માનવ જીવનમાં કર્તવ્યો દ્વારા મોક્ષ યાત્રા

1

|| માનવ જીવનમાં કર્તવ્યો દ્વારા મોક્ષ યાત્રા ||

|| કર્તવ્યો ||

|| દૈનિક ૬ કર્તવ્યો, વાર્ષિક ૧૧ કર્તવ્યો, પર્યુષણ મહાપર્વના ૫ કર્તવ્યો, જીવનના ૧૮ કર્તવ્યો ||

|| દૈનિક ૬ કર્તવ્યો ||

(1) ભગવાનની પૂજા (2) ગુરુભગવંતની ઉપાસના (3) જીવદયા (4) સુપાત્રદાન (5) ગુણાનુરાગ (6) જિનવાણી શ્રવણ

આપણે આપણા આત્માને પર્વની આરાધનાના ઝરમરીયાથી ભિંજાવવા દેવો જોઇએ. પર્વના દિવસોમાં કઇ આરાધના કરવાથી આત્મા ભિંજાય ? શાસ્ત્રકારે કહ્યું છે કે જ્યાં સુધી ખાવા પીવાની લોલુપતામાં મસ્ત રહીએ, શરીરની ટાપટાપીમાં પડ્યા રહીએ વાસનાઓનું પાપ ચાલુ રાખીએ અને પાપની પ્રવૃતિઓમાં મગ્ન રહીએ, ત્યાં સુધી પૌષધ ધર્મની સાધના થતી નથી, માટે જ્ઞાનીઓએ પૌષધની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે ધર્મનું પોષણ કરે, તે પૌષધ કહેવાય, ”પવ્વેસુ પોસહ વયં” એ મણ્હ જિણાંણ સજઝાયમાં પૂર્વ દિવસે શ્રાવકોને પોષધ કરવાનું કહ્યું છે. દર મહીને પર્વ તિથીએ પૌષધ કરવો જોઇએ. પર્યુષણ મહાપર્વ છે. તેથી તેમાં પૌષધ કરવો જ જોઇએ. છેવટે સંવત્સરીના દિવસે પૌષધ અચુક કરવો જ જોઇએ. પૌષધથી આધ્યાત્મિક જીવન તરફ ડગ મંડાય છે. અજબ આત્મ- રમણતાની અનુભૂતિ થાય છે.

રાજા ઉદયન રાજ્યના અનેક કાર્યો હોવા છતાં પૌષધ કરવાનું ચુકતા ન હોતા. સુદર્શન શ્રાવક પૌષધમાં કાઉસગ્ગ કરતાં કરતાં એવા એકરાર બની ગયા કે શરીરનું સાભ ભાને ભુલી ગયા. જરાય ચલિત ન થયા. પૌષધમાં સ્થિર બનેલા સાગર ચંદ્રના મસ્તક ઉપર પ્રતિસ્પર્ધીએ અંગારા મુકયા, તોય ક્રોધાગ્નિથી ભભુકયા નહિ, કામદેવ શ્રાવકને પૌષધમાં હાથી, સર્પ વગેરેના ઉપદ્રવ થયા, છતાં તેઓ જરાય ભયભીત ન થયા. મંત્રી ઘરે પર્વના દિવસે પૌષધ કર્યો હતો. રાજાની અનુમતી લઇને અંગરક્ષક મંત્રી મદ્રા લઇ ગયો. તો રસ્તામાં શત્રુના સૈનિકોએ તેને મારી નાખ્યો. મત્રીશ્વર બચી ગયા. રાજાને પોતાની ભૂલ સમજાણી. ધર્મમાં તેની દ્રઢતા જાણી મંત્રીશ્વરનો પગાર વધારી દીધો. ધર્મનો જયજયકાર થયો. સનત્કુમારના પૂર્વભવમાં, સૂર્યશા રાજા, ચુલાની પિતા, કુમારપાળ રાજાની પૌષધમાં અનુમોદનીય દ્રઢતા હતી. એવી મહાપુરૂષોને યાદ કરીને આ પર્વમાં પૌષધ કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઇએ.

ઘણાં માણસો રોજ વ્યાખ્યાન સાંભળવા આવતા નથી, તેથી જ્ઞાનીઓએ પર્યુષણ મહાપર્વના દિવસોમાં ક્રમશઃ મહાપર્વના પાંચ કર્તવ્ય, વાર્ષિક ૧૧ કર્તવ્ય, પર્વનું પૌષધ કર્તવ્ય અને હવ દૈનિક ૬ કર્તવ્યોનું વર્ણન કરવાનું જણાવ્યું છે.

આપણે પાપ સાધના કરીને ભવયાત્રા કરી રહ્યા છીએ. હવે દૈનિક ધર્મ સાધના કરીને મોક્ષ યાત્રા શરૂ કરીએ.

સંસારી જીવો ખાવા પીવા, વ્યાપાર, આદિની પાપ પ્રવૃતિઓ હોંશે-હોંશે કરે છે. ધર્મની પ્રવૃતિ તરફ તેની દ્રષ્ટિ જતી નથી. છતાં કયારેક એવી પરિસ્થિતી સર્જાય છે. ત્યારે તેને ધર્મ તરફ વળવું પડે છે. ”રીટર્ન બેક ટુ રેલીજીયન”ના મનોવૈજ્ઞાનીક લેખક લખે છે કે ૨૫ વર્ષ સુધી મેં ધર્મની ધૃણા કરી છે. પણ જ્યારે એકાએક મારા શોધેલા અતિ કિંમતી ગણાતા સમાધાના ધર્મગ્રથમાં ૨૦૦૦ વર્ષ પહેલાના લખાયેલા જોયા, ત્યારથી હું ધર્મ તરફ વળી ગયો છું. બીજા યુદ્ધમાં રશિયનોએ ભગવાનને પ્રાર્થના કરી હતી. શાહજહામાં મેચ જીવતાની અણી ઉપર મિયાંદાદે અલ્લાહનું સ્મરણ કર્યુ હતું. ફિલ્મી હીરો અમિતાભ બચ્ચને બેંગ્લોરમાં ભગવાનને પ્રાર્થના કરીને ૬ મહિના સુધી બુટનો ત્યાગ કર્યો હતો. અમેરીકાના પ્રમુખ બુશે ખાડી યુદ્ધમાં ૩૦૦૦ પાદરીઓને પ્રાર્થના માટે સૈનિકોની સાથે મોકલ્યા હતા. આ રીતે આજે નહિ, તો કાલે માણસને ધર્મની જરૂર પડવાની છે.

માનવે પોતાને દૈનિક જીવનમાં ૬ કર્તવ્ય અવશ્ય કરવા જોઇએ. જ્ઞાની પુરૂષોએ કહ્યું છે કેઃ

દેવપૂજા ગુરૂપાસ્તિઃ સ્વાધ્યાયઃ સંયમ તપઃ

દાનં ચ ગૃહસ્થાનાં, ષટ્ કર્તવ્યાનિ દિને દિને.

(૧) દેવપૂજા (૨) ગુરુની ઉપાસના (૩) સ્વાધ્યાય (૪) સંયમ (૫) તપ અને (૬) દાન.

(૧) દેવપૂજાઃ
તીર્થકર પરમાત્માની પૂજાથી તીર્થંકર બને છે. અનંત સુખનો ભોકતા બને છે. તે પૂજા બે પ્રકારની છે. દ્રવ્ય પૂજા અને ભાવપૂજા, પક્ષાલ, કેસર-ચંદન, ધૂપ, દીપ, આરતી વગેરે દ્રવ્ય પૂજા કહેવાય, ચૈત્યવંદન વગેરે ભાવપૂજા કહેવાય. સવારે બપોરે અને સાંજે ત્રિકાળ પૂજા કરવી જોઇએ. દેવપાળે પૂજાથી રાજઋષિ પ્રાપ્ત કરી તીર્થકર નામ કર્મ બાંધ્યુ, પાંચ કોડીના ફૂલોથી પુજા કરનાર અઢાર દેશનો રાજા રાજકુમારપાળ થયો. અને ગણધર બનશે.

(૨) ગુરૂની ઉપાસનાઃ
તીર્થકર ભગવાનનું શાસન સમજાવનાર અને આપણા સુધી પહોંચાડનાર ગુરુ છે. તેમની ઉપાસના કરવાથી તેમના આશીર્વાદ મળે છે. અને તેથી અનેક ગુણોની પ્રાપ્તી થાય છે. ગુરૂનં મહત્વ બતાવતા જ્ઞાનીઓએ કહ્યું છે કે ”ધ્યાનનું મૂળ હોય, તો ગુરૂ છે. ગુરુનું વાકય જ મંત્રનુ઼ મૂળ છે., પૂજાનું મૂળ ગુરુનું સ્મરણ છે. અને ગુરૂકૃપા જ મોક્ષનું મૂળ છે.”

શીતલાચાર્યના શિષ્યો ગુરૂ ઉપાસાનાના પ્રભાવથી કેવળજ્ઞાન પામી ગયા અને માસતુસમુનિ પણ ગુરૂ કૃપાથી કેવળજ્ઞાન પામી ગયા.

(૩) સ્વાધ્યાયઃ
સ્વ એટલે આત્મા, તેને અનુલક્ષીને અધ્યયન કરવું, તે સ્વાધ્યાય કહેવાય. ”સજઝાય સમો તવો ણત્થિ” સ્વાધ્યાય સમાન તપ નથી. પહેલા જ્ઞાનને પછી ક્રિયા. રાજ્યના કામો હોવાથી સમયના અભાવે પેથડ શાહ મંત્ર રાજસભામાં જતી વખતે રસ્તામાં ઉપદેશ માળા ગોખતા ગયા હતા. કુમારપાળ મહારાજાએ વૃદ્ધાવસ્થામાં સંસ્કૃતિનું અધ્યયનું કર્યુ હતું. આને અભ્યન્તર તપ પણ કહેવાય છે.

(૪) સંયમઃ
સંયમ એટલે પાંચ ઇન્દ્રિયો અને મન ઉપર અંકુશ રાખવું. બ્રેક વિનાની કાર જેમ હોનારત સર્જે છે. માટે ઇન્દ્રિય અને મનને કાબુમાં રાખવા માટે જીવનમાં સામાયિક વગેરે સંયમનો અભ્યાસ રાખવો જોઇએ. પુણિયા શ્રાવકની જેમ રોજ ઓછામાં ઓછી એક સામાયિક કરવી જોઇએ.

(૫) તપઃ
તપ અગ્નિ સમાન છે. જેમ અગ્નિ સોનામાં રહેલ ભેળસેળને બાળી નાંખી સોનાને શુદ્ધ બનાવે છે. તેમ આત્મામાં રહેલા કર્મનો કચરો તપથી બળી જાય છે, આત્મા શુદ્ધ બને છે. તપ આહાર સંજ્ઞાને નાબુદ કરીને અણાહારી પદ આપે છે. ધન્ના અણગાર, ઋષભદેવ, મહાવીર સ્વામી વગેરેને યાદ કરીને રોજ ઓછામાં ઓછો નવકારશીનો તપ કરવો જોઇએ. નવકારશીથી બેસણા એકાસણા, આયંબિલ, ઉપવાસ વગેરે સુધી બાહ્મ તપ કહેવાય છે. આવા તપથી શારીરિક રોગો પણ દુર થાય છે. અમેરીકામાં ફાસ્ટ અને રેસ્ટના સિદ્ધાન્તને સ્વીકાર કેટલાએ જીવો રોગ મુકત થયા છે. સ્વાધ્યાય વગેરે અભ્યંતર તપ કહેવાય છે.

(૬)દાનઃ
આત્માને અનાદિ કાળથી પરીગ્રહની મમતા વળગી છે. જાનવરમાં ભવમાં ઘાસની મમતા, મનુષ્ય ભવમાં સોના ચાંદીની મમતા, દેવભવમાં રત્નોની મમતા, આવી પરીગ્રહ સંજ્ઞાને તોડનાર તરીકે દાન એ ઉત્તમ ઉપાય છે. દરરોજ થોડું ઘણું દાન આપવાનો અભ્યાસ રાખવો જ જોઇએ. ભગવાન ઋષભદેવના જીવ ધન સાર્થવાહે, ભગવાન મહાવીર સ્વામીના જીવ નયસારે, શાલીભદ્રના જીવ ગરીબ બાલક સંગમે દાન આપી પોતાના આત્માનું ઉત્થાન કર્યું હતું.

ઉપરોકત કર્તવ્યો દૈનિક છે, તેથી તે રોજ કરવા જોઇએ.

|| વાર્ષિક ૧૧ કર્તવ્યો ||

વાર્ષિક ૧૧ કર્તવ્‍યોના નામ આ પ્રમાણે છે : (૧) સંઘપૂજન, (૨) સાધર્મિક ભકિત, (૩) યાત્રાત્રિક, (૪) સ્‍નાત્ર મહોત્‍સવ, (૫) દેવ દ્રવ્‍યવૃદ્ધિ, (૬) મહાપૂજા, (૭) રાત્રિ જાગરણ, (૮) શ્રુત પૂજા, (૯) ઉદ્યાપન, (૧૦) શાસન મહોત્‍સવ, (૧૧) આલોચના તેમાં ૧૦ કર્તવ્‍યનું પાલન કરવામાં ધનનો મોહ છોડવાનો હોય છે અને ૧૧માં કર્તવ્‍યમાં મનને સરળ બનાવવું પડે છે. વિષય અને કષયથી કાળા મેલા જેવા બનેલા આત્‍માનો મેલ આલોચના પ્રાયヘતિથી ધોવાય છે

(૧) પ્રથમ કર્તવ્‍ય સંઘ પૂજનઃ કેવલજ્ઞાની તીર્થકર ભગવાન સમવસરણમાં દેશના આપતા પહેલા ‘‘નમો તિત્‍થરસ” કહીને બેસે છે, તીર્થ એટલે સાધુ- સાધ્‍વી – શ્રાવક – શ્રાવિકા ચતુર્વંઘ સંઘ, એવા સંઘને તીર્થકર નમસ્‍કાર કરે છે. આવા સંઘમાંથી જ તીર્થકર બન્‍યા છે, બને છે અને બનશે, આપણને પણ સંઘની હૂંફ ધર્મ કાર્ય કરવામાં મળે છે. ઘણા વ્‍યકિતઓ ધર્મ કરતા હોય, ત્‍યારે આપણે પણ ધર્મ કરવાનું મન થાય છે. ધર્મી વગર ધર્મ રહી શકતો નથી. તેથી આવા ધર્મી સંઘની સંઘપૂજનથી અવશ્‍ય ભકિત કરવી જોઇએ. પુણ્‍યના ઉદયે આવા સંઘની ભકિત કરવા મળે છે. માટે જ ભકિત મુકિતને ખેંચે છે

(૨) બીજા કર્તવ્‍ય સાધર્મિક ભકિતઃ સમાન ધર્મવાળો ભકિત સાધર્મિક કહેવાય છે. તેમા કુલ જાતિનો કોઇ નિયમ નથી. બિહારમાં સરાક જાતિ અને ખંભાતની પાસે પટેલો સાધર્મિક છે. આર્થિક પરિસ્‍થિતિથી પીડાતા સાધર્મિકને ઉદારતાથી ધન આપવું એ દ્રવ્‍ય સાધર્મિક વાત્‍સ્‍ય છે અને પાપથી પીડાતા સાધર્મિકને વ્‍યસન કે પાપમાંથી મુક્‍ત બનાવી ધર્મમાં સ્‍થિર કરવો, એ ભાવ સાધર્મિક વાત્‍સલ્‍ય છે. સાધર્મિક વાત્‍સલ્‍ય કરવાથી સમક્‍તિ નિર્મલ બને છે.

પેથડ શાહ હાથી પર બેસીને રાજ દરબારમાં જતા, ત્‍યારે રસ્‍તામાં નવા સાધર્મિકને જોયા પછી તરત નીચે ઉતરીને તેને ભેટી આનંદ વ્‍યક્‍ત કરતાં,

શાહ પદવીની રક્ષા માટે સાધર્મિકના ગૌરવ અર્થે ખેમા દેદરાણીએ ૧૨ મહીના સુધી આખું ગુજરાત જમાડયું હતું. સૌરાષ્‍ટ્રના સવચંદ શેઠ આર્થિક ભીસમાં આવી ગયા, ત્‍યારે પોતાનું ખાતું અહમદાવાદના સોમચંદભાઇને ત્‍યાં ન હોતું. છતાં તેમના પર હુંડી લખી દીધી. પણ લખતા- લખતા હુંડી પર આસુનું ટીપું પડી ગયું હતું. તે જોઇને સોમચંદ શેઠે સાધર્મિક વાત્‍સલ્‍યથી તે હુંડી સ્‍વીકારી લીધી અને ખાતે રકમ લખ્‍યા વગર રકમ આપી દીધી. ચંદ્રાવતી નગરીમાં જગસિંહ શ્રાવકે ૩૬૦ સાધર્મિકોને પોતાના જેવા કરોડ પતિ બનાવ્‍યા. ઋષભદેત્તે જુગારનો વ્‍યસની બનેલ જિનદાસને તે વ્‍યસન છોડાવી ધર્મનો આરાધન બનાવ્‍યો. તેથી તે જંબૂદ્રીપનો અધિષ્‍ઠાયક થયો.

(૩) યાત્રાતિકઃ

(૧) અષ્‍ટાહિનકા યાત્રાઃ અઠ્ઠાઇ મહોત્‍સવ કે પંચાહિનકા મહોત્‍સવ વર્ષમાં એકાદ કરાવવો. આંગી રચાવવી અથવા પોતાની શક્‍તિ પ્રમાણે તેમાં રકમ આપવી.

(૨) રથયાત્રાઃ સુવર્ણ કે ચાંદીના રથમાં પ્રભુજીને બિરાજમાન કરી અનેક વાજિત્રો સાથે વરઘોડો કાઢવો, જેથી ધર્મની પ્રભાવના થાય. જેમ કુમારપાલ મહારાજ ચૈત્રવદ-૮ના દિવસે રથયાત્રા કાઢતા હતાં.

(૩) તીર્થયાત્રાઃ ‘‘તારે તે તીર્થ કહેવાય” તેની યાત્રા વર્ષમાં એક વાર કરવી અને કરાવવી. જેમ પેથડ શાહ, સમરા શાહ, જાવડશા, કુમારપાલ, વસ્‍તુપાલ, તેજપાલ, ભરત, વિક્રમાદિત્‍ય મહારાજ વગેરે અનેક આત્‍માઓએ છ’રી પાલક સંઘ કાઢી આ કર્તવ્‍ય બજાવ્‍યું છે.

વર્તમાન કાળમાં પણ થોડા વર્ષ પહેલા રાજસ્‍થાનનાં માલગાંવ નિવાસી સંઘવી ભેરમલજી હુકમાજીએ ૪૦૦૦ માણસોએ શત્રુંજય તીર્થથી ગિરનારનો વિશાલ છ’રી પાલક સંઘ કાઢીને આ કર્તવ્‍ય બજાવ્‍યું છે. તીર્થયાત્રામાં રાત્રીભોજન, દમુલ, અભક્ષ્ય ભક્ષણ, ૭ વ્‍યસન, ફીલ્‍મીગીતો, વીડીયો, લડાઇ, ક્રોધ, વગેરેથી દૂર રહેવું જોઇએ

(૪) સ્‍નાત્ર મહોત્‍સવઃ કર્મમલને ધોવા માટે વર્ષમાં એક વાર અવશ્‍ય સ્‍નાત્ર મહોત્‍સવ કરવો જોઇએ. એ પ્રભુના જન્‍માભિષેકનું અનુકરણ છે. જેમ પેથડ શાહે ગિરનારજી તીર્થ પર ર્ક્‍યો હતો. ભાઇઓએ તેમાં ડાંડીયા રાસ વગેરેથી રમઝટ જમાવવી જોઇએ. બહેનોએ પુરૂષોની જેમ જાહેરમાં ડાંડીયા ન લેવા જોઇએ. તે રાગ વગેરેનું કારણ હોવાથી મોટો દોષ લાગે છે.

(૫) દેવદ્રવ્‍યની વૃદ્ધિ : પ્રાચીન સેંકડો દેરાસરો જીર્ણ થઇ રહ્યા છે. તેનો જીર્ણોદ્ધાર કરાવવા માટે દેવ દ્વવ્‍યની વૃદ્ધિ કરવી જોઇએ. જેથી દેરાસર એક વિમાન જેવા થઇ જાય. તેના દર્શનથી લોકોનું સમ્‍યકત્‍વ નિર્મલ બને. જૈન શાસનનું ગોૈરવ વધે, દેવદ્રવ્‍ય વૃદ્વિના ઉપાયોઃ તીર્થમાળ ઉપધાનમાળ, ધોડિયા પારણાની ઉછામણી બોલીની રકમ પેથડ શાહની જેમ તરત જ ભરપાઇ કરવી. પેથડ શાહે ઉછામણી બોલીને ત્રણ દિવસ ઉપવાસ કરી તરત જ રકમ ભરપાઇ કરી હતી.

(૬) મહાપૂજાઃ વર્ષમાં એકવાર સિદ્ધચક્ર મહાપૂજન, શાંતિસ્‍નાત્ર આદિ પૂનમ ભણાવવા જોઇએ, જેથી ભગવાનની ભક્‍તિ અને તેથી મુક્‍તિ નજીક બને.

(૭) રાત્રી જાગરણઃ પ્રથમવાર મહાતીર્થના જે તિથિએ દર્શન થયા હોય, તે તિથિએ કે ભગવાનનાં પાંચ કલ્‍યાણકની તિથિએ કે ધર્મ પ્રાપ્ત કરાવનાર ગુરૂના સ્‍વર્ગવાસની તિથિએ, વ્રતોચ્‍ચારણ, મોટી તપસ્‍યા, સૂત્ર વાંચન વગેરે તિથિએ રાત્રે ધર્મ જાગરણ કરવુ઼ જોઇએ, પણ એ વખતે એક સાવચેતી રાખવાની કે રાત્રી જાગરણમાં ચા-નાસ્‍તો, ગંજીપા વગેરે, રેડીયો ગીત સાંભળવું વગેરે ન કરાય. પુરૂષો દાંડીયા રમી શકે. પણ ધર્મના અધર્મને પોષણ આપનારી અને શીલભ્રષ્‍ટ સુધી પહોંચાડનાર છોકરા છોકરીઓ સાથે મળીને બન્ને ડાંડીયા ન જ રમવા જોઇએ, તે અનર્થનું કારણ છે.

(૮)શ્રુત પુજાઃ કુમારપાળ રાજાએ ૨૧ જ્ઞાન ભંડારો નવા કરાવ્‍યા હતાં. પૂ્‌જ્‍ય કલિકાલ સર્વજ્ઞ આચાર્ય દેવશ્રી હેમચન્‍દ્રસૂરીશ્વરજી મહારાજાએ સાડા ત્રણ કરોડ શ્‍લોકોની રચના કરી. તેની ૭૦૦ નકલ કુમારપાલ રાજાએ કરવી. પેથડ શાહે ભગવતી સૂત્ર સાંભળતા ૩૬૦૦૦ સોનામહોર શ્રુતભક્‍તિમાં ખર્ચી, આપણે પણ શાષા લખાવવા અને છપાવવા જોઇએ. જેથી શ્રુતભક્‍તિ થાય. રાત્રે ગ્રંથ વંચાય, તેવા અચિત રત્‍નો લાવીને ઉપાશ્રયની અંદર દિવાલોમાં લલ્લંગ શ્રાવકે ગોઠવ્‍યા હતાં. આવી રીતે શ્રુતજ્ઞાનની ભક્‍તિ કરવી જોઇએ.

(૯)ઉદ્યાપનઃ એટલે ઉજમણું, કુટુંબમાં દર વર્ષ કોઇકને તપ પુરો થાય, એવી રીતે જીવન જીવવાનું છે. તપ પૂર્ણ થયા બાદ દર્શન- જ્ઞાન-ચરીત્રની સામગ્રી લાવી ઉજવણું કરવું જોઇએ. જેમ મંદિર ઉપર કળશ અને ભોજન ર્ક્‍યા બાદ મુખવાસ શોભે છે. એવી રીતે તપ ર્ક્‍યા પછી ઉજમણું શોભે છે. પેથડ શાહે નવકાર મંત્રનો તપ ર્ક્‍યા બાદ ૬૮,૬૮ રત્‍ન, ચાંદીના કલશ વગેરેથી ઉજમણું ર્ક્‍યુ હતું. મયણાં સુંદરીએ બે વખત નવપદ ઓળીનો ઉજમણું ર્ક્‍યુ હતું. ઉજમણાથી સાધુ-સાધ્‍વીજીની નિર્દોષ ઉપકરણોથી ભક્‍તિ થાય છે.

(૧૦) તીર્થ પ્રભાવનાઃ આનાથી જૈન શાસનની જાહોજલાલી થાય, જૈન શાસનનો ડંકો ચારે બાજુ વાગે, તેથી દશાર્ણભદ્ર રાજા અને કૌણિક વગેરેની જેમ ઠાઠમાઠથી પ્રભુને વંદન, ઉપકારી ગુરૂના પ્રવેશના સામૈયા વગેરે એક વાર વર્ષમાં અવશ્‍ય કરાવવા જોઇએ. પેથડ શાહે પૂ. આચાર્ય દેવશ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મ.સા.ના નગરપ્રવેશ સામૈેયામાં ૭૨૦૦૦ ટાંકનો ખર્ચ કર્યો હતો. રામજી શ્રાવકે ગુરૂની વધાઇ આપનારને ૧૧ લાખ રૂપિયા આપી દીધા. શોર્ટમાં જૈન શાસન બીજાના દિલમાં કેવી રીતે વસે? આ રીતે પ્રયત્‍ન કરવો જોઇએ.

(૧૧) આલોચનાઃ વર્ષ દરમ્‍યાન થયેલા પાપોની શુદ્ધ ભાવથી જરાએ છુપાવ્‍યા વગર આલોચના કરવી જોઇએ. ભયંકર પાપો કર્યા હોય અને આત્‍મા કાળો મહોતા જેવા થઇ ગયો હોત, તો પણ આલોચના રૂપી સાબૂથી શુદ્ધ થઇ શકે છે. કેન્‍સરની ગાંઠની ખબર પડતાં તરત જ ઓપરેશન કરવામાં આવે, તો માણસ બચી જાય છે, પણ નાનો કાંટો જો કાઢવામાં ન આવે, તો સેપ્‍ટીક થયા પછી મરવું પડે છે, ભીનું કપડું ખુલ્લું કરવાથી જલ્‍દી સુકાઇ જાય છે તેમ ગીતાર્થ ગુરૂ પાસે હ્યદય ખુલ્લુ કરવાથી આત્‍માનો પાપ પલાયન થઇ જાય છે. પાપોની આલોચના લીધા પછી કદાચ બીજી વખતે તે પાપ થશે તો તેવું તીવ્ર નહિં થાય. પુષ્‍પચૂલા અને કામલક્ષી ભયંકર પાપ કરવા છતાં પヘાતાપ પૂર્વક દુઃખિત હ્યદયના ભાવથી આલોચના કરીને તે જ ભવે મોક્ષે ગયા છે. રૂક્‍મિણી વગેરે આત્‍માઓએ પાપ છુપાવ્‍યું. તો એક લાખ ભવના શિકાર બની ગયા. અહંકાર છોડીેને સરલ ભાવથી આલોચના લેનાર પાપી પણ પાવન બની જાય છે. વામન પણ વિરાટ બની જાય છે. આલોચના લીધા પછી જે પ્રાયヘતિ આવે, તેને પૂર્ણ કરવું જોઇએ. આવી રીતે આરાધના કરનાર સ્‍વર્ગ અને મોક્ષ સુખનો ભોક્‍ત બને છે.

|| પર્યુષણ મહાપર્વના ૫ કર્તવ્યો ||

(૧) અમારી પ્રવર્તન  (૨) સાધર્મિક વાત્સલ્ય  (૩) ક્ષમાપાન  (૪) અઠ્ઠમ તપ  (૫) ચૈત્ય પરિપાટી.

(૧) અમારી પ્રવર્તન : મારી એટલે હિંસા, પોતે કરવી – કરાવવી, અમારી એટલે હિંસા કરવી નહિ, કરાવવી નહિ. આપણી ચારે બાજુ જો ત્રાહિમામ્ પુકારતાં પ્રાણિઓના દુ :ખ દર્દ ભર્યા જીવન હશે, તો તેવા વાતાવરણમાં આપણી મૈત્રી ભાવનાદિથી સભર આરાધના કેવી રીતે થઈ શકશે ? કોઈ ધર્મ માનવો પ્રત્યે પ્રેમ શિખવાડે છે, કોઈ માનવ અને પશુ પ્રત્યે પ્રેમ શિખવાડે છે, જૈન ધર્મ તો પૃથ્વી – પાણીથી માંડીને માનવ પશુ – પક્ષી બધા જીવો પ્રત્યે પ્રેમ શિખવાડે છે.

(૨) સાધર્મિક વાત્સલ્ય : સમાન ધર્મવાળો સાધર્મિક કહેવાય. તેના પર પ્રેમ અને વાત્સલ્ય રાખવું. જેમ વાસણ વગર પાણી ન રહે. આધાર વગર આધેય ન રહે, પૃથ્વી વગર સંસારમાં માનવ ન રહે, ગુણી વગર ગુણ ન રહે, એવી રીતે ધર્મી વગર ધર્મ ન રહે. દેરાસરમાં જાઓ ત્યારે દેવની અનુભૂતિ થાય., ઉપાશ્રયે જાઓ ત્યારે ગુરુની અનુભૂતિ થાય, ધર્મ કરે, ત્યારે તેની અનુભૂતિ થાય, પણ ધર્મોને જુઓ એટલે ત્રણેની એક સાથે અનુભૂતિ થાય. કારણ કે ધર્મના મનમંદિરમાં દેવ-ગુરુ અને ધર્મની પ્રતિષ્ઠા થયેલી હોય છે. તેથી તેની ભક્તિ કરવાથી અનેક ગણો લાભ થાય છે. જીવ સ્વયં તો મર્યાદિત આરાધના કરી શકે છે. પણ અનેક સાધર્મિક તો અનેક ધર્મોની આરાધના કરે, તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે બુદ્ધિરૃપી તરાજવામાં એક બાજુના પલ્લામાં પૂજા, સામાયિક, પૌષધ, નવકારવાલી વગેરે બધુ મુકાય અને બીજી બાજુના પલ્લામાં સાધર્મિક વાત્સલ્ય મુકાય તો બંને પલ્લાં સમાન હોય છે. કોઈપણ પલ્લુ ઉચું નીચું ન દેખાય. કેટલું બધું મહત્ત્વ છે. સાધર્મિક ભક્તિનું ?

(૩) ક્ષમાપના : પ્રથમ કર્તવ્યમાં બીજા જીવોને બચાવવાના છે અને ત્રીજા કર્તવ્યમાં પોતાને બચાવવાનો છે. આજ સુધી જીવે અહંકાર, મમત્વ, લોલુપતા આદિથી બીજા જીવો પ્રત્યે ક્રોધ કર્યો હોય, તો અહંકાર આદિ ત્યાગ કરી માફી માંગવાની હોય છે.

(૪) અઠ્ઠમ તપ : પર્યુષણ મહાપર્વ ઓછામાં ઓછી તપની આરાધના અઠ્ઠમ તપથી કરવી જોઈએ. એક સાથે અઠ્ઠમ ન થાય, તો છુટા છુટા ત્રણ ઉપવાસ કરવા જોઈએ. નાગકેતુ બાલકે અઠ્ઠમ તપ કર્યો હતો. તો તેના જીવનમાં દૈવિક ચમત્કાર થયો હતો. પરણેન્દ્રે આવીને તેને સહયોગ આપ્યો હતો અને અંતે તે મોક્ષમાં ગયો હતો.

(૫) ચૈત્ય પરિપાટી : આત્મ દર્શન કરવા માટે નગરમાં રહેલા બધા દેરાસરોના દર્શન વાજતે ગાજતે સામુહિક કરવા જવું જોઈએ. જેથી આત્મદર્શન થાય. આંગી વગેરેની વિશિષ્ટ રચના કરવી જોઈએ. આ પાંચ કર્તવ્યોથી પર્યુષણ મહાપર્વની આરાધના કરી આપણું જીવન

|| જીવનના અઢાર કર્તવ્યો ||

(૧) ઉચિત નિવાસ (૨) ઉચિત વિદ્યાગ્રહણ (૩) પાણિગ્રહણ (૪) યોગ્ય મિત્ર (૫) જિનભવન (૬) જિનપ્રતિમા રચના (૭) પ્રતિષ્ઠા (૮) દિક્ષા મહોત્સવ (૯) પદસ્થાપન (૧૦) શ્રુતભક્તિ (૧૧) પૌષધશાળા નિર્માણ (૧૨) યાવજ્જીવ સમ્યક્ત્વનું પાલન (૧૩) અણુવ્રત સ્વીકાર (૧૪) દીક્ષા સ્વીકાર (૧૫) આરંભ ત્યાગ – નિવૃત્તિ (૧૬) બ્રહ્મચર્યવ્રત પાલન (૧૭) શ્રાવકની ૧૧ પ્રતિમા વહન (૧૮) અંતિમ આરાધના

કર્તવ્ય એટલે ફરજ. સંસારી માનવો પોતાના સંસારને ચલાવવા દરેક ફરજોને અદા કરતો હોય છે. ત્યારે પ્રભુએ બતાવેલા કર્તવ્યોનું તે તે સમયે પાલન ન કરે તો કેમ ચાલે ? પ્રત્યેક શ્રધ્ધાળુ શ્રાવકોએ આ કર્તવ્યોનું અવશ્ય પાલન કરવું જ જોઈએ.

પ્રભુ વીરની પાટ પરંપરામાં બાવનમી પાટે થયેલા – આજથી લગભગ ૬૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા પૂ. આચાર્યદેવશ્રી રત્નશેખર સૂરિ મહારાજે શ્રાધ્ધવિધિ નામના ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ પ્રત્યેક શ્રાવકોના ઘરમાં અવશ્ય હોવો જોઈએ. પોતાની લાયબ્રેરીમાં જગ્યા ન હોય તો બીજા બે પુસ્તકોને બહાર કાઢીને પણ આ ગ્રંથ અવશ્ય વસાવવો જોઈએ. જેમાં શ્રાવકે સવારથી ઉઠીને રાત્રે સૂતા સુધીમાં ક્યા ક્યા કાર્યો કરવા જોઈએ તેની વિસ્તૃત માહિતી છે. એ સિવાય પર્વ ! વર્ષ ! જીવન દરમિયાન કરવા યોગ્ય કર્તવ્યોની પણ સુંદર માહિતી છે.

આ ગ્રંથમાં શ્રાવકોને જીવનમાં એક વખત કરવા યોગ્ય અઢાર કર્તવ્યોનું વર્ણન નીચે મુજબ છે.

જમ્મંમિ વાસઠાણં તિવગ્ગસિદ્ધિઈ કારણં ઉચિઅં ।
ઉચિઅં વિજ્જાગહણં પાણિગ્ગહણં ચ મિત્તાઈ ।।૧।।
ચેઇઅ-પડિમ પઈટ્વા સુઆઈ પવ્વાવણાય પયઠવણા ।
પુત્થયલેહણ-વાયણ પોસહસાલાઈ કારવણં ।।૨।।
આજમ્મં સમ્મતં જહ સતિવયાઈં દિક્ખગહણં વા ।
આરંભચાઉ-બંભં પડિમાઈ એતિ આરાહણા ।।૩।।

જૈન ધર્મના ગુરુભગવંતોની કેવી મહાનતા છે… જે મહાપુરુષોએ સંસારનો ત્યાગ કર્યો છે. કુટુંબનો ત્યાગ કર્યો છે, ધનનો ત્યાગ કર્યો છે, ઘરનો ત્યાગ કર્યો છે… એમણે આપણે ક્યાં રહેવું, કઈ વિદ્યા શીખવી, કોની સાથે વાત કરવી અને કોની સાથે દોસ્તી કરવી… એનો વિચાર કર્યો છે.

|| ૧.ઉચિત નિવાસ ||

આ કર્તવ્યને સમજતા પૂર્વે એક વાત સમજાવી પડશે. આપણા આચારમાં આપણા વિચાર કારણભૂત છે તો આપણા વિચારમાં આપણને મળેલું વાતાવરણ કારણભૂત છે. અશુભ વાતાવરણ અશુભ વિચારો કરાવી અશુભ આચારોમાં આત્માને જોડી દે છે. જ્યારે શુભ વાતાવરણ – શુભ વિચારો દ્વારા જીવને શુભ આચારમાં જોડે છે, ટૂંકમાં આપણા શુભ-અશુભ આચારોની પાછળ વાતાવરણ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે.

યાદ રહે, મન પાણી જેવું છે. પાણીમાં જે કલર નાંખો તે કલરને પકડી લે. અને પાણીને જે પાત્રમાં નાંખો તો તે આકાર પકડી લે, મનનું પણ આવું જ છે. જેવું સ્થાન મળે તેવા વિચારોમાં જોડાઈ જતું હોય છે.

ભૂલશો નહિ, તંદુરસ્ત માણસ જો ચેપી રોગના એરિયામાં ચાલ્યો જાય તો એને પણ એ રોગનો ચેપ લાગી જાય છે. તેમ સારો માણસ પણ ખરાબ સ્થાનમાં ચાલયો જાય તો ખરાબ બની જાય છે. સંપત્તિના જુગારમાં હજી કદાચ સફળતા મળે પણ ખરાબ સ્થાનમાં જઈને સારા બની રહેવું ખૂબ મુશ્કેલ છે માટે શ્રાવક એવા સ્થાને જ રહે જ્યાં જિનમંદિર પાસે હોય – ઉપાશ્રય અને પાઠશાળા નજીક હોય, આજુબાજુમાં ધર્મી હોય, સતત સાધુ-સાધ્વીજી ભગવંતોનો લાભ મળતો હોય.

વાલકેશ્વરમાં એક ભાઈ સોળમે માળેથી બીજા માળે રહેવા આવ્યા ચાલુ ભાવ કરતા ઓછા ભાવમાં પોતાનો ફલેટ વેચી દીધો. કારણ પૂછતા તેમણે કહ્યું : બીજા માળે જેટલો સાધુ-સાધ્વીજીનો લાભ મળે એટલો સોળમા માળે ન મળે.

દાદરમાં એક ભાઈએ મારી પાસે અભિગ્રહ લીધો… જ્યાં સુધી દેરાસર કે ઉપાશ્રયની આજુબાજુમાં ઘર ન મળે ત્યાં સુધી દર મહિને બે આયંબિલ કરીશ.

સંપતિનો મોહ જતો કરીને પણ સ્થાન તો આવા ધર્મસ્થાનોની આસપાસ જ હોવું જોઈએ. જેથી બાળકોમાં નાનપણથી જ દર્શન, પૂજા, વંદન, જિનવાણીશ્રવણ, સુપાત્રદાન વગેરેના સંસ્કારો પડી જાય… એને બદલે જો ઘરની આસપાસ થીયેટર, હોટલ, કેશીનો, બીયરબાર, કતલખાના, પોલ્ટ્રી-ફાર્મ વગેરે હોય તો… તો જુગાર, માંસાહાર, વ્યાભિચાર જેવા પાપોને જીવનમાં પ્રવેશતા વાર ન લાગે.

|| ૨. ઉચિત વિદ્યા ||

શ્રાવકે એવી જ વિદ્યા-શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ… જેથી આલોકમાં સુખેથી આજિવીકા મળી રહે. મનમાં શાંતિ-સમાધિ ટકી રહે અને પરલોક સાધક ધર્મ પ્રત્યેની શ્રધ્ધાનો નાશ ન થાય.

આ કર્તવ્યના ઉંડાણમાં જો ઉતરીએ તો વર્તમાનકાળના સંદર્ભમાં એક વાત કહેવાનું મન થાય છે… શું આજના કાળના શિક્ષણને ઉચિત શિક્ષણ કહી શકાય ? જ્યાં મા-બાપનો વિનય ન હોય, વડીલો સાથે ઉચિત વ્યવહાર ન થતો હોય, સ્કુલ-કોલેજમાં મેનેજમેંટની સામે આંદોલનો થતા હોય, શિક્ષક-શિક્ષિકાઓ સામે અપશબ્દો બોલાતા હોય, વિદ્યાર્થીનીઓની છેડતીઓ થતી હોય, છડેચોક પ્રેમલગ્નો, છૂટાછેડા અને ગર્ભપાત જેવા પાપો થતા હોય… ખૂલ્લેઆમ વ્યસનોનું સેવન થતું હોય, ત્યાં આજના યુવાનો પાસે ઉચિત શિક્ષણ છે એમ કહી શકાય ખરું ?

આજથી ૫૦ વર્ષપૂર્વે જ્યારે આજના જેટલો શિક્ષણનો વ્યાપ ન હતો… ત્યારે ઉપર જણાવેલા દૂષણો પણ સમાજમાં ફાલ્યા-ફુલ્યા ન હતા. ઉલ્ટું, પરસ્પર સંપ, સ્નેહ, શાંતિ અને સમાધિથી સહુ એકબીજાની સાથે રહેતા હતા. સંતોષથી જીવન જીવતા હતા અને સમાધિથી પોતાનો દેહ છોડતા હતા. એ લોકોની પાસે આજના જેટલી ઉંચામાં ઉંચી ડીગ્રીઓ ભલે ન હતી પણ એમની પાસે ઉચિત વિદ્યા જરૃર હતી. જેથી તેમના જીવનમાં વિનય, વિવેક, જીવદયા, મૈત્રી, કરુણા જેવા અનેક ગુણો સહજતાથી વણાયેલા રહેતા.

મુખ્ય વાત એ છે… આજે ભણતર વધ્યું છે, ગણતર ઘટયું છે. વિદ્યાર્થીઓ ગણિતમાં પાવરફુલ થયા છે પણ, ગણતરમાં ફેઈલ થયા છે. એવા સમયે આજના માતાપિતાઓની જવાબદારી વધી જાય છે. શિક્ષણના દૂધમાં જો સંસ્કારની સાકર નહિ હોય તો આ દૂધ બાળકો માટે જોખમી બની શકે તેમ છે. પ્રત્યેક માતાપિતાઓએ પોતાનું સંતાન ગમે તેવો ગ્રેજ્યુએટ કેમ ન બન્યો હોય, છતાં એનું જીવન વ્યસન, વિલાસ, વ્યભિચાર જેવા પાપોથી બચી જાય એના માટે પૂરી કાળજી લેવી પડશે. જો શિક્ષણ ઉચિત હશે તો વ્યાપાર પણ ઉચિત હશે. અન્યથા દાણચોરી, અનિતિના ધંધા, સટ્ટા વગેરે સેવીને પોતાનું અને પોતાના આશ્રિતોનું જીવન પાયમાલ બનાવ્યા વગર નહિ રહે.

|| ૩. ઉચિત વિવાહ ||

પરમાત્માએ આઠ વર્ષની વયે જ દીક્ષા લેવાની વાત કરી છે. બાલ્યવયમાં ચારિત્ર લઈ જ્ઞાાન-ધ્યાનની સાધના કરી આગળ જતાં મહાન શાસનપ્રભાવક બન્યાના ઈતિહાસમાં અને વર્તમાનમાં ઢગલાબંધ દ્રષ્ટાંતો છે.

ચારિત્ર મોહનીય કર્મના ઉધ્યે કદાચ ચારિત્ર ન લઈ શકે તો ગમે તેની સાથે પ્રેમમાં પડી – ગમે તેવું જીવન જીવી – આ જિંદગીને સમાપ્ત કરવાની નથી. એ માટે ધર્મબિંદુ અને યોગશાસ્ત્ર જેવા ગ્રંથોમાં પણ શ્રાધ્ધવિધિ ગ્રંથની જેમ ઉચિત વિવાહની વાત કરી છે. આ ગ્રંથોમાં ક્યાંય શરીરની હાઈટ, વેઈટ કે લાઇટ જોવાની વાત નથી કરી. હાઈટ માપે એને તો દરજી કહેવાય, વેઈટ માપે એને તો ખાટકી કહેવાય. ચામડાની લાઈટ જુએ એને તો ચમાર કહેવાય. શાસ્ત્રમાં તો પાંચ પ્રકારની સમાનતા જોવાનું છે.

૧. કુળની સમાનતા- હલકા કુળની સ્ત્રી ઉંચા કુળમાં આવે તો તેના હલકા સંસ્કારો આવનારી સંતતિને પણ બગાડયા વગર ન રહે. એમ ઉંચા કુળની સ્ત્રી જો હલકા કુળમાં જાય તો તેના સારા સંસ્કારો નષ્ટ થયા વગર ન રહે માટે કુળ સમાન જોઈએ.

૨. શીલની સમાનતા – શીલ એટલે આચાર. કન્યાના ઘરે કંદમૂળ-ત્યાગ વગેરે જે જે આચારો પળાતા હોય, તે છોકરાના ઘરે પળાતા હોવા જોઈએ. નહિ તો સાસરે ગયા પછી ધર્મ ન થઈ શકવાને લીધે ઘણી કન્યાઓ દુ :ખી-દુ :ખી થઈ જતી હોય છે.

૩. ભાષાની સમાનતા- ઘરમાં ગુજરાતી બોલાતી હોય, તો કન્યા પણ સમભાષી જોઈએ. સાઉથ ઈંડિયન છોકરી આવી જાય તો પોતે મુંઝાય. ક્યારેક પિયરીયા આવે અને એમની ભાષામાં વાત કરે તો સાસરીયાઓને શંકા પડે. દીકરીને મુશ્કેલીમાં મુકાવું પડે.

૪. વયની સમાનતા- બે-ચાર વર્ષનું અંતર હોય ત્યાં સુધી વાંધો નહિ. ૧૦/૧૫ વર્ષનું અંતર પાછલી લાઈફમાં સ્ત્રીના શીલવ્રત માટે જોખમી બની શકે છે.

૫. ધનની સમાનતા- વૈભવની સમાનતા જોઈએ. ગરીબની કન્યા શ્રીમંતના ઘરે આવે તો નણંદ વગેરેને મહેણા-ટોણા સાંભળવા પડે. શ્રીમંત કન્યા ગરીબના ઘરે આવે તો સાસરી પક્ષને રોજ સંભળાવ્યા કરે. પાંચ-પંદર મહિના ચાલનારા ઘડાને પણ જો ટકોરો મારીને લાવવામાં આવે છે, તો જેની સાથે આખી જિંદગી કાઢવાની છે, એમાં શાસ્ત્રએ બનાવેલા લક્ષણો ન જોવાય તે કેમ ચાલે ?
|| ૪. ઉચિત મિત્ર ||
ફુલદાનીમાં રાખવા જો ફુલ નથી મળતા તો આપણે કચરો નથી નાંખતા, સારુ વોલપેઈન્ટીંગ ન મળે તો દિવાલને કોરી રાખીએ છીએ પણ ગંદા ચિત્રોથી એને ભરી નથી દેતા. એ જ રીતે સારા મિત્રો ન મળે તો મિત્ર વગરના રહેવું સારું પણ ગંદા મિત્રો ક્યારેય ન કરવા. અંગ્રેજીમાં આવા જ મતલબની કહેવત છે. ઈટ ઈઝ બેટર ટુ લિવ અલોન, ધેન ઈન ઈલ કંપની.

ક્યાંક સરસ વાત વાંચેલી.

જેને એક પણ મિત્ર નથી તે સજાપાત્ર છે.

જેને સારો મિત્ર નથી તે દયાપાત્ર છે.

જેને સારો મિત્ર છે તે દુઆપાત્ર છે

એક ઘડો પાસ કરતા પહેલા જો ૨૦ ઘડા નાપાસ કરો છો.

એક છોકરી પાસ કરતા પહેલા જો ૪૦ છોકરી કેન્સલ કરો છો.

તો એક મિત્ર પાસ કરતા પહેલા ૮૦ને રિજકેટ કરવા પડે તો કરજો. યાદ રહે, એક છોકરી કદાચ જેટલું નુકસાન નથી કરાવતી એ કરતા કંઈ ગણું નુકસાન એક ગલત મિત્ર દ્વારા થતું હોય છે. કોઈ છોકરી દારૃ, સિગારેટ, ગુટખાના રવાડે નહિ ચડાવે, પણ એક ગંદો મિત્ર ક્યા પાપ નહિ કરાવે એ પ્રશ્ન છે.

એક બગડેલી કેરીમાં જો તાકાત છે… ૯૯ કેરીને બગાડવાની તો એક ગલત દોસ્તમાં તાકાત છે દશ મિત્રોને બગાડવાની.

પંચસૂત્રમાં પૂ.આ. શ્રી હરિભદ્ર સૂરિ મહારાજે લખ્યું છે.

વજ્જિજા અધમમિત્તજોગં અને આગળ લખ્યું છે…

હોઉમે કલ્યાણમિત્તસંજોગો. અર્થાત્ અધર્મી એટલે કે પાપી મિત્રનો ક્યારેય સંગ ન કરવો. મિત્ર કરો તો કલ્યાણ મિત્ર કરજો. જે આપણું કલ્યાણ કરે તે આપણો કલ્યાણ મિત્ર. જે આપણને સંસારમાં રખડાવે તે પાપ મિત્ર.

મમ્મણને આગલા ભવમાં સિંહકેશરીયો લાડુ મુનિને વહોરાવ્યા પછી પાછો માંગવાની ઈચ્છા કેમ થઈ ? એનું મૂળ તપાસીએ તો જણાશે… અકલ્યાણ મિત્રનો યોગ.

મુનિને વહોરાવ્યા પછી બાજુવાળા દોસ્તે મમ્મણને પૂછ્યું : કેમ દોસ્ત ! લાડવો ખાધો ? મમ્મણે કહ્યું : ના, મેં તો વહોરાવી દીધો. મહાત્માનો લાભ લીધો. અને અહીંયા પેલા દોસ્તે મમ્મણની અનુમોદના કરવાને બદલે મમ્મણે કરેલા પુણ્યની વાટ લગાડી દીધી.

અલ્યા ! વહોરાવવા માટે તો ઘણા લાડવા મળત. ખાવા માટે તો આના જેવો બીજો લાડવો ન મળત. જા જલ્દી, હજી એ મહાત્માની પાસે જ લાડવો હશે… વાપર્યો નહીં હોય. એમણે… અને મમ્મણ દોડયો.

આગળની કથા તો પ્રસિદ્ધ જ છે. એટલે કથાને આગળ ન લંબાવત ! દોસ્તીની વાત આગળ લંબાવીએ.

પાપીમિત્રની જગ્યાએ જો કલ્યાણ મિત્ર મળી ગયો હોત તો તેણે મમ્મણના સુકૃતની ભરપેટ અનુમોદના કરી હોત. જે મમ્મણને ધર્મમાં સ્થિર કરીને પરલોકમાં સંપતિ તો અપાવત સાથે એને ભોગવવાની અને ત્યાગ કરવાની શક્તિ પણ અપાવત.

એને બદલે થયું ઉલટું…

લાડવો હાથમાં ન આવતા મમ્મણે પોતે કરેલા સુકૃતની ઘોર નિંદા કરી… મમ્મણનાં ભવમાં સંપત્તિની કારમી આસક્તિ કરી… અંતે સાતમી નરકમાં વિદાય થઈ ગયો.

એક સારો મિત્ર બનાવવા માટે લાખ રૃપિયાનું દેવું કરવું પડે તો કરજો અને એક પાપમિત્રનો ત્યાગ કરવા માટે લાખ રૃપિયાનો વ્યય કરવો પડે તો ય કરી લેજો.

|| ૫- જિનભવન, ૬- જિન પ્રતિમા રચના, ૭- પ્રતિષ્ઠા, ૮- પુત્ર વગેરેનો દિક્ષા મહોત્સવ ||
કોઈ નાનું બાળક ચારિત્ર લેવા તૈયાર થાય તો આપણું રિએક્ષન શું? આપણે એમ કહીએ ખરા કે આ માર્ગે જવા જેવું છે. આના વગર ઉધ્ધાર નથી. આ ભવમાં બધા વગર ચાલે પણ સંયમ વગર તો ન જ ચાલે. ના. ઉલટું, ક્યારેક મુમુક્ષુને આપણે ભડકાવી દઈએ કે દીક્ષા લીધા પછી લોચ કરાવવો પડશે. વિહાર કરવો પડશે. સ્વાધ્યાય કરવો પડશે. ગુરુની સેવા કરવી પડશે. સાથેવાળાનું માનવું પડશે.
આનો મતલબ એ થયો કે અનંતકાળથી સુખમાં આસક્ત એવો આત્મા સંયમજીવનમાં પણ અનુકૂળતા, સુવિધા, સગવડ અને સુખને જ શોધતો ફરે છે. જેથી એને ચારિત્રજીવનમાં આત્માનું અનંત કલ્યાણ ન દેખાતા કષ્ટો જ દેખાય છે. બાકી ધર્મરત્ન પ્રકરણમાં શ્રી શાંતિસૂરિમહારાજે શ્રાવકને દ્રવ્યસાધુ કહ્યા છે. દ્રવ્યસાધુ એટલે સાધુ બનવાની ઈચ્છાવાળો. શ્રાવક એનું નામ, જે સતત સાધુપણું ઝંખતો હોય. એના હૃદયમાં ભાવના ચાલતી હોય…

‘સસનેહી પ્યારા રે,
સંયમ કબ હી મિલે.’

શ્રાવક પોતે કદાચ સંયમ ન લઈ શકે તો પરિવારને એ માર્ગે જવા તૈયાર કરે.

પ્રવચનસારોદ્વારની વૃત્તિમાં શીતલાચાર્યનું સુંદર કથનાક આવે છે. શીતલાચાર્યની બહેનનું નામ છે – શ્રૃંગારમંજરી. એને ચાર દિકરા છે. એક દિવસ ચારે દિકરાઓને બોલાવીને શ્રૃંગારમંજરી વૈરાગ્યનો ઉપદેશ આપે છે.

”કોટિશો વિષયા : પ્રાપ્ત : સંપદશ્ચ સહસ્ત્રશ : ।
રાજ્યં ચ શતશો જીવૈર્ન ચ ધર્મ : કદાચન ।।”

બેટાઓ! આ જીવે કરોડો વખત વિષય સુખો ભોગવ્યા. હજારો વખત સંપત્તિઓ મેળવી અને સેંકડો વખત રાજસુખ મેળવ્યું. પરંતુ આ જીવને ધર્મની પ્રાપ્તિ થઈ જ નથી.’ એમ સમજાવી ચારેય દીકરાઓને સંયમના માર્ગે વળાવ્યા. આ શ્રૃંગારમંજરીને ચારિત્રજીવન પ્રત્યે કેવો અનુરાગ હશે?

ત્રણ ખંડના ધણી શ્રીકૃષ્ણ પોતે નિકાચીત કર્મના ઉદયથી ચારિત્ર લઈ શકે એમ ન હતા, પણ અંતરમાં ચારિત્ર હાડોહાડ બેઠું હતું. એટલે તો જ્યારે દીકરીઓ મોટી થતી, ઉંમરલાયક થતી ત્યારે શ્રીકૃષ્ણ તમામ દિકરીઓને એક પ્રશ્ન કરતા : બેટા! દાસી થવું છે કે રાણી થવું છે? દાસી થવું હોય તો સંસારના માર્ગે જજો, રાણી થવું હોય ભગવાન નેમનાથ પાસે જઈ સંયમનો માર્ગ સ્વીકારજો. અને તમામ દીકરીઓ ચારિત્ર સ્વીકારી લેતી. આ તો બહુ જુની વાત થઈ. વર્તમાન સદીમાં બનેલી એક ઘટના જોઈએ.

ભરુચમાં અનુપચંદભાઈ નામના એક અતિશ્રદ્ધાળુ અને જ્ઞાાની શ્રાવક થઈ ગયા. પોતે ચરિત્ર ન લઈ શક્યા, એનો વસવસો તો એમના હૃદયમાં હતો જ. એટલે પોતાની પુત્રીને એમણે સારા સંસ્કારોથી વાસિત કરી. પરંતુ ચારિત્ર મોહનીય કર્મના ઉદયને લીધે દીકરીને ચારિત્ર લેવાનું મન ન થયું.

ઉંમરલાયક થતા બાપે દીકરીના લગ્ન નક્કી કર્યા. વરરાજા માંડવે જાન લઈને જઈ રહ્યા હતા. વચ્ચે ઉપાશ્રય આવ્યો. અનુપચંદભાઈના હૃદયમાં ચારિત્ર કેવું બેઠું હતું એ હવે આપણને જોવા મળશે. ઉપાશ્રય આવતાની સાથે જ અનુપચંદભાઈએ ઘોડાને ઉભો રાખીને વરરાજાને કહ્યું : જુઓ જમાઈરાજ! હજી તમને બંનેને ચારિત્ર લેવાની ઈચ્છા હોય તો જરાય મોડું નથી થયું. લગ્નના માંડવાને દીક્ષાના મંડપમાં ફેરવી નાંખશુ. ઉપાશ્રયમાં ગુરુમહારાજ પણ બેઠા છે.

અંદર ચારિત્ર કેટલું ઉંડાણથી બેઠું હશે… ત્યારે ભાવી જમાઈને આવું કહી શક્યા હશે. આજના જમાઈને કોઈ સસરો આવું પૂછી શકે! અને પૂછે તો હાલત શું થાય? ચાલુ જાનને છોડીને જમાઈરાજ ઘરભેગા થાય કે બીજું કાંઈ?

હજી એક પ્રસંગ યાદ આવે છે…

ખંભાતના બાલાભાઇ નામના શ્રાવક હતા. પોતાની એકેય દીકરી ચારિત્ર લેવા તૈયાર ન થતા છેલ્લી દિકરીને ખૂબ સમજાવ્યું. એના ભાવ ન થતા અંતે એના લગ્ન કરાવ્યા. લગ્ન કરાવીને સીધા ઘરે ન જતા ઉપાશ્રયમાં આવી ગુરુભગવંતોના ખોળામાં માથું નાંખી ધ્રુસકે ધ્રુસકે રડી પડયા… અને બોલ્યા : આજે છેલ્લી દિકરીને પણ સંસારના કૂવામાં નાંખી આવ્યો. એક વાત યાદ રાખજો, આપણે ચારિત્ર લઇએ તો બહુ સારી વાત છે, પણ કોઇ ચારિત્ર લેવા તૈયાર થતું હોય તો એને તો ક્યારેય અંતરાય ન જ કરવો. આપણને ચારિત્ર લેવામાં વિઘ્નો નડયા વગર નહિ રહે.

બે નિયમ પ્રત્યેક શ્રાવકને હોવા જોઇએ.

૧. જ્યાં સુધી ચારિત્ર ન મળે ત્યાં સુધી એક ભાવની વસ્તુનો ત્યાગ. ૨. કુટુંબમાંથી કોઇપણ આત્મા ચારિત્રના માર્ગે જવા તૈયાર થાય તો આપણે અંતરાય ન કરવો.

છેલ્લે એક મહત્વની વાત… ખૂબ પ્રયત્ન કર્યા પછી પણ જો પોતાના પુત્ર વગેરેને દીક્ષાના ભાવ ન જાગે… તો બીજા દીક્ષાર્થીના દીક્ષા મહોત્સવ પોતાના ધનના સદ્વ્યયથી કરવો. એની મુશ્કેલીઓ ગુપ્ત રીતે પોતે દૂર કરવી. કારણ કે એક નૂતન જિનાલયના નિર્માણ કરતાંય એક સાધુના નિર્માણમાં વધુ લાભ છે.

અને હજી એક અગત્યની વાત..

શ્રાવક પોતે ચારિત્ર ન લઇ શકે, પોતાના પરિવારને પણ ચારિત્ર ન અપાવી શકે. બીજાને ચારિત્ર અપાવવામાં પણ લાભ ન લઇ શકે તો પણ પ્રત્યેક શ્રાવકોએ એક વાત તો અચૂક ધ્યાનમાં રાખવી કે જીવનમાં ક્યારેય કોઇ સાધુની નિંદા ન કરવી. સાધુની નિંદાથી આ ભવમાં ચારિત્ર નહિ મળે, અને આવતા ભવમાં સાધુના દર્શન પણ દુર્લભ બની જશે.

|| ૯. પદસ્થાપન ||

જેઓએ ચારિત્ર સ્વીકાર્યું છે… તેવા મુનિઓને અમુક પયાર્ય પછી ગુરુભગવંતોની અનુજ્ઞાાથી ગણીપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ, આચાર્ય- પદ આદિ પદોની પ્રાપ્તિ થતી હોય છે. પ્રથમ ત્રણ પદમાં વિવિધ શ્રુતની અનુજ્ઞા મળે છે. જ્યારે આચાર્યપદમાં તીર્થની શાસનની અનુજ્ઞા મળે છે.

ગુણીયલ ગુરુભગવંતોને ગુરુદેવ જ્યારે પદપ્રધાન કરતા હોય ત્યારે શ્રાવકોએ તેનો મહોત્સવ કરવો જોઇએ. આ મહોત્સવ જગતમાં જિનશાસનની પ્રભાવના થાય તેવો થવો જોઇએ. પોતાનું સંતાન CA, MBA કે MBBS બને છે, ગ્રેજ્યુએટ બને છે… ત્યારે કેટલા ખર્ચાઓ કરાતા હોય છે. કેટલો ઠાઠ કરાતો હોય છે… તો જિનશાસનના મહાપુરુષોને પદપ્રદાન થાય ત્યારે કોઇ એક સમર્થ શ્રાવકે જ તેના લાભ ઉઠાવી લેવો જોઇએ. એમ કરવાથી એ મહાત્મા દ્વારા ભાવિમાં જેટલી શાસન પ્રભાવના થાય તેમાં તેઓ નિમિત્ત બને છે. અપૂર્વ પુણ્યના ભાગી બને છે.

ભૂતકાળમાં આમરાજાએ બપ્પભટ્ટીસૂરિને આચાર્યપદ પ્રદાન કરાવેલ. જગદ્ગુરુશ્રી હીરવિજય સૂરિમહારાજની સિરોહી. રાજસ્થાનમાં આચાર્ય પદવી થઇ ત્યારે ત્યાંના રાજાએ સવારથી સાંજ સુધી ઉપાશ્રયમાં આવેલ ભાવુકોને સોનામહોરની પ્રભાવના કરેલ. કદાચ, સંપૂર્ણ લાભ ન લઇ શકાય તો પદ પ્રદાનના દિવસે એ પૂજ્યોને પટ, નવકારવાળી, આસન વગેરે વહેરાવવાનો પણ એકાદ લાભ લઇ શકાય.

|| ૧૦ શ્રૃતભક્તિ ||

આ કર્તવ્યનું મૂળનામ તો છે પુસ્તકલેખન અને ગ્રંથવાંચન :

શ્રુતભક્તિના નામે આ બન્ને કર્તવ્યો એકમાં સમાવી લીધા છે.

પ્રશ્ન એ છે….શ્રુતભક્તિનો અર્થ શું ? જ્ઞાનપાંચમના દિવસે દેરાસર-ઉપાશ્રયમાં ગોઠવેલ આગમગ્રંથોની પૂજા કરવી, પેન-પેન્સિલ કે નોટબુક મૂકવી, કે સરસ્વતી પૂજન કરવું….શું એ જ શ્રુતભક્તિ છે ?

જવાબ એ છે…આ બધી શ્રુતભક્તિ છે, એની ના નહિ, પણ અહીં જ અટકવાનું નથી. અહીંથી શ્રુતજ્ઞાન મેળવવાનો પ્રારંભ કરવાનો છે. એટલે શાસ્ત્રકાર મહર્ષિ પુસ્તકલેખનને શ્રુતભક્તિ ગણાવે છે. જે કાળમાં આજના જેવી પ્રિન્ટીંગ પ્રોસેસ ન હતી… ત્યારે ગ્રંથો હાથે લખાતા હતા…અને જ્ઞાાનભંડારોમાં સાચવવા મૂકાતા હતા. આજે પણ ગુજરાતના અનેક ભંડારોમાં સેંકડો વર્ષ પૂર્વે લખાયેલ પૂર્વના મહાપુરૃષોએ રચેલા ગ્રંથો પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ, મહી. શ્રી યશોવિજયજી મહારાજ, મહામંત્રી વસ્તુપાળ વગેરેએ સ્વહસ્તે લખેલ હસ્તપ્રતો અને તાડપ્રતો પણ આજે જોવા મળે છે.

દુ :ખની વાત એ છે….આજે જે મળે છે…એથી વધારે આપણે ગુમાવી દીધું છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ૧૪૪૪ ગ્રંથો રચેલા, એમાંથી પૂરા સો ગ્રંથો મળતા નથી. કલિકાલસર્વજ્ઞાશ્રીએ સાડાત્રણ કરોડ શ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કરેલ. જેમાંથી સાડા ત્રણ લાખ સાહિત્ય પણ પ્રાપ્ત થતું નથી. ઉપાધ્યાયજી મહારાજે પ્રાય : ત્રણસો જેવા ગ્રંથો રચેલા. એમાનું ઘણું નષ્ટ થઈ ગયું છે. એ સિવાય પણ અનેક ગ્રંથો દુષ્કાળ, વિધર્મના આક્રમણો અને પરદેશીઓની કુટિલતાને લીધે નષ્ટ થઈ ગયા છે, યા તો આપણે ગુમાવી બેઠા છીએ. કેટલાંક ગ્રંથો તો એવા છે…જેની એક પણ કોપી ભારતના ભંડારમાં નથી પણ પરદેશની લાયબ્રેરીમાં તેની હસ્તપ્રત ઉપલબ્ધ થાય છે.

સંપન્ન શ્રાવકો જેમ પોતાનું એક જિનાલય બંધાવે છે તેમ પોતાનો એક જ્ઞાનભંડાર પણ વસાવવો જોઈએ. પૂર્વે કુમારપાળ મહારાજા, વસ્તુપાળ, પેથડશા, સંગ્રામ સોની વગેરેએ સેંકડો તાડપત્રો લખાવેલ અને અનેક જ્ઞાનભંડારોની સ્થાપના કરેલ. સોનારૃપાની સાહીથી ગ્રંથો લખાવી પરમાત્માએ પ્રરૃપેલ શ્રૃતજ્ઞાન પ્રત્યે પોતાનું બહુમાન વ્યક્ત કરેલ. એ જ રીતે જે ગુરૃભગવંતો પંડિતો પાસે ભણતા હોય…તેમનો સંપૂર્ણ પગાર વગેરેનો લાભ લેવો એ પણ શ્રૃતભક્તિ જ છે. પૂ. જંબૂવિજયજી મહારાજે એક ઠેકાણે લખ્યું છે…કે પૂર્વે શ્રાવકોના ઘરમાં શસ્ત્ર અને શાસ્ત્ર બંને મળતા. આજે શ્રાવકોએ શસ્ત્રો સરકારને સોંપી દીધા અને શાસ્ત્રો સાધુભગવંતને.

હું જરા જુદી રીતે આ વાત પ્રવચનમાં કરતો હોઉં છું. આજના વડીલોને કે યુવાનોને બુકમાં રસ ખરો, ધાર્મિકબુકમાં નહિ. વડીલોને પાસબુક અને ચેકબુકમાં રસ છે. જ્યારે યુવાનોને નોટબુક અને ફેસબુકમાં રસ છે.

આજના યુવાનો પાસે ધાર્મિક સાહિત્ય વાંચવાનો સમય નથી એવું નથી જો મોબાઈલ, વ્હોટ્સએપ, ફેસબુક, લેપટોપ અને ટીવી તથા મુવી માટે કલાકોનો સમય નીકળી શકતો હોય તો આખા દિવસમાં અડધો કલાક- ધાર્મિક/તાત્ત્વિક અને સાત્વિક સાહિત્ય માટે સમય નીકળી ન શકે ? એક મોબાઈલને પણ જો આખો દિવસ ચલાવવો હોય તો અડધો કલાક એનું ચાર્જિંગ કરવું પડે છે. જડ એવા મોબાઈલને જો ચાર્જિંગની જરૃર હોય તો ચેતન એવા આત્માને શું ચાર્જિંગની જરૃર નથી ? ભૂલશો નહિ, અડધો કલાકનું શુભવાંચન આખો દિવસ ઉત્સાહથી જીવવા માટેનું ચાર્જિંગ પૂરું પાડે છે.

એક નાનકડા શ્લોકમાં તાકાત હોય છે…લાખો/કરોડો રૃપિયાની મૂર્છા ઉતારી દેવાની, એક નાનકડા પ્રવચનમાં તાકાત હોય છે…ભર્યાભાદર્યા સંસારની માયા છોડાવી દેવાની. એક નાનકડા ગ્રંથમાં તાકાત હોય છે….પતિત થયેલા પરિણામોને પુન :સ્થિર કરી દેવાની.

લલિત વિસ્તરા નામની એક કૃતિનાં વાંચનથી વિશ્વશ્રેષ્ઠ કથા ગ્રંથ શ્રીઉપમિતિભવપ્રપંચાના રચયિતા સિધ્ધર્ષિના પરિણામો સ્થિર થઈ ગયેલ.

લાખ લાખ વંદન તીર્થંકર ભગવંતોને, ગણધર ભગવંતોને ગુરૃભગવંતોને, તેઓશ્રીએ રચેલા શાસ્ત્રોને, એ શાસ્ત્રોના રક્ષકોને….

અંતમાં શ્રી હરિભદ્ર સૂરિમહારાજના એ શબ્દો યાદ આવે છે…

હા અણાહા કહં હું તા, ન હું તો જઈ જિણાગમો. જો જિનાગમોની પ્રાપ્તિ અમને ન થઈ હોત તો…અમે અનાથ થઈ ગયા હોત.

આપણે નશીબદાર છીએ…આજે પણ આપણને આગમ-ગ્રંથો મળ્યા છે. ગુરૃભગવંતોના ચરણોમાં બેસી એની વાચના લઈ આપણા જીવનનું પરિવર્તન કરી લેવા જેવું છે.

|| ૧૧. પૌષધશાળા નિર્માણ ||

આ કર્તવ્યની વાત શરૃ કરતા પૂર્વે એક પ્રશ્ન વિચારીએ. એક સોસાયટીમાં પચાસ જેટલા જૈનોના ઘર વસ્યા….તો પહેલા શું કરવું ? દેરાસર કે ઉપાશ્રય ? મોટાભાગે આજના શ્રાવકો સહુ પ્રથમ જિનાલય કરતા હોય છે…ત્યારબાદ ઉપાશ્રય માટે મહેનત કરતા હોય છે. ગીતાર્થ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય જયઘોષસૂરિમહારાજ આ અંગે બહુ સુંદર માર્ગદર્શન આપે છે. તેઓ કહેતા હોય છે : પ્રથમ ઉપાશ્રય પછી જિનાલય. આની પાછળનું રહસ્ય સમજાવતા પૂજ્યશ્રી કહે છે…જિનાલયમાં માત્ર પરમાત્માની ભક્તિના કાર્યો થશે, જ્યારે ઉપાશ્રયમાં સાતેક્ષેત્ર જીવદયા અને અનુકંપાને લગતા અનેક કાર્યો થશે. એક ઉપાશ્રય થાય એટલે ગુરૃભગવંતો પધારે, પ્રવચનો ગોઠવાય, શ્રાવકોને સુપાત્રદાનનો લાભ મળે. પ્રવચનો દ્વારા જિનાલયની પ્રેરણા થાય, અને સુંદર જિનાલયનું નિર્માણ થાય. પાઠશાળા ચાલુ થાય. બાળકોના સંસ્કરણનો પ્રારંભ થાય. ઢગલાબંધ લાભો એક ઉપાશ્રયથી થતા હોય છે. આવા અનેક લાભોને નજર સામે રાખી શ્રાવકોએ જીવનમાં એક ઉપાશ્રય એટલે કે પૌષધશાળાનો લાભ લેવો જોઈએ. પૂર્વના કાળમાં શ્રાવકોના મોટા ભવનો રહેતા. ગુરૃભગવંતોને ઉતરવા તેઓ પોતાનું એકાદ ભવન વસ્તીરૃપે આપતા. શાસ્ત્રમાં સાત પ્રકારનાં દાનમાં એક દાન વસતી દાન ગણાવ્યું છે. આવા વસતી દાનનાં પ્રભાવે તેને ભવાંતરમાં દૈવીવિમાનો રહેવા માટે મળતા હોય છે. જ્યારે આ ભવમાં તેને શય્યાતરનું પદ મળે છે. શચ્યા એટલે વસતી. જે શય્યા આપીને આ સંસાર સમુદ્રને તરી જાય એનું નામ શય્યાતર. પોતાની વસતીમાં ગુરૃભગવંતો રહીને જ્ઞાન-દર્શન-ચારિત્રની જે પણ આરાધના કરે..એનો આંશિક લાભ એના શય્યા દાતાને પણ અવશ્ય મળતો હોય છે.

|| ૧૨ યાવજજીવનું સમ્યક્ત્વનું પાલન ||

સમ્યકત્વ એટલે સમ્યગદર્શન. સમ્યગદર્શન એટલે સાચ્ચું દર્શન. અનંતકાળમાં જીવને ભટકાવનાર કોઈ તત્વ હોય તો તે મિથ્યાત્વ છે. જેના પ્રભાવે જીવને સાચ્ચું દર્શન નથી થતું. જ્ઞોય, હેય, ઉપાદેય તત્વોને તે-તે રૃપે માનવા ન દેવા તેનું નામ મિથ્યાત્વ. જિનશાસનને પામ્યા પચી આત્માએ મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યકતાને સ્વીકારવું જોઈએ. વીતરાગ એ મારા દેવ છે, પંચમહાવ્રતધારી સાધુ ભગવંતો એ મારા ગુરુદેવ છે. વીતરાગ પરમાત્માએ પ્રરૃપેલો ધર્મ એ મારો ધર્મ છે. આવી પ્રતિજ્ઞા, આવી નિષ્ઠા… એનું નામ સમ્યગદર્શન. એને ડાઘ ન લાગે તેની કાળજી લેવી જોઈએ. એ માટે સમ્યકત્વ સપ્તતિકા, સમકિતતા ૬૭ બોલની સજઝાય જેવા ગ્રંથોનો સ્વાધ્યાય કરવો જોઈએ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે : દાનાદિક કિરિયા નવિ દીએ, સમકિત વિણ શિવશર્મ તે માટે સમકિત વડું, જાણો પ્રવચન મર્મ. દાન, શીલ વગેરે ગમે તેટલો ધર્મ કરો… પણ જો સમ્યકત્વ નથી તો તે ધર્મ તમને મોક્ષ મહેલ સુધી નહિ પહોંચાડે. સંબોધ પ્રકરણ જેવા ગ્રંથમાં તો ત્યાં સુધી લખી દીધું છે… ચારિત્ર વગર (વ્યવહાર ચારિત્ર) મોક્ષે જઈ શકાય છે. પણ સમ્યગદર્શન વગર આજ સુધી કોઈ મોક્ષમાં ગયું નથી. પરમાત્મભક્તિ, પૂજા વગેરે સમ્યગદર્શનને ટકાવવા માટેના આચારો છે. આવા મહાન સમ્યગ દર્શનને રોજ રાત્રે સૂતા પૂર્વે આચાર્યભગવંતો અને શ્રમણ/શ્રમણીઓ આજે પણ.. અરિહંતો મહદેવો, જાવજજીવં સુસાહુણો ગુરુણો જિણપન્નત્તં તત્તં ઇએ સમ્મત્તં મએ ગહિઅં ।। આ ગાથા બોલીને યાદ કરતા હોય છે. સમ્યકગદર્શનને આપણે આપણા પ્રાણોથીય વિશેષ રીતે જાળવી લેવું જોઈએ.

|| ૧૩. અણુવ્રત સ્વીકાર ||

શ્રાવક સંસારમાં રહે તો તેણે પાપથી બચવા માટે બારવ્રતનો સ્વીકાર કરોવ જોઈએ. આ બાર વ્રતના અનુક્રમે નામો છે : ૧. સ્થૂળથી પ્રાણાતિપાત વિરમણ. ૨. સ્થૂળથી મૃષાવાદ વિરમણ . ૩. સ્થૂળથી અહત્તાદાનવિરમણ . ૪. સ્થૂળથી અબ્રહ્મસેવન વિરમણ . ૫. સ્થૂળથી પરિગ્રહ વિરમણ . ૬. દિક્પરિમાણ . ૭. ભોગોપભોગ પરિમાણ . ૮. અનર્થંદડ વિરમણ ૯. સામાયિક . ૧૦. દેસાવગાસિક ૧૧. પૌષધોપવાસ ૧૨. અતિથિ સંવિભાગ આ બાર વ્રત અને નિયમો ગુરુમહારાજ પાસે વિસ્તારથી સમજી પ્રત્યેક શ્રાવકોએ વર્ષમાં એક વખત નાણ સમક્ષ ઉચ્ચરવા જોઈએ.

|| ૧૪. દીક્ષા સ્વીકાર ||

અણુવ્રતનું પાલન કરતા કરતા જીવના ચારિત્રમોહનનીય કર્મ તૂટે છે. એમ કરતા જીવને ચારિત્રના પરિણામ થાય છે. માટે પાછલી વય પછી શ્રાવકોએ ચારિત્ર લેવામાં આળસ ન કરવી. દશવૈકાલિક સુત્રમાં લખ્યું છે : ‘પચ્છા વિ તે પયાયા જિપ્પં ગચ્છંતિ અપરભવણાઇં’ જેઓ પાછલી વયે પણ ચારિત્ર જીવન સ્વીકારે છે… તેઓ શિઘ્ર દેવલોકમાં જાય છે.

|| ૧૫. આરંભ ત્યાગ ||

ચારિત્ર મોહનીયના ઉદયે કદાચ જીવ ચારિત્રજીવન ન સ્વીકારી શકે અને સંસારમાં રહેવું પડે તો બને તેટલા આરંભ/ સમારંભ પોતાના જીવનમાંથી ઘટાડી દેવા જોઈએ. સરકારી નોકરી વગેરેમાં પણ ૬૦ વર્ષની વય થતા રિટાયરમેંટ હોય છે. વિશિષ્ટ શક્તિ હોય તો શ્રી સંઘની પેઢીમાં સમયનો ભોગ આપી પોતાની સદ્બુધ્ધિનો સદુપયોગ કરવો જોઈએ.

|| ૧૬. બ્રહ્મચર્યવ્રતપાલન ||

ચારિત્ર જીવન સ્વીકારવા જેઓ અશક્ત હોય એણે અડધી દિક્ષા સ્વરૃપ બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરવો જોઈએ. બ્રહ્મચર્યનો મહિમા અપાર છે. કવિઓ કહે છે : ‘બ્રહ્મચારીનું ચિંતવ્યું, કદીય નિષ્ફળ ન જાય.’ એમ કહેવાય છે : બ્રહ્મચર્ય પાલનના મહિમાથી પેથડશાની શાલ જે ઓઢે તેના રોગ દૂર થઈ જતાં. વીસમી સદીના અનેક મહાપુરુષોમાંના એક હતા… સિધ્ધાંત મહોદધિ પૂ. ગુરુદેવ શ્રી પ્રેમ સૂરિ મહારાજ. એમના નામ સ્મરણમાં એવી તાકાત હતી… ભલભલાના મોહના વિષ ઉતરી જતા. બ્રહ્મચર્યના પ્રભાવે શ્રી સ્થુલિભદ્રજી ૮૪ ચોવીસી સુધી અમર થઈ ગયા.

વીરવિજયજી મહારાજ પણ ‘એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે’ કહી આ વ્રતનો ખૂબ મહિમા ગાયો છે.

શ્રાવકે અમૂક વય થયા પછી, પરિવાર વગેરે થઈ ગયા પછી સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવુ જોઈએ. બ્રહ્મચર્યવ્રતનો અર્થ માત્ર એટલો જ નથી સમજવાનો કે પત્ની સાથે વિષય સુખ ભોગવવાનો ત્યાગ. બ્રહ્મચર્યનો અર્થ ખૂબ વિશાળ ફલક પર છે. પાંચ ઇન્દ્રીયોના વિષયોથી પરાઙમુખ બની આત્મામાં લીન બનવાનુ છે.

આ વ્રતનું પાલન કરવા માટે ટીવી અને મુવી વગેરેનો ત્યાગ કરી દેવો જોઈએ. લગ્ન વગેરે સામાજિક પ્રસંગોમાં પોતાને બદલે પરિવારને મોકલવા જોઈએ. હોટેલ, હીલસ્ટેશન, પાર્ટી વગેરેને દૂરથી સલામ કરી દેવા જોઈએ. આવી બધી મર્યાદાઓ સાથે આ વ્રતનું પાલન કરાય તો આ વ્રત નિરતિચાર બને છે.

|| ૧૭. શ્રાવકની ૧૧ પ્રતિમા વહન કરવી ||

આમાં એક-એક મહિનાથી વૃદ્ધિ સાથે શ્રાવકની ૧૧ પ્રતિમાઓ વહન કરવાની છે અને તેના દ્વારા સત્વ વિકસાવવાનું છે. પ્રથમ પ્રતિમા : ૧ મહિના સુધી અતિચાર વિનાનું સમ્યક્ત્વ પાલન-દેવપૂજા કરવી. બે મહિના સુધી વિરાધના વિના અણુવ્રત પાવન. ત્રીજી પ્રતિમા : ૩ મહિના સુધી ઉભયંટક સામાયિક કરવા. ચોથી પ્રતિમા : ૪ મહિના સુધી પર્વ તિથિએ અખંડ પૌષધ કરવા. પાંચમી પ્રતિમા : પાંચ મહિના સુધી પર્વતિથિએ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું (વિકાર બનવું). છઠ્ઠી પ્રતિમા : ૬ મહિના સુધી સતત નિરતિચાર બ્રહ્મચર્ય પાળવું. સાતમી પ્રતિમા : ૭ મહિના સુધી સચિત વસ્તુનો ત્યાગ. આઠમી પ્રતિમા : ૮ મહિના સુધી કોઇપણ જાતનો આરંભ-સમારંભ ન કરાવો. ૯મી પ્રતિમા : ૯ મહિના સુધી નોકરાદિ પાસે પણ આરંભ-સમારંભ ન કરાવવો. ૧૦મી પ્રતિમા : ૧૦ મહિના સુધી માથું મુંડાવી ચોટલી રાખી પોતા માટે બનાવેલો આહાર ન લેવો. ૧૧મી પ્રતિમા : ૧૧ મહિના સુધી ઘર છોડી-મૂંડન કે લોચ કરાવી ઓથા પાત્રાદી સાધુવેશ રાખવો. સાધુ જેવા આચાર પાળવા પણ ધર્મલાભ શબ્દ નહીં બોલવો.

|| ૧૮. અંતિમ આરાધના ||

શ્રાવક તરીકેની આરાધના કરતા કરતા જ્યારે મૃત્યુ નજીક લાગે ત્યારે આહારત્યાગ અને કષાયત્યાગ રૃપ દ્રવ્ય-ભાવ સંલેખના કરી વિવિધ અંતિમ આરાધનાઓ સ્વિકારી લેવી.પુણ્યપ્રકાશના સ્તવનમાં એ અધિકારો દર્શાવ્યા છે. જેમાં આલોચના-પ્રતિક્રમણ-ક્ષમાપના-અતિચાર ત્યાગ-મમત્વ ત્યાગ-ચાર શરણ સ્વિકાર-દુષ્કૃત ગર્હા-સુકૃત અનુમોદના વગેરે કરવાના હોય છે. સંથારા દીક્ષાની સંભાવના હોય, તો એ કરી લેવી. અન્યથા શત્રુંજયાંદિ તીર્થોની યાત્રા કરી અચિત્ત ભૂમિ પર સંથારો પાથરી અનસન કરી સમાધિપૂર્વક દેહત્યાગ કરવો. પરિવારજનોએ પણ રડવું વગેરે કે સંસારસંબંધી પૂછપરછ કરવી વગેરે કરી મોહભાવમાં નહી લઇ જતા સકૃતોની જાહેરાત કરી એમને સુકૃતોની અનુમોદનામાં લઇ જવા. આ જ રીતે જીવનભરના ૧૮ કર્તવ્યો બજાવી માનવભવ સફળ કરો તે જ શુભેચ્છા.

 

 

 

 

Leave a comment