જૈનો માટે દિવાળીનું પર્વ એ આત્માના જાગરણનું પર્વ છે

|| જૈનો માટે દિવાળીનું પર્વ એ આત્માના જાગરણનું પર્વ છે ||

“દિવાળીનો દિવસ ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણક અને ગૌતમસ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકનો પવિત્ર દિવસ છે:
જૈન ધર્મમાં દિવાળીનું પર્વ એક વિશિષ્ટ પર્વ છે. દિવાળીનો દિવસ ભગવાન મહાવીરના નિર્વાણનો દિવસ છે. દિવાળીની રાત્રિએ ભગવાન મહાવીર તેમના આત્મા સાથે રહેલાં ચાર અઘાતી કર્મોને ખપાવીને લોકાગ્ર ભાગે આવેલી સિદ્ધશિલા ઉપર જઈને અવસ્થિત થઈ જાય છે.

તેમનો આત્મા સંસારમાં અવિરત ચાલતા જન્મ-મરણના ચક્કરમાંથી કાયમ માટે મુક્ત થઈને પોતાના સ્વભાવમાં સ્થિતિ કરીને અનંત ચતુષ્ટથીનો આવિર્ભાવ કરે છે. વીર પરમાત્માની સિદ્ધગતિ અને તેમના ચરમ શરીરના વિલયની સ્મૃતિને સુશ્રાવકો દિવાળીમાં ધર્મની આરાધના કરીને મનાવે છે.

દિવાળીની રાત્રિએ ઉપાશ્રયોમાં શ્રાવકો કેવળજ્ઞાનના પ્રતીક તરીકે દીપ પ્રગટાવીને ભગવાન મહાવીરની સિદ્ધગતિનું અભિવાદન કરતાં ખાસ મંત્રનો જાપ કરતાં રાત્રિ વીતાવે છે અને સિદ્ધ ગતિના ભાવ ભાવતા રહે છે.

આમ જૈનો માટે દિવાળીનું પર્વ ધર્મ પર્વ બની રહે છે. ધર્મપ્રેમી જૈનો માટે દિવાળી આત્માના આવિર્ભાવનું પર્વ છે અને તેની આરાધના કરતાં તેઓ તે દિવસે સંયમમાં વર્તે છે.

ભગવાન મહાવીરને નિર્વામ પામવાના બાર વર્ષ પહેલાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. પણ તેમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલ હોવાથી તેને ખપાવા માટે જીવ માત્ર તરફ કરૃણાથી પ્રેરાઈને મોક્ષમાર્ગનો ઉપદેશ આપતા રહ્યા હતા.

જ્યારે તેમને લાગ્યું કે હવે શરીરનો વિયોગ થવાનો કાળ નજીક આવી ગયો છે ત્યારે તેમણે જનકલ્યાણ માટે સતત સોળ પ્રહર દેશના (ધર્મ પ્રવચન) આપી અને કેટલાય પુણ્યશાળી જીવોએ તેમની અમૃતવાણીનો લાભ લઈને જીવનને સાર્થક કરી લીધું.

અપાપાપુરીમાં હસ્તિપાલ રાજાની સભામાં નવપલ્લી અને નવલચ્છિ એવા અઢાર દેશોના રાજાઓ છઠના તપ સાથે પૌષધ લઈને ભગવાન મહાવીરની અંતિમ દેશના સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા. દેવલોકમાંથી અસંખ્ય દેવો પ્રભુની વાણી ઝીલવા પૃથ્વી ઉપર ઊતરી આવ્યા હતા.

તેમની અદૃશ્ય ઉપસ્થિતિની અસર પણ વાતાવરણમાં વર્તાતી હતી. ભગવાનની દેશના તેના અંતિમ લક્ષ્ય તરફ જઈ રહી હતી ત્યારે અશ્વિન માસની અમાવાસ્યાની તિથિ હતી મધ્યરાત્રિનો પ્રહર હતો, ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં સ્થિર થયેલો હતો. પ્રભુએ દેશનાનું છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા માંડયું ત્યાં તેમના નિર્વાણકાળની ઘડી નજીક આવતાં દેવલોકમાં ઇન્દ્રોનાં સિંહાસનો કંપવા લાગ્યાં.

આસનો કંપતાં, પ્રભુનો નિર્વાણસમય નજીક છે તેમ જાણીને દેવેન્દ્રો સપરિવાર ભગવાનનાં અંતિમ દર્શન કરવા અપાપાપુરીમાં ઊતરી આવ્યાં.

આમ જૈનશાસન માટે દિવાળીનો દિવસ ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક છે. તે રીતે જૈન માત્ર માટે એ દિવસ અત્યંત મહત્વનો છે.

ધર્મપ્રેમી શ્રાવકો આ દિવસને ખાસ કરીને મધ્યરાત્રિના પ્રહરમાં ભગવાન મહાવીરનું સ્મરણ કરતાં તેમનું ધ્યાન ધરીને જપ કરતાં વીતાવે છે. એ રીતે જૈનો માટે દિવાળી આત્માના અજવાળાનું પર્વ બની રહે છે. આ પર્વ જીવાત્માના ભવભ્રમણના અંતનો અને પંચમ ગતિનો નિર્દેશ કરે છે.

યોગાનુયોગ એવો છે કે દિવાળીની રાત્રે ભગવાન મહાવીર સિદ્ધગતિને પામ્યા તેના થોડાક કલાકોમાં તેમના પ્રથમ ગણધર, ચારજ્ઞાનના ધારક, કેટલીય લબ્ધિઓના સ્વામી ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું. ગૌતમ સ્વામીના જીવનની વિશિષ્ટતા એવી હતી કે તેમના હાથે જે દીક્ષા લે તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય પણ તેમને સ્વયંને કેવળજ્ઞાન થાય નહિ. આ માટે તેમને ઘણો ખેદ રહ્યા કરતો હતો.

આમ કેવળજ્ઞાનના ઊંબરા સુધી આવીને અટકી ગયેલ ગૌતમસ્વામીને, ભગવાન મહાવીરે પોતાનો અંતિમ સમય નજીક છે તેમ જાણીને, નજીકના ગામમાં, દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપવા મોકલ્યા હતા.

તેઓ દેવશર્માને પ્રતિબોધ પમાડીને પાછા ફરતા હતા ત્યાં માર્ગમાં તેમને પ્રભુએ પંચમગતિ – સિદ્ધગતિ પ્રાપ્ત કર્યાના સમાચાર મળતાં તેમને અત્યંત ખેદ થયો અને વિલાપ કરવા લાગ્યા. તે વખતે તેમને લાગ્યું કે પ્રભુએ જાણી જોઈને મને અંતિમ સમયે દૂર રાખ્યો જેથી કેવળજ્ઞાાનની માગણી કરી હું તેમને પજવું નહિ.

આમ વિધ વિધ રીતે વિચારો કરતા તેઓ વિલાપ કરતા હતા ત્યાં તેમના ચિત્તમાં ચમકારો થયો કે પ્રભુ પ્રત્યેના ગાઢ મોહને કારણે હું છેક આવીને અટકી ગયો હતો તે જાણીને જ પ્રભુએ મને અંતિમ સમયે તેમનાથી અળગો રાખ્યો હશે. તેઓ તો વીતરાગી હતા. તેમને મારા માટે ભાવ હતો પણ મને તો તેમના માટે રાગ હતો. મારો રાગ ભલે પ્રશસ્ત હતો પણ હું ન સમજ્યો કે રાગ એ જ દોષ.

આમ ઉહાપોહ કરતાં તેમના આત્મા ઉપરથી મોહના છેલ્લા દલિકો સરી ગયા. ધ્યાનની ક્ષપક શ્રેણી માંડી.

ધ્યાનની ધારાએ ઉપર ચઢતાં ગૌતમસ્વામીએ અંતર મહુરતમાં તેમના આત્માના સર્વસપણાને અવરોધી રહેલાં ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી દીધો અને તેઓ કેવળી બની ગયા. જે કેવળજ્ઞાન માટે તેઓ જીવનભર ચિંતીત હતા, જેના માટે તેમણે અષ્ટાપદની યાત્રા કરીને ત્યાં પ્રતિષ્ઠિત જિનબિંબોને વંદન કર્યા હતા તે કેવળજ્ઞાન તેમને પળમાં સિદ્ધ થઈ ગયું.

કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ગૌતમસ્વામી પૃથ્વીના પટ ઉપર બાર વર્ષ સુધી ધર્મોપદેશ કરતા રહ્યા અને અનેક જીવોને ધર્મ પમાડતા રહ્યા. ત્યાર પછી રાજગૃહી નગરીમાં બાણું વર્ષની ઉંમરે કેવળજ્ઞાનના પર્યાય સાથે એક માસનું અનસન કરી બાકીનાં અઘાતી કર્મોને ખપાવીને અક્ષય સુખ વાળા મોક્ષપદને પામ્યા અને સિદ્ધશિલા ઉપર સીધાવ્યાં.

પરમાત્મા પ્રતિનો પ્રશસ્ત રાગ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં બાધક બની શકે છે એ વાતની આપણને આ પ્રસંગથી પ્રતીતિ થાય છે, તો પછી કેટલાય અપ્રશસ્ત રાગ અને દ્વેષ સાથે આપણને કેવળજ્ઞાન ક્યારે થવાનું તે વાત આપણે વિચારવી રહી.

આમ દિવાળીનો દિવસ ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણક અને ગૌતમસ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકનો પવિત્ર દિવસ છે. જે જૈનો રાત્રિએ ધર્મની આરાધના કરતાં વીતાવે છે. એ રીતે તેમના માટે દિવાળી એ આત્માના જાગરણનું પર્વ છે.

Leave a comment