૌમે સ્વાત્યાં કપીશ્વરઃ ।
મેષ લગ્નેડઝજનાગર્ભાત્ પ્રાદુર્ભૂતઃ સ્વયં શિવા ।।

આ શ્લોક અનુસાર હનુમાનજીના જન્મની તિથિ કારતક વદ ચતુર્દશી છે.
જોકે, મોટાભાગના ભક્તો, જ્યોતિષીઓ અને વિદ્વાનો ચૈત્ર સુદ પૂનમને હનુમાનજીના અવતારની તિથિ માને છે. હનુમાનજીના અવતારની તિથિઓની જેમ જ તેમના અવતારની કથાઓ પણ અલગ-અલગ છે. સૌથી પ્રચલિત કથા અનુસાર હનુમાનજીનો જન્મ ત્રેતા યુગમાં અંજનાના પુત્ર સ્વરૃપે થયો. અંજના વાસ્તવમાં પુંજિકસ્થલા નામની એક અપ્સરા હતી, પરંતુ એક શાપને કારણે તેને નારી વાનર રૃપમાં ધરતી પર જન્મ લેવો પડયો. તે શાપનો પ્રભાવ શિવજીના અંશને જન્મ આપ્યા પછી જ સમાપ્ત થવાનો હતો. અંજના વાનરરાજ કેસરીનાં પત્ની હતાં. વિવાહના ઘણા સમય પછી પણ સંતાનસુખ ન મળવાને કારણે કેસરી અને અંજનાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. જેના ફળ સ્વરૃપ અંજનાએ હનુમાન (શિવજીના અંશ)ને જન્મ આપ્યો.

જે સમયે અંજના શિવજીની આરાધના કરી રહ્યાં હતાં તે જ સમયે અયોધ્યા નરેશ દશરથ પુત્રપ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞા કરાવી રહ્યા હતા. યજ્ઞાના ફળ સ્વરૃપ તેમને એક દિવ્ય ફળ (ક્યાંક ખીર હોવાનું પણ મનાય છે.) મળ્યું. જેને બધી જ રાણીઓમાં સરખા ભાગે વહેંચી દેવામાં આવ્યું. આ સમયે ફળનો એક નાનકડો ટુકડો સમડી લઈ ગઈ ગઈ. તે અંજના અને કેસરી તપ કરી રહ્યાં હતાં તે વન પરથી ઊડી રહી હતી. તેના મોંમાંથી તે ટુકડો નીચે પડી ગયો. તે ટુકડાને પવનદેવે પોતાના પ્રભાવથી અંજનાના હાથ સુધી પહોંચાડયો. ઈશ્વરનું વરદાન સમજીને અંજનાએ તે ગ્રહણ કર્યું. જેના ફળ સ્વરૃપ તેમણે હનુમાનજીને જન્મ આપ્યો.

* અન્ય કથાઓ : –

હનુમાનજીના જન્મ વિશે બીજી બે કથાઓ પણ પ્રચલિત છે.
એક કથા અનુસાર વિવાહના ઘણાં સમય પછી પણ જ્યારે વાનરરાજ કેસરીની પત્ની અંજનાને સંતાન પ્રાપ્તિ ન થઈ, ત્યારે તેમણે કઠોર તપ કર્યું. તેમને તપ કરતાં જોઈને મહામુનિ મતંગે તેમને તપ કરવાનું કારણ પૂછયું. ત્યારે માતા અંજનાએ કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ, કેસરી નામના વાનરશ્રેષ્ઠે પિતા પાસે માગીને મારું વરણ કર્યું છે. મેં મારા પતિ સાથે બધાં જ સુખો અને વૈભવોનો ભોગ કર્યો છે, પરંતુ હું સંતાનસુખથી હજુ સુધી વંચિત છું. મેં વ્રત-ઉપવાસ ઘણાં કર્યાં, તેમ છતાં પણ મને સંતાન પ્રાપ્તિ ન થઈ, તેથી હવે હું કઠોર તપ કરી રહી છું. મુનિવર, કૃપા કરીને મને પુત્રપ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો.”

ઉપાય જણાવતાં મહામુનિ મતંગે તેમને વૃષભાચલ જઈને ભગવાન વેંકટેશ્વરનાં ચરણોમાં પ્રણામ કરીને આકાશગંગા નામના તીર્થમાં સ્નાન કરીને, જળ ગ્રહણ કરીને વાયુદેવને પ્રસન્ન કરવા કહ્યું.

દેવી અંજનાએ મતંગ ઋષિ દ્વારા જણાવાયેલી વિધિ અનુસાર વાયુદેવને પ્રસન્ન કરવા માટે સંયમ, ધૈર્ય, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તપ શરૃ કર્યું. તેમના તપથી પ્રસન્ન થઈને વાયુદેવે મેષ રાશિમાં સૂર્યની સ્થિતિના સમયે ચિત્રા નક્ષત્રયુક્ત પુર્ણિમાના દિવસે દર્શન આપીને વરદાન માગવા કહ્યું. માતા અંજનાએ ઉત્તમ પુત્રનું વરદાન માગ્યું. વાયુદેવે પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું. ત્યારબાદ માતા અંજનાને પુત્રપ્રાપ્તિ થઈ. આ પુત્ર અંજનિપુત્ર, હનુમાન, પવનસુત, કેસરીનંદન જેવાં અનેક નામથી પ્રચલિત થયો.

બીજી એક પ્રચલિત કથા અનુસાર રાવણનો વધ કરવા માટે જ્યારે ભગવાન વિષ્ણુએ શ્રીરામ સ્વરૃપે અવતાર લીધો ત્યારે અન્ય દેવતાઓ શ્રીરામની સેવા કરવા માટે અલગ-અલગ સ્વરૃપે પ્રગટ થયા. ભગવાન શંકરે કોઈ એક સમયે ભગવાન વિષ્ણુના દાસ બનવાનું વરદાન મેળવ્યું હતું, જેને પૂરું કરવા માટે શિવજી પણ ધરતી પર અવતરિત થવા માગતા હતા, પરંતુ તેમની સમક્ષ ધર્મસંકટ એ હતું કે જે રાવણનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ રામાવતાર લીધો છે તે પોતાનો પરમ ભક્ત પણ હતો. પોતાના ભક્ત વિરુદ્ધ તેઓ શ્રીરામની સહાયતા કેવી રીતે કરી શકે! રાવણે પોતાનાં દસ મસ્તકો અર્પણ કરીને ભગવાન શંકરના દસ રુદ્રોને સંતુષ્ટ કરી રાખ્યા હતા, તેથી તેઓ હનુમાનજીના રૃપમાં અવતરિત થયા. શિવજીના અંશાવતાર હનુમાનજી અગિયારમા રુદ્ર છે. પોતાના અંશાવતાર હનુમાનજીના રૃપમાં ભગવાન શિવજીએ શ્રીરામની સેવા અને રાવણવધમાં મદદ પણ કરી. આજેય હનુમાનજી પૃથ્વી પર વિરાજમાન છે અને પોતાના ભક્તોનું રક્ષણ કરી રહ્યા છે.

* અનન્ય સેવક : –

હનુમાનજી શ્રીરામના અનન્ય સેવક અને માતા સીતાના પરમ પ્રિય પુત્ર હતા. હનુમાનજીએ ડગલે ને પગલે પોતાના સ્વામી શ્રીરામની સહાયતા કરી હતી. હનુમાનજીએ જ પોતાની પત્નીની શોધમાં નીકળેલા શ્રીરામનો મેળાપ અને મિત્રતા સુગ્રીવ સાથે કરાવી. સમુદ્ર પાર કરીને તેઓ જ સૌ પ્રથમ માતા સીતાની ભાળ મેળવવા લંકા ગયા હતા. યુદ્ધ દરમિયાન પણ હનુમાનજીએ પોતાનાં પરાક્રમ બતાવ્યાં. તેમણે નાગપાશમાં બંધાયેલા શ્રીરામ-લક્ષ્મણને ગરુડજીને બોલાવીને મુક્ત કરાવ્યા. સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણના પ્રાણ બચાવ્યા. તેમણે જ અહિરાવણને મારીને રામ-લક્ષ્મણને બંધનમુક્ત કરાવ્યા હતા. તેઓ સાત ચિરંજીવીઓમાંથી એક છે. જ્યાં પણ રામ નામ લેવાય છે કે રામકથા થાય છે ત્યાં હનુમાનજી અચૂક હાજર રહે છે.

* રાશિ અનુસાર હનુમાન આરાધના : –

હનુમાનજીની આરાધના કરવાથી રોગ, શોક તથા દુઃખ દૂર થાય છે. હનુમાનજીની આરાધના મનોરથ પૂર્ણ કરનારી હોય છે. ધર્મશાસ્ત્રો અનુસાર રુદ્ર તથા રુદ્ર અવતાર (હનુમાનજી)ની સાધના હનુમાન જયંતીના દિવસે કરવાથી ઇચ્છિત ફળ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ સૂર્ય, શનિ તથા રાહુના દોષોનું નિવારણ કરવા માટે હનુમાનજીની આરાધના વિશેષ માનવામાં આવે છે. ગ્રહોની અનુકૂળતા મેળવવા માટે રાશિ પ્રમાણે ઉપાયો કરી શકાય.

* મેષઃ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને વાંદરાંઓને મીઠાઈ ખવડાવવી.
* વૃષભઃ એકમુખી હનુમંત કવચનો પાઠ કરવો. હનુમાનજીના મંદિરમાં પીળા પેંડા અર્પણ કરવા.
* મિથુનઃ ત્રણ મુખી હનુમાન કવચ, લાલ રંગને મળતા રંગની ગાયને લીલું ઘાસ ખવડાવવું.
* કર્કઃ હનુમાન અષ્ટકનો પાઠ કરવો. હનુમાનજીના મંદિરમાં ધજા અર્પણ કરવી.
* સિંહઃ પંચમુખી હનુમંત કવચનો પાઠ તથા ગરીબોને ભોજન કરાવવું.
* કન્યાઃ સુંદરકાંડનો પાઠ કરવો. હનુમાનજીના મંદિરમાં ૧૧ દીવા પ્રગટાવવા.
* તુલાઃ હનુમંત બાહુક પાઠ કરવો અને બાળકોને મીઠાઈ ખવડાવવી.
* વૃશ્ચિકઃ રામચરિત માનસના બાલકાંડનો પાઠ કરવો. બાળકોને મનપસંદ ભોજન કરાવવું.
* ધનઃ અયોધ્યાકાંડનો પાઠ કરવો. ઘરના વડીલોના નામે વૃદ્ધાશ્રમમાં ભોજન કરાવવું.
* મકરઃ સુંદર કાંડ તથા એકમુખી હનુમંત કવચનો પાઠ કરવો. માછલીઓને લોટની ગોળીઓ તથા મીનઃ હનુમાન અષ્ટક, હનુમાન કવચ તથા સુંદર કાંડનો પાઠ કરવો.

* બજરંગ બાણ : –

વર્તમાન યુગમાં શ્રીહનુમાનજી જ એક એવા દેવ છે જે બહુ જલદી પ્રસન્ન થાય છે. તેઓ પોતાના ભક્તોનાં સમસ્ત દુઃખો અને કષ્ટો હરવામાં સમર્થ છે. હનુમાનજીનું નામસ્મરણ કરવાથી ભક્તોનાં સંકટો દૂર થાય છે. તેમની પૂજા-અર્ચના ખૂબ જ સરળ છે, તેથી જ તેઓ જન સાધારણમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની વિશેષ પૂજા-અર્ચના કર્યા વગર જ હનુમાનજીને પ્રસન્ન કરીને મનોવાંછિત ફળ મેળવી શકે છે.

Leave a comment