ગણધર શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન

1-2   3

|| ગણધર શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન||

“અંગુઠે અમૃત વસે લબ્ધી તણાં ભંડાર
ગુરુ ગૌતમ્ સ્મરિયે વાંચ્છિત ફલ દાતાર”

ઇ. સ. પૂર્વે ૬૦૭ ની વાત છે. ભારતના મગધ રાજ્યમાં ગોબર ગામમાં વસુભૂતિ અને પૃથ્વી ગૌતમ નામે બ્રાહ્મણ પતિ-પત્ની રહેતા હતા. તેમને ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ દિકરા હતા. ત્રણે દિકરા નાની ઉંમરમાં જ વેદમાં પારંગત હતા અને યજ્ઞયજ્ઞાદિ સારી રીતે કરાવતા. દરેકને ૫૦૦ અનુયાયીઓ હતા.

બાજુના અપાપા ગામમાં સોમીલ નામના બ્રાહ્મણને ત્યાં પવિત્ર યજ્ઞનું આયોજન થયું હતું. યજ્ઞ માટે ચારસો ચાર બ્રાહ્મણો અને અગિયાર વેદ પારંગતોને બોલાવ્યા હતા. ઇન્દ્રભૂતિ ગૌતમ તે અગિયારમાંનો એક તેજસ્વી તારલો હતો. સમગ્ર યજ્ઞની વિધિનું સંચાલન તે કરતો હતો.

આખું નગર આ યજ્ઞમાં ઘેટાં બકરાં હોમવાના હોવાથી રોમાંચિત હતું. સ્વર્ગમાંથી દેવદેવીઓ આકાશમાર્ગે યજ્ઞની આ પવિત્ર જગ્યાએ આવી રહ્યા હતા. ઇન્દ્રભૂતિ મનમાં હરખાતો હતો કે આ યજ્ઞને લીધે લોકો મને સદીઓ સુધી યાદ કરશે. તેણે લોકોને ગર્વથી કહ્યું “જુઓ આકાશમાર્ગેથી દેવદેવીઓ આપણા યજ્ઞમાં આવી રહ્યા છે.” દરેક જણા આકાશ તરફ મીટ માંડી રહ્યા.

બધાંના આશ્ચર્ય વચ્ચે આકાશી તત્ત્વો તેમની યજ્ઞ ભૂમિ પાસે ન રોકાતા મહાસેન જંગલ તરફ ગયા. ઇન્દ્રભૂતિએ તપાસ કરી તો ખબર પડી કે હમણાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ ભગવાન મહાવીર સ્વામી સામાન્ય લોકોની જનભાષામાં અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં-વ્યાખ્યાન આપવાના છે.

આકાશી તત્ત્વોએ તેના યજ્ઞને પ્રાધાન્ય ન આપ્યું તેથી તે છંછેડાયો. તે ગુસ્સાથી વિચારવા લાગ્યો, “આ મહાવીર છે કોણ જેને પોતાનું વ્યાખ્યાન આપવા જેટલી પણ સંસ્કૃત ભાષા નથી આવડતી?” એણે નક્કી કર્યું કે હું મહાવીર સાથે વાદ-વિવાદ કરીશ અને તેમને હરાવીશ. મારું સર્વોપરિપણું હું પુરવાર કરીશ. આમ વિચારી તે ૫૦૦ શિષ્યો સાથે મહાવીરની સભામાં આવ્યો.

મહાવીર આ અગાઉ ક્યારેય ઇન્દ્રભૂતિને મળ્યા ન હતા. છતાં તેમણે ઇન્દ્રભૂતિને નામ દઈને આવકાર્યો. ઘડીભર તો તે ઝંખવાણો પડી ગયો. પણ પછી વિચાર્યું, “હું તો પ્રખર પંડિત છું માટે મને તો બધા જ ઓળખે.” ભગવાન મહાવીરે તો ઇન્દ્રભૂતિના મનમાં ચાલતા આત્મા વિશેના તમામ સંશયો કહી બતાવ્યા.

મહાવીરે કહ્યું, “ઇન્દ્રભૂતિ, તને આત્માના અસ્તિત્વ વિશે શંકા છે?” તેમણે કહ્યું, “આત્મા છે જ અને તે શાશ્વત છે. ભગવાન મહાવીરે હિંદુ વેદના અનેક અવતરણો ટાંકીને આત્માના અસ્તિત્વ વિશેની શંકા નિર્મૂળ કરી. ઇન્દ્રભૂતિ તો મહાવીરનું વેદ વગેરેનું જ્ઞાન જોઈને ચોંકી જ ગયો. તે જાગ્રત થયો અને સમજાયું કે પોતે પોતાની જાતને મહાન પંડિત માનતો હતો પણ તે અપૂર્ણ જ હતો ત્યાં ને ત્યાં જ તે મહાવીરનો પહેલો અને પટ્ટ શિષ્ય બની ગયો. આ સમયે ઇન્દ્રભૂતિ ૫૦ વર્ષનો હતો અને ગૌતમ વંશનો હોવાથી તે ગૌતમસ્વામી કહેવાયો.

સોમીલ અને બીજા દસ પંડિતો ઇન્દ્રભૂતિ વિજયી થઈને પાછો જ આવશે. એવી આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. પણ ઇન્દ્રભૂતિ મહાવીરનો શિષ્ય થઈ ગયો છે એવા સમાચાર મળતાં તેઓ આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ ગયા. બાકીના દસ વિદ્વાનો પણ મહાવીરને હરાવવાના આશયથી વાદ-વિવાદ માટે ગયા. તેઓ પણ મહાવીરના શિષ્યો બની ગયા. આ બનાવથી સોમિલ પણ યજ્ઞની વિધિ રદ કરી બધા પશુઓને છોડી મૂકી ત્યાંથી ખિન્ન મને પલાયન થઈ ગયા. આ અગિયાર વિદ્વાનો એ જ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્યો થયા. પાછળથી તેઓ અગિયાર ગણધર કહેવાયા.

|| આનંદ શ્રાવકનું અવધિજ્ઞાન ||

ગૌતમ સ્વામી પાંચ મહાવ્રતોનું પાલન કરતા જૈન સાધુનું જીવન જીવી રહ્યા હતા. એક દિવસ એવું બન્યું કે તેઓ ગોચરી લઈને પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં ઘણાં માણસો આનંદ શ્રાવક નામના સામાન્ય માણસને પગે લાગી રહ્યા હતા. ગૌતમ સ્વામીએ આનંદ શ્રાવકની ખબર પૂછી અને તેના ખાસ જ્ઞાનની પૂછપરછ કરી. ખૂબ જ વિવેકથી આનંદે જવાબ આપ્યો કે ગુરુવર્ય મને અવધિજ્ઞાનની શક્તિ મળેલી છે. જેના આધારે હું ઉંચામાં ઉંચે પહેલા સ્વર્ગને તથા નીચેમાં નીચે પહેલા નરકને જોઈ શકું છું. ગૌતમસ્વામીએ આનંદને સમજાવ્યું કે સામાન્ય શ્રાવકને અવધિજ્ઞાન થાય પણ આટલી હદ સુધી ના થાય. તેથી તું ખોટું બોલ્યો તેનું તારે પ્રાયશ્ચિત કરવું પડશે. આનંદ ગુંચવાડામાં પડી ગયો. પોતે જાણે છે કે પોતે સાચો જ છે પણ ગુરુ એ માનવા તૈયાર જ નથી. તેના સાચાપણા માટે શંકા કરે છે. અને પ્રાયશ્ચિત કરવાનું કહે છે. તેથી તેણે ખૂબ જ નમ્રતાથી ગુરુને જવાબ આપ્યો, “ગુરુજી સાચું બોલનારે પ્રાયશ્ચિત્ત કરવું પડે?” ગૌતમ સ્વામી પણ ગુંચવાયા અને જણાવ્યું કે કોઈપણ સત્ય બોલનારે પ્રાયશ્ચિત્ત ન કરવું પડે. આ ગુંચવાડાનો નિવેડો લાવવા ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે ગયા.

ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને આનંદને પ્રાપ્ત થયેલ અવધિજ્ઞાનની વાત કરી. મહાવીરે જણાવ્યું, “હે ગૌતમ, આનંદ સાચું જ કહે છે. તે ઊંચામાં ઊંચે પહેલા સ્વર્ગને તથા નીચેમાં નીચે પહેલા નરકને જોઈ શકે છે. કો’કને જ આવી અવધિજ્ઞાનની શક્તિ મળે. ખરેખર તો આનંદના જ્ઞાનની શંકા કરી તે તારી ભૂલ છે.” મહાવીરે સત્યનું મહત્ત્વ સમજાવ્યું. તેઓ પોતાના શિષ્યોને ક્યારેય ખોટા રસ્તે દોરતા નહીં. ગૌતમસ્વામી પોતાના આશ્રમમાં બેસી પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યા. અને તરત જ આનંદ પાસે જઈ પોતાની ભૂલની માફી માંગી.

બીજા એક પ્રસંગે એવું બન્યું કે ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પર આવેલા ૨૪ તીર્થંકરોના દર્શને ગયા. ચઢવા માટે પર્વત ખરેખર અઘરો હતો. તલેટીમાં ૧૫૦૦ વનવાસી સંન્યાસીઓ પર્વત ચઢવાના પ્રયત્નો કરતા હતા પણ એમને સફળતા મળતી નહીં. ગૌતમ સ્વામી સહેલાઈથી ચઢી ગયા. તે જોઈને સંન્યાસીઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. અને તેમના શિષ્યો થવાનું નક્કી કર્યું. ગૌતમ સ્વામીએ તેમને સાચો ધર્મ અને પરમ સુખ પામવાનો સાચો રસ્તો બતાવ્યો. અને તેમને શિષ્યો તરીકે સ્વીકાર્યા. ૧૫૦૦ સંન્યાસીઓ જૈન સાધુ બની ગયા. ગૌતમ સ્વામીને ખ્યાલ આવી ગયો કે તેઓ ખૂબ જ ભૂખ્યા છે. પોતાના નાના પાત્રમાંથી સહુને ભરપેટ ખીર ખવડાવી.

બધાંને ખૂબ જ નવાઈ લાગી કે આવડા નાના પાત્રમાંથી આટલી બધી ખીર કેવી રીતે મેળવી શકાય? ગૌતમ સ્વામીને અક્ષી મહાંસી લબ્ધિ હતી તેથી નાના પાત્રમાંથી સહુને ખીર ખવડાવી શક્યા. સહુને ખવડાવતા સુધી તેમણે તેમનો અંગૂઠો પાત્રમાં જ રાખ્યો કારણ કે તેમાંથી ગુપ્ત શક્તિ પ્રગટ થતી હતી.

સમય જતાં ગૌતમસ્વામીના તમામ શિષ્યોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમસ્વામીને હજુ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું. તેમને ચિંતા થવા લાગી કે આખી જિંદગીમાં મને કેવળજ્ઞાન નહીં મળે તો? એક દિવસ એમણે ભગવાન મહાવીરને પૂછ્યું કે મારી સાથે બીજા દસ વિદ્વાનો દીક્ષા અંગીકાર કરી આપના શિષ્ય થયા હતા. તેઓ બધાંને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તો મને કેમ નહીં? ભગવાન મહાવીરે કહ્યું કે મારા પ્રત્યેના અતિશય સ્નેહના કારણે આમ બન્યું છે. કેવળજ્ઞાન મેળવવા માટે તારે તમામ પ્રકારની માયામાંથી મુક્ત થવું પડશે. તારા ગુરુની માયા પણ છોડવી પડશે.

એક દિવસ ભગવાન મહાવીરે બાજુના ગામમાં રહેતા દેવશર્મા નામના પોતાના શિષ્યને ઉપદેશ આપવા માટે ગૌતમને મોકલ્યા. એ દિવસ ભગવાન મહાવીરનો નિર્વાણનો દિવસ હતો. પાછા ફરતા રસ્તામાં જ ગૌતમસ્વામીને ભગવાન મહાવીરના નિર્વાણના સમાચાર મલ્યા. ગૌતમ સ્વામી આઘાત પામ્યા, અને વિલાપ કરવા લાગ્યા. “ભગવાન મહાવીરને ખબર હતી કે આ એમનો આ પૃથ્વી પરનો છેલ્લો દિવસ હતો તો મને શા માટે દૂર મોકલ્યો?” ગૌતમના આંસુ રોકાતા નથી તે વિચારે છે કે મહાવીર નથી એટલે હવે મને કેવળજ્ઞાન તો નહીં જ મળે. પછી થોડી જ વારમાં તેમને સમજાયું કોઈ અમર તો છે જ નહીં. કોઈ સંબંધો કાયમી નથી તો પછી મારે મહાવીર પ્રત્યે આટલી બધી લાગણીથી શા માટે બંધાવું? હું પોતે ખોટો હતો. મહાવીર પ્રત્યેની તમામ માયા સાપની કાંચળીની જેમ ઉતારી દીધી. આ પ્રકારના ઊંડા ચિંતન દરમિયાન ગૌતમસ્વામીએ પોતાના ઘાતી કર્મોનો નાશ કર્યો અને તુરત જ ૮૦ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૯૨ વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા.

હિંદુ પંચાંગ પ્રમાણે દિપાવલીના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને નવા વર્ષના પહેલા દિવસે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું.

Leave a comment