શ્રી શત્રુંજયતિર્થની ચૈત્રી પૂનમ ની કથા

  1

|| શ્રી શત્રુંજયતિર્થની ચૈત્રી પૂનમ ની કથા ||

વર્ષની બાર પૂર્ણિમા મધ્યે ચૈત્રીપૂનમનું માહાત્યમ ઘણું જ છે,તે અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનાર છે.ચૈત્રી પુનમના દિવસે અનેક વિદ્યાધર, ચક્રવર્તી વિગેરે મહાપુરુષો વિમલગિરિ તીર્થ ઉપર મોક્ષે ગયા છે. શ્રી ઋષભદેવ પ્રભુ ના બે પુત્રો નમિ અને વિનમિ અને તેમના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામી પાંચ ક્રોડ સાધુના પરિવાર સાથે મુક્તિપદ ને પામ્યા છે.તેથી ચૈત્રી પૂનમનો દિવસ ઉત્તમ છે.

શ્રી ઋષભદેવ સ્વામીએ દિક્ષા લીધી ત્યારે તેમના રાજ્યો ભરત અને બાહુબલી વગેરેને સોપ્યા,તેમાં તક્ષશિલાનું રાજ્ય બાહુબલીને અને અયોધ્યાનું રાજ્ય ભરત ને સોપ્યું.તથા અન્ય રાજ્યો અન્ય પુત્રોને સોપ્યા.

ભગવાનની દિક્ષા સમયે નમિ અને વિનમિ હાજર નહોતા તેથી તેમને રાજ્ય નો હિસ્સો મળ્યો નહી.પરદેશથી આવીને ભરત રાજાને પૂછ્યું કે હે ભરત આપણા પિતાશ્રી ક્યા ગયાં ? ત્યારે ભરતે કહ્યું તેમને દિક્ષા લીધી છે. એટલે તેઓ તેમની પાસે રાજ્યની માંગણી કરવા ગયા.ભગવાન તો નિસ્પૃહી હતા.તેમની પાસે રાજ્યની માંગણી કરે તો પણ શુ આપે ? તેથી નમિ અને વિનમિ તેમની સેવા કરવા પાછળ પાછળ ફરવા લાગ્યા.સવાર સાંજ ભગવાન ને વંદન કરે છે અને ફરી ફરી રાજ્યની માગણી કર્યા કરે છે.આ રીતે ઘણા વખત સુધી ભગવાન ની પાછળ ફર્યા.એક દિવસ ધરણેન્દ્ર ભગવાન ને વંદન કરવા આવ્યા ત્યારે ધરણેન્દ્ર નમિ અને વિનમિ ને ભગવાન ની સેવા કરતાં જોઇને પ્રસન્ન થઇ અડતાલીશ હજાર સિદ્ધિ વિદ્યાઓ આપી.સોળ વિદ્યાદેવીઓ નું આપ્યું અને વૈતાઢ્ય ગિરિ ની દક્ષિણ દિશામાં રથનુંપુર,ચક્રવાલ વગેરે પચાસ હજાર રાજ્યો વસાવી આપ્યા.તથા ઉત્તર દિશા માં ગગન વલ્લભ વિગેરે સાઠ શહેરો વસાવી આપ્યા.આ રીતે નમિ અને નમિ વિશાલ રાજ્ય પામ્યા. ઘણાં વરસ સુધી રાજ્યનું સારી રીતે પાલન કરી,અંતે દિક્ષા અંગીકાર કરી.ચૈત્રી પૂનમમે શ્રી વિમલાચલ તીર્થ પર આવી શ્રી ઋષભદેવ સ્વામીને વંદન કરી બે ક્રોડ મુની સાથે મુક્તિપદ પામ્યા.

શ્રી ઋષભદેવ સ્વામીના ગણધર શ્રી પુંડરિકજી પણ ચૈત્રી પૂનમ ના દિવસે વિમલાચલ ગિરિ ઉપર મોક્ષપદ પામ્યા.આ જ કારણથી શ્રી સિદ્ધચલ તીર્થને પુંડરિકગિરિ પણ કહેવાય છે.શ્રી ઋષભદેવ સ્વામી છદ્મસ્થ અવસ્થામાં વિચારતાં વિચારતાં પુરિમતાલ ની પાસે શકટ નામના ઉદ્યાન માં આવ્યા.તે જ ઉદ્યાનમાં તેઓશ્રીને કેવલજ્ઞાન ઉતપન્ન થયું.ત્યારે દેવતાઓએ સમવસરણ ની રચના કરી. આ જોઇને વનપાલકે ભરત રાજાને કેવલજ્ઞાનની વધામણી આપી.તે સંભાળીને ભરત રાજા અંત્યંત હર્ષ પામ્યો.એ જ વખતે બીજો પણ સેવક આવ્યો વધામણી આપતા તેને કહ્યું,હે મહારાજ ! આયુધ શાળામાં ખુબ જ તેજસ્વી રત્ન ઉત્પન્ન થયું છે.આ બન્ને વધામણી સાંભળી ભરત રાજા વિચારમાં પડ્યો. બે માંથી કંઈ વધામણી ને વધારે મહત્વ આપવું ? કેવલજ્ઞાન મહોત્સવ કરૂ તો ભવોભવ નો અર્થ સરે એમ વિચારી કેવલજ્ઞાન મહોત્સવ કરવો એમ નક્કી કર્યું.

ભરતરાજા મારુદેવા માતાને હાથી પર બેસાડી સમોવસરણ ની દિશામાં લઇ જાય છે ત્યાં રસ્તામાં મારુદેવા માતાને અનિત્ય ભાવના ભાવતા કેવલજ્ઞાન અને પછી તરત મોક્ષ થાય છે.ભરતરાજા મારુદેવા માતાના દેહને ક્ષિર સમુદ્રમાં પધરાવી, શોક નિવારીને ભગવાન પાસે આવીને તેમને વંદન કરી અને ભગવાન ની દેશના સાંભળવા બેઠા.ત્યાર બાદ શ્રાવકના બાર વ્રતો અંગીકાર કર્યા.ત્યાં ધર્મોપદેશ સંભાળીને ભરતરાજાના પુત્ર પુંડરીક અને ઘણાં પુત્ર-પુત્રાદિકો એ દિક્ષા અંગીકાર કરી.

શ્રી ઋષભદેવસ્વામીએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.તેમાં સૌ પ્રથમ શ્રી પુંડરિકસ્વામીની પ્રથમ ગણધર ની પદવી થઇ.એક વખત પુંડરીક સ્વામી પાંચ ક્રોડ મુનીઓ સાથે સોરઠ દેશ આવ્યા,અનેક રાજાઓ,શેઠીઆઓ, સેના પતિઓ વગેરે તેમને વંદન કરવા આવ્યા,પુન્ડરિકજિએ ધર્મોપદેશ આપ્યો,વ્યાખ્યાન સમય કોઈ એક ચિંતાતુર સ્ત્રી પોતાની મહાદુઃખી વિધવા દીકરીને લઈને ત્યાં આવી.

શ્રી પુંડરીક સ્વામીને વંદન કરીને પુછવા લાગી,મહારાજ ! મારી દીકરીએ પૂર્વભવ માં એવા ક્યા કર્મો કર્યા છે કે હસ્ત મેળાપ વખતે તેનો ભર્તાર(પતિ) મરી ગયો.ચારજ્ઞાન ના ધણી શ્રી પુંડરીક સ્વામીજીએ કહ્યું,અશુભકર્મ નું ફળ અશુભ જ હોય છે,પ્રાણીઓ પોતાના કરેલા શુભાશુભ કર્મના જ ફળ પામે છે,પણ અન્ય વસ્તુઓ અને પ્રાણીઓ તો માત્ર નિમિત્ત જ હોય છે.એનો પૂર્વભવ સાંભળો.

ચંદ્રકાન્તા નામની નગરીમાં સમરથ નામનો રાજા અને ધારિણી નામે તેની રાણી છે.તે જ નગરમાં એક મહા ધનવાન પરમ શ્રાવક ધનાવહ નામનો શેઠ છે.તે શેઠની બે પત્નીઓ એકનું નામ ચંદ્રશ્રી અને બીજી મિત્રશ્રી. એક દિવસ ચંદ્રશ્રી મર્યાદાનું ઉલ્લંધન કરીને પોતાની શોક્ય મિત્રશ્રી ને બદલે પોતે પતિ પાસે ગઈ.ત્યારે તેનો ભર્તાર પૂછે છે કે આજે તારો વારો નથી છતાં પણ મર્યાદા મુકીને કેમ આવી ? મર્યાદા છોડાવી એ કુળવાન સ્ત્રીને યોગ્ય નથી.આવું સાંભળી ચંદ્રશ્રી કૂબ ગુસ્સે થઇ અને પોતાની શોક્ય મિત્રશ્રી પર દ્રેષ રાખવા લાગી.એક દિવસ ચંદ્રશ્રી પોતાના પિતાના ઘરે ગઈ અને મંત્ર તંત્ર દ્વારા મિત્રશ્રી ના શરીરમાં ડાકણ નો પ્રવેશ કરાવ્યો. તેથી મિત્રશ્રી ની સુંદરતા ચાલી ગઈ. તેથી ધનાવહ શેઠ ચંદ્રશ્રી ને વશ થયો.થોડા સમય પછી શેઠને હકીકતની જાણ થતા તેમને ચંદ્રશ્રી નો ત્યાગ કર્યો.ચંદ્રશ્રી શ્રાવકધર્મ પાળતી હોવા છતાં ઘણાં અશુભ કર્મોનો બંધ કર્યો અને આલોયના લીધા વિના મૃત્યુ પામી અને તારી પુત્રી તરીકે અહી અવતરી છે.પૂર્વભવમાં મિત્રશ્રી ને પતિનો વિયોગ કરાવ્યો તેથી વિષકન્યા થઇ છે.એ જ અશુભ કર્મના લીધે તેનો પતિ મરી ગયો.

તેની માતા એ ફરીથી પૂછ્યું હે સ્વામી ! આજે મારી દીકરી ગળે ફાસો ખાઈને આપઘાત કરતી હતી ત્યાંથી બચાવીને હું તેને અહી લાવી છું,તેથી આપ તેને દુઃખ હરનારી દિક્ષા આપો.ત્યારે શ્રી પુંડરીક સ્વામીએ કહ્યું,આ તારી દીકરી દિક્ષા લેવાને પણ લાયક નથી.ફરી વખત માતા વિનંતી કરે છે,મહારાજ ! આપ તેને યોગ્ય ધર્મચરણ બતાવો.ત્યારે પુંડરીક સ્વામીએ ચૈત્રી પૂનમનું વિધિપૂર્વક આરાધન કરાવો તેનાથી અશુભ કર્મો નાશ પામશે.

આ પ્રમાણે ચૈત્રી પૂનમનું મહત્યમ સાંભળી ને કન્યાએ ખુબજ હર્ષપૂર્વક ચૈત્રી પૂનમનું વ્રત અંગીકાર કર્યું,અને ભાવ પૂર્વક ચૈત્રી પૂનમનું તપ કરી છેવટે અનસન કરી આયુપૂર્ણ કરીને સૌધર્મ દેવલોક માં દેવ બની.ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં શેઠને ત્યાં પુત્રપણે જન્મ લેશે પંદર સ્ત્રીઓ અને પંદર પુત્રો થશે.અંતે દિક્ષા લઇ મોક્ષે જશે.ભવિષ્યમાં ઘણાં જીવો ચૈત્રીપૂનમનું તપ કરીને મોક્ષે જશે. ઉપરાંત શ્રી કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રદ્યુમ્ન,દશરથ પુત્ર ભરત,શુક મુનિરાજ,પંથકજી ,રામ,દ્રવિડરાજા,નવ નારદ,પાંચપાંડવ વગેરે સિધ્ધાચલગિરિ ઉપર મોક્ષને પામ્યા છે.

ચૈત્રી પૂનમના દિવસે જે શુભભાવ પૂર્વક ઉપવાસ કરીને શ્રી સિદ્ધાચલ ની યાત્રા કરે તે જીવ નરક કે તીર્યંચ ગતિમાં ન જાય.ચૈત્રી પૂનમે સ્નાત્રજલ ઘરમાં લાવીને હંમેશા છાંટે તે સંપદા પામે. ચૈત્રી પૂનમનું જો ભવીજીવ આરાધન કરેતો મોક્ષપદ પામે,ચૈત્રી પૂનમે શત્રુંજય તીર્થ પર રહેલ પ્રતિમાઓનું પૂજન કરવાથી શ્રી નંદીશ્વરદ્વિપમાં રહેલ શાશ્વતા ભગવાન ની પૂજા કરતાં અધિક પુણ્ય પ્રાપ્ત થાય છે. ચૈત્રી પૂનમે કોઈ મનુષ્ય કોઈપણ જગ્યાએ રહીને શ્રી ઋષભદેવની તેમજ પુંડરીક સ્વામીની પૂજા કરેતો દેવતાઈ સુખો પામે છે.ચૈત્રી પૂનમે કરેલી ધાર્મિક ક્રિયાઓ પાંચ કરોડ ઘણું ફળ આપે છે.તેથી જે પ્રાણી શુદ્ધ વિધિપૂર્વક ચૈત્રી પૂનમે આરાધના કરે,તે પોતાના સ્થાનમાં રહીને પણ ભાવના ભાવતો ભાવતો તીર્થયાત્રાનું ફળ પામે છે.

Leave a comment