જીવનમાં ઉતારો ચાણક્યની નીતિઓ

2

|| જીવનમાં ઉતારો ચાણક્યની નીતિઓ ||

[1]
अत्यंतकोप: कटुका च वाणी दरिद्रता च स्वजनेषु वैरम ।
नीचप्रसंग कुलहीनसेवा चिह्नानि देहे नरकस्थितानाम ।।
[ નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે – ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષભાવ, કુસંગ તથા અધમ મનુષ્યોની સેવા. ]
અત્યંત ક્રોધ, કટુ વાણી, દરિદ્રતા, પોતાના જ સ્વજનો સાથે વૈરવૃત્તિ, નીચ લોકોનો સાથ, કુળહીનોની સેવા –નરકમાં વસતા આત્માનાં લક્ષણો છે. પૃથ્વી ઉપર જ સ્વર્ગ અને નરક છે. મનુષ્ય પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરકનું નિર્માણ કરે છે. જે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય, જેની વાણીમાં કડવાશ જ હોય, જે દરિદ્ર હોય અને પોતાના જ સ્વજનોનો દ્વૈષ રાખતો હોય તેને સુખ-શાંતિ ક્યાંથી મળે ? સ્વર્ગ એટલે સુખ-શાંતિ અને નરક એટલે આધિ-વ્યાધિ-ઉપાધિ. જે દુર્જનોનો સંગ કરે તેની પાસે સજ્જનો ક્યારેય ફરકે નહિ અને તેનું તમામ સ્તરે પતન થઈ જાય છે. છેવટે તેને કુળહીન મનુષ્યોની સેવા કરવાનો વખત આવે છે.

[2]
आयुः कर्म च वितं च विधा निधनमेव च ।
पचैतानि हि सृज्यन्ते गर्भस्थस्यैव देहिनः ।।
[ આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ – આ પાંચ બાબતો જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે.]
જ્યારે જીવ તેની માતાના ગર્ભમાં આકાર લે છે ત્યારે જ વિધાતા તેનું આયુષ્ય, કર્મ, તેની ધન-સંપત્તિ, વિદ્યા અને તેનું મૃત્યુ નક્કી કરી નાંખે છે. તેમાં પછી ક્યારેય કોઈ ફેરફાર કરી શકતું નથી. આ કારણે જન્મ પછી દરેક વ્યક્તિએ નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ અને ફળની આશા ન રાખવી જોઈએ. તેને જે મળવાનું છે તે કોઈ રોકી શકશે નહિ. તેના નસીબમાં જે નહિ હોય તેનો શોક કરવો જોઈએ નહિ.

[3]
धर्माडडख्याने श्मशाने च रोगिणां या मतिर्भवेत ।
सा सर्वदैव तिष्ठेश्चेत को न मुच्येत बन्धनात ।।
[ ધાર્મિક કથા સાંભળતી વખતે, સ્મશાનની ધરતી પર અને રોગિષ્ઠ વ્યક્તિના મનમાં જે સદવિચારો ઉત્પન્ન થાય છે તે વિચારો હંમેશા માટે સ્થિર રહે તો મનુષ્ય સંસારની મોહમાયા અને બંધનમાંથી છૂટી શકે છે. ]
જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક ઉપદેશ સાંભળે છે ત્યારે તેના મનમાં ઉત્તમ વિચારો ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે જ્યારે મનુષ્ય કોઈ મૃત વ્યક્તિના અગ્નિ સંસ્કાર માટે સ્મશાન જાય છે તો તેને સમજાય છે કે જીવન કેટલું ક્ષણભંગુર હોય છે. તે સમયે તેના મનમાં પાપ મુક્ત થવાની ઈચ્છા જાગૃત થાય છે. તેવી જ રીતે બીમારીના સમયે વ્યક્તિ ભગવાનને યાદ કરે છે. ચાણક્યનું કહેવું છે કે જો વ્યક્તિ કાયમ માટે આવી રીતે વિચારતો થઈ જાય તો સંસારના બધાં જ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.

[4]
अधमा धनमिच्छन्ति धनं मानं च मध्यमाः ।
उतमा मानमिच्छन्ति मानो हि महतां धनम ।।
[ અધમ પુરુષને ધનની ઈચ્છા હોય છે અને મધ્યમ પુરુષને ધન અને સમ્માન બંનેની કામના હોય છે જ્યારે ઉત્તમ પુરુષ માત્ર સમ્માન ચાહે છે. મહાપુરુષોનું ધન માન-સમ્માન જ હોય છે.]
નીચ અને અધમ મનુષ્યોને માત્ર ધનની જ લાલસા હોય છે. તેઓ ધનને જ સર્વસ્વ માને છે. ધન મેળવવાથી આખી દુનિયા વશમાં કરી શકાય છે તેવી દુર્બુદ્ધિવાળા તે હોય છે. લોભ-લાલચ પાછળ તેઓ અંધ હોય છે. મધ્યમ પુરુષ અર્થાત સામાન્ય મનુષ્યને ધનની ઈચ્છા હોય છે, પણ સ્વમાનના ભોગે નહિ. તે પોતાની મહેનતનું ફળ માગે છે. તેને અપમાન વેઠીને ધન લેવું ગમતું નથી. તે સમ્માન સહિત ધનની ઈચ્છા રાખે છે, પરંતુ મહાપુરુષો તો માત્ર માન-સમ્માનની ખેવના કરે છે. તેમને મન માન-સમ્માન જ સાચું ધન હોય છે. તે સમાજમાં પૂજનીય, વંદનીય ગણાય છે. એમને મન ધન ધૂળ સમાન હોય છે.

[5]
पठन्ति चतुरो वेदान धर्मशास्त्राण्यनेकशः ।
आत्मानं नैव जानन्ति दर्वी पाकरसं यथा ।।
[ જેઓ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવા છતાંય આત્મા-પરમાત્માના સંબંધ વિશે કશું નથી જાણતા, તેઓ આત્મજ્ઞાન મેળવ્યા વિના રહી જાય છે. ચાણક્યે આવા લોકોને કડછી સાથે સરખાવ્યા છે. જેમ કડછી સ્વાદિષ્ટ શાકમાં ફરે છે, પણ સ્વાદની મજા માણી શકતી નથી. તેવી જ પરિસ્થિતિ આ અજ્ઞાનીઓની હોય છે. ]
શાસ્ત્રોને વાંચી અને સમજી-વિચારી તેને જીવનમાં ઉતારવાથી તેનો અભ્યાસ અર્થપૂર્ણ નીવડે છે. જો શાસ્ત્રો વાંચ્યા પછી પણ માણસને આત્મજ્ઞાન ન લાધે તો તેનો શાસ્ત્રાભ્યાસ નિરર્થક સાબિત થાય છે.

[6]
न ध्यातं पदमीश्वरस्य विधिवत्संसारविच्छितये
स्वर्गद्वारकपाटपाटनपटुधर्मोडपि नोपार्जितः ।
नारीपीनपयोधरोरुयुगलं स्वप्नेडपि नालिगितं
मातुः केवलमेव यौवनवनच्छेदे कुठारा वयम ।।
[ જે વ્યક્તિએ સંસારરૂપી જાળને કાપવા માટે ભગવાનનું સ્મરણ નથી કર્યું અને સ્વર્ગના દ્વારે પહોંચવા માટે જેણે ધર્મરૂપી ધનનો સંગ્રહ નથી કર્યો, જેણે સ્વપ્નમાં પણ નારીને પ્રેમ નથી કર્યો, તેવી વ્યક્તિ યુવાનીમાં તેને જન્મ આપનાર માતાના યૌવનરૂપી વૃક્ષને કાપનાર કુહાડો જ છે કે બીજું કંઈ ? ]
તમે પૃથ્વી પર જન્મ લીધો છે, કંઈક નવું કરો, કંઈક સિદ્ધ કરો, જેથી જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ મળે. તમને પેદા કરનાર માતાએ તમારો નવ માસ સુધી ભાર વેઠ્યો છે તેને વ્યર્થ ન જવા દો. જ્યારે એક માતા બાળકને જન્મ આપે છે ત્યારે તે બાળક પાસે અનેક અપેક્ષા રાખે છે, તેના માટે ઘણાં સપનાં જુએ છે. તેને પૂરાં કરવા પ્રયત્ન કરો.

[7]
गुणाः सर्वत्र पूजयन्ते न महत्योडपि सम्पदः ।
पूर्णेन्दु किं तथा वन्घो निष्कलड्को यथा कृशः ।।
[ દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. દુર્ગુણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધનસંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં. ડાઘ વિનાના, આછો પ્રકાશ આપનાર બીજના ચંદ્રની જે રીતે પૂજા થાય છે, તેવું તો પૂનમના ચંદ્રને પણ સન્માન નથી મળતું. ]
તેનો ભાવાર્થ એ છે કે પૂનમના ચંદ્રમાં અનેક ધબ્બા દેખાય છે, જ્યારે બીજનો ચંદ્ર એક પાતળી રેખા જેવો હોય છે. જેમાં કોઈ ડાઘ નથી હોતો એટલે જ સંપૂર્ણ ચંદ્ર કરતાં તે વધુ સુંદર લાગે છે. આ ઉદાહરણ આપી ચાણક્ય કહે છે કે સાફ ચારિત્ર્યવાળી ગુણવાન વ્યક્તિની સહુ કોઈ પ્રશંસા કરે છે અને તે આદરને પાત્ર બને છે.

[8]
न निर्मितः केन न दष्टपूर्वः न श्रूयते हेममयः कुरड्रः ।
तथाडपि तृष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीतबुद्धिः ।।
[ આજ સુધી ન તો સોનાના મૃગ (હરણ)નું અસ્તિત્વ હોવાના પુરવા મળ્યા છે કે ન તો કોઈએ તેને જોયું છે. તેમ છતાંય શ્રીરામચંદ્ર સોનાના મૃગ (હરણ)ને પકડવા તેની પાછળ દોડ્યા હતા. એક વાત છે કે જ્યારે વ્યક્તિનો ખરાબ સમય અથવા નિરાશાના દિવસો આવે છે, ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.]
ચાણક્ય આ શ્લોક દ્વારા સમજાવે છે કે પોતાના ખરાબ સમય દરમિયાન ભગવાન શ્રીરામચંદ્ર પણ સૂઝબૂઝ ગુમાવી સોનાના મૃગ પાછળ દોડ્યા હતા તો આવા સંજોગોમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ અવિચારી પગલું ભરી જ શકે છે.

[9]
परोपकरणं येषां जागर्ति हृदये सताम ।
नश्यन्ति विपदस्तेषां सम्पदः स्युः पदे पदे ।।
[ જેઓનાં મનમાં બીજાઓ માટે ઉપકાર કરવાની ભાવના રહેલી હોય છે, તેઓની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેઓને ડગલે ને પગલે ધનસંપત્તિ મળે છે.]
ચાણક્ય કહે છે કે બીજા લોકોનું ઉત્તમ થાય તેવું ઈચ્છનારી વ્યક્તિનું તો કુદરત પણ કશું નથી બગાડતી. બીજા લોકોનું ખરાબ થવાની ઈચ્છા રાખનારને પોતે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજાને નુકશાન ન કરનારને કોઈ હેરાન નથી કરતું. દરેક તેને આદર જ આપે છે.

[10]
दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोतरदायकः ।
ससर्पे च गृहे वासो मृत्युरेव न संशयः ।।
[ દુષ્ટ પત્ની, ઠગ મિત્ર, આજ્ઞામાં ન રહેતો સેવક અને સાપનો ઘરમાં વાસ – આ ચાર બાબતો મૃત્યુ સમાન છે.]
પતિ અને પત્ની સંસારરૂપી રથનાં ચક્ર છે. તે બરોબર ન ચાલે તો સંસારમાં ડગલે ને પગલે વિઘ્ન ઊભાં થાય છે. દુષ્ટ પત્ની પોતાના પતિ માટે અભિશાપરૂપ હોય છે. તે સજ્જન પુરુષનું જીવવું હરામ કરી નાંખે છે. દુષ્ટા પત્નીના સ્વાર્થના ધસમસતા પ્રવાહમાં ઘરની સુખ-શાંતિ તણાઈ જાય છે અને જે ઘરમાં શાંતિ ન હોય તેનું સમાજમાં કોઈ સ્થાન હોતું નથી. કહેવાય છે કે જેને સાચો મિત્ર મળે તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. સાચા મિત્ર મળવા બહુ મુશ્કેલ છે. સુખમાં સાથી બનવા કોણ તૈયાર થતું નથી ? મન-કમને સુખમાં તો બધા ગુણગાન ગાય છે, પણ વ્યક્તિ મુશ્કેલીના મહાસાગરમાં ફસાઈ જાય ત્યારે તેનો હાથ પકડે તે જ સાચો મિત્ર. તાલીમિત્રો તો પવન ફરે તેમ પોતાનો સઢ ફેરવી લે છે અને ઊગતા સૂર્યને પૂજવા લાગે છે. સેવક આજ્ઞાકારી અને વફાદાર હોવો જોઈએ. તે સ્વામીના કહ્યામાં ન હોય તો કુટુંબ કે પેઢીના અન્ય સભ્યો પણ સ્વામીની અવગણના કરવાના. ઉદ્ધત સેવક સ્વામીની પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવી દે છે. સાપનો ઘરમાં વાસ હોય તો તે ગમે ત્યારે ડંખ મારે છે. તેનો વહેલી તકે ઘરમાંથી નિકાલ કરવો જોઈએ

Leave a comment