શ્રી રામકથા

5

|| શ્રી રામકથા ||

શ્રી રામ સત્‍ય છે. શ્રી સીતાજી ભક્તિ છે અને લક્ષ્‍મણ વૈરાગ્‍ય છે. માણસના જીવનમાં ત્‍યાગની ભાવના આવતાં તે ભક્તિ તરફ વળે છે. ત્‍યાગની ભાવના એ પણ એક પ્રકારની ભક્તિ છે. ત્‍યાગની ભાવના આવતાં માણસ સારા કાર્યો કરવા પ્રેરાય છે અને કરેલા સત્‍કર્મો પ્રભુ પ્રાપ્‍તિનું સાધન બને છે. માણસના જીવનમાં સત્‍યનું આગમન થાય એટલે કામાદિ દોષ નાશ પામે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્‍સર આદિ દુર્ગુણો એટલે કે આસુરી તત્‍વોનો નાશ થાય છે અને દુર્ગુણોનો નાશ થતાં સત્‍વગુણ પ્રધાન બને છે. સત્‍વગુણ પ્રધાન બનતાં પ્રભુનો સાક્ષાત્‍કાર થાય છે. એટલે એમ કહી શકાય કે રામાયણ એ નરમાંથી નારાયણ બનવાનો હાઇ-વે છે. રામાયણ માણસને જીવન જીવતાં શીખવે છે અને ભાગવત માણસને મરતાં શીખવે છે. આ જીવ ચોર્યાસી લક્ષ યોનીમાં ભમતો ભમતો મનુષ્‍ય જન્‍મ પામે છે. સત્‍કાર્યો તો મનુષ્‍ય જન્‍મમાં જ થઇ શકે છે. માટે જ તો ભગવાન શ્રી રામે માનવ દેહ ધારણ કરી પોતાના આચરણથી જીવન કેવી રીતે જીવાય તેનો રસ્‍તો બતાવ્‍યો છે.

આ એક કથા શ્રી શિવજી, શ્રી યાજ્ઞવલ્‍કયજી, શ્રી કાગભુસુંડીજી અને શ્રી તુલસીદાસજી એમ ચાર વક્તાઓ દ્વારા કહેવાય છે. શ્રી શિવજી મહારાજ જ્ઞાનના ઘાટ પરથી, શ્રી યાજ્ઞવલ્‍કયજી મહારાજ કર્મના ઘાટ પરથી, શ્રી કાગભુસુંડીજી ભક્તિના ઘાટ પરથી તથા શ્રી તુલસીદાસજી શરણાગતીના ઘાટ પરથી કથા કરે છે.

રામાયણ એક વિશાળ પટ પર ચાલતી એક ગૃહકથા છે. અત્‍યારે યંત્રયુગ ચાલે છે. માણસનું જીવન પણ યંત્રવત્ બની ગયું છે. આ યંત્રયુગમાં માણસ એકલતાનો અનુભવ કરે છે. આ યુગમાં માનવીય સંબંધોને પોષણ ઓછુ મળે છે. માણસ સ્‍વકેન્‍દ્રી બન્‍યો છે. એક દિલથી બીજા દિલનો મેળ ખાતો નથી. લોકોનું મનોસ્‍વાસ્‍થ્‍ય અને સમાજનું સ્‍વાસ્‍થ્‍ય બગડયું છે. આવી વિષમ પરિસ્‍થિતિમાં રામાયણ શાંતિ આપે છે અને માણસને માર્ગદર્શન પુરૂ પાડે છે.

સુદ્રઢ કુટુંબની વ્‍યાખ્‍યા રામાયણે આપી છે. આજે ઘર ઘર નહિં રહેતા લોજીંગ અને બોર્ડીંગમાં પરિવર્તિત થઇ ગયા છે. ત્‍યારે રામાયણ કુટુંબ ભાવનાને જાગૃત કરી માણસને જીવન જીવતાં શિખવે છે.

તુલસીદાસજી મુસ્‍લીમ યુગમાં થઇ ગયા. તે યુગમાં વિધર્મીઓ દ્વારા મૂર્તિઓના ટુકડા કરી તેના પગથીયા બનાવતા અથવા તોલમાપમાં તેનો ઉપયોગ કરતા. તેવી વિષમ પરિસ્‍થિતિમાં પણ રામાયણનું બહુમાન થયું છે. રામાયણ એ કોઇ એક દેશનો, કોઇ એક વર્ણનો ગ્રંથ નથી પરંતુ રામાયણ એ જીવ માત્રનો વૈશ્ચિક ગ્રંથ છે. જેનું ચિંતન જીવ માત્રનું કલ્‍યાણ કરે છે.

Leave a comment